-
હું કયાં?
હરેશ ધોળકિયા
વર્તમાનમાં ટી.વી. જોઈએ કે છાપાં વાંચીએ કે સોશિયલ મીડિયામાં વાંચીએ, તો વિશ્વના લગભગ નેતાઓનાં વકતવ્યો કે લખાણો જોઈ હસવું કે રડવું તેની સમજ ન પડે. અહંકારથી છલકાતાં વકતવ્યો હોય છે. પોતે શું કરે છે, શું કરી શકે છે તેના હુંકાર તેમાં સંભળાય છે. કોઈ જ વક્તવ્યમાં ઊંડાણ, અભ્યાસ કે વીઝન જોવા ન મળે. કદાચ કયાંક વીઝનનો આભાસ થાય,
પણ તે દેખાવ પૂરતો, પ્રચાર અર્થે જ હોય છે તે તરત ખ્યાલ આવી જાય. લગભગ વક્તવ્યો છીછરાં હોય છે. એટલે જ મોટા ભાગનાં વક્તવ્યો કે વિધાનો કરાય કે તરત તેનો વિરોધ કરવામાં આવતો જોવા મળે છે. અને આ વકતાઓ તેનો જવાબ પણ નથી આપતા. કદાચ આપે છે તો તેમાં જવાબ બદલે તિરસ્કાર વધારે જોવા મળે છે.આ બાબતનો ખ્યાલ ઝડપથી એટલા માટે આવે છે કે ભૂતકાળમાં એવા નેતાઓ જોયા-સાંભળ્યા છે જેઓ અભ્યાસી, નિષ્ણાત અને વિચારકો હતા. જવાહરલાલ નેહરુ એક આંતરરાષ્ટ્રીય કક્ષાના નેતા હતા. પ્રકાંડ વિદ્વાન હતા. અભ્યાસી હતા. તેમને સાંભળવા વિશ્વના લોકો આતુર રહેતા. અને તેઓના વકતવ્ય પછી સાંભળનારને વિચાર કરવો પડે તેવી સ્થિતિ થતી. એક વાક્ય પણ વ્યર્થ ન બોલતા. તો ડો. રાધાકૃષ્ણન પણ આંતરરાષ્ટ્રીય તત્વજ્ઞાની અને વિચારક હતા. સમગ્ર દુનિયા તેમને સાંભળવા આતુર રહેતી. વડા પ્રધાન નરસિંહરાવ તો ચૌદેક ભાષાના વિદ્વાન હતા. એક ઉતમ લેખક હતા. ડો. મનમોહનસિંહ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાના અર્થશાસ્ત્રી છે. વિશ્વ કક્ષાએ કામ કરેલ છે. ભારતની આર્થિક સ્થિતિ બદલાવવામાં તેમનો બહુ મોટો ફાળો છે. ડો. કલામ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાના વિજ્ઞાની હતા. વિશ્વમાં પણ કેનેડી, ચર્ચીલ, ગોર્બોચોવ જેવા નેતાઓ પ્રભાવશાળી અને અભ્યાસી હતા. આજે ગમે ત્યાં નજર કરો, આવા કોઈ નેતા નથી જોવા મળતા. હા, વિદ્ધાનો છે, પણ તેમાંથી કોઈ જ નેતા નથી. નેતૃત્વમાં આત્યંતિક ગરીબાઈ જોવા મળે છે.
આ નેતાઓમાં કે માનવોમાં અહંકાર જોવા મળે છે, ત્યારે વિચાર આવે છે કે માણસજાત અહંકાર કરી શકે તેવી ક્ષમતા તે ધરાવે છે ? શું જગત કે બ્રહ્માંડમાં માનવજાત શ્રેષ્ઠ છે ? શું કહે છે વિચારકો ? જાણવા જેવો મુદો છે આ.
થોડા સમય પહેલાં ઈતિહાસ પર એક પુસ્તક પ્રકાશિત થયું છે. તેનું નામ છે ‘સેપિયન્સ.’ તેના લેખક છે યુવલ હરારે. અદભુત પુસ્તક છે. તેમાં તેણે માનવજાતનો ઈતિહાસ આપ્યો છે. તેની લીટીએ લીટી વાંચવા જેવી છે. (ગુજરાતીમાં આવી ગયું છે.) ઉપરછલ્લી રીતે વાંચીએ તો છેલ્લા વીસ લાખ વર્ષમાં માનવજાતે કેવો અદભુત વિકાસ કર્યો છે તેની માહિતી મળે છે જે
વાંચી સ્તબ્ધ થઈ જવાય છે. ગુફાવાસી માનવમાંથી આજે રોકેટવાસી માનવ બની ગયો છે જે હવે તો મૃત્યુને પણ પડકારવા લાગ્યો છે. અમર થવાના પૂરા પ્રયાસો કરે છે. લેખકે ખૂબ ઝીણવટથી આ બધાનું વર્ણન કરેલ છે. પણ છેલ્લે આ સવાલ તે પણ ઉઠાવે છે કે શું માનવજાત સર્વશ્રેષ્ઠ છે ખરી ? તેનો તેણે વિસ્તૃત જવાબ આપેલ છે, પણ આપણે એક જ વિધાન જોઈએ. તે લખે છે, ” મનુષ્યો એક એવી આંધળી ઉત્કાન્તિનું પરિણામ છે જે કોઈ ધ્યેય કે હેતુ વગર ચાલ્યા જ કરે છે. આપણાં કર્મો કોઈ દિવ્ય બ્રહ્માંડીય યોજનાનો હિસ્સો નથી. આવતી કાલે જો પૃથ્વી વિસ્ફોટમાં ઊડી જાય, તો પણ બ્રહ્માંડ એની રીતે એનું કામ કરતું રહેશે.” ભયંકર વાક્ય છે. એ નગ્ન રીતે સૂચવે છે કે બ્રહ્માંડના સંદર્ભમાં માણસ કંઈ જ નથી. તેના વિના પણ બ્રહ્માંડ ચાલી શકે તેમ છે.
થોડાં વર્ષો પહેલાં મહર્ષિ વિનોબાએ પણ અહંકાર સંદર્ભે આવું જ વિધાન કરેલ. તેમણે કહેલ કે બ્રહ્માંડમાં પૃથ્વી એક ચણા જેવડી છે. આ ચણાના સીતેર ટકા ભાગમાં પાણી છે. ત્રીસ ટકામાં લગભગ દોઢસો જેટલા દેશો છે. આ દેશોમાં મારો એક દેશ છે. એ દેશમાં પાછા બત્રીસેક રાજયો છે. દરેક રાજયોના પાછા ત્રીસ ચાલીસ જિલ્લાઓ છે. દરેક જિલ્લાનાં એટલા જ તાલુકાઓ છે. દરેક તાલુકાનાં પુષ્કળ ગામો છે. એમાં એક મારું ગામ છે. ગામના દસ પંદર વોર્ડ છે. તેમાં એક મારો વોર્ડ છે. મારા વોર્ડમાં પાછાં હજારેક ઘર છે. તેમાં એક મારું ઘર છે- બે ચાર રુમોવાળું. તેમાંના એક નાનકડા રુમમાં હું બેઠો છું અને મૂછ પર હાથ ફેરવું છું અને અહંકારથી છલકાઉં છું. હવે ચણાને સીતેર, ત્રીસ, દોઢસો….એમ ભાગતા જવાનું છે અને મારા રુમ સુધી પહોંચતાં ચણાનો કેટલો હિસ્સો રહે છે તે વિચારવાનું છે. કેટલો રહેશે ચણો ? તેમાં મારો રુમ કેવડો હશે ? એ રુમમાં પણ હું બેઠેલ છું તે જગ્યા કેવડી હશે ? આ વિરાટમાં મારા અહંકારનું મૂલ્ય શું હશે ? માત્ર ગણતરી કરાશે તો બધી હવા નીકળી જશે. હું મને બેકટેરિયા કરતાં પણ નાનો લાગીશ. મૂછ પર હાથ ફેરવવો યોગ્ય હશે ?”
“આ તો નિરાશાવાદી વિધાનો છે. તો શું માણસનું કશું જ મૂલ્ય નથી ?” ગુસ્સામાં સવાલ પૂછાશે.
જો વિરાટ અને વ્યાપક સંદર્ભમાં તપાસવામાં આવશે તો ” હા ‘ માં જવાબ આવશે. બ્રહ્માંડમાં પૃથ્વી કરતાં હજાર હજાર ગણા મોટા તારા છે. તેમની સામે પૃથ્વી પણ બેકટેરિયા જેવી છે. તો હું કયાં ? મારા હોવા-ન હોવાથી કશો જ ફર્ક નથી પડતો. અરે, આ વીસ લાખ વર્ષમાં આ પૃથ્વી પર પણ અબજો લોકો આવી ગયા છે અને આવતા રહે છે.આ વિરાટ સમુહમાં હું કયાં ? અરે, મોટા શહેરના રેલ્વે સ્ટેશનમાં પણ ઊભું તો ભીડ વચ્ચે હું એક છછુંદર જેવો લાગું છું. તો અબજો-ખરબો લોકો વચ્ચે?
અને છતાં, હું ધારું તો, મારું વ્યકિતત્વ ખડું કરી શકું છું. મારા સ્થળ-કાળમાં હું જો મારું વ્યકિતત્વ કેળવી શકું, તો ચોકકસ પ્રભાવ પાડી શકું છું.
આમાં પણ પાછા બે પ્રકાર છે.
પહેલા પ્રકારમાં વ્યકિત પોતાના સમયમાં પોતાના ક્ષેત્રમાં પોતાના કર્મથી ચોકકસ પ્રભાવ પાડી શકે છે. પછી તે ઘરમાં હોય, શેરી કે ગામમાં હોય કે રાજયમાં પણ હોય. બહુ મહેનત કરે તો દેશ સુધી પણ જઈ શકે. દરેક સમયમાં આવા લોકો આવતા રહે છે જેઓ પોતાના ક્ષેત્રમાં પ્રભાવક રહે છે. જયાં સુધી તેઓ સક્રિય હોય છે, ત્યાં સુધી તેમનો વતો-ઓછો પ્રભાવ તે
ક્ષેત્રમાં પડે છે. આ પ્રભાવ કોઈ સર્જનાત્મક ક્ષેત્રમાં હોય કે ભૌતિક ક્ષેત્રમાં પણ હોય. તત્કાલીન તેનાથી આસપાસના લોકોને લાભ પણ થતો હોય છે. પણ આ પ્રભાવ વ્યક્તિ હોય ત્યાં સુધી અથવા કામ કરે ત્યાં સુધી – અને તેના નાના ક્ષેત્રમાં- જ રહે છે. પછી તરત ભૂલાઈ જાય છે. બીજું કોઈ તેનું સ્થાન લઈ શકે છે. તેમનો પ્રભાવ લાંબા ગાળા સુધી રહેતો નથી. અનેક લોકો
ધર્મસ્થાનો, હોસ્પિટલો વગેરે બંધાવે છે જેનો સમાજને લાભ પણ થાય છે. પણ તે લોકો ગયા પછી હોસ્પિટલ ચોકકસ કામ કરે છે, પણ તે લોકો ભૂલાઈ જાય છે.પણ બીજા પ્રકારમાં એવા લોકો આવતા હોય છે જેઓ લાંબા ગાળા સુધી પ્રભાવ પાડી શકે છે. તેઓ તેમનું વ્યકિતત્વ એટલું તો પ્રભાવશાળી કેળવે છે કે તેમનો પ્રભાવ, કયારેક તેમના ક્ષેત્રમાં કે કયારે વિશ્વમાં, શાશ્વત રહે છે. તેમને સમય કે સ્થળ નડતાં નથી કે પ્રભાવિત પણ નથી કરી શકતાં. તેઓ એ બન્નેને અતિક્રમી જઈ પ્રભાવક રહે છે. આપણો ઈતિહાસ આવા લોકોને યાદ રાખે છે. આપણે બુઘ્ધ, મહાવીર, ઈશુ, સોકેટીસ, લાઓત્ઝે, મહમદ પયગંબર, રામકૃષ્ણ, વિવેકાનંદ, મહાત્મા ગાંધી વગેરેને આમાં ગણી શકીએ. આ લોકોને તેમના સમયમાં અને તેમના ગયા પછી પણ સમાજ ભૂંસવાનો પૂરતો પ્રયાસ કરે છે, છતાં તેઓના પ્રભાવમાં એક ક્ષણ પણ ઘસરકો પડતો નથી. ઉલટા વધારે પ્રકાશિત અને પ્રભાવક થતા જાય છે.
મજાની વાત એ છે કે આ બન્ને પ્રકારના લોકો કયારે અહંકાર નથી કરતા, કારણ કે વિરાટના સંદર્ભમાં પોતે કયાં છે તેનું તેમને પૂરું ભાન હોય છે. આ ભાન કે સજાગતા તેમને નમ્ર રાખે છે. અબજો લોકોમાંથી માત્ર આ લોકોએ જ માનવજાતનો વિકાસ કર્યો છે. તેમની સંખ્યા નહીંવત હોય છે. બહુમતિ તો સામાન્ય કે સરાસરી જીવન જીવે છે. તેમને વ્યકિતત્વ જેવું કશું હોતું
જ નથી. એક કવિ કહે છે તેમ તેઓ તો બસ, ” ફરે, ચરે, રતિ કરે” અને એક દિવસ મરી જાય છે. તેઓ જીવે કે ન જીવે, કશો જ ફર્ક નથી પડતો. હા, કદાચ તેમના કુટુંબમાં મહત્વના મનાતા હશે (જો કે આ મહત્વ પણ મોહ આધારિત કે ઉપયોગીતાના સંદર્ભમાં હશે), પણ વ્યાપક સંદર્ભમાં તેમનો ફાળો શૂન્ય હોય છે. પણ આ મુઠ્ઠીભર લોકો એવા હોય છે જેઓ તેમની હાજરીમાં કે ગયા પછી પણ ઝળહળતા રહે છે, પછીના સમાજોને પણ પ્રભાવિત કરતા રહે છે અને માર્ગદર્શન આપતા રહે છે.આ મુઠ્ઠીભર લોકોમાં જો આવી શકાય, તો જીવવાનો અર્થ છે, નહીં તો જીવન વ્યર્થ છે. હા, અહંકાર કરવાની છૂટ છે, પણ પાસે રહેલ ગલુડિયું પણ તેમને ભસવા તૈયાર નહીં હોય !
એટલે દરરોજ સવારે ઉઠીને પહેલો વિચાર એ કરવાનો છે કે આ સંદર્ભમાં હું કયાં છું ?
પ્રમાણિક હશું તો સાચો જવાબ મળશે જ !
શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com
-
કાયદેસર અને સલામત ગર્ભપાતના મહિલા અધિકારનો ‘સર્વોચ્ચ’ ચુકાદો
નિસબત
ચંદુ મહેરિયા
ઘટના-૧
અમેરિકાના ટેકસાસમાં ગર્ભપાત કાનૂની ગુનો હતો.. ૧૯૬૯માં ટેકસાસ નિવાસી મહિલા નૉમૉ મેકર્કાવી ગર્ભપાત કરાવવા માંગતા હતા. પરંતુ રાજ્યનો કાયદો તેમને ગર્ભપાતની મંજૂરી આપતો નહોતો. તેથી તેમણે ફેડરલ કોર્ટમાં એબોર્શન લોને પડકાર્યો હતો.ગર્ભપાતના કાયદાને ગેરબંધારણીય ઠેરવવાની માંગણી કરી હતી. અદાલતમાં સરકાર પક્ષે ડિસ્ટ્રીકટ એટર્ની ડેનરી વેડે કાયદાનો બચાવ કર્યો હતો. ફેડરલ કોર્ટે કાયદાની બંધારણીયતાને માન્ય રાખીને ગર્ભપાત ગેરકાયદે હોવાનું સ્વીકાર્યું હતું. એટલે મહિલાને ગર્ભપાતની મંજૂરી મળી નહીં. મહિલાએ આ ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારતાં અમેરિકી સુપ્રીમ કોર્ટે ૧૯૭૩માં મહિલાનો ગર્ભપાતનો હક માન્ય રાખ્યો હતો. અદાલતી કાર્યવાહીમાં મહિલાની ઓળખ ગુપ્ત રાખી તેમને જેન રો તરીકે ઓળખાવ્યાં હતાં. બચાવ પક્ષે એટર્ની હેનરી વેડ હતા. એટલે સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો રો વર્સિસ વેડ જજમેન્ટ તરીકે તરીકે જાણીતો છે.
હવે પચાસેક વરસોના અંતરાલે આ વરસે જ અમેરિકાની સુપ્રીમ કોર્ટે રો વર્સિસ વેડ જજમેન્ટને ઉલટાવીને ગર્ભપાત કરાવવો તે ગેરકાયદેસર હોવાનો ચુકાદો આપ્યો છે.
ઘટના-૨
અપરિણીત પરંતુ લીવ ઈન રિલેશનશીપમાં રહેતાં મૂળે ભારતના મણિપુર રાજ્યના અને દિલ્હીવાસી પચીસ વર્ષીય મહિલાએ તેમનાં ૨૩ અઠવાડિયાના ગર્ભનો નિકાલ કરવા દિલ્હી હાઈકોર્ટમાં ધા નાંખી હતી. મહિલાએ સ્વીકાર્યું હતું કે તેમના પુરુષસાથી સાથેના સહમતીથી બંધાયેલાં શરીર સંબંધથી તેઓ ગર્ભવતી થયાં હતાં. પરંતુ પુરુષમિત્રે લગ્નનો ઈન્કાર કરતાં હવે તેઓ બાળકને જન્મ આપવા માંગતા નથી. દિલ્હી હાઈકોર્ટે ૧૯૭૧ના મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગન્સી એક્ટ, ૨૦૨૧ના સુધારા અને તે અંગેના નિયમ-૩-બીનું ટેકનિકલ અર્થઘટન કરી, નિયમમાં દર્શાવેલ વર્ગીકરણ મુજબની સ્થિતિ ધ્યાનમાં રાખી મહિલાને ગર્ભપાતની મંજૂરી આપી નહીં. એટલે મહિલાએ સર્વોચ્ચ અદાલના દ્વાર ખટખટાવ્યા
સર્વોચ્ચ અદાલતની જસ્ટિસ ડી.વાય. ચન્દ્રચૂડની આગેવાની હેઠળની ત્રણ જજોની બેન્ચે, જોગાનુજોગ આ વરસના આંતરરાષ્ટ્રીય સલામત ગર્ભપાત દિવસે (૨૯મી સપ્ટેમ્બર), ચુકાદો આપી મહિલાને ગર્ભપાતની મંજૂરી આપી હતી.
દુનિયાના વિકસિત અને આધુનિક મનાતા દેશ અમેરિકાની સુપ્રીમ કોર્ટ ગર્ભપાત મુદ્દે પારોઠનું પગલું ભરતો ચુકાદો આપે છે, ત્યારે ભારતની સુપ્રીમ કોર્ટ ગર્ભપાત મંજૂરીની સ્થિતિનો દાયરો વધારતો ઐતિહાસિક ચુકાદો આપે છે. સર્વોચ્ચ અદાલતે તેના ચુકાદામાં ગર્ભપાત માટે પરિણિત-અપરિણીત મહિલા વચ્ચેના ભેદનો છેદ ઉડાડીને વિવાહિત, અવિવાહિત અને એકલ નારીને પણ ગર્ભપાતનો અધિકાર હોવાનું જણાવ્યું છે. સર્વોચ્ચ અદાલતનો આ ચુકાદો મહિલાઓના માનવીય અને બંધારણીય અધિકારોની દ્રષ્ટિએ તો મહત્વનો છે જ, તે સામાજિક રીતે પણ મહત્વનો છે અને સમાજ પરિવર્તનની દિશામાં નોંધપાત્ર બની શકે તેમ છે.
ભારતમાં દરરોજ લગભગ આઠ મહિલાઓના મોત અસલામત ગર્ભપાતને કારણે થાય છે. માતા મૃત્યુના ત્રણ પ્રમુખ કારણોમાંનુ એક અસુરક્ષિત ગર્ભપાત છે. વરસ ૨૦૦૭ થી ૨૦૧૧ના ગાળામાં ૬૭ ટકા ગર્ભપાત અસુરક્ષિત હતા. લૈન્સેટનો ૨૦૧૯ના વરસનો એક અહેવાલ જણાવે છે તેમ ૨૦૧૫માં જે ૧૫.૬ મિલિયન ગર્ભપાત થયા હતાં તેમાંથી ૭૮ ટકા અસુરક્ષિત હતા. દેશની ૮૦ ટકા મહિલાઓ સલામત અને કાયદેસર ગર્ભપાતનો કાયદો દેશમાં પ્રવર્તમાન હોવાની હકીકતથી જ વાકેફ નહોતી તેમ પણ આ રિપોર્ટ જણાવે છે.
ભારતમાં છેક ૧૯૭૦ના દાયકામાં ગર્ભપાતનો કાયદો ઘડાયો હતો. તેમાં ૨૦૨૧માં સંશોધન પણ થયું છે.તેની જોગવાઈઓ મુજબ મહિલા ૨૦થી ૨૪ અઠવાડિયા સુધીના ગર્ભનો નિકાલ કરાવી શકે છે. જોકે દેશની સામાજિક-આર્થિક સ્થિતિને કારણે છતે કાયદે સ્ત્રીઓને ગેરકાયદે અને અસલામત રીતે ગર્ભનો નિકાલ કરાવી જીવનું જોખમ વ્હોરવાની ફરજ પડાય છે. ભારતની રૂઢિવાદી અને પિતૃસત્તાક સામાજિક સ્થિતિને કારણે ગર્ભપાતનો નિર્ણય મહિલા જાતે કરી શકતી નથી.પરંતુ પતિ અને પરિવાર કરે છે. ગર્ભમાં ઉછરતા જીવનો નિકાલ ધાર્મિક અને સામાજિક રીતે ખરાબ જ નહીં હત્યા માનવામાં આવે છે. જોકે આવું માનનારા સ્ત્રીભૃણની હત્યા કરતા અચકાતા નથી.વળી પરિણીત મહિલાઓને જ કાયદેસરના ગર્ભપાતનો અધિકાર હોવાનો સામાજિક આગ્રહ હોય છે. કથિત સામાજિક પ્રતિષ્ઠાને કારણે એકલ કે અવિવાહિત મહિલા ગર્ભપાત કરાવ્યાનું જાહેર કરી શકતી નથી.
ગર્ભપાત અંગેના ૧૯૭૧ના કાયદામાં ૨૦૨૧માં જે સુધારા થયા તેમાં વિવાહિત અને અવિવાહિત એવા ભેદ ન હોવાનું સુપ્રીમ કોર્ટના ચુકાદાથી સ્પષ્ટ થયું છે. ઉપરાંત ૨૦૨૧ના સુધારાઓમાં પતિને બદલે સાથી(પાર્ટનર) શબ્દનું પ્રયોજન સહેતુક અને નારીવાદીઓના પ્રયાસો પછી થયું છે..એટલે અવિવાહિત પરંતુ લીવ ઈનમાં રહેતી મહિલાઓ અને એકલ નારી પણ ગર્ભપાતની એટલી જ હકદાર છે જેટલી વિવાહિત નારી છે.તે બાબત સર્વોચ્ચના ચુકાદા પછી અધોરેખિત કરીને કહેવાની જરૂર છે. જસ્ટિસ ચંદ્રચૂડે તેમના ચુકાદામાં એ બાબત પણ જણાવી છે કે ગર્ભપાત કાયદાના નિયમ ૩-બી(એ) પ્રમાણે પત્ની સાથે બળજબરીથી બાંધેલા શરીર સંબંધથી જો તે ગર્ભવતી બને અને તેને પત્ની જન્મ આપવા ન માંગતી હોય તો તે પણ ગર્ભપાતની અધિકારી છે. વૈવાહિક બળાત્કારનો પ્રશ્ન સુપ્રીમની દેવડીએ પડતર છે અને સરકારનું વલણ તેને ગુનો ગણવાનું નથી ત્યારે હાલમાં ગર્ભપાતના કાયદા પ્રમાણે મળેલી આ છૂટ પણ મહિલાઓને આશા જગાડનારી બની શકે છે.
ગર્ભપાતનો સવાલ મહિલાઓની સાથે સાથે બાળકોની દ્રષ્ટિએ પણ ચકાસવો જોઈએ. માતાના જીવનમાં અવાંછિત એવા બાળકોની સામાજિક, શૈક્ષણિક, આરોગ્ય અને મનોવૈજ્ઞાનિક સ્થિતિઓનું વિષ્લેષણ કરતું એક અધ્યયન ૨૦૧૬માં પ્રગટ થયું હતું. બૉર્ન અનવોન્ટેડ , થર્ટી ફાઈવ યર્સ લેટર: ધ પ્રૈગ સ્ટડી શીર્ષક હેઠળના અભ્યાસનું તારણ હતું કે અવાંછિત બાળકોની શૈક્ષણિક કારકિર્દી વાંછિત બાળકોની તુલનામાં ખૂબ જ નબળી હતી. જનની જેમને જન્મ આપવા નહોતી માંગતી એવા બાળકોનું જીવન વધુ સંઘર્ષોભર્યું તો હતું જ, તેમની મન:સ્થિતિ પણ સારી નહોતી.
ગર્ભપાતના વિરોધીઓ ગર્ભધારણ કરવાની વિશિષ્ટ ક્ષમતા માત્ર સ્ત્રીમાં જ છે એટલે ગર્ભમાં રહેલા બાળકને જન્મ ન આપવાનો નિર્ણય તે એકલી જ ન લઈ શકે તેવી દલીલ કરે છે. બીજી તરફ સ્ત્રીના શરીર પર માત્ર સ્ત્રીનો જ અધિકાર છે એટલે બાળકને જન્મ આપવો કે નહીં તે માત્ર સ્ત્રી જ નક્કી કરી શકે તેમ ગર્ભપાતના તરફદારોની દલીલ છે. ગર્ભપાત અંગેના સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી હવે આવા તમામ વિવાદોનો અંત આવવો જોઈએ અને ગર્ભપાતના મહિલા અધિકારને સ્વીકારી લેવાનો રહે. ગરિમાપૂર્ણ જીવનના મૂળભૂત અધિકારમાં ગર્ભપાતનો અધિકાર પણ સામેલ ગણાશે. મહિલા મુક્તિની દિશાનું મહત્વનું પગલું પણ તે બની રહેશે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
વ્યક્તિત્વ વિકાસ
હકારાત્મક અભિગમ
રાજુલ કૌશિક
એક દિવસની વાત છે. એક કિશોર નજીકના સ્ટોરમાં ગયો. ત્યાં પબ્લિક ટેલીફોન પરથી એણે એક ફોન જોડ્યો અને અત્યંત નમ્રતાથી એણે સામેની વ્યક્તિ સાથે “ગુડ મોર્નિંગ મેમ”નું અભિવાદન કરીને વાતની શરૂઆત કરી, “ એક્સક્યુઝ મી મેમ, મને તમારા ઘરની લૉન કાપવાનું કામ મળી શકે ?”
“ મારી પાસે અત્યારે લૉન કાપવા માટે વ્યક્તિ છે જ.” કદાચ સામેથી જવાબ મળ્યો.
“પણ હું આપની લૉન અત્યારે આપ ચૂકવી રહ્યા છો એના કરતાં અડધા ભાવે કાપી આપીશ,”
“ સોરી, હાલમાં મને જે લૉન કાપી આપે છે એના કામથી હું અત્યંત સંતુષ્ટ છું.” ફરી સામેની વ્યક્તિએ જવાબ આપ્યો.
“હું આપના ઘરની પગથીની આસપાસ ઉગેલું ઘાસ પણ કાપી આપીશ. આપની લૉનની હું ખુબ સરસ રીતે માવજત કરીશ.”પેલો કિશોર નમ્રતાથી પણ પોતાની વાત પર અડી રહ્યો.
“સોરી, પણ મારે ખરેખર મારા કામ માટે અન્યને બોલાવવાની જરૂર નથી.”
હવે પેલા કિશોરે સરસ મઝાના સ્મિત સાથે ફોન ક્રેડલ પર પાછો મુક્યો.
આખી વાત સાંભળી રહેલા સ્ટોરના માલિકને આ કિશોરમાં રસ પડ્યો. એમણે કિશોરને પાસે બોલાવીને કહ્યું મને તારી કામ પ્રત્યેની ધગશ ગમી. તારું કામ પ્રત્યેનું વલણ ગમ્યું. તને અહીં કામ કરવું ગમશે?”
“ના સર, આપનો આભાર….” કિશોરે નમ્રતાથી સ્ટોર માલિકને ના પાડી.
અરે ! પણ હમણાં તો તું કામ માટે આજીજી કરતો હતો..” આશ્ચર્ય પામતા સ્ટોર માલિકે કહ્યું.
“ જી, હું મારી પાસે હાલમાં જે કામ છે ત્યાં મારી કામગીરીથી સંતોષ છે કે નહીં એ જાણવા માંગતો હતો.”
આને કહીશું જાતનું મૂલ્યાંકન કરવાનો એક અનોખો અંદાજ. જાત માટેની અનેરી અજમાયેશ ?
મોટાભાગે આપણે આપણી જાતની અન્ય સાથે જ સરખામણી કરતાં હોઇએ છીએ. આપણા કરતાં કોણ કેટલું આગળ છે, કોનામાં કેટલી ક્ષમતા છે એ અંગે જ આપણે વિચારતા હોઇએ છીએ..
સીધી વાત- ખરેખર તો પહેલી જરૂર છે આપણે આપણી જ ક્ષમતાને જાત સાથે સરખાવવાની. ગઈ કાલે જે કરી શકતા હતા એના કરતાં આજે કંઇક વધારે સારો દેખાવ કરીએ છીએ? ઓફિસ હોય કે ઘર, ભણતર હોય કે ગણતર, આપણામાં કશો પણ સુધારો થયો છે? ગઈકાલે જે પરફોર્મન્સ કે પરિણામ હતું એના કરતાં આજે વધારે ઉચ્ચ કોટીનું પરફોર્મન્સ કે પરિણામ આજે આપી શક્યા છીએ?
આજે વિશ્વ જે રીતે હરણફાળે આગળ વધી રહ્યું છે એ રફ્તારે દોડવાની ખરેખર જરૂર છે ખરી? હા ! પ્રગતિ માટે કોઇનો કોઇપણ એક આદર્શ હોઇ શકે. એ આદર્શ આઇન્સ્ટાઇન કે અંબાણી. સ્ટીવ જોબ કે સ્ટીવન સ્પિલબર્ગ, અમિતાભ કે આર્નોલ્ડ શ્વાઝનેગર પણ હોઇ શકે. પણ ખરેખર તો એ સૌની જેમ સફળ થવા માટે કે એમણે સર કરેલી સફળતા સુધી પહોંચવા માટે થઈને પણ આપણે જાતને જ પહેલા કરતાં વધુ ને વધુ સક્ષમ બનાવવાની જરૂર છે.. અને એ માટે જરૂરી છે જાત ચકાસવાની કે આપણે જે કંઇ કામગીરી કરી રહ્યા હતા એના કરતાં આજની કામગીરી વધુ સંતોષજનક છે ખરી?
જવાબ હા હોય તો ઉમદા. એનો અર્થ આપણે સાચા અર્થમાં વિકાસ કરી રહ્યા છીએ. આપ સંતોષની સાથે અન્યનો સંતોષ ભળે તો તો વળી એનાથી વધુ ઉમદા.
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
સદીઓથી હાંસીયામાં રહેલા માહ્યાવંશીઓના રાહબર ભૂપેન્દ્ર સુરતી- (ભાગ ૨ અને છેલ્લો)
લ્યો, આ ચીંધી આંગળી
રજનીકુમાર પંડ્યા
( ગયા સપ્તાહથી ચાલુ)
દક્ષિણ ગુજરાતના માહ્યાવંશી સમાજના એક અગ્રણી તરીકે ભૂપેન્દ્ર સુરતી અનુભવે એ સમજી ચૂક્યા હતા કે ગામડાંની વસ્તીની અનેક જરુરતો શહેરો પર આધારિત છે એ હકીકત છે. બીજી હકીકત એ પણ છે કે દેશ અને દુનિયા સાથે કદમ મિલાવવાનો પહેલો લાભ સ્વાભાવિકપણે શહેરોને જ મળે છે. તેથી જરા પણ સુગાયા વગર ગામડાંઓના ઉત્કર્ષ માટે શહેરો સાથે તેમનું જોડાણ અનિવાર્ય છે. એમાં મોટો ફાળો પરિવહનના સંસાધનોનો જ હોઇ શકે છે.એમાં રેલ્વે સૌથી સુલભ, સસ્તું તથા ઝડપી માધ્યમ ગણાય. પરંતુ બિલીમોરા રેલ્વે સ્ટેશન પર ઘણી ટ્રેન થોભતી ન હોવાથી આસપાસનાં ગામડાંના લોકો તેનો અસરકારક ફાયદો ઉઠાવી શકતા નહોતા. આ સગવડ મેળવવા સારું સાધારણ આવેદનોથી આ સમસ્યાનો હલ લાવી શકાતો નહોતો. એટલે બીલીમોરા નાગરિક સમિતિએ સ્વ. રવિશંકર પટેલના નેતૃત્વ વિવિધ ટ્રેનોને બિલીમોરા સ્ટેશને થોભાવવાની માંગણી સાથે પ્રતિક ઉપવાસ અને ધરણાંનો કાર્યક્રમ યોજ્યો. એવે વખતે ભૂપેન્દ્રભાઇએ માહ્યાવંશી વિકાસ મંડળ ગણદેવી તાલુકાના આજીવન સભ્ય તરીકે આ અભિયાનના નેતા રવિશંકર પટેલને પોતાનો સક્રિય સાથ સહકાર આપ્યો. આની ત્વરિત અસર થઇ. એના પગલે જ સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનને બીલીમોરા સ્ટેશને સ્ટોપેજ મળ્યું. આથી બીલીમોરા અને સરવાળે આજુબાજુના લાખો ગ્રામજનોનો શહેરો સાથેનો વ્યવહાર આસાન બન્યો.
**** **** ****
૨૦૦૩માં સ્કૂલોએ અચાનક ફી વધારો કર્યો. સમાજમાં આવકનું નીચું સ્તર ધરાવનારા કેટલાય પરિવારો મુશ્કેલીમાં મુકાયા. આના ત્વરિત પડઘા જેવી પહેલી પ્રતિક્રિયા બાળકને શાળા જ છોડાવી દેવાની આવે. જેના દૂરગામી પરિણામો સમગ્ર દેશના ભાવિ પર જ પડઘાય. સમજાવટ છતાં શાળાઓ ફી વધારો પાછો ખેંચવા તૈયાર ન થઇ ત્યારે એમ.એન્ડ આર. ટાટા હાઇસ્કૂલ બીલીમોરાના વાલી મંડળના પ્રમુખ તરીકે ભૂપેન્દ્રભાઇ ફરી એક વાર આગળ આવ્યા. ફી વધારા વિરુદ્ધ પ્રતિક ઉપવાસ કર્યા એના પરિણામસ્વરૂપ માસિક ફીમાં નોંધપાત્ર ફેર કરાવ્યો હતો. આ ઘટનાના દસ વરસ પછી ઘટનાનું પુનરાવર્તન કરવાનું આવ્યું અને તે એ રીતે કે ૨૦૧૩માં જી.આઇ.ડી.સી. ડીગ્રી એન્જીનીચરીંગ કોલેજ, નવસારીએ ફી વધારી અને એનો ઉહાપોહ થયો ત્યારે તેમણે ફરી એવું જ આંદોલન છેડ્યું અને ફી વધારો ઓછો કરાવ્યો, જેને કારણે સાડા ચારસો વિદ્યાર્થીઓ લાભાન્વિત થયા. ભૂપેન્દ્રભાઇની સિધ્ધિઓમાં આ એક કલગી સમાન સિધ્ધિ હતી.
**** **** ****
એ દિવસોમાં સમાજમાં પ્રવર્તતી દારૂ કે જુગાર જેવી બદીઓ ભૂપેન્દ્રભાઈથી અજાણી નહોતી. તેના વિકરાળ પંજાથી એ વ્યથિત પણ રહેતા હતા. એટલું તો એ પાકું જાણતા હતા કે આ બદીઓના નિર્મૂલન વગર સમાજનું સાંસ્કારિક કે આર્થિક ઉત્થાન શક્ય નથી. આથી એમણે નશાબંધી અને આબકારી વિભાગના માજી મંત્રી કરસનભાઇ પટેલના વડપણ હેઠળની નશાબંધી કમિટીમાં ગણદેવી તાલુકાના સભ્ય બની વ્યસનમુકિતનું અભિયાન ચલાવ્યું હતું અને એની અંતર્ગત યુવાનોમાં વ્યસનમુક્તિ તથા એકતાના પ્રસાર માટે વિવિધ રચનાત્મક કાર્યક્રમો પણ અજમાવ્યા હતા. તેમાં વિવિધ રમત-ગમતોની પ્રવૃત્તિઓ મુખ્ય હતી. એક વાર તો મોટે પાયે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન પણ કર્યું . એ ઉપરાંત ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગના ભૂતપૂર્વ મંત્રી સ્વ. ફકીરભાઇ વાઘેલા સાથે ગુજરાત દલિત અધિકાર સંઘમાં જોડાઇ નવસારી જીલ્લાના દલિતોના વિવિધ પ્રશ્નોને વાચા આપી. જ્યોતિ સમાજ, ગણદેવી (નવસારી)ના સહયોગથી દેવસર ગામમાં સ્ત્રી સશક્તિકરણના અનેક કાર્યક્રમો દ્વારા મહિલાઓને વિવિધ કાયદાઓની સમજ આપવાના અનોખા કાર્યક્રમો કર્યા.
માહ્યાવંશી સમાજમાં દર વર્ષે ૧૪ એપ્રિલે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉત્સાહભેર ઉજવણી થતી હતી એના અનુસંધાને તેઓ પોતાના સમાજમાં પણ આવી ઉજવણીઓ ગોઠવતા તથા પ્રેરક વક્તવ્યોનું આયોજન કરતા.
**** **** ****
આટલી બધી વ્યસ્તતાઓ વચ્ચે પણ ભૂપેન્દ્રભાઇ હર પળ અને હર કોઇ વ્યક્તિ માટે હંમેશાં ઉપલબ્ધ રહેતા. આનું ઉજળું પરિણામ એ આવ્યું કે આવા નક્કર સામાજિક કાર્યોની સમાંતરે તેમની રાજકીય કારકીર્દિ પણ વિકસતી ગઇ. કોઇ પણ સામાજિક કાર્યોમાં એ પોઝીટીવ રસ લેતા ગયા. એવા કામોને એ માત્ર સેવા નહીં, પણ પોતાની જવાબદારી સમજતા રહ્યા. 2001ની સાલના ભૂકંપે વેરેલા વિનાશ વખતે સ્થાનિક ધોરણે બચાવ કાર્યવાહીમાં એ પોતાની સામાજિક જવાબદારી સમજીને જોતરાયા હતા. એ પછી તેમની કામગીરીઓમાં નક્કર અનુભવનું બળ ઉમેરાતું ગયું. પરિણામે ૨૦૦૧થી ભુપેન્દ્રભાઇ શ્રી માહ્યાવંશી શિક્ષણ પ્રચારક સંઘમાં કારોબારી સભ્ય બન્યા અને એ પછી તરતના વર્ષે ૨૦૦૨ માં એમણે શ્રી માહ્યાવંશી વિકાસ મંચની રચના સાપુતારાના શિખરે મનહરભાઇ પટેલ સાથે ટ્રસ્ટી તરીકે જોડાઇને કરી અને તેને એવું તો વિકસાવ્યું કે એના દ્વારા સમાજના ઉત્કર્ષના નવા આયામો ઉઘડ્યા. માહ્યાવંશી સમાજના ટ્રસ્ટી તથા એ ટ્ર્સ્ટના નવસારી જીલ્લાના પ્રમુખ તરીકે છેક 2015 સુધી તેમણે વિવિધ સેવાઓ આપી. એ પછી તો ગુજરાત દલિત અધિકાર સંઘ, અમદાવાદમાં પ્રદેશ કારોબારી સભ્ય અને નવસારી જીલ્લા પ્રમુખ તરીકે ૨૦૦૨ થી ૨૦૦૮ અને ૨૦૦૯ થી ૨૦૧૩ સુધી ભાજપ પાર્ટીમાં અનુસૂચિત જાતિના નવસારી જીલ્લાના મંત્રી પદે પહોંચ્યા. એ નોંધવા જેવું છે કે આ બધું કરતાં કરતાં પણ ૨૦૦૮ થી ૨૦૧૨ સુધી દેવસર ગ્રામ પંચાયતના સભ્ય તરીકે પણ એ સક્રીય રહ્યા. છેલ્લા આઠેક વર્ષથી મેંગુષી હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિમાં ટ્રસ્ટી તરીકે તેઓ આગળ પડતો ભાગ લે છે.
આ ગાળા દરમ્યાન તેમની નિષ્ઠાની આકરી તાવણી કરે તેવી એક ઘટના બની.
૨૦૦૯ના અરસામાં જ માહ્યાવંશી મહોલ્લાની અવરજવરમાં એક ચોક્કસ વ્યક્તિ દ્વારા કોઇ ચોક્ક્સ મલિન ઇરાદાથી અવરોધ નાખવામાં આવ્યો. આ અસહ્ય અને અપમાનજનક હતું અને વ્યક્તિના મૂળભૂત હક પર તરાપ સમાન હતું. ભૂપેન્દ્રભાઇથી આ સહન ન જ થઇ શકે અને ન જ થયું. એમણે કોઇ ન કરે એવું એક જલદ પગલું લીધું. ગુજરાતના એ વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પોતાના લોહીથી પત્ર લખ્યો ! આટલું કરીને પણ એ બેસી ન રહ્યા. કોઇ સંસ્થાના ખર્ચે નહીં, પણ ગાંઠના બે લાખના ખર્ચે એમણે કાનૂની રાહ અખત્યાર કર્યો. અઢી વરસ સુધી કોર્ટમાં કાયદાકીય લડત આપી અને આખરે રસ્તો ખુલ્લો કરાવ્યે જ પાર કર્યો.
ભૂપેન્દ્રભાઇની આ બહોળી કાર્યયાત્રા એવી હતી કે ભલે સમાચારપત્રોના પાને એ ન ચમકે, પણ લોકમાનસમાં તો એ છપાઇ જ જાય અને એ એમની છબીને વધુ લોકપ્રિય બનાવે. કારણ કે કોઇના વ્યક્તિગત નહીં, પણ બહોળા સમાજને સ્પર્શતા આ પ્રશ્નો સામેનું એ ધર્મયુદ્ધ હતું. આવા જ એક યુદ્ધના એજન્ડા રૂપે ભૂપેન્દ્રભાઇના લક્ષમાં સમાજમાં સર્વલક્ષી દૂષણ જેવા કેટલાક રીતરિવાજો આવ્યા. એવા રિવાજોની વ્યર્થતા સાવ સમજાય તેવી હોવા છતાં તેને સંપૂર્ણપણે ટાળી શકાય તેમ નહોતું. એવા રીવાજોમાં સૌથી અવ્વલ નંબરે હતો લગ્નોના સમારંભોમાં દેખાદેખીથી કરાતા ખોટા ખર્ચા કરવાનો રિવાજ કે જેની સાથે જમણવારોમાં થતો અન્નનો બેફામ બગાડ પણ જોડાયેલો હતો. એમણે જોયું કે પવિત્ર યજ્ઞવેદી જેવો લગ્નનો મંડપ જ સામાજિક મોભાનું દંભી પ્રદર્શન સ્થળ બની રહે છે. જમણવારોમાં પણ એવું જ. આ બધા પાછળ આર્થિક ધોરણે નબળા પરિવારો પણ પોતાની જમીન કે ઘરેણાં ગીરવે મૂકીને આ પ્રસંગો ધામધૂમથી ઉજવવા પ્રેરાય છે. તેના પરિણામે કેટલાંય કુટુંબો એવાં તો દેવાદાર બની રહે છે કે પરિવારની આકસ્મિક માંદગી ટાણે જરૂરી સારવાર માટેની જોગવાઇ પણ તેમની પાસે હોતી નથી. ભૂપેન્દ્રભાઇને આ બધી જીવતી સમસ્યાઓના ઉકેલ માટેના આ ચિંતનમાંથી જ સમૂહલગ્નોનો વિચાર આવ્યો. બીજા અનેક સમાજોના દાખલા એમની નજર સામે હતા. એટલે કે એમને એ પણ એમને ખબર હતી કે સમૂહલગ્નોનાં આયોજનો એ આ અઘરી સમસ્યાઓનો સંપૂર્ણ ઉકેલ નથી કારણ કે લગ્ન પ્રસંગ આટોપાઇ ગયા પછી પણ પરિવારો એ વ્યક્તિગત ધોરણે બીજા અનિવાર્ય ખર્ચ તો વેંઢારવા જ પડતા હોય, જેની સામે સમજાવટ સિવાય કોઇ ઇલાજ નથી. પણ તોય જ્યારે કશો ઉપાય હાથવગો ન હોય ત્યારે સમૂહ લગ્નોનો કિમિયો ઘણો કારગર નિવડે છે, એનાથી સમાજમાં ‘સર્વ જન સમાન’ની લાગણી જન્મે છે એ તો સાચું જ, પણ સાથોસાથ મહામૂલા અન્નનો બગાડ નોંધપાત્ર માત્રામાં ઘટાડી શકાય છે. વળી, બીજો મોટો ફાયદો એમાં એ હોય છે કે આવાં સમૂહલગ્નોમાં સમાજને પોતાનું આર્થિક યોગદાન આપવા ઘણા દાતાઓ આગળ આવતા હોય છે. એને કારણે વ્યક્તિગત કે પારિવારિક ખર્ચનું ભારણ પણ ઘટાડી શકાય છે. લાંબા સમય સુધી આની ઉપર ચિંતન કર્યા પછી ભૂપેન્દ્રભાઈએ સમાજમાં સમૂહ લગ્નના આયોજનોને ચલણી બનાવવાની દિશામાં પ્રયત્નો આદર્યા.
તેની પહેલી શરૂઆત એમણે સાલ ૨૦૧૦થી કરી. એ વર્ષે તેમણે સમૂહલગ્નોના આયોજનની શરૂઆત કરી. વર્ષે સરેરાશ એક એવું આયોજન ગણતાં તેમની રાહબરી નીચે ૨૦૧૯માં દસમો સમૂહ લગ્નોત્સવ ઉજવાયો. એની અંતર્ગત સમૂહલગ્ન પદ્ધતિ દ્વ્રારા અત્યાર સુધીમાં કુલ ૧૩૦ યુવક-યુવતીઓ પોતાનો સંસાર માંડી ચૂક્યા છે. ૨૦૧૯માં વલસાડ જિલ્લાના કલવાડા ગામના બધાં જ 16 યુવક-યુવતીઓએ સમૂહલગ્નમાં સહભાગી થઇ સમાજમાં ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું. સમૂહલગ્નોમાં લોકોનો ઉત્સાહ જોતાં પરિચય પસંદગી સંમેલનનું પણ આયોજન કર્યું. ૨૦૧૩,, ૨૦૧૫ ને ૨૦૧૮માં સમાજના લગ્નોત્સુક નવયુવક-યુવતીઓના પરિચય પસંદગી સંમેલનો યોજી ૬૦૦ જેટલા યુવક-યુવતીઓની સામાજિક માહિતી સાથે પરિચયપુસ્તિકા પ્રસિદ્ધ કરી, જેથી સમાજમાં લગ્નો સરળતાથી ગોઠવાઇ શકે. જેના ફળસ્વરૂપે તેમાંથી ૩૫૦ જેટલા દીકરા- દીકરીઓનાં લગ્ન થઇ ચૂક્યા છે!

આ ગાળા દરમિયાન ૨૦૧૫ના છેલ્લા રવિવારે એટલે કે ૨૦૧૫ના ડિસેમ્બરની ૨૭મી તારીખે બીલીમોરામાં લગ્નોત્સુક યુવક-યુવતીઓનું પસંદગી સંમેલન એમણે બીજા અગ્રણીઓના સાથથી યોજ્યું. એ વખતે સમાજના અન્ય દાતાઓ સાથે ભૂપેન્દ્રભાઈના પિતા છોટુભાઇ સુરતીએ પોતે પણ એક લાખ અગીયાર હજાર એક સો અગીયાર રુપિયાનો આર્થિક સહયોગ આપ્યો અને એને પરિણામે બિલીમોરામાં સરદાર માર્કેટ રોડ પર આવેલા તિરુપતિ પ્લાઝાના પહેલા માળે 500 ચો.ફીટનું ‘શ્રીમતિ શારદાબેન છોટુભાઈ સુરતી’ સભાગૃહનું નિર્માણ શક્ય બન્યું.
એવી જ રીતે એ દરમિયાનનો 2018નો ત્રીજો પરિચય પસંદગી મેળો તો એકદમ અલગ હતો. તેનું સમગ્ર સંચાલન તેમજ મુખ્ય મહેમાનપદ પણ મહિલાઓએ જ શોભાવ્યું. એ ઐતિહાસિક કાર્યક્રમમાં દરેક તબક્કે મહિલાઓને સાંકળીને મહિલા સશક્તિકરણની અનોખી ઉજવણી કરી.
ધમધમતી પ્રવૃત્તિના સમયમાં સાલ 2015માં ભૂપેન્દ્રભાઇએ માહ્યાવંશી કલ્યાણ ટ્રસ્ટની(એમ.કે.ટી.) સ્થાપના કરી અને એના મેનેજીંગ ટ્રસ્ટી/ પ્રમુખસ્થાનની જવાબદારી સંભાળી. એટલે એ પછીનાં જે કોઇ સમૂહલગ્નો થયાં તે બધાં એમ. કે. ટી.ના નેજા હેઠળ આયોજિત થતા રહ્યા. અરે, અવિવાહિત છોકરા- છોકરીઓના પરિચય સંમેલનો પણ ઓનલાઇન યોજીને એના માધ્યમથી 280 જેટલા ચુવક યુવતીઓને જીવનસાથી શોધવામાં માહ્યાવંશી કલ્યાણ ટ્રસ્ટ સફળ રહ્યું. એ વખતે ઉત્સાહનો અનુભવ કરાવવા માટે ઑનલાઇન લગ્નગીતોની રમઝટ પણ બોલાવી.
એ જ માહ્યાવંશી કલ્યાણ ટ્રસ્ટ (એમ.કે.ટી.) ના નામે હોસ્પિટલનાં સાધનો જેવા કે એર બેડ, વોટરબેડ, છ વ્હીલચેર, છ વૉકર, છ લાકડી, બે હાથની ઘોડી, સક્શન મશીન, લેડીઝ – જેન્ટ્સ યુરીન પોર્ટ, કોમન પાટ, ટોયલેટ ચેર, છ બેડ, બેકરેસ્ટ સ્ટેન્ડ, ઑક્સિજન માટેનું બાયપેક મશીન જેવા બહુમૂલ્ય સાધનો વસાવ્યા છે. હવે ઠેઠ વાપીથી તાપી સુધીના સમાજના જરૂરિયાતમંદ દર્દીઓને તે વિનામૂલ્યે પહોંચતા કરી વધુ એક સેવા શરૂ કરી છે. ટૂંક સમયમાં ફીઝીયોથેરાપી સેન્ટર શરૂ કરવાનો પણ તેમનો ઇરાદો છે.

મહત્વના પદભારમાં માન અને ગૌરવ સાથે જવાબદારીઓ પણ વિંટળાયેલી હોય છે. અને એમાં ભલભલા ગફલતમાં રહીને બદનામી વહોરતા હોય છે. પણ ભૂપેન્દ્રભાઇ એ બાબતમાં બિલકુલ બેદાગ રહ્યા. વર્તમાન અને વિતેલા એક એક વરસમાં સંસ્થાના સરવૈયાઓમાં પાઇએ પાઇનો હિસાબ તેમણે પારદર્શક રાખ્યો. તેમની ઝીણવટ અને ઇમાનદારીપૂર્વકનાં આચરણની ચોમેર પ્રશંસા થઇ.
કોઇ પણ સંગઠનની કરોડરજ્જુ એની એકતા અને અખંડિતતા હોય છે. એ હશે તો અંદર કે બહારનું કોઇ બળ એને હચમચાવી નહીં શકે. એ આધારસ્તંભને મજબૂત કરવા એ સાથીઓના સહકારથી અનેકવિધ ઉપાયો પણ તે અજમાવતા રહ્યા. એનો એક જ દાખલો દેવો હોય તો તેમણે માહ્યાવંશી વિકાસમંચ દ્વારા સાલ ૨૦૦૯માં યોજેલી ઉમરગામથી મેહગામ (ભરુચ) સુધીની ૩૦૦ કિમીની મહાયાત્રા ! તેમાં ૧૦૦ બાઇક, ૨૫ કાર તથા એક લક્ઝરી બસના માધ્યમથી ૩૦૦ જેટલા યુવાનો જોડાયા હતા. વધુ વિગતમાં ઊંડા ઉતરીએ તો ૨૦૧૫થી ૨૦૧૯ દરમ્યાન એકથી વધુ ધાર્મિક પ્રવાસોના આયોજન તેમણે કર્યા. ૨૦૧૫-૧૬માં ભરુચ, મઠ, મહેગામ ખાતે પૂ. શ્રી હરિબાવા ગોસાઇના મંદિરના જીર્ણોદ્ધાર માટે નવસારી ટાટા હૉલમાં ડાયરાનું આયોજન કરી અંદાજે રૂપિયા દસ લાખ એકત્ર કરવામાં ભૂપેન્દ્રભાઇનું ઘણું યોગદાન રહ્યું. એવા જ હેતુથી રૂપિયા છ લાખના ખર્ચે ૨૦૧૯માં વલસાડ જિલ્લાના ઊંટડી ગામે દલિતોના મસિહા એવા વીર છત્રસિંહ લાલજી ઉટેકરની પ્રતિમા તેમના અને તેમના મિત્રોના સહકારથી સ્થપાઇ હતી.

આમ, સાવ આરંભે શરૂ કરેલાં સમાજોપયોગી કાર્યોનો વ્યાપ વધુ ને વધુ વિસ્તરિત થતો ગયો. ચોમાસામાં પૂર પીડિતોના ઘેર ઘેર જઈ કેશડોલનું વિતરણ કરવું, સમાજના આર્થિક રીતે નબળા પરિવારોમાં માંદગીના સમયે આર્થિક યોગદાન આપવું, ગંભીર અકસ્માત કે આગ જેવી હોનારત સમયે નિરાધાર કુટુંબને આર્થિક સહાય કરવી વગેરે જેવાં કામોનો પણ ઉમેરો થચો. વળી, પર્યાવરણલક્ષી વૃક્ષારોપણના કાર્યક્રમો તથા રક્તદાન શિબિરોનું આયોજન તો તેમના દ્વારા થતું જ રહે છે, તેમનો ઉપદેશ પારકા માટે નથી , તેમણે જાતે પણ ૪૦થી ય વધુ વખત રક્તદાન કર્યું છે ! છેક હમણાં પણ બિલિમોરાને હરીયાળું બનાવવા માટે હરિયાળી ગૃપમાં આજીવન સભ્ય બન્યા અને વૃક્ષોનો ઉછેર કરીને પર્યાવરણના જતનમાં પોતાનું સક્રિય યોગદાન આપ્યું.
થોડી અગાઉની હકીકતો પણ તાજી કરીએ.
૨૦૦૧ થી શ્રી માહ્યાવંશી શિક્ષણ પ્રચારક સંઘ (મુંબઇ)ની ગણદેવી શાખામાં જોડાયા પછી વિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શન, નોટબુકોનું વિતરણ, આર્થિક સહાય અપાવી, જે સી આઇ બિલિમોરાના ચશ્મા વિતરણ કેમ્પમાં વાઇસ પ્રેસિડેંટ અને પ્રોજેક્ટ ચેરમેન તરીકે ઉત્તમ કામગીરી કરી અને મેડીકલ કેમ્પ વગેરેનાં આયોજન કાર્યક્રમ અમલી કર્યા. આ સેવાનો વ્યાપ અમદાવાદથી લઈ બરોડા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને છેક મહારાષ્ટ્રના ઉલ્લ્હાસનગર-મુંબઈ સુધી પહોંચતો થયો છે! આમ તેમની સેવાકીય પ્રવૃત્તિઓનો વ્યાપ અને ભૌગોલિક સીમાડા પણ વિસ્તાર્યા છે. એમાં તો એમને એટલી લોકચાહના હાંસલ થઇ કે મુંબઇની એમ એસ પી સંઘ સંસ્થામાં તો કોઇને ન મળ્યા હોય એટલા બધા મત મેળવીને એ જીતી ગયા અને એ સંસ્થાને પોતાના નિયમોમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થઇ. ભૂપેન્દ્રભાઇ માટે જો કે આ નવું નથી. માહ્યાવંશી સમાજની સો ઉપરાંત સંસ્થાઓ સાથે પોતે સંપર્કો ધરાવતા હોય તો જ આવું શક્ય બને.
**** **** ****
કોઇ પણ સમાજની સંસ્કારિતાનું માપ એ હકીકત પરથી નીકળે છે કે તે પોતાના સમુદાયના સભ્યોની સારપને કેવી રીતે પીછાણે છે અને એનો પુરસ્કાર કઇ રીતે અને કેવો કરે છે ! પોતાના માહ્યાવંશી સમાજના લોકોને પ્રેરણા મળે અને તેને કારણે તેમનામાં આત્મવિશ્વાસ તથા આત્મસન્માન જાગે તેવા વિવિધ સન્માન કાર્યક્રમો યોજવા તેમણે શરૂ કર્યા. આ માટેની શરુઆત તેમણે હોંશિયાર વિદ્યાર્થીઓને પારિતોષિકો આપવાથી કરી અને એની જ આગલી કડી રૂપે તેમણે સમાજમાં આગવું પ્રદાન કરનારા, ભણીને કોઇ ક્ષેત્રમાં આગળ વધેલા તેમજ વિવિધ સરકારી ઉચ્ચ હોદ્દે પહોંચેલા વડીલો વગેરેના બહુમાનના કાર્યક્રમો યોજવાનું શરુ કર્યું. આ એક રીતે સમાજમાં અન્યોથી ઉપર ઉઠનારને પોતે કઇંક વિશિષ્ટ કરી બતાવ્યાનો સંતોષ આપવાનું કામ તો થયું જ, પણ એના દ્વારા આ અન્યોને પ્રેરણા આપવાની એક સુઘડ ચેષ્ટા પણ બની આવી.

આટલા બધા વિપુલ પ્રમાણમાં સતત કરાતાં રહેતાં લોકસેવાલક્ષી અને સમાજલક્ષી કાર્યોના કેન્દ્રમાં એક ચાલકબળ તરીકે હોવાને કારણે માહ્યાવંશી ઉપરાંત ઇતર સમાજમાં પણ ભૂપેન્દ્રભાઇની ઇમેજ માનવંતી બની અને તેમનાં માનમોભો વધ્યાં. તેમના બોલનું વજન પણ વધ્યું અને શબ્દોની ઈજ્જત પણ વધી અને એના પરિણામે જાહેર કાર્યોમાં એમને નડતાં અવરોધો અને આડખીલીઓ ઓછાં થયાં. પરિણામે સમાજ સાથે તેમની નિસબત વધુ ગાઢ બની અને પરિણામ પામતી પણ બની. તેમનો ઝોક વ્યક્તિની મૂળભૂત જરૂરિયાતો જેમ કે પીવાનું સ્વચ્છ પાણી, રસ્તા, ગટર તેમજ લાઇટની સમસ્યાઓ પ્રત્યે વધુ રહેતો. તેમણે દેવસર ગ્રામ પંચાયતના ઠુઠ વિસ્તારમાં આ સમસ્યાઓનો ઉકેલ લાવવા આદોલનો પણ કર્યા અને સમસ્યાઓ હલ કરવામાં અગ્રેસર ભૂમિકા નિભાવી. અત્યાચાર વિરોધી કે મેલાં તત્વો સામે સરકારી રાહે પગલાં ભરાવવા કે ગામડાઓમાં મતદાર યાદીમાં મહોલ્લાના નામો ચકાસી તેમાં સુધારો કરવા જેવા કાર્યો માટેની તેમની તત્પરતા સાર્થક બની. ત્રાજવાંના બે સમતોલ પલ્લાં સરખી તેમની તટસ્થતાથી તેઓ કોઇ કોઇ પરિવારના અંગત ઘરેલુ કજિયાઓમાં વચ્ચે પડીને સુખદ સમાધાન કરાવવામાં પણ તેમને સફળતા મળવા માંડી. અનેકવિધ રીતે હવે તેમની સેવાઓ બહોળા જનસમાજ સુધી પહોંચતી હતી.
કાર્યક્ષેત્ર વધતાં તેમનું જોમ ને ઉત્સાહ બેવડાયો છે.પોતાના સ્વજન માટે કોઇ ન કરી શકે તેવી સેવાઓ ભૂપેન્દ્રભાઇ લાયક અને યોગ્ય લોકો માટે અવિરત પણ કરતા રહ્યા. થોડા વખત પહેલાં જ બે વિદ્યાર્થીઓને પાયલટ બનવા વિદેશ અભ્યાસ અર્થે જવા સરકાર તરફથી પંદર લાખ રુપિયાની લોન મંજૂર કરાવવામાં મદદ કરી હતી. સાલ 2010માં ખાપરવાડાના મુલચંદભાઇ ધુયાની હૃદયરોગની સારવાર માટે ગાંધીનગર જઇ મુખ્યમંત્રી રાહતફંડમાંથી તેમજ અન્ય દાતાઓના સહયોગથી રૂપિયા દોઢ લાખ ભેગા કરી, સુરત મહાવીર કાર્ડીયાક હોસ્પિટલ ખાતે એન્જિઓપ્લાસ્ટી સર્જરી કરાવી આપી. એ જ વર્ષે નાંદરખા ગામે ૧૯ વરસના જુવાનના હૃદયના વાલ્વના ઓપરેશન માટે 50,000 ની સહાય ઘેર બેઠાં પહોંચાડી. ૨૦૧૨ની સાલમાં જલાલપોર તાલુકાના મંદિરે ગામે માહ્યાવંશી સમાજના એક સાવ નબળી સ્થિતીના પરિવારના રહેણાંકમાં અકસ્માતે આગ લાગી ત્યારે પોતાની વગથી કેટલાક દાતાઓનો સંપર્કને કરી ૭૫,૦૦૦ રુપિયા જેટલી સહાય પહોંચાડી હતી. છેક હમણાં, 2022માં એક પરિવારના બંને દિકરાઓ પોલિયોગ્રસ્ત હતા અને આવકનું કોઇ સાધન ન રહ્યું ત્યારે આખા વરસનું સીધું સામાન અને રોકડ રૂપિયા એક લાખ ઉપરાંત સરકારી સહાય મેળવવામાં મદદ કરી.
કોરોનાકાળ વખતે તો તેમણે પોતાનો અને પોતાના પરિવારનો જીવ જોખમમાં મૂકીને લોકોને મદદ પહોંચાડી. એ તો સૌ જાણે છે તેમ બહુ કપરો સમય હતો. શરૂઆતમાં કોઇને કશી ગતાગમ નહોતી પડતી કે શું કરવું? લોકોના ધંધારોજગાર સાગમટે ઠપ્પ થયાં. લોકો ખાય શું? એ વિચારે કંપારી છૂટતી. એ દિવસોમાં એમણે રાશનની કીટ બનાવીને લગભગ ૩૬ જેટલા કુટુંબોને પહોંચતી કરી. સારવારના ખર્ચ માટે ફંડફાળો ઉઘરાવીને ઘણાં નબળી સ્થિતિવાળાઓને હોસ્પિટલોમાં સારવાર અપાવી. એ કાળા બોગદા જેવો સમયગાળો અને એનો ખોફ જરા હળવો થયો. સાથે સાથે પ્રજામાં પણ થોડી સમજ કેળવાઇ એટલે એને લગતી ઑનલાઇન આઠેક જેટલી વેબિનારો આયોજીત કરી. તેમાં મોટિવેશનલ ટ્રેઇનિંગ કાર્યક્રમો ઉપરાંત શિક્ષણ, આરોગ્ય, સંગીત જેવા વિવિધ વિષયો આવરી લેવામાં આવ્યા, એનો તો અઢી હજારથી વધુ લોકોએ લાભ લીધો.
હવે તો સેવાના માર્ગે તેઓ બીજી જૂનીનવી ઘણી સંસ્થાઓ પ્રવૃત્ત છે. માહ્યાવંશી કલ્યાણ ટ્રસ્ટે પોતાનો વ્યાપ વધાર્યો, પણ પોતાની લીટી લાંબી કરવા સામેવાળાની લીટીને ભૂંસવાનો પ્રયત્ન ક્યારેય ન કર્યો. એણે તો પોતાનો નક્કી કરેલો માર્ગ અને ધ્યેય અમારો પથ જાળવી રાખ્યો અને સમાંતરે જ બીજી સેવાસંસ્થાઓને પણ કામમાં આવતા રહ્યા. એનો એક જ નમૂનો : ૨૦૧૨-૧૩માં બિલીમોરાના જ મહાવીર વૃધ્ધાશ્રમમાં એક મહિનાનું અનાજ, કરીયાણું તથા મચ્છરદાની અર્પણ કર્યાં હતા. એવી રીતે જ ગણદેવી વૃધ્ધાશ્રમમાં પણ એક દિવસ સમૂહભોજનનું આયોજન કર્યું હતું. ૨૦૧૪થી તેમણે વસ્ત્રદાનની પ્રવૃત્તિ જારી કરી છે, જે હજુ સુધી બંધ પડી નથી.
એમની આજકાલની છેલ્લી દૂરંદેશીવાળી પ્રવૃત્તિ વિષે વાત કરીને વાત પૂરી કરીએ. માહ્યાવંશી કલ્યાણ ટ્રસ્ટ, બિલીમોરા તરફથી એ સમસ્ત માહ્યાવંશી સમાજ માટે જાન્યુઆરી ૨૦૨૩ થી એક આકસ્મિક વિમા યોજના અમલમાં મૂકી રહ્યા છે. આ દિશામાં આ એક તદ્દન નવતર પહેલ છે, જે અગાઉ કોઇએ વિચારી પણ નહોતી.
**** **** ****
હવે વનપ્રવેશ કરી ચૂકેલા ભૂપેન્દ્રભાઇ છોટાલાલ સુરતી નામના સંસારી તપસ્વીએ આ સપનાં પોતાની સાવ યુવાવયથી જોયાં હતા. પોતાના પગ પર ઊભા રહેવાનું શરુ કરવાની ઉંમરે એમણે અન્યો માટે લાકડીનો ટેકો બનવાનું શરૂ કર્યું હતું. જેને આજકાલ કરતાં પાંત્રીસ વરસથી પણ વધુ સમય થયો, છતાં સહેજે થાક્યા કે અટક્યા નથી. તેનું બીજું પણ રહસ્ય એ છે કે તેમના આ મિશનમાં કાકા, નાના ભાઇ, બહેન, પુત્રો એ સૌ કુટુંબીજનોનો સહયોગ ભળ્યો છે. તેમનાં પત્ની સરોજબહેન પણ ગ્રામ પંચાયતના સભ્ય રહી ચૂક્યાં છે.
શરૂઆતમાં જ શરદીનો યોગ્ય ઉપચાર કરીએ તો સંભવિત ન્યુમોનિયાનો ખતરો ટાળી શકાય છે. આટલી સાદી છતાં તાર્કિક સમજ ભૂપેન્દ્રભાઇની છે. અને એ સમજ વિકસીને હવે લોકસેવાના પંથે નિ:સ્વાર્થભાવે આગળ વધતા લોકો માટે મશાલ બનીને પ્રકાશ પાથરી રહી છે.
**** **** ****
તેમનો સંપર્ક: ડૉ. આંબેડકર સ્ટ્રીટ, મુ.પો. દેવસર, બીલીમોરા, તાલુકા ગણદેવી (જી. નવસારી) પીન- 396 380
મોબાઇલ અને વ્હૉટ્સએપ: 93770 33446
E Mail: bhupendrasurti21@gmail.com
લેખક સંપર્ક-
રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. : +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +9179-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com -
આપણા ભાગે આવતી માત્ર એક જ જિંદગી
મંજૂષા
વીનેશ અંતાણી
જિંદગીની નવી રીતે અને નવી જગ્યાએ શરૂઆત કરવી એક વાત છે,
મૂળિયાં ઉખેડીને પલાયન કરી જવું જુદી વાત છેકાલ્પનિક આધેડ મહિલાની નોાંધ: ‘આખો દિવસ વરંડામાં બેસીને રસ્તા પર પસાર થતા લોકોને જોયા કરું છું. દિવસ જેમતેમ પસાર થઈ જાય. સાંજે બીજાં ઘરના લોકો પાછાં આવતાં દેખાય અને હું એની વાટ જોવા લાગું. મને થાય કે એ પણ બેન્કમાંથી પાછો આવશે. સ્કૂટરનો અવાજ સાંભળતાં હું આંગણાનું ફાટક ખોલવા દોડતી જઈશ. એ થાકેલો આવશે. હું એના માટે ચા બનાવીશ. એ પૂછશે: ‘આખો દિવસ શું કર્યું?’ હું કહીશ… શું કહીશ એને? એ તો કેટલાંય વર્ષોથી પાછો આવ્યો જ નથી. હું એને જોતી રહીશ અને એ એક દિવસ મને જણાવ્યા વિના ચાલ્યો ગયો હતો તેમ જ ફરી મારી સામેથી ગૂમ થઈ જશે.’
મેં નાનપણમાં એક સ્ત્રીને એના કિશોર વયના દીકરા સાથે એકલી રહેતી જોઈ હતી. વર્ષો પહેલાં એનો પતિ કોઈને જણાવ્યા વિના અચાનક ઘરમાંથી ચાલ્યો ગયો હતો. સ્ત્રીએ અને સગાંવહાલાંઓએ બહુ તપાસ કરી, પરંતુ એની ભાળ મળી નહીં. એ લોકો ગામનાં કૂવા-તળાવમાં પણ શોધ કરી આવ્યાં હતાં. ન એ આવ્યો, ન તો એનો મૃતદેહ મળ્યો. એ મહિલાએ પારકાં ઘરનાં કામ કરીને દીકરાને મોટો કર્યો. એના મોઢા પર કાળી ગમગીન છાયા છવાયેલી રહેતી. એ સ્મિત કરવાનું ભૂલી ગઈ હતી. એ એવી જિંદગી જીવી, જેના માટે એ કોઈ પણ રીતે જવાબદાર નહોતી. જવાબદાર હતો તે પુરુષ હંમેશને માટે ગાયબ થઈ ગયો હતો. ક્યાં ગયો, શા માટે ગયો, જીવે છે કે નહીં તેવી કોઈ પણ બાબતની ખબર જ પડી નહીં. એ સ્ત્રી ન તો સધવાનું જીવન જીવી શકી, ન તો વિધવાનું.
આવા ઘણા કિસ્સા બને છે. કેટલાક લોકો દેખીતા કારણ વિના ઘર છોડીને ચાલ્યા જાય છે. કારણ હોય તો પણ એનો રસ્તો કાઢવાની એમની તૈયારી હોતી નથી. પાછળ આખો પરિવાર જીવન ઘસડતો રહે છે. એ કયો મૂંઝારો હોય છે, જે એમને ઘર છોડીને જવા માટે મજબૂર કરે છે? બધા કિસ્સામાં માત્ર મૂંઝારો જ નથી હોતો, બીજાં ઘણાં કારણો હોય છે, પરંતુ એમના પરિવારની યાતના એક જ પ્રકારની હોય છે.
૧૯૮૯માં બનેલી મૃણાલ સેનની આર્ટ ફિલ્મ ‘એક દિન અચાનક’ યાદ આવે. એમાં પણ આધેડ પ્રોફેસર એક સાંજે વરસતા વરસાદમાં ઘરમાંથી બહાર જાય છે અને ફરી ક્યારેય પાછો આવતો નથી. આઘાત અને અનેક પ્રશ્ર્નોમાં ઘેરાયેલો પરિવાર જીવનમાં સ્થિર થવાની કોશિશ કરે છે, પરંતુ તેઓ અંદરથી ઊખડી ગયાં છે. એમને એક જ પ્રશ્ર્ન છે કે એ શા માટે ચાલ્યો ગયો. બધાં પોતપોતાની રીતે જવાબ શોધવા મથે છે. કોઈને લાગે છે કે એ જીવનમાં કશુંક બહુ મોટું કામ કરવા માગતો હતો અને કરી શક્યો નહીં, તેથી હતાશામાં ચાલ્યો ગયો. કોઈ વિચારે છે, કદાચ એ પોતાને બીજા લોકોથી ભિન્ન સાબિત કરવા માગતો હતો. પરિવાર સિવાયના લોકો પણ પ્રોફેસરનું અલગ – અલગ રીતે મૂ્લ્યાંકન કરે છે, જેનો કશો જ અર્થ હોતો નથી. એ ઘર છોડીને ચાલ્યો ગયો, પરંતુ એનો પડછાયો ઘર પર મંડરાતો રહે છે. પ્રોફેસર ખોવાઈ જઈને પણ ખાલીપાની ભેટ પરિવારને આપતો જાય છે.
હિન્દીના સુપ્રસિદ્ધ સર્જક નિર્મલ વર્માની વાર્તા છે: ‘કૌએ ઔર કાલા પાની.’ એ વાર્તામાં ઘર છોડીને ચાલ્યો ગયેલો માણસ કેન્દ્રમાં છે. પરિવારનો બીજા નંબરનો દીકરો અચાનક ચાલ્યો જાય છે પછી પિતા અને ભાઈઓએ હૉસ્પિટલોમાં, પોલીસથાણામાં, શબઘરોમાં એની નિષ્ફળ શોધખોળ કરી હતી. દસ વર્ષો પછી એક પહાડી ઇલાકામાંથી એનો પોસ્ટકાર્ડ મળે છે. સૌથી નાનો ભાઈ એને મળવા આવે છે. દસ વર્ષોથી પહાડોની વચ્ચે એકલા રહેતા પુરુષને અજાણ્યા લોકો સંન્યાસી માને છે. નાના ભાઈ સાથેની વાતચીતમાંથી ઘર છોડીને ચાલ્યા ગયેલા માણસના મનની કેટલીક બાબતો વાંચકને સમજાય છે. પરિવારને છોડ્યા પછી પણ એ કશું જ ભૂલી શક્યો નથી. ભાઈ પૂછે છે કે બીજા લોકોને સાવ છોડી દેવા શક્ય હોય છે? એનો જવાબ છે કે એ શક્ય હોતું નથી. ઘર છોડ્યા પછી પણ એ માનસિક રીતે પરિવાર સાથે જોડાયેલો રહ્યો હતો. કદાચ એમાંથી હંમેશને માટે છુટકારો મેળવવા માટે જ એણે દસ વર્ષ પછી પરિવારને પત્ર લખ્યો હતો.
કેટલાક લોકો કોઈ પણ જગ્યાએ હોય, તેઓ હોઈને પણ ન હોવા જેવા હોય છે. જિંદગીની નવી રીતે અને નવી જગ્યાએ શરૂઆત કરવી એક વાત છે, મૂળિયાં ઉખેડીને પલાયન કરી જવું જુદી વાત છે. જરૂરી નથી કે ઘર છોડીને ચાલ્યા જતા લોકો જ ઘરની બહાર વસતા હોય. ઘણા લોકો ઘરમાં પરિવારની વચ્ચે રહેતા હોય, છતાં ગેરહાજર જેવું જ જીવન જીવે છે. એવા લોકો અથવા ઘરમાંથી ચાલ્યા જતા લોકો જાણતા નથી કે આપણા ભાગે આવેલી જિંદગી માત્ર એક જ વાર જીવી શકાય છે.
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
શ્વાસોનો ધબકારો
ડો. નીલેશ રાણા

-
સીમાંત [૨]
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
પટલના ઘરમાંથી અચાનક ચાલી ગયેલી ચુનિયા ક્યાં, કેવા હાલમાં હશે એની ચિંતા પટલ કે હરકુમાર બાબુની જેમ વાચકને પણ હશે જ..
તો ચાલો જઈએ ચુનિયાની દુનિયામાં…
ગતાંક થી આગળ
મધ્યાન ભોજન પછી ડૉક્ટર યતીન સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે એમને સમાચાર મળ્યા કે રસ્તામાંથી પોલીસ કોઈ રોગીને ઉઠાવીને અહીં દાખલ કરી ગઈ છે. યતીન એને જોવા ગયો. યુવતિનો અધિકાંશ ચહેરો ચાદરથી ઢંકાયેલો હતો. બહાર લટકતા હાથની નાડી તપાસી. શરીર ગરમ હતું. તાવની શક્યતા હતી. વધારે પરિક્ષણ માટે યતીને એના ચહેરા પરની ચાદર હટાવીને જોયું તો યતીન દંગ રહી ગયો. એ ચુનિયા હતી.
પટલે યતીનને ચુનિયા વિશે બધી વાત કરી હતી અને યતીન પટલનું ઘર છોડીની નીકળી ગયો હતો પણ એના માનસપટલ પરથી ચુનિયા નીકળી નહોતી. ભોળી હરણી જેવી, મૃગનયની ચુનિયાની સ્મૃતિએ અજાણતા જ એના હ્રદયના ખૂણામાં ક્યાંક સ્થાન લઈ લીધું હતું. આજે એની લાંબી પાંપણોથી ઢંકાયેલી આંખો, કરમાયેલો ચહેર જોઈને યતીનના હ્રદયમાં તોફાન ઊમટ્યું.
જે દૈવયોગે એ મૃત્યુના પાશથી બચી હતી આજે એ ફરી મૃત્યુના દ્વાર તરફ ધકેલાઈ હતી. નાની ઉંમરથી આઘાતો, વેદનાઓ એણે કઈ તાકાતથી સહન કરી હશે? માંડ સ્વસ્થતા અને સ્થિરતા પામ્યા પછી ફરી એક વાર આ સંકટમાં ક્યાંથી ધકેલાઈ હશે? યતીનના મનમાં વિચારોની આંધી ઊઠી.
એ ચુનિયાની બાજુમાં બેસી પડ્યો. થોડી વારે સ્વસ્થ થઈને એણે ચુનિયાને થોડું થોડું કરીને ગરમ દૂધ પીવડાવવાનું શરૂ કર્યું. જરા વાર રહીને ચુનિયાએ એની આંખો ખોલી. સુંદર સ્વપ્ન જોઈ રહી હોય એમ એ યતીનની સામે જોઈ રહી.
“ચુનિયા ..”
યતીને એના કપાળ પર હાથ મૂક્યો અને રહી સહી બેહોશીની અસરમાંથી બહાર આવી હોય એમ યતીનને જોઈને એની આંખો અને ચહેરા પર અષાઢી વાદળોથી ઘેરાયેલા આકાશની જેમ મોહનું આવરણ છવાયું. સ્નેહથી આંખો તરલ બની.
“ચુન્ની, થોડું વધારે દૂધ પી લે.” યતીનનો અવાજ સાંભળીને બેઠા થઈને બાકીનું દૂધ પી લીધું.
હોસ્પિટલનો એક ડૉક્ટર કોઈ એક વ્યક્તિ પર વિશેષ ધ્યાન આપીને ક્યાં સુધી બસી શકે? યતીન પોતાની ફરજ પર જવા ઊભો થયો અને ચુનિયાની આંખોમાં નિરાશા અને ભય છવાયા.
“ડરવાનું કોઈ કારણ નથી ચુન્ની, હું હમણાં પાછો આવીશ.” યતીને એને દિલાસો આપવા પ્રયત્ન કર્યો.
ચુનિયાને પ્લેગની બીમારી નહોતી. એ તો માત્ર સાધારણ તાવ અને કમજોરીની અસર હતી. એને આ પ્લેગના દર્દીઓની સાથે રાખવાથી એ પણ સંક્રમિત થશે એવી આશંકાથી યતીને એને પોતાના નિવાસે ખસેડી. ચુનિયા મળી છે એવો પત્ર લખીને પટલને મોકલી દીધો.
સંધ્યાના રંગો રાતના અંધકારમાં ભળી રહ્યાં હતાં. યતીનના ઘરનો લેમ્પ આછી રોશની રેલાવી રહ્યો હતો. સૂરીલો રાગ છેડતી હોય એમ ટેબલ પર મૂકેલી ઘડીયાળની ટિક ટિક કરતી હતી.
કશું બોલ્યા વગર સૂતેલી ચુનિયાના કપાળ પર યતીન કોમળતાથી હાથ ફેરવતો બેઠો હતો. ચુનિયાના ચહેરા પર અજબ સંતોષ છલકતો હતો.
“ચુન્ની, તારા ગળામાં આ શું છે?” યતીનના સવાલના જવાબમાં ચુન્નીએ ઝડપથી એની સાડીનો છેડો વધુ ચૂસ્તીથી ખેંચવા વ્યર્થ મથામણ કરી તેમ છતાં એના ગળામાં સૂકાયેલા બોરસલીના ફૂલોનો હાર તો દેખાઈ રહ્યો હતો.
અરે, આ મૃગબાળ જેવી ભોળી ચુન્નીના હ્રદયમાં યૌવન સહજ આકર્ષણે ક્યારે આકાર લીધો હશે? વિચારે ચઢેલો યતીન નિંદ્રાવસ્થામાં ક્યારે સરી ગયો એની ખબર ના રહી પણ વહેલી સવારે ઘરના બારણા પરના ખખડાટથી એની આંખો ખૂલી.
પટલ અને હરકુમાર બાબુ હતાં. યતીનને થોડી નિશ્ચિંતતા અનુભવી. પટલની અનુભવી આંખોએ ચુનિયાની સ્થિતિ માપી લીધી. ચુનિયાના બચવાની આશા નહીવત હતી.
“યતીન, સાચું કહેજે તું ચુનિયાને પ્રેમ કરે છે ને?” પટલે એની પ્રકૃતિ પ્રમાણે સીધો જ સવાલ કર્યો.
યતીને જવાબ આપવાનું ટાળ્યું. ચુનિયાનો હાથ સહેલાવતો બેસી રહ્યો. પટલે હળવેથી ચુનિયાને સંબોધી.
“ચુન્ની…ચુન્ની..ઓ ચુન્ની.”
ચુનિયાએ આંખો પરથી પાંપણનું આવરણ ઉઠાવતા યતીન સામે જોયું. એના ચહેરા પર સ્મિતની મધુર લહેરખી છવાઈ.
“ચુન્ની, તારો આ હાર મને પહેરાવીશ?” જવાબમાં ચુન્ની વિસ્ફારિત નજરે એને જોઈ રહી. યતીને ફરી એ પ્રશ્ન દોહરાવ્યો.
“એનાથી શું થશે?” થોડા અનાદર અને અભિમાનથી ચુન્ની બોલી.
“હું તને પ્રેમ કરું છું ચુન્ની.”
યતીનનો જવાબ સાંભળીને ચુનિયા સ્તબધ બની ગઈ. યતીન પલંગ પરથી ઊભો થઈને ચુન્નીના હાથ પહોંચે એવી રીતે જમીન પર ઘૂંટણે બેસી ગયો. ચુન્નીએ ગળામાંથી હાર ઉતારીને યતીનના ગળામાં પહેરાવી દીધો.
“ચુનિયા, હજુ મારાથી નારાજ છું?” હવે પટલે પાસે આવીને ચુનિયાને બોલાવી.
“હું ક્યારે તમારાથી નારાજ હતી દીદી?”
કાચની બોટલમાંથી સરી જતી રેતની જેમ સમય સરતો હતો. પટલે યતીનની થોડી વાર બહાર જવા વિનંતી કરી. યતીન એક ક્ષણ વેડફ્યા વગર બહાર નીકળી ગયો. પટલે પોતાની સાથે લાવેલા વસ્ત્ર અને અભૂષણ અત્યંત સાવધાનીપૂર્વક ચુનિયાને પહેરાવા માંડ્યા. એના કમજોર હાથોમાં કંગન પહેરાવીને યતીનને બોલવ્યો. ચુનિયાની બાજુમાં યતીનને બેસાડીને એના હાથમાં સોનાનો હાર મૂકીને એ હાર ચુનિયાને પહેરાવવા કહ્યું. યતીને અત્યંત સ્નેહથી હાર ચુનિયાને પહેરાવ્યો.
સૂર્યનું પહેલું કિરણ ચુનિયાના ચહેરા પર પથરાયું ત્યારે ચુનિયાનો આત્મા એ કિરણોની આંગળી પકડીને અંતિમ પ્રવાસે નીકળી ચૂક્યો હતો. એના ચહેરા પરની અજબ કાંતિ જોઈને યતીન કે પટલને હજુ એવી પ્રતીતિ નહોતી થતી કે ચુન્ની હવે આ દુનિયામાં રહી નથી. જાણે કોઈ અતલસ્પર્શી સુખદ સ્વપ્નમાં પૂર્ણરૂપે લીન થઈ હોય એમ એનો ચહેરો ચમકતો હતો.
સ્મશાન ઘાટ પર ચુનિયાના દેહને ચેહ પર મૂકતા યતીને એના અજ્ઞાત પ્રેમની સીમાનોય અંત આણ્યો.
સીમાંત -રવીન્દ્રનાથ ટાગોર લિખિત વાર્તાને આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
સંગીતકાર સાથેનું મોહમ્મદ રફીનું સૌપ્રથમ યુગલ ગીત : બીજો પંચવર્ષીય સમયખંડ – ૧૯૪૯ -૧૯૫૩ : વર્ષ ૧૯૪૯ – ભાગ [૨]
વિસરાતી યાદો…સદા યાદ રહેતાં ગીતો
સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ
મોહમ્મદ રફીની જન્મ તિથિ (૨૪-૧૨-૧૯૨૪) અને અવસાન તિથિ (૩૧-૭-૧૯૮૦)ની યાદમાં આપણે મોહમ્મદ રફીએ કોઈ પણ સંગીતકાર સાથે ગાયેલ સૌ પ્રથમ (પુરુષ-પુરૂષ કે સ્ત્રી-પુરુષ) યુગલ ગીતોની યાદ તાજી કરવાનો ઉપક્રમ પ્રયોજેલ છે.યાદોની આ સફરમાં આપણે વર્ષ ૨૦૨૧માં પહેલા પંચવર્ષીય સમયખંડના ૧૯૪૪ થી ૧૯૪૭નાં યુગલ ગીતોની યાદ તાજી કરી. તે પછી જુલાઈ, ૨૦૨૨ના અંકમાં બીજા પંચવર્ષીય સમયખંડના ૧૯૪૯ના વર્ષના ભાગ ૧માં મોહમ્મદ રફીએ નૌશાદ, હુસ્નલાલ ભગતરામ, શ્યામ સુંદર, હનુમાન પ્રસાદ, સાથે ગાયેલાં પ્રથમ યુગલ ગીત આપણે સાંભળ્યાં.
આજે હવે ભાગ ૨માં વર્ષ ૧૯૪૯નાં વર્ષ માટે બાકી ૯ સંગીતકારો સાથે મોહમ્મદ રફીનાં સર્વ પ્રથમ યુગલ ગીતની યાદ તાજી કરીશું.
અહીં એ વાતની પણ નોંધ લેવી આવશ્યક જણાય છે કે વસંત દેસાઈએ ફિલ્મ ‘નરસિંહ અવતાર’ માટે લતા મંગેશકર સાથે રચેલાં બે યુગલ ગીતો અને આબીદ હુસ્સૈન ખાને ઝોહરાબાઇ અંબાલેવાલી સાથે ‘આખરી પૈગામ (ધ લાસ્ટ મેસેજ)’ માટે રચેલ યુગલ ગીત,ન ઠહર સકે ન તડપ સકે, ઇન્ટરનેટ પર મળી નથી શક્યાં.
વર્ષ ૧૯૪૯ માટે મોહમ્મદ રફી ૧૬ સંગીતકારો સાથે પહેલવહેલાં યુગલ ગીતો પૈકી બાકીના ૯ સંગીતકારો સાથેનાં સર્વપ્રથમ યુગલ ગીતો આજે સાંભળીશું.
વિનોદ (મૂળ નામ એરિક રોબર્ટ્સ)ની ધુનો એક છેડે સાવ રમતિયાળ તો બીજે છેડે ખુબ મુધુર સર્જનાત્મકતાનો બેમિસાલ આદર્શ ગણાતી. ૧૯૪૯મા ‘એક થી લડકી’ માટે વિનોદે મોહમ્મદ રફીની સાથે લતા મંગેશકરનો સ્વર ત્રણ યુગલ ગીતો અને બે ત્રિપુટી(+) સમુઃહ ગીતોમાં પ્રયોજેલ છે. બે ત્રિપુટી(+) સમુહ ગીતો પૈકી લારા લપ્પા …. લાઈ રખદા, આદી ટપ્પા (લતા મંગેશકર, મોહમ્મદ રફી, જી એમ દુર્રાની – ગીતકાર: અઝીઝ કશ્મીરી) તો આજ પણ લોકોને નાચતાં કરી મુકે છે. બીજું ત્રિપુટી (+) ગીત, હમ ચલે દૂર… દિલ હુઆ ચુર (લતા મંગેશકર, મોહમ્મદ રફી, સતીશ બત્રા – ગીતકાર: અઝીઝ કશ્મીરી) નાવ ગીતની લોકધુન પર રચાયેલું એક ખુબ ભાવવાહી રોમેન્ટીક ગીત છે.
યુગલ ગીતો પૈકી, અબ હાલ-એ-દિલ યા હાલ-એ-જિગર ન પુછીએ – લતા મંગેશકર – ગીતકાર: અઝીઝ કશ્મીરી, માં રફી અને લતા મંગેશકરને સંવાદોની સાહજિકતાથી રોમેન્ટીક ભાવોને વ્યકત કરતાં રજુ કરે છે. ગીતના પહેલા અંતરા પછી યોડેલીંગના એક રમતિયાળ ટુકડાનો પ્રયોગ ગીત માધુર્યની સાથે સીચુએશનના હળવા મુડને વણી લે છે તે વિનોદની સર્જનાત્મક શૈલીનું એક સહજ ઉદાહરણ છે.
મોહમ્મદ રફી – લતા મંગેશકરનાં બીજાં બે યુગલ ગીતોમાંનું અબ શોખ સિતારે ઈક સોખ નઝર કી તરહ વૉલ્ઝ લય પર રચાયેલું રોમાન્સથી છલકે છે તો લમ્બી જોરૂ બડી મુસીબત હળવા ભાવ રજૂ કરતું સ્ટેજ ગીત છે.
મોહમ્મદ શફી સંગીતની પદ્ધતિસરની તાલીમબધ્ધ હોવાની સાથે ખુબ પ્રતિભાવાન સંગીતકાર હતા. તેમના નામે બે અનોખા રેકોર્ડ્સ નોંધાયેલા છે – સુમન કલ્યાણપુર (ત્યારે, હેમાડી)નું સર્વ પ્રથમ હિંદી ફિલ્મ ગીત – કોઈ પુકારે ધીરે સે તુમ્હેં (મંગુ, ૧૯૫૪) અને હેમલતાનું સર્વપ્રથમ હિંદી ફિલ્મ ગીત મૈં જાન કે બદલે, કે પછી સદીયોંકી નિશાની મૈં અનકહી કહાની, (ઈરાદા, ૧૯૭૧)
ફરિયાદ ન કરના હાયે કહીં ફરિયાદ ન કરના – ઘરાના – શ્યામા બાઈ સાથે – ગીતકાર: આલમ સ્યાહપોશ
અહીં મોહમમ્મ્દ શફીની સંગીત પ્રતિભાના અનેક ચમકારા જોવા મળે છે. શ્યામા બાઈની પાસે થોડા ઊંચા સુરમાં કરેલી શરૂઆત બાદ તેમના ભાગનું ગીત કરૂણ ભાવમાં ઘુંટાય છે. મોહમ્મદ રફી વિન્ટેજ એરાની શૈલીમાં છે પણ ગીતને પુરેપુરૂં ભાવવાહી બનાવી રહે છે.
તે ઉપરાંત મોહમ્મદ શફીએ મોહમ્મદ રફી સાથે પારો દેવીનું પણ એક યુગલ ગીત – તુ કહાં હૈ બાલમ આ જા – પણ રચ્યું છે, જેમાં મિલનની આશાનો ભાવ પ્રેમીઓ આનંદપૂર્વક વ્યક્ત કરી રહે છે.
એસ મોહિન્દર (મૂળ નામ બક્ષી મોહિંન્દર સિંઘ સાર્ના)એ આમ તો પચાસેક જેટલી હિંદી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું, પણ તેમણે રચેલાં ગીતો ચીરસમરણીય ગીતોની યાદીમાં સ્થાન મેળવે છે. તેઓ શાસ્ત્રીય સંગીતની પરંપરામાં ઉછર્યા હોવા છતાં ફિલ્મોની જરૂરિયાત મુજબ રમતિયાળ ગીતો પણ તેમને સહજ હતાં.
ચંદા કી ગોદમેં તારોં કી છાંવ મેં રૂઠે હુએ હમ મનાયે રે – જીવન સાથી – ચાંદ વિર્ક સાથે – ગીતકાર: હમીદ ખુમર
એસ મોહિન્દરે પંજાબી ફિલ્મોમાં પણ બહુ નોંધપાત્ર યોગદાન કરેલું છે. અહીં તેઓએ મૂળતઃ પંજાબી ફિલ્મોનાં ગાયિકા, ચાંદ વિર્ક, પાસે ખુશીના ભાવનું, માધુર્યપૂર્ણ, યુગલ ગીત ગવડાવ્યું છે.
આ જ ફિલ્મમાં મોહમ્મદ રફીનું અમીરબાઈ કર્ણાટકી સાથે એક યુગલ ગીત – મૈં કૈસે કહ દું અપને દિલકી બાત ( ગીતકાર: સુરજિત શેઠી) અને શમશાદ બેગમ સાથે બે યુગલ ગીતો – મિલકર જાયેં હમ પ્રીત કે દીવાને અને મુહબ્બત રોગ બનકર દીલકી ધડકનમેં રહતી હૈ (ગીતકાર: હમિદ ખુમર) એમ બીજાં ત્રણ યુગલ ગીતો પણ હતાં.
કૃષ્ણ દયાલ સંગીતકારોમાં ખાસ જાણીતું નામ નથી. તેમણે સંગીત પણ પાંચેક હિંદી ફિલ્મો માટે જ આપ્યું છે. પણ હા, હિંદી ફિલ્મોનાં જુનાં ગીતોના ચાહકોને તેમણે સ્વરબધ્ધ કરેલું મુકેશ-સુરૈયાનું યુગલ ગીત, બદરા કી છાંઓ તલે નન્હી નહીં બુંદિયાં (લેખ, ૧૯૪૯),તો જરૂર યાદ હશે !
કર લે કિસી સે પ્યાર જવાની દો દિનકી – લેખ – આશા ભોસલે સાથે – ગીતકાર: ક઼મર જલાલાબાદી
હું તો આ યુગલ ગીત પહેલી જ વાર સાંભળું છું. ગીતની ધુન પણ ગાવામાં મુશ્કેલ પડી તેવી છે.
પંડિત ગોવિંદરામ દ્વારા હમારા સંસાર માટે તેમણે મોહમ્મ્દ રફી સાથે સ્વરબધ્ધ કરેલું, સર્વપ્રથમ ત્રિપુટી ગીત – છોટી સે એક બનાયેંગે નૈયા….ખુદ હી બનેંગે ઉસ કે ખેવૈયા (શમશાદ બેગમ અને ઝોહરાબાઈ અંબાલેવાલી સાથે) – આપણે આ શ્રેણીમાં પહેલાં સાંભળી ચુક્યાં છીએ. તેમણે મોહમ્મદ રફી સાથે રચેલું સર્વપ્રથમ યુગલ હવે ૧૯૪૯માં આવે છે.
તારોંકા યે ખજ઼ાના યે ચાંદની સુહાની – નિસ્બત – શમશાદ બેગમ સાથે – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
આ ગીત પણ પહેલી જ વાર સાંભળ્યું જ છે. શમશાદ બેગમ અને મોહમ્મદ રફીનો અવાજ અને ગાયન શૈલી પણ નવી જ લાગે છે.
ખેમચદ પ્રકાશે ૧૯૪૯નાં વર્ષને સુવર્ણ યુગનું નવલું પ્રભાત ગણાવા માટેનો દરવાજો મહલનાં આયેગા આનેવાલા (લતા મંગેશકર)નાં એક જ ગીતથી ખોલી નાખ્યો એમ કહી શકાય.
આ શ્રેણીમાં સમાજ કો બદલ ડાલો (૧૯૪૭)નાં ત્રિપુટી ગીત, અજી મત પુછો બાત કોલેજકી અલબેલી, ઈન્દ્રપુરી સાક્ષાત કોલેજ અલબેલી,માં તેમણે મોહમ્મદ રફીના સ્વરને અજમાવી જ લીધો હતો.
અહીં તેઓ મોહમ્મદ રફી સાથેનું સર્વપ્રથમ યુગલ ગીત રચે છે.
હવા તુ ઉનસે જા કર કહ દે દીવાના આયા હૈ – રિલ ઝિમ – રમોલા સાથે – ગીતકાર: મોતી બી એ
ખેમચંદ પ્રકાશ આવું હળવા મિજાજનું ગીત રચી આપે છે તે જ એક બહુ નોંધપાત્ર ઘટના ગણી શકાય. ગીતની બાંધણી કવ્વાલી થાટનાં માળખાં પર કરવામાં આવી છે. રમોલા તો માત્ર મશ્કરીના ઉદ્ગારો કાઢવા પુરતાં જ ગીતમાં જોડાયાં છે.
ખેમચંદ પ્રકાશે મોહમ્મદ રફીનું એક બીજું યુગલ ગીત પણ ૧૯૪૯માં રચ્યું છે. –
અય દિલ ના મુઝે યાદ દિલા બાતેં પુરાની -સાવન આયા રે – શમશાદ બેગમ સાથે – ગીતકાર: ભરત વ્યાસ
‘૬૦ના દાયકામાં જ્યારે રેડિયો પર ફિલ્મી ગીતો સાંભળવાનો મારો શોખ પુરબહારમાં હતો ત્યારે આ યુગલ ગીત બહુ જ સંભળવા મળતું હતું.
ખાન મસ્તાના પણ વિન્ટેજ એરાના એક બહુ સન્માનીય સંગીતકાર તેમ જ પાર્શ્વગાયક હતા.
તુમ હો જાઓ હમારે હમ જો હો જાય તુમ્હારે – રૂપ લેખા – સુરીંદર કૌર સાથે – ગીતકાર: ખુમાર બરાબંક્વી
તત્વતઃ વિન્ટેજ એરાની સંગીત પ્રથાન સંગીતકાર હોવા છતાં ખાન મસ્તાના બહુ જ તાજગીસભર રચના આપે છે.
સુધીર ફડકેએ હિંદી ફિલ્મ સંગીતમાં મરાઠી લોક સંગીતનો બહુ જ અસરકારક સુમેળ રચ્યો.
હરી હરી મેરે તો શ્રી હરિ નહી દૂજા – સંત જ્ઞાનબાઈ – લલિતા દેઉલકર સાથે – ગીતકાર: નરેન્દ્ર શર્મા
ભજનો ગાતી વખતે મોહમ્મદ રફી એક સાચા ભક્તની ભાવનાથી મહોરી ઊઠે છે.
અઝીઝ (ખાન) હિન્દવીએ ‘૪૦ના દાયકામાં કેટલીક ફિલ્મો માટે સંગીત પણ આપ્યું હતું.
મેહમાન બનકે આયે થે …. અરમાન બન ગયે – શોહરત – હમીદા બાનો સાથે – ગીતકાર: ગુલશન ઝૂમા / પંડિત મધુપ શર્મા
યુગલ ગીત અને તેનાં સૉલો વર્ઝનની ગીત બાંધણી સમાન જ છે. અહીં આપેલી ક્લિપમાં બન્ને વર્ઝન સાંભળી શકાય છે.
હવે પછીના મણકામાં સંગીતકાર સાથેનું મોહમ્મદ રફીનાં સૌ પ્રથમ યુગલ ગીતના બીજા પંચવર્ષીય સમયખંડનાં ૧૯૫૦ના વર્ષનાં યુગલ ગીતો સાંભળીશું.
વિસરાતી યાદો…સદા યાદ રહેતાં ગીતો શ્રેણીના ૭મા વર્ષના બધા મણકા વિસરાતી `યાદો…સદા યાદ રહેતાં ગીતો : વર્ષ ૭મું – ૨૦૨૨ પર ક્લિક કરવાથી વાંચી / ડાઉનલોડ કરી શકાય છે.
-
ફિલસુફીભર્યા ગીતો -૫ – दुःख तो अपना साथी है
નિરંજન મહેતા
दुःख हो या सुख, जब सदा संग रहे ना कोई
फिर दुःख को अपनाए, के जाए तो दुःख ना होएराही मनवा दुःख की चिंता क्यों सताती है
दुःख तो अपना साथी है
सुख तो है एक छांव ढलती आती है जाती है
दुःख तो अपना साथी हैदूर है मंजिल दूर सही, प्यारा हमारा क्या कम है
पग में कांटे लाख सही पर सहांरा क्या कम है
हम राह तेरे कोई अपना तो है
हम राह तेरे कोई अपना तो हैदुःख हो कोई तब जलते है, पथ के दीप निगाहों में
इतनी बड़ी इस दुनिया की लम्न्बी अकेली राहो में
राही मनवा दुःख की चिंता क्यों सताती है
दुःख तो अपना साथी हैએ તો સર્વવિદિત છે કે સુખ અને દુઃખ જોડિયા ભાઈ સમાન છે પણ બન્ને સાથે નથી આવતા. ક્યારેક સુખ તો તેની પાછળ દુઃખ આવે છે. પણ સામાંન્ય રીતે દુઃખ આવે ત્યારે આપણે રોદણા રોવા માંડીએ છીએ. એક પછી એક આવવાના તે જાણવા છતાં આમ થઇ જ જાય છે.
૧૯૬૪ની ફિલ્મ ‘દોસ્તી’ બે દોસ્તોની વાર્તા છે જેમાં એક અપંગ છે તો બીજો પ્રજ્ઞાચક્ષુ. પણ જ્યારે કોઈ કારણસર અપંગ દુઃખી હોય છે અને નિરાશ થાય છે ત્યારે તેનો પ્રજ્ઞાચક્ષુ મિત્ર એક દોસ્તને નાતે તેને સુખદુખનાં ચક્રની વાત કહે છે અને કહે છે કે આપણા જેવા માટે તો દુઃખ જ આપણો સાથી છે તો તું શા માટે ચિંતા કરીનને દુઃખી થાય છે? કારણ સુખ તો એક ઢળતી સાંજ જેવું છે જે આવે છે ને જાય છે પણ આપના માટે તો દુઃખ જ આપણું સાથી છે.
તે આગળ જણાવે છે કે આપણી મંઝીલ ભલે દૂર હોય, એકબીજાના પ્યાર અને સહારા શું કમ છે? તે છે તો આ દુઃખની શું વિસાત? દુઃખ આવે છે ત્યારે આપણી નજરમાં આ વિશાળ દુનિયાના એકલ લાંબા રાહમાં રાહના દીપ પ્રજ્વલિત થાય છે એટલે તને દુઃખની ચિતા કેમ સતાવે છે? તે તો આપણું સાથી છે.
બે યુવા મિત્રો સુધીરકુમાર અને સુશીલકુમાર દ્વારા જીવનની આ ફિલસુફી ગીતકાર મજરૂહ સુલ્તાનપુરીએ સુંદર રીતે આલેખી છે. મધુર સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે જેને સ્વર આપ્યો છે રફીસાહેબે.
આજે પણ આ ગીત તરોતાજા છે તેની આ ફિલસુફીને કારણે.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. 28339258/9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
વનવૃક્ષો : રાયણ

ગુજરાત રાયણનું ઘર કહેવાય. કાઠિયાવાડમાં ગીરમાં પણ રાયણો છે. ગુજરાતનાં નાનાં નાનાં છોકરાંઓએ પણ રાયણ જોઈ હોય, અને કાઠિયાવાડમાં ઘણાંઓની આખી જિંદગી નીકળી જાય તો ય એમણે રાયણનું ઝાડ કદી ન જોયું હોય !

સાંદર્ભિક તસવીર – નેટ પરથી ગુજરાતમાં રાયણની ઋતુ આવે ત્યારે રાયણ ખાઈ ખાઈને લોકો એટલા ધરાઈ જાય કે તેની સામે પણ ન જુએ. રાયણ, રાયણ ! અમસ્તી ખાવા રાયણને રોટલી સાથે ખાવા પણ રાયણ. ગુજરાતમાં રાયણ રોટલીની નાતો થાય. અધધધ, કેટલી બધી રાયણો !
પણ કાઠિયાવાડમાં ગુજરાતની રાયણો આવે છે ખરી. પહેલાં ગાડારસ્તે આવતી અને બધાં ગામે ન પહોંચતી; પણ હવે તો રેલગાડી થઈ એટલે ઢગલાબંધ રાયણો આવી પડે છે અને ગામેગામ રેલાઈ જાય છે. કાઠિયાવાડનાં છોકરાંઓ રાયણનું ઝાડ તો ન ભાળે, પણ રાયણ તો ભાળે.
પહેલા જ્યારે રાકણો ચારેકોર નહોતી પહોંચતી ત્યારે રાણકોકડીઓ પહોંચી જતી. રાણકોકડીઓ એટલે સુકાઈ ગયેલી રાયણો. એટલી લીલી રાયણો ખાય ? એટલે ગુજરાતના વેપારીઓ તેને સૂકવે. સુકાયા પછી સૂકા મેવા તરીકે તે વખણાય. અસલ રાણકોકડીનાં ગાડાં આવતાં ને જતાં હશે; ખૂબ આવતાં જતાં હશે.
નાના છોકરાંને રાણકોકડીઓ બહુ ભાવે. પહેલાં તો પાઈની પાશેર મળતી, છોકરાં તે ધરાઈને ખાતાં. પછી રાણકોકડીઓનાં ગાડાં ઉપર ખુશી થઈ તેમણે જોડી કાઢ્યું હશે:–
“રાણકોકડીનાં ગાડાં આવે છે, જાય છે;
રાણકોકડીનાં ગાડાં આવે છે, જાય છે;”રાણકોકડીને ફરાળ તરીકે પણ વાપરવામાં આવે છે. ગરીબ લોકોને એનું ફરાળ પોસાય છે. ‘સોંઘુ ભાડું ને સિદ્ધપુરની જાત્રા.’થોડીએક રાયણો કાઠિયાવાડમાં ચારેકોર ઊગાડીએ તો છોકરાંઓને ખાવાની બહુ મજા પડે. જુગતરામભાઈએ ‘રાયણ’ નામની ચોપડી કરી છે તે વાંચવાથી છોકરાંને મજા પડે એ ખરી વાત છે; પણ એમાંથી રાયણ જેવો સ્વાદ આવે ? જુગતરામભાઈ કાઠિયાવાડના છે; હમણાં તેઓ ગુજરાતમાં રહે છે. ત્યાંથી તેઓ બેચાર રાયણનાં ઝાડો લાવીને પોતાના ગામમાં વાવે તો કેવું સારું ! છોકરાં બિચારાં હોંશેહોંશે રાયણો ખાશે ને આશીર્વાદ આપશે.
માહિતી સ્રોત : વિકિસ્રોત
