નિસબત

ચંદુ મહેરિયા

૨૦૧૭માં ભુવનેશ્વરમાં મળેલી ભારતીય જનતા પક્ષની રાષ્ટ્રીય કારોબારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પક્ષને ‘પછાત અને દલિત મુસ્લિમો’નું સંમેલન બોલાવવા અને તેમના પ્રશ્નો ચર્ચવા સલાહ આપી હતી. જાણે કે તેના પડઘારૂપ આ વરસે યોજાયેલી ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજ્યની બીજેપી સરકારે મદરેસા બોર્ડ, ઉર્દૂ અકાદમી  અને લઘુમતી બોર્ડના ચેરપર્સન તરીકે પસમાંદા કે પછાત મુસ્લિમોની નિમણૂક  કરી હતી. હવે યોગી આદિત્યનાથના બીજા મુખ્યમંત્રી કાળના પ્રધાનમંડળમાં પછાત મુસ્લિમ દાનિશ આઝાદને કેબિનેટ  મિનિસ્ટર બનાવ્યા છે. બીજેપીના આ વલણમાં વોટ બેન્ક પોલિટિક્સ છે. સમાજવાદી પાર્ટી હસ્તકની આઝમગઢ અને રામપુર લોકસભા બેઠકો અનુક્રમે અખિલેશ યાદવ અને આઝમ ખાનના રાજીનામાથી ખાલી પડી હતી. આ વરસના જૂનમાં આ બંને બેઠકો દલિત મુસલમાનોના ભાજપા તરફથી મતદાનથી બીજેપીએ જીતતાં ૨૦૨૨ની હૈદરાબાદ કારોબારીમાં વડાપ્રધાને ફરી પક્ષને દલિત મુસલમાનોનો વિશેષ ખ્યાલ રાખવા જણાવ્યું છે. રાજકીય ગણતરીઓને ઘડીભર બાજુ પર રાખીને પેટા ચૂંટણીના પરિણામ પર દલિત મુસલમાનોની અસર અને ઉત્તરપ્રદેશ સરકારમાં તેમના રાજકીય પ્રતિનિધિત્વને નોંધપાત્ર બાબત લેખી શકાય .

૧૯૪૬માં મહંમદ અલી ઝીણાના દ્વિરાષ્ટ્ર સિધ્ધાંતનો વિરોધ કરીને પછાત મુસ્લિમોની મોમિન કોન્ફરન્સે (જમીયતુલ મોમિનીન) મુસ્લિમ લીગના ઘણા ઉમેદવારો સામે ચૂંટણી લડી વિજ્ય મેળવ્યો હતો. ૧૯૪૬માં બિહાર મંત્રીમંડળમાં પ્રથમવાર બે પછાત મુસ્લિમોને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હતું. તેમાં પસમાંદા મુસ્લિમ નેતા અબ્દુલ કય્યૂમ અન્સારી પણ હતા. છતાં એકદંર રાજકીય પ્રતિનિધિત્વમાં પછાત અને દલિત મુસલમાનો હાંસિયામાં જ રહ્યા છે. એક થી ચૌદ લોકસભાના આશરે ૭૫૦૦ સાંસદોમાં ૪૦૦ મુસ્લિમ સાંસદો હતા તેમાં પછાત મુસ્લિમ સાંસદો તો માંડ ૬૦ જ હતા.

સમાનતાના મનાતા ઈસ્લામ ધર્મમાં પણ નાતજાત અને ઉચ્ચનીચના ભેદ જોવા મળે છે. વળી આવા ભેદ કંઈ આજકાલથી કે ભારતીય ઈસ્લામમાં જ નથી મુસ્લિમોમાં કોટિક્રમ  કે ઉચ્ચનીચ દર્શાવતા ત્રણ શબ્દો અશરાફ, અજલાફ અને અર્જાલ ઉર્દૂ કે ફારસી નહીં પણ અરબી શબ્દો છે. એટલે આ ભેદ લાંબા સમયના અને સમગ્ર દક્ષિણ એશિયામાં પ્રવર્તતા હોવાનું લાગે છે.

૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ દેશમાં ૧૭.૨૨ કરોડ (કુલ વસ્તીના ૧૪.૨૩ ટકા) મુસ્લિમ વસ્તી છે. તેમાં પોણા ભાગના પછાત કે દલિત મુસલમાનો છે. ભારતના મોટાભાગના મુસલમાનો ધર્માંતરિત છે. પરંતુ અશરાફ કે ઉચ્ચવર્ણીય મુસલમાનો અરબ, ઈરાન કે તુર્કી મૂળના મનાય છે. મધ્યમ કે કારીગર વર્ગના અજલાફ મુસલમાનો પછાત કે પસમાંદા ગણાય છે. અર્જાલ કે દલિત મુસલમાનો સૌથી નીચા મનાય છે. કેમ કે તેઓએ હિંદુઓની અસ્પૃશ્ય કોમોમાંથી ધર્મપરિવર્તન કરીને ઈસ્લામ અંગીકાર કર્યો છે.

મસૂદ આલમ ફતાહીના “હિંદુસ્તાનમેં જાત-પાંત ઔર મુસલમાન”, અય્યૂબ રાયનના “ભારત કે દલિત મુસલમાન” જેવા પુસ્તકો, અભ્યાસો, સંશોધનો અને સર્વેક્ષણોમાંથી તથા ઓલ ઈન્ડિયા પસમાંદા મુસ્લિમ મહાજ, મુસ્લિમ ઓબીસી સંગઠન અને ઓલ ઈન્ડિયા બેકવર્ડ મુસ્લિમ મોરચો જેવી સંસ્થાઓ દ્વારા પછાત અને દલિત મુસલમાનોની સ્થિતિનો ખ્યાલ આવે છે.

બે દાયકા પૂર્વેના અલી અનવરના દલિત અને પછાત મુસ્લિમો અંગેના લઘુ સર્વેક્ષણનું તારણ હતું કે તેઓ આર્થિક, શૈક્ષણિક અને સામાજિક રીતે ખૂબ જ પછાત હતા. સર્વેક્ષણ હેઠળના પરિવારોમાં શિક્ષણનું પ્રમાણ ૩૮.૫ ટકા જ હતું. માંસાહાર મુખ્ય ખોરાક છતાં ગરીબી અને બેરોજગારીના કારણે ૭૦ ટકા પરિવારો મહિને એકાદવાર માંસ ખાઈ શકતા હતા.૨૫ ટકાને એક જ ટંક ખાવાનું મળતું હતું. ૭૮ ટકાના પગમાં પહેરવા ચંપલ નહોતા અને ૫૮ ટકા કુટુંબો  ઘરવિહોણા હતા.

આર્થિક અને શૈક્ષણિક બેહાલીમાં જીવતા અર્જાલ કે દલિત મુસલમાનો રોજેરોજ સામાજિક ભેદભાવો પણ ભોગવે છે. ગિરી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ સ્ટડીઝ, લખનૌ દ્વારા ૨૦૧૬માં સામાજિક સંશોધકો પ્રશાંત ત્રિવેદી, શ્રીનિવાસ ગોલી, ફહિયુદ્દીન અને સુરિન્દર કુમારે યુ.પી.ના ૧૪ જિલ્લાના ૭૧૯૫ દલિત મુસલમાન કુટુંબોનો અભ્યાસ કર્યો હતો. જેમાં કથિત ઉચ્ચવર્ણના હિંદુઓ અને મુસલમાનો બંને તેમના પ્રત્યે ભેદભાવ રાખતા હોવાનું જણાયું હતું. ૨૫ ટકા ઉચ્ચ વર્ણીય હિંદુઓ અને ૨૦.૫ ટકા મુસલમાનો દલિત મુસલમાનો પ્રત્યે ભેદ રાખતા હતા. ૮ ટકા દલિત મુસલમાન બાળકોને શાળાના વર્ગ ખંડોમાં અને મધ્યાહ્ન ભોજનમાં અલગ બેસાડાતા હતા. ૧૩ ટકા દલિત મુસલમાનોને  કથિત ઉચ્ચ વર્ણના મુસલમાનોના ઘરમાં અલગ વાસણમાં જમવાનું અને પાણી અપાતું હતું. સામાજિક પ્રસંગોએ પણ અલગ જમવા બેસાડતા અને અપમાનજનક તથા  વ્યવસાયસૂચક શબ્દોથી સંબોધવામાં આવતા હતા. દલિત મુસલમાનોના મૃતદેહને કબ્રસ્તાનમાં દફનાવવા દેવામાં આવતા નથી કે  ખૂણામાં દફનાવવા પડતા હતા. મસ્જિદમાં સાથે નમાજ પઢવામાં પણ તે અલગ હોવાનો અહેસાસ કરાવાતો હતો.

ભારતીય ઈસ્લામમાં જોવા મળતો આ સામાજિક ભેદ ઉચ્ચ વર્ણના મુસલમાનો માટે કોઈ મુદ્દો જ નથી. દલિત અને પછાત મુસલમાનોના સામાજિક ન્યાયની સમસ્યાની સતત અવહેલના થાય છે.બીજી તરફ પછાત અને દલિત મુસલમાનો પણ ઈસ્લામના અંતર્ગત હિસ્સા તરીકે સામાજિક અને ધાર્મિક સુધારણાની ચળવળ કરવાને બદલે અનુસૂચિત જાતિમાં સામેલગીરી માંગે છે.

ડૉ. આંબેડકરના પગલે દલિતોએ હિંદુ ધર્મનો ત્યાગ કરી બૌધ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. આ નવબૌધ્ધોને વી.પી. સિંઘના વડાપ્રધાનકાળ વખતે અનુસૂચિત જાતિમાં સામેલ કરી અનામતના લાભ આપ્યા હતા. એટલે દલિત મુસલમાનો અને દલિત ખ્રિસ્તીઓ પણ આ લાભ માંગે છે. તેમની આ માંગણી કદાચ વાજબી પણ હોઈ શકે. પણ તેમણે ધર્મ પરિવર્તન કરીને  જે નવો ધર્મ અપનાવ્યો છે તે ધર્મ કેમ તેમને સમાન ગણતો નથી  અને સમાનતાનો અધિકાર આપતો નથી તે સવાલ કરાતો નથી. હાલની પસમાંદા અને દલિત મુસલમાનની ઓળખમાં તેઓ પહેલાં પછાત કે દલિત અને પછી મુસલમાન છે તેમ જોવા મળે છે. ખરેખર તો તેમણે પોતાની દલિત કે પછાત મુસલમાનની ઓળખને પ્રાધાન્ય આપવાને બદલે મુસલમાન દલિત કે મુસલમાન પછાતની ઓળખ પ્રસ્થાપિત કરવી જોઈએ.

ડો.બાબાસાહેબ આંબેડકરે તેમના ગ્રંથ “થોટ્સ ઓન પાકિસ્તાન”માં જણાવ્યું  છે કે, “ મુસલમાનો એવું અનુભવતા જ નથી કે  આ( પછાત અને દલિત મુસલમાનો પ્રત્યેનો સામાજિક ભેદભાવ) કોઈ બુરાઈ છે .તેથી તેના નિરાકરણ માટે કોઈ પ્રયત્નો પણ કરતા નથી.” હિંદુઓની જે નીચલી જ્ઞાતિઓએ જ્ઞાતિભેદ અને આભડછેટમાંથી છૂટકારો મેળવવા ધર્મ પરિવર્તન કરીને અન્ય ધર્મો અંગીકાર કર્યા છે તે જો નવા ધર્મમાં પણ સમાન સ્થાન મેળવી ન શક્યા હોય તો તેમનું ધર્મ પરિવર્તન અર્થહીન બની ગયું ગણાય એ દ્રષ્ટિથી વિચારીને સમાનતા અને સામાજિક ન્યાયની લડત કરવી જોઈએ.

ખ્રિસ્તીઓ, મુસલમાનો અને શીખો તેમના ધર્માંતરિત ધર્મબંધુઓ પ્રત્યે આભડછેટ અને ભેદભાવ રાખે છે ગાંધીજીએ તેને હિંદુઓની દેન તરીકે સ્વીકારીને કહ્યું હતું કે હિંદુઓએ પોતાના ધર્મમાં રહેલી આભડછેટ સમાપ્ત કરીને બીજા ધર્મોનું માર્ગદર્શન કરવું જોઈએ. શેષ કામ બીજા ધર્મોએ જાતે કરવું જોઈએ. ગાંધીજીના આ  શબ્દોમાં રહેલું દર્દ અને વાસ્તવ ન માત્ર હિંદુઓએ તમામ ધર્મોએ સમજવું પડશે. પછાત-દલિત મુસલમાનોની સામાજિક ભેદભાવની અજાણી વ્યથાનો ઉકેલ અનુસૂચિત જાતિમાં સામેલગીરી અને અનામતમાં નહીં સામાજિક-ધાર્મિક સુધારણાની ચળવળમાં રહેલો છે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.