વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • કાર્ટૂનકથા : [૫]

    બીરેન કોઠારી

    આ શ્રેણીમાં માત્ર ‘સાહિત્ય’ના વિષયને કેન્‍દ્રમાં રાખીને ચીતરેલાં કાર્ટૂન મૂકવામાં આવે છે, જે વાર્તા સામયિક ‘વારેવા’માં અગાઉ પ્રકાશિત થઈ ચૂક્યાં છે.

    ‘વારેવા’ના પાંચમા અંકમાં આ કાર્ટૂન પ્રકાશિત થયાં હતાં. હજી વિવિધ અખતરા અમે કરી રહ્યા હતા. અત્યાર સુધી કાર્ટૂન હું સ્કેચબુકમાં ચીતરતો ત્યારે સંવાદ પણ પેન વડે સ્પીચ બલૂનમાં લખતો. પણ એમ જણાયું કે એ રીતે મુદ્રણ પછી અક્ષરો બરાબર વાંચી શકાતા નથી. આથી એક અખતરો એવો કરી જોયો કે કાર્ટૂન હું ચીતરીને મોકલું અને એમાં સંવાદ તૈયાર સ્પીચ બલૂનમાં, મુદ્રિત સ્વરૂપે મૂકીએ.

    એ મુજબ, આ અંકમાં માત્ર કાર્ટૂન દોરીને મોકલ્યાં હતાં, જ્યારે સંવાદ હાથે લખવાને બદલે મુદ્રિત સ્વરૂપે મૂકાયા હતા. અહીં એ મૂળ કાર્ટૂન અને તેની નીચે સંવાદ મૂકેલાં છે.

    ઊધઈ ઊવાચ

    ઉધઈ ૧ – (ઘૂંટણિયે પડેલી): “તારે ખોળે છઉં.”

    ઉધઈ ૨ – (ઉભેલી): “દાદા દર વખતે આવા સેન્‍ટિ કેમ થઈ જાય છે?”

     

    “અરે! એવું હોય કંઈ? બૂસ્ટર ડોઝ તો લેવો જ પડે! તો શું કે પાંચ વરસ સુધી ચિંતા નહીં!”

    વાર્તાવ્યંગ્ય

    વક્તા: “કંઈક નોખું કરવાની પરંપરા અમારી પ્રકાશનસંસ્થાએ હજી જાળવી રાખી છે.”

    ગુજરાતી સંપાદનનાં પુસ્તકો માટે લેખકોને નિમંત્રણ મોકલવાની પ્રક્રિયા


    (વાર્તામાં, વાર્તાલેખનમાં રસ ધરાવનાર સૌ કોઈને આ વિશિષ્ટ સામયિકમાં રસ પડશે. તેના વિશે વધુ વિગતો તેની સાઈટ https://vareva.co.in/ પર જોઈ શકાશે.)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • રાઈનો પર્વત (૧૯૧૩) – પ્રસ્તાવના

    સર્જક : રમણભાઈ મહિપતરામ નીલકંઠ

    આ નાટકના વસ્તુ (Plot)નું મૂળ મારા સ્વ. પિતાએ પ્રસિદ્ધ કરેલા ‘ભવાઈ સંગ્રહ’ માં “લાલજી મનીઆર” ના વેશમાં આવે છે.

    “સાંઇઆંસે સબ કુચ્છ હોત હે, મુજ બંદેસે કચુ નહીં;
    રાઈકું[1] પરબત[2] કરે, પરબત બાગેજ માંહી.”

    આ દુહા ઉપરથી અને એ દુહા નીચે ટીપમાં આપેલી વાર્તા ઉપરથી લીધું છે. એ આખી વાર્તા આ પુસ્તકના પરિશિષ્ટમાં આપી છે[i]. આ પુસ્તકમાં મુખપૃષ્ઠ ઉપર દોહરો મૂક્યો છે તે એ દુહા ઉપરથી રચ્યો છે. એ દોહરો સૂત્ર સ્વરૂપે લઈ અને એ વાર્તામાં ફેરફાર તથી વધારો કરી આ નાટકની રચના ગૂંથી છે.

    સને ૧૮૯૫ ના અરસામાં આ નાટકની મુખ્ય રેખાઓની કલ્પના કરી મેં પુસ્તક લખવા માંડેલું, પણ તે વખતે પહેલો પ્રવેશ લખ્યા પછી આગળ લખવાનું અટકી પડેલું. તે પછી સને ૧૯૦૯ના મે માસમાં આ પુસ્તક લખવાનું ફરી શરૂ કર્યું અને પહેલો પ્રવેશ ફેરફાર કરી ફરી લખ્યો; અને, અવકાશ પ્રમાણે કકડે કકડે આગળા લખી આ માસમાં આ પુસ્તકા હું પૂરું કરી શક્યો છું

    અમદાવાદ

    તા. ૧૩ નવેમ્બર, ૧૯૧૩

    રમણભાઈ મહીપતરામ નીલકંઠ

    [1] ‘રાઈ’ એ ‘રાયજી’ , એ નામનો ‘જી’ કાઢી નાખતા થયેલું નામ છે.

    [2] ‘પરબત’ નામનો કોઈ પાદશાહ નથી, એને ફારસી કે અરબી ભાષામાં ‘પરબત’ એવો શબ્દ પણ અન્થી. ‘પર્વત’ ઉપરથી ભવાઈઆઓએ ‘પરબત’ કર્યું હોય, અને ‘પરબત’ કોઈ મુસલમાન પાદશાહ હશે એમ કલ્પ્યું હોય, એમ સંભવે છે.
    ⁠‘રોઈકું પરબત કરે’ એનું ગુજરાતી ભાષાન્તર ‘રાઈને પર્વત કરે’ એવું થાય; તેને બદલે ‘રાઈનો પર્વત કરે’ એવું મને વધારે ઠીક લાગ્યું છે.


    [i]

    (પ્રસ્તાવનામાં કરેલો ઉલ્લેખ)

    (ભવાઈ સંગ્રહમાં “લાલજી મનીઆર”ના વેશમાં)

    સાઈઆંસે સબ કુચ હોત હે, મુજ બંદેસે કચુ નાહીં,
    રાઈકું પરબત કરે, પરબત બાગેજ માંહી.

    ⁠આ દુહા નીચે ટીપમાં વાર્તા આપી છે તે નીચે પ્રમાણે છે :-

    ⁠કોઈ પરબત નામે પાદશાહ હતો. તે એક વખત મધરાત્રે ચાંદની ખૂબ ખીલી રહી છે, તેવામાં પોતાના એક સાથીને લઈ શહેર બહાર પોતાનો એક બાગ હતો ત્યાં ગયો. એ બાગમાં સસલાં, હરણ વગેરે પશુઓ બહુ નુકશાન કરતાં હતાં, તેથી તેનો રખેવાળ માળી રાઈ નામે હતો તેણે વિચાર્યું કે એમાંથી થોડાને મારીશ ત્યારે તેઓ કેડો છોડશે. તે રાત્રે કામઠામાં તીર ચડાવીને તૈયાર થઈને બેઠો હતો. એવામાં પાદશાહ અને તેનો સાથી બાગમાં પેઠા. તેમનાં પગલાનો અવાજ સાંભળ્યો કે માળીએ જાણ્યું કોઈ જનાવર પેઠું, ને તે અવાજ ઉપર તીર છોડ્યું. તે પાદશાહની છાતીમાં વાગ્યું, ને તરત તેનો પ્રાણ ગયો. સાથીએ બૂમપાડી કે રાઈ માળી દોડી આવ્યો ને જુવે છે તો પોતાનો ધણી પડ્યો દીઠો. તે ઘબરાયો ને રોવા લાગ્યો. પાદશાહના સાથીએ તેને ધીરજ આપી છાનો રાખ્યો, ને કહ્યું કે , ‘ભાઈ તેં અજાણે આ કામ કર્યું છે, માટે તારી તકસીર નથી. પાદશાહના મરણની વાત શહેરમાં જણાશે તો બધું રાજ ઊંધુ વળશે. તખ્તને લેવા સારુ મોટી લડાઈ જાગશે ને બહુ ખરાબી થશે, માટે આ વાત છાની રાખી તને પાદશાહની જગાએ બેસાડું.’ પાદશાહનો પોશાક ઉતારી સાફ કરી તેને પહેરાવ્યો, અને પેલા શબને ત્યાં જ દાટ્યું. બંને જણા શહેર ભણી ચાલ્યા. રસ્તામાં પેલા સાથીએ માળીને કહ્યું કે, ‘ અલ્યા તું જુવાન છે, પાદશાહ ઘરડો હતો; તારી મૂછોના વાળ કાળા છે, પાદશાના સફેદ હતા; તારી શીકલ ને તેની શીકલમાં ઘણો ફેર છે, તે બેગમો અને દરબારી લોકથી ઢાંક્યું રહેવાનું નથી, માટે હું કહું તેમ તદબીર કરવી.’ રાત પૂરી થયા પહેલાં બંને જણા મંદિરમાં દાખલ થયા, ને માળીને તેમાંથી એક ભોંએરામાં ઉતાર્યો. સાથીએ સવાર થતાં દરબારમાં જાહેર કર્યું જકે, ‘કોઈ મોટો હકીમ પરસદેશથી આવ્યો છે, તેણે પાદશાહને કહ્યું કે જો તમે છ માસ સુધી ભોંએરામાં રહો, કોઇને મળો નહિ, મોઢું દેખાડો નહિ, કોઈની જોડે વાતચીત કરો નહિ, તો એ મુદ્દતમાં હું તમને કેવળ જુવાન કરી દઉં. વાળ ધોળા છે તે કાળા થાય, દાંત પાછા આવે અને ચેરો તો એટલો ફરી જાય કે ઘરનાં માણસ પણ તમને ઓળખે નહિ.’ પાદશાહે એ વાત કબૂલ કરી ને હકીમ તથા પોતે ભોંએરામાં ઉતર્યા છે; વજીર રાજકરભાર ચલાવે એવો હુકમ કર્યો છે. આ હુકમ સર્વેએ માન્ય કર્યો.

    બાદશાહને ભોંએરામાં ખાનપાન લૂગડાં પૂરાં પડે. ફાર્સી જુબાન પણ શીખવી તથા રાજદરબારી બોલવા ચાલવાની રીતથી વાકેફ કરી છ માસ પૂરા થયે બહાર કાઢ્યો. બધાએ છેતરાયા. રાઈ માળી હવે પરબતશાહ કહેવાયો. બુદ્ધિમાન હતો, તેથી રાજ ઠીક ચલાવતો હતો. અંદરની વાત પોતે તથા પેલો સાથી બે જણ જ જાણે. એ સાથી બાદશાહને, નિત્ય રાજમિજલસ મળે તેવારે સલામ કરી છાનું હસીને બેસે. બાદશાહને તેના તાબામાં પણ રહેવું પડે ખરું. નવ વરસ એમ કરતાં ગયાં, ત્યારે બાદશાહે તેને એક મધરાત્રે ચાંદરણી ખીલી રહી છે તે વખત એકાંતમાં કહ્યું, ‘ચાલો નદી કાંઠે જઈ સેલ કરીને ફરીએ.’ સાથીએ કહ્યું, ‘ પરબતશાહ કેવો મરી ગયો તે વાત ભૂલી ગયા ! આ વખતે જવું નથી.’ બાદશાહે કહ્યું, ‘ કંઈ ફિકર નહિ, જઈશું.’ બેંને જણ નદી કાંઠે આવી ઊભા. ત્યાં એક ચમત્કાર જોયો. વહેતા પાણીમાં દીવા તણાતા દીઠા. એક જાય ને બીજો આવે. પાદશાહે પોતાના સાથીને કહ્યું, ‘જાઓ જોઈ આવો એ ક્યાંથી આવે છે.’ સાથીએ આનાકાની કરી પણ અંતે જવું પડ્યું. ઉપલાણેથી દીવા આવતા હતા, તેણીમેર ગયો. દીવા આવ્યા જ જાય. જતાં જતાં એક શિવનું દેહેરું આવ્યું. જળાધારી કને માથાવગરનું ધડ પડેલું દીઠું. લિંગના ઉપર ઉંચે ચોટલાવતી માથું લટકતું હતું, તેમાંથી લોહીના ટીપાં લિંગ ઉપર પડતાં હતાં. તે લોહી વહી નીચે ટપકતું હતું, ને તેના દીવા થતા હતા. એ જોઈને તે પાછો વળ્યો ને પાદશાહએ બધો હેવાલ કહ્યો. પાદશાહે પૂછ્યું, ‘તે જોઈ તમારા મનમાં શો વિચાર ઉત્પન્ન થયો ? સાચું કહો.’ તે ઘબરાયો, પણ પાદશાહે વિશ્વાસ આપ્યો. તેવારે બોલ્યો કે, ‘તે વખત મેં એમ કહ્યું, ઓ પ્રભુ ! પેલો માળી પાદશાહ થયો છે તે કરતાં બાપડો વધારે લાએક હતો.’ પાદશાહ બોલ્યો, ‘તેં બરાબર કહ્યું, ‘ તેં જેને ત્યાં જોયો એ હું જ છું. એમ ન સમજતો કે તેં મને પાદશાહ કર્યો છે. મને પરમેશ્વરે કર્યો છે.’

    પાદશાહે પછી પોતાની મૂળની વાત કહી. તે રજપૂત રાજાનો દીકરો હતો. તેને મોટો ભાઈ હતો. બાપ મૂવો ત્યારે મોટા ભાઈને ગાદી મળી ને એને તો જીવાત સારુ એક બે ગામ જ મળ્યાં. તેથી તે નારાજ થઈ બારવટે નીકળ્યો. લશ્કર ભેગું કરવાનો, દેશ લૂંટવાનો તથા પોતાના ભાઇને મારવાનો વિચાર કરતો કરતો તે જંગલમાં અયો, ને પેલા શિવાલય આગળ આવ્યો ત્યાં તેણે વિચાર્યું કે, ‘અરે જીવ! મારા સ્વાર્થને સારુ આટલું બધું નુકશાન કરીશ તે કરતાં હું અહીં મસ્તકપૂજા કરું તો મારું કલ્યાણ થાય.’ તરત એ મનસૂબો તેણે અમલમાં આણ્યો. તેના સાથીએ કહ્યું, ‘જો એવું છે તો તું પાદશાહને પેટે કેમ ન જન્મ્યો?’ તેણે જવાબ દીધો, ‘મેં એક ભૂલ કરી. તે એ કે આ નદીમાં નાહી ધોઈ શુદ્ધ થયા વિના એમના એમ મેં મારું મસ્તક વાઢ્યું. તેથી માળીને ઘેર જન્મ્યો. તેથી માળીને ઘેર જન્મ્યો !’ તું નિત્ય મારી સામું જોઈ હસતો હતો તે હું સમજતો; તું આપણી વાત જાહેર કરી મને ગાદી પરથી કાઢી મૂકવા યત્ન કરીશ તે વ્યર્થ જશે, માટે હોશીઆર રહેજે.’ એ સાંભળીને તે સામીએ કહ્યું : ‘સાંઈઆં – સાંઈ=स्वामी- (પરમેશ્વરથી) સબ કુચ હોત હે.

    ● ●

    સ્રોત : વિકિસ્રોત

  • જેણે પાપ કર્યું ના એ કે +  ઝાડ એના પાંદડાંને પૂછે

    (૧) જેણે પાપ કર્યું ના એ કે 

     પથ્થર થરથર ધ્રુજે !

    હાથ હરખથી જૂઠ્ઠા ને જડ પથ્થર ત્યાં કોણ વેદના બૂઝે ?

    અનાચાર આચરનારી કો અબળા પર ભાગોળે
    એક ગામના ડાહ્યાજન સૌ ન્યાય નિરાંતે તોળે,

    “આ કુલટાને પથ્થર મારી, મારી નાખો !” એમ કિલોલે કૂજે,

    એક આદમી સાવ ઓલિયો વહી રહ્યો‘તો વાટે,
    સુણી ચુકાદો ચમક્યો, થંભ્યો, ઉરના કોઈ ઉચાટે;
    હાથ અને પથ્થર બન્નેને જોઈ એનું દિલ દયાથી દૂઝે !

    આ દુનિયાના શાણાઓ ના દુનિયાદારી જાણે,
    ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યો ટેવ પ્રમાણે :

    ”જેણે પાપ કર્યુ ના એકે,

    તે પથ્થર પહેલો ફેંકે !”

    એકે એકે અલોપ પેલા સજ્જન, ત્યારે શું કરવું ના સૂઝે !
    અબળા રહી ને રહ્યો ઓલિયો એનું કવિજન ગીત હજુયે ગુંજે.

                                  – નિરંજન ભગત


    (૨) ઝાડ એના પાંદડાંને પૂછે

       ઝાડ એના પાંદડાંને પૂછે છે– કેમ ?
      તું મારું નથી એવો શા માટે પડ્યો તને વ્હેમ?

    પાંદડાંએ પૂછ્યું કે, મારું નામ પાન છે
    તો શા માટે તારું નામ ઝાડ છે?
    શા માટે તારી ને મારી વચ્ચાળ
    આમ ડાળી ને ડાળખાંની આડ છે ?

    ઝાડવું કહે કે તારી વહાલુડી લીલપને સાચવું છું, આવડે છે એમ!

    પાંદડું કહે કે, મારે અડવું આકાશને
    ને તું મને શા માટે બાંધતું ?
    ઝાડવું કહે કે, એ તો ધરતીનું વ્હાલ છે…
    જે સૌ સાથે આપણને સાંધતું

    તૂટવાનો અર્થ તને અડકે નહીં, તોડે નહીં, એને હું કહું મારો પ્રેમ !

                                  – રમેશ પારેખ

  • સંગીતકાર સાથેનું મોહમ્મદ રફીનું સૌપ્રથમ યુગલ ગીત : બીજો પંચવર્ષીય સમયખંડ : ૧૯૪૯થી ૧૯૫૩ – ૧૯૫૦

    વિસરાતી યાદો…સદા યાદ રહેતાં ગીતો

    સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ

    મોહમ્મદ રફીની સાડા ત્રણ દાયકાની સક્રિય કારકિર્દી દરમ્યાન  દરેક વર્ષે એક, અથવા વધુ, સંગીતકાર સાથે સર્વપ્રથમ સહયોગ કરવાનું તેમને બનતું જ રહ્યું

    મોહમ્મદ રફીના જન્મદિવસ [૨૪ ડીસેમ્બર, ૧૯૨૪] અને મૃત્યુ તિથિ [૩૧ જુલાઇ, ૧૯૮૦]ની યાદમાં આપણે મોહમ્મદ રફીનાં સંગીતકાર સાથેનાં પહેલવહેલાં સૉલો ગીતોને યાદ કરતી શ્રેણી ડીસેમ્બર ૨૦૧૬ થી ૨૦૨૦ સુધી કરી ચુક્યાં છીએ. મોહમ્મદ રફીએ ગાયેલાં ગીતોમાં તેમનાં યુગલ ગીતોનું સ્થાન અદકેરું જ રહ્યું છે. તેથી સંગીતકાર સાથેનાં પહેલવહેલાં યુગલ ગીતની શ્રેણીનું અનુસરણ સ્વાભાવિક ક્રમ જ બની રહે. કોઈ પણ સંગીતકાર સાથે પહેલાં જ વર્ષમાં મોહમ્મદ રફીનું યુગલ ગીત નોંધાયું હોય એ વર્ષની બધી ફિલ્મોનાં યુગલ ગીત આપણે સાંભળવાનો ઉપક્રમ અહીં પ્રયોજેલ છે.

    આપણો મુખ્ય ઉદ્દેશ્ય સ્ત્રી-પુરુષ યુગલ ગીતોને યાદ કરવાનો છે. તેમ છતાં જો મોહમ્મદ રફીનું એ સંગીતકાર સાથેનું પુરુષ પુરુષ યુગલ ગીત જે વર્ષમાં પહેલી વાર જોવા મળશે તે વર્ષમાં જ તેને પણ યાદ કરીશું. તે અનુસાર આ પહેલાં આપણે ૨૦૨૧માં ૧૯૪૪થી ૧૯૪૮નાં વર્ષોના પ્રથમ સમયખંડને આવરી ચૂક્યાં છીએ.

    હાલમાં આપણે ૧૯૪૯થી ૧૯૫૩ના બીજા પંચવર્ષીય સમયખંડનાં મોહમ્મદ રફીનાં સંગીતકાર સાથે પહેલવહેલી વાર ગવાયેલાં યુગલ ગીતોને યાદ કરી રહ્યાં છીએ અત્યાર સુધી

    જુલાઈ ૨૦૨૨માં ૧૯૪૯નાં ગીતોનો પહેલો ભાગ, અને

    ડિસેમ્બર ૨૦૨૨માં ૧૯૪૯નાં ગીતોનૉ બીજો ભાગ

    સાંભળ્યો છે. ૧૯૪૯નાં વર્ષમાં કુલ ૪૯ યુગલ ગીતો મોહમમ્દ રફીના ફાળે આવ્યાં હતાં.

    હવે ૧૯૫૦નાં વર્ષમાં આ સંખ્યા ૬૭ સુધી પહોંચી છે. તે પૈકી જે  છ  સંગીતકારો સાથે મોહમ્મદ રફીએ હિંદી ફિલ્મોમાં પહેલવહેલી વાર યુગલ ગીત ગાયું હોય એવાં યુગલ / ત્રિપુટી (+) ગીતો આજે યાદ કરીશું.

    મોહબ્બત કે મારોં કા હાલ દુનિયામેં હોતા હૈ, જમાના ઉનપે હસતા હૈ, નસીબા ઉનપે રોતા હૈ – – બાવરે નૈન (૧૯૫૦) – આશા ભોસલે સાથે – ગીતકાર: કેદાર શર્મા – સંગીત: – રોશન

    શેરીમાં ભીખ માગતાં ગવાતાં ગીતોનો પોતાનો એક આગવો પ્રકાર હતો. આ ગીતોમાં જો જીવનની ફિલસૂફી ન હોય તો હીરો કે હીરોઈનોના મનના  ભાવોનો પડઘો પડતો હોય.

    અહીં આખાં ગીતમાં ગીતા બાલી પોતાના પ્રેમીનો ફોટો પકડીને પોતાનું દૂ:ખ વ્યકત કરવા મથે છે ત્યારે ગીતમાં શેરીમાંના ગાયકો એ વ્યથાને હળવી કરવાનો પ્રયાસ કરતાં  બોલ ગાય છે.

    બેકસૂર (૧૯૫૦)માં અનિલ બિશ્વાસ મૂળ સંગીતકાર ગણી શકાય, પણ હંસરાજ બહલે પણ ત્રણ ગીતોની સ્વર બાંધણી કરી છે, જે પૈકી અખીયાં  ગુલાબી જૈસે મદ કી હૈ પ્યાલીયાં  અને હંસ કે તીર ચલાના દિલ ખુદ હી બનેગા નિશાના મોહમ્મદ રફી અને લતા મંગેશકરનાં યુગલ ગીતો છે. હંસરાજ બહલ મોહમ્મ્દ રફી માટે સૌ પ્રથમ વાર, ‘ચુનરિયા‘ અને ‘સત્યનારાયન‘ એમ બે ફિલ્મોમાં, યુગલ ગીત ૧૯૪૮માં રચી ચુક્યા છે એટલે અહીં આપણે આ બે ગીતોની વિગતે ચર્ચા ન કરતાં માત્ર નોંધ લઈને સંતોષ લઈશું

    ખબર કીસીકો નહીં વો કિધર કો દેખતે હૈં – બેકસૂર (૧૯૫૦) – જી એમ દૂર્રાની અને મુકેશ સાથે – ગીતકાર: આરઝૂ લખનવી – સંગીત: અનિલ બિશ્વાસ

    દેખીતી રીતે ગીત એક કવ્વાલી છે. પણ જૂની હિંદી ફિલ્મોમાં આવાં ‘આઈટેમ ગીતો’ ઘુસાડયાં હોય પણ તેને વાર્તા જોડે ગોઠવી પણ લેવાય. જેમકે અહીં ગાયકો જે કમી ગાય છે  તેનો સીધો સંદર્ભ નીચે જીપમાં ઉભેલ પોલીસ પાર્ટી કંઇ  શોધી રહી છે તેની માહિતી આપવાનો છે., જેનો લાભ લઈને માત્ર ગોગલ્સ અને ટોપી ચડાવી ને એક તલ મોં પર લગાડીને છદ્મવેશા ચડાવેલો અજીત પણ કવ્વાલીમાં જોડાઈ જઈને પોલીસને ગેરમાર્ગે દોરવામાં સફળ પણ થાય છે !

    ચાંદની ચીટકી હુઈ હૈ, મુસ્કારાતી રાત હૈ – હમારા ઘર (૧૯૫૦) – ગીતા દત્ત સાથે – ગીતકાર: અંજુમ જયપુરી – સંગીત: ચિત્રગુપ્ત

    ચિત્રગુપ્તની શૈલીમાં હજુ વિંટેજ એરાની છાંટ વર્તાય છે. ગીતા દત્ત અને મોહમંદ રફી પોતાના સ્વરમાં ગીતાના ભાવને અનુરૂપ મુગ્ધતા લાવીને પરિસ્થિતી સંભાળી લે છે.

    ચુપકે ચુપકે દિલમેં  આનેવાલે હો દેખો પ્રીત નિભાના – હમારા ઘર (૧૯૫૦) – ગીતા દત્ત સાથે – ગીતકાર: રામમૂર્તિ ચતુર્વેદી –  સંગીત: ચિત્રગુપ્ત

    ગીતની લય ઝડપ પકડે છે, પણ પરદા પર આ ગીત કેમ ભજવાયું હશે તેનો અંદાજ નથી લગાવી શકાતો

    ચોરી ચોરી દેખ મત બલમ ભોલી દુલ્હન શરમાયેગી, દુલ્હન કો નજ઼ર લગ જાયેગી તો દુલ્હન મર જાયેગી – હમારા ઘર (૧૯૫૦) – શમશાદ બેગમ સાથે – ગીતકાર: ભરત વ્યાસ – સંગીત: ચિત્રગુપ્ત

    શમશાદ બેગમ અને મોહમ્મદ રફી મીઠી છેડછાડને તાદૃશ કરે છે.

    રંગ ભરી હોલી આયી …. – – હમારા ઘર (૧૯૫૦) – શમશાદ બેગમ સાથે – ગીતકાર: ભરત વ્યાસ – સંગીત: ચિત્રગુપ્ત

    હોળીના તહેવારની રંગભરી ઉજવણીની મસ્તી છવાઈ રહી છે.

    ઓ તેરી તીરછી નજ઼ર તેરી પતલી કમર લહરાકે બલ ખાકે હમ પે જાદુ કર ગયી – હમારા ઘર (૧૯૫૦) – શમશાદ બેગમ સાથે – ગીતકાર: ભરત વ્યાસ – સંગીત: ચિત્રગુપ્ત

    સ્ટેજ નૃત્ય જેવી રચના જણાય છે એટલે શમશાદ બેગમ અને મોહમ્મદ રફી તેમની ગાયકીમાં એ ગીતોમાં હોય તેવી શરારતી લાવી દે છે.

    જીત હો હમારી જીત હો યે ગીત મિલકે ગાયેંગે હીત હો હમારી જીત હો – વીર બબ્રુવાહન (૧૯૫૦) – ગીતા દત્ત સાથે – ગીતકાર: અંજુમ જયપુરી – સંગીત: ચિત્રગુપ્ત

    યુદ્ધ માટે જઈ રહી સેનાને પોરો ચડાવતાં ગીત તરીકે ગીત કદાચ ઉણું પડતું જણાય !

    https://youtu.be/K5EC6B6vvKo

    દુર દેશકા રાજા એક દિન પરદેશ આયા – વીર બબ્રુવાહન (૧૯૫૦) – ગીતા દત્ત અને અમીરબાઈ કર્ણટકી સાથે  સાથે – ગીતકાર: અંજુમ જયપુરી – સંગીત: ચિત્રગુપ્ત

    ગીતા દત્ત, અમીરબાઈ કર્ણાટકી અને મોહમ્મદ રફી એક સાથે એવાં ગીત ભાગ્યે જ મળે એ દૃષ્ટિએ ગીત અનોખું બની રહે છે.

    https://youtu.be/pqK2vgTWP1w

    સબ સપને પુરે આજ હુએ ચમકે આશા કે તારે – વીર બબ્રુવાહન (૧૯૫૦) – ગીતા દત્ત સાથે – ગીતકાર: અંજુમ જયપુરી – સંગીત: ચિત્રગુપ્ત

    પર્દા પર જે રીતે ગીત ફિલ્માવાયું છે તેના પરથી તો ખ્યાલ ન આવે કે સૌ સારાં વાનાં થયાં હશે એવી સીચ્યુએશન હશે પણ બોલ એમ કહે છે એટલે એમ માની લઈએ

    https://youtu.be/1DHYSyeO5CI

    ટૂટ ગયા હાય ટૂટ ગયા … વો સાજ઼ – એ – મુહબ્બત ટૂટ ગયા – મગરૂર (૧૯૫૦)  – શમશાદ બેગમ, રાજકુમારી સાથે – ગીતકાર: મુલ્લાંજી – સંગીત:  સજ્જાદ હુસ્સૈન

    ફિલ્મમાં રામ પંજવાની અને બુલો સી રાની એમ બીજા બે સંગીતકારો પણ હતા.

    સજ્જાદ હુસ્સૈને પ્રસ્તુત ત્રિપુટી ગીતમાં મોહમ્મદ રફી, શમશાદ બેગમ ને રાજકુમારીનું વિરલ કહેવાય એવું સંયોજન કરેલ છે.

    રહેમાન મુખ્ય ભૂમિકામાં હોય અને સાથે મીના કુમારી અને નિગાર સુલ્તાના પ્રણય ત્રિકોણમાં હોય એ પણ એક વિરલ સંયોજન છે.

    અલ્લા રખાના નામે મોહમમ્દ રફી સાથેનું પહેલું યુગલ ગીત – ટોપીવાલે બાબુને દિલ છીના રે…. હાય રે મોરા મન છીના – કૂલ કલંક (૧૯૪૫)– અમીરબાઈ કર્ણાટકી સાથે – ગીતકાર: રૂપબાની – પહેલાં આપણે યદ કરી ચુક્યાં છીએ. હવે તેઓ તેમનાં નામના એ આર કુરૈશીના નામે ‘સબક’નાં સંગીતકાર તરીકે આપણી સમક્ષ છે. જોકે આ ગીતો અહીં લઈ લેવામાં ઉળ લાલ્ચ તો મોહમ્મદ રફીની સાથે યુગલ ગીતોમાં સુરીંદર કૌર છે એ મુખ્ય લાલચ છે.

    જ઼ાંક જરોકે સે તુ મહલોં વાલે …. તુઝે સુનાઊં દિલ કી બાત – સબક (૧૯૫૦) – સુરીંદર કૌર સાથે – ગીતકાર: ડી એન મધોક – સંગીત: એ આર કુરૈશી

    મહેલોની દિવાલોથી અલગ પડી જતાં પ્રેમીઓની દિલની વ્યથા બન્ને ગાયકો જીવંત કરે છે.

    કેહ દો હમેં ના બેક઼રાર કરે વો જિસે મેરા દિલ પ્યાર કરે – સબક (૧૯૫૦) – સુરીંદર કૌર સાથે – ગીતકાર: ડી એન મધોક – સંગીત: એ આર કુરૈશી

    ગીત સાંભળતાં જ ખ્યાલ આવી જાય કે ગીતમાં મીઠી તકરાર દ્વારા પ્રેમની ઉત્કટતા વ્યક્ત કરવામાં આવી રહી છે

    તુ આસમાં પે ખડા મુસ્કુરાયે ….. કે જૈસે કબી લબ પે ન નીકલી હો હાયે – સબક (૧૯૫૦) – સુરીંદર કૌર સાથે – ગીતકાર: ડી એન મધોક – સંગીત: એ આર કુરૈશી

    પ્રેમીઓના હૃદયોમાંથી ઉઠતી વિરહ વેદનાની ઉપરવાળો મજાક કરે છે એવી ફરિયાદનાં માધ્યમથી પ્રેમીઓ પોતાના પ્રેમની અભિવ્યક્તિ ફરી એક વાર કરી લે છે

     

    ‘અલખ નિરંજન’ (સંગીતકાર્ પ્રેમનાથ)નું રાજ કુમારી અને સતીશ બત્રા સાથેનું ત્રિપુટી ગીત, યે દુનિયા ગોરખ ધંધા હૈ ભાગ યહાં સે યુ ટ્યુબ પર નથી મળી શક્યું.

    મોહમ્મદ રફીનાં  સંગીતકાર સાથેનાં પહેલવહેલાં યુગલ ગીતની શ્રેણીના બીજા પંચવર્ષીય સમયાખંડની આપણી સફર હવે ડિસેમ્બર ૨૦૨૩ના મણકામાં આગળ વધશે.

  • ફિલસુફીભર્યા ગીતો – ૧૨ – मर के भी किसी को याद आयेगे, किसी के आंसुओ में मुस्कुरायेंगे

    નિરંજન મહેતા

    ટહેલતા ટહેલતા જીવનની ફિલસુફી સમજાવતું ગીત છે ૧૯૫૯ની ફિલ્મ ‘અનાડી’નું.

     

    किसी की मुस्कुराहटो पे हो निसार
    किसी का दर्द मिल सके तो ले उधार
    किसी के वास्ते हो तेरे दिल में प्यार
    जीना इसी का नाम है

     

    माना अपनी जेब से फ़क़ीर है
    इर भी यारो दिल के हम अमीर है
    मिटे जो प्यार के लिए वो जिन्दगी
    जले बहार के लिए वो जिन्दगी
    किसी को हो न हो हमें तो है ऐतबार
    जीना इसी का नाम है

     

    रिश्ता दिल से दिल के ऐतबार का
    जिंदा है हमी से नाम प्यार का
    के मर के भी किसी को याद आयेगे
    किसी के आंसुओ में मुस्कुरायेंगे
    कहेगा फुल हर कली से बार बार
    जीना इसी का नाम है

     

    રાજકપૂર પર રચાયેલ આ ગીતના ગીતકાર છે શૈલેન્દ્ર. શંકર જયકિસનનુ સંગીત છે જેને સ્વર આપ્યો છે મુકેશે.

    જીંદગી એ સ્વ માટે નહિ પણ અન્ય માટે છે તે આ ગીતની મુખ્ય ફિલસુફી છે. તમારા સારા કામને કારણે કોઈ તમને સ્મિત આપી ઉપકાર પ્રદર્શિત કરે તો તેની ઉપર જાન ન્યોછાવર કરવો તેનું નામ જિંદગી. તે જ પ્રમાણે અન્યોના દર્દને પોતાનું સમજી અપનાવવું એ પણ જિંદગી નહિ તો બીજું શું?

    આગળ ઉપર કહેવાયું છે કે ભલે તમે ધનવાન ન હો પણ તમેં દિલથી તો અમીર જ છો. એટલે અન્ય પ્રત્યે તમે હમદર્દી દાખવી દિલનો ખજાનો લુંટાવો ત્યાંરે તમારૂ જીવવું સાર્થક છે.

    અન્યનો પ્રેમ મેળવવો અને બીજા પ્રત્યે મરી ફીટવું તે જ જિંદગીનો મર્મ છે. ભલે અન્યો તમારા પર વિશ્વાસ ન મુકે પણ તમેં અન્યો પર વિશ્વાસ મુકો છે તેથી તમે જિંદગી જીવો છો તે જ સત્ય છે કારણ એકબીજા સાથે વિશ્વાસનો સંબંધ છે. અન્યોનો પ્રેમ તમને તમારૂ જીવન જીવવાલાયક બનાવી દે છે. માટે અન્યો પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ બનાવી રાખો અને સાચવી રાખો જેથી તમારી હયાતિ ન હોય ત્યારે પણ લોકો તમને યાદ કરે. આમ તમારી યાદમાં કોઈના આંસુ વહેશે તો જિંદગી જીવ્યું સાર્થક થઇ રહેશે.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. 28339258/9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • ફિલ્મી ગઝલો – ૬. હસરત જયપુરી

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

     

    ભગવાન થાવરાણી

    જેમ શકીલ – નૌશાદ એકમેકના અભિન્ન અંગ એવું જ ગીતકાર બેલડી શૈલેન્દ્ર – હસરતનું. હસરત જયપુરીની મોટા ભાગની ફિલ્મો શંકર – જયકિશનના સંગીત નિર્દેશન હેઠળ હતી. ગીતકાર તરીકે એમનું ક્ષેત્ર અને વિષયો મર્યાદિત હતા. એમના મોટા ભાગના ગીતો – ગઝલો હુસ્ન-ઓ-ઈશ્ક, આશિક-માશુક, નકાબ-પરદા-ચિલમન-શબાબ અને ગુલબદન – ગુલનારથી આગળ ન ગયા. એ વાત જૂદી છે કે ફિલ્મો વેચવા માટે આ પ્રકારના ગીતોની જરૂર અને માંગ હતી. એ વાત પણ કબૂલ કે લોકપ્રિયતાની બાબતમાં એમના ગીતો સ્હેજેય ઉતરતા નહોતા, પછી ભલે એ ગીતોની લોકપ્રિયતાનો યશ એ ગીતોની ધુનોને આપીએ ! ખાલિસ ઉર્દૂના કેટલાય શબ્દો એમના ગીતોને કારણે લોકજીભે ચડ્યા ( ચશ્મે બદ્દૂર, ગુસ્તાખી માફ ) 

    એમના અપવાદરુપ કેટલાક ગીતો એવા પણ ખરા જેના અલફાઝ આપણને ચકરાવામાં નાંખી દે કે એ શૈલેન્દ્રના જ શબ્દો હોય, પણ નીકળે હસરત ! જેમ કે ‘ દુનિયા બનાને વાલે ક્યા તેરે મન મેં સમાઈ ( તીસરી કસમ – ૧૯૬૭ ), ‘ હમેં ભી દે દો સહારા કે બેસહારે હૈં ( સીમા – ૧૯૫૫ ) અને ‘ જાઉં કહાં બતા ઐ દિલ ‘ ( છોટી બહન – ૧૯૫૯ ). જોકે એવા ગીતો બહુ જૂજ.

    એમણે ખાસ્સી સંખ્યામાં ગઝલો લખી. શૈલેન્દ્ર કરતાં ક્યાંય વધારે. એમની એક ઓછી જાણીતી ગઝલ :

    તડપ તડપ કે કટી ઉમ્ર આશિયાને મેં
    મિલા  ન ચૈન હમેં તો  કભી ઝમાને મેં

     

    બહાર આઈ ખિલે ફૂલ હમ તો યે સમઝે
    કિસી ને આગ લગા દી હૈ આશિયાને મેં

     

    કિસી સે કુછ ન કહા  અપને દિલ સે બાતેં કી
    હમ આપ જલ ગએ દિલ કા દિયા જલાને મેં

     

    હમારે સબ્ર કા ભગવાન  ઈમ્તેહાન ન લે
    કહીં યે દમ ન નિકલ જાએ આઝમાને મેં..

     ફિલ્મ : દો ફૂલ – ૧૯૫૮

    – લતા

    – વસંત દેસાઈ

    આ બીજી ગઝલ શોખીનોને સુવિદિત છે :

    આએ  બહાર  બન  કે લુભા  કર ચલે ગએ
    ક્યા રાઝ થા જો દિલ મેં છુપા કર ચલે ગએ

     

    કહને કો વો હસીન થે  આંખેં થી બેવફા
    દામન મેરી નઝર સે બચા કર ચલે ગએ

     

    ઈતના મુઝે બતાઓ મેરે દિલ કી ધડકનોં
    વો કૌન થે જો ખ્વાબ દિખા કર ચલે ગએ..

     

    – ફિલ્મ : રાજહઠ – ૧૯૫૬

    – રફી

    – શંકર જયકિશન


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • વિરોધાભાસોમાંના સર્વસામાન્ય વિષયવસ્તુઓ : અન્યોન્યાશ્રયી પરિભાષાઓ

    જ્ઞાન સાથે રસ પણ પડે એવા વિરોધાભાસો

    સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ

    સ્વ- સંદર્ભ (self-reference), અસીમ પીછેહઠ (infinite regress),  અન્યોન્યાશ્રયી (ગોળગોળ) પરિભાષાઓ (circular definitions) અને અમૂર્ત વિચારણાનાં (abstraction) અલગ અલગ સ્તરો વચેની ગૂંચ કે સંદિગ્ધતા એ બધાં વિરોધાભાસોનાં સર્વસામાન્ય વિષયવસ્તુઓ છે.

    જીવન એક એવું પૂર્ણ વર્તુળ છે જે વિકસતું વિકસતું અનંતની ગતિમય હિલચાલો સાથે જઈ મળે છે.

    અનૈન નિન

    વર્તુળો સાથેના વિરોધાભાસોના સંદર્ભ આપણને અન્યોન્યાશ્રયી પરિભાષાઓ અને અન્યોન્યાશ્રયી તર્કબદ્ધ વિચારશક્તિ ભણી દોરી જાય છે.

    અન્યોન્યાશ્રયી પરિભાષા એવી વ્યાખ્યા છે જે જે પરિભાષાનાં વર્ણન કરવામાં આવી રહ્યું છે તેમાં એ જ શબ્દોનો પ્રયોગ કરે છે, કે પછી એમ માની લે છે કે જે શબ્દપ્રયોગો પ્રયોજિત થઈ રહ્યા છે તે જાણીતા જ છે.  અન્યોન્યાશ્રયી પરિભાષા વિવિધ પ્રકારની હોય છે, જેને મુખ્યત્વે વ્યવહારિક, શબ્દકોશીય કે ભાષાશાસ્ત્રીય એવાં વર્ગીકરણમાં વહેંચવામાં આવે છે. [1]

    આ પરિભાષાને The Jenndra Identitty Comics માં જોવા મળતાં નીચેનાં કટાક્ષચિત્રો વડે સમજવી સરળ પડશે :

    અન્યોન્યાશ્રયી તર્કબદ્ધ વિચારશક્તિ

             Read More: Logical Fallacies  માં કેટલીક સર્વસામાન્ય પ્રચલિત તર્કબદ્ધ તર્કદોશોની     વિગતે ચર્ચા દ્વારા તર્કબદ્ધ વિચારશક્તિ અને નિર્ણાયક સમજશક્તિને ઊંડાણમાં સમજાવતા   લેખોનો સંગ્રહ છે.

    અપેક્ષા મુજબના જવાબ મળે એવા સવાલ પૂછવા  / begging the question સાથે પણ તેને ગાઢ સંબંધ છે. [2]

            વધારાનું વાંચન : Circular Reasoning — Cognitive Science (PDF)

    પોતાની જ વ્યાખ્યામાં વાપરવા પડે એવા શબ્દો સભાનપણે ન વાપરીએ તો પણ એવી કેટલીય પરિભાષાઓ છે જેમાં એકબીજા પર આધાર રાખતા જ હોય એવા શબ્દો ટપકી જ પડે એવું બહુ બને છે. જેમકે, તેમનાં સ્વાભાવિક અસ્તિત્વના ક્રમમાં આ પરિભાષા જુઓ:

    બરફ. (નામ). પાણીનું ઘન સ્વરૂપ.

    વરાળ. (નામ). બરફનું વાયુ સ્વરૂપ.

    પાણી. (નામ). વરાળનું પ્રવાહી સ્વરૂપ.

    આમાંની એક પણ પરિભાષા આમ ભલે અન્યોન્યાશ્રયી ન ગણાય, પણ ત્રણેયને એક સાથે જોઇએ તો ગોળ ગોળ ફરીને વર્તુળ જ પુરૂં થાય છે.  તેમ છતાં મુળ શબ્દોનો અર્થ તો જ ચોખ્ખો થાય જો વાંચનારને પરિભાષામાં વપારાયેલ સ્વરૂપની સમજણ હોય ! નહીં તો આ ત્રણ પદાર્થો કોઈ અન્ય પદાર્થની ઘન, કે વાયુ કે પ્રવાહી અવસ્થા છે તેનાથી વધારે તેને કંઈ ન સમજાયું હોય. [3]

    “શબ્દકોશને અનુસરતા આલેખનો એક ભાગ –  ‘બરફ’, ‘વરાળ’ અને ‘પાણી’ મળીને જે વર્તુળ પુરૂં થાય છે તે ખાસ જોશો.

    ઘણી વ્યાખ્યાઓ અન્યોન્યાશ્રયી હોય છે પણ તેમ છતાં  તેમાં એ પારિભાષિક શબ્દ સમજવા માટે  પુરતી  માહિતી હોઈ શકે છે. જેમકે

    નિમ્બસ (વરસાદી ) વાદળ : વરાળમાંથી ટીપાં પેદા કરતું વાદળું. 

    અથવા

    નીતિશાસ્ત્ર: વ્યક્તિનાં વાણી વિચાર વર્તન  વર્તણૂક કે ચાલચલગત પર નિર્ધારક પ્રભાવ પાડતા નૈતિક સિદ્ધાંતો .

    નૈતિક  સિદ્ધાંતો : નૈતિકતાનાં ધોરણે, વ્યક્તિ કે સમુદાય, દ્વારા સ્વીકાર્ય એવા સિદ્ધાંતો .

    સાચુ અને ખોટું ઠરાવતા સિદ્ધાંતો : વ્યક્તિનાં નીતિમય વાણી, વિચાર અને વર્તનનાં પાયા સ્વરૂપ નૈતિક સિદ્ધાતો.

    કોઈ પણ જાતની આડીઅવળી સમજ ન પેદા થાય એવું લખનારે :

    ૧. અમાપ સંખ્યામાં શબ્દો પર પોતાનું પ્રભાવ એવી ભાષાનું શબ્દભંડોળ શીખવું અને કેળવવું જોઈએ જેથી પરિભાષાઓ માટે તે જે શબ્દોનો પ્રયોગ કરે પછીથી વ્યાખ્યાયિત થનારા શબ્દોનો પ્રયોગ ટાળી શકાય.

             બહુ દેખીતાં (ભૌતિક) કારણોસર, વ્યવહારમાં આમ કરી શકવું બહુ લાબું ખેંચી ન શકાય, જો એવી કોઈ ભૌતિક મર્યાદાઓ કદાચ ન પણ હોય તો પણ આવી વ્યવસ્થાથી સહેલાઈ સમજી  શકાય એવી કેટલી ગોઠવણ થઈ શકે તે સ્પષ્ટ નથી. .

    ૨. મર્યાદિત ભાષાભંડોળ હોવા છતાં જે શબ્દો વાપરવા પડે તેમની વ્યાખ્યાઓ કરવી ન પડે એવી ભાષા શૈલી વિકસાવવી જરૂરી છે.

            વધારાનું વાંચન : Logically Fallacious: આ પુસ્તકનું ધ્યાન તર્કબદ્ધ વિચાર કરવામાં થતી ભુલો જેને કહી શકાય એવા તર્કબદ્ધ તર્કદોષો ને સમજાવવા પર છે. એકે એક પાનાંનું    વાંચન કોઈની પણ તર્કબદ્ધ વિચારણા અને નિર્ણય પ્રક્રિયાઓમાં બહુ મોટા પાયે સુધારા    લાવી શકે છે.

    પર્યાવરણની સંપોષિત જાળવણી સાથે સંકળાયેલ વ્યાવસાયિકો માટે ખાસ, અને આજના લગભગ બધાં મૅનેજમેન્ટ ક્ષેત્રના વ્યાવસાયિકો માટે, અન્યોન્યાશ્રયી અર્થવ્યવસ્થા/ Circular Economy , ભલે આજના વિષયથી સાવ અલગ પણ,  એક મહત્વનો વિષય છે.

    કેટલાક વધારાના સંદર્ભો –

    વધારાનું વાંચન :

    Harnessing the Fourth Industrial Revolution for the Circular Economy – A white paper published in 2018 by the World Economic Forum

    Circular Fashion

    [1] Circular definition

    [2] Circular Reasoning: Definition and Examples

    [3] Circles 1: The Circular Reasoning

  • સુધારણા અને પરિવર્તનનાં પરિણામો પર મનની શ્રદ્ધાની પડતી અસરોની ભૂમિકા

    સ્વ-વિકાસ : વિચાર વલોણું

    તન્મય વોરા

    આ વર્ષે આમ  તો કરવું જ છે કે પેલું તો નક્કી જ કરવું છે એવા દર નવા વર્ષે કરાતા આપણા કૃતનિશ્ચયોનાં ભવિષ્ય  મોટા ભાગે બાળ મરણ જ હોય છે.  વ્યક્તિની જેમ જ ઘણી સંસ્થાઓમાં પણ ‘સુધારણા પગલાંઓ’ની આકર્ષક યાદીઓ બને છે જેમાંથી બહુ થોડી અમલ સુધી પહોંચે છે, અને જે કોઇ અમલ થાય પણ તે લાંબા ગાળા સુધી ટકતી ન હોય તેવું વધારે જોવા મળે છે.

    આમ થવાનું એક મુખ્ય કારણ એ છે કે ગમે એટલું સરળ દેખાતું પરિવર્તન પણ વ્યવહારમાં એટલું સરળ જ હોય એવું ભાગ્યેજ બનતું હોય છે. તેમાં આપણને જે ગોઠી ગયું છે તેમાં જરા સરખાં પણ  પરિવર્તનની સામેનો માનવ સહજ વિરોધ ભળે, એટલે મામલો વધારે બીચકતો હોય છે. તે ઉપરાંત, પરિવર્તનની સફરની શરૂઆત કરતી વખતે પરિણામો સ્વરૂપે  વચ્ચે આવનારાં સીમાચિહ્નોથી માંડીને અંતિમ લક્ષ્ય વિશે એકદમ સ્પષ્ટ ચિત્ર આપણી સમક્ષ ન હોય તેવું પણ બહુ વાર જોવા મળે છે.

    મોટા ભાગના જિમના એક તાલીમ  શિક્ષક એક વાત અચુકપણે તેમના તાલીમાર્થોને સમજાવતા હોય છે. કસરત કરતી વખતે જે લોકો થનાર સંભવિત દુખાવાના જ વિચારો કરતા હોય છે એ લોકો કસરત કરવાનું જલ્દી છોડી દેતા જોવા મળે છે. એ રીતે જે લોકો બીજા જ દિવસથી કસરતના ફાયદાઓ જોવાની અપેક્ષા સાથે જોડાય છે એ લોકો નિરાશ પણ જલ્દી થાય છે એટલે લાંબું ટકતા નથી હોતા.

    કોઈ પણ પરિવર્તન સમય તો અવશ્ય પણ માગી લે છે એ વાત તેમણે બહુ સરળતાથી કહી દીધી છે.

    પરિવર્તનના સંકલ્પ માટેની નિષ્ઠાની તાકાતની સાથે સાથે પછીથી થનારા સુધારાથી જે કંઈ, જેટલું પણ, થશે એ વિશે સારૂં જ થશે એવી અટલ શ્રદ્ધા અને પરિવર્તનના અમલ દરમ્યાન અને પછીથી તેની અસરોનેએ ટકાવી રાખવા માટે જે જહેમત લેવી પડે તેમાં કોઈ પણ તબક્કે જરા પણ કચાશ ન આવી જાય તે માટેની માનસિક અને શારીરિક તૈયારી અને પ્રતિબદ્ધતા પણ એટલાં મહત્વનાં બની રહેતાં હોય છે.

    પણ, સામાન્યપણે થતું હોય છે કે જ્યારે માથે પડતું આવે ત્યારે જ આપણે પરિવર્તન કરવા તૈયાર થતાં હોઈએ છીએ. તેમાં પણ જો  જોખમ આપણાં અસ્તિત્વને ટકાવવા જેવું ગંભીર ન હોય કે  આપણને બહુ મોટો લાભ થતો ન દેખાય, તો પરિવર્તન  કરવામાં આપણે પહેલેથી ઢીલાંઢાલાં પડવા લાગતાં હોઇએ છીએ. પરિવર્તનને અસરકારક અને લાંબે ગાળે ટકાઉ બનાવવા માટે એ પરિવર્તન આંતરસ્ફુરિત હોય એ બહુ આદર્શ પરિસ્થિતિ છે.  મનથી નક્કી  કરેલ અને સ્વીકારેલ પરિવર્તનોની સફરની અડચણો સહન કરી લેવા આપણે માનસિક રીતે વધારે સજ્જ થઈ શકીએ છીએ અને તેથી શારીરિક પ્રયત્નોનો નથી થાક લાગતો કે નથી કંટાળો આવતો.

            સો વાતની એક વાત :

            સંસ્થાની કે વ્યક્તિગત કક્ષાએ આપણે શરૂ કરેલ પરિવર્તન કેટલા સુધારામાં પરિણમશે તેનો સીધો સંબંધ પરિવર્તનના  લાભાલાભો વિશેની સ્પષ્ટ સમજણ અને   તેમાં આપણી શ્રધ્ધા સાથે છે. 

    – – – – –

    પાદ નોંધ

    “હિંમત એટલે ભય ન હોવો એટલું નહી પણ ભય કરતાં પણ બીજું પણ કંઈક વધારે મહત્ત્વનું છે તેવી સમજ” – ટ્વિટર પર વાંચેલું


    આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • પરમેશ્વરનું પ્લાનિંગ

    હકારાત્મક અભિગમ

    રાજુલ કૌશિક

    ક્યારેક આપણા જીવનમાં એવું બની જાય જેની આપણે કલ્પના સુદ્ધા ના કરી હોય. ઘણીવાર આપણે એવું સાંભળ્યુ હશે કે અનિવાર્ય સંજોગોના લીધે કોઇ વ્યક્તિને પોતાની કન્ફર્મ ફ્લાઇટ અથવા ટ્રેન ગુમાવવી પડી હોય. સમય સાચવી લેવો અગત્યનો હોય ત્યારે આવી ઘટનાથી કોઇપણ વ્યક્તિ ચોક્કસપણે નિરાશ થઇ જાય. કદાચ શક્ય છે કે અકળાઈ પણ જાય. પરંતુ જ્યારે ખબર પડે કે એ ગુમાવેલી ફ્લાઇટ કે ટ્રેનને અકસ્માત નડ્યો છે ત્યારે ? જીવતદાન મળવાની સામે ગુમાવેલી તક સાવ જ નગણ્ય, સાવ તુચ્છ લાગવા માંડે.

    આવી જ એક વાત…..એક સમયે એક ચિત્રકારે અત્યંત સુંદર અને જીવંત ચિત્રનું સર્જન કર્યું. ચિત્રમાં પુરેલા રંગોથી એ એટલું તો આબેહૂબ લાગતું હતું કે જાણે એમાં રચેલી સૃષ્ટિ હમણાં જ સજીવ થઈ ઉઠશે. પોતાના અત્યંત ખુબસુરત સર્જનને જોઇને ખુદ ચિત્રકાર પણ અભિભૂત થઇ ઉઠ્યો. ઊંચી ઇમારત પર ગોઠવાયેલા આ ચિત્રની ખૂબી માણવામાં એ ચિત્રકાર એટલો તો વ્યસ્ત અને મસ્ત થઈ ગયો કે એની આસાપાસ શું છે કે એ ક્યાં છે એની સુધ પણ ના રહી. પહેલા પાસે ઊભા રહીને એ ચિત્ર જોયું. ત્યારબાદ એ ચિત્રનું અવલોકન કરવા એ જરા આઘો જઈને ઊભો રહ્યો. હજુ થોડે દૂર રહીને એ ચિત્ર જોવાની લાલસા ન રોકાઇ અને એ પાછા પગલે ખસ્યો. ચિત્ર જોવામાં તલ્લીને એવા ચિત્રકાર જ્યાં  ઊભેલો હતો એ ઊંચાઇનો ખ્યાલ એના મનમાંથી સાવ નિકળી ગયો. હવે જો એક ડગલું પણ પાછો ખસે તો એ ઊંચી ઇમારત પરથી સીધો નીચે જ પટકાય.

    આ જોઇને ચિત્રકારની સાથે હાજર એક માણસ સતેજ બની ગયો. હવે જો એ બૂમ મારીને એ ચિત્રકારને ચેતવે તો શક્ય હતું કે એની બૂમથી ગભરાઇને પણ એ પાછળ ખસે તો જાનથી જાય. હવે? તત્ક્ષણ એ માણસે ચિત્ર પાસે પડેલા રંગમાં પીછી બોળીને એના પર ધબ્બા પાડી દીધા.

    આ જોઇને ક્રોધે ભરાયેલો ચિત્રકાર એને મારવા દોડી આવ્યો પણ ત્યાં ઊભેલા અન્ય લોકોએ એને રોકી લીધો. પોતાના શ્રેષ્ઠ સર્જનને આમ રોળી નાખનાર પર અત્યંત ક્રોધે ભરાયેલા ચિત્રકારને વાસ્તવિકતાનું ભાન કરાવતા લોકોએ બતાવ્યું કે એ જે જગ્યાએ ઊભો હતો ત્યાંથી એક ડગલું પણ પાછળ ખસે તો શું અનર્થ થાત.

    આપણી સાથે પણ આવું જ બનતું હોય છે. મનથી નિશ્ચિત કરેલા પ્લાન કોઇ અગમ્ય કારણોસર રોળાઇ જાય ત્યારે આપણે સૌ નાસીપાસ થઈ જઈએ છીએ ને? એ ક્ષણે તો આપણને આપણી જાત પર , સંજોગો પર કે લાગે વળગતા સૌ કોઇ પર અપાર ક્રોધ આવે. કશું જ ન કરી શકવાની લાચારીથી હતાશા પણ ઊપજે.

    જરૂર છે સ્વસ્થ મનથી વિચારવાની. થોડી ધીરજ રાખીશું તો ચોક્કસ સમજાશે કે ઇશ્વરે આપણા માટે કશુંક વધારે યોગ્ય નિશ્ચિત કર્યું હતું, વધુ શ્રેષ્ઠ ભાવિનું નિર્માણ કર્યું હતું. આપણે જે કંઇ ઇચ્છતા હોઇએ એનાથી વિપરીત પરિસ્થિતિ ઊભી થાય તો એનો અર્થ એ કે ભાવિના ગર્ભમાં કશુંક વધુ સારું બીજુ આપણા માટે ઈશ્વરે રોપ્યું છે. પરમેશ્વરથી વધીને વધુ સારો પ્લાનર કોઇ નથી.


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • અન્નનો વેડફાટ એટલે બ્રહ્મનું અપમાન

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    અન્ન એટલે કે અનાજ એટલે કે આહાર આપણા જીવન માટેની અનિવાર્ય જરૂરિયાત છે. તેનું જીવન માટેનું મહત્ત્વ જોતાં તેને વાજબી રીતે જ ‘અન્નદેવતા’ તરીકે ઓળખવામાં આવે છે. અન્નસંબંધી અનેક કહેવતો કે રૂઢિપ્રયોગો આપણે ત્યાં પ્રચલિત છે. જેમ કે, ‘અન્ન એવો ઓડકાર’, ‘અન્ન ત્યાં સુધી તન’, ‘અન્ન એવું મન’, ‘અન્ન જીવાડે અને અન્ન મારે’ સહિત બીજા અનેક.

    આપણા આહાર અંગે વિવિધ શોધખોળ સતત થતી આવી છે. આપણી પરિવર્તનશીલ જીવનશૈલી અને તેને લઈને થતા રોગોનો ઈલાજ આવી શોધખોળો થકી થતો રહે છે. આમ થાય ત્યારે એમ માનીને ચાલવામાં આવે છે કે સૌ નાગરિકોને પેટ ભરવા પૂરતો આહાર મળી રહે છે. પણ થોડા સમય પહેલાં સમાચાર આવ્યા કે ૨૦૨૨માં પ્રકાશિત વૈશ્વિક ક્ષુધાંક (ગ્લોબલ હન્‍ગર ઈન્‍ડેક્સ)માં આપણો ભારત દેશ કુલ ૧૨૧ દેશોમાં ૧૦૭મા ક્રમે આવ્યો છે. આ અંકના માપન માટે ચાર મહત્ત્વનાં પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે. કુપોષણ, કુપોષણને લઈને રુંધાતો વિકાસ, કુપોષણને કારણે દુર્બળતા અને બાળમૃત્યુદર. સો પૉઈન્‍ટના માપદંડના આધારે આ અંકની ગણતરી કરાય છે, જે ભૂખની તીવ્રતા દર્શાવે છે. એ મુજબ શૂન્ય ઉત્તમ સ્કોર ગણાય, જે સૂચવે છે કે કોઈ ભૂખ્યું નથી, અને સો સૌથી ખરાબ સ્કોર ગણાય.

    સાદર્ભિક તસવીર – નેટ પરથી

    અલબત્ત, કેન્‍દ્ર સરકારે સંસદમાં જણાવેલું કે આ આંકડા ભારતનું સાચું ચિત્ર દર્શાવતા નથી. દેશમાં પ્રવર્તતી સ્થિતિને તે યોગ્ય રીતે સૂચવતા નથી કે નથી તેનું યોગ્ય પ્રતિનિધિત્વ કરતા. દેશના મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ અંક માપવાના ચાર પરિબળો પૈકી કેવળ કુપોષણનું એક જ પરિબળ ભૂખ સાથે સીધેસીધું સંબંધિત છે. કુપોષણને કારણે રુંધાતો વિકાસ અને દુર્બળતા માટે આનુવંશિકતા, પર્યાવરણ, સ્વચ્છતા જેવાં અન્ય પરિબળો જવાબદાર હોય છે. મહિલા અને બાળવિકાસ મંત્રાલયે એમ પણ કહ્યું કે ભારતની છબિને દાગ લગાવવાનો આ સાતત્યપૂર્વકનો અને દેખીતો પ્રયત્ન છે. ગેરમાહિતી આ વાર્ષિક ઈન્‍ડેક્સનો મુદ્રાલેખ હોય એમ જણાય છે.

    આ અંક અનુસાર ભારતનું સ્થાન શ્રીલંકા (૬૪મું), નેપાળ (૮૧ મું), બાંગ્લાદેશ (૮૪મું) અને પાકિસ્તાન (૯૯મું) કરતાંય પાછળ છે. આ દેશોના વિસ્તાર અને વસતિની રીતે વિચારીએ તો તેમની સરખામણી ભારત સાથે કરવી અયોગ્ય ગણાય. આથી માનીએ કે આપણા દેશનો ક્રમ કદાચ યોગ્ય ન હોય, છતાં તેનાથી વાસ્તવિકતા ખાસ બદલાતી નથી. મૂળ મુદ્દો અપૂરતા ખોરાકનો અને કુપોષણનો છે. દેશ ગમે એટલો વિકાસ કરે, પોતાના નાગરિકને પેટ ભરવા પૂરતું ભોજન પૂરું ન પાડી શકે તો એનો શો અર્થ? એક તરફ આધુનિક સંશોધનોને લઈને અસાધ્ય મનાતા વિવિધ રોગોના ઉપચારની વાત ચાલી રહી હોય અને બીજી તરફ મહારોગ જેવો ભૂખમરો વ્યાપ્ત હોય એ કેવી વક્રતા! માની લઈએ કે કોઈક વિદેશી સંસ્થાએ કરેલો આ અભ્યાસ ચોકસાઈપૂર્વકનો ન હોય કે આપણા દેશને નીચો દેખાડવાનું કાવતરું હોય, પણ ભૂખમરાનું પ્રમાણ વ્યાપક હોવાની હકીકત શી રીતે નકારી શકાય?

    ભૂખમરાની વાતને ઘડીક બાજુએ મૂકીએ તો આપણા દ્વારા થતા અન્નના બેફામ વેડફાટનું શું? આપણા લગ્નસમારંભોમાં ભોજનનો અક્ષમ્ય વેડફાટ કરવામાં આવે છે એ ઉઘાડી હકીકત છે. સામાન્યપણે પ્રચલિત સ્વરુચિ ભોજનની પદ્ધતિમાં લોકો ફરી વાર વાનગી લેવા જવું ન પડે એ માટે પોતાની ડિશને ભરચક કરી મૂકે છે- ચાહે જરૂર હોય કે ન હોય! આથી સ્વરુચિભોજનનો મૂળભૂત હેતુ જ મારો જાય છે અને ભોજનનો જથ્થાબંધ વેડફાટ થતો રહે છે. હવે તો યજમાન ભોજનનો સીધેસીધો કંત્રાટ આપી દે છે, આથી ભોજનના વેડફાટ બાબતે તેની કશી નૈતિક જવાબદારી પણ રહેતી નથી, જે પહેલાં પણ નહોતી.

    આમ પણ ભોજનનો વેડફાટ અટકાવવો એ વ્યક્તિગત નૈતિક જવાબદારી છે એવું ભાગ્યે જ કોઈ સમજે છે. પ્રસંગે થતા વેડફાટ પછી વાત આવે વ્યક્તિગત સ્તરે કરવામાં આવતા બગાડની. આપણે ભોજન માટે બહાર રેસ્તોરાંમાં જઈએ ત્યારે એવી અનેક વાનગીઓ હોય છે, જેને આપણે ડિશમાં છાંડીએ છીએ. સમાજનો એક આખો વર્ગ એવો છે કે જે માને છે કે પીરસાયેલું ભાણું સાવ પૂરું ન કરાય. આથી તેઓ થાળીમાં ભોજન છાંડે છે. ભોજન એટલે કે અન્ન પણ નૈસર્ગિક સ્રોત છે, અને તેનો ઉપયોગ વિવેકપૂર્વક થવો ઘટે. કેવળ નાણાં કે પોષાણ હોવાથી અન્નના વેડફાટનો પરવાનો મળી નથી જતો.

    આપણું મંત્રાલય કહે છે એમ ગ્લોબલ હન્‍ગર ઈન્‍ડેક્સ કદાચ એકતરફી હોય કે ભૂલભરેલો હોઈ શકે, પણ સંસ્કૃતિ બની રહેલી વેડફાટની આપણી આદતનું શું કરીશું? ભૌતિક રીતે આપણે પ્રગતિ કરતા જઈએ છીએ એમ કુપોષણ, ભૂખમરો કે અન્નથી વંચિત હોવાનો વિરોધાભાસ વધતો જતો હોય એમ લાગે છે. એના માટે બીજે ક્યાંય જવાની જરૂર નથી, પણ આપણી આસપાસ અને પોતાની થાળીમાં નજર કરવાથી જ તેનાં પ્રત્યક્ષ દર્શન થઈ શકશે. નવધનિક બની રહેલો મધ્યમ વર્ગ કેવળ અન્નને નહીં, કોઈ પણ નૈસર્ગિક સ્રોતનો વેડફાટ કરવામાં પોતાનો મોભો સમજે છે. અન્ન બાબતે હવે નવેસરથી વિવેક કેળવવાની જરૂર જણાય છે.

    એક તરફ સરકારી યોજનાના ‘અન્નબ્રહ્મ’ જેવા નામકરણ થકી અન્નને બ્રહ્મનો દરજ્જો અપાતો હોય અને બીજી તરફ માનવની મૂળભૂત જીવનજરૂરિયાત પણ પૂર્ણ થતી ન હોય તો એ સંસ્કૃતિગૌરવનો દાવો શા કામનો?


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૯ – ૦૬ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)