વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • એક પથ્થર જેમ જગત રસ્તે મેં લાતો જ સહી છે… નહીંતર હું…

    વાત મારી, તમારી અને આપણી

    ડૉ. મૃગેશ વૈષ્ણવ
    એમ.ડી.(મનોચિકિત્સક)

     તમારી સાથે શું થયું એ મહત્વનું નથી પણ હવે પછી તમે શું કરવા માંગો છો અને શું કરી શકો તેમ છો તે મહત્વનું છે

     

    ભૂતકાળમાં તમારી સાથે થયેલ અન્યાયનો તમે ક્યારેક ઉલ્લેખ કરો એ વ્યાજબી છે પરંતુ એના ઓઠા હેઠળ ભૂતકાળને મારી, મચડી વિકૃત બનાવી તમે તમારી વર્તમાન પરિસ્થિતિ માટે બીજાઓ પર દોષનો ટોપલો નાંખી જાતને છેતરતા રહો એ વ્યાજબી નથી. કારણ આવું કરી તમે તમારી નબળાઈ, નિષ્ક્રિયતા અને બેજવાબદાર વલણ પર તમે ઢાંકપિછોડો કરો છો જેથી  તમે તમારી ”સેલ્ફ ઈમેજ” ‘આત્મછબિ’ને નબળી કે નિર્માલ્ય બનાવતા રહો છો. ભૂતકાળના બનાવોથી છેડો ફાડવો મુશ્કેલ છે.

    ભૂતકાળની ઘટનાઓના ઉઝરડા પ્રત્યેક વ્યક્તિના મનમાં રહી જાય છે. ભૂતકાળના જખ્મો તાજા થઈ જાય અને તમે તેનો અફસોસ સાથે ઉલ્લેખ કર્યા વિના ન રહી શકો તો નીચેની બાબતો ચોક્કસ ધ્યાનમાં રાખો.

    ૧. માત્ર બહાનાબાજી તરીકે ભૂતકાળના અન્યાયનો ઉલ્લેખ ન કરશો. તમે વર્તમાનમાં જે છો જેવા છો એ માત્ર ભૂતકાળના બનાવોને કારણે જ છો એવું પણ ઘુંટયા ના કરતા. હું તો એક પ્રભુની મૂર્તિ બનવા લાયક અવતાર હતો પણ મને લોકોએ એક પથ્થર જેમ લાતો જ માર્યા કરી છે, એવું ગાણુ ગાઈ તમારા આત્મસન્માનને સાવ તળીયે ન જવા દેશો.

    ૨. તમે તમારા મનનો ઉભરો ઠાલવવા ભૂતકાળની વાતો કરતા હો ત્યારે તેમાં નકારાત્મક લાગણી ઘૂંટયા ન કરશો. ”હું બિચ્ચારો… બાપડો… સહાય… આવા અન્યાયને લાચારીથી સહન કર્યા સિવાય બીજું કરી પણ શું શકું?…” એવું વિચારી તમારી જાતને દિન-હીન અને લાચાર પુરવાર કર્યા કરશો તો તમારી આત્મછબિ હંમેશાં નબળી જ રહેશે.

    ૩. તમારા ભૂતકાળના બનાવોનું વર્ણન કરતા હોવ ત્યારે જેમણે મને અન્યાય કર્યો છે. તેમના પ્રત્યે ધિક્કાર કે નફરત ઓકતા રહેશો નહીં. કારણ એમ કરવાથી તમારા ભૂતકાળને તમે જીવંત રાખશો અને મનની કડવાશને સતત પોષ્યા કરશો. યાદ રાખો જ્યાં સુધી તમે મનમાં કડવાશ અને ધૃણા રાખશો ત્યાં સુધી તેઓ તમારા મન પર નકારાત્મક પ્રભાવ પાડશે, અને તમારી ‘સેલ્ફ ઈમેજ’ને નિસ્તેજ અને નિર્માલ્ય બનાવતા રહેશે.

    ૪. તમારી સાથે ભૂતકાળમાં શું શું બની ગયું તે મહત્ત્વનું નથી પણ હવે પછી તમે શું કરવા માંગો છો અને શું કરી શકો તેમ છો તેનું મહત્ત્વ છે.

    જાતની જવાબદારી ટાળવા લોકો કેવી બહાનાબાજી ભર્યા વિધાનો કરે છે અને તમારી તંદુરસ્ત ”સેલ્ફ ઈમેજ” બનાવવા તમે આવાં વિધાનોનો કેવો જડબાતોડ જવાબ આપી શકો છો તેનાં કેટલાંક દ્રષ્ટાંતો આપું છું.

    વિધાન : કોલેજમાં ખરાબ દોસ્તોએ મને દારૃના રવાડે ચડાવ્યો હતો. હાલમાં હું મારો બિઝનેસ જમાવવા માટે ઓફીસરો, વેપારીઓ અને વગદાર લોકો સાથે મારે શરાબની પાર્ટી તો યોજવી જ પડે ને? હું શું કરું? શરાબ પીવો એ મારી ઈચ્છા નહીં લાચારી છે.

    જડબાતોડ જવાબ : ખોટી વાત. આજ સુધી કોઈ પણ વ્યક્તિએ મારી મરજી વિરૃધ્ધ પરાણે મારા મોઢામાં દારૃ રેડયો નથી. મને દારૃ પીવો ગમે છે એટલે હું પીવું છું. મારી આ આદત માટે હું જ જવાબદાર છું અને હું જ તેને બદલી શકું તેમ છું.

    વિધાન : મારે પણ સવારે વહેલા ઉઠી વાંચવા બેસવું જ છે અને દિવસમાં દસ-બાર કલાક એકાગ્રતાથી વાંચવું જ છે, પણ હું શું કરી શકું? …અત્યારની તીવ્ર ઠંડીમાં ઉઠાતું નથી. દિવસ દરમ્યાન ઘરમાં ઘણાં ગેસ્ટ આવે છે. પાડોશીઓ આખો દિવસ ”તારક મહેતા કે ઉલ્ટે ચશ્મે” સિરીયલ ચલાવે છે પછી હું એકાગ્રતા કેવી રીતે લાવું?

    જડબાતોડ જવાબ : હકીકતમાં મને ભણવા બેસવામાં રસ નથી. મારી જ્વલંત કારકીર્દી બનાવવાની કોઈ મહત્વકાંક્ષા જ નથી. બાજુવાળા નવરા છે એટલે સિરીયલ જુએ છે. એ લોકો મને જોવા આવવાનો આગ્રહ કરતા નથી. ઠંડીમાં મારે ઉઠવું હોય તો હું ઉઠીને વાંચી શકું છું પણ હું આળસુ થઈ ગયો છું. વાંચવાનો નિર્ણય મારે જ કરવો પડશે અને એ માટે મારે કઠોર પરિશ્રમ કરતા શીખવું પડશે.

    વિધાન : મને પ્રમોશન ક્યાંથી મળે? ઉપરી સાહેબોને મસ્કા મારતા મને ક્યાં આવડે છે?

    જડબાતોડ જવાબ : હું ક્યારેય ઓફીસે સમયસર પહોંચ્યો ખરો? કોઈપણ બહાનું બતાવી હું વહેલો છટકી નથી જતો? મને સોંપેલા કામ હું પાછા ઠેલ્યા કરું છું. પછી મારા પ્રમોશનની ભલામણ સાહેબ કેવી રીતે કરે? મને પ્રમોશન નથી મળતું તેમાં મારો જ વાંક છે.

    યાદ રહે તમારી વર્મતાન પરિસ્થિતિ માટે ભૂતકાળનો આશરો લઈ અન્ય પર દોષારોપણ કે બહાનાબાજી કરવાથી તમારો વર્તમાન સુધરવાનો નથી કે તમારી સેલ્ફ ઈમેજ મજબૂત બનવાની નથી. અત્યાર સુધી ખોટી દલીલો અને બહાનાબાજીથી તમે તમારો વિકાસ અટકાવ્યો હોય તો હજી પણ સમય છે. તમે તમારી જાત સાથે જડબાતોડ દલીલો કરી તમારો અભિગમ બદલી શકો છો. આ અંગે હું સુપ્રસિધ્ધ પાર્લામેન્ટરીયન અટલ બિહારી બાજપાઈનો દાખલો આપું છું. અટલજી વિરોધપક્ષમાં બેસતા હતા ત્યારે તેમના ધારદાર વક્તવ્યો માટે જાણીતા હતા. એક દિવસ લોકસભામાં તેમને સરકારની નબળી આંતરિક સુરક્ષા અને આર્થિક નીતિ પર બોલવાનું હતું. વ્યસ્ત અટલજીને હોમવર્ક કરવાનો સમય ન હતો. આથી તેમના આસીસ્ટન્ટોએ તેમને આંકડા તથા દલીલ લખી આપ્યા. અટલજીએ તેમની આગવી છટામાં વક્તવ્ય શરૃ કર્યું. પરંતુ એનાથી તો સામેના પક્ષના લોકો પાટલી થબથબાવા માંડયા. જ્યારે અટલજીની પાર્ટીના મોઢાં છોભીલાં થયાં અટલજીને અણસાર આવી ગયો કે કંઈક બફાય છે. તેમણે પોતાના વક્તવ્યમાં થોડો પોઝ આપ્યો અને સતર્કતાથી બાજી સંભાળી લેતાં કહ્યું. આ બધી સામા પક્ષની બહાનાબાજી છે. તેનો જડબાતોડ જવાબ આ રહ્યો. આમ કરીને સામા પક્ષની દલીલો કેટલી વાહિયાત છે અને ખરેખર સાચું શું છે એવું કહી તેમણે સામેના પક્ષના છક્કા છોડી નાંખ્યાં.

    અટલજી જેવી જ સતર્કતા તમે પણ તમારા જીવનમાં રોજબરોજ અજમાવી શકો છો. અત્યાર સુધી તમારી નિષ્ફળતા કે અણઆવડત પર ઢાંક પિછોડો કરવા તમે આતશબાજી કરીને જાતને છેતરતા રહ્યા છો. પરંતુ આનાથી ફાયદો થવાને બદલે તમને નુકસાન થયું છે. એટલે હવે પછી તમારી બહાનાબાજીને સતર્કતાથી જડબાતોડ જવાબ આપી તમારી ‘સેલ્ફ ઈમેજ’ તમારે સુધારી પ્રગતિ કરવાની છે. પરંતુ જેટલી આસાની અને સતર્કતાથી અટલજીએ બાજી પલટાવી તેટલું તમારા કિસ્સામાં કરવું સહેલું ન પણ બને. કારણ તમને અત્યારની પરિસ્થિતિ માફક આવી ગઈ હોય. હવે કોઈ પ્રકારની મહેનત કરવા કરતાં આ જે છે એજ શું ખોટું છે? નાહકનું ટેન્શન વધારવું અને કાયાને કષ્ટ આપવું? બીજું તમને અત્યારની પરાવલંબી પરિસ્થિતિ અનુકૂળ આવી ગઈ હોય તો તમારે શું કરવું કે શું ન કરવું એ બીજું કોઈ નક્કી કરતું હોય તમે નિર્ણય લો એ ખોટો પડે તો તેની જવાબદારી લેવી પડે. એના કરતાં કંઈક ખોટું થાય તો બીજા પર દોષનો ટોપલો નાંખી ચિંતામુક્ત રહી જાતને બિચ્ચારી… લાચાર… નિર્દોષ… અન્યાય સહન કરનાર પુરવાર કરતા રહો અને નફીકરાઈથી સરળ જિંદગી જીવતા રહો.

    આ વલણ બાલ્યાવસ્થાનું છે પરંતુ નબળી ‘સેલ્ફ ઇમેજ’વાળી વ્યક્તિ પુખ્ત થયા પછી પણ બાળક જેવા નાના રહી પોતાના જીવનની કોઈ જ જવાબદારી લઈ શકતા નથી કે પછી તેમ કરવાનું ટાળે છે. કારણ આવા લોકો એમ વિચારતા હોય છે કે પોતે નિર્ણય લે અને ખોટા પડે તો શું? એમ વિચારી તેઓ હંમેશાં છટકબારી શોધતા રહે છે અને પલાયનવાદી થઈ જાય છે.


    ડૉ. મૃગેશ વૈષ્ણવ. એમ.ડી.,નાં વિજાણુ સંપર્ક સૂત્રો:

    E_Mail: mrugeshvaishnav@gmail.com
    Website: www.drmrugeshvaishnav.com

  • ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૪૭

    ચિરાગ પટેલ

    उ. १७.१.९ (१६२५) किमित्ते विष्णो परिचक्षि नाम प्र यद्ववक्षे शिपिविष्टो अस्मि । मा वर्पो अस्मदप गूह एतद्यदन्यरुपः समिथे बभूथ ॥ (वसिष्ठ मैत्रावरुणि)

    કિરણોયુક્ત હું છું એ પ્રમાણે સર્વવ્યાપી ભાવવાળું આપનું સ્વરૂપ નિઃસંદેહ પ્રખ્યાત છે. એવા સ્વરૂપને અમારાથી છુપાવી ના દો, કારણ કે, સંગ્રામમાં અન્ય રૂપ ધારણ કરવા છતાંય તમે અમારા સંરક્ષક બની રહો છો.

     

    उ.१७.१.१० (१६२६) प्र तत्ते अद्य शिपिविष्ट हव्यमर्यः शँसामि वयुनानि विद्वान् । तं त्वा गृणामि तवसमतव्यान्क्षयन्त मस्य रजसः पराके ॥ (वसिष्ठ मैत्रावरुणि)

    હે કિરણોવાળા વિષ્ણુ! આપના પૂજ્ય નામવાળા સ્વરૂપની શ્રેષ્ઠ સત્કર્મ પરાયણ અમે પ્રશંસા કરીએ છીએ. અત્યંત બળશાળી રજોલોકથી દૂર રહેનારા અમે આપના નાના ભાઈના રૂપમાં આપની સ્તુતિ કરીએ છીએ.

     

    उ.१७.१.११ (१६२७) वषट् ते विष्णवास आ कृणोमि तन्मे जुषस्व शिपिविष्ट हव्यम् । वर्धन्तु त्वा सुष्टुतयो गिरो मे यूयं पात स्वस्तिभिः सदा नः ॥ (वसिष्ठ मैत्रावरुणि)

    હે વિષ્ણુ! આપની પાસે અમે વષટપૂર્વક આહુતિ અર્પણ કરીએ છીએ. હે પ્રકાશથી વ્યાપ્ત! આપ અમારી આહુતિને ગ્રહણ કરો. શ્રેષ્ઠ સ્તુતિઓ યુક્ત અમારી વાણી આપની ગરિમા વધારે. આપ સર્વે કલ્યાણકારી શક્તિઓ સાથે સદૈવ અમારા સંરક્ષક બનો!

    ઉપરોક્ત ત્રણ સામમાં ઋષિ વસિષ્ઠ મૈત્રાવરુણિ વિષ્ણુ સંબોધન સર્વવ્યાપી સૂર્ય માટે પ્રયોજે છે. સૂર્યના કિરણો સમગ્ર પૃથ્વી પર વ્યાપ્ત છે અને કિરણોયુક્ત એટલે કે પ્રકાશિત એવું સૂર્યનું આ એક સ્વરૂપ છે. જ્યારે રાત્રીનો અંધકાર હોય ત્યારે ચંદ્રમા અને નક્ષત્રો દ્વારા સૂર્ય અન્ય સ્વરૂપે ઉપસ્થિત હોય છે. આ સ્વરૂપમાં પણ સૂર્ય પોતાની રક્ષા કરે એમ ઋષિ ઈચ્છે છે.

    વિષ્ણુ શબ્દનો અર્થ સર્વત્ર વ્યાપ્ત કે સર્વને ધારણ કરનાર છે. ઋષિને સૂર્યનું આ નામ વધુ પ્રિય છે; અને પોતાને વિષ્ણુના રજોલોકથી દૂર એટલે કે પૃથ્વી પર સૂર્યના નાના ભાઈ સમાન યજ્ઞના અગ્નિને વિષ્ણુ માની પૂજતા હોવાનું કહે છે. યજ્ઞમાં સ્વાહા શબ્દથી આહુતિ અપાય છે. આ સામમાં ઋષિ વષટ શબ્દથી આહુતિ પોતે આપતાં હોવાનું જણાવે છે.

     

    उ.१७.३.२ (१६४०) व्यरुन्तरिक्षमतिरन्मदे सोमस्य रोचना । इन्द्रो यदभिनद्वलम् ॥ (गोषूक्ति अश्वसूक्ति काण्वायन)

    સોમપાનથી પ્રસન્ન ઇન્દ્ર પ્રકાશવાન અંતરિક્ષને વિશેષ પ્રકાશ સંપન્ન કરે છે તથા વાદળોને છિન્ન ભિન્ન કરે છે.

     

    उ.१७.३.३ (१६४१) उद् गा आजदङ्गिरोभ्य आविष्कृण्वन्गुहा सतीः । अर्वाञ्चं नुनुदे वलम् ॥ (गोषूक्ति अश्वसूक्ति काण्वायन)

    ઈન્દ્રે ગુફામાં રહેલી ગાયોને પ્રગટ કરીને અંગિરાઓ સુધી પહોંચાડી. એને રોકી રાખનાર નીચું મોં કરીને પલાયન થઈ ગયા.

     

    उ.१७.४.५ (१६५२) वि चिद् वृत्रस्य दोधतः शिरो बिभेद वृष्णिना । वज्रेण शतपर्वणा ॥ (वत्स काण्व)

    સંસારને ભયભીત કરનાર વૃત્રના માથાને શક્તિ સંપન્ન ઇન્દ્રએ પોતાના તીક્ષ્ણ પ્રહારવાળા વજ્રથી કાપી નાખ્યું.

    ઉપરોક્ત ત્રણ સામમાં ઋષિઓ ઇન્દ્ર એટલે કે સૂર્યને લગતી પ્રાચીન કથાનો નિર્દેશ કરે છે. અહિ  ઇન્દ્ર એટલે સૂર્ય, ગાયો એટલે પ્રકાશ કિરણો, ગુફામાં રહેલા એટલે કે અપ્રગટ, અંગિરાઓ એટલે શરીરધારીઓ, રોકી નાખનાર અથવા વૃત્ર એટલે બળ કે પ્રકૃતિ, વજ્ર એટલે આકાશી વીજળી એમ સ્થૂળ અર્થ લઈએ. ૧૨,૯૦૦ વર્ષ પૂર્વેના લગભગ બે હજાર વર્ષના છેલ્લા હિમયુગના અંત સમયે, પૃથ્વી પર વ્યાપેલા ગાઢ અંધકારરૂપી ઘનઘોર વાદળોમાં વીજળીઓથી વર્ષા ચક્રનો પુનઃ પ્રારંભ થયો હતો અને સૂર્ય પૂર્ણ સ્વરૂપે પ્રકાશિત થયો હતો. આ ભૌગોલિક/ખગોળીય ઘટના અંગે સામવેદ કાળના ઋષિઓને જાણકારી હતી એમ ચોક્કસ કહી શકાય.

    આદ્યાત્મિક અર્થ લઈએ તો, ઇન્દ્ર એટલે મન, ગુફામાં રહેલ ગાયો એટલે આત્માની પ્રેરણા, અંગિરા એટલે શરીર, વૃત્ર એટલે મનની અડચણરૂપ વૃત્તિઓ, વજ્ર એટલે ચૈતન્ય શક્તિ. એ અર્થમાં આત્મા મનને કેવી રીતે પ્રેરણા આપે છે એનું વર્ણન ઋષિ અહી કરે છે.

  • આંતરચક્ષુ એકાક્ષરે

    ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના

    દિનેશ.લ. માંકડ

    દરેક ઉપનિષદને તેની વિશેષ શિક્ષણ વિભાવનાઓ છે.જ્યાં અને જેવી રીતે જિજ્ઞાસુઓ પહોંચે ત્યાં પોતાના જ્ઞાનનો નિર્વ્યાજ, અને નિસ્પૃહી ભાવે વહેંચણી વિવિધ રીતે ,વિવિધ પદ્ધતિથી કરવી એ ઉપનિષદોની લાક્ષણિકતા રહેલી છે. વિશાળ એવું બૃહદારણ્યક ઉપનિષદ પણ આવાં અનેક ગુરુ-શિષ્ય બોધ લઈને આવે છે.શુક્લ યજુર્વેદની કણ્વ શાખાના શતપથ-વાજસેનીય બ્રાહ્મણ અંતર્ગત આ ઉપનિષદ છે.એમાં છ અધ્યાય છે અને દરેકમાં અનેક  બ્રાહ્મણ છે.

                 શિષ્યની તર્કશક્તિ અને મૌલિકતા ખુબ તીવ્રતાપૂર્વક અને વિવિધ પ્રયુક્તિઓ દ્વારા વિકસે એ શિક્ષણની વિશેષ વિભાવના છે.એમાંય ભારતીય સંસ્કૃતિને તો વિશ્વની શ્રેષ્ઠ દેવભાષા સંસ્કૃતનું અણમોલ વરદાન છે. સંસ્કૃત ભાષાની અનેક વિશેષતાઓ તો અનન્ય છે. બૃહદારણ્યક ઉપનિષદના પાંચમા અધ્યાયના પ્રથમ બ્રાહ્મણમાં આપણી આ મહામૂલી ભાષાના એકાક્ષરી સાંકેતિક શબ્દો દ્વારા ગુરુ-શિષ્ય કેટલું અગાધ જ્ઞાન આપી શકે તે દર્શાવાયું છે.

    ઉપનિષદના પાંચમા અધ્યાયના પ્રથમ બ્રાહ્નણનો ॐ पूर्णमदः पूर्णमिदं …..મંત્રથી પ્રારંભ કર્યો છે.  કૌરવ્યાયણી પુત્રના મત અનુસાર ‘ ખં ‘ ( અનંત આકાશ ) જ બ્રહ્મ છે.તેની અંદર વાયુ વિચરણ કરે છે. ॐ३ खं ब्रह्म खं पुराणं वायुरं खमिति ह स्माऽऽह कौरव्यायणीपुत्रो। वेदोऽयम्ं ब्राह्मणा विदुर्वेदैनेनयद्वेदितव्यम् ॥ આમ અહીં પ્રારંભથી જ એકાક્ષરી શબ્દનું મહત્ત્વ બતાવાયું છે.

               જ્યાં સુધી શિષ્ય સ્વતંત્ર વિચારતો ન થાય ત્યાં સુધી તે શિષ્યના મનમાં એક વિચાર બીજ રોપાય અને એ વિચારતો થાય. અને એટલે જ ગુરુ પણ કોઈ સંકેત કે વિચાર મૂકી શિષ્ય પર છોડી દે.શિષ્ય તેના પર પૂરતી વિચાર શક્તિ દોડાવે તારણ કાઢે ને પછી  ઉત્તર આપે.

    બૃહદારણ્યક ઉપનિષદની એક કથા આવો જ એક સંદેશ લઈને આવે છે. પ્રજાપતિના ત્રણેય પુત્રો દેવ,માનવ અને અસુર પૂર્ણ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યા પછી પિતા-ગુરુ પાસે આવ્યા.અમને ઉપદેશ આપો સહુ પ્રથમ દેવતાઓનો વારો. તેમની વિચારશક્તિ અને વિચાર દિશા જાણવા માટે પ્રજાપતિએ તેમને કહ્યું,’ દ’ એટલે શું ? ‘ ते॒भ्यो हैत॒दक्ष॒रमुवाचः द॒ इ॒ति; व्य॒ज्ञासिष्टा३ इ॒ति । તેનો માર્મિક વિચાર કરવા માટે સંકેત કરીને  તેમની પર છોડી દીધું.. થોડીવાર તેમને સૂચક રીતે પૂછી લીધું કે તમે સમજી ગયા છો ને ?  દેવોએ સંમતિ સૂચક હા પાડી व्य॒ज्ञासिष्मे॒ति होचुः दा॒म्यते॒ति न आत्थे॒ति । ओ॒मि॒ति होवाच, व्य॒ज्ञासिष्टे॒ति ।. ને કહ્યું કે,’ અમે ‘ દ’ નો ભાવાર્થ એ સમજ્યા છીએ કે ‘દમન’ ( ઇન્દ્રિય ) એ જ શ્રેષ્ઠત્વ તરફ લઇ જનારો માર્ગ છે.’

    પછી પ્રજાપતિએ મનુષ્યોને પણ ‘દ ‘ નો અક્ષરનો ગુઢાર્થ કહ્યો ને પછી દેવોની જેમ તેઓને પણ વિચારતા કરીને છોડી દીધા. તેમણે ‘દ’નો ભાવનાત્મક અર્થ કાઢ્યો. પ્રજાપતિએ એમને પૂછ્યું.  મનુષ્યોએ પણ પોતાની સમજણથી વિચારીને હકારમાં ઉત્તર આપતાં જણાવ્યું કે,’ અમારી સમજણ કહે છે કે માનવ જીવનમાં કશુંક પ્રાપ્ત કરવું હોય તો ‘ દ’ એટલે ‘દાન’ એ જ ઉત્તમ વિકલ્પ છે.  व्य॒ज्ञासिष्मे॒ति होचुः दत्ते॒ति न आत्थे॒ति । ओ॒मि॒तिहोवाच, व्य॒ज्ञासिष्टे॒ति ।

    હવે વારો અસુરોનો હતો. પ્રજાપતિએ તેમને પણ સહજ સમજણથી ‘દ’નો અર્થ સમજાવીને સવાલ કર્યો. ‘ દ’ એટલે શું ?’  અસુરોને પુછાયેલા આ જ સવાલનો ઉત્તર અસુરોએ પણ પોતાની ક્ષમતામાં વિચારી લીધો. અને ઉત્તર વાળ્યો.  ते॒भ्यो हैत॒देवा॒क्ष॒रमुवाचः द इ॒ति; व्य॒ज्ञासिष्टा३ इ॒ति । व्य॒ज्ञासिष्मे॒ति होचुः द॒यध्वमि॒ति न आत्थे॒ति । ‘અમારી આસુરીવૃત્તિને નિયંત્રણ લાવવા માટે ‘દયા’ એ જ સાચો માર્ગ છે. ‘દ’ નો અમારો અર્થ અમારા કલ્યાણ માટે એ જ છે. ‘

    આનંદિત થયેલા પ્રજાપતિ બોલ્યા, તમે સહુએ ‘ દ’ નો  જે શ્રેષ્ઠ અર્થ ગ્રહણ કર્યો છે તે જ સાચો અર્થ છે.’   દેવ,માનવ ને અસુર વૃત્તિના સહુને માટે સદાકાળ  ઉન્નતજીવનના લક્ષ્ય બની રહેશે એમ સમજાવી પ્રજાપતિએ અનુશાસિત ઉદ્ઘોષ કર્યો व्य॒ज्ञासिष्मे॒ति होचुः द॒यध्वमि॒ति न आत्थे॒ति ।ओ॒मि॒ति होवाच, व्य॒ज्ञासिष्टे॒ति । त॒देत॒देवै॒षा॒ दै॒वी वा॒ग॒नुवदतिस्तनयित्नुः॒ ददद इ॒ति; द॒म्यत दत्त॒ द॒यध्वमि॒ति । त॒देत॒त्त्रय॒ꣳशिक्षे॒द् दमं॒, दा॒नं, दया॒मि॒ति ।.‘જયારે કોઈ દિવ્યવાણી ઉચ્ચારાય ત્યારે દૈવી વાણી,પ્રકૃત્તિના સહારે પણ સમર્થન આપે તેમ  तदेतदेवैषा दैवी वागनुवदति

    स्तनयित्नुर्द द द इति दाम्यत दत्त दयध्वमिति । – દ ,દ,દ, એમ મેઘગર્જના પણ થઇ- એમ ઉપનિષદ કહે છે.

    પ્રસ્તુત કથામાં પ્રજાપતિ પાસે આવનાર ત્રણેય શિષ્યો બિલકુલ અલગ પર્યાવરણીય છે. સ્વાભાવિક છે દેવોને સ્વર્ગીય સુખ વિશેષ છે.અને જો તેની ભૌતિક ઈચ્છાઓને પ્રાધાન્ય આપી દે તો તેનું દેવત્વ ઝાંખું પડી શકે .પ્રજાપતિએ તેમને ઇન્દ્રિય દમનનો સંદેશ આપ્યો છે..માણસ પણ કર્મનિષ્ઠ છે.એટલે તેની આર્થિક સમૃદ્ધિ વધે ત્યારે એ પણ ભૌતિક સુખની દિશામાં દોડે .ઉપરાંત પૃથ્વીલોક પર તો સંઘર્ષમય જીવનાર વર્ગ પણ છે એટલે જો સમાજની સમતુલા ગોઠવવી હોય તો માણસએ આપવા વૃત્તિ વિકસાવવી જોઈએ એટલે તેને દાનનો મહિમા કહ્યો છે. ઝનૂન અને વેર બદલાની ભાવના વૃત્તિવાળા અસુરને તો જીવન વિકસાવવા દયા જ ઉત્તમ માર્ગ છે .એટલે પ્રજાપતિએ માત્ર ‘ દ’ અક્ષરના માધ્યમથી ત્રણેય શિષ્યને ઉચિત અને આવશ્યક શિક્ષણ આપ્યું.આવનાર શિષ્ય સમૂહ કદી એક સરખો ન હોય.ભિન્ન વાતાવરણ., વારસો,ભિન્ન બૌદ્ધિક સ્તર અને ભિન્ન વિચાર લઇ  આવે છે. બધાને એક લાકડીએ હાંકનાર ‘- ગુરુ શ્રેષ્ઠ નથી.દરેક શિષ્યની પોતાની આગવી ઓળખ છે અને જેની જેવી આવશ્યકતા તેને તેવું શિક્ષણ એ જ સાચી વિભાવના છે. સાથે સાથે મૌલિકતા અને તર્કશક્તિને પ્રાધાન્ય અપાયું છે.વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં માત્ર વ્યાખ્યાન અને પરીક્ષા પદ્ધતિ પરના જોરની સામે આ પ્રાચીન સંકલ્પના આદર્શ રૂપ બનીને સામે આવે છે.એટલે જ ઉપનિષદનો આ મન્ત્ર પ્રજાપતિના આ અનુશાસનિય આદેશને દ.દ.દ…. મેઘગર્જના જેવા દૈવી અનુમોદન આપે છે. तदेतदेवैषा दैवी वागनुवदतिस्तनयित्नुर्द द द इति दाम्यत दत्त दयध्वमिति । तदेतत्त्रयꣳ

    शिक्षेद् दमं दानं दयामिति ॥ અને સંદેશ આપી જાય છે કોઈને પણ માટે આખરે દમન, દાન,અને દયા જ ઉત્કર્ષના સાચા માર્ગદર્શકો છે.

    આજ રીતે બૃહદારણ્યક ઉપનિષદના પાંચમા અધ્યાયના ત્રીજા અને ચોથા અને પાંચમા બ્રાહ્મણમાં પણ પદના દરેક અક્ષરમાં છુપાયેલા મર્મને સમજાવવામાં આવ્યો છે. तदेतत्त्र्यक्षरꣳहृदयमिति । हृ इत्येकमक्षरमभिहरन्त्यस्मै स्वाश्चान्ये च यएवं वेद । द इत्येकमक्षरं ददत्यस्मै स्वाश्चान्ये च य एवं वेद ।

    यमित्येकमक्षरमेति स्वर्गं लोकं य एवं वेद ॥  હૃદય શબ્દ ક્ષરીત ન થનાર ગુણોથી યુક્ત છે. ‘ ર્હ ‘ અક્ષર છે એના પોતાના તથા બીજાના પ્રાણ પ્રવાહને અભિહરણ કરે છે. ‘દ’ જે આ જાણે છે એના પોતાના અને અન્યને દાન કરે છે ‘ ય’ જાણનાર સ્વર્ગને પ્રાપ્ત કરે છે. આ સત્યને જ જાણી રાખવાનો આગ્રહ પણ કરે છે . एवमेतन्महद्यक्षं प्रथमजं वेद सत्यं ब्रह्मेति सत्यꣳह्येव ब्रह्म ॥ અને સત્ય જ બ્રહ્મ છે એ માટે પણ ઉપનિષદ સ્પષ્ટ છે. ह्येव ब्रह्म ॥ સમગ્ર દેવગણ બ્રહ્મરૂપ સત્યની જ ઉપાસના કરે છે. अप एवेदमग्र आसुस्ता आपः सत्यमसृजन्त सत्यं ब्रह्म

    ब्रह्म प्रजापतिं प्रजापतिर्देवाꣳस्ते देवाः सत्यमेवोपासते तदेतत्त्र्यक्षरꣳ सत्यमिति । स इत्येकमक्षरं तीत्येकमक्षरं यमित्येकमक्षरम् । प्रथमोत्तमे अक्षरे सत्यं मध्यतोऽनृतं तदेतदनृतमुभयतः सत्येन परिगृहीतꣳ सत्यभूयमेव भवति ।

    नैनंविद्वाꣳसमनृतꣳ हिनस्ति ॥

    એજ રીતે  ‘ભૂ ,ભૂવઃ ‘ના પણ એવાં જ  વિશ્લેષણ છે. આ આદિત્ય મંડળમાં

    तद्यत्तत्सत्यमसौ स आदित्यो । य एष एतस्मिन्मण्डले पुरुषो यश्चायं दक्षिणेऽक्षन् पुरुषस्तावेतावन्योऽन्यस्मिन्प्रतिष्ठितौ

    रश्मिभिरेषोऽस्मिन्प्रतिष्ठितः प्राणैरयममुष्मिन् स यदोत्क्रमिष्यन्भवति शुद्धमेवैतन्मण्डलं पश्यति नैनमेते रश्मयः प्रत्यायन्ति ॥

     ‘જે ( સત્યનામ યુક્ત પુરુષ ) વિદ્યમાન છે ‘ભુ:’ તેનું શિર છે .અને ભૂવઃ તેની બે ભુજા છે .સ્વઃ તેની પ્રતિષ્ઠા કે ચરણ છે.’ અને भूरिति शिर एकꣳ शिरएकमेतदक्षरं भुव इति बाहू द्वौ बाहू द्वे एते अक्षरे स्वरिति  દ્વારા પદમાં રહેલા વિશેષ ભાવને વ્યક્ત કરે છે . મર્મ માર્ગે જીવનદૃષ્ટિ આપતું આ ઉપનિષદ માનવસમાજને દિશાદર્શક બની રહે છે.

             ભાષા એ તો મા સરસ્વતીના વસ્ત્ર અલંકાર છે.ઉપાસક તેને વિશેષ અલંકૃત કરે એ જ એની પૂજા છે.એમાંય ગુરુ દ્વારા શિષ્યના તર્ક- સમજણ વિકસાવવા માટે પ્રયોજાય ત્યારે તો તેનું અધિક મૂલ્ય જ હોય.એકાક્ષરે આંતરચક્ષુ  ખૂલે, એથી વિશેષ રૂડું શું ?


    શ્રી દિનેશ  માંકડનું  ઈ-મેલ સંપર્ક સરનામું :-   mankaddinesh1952@gmail.com

  • ઊર્મિલ સંચાર : પ્રકરણ-૨. હ્યુસ્ટન

    યુવા ડોક્ટર શોમ ભારત જઈ વૈદ્ય ભાણજી પાસે આયુર્વેદનું જ્ઞાન લઈ…એલોપથી સારવારના સમન્વયની શોધ કરવાના પ્રયત્નમાં છે.

    જોષી પરિવારની ખુશી માટે ભારતીય કન્યા સાથે લગ્ન કરી પાછા હ્યુસ્ટન પાછા ફરે છે.

    પ્રકરણ ૧થી આગળ વાંચો…

    સરયૂ પરીખ

    શોમ તેના માતા-પિતા સાથે હ્યુસ્ટન પાછો ફર્યો. શોમ અને માયાનાં ઘડિયા લગ્ન લેવાયા પણ ખાસ કોઈ લાગણીનાં બંધનમાં અટવાયા સિવાય, બંને પોત-પોતાની પ્રવૃત્તિમાં વ્યસ્ત થઈ ગયાં.

    શોમ તેના મિત્રોને ઉત્સાહપૂર્વક પોતાની ભારતની મુલાકાતની વાતો કરતો હતો. મિત્ર સ્ટિવન બોલ્યો, “તારા લગ્ન થઈ ગયા, તું બહુ ખુશ હશે!”

    “હાં, ઘરમાં બધા ખુશ છે. પણ સાંભળ, એકદમ ઉમંગની વાત તને કરવાની છે. હું ગોઆ જઈને વૈદ્ય ભાણજીને મળ્યો. આશા છે કે આપણને તેમના તરફથી સહકાર મળશે. શક્ય છે કે આપણી કેન્સર રિસર્ચ માટે આયુર્વેદ નિષ્ણાતોને અહીં મોકલશે. આપણે મેનેજમેન્ટ પાસેથી ડોલરની વ્યવસ્થા કરવાની છે.”

    સ્ટિવન તેના મિત્ર શોમનો એકલક્ષી ઉત્સાહ જોઈ રહ્યો.

    શોમનું પોતાના એપાર્ટમેન્ટ મેડિકલ સેન્ટર નજીક હતું. દર રવિવારે મમ્મીના હાથની રસોઈ અને પિતા સાથે શાસ્ત્રીય સંગીત સાંભળવા ઘેર જવાનો શિરસ્તો રાખ્યો હતો જે શોમ ક્યારેક જ ચૂકતો.

    થોડા મહિનાઓમાં માયાને અમેરિકાનું ગ્રીનકાર્ડ વિઝા મળી ગયો અને આવવાની તારીખ નક્કી થઈ ગઈ. એ દરમ્યાન, નીનાને બાળક-જન્મનો સમય હોવાથી માયાનાં આગમનને દિવસે માહી કેલિફોર્નિયામાં હતી. માહીની સૂચનાઓ શોમ સાંભળતો અને ‘હા’ અને ‘અહમ’ વચ્ચે કેટલી અમલમાં મૂકશે તેની આશંકા હતી. તેનું ધ્યાન ફરીને પોતાના કામ તરફ ક્યારે દોડી જતું એ કહેવું મુશ્કેલ હતું.

    શોમ લગ્નની વીંટી આંગળી પર ચડાવી, બને તેટલા આનંદિત દેખાવ સાથે માયાને એરપોર્ટથી ઘરે લઈ આવ્યો. રમેશ હોસ્પિટલથી ઘરે આવી ગયા હતા.

    “બેટા માયા, તમારા ઘરે બધા કેમ છે?” અને ત્યારબાદ દાદાજીની તબિયત અને બીજા સમાચારોની

    વાતચીત થઈ ગઈ.

    “માયા પહોંચી ગઈ છે તેનો ફોન કરી દઉં. તારા માતા-પિતાને ફોન કરવો છે ને?”

    “ના, તમે અંકલને કહી દો કે ત્યાં જણાવી દે.” માયાનો જવાબ જરા વિચિત્ર લાગ્યો.

    કેલિફોર્નિયામાં માહી સાથે વાતો કરી, અને નક્કી થયું કે એ ત્રણે જણા ચાર દિવસ પછી કેલિફોર્નિયા બેબીને જોવા અને નીનાને મળવા જશે. માહીએ બનાવેલી રસોઈ, ફ્રિજમાંથી કાઢી, ગરમ કરીને ત્રણે જણા મજેથી જમ્યા.… ‘બીજા દિવસે વહેલા ક્લિનીક પર જવાનું છે’ કહી, રમેશ તેમના રૂમમાં જતા રહ્યા.

    શોમ માયાની બેગ લઈ પોતાના રૂમ તરફ જવા જતો હતો, ત્યાં તેને માયાના અવાજે અટકાવ્યો.
    “હું આજે થાકેલી છું, તો તમને વાંધો ન હોય તો ગેસ્ટ-રૂમમાં રહીશ.”

    આ બીજું આશ્ચર્ય…”ઓહ, ભલે,” અને શોમ તેને ગેસ્ટ-રૂમમાં લઈ ગયો. શોમ રાતના વિચાર કરતો રહ્યો કે માયાને અજાણ્યું ન લાગે તેના માટે બધો પ્રયત્ન કરવો જોઈએ. પોતાની જવાબદારીને કેવી રીતે અદા કરવી તેની યોજનાઓ કરી.

    બીજે દિવસે સવારે રમેશ કામ પર જવા દરવાજો ખોલતો હતો ત્યાં માયા બહાર આવી અને રમેશ પાસે જઈને પગે લાગી, “અંકલ, આભાર.”

    રમેશ કહે, “અરે, આવી કોઈ ઔપચારિકતાની જરૂર નથી …સાંજે મળીએ.”

    શોમ ચા બનાવીને લઈ આવ્યો અને ટેબલ પર મૂકી. માયા સંકોચ સાથે બેઠી. દિવાલ પરના ટેલિફોન તરફ ફરી ફરીને જોયા કરતી હતી. જેવો ફોન રણક્યો કે એકદમ ઊભી થઈ ગઈ અને “હું લઈ શકું?” પૂછી, જવાબ મળતા પહેલા ઊંચકી લીધો.

    “હા, ભલે…” કહીને માયાએ ફોન મૂકી દીધો.

    માયા પાછી આવીને બેઠી, અને શોમની પ્રશ્નાર્થ ભરી નજર સાથે નજર મેળવ્યા વગર બોલી, “કેવી રીતે કહું એ ખબર નથી પડતી, પણ મેં તમારી સાથે લગ્ન… અમેરિકા આવવા માટે કર્યા હતા. મારા પ્રેમલગ્ન ભાસ્કર સાથે થઈ ગયા છે…ગયા વર્ષે. તે કાકાના આધારે અમેરિકા આવી ગયો. પણ તેના કાકા મને સ્પોન્સર કરે તેવી શક્યતા નહોતી. મારા માટે અહીં આવવાનો આ રસ્તો તમે ખોલી આપ્યો. માફ કરજો.” અવાજમાં કંપારી વધી…”મારા માતા-પિતાને આ વાતની ખબર નહોતી… ગઈકાલે મેં મુંબઈ એરપોર્ટથી તેમને કાગળ પોસ્ટ કર્યો હતો.”

    માયા એક શ્વાસે બોલી ગઈ. શોમ અવાચક થઈ ગયો. આશ્ચર્યથી તેની આંખો મટકું મારવાનું ભૂલી ગઈ…

    કળ વળતા શોમ બોલ્યો, “ઓહ! આ તો અમારા ભોળપણ અને વિશ્વાસની મજાક ઉડાડવાની યોજના હતી? છટ્! તમે તો ગજબના ઠગારા નીકળ્યાં.” અને તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો.

    માયા ભયથી ધ્રુજી ઊઠી, “જુઓ, ભાસ્કર હમણાં જ આવી પહોંચશે.”

    એ સાંભળી શોમ વ્યંગમાં હસ્યો, “તો તમે એમ માનો છો કે હું તમને જબરજસ્તી અહીં રોકવા પ્રયત્ન કરીશ?… આવી વ્યક્તિ સાથે મારે એક પળ પણ નથી ગાળવી. મને થતું હતું કે કેમ મને આ કહેવાતી પત્ની માટે કોઈ લાગણી નથી થતી? આજે ખબર પડી.” શોમ ખુરસીને ધક્કો મારી ઊભો થઈ ગયો.

    શોમે આંગળી પરથી વીંટી ઉતારી ટેબલ પર પટકી. માયા કાંપતા અવાજે બોલી, “આપણા ડિવોર્સના કાગળિયા મુંબઈથી આવશે, મહેરબાની કરી સહી કરી દેશો.”

    “જરૂર…આ સામે બારણું છે, ચાલતી પકડો.” કહીને શોમ પાછલું બારણું ખોલી પુલ પાસે જઈને બેઠો. થોડી વારમાં બેગોના ખસવાનો અવાજ અને પછી કારની ઘઘરાટી…શોમના મનને ડામાડોળ કરીને નીરવ થઈ ગઈ. એ સન્નાટામાં શોમને પોતાના મસ્તિષ્કની નસનાં ધબકારા સંભળાયા…’મારી મા કેટલી ખુશ હતી! અને દાદા-દાદી…પરિવારમાં બધાને હું શું કહીશ? મને જ કેમ આવું થાય છે! શું મારા માથા પર ‘મૂર્ખ’ છપાયેલું છે?’ તેને પોતાના કરતાં વધારે ચિંતા હતી તેના વડીલોની…કાંટો વાગ્યો તેના ઋજુ રુહમાં ને વેદના  ઉભરશે સ્વજનોના ઉરમાં!!!

    ગુસ્સાથી બળતા ચિત્તને શાંત કરવા શોમે શર્ટ-પેન્ટ ફેંકી દઈ સ્વિમિંગ પુલમાં ઝંપલાવ્યું. કેટલો સમય તરતો રહ્યો એ ભાન નહોતું. થાકીને વિવશ થઇ ગયો ત્યારે પરાણે બહાર આવી તેના પ્રિય ઓકના ઝાડ નીચે આરામ-ખુરશીમાં અઢેલીને ઊંઘી ગયો. એકાદ કલાકમાં શોમની નીંદર ખુલી અને ‘શું મને ખરાબ સ્વપ્ન આવ્યું હતું?’ પણ ના, તે હકીકત છે! એવા વિચાર સાથે દિલમાં ડંખ વાગ્યો.

    સૂમસાન ઘરમાં દાખલ થયો અને કપડાં બદલી તેણે ફોન જોડ્યો, “ડેડી, તમે જલ્દી ઘેર આવશો?”

    “કેમ દીકરા, તારો અવાજ કેમ બરાબર સંભળાતો નથી? તું અને માયા ઠીક છો ને?”

    “હાં…” શોમ આગળ કશું બોલી શક્યો નહીં. ડો.રમેશને લાગ્યું કે શોમે કોઈ દિવસ તેને આ રીતે ‘જલ્દી ઘેર આવો’ તેમ કહ્યું નથી. કોઈ ગંભીર વાત હોવી જોઈએ તેમ સમજીને કહ્યું,

    “હું દરદીઓને જોઈને લંચ પહેલા આવી જઈશ”

    શોમ ઠંડુ પાણી લેવા ગયો અને ટેબલ પર વીંટી, દાદીએ આપેલ ચેઇન, બંગડી વગેરેની ઢગલી પડેલી જોઈ નફરતથી નજર ફેરવી લીધી. વ્યવસ્થિત રીતે ગોઠવેલા, શોમના ખાસ મિત્રો, પુસ્તકોની તરફ અનાયાસ ખેંચાયો. વર્ષો પહેલાં પિતાએ ભેટ આપેલ પુસ્તક જે. કૃષ્ણમૂર્તિનું પુસ્તક હાથમાં લઈ ઉદાસિનતાથી પાનાં ફેરવવા લાગ્યો. એક વાક્ય પર નજર અટકી ગઈ…”જેને આપણે સત્ય, ઇશ્વર કે તથ્ય તરીકે જાણીએ છીએ તે સનાતન છે. તેને પરિસ્થિતિ, વિચાર કે માનવ છલ-કપટ, વિક્ષિપ્ત ન કરી શકે.”

    આગળ વધારે વાંચતો ગયો અને આવી પરિસ્થિતિ સર્જાવા વિષે તેના મનમાં પ્રકાશ પડ્યો…’અશ્રદ્ધા અને ભય’. દાદા-દાદી નિરાશ થશે તો! બીજી ઉમેદવાર નહીં મળે તો! આવા નિર્બળ વિચારો સાથે લગ્ન કર્યા. જે કાર્ય પાછળ સ્વાર્થી હેતુ હોય તેનું પરિણામ આવું આવે ત્યારે આશ્ચર્ય કેમ? … શોમ આત્મનિરીક્ષણ કરવા મજબૂર થઈ ગયો. પુસ્તક અને આંખો બંધ કરીને ધ્યાનમાં બેસી ગયો.

    ગરાજડોર ખૂલવાના અવાજથી શોમ જાગૃત થઈ ગયો અને રમેશ ઘરમાં દાખલ થતાં જ શોમ પિતાને લાગણીવશ ભેટ્યો. રમેશે આજુબાજુ માયાને શોધવા નજર નાખીને સવાલ પૂછ્યો, “શું થયું?” માયાની કપટી યોજના વિશે સાંભળીને જાણે તેમને તમ્મર આવી ગયા. આશ્ચર્ય અને ન માની શકાય તેવી ઘટના ઘટી હતી. જીવનના અનેક અનુભવોમાંથી પસાર થયેલ સમજદાર પિતાને પણ કળ વળતા જરા વાર લાગી. પિતા પુત્ર એ વિષય પર થોડી વાતચીત કરી. કલાકો પહેલાની શોમની મનઃસ્થિતિથી તે ઘણો ઉપર હતો. શોમે પ્રામાણિકતાપૂર્વક પોતાની ભૂલોનો સ્વીકાર કર્યો.

    ત્યાં જ ફોનની ઘંટડી વાગી અને માહીએ અતિ ઉત્સાહથી જણાવ્યું, “હલો, નાનાજી, પૌત્રને આવકારવા અહીં આવી જાવ. નીના અને બેબી બરાબર છે.”

    “અભિનંદન…માહી! નીનાને વ્હાલ કહેજે.” પછી અટકીને બોલ્યા, “અને તું જ આ ખુશખબર ભારતમાં આપી દઈશ?”

    “ઓકે. તમને ત્રણેને જલ્દી મળીએ! આવજો.”

    શોમે પોતાના અંગત મિત્રોને હકીકત જણાવી પણ નીનાના બાળકની ખુશખબરની ઓઢણી તળે માયાના કુરૂપ સમાચાર ઢંકાઈ રહ્યા.

    નીનાને ઘરે જતાં પહેલાં શોમે ફોન પર રૉકીને વાત ખાનગી રાખવાનું કહી, માયા વિષે જણાવી દીધું હતું. નીનાના ઘરની ઘંટડી રમેશે વગાડી. માહી સિલ્કની સાડીમાં સજ્જ, મોટો ચાંદલો અને પ્રફુલ્લિત ચહેરા સાથે બારણું ખોલી બોલી. “રમેશ, તમે અંદર આવી જાવ. હમણાં રૉકી અને તેના મમ્મી, હોસ્પિટલથી નીના અને બેબીને લઈને આવશે તે પહેલા, વર-વધૂનું સ્વાગત કરું.”

    ડોક લંબાવી, ઉમંગભર્યા અવાજે બોલી, “શોમ! માયાને લઈને આવ, સ્વાગતની થાળી તૈયાર છે.”

    શોમ સૂટકેસ ખેંચતો આવીને, જરા નમન કરીને, અંદરના રૂમમાં જવા લાગ્યો.

    “અરે, આમ કેમ અંદર જતો રહ્યો?” માહીએ આશ્ચર્યથી રમેશને પૂછ્યું. “માયા ક્યાં?”

    “તું અહીં બેસ. તારી સાથે વાત કરવાની છે.” રમેશે બારણું બંધ કર્યું.

    માહીને માટે આ સમાચાર સહન કરવા ઘણા અઘરા હતા. હોસ્પિટલથી આવતી વખતે રૉકીએ માયાની લુચ્ચાઈ વિશે નીનાને જણાવ્યું. પ્રયત્નપૂર્વક, દિલ કઠણ કરીને નીના ઘરે આવતા પહેલાં સ્વસ્થ થઈ ગઈ. રૉકીની કારનો અવાજ સંભળાતા જ પોતાની વહાલી બહેન અને ભાણજાને આવકારવા શોમ દોડ્યો અને તેની પાછળ તેના માતા-પિતા.

    પોતાના નાના ભાઈને દૂભવવા માટે માયા તરફનો નીનાનો ગુસ્સો અમાપ હતો. જેવા તેની સાસુ બેબીને લઈને અંદર ગયા, તે રડમસ ચહેરે શોમને ભેટી પડી.

    “મને એટલું ખરાબ લાગે છે. એ માયા છોકરીની સામે કાનૂની પગલાં લેવા જોઈએ. મારી સામે આવી હોત તો સીધી કરી દેત.” નીના ઉગ્ર થઈને બોલતી હતી. શોમે તેને સોફામા બેસાડી વ્હાલથી ખભે હાથ મૂકીને બોલ્યો, “ઓ મારી પ્યારી ગુસ્સાભરી બહેના…શાંત થઈ જા. જો હું દુઃખી લાગું છું?”

    માહીની આંખો આંસુથી છલકાઈ ગઈ. તે પણ નીનાની જેમ જ વિચારતી હતી.

    રૉકી કહે, “માયાએ ગઝબનું પગલું ભર્યું કહેવાય! તેના પક્ષમાં એક જ વસ્તુ અગત્યની બની રહી કે, શોમ એક સજ્જન વ્યક્તિ છે. નહીંતર તેની દશા બહુ કફોડી થઈ જાત!”

    રમેશ કહે, “સો વાતની એક વાત, આપણા મનની શાંતિ માટે શું જરૂરી છે?…અને જીવનમાં તે મુજબ જ આપણું વર્તન રાખશું. શોમનું લક્ષ ઘણું ઊંચું છે, તે એની શક્તિ આવા પ્રસંગો પર વેડફશે નહીં.”

    કબીરા આપ ઠગાઈએ, ઓર ન ઠગીએ કોઈ,
    આપ ઠગે સુખ ઉપજે, ઓર ઠગે  દુઃખ હોઈ.


    —— ક્રમશઃ પ્રકરણ ૩ 


    Rangoli by Ila Mehta
    સુશ્રી સરયૂ પરીખનાં સંપર્ક સૂત્રો : વિજાણુ ટપાલ સરનામું: saryuparikh@gmail.com | બ્લૉગ: https://saryu.wordpress.com
  • કાગડો મરી ગયો

    વ્યંગ્ય કવન

    રમેશ પારેખ 

    સડકની વચ્ચોવચ્ચ સાવ કાગડો મરી ગયો

    ખૂલેખૂલો બન્યો બનાવ કાગડો મરી ગયો

    નજરને એની કાળી કાળી ઠેસ વાગતી રહે
    જમાવી એ રીતે પડાવ કાગડો મરી ગયો

    આ કાગડો મર્યો કે એનું કાગડાપણું મર્યું?
    તું એ સિદ્ધ કરી બતાવ કાગડો મરી ગયો

    શું કાગડાના વેશમાંથી કાગડો ઊડી ગયો
    ગમે તે અર્થ ઘટાવ કાગડો મરી ગયો

    શું કામ જઈને બેસતો એ વીજળીના તાર પર?
    નડ્યો છે જોખમી સ્વભાવ કાગડો મરી ગયો

    અવાજ આપી કોણે એના શબ્દ છીનવ્યા હતા?
    કરી કરીને કાંવ… કાંવ… કાગડો મરી ગયો

    સદાય મૃતદેહ ચૂંથી કોને એમાં શોધતો?
    લઈ બધા રહસ્યભાવ કાગડો મરી ગયો

    લ્યો, કાગડો હોવાનો એનો કાર્યક્રમ પૂરો થયો
    હવે આ રાષ્ટ્રગીત ગાવ” ‘કાગડો મરી ગયો’…

    રમેશ, આમ કાગડાની જેમ તું કરાંજ મા
    You.. stop… stop… stop… now કાગડો મરી ગયો

    રમેશ પારેખની આ રચના ખાસી પ્રસિદ્ધ થઈ છે. પહેલી નજરે એ સામાન્ય સ્તરની લાગે પણ બીજી નજરે જોતાં જ એમાં કવિની તિર્યક દૃષ્ટિ અને ભારોભાર વ્યંગ સમજાય છે. કાગડો. મહેમાન આવવાના શુકન અને કાગવાસ – આ બે ક્રિયાઓને બાદ કરતાં એવી કોઈ ઘટના નથી જેની સાથે આપણે કાગડાને સાંકળ્યો હોય. એનો કાળો રંગ, કર્કશ અવાજ અને જમાત જમાવીને મડદાં ચૂંથવાની વૃત્તિને કારણે કાગડો આપણે ત્યાં હંમેશા અપ્રિય પક્ષી જ બની રહ્યો છે. પણ રમેશ પારેખે એ આ ગઝલમાં કાગડાની વાત જ કરી નથી. અહીં કાગડો મરી ગયોના નિમિત્તે આપણી કાગવૃત્તિને નિશાન બનાવીને કવિ એક-એક શેરમાં ભારોભાર વ્યંગ કરે છે…

    સૌજન્ય : લયસ્તરો

  • સુરાવલી, સિનેમા અને સ્મૃતિઓ : (૨૨) નિયતિની દેન: લતા પણ ફરીથી લતા ન બની શકે

    {નલીન શાહના અંગ્રેજી પુસ્તક Melodies, Movies and Memories (૨૦૧૬)નો અનુવાદ}

    પિયૂષ એમ પંડ્યા

    લતા મંગેશકરનો ઉલ્લેખ વખતોવખત કુદરતની અજાયબી, એક દુર્લભ ઘટના તેમ જ ચમત્કાર તરીકે કરવામાં આવે છે. ઓપી નૈયરે એક વખત કહેલું કે લતા સદીમાં એક જ વાર જન્મે છે અને આશા બે સૈકામાં એક વાર! મારે હવે પછી લતા કે આશા ફરીથી ક્યારે જન્મ લેશે તે ભાખવાની બિનજરૂરી કસરતમાં પડવું નથી. એનું સાદું કારણ એ છે કે હું જાણું છું કે લતા ફરી ક્યારેય નહીં જન્મે.

    કદાચેય લતા ફરીથી જન્મ લે તેવું ભાખતાં પહેલાં કેટલાંક પરિબળોને ધ્યાને લેવાં જોઈએ. એ સમજી લેવું જોઈએ કે લતા માત્ર કુદરતની બક્ષીસ જ નથી. તે ચોક્કસ સંજોગોના સુમેળનું પરિણામ પણ છે. તે પરિબળો પૈકીના એકની પણ ગેરહાજરી હોત તો કદાચ આપણે જાણીએ છીએ તે લતા ન હોત. કહેવું જરા અજાયબ લાગે કે લતા મંગેશકર તેમના જન્મનાં ત્રીશ વર્ષ પહેલાં કે પછી જન્મ્યાં હોત તો તેઓ   એક ‘ઘટના’ સ્વરૂપ ક્યારેય ન બન્યાં હોત. લતાએ કારકીર્દિના પહેલા દસકામાં ટોચની સફળતા મેળવી લીધી હતી. ૧૯૫૭ સુધીમાં ટોચે પહોંચી ગયા પછી માટે હાંસલ કરવા તેમને કશુંયે બાકી રહ્યું ન હતું.

    દુનિયા જે લતા મંગેશકરને આજે જાણે છે તેને ઘડવા માટે કારણભૂત સંજોગોનો આપણે વિચાર કરીએ. સુખ્યાત ગાયક માસ્ટર દિનાનાથના સંસારમાં લતાનો જન્મ થયો હતો. તેમને પિતાની સાંગીતિક ક્ષમતા વારસામાં મળી હતી. માધુર્યસભર અવાજ તો હતો જ, સાથે તેમનો ઉછેર સંગીતથી તરબતર એવા વાતાવરણમાં થયો. મળસ્કે ઉઠીને સાધના કરવા સામે તીવ્ર અણગમો હોવા છતાં પાંચ વર્ષની કુમળી વયે તે પિતાની નિગેહબાની હેઠળ શાસ્ત્રીય સંગીતની બારીકીઓથી પરીચિત થઈ ગયાં હતાં. નાટકની દુનિયામાં લતાનો પ્રથમ પ્રવેશ આકસ્મિક રીતે થયો. તેમના પિતાના નાટક ‘સુભદ્રામાં નારદનું પાત્ર ભજવનારા અભિનેતા અચાનક જ બિમાર પડી જતાં ખેલને ચાલુ રાખવા માટે ફક્ત સાત વર્ષની લતાને આગળ ધરી દેવાઈ. પોતાની ગાયકીના કૌશલ્ય થકી લતાએ શ્રોતાઓને તો ખુશ કર્યા જ, સાથે પિતાને પણ આશ્ચર્યચકિત કરી દીધા.

    તેમના પિતા ૧૯૪૨માં ૪૨ વર્ષની ઉમરે અવસાન પામ્યા ત્યાં સુધીમાં સંજોગોએ લતાને ઘણા મોટા પડકારો ઝીલવા માટે તૈયાર કરી દીધાં હતાં. તે દસ વર્ષનાં હતાં ત્યાં સુધીમાં તેમના પિતાની નાટ્યમંડળીની ઘોર નિષ્ફળતાએ કુટુંબને દારુણ ગરીબીમાં ધકેલી દીધું હતું. તેર વર્ષની લતા ઉપર વિધવા માતા, બિમાર ભાઈ અને ત્રણ નાની બહેનોના નિર્વાહની જવાબદારી આવી પડી. ટકી રહેવા માટે એકમાત્ર સંગીતનો જ આશરો હતો.

    પિતા હયાત હોત તો તેમણે લતાને ફિલ્મો માટે ગાવાની છૂટ ક્યારેય ન આપી હોત. તેમણે લતાને પોતાની જેમ શાસ્ત્રીય ગાયકીમાં ઢાળવાનું પસંદ કર્યું હોત. તેઓ કુટુંબને માટે પૂરતી આર્થિક જોગવાઈ કરતા ગયા હોત તો લતાએ ખુદે ચમકદમક વાળી ફિલ્મી દુનિયામાં જોડાવાને બદલી શાસ્ત્રીય ગાયકી અપનાવી હોત. પણ કૌટુંબિક જવાબદારી, કારમી ગરીબી અને વિવિધ અભાવોએ તેમને ફિલ્મ લાઈનમાં જોડાવાની ફરજ પાડી કેમ કે ત્યાં તત્કાળ પૈસો મળે તેમ હતું. તેમના માટે એ જીવન મરણનો સવાલ હતો. તે માટેના સંજોગો ધૂંધળા લાગતા હતા. પણ નિયતીની દેનથી તે એક અસાધારણ ગાયિકા તરીકે ઉપસી આવ્યાં. લતાની અસાધારણ કાબેલિયતને કેળવવા અને ખીલવવા માટે તે સમયે પોતપોતાની કારકીર્દિની ટોચે બિરાજમાન એવા ખુબ જ ક્ષમતાવાન સંગીત નિર્દેશકો અને કવિઓ ઉપસ્થિત હતા.

    એક નારી માટે સૌંદર્ય સાથે મુશ્કેલીઓ તેમ જ ભટકાવી દેનારા સંજોગો જોડાયેલાં હોય છે. લતાના કિસ્સામાં તેમનો સાદો દેખાવ આડકતરા વરદાનરૂપ બની રહ્યો. તે પોતાની કળાને મઠારવા ઉપર પૂરતું ધ્યા ન આપી શક્યાં. લતાના આગમન પહેલાં ભારેખમ અવાજોનું ચલણ હતું. સરખામણીએ લતાનો અવાજ ખુબ જ મધુર, પણ પાતળો અને સાવ છોકરી જેવો હતો. પણ દેશના ભાગલા અને નવા નવા સ્વરકારોના આવવાથી સર્જાયેલી ક્રાંતિ લતાને માટે  ફાયદારૂપ નીવડ્યાં.. નૂરજહાં, ખુરશીદ અને ઝીનત બેગમ જેવી ગાયિકાઓ પાકિસ્તાન જતી રહી. તે જ રીતે ભારે અવાજોને પસંદ કરનારા સ્વરકારો પણ પાકિસ્તાન ગયા. તે સમયે ઉભરી રહેલા શંકર-જયકિશન, રોશન અને મદનમોહન જેવા સંગીત નિર્દેશકોને અમીરબાઈ કર્ણાટકી કે જોહરાબાઈ અમ્બાલાવાલી જેવી ભારે અવાજ ધરાવતી ગાયિકાઓ માટે ખાસ કોઈ લગાવ નહોતો.

    લતાના પદાર્પણ માટે સમય બિલકુલ યોગ્ય હતો. ખેમચંદ પ્રકાશ, અનિલ બિશ્વાસ, નૌશાદ અને સી રામચંદ્ર જેવા અગાઉના સમયના સંગીતકારોને પણ બારિક ગુંથણીસભર સ્વરનિયોજનો કરી શકવાની તક દેખાવા લાગી. લતા જેવા કેળવાયેલા અવાજ સિવાય તે બધા એમ કરી શકવા સમર્થ નહોતા. તે સંગીતકારો અને તેમના પછી આવનારાઓએ લતાના અવાજરૂપી સુવર્ણને એવા અલંકારોમાં ઢાળ્યું, જેને દુનિયા સમક્ષ રજૂ કરી શકાય. વિપરીતતાઓએ લતાને કાર્ય પ્રત્યેના સંપૂર્ણ સમર્પણ માટે તૈયાર કર્યાં હતાં અને તેવે સમયે વરદાનરૂપ તકો સામી આવી.

    સ્વરકારો અને લતાનો અવાજ પરસ્પર પૂરક બની રહ્યાં. લતા ત્રીશ વરસ પછી જન્મ્યાં હોત તો તેમણે શું ગાયું હોત? તે ગીતો જે ઝડપે લોકપ્રિય બન્યાં તે જ ઝડપે ભૂલાઈ ગયાં હોત. એવા સંજોગોએ લતા મંગેશકરનું નિર્માણ ન કર્યું હોત. શું આવા વિપરીત અને સાનુકૂળ સંજોગો અને સર્જનાત્મક કાબેલિયત ધરાવતા સ્વરકારો તેમ જ કવિઓના સ્વરૂપમાં મળેલી તકો એક ગાયકના જીવનમાં ફરી વખત પુનરાગમન કરે ખરાં? જો ના, તો પછી બીજી લતા મંગેશકર શી રીતે સંભવી શકે?

    નોંધ :

         –   તસવીરો નેટ પરથી લીધેલી છે. તેનો કોઈ જ વ્યવસાયિક  ઉપયોગ નહીં કરવામાં આવે.

         –  મૂલ્યવર્ધન …. બીરેન કોઠારી.

         –  આ લખાણ લતા મંગેશકર માટેના શ્રદ્ધાંજલી લેખ તરીકે નથી લખાયું.


    શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com

     

  • બંદિશ એક, રૂપ અનેક (૯૫): ઠૂમરી “आन मिलो सजना”

    “રાગ ખમાજ” રાજસ્થાની માં લઘુચિત્ર કલા “રાગમાળા”

    નીતિન વ્યાસ

    રાત્રી ના બીજા પ્રહરમાં ગવાતા રાગ ખમાજ માં ખયાલી ગાયકી હોતી નથી, ઘણી કર્ણપ્રિય ઠૂમરી રાગ ખમાજ માં  સાંભળવા મળે છે.  તેમાં કોમળ તેમ જ શુદ્ધ નિષાદનો પ્રયોગ થાય છે. તે સિવાય સર્વ શુદ્ધ સ્વરો છે. તેમાં આરોહે રિખબ વર્જ્ય છે. તેનો વાદી સ્વર ગાંધાર અને સંવાદી સ્વર નિષાદ છે.  તેમાં કેટલેક સ્થળે તિલંગ અને બિહાગનો ભાસ થાય છે. ગાંધીજી નું પ્રિય ભજન “વૈષ્ણવજન” આજ રાગમાં ગવાય છે.

    રાગ ખમાજ માં  એક પરંપરાગત રીતે ગવાતી ઠૂમરી, સરળ શબ્દો, “આન મિલો સજના”:

    આન મિલો સજના 
    અખિયો મેં ના આયે નીંદિયા 
    મોહે ના ભાયે કાજલ બિંદિયા 
    સુના પડા અંગના 
    સુના પડા અંગના  રે …..
    અબ આન મિલો સજના 

    ચંદા  આયે, તારે  આયે 
    આને વાલે સારે આયે….
    આયે તુમ્હી  સંગના 
    અબ આન મિલો સજના….

    બીતી જાયે યું હી ઉમરીયા
    કિસ રંગ સે અબ રંગુ ચુનરિયા 
    ભાયે ન કોઈ રંગના 
    ભાયે ન કોઈ રંગના…રે 
    અબ આન મિલો સજના….

    – કવિ શ્રી આનંદ બક્ષી

    શરૂઆતમાં  માણીએ – ઘરના ઓટલા પર મહેફિલ જામી હોય, કોઈ પેટી વગાડતું   હોય, સાથમાં એકાદ જણ ઢોલક પર અને નિજાનંદમાં મસ્તીથી ગાવાનું બજાવવાનું ચાલતું હોય ત્યારે બધું ભુલી જવાય. આ ક્લિપ છે અલ્લાહાબાદ / પ્રયાગરાજ માં જામેલી આવી  એક બેઠકની:

    કલાકારના નામ છે શ્રી કૃષ્ણદેવ, અર્જુન શુક્લ, રામરાજ અને અવધ રાજ ગુપ્તા.

    જ્યારે આવી લોકપ્રિય ઠૂમરી ફિલ્મમાં  આવે છે ત્યારે રાગ અને મુખડા ના શબ્દો એજ રહે છે, પણ અંતરામાં શબ્દોમાં અનુરૂપ ફેરફાર કરવામાં આવે છે અને ત્યાર બાદ કવિ તરીકે ફિલ્મમાં જે ગીતકાર હોય તેનું નામ જોડવામાં આવે છે. ફિલ્મ “ગદ્દાર” માં આ ઠૂમરી આવી ત્યારથી ગીતકાર શ્રી આનંદ બક્ષીનું નામ જોડવા માં આવ્યું છે.

    ૧૯૪૭ માં થયેલા દેશના વિભાજન સમયે એક મુસ્લિમ  યુવતી અને એક યુવાન સરદાર (શીખ) ની પ્રેમકથા પર આધારિત ફિલ્મ “ગદ્દાર” નું એક સબળ પાસું એ તેનું નું સંગીત હતું. લોકગીત અને ભારતીય શાસ્ત્રીય સંગીત પર આધારિત ગીતો બહુ લોકપ્રિય થયેલા. પ્રખ્યાત વાયોલિનવાદક સંગીત શિરોમણી શ્રી ઉત્તમ સિંહ સંગીતકાર સાથે શ્રી અજય ચક્રવર્તી અને બેગમ શ્રી પરવીન સુલતાના  ત્રિપુટીએ ઘણું યાદગાર સંગીત આ ફિલ્મમાં પીરસ્યું છે.

    ફિલ્મ ગદ્દાર ના દિર્ગદર્શક શ્રી અનિલ શર્મા એ કથ્થક ગુરુ શ્રી બીરજુ મહારાજને નૃત્ય નિર્દેશન માટે સમ્પર્ક કરેલો. પણ નાદુરસ્ત તબિયતને કારણે  બીરજુજી અસ્વીકાર કર્યો હતો..

    આ ગીતની ફિલ્મ માં રજૂઆત એક અગત્યના દ્રશ્યમાં પાર્શ્વમાં આ ગીત શરુ થાય છે. પહેલા પંડિત શ્રી અજય ચક્રવર્તી ના અવાજમાં અને ત્યાર બાદ શ્રી પરવીન સુલતાના ના કંઠે સંભળાય છે.

    પંડિત અજય ચક્રવર્તી આ સંગીત રચના બાબત

    એક યુવાન પ્રતિભાશાળી સંગીતકાર અને ગાયક શ્રી પૃથ્વી ગાંધર્વ

    જયપુર ના પ્રખ્યાત ઠુમરી અને ગઝલ ગાયક શ્રી સંવરમલ કથક

    સાલ 2018 કાર્યક્રમ Indian Idol 10, કલકત્તાના શ્રી સૌમ્ય ચક્રવર્તી ની એક લાજવાબ પેશકશ

    મધુબાની, બિહારની સુપ્રસિદ્ધ ગાયિકા શ્રી મૈથિલી ઠાકુર

     

    પંડિત એ. કાનનની શિષ્યા, કલકત્તાનાં શ્રી મૌમિતા મિત્રા

     

    શ્રી આનંદ મોહન પાંડે અને ચંદન સિંહ

     

    શ્રી શાલિની સિંહા

     

    અદાકારા અને ગાયિકા શ્રી સારિકા સિંહ

    ઠૂમરી ગાયિકા શ્રી મીનળ જૈન

    સુમધુર ગાયિકા શ્રી પ્રતિભા વશિષ્ઠ

    દહેરાદૂન નિવાસી ગાયક શ્રી હિમાંશુ દામોર

    પાર્શ્વ ગાયિકા શ્રી શીખI જોશી

    મંદિરા કથ્થક ગ્રુપ કલાકાર મંદિરા પાલ અને તંદ્રાની બોઝ

    નૃત્યાંગના શ્રી મૈત્રી મીદિયા

    કથ્થક નૃત્યાંગના શ્રી શાલુ શ્રીવાસ્તવ

    પંડિત શ્રી બિરજુ મહારાજની નૃત્ય શાળાની વિદ્યાર્થીનીઓ

    ગાયન  અને પિયાનો શ્રી અમિત ડે, નૃત્યાંગના શ્રી અતિત્રિ કુંડું

    એક આડ વાત:

    “A Poetry ln Motion” by American Artist Mr. Tom Schmidt

    આ ચિત્રને જોતાં એક લય – Rhythm નો ભાવ આવે છે, અશ્વ ની આંખ અને ઊડતી કેશવાળી સાથે તેના પર સ્વાર કિશોર નાં મોઢા પર દેખાતી ચપળતા ચિત્રને આકર્ષક બનાવે છે. મૂળ કેનવાસ પરનાં આ ચિત્રની સાઈઝ અને કઈ આર્ટ ગેલેરીમાં જોવા મળે તેની માહિતી નથી.પણ ઝીણવટ થી જોશો તો અંગ્રેજી જેને jigsaw puzzle કહે છે તેના નાના નાના ટુકડા – લાદીઓ જોવા મળશે. ૧૮” x ૨૪”ની સાઈઝનું બોર્ડ અને તેના પર આવી ૫૦૦ નાની નાની લાદીઓ જોડો અને આખું ચિત્ર બનાવો.

    ૨૫મી ડિસેમ્બર ૨૦૨૨થી મને કોરોના થયો એટલે દાક્તરી સલાહ મુજબ દવાની સાથે એકાંતવાસ  શરુ થયો. એક શુભચિંતક મિત્રભાવે એક puzzle નું બોક્સ ઘર આંગણે મૂકી ગયો. ચિત્ર પૂરું  થતાં દિવસો લાગ્યા. તે સમયમાં  કોરોના ગાયબ !!!!


    શ્રી નીતિન વ્યાસ નો સંપર્ક ndvyas2@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • ગજું નાનું ને મોટું કામ – આંગણ-છોડનું “તુલસી” નામ !

    કૃષિ વિષયક અનુભવો

    હીરજી ભીંગરાડિયા

    તકમરિયા, તુલસી અને મરવો [ડમરો] ત્રણેય દૂરથી જોતાં લાગે એકસમાન- જાણે માસીયાઇ ભાંડરડાં જ જોઇ લ્યો ! દેખાવ અને રૂપરંગ એકબીજાને સાવ જ મળતાવડાં ! એનાં કૂણાં પાંદડાં કે ટોચ પરની માંજરને આપણાથી જો જરા સરખોય ઘસરકો થઈ ગયો તો જોઇ લ્યો મજા ! એમાં રહેલ ઉડ્ડયનશીલ-તૈલી હવાનો એવો પંપ છૂટે કે ક્ષણવારમાં એના તેજીલા સ્વભાવનો પરિચય પમાડી દે આપણને ! સુગંધની તીવ્રતા ત્રણેયની એકબીજાને આંટી દે તેવી ! સુગંધ બાબતે કોણ કોને ચડે એ કહેવું મુશ્કેલ પડે તેવું અને પાછું ઔષધીય મૂલ્ય પોતપોતાનું સાવ અલગ અલગ ! કહેવું પડે ભાઇ !

    ઉદ્વેગ મનનો હોય કે બળતરા શરીરમાં હોય, તકમરિયાનું સેવન શીતળતા બક્ષે છે. તો મરવો ચડે તિર્થંકર ભગવાનને અને લહેરાય મુસ્લિમોની કબર પર ! જ્યારે તુલસી ? “હરિ તારાં નામ છે હજાર…..”  ની જેમ “તુલસી તારા ગુણનો નહીં પાર…”, ખરાબી શરીરમાં હોય કે પ્રદૂષણ વાતાવરણમાં હોય, તુલસીનો સાથ લઈએ તો પ્રશ્નની પતાવટ ચપટી વગાડતાં !

    તમે જોજો ! જેમ ઘર હોય ત્યાં રાંધવાનો ચૂલો હોય, પાણીનું પાણિયારું હોય, સૂવા-બેસવા ખાટલા-પલંગ-પથારી હોય તેમ આવા કુટુંબ સ્વાસ્થ્યની રક્ષા કરનાર તુલસી ક્યારો પણ હોવાનો જ ! આપણા દેશમાં હિંદુઓનું કોઇ ઘર તુલસીના છોડની હાજરી વિનાનું નહીં જડે. આની પાછળનું કારણ જાણીએ ત્યારે ખબર પડે ને કે એના હોવા પછળ વૈજ્ઞાનિક કારણ સમાએલું છે.

    તુલસીની હવા જ્યાં જ્યાં પ્રસરે ત્યાંથી વાયરસ જેવા સુક્ષ્મ જીવાણુંઓને ભાગવાનો વારો આવે છે. તુલસીના પાંદડાં હોય ઝીણકુડાં પણ એના ગુણ હોય છે વંદન કરીએ એવા મોટકડાં ! તુલસીનાં પાનમાં એવું તેલ એસેંસ છે કે જેના તીવ્ર પ્રભાવથી કેટલીય જાતના માનવીય આરોગ્યને નડતર રૂપ  જંતુઓનો નાશ કરીને વાતાવરણને શુદ્ધિ બક્ષે છે. તુલસીનો વાસ છે ત્યાં મચ્છરોનો નાશ છે. એમાંય મેલેરિયાના મચ્છરોનો તો તુલસી ખાસ દુશ્મન ! તેથી તો તુલસીને “મોસ્કવીટોપ્લાંટ” કે “ફીવરપ્લાંટ” જેવું બિરૂદ પ્રાપ્ત થયું છે.

    બાગ-બગીચામાં તુલસીનો જાદુ : આપણી વાડીના ગોલા, ઉમરાન બોરમાં સડો લાગે, પાકી કેરીમાં જીવાત ભળાય, કારેલાં, કાકડી, ચીભડાં, તુરિયામાં ડુવો [ચંદી] પડી અંદરથી ફળ બગડી જાય, પાકાં જામફળમાંથી પણ જીવડાં નીકળે અને પાકાં ચીકુમાં પણ પાર વિનાની જીવાત પડી જાય એ બધાની જનેતા છે “સોનમાખી” ! આપણી ગામમાખીથી થોડીક નાનકડી પણ દેખાવે બહુ જ રૂપકડી ! આછા પીળા સોનેરી રંગની એટલે એનું નામ પડ્યું છે “સોનમાખી”. કૃષિ વિજ્ઞાનીઓ આને “ફળમાખી” કહે છે. આ માખી સાવ ઝીણી પણ ત્રાસ ફેલાવવામાં જાણે ગજવેલની છીણી ! અપલખણે છે પૂરેપૂરી ! ફળો જ્યાં કૂણાં હોય ત્યાં જ માદા માખી તેમાં પૂંછડી ભરાવી ઇંડાં મૂકી દે છે. ઇંડામાંથી ઇયળ બની ફળને અંદરથી કોરી ખાય. નાનું હોય કે મોટું, ફળમાખી અડી ગયે આખું ફળ બનાવી મૂકે નમામું ! આ માખી આપણી વાડીમાં છે કે નહીં, તેની તપાસ કરવાનું કામ ઇચ્છા થાય ત્યારે તુલસીને સોંપી જોજો, કરી આપશે.

    જાતે જ પ્રયોગ કરો ને !:  તુલસી અને એમાંયે શ્યામ [કૃષ્ણ] તુલસી હોય તો તેનાં થોડાં પાન અને ટોચ પરની માંઝરને તોડી બે હાથે હથેળીમાં મસળજો. પછી હથેળીઓ ખુલ્લી રાખી શું થાય છે એ નીરખજો ! પાંચેક મિનિટ હજુ પૂરી નહીં થાય ત્યાં ફટ દેતીકને સોનેરી રંગની માખી આવી ઉતરશે અને હથેળીમાં ફરવા માંડશે. અરે ! અરે !  ફટ…ફટ…બે-ત્રણ…સાત-આઠ ફટાફટ કરતી ઘણી બધી માખીઓ ઉતરી પડશે. રઘવાઇ બની આમ-તેમ કંઇક શોધતી દેખાશે.

    માનો કે એકપણ સોનમાખી પાંચ-સાત મિનિટ રાહ જોયા પછી પણ હથેળી પર ન જ આવે તો માનવું કે આપણી આસપાસ 100 ફૂટના ઘેરાવામાં ક્યાંય ફળો સેડવી દેનારી માખીઓની હાજરી નથી.

    અને જો માખીઓ હાથ પર આવે, તો તેને ઝીણી નજરે ઓળખવાની મહેનત કરશો તો ખ્યાલ આવ્યા વિના નહીં રહે કે અહીં આવેલ બધી સોનમાખી એ “માખી” નથી, પણ “માખા” એટલે કે નરમાખી છે. જે માદામાખીના શરીરમાંથી છૂટતી ગંધ જેવી તુલસીની વિશિષ્ટ ગંધની જાદુઇ અસરમાં છેતરાઇને ફસાઇ ગયા છે. તેને તુલસીએ પોતાના ગંધ પ્રભાવ થકી હિપ્નોટાઇઝ કર્યા અને એવી ભાન ભુલાવી દીધી છે કે બધા આટલામાં ક્યાંક એની રાણીમાખી [માદામાખી ] સંતાઇ રહી છે, એવું માનવા લાગી ગયા છે. માદા માખીના શરીરમાંથી જેવી કુદરતી ગંધ છૂટતી હોય છે, એવી જ ગંધ તુલસીના પોતાના રસની છે. માટે જ જેટલા એના ગંધ-વર્તુળમાં આવી જાય તે બધા નર ગંધના સેંટર પોંઇંટ પર ભુરાયા થઈ ઉતરી પડે છે.

    આપણે આનો લાભ લઈએ : આપણે ખાસ કરવાનું એટલું કે આપણાં આંગણ વાડી કે બાગમાં શેઢેપાળે,, ધોરિયાની ધારે, રસ્તાની કિનારીએ, અરે ! ક્યાંક ક્યાંક વચ્ચે વચ્ચે પણ તુલસીના છોડ વાવવા અને મોટા થવા દેવા. તેની ક્યારેક ક્યારેક કોઇ માંઝર ચોળતી રહેવી એટલે આ નુકશાન કારક ઇયળોના જનક નરનાં ટોળાં ચોળાએલી માંઝર પર લટ્ટુ થઈ દોડતાં રહેવાનાં. બસ, એ તકનો લાભ લઈ કરીએ તેના પર થોડી અમસ્તી દવાનો સ્પ્રે ! એટલે ગોઠવાઇ જાય આવ્યા હોય એટલા બધા નરમાખાઓનો સામૂહિક વિદાયસમારંભ ! પછી તો વિધવા માખીઓ ભલેને ઇંડાં મૂક્યા કરે ! કૂકડીના ઝૂંડમાં કૂકડાની હાજરી વિના નિર્જીવ ઇંડાં જ જન્મે, તેમ ઇંડાંમાંથી ઇયળ થવાની જ નહીં ને ! થઈ ગયું ને એની જાતનું કુટુંબ નિયોજન ?

    વિજ્ઞાનીઓએ તુલસીમાંથી છૂટતી ફોરમ જેવું જ રસાયણ શોધી કાઢ્યું છે. જેનું નામ છે “મિથાઇલ યુજીનોલ”. એનું પોતું આ માખાઓને પકડવા પિંજરામાં મૂકવામાં આવે છે.  પણ આપણે આ મોંઘા રસાયણની જગ્યાએ તુલસીના રસનું પોતું કે ચોળેલા પાંદ-માંઝરની લુગદી મૂકી હોય તો એવું જ કામ વગર ખર્ચે કરી બતાવે એવી તાકાત તુલસીમાં છે.

    ખેડૂતોએ તો આ પણ જાણવું જોઇએ :   લાલતુલસી, તિલકતુલસી, કપૂરતુલસી, જંગલીતુલસી એવાં ઘણાં નામો સંભળાય છે. પણ એ બધાં એને મળતાવડાં છોડ જોઇ દીધેલાં નામ છે. તુલસીની મુખ્ય બે જાતો છે. એક છે લીલા વસ્ત્રધારી એટલે કે “રામતુલસી” અને બીજી છે જાંબલી ઝાંયની દેખાવધારી એટલે કે “શ્યામ કે કૃષ્ણતુલસી”, બન્નેના છોડ જો સાચવણ હોય તો એકથી વધારે વર્ષ ટકનારા સ્વાદે ગુણે એકસરખા.

    તુલસી તો આપણા ઘરનો છોડ, એની ઓળખ તો ગળથૂથીમાં જ થતી રહે છે.હા, એની વ્યવસ્થિત ખેતી કરવી હોય તો થોડું વિગતમાં જવું પડે. તુલસી આમ તો અસોળ યાને કોમળ દેહધારી વનસ્પતિ છે. એકધારો તીખો તાપ કે વધુ પડતી ઠંડી અને અતિ વરસાદ ખમી શકે નહીં.  બીજ તૈયાર થયે તેનાં પાકાં માંઝરમાંથી અલગ કરેલ બહુ જ બારિક બિયાંનું નીલગીરીનાં બિયાંની જેમ સાથે ઝીણી રેતી કે રાખ ભેળવી, ગાદીક્યારાથી ધરૂ ઉછેરાય છે. રોપણી બારે માસ થઈ શકે પણ ચોમાસાની ઋતુમાં કરી હોય તો ઝડપથી વૃદ્ધિ થાય. દોઢ બાય એક કે દોઢ બાય દોઢના અંતરે રોપણી કરાય. પણ જમીન જો પ્રતે નબળી અને હાડે દૂબળી હોય તો તેને બહુ મજા નહીં આવે. સારી ગોરાડુ, કાંપાળ અને પૂરતા નિતારવાળી ફળદ્રુપ જમીનમાં સારો હોંકારો આપી શકે. તેનાં પાન- ડાળાંમાંથી નિસ્યંદન દ્વારા તુલસીનું તેલ કાઢી તેના વેચાણ-બજારની વયવસ્થિત શૃખલા ગોઠવી શકનારા ખેડૂતો ઔષધબાગ બનાવી મોટું વાવેતર કરતા હોય છે. વન વિભાગ ગાંધીનગરના જણાવ્યા મુજબ વરસભરમાં ત્રણેક કાપણી કરી શકાય. ફૂલ આવવાની વેળાએ ડાળ-પાંદડાંનું કટીંગ કરતા રહેવાથી 200 થી 300 કિલો જેવું સૂકું વજન અને એમાંથી 60 થી 70 કિલો તેલ મળી રહેતું હોય છે. એટલે પ્રતિ હેક્ટરે 60 થી 70 હજાર જેવી ચોખ્ખી આવક થતી હોય છે.

    તુલસીનું ઔષધીય યોગદાન : ઉપેન્દ્રરાય સાંડેસરાના તુલસી વિશેના લખાણ પ્રમાણે મરડો, મગજની ગરમી, નસકોરી ફૂટવી, ગળા-કાનનો દુ:ખાવો, છાતીનો કફ, કબજિયાત, દાજેલા ઘા, મેલેરિયા, અરે ! વીંછીનો ટચાકો કે સર્પદંશ સુધ્ધાંમાં તુલસીની સેવા રાહત કર છે.

    શીળસની ખજવાળ, કોઢ, કરોળિયા, સફેદ દાગ, ધનુર્વા, આંખની તકલીફો, કોલેસ્ટેલનું વધવું, બ્લડપ્રેસર, દમ અને કેન્સર, પક્ષઘાત, હેડકી જેવાં પાર વિનાનાં દર્દોમાં કોઇમાં તેના પાન ચાવવાથી, કોઇમાં તેનો રસ પીવાથી તો કોઇમાં તેનો રસ શરીરે ચોપડવાથી તો કોઇમાં વળી કાળામરી, આદુ, મધ, કપૂર, કોપરેલ, ગોળ, દૂધ અને સાકર, અરે ! લસણ અને ડુંગળી સહિતના પૂરક પદાર્થોના નિશ્ચિત પ્રમાણ સાથે ઉપયોગ કરવાથી બહુ બધાં દર્દોમાં ખૂબ સારી રાહત આપનાર નિર્દોષ, સરળ, સુલભ-ઘરગથ્થુ અને ખર્ચ વિનાનું આપણું પોતીકું ઉત્તમ ઔષધ બની રહે છે. તંદુરસ્ત વ્યક્તિ પણ તેનું સેવન ચાલુ રાખે તો કોઇ પણ રોગ પાસે ઢુંકી શકતા નથી.

    આધ્યાત્મ મહત્વ : તુલસીમાં એક વિશિષ્ટ ઘટક એવું પણ માલુમ પડ્યું છે કે જે સંતતિ નિયમનમાં મદદરૂપ થાય. સંશોધકો દ્વારા ઉંદર ઉપર કરેલા પ્રયોગો દ્વારા ઉત્સાહજનક પરિણામો મળ્યાં છે. એટલે હાલની સંતતિનિયમન માટેની ગોળીઓની જે થોડી ઘણી આડ અસરો થતી રહે છે તેમાંથી તુલસી તુલસીમાંથી બનનારી બનાવટ નિર્દોષ હશે.

    જિંદગીના શ્રેષ્ઠ પ્રસંગો માંહ્યલો એક “લગ્નપ્રસંગ”, તે નિર્વિઘ્ન પૂર્ણ થાય અને દંપતિના સંસાર સુખમય રીતે ચાલે તેવા શુભારંભનું કામ ભગવાન વિષ્ણુને સોંપાયું છે. એટલે જ દર વરસે દેવદિવાળીએ વિષ્ણુ સાથે તુલસીની જાન જોડી, ફેરા ફેરવી વાજતે ગાજતે લગ્ન કરાવ્યા પછી જ આપણાં યુવાન યુવક-યુવતીઓના લગ્નનો પ્રારંભ કરાય છે. આપને ખ્યાલ હશે જ કે આપણી ભારતીય સ્ત્રીઓ તુલસીની બહુ જ ભાવથી પૂજા કરતી હોય છે. અરે, સત્યનારાયણની કથામાં, વિષ્ણુ સહસ્ત્રના જાપ જપતાં જપતાં દરેક વખતે તુલસીપત્ર ચઢાવાતા હોય છે.

    તુલસી માનવ જીવનમાં એવી રીતે ઓતપ્રોત થઈ ગઈ છે કે કેટલાય કાર્યોમાં એની હાજરી ન ભળાય ત્યાં સુધી કાર્ય ખોરંભાઇને અટકી જતું હોય છે. ભગવાનની આરતી પછી અપાતા ચરણામૃતમાં દહીં, દૂધ, સાકર જેવી વસ્તુઓ નહીં હોય તો ચાલશે, પણ એવા સાદા જળમાં માત્ર તુલસીપત્ર નખાયે કામ ચાલી જશે. પ્રભુને પ્રસાદ ધરતી વેળા મેવા-મીઠાઇ જે હાજર હોય તે થાળમાં મુકાય, બાકી તુલસીપત્ર ન હોય તો ન ચાલે !

    કોઇ દાન દેવું હોય તો દાનની નાની મોટી ઓછી વત્તી યથાશક્તિ ચીજવસ્તુ જે હોય તે માંગલિક, બાકી એમાં તુલસીપત્રનું ઉમેરણ ન થાય તો દાન અધૂરું ! માણસનું મૃત્યુ થાય પછી તેને ભોંય લેવામાં આવે ત્યારે શરીરે સ્નાન કરાવી ઘી ચોળવામાં આવે અને મુખમાં તુલસીપત્ર મૂક્યા પછી જ બહાર લવાય અને અગ્નિસંસ્કાર માટે લાકડાં-છાણાં-ઘાસ-ઘી તલ વગેરે વસ્તુઓ  જેમ સ્મશાને પહોંચતી કરવાની હોય, તેમ તુલસીના છોડનો સૂકો એકાદ કટકો કે ડાળી-પાંખડાં મૃતદેહની સાથે જ નનામીમા ગોઠવી દેવાતાં હોય છે.  જેથી અગ્નિસંસ્કારની શરૂઆત તુલસીકાષ્ટથી જ કરાય.

    ભક્તિભાવ પૂર્વક મુકાએલ એક તુલસીપત્ર સામે સાક્ષાત ભગવાન સામે છાબડે તોળાઇ ગયા હતા. “નાથ તમે તુલસીને પત્રે તોળાણા” તુલસીપત્રનું છાબડું નીચું નમતું રહ્યું હતું તેનો ગુઢાર્થ સમજવો જરૂરી છે.

    કહો 1 જન્મથી માંડી મૃત્યુ સુધી જુદા જુદા કેટલાય હેતુસર આપણી હારોહાર રહી જીવન જીવવામાં આપણને વધુમાં વધુ અનુકૂળતા કરી આપનાર તુલસીને ઉત્તમોત્તમ વનસ્પતિ કહી શકાય કે નહીં ?


    સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com

  • ફટાકડાના કાશી – શીવાકાશીમાં કામદારોની સ્થિતિ

    વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી

    જગદીશ પટેલ

    તામીલનાડુના વીરુદનગર જીલ્લાનું શીવાકાશી ફટાકડાના ઉત્પાદન માટે જાણીતું છે. આ સ્થળે ઔદ્યોગિક એકમો અઢી લાખ લોકોને રોજગારી આપવા સાથે ૨૦૦ કરોડનો ઉથલો મારે છે. અહીં ૪૫૦ જેટલા ફટાકડાના કારખાના, ૫૨૦ પ્રીંટીંગ પ્રેસ, ૫૩ માચીસના કારખાના, ૩૨ કેમીકલ કારખાના છે. ૨૦૨૨માં ગાંધી જયંતીને દિવસે એટલે કે ૨ ઓક્ટોબરને દિવસે થયેલા અકસ્માતમાં બે કામદારો ગંભીરપણે દાઝી ગયા. એ અગાઉ ૨૦૨૨ના જાન્યુઆરીમાં થયેલા અકસ્માતમાં ૪ના મોત થયા હતા અને ૨ દાઝી ગયા હતા.

    તસવીર સૌજન્ય : સપ્ટેમ્બર, ૨૦૨૨માં બ્લેસી મેથ્યુ પ્રસાદના “ધ સીટીઝન ” માં પ્રકાશિત લેખ

    તે 12 વર્ષ પહેલાંની એ દુર્ભાગી સવાર તેને હજુ પણ બરાબર યાદ છે જાણે હજુ એ બનાવ ગઈકાલે જ બન્યો હોય. કરુપ્પુસામી (૪૨) એક રંગારા તરીકે કામ કરે છે. તે કામ માટે થોડા દિવસો માટે શહેરની બહાર હતો અને તેની પત્ની થિલાગવતી (૩૭) અને બાળકોને મળવા ઘરે પરત ફરી રહ્યો હતો. થિલાગવતી ફટાકડા ફેકટરીમાં કામ કરતી હતી અને તે ઉપરાંત ઘરે પણ ફટાકડા બનાવતી હતી. તે પોતાના પરિવાર માટે એ રીતે થોડું વધારે કમાવવાનો પ્રયાસ કરતી હતી. એના બે બાળકો તે દિવસે ઘરે જ હતા. તે દિવસે વીજ પુરવઠો નહોતો. અંધારામાં,  તે સમયે જેની ઉંમર હજુ આઠ વર્ષ હતી તે અરવિંદે મીણબત્તી પ્રગટાવી. થોડીવાર પછી મીણબત્તી ગનપાઉડરના ઢગલા પર પડી. તરત જ એક જોરદાર વિસ્ફોટ થયો અને ઘર આગની લપેટમાં આવી ગયું. અરવિંદની નાની બહેન ગાયત્રી, માત્ર પાંચ વર્ષની અને એક પાડોશી મદદ કરવા દોડી આવ્યા. અરવિંદને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું. ઇજાને કારણે બાળકનું મોત નીપજ્યું હતું. કરુપ્પુસામીને આ ભયાનક ઘટનાની જાણ થઈ અને તેઓ ભાંગી પડ્યા. તેની પત્નીએ પોતાને દોષ આપવાનું હજુ બંધ કર્યું નથી. જો કે તેણે ફટાકડા બનાવવાનું કામ કરવાનું ચાલુ રાખ્યું છે, કારણકે તેને અન્ય કોઈ કામ આવડતું નથી અને પરિવારને ટકી રહેવા માટે પૈસાની જરૂર છે.

    અકસ્માત બાદ પોલીસે કરુપ્પુસામીની પત્ની વિરુદ્ધ બેદરકારીનો કેસ દાખલ કર્યો હતો. ત્રણ વર્ષ પછી કેસ જો કે બંધ કરવામાં આવ્યો. પરિવારને કોઈ વળતર મળ્યું નથી. જ્યારે દુર્ઘટનાએ તેણીને બદલી નાખી અને પરિવારનું જીવન કાયમ માટે બદલાઈ ગયું. ત્યારે કરુપ્પુસામીની પત્ની ‘હોમ યુનિટ’માં કામ કરતી હતી. આ અસંગઠિત ફટાકડાની ફેક્ટરીઓ છે જે લાઇસન્સ વિના કાર્યરત છે. આ એકમોમાં કામ કરતા લોકો તેની સાથે આવતા જોખમો જાણે છે, પરંતુ તેઓ કહે છે કે તેમની પાસે આજીવિકા મેળવવા માટે બીજો કોઈ વિકલ્પ નથી. 2013માં, મદ્રાસ હાઈકોર્ટે શીવાકાશી જે જીલ્લામાં આવેલું છે તે વિરુધુનગર જિલ્લાના કલેક્ટરને કોઈપણ વિલંબ વિના તમામ લાઇસન્સ વિનાના એકમોને બંધ કરવા નિર્દેશ આપ્યો હતો. જો કે આ વિસ્તારમાં કામ કરતા કાર્યકરો કહે છે કે આજે પણ ઘરના એકમો કાર્યરત છે. માત્ર એટલું જ બદલાયું છે કે આ ગેરકાયદેસર એકમો  લપાઇ છુપાઇને કરે છે. આ ઘરના એકમોમાં, પરિવારો અને પડોશીઓ સામાન્ય રીતે ભેગા થાય છે અને ફટાકડા બનાવે છે. ત્યાં સલામતીના કોઈ ધોરણ સચવાતા નથી. સામાન્ય રીતે ફટાકડાની ફેક્ટરીમાં દરેક કામદાર રોજના લગભગ રૂ.૪૦૦ કમાય છે. તેમનું જીવન ચલાવવા માટે આટલું વેતન ભાગ્યે જ પૂરતું છે અને ઘણાને વધુ પૈસા કમાવવા માટે તેમના ‘હોમ યુનિટ્સ’માં વધારાના કલાકો કામ કરવાની ફરજ પડે છે. આ રીતે તેઓ વધારાના બીજા 300 રૂપિયા કમાય છે. જો કે ત્યાં પણ તેમનું શોષણ થાય છે કારણ કે મોટાભાગનું કામ જે ઘરે આપવામાં આવે છે તે એજન્ટો દ્વારા આપવામાં આવે છે. આ એજન્ટો હંમેશા મસમોટું કમિશન લે છે. શીવાકાશીને ભારતની ફટાકડાની રાજધાની તરીકે ઓળખવામાં આવે છે. દેશભરમાં પૂરા પાડવામાં આવતા લગભગ 90 ટકા ફટાકડા અહીં બનાવવામાં આવે છે. અહીં લગભગ ૨,૨૦૦ નાની મોટી ફેક્ટરીઓ છે. ઓછામાં ઓછા નવ લાખ લોકો આ ઉદ્યોગમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આજીવિકા મેળવે છે. ઓછા વરસાદ અને શુષ્ક હવામાનને કારણે શીવાકાશી શહેરમાં ફટાકડા ઉત્પાદન એકમો માટે કુદરતી લાભ છે. અહીંની પરિસ્થિતિઓ આખું વર્ષ ફટાકડાના ઉત્પાદન ચક્ર માટે તેને અનુકૂળ બનાવે છે. સામાન્ય રીતે  દિવાળી દરમિયાન ત્રણથી ચાર દિવસ ઉપયોગમાં લેવાતા ફટાકડાને બનાવવામાં લગભગ 300 દિવસનો સમય લાગે છે. મોટાભાગના મજૂરો માંગને પહોંચી વળવા ઓવરટાઇમ કરે છે. કેટલાક અહેવાલો અનુસાર, શીવાકાશીમાં ફટાકડા ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર રૂ. 4,800 કરોડથી વધુ હોવાનો અંદાજ છે. શીવાકાશી ફટાકડાના કારખાનાઓ ઉપરાંત સશસ્ત્ર દળો માટે પ્રશિક્ષણ શસ્ત્રોના ઉત્પાદન માટે પણ જાણીતું છે. આ તાલીમ શસ્ત્રોનો મોટાભાગે સશસ્ત્ર દળો દ્વારા નવા નિયુક્ત અધિકારીઓને તાલીમ આપવા માટે ઉપયોગ કરવામાં આવે છે. જો કે શીવાકાશી મોટાભાગે ખોટા કારણોસર સમાચારોમાં રહે છે. દર વર્ષે, શીવાકાશીમાં  ઓછામાં ઓછા ૧૦ થી ૨૦ અકસ્માતો થાય છે. મોટાભાગે અસંગઠિત ક્ષેત્રોમાં સલામતીના યોગ્ય પગલાં લેવામાં આવતા નથી અથવા કામદારોને જોખમી રસાયણો સાથે યોગ્ય રીતે કામ કરવા માટે પુરતી તાલીમ આપવામાં આવતી નથી તે કારણે અકસ્માતો થાય છે. ૨૦૧૨માં શીવાકાશી ઓમ શક્તિ ફટાકડા ફેક્ટરીમાં થયેલો વિસ્ફોટ કદાચ સૌથી ભયંકર હતો. તે વિસ્ફોટોમાં ૪૦ થી વધુ લોકો માર્યા ગયા અને અન્ય ૭૦  લોકો ગંભીર રીતે ઘાયલ થયા. સપ્ટેમ્બર ૨૦૧૨માં ફટાકડાના કારખાનામાં આ ઘટના બની હતી. દિવાળીના તહેવારને માંડ અઠવાડિયા બાકી હતા અને કામદારો પર વધુ ફટાકડા બનાવવાનું ભારે દબાણ હતું. ફટાકડાની ફેક્ટરી પાસે માન્ય લાઇસન્સ નહોતું. આ પહેલા અને પછી આવી ઘણી ઘટનાઓ બની છે  પરંતુ અહીંના લોકો પર તેની કોઇ અસર જણાતી નથી. તેઓ જોખમી પરિસ્થિતિઓમાં કામ કરવાનું ચાલુ રાખે છે કારણ કે તેમની પાસે આજીવિકા કમાવાનો કોઈ વૈકલ્પિક સ્ત્રોત નથી. ફટાકડાના કામદારોના સશક્તિકરણ માટે ઘણા વર્ષોથી કામ કરી રહેલા સામાજિક કાર્યકર્તા રાજગોપાલને હવે જણાવ્યું હતું કે, “સેંકડો લોકો દહાડિયા મજૂર તરીકે કામ કરે છે. ફેક્ટરીઓમાં હંગામી મજૂરો અને કાયમી કામદારો હોય છે.” કાયદા અનુસાર, કાયમી કરાયેલા કામદારોને લઘુત્તમ વેતન, ઇ.એસ.આઇ.(આરોગ્ય વીમો) વગેરે જેવા તમામ લાભો આપવાના હોય છે. પરંતુ ફેક્ટરીના માલિકો આના પર પૈસા ખર્ચવા માંગતા નથી. તેથી ચોક્કસ એકમના 100 કે તેથી વધુ કામદારોમાંથી, તેઓ ફક્ત 20 જેટલા કર્મચારીઓને કાયમી કરી આ લાભ આપે છે અને બાકીના 80 કામદારોને દૈનિક વેતન આપવામાં આવે છે. “આ મજૂરો અન્ય એકમોમાં પણ કામ કરી શકે છે. તેઓને રોજના લગભગ ૪૦૦ રૂપિયાનું નજીવું વેતન આપવામાં આવે છે, પછી ભલે તેઓ એક દિવસમાં ગમે તેટલા ફટાકડા બનાવે. તેમાંના કેટલાક એવા પણ હોય છે જેમણે માલિકો પાસેથી એડવાન્સ લીધું હોય, અને પછી લાંબા સમય સુધી પગાર વધારા વિના કામ કરવું પડે છે. તેમાંથી ઘણા આખા વર્ષ દરમિયાન ઓવરટાઇમ કામ કરે છે.”

    સલામતીના પગલાં વિશે બોલતા તેમણે કહ્યું, “માલિકો દાવો કરે છે કે કામ સલામત છે અને સલામતીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે કામ અત્યંત જોખમી છે. આ ફટાકડા બનાવવા માટે જે રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે તે જરૂરી છે. દસ મિનિટમાં મોલ્ડમાં ભરવામાં ન આવે તો તે આગ પકડી શકે છે.” આના કારણે ઘણા અકસ્માતો થાય છે. ગયા અઠવાડિયે જ બે મોત થયા હતા. સમસ્યા એ છે કે સલામતીના ધોરણોનું યોગ્ય રીતે પાલન થતું નથી. લગભગ દસ જિલ્લાઓ માટે માત્ર એક જ ફાયર એન્ડ સેફ્ટી ઓફિસર છે. તે કેવી રીતે દરેક વસ્તુ પર નજર રાખી શકશે? વધુ માનવબળ હોવું જરૂરી છે.

    “મોટાભાગના મજૂરોને તાલીમ આપવામાં આવતી નથી. તેઓ બધા યુવાનવયે કામ કરવાનું શરૂ કરે છે, શરૂઆતમાં તેઓ કામ કરે છે ત્યારે તેમના માતાપિતાને મદદ કરતા હોય છે અને વખત જતાં પોતે પણ તે જ વ્યવસાય અપનાવે છે. મેનેજર સ્તર સુધીના કર્મચારીઓને સલામતી અંગે યોગ્ય તાલીમ અપાઇ હોતી નથી. તેઓ માત્ર તેમના માતા-પિતાને કામ કરતાં જોઈને જ મોટા થયા છે તેને અનુસરતા હોય છે.

    ફટાકડા ઉદ્યોગમાં કામ કરવાથી તેમના માથે ઘણી બીમારીઓનું જોખમ રહેલું હોય છે. અસ્થમા અને ફેફસાં સંબંધિત અન્ય બીમારીઓનું ઊંચું જોખમ થઈ શકે છે. ઉપરાંત, આ એકમોમાં અતિશય ગરમીને કારણે, ઘણા કામદારો – ખાસ કરીને સ્ત્રીઓ – એનિમિયાથી પીડાય છે. “અન્ય ઘણા એવા છે જેઓ ચામડીના રોગો અને ડિહાઇડ્રેશનની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જોકે એવા નિયમો છે કે તમામ કારખાનાઓમાં ગ્લોવ્સ, માસ્ક અને અન્ય સુરક્ષા સુવિધાઓ ફરજિયાત હોવા જોઈએ પણ ભાગ્યે જ કોઈ આ નિયમોનું પાલન કરે છે. માત્ર ખૂબ મોટી ફેક્ટરીઓ નિયમોનું પાલન કરે છે.” અહીંની મહિલા કામદારો ખાસ કરીને પ્રભાવિત છે. તેમને પુરૂષો જેટલો પગાર આપવામાં આવતો નથી. તેમાંથી કેટલાકને તેમના બાળકોને કારખાનામાં સાથે લઈ જવાની ફરજ પડે છે. “વર્ષોથી મોટી ફેક્ટરીઓમાં બાળ મજૂરીના કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો હોવા છતાં, હજુ પણ અસંગઠિત ક્ષેત્રોમાં બાળકો કામ કરે છે. ફેક્ટરીના માલિકો ૧૪ વર્ષથી વધુ ઉંમરના કિશોરોને પણ રોજગારી આપે છે કારણ કે તેઓને બિન-જોખમી ક્ષેત્રોમાં કામ કરવા દેવાની કાયદો મંજૂરી આપે છે. હકીકત એ છે કે આ કિશોરો જ્યાં કામ કરતા હોય છે ત્યાં પરિસ્થિતિઓ ખૂબ જ જોખમી હોય છે.” મંજુલા દેવી (૩૬) ફટાકડા ઉદ્યોગમાં ૧૭ વર્ષથી કામ કરે છે. તેણે શરૂઆત કરી ત્યારે તે માત્ર ૧૯ વર્ષની હતી. તેણીને ક્યારેય તાલીમ આપવામાં આવી ન હતી. તે અન્ય લોકોને કામ કરતા જોઈને જ શીખી હતી. “જ્યારે મેં શરૂઆતમાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે તે ખૂબ જ બોજા રૂપ હતું. અમે દરરોજ વધારાના કલાકો, વધારાના કોઇ વેતન વિના કામ કરતા. દિવસના અંતે અમારા હાથ પર ઘસરકા પડી જતા.” વર્ષો વીતતાં મારા કામનું ભારણ ઘટ્યું છે ખરું, પરંતુ તે એટલા માટે કારણ કે હવે હું એક મોટી ફેક્ટરીમાં કામ કરું છું અને તેઓ તમામ નિયમોનું પાલન કરે છે. પણ બીજા કારખાનાઓમાં એવું હોતું નથી. જો કે, હજુ પણ અમને અમારા પગારથી સંતોષ કે આનંદ નથી. વર્ષોથી એવું જ છે. મારા પતિ અને હું સાથે મળીને કામ કરીએ છીએ અને રોજના લગભગ 800 રૂપિયા કમાઈએ છીએ,” તેણેએ કહ્યું.

    તેણે વર્ષો પહેલા જોયેલા એક અકસ્માતને પણ યાદ કર્યો. “હું એક ઘર પાસેથી પસાર થઇ રહી હતી, જ્યાં લોકો ફટાકડા બનાવતા હતા અને અચાનક ઘરમાં આગ લાગી અને ઘર સળગી ગયું, આસપાસ બધે ઇંટો અને કાટમાળ વીખેરાઇ ગયો. ઘરની અંદર રહેલા તમામ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.” તે દ્રશ્યની મારા પર ભારે અસર થઇ. આજે પણ પીડિતોના પરિવારો જીવન જીવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. સરકારે કેટલાકને વળતરનું વચન આપ્યું હતું, પરંતુ દરેકને તે આપવામાં આવ્યું ન હતું.”

    ઓછું વેતન, મદ્યપાન, જાતીય સતામણી

    આ ફેક્ટરીઓમાં મહિલાઓને જે સમસ્યાઓનો સામનો કરવો પડે છે તે વિશે બોલતા તેણે કહ્યું, “અમારી પાસે બાથરૂમની સુવિધા નથી. તે એક મોટી સમસ્યા છે. અમે અહીં સવારથી સાંજ સુધી કામ કરીએ છીએ અને મહિલાઓ માટે તે ખરેખર મુશ્કેલ બની જાય છે. અમારી પાસે પાણીની સુવિધા પણ નથી. અમે અત્યંત ગરમ સ્થિતિમાં કામ કરીએ છીએ, પરંતુ અમને પાણી પણ પૂરું પાડવામાં આવતું નથી. અહીંની ઘણી બધી સ્ત્રીઓ વારંવાર ડિહાઇડ્રેટ થઈ જાય છે.” ફેક્ટરીઓમાં મહિલાઓને જે અન્ય સમસ્યાનો સામનો કરવો પડે છે તે છે જાતીય સતામણી. “મદ્યપાન અહીં એક મોટી સમસ્યા છે. કાયદો ચોક્કસ સમય સુધી જ દારૂના વેચાણની મંજૂરી આપે છે. તેમ છતાં, કોઈ પણ નિયમોનું પાલન કરતું નથી. “પુરુષો વહેલી સવારે પીવાનું શરૂ કરે છે, અને તેમાંથી ઘણા નશામાં કામ પર જાય છે. મહિલાઓ નિયમિતપણે કાર્યસ્થળો પર નશામાં ધૂત પુરુષો દ્વારા ઉત્પીડનની ફરિયાદ કરે છે. એકવાર તેઓ લાંબા, તણાવપૂર્ણ કામના કલાકો પછી ઘરે જાય છે, ત્યારે તેમના પતિ નશામાં ઘરે આવે છે અને તેમને મારપીટ કરે છે. અહીં વર્ષોથી આ એક પેટર્ન છે.”

    વધુમાં, મદ્યપાન સાથે અન્ય પડકારો પણ આવે છે. જો વ્યક્તિ શાંત હોય, તો પણ આવી જોખમી પરિસ્થિતિઓમાં કામ કરવું અત્યંત જોખમી છે, ત્યારે નશો કરેલા કામદારો સલામતી પ્રક્રિયાઓને યોગ્ય રીતે અનુસરી શકતા નથી. તેના કારણે ઘણા અકસ્માતો થાય છે. આ વિશે કંઈક કરવાની જરૂર છે,”

    કરુપ્પુસામીએ કહ્યું, જેઓ તેમના ગામના સરપંચ પણ છે. ઓછા પગાર વિશે બોલતાં, અન્ય એક કામદાર ઇશ્વરને કહ્યું, ” હું હવે ખુશ છું કે પગાર ચૂકવણી નિયમિતપણે આવી રહી છે કારણ કે તમામ વ્યવહારો ઓનલાઈન છે. અગાઉ અમારો પગાર રોકડમાં મેળવવા માટે કતારોમાં રાહ જોવી પડતી હતી અને તે ક્યારેય સમયસર થતો નહીં. અમારે દિવસો અને અઠવાડિયા સુધી પણ રાહ જોવી પડતી હતી. “ઓનલાઈન ચૂકવણી મદદરૂપ થઈ છે, પરંતુ અમને હજી પણ રકમ તો તેટલી જ મળે છે. આટલા વર્ષોમાં તેમાં સહેજ પણ બદલાવ આવ્યો નથી. અમને હજુ પણ રોજના માત્ર ૪૦૦ રૂપિયા મળે છે.”

    ઇશ્વરનના કારખાનામાં લગભગ ૧૫૦ લોકો કામ કરે છે અને તેમાંના મોટાભાગના પરિવારો પેઢીઓથી આ ઉદ્યોગમાં છે, તેથી તેઓ આટલું જ જોઈને મોટા થયા છે. પરંતુ આગામી પેઢી માટે તેઓ થોડા વધુ આશાવાદી દેખાઈ રહ્યા છે. વધુને વધુ કામદારો તેમના બાળકોને શાળાએ મોકલવાનું અને તેમની સાથે કામ કરવા માટે ન લઈ જવાના મહત્વને જોવા લાગ્યા છે. ઈશ્વરને કહ્યું, “મારા બધા બાળકો હવે શાળાએ જઈ રહ્યા છે. અમે શક્ય હોય ત્યાં સુધી તેમને મોકલીશું, પરંતુ મને ખબર નથી કે સંજોગો અમને તેમને અમારી સાથે કામ કરવા લઇ જવા માટે દબાણ કરશે કે કેમ. “વર્ષોથી પગાર વધ્યો નથી, જ્યારે ચીજવસ્તુઓના ભાવમાં તીવ્ર વધારો થઈ રહ્યો છે. તેઓ અમને કોઈ સલામતીના સાધન પણ આપતા નથી. અમને તે જાતે ખરીદવા માટે કહેવામાં આવે છે, પરંતુ અમને તે બધું કેવી રીતે પરવડી શકે? અમે માંડ માંડ અમારૂં પૂરૂં કરી શકીએ છીએ.”

    તેમણે ઉમેર્યું, “અમે ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરીએ છીએ, ખાસ કરીને અસ્થમા. મારા કાકાનું થોડા વર્ષો પહેલા ફેફસાંની ગંભીર બીમારીને કારણે મૃત્યુ થયું હતું. તેણે આખી જિંદગી ફટાકડાની ફેક્ટરીમાં કામ કર્યું હતું અને સતત હાનિકારક રસાયણોના સંપર્કમાં રહ્યા હતા. આખરે તેમના ફેફસાંને નુકસાન થયું હતું અને તે મૃત્યુ પામ્યા.” માત્ર મોટી ફેક્ટરીઓ કર્મચારી રાજ્ય વીમા યોજના (ESIS) માટે ચૂકવણી કરે છે. અમે નાની ફેક્ટરીઓમાં કામ કરતા હોવાથી અમને તે લાભ મળતા નથી. અમે તેટલા જ જોખમોનો સામનો કરીએ છીએ અથવા તેનાથી પણ વધુ, પરંતુ અમારે સરકારી હોસ્પિટલોમાં જવું પડશે, જ્યાં તેઓ કાળજી લેતા નથી અથવા ખાનગી હોસ્પિટલોમાં જવું પડશે જે અમને પરવડી શકે તેમ હોતું નથી. “હવે દિવાળી નજીક આવી રહી છે, જે અમારી અતિ વ્યસ્ત સિઝન છે. અમારા પર કામનું ખૂબ દબાણ છે. અમારે દરરોજ લગભગ 1,000 ફ્ટાકડાઓ બનાવવા પડે છે, કોઠીથી માંડી રોકેટ, તમામ પ્રકારના અને કદના ફટાકડા બનાવવા પડે. અમે સવારે 6 વાગ્યે શરૂ કરીએ છીએ અને સાંજે લગભગ 6 વાગ્યા સુધી કામ કરીએ છીએ. દિવાળી દરમિયાન, ફેક્ટરીઓ એક મહિના માટે બંધ રહે છે. તે પછી તરત જ, અમે ફરીથી ઉત્પાદનની પ્રક્રિયા શરૂ કરીએ છીએ. તે આખું વર્ષ પ્રક્રિયા છે.”

    બેરિયમ પ્રતિબંધ

    2018માં, સુપ્રિમ કોર્ટે એક આદેશ પસાર કર્યો હતો, જેમાં ફટાકડાના ઉત્પાદનમાં બેરિયમના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો અને એકમોને ફક્ત લીલા ફટાકડા બનાવવાનો આદેશ આપ્યો હતો. 2019 માં, ઉત્પાદકો ગ્રીન ક્રેકર્સ માટે કોઈ ફોર્મ્યુલા મેળવી શક્યા નહી અને જ્યારે તેમને એ મળી, ત્યારે કાચો માલ ઓછા જથ્થામાં ખરીદવામાં આવ્યો જેને કારણે વેચાણ પર અસર પડી. પછી ૨૦૨૦માં, કોવિડ ફેલાયો અને ચાર રાજ્યોએ ફટાકડાના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો. સુપ્રિમ કોર્ટના આદેશની 2021માં પુનઃ પુષ્ટિ કરવામાં આવી. આ તમામ પરિબળો ભેગા થવાથી શીવાકાશી શહેર મુશ્કેલીમાં મુકાયું. ઘણા માલિકોએ પ્રતિબંધ હટાવવાની વિનંતી કરી છે. જ્યારે કેટલીક મોટી ફેક્ટરીઓએ ગ્રીન ફટાકડાનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું છે.

    સ્થાનિક સૂત્રો કહે છે કે બેરિયમ ફટાકડાનું ઉત્પાદન હજુ પણ નાની ફેક્ટરીઓ અને ઘરના એકમોમાં થઇ રહ્યું છે. તેઓએ આરોપ લગાવ્યો કે ઘણી જગ્યાએ પોલીસ આડું ભાળી જાય છે. કરુપ્પુસામીએ આક્ષેપ કર્યો હતો કે, “ઘર એકમો દરેક જગ્યાએ કામ કરી રહ્યા છે. આ બધું પોલીસના સમર્થનથી કરવામાં આવે છે. પરંતુ લોકો બીજું શું કરી શકે? રોજગારનો વૈકલ્પિક સ્ત્રોત પહેલાં આપ્યા વિના તમે પ્રતિબંધ કેવી રીતે લાદી શકો?”  હા, તે પર્યાવરણ માટે સારૂં છે, પરંતુ અમે શું કરીએ? અમારા લોકો વર્ષોથી આ ધંધો કરે છે. તેઓ રાતોરાત બીજા વ્યવસાયમાં કૂદી શકે નહી. બીજા વ્યવસાયમાં એટલી બધી નોકરીઓ ઉપલબ્ધ નથી અને જો હોય તો પણ, તે કેવી રીતે મેળવવી તે અમે જાણતા નથી.”

    કોવિડ પહેલાં લગભગ નવ લાખ લોકો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ઉદ્યોગમાં કામ કરતા હતા. ૬.૫ લાખથી વધુ પરિવારો તેમની આજીવિકા માટે ફટાકડા ઉદ્યોગ પર નિર્ભર હતા. પરંતુ કોવિડના તેમજ ફટાકડાના ઉત્પાદન એકમો પરના પ્રતિબંધને કારણે હવે આ સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને એ કારણે આ ઉદ્યોગ મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. આ બંને પરિબળોએ ફટાકડાની ખરીદીને ૨૦૧૮માં ૮૦ ટકાથી ૨૦૨૦માં ૬૦ટકા સુધી નીચે લઇ જવામાં મોટી ભૂમિકા ભજવી છે. 2021માં પણ ફટાકડાની ખરીદી માત્ર 60 ટકા હતી. શહેરભરના ઉત્પાદકો પ્રતિબંધને ગેરવાજબી ગણાવી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે કે અન્ય કેટલાય ઉદ્યોગો છે જે પ્રદૂષણ ફેલાવે છે પરંતુ તેના વિશે કોઈ વાત કરતું નથી. ઘણાને લાગે છે કે તેમના ઉદ્યોગને અલગ પાડવામાં આવી રહ્યો છે અને તેની પાછળ કદાચ રાજકીય એજન્ડા છે.

    ઉત્પાદકો દાવો કરે છે કે જો પ્રતિબંધ ચાલુ રહે અને જો દિવાળી દરમિયાન વેચાણ નહીં થાય તો શહેરમાં ફટાકડા ઉદ્યોગના ૪૦ ટકાથી વધુ એકમો કાયમી ધોરણે બંધ થઈ જશે. જો કે, કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ અનુસાર, ઉદ્યોગની સૌથી મોટી તાકાત સમયને અનુરૂપ પોતાની જાતને અનુકુળ કરવાની છે અને આશા છે કે તેઓ ગ્રીન ફટાકડાનું ઉત્પાદન કરી શકશે. શીવાકાશીમાં  કામ કરતી એનજીઓ મોટાભાગે સલામતીના પગલાં વિશે જાગૃતિ લાવવામાં અને પરિવારોને તેમના બાળકોને ફેક્ટરીમાં લઈ જવાને બદલે શાળાએ મોકલવા માટે પ્રોત્સાહિત કરવામાં સામેલ છે. આરોગ્યસંભાળ સુવિધાઓ વિશે બોલતાં, કરુપ્પુસામીએ જણાવ્યું હતું કે, “ફટાકડા ઉદ્યોગમાં કામ કરવાને કારણે થતા અકસ્માતો અને અન્ય આરોગ્ય સમસ્યાઓ નીવારવા સરકારે ઘણા પગલાં લીધાં છે. જો કે, આ સેવાઓ ફક્ત જેમની પાસે લાઇસન્સ છે તેવી મોટી ફેક્ટરીઓમાં કામ કરતા કામદારો પુરતી મર્યાદિત છે. અસંગઠિત ક્ષેત્રના કામદારો આમાંથી કોઈપણ લાભ મેળવી શકતા નથી.”


    (સપ્ટેમ્બર, ૨૦૨૨માં બ્લેસી મેથ્યુ પ્રસાદના “ધ સીટીઝન ” માં પ્રકાશિત લેખને આધારે)


    શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું:  jagdish.jb@gmail.com  || M – +91 9426486855

  • રાષ્ટ્રીય ભાવનાથી સભર મહાકાવ્ય

    નિત નવા વંટોળ

    પ્રીતિ સેનગુપ્તા

    એક દેશ જ્યારે એક ખંડ જેટલો મોટો હતો, અને એનાં અગિયારેક રાજ્યો પર એકચક્રી શાસન કરતો હતો ત્યારની વાત છે. એ દેશ ત્યારે સોવિયેત યુનિયન કહેવાતો હતો. સોવિયેત સરકાર આ રાજ્યોની વિભિન્ન પ્રજામાં રહેલી રાષ્ટ્રીયતઞની કટ્ટર વિરોધી હતી, અને  ત્યાંની ભાષાઓ, રીત-રિવાજો વગેરે પર બને તેટલું નિયંત્રણ મૂકવા પ્રયત્નશીલ રહી હતી. ૧૯૯૧માં એની સામ્યવાદી બાંધણી પડી ભાંગી, અને લગભગ રાતોરાત બધાં રાજ્યો સ્વતંત્ર દેશો બની ગયાં.
    ૧૯૩૦થી ૧૯૬૦ના સમય દરમ્યાન એ રાજ્યોનાં ઈતિહાસ તથા સંસ્કૃતિને ત્યાંની શાળાઓના અભ્યાસક્રમમાંથી ક્યાંતો કાઢી નાખવામાં આવેલાં, અથવા તો એમનું અર્થઘટન મન ફાવે તેમ કરવામાં આવેલું. કિર્ગિઝસ્તાનમાં આવી જ હાલત થયેલી. રાષ્રીય ભાવનાથી સભર એમની એક લોકકથાના જાહેર ઉલ્લેખ પર પણ પ્રતિબંધ રહેલો, અને એની રજુઆત કરવા અંગેની વિનંતી સોવિએત સરકાર ડ્યારેય માન્ય રાખતી નહતી. આ છતાં કિર્ગિઝ પ્રજામાં પોતાનો સાંસ્કૃતિક વારસો ટકી રહ્યો. એ લોકકથાનો પ્રચાર મૌખિક રીતે થતો જ રહ્યો. નાના નાના ઘરેલુ મેળાવડાઓમાં એમાંની વાતીઓ કહેવાતી રહી, લોકો એમાંનાં અનેક ગીતો શીખીને ગાતા રહ્યા. દરેક પ્રજાજન માટે જાણે એ રાષ્ટ્રીય જવાબદારી હતી કે આ લોક-વારસો પોતાનાં સંતાનો સુધી પહોંચતો જ રહે. આ કિર્ગિઝ લોકકથા “મનસનું મહાકાવ્ય” તરીકે ઓળખાય છે.
    એમાંનો નાયક મનસ કેવળ એક પરાક્રમી પુરુષ જ નથી, પણ લોક-માનસમાં અમર થઈ ગયેલો વીર-નર છે. ખરેખર તો આ મનસ એક કાલ્પનિક પાત્ર છે, પણ ના શૌર્યની તથા એકતા માટેના એના પ્રયત્નોની કથાઓ પ્રજાના ચિત્તમાં પ્રમાણભૂત ઈતિહાસનું સ્વરૂપ લઈને વસી ગયેલી છે. હવે તો એ કથાનકનું મૂલ્ય ઘણું વધી ગયું છે, ને કિર્ગિઝ પ્રજાના જીવનની અને આચાર-વિચારની આધાર-શિલા ગણાય છે. સદીઓથી આ મહાકાવ્ય કિર્ગિઝ પ્રજાનાં ગૌરવ, મનોબળ અને આશાનું પ્રતીક રહ્યું છે. આ મુસ્લિમ પ્રજા મનસ સાથે ગાઢ આત્મીયતા અનુભવે છે. કારણ એ કે મનસ મુસ્લિમ હતો,
    અને એને લીધે જ ઈસ્લામ બધે પ્રસયૌ હતો. કિર્ગિઝ સ્ત્રીઓને પણ આ મહા-કથા પ્રિય છે, કારણકે એમાં સ્ત્રીઓ બુદ્ધિ, ડહાપણ, હિંમત અને મનોબળવાળી નિરૂપાઈ છે – ખાસ કરીને મનસની પત્ની. અસંખ્ય કિર્ગિઝ પ્રજાજનો માટે મનસ દેશની ભૂમિ માટેના પ્રેમનું, મુક્તિનું, રાષ્ટ્રીય સ્વાતંત્ર્યનું અને વિભિન્ન કિર્ગિઝ લોકજાતિઓના ઐક્યનું ઉજ્જ્વળ પ્રતીક છે. ઉપરાંત, આ મહાકાવ્ય તે પ્રદેશનાં રિવાજ, પ્રથાઓ, કલ્પનો વગેરેથી ભરપુર છે.
    એમાં સત્ય ઘટનાઓ અને લોક-વાયકાનો સમન્વય છે, પણ એ ફ્યારે લખાયું અને કઈ સાચી બિનાઓનું પ્રતિબિંબ પાડે છે, તે નક્કી થઈ શક્યું નથી. અમુક અભ્યાસીઓ માનવા પ્રેરાયા છે કે એ નવમીથી ઓગણીસમી સદીની ઘટનાઓને સમાવી લે છે. તો અન્યો એનું મૂળ ઈ.પૂ.ની સદીઓમાં મૂકે છે. એ બધા એમ માને છે કે આર્યોના પૌરાણિક કથાનકમાં, જ્યાં મનુ પ્રથમ માનવ તરીકે ઉપસ્થિત થાય છે, તેના પર “મનસ મહાકાવ્ય” આધારિત છે.
    અલબત્ત, એની રજુઆત સ્થાનિક તાણા-વાણાથી સજ્જ થયેલી છે. નવમી સદીમાં લખાયેલા ચીની સંદર્ભોમાં વર્ણવ્યા પ્રમાણે કિર્ગિઝ લોકો લાલાશ પડતા વાળ, શ્વેત વર્ણ, અને નીલી આંખો ધરાવતા હતા. આમાંથી આર્યોની મુખાકૃતિનું સૂચન મળે છે. આ શક્ય એથી લાગે છે કે જો આર્ય કહેવાતો લોકગણ છેક ઉત્તરેથી શર્‌ કરીને દક્ષિણે સિંધુ નદી સુધી આવ્યો હોય તો એના પથમાં કિર્ગિઝનો પહાડી પ્રદેશ આવે જરૂર. મનસ નામ મનુ પરથી આવ્યું હોય તેમ પણ બને. એ કઈ રીતે પડ્યું એનો ઉલ્લેખ મહાકાવ્યમાં છે. એમાં જણાવ્યું છે કે એક વૃદ્ધ ચિંતક સાધુએ મનસના નામના અક્ષરો
    કાળજીપૂર્વક પસંદ કરેલા. એ પ્રમાણે મહમ્મદના પવિત્ર નામ પરથી પહેલો અક્ષર લેવાયો. પેગંબર માટેનું એક નામ “નબિ” છે, જે પરથી બીજો અક્ષર લેવાયો, ને અંતે છેલ્લો સિંહ પરથી મેળવેલો અક્ષર. આ રીતે નામ બન્યું બધાં ઉત્તમ તત્ત્વોને સૂચિત કરતું નામ “મનસ”.
    ઇલિયાડ, ઓડિસી, ગિલ્ગામેશ, મહાભારત ઇત્યાદિની જેમ આ કિર્ગિઝ મહાકાવ્ય આખા જગતમાં ખ્યાતનામ નથી થયું, પણ અભ્યાસીઓ એને સૌથી વધારે લાંબું ગણે છે. ઇલિયાડ અને ઓડિસીને ભેગાં કરો તોયે અટ્ટાવીસ હજાર જેટલી જ લીટીઓ થાય; મહાભારતમાં કુલ એક લાખ જેટલા શ્લોક છે, જ્યારે મનસના મહાકાવ્યની સંપૂર્ણ લંબાઈ દસ લાખથી પણ વધારે પફિતિઓની ગણાઈ છે. અત્યારે એની જે આવૃત્તિ સૌથી વધારે વંચાય છે તેમાં પણ પાંચેક લાખથી વધારે પંફિતઓ છે. વળી, હજારેક વર્ષથી તો એ મૌખિક રીતે પ્રજામાં પ્રસરતું રહ્યું છે. છેક ઓગણીસમી સદીમાં એના મહત્ત્વના અંશ પહેલવહેલી વાર અક્ષરસ્થ થયા.
    અત્યારે તો એના ત્રણ મુખ્ય વિભાગ- મનસ (નાયક), સેમેતી (પુત્ર), સીતેક (પૌત્ર)-ની પાંસઠેક પ્રતો તૈયાર થઈ છે, ને ધ્વનિમુદ્રણ પણ થયું છે. પ્રકથાઓથી બનેલા ગૌણ અંશો પણ કથાકારો દ્વારા વંચાયા છે. આ કથાકારો “મનસ્કી” તરીકે ઓળખાય છે. આ મહાકાવ્યને જીવંત, લોક-જીભ પર અને લોક-પ્રિય રાખવા માટે એ બધા જ જવાબદાર ગણાય. એમણે જ તો મનસનાં ગુણગાન કરીને તથા એના શૌર્યનાં ગાણાં ગાઈ ગાઈને કથામાં પ્રાણ પયી. એમ કહેવાય છે કે આવા સૌ પ્રથમ કથાકાર મનસના ચાલીસ સહ-યોદ્ધાઓમાંના એક હતા. પોતાના વીર મિત્રના મૃત્યુનો શોક એ મનસ વિષેનાં ગીતો ગાઈ ગાઈને વ્યકત કરતા રહ્યા હતા. એ પછી પેઢી દર પેઢી એ વારસો અપાતો રહ્યો, અને વિભિન્ન કથાકારો ગીતિને પોતપોતાનો આગવો સ્પર્શ, આગવું અર્થઘટન આપતા રહ્યા. આ રીતે બહુવિધ રજુઆતો, સમજુતીઓ અને પ્રતો સર્જાતી ગઈ.
    આવાં “મનસ્કી” કથાકાર સ્ત્રી-પુરુષો માટે મહાકાવ્યને રજુ કરવાની આ પ્રવૃત્તિ લગભગ આધ્યાત્મિક સ્તરની હોય છે. એક સ્ત્રી-કથાકારે કહ્યું છે કે આ વ્યવસાયમાં જોડાવાનું ‘આમંત્રણ’ એને સ્વપ્નમાં મળ્યું હતું. પછી તો એ પોતાનું ગામ છોડીને નીકળી પડી, મનસ દ્વારા જાણીતાં થયેલાં સ્થાનો એણે જોયાં, અને એ એક જાણીતી મનસ્કી બની. આ પ્રસ્તુતિ ગામડાંમાં જ નહીં, પણ શહેરોમાં પણ ચાલુ રહે છે. એની અસરકારકતા એવી હોય છે કે પરાકાષ્ઠાના પ્રસંગો વર્ણવાતા હોય ત્યારે પ્રેક્ષકો ભાવમય થઈને આંસુ સારવા પણ લાગે છે.
    મહાકાવ્યના નાયક મનસનું જીવન-કાર્ય હતું પ્રજામાં એકતા અને આત્મીયતા લાવવાનું, અને એવી દુનિયા ઘડવાનું જેમાં દરેક વ્યફ્તિનું ભવિષ્ય ઉજ્જવળ હોય. તેથી આજે પણ આ મહાકાવ્ય દ્વારા કિર્ગિઝ પ્રજા આ સંદેશો પૃથ્વી પરની સર્વ પ્રજામાં પ્રસરે એવું ઈચ્છે છે.


    સુશ્રી પ્રીતિ સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે


    નોંધ: સાંદર્ભિક ચિત્રો નેટ પરથી સાભાર