-
(૧૧૬) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૬૨ (આંશિક ભાગ –૨)
દર–ખ઼ુર–એ–ક઼હર–ઓ–ગ઼જ઼બ જબ કોઈ હમ સા ન હુઆ
(શેર ૪ થી ૬)
(શેર ૧ થી૩ થી આગળ)
મિર્ઝા ગ઼ાલિબ
વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)કમ નહીં નાજ઼િશ–એ–હમનામી–એ–ચશ્મ–એ–ખ઼ૂબાઁ
તેરા બીમાર બુરા ક્યા હૈ ગર અચ્છા ન હુઆ (૪)[નાજ઼િશ-એ-હમનામી-એ-ચશ્મ-એ-ખ઼ૂબાઁ= માશૂકાની બીમાર હોવાના કારણે ઢળી પડેલી આંખો પરત્વેની આશિકી; બીમાર= મરીઝ, દર્દી, (અહીં) માંદગી]
રસદર્શન :
ગ઼ાલિબની કલ્પનાઓ અને તેનાં અવલોકનો એટલાં બધાં બારીક છે કે ઘણી વાર આપણી સમજમાં ન પણ આવે! જેના માટે બબ્બે વખત ‘જરા હટકે’ કહેવું પડે તેવો ઉચ્ચ કોટિનો આ શેર છે. વળી આ શેરને સમજવા અને માણવા માટે તેમાંથી આકાર લેતા એવા એક શબ્દચિત્રને પણ આપણાં કલ્પનાચક્ષુ વડે નિહાળવું પડશે. શેરના પ્રથમ ઉલા મિસરામાં આપણને માશૂકની બીમાર માશૂકા તેની સુખશય્યા ઉપર ઢળી પડેલી અને છતાંય મદહોશશી દેખાતી આંખો સાથે સૂતેલી દેખાશે. હવે માશૂક ‘કમ નહિ’ શબ્દોના પ્રયોગ થકી એ આંખોને વખાણે છે; કેમ કે તેવી આંખોમાં પણ માશૂકને અનન્ય પ્રકારનું એક એવું સૌંદર્ય દેખાય છે, કે તે ટીકી ટીકીને જોઈ રહે તો પણ તેને પરિતૃપ્તિ થાય નહિ.
હવે બીજા સાની મિસરાના પઠન થકી ધીરગંભીર ઈસમ પણ હસ્યા વગર રહી શકે નહિ. અહીં માશૂક માશૂકાને બેહદ ચાહતો હોઈ તેની અપેક્ષા તો એ જ હોઈ શકે કે માશૂકા બીમારીમાંથી બેઠી થઈ જાય; પરંતુ માશૂકની મનેચ્છા તો કંઈક જુદી જ છે. માશૂકનું માનવું છે કે માશૂકા સાજીનરવી થઈ જાય તે બહેતર તો છે જ, કિંતુ તેમ ન થાય તો માશૂકા બીમાર હાલતમાં જ રહે તેમાં શું ખોટું છે! બીમારીના કારણે માશૂકાની પોપચાં ઢળી જવાના કારણે ઝીણી થઈ ગયેલી મદહોશ આંખોમાં પણ એક નજાકત છે અને એ નજાકતને માણવા માટે માશૂક માશૂકાની એ જ સ્થિતિ જળવાઈ રહે તેવી અપેક્ષા સેવે છે. અહીં આપણે માશૂકને ક્રૂરતાની શ્રેણીમાં ન મૂકી શકીએ. તે માશૂકા સાજી જ ન થાય, તેની બીમારી લંબાય અને તેને તેણીની ઢળી પડેલી આંખોનું સૌંદર્ય માણવા મળતું જ રહે તેવી નિમ્ન કક્ષાની માનસિકતા તો તે ન જ ધરાવી શકે; કેમ કે તે પોતાની માશૂકાને સાચા દિલથી ચાહે છે. પરંતુ એક વિકલ્પ તરીકે પોતે વિચારે છે કે જો તેણી સાજી ન જ થઈ શકવાની હોય અથવા તેણીની બીમારી લંબાઈ શકે છે તેવો તબીબોનો મત હોય તો જ તે માને છે કે તેની હાલની માંદગી શું ખોટી છે! આ મિસરામાંના ‘બીમાર’ શબ્દનો અર્થ ‘માંદી વ્યક્તિ’ નહિ, પણ ‘માંદગી’ એમ લેવાનો છે.
સીને કા દાગ઼ હૈ વો નાલા કિ લબ તક ન ગયા
ખ઼ાક કા રિજ઼્ક઼ હૈ વો ક઼તરા કિ દરિયા ન હુઆ (૫)[દાગ઼= ઘાવ, જખમ, ચાઠું; નાલા= રડવું-કકળવું, ફરિયાદ કરવી; લબ= ઓષ્ઠ, હોઠ; રિજ઼્ક઼= રોજી, અન્ન; ક઼તરા= બુંદ, ટીપું; દરિયા= નદી]
રસદર્શન :
ગુજરાતીમાં એક રૂઢિપ્રયોગ છે કે ‘શેરના માથે સવાશેર’, જેમાં ‘શેર’ એ વજન માટેનો જૂનો એકમ છે. અહીં ગ઼ઝલના સંદર્ભે ‘શેર’ સમજતાં અગાઉના શેર કરતાં આ શેર સવાયો છે. ગ઼ાલિબની મોટા ભાગની ગ઼ઝલોમાં માશૂકાનો માશૂક સાથેનો અણબનાવ અને તેના પરિણામે માશૂકને માશૂકા તરફથી સહેવી પડતી સતત અવહેલના વર્ણવાતી હોય છે. માશૂકાના વિયોગના કારણે માશૂકનું દિલ એવું તો ઘવાય છે કે તેમાં ઊંડા ઘાવ પડી ગયા છે, જેના કારણે પોતાની વેદનાની ફરિયાદ તેમના હોઠ સુધી પહોંચી શકતી નથી અને મનમાં અને મનમાં ઘોળાયા કરે છે અને અંતે શમી જાય છે. હવે પહેલા મિસરાની આ વાતને વજન આપવા માટે બીજો મિસરો લખાયો હોવો સમજી શકાય છે.
બીજા મિસરામાં દરિયા કહેતાં નદી પહાડનાં નાનાં નાનાં ઝરણાં થકી સર્જાય છે અને ઝરણું પાણીના એક એક બુંદ થકી અસ્તિત્વ પામે છે. પરંતું એ પાણીનું પ્રત્યેક ટીપું નદીના સર્જન માટે સહાયરૂપ બની શકતું નથી. આવાં કોઈક ટીપાં પહાડમાંની ખાક અર્થાત્ માટીમાં શોષાઈ જાય છે. હવે શાયરના અંદાઝમાં ગ઼ાલિબે આ વાતને એવી રીતે દર્શાવી છે કે આપણે આફરિન આફરિન પોકારી બેસીએ. ગ઼ાલિબ કહે છે કે એવાં નદીમાં ભળવા માટે કમભાગી સાબિત થયેલાં એ ટીપાં માટીનો ખોરાક બની જાય છે. અહીં સજીવારોપણ અલંકાર પ્રયોજાયો છે, જેમાં પેલી માટીને પાણીના કતરા (ટીપું)ને તેના રિજ઼્ક઼ (રોજી-આહાર) તરીકે આરોગતી કલ્પી છે. અહીં ઈસ્લામની પાક કુરઆનની સુરએ ‘હુદ’ની એક આયત યાદ આવી જાય છે કે જેમાં અલ્લાહ ફરમાવે છે કે ‘અને પૃથ્વી પર કોઈ એવું પ્રાણી નથી કે જેની રોજી અલ્લાહના શિરે ન હોય!’ આ આયત ભલે સૃષ્ટિના ચેતન જીવોને લાગુ પડતી હોય, પણ ઈશ્વર-અલ્લાહની નજરમાં જડ કે ચેતનના કોઈ ભેદ નથી. સમુદ્ર, પહાડ, વૃક્ષ કે એવાં કોઈ સર્જનહારનાં સર્જાયેલાં અચેતન સર્જનો પણ તેમના અસ્તિત્વને જાળવી રાખવા માટે કશાક ઉપર આધાર રાખતાં હોય છે, જેમને તેમના રિઝક તરીકે ગણી શકાય અને આમ સર્જનહાર તેમને પણ જીવંત રાખવા માટે જરૂરી પુરવઠો પહોંચાડતો રહેતો હોય છે.
નામ કા મેરે હૈ જો દુખ કિ કિસી કો ન મિલા
કામ મેં મેરે હૈ જો ફ઼િત્ના કિ બરપા ન હુઆ (૬)[ફ઼િત્ના= લડાઈ-ઝગડો, દંગા-ફસાદ; બરપા= બનવું, સફળ થવું,]
રસદર્શન :
ગ઼ઝલનો આ શેર આત્મલક્ષી છે. ગ઼ાલિબના જીવનને જાણનારાઓને ખબર છે કે તેમનું જીવન બેસુમાર દુ:ખો અને અલ્પ સુખોથી ભરેલું હતું. તેમની આર્થિક બેહાલી અને કેટલાક ગણ્યા ગાંઠ્યા સમકાલીન શાયરો તરફથી સહેવી પડતી ઈર્ષાઓના કારણે તેઓ દુ:ખી દુ:ખી હતા. તેમના દિલનો આ ઉભરો આ શેરના પ્રથમ મિસરામાં વ્યક્ત થાય છે. ગ઼ાલિબ કહે છે કે મારા ઉપર હકીકતી જે દુ:ખો પડ્યાં છે તેવાં નામ પૂરતાં પણ કોઈને દુ:ખો પડ્યાં નહિ હોય! વળી તેમની મૌલિક શાયરીઓ સામે પણ સવાલ ઉઠાવનારાઓએ તેમની ફિત્નાખોરી થકી તેમને બદનામ કરવાના લાખ પ્રયત્નો કર્યા હોવા છતાં તેઓ તેમના ઈરાદાઓમાં સફળ થઈ શક્યા ન હતા. આ શેરના બંને મિસરામાં બે ભિન્ન ભિન્ન ભાવ રજૂ થયા છે. પહેલા મિસરામાં હૃદયનો બળાપો અભિવ્યક્ત થયો છે, તો બીજા મિસરામાં આત્મસંતોષ એ વાતનો છે કે દુશ્મનોના હાથ હેઠા પડ્યા છે.
(ક્રમશ:૩)
ઋણસ્વીકાર:
(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter
(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા
(૫) Courtesy : https://rekhta.org
(૬) Courtesy – urduwallahs.wordpress.com
(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in
(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ
* * *
શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:
ઈ મેઈલ – musawilliam@gmail.com ||મોબાઈલ : + 91-93279 55577
નેટજગતનું સરનામુઃ
William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) || વલદાનો વાર્તાવૈભવ | | માનવધર્મ – જીવો અને જીવવા દો | | હળવા મિજાજે
-
સમજણ વિકસાવતું વૈચારિક યુધ્ધ !
હરેશ ધોળકિયા
ચારે બાજુ ગેરસમજ અને ધિક્કાર પ્રસરાવવાની પ્રવૃતિ ધૂમધામથી ચાલતી હોય, ત્યારે કયાંક સમજ પ્રસરાવવાની, વિકસાવવાની, પ્રવૃતિ ચાલતી દેખાય તે નવાઈ સાથે આનંદનો અનુભવ કરાવે છે.હમણાં કેટલાકે ‘ પઠાણ” ફિલ્મનો બહિષ્કાર કર્યો, કોઈ ક્ષુલ્લક મુદા પર. તેમને કદાચ થયું કે હવે આ ફિલ્મ તો ગઈ ! પણ પ્રજાએ એ ફિલ્મને એવી તો વધાવી કે પાંચસો કરોડનો વકરો કરી ગઈ. બહિષ્કાર ન કર્યો હોત તો કદાચ આટલી સફળ ન પણ થાત. પણ આવા વ્યર્થ મુદાઓ પર લગભગ રોજ ક્યાંકને ક્યાંક વાદવિવાદો ફેલાવવાનો વ્યવસ્થિત ધંધો ચાલે છે. તેમા સૌથી વધારે ભોગ બનતા હોય તો મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરુ. તેમાં સરદારને પણ બકરો બનાવવામાં આવે છે. ત્રણે ભારે દુઃખી છે. અલબત, તેઓ તો ખરેખર આવી બાલિશ કુપ્રવૃતિ પર હસતા હશે.ખેર ! આ ધિક્કાર અને ચારિત્ર્યહનનની પ્રવૃતિ વચ્ચે જે એક ઉતમ ઘટના બની છે તેની જ વાત કરવી છે. અને એ ઘટના ફિલ્મ ક્ષેત્રે બની છે. રાજકુમાર સંતોષી અત્યારના એક ઉતમ ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક છે. તેમનાં કોઈ પણ ચલચિત્રો જુઓ તો ગમે જ. મુન્નાભાઈની બે ફિલ્મો, દામીની, શ્રી ઈડિયટસ-એક એકથી ચડિયાતી ફિલ્મો તે આપણને આપે છે. એ હારમાળામાં તેમણે વર્તમાનમાં એક વધારે ઉતમ ફિલ્મ આપી છે જેનું નામ છે ” ગાંધી વિરુધ્ધ ગોડસે- એક યુધ્ધ.”
અત્યારે ગાંધીજીની વિરુધ્ધ અને ગોડસેની તરફેણમાં ફેસબૂક વગેરે પર ફેંકાફેંક ચાલે છે. માથાફૂટ કરનારા બન્નેમાંથી મોટા ભાગનાને બેમાંથી કોઈ બાબતે પૂરી માહિતી નથી. છતાં સોશિયલ મીડિયા પર પોતાનું નામ આવતું રહે માટે ફેંકાફેંક કર્યા કરે છે. પણ તેમને ખ્યાલ નથી કે તેના કારણે જૂઠી માહિતી પ્રસરે છે અને પૂર્વગ્રહ વધે છે. ત્યારે આ ફિલ્મ એક ઊંડી સમજ પ્રસરાવવાનો ઉતમોતમ પ્રયાસ કરે છે.આ ફિલ્મ એક સર્જનાત્મક કલ્પના કરે છે કે માની લો કે ગાંધીજી ગોળી ખાધા પછી મૃત્યુ પામવા બદલે જીવી ગયા હોત તો? તો તે ગોડસે પ્રત્યે કેવો વ્વવહાર કરત ? અને ગોડસે પણ પોતે નિષ્ફળ ગયો છે એના ગુસ્સામાં શું વર્તન કરત ? આ કલ્પના પર સમગ્ર ફિલ્મ ઊભી કરી છે.વાર્તા છે : ગાંધીજી હત્યાના પ્રયાસમાં બચી જાય છે. ગોડસેને તો જેલ મળી જાય છે. આ દરમ્યાન ગાંધીજી કોંગ્રેસને વિખેરી નાખવાની સૂચના આપે છે, પણ ” હવે” કોંગ્રેસ તેમનું માનતી નથી. એટલે ગાંધીજી બિહાર જઈ ગ્રામ સ્વરાજયનો જાતે જ પ્રયોગ કરવાનું શરુ કરે છે. મૂડીવાદી, જાતિવાદી માનસને પડકારે છે. લોકોને સંગઠિત કરવાનો અને જંગલને બચાવવાનો પ્રયાસ કરે છે. અંગ્રેજો સામેની તેમની કાનૂનભંગની લડતો કોંગ્રેસને પસંદ હતી, પણ હવે તેમની લડત બંધારણ વિરુધ્ધ લાગે છે. એટલે ગાંધીજી પર વિવિધ કલમો લગાવી તેમને જેલમાં પૂરવામાં આવે છે. ત્યારે ગાંધીજી આગ્રહ રાખે છે કે જ્યાં ગોડસેને પૂરવામાં આવ્યો હતો તે જ જેલમાં અને તેના જ રુમમાં તેમને પણ પૂરવામાં અને રાખવામાં આવે. ખુદ જેલર ગભરાઈ જાય છે, પણણ ગાંધીજીના આગ્રહ સામે નમવું પડે છે અને એમ કરવામાં આવે છે. ગાંધીજી ગોડસેના રુમમાં જ આવે છે. એક વાર તે જેલમાં તેને મળી ચૂક્યા હોય છે અને બન્ને વચ્ચે ઉગ્ર ( અલબત ગોડસેના પક્ષે) ચર્ચા થઈ હોય છે. ફરી ગાંધીજીને પોતાના સેલમાં આવેલ જોઈ ગોડસે નવાઈ પામે છે. પણ વાંધો લેતો નથી.અને પછી ગોડસે એક પછી એક આક્ષેપો મૂકતો જાય છે અને ગાંધીજી તેના શાંતિથી જવાબ આપતા જાય છે. પાકિસ્તાનને આપેલ પંદર કરોડ રૂપિયા, હિન્દુત્વ, અખંડ હિન્દુસ્તાન-એવા અનેક ધગધગતા સવાલો ગોડસે પૂછતો રહે છે અને ગાંધી હસતાં હસતાં જવાબ આપતા રહે છે. ગોડસેને સાચા જવાબ મળ્યા કે નહીં, પણ ફિલ્મ જોતા લોકોને ચોક્કસ મળે છે. એક પછી એક ગેરસમજ આ ફિલ્મ દૂર કરતી જાય છે. ફિલ્મના અંતે પરિણામ એવું આવે છે કે ફરી એક વાર બીજો એક ઝનૂની માણસ ગોડસે માફક જ ગાંધીજીની હત્યા કરવા આવે છે ત્યારે ગોડસે તેને પકડી લે છે અને ગાંધીજીને બચાવી લે છે. છેલ્લે બન્ને જેલમાંથી મુકત થાય છે. ત્યારે બન્ને સાથે બહાર નીકળે છે અને ત્યારે એક બાજુ ગાંધી ભક્તો તેમની જય બોલાવે છે અને બીજી તરફ ગોડસે ભક્તો ઊભા છે જેઓ ગોડસેની જય બોલાવે છે. ત્યારે બન્ને શાંતિથી બે હરોળો વચ્ચેથી ચૂપચાપ પસાર થઈ જાય છે.આ છેલ્લાં બે દશ્યો એટલાં અદભુત છે કે પ્રેક્ષકો સ્તબ્ધ થઈ જાય છે.અહીં ગાંધીજીની મહાનતા જેમ બતાવી છે, તેમ ગોડસેની સમજ પણ બતાવી છે. જો ગાંધી બચી ગયા હોત અને ગોડસેને સમજાવ્યો હોત, તો – સંભવ છે- દિગ્દર્શક કહે છે- ગોડસે પણ સમજી ગયો હતો. ગોડસેના ભક્તો આજે જેટલા ઝનૂની છે, તેટલો ગોડસે ન હોત એમ પરોક્ષ રીતે તે કહે છે.દિગ્દર્શકે બન્નેને ન્યાય આપ્યો છે. આ કટાક્ષ ગોડસે ભક્તો સમજે- ફિલ્મ જોઈને- તો ફિલ્મ સાર્થક થશે.આ ફિલ્મમાં બીજા પણ અનેક મુદાઓ ચર્ચ્યા છે.એક કટાક્ષ જબરો છે. સ્વતંત્રતાની ચળવળ દરમ્યાન કાનૂનભંગ કરવો કાયદેસર અને યોગ્ય મનાતો હતો. પણ એ જ કાનૂનભંગ જયારે ગાંધીજી સ્વતંત્રતા પછી , અન્યાય દૂર કરવા, કરે છે, ત્યારે તે બંધારણ વિરુધ્ધ મનાય છે અને જે કલમો અંગ્રેજો લગાવતા હતા તે જ કલમો ગાંધીજી વિરુધ્ધ લગાવવામાં આવે છે. આ એક હાસ્યાસ્પદ ઘટના છે ! ગાંધીએ શીખવેલ ટેકનિકનો વર્ષો સુધી ઉપયોગ કરી અંગ્રેજોને હંફાવી સતા મેળવનાર લોકો જ એ જ બાબત ગાંધી સ્વતંત્ર થયા પછી કરે તો સ્વીકારતા નથી. ખૂબ મૂંઝાતા દેખાડયા છે, પણ તેઓ અન્યાય દૂર કરવાનાં પગલાં લેવા બદલે ગાંધીજીને દોપિત ઠેરવે છે. એટલે જ છેલ્લે અચાનક છોડી દે છે.એવો જ બીજો કટાક્ષ કહેવાતા ઉચ્ચ વર્ગ પર કરવામાં આવ્યો છે. ઉચ્ચ વર્ગનો એક ધનવાન ભોગ માટે કહેવાતા નીચ વર્ગની છોકરી લાવે છે. ગાંધીજી અને લોકો તેને અટકાવે છે. ગાંધી તેને પશ્ચાતાપ કરવા આ લોકોનું ભોજન લેવા સૂચવે છે. કહેવાતો ઉચ્ચ અમીર ગભરાઈ જાય છે અને અભડાવાની બીકે ના પાડે છે. ત્યારે ગાંધીજી કટાક્ષ કરતાં કહે છે કે ‘ તને બેટીમાં વાંધો નથી, પણ રોટીમાં વાંધો છે. ! ‘ ભયાનક કટાક્ષ છે આ. આંબેડકર સાથેની વાતચીતોમાં પણ દિગ્દર્શક કહેવાતા ઉચ્ચ વર્ગની – તે પણ સતાધારીઓની -આ બાબત સતત પ્રગટ કરે છે.ફિલ્મમાં ગાંધીજીની માત્ર મહાનતા જ નથી બતાવી. તેમના અનેક વિચારો સામે પણ પ્રશ્નાર્થ મૂક્યા છે. ગાંધીજીથી પ્રેરાઈ એક છોકરી સેવામાં સાથે જોડાય છે. પણ સમાંતરે એક છોકરાને પ્રેમ પણ કરે છે. છોકરો છોકરી ખાતર અલગ રહે છે, પણ બન્ને વિરહમાં પીડાય છે. પણ ગાંધીજી તેના પ્રેમને સ્વીકારતા નથી. તેને “વિકાર” માને છે. છોકરી અંદરને અંદર પીડાય છે. એક વાર જેલમાં તે “વૈષ્ણવજન તો તેને રે કહીએ” ભજન ગાય છે. તેમાં તે ” પીડ પરાઈ જાણે રે” વારંવાર ગાય છે અને બેભાન થઈ જાય છે. તેનું આ વારંવાર ગાવું ગાંધીજી સામે પ્રશ્નાર્થ છે. ગરીબોની પીડાને જાણનારા મહાત્મા આ છોકરીની જ પીડા જાણવાનો પ્રયાસ નથી કરતા એમ કહેવા માગે છે ! ત્યારે કસ્તુરબાને મોએ પણ ગાંધીની મર્યાદાઓ બતાવા દિગ્દર્શક પ્રયાસ કરે છે. કસ્તુરબાના સવાલોના કોઈ જવાબ ગાંધીજી આપતા નથી. વેદનાભર્યા ચહેરે ચૂપ રહે છે. છેવટે ગોડસે પણ તેને ઠપકો આપે છે ત્યારે તેમને ખ્યાલ આવે છે અને બન્નેને આનંદથી પરણાવે છે. અહીં દિગ્દર્શક એ સૂચવે છે કે કહેવાતા વિરોધી – અહીં તો તેનો ખૂનનો પ્રયાસ કરનાર – પણ સત્ય કહે તો સ્વીકારવું. આ અદભુત દૃશ્ય છે. અને આ ઘટના દરમ્યાન જ ફરી ગાંધીની હત્યાનો પ્રયાસ થાય છે જેમાં ગોડસે તેમને બચાવે છે.આ છેલ્લી ઘટનાઓ એટલી તો અદભુત અને સંવેદનશીલ રીતે દિગ્દર્શકે દર્શાવી છે કે પ્રેક્ષક ગદગદ થઈ જાય છે. પરસ્પર મહાનતા વ્યકત થઈ છે.ફિલ્મમાં એ પણ બતાવાયું છે કે હમેશાં બધા ગાંધીજીને માન આપતા હતા તેવું પણ ન હતું. વિભાજન વખતે જે કરુણ દશ્યો સર્જાયા, ત્યારે લોકોને ગાંધી સામે દલીલો કરતા બતાવ્યા છે. ગાંધીજીની વાતોનો સ્વીકાર કરતા નથી બતાવ્યા. તેમની વિરુધ્ધ સૂત્રો પોકારતા બતાવ્યા છે. તેમની વાત જરા પણ સમજવા તૈયાર ન હતા એમ બતાવ્યું છે. કોંગ્રેસના નેતાઓ પણ તેમને અવગણતા બતાવ્યા છે. ત્યારે ગાંધી કેટલા એકલા પડી ગયા હતા તે ઝીણવટથી બતાવે છે. અને છતાં આ બધાની પરવા કર્યા વિના પોતાનો મત બતાવતાં અને પોતે જે ઈચ્છે છે તે દઢતાથી કરતા પણ બતાવ્યા છે.ફિલ્મની ખૂબી એ છે કે તેણે ગાંધીજી કે ગોડસે કોઈનો પક્ષ નથી લીધો. માત્ર બન્નેનું તથ્ય પ્રગટ કર્યું છે. બન્નેની વિચારસરણી રજૂ કરી છે. કોણ સાચું હતું તે જોનારા પર છોડી દીધું છે. બન્નેના ભક્તોના જયજયકાર વચ્ચે બન્ને શાંતિથી પસાર થાય છે તે ” કલાસિક” દશ્ય છે. દિગ્દર્શકનો હેતુ બન્ને વિશેનાં તથ્યો મૂકવાનો છે. સાથે ગાંધીજીના નામે તેમના વિરોધીઓમાં જે ગેરસમજો પ્રવર્તે છે તે દૂર કરવાનો છે.આમ આ ફિલ્મ એક ઊંડી સમજ પ્રસરાવવાનો ઉતમ પ્રયાસ કરે છે. તેનો હેતુ ગાંધી કે ગોડસેનાં ચરિત્રોની વાત કરવાનો નથી. પણ એ બે વિશે, ખાસ કરીને ગાંધી બાબતે, જે ગેરસમજો પ્રવર્તે છે તે દૂર કરવાનો છે. સોશિયલ મીડિયામાં આજે જે પોતાને ઓથેન્ટિક મનાવતા લોકો “ફેક ન્યુઝ” કે ગેરસમજો પ્રસરાવવાનો ધંધો કરી રહ્યા છે તેમને જવાબ આપવાનો આ પ્રયાસ છે. તેમને પકડી પકડીને આ ફિલ્મ બતાવવા જેવી છે. જો કે તે સુધરે કે કેમ તે શંકા છે.” એક યુધ્ધ ” શબ્દ પણ ઉતમ છે. અહીં યુધ્ધ છે, પણ એકબીજાને સમજવાનું યુધ્ધ છે. અને બન્ને એકબીજાને સમજવાનો પ્રમાણિક પ્રયાસ પણ કરે છે.નાણાકીય રીતે તો આ ફિલ્મ સફળ જવાની કોઈ જ શકયતા નથી, પણ જોનારામાંથી થોડાને પણ જાગૃત કરશે તો તે બનાવવી સફળ થશે. સ્વસ્થ વિચાર કરનારાઓએ તો જોવી જ જોઈએ, પણ વિચાર-ઝનૂનીઓ પણ જુએ તે જરુરી છે. ભૂલથી પણ કોઈનું મન આ સત્ય સ્વીકારવા તૈયાર થશે તો ફિલ્મ બનાવવી સાર્થક થશે. સમાજમાંથી એક વ્યકિત તો સ્વસ્થ થશે !
શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક dholakiahc@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
જીવન જીનેકા નામ
હકારાત્મક અભિગમ
રાજુલ કૌશિક
જીવનના કોઇપણ રસ્તા સહેલા-સુગમ જ હોવાના , દરેક ચઢાણો સરળ જ હોવાના એવી માન્યતામાં કેટલું તથ્ય? જીવનમાં આગળ વધતા કોઇ રસ્તો ઉખખાબડ ન આવે તો એ આપણું સદનસીબ. પરંતુ જીવનમાં આવતી સમસ્યાને જોનારાના પણ અલગ-અલગ દ્રષ્ટિકોણ હોવાના. એના માટે અહીં બે વાત યાદ આવે છે.
એક છે શાહમૃગવૃત્તિ. પક્ષીઓમાં વિશાળ અથવા કદાવર કહી શકાય એવા ઉત્તર આફ્રિકામાં જોવા મળતા શાહમૃગની પ્રકૃતિથી આપણે જ્ઞાત છીએ. જ્યારે એનો શિકાર કરવા કોઇ પીછો કરે ત્યારે એ જાત બચાવવા દોડવા કે સામનો કરવાના બદલે એ પોતાનું માથું જમીનમાં ખોસી દે છે અને એવું માની લે છે કે હવે એને કોઇ જોઇ શકશે નહીં. એનું કદ વિશાળ હોવાના લીધે એ ઊડી નથી શકતું એ સમજાય એવી વાત છે પણ જે મજબૂત પગ એને મળ્યા છે એના સહારે એ દોડવાને તો શક્તિમાન છે જ એવી સમજણના અભાવે એ માથુ રેતીમાં ખોસીને નિશ્ચિંત બની જાય છે કે હવે એને મુસીબત આંબી નહી શકે.
બીજુ ઉદાહરણ છે શાહમૃગના જેવી જ કદાવર કાયા ધરાવતા એની જેમ જ આફ્રિકામાં જોવા મળતા જિરાફની. જિરાફનું બચ્ચું જન્મ સમયે માતાના ગર્ભમાંથી જે ઊંચાઇએથી જમીન પર પછડાય છે ત્યારે એ નવજાતને બચ્ચાને માંડ કળ વળી ના વળી અને મા એ નવજાત બચ્ચાને પોતાના પગ વડે જોરથી લાત મારે અને જરા આઘી જઈ ઊભી રહે. આઘાત લાગે એવી વાત છે નહીં? પણ એ વાસ્તવિક હકીકત છે. બચ્ચુ ઊભુ થવા પ્રયત્ન કરે ત્યાં તો ફરી એક લાત.. ફરી બચ્ચુ ઊભુ થવા જાય અને ફરી એક લાત. માન્યામાં ના આવે એવી વાત છે ખરૂં ને? અંતે લાત ખાઈ ખાઈને બચ્ચુ ફરી બીજી લાત ન પડે એના માટે ઊભુ થઇને દોડવા માંડે અને ત્યારે જઈને માતા- જિરાફ એના બચ્ચાને વ્હાલથી ચાટવા માંડે છે. મા છે. એને ય બચ્ચુ વ્હાલું તો છે જ પણ એ જાણે છે કે જો જન્મથી જ એને આત્મ-રક્ષણ માટે સજ્જ નહી કરવામાં આવે તો નવજાત પ્રાણીનું તાજું માંસ પસંદ છે એવા જંગલી પ્રાણીઓ એને ફાડી ખાશે.
છે ને બે વિરોધાભાસી વાત? એક છે સમસ્યાથી દૂર ભાગતી, ઉકેલ લાવવાના બદલે એને નજરઅંદાઝ કરવાની વૃત્તિની અને બીજી છે સકારાત્મક દ્રષ્ટિકોણ ધરાવતી, કોઇપણ સમસ્યાને સામી છાતીએ પહોંચી વળવા જાતને સજ્જ રાખવાની વૃત્તિની. આવી વ્યક્તિઓમાં બીજી પણ એક ખાસિયત જોવા મળશે. એ કોઇપણ સમસ્યાનો સામનો કરવાના સૌથી શ્રેષ્ઠ માર્ગના વિકલ્પ શોધશે. જો ક્યાંક કોઇ ગણતરી ખોટી પડી તો નિસંકોચ ભૂલ સ્વીકારીને અન્ય વિકલ્પ અજમાવશે. શાહમૃગની જેમ મ્હોં તો નહીં જ સંતાડે.
જીવન જીવી લેવું અને જીવી જાણવું, બંનેમાં ફરક તો ખરો જ..
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
શોધ—સંશોધનનો રાહ આસાન નથી.
નિસબત
ચંદુ મહેરિયા
લાલ બહાદૂર શાસ્ત્રીએ ‘ જય જવાન, જય કિસાન’ નો નારો આપ્યો હતો. પોખરણમાં પુન: પરમાણુ પરીક્ષણ વેળા, ૧૯૯૮માં, તત્કાલીન વડાપ્રધાન અટલબિહારી વાજપાઈએ તેમાં ‘જય વિજ્ઞાન‘ જોડ્યું હતું. હવે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમાં ‘ જય અનુસંધાન’ ઉમેર્યું છે. સૈનિક અને ખેડૂતના જેટલી જ વિજ્ઞાન અને સંશોધનની જરૂર છે. જોકે સંશોધનની દીર્ઘ પરંપરાનો દાવો કરતાં આપણા દેશમાં વડાપ્રધાનની કક્ષાએથી હવે તેને નારો બનાવવો પડે છે તે વદતોવ્યાઘાત છે.
પ્રાકૃતિક અને અન્ય સંસાધનો જેટલી જ વિકાસ માટે સંશોધનની આવશ્યકતા છે. વિજ્ઞાન, ટેકનોલોજી અને શોધ-સંશોધનની જીવનના તમામ ક્ષેત્રોમાં મહત્વની ભૂમિકા છે. જ્ઞાનવૃધ્ધિ માટે આયોજનપૂર્વક કરાતું કાર્ય એટલે સંશોધન કે રિસર્ચ. વિશ્વની ત્રીજી સૌથી મોટી વૈજ્ઞાનિક અને તકનિકી જનશક્તિ દેશ પાસે છે. છતાં જ્ઞાનની ખોજ ગણાતા શોધ-સંશોધનમાં ભારતના સ્થાન અંગે મત-મતાંતર પ્રવર્તે છે. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સંશોધન કરતાં અગ્રણી દેશોમાં ભારત સાતમા ક્રમે છે. ઋતુઓના પૂર્વાનુમાન માટેનું સુપર કમ્યુટર શોધનાર અમેરિકા, જપાન, અને બ્રિટન પછીનો ચોથો દેશ આપણે છીએ. નેનો ટેકનોલોજીમાં દેશનું ત્રીજું સ્થાન છે. રિસર્ચના જે કેટલાક મૂળભૂત સ્વરૂપો છે તે પૈકી બેઝિક રિસર્ચમાં ભારત મોખરે છે.
જોકે તેનાથી વિરુધ્ધની દલીલો પણ જોવી રહી..વૈશ્વિક વિજ્ઞાનમાં માંડ બે થી ત્રણ ટકાનું યોગદાન ધરાવતા દેશમાં બીજે ક્યાંય નહીં ને ૨૦૧૫ની ઈન્ડિયન સાયન્સ કોંગ્રેસમાં પ્રાચીનકાળમાં તમામ આધુનિક જ્ઞાનનો ભંડાર ભારતમાં જ હતો તેવી બડાસો હાંકવામાં આવી હતી અને તેનું અવારનવાર પુનરાવર્તન થતું રહે છે. જ્યારે મેરા ભારત સબ મેં મહાનના દાવા ઠોકાય છે ત્યારે ધરાતલની વાસ્તવિકતા પર નજર કરવી જોઈએ. સ્વાતંત્ર્યનો અમૃતકાળ ઉજવી રહેલા દેશમાં આઝાદીની પોણી સદીમાં હજુ વિજ્ઞાનનું એકેય નોબેલ આપણે પામ્યા નથી. દેશની લગભગ હજારેક યુનિવર્સિટીઓમાંથી વરસેદહાડે જે ત્રણેક હજાર જેટલા પીએચ.ડી.ના શોધનિબંધો તૈયાર થાય છે તેમાં નવીન અને મૌલિક વિચારોનો બહુધા અભાવ હોય છે. વૈશ્વિક રેંકિગમાં ભારતની ભાગ્યે જ કોઈ યુનિવર્સિટી સ્થાન મેળવી શકે છે કે તેની શૈક્ષણિક ગુણવત્તા વિશ્વસ્તરની હોય છે. તેમા છતાં વિશ્વગુરુ અને બ્રેન ડ્રેન ને બદલે બ્રેન ગેનના આંબા-આંબલી દેખાડાય છે.
ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો સહજ ઝોક વિજ્ઞાન પ્રતિ હતો. એટલે આઝાદી પછીની તુરતની પંચવર્ષીય યોજનાઓમાં વૈજ્ઞાનિક સંશોધનોને પ્રાથમિકતા આપવામાં આવી હતી. સ્વાતંત્ર્યના પહેલા જ દાયકામાં અગિયાર સંશોધન સંસ્થાઓને માન્યતા મળી હતી. અનાજની ભારે અછત અને પરાવલંબન દૂર કરતી હરિયાળી ક્રાંતિ શોધ-સંશોધનનું જ પરિણામ હતું. ૧૯૬૯માં સ્થપાયેલા ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(ઈસરો) એ અંતરિક્ષ સંબંધી ટેકનિક વિકસાવી અને ઉપલબ્ધ કરાવી હતી. આર્યભટ્ટ( ૧૯૭૫), ભાસ્કર(૧૯૭૯) અને રોહિણી( ૧૯૮૦) ઉપગ્રહ અને પોખરણ અણુપરીક્ષણ ભારતમાં આરંભના દાયકાઓના વિકસતા વિજ્ઞાન અને ટેકનોલોજીના પુરાવા છે. ચન્દ્રમા મિશન, ડીએનએ, ફિંગરપ્રિન્ટ અને અગ્નિ મિસાઈલ પણ દેશની વૈજ્ઞાનિક પ્રગતિના ધ્યોતક છે.
શોધ-સંશોધન શ્રમસાધ્ય, સમયસાધ્ય અને ધનસાધ્ય પ્રક્રિયા છે. તેનો રાહ આસાન નથી. તે માટે ધ્યેર્યપૂર્વકની શિસ્ત ઉપરાંત મન અને ધનની જરૂરિયાત રહે છે. સંશોધનનો ગહન સંબંધ નાણાંકીય સંસાધનો સાથે રહેલો છે. સંશોધનો માટેના નાણા ફાળવવામાં આપણી સરકારો અને સમાજ ઘણાં પાછળ છે. ભારતના જીડીપીનો ૦.૬૬ ટકા હિસ્સો જ સંશોધનો માટે ખર્ચાય છે. વરસોથી તેમાં વધારો કરવાની માંગ થતી રહે છે. ૨૦૨૦ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં રાષ્ટ્રીય સંશોધન સંસ્થાની રચનાનું વચન છે. દેશના વર્તમાન નાણા મંત્રીએ તે માટે રૂ. પચાસ હજાર કરોડ ફાળવવાની દરખાસ્ત કરી હતી. પરંતુ તેની બજેટમાં જોગવાઈ કર્યાનું જણાયું નહીં.
દુનિયાના વિકસિત દેશોમાં સંશોધનો માટે ખાનગી ક્ષેત્રનો મોટો નાણાકીય ફાળો હોય છે.પરંતુ ભારતનું ખાનગી ક્ષેત્ર આ બાબતમાં ઘણું ઉંણુ છે. ખાનગી ક્ષેત્રનો હાલનો ૩૭ ટકા હિસ્સો બમણો કરવાની જરૂર વર્તાય છે. સંરક્ષણ સાધનોની બાબતમાં દેશ નચિંત અને ખાસ્સો આત્મનિર્ભર બની રહ્યો છે. તેનું કારણ સંરક્ષણ બજેટનો ચોથો ભાગ નવી શોધો અને સંશોધનો માટે ફાળવાયો છે, તે છે. પરંતુ ચાલુ વરસના સામાન્ય બજેટમાં સંશોધન સંસ્થાઓને ફાળવાતા નાણામાં જરાય વૃધ્ધિ કરવામાં આવી નથી.
છેલ્લા કેટલાક વરસોથી આપણી યુનિવર્સિટીઓમાં ટીકાત્મક કે આલોચનાત્મક ચિંતન પર સરકારી દમન વધ્યું છે. લોકતાંત્રિક સરકારોના આવા અનુદાર વલણથી પણ વિજ્ઞાન અને સંશોધનો પર ખરાબ અસર થાય છે. વળી મહાવિધ્યાલયોમાં થતાં સંશોધનો દેશના વાસ્તવિક પ્રશ્નો અને તેના ઉકેલ માટે કેટલા ખપના છે તે પણ સવાલ છે. હાલનો યુગ વિજ્ઞાન અને ટેકનોલોજીનો ગણાય છે. તો દેશમાં છાશવારે ગટર કે ખાળકૂવા સાફ કરવા અંદર ઉતરેલા સફાઈ કામદારો ઝેરી ગેસથી ગુંગળાઈને કેમ મરતા રહે છે ? શું આ પ્રકારની સફાઈ માટેના કોઈ સાધનો શોધી શકાતા નથી ? કે જેથી ગરીબોને મરતાં અટકાવી શકાય ? શું આપણા વિજ્ઞાન અને ટેકનોલોજીના વિધ્યાર્થીઓ સામાજિક વિજ્ઞાનથી અનભિજ્ઞ હોય છે ? તાજેતરમાં નાગપુરમાં યોજાયેલા ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના અધિવેશનમાં અંતરિક્ષમાં આરોગી શકાય તેવા ચિકનબિરયાની અને સોજીના હલવાની શોધનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પરંતુ દેશની ગરીબી, ભૂખ અને કુપોષણનો અસરકારક ઈલાજ દર્શાવતી શોધ હજુ કેમ થઈ શકી નથી?
કબૂલ કે જ્ઞાનના તમામ ક્ષેત્રોમાં શોધ-સંશોધનનો રસ્તો સરળ નથી.તેના માર્ગમાં અનેક અવરોધો છે. નવાની શોધ અને જૂનાનું પુન: પરીક્ષણ કરતા રહેવાની આ પ્રક્રિયા સતત ચાલતી રહેતી હોય છે. તેનાથી નવા તથ્યો હાથ લાગે છે. તે માટે ભારત જેવા યુવા વસ્તીના દેશમાં વિપુલ તકો હોવી જોઈએ. માંડ બાર કરોડની વસ્તીના જપાનને ફિઝીક્સમાં તેર નોબેલ મળ્યા હોય કે ટચુકડા ઈઝરાયેલમાં અગિયાર નોબેલ પુરસ્કૃત વૈજ્ઞાનિકો હોય ત્યારે સવાસો કરોડના દેશમાં પ્રાચીન ભારતની મહાનતાના ગુણગાન ગાવાને બદલે કમર કસીને સાચી દિશાના સંશોધનોમાં લાગી જવું જોઈશે. તો જ વિજ્ઞાન અને અનુસંધાનની જય બોલાવી શકાશે.સરકાર હાલની જીડીપીનો નગણ્ય હિસ્સો(૦.૬૬ ટકા) વધારીને કમ સે કમ એક કે બે ટકા કરે તો પણ સંશોધન પ્રવૃતિને વેગવંતી કરી શકાય.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ગુજરાતી શ્રાવ્ય પુસ્તકો
આજકાલના ધમાલ ભર્યા વ્યાવસાયિક અને પારિવારિક જીવનમાં પુસ્તક વાંચવાનો સમય કાઢવો એક પડકાર જ છે. આથી જન સમુદાય તેમને મળતા ટૂંકા વિરામો જેમકે પ્રવાસ આદિના સમયમાં તથા પ્રજ્ઞાચક્ષુ મિત્રો પણ સાહિત્યને માણી શકે તેવા ઉદ્દેશ્યથી ગુજરાતી શ્રાવ્ય પુસ્તકો (Gujarati Audio Book) વિકિસ્રોત પર ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ પરિયોજના અંતર્ગત નીચે જણાવેલ પુસ્તકો શ્રાવ્ય માધ્યમમાં ઉપલબ્ધ છે:
માહિતી સ્રોત : વિકિસ્રોત
દુખદ તાજા કલમ:
જ્યારે હું આ પોસ્ટ પ્રકાશન માટે શીડ્યુલ કરી રહ્યો હતો ત્યારે કાળ પર મારા હસતો હશે કે તારી આ પોસ્ટ શ્રી મોડર્ન ભટ્ટ માટેની શ્રદ્ધાંજલિ બની જશે.અશોક વૈષ્ણવ -
ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૪૮
ચિરાગ પટેલ
उ. १८.२.१ (१६६९) इदं विष्णुर्वि चक्रमे त्रैधा नि दधे पदम् । समूढमस्य पाँसुले ॥ (मेधातिथि काण्व)
વિષ્ણુએ પોતાના પગથી ત્રણેય લોકને સ્વાધીન કરેલાં છે એ ધૂળમાં પડેલા ચરણ દેખાતાં નથી.
उ. १८.२.२ (१६७०) त्रीणि पदा वि चक्रमे विष्णुर्गोपा अदाभ्यः । अतो धर्माणि धारयन् ॥ (मेधातिथि काण्व)
જગતના પાલક અવિનાશી વિષ્ણુ ત્રણ ચરણોથી વિજય પ્રાપ્ત કરે છે તેથી ધર્મને ધારણ કરતાં રહે.
उ. १८.२.३ (१६७१) विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पस्पशे । इन्द्रस्य युज्यः सखा ॥ (मेधातिथि काण्व)
બધાં કાર્યોને પ્રેરણા અને ગતિ આપનાર વિષ્ણુના કાર્યોને જુઓ. તેઓ ઇન્દ્રના યોગ્ય સહાયક મિત્ર છે.
उ. १८.२.४ (१६७२) तद्विष्णोः परमं पद सदा पश्यन्ति सूरयः । दिवीव चक्षुरतितम् ॥ (मेधातिथि काण्व)
આંખોથી જેમ પ્રકાશિત સૂર્યને જોઈ શકાય છે એમ વિદ્વાનો વિષ્ણુના પરમ પદને સદૈવ જુએ છે.
उ. १८.२.५ (१६७३) तद्विप्रासो विपन्युवो जागृवांसः समिन्धते । विष्णोर्यत्परमं पदम् ॥ (मेधातिथि काण्व)
વિષ્ણુનું જે પરમ પદ છે તેને મેધાવી, વિશેષ સ્તુતિ કરનાર, જાગરૂક પ્રકાશિત કરે છે.
उ. १८.२.६ (१६७४) अतो देवा अवन्तु नो यतो विष्णुर्विचक्रमे । पृथिव्या अधि सानवि ॥ (मेधातिथि काण्व)
એ વિષ્ણુએ પૃથ્વીથી જે સર્વોચ્ચ સ્થાન સુધી પોતાના પરાક્રમને સ્થાપિત કર્યું છે એવા શ્રેષ્ઠ લોકનું બધાં દેવતાઓ અમને જ્ઞાન કરાવે.
મેધાતિથિ કાણ્વ ઋષિના આ સામ સમૂહ વિષ્ણુની મહત્તા જણાવે છે. આધુનિક દૃષ્ટિએ વિશ્લેષણ કરીએ તો સહુપ્રથમ વિષ્ણુ એટલે કોણ એ પ્રશ્ન થાય. બાર આદિત્યમાંથી એક વિષ્ણુ છે, અને બાર આદિત્યો એટલે વર્ષના બાર મહિનાઓ. પરંતુ, ઉપરોક્ત સામમાં વિષ્ણુ વેદોના સર્વોચ્ચ દેવ ઇન્દ્રથી પણ વધુ મહત્વનું પદ ધરાવે છે એમ જણાય છે. એટલે, બાર આદિત્ય માંહેના એક વિષ્ણુ અને આ સામમાં વર્ણવેલ વિષ્ણુ ભિન્ન જણાય છે.
ત્રણ પગલામાં સમસ્ત વિશ્વને સમાવી લેવાની કથા વામન અવતારરૂપે પુરાણોમાં પ્રચલિત છે. પરંતુ, વેદોમાં કોઈ અવતારવાદ નથી. એટલે, આપણે સહેજે સૂર્યને આ સ્થાન આપી શકીએ. સૂર્ય ત્રિકાળ સંધ્યા એટલે કે ઉષા, મધ્યાહન અને સંધ્યામાં સમગ્ર વિશ્વને આવરી લે છે. વળી, પૃથ્વી, દ્યુલોક અને અંતરિક્ષમાં સૂર્ય વ્યાપ્ત છે. પરંતુ, ૧૬૭૨મા સામમાં જણાવ્યા પ્રમાણે સૂર્યની જેમ વિષ્ણુ ભૌતિક આંખોથી નહીં પરંતુ આંતરિક અથવા જ્ઞાન ચક્ષુથી વિદ્વાનો જુએ છે એમ ઋષિ કહે છે. એટલે, સૂર્ય એ વિષ્ણુ નથી.
અગાઉના ઇન્દ્રને લગતા અમુક સામમાં સૂર્ય એ જ ઇન્દ્ર જણાય છે. અમુક સામમાં પરમાણુમાં રહેલી શક્તિ ઇન્દ્ર જણાય છે. અહિ ઋષિએ વિષ્ણુને ઇન્દ્રના સહાયક મિત્ર કહ્યા છે. એટલે, વિષ્ણુ ગુરુત્વાકર્ષણ શક્તિ કે વિદ્યુત ચુંબકીય બળ છે એવો અર્થ લઈએ તો ઉપરોક્ત બધાં સામના અર્થ મેળ ખાય છે. ગુરૂત્વશક્તિ કે વિદ્યુત ચુંબકીય શક્તિથી જ સર્જન, પોષણ અને નવસર્જન થાય છે. વિષ્ણુનો અર્થ સર્વેને ધારણ કરનાર અથવા સર્વત્ર વ્યાપ્ત છે. એ અર્થમાં પણ ગુરુત્વાકર્ષણ કે વિદ્યુત ચુંબકીય બળ એ જ વિષ્ણુ એમ કહેવું ઉચિત છે.
અમુક સામમાં મન કે આત્મા ઇન્દ્ર જણાય છે. જો ઇન્દ્ર આત્મા છે તો વિષ્ણુ સર્વેના ઈશ્વર એવા પરમાત્મા છે એમ કહી શકાય.
શ્રી ચિરાગ પટેલનું ઈ-મેલ સંપર્ક સરનામું :- chipmap@gmail.com
-
ઊર્મિલ સંચાર : પ્રકરણ-૩ પરિચય.
નવવધૂ માયાને ભારતથી અમેરિકામાં પ્રવેશ માટે વિઝા મળતા હ્યુસ્ટન આવે છે. બીજે દિવસે તે શોમને જણાવે છે કે તે પહેલા પરણેલી જ હતી…અને વિઝા મેળવવા માટે તેણે શોમ સાથે લગ્નનું નાટક કર્યું હતું. મોટો ઝટકો આપીને માયા ચાલી જાય છે. શોમની બહેન નીના તરફથી પુત્ર જન્મના સમાચાર આવતાં તેઓ કેલિફોર્નિયા જાય છે.
પ્રકરણ-૨ થી આગળ વાંચો...
શોમને માયાએ આપેલ ઝટકાને બે વર્ષ પસાર થઈ ગયા હતા. શોમનો ઉદાસ ચહેરો અને પ્રયત્નપૂર્વક આવતું સ્મિત માતા-પિતાને કાંટાની જેમ વાગતું. આ ખરાબ અનુભવ પછી માહી કે રમેશ લગ્નની વાત છેડતા નહીં. કેલિફોર્નિઆથી બહેન નીના ફોન જોડી આપે પછી, બે વર્ષનો ભાણો અયન, મામા સાથે લગભગ રોજ ભાંગીતૂટી ભાષામાં વાતો કરતો. એ આશ્વાસન હતું કે કેન્સર રીસર્ચના કામમાં શોમની પ્રગતિ અસાધારણ હતી. મુંબઈમાં દાદાજીની તબિયત બરાબર નહોતી.
શોમ દર રવિવારે સાંજે ઘરે આવી માહીની બનાવેલ રસોઈ શોખથી જમતો. એ રવિવારે તે અદમ્ય ઉત્સાહમાં હતો. “ડેડ! ગોઆમાં વૈદ્ય ભાણજી સાથે બધું નક્કી થઈ ગયું છે. બે ડોક્ટર આજે આવી રહ્યા છે. તેમનું આયુર્વેદિક જ્ઞાન આપણી એલોપેથિક સારવાર સાથે કઈ રીતે કેન્સરના દર્દીઓને લાભદાયી થાય તેવા પ્રયત્નો કરી રહ્યા છીએ. અમે બે યુનિટ તૈયાર કર્યા છે. એક આયુર્વેદિક સેન્ટર અને એક હ્યુસ્ટનનું એલોપથી ક્લિનિક જે અત્યારે ચાલુ છે. તમને આ વ્યવસ્થા કેમ લાગે છે?” વર્ષોથી ત્યાંની હોસ્પિટલમાં કામ કરતા પિતાનો અભિપ્રાય મહત્વનો હતો.
એ બન્નેની વાતો પૂરી થતાં માહીએ પૂછ્યું, “શોમ, તું કહેતો હતો કે છ મહિના માટે આ લોકોની રહેવાની વ્યવસ્થા કરવાની હતી, તેનું શું થયું?”
“એક લેડી ડોક્ટર, અંજલિ, પંડ્યાસાહેબને ઘેર, અને ડો. રાકેશ તેમના સગાને ઘેર રહેવાના છે. હું મળ્યો નથી, પણ વૈદ્યરાજ ડો.અંજલિનાં બહુ જ વખાણ કરતા હતા. આવતીકાલે મળવાનું છે, જોઈએ કેમની વ્યવસ્થા થાય છે.”
જમવાનું પૂરું કરી હાથ ધોતા જ શોમ બોલ્યો, “આજે જલ્દી જવું છે, શાસ્ત્રીય સંગીતના કેફીનનો સમય નથી. આવતા રવિએ…” તેની મમ્મીને વ્હાલ કરી, શોમ જતાં જતાં બોલ્યો, “અને હા, આજ રાતના મુંબઈ દાદાજીને ફોન કરવાનો છું.”
“શોમ કેટલો ખુશ છે!” રમેશ અને માહી ટેબલ પર પ્રસન્નતાથી એ પળને મમળાવતાં બેસી રહ્યાં.
મિટિંગ માટે શોમ અને તેના સાથી ડોક્ટરો અને બીજા સભ્યો સમયસર હાજર હતા. તેમના ડીન બે વ્યક્તિને લઈને રૂમમાં દાખલ થયા. પરિચય આપતા જણાવ્યું કે, “આપણા સારા નસીબે, આ કુશળ ડોક્ટરોને આવકારતા આનંદ અનુભવું છું. ડોક્ટર અંજલિ મારુ, અને ડોક્ટર રાકેશ રોય… શોમ, હું આમને તમારી સંભાળમાં સોંપું છું.”
શોમે ઊભા થઈ રાકેશ સાથે હાથ મિલાવ્યા. અંજલિ ‘નમસ્તે’ કહી હસી. શોમ હાથ જોડીને થોડી પળો ભૂલી ગયો કે હવે શું કહેવાનું છે! …’આહ, શું હાસ્ય છે!’ શોમની નજર તેને એક ખુરશી તરફ જતી…જોતી રહી. ગોળ ટેબલ આસપાસ બધા ગોઠવાયા. શોમે તેના વિચારોને કાબુમાં લાવી, વ્યવસ્થિત યોજનાની રૂપરેખા દોરવાની શરૂઆત કરી.
“આપણે બે પધ્ધતિથી કેન્સરના દર્દીઓની સારવાર કરશું. હ્યુસ્ટન ક્લિનિકમાં આવતા દર્દીઓને આયુર્વેદિક સારવાર વિશે માહિતી આપશું અને જે દર્દી સહમત થશે તેમને એબી સેન્ટરમાં મોકલશું…મેં આયુર્વેદિક સેન્ટરને, ‘એબી સેન્ટર’ નામ આપ્યું છે.” શોમે સ્પષ્ટતા કરી. “રાકેશ અને અંજલિની સાથે પત્રવ્યવહારથી અને વૈદ્ય ભાણજીની સલાહ અનુસાર અમે સારવારની ચોક્કસ યોજના બનાવી છે.”
ઘણી ચર્ચા વિચારણા પછી લંચ સમયે બધા કાફેટેરિયા તરફ ગયા. અંજલિને લાઈનમાં જોઈ શોમ તેની પાછળ જોડાયો. અંજલિએ આભાર માન્યો કારણ કે તેને ભય હતો કે નવી જગ્યામાં એ કંઈક મૂર્ખામી ન કરી બેસે! જમતી વખતે, બંને માટે પહેલો ગમતો વિષય… વૈદ્ય ભાણજીનો હતો.
અંજલિ બોલી, “મારા પિતાની સાથે હું પોંડિચેરીથી ગોઆ આશ્રમમાં જતી હતી. હું ચૌદ વર્ષની હતી ત્યારે મારા પિતાનું અવસાન થયું. ત્યાર બાદ તેમણે મને અને મમ્મીને ખૂબ સ્નેહ અને સંભાળ આપ્યા છે. વૈદ્ય ભાણજીને હું બાબા કહીને બોલાવું છું, તેમની હું માનસ પુત્રી બની ગઈ. મેડિકલ કોલેજ પછી, ખાસ આયુર્વેદનો અભ્યાસ કરવા હું ગોઆમાં બે વર્ષ રહી અને હવે અહીં.” …ફરી, એ જ મધુ સ્મિત!! …શોમને બીજા કામનું દબાણ ન હોત તો ખબર નહીં ક્યાં સુધી અંજલિ સાથે વાતો કરતો રહેત.
શોમની યોજના પ્રમાણે કામ શરૂ થઈ ગયું. નિયમિત ક્રમ પ્રમાણે હ્યુસ્ટન ક્લિનિકમાંથી એબી સેન્ટરમાં આવતા કેન્સર દર્દીને તપાસી, ટ્યુમરનું માપ નોંધી લેવાનું કામ રાકેશનું હતું. ત્યારબાદ, કઈ આયુર્વેદિક દવા અને કેટલી માત્રામાં આપવી તે નક્કી કરી, સારવાર શરૂ કરવાની જવાબદારી અંજલિની હતી. દર અઠવાડિયે એક વખત મિટિંગમાં શોમને અંજલિને મળવાનું શક્ય બનતું. કામ વિશે વાતો કરી પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ જતાં… પણ છૂટા પડતી વખતે, અંજલિના ગાલનું ખંજન, અલવિદા કહેતી એક નજર, અને એવી યાદો એ જરૂર મનની મંજૂષામાં આવરીને લઈ જતો.
એક દિવસ શોમ અને સ્ટિવ કાફેટેરિયામાં સવારનો નાસ્તો કરી રહ્યાં હતાં. સ્ટિવ કહે, “સારા કહેતી હતી કે આપણે આ શનિવારે દરિયા કિનારે જઈએ.” ડોક્ટર સારા, બંને ક્લિનિક્ને સાંધતી કડી હતી, જે સ્ટિવનની મિત્ર પણ હતી. છેલ્લા બે મહિનાની મુલાકાતો પછી સારા અને અંજલિ વચ્ચે દોસ્તી થઈ ગઈ હતી. “આરી પણ આવશે.” તેમનો નાનપણનો દોસ્ત આયંગર ઉર્ફે આરી, એન્જિનિયર હતો. આ ત્રણ બાલ મિત્રોની જોડી અતૂટ હતી.
“જોઈએ, શક્ય છે કે નહીં!” શોમ વિચાર કરતા બોલ્યો.
“સારા અંજલિને પણ કહેવાની છે.” સ્ટિવન આપેલી માહિતી પછી શોમનું, ‘જોઈએ’ … ‘ચોક્કસ’માં બદલાઈ જતું સાંભળી સ્ટિવન હસી પડ્યો.
શનિવારે સ્ટિવનની કારમાં બધા ગોઠવાયા. શોમ, અંજલિની બાજુમાં બેસીને હાઈસ્કુલના કિશોર જેવો અધીર અને ઉત્તેજિત હતો. અંજલિની દશા પણ જરા એવી જ હતી. દરિયા કિનારે ટહેલતા અંજલિ એકદમ ચૂપચાપ હતી. દૂર જઈ એક પથ્થર પર બેસી ગઈ. મિત્રો વાતો કરતા આગળ નીકળી ગયા પણ શોમ પાછો ફરી, અંજલિની નજીક જઈ બેઠો.
“આ શું? તમારી આંખોમાં આંસુ?” શોમ બોલ્યો.
“હાં, ઘરની બહુ યાદ આવે છે. આ ઊમડતાં મોજા સાથે મારું દિલ મમ્મી પાસે દોડી જવા ઝંખે છે.” શોમ અનુકંપાથી અંજલિ સામે જોઈ રહ્યો. લાંબો સમય સાગરના ગહેરા અવાજમાં કોઈ અનકહી લાગણીઓમાં બંને અટવાઈ રહ્યા. શોમને પોતાની લાગણીનો પ્રતિસાદ અંજલિની ધડકનમાં સંભળાયો. તેમની વચ્ચેના આકર્ષણની અનુભૂતિ જાણે આપસમાં સ્વીકારી લીધી. સાગરનાં સાનિધ્યમાં અંતરની સંવાદિતા તેમને પરિચયના ઘનિષ્ઠ સ્તર પર લઈ ગઈ.
એક વખત મેળાવડામાં રમેશ અને માહી સાથે અંજલિનો પરિચય થયો હતો. એબી સેન્ટરનું કામ સફળતાથી આગળ વધી રહ્યું હતું. ઘણા દર્દીઓમાં ચાર મહિનાની સારવારનું પરિણામ આશાજનક હતું. વ્યસ્ત હોવાથી બે રવિવાર પછી, શોમ તેના મમ્મીની રસોઈ માણવા જઈ રહ્યો હતો. માહીના મમતાભર્યા ચહેરા પર આશ્ચર્ય સાથે ખુશી જોવા માટે, ચાવી હતી તો પણ, શોમે ઘરની ઘંટડી વગાડી. બારણું ખોલનારને જોઈને તેને જ આશ્ચર્ય થયું, “અરે, અંજલિ! અહીં કેમ?”
માહી પાછળથી કહે, “મિસીસ પંડ્યાને ઓચિંતા ભારત જવું પડ્યું, તેથી અંજલિના યજમાન અમે છીએ.”
“માન ન માન મેં તેરા મહેમાન…” અંજલિ બોલી.
“અમારા માટે તો મોંઘેરા મહેમાન, કેમ માહી?” રમેશ રસોડા તરફ જતી માહીને સંબોધી બોલ્યા. પરિવારના સભ્ય જેવી સરળતાથી અંજલિ માહીને મદદ કરી રહી હતી. “જુઓને તેની સાથે ‘મહેમાન’ જેવું તો કશું લાગતું નથી.” માહીએ જવાબ આપ્યો.
જમ્યા પછી પૂલ પાસે ચારે વાતોએ વળગ્યાં. “અંકલ! એક માંગણી…હું સપ્તાહમાં એક વખત મારી મમ્મીને ભારતમાં ફોન કરું છું. હાં, ટૂંકો સમય રાખું છું. તેનું બિલ મને જણાવશો, તે હું આપી દઈશ.”
“કઈ જગ્યાએ તમારા મમ્મી છે?” રમેશે પૂછ્યું.
“પહેલી વાત. તમારે અને આંટીએ મને તું કહીને બોલાવવી… અને હા, મમ્મી સ્કૂલ ટીચરની નોકરી પરથી રિટાયર થઈ પોંડિચેરીથી ગોઆ શિફ્ટ થઈ ગયા છે.”
“જરૂર ફોન કરવો, અને બિલની ચિંતા નહી કરતી.” રમેશની વાતમાં માહીએ હામી ભરી. મહેમાન સાથે વાતોમાં મગ્ન દીકરાને જોઈને માતા-પિતાએ હસીને એકબીજાને ઇશારો કર્યો કે, ‘આજે શોમને પોતાના એપાર્ટમેન્ટ પર જવાની ખાસ ઉતાવળ નથી લાગતી!’
“અંજલિ, આવતા શનિવારે નીના, રૉકી અને અયન કેલિફોર્નિયાથી આવશે. અયનની બીજી વર્ષગાંઠ હમણાં ગઈ છે. આપણે નાની પાર્ટી રાખશું. અંજલિ, મને મદદ કરીશ ને?” ક્યાં અને કેવી ગોઠવણી કરવી જેથી અયન ખુશ થઈ જાય, એ બાબત ચર્ચા ચાલી. શોમ મોડી રાતે પોતાના મુકામે પહોંચી, ઉપર વરંડામાં જઈ ચંદ્રમાને જોઈ રહ્યો…અને ત્યાં અંજલિ પણ ચંદ્રમાને જોઈ રહી હશે?
શાને આ ચહેરો મારા મનને લોભાવે?
શાને દિન રાત મીઠા દર્દથી સતાવે?
ઊર્મિલ દિલ ચાહે એ મુજને બોલાવે,
ઓળઘોળ આજ તેની આંખના ઇશારે.નીનાએ આવતાવેંત ફરિયાદ કરી, “આવી છું ત્યારથી એક નામ સાંભળ્યાં કરું છું. પણ એ છે ક્યાં? હું જોઉં તો ખરી કે મારું સ્થાન કોણે હોશિયારીથી પચાવી પાડ્યું છે? મારો નાનો ભાઈ પણ એનું જ નામ જપે છે, ખરું?” અંજલિ અંદરના રૂમમાંથી બહાર આવી. નીના એકદમ અટકી જઈ, “ઓહ! માન ગયે…” કહીને તેને ભેટી પડી.
“અંજલિ, આ છે મારી જબરી બહેન. જરા સંભાળજે.” કહીને શોમે નીનાને ખભે હાથ મૂકી નજીક ખેંચી.
“ગઈ કાલે મારી પ્યારી બહેન કહેતા હતા, એ જ આ છે ને?” અંજલિએ પ્રશ્ન કર્યો અને નીના ખુશ થઈને હસી ઊઠી. રૉકી અયનને તેડીને નજીક આવ્યો. “જુઓ, એક જ વાક્યમાં અંજલિએ નીનાને જીતી લીધી.”
અંજલિને નવા કુટુંબ વચ્ચે રહેવામાં જરા સંકોચ થતો હતો. સાંજના ઝાંખા ઉજાસમાં બધા ભેગા મળી બેઠાં હતાં. નીના અયનને સુવાડીને આવી અને વાતોનો દોર શરૂ કર્યો. “અંજલિ, આટલા બધા લોકો વચ્ચે કંટાળી તો નથી ને?”
“અલબત્ત, આ મારા માટે નવો અનુભવ છે, પણ મને ગમે છે?”
“નવો અનુભવ! કેમ એમ?” માહીએ પૂછ્યું. નીના અને શોમના ચહેરા પર ‘આવો અંગત સવાલ ન પૂછાય’ તેવો ભાવ આવ્યો.
પણ અંજલિએ હસીને જવાબ આપ્યો, “મારા પપ્પા બહુ આદર્શવાદી અને સ્વતંત્ર વિચારોવાળા હતા. દાદા સાથે જરાય મેળ નહોતો પડતો તેથી પોતાની માના અવસાન પછી ઘરેથી કહ્યા વગર નીકળી મુંબઈ પહોંચી ગયા. આપકર્મથી પગભર થયા. મારા મમ્મી સાથે પ્રેમલગ્ન કર્યા ત્યારે જાતિભેદના નામે બન્ને પરિવારે તેઓનો બહિષ્કાર કર્યો. મમ્મી-પપ્પા શિક્ષકની નોકરી લઈ પોંડિચેરીમાં સ્થાયી થયા.”
આગળ સાંભળવાના આશયથી બધા શાંત હોય તેમ લાગતાં, અંજલિએ આગળ વાત કરી. “મારા મમ્મી દાદા સાથે પત્રવ્યવહાર રાખતાં, પણ હું એકવાર જ મારા દાદાને મળી છું. મોસાળમાં હમણાંથી મમ્મીએ તેના ભાઈને ત્યાં જવાનું શરૂ કર્યું છે. મારા પિત્રાઈઓનો મને પરિચય નથી.” પછી પ્રસન્નતાથી અંજલિએ વાક્ય ઉમેર્યું, “પણ મને ક્યારેય એકલું નથી લાગ્યું કારણ કે, પોંડિચેરી અને ગોઆમાં અમારું વિશાળ કુટુંબ છે.” નીના માયાના છલ-કપટ અને શોમને છોડીને જતાં રહેવાના ગુસ્સાને બદલે મનોમન આનંદથી વિચારી રહી, ’જે થાય તે સારા માટે…’ મા-દીકરીએ એકબીજા સામે જોઈ મર્માળું હસી લીધું.
દિવસો આનંદમાં પસાર થઈ ગયા અને અયનની પાર્ટીના માહોલમાં ઘણા ફોટા લેવાયા. નીનાનું કુટુંબ જવાથી ઘર સૂનું થઈ ગયું, પણ અંજલિ હતી તેથી રમેશ અને માહીને સારું લાગ્યું.
એક બપોરે અંજલિની ઓફિસમાં ફોન રણક્યો, “હેલો, આજે એક ખાનગી આમંત્રણ આપવા ફોન કર્યો છે. શનિવારે સાંજે સાત વાગે હું લેવા આવીશ. તમારા યજમાનથી છુપાઈને નીકળી શકાશે?”
“ચોક્કસ. યજમાન શનિવારે કોઈને ઘેર જવાના છે. ગુપ્તતા જાળવવા બનતા પ્રયત્નો કરવામાં આવશે.” અંજલિ ગહેરા અવાજે બોલી. “અને હા ફોટાઓની કોપીઓ વિશે યાદ કરાવું.”
શનિવારે સાંજે, સરસ રીતે સજ્જ થયેલ શોમે જોષી નિવાસના બારણે ટકોરા માર્યા. બારણું ખોલીને આસમાની રંગના સલવાર-કમીઝમાં મનોહર લાગતી અંજલિને જોઈ રહ્યો. ઘરમાં દાખલ થઈ બારણું બંધ કર્યું. શોમે અંજલિને બાંહોમાં લેતા એ અનાયાસ ખેંચાઈ આવી. તેમનું ચુંબન, પહેલાં કદી ન અનુભવેલું ચુંબન, ઉભરતી આકાંક્ષાઓથી ઉભયને બહેકાવી ગયું. ઊંડો શ્વાસ લઈ બંને અરસપરસ મલકાતાં રહ્યાં.
પહેલી પહેલી પ્રીતનો જુવાળ,
મત્ત ઝરણ બુંદબુંદનો ઉછાળ,
અલકનંદા આનંદનો ફુવાર,
વીજ વ્હાલપનો મીઠો ચમકાર.જો ઉમંગ સંગ રંગનો નિસાર,
હેત હેલીનો રુદિયે પ્રસાર,
મધુર મંદમંદ પમરાતો પ્યાર,
કસક કળીઓને ઝાકળનો માર.રસિક નયણે ઈશારા દિલદાર,
અલી આછેરી ઓઢણી સંવાર,
મુકુલ ભાવુક આ સ્મિતની બહાર,
મદન મોરલીનો મંજુલ મલ્હાર.“વધારે સમય અહીં એકલા રહેવું સલામત નથી… ચાલો જઈશું?” મસ્તીભર્યાં અવાજમાં અંજલિ બોલી અને પોતાનું પર્સ લઈ અગ્રેસર થઈ. “મમ્મી કહેતા કે આપ એવી પરિસ્થિતિમાં ન મૂકાવું જેના પર પોતાનો કાબૂ ન હોય અને પરિણામ સહન કરવાની શક્તિ ન હોય.”
કાર શરૂ કરતાં પહેલાં શોમે ફોટાઓવાળું કવર આપ્યું. “આભાર. મારા મમ્મી સાથે હમણાં સરખી વાત થઈ નથી. હું પંડ્યાને ઘેર નથી રહેતી એ વાત કહેવાની પણ રહી ગઈ છે. આ ફોટા સાથે કાગળ લખીને જણાવું તો ખરી કે હું કોની સાથે ગુલછલ્લા ઉડાવી રહી છું.”

ક્રમશઃ ——- પ્ર.૪.
સુશ્રી સરયૂ પરીખનાં સંપર્ક સૂત્રો : વિજાણુ ટપાલ સરનામું: saryuparikh@gmail.com | બ્લૉગ: https://saryu.wordpress.com
-
હરિનું ઝૂલવું
રક્ષા શુક્લહળવે હળવે હળવે હરિનું હાથ ગ્રહીને ઝૂલવું રે.ધીરે ધીરે ધીરે મંગળ ટાણાનું ગણગણવું રે.હરિવ્હાલા હાથે ગુંથેલી વરમાળા લઈ આવ્યા રે,અમને બાજુબંધ હરિના કોને કહું કે ફાવ્યા રે.હરિએ મારે આંગણ આવી મોરપિચ્છને વાવ્યા રે,વ્હાલપની ગઠરી સંગાથે તરસ-તળાવો લાવ્યા રે.હરિ ચાખે તો અમને ગમતું નિત નવું અવતરવું રે.હળવે હળવે હળવે હરિનું હાથ ગ્રહીને ઝૂલવું રે.ચપટીમાં સિંદૂર ભરીને હરિવર સામે ઊભા રે,મારા મનની દ્વારિકાના એ જ ધણીને સૂબા રે.પગલું પડતા હરિનું સરગાપુર બને આ કુબા રે,હરિપ્રિયા, કમલા કે રુકમણી હું, એ જ વિઠુબા રે.અમીછાંટણા અનરાધારે, અણથક આજ વરસવું રે.હળવે હળવે હળવે હરિનું હાથ ગ્રહીને ઝૂલવું રે.હું પલળી કે હરિવર, મારી સૂરતા ઉપર-નીચે રે,લજામણીનું રુંવેરુંવું વડલા નીચે હીંચે રે,વ્હાલપ નીરખી કદંબ ડાળે કપોત આંખો મીંચે રે,‘સાધુ સાધુ’ જયઘોષ ઉચારી સચરાચર પણ સીંચે રે.મારામાંથી હરી મને, હરજી માંહે સંચરવું રે.હળવે હળવે હળવે હરિનું હાથ ગ્રહીને ઝૂલવું રે.
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com
-
તલત મહેમૂદનાં યુગલ ગીતો: આશા ભોસલે સાથે – ૧૯૫૧, ૧૯૫૨ અને ૧૯૫૩
વિસરાતી યાદો…સદા યાદ રહેતાં ગીતો
સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ
તલત મહેમૂદ (૨૪ ફેબ્રુઆરી ૧૯૨૪ – ૯ મે ૧૯૯૬)ની હિંદી ફિલ્મ જગતની કારકિર્દીની આમ તો ૧૯૪૫ થી ૧૯૮૧ સુધી સક્રિય રહી ગણાય, પણ તેની કળાનો સિતારાની ચમક્દમક ‘૫૦ના દાયકામાં સોળે કળાએ પ્રકાસહતી રહી ગણાય. યોગાનુયોગ છે કે ‘૫૦ના દાયકામાં બીજા બે ગાયક સિતારાઓ – અમેરિકામાં એલ્વીસ પ્રિસ્લી અને ઈંગ્લૅંડમાં ક્લિફ રિચાર્ડ – પણ એવી જ રીતે નિખરતા રહ્યા હતા. પોતપોતાના અવાજની અદ્ભૂત સંમોહિની ઉપરાંત તેઓમાં ખુબ દેખાવડા હોવાનું, હંમેશ સુંદર અને આક્રર્ષક વસ્ત્ર પરિધાનથી સજ્જજ રહેવાનું પણ અજબ સામ્ય હતું.

તલત મહમુદે તેમની કારકિર્દી દરમ્યાન ૭૫૦ જેટલાં ગીતો ગાયાં હશે જે પૈકી તેમના સમયનાં લગભગ દરેક ગાયિકા સાથેનાં યુગલ ગીતોમાં તલત મહેમૂદની ગાયકીની અલગ અલગ ઝાંય વર્તાતી રહી છે. એટલે જ એમના જન્મ દિવસના મહિનામાં તેમનાં ગીતોને યાદ કરવાના આપણા ઉપક્રમમાં આપણે ઓછાં સાભળવા મળતાં તલત મહેમૂદનાં યુગલ ગીતોની સફરની કેડી પકડી છે.
તે અનુસાર, આપણે
૨૦૧૭માં તલત મહેમૂદનાં વિસારે પડેલાં કેટલાંક યુગલ ગીતો
૨૦૧૮માં તલત મહેમૂદ: ઓછો સંગાથ થયેલાં સહકલાકારો સાથેનાં યુગલ ગીતો
૨૦૧૯માં તલત મહમુદનાં મુબારક બેગમ અને મધુબાલા ઝવેરી સાથેનાં યુગલ ગીતો,
૨૦૨૦માં તલત મહેમૂદનાં યુગલ ગીતો – ગીતા (રોય) દત્ત સાથે – ૧૯૫૦થી ૧૯૫૨,
૨૦૨૧માં તલત મહેમૂદનાં યુગલ ગીતો ગીતા દત્ત સાથે – ૧૯૫૪ થી ૧૯૫૭, અને
૨૦૨૨માં તલત મહેમૂદ અને શમશાદ બેગમનાં યુગલ ગીતો
સાંભળ્યાં છે
હવે પછી આપણે તલત મહેમૂદ અને આશા ભોસલેનાં યુગલ ગીતો સાંભળીશું.
તલત મહેમૂદની કારકિર્દીનો સિતારો જ્યારે બુલંદ હતો એ ‘૫૦નો દાયકો આશા ભોસલેના લતા મંગેશકરના પડછાયામાંથી બહાર નીકળીને પોતાનાં અલગ અસ્તિત્વને પ્રસ્થાપિત કરવાના સંઘર્ષનો હતો. તલત મહેમૂદ અને આશા ભોસલેનાં યુગલ ગીતોની કુલ સંખ્યા વિશે આધારભૂત માહિતી નથી મળી શકી પરંતુ એ યુગલ ગીતોમાંથી ૧૯૫૧થી ૧૯૫૯ના તલત મહેમૂદના સુવર્ણ કાળ અને આઅશા ભોસલેનાં સંઘર્ષનાં વર્ષોમાં બન્નેએ ૫૧ જેટલાં જે યુગલ ગીતો ગાયાં છે તે યુગલ ગીતોને યાદ કરવાં એ જ એક અનોખો અનુભવ બની રહે એ વાતની પ્રતીતિ આપણે જાતે જ કરી લઈએ.
આજના અંકમાં આપણે તલત મહેમૂદ અને આશા ભોસલેની વર્ષ ૧૯૫૧થી શરૂ થયેલ યુગલ ગીતોની સફરનાં ૧૯૫૧માં બે, ૧૯૫૨નું એક અને ૧૯૫૩નાં છ યુગલ ગીતો સાંભળીશું.‘૫૦ના દાયકામાં જે સંગીતકારોએ તલત મહેમૂદનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરતા હતા તે લતા મંગેશકરના સ્વર સાથેના પ્રયોગો કરી અને પોત પોતાનું સ્થાન સુનિશ્ચિત કરવા પર વધારે ધ્યાન આપી રહ્યા હતા. એ સંજોગોમાં આશા ભોસલે માટે જે કંઈ તકો મળતી હતી તે એ સમયના પ્રથમ હરોળમાં સ્થાન મેળવી ચુકેલા (કે રહેલા) સંગીતકારો સિવાયના સંગીતકારો પાસેથી જ મળતી હતી. આ વલણ ‘૫૧ -‘૫૯નાં તલત મહેમૂદ – આશા ભોસલેનાં યુગલ ગીતોમાં સ્પષ્ટપણે વર્તાઈ રહે છે.
મેરા મન ઝૂમ ઝૂમ લહરાયે – તિતલી (ફૉર લેડિઝ ઑન્લી) (૧૯૫૧) – ગીતકાર: મનોહર સિંગ સહરાઈ – સંગીત: વિનોદ
તલત મહેમૂદ અને આશા ભોસલેનાં યુગલ ગીતો સાંભળવાની શરૂઆત આ યુગલ ગીતથી વધારે સારી ન થઈ શકી હોત. ‘
આ રમતિયાળ ગીતમાં આશા ભોસલેને પોતાના સ્વરની મસ્તીની ખુબીઓ રજુ કરવાની તક મળે છે અને તલત મહેમૂદ પણ ગીતનાં એ રમતિયાળ અંગોને એટલી જ સહજયાથી ન્યાય આપે છે.
તુમ બડે વો હો મુહબ્બતકા મઝા ક્યા જાનો – ઈમાન (૧૯૫૧) – રજુઆત ન પામેલ ફિલ્મ – ગીતકાર: હસરત જયપુરી – સંગીત: મોતી રામ
ગીતના બોલ વાંચતાં સાથે જ ગીત ગીતનો ભાવ પ્રેમીઓના વાર્તાલાપની સોમેંટિક પળોનો હશે તે સમજાઈ જાય. આશા ભોસલે જેટલાં રમતિયાળ અનુભવાય છે તેના પ્રમાણમાં તલત મહેમૂદ કંઈક અંશે ઓછા ખુલતા અનુભવાય છે. જોકે એકંદરે ગીત સાંભળવું જરર ગમે છે.
પ્યાર ભી આતા હૈ ગુસ્સાભી આતા હૈ, તુમ હી કહો ઐસે કોઈ કિસી કો છોડકે ભી જાતા હૈ – ગુંજ (૧૯૫૨) – ગીતકાર:ડી એન મધોક – સંગીત: સાર્દુલ ક્વાત્રા
પોતાનાં ગીતોમાં લોક ગીતોના તાલને ખુબ સહજતાથી વણી લેતા સાર્દુલ ક્વાત્રા પણ હિંદી ફિલ્મોમાં અપેક્ષિત સફળતા ન મેળવી શક્યા.
ફિલ્મમાં છેલ્લે ન સ્વીકારાયેલાં કહેવાતાં આ યુગલ ગીતમાં તલત મહેમૂદ પોતાના મુલાયમ સ્વરને પણ નિર્ભેળ રોમાંસના આનંદમાં વહેતો મુકી શક્યા છે.
કિસીને નઝર સે નઝર જબ મિલા દી… મેરી ઝિંદગી.. ઝૂમ કે મુસ્કુરા દી – હમસફર (૧૯૫૩) – ગીતકાર: સાહિર લુધીયાનવી – સંગીત: અલી અકબર ખાન
બન્ને પ્રેમીઓ નજર મિલાપના સંમોહનમાં છે. તલત મહમૂદે ગાયેલા ભાગમાં તેમનાં એ સમયનાં ગૈર ફિલ્મી ગીતોની છાંટ અનુભવાયા વિના નથી રહેવાતું.
આ યુગલ ગીત વિશે ની બીજી એક ખાસ વાત એ છે કે ફિલ્મમાં બીજાં ગીતોમાં પુરુષ સ્વર કિશોર કુમારનો અને સ્ત્રી સ્વરો લતા મંગેશકર કે ગીતા દત્તના છે !
એસ ડી બર્મન જેમ જેમ સફળ થતા ગયા તેમ તેમ તેઓ મોહમ્મદ રફી કે કિશોર કુમારના તેમ જ લતા મંગેશકરના સ્વરોને બધારે વાપરતા થયા. અશા ભોસ્લેનો પણ તેઓએ મુખ્ય ગાયિકા તરીકે ઉપયોગ લતા મંગેશકર સાથેના અણબનાવનાં વર્ષો દરમ્યાન જ વધારે કર્યો. આવા જ બધા સંજોગોને કારણે એ સમયના પ્રથમ હરોળમાં સ્થાન પામતા સંગીતકારો પાસેથી આપણને તલત મહેમૂદ અને આશા ભોસલેનાં બહુ જૂજ યુગલ ગીતો મળે છે.
ચાહે કિતના તુમ મુઝે બુલાઓગે નહીં બોલુંગી …. બોલ ન બોલ અય જાનેવાલે સુન તો લે અય દિવાનોંકી – અરમાન (૧૯૫૩) – ગીતકાર: સાહિર લુધીયાનવી – સંગીત: એસ ડી બર્મન
બન્ને પ્રેમીઓ અલગ પડી જવાનાં દુઃખને પોતપોતાની રીતે વ્યક્ત કરે છે.
અહીં આશા ભોસલેની ગાયકીમાં ગીતા દત્તની શૈલી છાંટ અનુભવાય છે.
તલત મહેમૂદનું સૉલો વર્ઝન પણ છે –
આડવાતઃ
૧૯૫૩ની ‘બાબલા’ અને ‘અરમાન’ સાથે સાહિર લુધીયાનવી અને એસ ડી બર્મનની ૧૮ ફિલ્મોની સળંગ સફળ સહયાત્રા શરૂ થઈ જે ૧૯૫૭ની ‘પ્યાસા’ સાથે થંભી ગઈ.
તેરી મર્ઝી હૈ જહાં મુઝે લે ચલ તુ વહાં – ઘર બાર (૧૯૫૩) – ગીતકાર: ઈંદીવર – સંગીત: વસંત પ્રભુ
મરાઠી ફિલ્મોના ખુબ સફળ સંગીતકાર વસંત પ્રભુએ આ એક માત્ર હિંદી ફિલ્મ માટે સંગીત આપ્યું છે.
ગીતનો ઉપાડ આશા ભોસલેના સ્વરમાં નૃત્ય ગીતની શૈલીમાં થાય છે તો તલત મહેમૂદ ધીર ગંભીર રહે છે. જોકે તે પછી તલત મહેમૂદ પણ ગીતના આનંદના ભાવમાં પળોટાયાએલા રહે હે.
બહારોંકી દુનિયા પુકારે તુ આ જા .. તેરે મુંઝિર હૈ સિતારે આ જા – લૈલા મજનુ (૧૯૫૩) – ગીતકાર: શકીલ બદાયુની – સંગીત: સરદાર મલિક
શમ્મી કપુરની શરૂઆતની ફિલ્મોમાં જ્યારે તલત મહમુદ તેમનો પાર્શ્વસ્વર હતા એ સમયનું એક ખુબ લોકપ્રિય યુગલ ગીત આજે પણ એટલું જ સાંભળવું ગમે છે.
દેખ લી તેરી અય તેરી મહેરબાની દેખ લી – લૈલા મજનુ (૧૯૫૩) – ગીતકાર: શકીલ બદાયુની – સંગીત: સરદાર મલિક
પૂર્ણતઃ કરૂણ ભાવનાં આ યુગલ ગીતમાં આશા ભોસલે પણ તલત મહેમૂદની બરાબરી કરવામાં પાછાં નથી પડી રહ્યાં.
રાત ચાંદની સાથ તુમ્હારા રંગ મુહબ્બત લાયી, કભી નજ઼રમેં તુમ લહરાયેં, કભી નજ઼ર લહરાઈ – પેહલી શાદી (૧૯૫૩) – ગીતકાર: કૈફ ઈર્ફાની – સંગીત: રોબિન બેનર્જી
ચાંદની રાતમાં બે પ્રેમીઓ સાથે હોય તો દિલ ખુશીથી કેવું ઊછળવા લાગે એ ભાવ સંગીતકારે ધુનમાં અને બન્ને ગાયકોએ ગાયકીમાં તાદૃશ કરી આપેલ છે.
આજના અંક માટે ૧૯૫૩નાં તલત મહેમૂદ અને આશા ભોસલેનાં યુગલ ગીતો ખોળતાં ખોળતાં આ બન્નેએ ગાયેલું એક પંજાબી યુગલ ગીત હાથ લાગી ગયું.
મેરે દિલ દી સેજ દીયે રાનીયે ની – લારા લપ્પા ૧૯૫૩) – ગીતકાર: એમ એસ સેહરાઈ – સંગીત: ધનીરામ
ધનીરામ વિશે વિગતે પરિચય આવતા અંકમાં તેમનાં ‘ડાક બાબુ’ (૧૯૫૪)નાં તલત મહેમૂદ – આશા ભોસલેનાં યુગલ ગીતને સાંભળતી વખતે કરીશું અત્યારે તો તેમનાં લડકી (૧૯૫૩)નાં એક બહુ જાણીતાં ગીત – મૈં હું ભારતકી એક નાર લડને મરને કો તૈયાર -ને યાદ કરીને તેમને યાદ કરી લઈએ.
ધનીરામનાં સંગીતમાં જેટલું પ્રાધાન્ય શાસ્ત્રીય સંગીતનું જોવા મળે છે, એટલું જ પ્રાધાન્ય પ્રસંગોચિત ઉત્તર પ્રદેશ ને પંજાબનાં લોક સંગીતનું જોવા મળે છે. જેમકે પ્રસ્તુત ગીતમાં તેમણે પંજાબી લોકધુનને કેટલી અસરકારક રીતે વણી લીધી છે
હવે પછીના અંકમાં તલત મહેમૂદ અને આશા ભોસલેનાં યુગલ ગીતોની આ સફર આગળ ધપાવીશું.
-
ફિલસુફીભર્યા ગીતો – ૭ – वहाँ कौन है तेरा, मुसाफिर जाएगा कहाँ
નિરંજન મહેતા
૧૯૬૫ની ફિલ્મ ‘ગાઈડ’નું આ ગીત પાર્શ્વગીત તરીકે ટાઈટલ ગીતના રૂપમાં દેખાડાયું છે.
वहाँ कौन है तेरा
मुसाफिर जाएगा कहाँ
दम ले ले घड़ी भर
ये छइयाँ पाएगा कहाँ
वहाँ कौन है तेरा
मुसाफिर जाएगा कहाँ
वहाँ कौन है तेराबीत गए दिन
प्यार के पल-छीन
सपना बनी ये रातें
भूल गए वो
तू भी भुला दे
प्यार की वो मुलाकातें प्यार की वो मुलाकातें
सब दूर अंधेरा
सब दूर अंधेरा
मुसाफिर जाएगा कहाँ
दम ले ले दम ले ले दम ले ले घड़ी भर
ये छइयाँ पाएगा कहाँ
वहाँ कौन है तेराकोई भी तेरी
राह ने देखे
नैन बिछाए न कोई
दर्द से तेरे
कोई ना तड़पा
आँख किसी की ना रोई आँख किसी की ना रोई
कहे किसको तू मेरा
कहे किसको तू मेरा
मुसाफिर जाएगा कहाँ
दम ले ले घड़ी भर
ये छइयाँ पाएगा कहाँ
वहाँ कौन है तेरा
हो हो हो हों मुसाफिर
तू जाएगा कहाँकहते हैं ज्ञानी
दुनिया है फानी
पानी पे लिखी लिखाई
है सबकी देखी
है सबकी जानी
हाथ किसी के ना आनी हाथ किसी के ना आनी
कुछ तेरा ना मेरा
कुछ तेरा ना मेरा
मुसाफिर जाएगा कहाँ
दम ले ले दम ले ले दम ले ले घड़ी भर
ये छइयाँ पाएगा कहाँ
वहाँ कौन है तेराજેલમાંથી છૂટ્યા પછી દેવઆનંદ સમજે છે કે પોતાની કરણી બાદ હવે જગતમાં તેનું કોઈ નથી અને તેનો તેને અફસોસ છે એટલે તે પોતાને શહેર ન જતા અન્ય અજાણ્યા સ્થળે જવા રવાના થાય છે.
ગીતમાં કહેવાય છે કે કોઈ તારૂ નથી. તારી કરતુતોને કારણે તારા પ્યારભર્યા દિવસો ભૂલી જા. તને લોકો ભૂલી ગયા છે અને તું પણ તેમને ભૂલી જા અને બે ઘડી આરામ કરી લે.
હવે તારી કોઈ રાહ નથી જોવાનું તે સમજી લે. તારા દુઃખને કારને કોઈને વ્યથા નથી અને કોઈએ આંસુ નથી સાર્યા કારણ બધા સ્વાર્થના સાથી છે. તું હવે કોઈને તારૂં પોતાનું કહી શકે તેમ નથી.
આગળ ઉપર કહેવાય છે કે જ્ઞાની વિદ્વાનો કહી ગયા છે કે આ દુનિયા ફાની છે. જાણે પાણીમાં કોઈ લખાણ ન હોય કે જે બધા જુએ છે અને સમજે છે પણ કોઈના હાથમાં નથી આવતું. હવે ન કોઈ તારૂં છે અને કોઈ ના મારૂં છે એટલે હવે તું ક્યા જશે? થોડો થાક ખાઈ લે….
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. 28339258/9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
