કૃષિ વિષયક અનુભવો
હીરજી ભીંગરાડિયા
તકમરિયા, તુલસી અને મરવો [ડમરો] ત્રણેય દૂરથી જોતાં લાગે એકસમાન- જાણે માસીયાઇ ભાંડરડાં જ જોઇ લ્યો ! દેખાવ અને રૂપરંગ એકબીજાને સાવ જ મળતાવડાં ! એનાં કૂણાં પાંદડાં કે ટોચ પરની માંજરને આપણાથી જો જરા સરખોય ઘસરકો થઈ ગયો તો જોઇ લ્યો મજા ! એમાં રહેલ ઉડ્ડયનશીલ-તૈલી હવાનો એવો પંપ છૂટે કે ક્ષણવારમાં એના તેજીલા સ્વભાવનો પરિચય પમાડી દે આપણને ! સુગંધની તીવ્રતા ત્રણેયની એકબીજાને આંટી દે તેવી ! સુગંધ બાબતે કોણ કોને ચડે એ કહેવું મુશ્કેલ પડે તેવું અને પાછું ઔષધીય મૂલ્ય પોતપોતાનું સાવ અલગ અલગ ! કહેવું પડે ભાઇ !
ઉદ્વેગ મનનો હોય કે બળતરા શરીરમાં હોય, તકમરિયાનું સેવન શીતળતા બક્ષે છે. તો મરવો ચડે તિર્થંકર ભગવાનને અને લહેરાય મુસ્લિમોની કબર પર ! જ્યારે તુલસી ? “હરિ તારાં નામ છે હજાર…..” ની જેમ “તુલસી તારા ગુણનો નહીં પાર…”, ખરાબી શરીરમાં હોય કે પ્રદૂષણ વાતાવરણમાં હોય, તુલસીનો સાથ લઈએ તો પ્રશ્નની પતાવટ ચપટી વગાડતાં !
તમે જોજો ! જેમ ઘર હોય ત્યાં રાંધવાનો ચૂલો હોય, પાણીનું પાણિયારું હોય, સૂવા-બેસવા ખાટલા-પલંગ-પથારી હોય તેમ આવા કુટુંબ સ્વાસ્થ્યની રક્ષા કરનાર તુલસી ક્યારો પણ હોવાનો જ ! આપણા દેશમાં હિંદુઓનું કોઇ ઘર તુલસીના છોડની હાજરી વિનાનું નહીં જડે. આની પાછળનું કારણ જાણીએ ત્યારે ખબર પડે ને કે એના હોવા પછળ વૈજ્ઞાનિક કારણ સમાએલું છે.
તુલસીની હવા જ્યાં જ્યાં પ્રસરે ત્યાંથી વાયરસ જેવા સુક્ષ્મ જીવાણુંઓને ભાગવાનો વારો આવે છે. તુલસીના પાંદડાં હોય ઝીણકુડાં પણ એના ગુણ હોય છે વંદન કરીએ એવા મોટકડાં ! તુલસીનાં પાનમાં એવું તેલ એસેંસ છે કે જેના તીવ્ર પ્રભાવથી કેટલીય જાતના માનવીય આરોગ્યને નડતર રૂપ જંતુઓનો નાશ કરીને વાતાવરણને શુદ્ધિ બક્ષે છે. તુલસીનો વાસ છે ત્યાં મચ્છરોનો નાશ છે. એમાંય મેલેરિયાના મચ્છરોનો તો તુલસી ખાસ દુશ્મન ! તેથી તો તુલસીને “મોસ્કવીટોપ્લાંટ” કે “ફીવરપ્લાંટ” જેવું બિરૂદ પ્રાપ્ત થયું છે.
બાગ-બગીચામાં તુલસીનો જાદુ : આપણી વાડીના ગોલા, ઉમરાન બોરમાં સડો લાગે, પાકી કેરીમાં જીવાત ભળાય, કારેલાં, કાકડી, ચીભડાં, તુરિયામાં ડુવો [ચંદી] પડી અંદરથી ફળ બગડી જાય, પાકાં જામફળમાંથી પણ જીવડાં નીકળે અને પાકાં ચીકુમાં પણ પાર વિનાની જીવાત પડી જાય એ બધાની જનેતા છે “સોનમાખી” ! આપણી ગામમાખીથી થોડીક નાનકડી પણ દેખાવે બહુ જ રૂપકડી ! આછા પીળા સોનેરી રંગની એટલે એનું નામ પડ્યું છે “સોનમાખી”. કૃષિ વિજ્ઞાનીઓ આને “ફળમાખી” કહે છે. આ માખી સાવ ઝીણી પણ ત્રાસ ફેલાવવામાં જાણે ગજવેલની છીણી ! અપલખણે છે પૂરેપૂરી ! ફળો જ્યાં કૂણાં હોય ત્યાં જ માદા માખી તેમાં પૂંછડી ભરાવી ઇંડાં મૂકી દે છે. ઇંડામાંથી ઇયળ બની ફળને અંદરથી કોરી ખાય. નાનું હોય કે મોટું, ફળમાખી અડી ગયે આખું ફળ બનાવી મૂકે નમામું ! આ માખી આપણી વાડીમાં છે કે નહીં, તેની તપાસ કરવાનું કામ ઇચ્છા થાય ત્યારે તુલસીને સોંપી જોજો, કરી આપશે.
જાતે જ પ્રયોગ કરો ને !: તુલસી અને એમાંયે શ્યામ [કૃષ્ણ] તુલસી હોય તો તેનાં થોડાં પાન અને ટોચ પરની માંઝરને તોડી બે હાથે હથેળીમાં મસળજો. પછી હથેળીઓ ખુલ્લી રાખી શું થાય છે એ નીરખજો ! પાંચેક મિનિટ હજુ પૂરી નહીં થાય ત્યાં ફટ દેતીકને સોનેરી રંગની માખી આવી ઉતરશે અને હથેળીમાં ફરવા માંડશે. અરે ! અરે ! ફટ…ફટ…બે-ત્રણ…સાત-આઠ ફટાફટ કરતી ઘણી બધી માખીઓ ઉતરી પડશે. રઘવાઇ બની આમ-તેમ કંઇક શોધતી દેખાશે.
માનો કે એકપણ સોનમાખી પાંચ-સાત મિનિટ રાહ જોયા પછી પણ હથેળી પર ન જ આવે તો માનવું કે આપણી આસપાસ 100 ફૂટના ઘેરાવામાં ક્યાંય ફળો સેડવી દેનારી માખીઓની હાજરી નથી.
અને જો માખીઓ હાથ પર આવે, તો તેને ઝીણી નજરે ઓળખવાની મહેનત કરશો તો ખ્યાલ આવ્યા વિના નહીં રહે કે અહીં આવેલ બધી સોનમાખી એ “માખી” નથી, પણ “માખા” એટલે કે નરમાખી છે. જે માદામાખીના શરીરમાંથી છૂટતી ગંધ જેવી તુલસીની વિશિષ્ટ ગંધની જાદુઇ અસરમાં છેતરાઇને ફસાઇ ગયા છે. તેને તુલસીએ પોતાના ગંધ પ્રભાવ થકી હિપ્નોટાઇઝ કર્યા અને એવી ભાન ભુલાવી દીધી છે કે બધા આટલામાં ક્યાંક એની રાણીમાખી [માદામાખી ] સંતાઇ રહી છે, એવું માનવા લાગી ગયા છે. માદા માખીના શરીરમાંથી જેવી કુદરતી ગંધ છૂટતી હોય છે, એવી જ ગંધ તુલસીના પોતાના રસની છે. માટે જ જેટલા એના ગંધ-વર્તુળમાં આવી જાય તે બધા નર ગંધના સેંટર પોંઇંટ પર ભુરાયા થઈ ઉતરી પડે છે.
આપણે આનો લાભ લઈએ : આપણે ખાસ કરવાનું એટલું કે આપણાં આંગણ વાડી કે બાગમાં શેઢેપાળે,, ધોરિયાની ધારે, રસ્તાની કિનારીએ, અરે ! ક્યાંક ક્યાંક વચ્ચે વચ્ચે પણ તુલસીના છોડ વાવવા અને મોટા થવા દેવા. તેની ક્યારેક ક્યારેક કોઇ માંઝર ચોળતી રહેવી એટલે આ નુકશાન કારક ઇયળોના જનક નરનાં ટોળાં ચોળાએલી માંઝર પર લટ્ટુ થઈ દોડતાં રહેવાનાં. બસ, એ તકનો લાભ લઈ કરીએ તેના પર થોડી અમસ્તી દવાનો સ્પ્રે ! એટલે ગોઠવાઇ જાય આવ્યા હોય એટલા બધા નરમાખાઓનો સામૂહિક વિદાયસમારંભ ! પછી તો વિધવા માખીઓ ભલેને ઇંડાં મૂક્યા કરે ! કૂકડીના ઝૂંડમાં કૂકડાની હાજરી વિના નિર્જીવ ઇંડાં જ જન્મે, તેમ ઇંડાંમાંથી ઇયળ થવાની જ નહીં ને ! થઈ ગયું ને એની જાતનું કુટુંબ નિયોજન ?
વિજ્ઞાનીઓએ તુલસીમાંથી છૂટતી ફોરમ જેવું જ રસાયણ શોધી કાઢ્યું છે. જેનું નામ છે “મિથાઇલ યુજીનોલ”. એનું પોતું આ માખાઓને પકડવા પિંજરામાં મૂકવામાં આવે છે. પણ આપણે આ મોંઘા રસાયણની જગ્યાએ તુલસીના રસનું પોતું કે ચોળેલા પાંદ-માંઝરની લુગદી મૂકી હોય તો એવું જ કામ વગર ખર્ચે કરી બતાવે એવી તાકાત તુલસીમાં છે.
ખેડૂતોએ તો આ પણ જાણવું જોઇએ : લાલતુલસી, તિલકતુલસી, કપૂરતુલસી, જંગલીતુલસી એવાં ઘણાં નામો સંભળાય છે. પણ એ બધાં એને મળતાવડાં છોડ જોઇ દીધેલાં નામ છે. તુલસીની મુખ્ય બે જાતો છે. એક છે લીલા વસ્ત્રધારી એટલે કે “રામતુલસી” અને બીજી છે જાંબલી ઝાંયની દેખાવધારી એટલે કે “શ્યામ કે કૃષ્ણતુલસી”, બન્નેના છોડ જો સાચવણ હોય તો એકથી વધારે વર્ષ ટકનારા સ્વાદે ગુણે એકસરખા.
તુલસી તો આપણા ઘરનો છોડ, એની ઓળખ તો ગળથૂથીમાં જ થતી રહે છે.હા, એની વ્યવસ્થિત ખેતી કરવી હોય તો થોડું વિગતમાં જવું પડે. તુલસી આમ તો અસોળ યાને કોમળ દેહધારી વનસ્પતિ છે. એકધારો તીખો તાપ કે વધુ પડતી ઠંડી અને અતિ વરસાદ ખમી શકે નહીં. બીજ તૈયાર થયે તેનાં પાકાં માંઝરમાંથી અલગ કરેલ બહુ જ બારિક બિયાંનું નીલગીરીનાં બિયાંની જેમ સાથે ઝીણી રેતી કે રાખ ભેળવી, ગાદીક્યારાથી ધરૂ ઉછેરાય છે. રોપણી બારે માસ થઈ શકે પણ ચોમાસાની ઋતુમાં કરી હોય તો ઝડપથી વૃદ્ધિ થાય. દોઢ બાય એક કે દોઢ બાય દોઢના અંતરે રોપણી કરાય. પણ જમીન જો પ્રતે નબળી અને હાડે દૂબળી હોય તો તેને બહુ મજા નહીં આવે. સારી ગોરાડુ, કાંપાળ અને પૂરતા નિતારવાળી ફળદ્રુપ જમીનમાં સારો હોંકારો આપી શકે. તેનાં પાન- ડાળાંમાંથી નિસ્યંદન દ્વારા તુલસીનું તેલ કાઢી તેના વેચાણ-બજારની વયવસ્થિત શૃખલા ગોઠવી શકનારા ખેડૂતો ઔષધબાગ બનાવી મોટું વાવેતર કરતા હોય છે. વન વિભાગ ગાંધીનગરના જણાવ્યા મુજબ વરસભરમાં ત્રણેક કાપણી કરી શકાય. ફૂલ આવવાની વેળાએ ડાળ-પાંદડાંનું કટીંગ કરતા રહેવાથી 200 થી 300 કિલો જેવું સૂકું વજન અને એમાંથી 60 થી 70 કિલો તેલ મળી રહેતું હોય છે. એટલે પ્રતિ હેક્ટરે 60 થી 70 હજાર જેવી ચોખ્ખી આવક થતી હોય છે.
તુલસીનું ઔષધીય યોગદાન : ઉપેન્દ્રરાય સાંડેસરાના તુલસી વિશેના લખાણ પ્રમાણે મરડો, મગજની ગરમી, નસકોરી ફૂટવી, ગળા-કાનનો દુ:ખાવો, છાતીનો કફ, કબજિયાત, દાજેલા ઘા, મેલેરિયા, અરે ! વીંછીનો ટચાકો કે સર્પદંશ સુધ્ધાંમાં તુલસીની સેવા રાહત કર છે.
શીળસની ખજવાળ, કોઢ, કરોળિયા, સફેદ દાગ, ધનુર્વા, આંખની તકલીફો, કોલેસ્ટેલનું વધવું, બ્લડપ્રેસર, દમ અને કેન્સર, પક્ષઘાત, હેડકી જેવાં પાર વિનાનાં દર્દોમાં કોઇમાં તેના પાન ચાવવાથી, કોઇમાં તેનો રસ પીવાથી તો કોઇમાં તેનો રસ શરીરે ચોપડવાથી તો કોઇમાં વળી કાળામરી, આદુ, મધ, કપૂર, કોપરેલ, ગોળ, દૂધ અને સાકર, અરે ! લસણ અને ડુંગળી સહિતના પૂરક પદાર્થોના નિશ્ચિત પ્રમાણ સાથે ઉપયોગ કરવાથી બહુ બધાં દર્દોમાં ખૂબ સારી રાહત આપનાર નિર્દોષ, સરળ, સુલભ-ઘરગથ્થુ અને ખર્ચ વિનાનું આપણું પોતીકું ઉત્તમ ઔષધ બની રહે છે. તંદુરસ્ત વ્યક્તિ પણ તેનું સેવન ચાલુ રાખે તો કોઇ પણ રોગ પાસે ઢુંકી શકતા નથી.
આધ્યાત્મ મહત્વ : તુલસીમાં એક વિશિષ્ટ ઘટક એવું પણ માલુમ પડ્યું છે કે જે સંતતિ નિયમનમાં મદદરૂપ થાય. સંશોધકો દ્વારા ઉંદર ઉપર કરેલા પ્રયોગો દ્વારા ઉત્સાહજનક પરિણામો મળ્યાં છે. એટલે હાલની સંતતિનિયમન માટેની ગોળીઓની જે થોડી ઘણી આડ અસરો થતી રહે છે તેમાંથી તુલસી તુલસીમાંથી બનનારી બનાવટ નિર્દોષ હશે.
જિંદગીના શ્રેષ્ઠ પ્રસંગો માંહ્યલો એક “લગ્નપ્રસંગ”, તે નિર્વિઘ્ન પૂર્ણ થાય અને દંપતિના સંસાર સુખમય રીતે ચાલે તેવા શુભારંભનું કામ ભગવાન વિષ્ણુને સોંપાયું છે. એટલે જ દર વરસે દેવદિવાળીએ વિષ્ણુ સાથે તુલસીની જાન જોડી, ફેરા ફેરવી વાજતે ગાજતે લગ્ન કરાવ્યા પછી જ આપણાં યુવાન યુવક-યુવતીઓના લગ્નનો પ્રારંભ કરાય છે. આપને ખ્યાલ હશે જ કે આપણી ભારતીય સ્ત્રીઓ તુલસીની બહુ જ ભાવથી પૂજા કરતી હોય છે. અરે, સત્યનારાયણની કથામાં, વિષ્ણુ સહસ્ત્રના જાપ જપતાં જપતાં દરેક વખતે તુલસીપત્ર ચઢાવાતા હોય છે.
તુલસી માનવ જીવનમાં એવી રીતે ઓતપ્રોત થઈ ગઈ છે કે કેટલાય કાર્યોમાં એની હાજરી ન ભળાય ત્યાં સુધી કાર્ય ખોરંભાઇને અટકી જતું હોય છે. ભગવાનની આરતી પછી અપાતા ચરણામૃતમાં દહીં, દૂધ, સાકર જેવી વસ્તુઓ નહીં હોય તો ચાલશે, પણ એવા સાદા જળમાં માત્ર તુલસીપત્ર નખાયે કામ ચાલી જશે. પ્રભુને પ્રસાદ ધરતી વેળા મેવા-મીઠાઇ જે હાજર હોય તે થાળમાં મુકાય, બાકી તુલસીપત્ર ન હોય તો ન ચાલે !
કોઇ દાન દેવું હોય તો દાનની નાની મોટી ઓછી વત્તી યથાશક્તિ ચીજવસ્તુ જે હોય તે માંગલિક, બાકી એમાં તુલસીપત્રનું ઉમેરણ ન થાય તો દાન અધૂરું ! માણસનું મૃત્યુ થાય પછી તેને ભોંય લેવામાં આવે ત્યારે શરીરે સ્નાન કરાવી ઘી ચોળવામાં આવે અને મુખમાં તુલસીપત્ર મૂક્યા પછી જ બહાર લવાય અને અગ્નિસંસ્કાર માટે લાકડાં-છાણાં-ઘાસ-ઘી તલ વગેરે વસ્તુઓ જેમ સ્મશાને પહોંચતી કરવાની હોય, તેમ તુલસીના છોડનો સૂકો એકાદ કટકો કે ડાળી-પાંખડાં મૃતદેહની સાથે જ નનામીમા ગોઠવી દેવાતાં હોય છે. જેથી અગ્નિસંસ્કારની શરૂઆત તુલસીકાષ્ટથી જ કરાય.
ભક્તિભાવ પૂર્વક મુકાએલ એક તુલસીપત્ર સામે સાક્ષાત ભગવાન સામે છાબડે તોળાઇ ગયા હતા. “નાથ તમે તુલસીને પત્રે તોળાણા” તુલસીપત્રનું છાબડું નીચું નમતું રહ્યું હતું તેનો ગુઢાર્થ સમજવો જરૂરી છે.
કહો 1 જન્મથી માંડી મૃત્યુ સુધી જુદા જુદા કેટલાય હેતુસર આપણી હારોહાર રહી જીવન જીવવામાં આપણને વધુમાં વધુ અનુકૂળતા કરી આપનાર તુલસીને ઉત્તમોત્તમ વનસ્પતિ કહી શકાય કે નહીં ?
સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com