પારુલ બારોટ
સોનેટ : છંદઃ મંદાક્રાંતા
ના જાણો એ રીતથી હળવે શ્વાસમાં પાસ આવે,
એવી રીતે રમત રમતું જીવ સાથે હંમેશા,
આંખો કોરી નિરખી રહીને હોશ દેતું ઉડાડી,
પીડાના કૈ વમળ ઉઠતાં વેદનાથી ભરેલાં,
નાડી તૂટે નસ નસ સહેજે,ખેલ ખેલે ધૂતારું!-
મૂંઝારાથી ઘણું પજવતું વિષ કન્યા સરીખું,
વીંછી જેવું રવ રવ ચઢે ઝેરની જેમ અંગે!
લે જાશે એ અકળ ગતિએ જીવ કોની ય સંગે,
તંબૂરાના રણઝણી થતાં તાર તૂટી પડે જ્યાં,
કોરા ધાગા, તિલક, ગજરા , મુખ ગંગા ચ વંદા,
સ્કંધ લૈ ને સ્વજન સઘળાં કાયમી દે વિદાઈ,
જોતાં સૌએ, સજળ નયને છૂટતાં સાથ ન્યારો,
મૃત્યુ ઓઢી જલ પર જતો દીપુ ડૂબી જવાનો,
ફૂલે ગૂથ્યો છબી ઉપરનો હાર મ્હેંકી જવાનો,
આસ્વાદ
દેવિકા ધ્રુવ
મૂળ ખેરાલુના પણ અમદાવાદમાં અભ્યાસ કરી સ્થાયી થયેલાં પારુલબહેન બારોટના આઠ પુસ્તકો પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે. તેમાં સૌથી વિશેષતા તેમના ‘ત્રિદલ’ નામના સોનેટ સંગ્રહની ગણી શકાય. કારણ કે, સૉનેટ કવિતાકલાની કલગી છે. તેમાં પણ પારુલબહેને સાહિત્ય જગતને એક સોનેટ નહિ પરંતુ સોનેટ સંગ્રહ આપ્યો છે.
મંદાક્રાંતા છંદમાં ૮ અને ૬ ના ભાગ કરી લખાયેલ આ ચૌદ લીટીનું સોનેટ કવયિત્રીની કવિતા પ્રકારની સ્પષ્ટ સમજ દર્શાવે છે. વિષયને અનુરૂપ છંદની પસંદગી એ તેમની બીજી વિશેષતા. ‘મૃત્યુ-સંવાદ’ શિર્ષક કરુણતાનો ઓછાયો ઊભો કરતો હોઈ કવિ શ્રી કલાપીની ‘રે,પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો’ની જેમ મંદાક્રાંતા છંદમાં વધુ બેસે છે.
આ કવિતામાં પીડા કરતાં વાસ્તવિકતાની વાત વધુ વર્તાય છે. અહીં કોઈના અવસાનની વાત જ નથી. હકીકતનું બયાન છે. કેવું છે એ ?
‘ના જાણો એ રીતથી હળવે શ્વાસમાં પાસ આવે’…માનવી સુખેથી જીવન જીવી રહ્યો હોય છે. એની પ્રવૃત્તિશીલ દુનિયામાં વિચાર સુદ્ધાં નથી કરતો કે ક્યારેક મૃત્યુ એની પાસે પણ આવવાનું જ છે, એટલી સહજતાથી એ પાસે જ રહે છે! ‘એવી રીતે રમત રમતું જીવ સાથે હંમેશાં’ ઉચિત શબ્દો પ્ર્યોજ્યા છે. એની ગતિ-રીતિનું વર્ણન કરતા કવયિત્રી યોગ્ય રીતે જ આગળ વધે છે. એ કેવી જુદી જુદી રીતે આસપાસ રમતું રહે છે તેનું વર્ણન કરતા પ્રત્યેક શબ્દો અલગ અલગ ચિત્રો ઊભા કરે છે.
કવયિત્રી કહે છે કે કોઈની આંખ કોરી અને બાકી બધું બેહોશ! કોઈને કંઈક નાની નાની પજવતી પીડા તો કોઈને અસાધ્ય રોગની લાંબી બિમારી. આ તો થયો શબ્દોનો વાચ્યાર્થ. પણ એની પાછળની વ્યંજના તો આધિ,વ્યાધિ,ઉપાધિ ત્રણેની વ્યથાનો ગર્ભિત અર્થ છૂપાયો છે.
“વીંછી જેવું રવ રવ ચઢે ઝેરની જેમ અંગે!
લે જાશે એ અકળ ગતિએ જીવ કોની ય સંગે,
જીવ, જીવન અને જગતની જેમ જ અંતિમ ક્ષણની અકળ ગતિને કોણ જાણી શક્યું છે? ગહન એવા આ વિષયને એક નાનકડો પ્રશ્નાર્થ કરી છોડી દીધો છે. એની ઝાઝી પીંજણ કરવાનો અર્થ પણ શો? જેને કોઈ ટાળી શક્તું નથી, જે સનાતન સત્ય છે અને સૌને સ્પર્શે છે એને સ્વીકાર્યા વગર ક્યાં કશો છૂટકો પણ છે! અહીં ગીતાनो શ્લોક યાદ આવ્યા વગર રહેતો નથી. जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च |
આટલા અને આવા કથન પછી કવિતાના બીજા ભાગમાં એક વળાંક આવે છે અને તે છે આખરી વિદાયની ખરેખરી વેળા. રણઝણતા તંબૂરાના તાર તૂટી પડે પછી શું થાય છે? અચાનક બધી જ ગતિ-વિધિ બદલાઈ જાય છે. સૂરીલુ સંગીત બંધ થઈ જાય છે. પળમાત્રમાં તો સઘળી જુદી ક્રિયાઓ શરૂ થઈ જાય છે. તિલક, દોરા, જાપ, મુખમાં ગંગાજળ, સ્વજનોનું ટોળું,અશ્રુભીની સૌની આંખો, કાંધે લઈ જતાં લોકો અને વિલીન થતો જતો જીવ. જાણે કે,
મૃત્યુ ઓઢી જલ પર જતો દીપુ ડૂબી જવાનો,
ફૂલે ગૂંથ્યો છબી ઉપરનો હાર મ્હેંકી જવાનો .
આ છેલ્લી બે પંક્તિમાં વ્યક્ત થયેલું અર્થનું ગાંભીર્ય સમજવા જેવું છે. કવયિત્રીએ એમ નથી કહ્યું કે, મૃત્યુ આવીને જીવને લઈ ગયું. એ તો કહે છે કે, જીવે મૃત્યુ ઓઢી લીધું! પાણી પર એક દીપ જે સાહજિકતાથી વહે છે, તેણે મૃત્યુને ઓઢી લીધું છે અને જળ પર જતો એ દીપ ડૂબી જાય છે; અને તે પછી ફૂલોથી ગૂંથેલો હાર છબી પર મહેકે છે. એટલે કે, જીવન દરમ્યાન જે સુગંધિત કામો કર્યા હશે તે જ તો અહીં સદા રહે છે. શબ્દોની અભિધા પાછળ છૂપાયેલો આ ઊંચો ભાવ એ કવિતાનો કસબ.
સોનેટ કાવ્યમાં ૧૪ પંક્તિઓ હોય. પંક્તિનું માપ ન ઓછું કે ન દીર્ઘસૂત્રી હોવું જોઈએ. એટલે કે ૧૪ થી ૧૯ અક્ષરનું પ્રાધાન્ય રહે તે મુજબ આ ૧૭ અક્ષરમાં ગૂંથાયેલું છે. શ્રી ઉમાશંકર જોશીએ કહ્યું છે તેમ સોનેટમાં કાવ્યતત્ત્વની દૄષ્ટિએ કવિતાનો બીજો ભાગ ઉચ્ચતર હોવો જોઈએ. તેમાં વળાંક,મરડ,ગુલાંટ અને આછો લહેકો પણ હોવો જરૂરી છે. તે ઉપરાંત સોનેટના ૮ અને ૬ એવાં બે સ્પષ્ટ ઘટકો હોવાં જોઈએ. તે રીતે આ સોનેટ સરસ બન્યું છે. એકાદ બે જગાએ નાનકડો છંદદોષ કે છૂટ લીધી વરતાઈ છે જે બેશક ક્ષમ્ય છે.
તે સિવાય આખી કવિતામાં વિષયનો સહજ ઉઘાડ, ક્રમિક ગતિ, યોગ્ય શબ્દોની ગૂંથણી છે. ગહન કથિતવ્યની સ્પષ્ટતા છતાં ઊંડો મર્મ અને આ બધાંની વચ્ચે સોનેટનું સ્વરૂપ જળવાયું છે. શિર્ષકમાં પણ ‘મૃત્યુસંવાદ’ કહી કોની સાથેનો સંવાદ સૂચવ્યો છે? જાતનો જીવ સાથેનો કે જીવનો ઈશ્વર સાથેનો? એમ પણ માની શકાય કે, જીવનની કલ્પના અને વાસ્તવિકતાનો સંવાદ? વિસંવાદ! કે પછી હયાત વ્યક્તિનો છબી સાથેનો સંવાદ!
વિષય નવો ન હોવા છતાં નવી રીતે કહેવાયો છે જે નોંધનીય છે.
કવયિત્રી પારુલબહેન બારોટને ખૂબ અભિનંદન.
દેવિકા ધ્રુવ : http://devikadhruva.wordpress.com | ddhruva1948@yahoo.com