અવલોકન

 – સુરેશ જાની

તે દિવસે ચા બનાવતો હતો. મનમાં થયું , ‘ચાલ, આજે ઊભરાનું બારીકાઈથી અવલોકન કરું.’ બની રહેલી ચાની સપાટી પર થોડીક ગતિ દેખાતી હતી. ચાની એકાદ પાંદડી આમથી તેમ સરી રહી હતી. કોઈક પરપોટો સપાટી પરથી ઉપસી આવતો હતો. મનમાં એમ થતું હતું કે, ‘હમણાં ઊભરો આવવો જોઈએ.’ પણ એ એમ ક્યાં હાથવગો હોય છે?

             સાંદર્ભિક તસવીર – નેટ પરથી

ધીરે ધીરે પરપોટા વધવા માંડ્યા. ત્યાં જ એકાએક, ન જાણે ક્યાંથી, એકદમ તે ચઢી આવ્યો. સમસ્ત સપાટી એક તીવ્ર આંદોલનથી ભરાઈ ગઈ. ખળભળાટ મચી ગયો. મને અંધારામાં રાખીને! ઉભરો આવી ગયો હતો! બધી વરાળ એકસામટી બહાર આવવા મથી રહી હતી, અને સાથે આખી સપાટીને પણ ઉપર તરફ પ્રવેગિત કરી રહી હતી. બધું ઉપરતળે થઈ રહ્યું હતું. ચાની તપેલીમાં એક વિપ્લવે જન્મ લઈ લીધો હતો.

કેટકેટલી જાતના ઊભરા જીવનમાં આવતા હોય છે?

મનના કો’ક ખૂણે, ક્યાંક કોઈક ગમો કે અણગમો આકાર લઈ રહ્યો હોય, વિવેકે તેને દબાવી રાખ્યો હોય. પણ કો’ક ક્ષણે વિવેકની એ પાળ તૂટી જાય, અને બધો આક્રોશ, બધો અણગમો ક્રોધ બનીને ઉભરાઈ આવે. દબાવી રાખેલો ઓલ્યો ગમો અટ્ટહાસ્યમાં પરિવર્તન પામે.

કોઈ પ્રિય વ્યક્તિની આપણે બહુ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હોઈએ – તે હમણાં આવશે; હમણાં તેની ટ્રેન આવશે. છેવટે તે આવી પહોંચે, અને પ્રેમ ઊભરાઈ આવે.

આપણી કો’ક પ્રિય વ્યક્તિનું અકસ્માત મૃત્યુ થયાના સમાચાર આવે. મન હતપ્રભ બની જાય. ગળે ડૂમો ભરાઈ જાય. છાતી પર મણ મણના ભાર ઠલવાઈ જાય. અને ત્યાં કોઈ આપણને પૂછે, ‘કેમ શું થયું?’ અને બધો શોક આંખોના આંસુઓ વતી ઊભરાઈ આવે.

જાદુનો ખેલ જોવા ગયા હોઈએ, અને જાદુગર આપણને અંધારામાં રાખીને, ઘડીના છઠ્ઠા ભાગમાં અદ્રશ્ય થઈ જાય. આપણે આશ્ચર્યના ઊભરામાં ગરકાવ થઈ જઈએ.

મનમાં કોઈક ભાવ જાગ્યો હોય, ચિત્ત અભિવ્યક્તિ કરવા મથામણ કરતું હોય, અને કો’ક વિચારનો ઊભરો ઊમટી આવે. કો’ક કવિતા સરજાઈ જાય.

કોઈ રાજકીય કે ધાર્મિક નેતા પોતાના વક્તૃત્વના પ્રવાહમાં લોકોને મંત્રમુગ્ધ કરી કોઈ એક મનોવૈજ્ઞાનિક ક્ષણે એવો નારો લગાવવાનું એલાન આપે; જે સાંભળતાં જ સમગ્ર મેદની એકી અવાજે તે આદેશનું પાલન કરે. અને એક આંધી સરજાઈ જાય; લોહીની નદીઓ વહેવા માંડે; આગ અને લૂંટનાં તાંડવો રચાઈ જાય. આ ટોળાંનો ઊભરો.

પોતાના બાળકને ય એક તમાચો મારવાનું ન વિચારનાર માણસ ટોળામાં કોઈ દુકાનના કાચની ઉપર પથ્થર ફેંકી દે તેવો ટોળાંશાહીના પાગલપનનોય ઊભરો.

કોઈ કલાકાર કર્ણપ્રિય બંદિશમાં કોઈ રચના રજુ કરતો હોય; અને તેની ચરમસીમા આવતાં સુકોમળ રીતે તેની સમાપના કરે; અને શ્રોતાઓ એકી અવાજે તાળીઓના ગડગડાટથી તેને વધાવી લે – તે રસ-સમાધિનો પણ ઊભરો.

અમેરિકાના પ્રમુખની ઓફિસમાં બહુ જ સંરક્ષણ વાળી સ્વીચો છે. અમેરિકન કોંગ્રેસની અનુમતિ મળી હોય અને પ્રમુખ એમાંની સ્વીચો દબાવે તો છેવટના ઉપાય તરીકે, ન્યુક્લીયર શસ્ત્રો લઈ જતી આંતરખંડીય મિસાઈલો કાર્યરત થાય અને થોડા સમય બાદ શત્રુ પ્રદેશ ઉપર સેકંડોમાં અભૂતપૂર્વ તારાજી સર્જાઈ જાય.

નિબિડ અંધકાર અને કેવળ સ્થૂળ જડતામાં રમમાણ ‘શૂન્ય’માં, સર્જનની આદિમ પળે કો’ક પ્રચંડ વિસ્ફોટ ઊભરે ( બીગબેન્ગ) ; અને તેના ખર્વાતિખર્વ અણુબોંબોથીય વધુ શક્તિશાળી તાંડવમાં બ્રહ્માંડ ઊભરતું રહે, ફેલાતું રહે, કરોડો મહાસૂર્યો સર્જાતા રહે; તે પણ એક અનંતનો ઊભરો જ ને?

ઊભરા સાથે આપણા કેટકેટલી જાતના સંબંધ હોય છે? કેવા કેવા ઊભરા અજાણતાં ઊભરાઈ જતા હોય છે? પણ દરેક ઊભરાની પાછળ કોઈક પ્રક્રિયા, કશીક પૂર્વભૂમિકા અજ્ઞાત રીતે કામ કરતી હોય છે. એ ગોપિત સ્વીચ કે ઉત્તેજના ક્યાંક, ક્યારેક, અનેક સંજોગો એકત્રિત થતાં ઊભરાઈ આવે અને બધી સામાન્યતાને બાજુએ ધકેલી દઈ એક પ્રચંડ ઊભરો, એક વિપ્લવ, એક પ્રભંજન, એક ધડાકો, એક અકલ્પનીય ઘટના ઊભરાઈ આવે.

ઊભરા વિનાનું જીવન હોઈ શકે? ગીતાના પેલા સ્થિતપ્રજ્ઞને ઊભરા આવતા હશે? રાગ અને દ્વેશથી પર, સુખ અને દુઃખથી પર, ક્રિયા અને પ્રતિક્રિથી પર થવાતું હશે? તપોભંગ ૠષિઓની વાતો ક્યાં અજાણી છે?

શૂન્યનો ઊભરો, સર્જનનો આવેગ જ એને ન થયો હોત તો?

પણ ઊભરા તો થવાના જ. ઊભરાનું કાંઈ કહેવાય નહીં. ઊભરાનુંય એક અનિશ્ચિત હોવાપણું હોય છે.

ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે.’


શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.