ઊમરો ઘણાં વરસે થયો. એક વાર ત્રમઘૂટ વરસાદ આવતો હતો ને રામભાઈ ને હેમુભાઈ ઊમરાનો રોપ લઈ આવ્યા. વરસતા વરસાદે ઊમરો રોપ્યો. રામભાઈને હેમુભાઈ તે દિવસે કંઈ રાજી થયા ! “ઊમરો રોપ્યો, ઊમરો રોપ્યો.” એમ બોલતા જાય, કૂદતા જાય અને નહાતા જાય.
થોડા દિવસ થયા ને ઊમરો ચોંટી ગયો. નમી ગયેલાં પાન ટટ્ટાર થયાં; ઝાંખી ડાળીઓ ચળકવા લાગી; પાંચ દસ નાનાં નાનાં નવાં પાન આવ્યાં. રામભાઈ ને હેમુભાઈએ દોડાદોડ કરી મૂકી.
સૌને ઊમરા પાસે લઈ જાય ને બતાવે: ‘ જુઓ આ અમારો ઊમરો. ઊમરે નવાં પાન આવ્યાં છે.”
ઊમરો રોજ રોજ વધતો જાય ને નવાં પાન કાઢતો જાય; શ્રાવણનાં સરવડાંમાં નહાતો જાય અને લીલો લીલો થતો જાય. ચોમાસું ગયું ત્યાં તો ઊમરો હાથ બે હાથ વધી ગયો.
પછી તો શિયાળો આવ્યો. રામભાઈ હેમુભાઈ વખતે વખતે પાણી પાય, ક્યારો કરે, ખાતર નાખે ને નીચલાં પાન ને નીચલી ડાળીઓ કાઢી નાંખે. ઊમરો ઉપરથી નવાં પાન કાઢતો જાય ને નીચેનું થડ જાડું થતું જાય. શિયાળો ગયો ત્યાં તો ઊમરાનું થડ વધ્યું, જાડું થયું. ઊમરો નાનું એવું ઝાડ થયું.
પછી એમ થયું કે એનાં પાંદડાં ખરવાં લાગ્યાં. એક પાન ખર્યું, બે ખર્યાં ને કેટલાં યે ખર્યાં; લીલોછમ ઊમરો સૂકો લાગવા માંડ્યો; ચળકતો ઊમરો ઝાંખો પડ્યો; ભરેલો ઊમરો ઠૂંઠો દેખાયો.
રામભાઈ કહે ” ” એ તો પાનખર આવી છે તે પાંદડા ખરે.”
હેમુભાઈ કહે : ” તો કાંઈ ફિકર નહિ.”
રામભાઈ ને હેમુભાઈ ખરતાં પાંદડાંવાળી લ્યે કયાં પાંદડાં ખરી જશે તે જોયા કરે, પણ પાણી તો રોજ પાય.
એક વાર ડાળે ઝીણા ઝીણા પાંદડા બેસી ગયેલાં, આમ આઘેથી જોઈએ તો દેખાય નહિ એવાં; જરાક દૂરથી જોઈએ તો જાણે માખીઓ કે મચ્છર બેઠાં.
પણ બે ચાર દિવસો ગયા, બીજા છઆઠ દિવસો ગયા ને કૂંપળાં મોટાં થયાં, તગતગવા લાગ્યાં, ને ઊમરો આખો તડકામાં ચળકી રહ્યો. પખવાડિયું મહિનો ગયો ત્યાં તો ઊમરો હતો તેવો થઈ ગયો. ના, હતો તેનાથી વધારે થયો; હતો તેથી જાડો થયો; હતો તેથી ભરાવદાર થયો; હતો તેથી રૂડો થયો. વસંતે એને નવો નવો કરી મૂક્યો.
પછી ઉનાળો આવ્યો. તડકા તપ્યા. રામભાઈને ને હેમુભાઈએ ખાતરપાન દીધાં કર્યાં. એકે ડાળખી ન સુકાઈ; એક પાંદડું યે ન લંછાયું. ઊલટો રાત એ દિવસ એ કોળતો જ ગયો.
ઉનાળા પછી ચોમાસું આવ્યું. ચોમાસા પછી શિયાળો ને પાનખર, વસંત ને ઉનાળો; એમ ને એમ આવ્યા જ કર્યા. ચોમાસે ચોમાસે ઊમરે પાણી પીધું, શિયાળે શિયાળે પોઢો થયો, પાનખરે પાનખરે ઘડપણને કાઢી મૂક્યું, વસંતે વસંતે નવજુવાન થયો, અને ઉનાળે ઉનાળે તપી તપીને તેજસ્વી થયો.
કેટલાં યે વર્ષો વહી ગયાં. આંગણાંમાં જ ઊમરો મોટું ઝાડ થયું છે. રામભાઈ ને હેમુભાઈ એના ઉપર ચડે છે ને ડાળીઓ ઝુલાવે છે. નાનાં છોકરાં ઊમરાં પાડી આપે છે, ને પોતે પાકાં પાકાં ઊમરાં ખાય છે.
રાત પડે છે ને કેટલાં ય પક્ષીઓ ઊમરાને ઊમરે આવે છે ને રાત રહે છે. દિવસ પડતાં કેટલાં ય પક્ષીઓ આવે છે ને ઊમરાંને ખાધા કરે છે. ઊમરો પક્ષીઓનો ચબૂતરો થયો છે. પોપટનો પાર નથી. સૂડા ને કોયલ પણ આવે છે. જેને ઊમરાં ભાવે એ બધાં પક્ષીઓ ત્યાં આવે છે.
એક વાર ઊમરો વેંત જેવડો હતો; વેંતમાંથી હાથ, હાથમાંથી ગજ, ગજમાંથી માથોડું ને માથોડામાંથી વાંસ જેવડો ઊમરો થયો.
ઊમરો ઊંચો થયો ને રામભાઈ નીચા રહ્યા. નીચે ઊભાં ઊભાં પાંદડાને અડી ય ન શકાય. એક વાર ઊમરો રામભાઈ, હેમુભાઈથી નીચો હતો; હમણાં ઊમરાથી નીચા રામભાઈ ને હેમુભાઈ છે.
રામભાઈ હેમુભાઈએ એ ઊમરાને પાણી પાયું, ખાતર નાખ્યું; ઊમરો સૌને છાંયો આપે છે, ઊમરાં આપે છે.
અમારા આંગણાંમાં ઊમરો છે. રામભાઈ ને હેમુભાઈએ એક દિવસ એ આણેલો ને રોપેલો.
માહિતી સ્રોત : વિકિસ્રોત
કૂંપળ
કરમાતી વાસંતી વેલ, હાય! મારી ધીરજ ખૂટી.
જીવન ને મૃત્યુના ઝોલામાં, હાશ! આજ કૂંપળ ફૂટી.
ઓચિંતા એક દિન દીઠી, ને મરડીને યાદ મીઠી ઉઠી.
વાવેલી બાપુએ જતનથી, વીરાએ નીરથી સીંચેલી.
કોમળ કલાઈથી ઝૂલાવી, ફૂલો હું વીણતી ગુલાબી.
અદકા આનંદથી ગુંથેલી, તરસુ પળ પામવા વિતેલી.
કાળજી કરીને એને કાપી,
એક ભાવેણી ભગિનીએ આપી.
વાવી, વિલસી, પણ શીશીરે સતાવી,
મૂંઝાતી, શરમાતી, જાય એ સૂકાતી.
પણ આજ,
પ્રીતમના મોંઘેરા વેણ સમી,
હાશ! નવી કૂંપળ ફૂટી.
——- સરયૂ પરીખ
LikeLike