નિસબત

ચંદુ મહેરિયા

બંધારણના અનુચ્છેદ ૨૧ (ક) પ્રમાણે દેશના છ થી ચૌદ વરસના તમામ બાળકોને શિક્ષણનો મૂળભૂત અધિકાર મળેલો છે. પરંતુ સમાન શિક્ષણ બધા બાળકોને મળતું નથી. સરકારી,અનુદાનિત અને ખાનગી એવા શાળાઓના ભેદ છે, અંગ્રેજી અને માતૃભાષામાં શિક્ષણ એવા માધ્યમના ભેદ છે. એનસીઆરટીના પાઠ્યપુસ્તકો અને રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના પાઠ્યપુસ્તકો એવા પાઠ્યપુસ્તકોના ભેદ છે. શાળાંત પરીક્ષાના ભિન્ન ભિન્ન પરીક્ષા બોર્ડના પણ ભેદ છે. ટૂંકમાં શાળા, અભ્યાસક્રમ, માધ્યમ, પરીક્ષા બોર્ડ અને પરીક્ષા પધ્ધતિમાં ભારોભાર ભેદ પ્રવર્તે છે.

સરકારી શાળાનું શિક્ષણ ઉતરતું અને ખાનગી શાળાનું ચડિયાતું મનાય છે.  સ્ટેટ એકઝામિનેશન બોર્ડની પરીક્ષા આપનારા શિક્ષણમાં નિમ્ન અને સેન્ટ્રલ, પ્રાઈવેટ કે ઈન્ટરનેશનલ એકઝામિનેશન બોર્ડની પરીક્ષા આપનારા ઉચ્ચ ગણાય છે. અંગ્રેજી માધ્યમમાં અપાતું શિક્ષણ  શ્રેષ્ઠ અને માતૃભાષામાં અપાતું શિક્ષણ નિમ્ન હોવાની છાપ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં જોવા મળે છે.

કદાચ હવે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સૌને માટે સુલભ થયું છે પણ સૌને એક સમાન ગુણવત્તાનું શિક્ષણ મળતું નથી. આ ભેદ નિવારવાનો  ઉપાય દેશના શાળેય શિક્ષણ મેળવતા તમામ બાળકો, પછી ભલે તે ગવર્નમેન્ટ, પ્રાઈવેટ, કોન્વેન્ટ સ્કૂલ, કે સરસ્વતી શિશુ મંદિરમાં ભણતા હોય, તેમનો અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો, પરીક્ષા બોર્ડ અને પરીક્ષા પ્રણાલી એક સમાન હોવા જોઈએ. જ્યારે દેશમાં ‘વન નેશન, વન રેશન કાર્ડ’, ‘વન નેશન, વન ટેક્સ’ અમલી હોય અને ‘વન નેશન, વન ઈલેકશન’, ‘વન નેશન, વન પોલીસ યુનિફોર્મ’, ‘વન નેશન, વન ગ્રીડ’  અને ‘વન નેશન, વન સિવિલ કોડ’ની ચર્ચા જોરશોરથી ચાલતી હોય ત્યારે ‘વન નેશન, વન સિલેબસ’ પણ મહત્વનો ચર્ચવા યોગ્ય મુદ્દો છે. બારમા ધોરણ પછીના ઉચ્ચ અભ્યાસ માટેની લગભગ બધી જ પ્રવેશ પરીક્ષાઓ અને સનદી સેવાઓની પરીક્ષાઓ સમગ્ર દેશમાં એક સમાન અભ્યાસક્રમની હોય ત્યારે તો આ મુદ્દો ઑર મહત્વનો બની રહે છે..

વર્તમાનમાં દેશના પંચાણું ટકા વિદ્યાર્થીઓ રાજ્યોના પરીક્ષા બોર્ડની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાંત પરીક્ષા આપે છે. જોકે બાકીના પાંચ ટકા સંપન્ન વર્ગના વિધાર્થીઓ  સેન્ટ્ર્લ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, (સીબીએસઈ) , ઈન્ડિયન સર્ટિફિકેટ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (આઈસીએસઈ) , ઈન્ટરનેશનલ બેકલારેટ(આઈબી), ઈન્ટરનેશનલ જનરલ સર્ટિફિકેટ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (આઈજીસીએસઈ), કેમ્બ્રિજ એસેસમેન્ટ ઈન્ટરનેશનલ એજ્યુકેશન (સીઆઈઈઈ)ની પરીક્ષા આપે છે. રાજ્યોમાં માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાંત પરીક્ષા બોર્ડ ઉપરાંત સંસ્કૃત બોર્ડ, ટેકનિકલ શિક્ષણ બોર્ડ, મદરેસા બોર્ડ અને ઓપન સ્કૂલિંગ એકઝામિનેશન બોર્ડ પણ કાર્યરત છે.

રાજ્યોની સરકારી અને મોટાભાગની સરકાર અનુદાનિત શાળાઓનું શિક્ષણ સ્ટેટ એકઝામિનેશન બોર્ડની પરીક્ષા પ્રણાલી મુજબનું હોય છે. મુખ્યત્વે કેન્દ્ર સરકારના અધિકારી-કર્મચારીઓના બાળકો માટે સ્થાપિત અને હવે મોભા અને શ્રેષ્ઠતાનું પ્રતીક બની ગયેલી કેન્દ્રીય વિદ્યાલયો અને ઘણી બધી ખાનગી શાળાઓમાં સીબીએસઈની પરીક્ષા પ્રણાલી તથા એનસીઆરટીના પાઠ્યપુસ્તકો પ્રમાણેનો અભ્યાસ કરાવવામાં આવે છે. દેશભરમાં આશરે ૧૨૦૦ સેન્ટ્રલ સ્કૂલ્સ છે. મે-૨૦૨૨ની સ્થિતિએ દેશમાં ૨૭,૦૭૭ સીબીએસઈ શાળાઓ છે.દુનિયાના ૨૬ દેશોમાં  ૨૪૦ સીબીએસઈ સંલગ્ન શાળાઓ છે. માત્ર અંગ્રેજી માધ્યમના વિધ્યાર્થીઓ માટે આઈસીએસઈ છે. વધુ અભ્યાસ  માટે વિદેશ જનારા વિદ્યાર્થીઓ ઈન્ટરનેશનલ બોર્ડની પરીક્ષા આપે છે. એટલે પાંચ ટકા એલીટ વર્ગના બાળકો માટે અલગ શિક્ષણ છે અને બહુમતી ગરીબ, વંચિત, મધ્યમ વર્ગના બાળકો માટે અલગ શિક્ષણ છે.

એટલે હવે સમાન શિક્ષણ અને સમાન પરીક્ષા પધ્ધતિની માંગ ઉઠી છે.  હાલમાં અમલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં તમામ શાળાઓનું મૂળભૂત શિક્ષણ , અભ્યાસક્રમ તથા પરીક્ષા પ્રણાલી એકરૂપ અને સમાન રાખવાની જિકર છે. ૨૦૧૦માં તમિલનાડુ સરકારે યુનિફોર્મ એજ્યુકેશન એકટ ઘડ્યો હતો. અમેરિકા, જાપાન અને ચીનમાં સમાન શિક્ષણ મળે છે. મહારાષ્ટ્ર અને દિલ્હીની સરકારી શાળાઓમાં સીબીએસઈનો અભ્યાસક્રમ ચાલે છે. મધ્યપ્રદેશની મુખ્યમંત્રી રાઈઝ યોજના હેઠળ ૨૦૦૦ સરકારી શાળાઓને ઉત્કૃષ્ઠ બનાવાઈ રહી છે. નવોદય વિદ્યાલયો, એકલવ્ય શાળાઓ પણ આ જ પ્રકારની છે.

ગયા વરસે બીજેપી સાંસદ ડો.વિનય સહસ્ત્રબુધ્ધેના વડપણ  હેઠળની શિક્ષણ મંત્રાલયની સ્થાયી સંયુક્ત સંસદીય સમિતિએ સરકારને ‘એક દેશ, એક અભ્યાસક્રમ’ ની ભલામણ કરી છે. ઓગસ્ટ ૨૦૨૧માં રાજ્યસભા તારાંકિત પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને  પણ આ વાત સ્વીકારી છે. ભાજપા નેતા અને ધારાશાસ્ત્રી અશ્વિની ઉપાધ્યાયે દિલ્હી હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી દાદ માંગી છે. સમાન પરીક્ષા બોર્ડ અને સમાન અભ્યાસક્રમ માટેના ભારતીય શિક્ષણ બોર્ડની કમાન યોગગુરુ બાબા રામદેવને સોંપવાની પણ ચર્ચા છે. વારાસણીમાં મળેલી અખિલ ભારતીય સંત સમિતિની બેઠકમાં હિંદુ સંતોએ બાબા રામદેવનો  વિરોધ કર્યો છે. તેમના મતે રામદેવ વેદાંગોના વિરોધી હોઈ આ માટે લાયક નથી. સંતોની માંગણી છે કે સરકારે સંતોના પરામર્શમાં શિક્ષણવિદો અને વૈદિક પ્રતિનિધિઓનું પ્રતિનિધિત્વ ધરાવતું ભારતીય શિક્ષણ બોર્ડ બનાવવું જોઈએ! .આ હકીકતો પરથી પ્રતીત થાય છે કે સમાન અભ્યાસક્રમનો મુદ્દો ચર્ચાની એરણે છે.

૧૯૭૬ સુધી શિક્ષણ રાજ્યયાદીનો વિષય હતો. ૧૯૭૬ના બેતાળીસમા બંધારણ સુધારાથી તેને રાજ્યયાદીમાંથી હઠાવીને કેન્દ્ર અને રાજ્યની સંયુક્ત યાદીમાં મુકવામાં આવ્યો છે. એટલે શિક્ષણ અંગેના નિર્ણયો કેન્દ્ર અને રાજ્ય સાથે મળીને કરે છે. પરંતુ કેન્દ્રનો હાથ હસ્તક્ષેપની કક્ષાએ ઉપર રહે છે. કેન્દ્ર હસ્તકના સીબીએસઈ અને સેન્ટ્રલ સ્કૂલ્સનું,  અસમાન શિક્ષણ સર્જવામાં મોટું પ્રદાન છે. ‘ શિક્ષણના  ક્ષેત્રમાં સમાનતા અને ઉત્કૃષ્ઠતા માટે પ્રતિબધ્ધ’ના ધ્યેયને વરેલ સીબીએસઈ એ ઉત્કૃષ્ઠતા તો હાંસલ કરી છે પણ સમાનતાને બદલે અસમાનતા સર્જી છે !. તેનું શિક્ષણ ઉત્તમ અને રાજ્યોના બોર્ડનું શિક્ષણ કનિષ્ઠ મનાય છે. એટલે શિક્ષણમાં ભેદ કેન્દ્રએ જ ઉભો કર્યો છે. જોકે રાજ્યોના બોર્ડ સર્વવ્યાપી અને સમાવેશી એવું ગુણવતાયુક્ત શિક્ષણ પૂરું પાડવામાં મહદઅંશે ઉણા ઉતર્યા છે. શિક્ષણમાં ભેદની સમસ્યા કેન્દ્રે ઉભી કરી છે એટલે તેનો ઉપાય પણ તેણે જ કરવો પડશે. કેન્દ્ર સરકારે શિક્ષણના રાષ્ટ્રીય અને એકીકૃત સ્વરૂપને સુદ્રઢ કરવાની જવાબદારી  સ્વીકારી છે ત્યારે તો તેણે સમાન શિક્ષણ આપવું જ રહ્યું.

આરંભે સમગ્ર દેશમાં શાળા કક્ષાએ એક સરખો અભ્યાસક્રમ અને એક સરખી પરીક્ષાપ્રણાલી અમલી બનાવવાથી શિક્ષણમાં રહેલા ભેદ અને અસમાનતા ઘટશે , શિક્ષણ વધુ સુદ્રઢ બનશે. સરવાળે તે લાભપ્રદ નીવડશે. પાઠ્યપુસ્તકોમાં જે રાજનીતિનો રંગ જોવા મળે છે અને રાજ્યે રાજ્યે અલગ હોય છે તે ઓછો થશે. તમામ વિધ્યાર્થીઓ માટે સગવડદાયી, સાર્વભૌમિક અને  સર્વસમાવેશી શિક્ષણ શક્ય બનશે. ડો.રામ મનોહર લોહિયાનું “રાણી હો યા મહેતરાણી સબ કે બચ્ચોં કો એક હી શિક્ષા” નું સ્વપ્ન સાકાર થશે.

પણ શું એક દેશ, એક અભ્યાસક્રમ શક્ય છે ? જો કેન્દ્રની સેન્ટ્રલ સ્કૂલ્સ અને તેની માન્યતાપ્રાપ્ત શાળાઓ આખા દેશમાં ફેલાયેલી હોય અને તેનો એક સમાન અભ્યાસક્રમ, પાઠયપુસ્તકો અને પરીક્ષા હોય તો તેને આખા દેશમાં કેમ વિસ્તારી ન શકાય ? તેનાથી બંધારણદીધા સમાનતા, સમાન તકના અધિકારો ફળીભૂત થશે. જો તેનો તાકીદે આરંભ કરવામાં આવે તો થોડા વરસોમાં તેનું દેશવ્યાપી સ્વરૂપ અશક્ય નથી.  શિક્ષણના ખાનગીકરણ અને ખાનગી શાળાઓની બોલબાલાને પણ તેનાથી નાથી શકાશે. શરૂઆતમાં પ્રાદેશિકતા અને સ્થાનીયતાની અવહેલના થતી લાગશે પણ ખરી .પ્રાદેશિક વિવિધતાનો કદાચ ભોગ પણ લેવાશે .આટલા વિશાળ દેશમાં કેન્દ્રીકરણની ફરિયાદ પણ ઉઠશે. પરંતુ જીએસટી અને રેશનકાર્ડનો અનુભવ પણ આપણી સામે છે. જીએસટી કાઉન્સિલ જેવું જ  નેશનલ એજ્યુકેશન બોર્ડ રચાય અને તે કશા ભેદભાવ વિના સુચારુ રીતે કામ કરી શકે તો સમાન શિક્ષણની દિશામાં પગરણ માંડવા અઘરા નથી.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.