ચિરાગ પટેલ
उ. १८.२.१ (१६६९) इदं विष्णुर्वि चक्रमे त्रैधा नि दधे पदम् । समूढमस्य पाँसुले ॥ (मेधातिथि काण्व)
વિષ્ણુએ પોતાના પગથી ત્રણેય લોકને સ્વાધીન કરેલાં છે એ ધૂળમાં પડેલા ચરણ દેખાતાં નથી.
उ. १८.२.२ (१६७०) त्रीणि पदा वि चक्रमे विष्णुर्गोपा अदाभ्यः । अतो धर्माणि धारयन् ॥ (मेधातिथि काण्व)
જગતના પાલક અવિનાશી વિષ્ણુ ત્રણ ચરણોથી વિજય પ્રાપ્ત કરે છે તેથી ધર્મને ધારણ કરતાં રહે.
उ. १८.२.३ (१६७१) विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पस्पशे । इन्द्रस्य युज्यः सखा ॥ (मेधातिथि काण्व)
બધાં કાર્યોને પ્રેરણા અને ગતિ આપનાર વિષ્ણુના કાર્યોને જુઓ. તેઓ ઇન્દ્રના યોગ્ય સહાયક મિત્ર છે.
उ. १८.२.४ (१६७२) तद्विष्णोः परमं पद सदा पश्यन्ति सूरयः । दिवीव चक्षुरतितम् ॥ (मेधातिथि काण्व)
આંખોથી જેમ પ્રકાશિત સૂર્યને જોઈ શકાય છે એમ વિદ્વાનો વિષ્ણુના પરમ પદને સદૈવ જુએ છે.
उ. १८.२.५ (१६७३) तद्विप्रासो विपन्युवो जागृवांसः समिन्धते । विष्णोर्यत्परमं पदम् ॥ (मेधातिथि काण्व)
વિષ્ણુનું જે પરમ પદ છે તેને મેધાવી, વિશેષ સ્તુતિ કરનાર, જાગરૂક પ્રકાશિત કરે છે.
उ. १८.२.६ (१६७४) अतो देवा अवन्तु नो यतो विष्णुर्विचक्रमे । पृथिव्या अधि सानवि ॥ (मेधातिथि काण्व)
એ વિષ્ણુએ પૃથ્વીથી જે સર્વોચ્ચ સ્થાન સુધી પોતાના પરાક્રમને સ્થાપિત કર્યું છે એવા શ્રેષ્ઠ લોકનું બધાં દેવતાઓ અમને જ્ઞાન કરાવે.
મેધાતિથિ કાણ્વ ઋષિના આ સામ સમૂહ વિષ્ણુની મહત્તા જણાવે છે. આધુનિક દૃષ્ટિએ વિશ્લેષણ કરીએ તો સહુપ્રથમ વિષ્ણુ એટલે કોણ એ પ્રશ્ન થાય. બાર આદિત્યમાંથી એક વિષ્ણુ છે, અને બાર આદિત્યો એટલે વર્ષના બાર મહિનાઓ. પરંતુ, ઉપરોક્ત સામમાં વિષ્ણુ વેદોના સર્વોચ્ચ દેવ ઇન્દ્રથી પણ વધુ મહત્વનું પદ ધરાવે છે એમ જણાય છે. એટલે, બાર આદિત્ય માંહેના એક વિષ્ણુ અને આ સામમાં વર્ણવેલ વિષ્ણુ ભિન્ન જણાય છે.
ત્રણ પગલામાં સમસ્ત વિશ્વને સમાવી લેવાની કથા વામન અવતારરૂપે પુરાણોમાં પ્રચલિત છે. પરંતુ, વેદોમાં કોઈ અવતારવાદ નથી. એટલે, આપણે સહેજે સૂર્યને આ સ્થાન આપી શકીએ. સૂર્ય ત્રિકાળ સંધ્યા એટલે કે ઉષા, મધ્યાહન અને સંધ્યામાં સમગ્ર વિશ્વને આવરી લે છે. વળી, પૃથ્વી, દ્યુલોક અને અંતરિક્ષમાં સૂર્ય વ્યાપ્ત છે. પરંતુ, ૧૬૭૨મા સામમાં જણાવ્યા પ્રમાણે સૂર્યની જેમ વિષ્ણુ ભૌતિક આંખોથી નહીં પરંતુ આંતરિક અથવા જ્ઞાન ચક્ષુથી વિદ્વાનો જુએ છે એમ ઋષિ કહે છે. એટલે, સૂર્ય એ વિષ્ણુ નથી.
અગાઉના ઇન્દ્રને લગતા અમુક સામમાં સૂર્ય એ જ ઇન્દ્ર જણાય છે. અમુક સામમાં પરમાણુમાં રહેલી શક્તિ ઇન્દ્ર જણાય છે. અહિ ઋષિએ વિષ્ણુને ઇન્દ્રના સહાયક મિત્ર કહ્યા છે. એટલે, વિષ્ણુ ગુરુત્વાકર્ષણ શક્તિ કે વિદ્યુત ચુંબકીય બળ છે એવો અર્થ લઈએ તો ઉપરોક્ત બધાં સામના અર્થ મેળ ખાય છે. ગુરૂત્વશક્તિ કે વિદ્યુત ચુંબકીય શક્તિથી જ સર્જન, પોષણ અને નવસર્જન થાય છે. વિષ્ણુનો અર્થ સર્વેને ધારણ કરનાર અથવા સર્વત્ર વ્યાપ્ત છે. એ અર્થમાં પણ ગુરુત્વાકર્ષણ કે વિદ્યુત ચુંબકીય બળ એ જ વિષ્ણુ એમ કહેવું ઉચિત છે.
અમુક સામમાં મન કે આત્મા ઇન્દ્ર જણાય છે. જો ઇન્દ્ર આત્મા છે તો વિષ્ણુ સર્વેના ઈશ્વર એવા પરમાત્મા છે એમ કહી શકાય.
શ્રી ચિરાગ પટેલનું ઈ-મેલ સંપર્ક સરનામું :- chipmap@gmail.com