સ્વ-વિકાસ : વિચાર વલોણું

તન્મય વોરા

આ વર્ષે આમ  તો કરવું જ છે કે પેલું તો નક્કી જ કરવું છે એવા દર નવા વર્ષે કરાતા આપણા કૃતનિશ્ચયોનાં ભવિષ્ય  મોટા ભાગે બાળ મરણ જ હોય છે.  વ્યક્તિની જેમ જ ઘણી સંસ્થાઓમાં પણ ‘સુધારણા પગલાંઓ’ની આકર્ષક યાદીઓ બને છે જેમાંથી બહુ થોડી અમલ સુધી પહોંચે છે, અને જે કોઇ અમલ થાય પણ તે લાંબા ગાળા સુધી ટકતી ન હોય તેવું વધારે જોવા મળે છે.

આમ થવાનું એક મુખ્ય કારણ એ છે કે ગમે એટલું સરળ દેખાતું પરિવર્તન પણ વ્યવહારમાં એટલું સરળ જ હોય એવું ભાગ્યેજ બનતું હોય છે. તેમાં આપણને જે ગોઠી ગયું છે તેમાં જરા સરખાં પણ  પરિવર્તનની સામેનો માનવ સહજ વિરોધ ભળે, એટલે મામલો વધારે બીચકતો હોય છે. તે ઉપરાંત, પરિવર્તનની સફરની શરૂઆત કરતી વખતે પરિણામો સ્વરૂપે  વચ્ચે આવનારાં સીમાચિહ્નોથી માંડીને અંતિમ લક્ષ્ય વિશે એકદમ સ્પષ્ટ ચિત્ર આપણી સમક્ષ ન હોય તેવું પણ બહુ વાર જોવા મળે છે.

મોટા ભાગના જિમના એક તાલીમ  શિક્ષક એક વાત અચુકપણે તેમના તાલીમાર્થોને સમજાવતા હોય છે. કસરત કરતી વખતે જે લોકો થનાર સંભવિત દુખાવાના જ વિચારો કરતા હોય છે એ લોકો કસરત કરવાનું જલ્દી છોડી દેતા જોવા મળે છે. એ રીતે જે લોકો બીજા જ દિવસથી કસરતના ફાયદાઓ જોવાની અપેક્ષા સાથે જોડાય છે એ લોકો નિરાશ પણ જલ્દી થાય છે એટલે લાંબું ટકતા નથી હોતા.

કોઈ પણ પરિવર્તન સમય તો અવશ્ય પણ માગી લે છે એ વાત તેમણે બહુ સરળતાથી કહી દીધી છે.

પરિવર્તનના સંકલ્પ માટેની નિષ્ઠાની તાકાતની સાથે સાથે પછીથી થનારા સુધારાથી જે કંઈ, જેટલું પણ, થશે એ વિશે સારૂં જ થશે એવી અટલ શ્રદ્ધા અને પરિવર્તનના અમલ દરમ્યાન અને પછીથી તેની અસરોનેએ ટકાવી રાખવા માટે જે જહેમત લેવી પડે તેમાં કોઈ પણ તબક્કે જરા પણ કચાશ ન આવી જાય તે માટેની માનસિક અને શારીરિક તૈયારી અને પ્રતિબદ્ધતા પણ એટલાં મહત્વનાં બની રહેતાં હોય છે.

પણ, સામાન્યપણે થતું હોય છે કે જ્યારે માથે પડતું આવે ત્યારે જ આપણે પરિવર્તન કરવા તૈયાર થતાં હોઈએ છીએ. તેમાં પણ જો  જોખમ આપણાં અસ્તિત્વને ટકાવવા જેવું ગંભીર ન હોય કે  આપણને બહુ મોટો લાભ થતો ન દેખાય, તો પરિવર્તન  કરવામાં આપણે પહેલેથી ઢીલાંઢાલાં પડવા લાગતાં હોઇએ છીએ. પરિવર્તનને અસરકારક અને લાંબે ગાળે ટકાઉ બનાવવા માટે એ પરિવર્તન આંતરસ્ફુરિત હોય એ બહુ આદર્શ પરિસ્થિતિ છે.  મનથી નક્કી  કરેલ અને સ્વીકારેલ પરિવર્તનોની સફરની અડચણો સહન કરી લેવા આપણે માનસિક રીતે વધારે સજ્જ થઈ શકીએ છીએ અને તેથી શારીરિક પ્રયત્નોનો નથી થાક લાગતો કે નથી કંટાળો આવતો.

        સો વાતની એક વાત :

        સંસ્થાની કે વ્યક્તિગત કક્ષાએ આપણે શરૂ કરેલ પરિવર્તન કેટલા સુધારામાં પરિણમશે તેનો સીધો સંબંધ પરિવર્તનના  લાભાલાભો વિશેની સ્પષ્ટ સમજણ અને   તેમાં આપણી શ્રધ્ધા સાથે છે. 

– – – – –

પાદ નોંધ

હિંમત એટલે ભય ન હોવો એટલું નહી પણ ભય કરતાં પણ બીજું પણ કંઈક વધારે મહત્ત્વનું છે તેવી સમજ” – ટ્વિટર પર વાંચેલું


આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.