દર–ખ઼ુર–એ–ક઼હર–ઓ–ગ઼જ઼બ જબ કોઈ હમ સા ન હુઆ
(શેર ૧ થી૩)
મિર્ઝા ગ઼ાલિબ
વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)
દર–ખ઼ુર–એ–ક઼હર–ઓ–ગ઼જ઼બ જબ કોઈ હમ સા ન હુઆ
ફિર ગ઼લત ક્યા હૈ કિ હમ સા કોઈ પૈદા ન હુઆ (૧)
[દર-ખ઼ુર-એ-ક઼હર-ઓ-ગ઼જ઼બ= ગુસ્સાના ભોગ થવું, કોઈનાથી આગબબુલાના કારણરૂપ બનવું]
રસદર્શન :
આ શેરમાંથી ગ઼ાલિબનો રમતિયાળ મિજાજ પ્રગટ થાય છે અને તેમાંથી સરસ મજાની રમૂજ પણ માણી શકાય છે. માણસ ઘણીવાર એવી હરકત કરી બેસે કે સામેવાળો તેના ઉપર ખૂબ જ ક્રોધિત થઈ જાય. અહીં ગ઼ાલિબ કહે છે મારા જેવો કોઈના ગુસ્સ્સાનો ભોગ બને તેવી ચેષ્ટા કરનારો કોઈ થયો જ ન હોય તો પછી મારે મારા વિષે એમ કહેવું કે મારા જેવો કોઈ પેદા થયો જ નથી તો તેમાં ખોટું શું છે! આ શેર કંઈ અમસ્તો લખાયો નહિ હોય, કેમ કે તેની પાછળ તેનો કોઈ અનુભવ હોવો જોઈએ. ગ઼ાલિબ અલ્લડ મિજાજના હતા અને ઘણીવાર મિત્રો સાથે, પોતાનાં બેગમ સાથે કે એવા કોઈ અન્યો સાથે એવું વર્તન કરી બેસતા કે જેથી જે તે વ્યક્તિ તેમના ઉપર આગબબુલા થઈ જાય. સામાન્ય રીતે આપણે કોઈની મજાક મશ્કરી કરતા હોઈએ ત્યારે તેના ગુસ્સાનો ભોગ બનવાની આપણી માનસિક તૈયારી હોવી જોઈએ અને તેના ગુસ્સાને હળવાશમાં લઈ લેવો જોઈએ. ગ઼ાલિબ આ શેરના બીજા મિસરામાં પેલા ગુસ્સો કરનારાઓને એવો રમૂજી જવાબ આપે છે કે એ લોકો હસી પડે અને તેમની વચ્ચે કોઈ કડવાહટ પેદા થતી નથી. અહીં બીજા મિસરાના ગ઼ાલિબના કથનથી આપણા ભાવકોમાં કોઈ ગેરસમજ પેદા ન થવી જોઈએ કે તેણે કોઈ ઘમંડની ભાવનાથી તેમ કહ્યું હોય કે ‘તેના જેવો કોઈ પેદા થયો નથી!’
બંદગી મેં ભી વો આજ઼ાદા ઓ ખ઼ુદ–બીં હૈં કિ હમ
ઉલ્ટે ફિર આએ દર–એ–કા‘બા અગર વા ન હુઆ (૨)
[આજ઼ાદા= નિરંકુશ, આઝાદ; ખ઼ુદ-બીં= સ્વાભિમાની, ખુદ્દાર; દર-એ-કા’બા= કાબાનો દરવાજો; વા= ખોલેલો ન હોવો]
રસદર્શન :
ગ઼ઝલના આ શેરમાં પણ ગ઼ાલિબના અલ્લડ મિજાજનાં દર્શન થાય છે. પ્રથમ શેરમાં દુન્યવી કોઈ માણસો સાથેનો ગ઼ાલિબનો અલ્લડ મિજાજ સમજાય છે, પણ અહીં આ શેરમાં તો તે ઈશ્વર-અલ્લાહની બંદગી કે ભક્તિમાં પણ તે પોતાનું અલ્લડપણું બતાવે છે. ઈશ્વર-અલ્લાહના પ્યારા ભક્તો કે બંદાઓ ઘણીવાર એ સર્જનહાર સાથે પણ લડાયક મિજાજમાં ગુફ્તગૂ કરતા હોય છે. સુફી સંતો, જલાલી ફકીરો કે હઠધર્મી સાધુઓનો આવો જ મિજાજ હોય છે. અહીં ગ઼ાલિબ અલ્લાહની બંદગી કરવામાં પણ પોતાની જાતને આઝાદ અને ખુદ્દાર સમજે છે અને તેથી જ તો તે બિન્દાસપણે કહે છે કે અલ્લાહનું ઘર સમજવામાં આવતા કાબાના દરવાજા ખુલ્લા ન હોય તો પોતે વળતા પગલે પાછા ફરી જાય! કોઈ સામાન્ય બંદો હોય તો કાબાના દરવાજા ખૂલવાની રાહ જુએ, પણ અહીં ગ઼ાલિબનો મિજાજ તો તેમને એમ કરવાની ના ફરમાવે છે. પહેલા અને બીજા શેરમાં ગ઼ાલિબનો બેપરવાહ સ્વભાવ જાણવા મળતો હોવા છતાં આપણને એ તો સમજાય છે કે તેના જે તે વર્તનમાં કોઈ મિથ્યાભિમાન કે અહંકાર નહિ, પણ નિખાલસતા છે.
સબ કો મક઼્બૂલ હૈ દા‘વા તિરી યકતાઈ કા
રૂ–બ–રૂ કોઈ બુત–એ–આઇના–સીમા ન હુઆ (૩)
[મક઼્બૂલ= કબૂલ, સ્વીકાર્ય; યકતાઈ= એકલા જ હોવાપણું, અદ્વિતીયતા; બુત-એ-આઇના-સીમા= ચાંદી જેવા ચમકદાર અરીસામાં દેખાતી મૂર્તિ]
રસદર્શન :
આ શેરને ઇશ્કે મિજાજી અને ઇશ્કે હકીકી એમ બેઉ રીતે સમજી શકાય છે. પહેલા મિસરામાંનો ‘તિરી’ એટલેકે ‘તારી’ શબ્દને માશૂકાને અનુલક્ષીને સમજવામાં આવે તો તે ‘ઇશ્કે મિજાજી’ શેર બની રહે અને એ જ શબ્દ ઈશ્વર માટે પ્રયોજાયેલો સમજવામાં આવે તો તે ‘ઇશ્કે હકીકી’ બને. વળી અહીં ‘યક્તાઈ’ શબ્દ પણ મહત્ત્વ ધરાવે છે, જેનો અર્થ ‘અજોડપણું’ અર્થાત્ ‘જેની બરાબરીમાં કોઈ ન આવે તેવું’ એમ છે. હવે આપણે પહેલા મિસરાને સમજીએ તો તેમાં કહેવાય છે કે ‘તારો અદ્વિતીયતાનો દાવો સૌ કોઈને કબૂલ-મંજૂર છે.’ હવે માશૂકા પોતે અદ્વિતીય હોવાનો દાવો કરતી હોય તો સમજાય છે તે પોતાના સૌંદર્ય વિષે જ એમ કહે છે. તેના આ દાવાને આંશિક રીતે એમ ખોટો પાડી શકાય કે અરીસામાં તો તારા જ જેવી અન્ય દેખાય છે તો તારો અદ્વિતીય હોવાનો દાવો ખોટો સાબિત થાય છે. પરંતુ આ દલીલનું ખંડન એ રીતે થઈ શકે અરીસામાં દેખાય છે તે તો તેનું પ્રતિબિંબ છે, જે આભાસી છે. આમ માશૂકાનો તે એકલી જ સૌંદર્યવાન હોવાનો દાવો યથાર્થ ઠરે છે.
હવે આ જ શેરને ‘ઈશ્વર-અલ્લાહ’ને લાગુ પાડીએ તો નિ:શંકપણે સમજી શકાય છે તેના અદ્વિતીય હોવાના દાવાને સૌ કોઈ કબૂલ-મંજૂર રાખે જ છે. બીજા મિસરામાં ઈશ્વરના એક હોવાની માન્યતાને દૃઢિભૂત કરવા પહેલાં ‘આઇના’ શબ્દપ્રયોગને સમજવો પડશે. કેટલાંક હિંદુ મંદિરોમાં મૂર્તિની પાછળ અરીસો રાખવામાં આવતો હોય છે. ગ઼ાલિબ હિંદુ ધર્મ અને હિંદુઓની ઈશ્વરને કરવામાં આવતી પૂજા-અર્ચનાની હકીકતથી પણ માહિતગાર છે અને તેથી આ બીજા મિસરામાં એવી દલીલ આપે છે કે ચાંદી જેવા ચમકદાર અરીસામાં દેખાતી મૂર્તિ પણ પોતાનું સ્થાન તજીને કોઈને રૂબરૂ દર્શન આપતી નથી અને તે તેની જગ્યાએ એકમેવ સ્વરૂપે સ્થિર રહે છે. આમ ગ઼ાલિબ પોતાની દુન્યવી માશૂકા કે સૌ કોઈનો સર્જનહાર એવો ઈશ્વર ઉભય એકમેવ હોવાના દાવાને સ્વીકારે છે. મંદિરોમાંના અરીસાઓમાં દેખાતાં મૂર્તિઓનાં પ્રતિબિંબો કે માશૂકાનું અરીસામાં તેનું પોતાનું દેખાતું પ્રતિબિંબ એ આભાસી હોઈ ઉભયના એકત્વને નકારી શકાય નહિ. આ શેરને હજુ વધુ સ્પષ્ટ રીતે સમજવો હોય તો એક તારણ કાઢવું પડે કે અરીસામાં દેખાતું કોઈપણ પ્રતિબિંબ એ આભાસી જ હોઈ તે મૂળની બરાબરીમાં આવી શકે નહિ, આમ જે તે ‘મૂળ’ને એકમેવ ગણવું પડે. આ માટે આપણે એક ઉદાહરણ લઈએ તો રાત્રિએ આકાશમાં દેખાતા એક જ ચંદ્રનાં પાણીથી ભરેલાં પાત્રોમાં અનેક પ્રતિબિંબો દેખાશે; પણ હકીકતે તો ચંદ્ર એક જ છે, બાકીનાં બધાં તો તેનાં પ્રતિબિંબો છે.
ઋણસ્વીકાર:
(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter
(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા
(૫) Courtesy : https://rekhta.org
(૬) Courtesy – urduwallahs.wordpress.com
(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in
(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ
* * *
શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:
ઈ મેઈલ – musawilliam@gmail.com ||મોબાઈલ : + 91-93279 55577
નેટજગતનું સરનામુઃ
William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) || વલદાનો વાર્તાવૈભવ | | માનવધર્મ – જીવો અને જીવવા દો | | હળવા મિજાજે