લ્યોઆ ચીંધી આંગળી

રજનીકુમાર પંડ્યા

( ગયા સપ્તાહથી ચાલુ)

દક્ષિણ ગુજરાતના માહ્યાવંશી સમાજના એક અગ્રણી તરીકે ભૂપેન્દ્ર સુરતી અનુભવે એ સમજી ચૂક્યા હતા કે ગામડાંની વસ્તીની અનેક જરુરતો શહેરો પર આધારિત છે એ હકીકત છે. બીજી હકીકત એ પણ છે કે દેશ અને દુનિયા સાથે કદમ મિલાવવાનો પહેલો લાભ સ્વાભાવિકપણે શહેરોને જ મળે છે. તેથી જરા પણ સુગાયા વગર ગામડાંઓના ઉત્કર્ષ માટે શહેરો સાથે તેમનું જોડાણ અનિવાર્ય છે. એમાં મોટો ફાળો પરિવહનના સંસાધનોનો જ હોઇ શકે છે.એમાં રેલ્વે સૌથી સુલભ, સસ્તું તથા ઝડપી માધ્યમ ગણાય. પરંતુ બિલીમોરા રેલ્વે સ્ટેશન પર ઘણી ટ્રેન થોભતી ન હોવાથી આસપાસનાં ગામડાંના લોકો તેનો અસરકારક ફાયદો ઉઠાવી શકતા નહોતા. આ સગવડ મેળવવા સારું સાધારણ આવેદનોથી આ સમસ્યાનો હલ લાવી શકાતો નહોતો. એટલે બીલીમોરા નાગરિક સમિતિએ સ્વ. રવિશંકર પટેલના નેતૃત્વ વિવિધ ટ્રેનોને બિલીમોરા સ્ટેશને થોભાવવાની માંગણી સાથે પ્રતિક ઉપવાસ અને ધરણાંનો કાર્યક્રમ યોજ્યો. એવે વખતે ભૂપેન્દ્રભાઇએ માહ્યાવંશી વિકાસ મંડળ ગણદેવી તાલુકાના આજીવન સભ્ય તરીકે આ અભિયાનના નેતા રવિશંકર પટેલને પોતાનો સક્રિય સાથ સહકાર આપ્યો. આની ત્વરિત અસર થઇ. એના પગલે જ સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનને બીલીમોરા સ્ટેશને સ્ટોપેજ મળ્યું. આથી બીલીમોરા અને સરવાળે આજુબાજુના લાખો ગ્રામજનોનો શહેરો સાથેનો વ્યવહાર આસાન બન્યો.

**** **** ****

૨૦૦૩માં સ્કૂલોએ અચાનક ફી વધારો કર્યો. સમાજમાં આવકનું નીચું સ્તર ધરાવનારા  કેટલાય પરિવારો મુશ્કેલીમાં મુકાયા. આના ત્વરિત પડઘા જેવી પહેલી પ્રતિક્રિયા બાળકને શાળા જ છોડાવી દેવાની આવે. જેના દૂરગામી પરિણામો સમગ્ર દેશના ભાવિ પર જ પડઘાય. સમજાવટ છતાં શાળાઓ ફી વધારો પાછો ખેંચવા તૈયાર ન થઇ ત્યારે એમ.એન્ડ આર. ટાટા હાઇસ્કૂલ બીલીમોરાના વાલી મંડળના પ્રમુખ તરીકે ભૂપેન્દ્રભાઇ ફરી એક વાર આગળ આવ્યા. ફી વધારા વિરુદ્ધ પ્રતિક ઉપવાસ કર્યા એના પરિણામસ્વરૂપ માસિક ફીમાં નોંધપાત્ર ફેર કરાવ્યો હતો. આ ઘટનાના દસ વરસ પછી ઘટનાનું પુનરાવર્તન કરવાનું આવ્યું અને તે એ રીતે કે ૨૦૧૩માં જી.આઇ.ડી.સી. ડીગ્રી એન્જીનીચરીંગ કોલેજ, નવસારીએ ફી વધારી અને એનો ઉહાપોહ થયો ત્યારે તેમણે ફરી એવું જ આંદોલન છેડ્યું અને ફી વધારો ઓછો કરાવ્યો, જેને કારણે સાડા ચારસો વિદ્યાર્થીઓ લાભાન્વિત થયા. ભૂપેન્દ્રભાઇની સિધ્ધિઓમાં આ એક કલગી સમાન સિધ્ધિ હતી.

**** **** ****

એ દિવસોમાં સમાજમાં પ્રવર્તતી દારૂ કે જુગાર જેવી બદીઓ ભૂપેન્દ્રભાઈથી અજાણી નહોતી. તેના વિકરાળ પંજાથી એ વ્યથિત પણ રહેતા હતા. એટલું તો એ પાકું જાણતા હતા કે આ બદીઓના નિર્મૂલન વગર સમાજનું સાંસ્કારિક કે આર્થિક ઉત્થાન શક્ય નથી. આથી એમણે નશાબંધી અને આબકારી વિભાગના માજી મંત્રી કરસનભાઇ પટેલના વડપણ હેઠળની નશાબંધી કમિટીમાં ગણદેવી તાલુકાના સભ્ય બની વ્યસનમુકિતનું અભિયાન ચલાવ્યું હતું અને એની અંતર્ગત યુવાનોમાં વ્યસનમુક્તિ તથા એકતાના પ્રસાર માટે વિવિધ રચનાત્મક કાર્યક્રમો પણ અજમાવ્યા હતા. તેમાં વિવિધ રમત-ગમતોની પ્રવૃત્તિઓ મુખ્ય હતી. એક વાર તો મોટે પાયે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન પણ કર્યું . એ ઉપરાંત ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગના ભૂતપૂર્વ મંત્રી સ્વ. ફકીરભાઇ વાઘેલા  સાથે ગુજરાત દલિત અધિકાર સંઘમાં જોડાઇ નવસારી જીલ્લાના દલિતોના વિવિધ પ્રશ્નોને વાચા આપી. જ્યોતિ સમાજ, ગણદેવી (નવસારી)ના સહયોગથી દેવસર ગામમાં સ્ત્રી સશક્તિકરણના અનેક કાર્યક્રમો દ્વારા મહિલાઓને વિવિધ કાયદાઓની સમજ આપવાના અનોખા કાર્યક્રમો કર્યા.

માહ્યાવંશી સમાજમાં દર વર્ષે ૧૪ એપ્રિલે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉત્સાહભેર ઉજવણી થતી હતી એના અનુસંધાને તેઓ પોતાના સમાજમાં પણ આવી ઉજવણીઓ ગોઠવતા તથા પ્રેરક વક્તવ્યોનું આયોજન કરતા.

**** **** ****

આટલી બધી વ્યસ્તતાઓ વચ્ચે પણ ભૂપેન્દ્રભાઇ હર પળ અને હર કોઇ વ્યક્તિ માટે હંમેશાં ઉપલબ્ધ રહેતા. આનું ઉજળું પરિણામ એ આવ્યું કે આવા નક્કર સામાજિક કાર્યોની સમાંતરે તેમની રાજકીય કારકીર્દિ પણ વિકસતી ગઇ. કોઇ પણ સામાજિક કાર્યોમાં એ પોઝીટીવ રસ લેતા ગયા. એવા કામોને એ માત્ર સેવા નહીં, પણ પોતાની જવાબદારી સમજતા રહ્યા. 2001ની સાલના ભૂકંપે વેરેલા વિનાશ વખતે સ્થાનિક ધોરણે બચાવ કાર્યવાહીમાં  એ પોતાની સામાજિક જવાબદારી સમજીને જોતરાયા હતા. એ પછી તેમની કામગીરીઓમાં નક્કર અનુભવનું બળ ઉમેરાતું ગયું. પરિણામે ૨૦૦૧થી ભુપેન્દ્રભાઇ શ્રી માહ્યાવંશી શિક્ષણ પ્રચારક સંઘમાં કારોબારી સભ્ય બન્યા અને એ પછી તરતના વર્ષે ૨૦૦૨ માં એમણે શ્રી માહ્યાવંશી વિકાસ મંચની રચના સાપુતારાના શિખરે મનહરભાઇ પટેલ સાથે ટ્રસ્ટી તરીકે જોડાઇને કરી અને તેને એવું તો વિકસાવ્યું કે એના દ્વારા સમાજના ઉત્કર્ષના નવા આયામો ઉઘડ્યા. માહ્યાવંશી સમાજના ટ્રસ્ટી તથા એ ટ્ર્સ્ટના નવસારી જીલ્લાના પ્રમુખ તરીકે છેક 2015 સુધી તેમણે વિવિધ સેવાઓ આપી. એ પછી તો ગુજરાત દલિત અધિકાર સંઘ, અમદાવાદમાં પ્રદેશ કારોબારી સભ્ય અને નવસારી જીલ્લા પ્રમુખ તરીકે ૨૦૦૨ થી ૨૦૦૮ અને ૨૦૦૯ થી ૨૦૧૩ સુધી ભાજપ પાર્ટીમાં અનુસૂચિત જાતિના નવસારી જીલ્લાના મંત્રી પદે પહોંચ્યા. એ નોંધવા જેવું છે કે આ બધું કરતાં કરતાં પણ ૨૦૦૮ થી ૨૦૧૨ સુધી દેવસર ગ્રામ પંચાયતના સભ્ય તરીકે પણ એ સક્રીય રહ્યા. છેલ્લા આઠેક વર્ષથી મેંગુષી હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિમાં ટ્રસ્ટી તરીકે તેઓ આગળ પડતો ભાગ લે છે.

આ ગાળા દરમ્યાન તેમની નિષ્ઠાની આકરી તાવણી કરે તેવી એક ઘટના બની.

૨૦૦૯ના અરસામાં જ માહ્યાવંશી મહોલ્લાની અવરજવરમાં એક ચોક્કસ વ્યક્તિ દ્વારા કોઇ ચોક્ક્સ મલિન ઇરાદાથી અવરોધ નાખવામાં આવ્યો. આ અસહ્ય અને અપમાનજનક હતું અને વ્યક્તિના મૂળભૂત હક પર તરાપ સમાન હતું. ભૂપેન્દ્રભાઇથી આ સહન ન જ થઇ શકે અને ન જ થયું.  એમણે કોઇ ન કરે એવું એક જલદ પગલું લીધું. ગુજરાતના એ વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પોતાના લોહીથી પત્ર લખ્યો ! આટલું કરીને પણ એ બેસી ન રહ્યા. કોઇ સંસ્થાના ખર્ચે નહીં, પણ ગાંઠના બે લાખના ખર્ચે એમણે કાનૂની રાહ અખત્યાર કર્યો. અઢી વરસ સુધી કોર્ટમાં કાયદાકીય લડત આપી અને આખરે રસ્તો ખુલ્લો કરાવ્યે જ પાર કર્યો.

ભૂપેન્દ્રભાઇની આ બહોળી કાર્યયાત્રા એવી હતી કે ભલે સમાચારપત્રોના પાને એ ન ચમકે, પણ લોકમાનસમાં તો એ છપાઇ જ જાય અને એ એમની છબીને વધુ લોકપ્રિય બનાવે. કારણ કે કોઇના વ્યક્તિગત નહીં, પણ બહોળા સમાજને સ્પર્શતા આ પ્રશ્નો સામેનું એ ધર્મયુદ્ધ હતું. આવા જ એક યુદ્ધના એજન્ડા રૂપે ભૂપેન્દ્રભાઇના લક્ષમાં સમાજમાં સર્વલક્ષી દૂષણ જેવા કેટલાક રીતરિવાજો આવ્યા. એવા રિવાજોની વ્યર્થતા સાવ સમજાય તેવી હોવા છતાં તેને સંપૂર્ણપણે ટાળી શકાય તેમ નહોતું. એવા રીવાજોમાં સૌથી અવ્વલ નંબરે હતો લગ્નોના સમારંભોમાં દેખાદેખીથી કરાતા ખોટા ખર્ચા કરવાનો રિવાજ કે જેની સાથે જમણવારોમાં થતો અન્નનો બેફામ બગાડ પણ જોડાયેલો હતો. એમણે જોયું કે પવિત્ર યજ્ઞવેદી જેવો લગ્નનો મંડપ જ સામાજિક મોભાનું દંભી પ્રદર્શન સ્થળ બની રહે છે. જમણવારોમાં પણ એવું જ. આ બધા પાછળ આર્થિક ધોરણે નબળા પરિવારો પણ પોતાની જમીન કે ઘરેણાં ગીરવે મૂકીને આ પ્રસંગો ધામધૂમથી ઉજવવા પ્રેરાય છે. તેના પરિણામે કેટલાંય કુટુંબો એવાં તો દેવાદાર બની રહે છે કે પરિવારની આકસ્મિક માંદગી ટાણે  જરૂરી સારવાર માટેની જોગવાઇ પણ તેમની પાસે હોતી નથી. ભૂપેન્દ્રભાઇને આ બધી જીવતી સમસ્યાઓના ઉકેલ માટેના આ ચિંતનમાંથી જ સમૂહલગ્નોનો વિચાર આવ્યો. બીજા અનેક સમાજોના દાખલા એમની નજર સામે હતા. એટલે કે એમને એ પણ એમને ખબર હતી કે સમૂહલગ્નોનાં આયોજનો એ આ અઘરી સમસ્યાઓનો સંપૂર્ણ ઉકેલ નથી કારણ કે લગ્ન પ્રસંગ આટોપાઇ ગયા પછી પણ પરિવારો એ વ્યક્તિગત ધોરણે બીજા અનિવાર્ય ખર્ચ તો વેંઢારવા જ પડતા હોય, જેની સામે સમજાવટ સિવાય કોઇ ઇલાજ નથી. પણ તોય જ્યારે કશો ઉપાય હાથવગો ન હોય ત્યારે સમૂહ લગ્નોનો કિમિયો ઘણો કારગર નિવડે છે, એનાથી સમાજમાં ‘સર્વ જન સમાન’ની લાગણી જન્મે છે એ તો સાચું જ, પણ સાથોસાથ મહામૂલા અન્નનો બગાડ નોંધપાત્ર માત્રામાં ઘટાડી શકાય છે. વળી, બીજો મોટો ફાયદો એમાં એ હોય છે કે આવાં સમૂહલગ્નોમાં સમાજને પોતાનું આર્થિક યોગદાન આપવા ઘણા દાતાઓ આગળ આવતા હોય છે. એને કારણે વ્યક્તિગત કે પારિવારિક ખર્ચનું ભારણ પણ ઘટાડી શકાય છે. લાંબા સમય સુધી આની ઉપર ચિંતન કર્યા પછી ભૂપેન્દ્રભાઈએ સમાજમાં સમૂહ લગ્નના આયોજનોને ચલણી બનાવવાની દિશામાં પ્રયત્નો આદર્યા.

તેની પહેલી શરૂઆત એમણે સાલ ૨૦૧૦થી કરી.  એ વર્ષે તેમણે સમૂહલગ્નોના આયોજનની શરૂઆત કરી. વર્ષે સરેરાશ એક એવું આયોજન ગણતાં તેમની રાહબરી નીચે ૨૦૧૯માં દસમો સમૂહ લગ્નોત્સવ ઉજવાયો. એની અંતર્ગત સમૂહલગ્ન પદ્ધતિ દ્વ્રારા અત્યાર સુધીમાં કુલ ૧૩૦ યુવક-યુવતીઓ પોતાનો સંસાર માંડી ચૂક્યા છે. ૨૦૧૯માં વલસાડ જિલ્લાના કલવાડા ગામના બધાં જ 16 યુવક-યુવતીઓએ સમૂહલગ્નમાં સહભાગી થઇ સમાજમાં ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું. સમૂહલગ્નોમાં લોકોનો ઉત્સાહ જોતાં પરિચય પસંદગી સંમેલનનું પણ આયોજન કર્યું. ૨૦૧૩,, ૨૦૧૫ ને ૨૦૧૮માં સમાજના લગ્નોત્સુક નવયુવક-યુવતીઓના પરિચય પસંદગી સંમેલનો યોજી ૬૦૦ જેટલા યુવક-યુવતીઓની સામાજિક માહિતી સાથે પરિચયપુસ્તિકા પ્રસિદ્ધ કરી, જેથી સમાજમાં લગ્નો સરળતાથી ગોઠવાઇ શકે. જેના ફળસ્વરૂપે તેમાંથી ૩૫૦ જેટલા દીકરા- દીકરીઓનાં લગ્ન થઇ ચૂક્યા છે!

 

આ ગાળા દરમિયાન ૨૦૧૫ના છેલ્લા રવિવારે એટલે કે ૨૦૧૫ના ડિસેમ્બરની ૨૭મી તારીખે બીલીમોરામાં લગ્નોત્સુક યુવક-યુવતીઓનું  પસંદગી સંમેલન એમણે બીજા અગ્રણીઓના સાથથી યોજ્યું. એ વખતે સમાજના અન્ય દાતાઓ સાથે ભૂપેન્દ્રભાઈના પિતા છોટુભાઇ સુરતીએ પોતે પણ એક લાખ અગીયાર હજાર એક સો અગીયાર રુપિયાનો આર્થિક સહયોગ આપ્યો અને એને પરિણામે બિલીમોરામાં સરદાર માર્કેટ રોડ પર આવેલા તિરુપતિ પ્લાઝાના પહેલા માળે 500 ચો.ફીટનું ‘શ્રીમતિ શારદાબેન છોટુભાઈ સુરતી’ સભાગૃહનું નિર્માણ શક્ય બન્યું.

એવી જ રીતે એ દરમિયાનનો 2018નો ત્રીજો પરિચય પસંદગી મેળો તો એકદમ અલગ હતો. તેનું સમગ્ર સંચાલન તેમજ મુખ્ય મહેમાનપદ પણ મહિલાઓએ જ શોભાવ્યું. એ ઐતિહાસિક કાર્યક્રમમાં દરેક તબક્કે મહિલાઓને સાંકળીને મહિલા સશક્તિકરણની અનોખી ઉજવણી કરી.

ધમધમતી પ્રવૃત્તિના સમયમાં  સાલ 2015માં ભૂપેન્દ્રભાઇએ માહ્યાવંશી કલ્યાણ ટ્રસ્ટની(એમ.કે.ટી.) સ્થાપના કરી અને એના મેનેજીંગ ટ્રસ્ટી/ પ્રમુખસ્થાનની જવાબદારી સંભાળી. એટલે એ પછીનાં જે કોઇ સમૂહલગ્નો થયાં તે બધાં એમ. કે. ટી.ના નેજા હેઠળ આયોજિત થતા રહ્યા. અરે, અવિવાહિત છોકરા- છોકરીઓના પરિચય સંમેલનો પણ ઓનલાઇન યોજીને એના માધ્યમથી 280 જેટલા ચુવક યુવતીઓને જીવનસાથી શોધવામાં માહ્યાવંશી કલ્યાણ ટ્રસ્ટ સફળ રહ્યું. એ વખતે ઉત્સાહનો અનુભવ કરાવવા માટે ઑનલાઇન લગ્નગીતોની રમઝટ પણ બોલાવી.

એ જ માહ્યાવંશી કલ્યાણ ટ્રસ્ટ (એમ.કે.ટી.) ના નામે હોસ્પિટલનાં સાધનો જેવા કે એર બેડ, વોટરબેડ, છ વ્હીલચેર, છ વૉકર, છ લાકડી, બે હાથની ઘોડી, સક્શન મશીન, લેડીઝ – જેન્ટ્સ યુરીન પોર્ટ, કોમન પાટ, ટોયલેટ ચેર, છ બેડ, બેકરેસ્ટ સ્ટેન્ડ, ઑક્સિજન માટેનું બાયપેક મશીન જેવા બહુમૂલ્ય સાધનો વસાવ્યા છે. હવે ઠેઠ વાપીથી તાપી સુધીના સમાજના જરૂરિયાતમંદ દર્દીઓને તે વિનામૂલ્યે પહોંચતા કરી વધુ એક સેવા શરૂ કરી છે. ટૂંક સમયમાં ફીઝીયોથેરાપી સેન્ટર શરૂ કરવાનો પણ તેમનો ઇરાદો છે.

મહત્વના પદભારમાં માન અને ગૌરવ સાથે જવાબદારીઓ પણ વિંટળાયેલી હોય છે. અને એમાં ભલભલા ગફલતમાં રહીને બદનામી વહોરતા હોય છે. પણ ભૂપેન્દ્રભાઇ એ બાબતમાં બિલકુલ બેદાગ રહ્યા. વર્તમાન અને વિતેલા એક એક વરસમાં સંસ્થાના સરવૈયાઓમાં પાઇએ પાઇનો હિસાબ તેમણે પારદર્શક રાખ્યો. તેમની ઝીણવટ અને ઇમાનદારીપૂર્વકનાં આચરણની ચોમેર પ્રશંસા થઇ.

કોઇ પણ સંગઠનની કરોડરજ્જુ એની એકતા અને અખંડિતતા હોય છે. એ હશે તો અંદર કે બહારનું કોઇ બળ એને હચમચાવી નહીં શકે. એ આધારસ્તંભને મજબૂત કરવા એ સાથીઓના સહકારથી અનેકવિધ ઉપાયો પણ તે અજમાવતા રહ્યા. એનો એક જ દાખલો દેવો હોય તો તેમણે માહ્યાવંશી વિકાસમંચ દ્વારા સાલ ૨૦૦૯માં યોજેલી ઉમરગામથી મેહગામ (ભરુચ) સુધીની ૩૦૦ કિમીની મહાયાત્રા ! તેમાં ૧૦૦ બાઇક, ૨૫ કાર તથા એક લક્ઝરી બસના માધ્યમથી ૩૦૦ જેટલા યુવાનો જોડાયા હતા. વધુ વિગતમાં ઊંડા ઉતરીએ તો ૨૦૧૫થી ૨૦૧૯ દરમ્યાન એકથી વધુ ધાર્મિક પ્રવાસોના આયોજન તેમણે કર્યા. ૨૦૧૫-૧૬માં ભરુચ, મઠ, મહેગામ ખાતે પૂ. શ્રી હરિબાવા ગોસાઇના મંદિરના જીર્ણોદ્ધાર માટે નવસારી ટાટા હૉલમાં ડાયરાનું આયોજન કરી અંદાજે રૂપિયા દસ લાખ એકત્ર કરવામાં ભૂપેન્દ્રભાઇનું ઘણું યોગદાન રહ્યું. એવા જ હેતુથી રૂપિયા છ લાખના ખર્ચે ૨૦૧૯માં વલસાડ જિલ્લાના ઊંટડી ગામે દલિતોના મસિહા એવા વીર છત્રસિંહ લાલજી ઉટેકરની પ્રતિમા તેમના અને તેમના મિત્રોના સહકારથી સ્થપાઇ હતી.

આમ, સાવ આરંભે શરૂ કરેલાં સમાજોપયોગી કાર્યોનો વ્યાપ વધુ ને વધુ વિસ્તરિત થતો ગયો. ચોમાસામાં પૂર પીડિતોના ઘેર ઘેર જઈ કેશડોલનું વિતરણ કરવું, સમાજના આર્થિક રીતે નબળા પરિવારોમાં માંદગીના સમયે આર્થિક યોગદાન આપવું, ગંભીર અકસ્માત કે આગ જેવી હોનારત સમયે નિરાધાર કુટુંબને આર્થિક સહાય કરવી વગેરે જેવાં કામોનો પણ ઉમેરો થચો. વળી, પર્યાવરણલક્ષી વૃક્ષારોપણના કાર્યક્રમો તથા રક્તદાન શિબિરોનું આયોજન તો તેમના દ્વારા થતું જ રહે છે, તેમનો ઉપદેશ પારકા માટે નથી , તેમણે જાતે પણ ૪૦થી ય વધુ વખત રક્તદાન કર્યું છે ! છેક હમણાં પણ બિલિમોરાને હરીયાળું બનાવવા માટે હરિયાળી ગૃપમાં આજીવન સભ્ય બન્યા અને વૃક્ષોનો ઉછેર કરીને પર્યાવરણના જતનમાં પોતાનું સક્રિય યોગદાન આપ્યું.

થોડી અગાઉની હકીકતો પણ તાજી કરીએ.

૨૦૦૧ થી શ્રી માહ્યાવંશી શિક્ષણ પ્રચારક સંઘ (મુંબઇ)ની ગણદેવી શાખામાં જોડાયા પછી વિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શન, નોટબુકોનું વિતરણ, આર્થિક સહાય અપાવી, જે સી આઇ બિલિમોરાના ચશ્મા વિતરણ કેમ્પમાં વાઇસ પ્રેસિડેંટ અને પ્રોજેક્ટ ચેરમેન તરીકે ઉત્તમ કામગીરી કરી અને મેડીકલ કેમ્પ વગેરેનાં આયોજન કાર્યક્રમ અમલી કર્યા. આ સેવાનો વ્યાપ અમદાવાદથી લઈ બરોડા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને છેક મહારાષ્ટ્રના ઉલ્લ્હાસનગર-મુંબઈ સુધી પહોંચતો થયો છે! આમ તેમની સેવાકીય પ્રવૃત્તિઓનો વ્યાપ અને ભૌગોલિક સીમાડા પણ વિસ્તાર્યા છે. એમાં તો એમને એટલી લોકચાહના હાંસલ થઇ કે  મુંબઇની એમ એસ પી સંઘ સંસ્થામાં તો કોઇને ન મળ્યા હોય એટલા બધા મત મેળવીને એ જીતી ગયા અને એ સંસ્થાને પોતાના નિયમોમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થઇ. ભૂપેન્દ્રભાઇ માટે જો કે આ નવું નથી. માહ્યાવંશી સમાજની સો ઉપરાંત સંસ્થાઓ સાથે પોતે સંપર્કો ધરાવતા હોય તો જ આવું શક્ય બને.

**** **** ****

કોઇ પણ સમાજની સંસ્કારિતાનું માપ એ હકીકત પરથી નીકળે છે કે તે પોતાના સમુદાયના સભ્યોની સારપને કેવી રીતે પીછાણે છે અને એનો પુરસ્કાર કઇ રીતે અને કેવો કરે છે ! પોતાના માહ્યાવંશી સમાજના લોકોને પ્રેરણા મળે અને તેને કારણે તેમનામાં આત્મવિશ્વાસ તથા આત્મસન્માન જાગે તેવા વિવિધ સન્માન કાર્યક્રમો યોજવા તેમણે શરૂ કર્યા. આ માટેની શરુઆત તેમણે હોંશિયાર વિદ્યાર્થીઓને પારિતોષિકો આપવાથી કરી અને એની જ  આગલી કડી રૂપે તેમણે સમાજમાં આગવું પ્રદાન કરનારા, ભણીને કોઇ ક્ષેત્રમાં આગળ વધેલા તેમજ વિવિધ સરકારી ઉચ્ચ હોદ્દે પહોંચેલા વડીલો વગેરેના બહુમાનના કાર્યક્રમો યોજવાનું શરુ કર્યું. આ એક રીતે સમાજમાં અન્યોથી ઉપર ઉઠનારને પોતે કઇંક વિશિષ્ટ કરી બતાવ્યાનો સંતોષ આપવાનું કામ તો થયું જ, પણ એના દ્વારા આ અન્યોને પ્રેરણા આપવાની એક સુઘડ ચેષ્ટા પણ બની આવી.

 

આટલા બધા વિપુલ પ્રમાણમાં સતત કરાતાં રહેતાં લોકસેવાલક્ષી અને સમાજલક્ષી કાર્યોના કેન્દ્રમાં એક ચાલકબળ તરીકે હોવાને કારણે  માહ્યાવંશી ઉપરાંત ઇતર સમાજમાં પણ ભૂપેન્દ્રભાઇની ઇમેજ માનવંતી બની અને તેમનાં માનમોભો વધ્યાં. તેમના બોલનું વજન પણ વધ્યું અને શબ્દોની ઈજ્જત પણ વધી અને એના પરિણામે જાહેર કાર્યોમાં એમને નડતાં અવરોધો અને આડખીલીઓ ઓછાં થયાં. પરિણામે સમાજ સાથે તેમની નિસબત વધુ ગાઢ બની અને પરિણામ પામતી પણ બની. તેમનો ઝોક વ્યક્તિની મૂળભૂત જરૂરિયાતો જેમ કે પીવાનું સ્વચ્છ પાણી, રસ્તા, ગટર તેમજ લાઇટની સમસ્યાઓ પ્રત્યે વધુ રહેતો. તેમણે દેવસર ગ્રામ પંચાયતના ઠુઠ વિસ્તારમાં આ સમસ્યાઓનો ઉકેલ લાવવા આદોલનો પણ કર્યા અને સમસ્યાઓ હલ કરવામાં અગ્રેસર ભૂમિકા નિભાવી. અત્યાચાર વિરોધી કે મેલાં તત્વો સામે સરકારી રાહે પગલાં ભરાવવા કે ગામડાઓમાં મતદાર યાદીમાં મહોલ્લાના નામો ચકાસી તેમાં સુધારો કરવા જેવા કાર્યો માટેની તેમની તત્પરતા સાર્થક બની. ત્રાજવાંના બે સમતોલ પલ્લાં સરખી તેમની તટસ્થતાથી તેઓ કોઇ કોઇ પરિવારના અંગત ઘરેલુ કજિયાઓમાં વચ્ચે પડીને સુખદ સમાધાન કરાવવામાં પણ તેમને સફળતા મળવા માંડી. અનેકવિધ રીતે હવે તેમની સેવાઓ બહોળા જનસમાજ સુધી પહોંચતી હતી.

કાર્યક્ષેત્ર વધતાં તેમનું જોમ ને ઉત્સાહ બેવડાયો છે.પોતાના સ્વજન માટે  કોઇ ન કરી શકે તેવી સેવાઓ ભૂપેન્દ્રભાઇ લાયક અને યોગ્ય લોકો માટે અવિરત પણ કરતા રહ્યા. થોડા વખત પહેલાં જ બે વિદ્યાર્થીઓને પાયલટ બનવા વિદેશ અભ્યાસ અર્થે જવા સરકાર તરફથી પંદર લાખ રુપિયાની લોન મંજૂર કરાવવામાં મદદ કરી હતી.  સાલ 2010માં ખાપરવાડાના મુલચંદભાઇ ધુયાની હૃદયરોગની સારવાર માટે ગાંધીનગર જઇ મુખ્યમંત્રી રાહતફંડમાંથી તેમજ અન્ય દાતાઓના સહયોગથી રૂપિયા દોઢ લાખ ભેગા કરી, સુરત મહાવીર કાર્ડીયાક હોસ્પિટલ ખાતે એન્‍જિઓપ્લાસ્ટી સર્જરી કરાવી આપી. એ જ વર્ષે નાંદરખા ગામે ૧૯ વરસના જુવાનના  હૃદયના વાલ્વના ઓપરેશન માટે  50,000 ની સહાય ઘેર બેઠાં પહોંચાડી. ૨૦૧૨ની સાલમાં જલાલપોર તાલુકાના મંદિરે ગામે માહ્યાવંશી સમાજના એક સાવ નબળી સ્થિતીના પરિવારના રહેણાંકમાં અકસ્માતે આગ લાગી ત્યારે પોતાની વગથી કેટલાક દાતાઓનો સંપર્કને  કરી ૭૫,૦૦૦ રુપિયા જેટલી સહાય પહોંચાડી  હતી. છેક હમણાં, 2022માં એક પરિવારના બંને દિકરાઓ પોલિયોગ્રસ્ત હતા અને આવકનું કોઇ સાધન ન રહ્યું ત્યારે આખા વરસનું સીધું સામાન અને રોકડ રૂપિયા એક લાખ ઉપરાંત સરકારી સહાય મેળવવામાં મદદ કરી.

કોરોનાકાળ વખતે તો તેમણે પોતાનો અને પોતાના પરિવારનો જીવ જોખમમાં મૂકીને લોકોને  મદદ પહોંચાડી. એ તો સૌ જાણે છે તેમ બહુ કપરો સમય હતો. શરૂઆતમાં કોઇને કશી ગતાગમ નહોતી પડતી કે શું કરવું? લોકોના ધંધારોજગાર સાગમટે ઠપ્પ થયાં. લોકો ખાય શું? એ વિચારે કંપારી છૂટતી. એ દિવસોમાં એમણે રાશનની કીટ બનાવીને લગભગ ૩૬ જેટલા કુટુંબોને પહોંચતી કરી. સારવારના ખર્ચ માટે ફંડફાળો ઉઘરાવીને ઘણાં નબળી સ્થિતિવાળાઓને  હોસ્પિટલોમાં સારવાર અપાવી. એ કાળા બોગદા જેવો સમયગાળો અને એનો ખોફ જરા હળવો થયો. સાથે સાથે પ્રજામાં પણ થોડી સમજ કેળવાઇ એટલે એને લગતી ઑનલાઇન આઠેક જેટલી વેબિનારો આયોજીત કરી. તેમાં મોટિવેશનલ ટ્રેઇનિંગ કાર્યક્રમો ઉપરાંત શિક્ષણ, આરોગ્ય, સંગીત જેવા વિવિધ વિષયો આવરી લેવામાં આવ્યા, એનો તો અઢી હજારથી વધુ લોકોએ લાભ લીધો.

હવે તો સેવાના માર્ગે તેઓ બીજી જૂનીનવી ઘણી સંસ્થાઓ પ્રવૃત્ત છે. માહ્યાવંશી કલ્યાણ ટ્રસ્ટે પોતાનો વ્યાપ વધાર્યો, પણ પોતાની લીટી લાંબી કરવા સામેવાળાની લીટીને ભૂંસવાનો પ્રયત્ન ક્યારેય ન કર્યો. એણે તો પોતાનો નક્કી કરેલો માર્ગ અને ધ્યેય અમારો પથ જાળવી રાખ્યો અને સમાંતરે જ બીજી સેવાસંસ્થાઓને પણ કામમાં આવતા રહ્યા. એનો એક જ નમૂનો : ૨૦૧૨-૧૩માં બિલીમોરાના જ મહાવીર વૃધ્ધાશ્રમમાં એક મહિનાનું અનાજ, કરીયાણું તથા મચ્છરદાની અર્પણ કર્યાં હતા. એવી રીતે જ ગણદેવી વૃધ્ધાશ્રમમાં પણ એક દિવસ સમૂહભોજનનું આયોજન કર્યું હતું. ૨૦૧૪થી તેમણે વસ્ત્રદાનની પ્રવૃત્તિ જારી કરી છે, જે હજુ સુધી બંધ પડી નથી.

એમની આજકાલની છેલ્લી દૂરંદેશીવાળી પ્રવૃત્તિ વિષે વાત કરીને વાત પૂરી કરીએ. માહ્યાવંશી કલ્યાણ ટ્રસ્ટ, બિલીમોરા તરફથી એ સમસ્ત માહ્યાવંશી સમાજ માટે જાન્યુઆરી ૨૦૨૩ થી એક આકસ્મિક વિમા યોજના અમલમાં મૂકી રહ્યા છે. આ દિશામાં આ એક તદ્દન નવતર પહેલ છે, જે અગાઉ કોઇએ વિચારી પણ નહોતી.

**** **** ****

હવે વનપ્રવેશ કરી ચૂકેલા ભૂપેન્દ્રભાઇ છોટાલાલ સુરતી નામના સંસારી તપસ્વીએ આ સપનાં પોતાની સાવ યુવાવયથી જોયાં હતા. પોતાના પગ પર ઊભા રહેવાનું શરુ કરવાની ઉંમરે એમણે અન્યો માટે લાકડીનો ટેકો બનવાનું શરૂ કર્યું હતું. જેને આજકાલ કરતાં પાંત્રીસ વરસથી પણ વધુ સમય થયો, છતાં સહેજે થાક્યા કે અટક્યા નથી. તેનું બીજું પણ રહસ્ય એ છે કે તેમના આ મિશનમાં કાકા, નાના ભાઇ, બહેન, પુત્રો એ સૌ કુટુંબીજનોનો સહયોગ ભળ્યો છે. તેમનાં પત્ની સરોજબહેન પણ ગ્રામ પંચાયતના સભ્ય રહી ચૂક્યાં છે.

શરૂઆતમાં જ શરદીનો યોગ્ય ઉપચાર કરીએ તો સંભવિત ન્યુમોનિયાનો ખતરો ટાળી શકાય છે. આટલી સાદી છતાં તાર્કિક સમજ ભૂપેન્દ્રભાઇની છે. અને એ સમજ વિકસીને હવે લોકસેવાના પંથે નિ:સ્વાર્થભાવે આગળ વધતા લોકો માટે મશાલ બનીને પ્રકાશ પાથરી રહી છે.

**** **** ****

તેમનો સંપર્ક: ડૉ. આંબેડકર સ્ટ્રીટ, મુ.પો. દેવસર, બીલીમોરા, તાલુકા ગણદેવી (જી. નવસારી) પીન- 396 380

મોબાઇલ અને વ્હૉટ્સએપ: 93770 33446

E Mail: bhupendrasurti21@gmail.com


 

લેખક સંપર્ક-

રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. : +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +9179-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com