વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
ફાગણ મહિનાના બદલાતી મોસમના દિવસો હતા. સવારે સાધારણ ઠંડી અને બપોર પછી દક્ષિણ તરફથી વહી આવતી ગરમ હવાથી વાતાવરણમાં ગરમી પ્રસરી જતી.
બગીચાના એક ખૂણામાં બેઠેલા યતીનની નજર દૂર દેખાતા મેદાન અને એની બાજુના કાચા રસ્તા પરથી પસાર થતા ગાડા પર અટકી હતી. ગાડીવાળાએ ગરમીથી બચવા માથે ગમછો લપેટ્યો હતો, પણ એ ગરમીની મન પર કોઈ અસર ન હોય એમ નિરાંતે પોતાની મસ્તીમાં ગીત ગણગણતો ગાડું હંકારતો આવતો હતો.
“કેમ યતીન, વિચારોમાં છેક પૂર્વ જન્મ સુધી પહોંચી ગયો કે શું?” પાછળથી પટલનો કોમળ સ્વર સંભળાયો.
“કેમ એટલો હતભાગી છું કે મારી પાસે પૂર્વ જન્મ સિવાય વિચારવાનું કશું બાકી નથી?”
“હાસ્તો, આ જન્મનું વિચારતો હોત તો ક્યારનો એક પત્ની લઈ આવ્યો હોત. આ અમારા માળી ધનેસરે પણ લગ્ન કરીને ઘર વસાવી લીધું અને હવે એની ઘરવાળી સાથે સવાર-સાંજ ઝગડા કરીને એના અસ્તિત્વની જાણ કર્યા કરે છે અને તું ,આ ખુલ્લા મેદાનોમાંથી કોઈ ચાંદનો ટુકડો પ્રગટ થવાનો હોય એમ તાકીને બેસી રહ્યો છે.” પટલે મસ્તી ચાલુ રાખી.
“બસ હવે, એ એક બાકી રહ્યું છે, કાલે સવારે ઊઠીને જે છોકરી દેખાશે એના ગળામાં વરમાળા પહેરાવી દઈશ, હવે તો રાજી?”
યતીન અને પટલની ઉંમરમાં માત્ર એક દિવસનો ફરક હતો. પટલ યતીન કરતાં માત્ર એક દિવસ જ મોટી હતી. પિતરાઈ ભાઈ-બહેન વચ્ચે હોય એવું હેત હતું પણ મોટી હોવાના લીધે યતીન એને દીદી કહીને સન્માનતો નહોતો એની પટલને ભારે ખીજ હતી. પટલ હતી ગોળ-મટોળ અને પ્રસન્નવદના. ગંભીરતા તો ક્યારેય એની પ્રકૃતિમાં પ્રવેશી જ નહી. એ જ્યાં જતી ત્યાં પ્રસન્નતા પ્રસરાવતી. પટલના પતિ હરકુમાર બાબુ ડેપ્યુટી મેજીસ્ટ્રેટ હતા અને બઢતી મળતા હવે કલકત્તાના આયકર વિભાગના ઉચ્ચ પદ પર નિમણૂક થઈ હતી. કલકત્તામાં ફેલાયેલી પ્લેગની મહામારીના ભયથી કલકત્તાના ઉપનગરમાં એમનું ઘર હતું ત્યાં રહેતા અને ત્યાંથી કલકત્તા આવ-જા કરતા. અનેકવાર એમને અન્ય ગામોની મુલાકાતે જવું પડતું. પટલને એની એકલતામાં કોઈ આત્મિય સાથે હોય એવી ઝંખના રહેતી. એ જ અરસામાં યતીન ડૉક્ટરની ડીગ્રી મળી. પટલનું નિમંત્રણ સ્વીકારીને યતીન અહીં રહેવા આવ્યો. કલકતાની અંધારી ગલીઓમાંથી નીકળીને સીધા જ આમ વનરાજી વચ્ચે આવીને રહેવાનું એને ગમ્યું.
આમ જોવા જઈએ તો પટલ સાવ એકલી નહોતી. એની સાથે ચુનિયા તો હતી જ. જે સમયે દુકાળના, ભૂખમરાના સમયમાં અનેક લોકો ટપોટપ મરતાં હતાં એવા કપરાં સમયમાં ચુનિયાના મા-બાપ પણ આ દુકાળમાં સંસારની સઘળી ઝંઝટથી મુક્ત થઈને પ્રભુશરણ થયાં હતાં. પાછળ રહી ગઈ આ ચુનિયા. એને હરકુમાર લઈ આવ્યા હતા અને પટલે અત્યંત સ્નેહથી કાળજી લઈને ચુનિયાને બચાવી લીધી હતી. સાવ અબૂધ એવી ચુનિયા જાણે અહીં નવજીવન પામી હતી.. ૧૬ વર્ષની મૃગનયની ચુનિયા હવે આ પરિવારની સદસ્ય બની રહી. એની જાતિ વિશે કોઈ પૂછે તો પટલ કહી દેતી કે આ ઘરમાં એનો નવો જન્મ છે એ અર્થમાં એ દ્વિજ કહેવાય અને વાત ત્યાં આટોપાઈ જતી. એ દિવસે પટલના કહેવાથી યતીને ચુનિયાની તબીબી દ્રષ્ટિએ ઝીણવટભરી તપાસ કરીને એની શારીરિક અંશતઃ સ્વસ્થતા વિશે ખાતરી આપી..
ચુનિયાનું પરિક્ષણ કર્યા પછી યતીનને એક વાત સમજાઈ ગઈ કે એની અબૂધતા એના માટે આશીર્વાદ સમાન છે. જે છોકરીએ એની નજર સામે મા-બાપને મરતાં જોયાં છે એના જીવન પર એ ઘટનાની કેવી ભયંકર છાયા અંકિત થઈ હોય? વિધાતાએ એની બુદ્ધિ પર અબૂધતાનું આવરણ નાખીને એને સુખી રાખી છે.
યતીન તરફથી ચુનિયાની સ્વસ્થતાનું પ્રમાણપત્ર મળતાં જ પટલ પોતાના અસલ મસ્તીખોર મિજાજ પર ઉતરી આવી. એણે સીધું જ ચુનિયાને પૂછી લીધું,
“મારો ભાઈ તને પસંદ આવ્યો? એની સાથે વિવાહ કરીશ?”
અબૂધ ચુનિયાએ એની મૃગ જેવી ચંચળ આંખો પટપટાવીને હા શું કહી કે મસ્તીખોર પટલ ખુશ થઈ ગઈ.
બસ પછી તો પટલે એના તોફાનોનું નિશાન ચુનિયા અને યતીનને બનાવી દીધાં એ દિવસે તો પટલે હદ કરી. ચુનિયા અચાનક કોઈ અજબ વેદનાથી પીડાઈ રહી હતી. કોઈ અગમ્ય કારણોથી એનું શરીર અકડાઈ ગયું હતું, હાથ-પગ ઠંડા પડી રહ્યા હતા. પટલ એને ગરમ તેલની માલિશ કરી રહી હતી એના હાથમાંથી ગરમ તેલ લઈને યતીને ત્વરાથી ચુનિયાના પગના તળિયાના ભાગે મસાજ કરવા માંડ્યો. ઘડીઓ પસાર થઈ રહી હતી. રાત ઢળવા આવી હતી અને યતીન હજુ માલિશ કરી રહ્યો હતો. ઘણી વારે બરફની જેમ થીજી રહેલા શરીરમાં ચેત આવ્યું, ચુનિયાએ એની મૃગ જેવી ભોળી ભોળી આંખો ખોલી. એ જોતાંની સાથે પટલની સાથે યતીનનાય જીવમાં જીવ આવ્યો. મન પરથી બોજ ઉતરતાં પટલે ચુનિયા સામે જોતા ટીખળ આદરી. “અરે પાગલ, તારી મૃગ જેવી આંખો ખોલીને તું બેઠી થાય એના માટે તો તારા વરે અડધી રાત સુધી તારા તળિયા પંપાળીને તને મનાવવા મથામણ કરી છે. ઊભી થા અને એની પવિત્ર ચરણરજ લઈને માથે ચઢાવ.”
નાદાન ચુનિયાએ કશું સમજ્યા વગર પટલે કહ્યું એમ કર્યું.
એ દિવસથી યતીન સાથે અવનવા ઉપદ્રવોના શ્રી ગણેશ મંડાઈ ચૂક્યા. હવે તો પટલ યતીનને કેમ કરીને સતાવવો એની તાકમાં રહેવા માંડી. ચુનિયાની સાથે ચા મોકલવાથી માંડીને યતીન જમવા બેસે ત્યાં ચુનિયાને વિંઝણો ઢોળવાનું કામ સોંપી દેતી. કશુંય સમજ્યા વગર ચુનિયા પટલ કહે એમ કરતી ગઈ. જેમ યતીન અકળાતો એમ પટલ વધુ મસ્તીએ ચઢતી. યતીનની અકળામણ જોઈને પટલને મઝા આવતી.
હા, પટલ ચુનિયાને ભારે સ્નેહ કરતી. એને શણગારવાના પટલને ભારે અભરખા રહેતાં. એને પોતાને સજવા-સવરવામાં ઝાઝો રસ નહોતો પણ ચુનિયાને બરાબર શણગારતી.
સાંજનો સમય હતો. બહાર ઢળતી સંધ્યાના રંગોથી આકાશ રંગાયેલું હતું. યતીન એના ઓરડામાં કોઈ પુસ્તક વાંચવામાં તલ્લીન હતો અને એના શ્વાસોશ્વાસ સુધી સુગંધ પ્રસરી. હવાની લહેરખી સાથે વહી આવેલી એ સુગંધ તરફ યતીનનું ધ્યાન ગયું. જોયું તો ચુનિયા બોરસલીના ફૂલોની માળા લઈને એના ઓરડામાં પ્રવેશી રહી હતી.
“છી ચુન્ની, તને તારી દીદીએ મજાકનું પાત્ર બનાવી દીધી છે એટલું ય તને સમજાતું નથી?”
યતીનની વાતનો અર્થ તો એ સમજી નહીં હોય પણ ચહેરા પર ચીઢના ભાવ સમજાતા એ ભોંઠી પડીને પાછી જવા માંડી. યતીન માસૂમ ચુનિયાની ભોંઠપથી વ્યથિત થઈ ઊઠ્યો. એણે ચુનિયાને પાછી બોલાવીને એણે બનાવેલો હાર જોવા માંગ્યો. ચુનિયાના ચહેરા પરના વિષાદના વાદળ ખસી ગયા અને આનંદથી એનો ચહેરો ચમકી ઊઠ્યો અને સહસા યતીનના કાને ખડખડાટ હસવાનો અવાજ સંભળાયો.
બીજા દિવસે યતીન માટે ફરી એક નવી ટીખળના વિચારે પટલ એના રૂમમાં ગઈ તો રૂમ ખાલી હતો. ટેબલ પર એક ચબરખી પડી હતી- “મારા માટે હવે અહીંથી ભાગવા સિવાય બીજો કોઈ રસ્તો રહ્યો નથી.-યતીન.”
“અરે ઓ ચુનિયા, તારો વર તો ભાગી છૂટ્યો અને તું એને રોકી ના શકી?” અને ટેબલ પર પડેલી બોરસલીની માળા ચુનિયાને બતાવીને પટલ રૂમની બહાર નીકળી ગઈ.
ચુનિયાની સમજ સુધી આ વાત પહોંચતાં થોડી વાર લાગી પણ એને જ્યારે સમજાયું એ પછી એ પાષાણની પ્રતિમા જેવી બની ગઈ.
બહાર ફાગણ મહિનાની સવારનો ઉજાસ લીલાછમ વૃક્ષો વચ્ચેથી ચળાઈને ઓસરીમાં રેલાઈ રહ્યો હતો. પક્ષીઓનો સમૂહ કલરવ કરી રહ્યો હતો. નાની અમસ્તી ખિસકોલી આમથી તેમ દોડી રહી હતી. પ્રકૃતિ સોળે કળાએ ખીલી હતી અને એ ચેતનવંતા વાતાવરણ વચ્ચે એક અબૂધ છોકરી પોતાના અસ્તિત્વનો કોઈ અર્થ શોધી રહી હતી. એના માટે આ બધું એક પહેલી સમાન બની ગયું હતું. આ શું થઈ ગયું? અત્યાર સુધી આ સવાર, આ ઘર બધુંજ હર્યુંભર્યું લાગતું હતું એ અચાનક કેમ સન્નાટામાં ફેરવાઈ ગયું? ચુનિયાની આસપાસ અંધકાર પ્રસરી ગયો હોય એમ એ સાવ નિસ્તેજ બની ગઈ. હ્યદયમાં ન સમજાય એવો સૂનકાર પ્રસરી ગયો. ઊંડી ગર્તામાં ધકેલાઈ ગઈ હોય અને કોઈ બહાર કાઢનાર ન હોય એમ સ્તબ્ધ થઈને ઊભી રહી.
એને શોધતી પટલ આવી, “અરે ચુનિયા,”
પણ ચુનિયાએ પ્રત્યુત્તર ના આપ્યો. સ્થિર એવી ચુનિયા પાસે જઈને પટલે એને જાણે ઢંઢોળી અને ચુનિયા ધ્રુસકે ચઢી જાણે આંખોના બંધ છૂટી પડ્યા. એના અજાણ મનમાં ક્યારે કયા ભાવોની ભરતી ચઢી એની તો એને જાણ સુધ્ધાં નહોતી પણ યતીનના જવાથી જે ઓટનો અનુભવ થયો એ ખાળવો એના માટે મુશ્કેલ હતો.
પટલને હાથના કર્યા હૈયે વાગ્યા જેવું થયું. અજાણતાં રમૂજ રમૂજમાં એનાથી કોઈના હ્રદયના ભાવો સાથે રમત રમાઈ ગઈ છે એ સમજાયું પણ ત્યાં સુધીમાં ઘણાં પાણી વહી ચૂક્યાં હતાં. એણે ચુનિયાને પોતાના આલિંગનમાં લીધી.
“એક વાર તો બોલ કે થયું છે શું તને?”
પણ ચુનિયા પાસે ક્યાં એવી કોઈ ભાષા હતી કે જેનાથી એ પોતાના વ્યથિત હ્રદયની વાત વ્યક્ત કરી શકે? બસ આ ઘટના પછી એનું મન સાવ બધિર થઈ ગયું. પટલની પ્રુચ્છા કે ક્ષમાયાચનાનો પણ કોઈ જવાબ આપતી નહીં પણ ક્યારેક ગૂઢ ભાવો એવે રીતે ચહેરા પર આવતાં જેનાથી એ ક્રોધિત છે એટલું તો પટલ સમજી શકતી.
અને એક દિવસ ઊઠીને જોયું તો ચુનિયા ક્યાંય દેખાઈ નહીં. આજ સુધી અનેકવાર જે વસ્ત્રો અને આભૂષણોથી પટલ એને સજાવતી એ તમામ વસ્ત્રો અને આભૂષણ ચુનિયાના રૂમમાં યથાવત પડ્યાં હતાં.
હરકુમાર બાબુએ ચુનિયાનો પત્તો મેળવવા પોલીસને જાણ કરી. પ્લેગની મહામારીના લીધે અસંખ્ય લોકો ભયભીત થઈને ચારેકોર ભાગવા માંડ્યાં હતાં એવામાં ચુનિયા ક્યાં મળે? અનહદ પ્રયત્નો પછી જ્યારે ચુનિયા ના મળી ત્યારે અંતે હતાશ થઈને બંનેએ આશા છોડી દીધી. નસીબે મળેલી છોકરીને કમનસીબે ગુમાવી દેવાનું આકરુ તો લાગ્યું પણ સમય જતાં મન સાથે એમણે સમાધાન કરવા માંડ્યું.
ચુનિયા ક્યાં હશે ? ચુનિયાને ધરતી ગળી ગઈ ?
જોઈએ આવતા અંકમાં…
ક્રમશઃ
સીમાંત -રવીન્દ્રનાથ ટાગોર લિખિત વાર્તાને આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.