વિસરાતી યાદો…સદા યાદ રહેતાં ગીતો

સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ

તલત મહેમૂદ (૨૪ ફેબ્રુઆરી ૧૯૨૪ – ૯ મે ૧૯૯૬)ની હિંદી ફિલ્મ જગતની કારકિર્દીની  આમ તો ૧૯૪૫ થી ૧૯૮૧ સુધી સક્રિય રહી ગણાય, પણ તેની કળાનો સિતારાની ચમક્દમક ‘૫૦ના દાયકામાં સોળે કળાએ પ્રકાસહતી રહી ગણાય. યોગાનુયોગ છે કે ‘૫૦ના દાયકામાં બીજા બે ગાયક સિતારાઓ – અમેરિકામાં એલ્વીસ પ્રિસ્લી અને ઈંગ્લૅંડમાં ક્લિફ રિચાર્ડ – પણ એવી જ રીતે નિખરતા રહ્યા હતા.  પોતપોતાના અવાજની અદ્ભૂત સંમોહિની ઉપરાંત તેઓમાં ખુબ દેખાવડા હોવાનું, હંમેશ સુંદર અને આક્રર્ષક વસ્ત્ર પરિધાનથી સજ્જજ રહેવાનું પણ અજબ સામ્ય હતું.

તલત મહમુદે તેમની કારકિર્દી દરમ્યાન ૭૫૦ જેટલાં ગીતો ગાયાં હશે જે પૈકી તેમના સમયનાં લગભગ દરેક ગાયિકા સાથેનાં યુગલ ગીતોમાં તલત મહેમૂદની ગાયકીની અલગ અલગ ઝાંય વર્તાતી રહી છે. એટલે જ એમના જન્મ દિવસના મહિનામાં તેમનાં ગીતોને યાદ કરવાના આપણા ઉપક્રમમાં આપણે ઓછાં સાભળવા મળતાં તલત મહેમૂદનાં યુગલ ગીતોની સફરની કેડી પકડી છે.

તે અનુસાર, આપણે

૨૦૧૭માં તલત મહેમૂદનાં વિસારે પડેલાં કેટલાંક યુગલ ગીતો

૨૦૧૮માં તલત મહેમૂદ: ઓછો સંગાથ થયેલાં સહકલાકારો સાથેનાં યુગલ ગીતો

૨૦૧૯માં તલત મહમુદનાં મુબારક બેગમ અને મધુબાલા ઝવેરી સાથેનાં યુગલ ગીતો,

૨૦૨૦માં તલત મહેમૂદનાં યુગલ ગીતો – ગીતા (રોય) દત્ત સાથે – ૧૯૫૦થી ૧૯૫૨,

૨૦૨૧માં તલત મહેમૂદનાં યુગલ ગીતો  ગીતા દત્ત સાથે – ૧૯૫૪ થી ૧૯૫૭, અને

૨૦૨૨માં તલત મહેમૂદ અને શમશાદ બેગમનાં યુગલ ગીતો

સાંભળ્યાં છે

હવે પછી આપણે તલત મહેમૂદ અને આશા ભોસલેનાં યુગલ ગીતો સાંભળીશું.

તલત મહેમૂદની કારકિર્દીનો સિતારો જ્યારે બુલંદ હતો એ ‘૫૦નો દાયકો આશા ભોસલેના લતા મંગેશકરના પડછાયામાંથી બહાર નીકળીને પોતાનાં અલગ અસ્તિત્વને પ્રસ્થાપિત કરવાના સંઘર્ષનો હતો.  તલત મહેમૂદ અને આશા ભોસલેનાં યુગલ ગીતોની કુલ સંખ્યા વિશે આધારભૂત માહિતી નથી મળી શકી પરંતુ એ યુગલ ગીતોમાંથી ૧૯૫૧થી ૧૯૫૯ના તલત મહેમૂદના સુવર્ણ કાળ અને આઅશા ભોસલેનાં સંઘર્ષનાં વર્ષોમાં બન્નેએ ૫૧ જેટલાં જે યુગલ ગીતો ગાયાં છે તે યુગલ ગીતોને યાદ કરવાં એ જ એક અનોખો અનુભવ  બની રહે એ વાતની પ્રતીતિ આપણે જાતે જ કરી લઈએ.

આજના અંકમાં આપણે તલત મહેમૂદ અને આશા ભોસલેની વર્ષ ૧૯૫૧થી શરૂ થયેલ યુગલ ગીતોની સફરનાં ૧૯૫૧માં બે, ૧૯૫૨નું એક અને ૧૯૫૩નાં  છ યુગલ ગીતો સાંભળીશું.

‘૫૦ના દાયકામાં જે સંગીતકારોએ તલત મહેમૂદનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરતા હતા તે લતા મંગેશકરના સ્વર સાથેના પ્રયોગો કરી અને પોત પોતાનું સ્થાન સુનિશ્ચિત કરવા પર વધારે ધ્યાન આપી રહ્યા હતા. એ સંજોગોમાં આશા ભોસલે માટે જે કંઈ તકો મળતી હતી તે એ સમયના પ્રથમ હરોળમાં સ્થાન મેળવી ચુકેલા (કે રહેલા) સંગીતકારો સિવાયના સંગીતકારો પાસેથી જ મળતી હતી. આ વલણ ‘૫૧ -‘૫૯નાં તલત મહેમૂદ – આશા ભોસલેનાં યુગલ ગીતોમાં સ્પષ્ટપણે વર્તાઈ રહે છે.

મેરા મન ઝૂમ ઝૂમ લહરાયે  – તિતલી  (ફૉર લેડિઝ ઑન્લી) (૧૯૫૧) – ગીતકાર: મનોહર સિંગ સહરાઈ – સંગીત: વિનોદ

તલત મહેમૂદ અને આશા ભોસલેનાં યુગલ ગીતો સાંભળવાની શરૂઆત આ યુગલ ગીતથી વધારે સારી ન થઈ શકી હોત. ‘

આ રમતિયાળ ગીતમાં આશા ભોસલેને પોતાના સ્વરની મસ્તીની ખુબીઓ રજુ કરવાની તક મળે છે અને તલત મહેમૂદ પણ ગીતનાં એ રમતિયાળ અંગોને એટલી જ સહજયાથી ન્યાય આપે છે.

તુમ બડે વો હો મુહબ્બતકા મઝા ક્યા જાનો – ઈમાન (૧૯૫૧) – રજુઆત ન પામેલ ફિલ્મ – ગીતકાર: હસરત જયપુરી  – સંગીત: મોતી રામ

ગીતના બોલ વાંચતાં સાથે જ ગીત ગીતનો ભાવ પ્રેમીઓના વાર્તાલાપની સોમેંટિક પળોનો હશે તે સમજાઈ જાય. આશા ભોસલે જેટલાં રમતિયાળ અનુભવાય છે તેના પ્રમાણમાં તલત મહેમૂદ કંઈક અંશે ઓછા ખુલતા અનુભવાય છે. જોકે એકંદરે ગીત સાંભળવું જરર ગમે છે.

પ્યાર ભી આતા હૈ ગુસ્સાભી આતા હૈ, તુમ હી કહો ઐસે કોઈ કિસી કો છોડકે ભી જાતા હૈ  – ગુંજ (૧૯૫૨) –  ગીતકાર:ડી એન મધોક – સંગીત: સાર્દુલ ક્વાત્રા

પોતાનાં ગીતોમાં લોક ગીતોના તાલને ખુબ સહજતાથી વણી લેતા સાર્દુલ ક્વાત્રા પણ હિંદી ફિલ્મોમાં અપેક્ષિત સફળતા ન મેળવી શક્યા.

ફિલ્મમાં છેલ્લે ન સ્વીકારાયેલાં  કહેવાતાં આ યુગલ ગીતમાં તલત મહેમૂદ પોતાના મુલાયમ સ્વરને પણ નિર્ભેળ રોમાંસના આનંદમાં વહેતો મુકી શક્યા છે.

કિસીને નઝર સે નઝર જબ મિલા દી… મેરી ઝિંદગી.. ઝૂમ કે મુસ્કુરા દી – હમસફર (૧૯૫૩) – ગીતકાર: સાહિર લુધીયાનવી – સંગીત: અલી અકબર ખાન

બન્ને પ્રેમીઓ નજર મિલાપના સંમોહનમાં છે.  તલત મહમૂદે ગાયેલા ભાગમાં તેમનાં એ સમયનાં ગૈર ફિલ્મી ગીતોની છાંટ અનુભવાયા વિના નથી રહેવાતું.

આ યુગલ ગીત વિશે ની બીજી એક ખાસ વાત એ છે કે ફિલ્મમાં બીજાં ગીતોમાં પુરુષ સ્વર કિશોર કુમારનો અને સ્ત્રી સ્વરો લતા મંગેશકર કે ગીતા દત્તના છે !

એસ ડી બર્મન જેમ જેમ સફળ થતા ગયા તેમ તેમ તેઓ મોહમ્મદ રફી કે કિશોર કુમારના તેમ જ લતા મંગેશકરના સ્વરોને બધારે વાપરતા થયા. અશા ભોસ્લેનો પણ તેઓએ મુખ્ય ગાયિકા તરીકે ઉપયોગ લતા મંગેશકર સાથેના અણબનાવનાં વર્ષો દરમ્યાન જ વધારે કર્યો. આવા જ બધા સંજોગોને કારણે એ સમયના પ્રથમ હરોળમાં સ્થાન પામતા સંગીતકારો પાસેથી આપણને તલત મહેમૂદ અને આશા ભોસલેનાં  બહુ જૂજ યુગલ ગીતો મળે છે.

ચાહે કિતના તુમ મુઝે બુલાઓગે નહીં બોલુંગી …. બોલ ન બોલ અય જાનેવાલે સુન તો લે અય દિવાનોંકી – અરમાન (૧૯૫૩) – ગીતકાર: સાહિર લુધીયાનવી – સંગીત: એસ ડી બર્મન

બન્ને પ્રેમીઓ અલગ પડી જવાનાં દુઃખને પોતપોતાની રીતે વ્યક્ત કરે છે.

અહીં આશા ભોસલેની ગાયકીમાં ગીતા દત્તની શૈલી છાંટ અનુભવાય છે.

તલત મહેમૂદનું સૉલો વર્ઝન પણ છે –

આડવાતઃ

૧૯૫૩ની ‘બાબલા’ અને ‘અરમાન’ સાથે સાહિર લુધીયાનવી અને એસ ડી બર્મનની ૧૮ ફિલ્મોની સળંગ સફળ સહયાત્રા શરૂ થઈ જે ૧૯૫૭ની ‘પ્યાસા’ સાથે થંભી ગઈ.

તેરી મર્ઝી હૈ જહાં મુઝે લે ચલ તુ વહાં – ઘર  બાર (૧૯૫૩) – ગીતકાર: ઈંદીવર – સંગીત: વસંત પ્રભુ

મરાઠી ફિલ્મોના ખુબ સફળ સંગીતકાર વસંત પ્રભુએ આ એક માત્ર હિંદી ફિલ્મ માટે સંગીત આપ્યું છે.

ગીતનો ઉપાડ આશા ભોસલેના સ્વરમાં નૃત્ય ગીતની શૈલીમાં થાય છે તો તલત મહેમૂદ ધીર ગંભીર રહે છે. જોકે તે પછી તલત મહેમૂદ પણ ગીતના આનંદના ભાવમાં પળોટાયાએલા રહે હે.

બહારોંકી દુનિયા પુકારે તુ આ જા .. તેરે મુંઝિર હૈ સિતારે આ જા –  લૈલા મજનુ (૧૯૫૩) –  ગીતકાર: શકીલ બદાયુની – સંગીત: સરદાર મલિક

શમ્મી કપુરની શરૂઆતની ફિલ્મોમાં જ્યારે તલત મહમુદ તેમનો પાર્શ્વસ્વર હતા એ સમયનું એક ખુબ લોકપ્રિય યુગલ ગીત આજે પણ એટલું જ સાંભળવું ગમે છે.

દેખ લી તેરી અય તેરી મહેરબાની દેખ લી –  લૈલા મજનુ (૧૯૫૩) –  ગીતકાર: શકીલ બદાયુની – સંગીત: સરદાર મલિક

પૂર્ણતઃ કરૂણ ભાવનાં આ યુગલ ગીતમાં આશા ભોસલે પણ તલત મહેમૂદની બરાબરી કરવામાં પાછાં નથી પડી રહ્યાં.

રાત ચાંદની સાથ તુમ્હારા રંગ મુહબ્બત લાયી, કભી નજ઼રમેં તુમ લહરાયેં, કભી નજ઼ર લહરાઈ – પેહલી શાદી (૧૯૫૩) – ગીતકાર: કૈફ ઈર્ફાની – સંગીત: રોબિન બેનર્જી

ચાંદની રાતમાં બે પ્રેમીઓ સાથે હોય તો દિલ ખુશીથી કેવું ઊછળવા લાગે એ ભાવ સંગીતકારે ધુનમાં અને બન્ને ગાયકોએ ગાયકીમાં તાદૃશ કરી આપેલ છે.

આજના અંક માટે ૧૯૫૩નાં તલત મહેમૂદ અને આશા ભોસલેનાં યુગલ ગીતો ખોળતાં ખોળતાં આ બન્નેએ ગાયેલું એક પંજાબી યુગલ ગીત હાથ લાગી ગયું.

મેરે દિલ દી સેજ દીયે રાનીયે ની – લારા લપ્પા ૧૯૫૩) – ગીતકાર: એમ એસ સેહરાઈ – સંગીત: ધનીરામ

ધનીરામ વિશે વિગતે પરિચય  આવતા અંકમાં તેમનાં ‘ડાક બાબુ’ (૧૯૫૪)નાં તલત મહેમૂદ – આશા ભોસલેનાં યુગલ ગીતને સાંભળતી વખતે કરીશું અત્યારે તો તેમનાં લડકી (૧૯૫૩)નાં એક બહુ જાણીતાં ગીત – મૈં હું ભારતકી એક નાર લડને મરને કો તૈયાર -ને યાદ કરીને તેમને યાદ કરી લઈએ.

ધનીરામનાં સંગીતમાં જેટલું પ્રાધાન્ય શાસ્ત્રીય સંગીતનું જોવા મળે છે, એટલું જ પ્રાધાન્ય પ્રસંગોચિત ઉત્તર પ્રદેશ ને પંજાબનાં લોક સંગીતનું જોવા મળે છે. જેમકે પ્રસ્તુત ગીતમાં તેમણે પંજાબી લોકધુનને કેટલી અસરકારક રીતે વણી લીધી છે

હવે પછીના અંકમાં તલત મહેમૂદ અને આશા ભોસલેનાં યુગલ ગીતોની આ સફર આગળ ધપાવીશું.