ટાઈટલ સોન્‍ગ

બીરેન કોઠારી

સોહરાબ મોદીનો ઉલ્લેખ મોટે ભાગે ‘મિનરવાના સિંહ’ તરીકે કરવામાં આવે છે. તેમની નિર્માણસંસ્થા ‘મિનરવા મુવીટોન’ના પ્રતીકચિહ્નમાં સિંહ હોવાને કારણે આમ કહેવાતું હતું. અલબત્ત, આમ કહેવાવા માટે સોહરાબ મોદીનો બુલંદ અવાજ જવાબદાર ખરો. પણ એક વાર આવું વિશેષણ ફરતું થઈ જાય એટલે કાયમની શાંતિ. ‘સિંહની બુલંદ ગર્જના’થી લઈને ‘સિંહ ઘરડો થયો’ જેવા વાક્યપ્રયોગો આસાનીથી વાપરી શકાય. નવી ઉપમાઓ શોધવા જવું ન પડે. સોહરાબ મોદી અને વી. શાંતારામ વચ્ચે સામ્ય એટલું કે બન્ને નિર્માતા-દિગ્દર્શક-અભિનેતા હતા. ઘણા વખત અગાઉ કોઈકની ટીપ્પણી વાંચી હતી કે- શાંતારામના અવાજમાં બુલંદી અને સોહરાબ મોદીના અવાજમાં આરોહઅવરોહ હોત તો જોઈતું’તું શું? આ બન્ને સાથે સંકળાયેલી કોઈ વ્યક્તિએ આ ટીપ્પણી કરી હતી, પણ તેનું નામ મને યાદ નથી. આત્મમુગ્ધ હોવાની પરંપરા માત્ર રાજકારણ પૂરતી કે આજકાલની નથી. ફિલ્મોમાં તો એ સામાન્ય અને અમુક હદે ક્ષમ્ય પણ ગણી શકાય.

મારી એક સામાન્ય છાપ એવી છે કે સોહરાબ મોદીની ફિલ્મોનો સંગીતપક્ષ તેના કાબેલ સંગીતકારોને કારણે મજબૂત રહેતો, પણ તેમાં સોહરાબ મોદીનો કોઈ સ્પર્શ ભાગ્યે જ જણાય. એટલે કે તેમની ફિલ્મોના સંગીતમાં એવું કોઈ વિશેષ તત્ત્વ ન જણાય કે જેનાથી ખ્યાલ આવે કે એ સોહરાબ મોદીની ફિલ્મનું સંગીત છે. શાંતારામની ફિલ્મોના સંગીત બાબતે આમ ચોક્કસ કહી શકાય.

૧૯૫૩ માં રજૂઆત પામેલી, મિનરવા મુવીટોન નિર્મિત, સોહરાબ મોદી દિગ્દર્શીત ‘ઝાંસી કી રાની’ની વાત કરીએ તો તેમાં વસંત દેસાઈ જેવા કાબેલ સંગીતકારનું સંગીત હતું, છ જેટલાં ગીતો હતાં, અને એ સારાં હતાં, આમ છતાં એનું ભાગ્યે જ કોઈ ગીત યાદ રહે એવું બન્યું છે.

આ ફિલ્મ દૂરદર્શન પર જોવાનું બન્યું હતું. મહેતાબ, સોહરાબ મોદી, મુબારક, ઉલ્હાસ, સપ્રુ સહિત અનેક કલાકારો તેમાં હતા. ફિલ્મ બાબતે મારા પપ્પા કહેતા કે એમાં ઝાંસીની રાણી તરીકે મહેતાબ પ્રભાવશાળી નહોતાં લાગતાં. ફિલ્મમાંનાં યુદ્ધનાં દૃશ્યો બહુ સારાં હતાં એવું યાદ છે. આ ફિલ્મ કદાચ ટિકિટબારી પર ખાસ સફળ નહોતી રહી. મહેતાબ સાથે સોહરાબ મોદીએ લગ્ન કરેલાં.

(વસંત દેસાઈ)

૧૯૮૯-૯૦ના અરસામાં અમે મુંબઈ જઈને જૂની ફિલ્મોના કલાકારોને મળવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે મહેતાબબાનુને બારણે પણ અમે જઈ પહોંચેલા. જો કે, અમને ફોન કરીને આવવા જણાવવામાં આવ્યું. એ પછી અમે ફોન કર્યો તો મહેતાબબાનુએ વાત તો કરી, પણ ‘ફરી મુંબઈ આવું ત્યારે મળવા આવજે’ એમ કહીને મળવાની ના પાડી દીધી. આ ઘટનાના પંદરેક વરસ પછી રજનીકુમાર પંડ્યા સાથે હું રુસ્વા મઝલૂમીની જીવનકથા લખી રહ્યો હતો. રુસ્વાસાહેબે તેમાં મહેતાબ સાથેની પોતાની દોસ્તીની વાત જણાવી હતી. મેં એને સાવ સામાન્ય વાત તરીકે આલેખી, પણ પછી રુસ્વાસાહેબે તેને ‘અત્યંત ગાઢ પરિચય’ તરીકે લખવા જણાવ્યું. મહેતાબ ત્યારે તો હયાત નહોતાં, પણ મને ઘડીભર એમ થયું કે પહેલી મુલાકાત વખતે મેં રુસ્વાસાહેબનું નામ લીધું હોત તો મહેતાબબાનુ અમને અવશ્ય મળ્યાં હોત. પણ એ વખતે હું રુસ્વાસાહેબને જાણતો નહોતો. એટલે ‘જો અને તો’નો એ ખેલ મારા મનમાં જ શરૂ થયો અને પૂરો થયો.

‘ઝાંસી કી રાની’ ફિલ્મનાં ગીતો પં. રાધેશ્યામે લખેલાં અને સંગીત હતું વસંત દેસાઈનું.

ફિલ્મનાં છ ગીતોમાં મોટા ભાગનાં કોરસ છે. ‘રાજગુરુ ને ઝાંસી છોડી લે ઈશ્વર કા નામ‘ (મ.રફી), ‘કહાં બાજે કિસન તોરી બાંસુરિયા‘ (સુમન પુરોહિત, સુલોચના કદમ) ગીત બે ભાગમાં- બીજો ભાગ ‘નારી જી જી રે જી જી રે જી જી’ કોરસગાન છે. ‘હમારા પ્યારા હિન્દુસ્તાન, ઈસી પર દેંગે હમ જાન‘ (રફી અને સાથીઓ), ‘હર હર મહાદેવ કા નારા, ધરતી સે અમ્બર તક છાયા‘ સુલોચના કદમ, સુમન પુરોહિત, પરશુરામ, રમાકાન્ત અને સાથીઓ), ‘બઢે ચલો બહાદુરોં કદમ કદમ બહાદુરોં’ (સમૂહગાન) અને ‘અમર હૈ ઝાંસી કી રાની’ (રફી અને સાથીઓ).

આ ગીતો પૈકી ‘અમર હૈ ઝાંસી કી રાની’ ગીતની પસંદગી ટાઈટલ સોન્ગ તરીકે કરવામાં આવી છે.

આ ગીત બે ભાગમાં છે. પહેલા ભાગમાં ટાઈટલની સાથે કોરસગાન થકી તેનો આરંભ થાય છે, જેના શબ્દો આ મુજબ છે.

अमर है झाँसी की रानी
अमर है झाँसी की रानी
अमर है झाँसी की रानी
अमर है झाँसी की रानी

जिसका राज और राजधानी
जिसका जीवन और जवानी
आजादी की कसम भेट दी
आजादी की कसम भेट दी
दी पहली क़ुरबानी
दी पहली क़ुरबानी
अमर है झाँसी की रानी
अमर है झाँसी की रानी
अमर है झाँसी की रानी

जिस भारत में बड़े बड़े
हो गए शूर बलवान
भीष्म पितामह, परसुराम
अर्जुन, अंगद, हनुमान
वीर शिवाजी, छत्रसाल
राणा प्रताप, चौहान
राजाजी रणजीत सिंह से
अकबर से सुल्तान
उसी देश की, हर देश की
थी ये भी संतान
आन नहीं दी, शान नहीं दी
दे दी अपनी जान
आज तलक इतिहास कह रहा
खूब लडी मर्दानी
अमर है झाँसी की रानी

ટાઈટલ સોન્ગ અહીં ટાઈટલની સાથે પૂરું થાય છે.

બીજો ભાગ ફિલ્મના અંત ભાગમાં વાગે છે, જે મહંમદ રફીના સ્વરમાં છે.

स्वर्ग सिधारी वो वीर आत्मा
स्वर्ग सिधारी वो वीर आत्मा
देकर ये सन्देश
देकर ये सन्देश
जान सभी को प्यारी है
पर जान से प्यारा देश
जान सभी को प्यारी है
पर जान से प्यारा देश
धन्य धन्य बुंदेलखण्ड है
धन्य हिन्द का पानी
अमर है झाँसी की रानी
अमर है झाँसी की रानी

અહીં આપેલી લીન્કમાં આ બન્ને ભાગ સળંગ સાંભળી શકાશે.

(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)