વલીભાઈ મુસા 

“ફૂટવેરનો જ દાખલો લ્યો ને ! કોઈ શોરૂમમાં રેક ઉપર બોક્ષમાં પેક થયેલાં મૂલ્ય, ગુણવત્તા અને વિવિધ પ્રકારો ધરાવતાં જૂતાં આપણને કેવાં ધ્યાનાકર્ષક લાગે! મીઠડાં સેલ્સમેન કે સેલ્સવિમેન  એમનાં ધંધાકીય કૌશલ્યો વડે આપણને એવાં હિપ્નોટાઈઝ્ડ કરી દે કે આપણે સ્લીપર્સ લેવા ગયાં હોઈએ અને બુટ ખરીદી લઈએ; સસ્તું લેવાનો ઈરાદો હોય અને મોઘુંદાટ લઈ બેસીએ; ઉંમરને શોભે તેવું લેવાના બદલે કોલેજિયનોની પસંદ એ આપણી પસંદ બની જાય! એ લોકોએ એમની ધંધાકીય પ્રિમાઈસિઝમાં જાણે કે એવાં અદૃશ્ય જામર (Jammer) લગાવી દીધાં હોય કે ગ્રાહકોની વિચારશક્તિ માત્ર નિષ્ક્રીય જ નહિ, બુઠ્ઠી પણ  બની જાય! દિવ્ય દૃષ્ટિ ધરાવતાં એ સેલ્સ પર્સન્સ આપણા વૉલેટમાંની કરન્સી ગણી લે, ક્રેડિટ કે ડેબિટ કાર્ડ જોઈ આવે અને આપણને આપણા કદ પ્રમાણે વેતરવાની પેરવી કરી લે. ખિસ્સાકાતરુઓ અને એ લોકોમાં જો ફરક હોય તો માત્ર એટલો જ કે પેલા ખિસ્સાકાતરુઓની કાતર કે બ્લેડ આપણાં ખિસ્સાં તરફ લંબાય, જ્યારે આ લોકોની કાતરો કે બ્લેડો એમના હાથમાં જ રહે અને આપણાં ખિસ્સાં સામેથી કપાવા એમની તરફ લંબાય! આવું જ આપણને….”

પ્રિયાએ આકાશને અધવચ્ચે અટકાવતાં કહ્યું, ‘મનમાં વાંચો ને, પ્લીઝ! આખા દિવસ દરમિયાન ઘરકામના ઢસરડા ખેંચી ખેંચીને થાકીને લોથપોથ થયાં હોઈએ અને તમે તો જુઓ ને ઊંઘવાય નથી દેતા!’

પતિ મહાશય મિ. આકાશ કમ્પ્યુટર ઉપર થોડું થોડું કંઈક લખતા જાય અને વચ્ચે વચ્ચે સહેજ મોટા અવાજે વાંચતા જાય. આ એમની હમણાંની રોજિંદી આદત બની ગઈ હતી.

‘મનમાં વાંચવામાં અને મોટા અવાજે વાંચવામાં ફરક છે, ડાર્લિંગ! પણ એ તને નહિ સમજાય. મહાન માણસોની સફળતા પાછળ સ્ત્રીઓનો હાથ હોય છે એમ જે કહેવાય છે એ મને લાગુ નહિ પડે. મને જો લાગુ પડે તો એ પડે કે મહાન થવા મથતા માણસોની નિષ્ફળતા પાછળ સ્ત્રીઓની જીભ હોય છે!’

‘મહાન માણસ થવા માટે તમને બીજું કોઈ ક્ષેત્ર ન મળ્યું અને જિંદગીભર ભૂખડીબારશ રહેવા માટેનું આ લેખક થવાનું ક્ષેત્ર જ મળ્યું? હું મેટ્રિક સુધી ભણેલી છું એટલે મને એટલી ખબર તો પડે છે કે ફિલ્મની સ્ક્રીપ્ટ કેવી હોય! હમણાં બોક્સઑફિસ ઉપર ટંકશાળ પાડી ચુકેલી બેચાર ફિલ્મો જોઈને તમે ફિલ્મ માટેની સ્ટોરી લખવાની ઘેલછામાં પડી ગયા છો. તમે દિવાસ્વપ્ન જોઈ રહ્યા છો કે કોણ જાણે કેટલાય ફિલ્મ પ્રૉડ્યુસર્સ આપણા ઘર આગળ લાઈન લગાવીને ઊભા રહેશે અને તમારી સ્ટોરી માટે પડાપડી કરશે! અરે ભલા,  તમારું નામ આકાશ છે, એનો મતલબ એ તો ન જ હોય ને કે એ સમગ્ર આકાશ તમારું  થઈ ગયું અને બસ તેમાં તમે એકલા જ ઊડ્યા કરો. ભલે આકાશમાં ઊંચે ઊડ્યે જાઓ, પણ ક્યારેક તો ધરતી ઉપર ઉતરાણ કરવું જોઈશે ને! હવે હું પૂછું તેનો મને સાચો જવાબ આપો કે હાલ તમે મોટા અવાજે જે વાંચ્યું, તે તમને કોઈ ફિલ્મી સ્ટોરી જેવું લાગે છે? મને તો હાઈસ્કૂલ કે વધારેમાં વધારે કોલેજ કક્ષાનો કોઈ નિબંધ જ હોય તેવું જણાઈ આવે છે!’

‘એક્ઝેટલી નિબંધ જ તો! અરે ગાંડી, આ તો નેટપ્રેક્ટિસ કહેવાય! હવે, ચાલ ઊંઘી જા અને હું મનમાં વાંચીશ, બસ! આપણા બજેટમાં ન હોવા છતાં આ ઈમ્પોર્ટેડ જાદુઈ સેન્સર ટેબલ લેમ્પ એટલા માટે વસાવ્યો છે કે ટ્યુબલાઈટનાં અજવાળાં તને ઊંઘવામાં વિઘ્નરૂપ ન બને. હવે તું સૂવા પહેલાં મારી એક ભીષ્મપ્રતિજ્ઞા સાંભળી લે કે હું સાહિત્યજગતને વધારે નહિ તો ઓછામાં ઓછી એક નવલકથા તો એવી આપીશ કે જે બેસ્ટસેલર બની રહેશે, દુનિયાની અસંખ્ય ભાષાઓમાં એના અનુવાદ થશે, દુનિયાભરની ભાષાઓમાં એની ફિલ્મો બનશે, સિરિયલો બનશે, મારા ઈન્ટરવ્યૂ લેવાશે, મારી મુલાકાત માટેની એપોઈન્ટમેન્ટ એમને મહિનાઓ પછી મળશે, મારા સેક્રેટરી એના ચીફ સેક્રેટરીને પૂછીને જ  એ તારીખો આપશે અને એ ચીફ સેક્રેટરી તું જ હશે. તું પણ આપણી ફેમિલી લાઈફને જ પ્રાધાન્ય આપશે, પછી ભલે ને એ ગમે તેવો મોટો સમારંભ હોય કે પછી લાખોકરોડો રૂપિયાનો કોપીરાઈટનો કોઈ સોદો હોય!’

‘મહાશય, આ બધું એકી શ્વાસે જે બોલી ગયા એ પહેલાંની મારી વાસ્તવિક વાતની યાદ અપાવું તો ખરે જ હવે તમે આકાશથી નીચે ધરતીમાતાની ગોદમાં આવી જાઓ, તમારી નેટપ્રેક્ટીસ ચાલુ રાખો અને મને ઊંઘવા દો; નહિ તો અહીંથી સૂતીસૂતી તાળી વગાડીને તમારા સેન્સર ટેબલ લેમ્પને સ્વીચ ઓફ કર્યે જ જઈશ અને તમને કામ કરવા નહિ દઉં, સમજ્યા?’

‘ના, ના. એમ કરીશ નહિ, પ્લીઝ. લખવાનો બરાબરનો મુડ જામ્યો છે. ઓ.કે, ઓ.કે.; ગુડ નાઈટ, પ્રિયે!’

પરંતુ પ્રિયાની ઊંઘ જામી નહિ. તે કરવટો બદલતી રહી અને વિચારોના ચગડોળે ચઢી. અન્ડર ગ્રેજ્યુએટ આકાશ ગંજબજારમાં મુનીમજી તરીકેની ખાનગી નોકરી દ્વારા જે વેતન લાવતો તેમાંથી માંડ ઘર નભતું હતું. શેઠે પેઢીમાં નવીન કમ્પ્યુટર વસાવતાં આકાશની વિનંતીને ગ્રાહ્ય રાખીને જૂનું કમ્પ્યુટર તેને ભેટ તરીકે આપ્યું હતું. આકાશે એ આશાએ કમ્પ્યુટરની માગણી કરી હતી કે કોઈ નાના વેપારીઓનાં નામાં લખવાનાં મળી જાય તો કાળઝાળ મોંઘવારી સામે ટકી રહેવા કંઈક પૂરક આવક મળી રહે. એણે નામાં મેળવવા માટે તપાસ તો ચલાવી હશે, પણ કોઈ કામ ન મળતાં છેવટે કંઈક સર્જનાત્મક સાહિત્ય લખવાના રવાડે તે ચઢી ગયો હતો. રજાના દિવસે અને મોડી રાત સુધી કંઈક લખવાનું વળગણ એને ‘પી.કે.’ અને ‘બજરંગી ભાઈજાન’ જેવી ફિલ્મો જોયા પછી લાગ્યું હતું. પ્રિયા માનતી હતી કે એમના જેવાં મધ્યમવર્ગી લોકોએ પોતાની આર્થિક ભીંસને ભૂલવા ચિત્તને ક્યાંક પરોવાયેલું રાખવું જોઈએ, નહિ તો હતાશા એમને ઘેરી વળે. દારૂ અને જુગાર જેવાં અનિષ્ટોનું ઉદ્ભવસ્થાન આ ગરીબી જ હોય છે ને ! એવી બદીઓમાં ફસાવા કરતાં કમ્પ્યુટર સાથેનો આકાશનો લગાવ સલામત તો ખરો! હાલ ભલે એ દિવાસ્વપ્નોમાં રાચતો લાગે, પણ ભાવીના ગર્ભમાં શું પડેલું હોય છે તે કોણ જાણી શક્યું છે? એ ભલે નવોદિત છતાંય સાહિત્યકાર તો છે જ. કોઈકવાર સામયિકોમાં એની વાર્તાઓ છપાય છે પણ ખરી. એ વાર્તાઓ છપાય ત્યારે એના ચહેરા ઉપર કેવો આનંદ છવાઈ જતો હોય છે! પુરસ્કારરૂપે મળતી સોબસો રૂપિયાની નાની રકમ પણ કેવી મોટી લાગતી હોય છે અને ઘરમાં કોઈક બજેટમાં ન આવી શકતી ચીજવસ્તુ કેવી આસાનીથી ખરીદાઈ જાય છે! આવા વિચારોમાં પ્રિયા ક્યારે નિદ્રાધીન થઈ ગઈ તેની એને ખબરસુદ્ધાં ન રહી અને સવાર પડી ગઈ.

પ્રિયાની આંખ ખૂલતાં જ એણે જોયું તો આકાશ કીબૉર્ડને મોનિટર તરફ ખસેડીને ટેબલના છેડા ઉપરની ખાલી જગ્યા ઉપર માથું ટેકવીને નસકોરાં બોલાવતો ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો. ટેબલ લેમ્પ ચાલુ જ હતો. એ સહસા સ્વગત બોલી ઊઠી, ‘હાય રામ, આ તે કઈ માટીનો બનેલો માણસ છે! આજે રવિવાર છે, એટલે આખી રાત કામ કર્યું લાગે છે! લાવ, એને જગાડીને પથારીમાં સૂવા જણાવું.’

પ્રિયા જેવી આકાશની નજીક ગઈ, ત્યાં તો તેના આશ્ચર્ય વચ્ચે એણે જાણી લીધું કે આકાશ જાગતો જ ઊંઘી રહ્યો હતો અને બનાવટી નસકોરાં બોલાવી રહ્યો હતો. એ એની એ જ સ્થિતિમાં પોતાના માથાને ટેકવી રાખીને પ્રિયાની કમરે હાથ વીંટાળતો બોલી પડ્યો હતો, ‘પ્રિયે, તને સરપ્રાઈઝ આપું તો મેં મારી પહેલી નવલકથા હમણાં અડધાએક કલાક પહેલાં જ પૂર્ણ કરી દીધી છે. એ મેં તને અર્પણ કરી છે, એ જ પ્રચલિત વિધાન સાથે કે મારી આ સફળતા પાછળ તારો જ હાથ છે અને એ પણ નકારાત્મક!’

‘સાચે જ! મારા માન્યામાં આવતું નથી, ખાઓ મારા સમ! અને મારો નકારાત્મક હાથ? તમે તો મને બદનામ કરી દેશો!’

“તારા નકારાત્મક વલણે જ તો મને આ નવલકથા લખવા પ્રેર્યો છે! તું મારા આ કાર્ય અંગે જેટલું વધારે નકારાત્મક બોલતી હતી, તેટલો જ હું વધારે ને વધારે પોરસાતો જતો હતો અને તને મારી સિદ્ધિ બતાવવાની મારી ધગશ વધતી જતી હતી. જો કમ્પ્યુટર સ્ક્રીન ઉપર નવલકથાનું કવર પેજ મૂકી રાખ્યું છે. બસ, તારી જાગવાની રાહ જ જોઈ રહ્યો હતો.’ આમ કહેતાં આકાશે માઉસ હલાવ્યું અને સ્ક્રીન ઉપર નવલકથાનું આકર્ષક શીર્ષક વંચાયું : ‘આકાશદીપ’”

‘ઓ મારા આકાશ, આ તો તમે ગજબ કર્યો! હવે મારા સવાલોના જલ્દીજલ્દી જવાબ આપો તો જ હું પૂરેપૂરો વિશ્વાસ કરું કે આ દિવાસ્વપ્ન તો નથી જ, નથી.’ આમ કહેતાં પ્રિયા હરખઘેલી બનીને આકાશનું માથું પંપાળવા લાગી.

‘બોલ પૂછી નાખ, એકીસાથે બધા સવાલો અને હું બધાયનો જવાબ આપીશ.’

‘શેઠજી પાસેથી કમ્પ્યુટર મેળવવા માટે નામાં લખવાનું બહાનું જ માત્ર હતું? કમ્પ્યુટર આવ્યે માંડ એકાદ મહિનો થયો હશે અને પહેલા જ દિવસથી આ નવલકથા લખવી શરૂ કરી હતી? રાત્રે સૂવા પહેલાં પેલો નિબંધ જેવો ફકરો વાંચી સંભળાવ્યો હતો એ શું હતું? અને છેલ્લો સવાલ કે આટલા ટૂંકા ગાળામાં અને એ પણ રોજ લગભગ અડધી રાત સુધી તથા ચારેક રવિવારના આખા દિવસના કાર્યકાળમાં જ કેવી રીતે આ બન્યું?’

‘તારા પહેલા સવાલનો જવાબ એ કે તને લાગે છે કે હું શેઠજીને કમ્પ્યુટર ઉપર નામાં લખવાનું ખોટું કારણ આપું? મેં પ્રયત્નો કરી જોયા હતા, પણ એવાં નામાં લખવા મને મળ્યાં ન હતાં. અને હા, પહેલા જ દિવસથી મેં નવલકથા આરંભી દીધી હતી. રાત્રે તને વાંચી સંભળાવેલો ફકરો એ મારા છેલ્લા પ્રકરણના ભાગરૂપ જ હતો. હું આખી રાત હાલ પૂરતો ઈ બુક બનાવવાના કામમાં લાગ્યો રહ્યો હતો. તારા છેલ્લા પ્રશ્ન ટૂંકા ગાળામાં આખી નવલકથા લખાઈ જવાનો જવાબ એ કે બસોએક કલાક કંઈ ઓછા કહેવાય? આ ઉપરાંતનું એક રહસ્ય છે જે રહસ્ય જ રહે તો સારું. એ ન પૂછે તો તારો મોટો ઉપકાર સમજીશ.’

‘એ રહસ્ય જાણવાનો મારો અધિકાર નહિ? સપ્તપદીનાં વચનોની યાદ અપાવવી પડશે કે શું? પતિપત્ની વચ્ચે ખાનગી જેવું કંઈ હોય ખરું?’

‘ડાર્લીંગ, એ ધંધાકીય ગુપ્તતા (Trade Secrecy) કહેવાય. એ રહસ્ય છતું થઈ જાય તો સાહિત્યકૃતિની બધી મજા જ મારી જાય!’

‘તમને એમ લાગે છે કે અમે સ્ત્રીઓ ખાનગી કોઈ વાતને હજમ ન કરી શકીએ? મને પણ તમે એવી નાના પેટવાળી સ્ત્રી સમજો છો?’

‘ના, બિલકુલ નહિ. તું તો મારી રહસ્યમંત્રી છે! તો લે કહી જ દઉં કે એ તો ગૂગલ મહારાજનો સથવારો અને કોપી-પેસ્ટની કમાલ!’

‘એ શું વળી?’

‘એ પછી સમજાવીશ. હાલ તો ગરમાગરમ ચા અને થોડોક નાસ્તો થઈ જાય. ત્યાર પછી એક ટૂંકી ઊંઘ ખેંચી લઉં અને પછી તું શિષ્યા બનીને પલાંઠી વાળીને મારી સામે બેસી જજે. અડધાએક કલાકમાં તને પણ લેખિકા ન બનાવી દઉં તો મારા સમ!’

‘કંઈ સમજાવવાની જરૂર નથી. એમ કહો ને કે ઊઠાંતરી!’

‘ડાર્લીંગ, એ પણ એક કલા છે. આઘુંપાછું કરતાં આવડવું જોઈએ, નહિ તો ચોરી પકડાઈ જાય. નવલકથાનાં પ્રાકૃતિક વર્ણનો, નાયકનાયિકાનાં દેહસૌંદર્યનાં વર્ણનો, પ્રસંગોચિત વેશભૂષાઓ વગેરે જે જે જોઈએ તે સઘળું ગૂગલ મહારાજ આપી દે. જેમ કોઈ મશિનના સ્પેરપાર્ટને એસેમ્બ્લ કરવામાં આવે અને મશિન બની જાય તેમ જ તો વળી આ કામ થઈ જાય! તું મને એકલાને એ નજરે જોતી નહિ. મને તો મારી પહેલી નવલકથા લખવામાં ખાસ્સો એક મહિનો લાગ્યો. મારા વાલીડા કહેવાતા એવા પ્રૉફેશનલ લેખકો તો આઠદસ દિવસમાં એક પૉકેટબુક તૈયાર કરીને બુકસ્ટોલો ઉપર કોરિયરથી મોકલ્યે જ જાય અને બુક્સ વેચાયા પછી જ પેમેન્ટ વસુલે. ન વેચાયેલો માલ પરત અને એ પણ જાય પસ્તીમાં. કમ્પ્યુટર યુગની આ જ તો છે કમાલ!’

પ્રિયા બાધી બનીને પોતાના પ્રિય આકાશને સાંભળતી રહી અને મનોમન બોલી પણ ખરી કે ‘કમ્માલનો માણસ છે, આ! એની એકાદ બુક પણ બેસ્ટ સેલર નીવડી, તો તો બેડો પાર!’

* * *

શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:

ઈ મેઈલ – musawilliam@gmail.com મોબાઈલ + 91-93279 55577

નેટજગતનું સરનામુઃ
William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) | વલદાનો વાર્તાવૈભવ | માનવધર્મ – જીવો અને જીવવા દો | હળવા મિજાજે