લ્યોઆ ચીંધી આંગળી

રજનીકુમાર પંડ્યા

“હલો…હલો…હલો…”ફોનને એક કાને લગાવીને ભૂપેન્દ્ર સુરતી માત્ર બોલતા જ નહોતા, બલકે બૂમ જ પાડતા હતા. વરસાદનો શોર જ એવો હતો ! ત્યાં તો વીજળીનો જોરદાર કડાકો થયો. એમણે બીજા કાનમાં આંગળી ખોસી દીધી. ફરી મોટા અવાજે બોલ્યા, “હેલો..”

આજે પાંચ પાંચ દિવસ થયે ગુજરાત અને તેમાંય નવસારી જિલ્લાને ધમરોળતા આવા વરસાદમાં આવતો ફોન આનંદમંગલના સમાચાર માટેનો તો ન જ હોય. રસોડામાંથી સરોજબહેને પણ આ “હલો..”.ની ત્રાડ જેવી બૂમ સાંભળતાં જ ચાનું વાસણ બાજુ પર મૂકી દીધું. દોડી આવ્યાં, “કોનો ફોન છે?” કહેતાં આવીને ઊભાં રહ્યાં. અને ‘હા’, ‘શું?’, ‘ક્યાં?’, ‘કોણ?’, ‘ઠેકાણું?’, ‘ઠીક છે’ જેવા ભૂપેન્દ્રભાઇના ત્રુટક ત્રુટક શબ્દો એમને કાને પડ્યાં. ત્યાં તો ભૂપેન્દ્રભાઇ છેલ્લું ટૂંકું વાક્ય બોલ્યા, “તમે બિલકુલ ચિંતા ન કરશો.”ને ફોન મૂકી દીધો.

પણ, ચિંતા કોને ન થાય? પાંચ-પાંચ દિવસથી આખા નવસારી પંથકને વરસાદ સતત ધમરોળી રહ્યો હતો, ને આજે ૧૪ જૂલાઇ ૨૦૨૨ની સાંજે પણ તેનો માર ઓછો નહોતો થયો. વરસાદનાં પાણીએ ગામ ને પાદરનો ભેદ ભૂલાવ્યો હતો. નદીઓએ ગાંડીતૂર બની કાંઠા ભાંગ્યા હતા. ગણદેવી તાલુકાના દેવધા, ઘમડાછા, સરીખુરદ, કલમઠા, ઉડાચ, વાધરેચ જેવાં અનેક ગામોમાં પહેલાં રોડ પર ને હવે લોકોનાં ઘરોમાં ત્રણ ત્રણ ચાર ચાર ફીટ જેટલા પાણી ભરાયાં હતાં. નદીને બદલે ગામના રસ્તાઓ પર હોડીઓ ફરતી થઇ ગઇ હતી. ને તેમાં આ ફોન…..

“મારે તાત્કાલિક વાધરેચ જવું પડશે.”ફોન મુકતાં જ ભૂપેન્દ્રભાઇ બોલ્યા.

“પણ, આવા વરસાદમાં?” ચિંતિત અવાજે સરોજબહેન બોલ્યાં, પણ મનમાં કશોક વિચાર ફરક્યો. કહ્યું, “ ચાલો, હુંય આવું છું.”

ત્યાં તો હાથમાં ગાડીની ચાવી લઇને પુત્રવધૂ સપના પણ આવી ગયાં. થોડી જ સેકંડોમાં પાણીની છોળો ઉડાડતી ગાડી વાઘરેચના રસ્તે દોડતી થઇ ગઇ. તવારીખ બોલતી હતી કે વલસાડ, નવસારી જિલ્લામાં આવી રેલ છેલ્લે ૧૯૬૮માં આવી હતી, તે પછી ચોપન વર્ષે છેક આજે !

ભૂપેન્દ્રભાઇને ફોન શા માટે?

હા, એનું કારણ એ કે એમણે જ પોતાના ફોન નંબર – +91 9898 873446; અને +91 93770 33446 ને સમાજ માટે 24 X 7 હેલ્પલાઇનની જેમ જાહેર કરી રાખ્યા હતા. આ વિસ્તારની વસતિને  અડધી રાતેય કામ પડે તો પોતાને હાકલ કરવાની હૈયાધારણ આપી રાખી હતી. તેવી હાકલના આજના જવાબમાં ફોનમાં સામે છેડે ચીખલી તાલુકાના કૂકેરી ગામના છબીલભાઇ હતા. ભૂપેન્દ્રભાઇને ફોન જોડ્યો. એમણે એમનો હોંકારો મળતાં જ લાગલું જ કહેવા માંડ્યું હતું કે ‘ભૂપેન્દ્રભાઇ, વાઘરેચમાં મારાં એંસી વરસના સાસુ ઘરમાં બરાબરનાં ફસાઇ ગયાં છે. લકવાગ્રસ્ત છે. ચાલવાનું તો ઠીક,  પથારીમાં બેઠાં પણ થવાતું નથી ને પાણી તો એમનાં ખાટલે પહોંચ્યા છે. એક કેર-ટેકર બહેન પણ તેમની સાથે છે. તમે કંઈક કરો.’

(એક વૃદ્ધાને સહાય કરી રહેલા ભૂપેન્‍દ્ર સુરતી)

“તમે જરાય ફિકર ના કરતા, થોડી વાર જાળવી જાઓ. હું આવું છું.” આ શબ્દોએ સામે કેવી અને કેટલી ધીરજ બંધાવી હશે એ આપણે જાણતા નથી. પણ બહુ જલ્દી એ શબ્દો સાચા પડ્યા. વાધરેચ ગામના પાદરે જ પાણી સામા મળ્યા અને પછી તો ચારે બાજુ ત્રણ ત્રણ ચાર ચાર ફીટ પાણી જ પાણી ! અજાણ્યા સ્થળે પાણીમાં પગ નાખવામાં ખુદને પણ જોખમ હતું પણ, ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને મિત્ર એવા ડૉ.સનમ પટેલે હોડીની જોગવાઇ  કરી, બે તરવૈયાને મોકલી આપ્યા. આથી કામ કંઇક આસાન થયું. બતાવેલા ઠેકાણે પહોંચ્યા. તો જોયું તો છબીલભાઇનાં સાસુ સુખીબેન છીબાભાઈ રાઠોડ પાણીથી લથબથ !  બિચારાં સખત ધ્રુજતાં હતાં. તેમનાથી એક ડગલુંય ચાલી શકાય તેમ તો હતું નહિ. આથી એમને હળવેથી બે હાથે ઉંચકી લીધાં, કેરટેકર અંબાબહેનને પણ હોડીમાં સાથે લીધાં. પછી ઝડપથી ગાડીમાં બેસાડીને બીલીમોરાની મેંગુષી હોસ્પિટલ તરફ ગાડી મારી મૂકી. એટલી વારમાં સરોજબહેને માજીનાં ભીનાં કપડાં બદલાવી દીધા, વિક્સ-બામ લગાવી આપી અને ગરમ ચાની સાથે હુંફાળો સધિયારો પણ આપ્યો. ઇસ્પિતાલમાં ત્વરિત સારવાર શરૂ થઇ. દાક્તરની સૂચના મુજબ નર્સે દવાનાં ઇંજેક્શન, ગ્લુકોઝની બોટલ, લોહીની બોટલની વ્યવસ્થા કરીને એ માજીને ચડાવ્યાં. ભૂપેન્દ્રભાઇની સિકલ પરનો તણાવ આ જોઇને ઓસરવા મંડ્યો.

“ચાલો, હવે ચા થઇ જાય !”બોલતાં બોલતાં અત્યાર સુધીની તંગ સિકલ પર સ્મિત તરી આવ્યું.

**** **** ****

ભૂપેન્દ્રભાઇનો જન્મ ૨૧ એપ્રિલ, ૧૯૬૫. માતા શારદાબેન તથા પિતા છોટુભાઇ ભાણાભાઇ સુરતી. કુટુંબમાં એક ભાઇ પ્રદિપ અને બહેન ઉષા. ૯ ડિસેમ્બર ૧૯૯૦માં સરોજબેન સાથે તેમનાં લગ્ન. હાલ, તેમના કુટુંબમાં પુત્રો ઝુબીન અને ઑટોમોબાઇલ એન્જીનીયર પુત્ર હેરી તેમજ પુત્રવધૂ સપના છે, જે કમ્પ્યુટર એન્જીનીયર છે. મોટો પુત્ર ઝુબીન નેશનલ લેવલે ચેસ બોક્સિંગ ચેમ્પિયન છે અને આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે રશિયા સામે સિલ્વરનો ચંદ્રક મેળવી ભારતનું નામ રોશન કર્યું છે. વધુ જાણકારી એ કે ભૂપેન્દ્રભાઇ અભ્યાસે મિકેનિકલ ડ્રાફ્ટસમેન, પણ વિવિધ વ્યવસાયો પર પણ હાથ અજમાવી ચૂકેલા. જેમ કે, ૧૯૮૭માં લક્ષ્મી એન્જીનિયરિંગ વર્કસ નામે સ્વતંત્ર કારખાનું શરૂ કર્યું તે ૧૯૯૭ સુધી ચલાવ્યું. ૧૯૯૮ થી ૨૦૦૨ દરમ્યાન એફ.એમ.સી.જી. પ્રોડક્ટસના એરીયા ડિસ્ટ્રીબ્યુટર તરીકે ટાટા ટી એન્ડ ટાટા કેમીકલ્સ, ન્યુટ્રીન ચોકલેટ, અથાણાં, પાપડ, જનતા વેફર્સ વિગેરેનું વેચાણ કર્યું. ૨૦૦૩ થી ૨૦૦૫ રેડીમેઇડ ગારમેન્ટની શોપ (ધી કોટન લાઇન ડોટ કોમ) પણ કરી. ૨૦૦૬થી પ્રોપર્ટી ડીલર તરીકે જમીન-મકાનની લે-વેચ અને દસ્તાવેજ લખી આપવાનું કામ લક્ષ્મી પ્રોપર્ટી ડીલરના નામે ૨૦૧૩થી સુધી સંભાળે છે.

(ભૂપેન્‍દ્ર સુરતી)

પણ પછાત ગણાતા અને મોટા ભાગના ઉજળીયાત વર્ગ દ્વારા ઉવેખાયેલા પોતાના આ માહ્યાવંશી સમાજ કહેતા બહોળા સમુદાયની સેવાની આ લગની ?  એના મૂળ ક્યાં અને ક્યાં ?

એના જવાબમાં એ તથ્ય છે કે વીતેલી સદીઓમાં આ માહ્યાવંશી સમાજે ઘણું સહન કરવાનો વખત આવ્યો હતો. એના કારણોમાં ઓછા ભણતર, ઉચ્ચ ગણાતા વર્ગની એમના તરફની ઉપેક્ષા અને અવગણનાથી માંડીને અનેક પરિબળો નીકળે. પણ એ આખો સામાજિક ચિંતનનો વિષય છે. પણ આ વિપરિત પરિબળોની કારણે એ લોકો સમય સાથે કદમ ન મિલાવી શક્યા. એમની આગવી ઓળખ પણ ભૂંસાવા માંડી અને એ રીતે એ લોકો ઘણા પછાત રહી ગયા. ભણતરનો અભાવ પણ નડી ગયો.

જો કે, એમના થોડા સજાગ અને સભાન વડવાઓએ ઘણી મહેનત કરી હતી. પોતાની  અસલી ઓળખ પાછી મેળવવા અને મહેનત કરીને સરકારી ચોપડે એ ઓળખ પાછી મેળવી પણ ખરી, પણ એ દરમિયાન તો સમયનાં ઘણાં પાણી વહી ગયાં હતાં. માહ્યાવંશી  સમાજને તો જે નુકસાન થવાનું હતું એ થઇ ચૂક્યું હતું. જો કે, માહ્યાવંશી સમાજ આઝાદી પહેલાના કાળે બહુ ગરીબીમાં જીવતો હતો.

શું નુકશાન થયું હતું ? એની તો લાંબી યાદી બને, પણ થોડા મુદ્દા જોઇએ :

‘ભણતરનો અભાવ’ અને ‘ઉચ્ચ’ ગણાતા વર્ણો વચ્ચે અનુભવાતી લઘુતાગ્રંથી એટલે કે પોતાની નાનમનો સતત અને એક ગ્રંથીરૂપે ઘર કરી ગયેલો અહેસાસ. અને એ એક મનોવૈજ્ઞાનિક સત્ય છે કે લઘુતાગ્રંથીમાંથી મુક્તિ મેળવવા માણસ પોતાના નશાનો અને નશા જેવા મનને છેતરનારા ઉપાયોનો આશરો લે. આવા માનસિક કારણે સમાજમાં થોડી બદીઓ પણ ઘૂસી, કેટલાંય ધીરે ધીરે દારુજુગારના રવાડે ચડતા ગયા અને એના બંધાણી પણ થવા મંડ્યા. અને પરિણામે નાણાંની બરબાદીના માર્ગે ગયા. આઝાદી મળ્યા પછી શિક્ષણને લીધે સમાજની પરિસ્થિતી સુધરી. આજે હવે એવી સ્થિતી છે કે ભૂપેન્દ્રભાઇ પોતે પોતે માહ્યાવંશી હોવાનું ગૌરવ અનુભવે છે. હવે આજે મુંબઇ તો નજીકની વાત થઇ પણ, ઇંગ્લેન્ડ, અમેરિકા, કેનેડા,ઓસ્ટ્રેલીઆ કે એવો કોઇ દેશ નથી કે જ્યાં ઉચ્ચ અભ્યાસ કરીને, માહ્યાવંશી જઇને વસ્યો ન હોય.

ભૂપેન્દ્રભાઇ જ્યારે માત્ર વીસ વરસની ઉંમરના હતા ત્યારે એ ઉગતી જુવાનીમાં પણ એમને થતું કે શું કરીએ તો એક વખતના રાજપૂતી સ્વાભિમાનના નમૂના જેવા સમાજને ફરી એ આત્મગૌરવ ફરી હાંસલ થાય ? જો કે, એટલું તો એમને એ ઉંમરે પણ સમજાતું હતું કે સમાજ ઉપરથી થાગડથીગડ કરીને નહીં, પણ ધરમૂળથી બદલવો પડે. એના એકે એક જણમાં સાચી સમજણ પેદા કરવી પડે અને એને દેશની મુખ્ય જાગૃત ધારા સાથે જોડવો પડે અને એમ કરવા માટે માત્ર તેને ઉપદેશ દેવાથી કામ નહીં ચાલે, પણ તેના ચિત્તમાં ઊંડા ઊતરીને તેને પડતી તકલીફોનું નિદાન અને ઇલાજ બન્ને કરવા પડે. એમને વાંચતા, સમજતા અને પછી સક્રિય થતા કરવા પડે. સરકારની કેટલીય યોજનાઓની જાહેરાતો છાપાંઓ અને ચોપાનીયાઓ, અરે સિનેમાઘરોના હરેક શોમાં પણ થતી હશે, પણ તેનો લાભ લેવા માટે પહેલાં તો એને વાંચવી જોઇએ. એ માટે અક્ષરજ્ઞાન તો હોવું જ જોઇએ અને એ હોય તોય વાંચી શકાય અને પછી જો જરા જાગરુકતા પ્રગટી હોય તો એને સમજતાં પણ આવડે. એ આવડે તો કઇ યોજના ક્યારે અને કઇ શરતોએ લાગુ પડે તેની ગમ પડે. પણ એટલી ગમ પડ્યા પછી પણ એનો ફાયદો ઉઠાવવો એટલો સરળ નથી હોતો કે બે ફોર્મ ભર્યાં, બે પુરાવા આપ્યા અને સહી- અંગૂઠો કર્યા એટલે પતી જાય. એ પછી પણ તેને માટે મથવું પડે.

તો ખરી આપદા અહીં હતી. માહ્યાવંશી સમાજના મોટા ભાગના લોકો ગામડામાં રહેનારાઓ. વળી  શિક્ષિત તો બહુ ઓછા જ. કેટલાંય અશિક્ષિત કે અર્ધશિક્ષિત હોય પણ  એ સરકારી યોજનાઓ અને તેની કાર્યપદ્ધતિથી અજાણ હોય. કોઇ પણ સરકારી સહાય માટેના જરૂરી દાખલાઓ કઢાવવા એકથી બીજી સરકારી કચેરીએ દોડાદોડી કરવી પડે. એમાંય વળી આ ફોર્મ ને પેલા ફોર્મની ભરામણીમાં ભલભલાને ગોટે ચડાવવામાં સરકારી બાબુઓને કોણ પહોંચે? આ બધી મુશ્કેલીઓનો હલ તો જ આવી શકે જો પ્રજા એ બધા કોઠા વીંધતા શીખી જાય. એ કામ માત્ર અને માત્ર કેળવણી અને જાગરુકતા જ કરી શકે અને આ માહ્યાવંશી સમાજને કનડતો મોટો પ્રશ્ન એ પણ હતો કે વાલીઓને પોતાનાં બાળકોને પ્રાથમિક શિક્ષણ અપાવવા માટે પણ સમજાવતાં નાકે દમ આવી જતો હતો.

ભૂપેન્દ્રભાઇની વિચારણા વાતો તદ્દન સાદી, છતાં જમીની હકીકતો ધરાવતી હતી. તર્કબદ્ધ હતી. અને ખાસ તો તેમના આવી સેવા માટેના રઝળપાટના નિચોડ જેવી હતી . બેશક, એ આ બધું કરતા કરતા ક્યારેક થાકી જતા હતા પણ હિંમત નહોતા હારી જતા. પાંચમાં પૂછાવાનો એમને કોઇ ધખારો નહોતો, પણ એમને માત્ર આત્મસંતોષ જોઇતો હતો, જે મેળવતાં મેળવતાં તેમને અનેક અડચણોનો મુકાબલો કરવો પડતો હતો પણ..

એ બોલ્યા, “ વિમાન ઉડાન ભરવા તૈયાર હોય, આકાશમાં મજલ કાપવાની વાત તો પછી આવે પણ રન-વે પર જ અવરોધો હોય એનું શું કરવું?”

એ અવરોધો એમણે જાતે જોયા, પારખ્યા અને પછી એને હટાવી દેવા માટે કમર કસી. એમના શબ્દોમાં વિશ્વાસ છલકાયો. એ બોલ્યા :“મારી પ્રાયોરીટી એ અવરોધો દૂર કરવાની હતી અને હજુ પણ છે. એટલે મેં એવાં કામો પહેલાં ઉપાડ્યાં કે જે અમારા સમાજની લગભગ રોજીંદી કહેવાય એવી સમસ્યાનો એક હિસ્સો હોય.”

એવાં કામો ઘણાં હતાં જે સામાન્ય લાગતાં હતાં પણ જે  સમાજના સામાન્ય માણસોને રોજે રોજ અસામાન્ય હાલાકીનો અનુભવ કરાવતાં હતાં. જે કરવાં અનિવાર્ય હતાં પણ અઘરાં હતા અને આમ આદમી તો પાર પાડવાની જહેમત ઉઠાવવાને બદલે એ કામ જ પડતું મુકી દેવાનું વધારે પસંદ કરે તેવાં હતાં.

ક્યાં કયાં હતાં એવાં કામો ? એક-બે નહીં, અનેક હતાં. સરકારી ઓફીસોમાંથી જાતિના દાખલા કઢાવવા, સ્કૂલ- કોલેજમાં એડમિશન મેળવવા, વિધવા પેન્શનની અટપટી વિધીઓ, પોલિસ સ્ટેશનમાં સહાય, સરકારી આવાસ યોજનાની અરજીઓ વગેરે વગેરે… આવાં આવાં કામકાજોમાં અટવાતા લોકોને ભૂપેન્દ્રભાઇ યોગ્ય માર્ગદર્શન જ નહીં, મદદ પણ આપવા લાગ્યા. પોતાનું ઘર જેમાંથી ચાલે છે એ વ્યવસાયમાં આપવા પડતા સમયમાં એનાથી કાપ પડવા માંડ્યો પણ  ભૂપેન્દ્રભાઇ એને ગણકાર્યા વગર આવા ખરા પરોપકારમાં પોતાના સમય, શક્તિ ,વગ અને દ્રવ્ય બધું જ ખર્ચવા માંડ્યા. આનો અંત જ નહોતો, પણ એમને આવા સેવાકાર્યમાંથી છૂટકારો જોઇતો પણ નહોતો. એ જેમને પોતાનો એક અંશ ગણતા હતા એ માહ્યાવંશી સમાજની રોજીંદી સમસ્યાઓનું જાળું એટલું જટિલ હતું છે કે ઉકેલનાર ખુદ તેમાં ભેરવાઇ પડે. એ જાણવા છતાં કોઇ અંદરના ધક્કે ભૂપેન્દ્રભાઇએ સાવ પ્રાથમિક કાર્યોથી માંડીને ટોચનાં કાર્યો હાથ ધરીને લોકોની સમસ્યાઓ ઉકેલવાની દિશામાં પ્રયત્નોનો વ્યાપ પણ વધાર્યો. સમયની સાથે તેમણે સમાજોત્થાનનાં બીજાં કાર્યોને પણ આવરી લીધા.

આ શરુઆત કરી ત્યારે ભૂપેન્દ્રભાઇની ઉંમર કાચી હતી, પણ વિચારોમાં પરિપકવતાનો પૂરો સ્પર્શ હતો, કારણ કે એએમના લોહીમાં જ હતું. એમના પિતા છેલ્લા છ દાયકાથી સમાજસેવા ક્ષેત્રે સક્રિય હતા, જ્યારે બા શારદાબેન તો છેક 1971થી 1976 સુધી ગ્રામ પંચાયતના સભ્ય રહી ચૂક્યાં હતાં. લોકો પોતાનાં બાળકોને ઓસડિયાં પીવડાવે ત્યારે એમના માતા-પિતાએ એમને આ ગળથૂથી પીવડાવી હશે. એમની પચ્ચીસની ઉંમરે એણે એનો પહેલો ચમકારો બતાવ્યો. એ ઉંમરે પણ પોતાના કોઇ હક માટે તેઓ ગ્રામપંચાયતની સામે થયા હતા. ગામના દરેક મહોલ્લામાં અજવાળા માટે ગ્રામ પંચાયતની વ્યવસ્થા હતી, પણ એમનો મહોલ્લો અંધારો રહેતો હતો. એ મહોલ્લામાં મોટા ભાગે બધા માહ્યાવંશી સમાજના લોકો જ હતા, જેમને પોતાના હક કે ફરજ વિશે કોઇ સભાનતા જ નહોતી અને સભાનતા ન હોય એવા લોકો તો જે હોય તેને જ સ્વર્ગની બરોબરીનું માને. એટલે વધુ કંઇ માટે લડત ચલાવવાની વાત તો પછી આવે,પણ માંગ કરવાની વૃત્તિ પણ જાગેલી ન હોય. જન્મથી જ અજવાળા વગર, બત્તી વગર રહેલા અંધારામાં રહેવા શીખી જાય. આ કિસ્સામાં પણ એમ જ હતું. બધા ટેવાઇ ગયેલા. પણ એવી સામાન્ય ધોરણે પ્રવર્તતી માનસિકતા વચ્ચે પણ ભૂપેન્દ્રભાઇના મનમાં આ કાયમી અંધારાં ખૂંચ્યાં અને  એમણે પંચાયતની કચેરી પાસે મક્કમપણે રજૂઆત કરી. એક વારથી ન પત્યું એટલે વારંવાર રજૂઆતો કરી અને કર્યા જ કરી. આખરે, તે સમયે, કે જ્યારે નવસારી જિલ્લો ન હતો ત્યારે વલસાડના સંસદ સભ્ય શ્રી સ્વ.ઉત્તમભાઇ હરજીભાઇ પટેલે પોતાની ગ્રાન્ટ ફાળવી અને મહોલ્લામાં અજવાળું પથરાયું. આ ભૂપેન્દ્રભાઇની પહેલી લડત અને પહેલી સફળતા ! આ સાલ ૧૯૮૫ની. આખા દેવસર ગામમાં વીજળી લાવવા માટે ભૂપેન્દ્રભાઇના પિતાજી છોટુભાઇએ પૂરી મહેનત કરી.

**** **** ****

આ સફળતાથી પ્રેરાઇને એમણે પોતાનો પ્રવૃત્તિઓનો વિસ્તાર વધાર્યો. એ માહ્યાવંશી સમાજમાં જડ ઘાલી ગયેલા અજ્ઞાન તથા બદીઓ પરત્વે જાગૃત બન્યા. એ સમસ્યા જૂની અને ઊંડા મૂળની હતી. વળી એમાંની કેટલીક તો ધાર્મિક અંચળા હેઠળ પણ વકરેલી હોવાથી એની સામે બાખડવું દુષ્કર હતું, પણ વૈજ્ઞાનિક ધોરણે બધું વિચારનારા ભૂપેન્દ્રભાઇ કોઇની ધાર્મિક આસ્થાને છંછેડ્યા વગર એના અભ્યાસમાં વધુ ને વધુ ઊંડા ખૂંપતા ગયા. સાવ પ્રાથમિક ધોરણનાં એવાં સુધારાવાદી કાર્યોને કારણે લોકચાહના તો પુષ્કળ મળી અને પોતાના સમાજની સાવ છેવાડાની વ્યક્તિઓ સાથે પણ એમનો માનભર્યો પરિચય પાંગર્યો.  લોકસંપર્ક પણ વધ્યો અને એ રીતે તેમનું કાર્યક્ષેત્ર પણ બહોળું થયું. ૧૯૮૫માં ભૂપેન્દ્રભાઇ કોંગ્રેસમાં જોડાયા અને રાજકીય ક્ષેત્રે પ્રવેશ્યા. આમ કરવા પાછળ તેમનો સાદો તર્ક હતો કે વેલાને વિકસવા અને વધવા માટે કોઇ મજબૂત થડ જોઇએ. એ થડ તેમને કોંગ્રેસમાં વરતાયું. વળી એ પણ સમજાયું કે એને કારણે સામાજિક જવાબદારીઓનો નિભાવ આસાન તથા અસરકારક ઢબે કરી શકાશે .

એક દાયકા સુધી અનુસૂચિત જાતિના ગણદેવી તાલુકા પ્રમુખપદે રહ્યા પછી ૧૯૯૭ થી ૨૦૦૦ દરમ્યાન તેઓ ભાજપમાં જોડાયા. આ જ સમયગાળામાં દેવસર યુવક સેવા સમિતિના પ્રમુખપદે રહી તેમણે પીવાના પાણીની સમસ્યાનો પ્રશ્ન હાથ પર લીધો. ૧૯૯૦ થી ૧૯૯૫ દરમ્યાન રેલી સહિતનાં આંદોલનો કર્યા અને ગામમાં પાણીની સમસ્યાનો ઉકેલ લાવ્યે પાર કર્યો. તે જ રીતે ખાસ અંગભૂત યોજના હેઠળ ૨૦૧૦માં તેમના મહોલ્લામાં પાણી પુરવઠાની યોજનાની અંતર્ગત  અન્વયે રૂપિયા ૫,૯૫,૦૦૦/- ના ખર્ચે પાણીની ટાંકી તૈયાર કરાવી અને પાણીની લાંબા સમયથી સતાવતી સમસ્યા હલ થઇ. પણ એક તબક્કે ગ્રામપંચાયતના વહીવટમાં તેમને ભ્રષ્ટાચારની ગંધ આવતાં તેઓ ઉપવાસ અને ધરણાનાં કાર્યક્રમો પણ યોજી ભ્રષ્ટાચારી તલાટીને બદલાવીને જંપ્યા. આમ રાજકીય ઓથે તેમના કાર્યોમાં વૈવિધ્ય પણ ભળ્યું. એ વૈવિધ્યની વાતો આવતા સપ્તાહે


(ક્રમશઃ)


(નોંધ: વિગતપૂર્ણ આલેખન માટે વડોદરાના શ્રી પરેશ પ્રજાપતિનો સહકાર સાંપડ્યો છે. તેમનો આભાર.)


લેખક સંપર્ક-

રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. : +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +9179-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com