મંજૂષા

વીનેશ અંતાણી

જિંદગીની નવી રીતે અને નવી જગ્યાએ શરૂઆત કરવી એક વાત છે,
મૂળિયાં ઉખેડીને પલાયન કરી જવું જુદી વાત છે

કાલ્પનિક આધેડ મહિલાની નોાંધ: ‘આખો દિવસ વરંડામાં બેસીને રસ્તા પર પસાર થતા લોકોને જોયા કરું છું. દિવસ જેમતેમ પસાર થઈ જાય. સાંજે બીજાં ઘરના લોકો પાછાં આવતાં દેખાય અને હું એની વાટ જોવા લાગું. મને થાય કે એ પણ બેન્કમાંથી પાછો આવશે. સ્કૂટરનો અવાજ સાંભળતાં હું આંગણાનું ફાટક ખોલવા દોડતી જઈશ. એ થાકેલો આવશે. હું એના માટે ચા બનાવીશ. એ પૂછશે: ‘આખો દિવસ શું કર્યું?’ હું કહીશ… શું કહીશ એને? એ તો કેટલાંય વર્ષોથી પાછો આવ્યો જ નથી. હું એને જોતી રહીશ અને એ એક દિવસ મને જણાવ્યા વિના ચાલ્યો ગયો હતો તેમ જ ફરી મારી સામેથી ગૂમ થઈ જશે.’

મેં નાનપણમાં એક સ્ત્રીને એના કિશોર વયના દીકરા સાથે એકલી રહેતી જોઈ હતી. વર્ષો પહેલાં એનો પતિ કોઈને જણાવ્યા વિના અચાનક ઘરમાંથી ચાલ્યો ગયો હતો. સ્ત્રીએ અને સગાંવહાલાંઓએ બહુ તપાસ કરી, પરંતુ એની ભાળ મળી નહીં. એ લોકો ગામનાં કૂવા-તળાવમાં પણ શોધ કરી આવ્યાં હતાં. ન એ આવ્યો, ન તો એનો મૃતદેહ મળ્યો. એ મહિલાએ પારકાં ઘરનાં કામ કરીને દીકરાને મોટો કર્યો. એના મોઢા પર કાળી ગમગીન છાયા છવાયેલી રહેતી. એ સ્મિત કરવાનું ભૂલી ગઈ હતી. એ એવી જિંદગી જીવી, જેના માટે એ કોઈ પણ રીતે જવાબદાર નહોતી. જવાબદાર હતો તે પુરુષ હંમેશને માટે ગાયબ થઈ ગયો હતો. ક્યાં ગયો, શા માટે ગયો, જીવે છે કે નહીં તેવી કોઈ પણ બાબતની ખબર જ પડી નહીં. એ સ્ત્રી ન તો સધવાનું જીવન જીવી શકી, ન તો વિધવાનું.

આવા ઘણા કિસ્સા બને છે. કેટલાક લોકો દેખીતા કારણ વિના ઘર છોડીને ચાલ્યા જાય છે. કારણ હોય તો પણ એનો રસ્તો કાઢવાની એમની તૈયારી હોતી નથી. પાછળ આખો પરિવાર જીવન ઘસડતો રહે છે. એ કયો મૂંઝારો હોય છે, જે એમને ઘર છોડીને જવા માટે મજબૂર કરે છે? બધા કિસ્સામાં માત્ર મૂંઝારો જ નથી હોતો, બીજાં ઘણાં કારણો હોય છે, પરંતુ એમના પરિવારની યાતના એક જ પ્રકારની હોય છે.

૧૯૮૯માં બનેલી મૃણાલ સેનની આર્ટ ફિલ્મ ‘એક દિન અચાનક’ યાદ આવે. એમાં પણ આધેડ પ્રોફેસર એક  સાંજે વરસતા વરસાદમાં ઘરમાંથી બહાર જાય છે અને ફરી ક્યારેય પાછો આવતો નથી. આઘાત અને અનેક પ્રશ્ર્નોમાં ઘેરાયેલો પરિવાર જીવનમાં સ્થિર થવાની કોશિશ કરે છે, પરંતુ તેઓ અંદરથી ઊખડી ગયાં છે. એમને એક જ પ્રશ્ર્ન છે કે એ શા માટે ચાલ્યો ગયો. બધાં પોતપોતાની રીતે જવાબ શોધવા મથે છે. કોઈને લાગે છે કે એ જીવનમાં કશુંક બહુ મોટું કામ કરવા માગતો હતો અને કરી શક્યો નહીં, તેથી હતાશામાં ચાલ્યો ગયો. કોઈ વિચારે છે, કદાચ એ પોતાને બીજા લોકોથી ભિન્ન સાબિત કરવા માગતો હતો. પરિવાર સિવાયના લોકો પણ પ્રોફેસરનું અલગ – અલગ રીતે મૂ્લ્યાંકન કરે છે, જેનો કશો જ અર્થ હોતો નથી. એ ઘર છોડીને ચાલ્યો ગયો, પરંતુ એનો પડછાયો ઘર પર મંડરાતો રહે છે. પ્રોફેસર ખોવાઈ જઈને પણ ખાલીપાની ભેટ પરિવારને આપતો જાય છે.

હિન્દીના સુપ્રસિદ્ધ સર્જક નિર્મલ વર્માની વાર્તા છે: ‘કૌએ ઔર કાલા પાની.’ એ વાર્તામાં ઘર છોડીને ચાલ્યો ગયેલો માણસ કેન્દ્રમાં છે. પરિવારનો બીજા નંબરનો દીકરો અચાનક ચાલ્યો જાય છે પછી પિતા અને ભાઈઓએ હૉસ્પિટલોમાં, પોલીસથાણામાં, શબઘરોમાં એની નિષ્ફળ શોધખોળ કરી હતી. દસ વર્ષો પછી એક પહાડી ઇલાકામાંથી એનો પોસ્ટકાર્ડ મળે છે. સૌથી નાનો ભાઈ એને મળવા આવે છે. દસ વર્ષોથી પહાડોની વચ્ચે એકલા રહેતા પુરુષને અજાણ્યા લોકો સંન્યાસી માને છે. નાના ભાઈ સાથેની વાતચીતમાંથી ઘર છોડીને ચાલ્યા ગયેલા માણસના મનની કેટલીક બાબતો વાંચકને સમજાય છે. પરિવારને છોડ્યા પછી પણ એ કશું જ ભૂલી શક્યો નથી. ભાઈ પૂછે છે કે બીજા લોકોને સાવ છોડી દેવા શક્ય હોય છે? એનો જવાબ છે કે એ શક્ય હોતું નથી. ઘર છોડ્યા પછી પણ એ માનસિક રીતે પરિવાર સાથે જોડાયેલો રહ્યો હતો. કદાચ એમાંથી હંમેશને માટે છુટકારો મેળવવા માટે જ એણે દસ વર્ષ પછી પરિવારને પત્ર લખ્યો હતો.

કેટલાક લોકો કોઈ પણ જગ્યાએ હોય, તેઓ હોઈને પણ ન હોવા જેવા હોય છે. જિંદગીની નવી રીતે અને નવી જગ્યાએ શરૂઆત કરવી એક વાત છે, મૂળિયાં ઉખેડીને પલાયન કરી જવું જુદી વાત છે. જરૂરી નથી કે ઘર છોડીને ચાલ્યા જતા લોકો જ ઘરની બહાર વસતા હોય. ઘણા લોકો ઘરમાં પરિવારની વચ્ચે રહેતા હોય, છતાં ગેરહાજર જેવું જ જીવન જીવે છે. એવા લોકો અથવા ઘરમાંથી ચાલ્યા જતા લોકો જાણતા નથી કે આપણા ભાગે આવેલી જિંદગી માત્ર એક જ વાર જીવી શકાય છે.


શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.