રક્ષા શુક્લ
હળવે હળવે હળવે હરિનું હાથ ગ્રહીને ઝૂલવું રે.
ધીરે ધીરે ધીરે મંગળ ટાણાનું ગણગણવું રે.
હરિવ્હાલા હાથે ગુંથેલી વરમાળા લઈ આવ્યા રે,
અમને બાજુબંધ હરિના કોને કહું કે ફાવ્યા રે.
હરિએ મારે આંગણ આવી મોરપિચ્છને વાવ્યા રે,
વ્હાલપની ગઠરી સંગાથે તરસ-તળાવો લાવ્યા રે.
હરિ ચાખે તો અમને ગમતું નિત નવું અવતરવું રે.
હળવે હળવે હળવે હરિનું હાથ ગ્રહીને ઝૂલવું રે.
ચપટીમાં સિંદૂર ભરીને હરિવર સામે ઊભા રે,
મારા મનની દ્વારિકાના એ જ ધણીને સૂબા રે.
પગલું પડતા હરિનું સરગાપુર બને આ કુબા રે,
હરિપ્રિયા, કમલા કે રુકમણી હું, એ જ વિઠુબા રે.
અમીછાંટણા અનરાધારે, અણથક આજ વરસવું રે.
હળવે હળવે હળવે હરિનું હાથ ગ્રહીને ઝૂલવું રે.
હું પલળી કે હરિવર, મારી સૂરતા ઉપર-નીચે રે,
લજામણીનું રુંવેરુંવું વડલા નીચે હીંચે રે,
વ્હાલપ નીરખી કદંબ ડાળે કપોત આંખો મીંચે રે,
‘સાધુ સાધુ’ જયઘોષ ઉચારી સચરાચર પણ સીંચે રે.
મારામાંથી હરી મને, હરજી માંહે સંચરવું રે.
હળવે હળવે હળવે હરિનું હાથ ગ્રહીને ઝૂલવું રે.
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com