મૅનેજમૅન્ટના નામસ્રોતીય સિધ્ધાંત

પાર્કિન્સનનો નિયમ અને સમયનું વ્યવસ્થાપન

સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ

પાર્કિન્સનના નિયમની એક બહુ વ્યાપક પ્રમાણમાં સ્વીકૃત સમજ એટલે

ઉપલબ્ધ સમય જેટલો વધારે એટલું કામ જટિલ બનતું જવાની સંભાવના વધારે..

આમ થવા માટે એક મહત્ત્વનું કારણ આપણા સૌમાં ઘર કરી ગયેલી એક માન્યતા જે મુજબ કામ જો સરળ કરી બતાવીએ તો આપણું મહત્ત્વ ઘટે. એટલે જો સમય વધારે હોય તો કામમાં થોડી જટિલતા વધારી અને કામનો ‘સદુપયોગ’ કરી લેવાનો લોભ રોકી નથી શકાતો હોતો.

પરિણામે જરૂરિયાત કરતાં ઘણાં જટિલ સ્વરૂપે કામ પુરું થાય છે. અને વધેલી જટિલતાને પરિણામે છેલ્લી ઘડીએ જો કોઈ મુસીબત આવી તો કામ પડી મોડું પણ થાય.

કામનું લંબાણે પડવું અને તેમાં જટિલતાના ઉમેરાને સાંકળી લેતા અનેક ઉપસિદ્ધાંતો પણ પ્રચલિત થયા છે, જે પૈકી સ્ટૉક-સૅન્ફોર્ડ ઉપસિદ્ધાંત બહુ જ જાણીતો થયેલો ઉપસિદ્ધાંત ગણાય છે.

છેલ્લી ઘડી સુધી રાહ જોશો તો કામ એક મિનિટમાં પુરું થશે.

આમ જુઓ તો સમય સંચાલનની દૃષ્ટિએ આ રીતને અજમાવવી એ બહુ હિતાવહ તો નથી, કેમકે છેલ્લી મિનિટે કયાં નવાં વિઘ્નો ફૂટી નીકળશે તે તો કોઈને જ ખબર ન હોય. એટલે કહે છે ને ઘાસમાં ચણતાં બે પક્ષીનો લોભ કરવા કરતાં હાથમાંનાં એક પક્ષીથી સંતોષ માની લેવામાં શાણપણ છે તેમ એક જ મિનિટમાં કામ પુરૂંથી જશે તે લાલચમાં છેલ્લી મિનિટ સુધી રાહ જોવાનું જોખમ ખેડવું સલાહભર્યું તો નથી.

પરંતુ, આ ઉપસિદ્ધાંત મૂળે તો કામ પુરૂં કરવા માટેની ચુસ્ત સમયરેખાનું મહત્ત્વ સમજાવી જાય છે.  ઉચાટ ન થઈ આવે એટલી વધારે પડતી, વાસ્તવિક, સમય મર્યાદા બહુ હકારાત્મક પ્રેરક બળ નીવડી શકે છે. જો કોઈ સમય રેખા ન હોય તો પછી સફળતા કે નિષ્ફળતા જેવું જ કંઈ ન રહે કેમકે વહેલું કે મોડું કામ જ્યારે પણ પુરૂં કરો તેને મુલવવા માટે કોઈ માપદંડ જ ક્યાં છે. સમય રેખા એવું પ્રેરક બળ પેદા કરી શકે છે જે સફળતાના ચાહકોને તો ચાનક ચડાવે જ છે, પણ નિષ્ફળતાવાદીઓને નિષ્ફળતાના બોજને ફેંકી દેવા પ્રેરી શકે છે. સમય મર્યાદાની સાથે જો પ્રતિબદ્ધતા પણ ભળે તો આમ થવું સાવ જ શક્ય બની જઈ શકે છે. સામાન્યપણે કોઈ પણ વ્યક્તિને પોતાનાં દીધેલા બોલનું મહત્ત્વ ખુબ જ હોય, એટલે સમય મર્યાદામાં કામ પુરૂં કરવું એ તેને માટે એક સમય સંચાલનના પડકાર ઉપરાંત પોતાનાં આત્મસન્માનનો વિષય બની જાય છે. અને જ્યાં આત્મસન્માનની વાત આવે ત્યાં માણસ અશક્યને શક્ય બનાવી દે એ તો જગજાણીતી વાત છે.

જેટલો સમય હોય એટલું કામ લંબાય એ વિચારને કેટલાક મૅનેજમૅંટ નિષ્ણાતો બહુ રસપ્રદ રીતે પરેજી પાલન સાથે સાંકળી લે છે.

આહારશાત્રીઓ બહુ ભારપૂર્વક સુચવે છે કે ઓછું ખાધાનો અસંતોષ ન રહી જાય તેમ પરેજી પાળવા માટે દરેક પીરસણીનું કદ નાનું કરી નાખો. પ્લેટ, કટોરી અને ચમચી નાનાં કરી અને પછીથી ખાવાનું રાખો; એક વારમાં જ બધું જમી લેવાને બદલે થોડા થોડા કલાકે થોડું થોડું ખાઓ વગેરે સુચનાઓ પછળનું હાર્દ એ છે કે ભુખનો સંબંધ થાળીમાં કેટલું પિરસાયું છે તેની જોડે છે.

આ વિચારનો બહુ સક્રિય પ્રયોગ રેસ્તરાંઓમાં કરવામાં આવે છે. આજે હવે ભાવો વધી ગયા છે ત્યારે એક વારનાં ભોજનની કિંમત પરવડે એટલી રાખવા માટે એક પ્લેટમાં પીરસાતી વાનગીનું કદ ઘટાડ્યા વિના ચાલે તેમ નથી. પરંતુ જો પહેલાં જેટલી જ મોટી પ્લેટમાં એ ઘટાડેલી માત્રામાં પીરસવામાં આવે તો ગ્રાહકને પોતાના પૈસાનું વળતર ન મળ્યું હોય તેવો અસંતોષ રહે. એટલે હવે ડિશ કે કટોરી નાની કરી નાખીને તેને છલોછલ પીરસી દેવામાં આવે છે.

થાળી રેસ્તરાંઓમાં જમવા જતી વખતે યાદ કરજો કે આજથી દસ પંદર વર્ષ પહેલાં થાળીમાં કેટલી મોટી કટોરીઓમાં દાળ શાક પીરસાતાં આજે હવે કટોરીઓનું માપ તેના ત્રીજા કે ચોથા ભાગનું થઈ ગયું છે ત્યારે ગ્રાહકને પહેલંની કટોરીમાં પીરસાતાં ત્રણને બદલે આજની નાની કટોરીઓમાં ચાર શાક જમાડો એટલે ગ્રાહકને વધારે મળ્યાનો ઓડકાર આવશે.

સેથ ગૉડીન તેમની એક પૉસ્ટ, Serving size, માં કહે છે કે આપણા ખીસ્સામાં જેટલા પૈસા હોય એટલા વપરાઈ જાય. જેટલી શાખ મર્યાદા હોય એટલું દેવું થઈ જાય.  મોટા ભાગે ખરી સમસ્યા એ નથી કે આપણી પાસે શું છે, આપણને અસર તો એ બાબત કરે છે કે આપણી થાળી કેટલી મોટી છે. આના પરથી બીજી એક પૉસ્ટ, A drop in the bucket, માં તેઓ જણાવે છે કે આપણી પાસેનો સામાન ભરવા માટે કબાટ ક્યારે  પણ પુરતો નહીં હોય! એટલે જ પીરસણીની પરેજી સફળતાપૂર્વક કરવાનો માર્ગ વાસણનાં કદમાંથી પસાર થાય છે.

‘જેટલો વધારે સમય એટલી કામની જટિલતા વધી શકે’ એ વિચાર પર હજુ પણ બીજા રસપ્રદ ઉપસિદ્ધાંતો છે જે હવે પછીના મણકાઓમાં જોઈશું.