વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
પટલના ઘરમાંથી અચાનક ચાલી ગયેલી ચુનિયા ક્યાં, કેવા હાલમાં હશે એની ચિંતા પટલ કે હરકુમાર બાબુની જેમ વાચકને પણ હશે જ..
તો ચાલો જઈએ ચુનિયાની દુનિયામાં…
ગતાંક થી આગળ
મધ્યાન ભોજન પછી ડૉક્ટર યતીન સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે એમને સમાચાર મળ્યા કે રસ્તામાંથી પોલીસ કોઈ રોગીને ઉઠાવીને અહીં દાખલ કરી ગઈ છે. યતીન એને જોવા ગયો. યુવતિનો અધિકાંશ ચહેરો ચાદરથી ઢંકાયેલો હતો. બહાર લટકતા હાથની નાડી તપાસી. શરીર ગરમ હતું. તાવની શક્યતા હતી. વધારે પરિક્ષણ માટે યતીને એના ચહેરા પરની ચાદર હટાવીને જોયું તો યતીન દંગ રહી ગયો. એ ચુનિયા હતી.
પટલે યતીનને ચુનિયા વિશે બધી વાત કરી હતી અને યતીન પટલનું ઘર છોડીની નીકળી ગયો હતો પણ એના માનસપટલ પરથી ચુનિયા નીકળી નહોતી. ભોળી હરણી જેવી, મૃગનયની ચુનિયાની સ્મૃતિએ અજાણતા જ એના હ્રદયના ખૂણામાં ક્યાંક સ્થાન લઈ લીધું હતું. આજે એની લાંબી પાંપણોથી ઢંકાયેલી આંખો, કરમાયેલો ચહેર જોઈને યતીનના હ્રદયમાં તોફાન ઊમટ્યું.
જે દૈવયોગે એ મૃત્યુના પાશથી બચી હતી આજે એ ફરી મૃત્યુના દ્વાર તરફ ધકેલાઈ હતી. નાની ઉંમરથી આઘાતો, વેદનાઓ એણે કઈ તાકાતથી સહન કરી હશે? માંડ સ્વસ્થતા અને સ્થિરતા પામ્યા પછી ફરી એક વાર આ સંકટમાં ક્યાંથી ધકેલાઈ હશે? યતીનના મનમાં વિચારોની આંધી ઊઠી.
એ ચુનિયાની બાજુમાં બેસી પડ્યો. થોડી વારે સ્વસ્થ થઈને એણે ચુનિયાને થોડું થોડું કરીને ગરમ દૂધ પીવડાવવાનું શરૂ કર્યું. જરા વાર રહીને ચુનિયાએ એની આંખો ખોલી. સુંદર સ્વપ્ન જોઈ રહી હોય એમ એ યતીનની સામે જોઈ રહી.
“ચુનિયા ..”
યતીને એના કપાળ પર હાથ મૂક્યો અને રહી સહી બેહોશીની અસરમાંથી બહાર આવી હોય એમ યતીનને જોઈને એની આંખો અને ચહેરા પર અષાઢી વાદળોથી ઘેરાયેલા આકાશની જેમ મોહનું આવરણ છવાયું. સ્નેહથી આંખો તરલ બની.
“ચુન્ની, થોડું વધારે દૂધ પી લે.” યતીનનો અવાજ સાંભળીને બેઠા થઈને બાકીનું દૂધ પી લીધું.
હોસ્પિટલનો એક ડૉક્ટર કોઈ એક વ્યક્તિ પર વિશેષ ધ્યાન આપીને ક્યાં સુધી બસી શકે? યતીન પોતાની ફરજ પર જવા ઊભો થયો અને ચુનિયાની આંખોમાં નિરાશા અને ભય છવાયા.
“ડરવાનું કોઈ કારણ નથી ચુન્ની, હું હમણાં પાછો આવીશ.” યતીને એને દિલાસો આપવા પ્રયત્ન કર્યો.
ચુનિયાને પ્લેગની બીમારી નહોતી. એ તો માત્ર સાધારણ તાવ અને કમજોરીની અસર હતી. એને આ પ્લેગના દર્દીઓની સાથે રાખવાથી એ પણ સંક્રમિત થશે એવી આશંકાથી યતીને એને પોતાના નિવાસે ખસેડી. ચુનિયા મળી છે એવો પત્ર લખીને પટલને મોકલી દીધો.
સંધ્યાના રંગો રાતના અંધકારમાં ભળી રહ્યાં હતાં. યતીનના ઘરનો લેમ્પ આછી રોશની રેલાવી રહ્યો હતો. સૂરીલો રાગ છેડતી હોય એમ ટેબલ પર મૂકેલી ઘડીયાળની ટિક ટિક કરતી હતી.
કશું બોલ્યા વગર સૂતેલી ચુનિયાના કપાળ પર યતીન કોમળતાથી હાથ ફેરવતો બેઠો હતો. ચુનિયાના ચહેરા પર અજબ સંતોષ છલકતો હતો.
“ચુન્ની, તારા ગળામાં આ શું છે?” યતીનના સવાલના જવાબમાં ચુન્નીએ ઝડપથી એની સાડીનો છેડો વધુ ચૂસ્તીથી ખેંચવા વ્યર્થ મથામણ કરી તેમ છતાં એના ગળામાં સૂકાયેલા બોરસલીના ફૂલોનો હાર તો દેખાઈ રહ્યો હતો.
અરે, આ મૃગબાળ જેવી ભોળી ચુન્નીના હ્રદયમાં યૌવન સહજ આકર્ષણે ક્યારે આકાર લીધો હશે? વિચારે ચઢેલો યતીન નિંદ્રાવસ્થામાં ક્યારે સરી ગયો એની ખબર ના રહી પણ વહેલી સવારે ઘરના બારણા પરના ખખડાટથી એની આંખો ખૂલી.
પટલ અને હરકુમાર બાબુ હતાં. યતીનને થોડી નિશ્ચિંતતા અનુભવી. પટલની અનુભવી આંખોએ ચુનિયાની સ્થિતિ માપી લીધી. ચુનિયાના બચવાની આશા નહીવત હતી.
“યતીન, સાચું કહેજે તું ચુનિયાને પ્રેમ કરે છે ને?” પટલે એની પ્રકૃતિ પ્રમાણે સીધો જ સવાલ કર્યો.
યતીને જવાબ આપવાનું ટાળ્યું. ચુનિયાનો હાથ સહેલાવતો બેસી રહ્યો. પટલે હળવેથી ચુનિયાને સંબોધી.
“ચુન્ની…ચુન્ની..ઓ ચુન્ની.”
ચુનિયાએ આંખો પરથી પાંપણનું આવરણ ઉઠાવતા યતીન સામે જોયું. એના ચહેરા પર સ્મિતની મધુર લહેરખી છવાઈ.
“ચુન્ની, તારો આ હાર મને પહેરાવીશ?” જવાબમાં ચુન્ની વિસ્ફારિત નજરે એને જોઈ રહી. યતીને ફરી એ પ્રશ્ન દોહરાવ્યો.
“એનાથી શું થશે?” થોડા અનાદર અને અભિમાનથી ચુન્ની બોલી.
“હું તને પ્રેમ કરું છું ચુન્ની.”
યતીનનો જવાબ સાંભળીને ચુનિયા સ્તબધ બની ગઈ. યતીન પલંગ પરથી ઊભો થઈને ચુન્નીના હાથ પહોંચે એવી રીતે જમીન પર ઘૂંટણે બેસી ગયો. ચુન્નીએ ગળામાંથી હાર ઉતારીને યતીનના ગળામાં પહેરાવી દીધો.
“ચુનિયા, હજુ મારાથી નારાજ છું?” હવે પટલે પાસે આવીને ચુનિયાને બોલાવી.
“હું ક્યારે તમારાથી નારાજ હતી દીદી?”
કાચની બોટલમાંથી સરી જતી રેતની જેમ સમય સરતો હતો. પટલે યતીનની થોડી વાર બહાર જવા વિનંતી કરી. યતીન એક ક્ષણ વેડફ્યા વગર બહાર નીકળી ગયો. પટલે પોતાની સાથે લાવેલા વસ્ત્ર અને અભૂષણ અત્યંત સાવધાનીપૂર્વક ચુનિયાને પહેરાવા માંડ્યા. એના કમજોર હાથોમાં કંગન પહેરાવીને યતીનને બોલવ્યો. ચુનિયાની બાજુમાં યતીનને બેસાડીને એના હાથમાં સોનાનો હાર મૂકીને એ હાર ચુનિયાને પહેરાવવા કહ્યું. યતીને અત્યંત સ્નેહથી હાર ચુનિયાને પહેરાવ્યો.
સૂર્યનું પહેલું કિરણ ચુનિયાના ચહેરા પર પથરાયું ત્યારે ચુનિયાનો આત્મા એ કિરણોની આંગળી પકડીને અંતિમ પ્રવાસે નીકળી ચૂક્યો હતો. એના ચહેરા પરની અજબ કાંતિ જોઈને યતીન કે પટલને હજુ એવી પ્રતીતિ નહોતી થતી કે ચુન્ની હવે આ દુનિયામાં રહી નથી. જાણે કોઈ અતલસ્પર્શી સુખદ સ્વપ્નમાં પૂર્ણરૂપે લીન થઈ હોય એમ એનો ચહેરો ચમકતો હતો.
સ્મશાન ઘાટ પર ચુનિયાના દેહને ચેહ પર મૂકતા યતીને એના અજ્ઞાત પ્રેમની સીમાનોય અંત આણ્યો.
સીમાંત -રવીન્દ્રનાથ ટાગોર લિખિત વાર્તાને આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.