દુર્ગેશ ઓઝા.

 રમેશ તો નવાઈમા ડૂબી ગયો. ઓરડામાં ચારે બાજુ કરોળિયાનાં ચિત્રો, રંગોની ડબ્બીઓ, કેનવાસ, કાગળના થપ્પા, ને એની અંદર ખૂંપેલા પપ્પા! પપ્પાનું આવું રૂપ આ પહેલાં એણે ક્યારેય નહોતું જોયું. અચાનક રમેશની નજર મોટા રંગબેરંગી મથાળાવાળા કાગળ પર પડી, જેમાં એક વાર્તા લખેલી હતી, જેને એ રસપૂર્વક વાંચવા લાગ્યો.

‘એક હતી કોયલ. તે એક વાર માંદી પડી. તેને ખબર પડી કે તેનો અવાજ થોડા દી’ પૂરતો બેસી જશે. એની ખબર કાઢનારા કહે,  ‘અ ર ર ર, તારો અવાજ બેસી જ્શે? હાય હાય…હવે તારી જિંદગી!’

કોયલ કહે, ’ભલે અવાજ બેસી જતો. એ પાછો ઊભો થઈ જશે.. બે-ચાર દી’ અવાજ ચાલ્યો જાય એમાં કાંઈ આખું જીવન નકામું નહીં થઇ જાય, કાગડાકાકા! હું કાંઈ એમ હિંમત હારું એવી નથી. અવાજ બેસી ગયો એટલે એવું સમજો કે દસમા-બારમાં ધોરણની પરીક્ષાનું પેપર નબળું ગયું, કાં  એમાં નાપાસ થયા, બસ એટલું જ.. તમે ખાલી ચોપડીની પરીક્ષામાં જ હારી ગયા, પરંતુ, પરીક્ષા પૂરી એટલે તમારું સાવ પૂરું થઇ ગયું એવું નથી. તમારી સામે આખી જિંદગી પડી છે. હજી ઘણી બધી તકો, પ્રવૃતિઓ છે.

કાળઝાળ ગરમીમાં એક વખત પાક સાવ બળી જાય તો ધરતી કાયમને માટે સૂકીભઠ્ઠ થઈ નથી જતી, વાંદરાભાઇ! એ એમ નથી વિચારતી કે ‘આપણી જિંદગી ખતમ.’ પાક ખાલી એક જ વાર બગડ્યો છે, પણ ફરી એ જ જમીનમાં વાવશો તો પાછું ઊગશે, એટલું જ નહીં, ચોતરફ અનેરી હરિયાળી લહેરાઈ ઊઠશે, કારણ કે નબળો પાક એ સમજો માત્ર એક પરીક્ષા કે તેનું પેપર છે, તે આખા જીવનનો સાર કે તેનું માપ નથી. અભી તો પિક્ચર બાકી હૈ મેરે દોસ્ત. ’કરતા જાળ કરોળિયો ભોંય પડી પછડાય, તૂટે ઘર તો પાછું નવું બનાવતો જાય.’ એટલે હું નિરાશ થઈ આપઘાતના નબળા વિચાર નહીં કરું.’ ને કોયલ; ખરેખર થોડા દિવસ પછી ફરી એ જ મસ્તીમાં ટહુકવા લાગી ને બીજાનેય ખુશ કરી સાચો રસ્તો બતાવી ગઈ..

….ને એ રંગબેરંગી કાગળ શોધવા જેવી હિંમતલાલે પાછળ નજર ફેરવી કે તરત જ…’લે તું ક્યારે રૂમની અંદર ઘૂસી ગયો દીકરા!? અચ્છા, તો એ કાગળ તારા હાથમાં છે એમ! કેવી લાગી વાર્તા?’

‘સરસ છે પપ્પા.’ રમેશ થોડું મલક્યો ને પપ્પા બોલ્યા, ‘તને નવાઈ લાગે છે ને કે આ બધું..!! એક પુસ્તકે મને જગાડ્યો જેમાં લખેલું કે ‘તમે જીવનમાં ક્યારેય ન કર્યું હોય એવું સારું, કંઇક નવું. અનોખું કરી બતાવો.’ બેટા, નાનો હતો ને ત્યારે હું સરસ ચિત્રો દોરતો,

પણ છેલ્લાં વીસ વરસથી ધંધા, નફા, પૈસા.. વગેરેની હાયવોયમાં હું બધું ભૂલી ગયો હતો, પરંતુ આજ મેં નક્કી કર્યું કે આજકાલ વિદ્યાર્થી નબળા પેપર કે પરિણામથી નાસીપાસ થઈ જીવનનો અંત આણવા સુધી પહોંચી જાય છે, તે ન થાય ને તે ફરી પડકાર ઝીલી લઈ નવી આશા ને શ્રદ્ધા સાથે બેઠો થાય એવું કાંઇક કરું. ને દીકરા સાચું કહું? આ વાંચીને વિદ્યાર્થી વગેરેને તો મળશે જ, પણ મને તો અત્યારે જ નવજીવન મળી ગયું. જો આ ચિત્રો.’ પહેલું ચિત્ર કરોળિયો ચડે એવું, બીજું તે નીચે પડે તેનું ને ત્રીજું તે ફરી ઉપર ચડી અંતે ઘર બનાવવામાં સફળ થાય એ પ્રકારનું હતું. રમેશે ચિત્રો જોયાં ને પછી તે ઘરની બહાર નીકળ્યો..

.દીકરો મોડી સાંજે ઘેર પાછો આવ્યો ને પપ્પાને વળગી રડવા લાગ્યો. પછી થોડું સ્વસ્થ થતા એ બોલ્યો, ’પપ્પા, સવારે જ્યારે હું તમને મળવા આવ્યો’તો ત્યારે અમારી પરીક્ષા પૂરી થતાં જ હું કાંકરિયા તળાવની પાળે ફરવા જવાની રજા લેવા આવ્યો’તો. પણ સાચું કહું? હું કાયમ માટે તમારી રજા લેવા આવ્યો’તો. હું ત્યાંથી પાછો નહોતો આવવાનો, પણ તમારી વાર્તા, ચિત્રો વગેરે જોઈ હું ઘેર પાછો ફર્યો છું. બધાં માબાપ તમારાં જેવાં હોય જે મિત્ર બની સાચું વહાલ કરે, ખોટું દબાણ ન કરે તો જીવવાની મઝા આવે. થેંક્યુ પપ્પા.’

થોડીવાર સાવ શાંતિ છવાઈ ગઈ. ને પછી પપ્પા ગળગળા સાદે કહી રહ્યા, ’બેટા, એવા અનેક લોકો છે જે ભણવામાં સાવ ‘’ઢ’’ હતા, છતાં સફળ થયા છે. પરીક્ષા મહત્વની છે, જે દિલ દઈ પૂરી મહેનત કરી આપો, પણ એની જ ફૂટપટ્ટીથી તમારી કુશળતાને ન માપો. ને ખાલી અભ્યાસક્રમના ચોપડા જ ન વાંચો. બીજું પણ વાંચો. થોડું નાચો-ગાઓ, હરો-ફરો તો ટેન્શન જાશે, આનંદ આવશે, ને ઊલટું વધુ યાદ રહેશે. પરીક્ષા એ જીવનની છેલ્લી તક નથી. એની બહાર પણ એક સુંદર જીવન છે. સચીન તેંડુલકર ઝીરોમાં જાય તો તે કાયમ માટે ક્રિકેટ છોડી નથી દેતો. ફરી હિંમત બતાવી બીજા મેચમાં સદી ફટકારે છે.  ઝીરોમાંથી હીરો બની જાય છે. હારો ભલે, પણ હિંમત ન હારો. બેટા, તું આ પરીક્ષામાં ભલે કદાચ ઓછા ગુણ મેળવ કે નાપાસ થા, પણ જીવનની પરીક્ષામાં તો તું ફર્સ્ટ-ક્લાસ પાસ થયો છે. અભિનંદન. આ સદગુણનું મૂલ્ય પેલી પરીક્ષાના ગુણ કરતાંય ક્યાંય વધુ છે. ચાલ, એના માનમાં થોડો મસ્ત ડાન્સ થઈ જાય.’

ને પિતા-પુત્ર બંને ખુશીમાં નાચવા લાગ્યા. બંનેને કશુંક અનોખું પ્રાપ્ત થયું હતું.

૦ ૦ ૦ – – – ૦ ૦ ૦

સંપર્ક: દુર્ગેશ ઓઝા. પોરબંદર.  ૐ. મો. ૯૮૯૮૧૬૪૯૮૮  ઈ –મેઈલ: durgeshoza@yahoo.co.in