હરેશ ધોળકિયા
ચારે બાજુ ગેરસમજ અને ધિક્કાર પ્રસરાવવાની પ્રવૃતિ ધૂમધામથી ચાલતી હોય, ત્યારે કયાંક સમજ પ્રસરાવવાની, વિકસાવવાની, પ્રવૃતિ ચાલતી દેખાય તે નવાઈ સાથે આનંદનો અનુભવ કરાવે છે.
હમણાં કેટલાકે ‘ પઠાણ” ફિલ્મનો બહિષ્કાર કર્યો, કોઈ ક્ષુલ્લક મુદા પર. તેમને કદાચ થયું કે હવે આ ફિલ્મ તો ગઈ ! પણ પ્રજાએ એ ફિલ્મને એવી તો વધાવી કે પાંચસો કરોડનો વકરો કરી ગઈ. બહિષ્કાર ન કર્યો હોત તો કદાચ આટલી સફળ ન પણ થાત. પણ આવા વ્યર્થ મુદાઓ પર લગભગ રોજ ક્યાંકને ક્યાંક વાદવિવાદો ફેલાવવાનો વ્યવસ્થિત ધંધો ચાલે છે. તેમા સૌથી વધારે ભોગ બનતા હોય તો મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરુ. તેમાં સરદારને પણ બકરો બનાવવામાં આવે છે. ત્રણે ભારે દુઃખી છે. અલબત, તેઓ તો ખરેખર આવી બાલિશ કુપ્રવૃતિ પર હસતા હશે.
ખેર ! આ ધિક્કાર અને ચારિત્ર્યહનનની પ્રવૃતિ વચ્ચે જે એક ઉતમ ઘટના બની છે તેની જ વાત કરવી છે. અને એ ઘટના ફિલ્મ ક્ષેત્રે બની છે. રાજકુમાર સંતોષી અત્યારના એક ઉતમ ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક છે. તેમનાં કોઈ પણ ચલચિત્રો જુઓ તો ગમે જ. મુન્નાભાઈની બે ફિલ્મો, દામીની, શ્રી ઈડિયટસ-એક એકથી ચડિયાતી ફિલ્મો તે આપણને આપે છે. એ હારમાળામાં તેમણે વર્તમાનમાં એક વધારે ઉતમ ફિલ્મ આપી છે જેનું નામ છે ” ગાંધી વિરુધ્ધ ગોડસે- એક યુધ્ધ.”

અત્યારે ગાંધીજીની વિરુધ્ધ અને ગોડસેની તરફેણમાં ફેસબૂક વગેરે પર ફેંકાફેંક ચાલે છે. માથાફૂટ કરનારા બન્નેમાંથી મોટા ભાગનાને બેમાંથી કોઈ બાબતે પૂરી માહિતી નથી. છતાં સોશિયલ મીડિયા પર પોતાનું નામ આવતું રહે માટે ફેંકાફેંક કર્યા કરે છે. પણ તેમને ખ્યાલ નથી કે તેના કારણે જૂઠી માહિતી પ્રસરે છે અને પૂર્વગ્રહ વધે છે. ત્યારે આ ફિલ્મ એક ઊંડી સમજ પ્રસરાવવાનો ઉતમોતમ પ્રયાસ કરે છે.
આ ફિલ્મ એક સર્જનાત્મક કલ્પના કરે છે કે માની લો કે ગાંધીજી ગોળી ખાધા પછી મૃત્યુ પામવા બદલે જીવી ગયા હોત તો? તો તે ગોડસે પ્રત્યે કેવો વ્વવહાર કરત ? અને ગોડસે પણ પોતે નિષ્ફળ ગયો છે એના ગુસ્સામાં શું વર્તન કરત ? આ કલ્પના પર સમગ્ર ફિલ્મ ઊભી કરી છે.
વાર્તા છે : ગાંધીજી હત્યાના પ્રયાસમાં બચી જાય છે. ગોડસેને તો જેલ મળી જાય છે. આ દરમ્યાન ગાંધીજી કોંગ્રેસને વિખેરી નાખવાની સૂચના આપે છે, પણ ” હવે” કોંગ્રેસ તેમનું માનતી નથી. એટલે ગાંધીજી બિહાર જઈ ગ્રામ સ્વરાજયનો જાતે જ પ્રયોગ કરવાનું શરુ કરે છે. મૂડીવાદી, જાતિવાદી માનસને પડકારે છે. લોકોને સંગઠિત કરવાનો અને જંગલને બચાવવાનો પ્રયાસ કરે છે. અંગ્રેજો સામેની તેમની કાનૂનભંગની લડતો કોંગ્રેસને પસંદ હતી, પણ હવે તેમની લડત બંધારણ વિરુધ્ધ લાગે છે. એટલે ગાંધીજી પર વિવિધ કલમો લગાવી તેમને જેલમાં પૂરવામાં આવે છે. ત્યારે ગાંધીજી આગ્રહ રાખે છે કે જ્યાં ગોડસેને પૂરવામાં આવ્યો હતો તે જ જેલમાં અને તેના જ રુમમાં તેમને પણ પૂરવામાં અને રાખવામાં આવે. ખુદ જેલર ગભરાઈ જાય છે, પણણ ગાંધીજીના આગ્રહ સામે નમવું પડે છે અને એમ કરવામાં આવે છે. ગાંધીજી ગોડસેના રુમમાં જ આવે છે. એક વાર તે જેલમાં તેને મળી ચૂક્યા હોય છે અને બન્ને વચ્ચે ઉગ્ર ( અલબત ગોડસેના પક્ષે) ચર્ચા થઈ હોય છે. ફરી ગાંધીજીને પોતાના સેલમાં આવેલ જોઈ ગોડસે નવાઈ પામે છે. પણ વાંધો લેતો નથી.
અને પછી ગોડસે એક પછી એક આક્ષેપો મૂકતો જાય છે અને ગાંધીજી તેના શાંતિથી જવાબ આપતા જાય છે. પાકિસ્તાનને આપેલ પંદર કરોડ રૂપિયા, હિન્દુત્વ, અખંડ હિન્દુસ્તાન-એવા અનેક ધગધગતા સવાલો ગોડસે પૂછતો રહે છે અને ગાંધી હસતાં હસતાં જવાબ આપતા રહે છે. ગોડસેને સાચા જવાબ મળ્યા કે નહીં, પણ ફિલ્મ જોતા લોકોને ચોક્કસ મળે છે. એક પછી એક ગેરસમજ આ ફિલ્મ દૂર કરતી જાય છે. ફિલ્મના અંતે પરિણામ એવું આવે છે કે ફરી એક વાર બીજો એક ઝનૂની માણસ ગોડસે માફક જ ગાંધીજીની હત્યા કરવા આવે છે ત્યારે ગોડસે તેને પકડી લે છે અને ગાંધીજીને બચાવી લે છે. છેલ્લે બન્ને જેલમાંથી મુકત થાય છે. ત્યારે બન્ને સાથે બહાર નીકળે છે અને ત્યારે એક બાજુ ગાંધી ભક્તો તેમની જય બોલાવે છે અને બીજી તરફ ગોડસે ભક્તો ઊભા છે જેઓ ગોડસેની જય બોલાવે છે. ત્યારે બન્ને શાંતિથી બે હરોળો વચ્ચેથી ચૂપચાપ પસાર થઈ જાય છે.
આ છેલ્લાં બે દશ્યો એટલાં અદભુત છે કે પ્રેક્ષકો સ્તબ્ધ થઈ જાય છે.અહીં ગાંધીજીની મહાનતા જેમ બતાવી છે, તેમ ગોડસેની સમજ પણ બતાવી છે. જો ગાંધી બચી ગયા હોત અને ગોડસેને સમજાવ્યો હોત, તો – સંભવ છે- દિગ્દર્શક કહે છે- ગોડસે પણ સમજી ગયો હતો. ગોડસેના ભક્તો આજે જેટલા ઝનૂની છે, તેટલો ગોડસે ન હોત એમ પરોક્ષ રીતે તે કહે છે.
દિગ્દર્શકે બન્નેને ન્યાય આપ્યો છે. આ કટાક્ષ ગોડસે ભક્તો સમજે- ફિલ્મ જોઈને- તો ફિલ્મ સાર્થક થશે.
આ ફિલ્મમાં બીજા પણ અનેક મુદાઓ ચર્ચ્યા છે.
એક કટાક્ષ જબરો છે. સ્વતંત્રતાની ચળવળ દરમ્યાન કાનૂનભંગ કરવો કાયદેસર અને યોગ્ય મનાતો હતો. પણ એ જ કાનૂનભંગ જયારે ગાંધીજી સ્વતંત્રતા પછી , અન્યાય દૂર કરવા, કરે છે, ત્યારે તે બંધારણ વિરુધ્ધ મનાય છે અને જે કલમો અંગ્રેજો લગાવતા હતા તે જ કલમો ગાંધીજી વિરુધ્ધ લગાવવામાં આવે છે. આ એક હાસ્યાસ્પદ ઘટના છે ! ગાંધીએ શીખવેલ ટેકનિકનો વર્ષો સુધી ઉપયોગ કરી અંગ્રેજોને હંફાવી સતા મેળવનાર લોકો જ એ જ બાબત ગાંધી સ્વતંત્ર થયા પછી કરે તો સ્વીકારતા નથી. ખૂબ મૂંઝાતા દેખાડયા છે, પણ તેઓ અન્યાય દૂર કરવાનાં પગલાં લેવા બદલે ગાંધીજીને દોપિત ઠેરવે છે. એટલે જ છેલ્લે અચાનક છોડી દે છે.
એવો જ બીજો કટાક્ષ કહેવાતા ઉચ્ચ વર્ગ પર કરવામાં આવ્યો છે. ઉચ્ચ વર્ગનો એક ધનવાન ભોગ માટે કહેવાતા નીચ વર્ગની છોકરી લાવે છે. ગાંધીજી અને લોકો તેને અટકાવે છે. ગાંધી તેને પશ્ચાતાપ કરવા આ લોકોનું ભોજન લેવા સૂચવે છે. કહેવાતો ઉચ્ચ અમીર ગભરાઈ જાય છે અને અભડાવાની બીકે ના પાડે છે. ત્યારે ગાંધીજી કટાક્ષ કરતાં કહે છે કે ‘ તને બેટીમાં વાંધો નથી, પણ રોટીમાં વાંધો છે. ! ‘ ભયાનક કટાક્ષ છે આ. આંબેડકર સાથેની વાતચીતોમાં પણ દિગ્દર્શક કહેવાતા ઉચ્ચ વર્ગની – તે પણ સતાધારીઓની -આ બાબત સતત પ્રગટ કરે છે.
ફિલ્મમાં ગાંધીજીની માત્ર મહાનતા જ નથી બતાવી. તેમના અનેક વિચારો સામે પણ પ્રશ્નાર્થ મૂક્યા છે. ગાંધીજીથી પ્રેરાઈ એક છોકરી સેવામાં સાથે જોડાય છે. પણ સમાંતરે એક છોકરાને પ્રેમ પણ કરે છે. છોકરો છોકરી ખાતર અલગ રહે છે, પણ બન્ને વિરહમાં પીડાય છે. પણ ગાંધીજી તેના પ્રેમને સ્વીકારતા નથી. તેને “વિકાર” માને છે. છોકરી અંદરને અંદર પીડાય છે. એક વાર જેલમાં તે “વૈષ્ણવજન તો તેને રે કહીએ” ભજન ગાય છે. તેમાં તે ” પીડ પરાઈ જાણે રે” વારંવાર ગાય છે અને બેભાન થઈ જાય છે. તેનું આ વારંવાર ગાવું ગાંધીજી સામે પ્રશ્નાર્થ છે. ગરીબોની પીડાને જાણનારા મહાત્મા આ છોકરીની જ પીડા જાણવાનો પ્રયાસ નથી કરતા એમ કહેવા માગે છે ! ત્યારે કસ્તુરબાને મોએ પણ ગાંધીની મર્યાદાઓ બતાવા દિગ્દર્શક પ્રયાસ કરે છે. કસ્તુરબાના સવાલોના કોઈ જવાબ ગાંધીજી આપતા નથી. વેદનાભર્યા ચહેરે ચૂપ રહે છે. છેવટે ગોડસે પણ તેને ઠપકો આપે છે ત્યારે તેમને ખ્યાલ આવે છે અને બન્નેને આનંદથી પરણાવે છે. અહીં દિગ્દર્શક એ સૂચવે છે કે કહેવાતા વિરોધી – અહીં તો તેનો ખૂનનો પ્રયાસ કરનાર – પણ સત્ય કહે તો સ્વીકારવું. આ અદભુત દૃશ્ય છે. અને આ ઘટના દરમ્યાન જ ફરી ગાંધીની હત્યાનો પ્રયાસ થાય છે જેમાં ગોડસે તેમને બચાવે છે.
આ છેલ્લી ઘટનાઓ એટલી તો અદભુત અને સંવેદનશીલ રીતે દિગ્દર્શકે દર્શાવી છે કે પ્રેક્ષક ગદગદ થઈ જાય છે. પરસ્પર મહાનતા વ્યકત થઈ છે.
ફિલ્મમાં એ પણ બતાવાયું છે કે હમેશાં બધા ગાંધીજીને માન આપતા હતા તેવું પણ ન હતું. વિભાજન વખતે જે કરુણ દશ્યો સર્જાયા, ત્યારે લોકોને ગાંધી સામે દલીલો કરતા બતાવ્યા છે. ગાંધીજીની વાતોનો સ્વીકાર કરતા નથી બતાવ્યા. તેમની વિરુધ્ધ સૂત્રો પોકારતા બતાવ્યા છે. તેમની વાત જરા પણ સમજવા તૈયાર ન હતા એમ બતાવ્યું છે. કોંગ્રેસના નેતાઓ પણ તેમને અવગણતા બતાવ્યા છે. ત્યારે ગાંધી કેટલા એકલા પડી ગયા હતા તે ઝીણવટથી બતાવે છે. અને છતાં આ બધાની પરવા કર્યા વિના પોતાનો મત બતાવતાં અને પોતે જે ઈચ્છે છે તે દઢતાથી કરતા પણ બતાવ્યા છે.
ફિલ્મની ખૂબી એ છે કે તેણે ગાંધીજી કે ગોડસે કોઈનો પક્ષ નથી લીધો. માત્ર બન્નેનું તથ્ય પ્રગટ કર્યું છે. બન્નેની વિચારસરણી રજૂ કરી છે. કોણ સાચું હતું તે જોનારા પર છોડી દીધું છે. બન્નેના ભક્તોના જયજયકાર વચ્ચે બન્ને શાંતિથી પસાર થાય છે તે ” કલાસિક” દશ્ય છે. દિગ્દર્શકનો હેતુ બન્ને વિશેનાં તથ્યો મૂકવાનો છે. સાથે ગાંધીજીના નામે તેમના વિરોધીઓમાં જે ગેરસમજો પ્રવર્તે છે તે દૂર કરવાનો છે.
આમ આ ફિલ્મ એક ઊંડી સમજ પ્રસરાવવાનો ઉતમ પ્રયાસ કરે છે. તેનો હેતુ ગાંધી કે ગોડસેનાં ચરિત્રોની વાત કરવાનો નથી. પણ એ બે વિશે, ખાસ કરીને ગાંધી બાબતે, જે ગેરસમજો પ્રવર્તે છે તે દૂર કરવાનો છે. સોશિયલ મીડિયામાં આજે જે પોતાને ઓથેન્ટિક મનાવતા લોકો “ફેક ન્યુઝ” કે ગેરસમજો પ્રસરાવવાનો ધંધો કરી રહ્યા છે તેમને જવાબ આપવાનો આ પ્રયાસ છે. તેમને પકડી પકડીને આ ફિલ્મ બતાવવા જેવી છે. જો કે તે સુધરે કે કેમ તે શંકા છે.
” એક યુધ્ધ ” શબ્દ પણ ઉતમ છે. અહીં યુધ્ધ છે, પણ એકબીજાને સમજવાનું યુધ્ધ છે. અને બન્ને એકબીજાને સમજવાનો પ્રમાણિક પ્રયાસ પણ કરે છે.
નાણાકીય રીતે તો આ ફિલ્મ સફળ જવાની કોઈ જ શકયતા નથી, પણ જોનારામાંથી થોડાને પણ જાગૃત કરશે તો તે બનાવવી સફળ થશે. સ્વસ્થ વિચાર કરનારાઓએ તો જોવી જ જોઈએ, પણ વિચાર-ઝનૂનીઓ પણ જુએ તે જરુરી છે. ભૂલથી પણ કોઈનું મન આ સત્ય સ્વીકારવા તૈયાર થશે તો ફિલ્મ બનાવવી સાર્થક થશે. સમાજમાંથી એક વ્યકિત તો સ્વસ્થ થશે !
શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક dholakiahc@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
મુન્નાભાઈ અને થ્રી ઇડિયટ્સ રાજકુમાર હિરાણી ની ફિલ્મો છે નહિ કે રાજકુમાર સંતોષી ની
LikeLike