-
જોગેશ્વર મંદિર અને અદ્વૈત આશ્રમ
નારાયણ આશ્રમ – એક યાદગાર પ્રવાસ
આશા વીરેન્દ્ર
જોગેશ્વર અલ્મોડા જિલ્લાના હેડ ક્વાર્ટરથી ૪૦ કિ. મી. દૂર આવેલું છે. મંદિરમાં જતાં પહેલાં આર્કિયોલોજિકલ મ્યુઝિયમ જોયું. આઠમીથી સોળમી સદી સુધીનાં સ્થાપત્યો, ચિત્રો અને મૂર્તિઓની અહીં બહુ સરસ રીતે જાળવણી કરવામાં આવી છે. પાવર પોઇંટ પ્રેઝટેશનથી મ્યુઝિયમની બધી માહિતી પડદા પર આપવામાં આવે છે.
મંદિરમાં, નાની-મોટી દેરીઓમાં, શિવ-પાર્વતી, ગણેશ, નવદુર્ગા , નવ ગ્રહ વગેરે બિરાજમાન છે. અહીં દરેક સ્થળે આપણા કરતાં વધારે ચોખ્ખાઈ અને વ્યવસ્થા જોવા મળે છે. કદાચ ઓછી વસ્તી અને ઓછાં મુલાકાતીઓ એક કારણ હોઈ શકે. તેમ છતાં, ‘સ્વચ્છ ભારત’ના નારા લગાવવા છતાં સ્વચ્છતાની બાબતે આપણે એમના કરતાં પછાત છીએ એ તો કબૂલવું જ પડે.

જોગેશ્વર મંદિરની એક દેરી રાત્રિરોકાણ લોહાઘટ કરવાનું હતું. એક તો રસ્તો લાંબો અને પાછો ઘુમાવદાર, એટલે પહોંચતાં વાર લાગે જ, એમાં પાછી અમારી મંડળી મનમોજી, બેફિકરી અને ખાણીપીણીની શોખીન. એટલે ક્યાંક સુંદર દૃશ્ય જોયું નથી ને ફોટોગ્રાફી કરવા ગાડી થોભાવી દઈએ અને આખી મડળી ઉતરી પડે. વળી ક્યાંક ધાબું દેખાય કે અમારી ચાની તલપ એટલી જાગે કે ઉતરીને તેની સંતોષવાની વ્યવસ્થા કરીએ પછી જ ધરવ થાય ! પહાડી રસ્તાઓ પર ગાડીઓ ચલાવવાનું કપરું કામ કરતા અમારા સારથિઓને પણ થોડા થોડા વખતે ચાનું ઈંધણ તો પુરવું જ પડે. આ બધી વાતોનું સરવાળે પરિણામ એ કે લોહાઘાટ પહોંચતાં મોડું થઈ ગયું. લોહાઘાટથી ૧૭ કિ. મી. દૂર આવેલા માયાવતીમાં આવેલ અદ્વૈત આશ્રમ જોવાનાં જે ખાસ આકર્ષણને કારણે અહીં સુધી લાંબાં થયાં હતાં એ આશ્રમ બંધ થઈ ગયો હતો.

માયાવતીનો અદ્વૈતઆશ્રમ જે અમે જોઈ ન શક્યા
તસવીર સ્રોત: Advaita Ashrama, Mayavatiઆમ તો અમારી હાલત ‘હીરો ઘોઘે જઈ આવ્યો ને ડેલે હાથ દઈ આવ્યો’ જેવી થઈ ગઈ હતી. પણ હવે છેક અહીં સુધી આવી જ ગયાં છીએ તો આશ્રમનાં પરિસરમાં ફરીને થોડી ઘણી માહિતી મેળવી લઈએ એવા આશયથી પાછળની તરફ ગયાં. ત્યાં જે જાતજાતનાં અને ભાતભાતનાં મોહક ફૂલો અમને જોવા મળ્યાં તેમની તાજગીએ આશ્રમ ન જોઈ શકાયાની અમારી નિરાશા ભગાડી મુકી. અસ્તાચલ તરફ જતા સૂરજ દાદાને પણ મનભરીને નિહાળ્યા અને ફોટા ને સેલ્ફી પ્રેમી મિત્રોઓ વનવા પોઝમાં ફોટ પાડીને અહીં સુધીનો ફેરો સફળ કરી લીધો.
પરિસરમાં દાખલ થતાંની સાથે જ મુકાયેલી સ્મારક તકતી જાણવા મળ્યું કે અદ્વૈત આશ્રમ[1], માયાવતી રામકૃષ્ણ મઠ, બેલુરની જ શાખા છે. ૩ થી ૧૮ જાન્યુઆરી ૧૯૯૧ દરમ્યાન સ્વામી વિવેકાનંદ અહીં આવીને રહ્યા હતા.

તસવીર સ્રોત: Advaita Ashrama, Mayavati તદુપરાંત ભગિની નિવેદીતા અને ડૉ. જગદીશચંદ્ર બોઝ જેવી મહાન હસ્તીઓએ પણ અહીં નિવાસ કર્યા છે. આટલી જાણકારી મેળવી આશ્રમનાં બંધ બારણાં તરફ જોઈને નિઃસાસા નાખતાં અમે બધં ભારે હૈયે ગાડીમાં બેઠાં અને પહોંચ્યાં લોહાઘાટ કુમાઉ નિગમનાં ગેસ્ટ હાઉસમાં.
[1] સંપાદકીય નોંધ:
અદ્વૈત આશ્રમની સ્થાપના કરવામાં તન, મન અને ધનને અર્પણ કરનાર, સ્વામી વિવેકાનંદ્નં પાશ્ચાત્ય શિષ્યો, મી. સેવીઅર અને તેમનાં પત્ની હતાંઅદ્વૈત આશ્રમ અદ્વૈત સનાતન ધર્મના અભ્યાસ અને સંશોધનનું મુખ્ય કેંદ્ર છે., એટલે અહીં કોઈ મૂર્તિની પુજા વગેરે નથી કરાતાં, કે આશ્રમમાં નથી તો રામકૃષ્ણ પરમહંસ કે સ્વામી વિવેકાનંદનાં ચિત્રો પણ્નથી મુકવામાં આવ્યાં. આશ્રમ રામકૃષ્ણ મિશનનું મુખ્ય પ્રકાશન કેંદ્ર છે. The Complete Works of Swami Vivekananda અને મિશનનું ૧૮૯૬થી પ્રકાશિત થતું વિશ્વવિખ્યાત સામયિક ‘પ્રબુદ્ધ ભારત‘ તેમ જ હિંદુ પુરાણોના અંગ્રેજી અનુવાદ જેવા પ્રકાશનો અહીંથી પ્રકાશિત થાય છે.
માહિતી સ્રોતઃ Advaita Ashrama, Mayavati
સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
વાર્તા-મેળો : વાર્તા-લેખન સ્પર્ધા ૭
દર વર્ષની જેમ આ વર્ષે પણ વાર્તા-મેળો વાર્તા–લેખન સ્પર્ધા યોજવામાં આવી છે. ૧લી જાન્યુઆરી ૨૦૨૩ થી ૧૫ જાન્યુઆરી ૨૦૨૩ સુધી ધોરણ ૭ થી ૧૦ માં ભણતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો પોતાની મૌલિક ગુજરાતી વાર્તા સ્પર્ધાનાં આયોજક દર્શા કિકાણીને મોકલી શકે છે, અથવા વેબસાઈટ ઉપર અપલોડ કરી શકે છે.
રૂ.૧૧,૦૦૦, રૂ.૭,૦૦૦અને રૂ.૫,૦૦૦ નાં ઇનામો તથા પાંચ પ્રોત્સાહન ઇનામો વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે રાખવામાં આવ્યા છે.
વાર્તાના પહેલા ફકરામાં “આઝાદી” શબ્દ આવવો જરૂરી છે.

વધુ માહિતી માટે www.vartamelo.org વેબસાઈટ જુઓ
સંપર્ક : દર્શા કિકાણી – darsha.rajesh@gmail.com
-
વેબલેન પ્રભાવ
મૅનેજમૅન્ટના નામસ્રોતીય સિધ્ધાંત
નિરંજન મહેતા
વેબલેન પ્રભાવ એ એક ભ્રમિક માનસિક વ્યુંહરચના છે જે સદીઓથી ઉપયોગમાં લેવાઈ રહી છે. આ એક એવી વ્યૂહરચના છે જેમાં ઉપભોક્તા ઉપર એમ ઠસાવી બેસાડાય છે કે વધુ કિમતવાળી ચીજની ઉપયોગીતા વધુ હોય છે અને તેથી તે અન્ય સાદી બ્રાંડ હોય તેના કરતા વધુ સારી છે. – કારણ તેની કિંમત વધુ છે !
વ્યંગાત્મક રીતે કહીએ તો બધી જાણકારી હોવા છતાં, તકનીકી દ્રષ્ટિએ ઉન્નતિ કરી હોવા છતાં, તેમ જ જાગરૂકતા અને વિસ્તૃત જાણકારી હોવા છતાં વેબલેન પ્રભાવ સાંપ્રત સમયમાં પણ ચાલુ રહ્યો છે.
આના ઘણા દ્રષ્ટાંત મળી આવશે, જે બહુ પ્રચલિત પણ છે – રોલેક્ષ, કાર્ટીયર, બેન્ટલી, લુઈ વિતોન, રોલ્સ રોયસ, વગેરે. ભારતની પણ વપરાશની અનેક ચીજો માટે આનો પ્રયોગ થયો છે અને થતો આવતો રહેશે. આ બધી વસ્તુઓ તેનાથી સસ્તી બ્રાંડથી વધુ સારી ન પણ હોઈ શકે, પણ તેમની ઊંચી કિંમત જ ઠસાવે છે કે ગુણવત્તામાં વધુ સારી હશે એટલે તે વધુ ઇચ્છનીય.
વેબલેન પ્રભાવ શબ્દ હકીકતમાં ૨૦મી સદીમાં થોર્સટેન વેબલેને પ્રચલિત કર્યો હતો જ્યારે તેણે આવા પ્રભાવને તેના એક પુસ્તક The Theory of the Leisure Class (1899)માં વર્ણવ્યો હતો. ત્યારબાદ તેમણે તે તેમના અન્ય પુસ્તક The Theory of Business Enterprise (1904)માં એક સિદ્ધાંત રીતે પ્રસ્તુત કર્યો હતો. તેમના મુજબ તકનીકીને કેમ વાપરવી તે સંસ્થાઓ નક્કી કરે છે. થોર્સટેન વેબલેનના મત મુજબ સામાન્ય રીતે મોટાભાગની આ સંસ્થાઓ ઔપચારિક હોય છે જે ભૂતકાળના ચાલુચીલા નિયમોને અનુસરે છે, જ્યારે એવી સંસ્થાઓની જરૂર છે જે આ ભૂલીને ભવિષ્યને ખ્યાલમાં રાખી નિશ્ચયાત્મક રીતે તકનીકી શોધોને અપનાવે. કારણ સમાજ પોતાના જીવન માટે સાધનો અને કુશળતા પર નિર્ભર હોય છેતેમ છતાં કહી શકાય કે સદીઓ પહેલા જાણેઅજાણે રોમન રાજ્યના જુલીઅસ સિઝરે તેનો ઉપયોગ કર્યો હતો. તે જયારે ૨૩ વર્ષની આયુનો હતો ત્યારે તે રોમમાં બહુ પ્રખ્યાત ન હતો. તે એક મામુલી રાજકારણી હતો પણ આગળ વધવાની ક્ષમતા ધરાવતો હતો કારણ તેનો આત્મવિશ્વાસ અને તેની બુદ્ધિ.
જ્યારે તે એજિયન સમુદ્ર પાર કરતો હતો ત્યારે તેને ચાંચિયાઓએ પકડી લીધો હતો. ચાંચિયાઓએ ખંડણી રૂપે તે સમયની ચાંદીની ૨૦ ટેલંટ મુદ્રાની માંગણી કરી જે વજનમાં ૬૨૦ કિલો થાય. જે આજના ભાવ (રૂ. ૬૦૦૦૦/- કિલો.)ના હિસાબે રૂ. ૩.૭૨ કરોડ થાય. ચાંચિયાઓ તેની કિંમત આટલી ઓછી આંકે તે માટે સિઝર તૈયાર ન હતો. એટલે સિઝરે તેમની વાતને હસી કાઢતા કહ્યું કે તેઓની માંગણી હાસ્યાસ્પદ છે. આ સાંભળી ચાંચિયાઓ મૂંઝવણમાં પડી ગયા કે તે કેમ આને હાસ્યાસ્પદ કહે છે. સીઝરે સમજાવ્યું કે તેઓ તેમની માંગણી ૨૦ મુદ્રાને સ્થાને ૫0 મુદ્રા કરે. જે આજની તારીખે તેની કિંમત રૂ. ૯.30 કરોડ થાય.
ચાંચિયાઓ ફરી મૂંઝાયા કે આ શું કામ આમ કહે છે. સામાન્ય રીતે તેમના બંદી તો ખંડણી ઓછી કરવા વીનવે પણ અહી તો વિપરીત પરિસ્થિતિ હતી. શું થઇ રહ્યું છે તે તેમની સમજમાં ન આવ્યું પણ જો આ બંદી વધુ ખંડણીની માંગણીની વાત કરે છે તો ચર્ચા કરવાનો શો અર્થ? તેમણે સિઝરના માણસોને આવી માંગણી સાથે છોડ્યા જેથી તે રોમ જઈ ખંડણીની રકમ લઇ આવે. રોમમાં આ વાતની જાણ થતા જ સિઝર તેની ગેરહાજરીમાં જાણીતો થઇ ગયો કારણ આ પહેલા આટલી મોટી રકમની ખંડણીની માંગણી કોઈ માટે થઇ ન હતી. એટલે લોકોને લાગ્યું કે જો આટલી મોટી રકમની ખંડણીની માંગણી થઇ છે તો સિઝર કોઈ ખાસ વ્યક્તિ હશે અને તે મહત્વની વ્યક્તિ પણ હશે.
આમ તેણે રોમની કોઈ પણ વ્યક્તિની કિંમત હોય તે કરતા પોતાની કિંમત વધુ અંકાવી. રોમના લોકો તો ખબર પણ ન હતી કે આ કિંમત સિઝરે પોતાને માટે આંકી છે. લોકોનું માનવું હતું કે તે કોઈ સ્વતંત્ર રીતે અંકાઈ હતી. હવે જ્યારે તેની આટલી ઊંચી કિંમત અંકાઈ હતી ત્યારે સિઝરના માણસોને જરૂરી રકમ મેળવવાની કોઈ તકલીફ ન પડી અને તેમણે સિઝરને ચાંચિયાઓથી મુક્તિ અપાવી.
પણ સિઝર આટલી મોટી રકમ તે ચાંચિયાઓ પાસે રહે તેમ નહોતો ઈચ્છતો. હવે તે મહત્વની અને પ્રખ્યાત વ્યક્તિ થઇ ગયો હતો. તેથી સૈન્યનું મોટું દળ ઊભું કરી લીધું જેના વડે તેણે ચાંચિયાઓને શોધી લીધા અને ન કેવળ તેને આપેલી ખંડણીની રકમ પણ અન્યો પાસેથી પડાવી લીધેલી રકમ પણ પાછી લઇ લીધી અને બધા ચાંચિયાઓની હત્યા કરી. આગળ જતા સિઝર પ્રખ્યાત અને ધનવાન બન્યો અને સમય જતા તે જ બુદ્ધિ અને આત્મવિશ્વાસથી પોતાની સત્તાનો વિસ્તાર કર્યો.
સાંપ્રત સમયમાં વેબલેન પ્રભાવનો ઉત્તમ દાખલો છે Johny Walker Double Black Whisky. આ વ્હીસ્કી સામાન્ય Johny Walker Black Whisky કરતાં ઊંચા ભાવે વેચાય છે, તે માન્યતાને કારણે કે Double Black Whisky, Black Whiskyથી ચઢિયાતી હશે. અને તે વાતને સમર્થન કરે છે Double Black Whiskyની ઊંચી કિંમત. મનુષ્યનું મન કેવું કામ કરે છે તેનો આ એક ઉત્તમ દાખલો છે. હકીકતમાં કોઈને જાણ નથી કે Black Whisky કરતા Double Black Whiskyમાં એવું શું ખાસ છે જેથી તેની કિંમત વધુ છે.
આપણે ત્યાં પણ આવા વેબલેન પ્રભાવના અનેક દાખલા જોવા મળશે જેને કારણે માલની ખપતમાં વધારો થાય ખાસ કરીને રોજીંદી જીવનની ચીજવસ્તુઓ માટે. આને માટે જાણીતી વ્યક્તિઓને લઈને જાહેરખબરનો મારો કરાય છે. પોતાની પ્રિય વ્યક્તિઓ આવી જાહેરખબર કરે તો સામાન્ય વ્યક્તિ તે વસ્તુની ગુમવત્તા પર વિશ્વાસ કરે અને તે લેવા લલચાય અને તે જ ઉત્પાદક કંપનીઓને ઈચ્છતી હોય છે. આને કારણે સાદી વસ્તુની કિંમત હોય તેના કરતા ઊંચી રખાય છે અને તેની ખપત પણ થઇ જાય છે.
અન્ય રીત હોય છે પોતાના માલની સુધારેલી ગુણવત્તાના નામે નવી બ્રાંડ મુકવાના અને તેનો તે મુજબનો પ્રચાર કરવાનો. હવે શું સુધારેલી ગુણવત્તા છે તેની કોઈ જાણકારી નથી અપાતી પણ મોટા ભાગના લોકો તે પ્રચારનો ભોગ બને છે અને ખપતમાં વધારો થાય છે.
અમુક ચીજવસ્તુ એક કરતા કંપનીઓ બનાવતી હોય છે જેમાં સામાન્ય રીતે એક જ પ્રકારની સામગ્રીનો ઉપયોગ થતો હોય છે જેમ કે માથાના દુઃખાવા માટેની ગોળીઓ. પણ પોતાના માલની ખપત વધારવા અવનવા અખતરા કરાય છે અને પોતાની દવા અન્યન દવા કરતા વધુ અકસીર છે તે ઠસાવવાનો પ્રયત્ન થાય છે.
આમ વેબલેન પ્રભાવને યોગ્ય રીતે ઉપયોગમાં લેવાય તો તે અત્યંત સફળ અને નફાકારક વેચાણ માટે કુશળ યોજના બની રહે છે જેને કારણે ગ્રાહકો પોતાની મહેનતની કમાઈ આની પાછળ વાપરે છે અને સાથે સાથે તેના માટે સતત સારાપણાનો અહેસાસ કરાવે છે અને જેથી તે ફરી ફરીને ખરીદવા આવે છે. પણ સચેત ગ્રાહક આ બધું સમજે છે અને પોતાની સમજશક્તિને વાપરી પોતાને માટે યોગ્ય વસ્તુને અપનાવે છે.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. 28339258/9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
છપ્પનની છાતીમાં ધબકતું નાજુક દિલ…
રક્ષા શુક્લ
પ્રુરુષ એટલે ઊંચી, પડછંદ, સિક્સ પેક વાળી કોઈ વ્યક્તિ ? સલ્લુમિયાં જેવી સ્નાયુબદ્ધ કાયા ધરાવતો કે રફ-ટફ લૂક સાથે એન્ટાઈસર બાઈક પર એન્ટ્રી મારતો કોઈ હિરો ?કે એક જ મુક્કામાં ઢીમ ઢાળી દેતો કોઈ બોડી બિલ્ડર ? એકસોને વીસની સ્પીડે ઓડી કારમાં મિત્રો સાથે ગપ્પા મારવા જતો નબીરો ?
નહીં રે…પુરુષો વિશેની આવી પરંપરાગત વ્યાખ્યા વિશેનો આજે છેદ ઉડી ગયો છે. આજે એક સ્ત્રી શરીરસૌષ્ઠવની સાથે પુરુષમાં વિવેકસભર બુદ્ધિપ્રતિભા પણ ઈચ્છે છે. ફાંકા-ફોજદારી કરતા સાલસ વર્તણૂક બાજી મારી જાય છે. પ્રેમ આપવાની સાથે સન્માન પણ આપતો અને જાળવતો પુરુષ કોને ન ગમે ?! આ જ ગુણ પુરુષને વધુ હેન્ડસમ બનાવે છે. મર્દાનગીની પહેલી શરત જ એ છે કે સ્ત્રીનું આત્મસન્માન જાળવવું.
જેના વિચાર માત્રથી સ્ત્રીના મન-હૃદય પર પૂરાતી એક રોમેન્ટિક રંગોળી એટલે પુરુષ. એ મેઘધનુષની જેમ ઊંચે આભમાં ન હોય. હાથ લંબાવી સ્પર્શી શકાય તેટલો પાસે હોય. આવો પુરુષ સ્ત્રીની ફેક ફેન્ટસીમાં નહીં પરંતુ વાસ્તવમાં વિસ્તરતો રહે છે. પુરુષ એટલે જે અવઢવને ક્ષણમાત્રમાં ઉથાપે… સ્ત્રીના ભય અને ધ્રૂજારી એની છાતીમાં પળભરમાં છૂ થઈ જાય. પુરુષ એટલે એવી વ્યક્તિ કે જેના ઘરમાં ન હોવાથી અંધારાનો ડર ન લાગતો હોવા છતાં ઊંઘ હાથતાળી દેતી દૂર ભાગે. આવું અજંપ અંધારું અસલામતીનો જ પર્યાય હોવો જોઈએ. આવા પુરુષ પાસે કોઈ નબળાઈ છૂપાવવી પણ ન ગમે કારણ કે એ પુરુષ કદી સ્ત્રીની કોઈ નબળાઈનો લાભ લેવાનો જ નથી.
પુરુષ કોઈ સ્ત્રીની નાજુક સંવેદનાને સુપેરે કાન આપે છે. ઉત્તમ મિત્ર સાબિત થાય છે. મોટાભાગે કોઈ પૂર્વગ્રહો કે ગ્રંથિથી દૂર હોવાથી તેની સાથેની વાતચીત સંવાદમાં પરિણમે છે. આ સંવાદમાંથી જ સ્ત્રીને પોતાની કોઈ સમસ્યાનો સચોટ હલ મળી આવે છે. નિખાલસતાથી કરાયેલી પેટછૂટ્ટી વાતને ઈશ્યુ બનાવ્યા વગર પુરુષ મનના કોઈ ખૂણે એને ધરબી શકે છે. આવા પુરુષ પાસે સ્ત્રી નિર્ભીક થઈને ખૂલે છે અને હળવાશ અનુભવે છે. ખોબો માગો ‘ને આખો દરિયો આપી દે એ પુરુષ પાસે નદી થઈ ખળખળવું કોઈ પણ સ્ત્રીને ગમે છે.
ખબર નહીં કેમ પણ જે ઋજુ છે, જે માનવસહજ છે એ સંવેદનાઓ પુરુષ માટે વર્જ્ય મનાય છે. આ તો એક અન્યાય જ ગણાય. ડરવું કે નાહિંમત થવા જેવી કોઈ સહજ વિકનેસ પુરુષમાં પણ હોય શકે. એ જરૂરી નથી કે દરેક પુરુષ સુપરમેન કે શક્તિમાન હોવો જોઈએ. બિચારો પુરુષ, તો પણ પોતાની નબળાઈઓ કે ભયને કોરાણે મૂકી પરિવારના પ્રશ્નો ઉકેલતો રહે છે. એની છપ્પનની છાતીમાં ય નાજુક દિલ ધબકતું હોય છે. જે થોડા પ્રેમ અને કાળજી પાસે તે બરફ માફક પીગળી જતું હોય છે. વાસ્તવથી ભાગવાની શાહમૃગવૃત્તિ તેનામાં ભાગ્યે જ જોવા મળે છે. આપત્તિઓ સાથે આંખ મેળવતો એ જાણે સિંહગર્જના કરી પડકારો ઝીલે છે. નિર્ણયો લીધા પછી પરિણામની જવાબદારી પણ ઉઠાવતો પુરુષ સ્ત્રીના જીવનનું અવિભાજ્ય અંગ છે. આપણી સમાજવ્યવસ્થામાં કુટુંબ માટે આજીવિકા કમાવાનો ભાર પુરુષના ખભે છે. સ્ત્રી એવું કહી શકે કે ‘હું બે સાડીમાં ચલાવી લઈશ. પણ મારે નોકરી નથી કરવી.’ પરંતુ પુરુષ આ જવાબદારીમાંથી મોં ફેરવી શકતો નથી. એની પાસે કોઈ વિકલ્પ નથી. એટલે જ આર્થિક રીતે ભાંગી પડતા કેટલાય પુરુષો આપઘાતનો રસ્તો અપનાવે છે. ઘરની જરૂરિયાતો માટે સ્ત્રીની જીભ વળે ત્યારે પુરુષની કમર વળે છે. ‘Why me’ એવો એને વિચાર પણ નથી આવતો. સાત અધ્યાયોમાં નિબદ્ધ ‘દક્ષસ્મૃતિ’માં નિરુપાયેલી ગૃહસ્થધર્મની વાતને આવો પુરુષ સાચી પાડે છે કે ‘जिवत्येक: स लोकेषु बहुभिर्योऽनुजिव्यते’. અર્થાત્ જે પુરુષ આ લોકમાં અનેક વ્યક્તિઓની જીવિકા ચલાવે છે, એનું જ જીવન સફળ છે.
સ્ત્રીના ગુણગાન તેના વિધવિધ રોલ માટે ગવાય છે તો પુરુષના ભાગે પણ યોગ્ય પુત્ર, પતિ, પિતા કે ભાઈ થવાના અનેક રોલ નિર્માયા છે. એણે પણ અનેક કસોટીની એરણ પર ખરું ઉતરવાનું હોય છે. માતાનું માને તો માવડિયો અને પત્નીનું માને તો પત્નીઘેલો અને બાયલાનું બિરુદ પામતા પુરુષની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી થતી હોય છે. પુરુષ હોવાના ફાયદાઓનું આપણી પાસે મસમોટું લીસ્ટ છે. પુરુષ ગમે તેટલા કલાકો બહાર રહે એને કોઈ પૂછવાવાળું છે ? રોજ તૈયાર ભાણે મોજ કરે..એણે થોડું રસોડું સંભાળવાનું છે ? ઘર કે બાળકની ચિંતા એને ક્યાં અડે…વગેરે વગેરે. પરંતુ ઘરખર્ચના બે છેડા ભેગા કરવા, બાળકોની ફી ભરવી, અચાનક ઊભા થતા માંદગીના કે બીજા ખર્ચને પહોંચી વળવું કે જીવન જરૂરિયાતની ચીજ ઓર્ડર છૂટે ત્યાં હાજર કરવી એ બધા ખાવાના ખેલ નથી. પુરુષે પણ તેના દરેક કિરદાર(રોલ)માં ડગલે ને પગલે સાબિત થવું પડે છે. એ પણ સતત તાણયુક્ત જીવતો હોય છે. છતાં તેની પાસે જાણે અલાદીનનો જાદૂઇ ચિરાગ હોય તેમ તે બધું પ્રેમથી નિભાવે છે. પિતા બનતા જ તેની પ્રાયોરીટી સંતાન માટે હોય છે. એક પરિપક્વ પિતાના કેન્દ્રસ્થાને સંતાનો હોય છે.
હિન્દી ફિલ્મોમાં માંગમાં ચાંદ-તારા ભરવાના તો અનેક ગીત છે પણ વાસ્તવિકતાનું ગીત ‘તુમ્હે અપના સાથી બનાને સે પહેલે, મેરી જાન બહુત સોચના હૈ’ વધુ ગમે એવું છે. સપનાં તો પુરુષ પણ જોતા હોય છે પણ તેમાં પરિવારની ખુશી મુકુટ પર, મોખરે હોય છે. પોતાના અહંને શૂન્ય કરી જીવતો પુરુષ ઘરમાં પ્રવેશે ત્યારે પરિવાર પણ પીંછા જેવી હળવાશ અનુભવે છે. ‘પપ્પા…’ સંબોધનથી શરુ થતી વાત સાંભળ્યા પહેલા જ પહાડ જેવો માણસ પીગળી જતો હોય છે. ‘વજ્રાત્ અપિ કઠોરાણિ, મૃદૂનિ કુસુમાત્ અપિ’ ઉક્તિને જાણે એ સાર્થક કરે છે. એના ગજવે પરિવારની ખુશીઓનું લાંબુ લીસ્ટ હોય છે. પત્ની અને સંતાનની ઇચ્છા અને સપનાં એના પગને દોડતા રાખે છે. થાકતો હોવા છતાં એ જાણે છે કે થાકવું એને પોસાય નહીં. એ મૌન છે. એ ચૂપ રહે છે…એ વાણીવિલાસનો માણસ નથી, વાસ્તવિકતાનો માણસ છે. વકતૃત્વ નહીં કર્તૃત્વને જાણે છે… મા મમતાની મૂરત છે, તો પપ્પા પ્રેમની પરબડી છે. સંતાન સાથે ક્રિકેટ કે સંતાકૂકડી રમવા એ થાકેલા પગને પટાવી લે છે. સંતાનો માટે પિતા રોલ મોડેલ છે. સાંજે ઘરે પરત આવતા પપ્પા પાસે લાખ ઉધામા રાગે પડતા હોય છે. પપ્પા સાંજે આવે ‘ને ઈંટોનું બનેલું ઘર આળસ મરડીને બેઠું થાય છે. અહીં-તહીંથી અલ્લક-મલ્લક ઊતરી ઓરડામાં ટોળે વળે છે. પુરુષના પ્રવેશ માત્રથી ઘરમાં એક કમ્ફર્ટ ઝોન ઊતરી આવે છે.
સૌમ્ય જોશીનું નાટક ‘વેલકમ જિંદગી’માં ‘સંવેદનાઓની બાબતમાં પુરુષ મુખર નથી’નો સાર નીકળે છે. વગર બોલ્યે એ સંબંધો નિભાવી જાણે છે. તો બોલ્યા પછીની પ્રતિબદ્ધતાની તો વાત જ અલગ ! સંબંધમાં મલાજો જાળવીને એ અનેક બાબતોમાં સમાધાનો કરતો હોય છે. ઘરના વ્યવહારો કે બીજા નિર્ણયો બાબત તેની હંમેશા સ્વીકૃતિ હોય છે. કુટુંબવત્સલ હોવાથી પરિવારના સભ્યોના ચહેરા પરની ખુશી જોઈ એ સંતોષ અનુભવે છે. વળી આધુનિક પુરુષ સૌની વ્યક્તિતાનું મહત્વ પણ સમજે છે. સ્ત્રી જો થોડી પણ સમજણ સાથે પુરુષની સંવેદના ઝીલી તેની સહચરી બને છે તો પુરુષ ગાઈ ઉઠે છે “તુમ અગર સાથ દેને કા વાદા કરો, મૈં યૂ હી મસ્ત નગમેં લૂંટાતા રહું”. સ્ત્રી માટે પુરુષ લાઈફ સપોર્ટ છે. ઘર મોટાભાગે સ્ત્રીના નામે જ ખરીદીને પુરુષ તેને ભવિષ્ય માટે નિશ્ચિંત કરી દેતો હોય છે. ત્યારે એ કદી નથી વિચારતો કે પત્ની તેને દગો દેશે તો ? આજના યુગમાં તો પુરુષે માત્ર અભિપ્રાય આપવાની નહીં પરંતુ નિર્ણયો લેવાની સ્વતંત્રતા પણ સ્ત્રીઓને આપી છે જે સરાહનીય છે. પ્રેમ કે સુરક્ષાની આડમાં પઝેસીવનેસ છુપાવતો પુરુષ આજે ભાગ્યે જ જોવા મળે છે.
પુરુષના પ્રૅક્ટિકલ હોવાનો અર્થ ઋજુ સંવેદનાઓની બાદબાકી એવો હરગીઝ નથી. એ જાણે છે કે એ મુશ્કેલીમાં હરેરી જશે તો પરિવાર આખો દુઃખમાં ભાંગી પડશે. પુરુષને જન્મજાત મળેલી ખોડ એટલે ‘લાગણીવેડા ન કરાય’ની ગ્રંથિ. જે તેમના અહંનો એક ભાગ પણ હોય છે અને હાર્ટ એટેકને નોતરે છે. છેતરામણી લાગણી પુરુષને છિન્ન કરે છે તેટલી સ્ત્રીને કરતી નથી. સંબંધ તૂટતા પુરુષ માનસિક રીતે એટલો પડી ભાંગે છે કે ક્યારેક કોઈ વ્યસન કે ગુનાખોરીના માર્ગે પણ ચડી જાય છે. એના આંસુ છાતીમાં ધરબાયેલા હોય છે…જ્યાં ગમતા પાત્રથી વિખૂટા પડ્યાનું દર્દ એના હોવાને ખતમ કરતું રહે છે. એના પાસે એ વહેતા આંસુ નથી જે એના દર્દને વહાવીને દૂર લઇ જાય. સંબંધમાં છેતરાયા પછી પુરુષ જીવનમાં ભાગ્યે જ નોર્મલ જીવી શકે છે. જો કે એ ધુંધવાટનો મોક્ષ પણ સ્ત્રી જ છે.
પુરુષોને વધુ પ્રભાવિત કરે છે સ્ત્રીનું શરીર, નહીં કે તેની બુદ્ધિ. એટલે જ મોટાભાગની સ્ત્રી આકર્ષક દેખાવાની કોશિશ કરતી રહે છે. કોઈ પુરુષનું એકનિષ્ઠ હોવું એ ઘણું કરીને મજાક જ હોય શકે. કારણ કે એવો કોઈ પુરુષ જોયો કે જાણ્યો નથી જે પ્રેમમાં એક જ પાત્રને વળગી રહે. ‘તું નહીં, તો ઓર સહી’નો મંત્ર એણે પચાવેલો હોય છે. ભ્રમરવૃત્તિ એના ભેજામાં ભળેલી હોય છે. એટલે એ બે-ત્રણ સ્ત્રીઓને એકીસાથે સહેલાઈથી પ્રેમ કરી શકે છે અને પાછો સૌને એવો અહેસાસ પણ આપી શકે છે કે એ સાચો પ્રેમ તો એકમાત્ર તેને જ કરે છે. દરેક સ્ત્રીને ખુશ પણ રાખી શકતો હોય છે. ક્યારેક અફેરની વાત ખુલ્લી પડી જતા સાથે રહેલી સ્ત્રીને એવી ખાતરી પણ અપાવી શકે છે કે બીજા પાત્ર સાથે તો એ માત્ર નિભાવે છે કે નાટક કરે છે. પરંતુ સિક્ષ્થ સેન્સ સહાયે આવી સ્ત્રીને કહી દે છે કે સત્ય હકીકત શું છે. એક સત્ય એ પણ છે કે કજિયા-કંકાસ કરતી સ્ત્રી પુરુષને લગ્નેતેર સંબંધ તરફ ધકેલે છે. પુરુષની અપ્રગટ સંવેદના, ગમા-અણગમા, જરૂરિયાત કે પીડા સમજનાર સ્ત્રી માટે પુરુષ પોતાનું સઘળું ન્યોચ્છાવર કરી શકે છે. પ્રેમમાં કોઈ પણ પુરુષ સ્ત્રીની તાબેદારી પણ હરખથી સ્વીકારે છે.
સામાજિક દ્રષ્ટીએ પુરુષને ઘરરખ્ખુ, સુશીલ અને સંસ્કારી પત્ની જોઈતી હોય છે જે તેના પરિવારના વડીલો અને ઘર સુપેરે સંભાળે. પરંતુ અંગત રીતે જોતા એને બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ, ચુલબુલી અને નખરાળી, રોમેન્ટિક અને રસીલી સ્ત્રીઓ ગમતી હોય છે. જો કે કારણ વગર બેવફાઈ ન કરતી સ્ત્રી સામે પુરુષ જરૂર વામણો સાબિત થવાનો કારણ કે પુરુષ તો મોકો મળતા જ બેવફા થઈ શકે છે. સવાલ હોય છે માત્ર અનુકૂળ હવાનો કે સ્થળ-કાળનો. તો તેને બધું જ ફાવે છે. પુરુષ માટે દરેક સ્ત્રી અંધારામાં મધુબાલા કે મેરેલીન મનરો છે.
નિવૃત્તિનો ગાળો પુરુષ માટે સૌથી આકરો હોય છે. એક સમયનો રાજા અચાનક સત્તાવિહોણા હોવાનું અનુભવે છે. નિષ્ક્રિયતા તેના માટે કસોટીનો કપરો કાળ બની રહે છે. આવા સમયે પુરુષ પોતાના સ્વભાવગત આગ્રહોમાં જો બાંધછોડ કરે તો તેને કદી સન્માન ખોવું પડતું નથી. આ જ ગાળો એવો છે જ્યારે એક પુરુષને પરિવારના પારાવાર પ્રેમ અને આદરની જરૂર હોય છે. આ નાજુક તબક્કામાં કાળજી એ જ રાકાહાવી પડે કે He must not feel neglected and dependent. મૂળ વાત એટલી કે પુરુષને થોડો સાચવી લેવામાં આવે તો એ કદી ઓછા માર્ક્સ લેતો નથી.
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com
-
શબદજળનું આચમન કરે અંતરમાં ઉઘાડ
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
ઈન્ટરનેટના ઉપયોગથી અંગ્રેજીમાં કામ કરનારા લોકો ખ્યાતનામ ઑનલાઈન ડિક્શનેરી ‘મેરીઅમ-વેબસ્ટર’ના નામથી પરિચીત જ હોય. ડિક્શનેરીઓ અને સંદર્ભ પુસ્તકો પ્રકાશિત કરતી આ અમેરિકન કંપની જૂની અને અત્યંત ભરોસાપાત્ર ગણાય છે, જેણે ડિક્શનેરીનું સૌ પ્રથમ પ્રકાશન ૧૮૪૭માં કરેલું. તેની ઑનલાઈન ડિક્શનેરીનો ઉપયોગ વ્યાપક રીતે કરવામાં આવે છે. પ્રતિ વર્ષ આ ઑનલાઈન ડિક્શનેરીમાં સૌથી વધુ ‘શોધ કરાયેલા’ શબ્દને ‘વર્ડ્સ ઑફ ધ યર’ તરીકે ઘોષિત કરવાની પરંપરા છેક 2003થી શરૂ કરવામાં આવી છે, જેના અંતર્ગત કુલ દસ શબ્દોની પસંદગી કરવામાં આવે છે. તેની પસંદગીપ્રક્રિયા સમયાંતરે બદલાતી રહે છે, પણ તેમાં એક બાબત સામાન્ય હોય છે, અને એ છે સૌથી વધુ ઉપયોગમાં લેવાયેલા શબ્દો. વર્ષાન્તે આવા કુલ દસ શબ્દોની યાદી ઘોષિત કરવામાં આવે છે, અને એમાં પણ ક્રમાંક અપાય છે. આમ તો આ સીધીસાદી પ્રક્રિયા છે, પણ તે દર વર્ષે સમાચાર બની રહે છે, કેમ કે, કયા શબ્દનો સૌથી વધુ ઉપયોગ અથવા શોધ કરવામાં આવ્યાં એના આધારે જગતમાં કયો પ્રવાહ ચાલી રહ્યો હતો એનો કંઈક અંદાજ મળી શકે છે.
આ પરંપરા આરંભ કરવામાં આવી એ વર્ષ ૨૦૦૩માં સૌથી વધુ ‘શોધાયેલો’ શબ્દ ‘ડેમોક્રસી’ હતો, જેનો ગુજરાતી અર્થ થાય છે ‘લોકશાહી’. અમેરિકાના ટેકાથી ઈરાકનું આક્રમણ અને તેને પગલે સરમુખત્યાર સદ્દામ હુસેનના શાસનનો અંત આવ્યો એ સંદર્ભે આ શબ્દના અર્થની શોધ આ ડિક્શનેરી પર કરવામાં આવી હોવાનું તારણ હતું. વર્ષ ૨૦૨૦માં આ યાદીમાં ટોચનો શબ્દ હતો ‘પેન્ડેમિક’, જેનો અર્થ થાય છે વૈશ્વિક મહામારી. તો ૨૦૨૧માં ‘વેક્સિન’ શબ્દ ટોચ પર હતો. આ બન્ને શબ્દો કોવિડ સાથે સંકળાયેલા હોવાથી વિશ્વભરના ઉપયોગકર્તાઓએ તેનો ઉપયોગ કર્યો હોવાનું તારણ છે.

તસવીર સ્રોત : https://www.merriam-webster.com/words-at-play/word-of-the-year ૨૦૨૨ના વર્ષની યાદીમાં ટોચનું સ્થાન ‘ગેસલાઈટિંગ’ શબ્દે પ્રાપ્ત કર્યું છે. આ શબ્દનો અર્થ સ્વયંસ્પષ્ટ છે, પણ તેના ઉપયોગનો સંદર્ભ અને તેની અર્થચ્છાયા સાવ અલગ છે. કોઈ વ્યક્તિ સાથે એ હદે મનોવૈજ્ઞાનિક છળ કરવું કે એ વ્યક્તિને ખુદને પોતાની સ્વસ્થતા અંગે શંકા થવા લાગે એ હરકત માટે ‘ગેસલાઈટિંગ’ શબ્દ વપરાય છે. વ્યક્તિગત કે કૌટુંબિક સંબંધો માટે આ શબ્દ વધુ પ્રમાણમાં પ્રચલિત હતો, પણ હવે તેનો વધુ ઉપયોગ રાજકીય સંદર્ભે થાય છે. પોતાને અનુકૂળ આવે એવું સત્ય રજૂ કરવું, પોતાની ભ્રામક છબિ ઉપસાવવા માટે ખોટેખોટા સમાચાર પેદા કરવા અને પ્રસરાવવા, પોતાની વ્યક્તિગત જાહેર છબિને ઊજળી કરવા માટે પ્રચારસૈન્યને કામે લગાડવું વગેરે હરકતો ‘ગેસલાઈટિંગ’ શબ્દપ્રયોગ અંતર્ગત આવે. કેમ કે, આવી હરકતો થકી એક છળ પેદા કરવામાં આવે છે, જેને બહુમતી લોકો ઝીલી લેવા તૈયાર હોય છે. જે થોડાઘણા લોકો આની વાસ્તવિકતા સમજી શકતા હોય તેમને આ રીતના પ્રચારમારાથી અંજાઈ જતા લોકોના માનસ સામે ઝીંક ઝીલવામાં મુશ્કેલી પડે છે, અને ઘણી વાર તેમને પોતાની સ્વસ્થતા પર શંકા થવા લાગે છે.
આ શબ્દને સાવ આપણી પરિભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ તો પંચતંત્રની અતિ જાણીતી કથા સાથે તેને સીધેસીધી સાંકળી શકાય એમ છે. પોતાને ખભે એક બકરી લઈને જઈ રહેલા એક બ્રાહ્મણને વારાફરતી ત્રણ માણસો મળે છે. આ ત્રણેય એકમેક સાથે મળેલા છે અને રીઢા ઠગ છે. તેઓ પૂછે છે, ‘તમે આ કૂતરાને લઈને ક્યાં ચાલ્યા?’ થોડા થોડા અંતરે મળેલા ત્રણ અલગ અલગ જણ એકનો એક સવાલ પૂછે છે એટલે બ્રાહ્મણને શંકા જાય છે કે પોતાને ખભે ખરેખર બકરું છે કે કૂતરું? કે પછી એ કશુંક માયાવી જાનવર છે જે વારેઘડીએ રૂપ બદલે છે? આખરે તે એ બકરીને છોડી મૂકે છે, અને બકરી પેલા ઠગોના હાથમાં આવી જાય છે. ‘ગેસલાઈટિંગ’ શબ્દના અર્થને, તેના સંદર્ભને આ વાર્તા બરાબર સમજાવી શકે એવી છે.
મેરીઅમ- વેબસ્ટર ડિક્શનેરી દ્વારા આ શબ્દની પસંદગી કરવામાં આવી એનો સૂચિતાર્થ એ પણ નીકળે છે કે આ લક્ષણ કોઈ એકલદોકલ શાસક કે દેશ પૂરતું મર્યાદિત નથી, બલ્કે તે વિશ્વના ઘણા દેશોમાં વ્યાપેલું છે.
આ શબ્દની વ્યુત્પત્તિ રસપ્રદ છે. બ્રિટીશ નવલકથાકાર અને નાટ્યકાર પેટ્રિક હેમિલ્ટને 1938માં લખેલા નાટક ‘ગેસલાઈટ’ પરથી તે ચલણી બન્યો છે. આ જ કથાવસ્તુ પરથી 1944માં આ નામની ફિલ્મ બની હતી. એક માણસ પોતાની પત્નીને પાગલ ઠેરવવા માટે જાતજાતની તરકીબો અજમાવે છે. આ શબ્દપ્રયોગ ત્યાર પછી ચલણી બન્યો, અને ધીમે ધીમે તે વ્યક્તિગતને બદલે વ્યાપક અર્થમાં પ્રયોજાતો થયો. આ વરસે, ૨૦૨૨માં તેનો ઉપયોગ મુખ્યત્વે વિવિધ શાસકો દ્વારા પ્રયોજાતી ભ્રામક તરકીબોના સંદર્ભે થતો જોવા મળ્યો.
‘વર્ડ્સ ઑફ ધ યર’ જેવી મોજણી ઘણી વાર આ પ્રકારનાં, અણધાર્યાં તારણ કાઢી આપે છે. છેતરપિંડી, ભ્રામકતા, છળકપટ, અસત્ય, જૂઠાણું જેવા દુર્ગુણો આ રીતે વ્યાપક બની રહ્યા હોવાનો સંકેત આના થકી પ્રાપ્ત થાય ત્યારે સમજાય છે કે વાસ્તવિકતા શી છે! અલબત્ત, આ ઑનલાઈન મોજણીના વપરાશકર્તાઓનો મત અંતિમ અને આખરી ન ગણાય, છતાં તે એક વાસ્તવિકતાનું એક ચોક્કસ પાસું અવશ્ય દર્શાવે છે. આથી તેને અવગણી શકાય નહીં. આપણે ત્યાં ‘ગુજરાતી લેક્સિકોન’ દ્વારા પણ આવી મોજણી યોજાતી હોય છે. જો કે, તેની નિયમિતતા જળવાઈ નથી, નહીંતર પસંદ કરાયેલા શબ્દ થકી સમાજના પ્રવાહની ઝલક મળી શકે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૨-૧૨–૨૦૨૨ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
મોહમ્મદ રફીનાં ગુજરાતી ગીત અને ગઝલ – ભૂલે ચૂકે મળે તો મુલાકાત માગશું
મોહમ્મદ રફી (જન્મ: ૨૪ ડિસેમ્બર, ૧૯૨૪ – ઇંતકાલ: ૩૧ જુલાઈ ૧૯૮૦)ની ૯૮મી જન્મજયંતિની યાદાંજલિ
સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ
૩૧ જુલાઇ, ૨૦૨૧ના રોજ ,મોહમ્મદ રફીની ૪૧મી પુણ્યતિથિના રોજ ક્યા યાદ તુમ્હેં હમ આયેંગે ૨૪ ડિસેંબર ૨૦૨૧ના રોજ ૯૭મી જન્મજયંતિએ મેરે ગીતોંકા સિંગાર હો તુમ શીર્ષક હેઠળ મોહમમ્દ રફીનાં હિંદી ગૈરફિલ્મી માટે યુ ટ્યુબ પર શોધખોળ કરતો હતો ત્યારે સાથે સાથે તેમનાં ગુજરાતી ગૈરફિલ્મી ગીતો પણ હાથે ચડી રહ્યાં હતાં. ‘૭૦ના દાયકામાં એ ગીતો રેડીઓ પર ખુબ સાંભળવા મળતાં. એટલે મોહમ્મદ રફીની આજે ૯૮મી જન્મજયંતિની અંજલિ પણ એ ગૈરફિલ્મી ગુજરાતી ગીતોને યાદ કરીને આપીએ એવું મનમાં વસ્યું.જોકે યુ ટ્યુબ પર તો ત્રણ ખુબ જાણીતાં જ ગુજરાતી ગૈર ફિલ્મી ગીતો મળ્યાં. એટલે નજર દોડાવી માવજીભાઈ.કોમના ગીત ગુંજન વિભાગમાંના ગુજરાતી ગીતોપર. અહીં પણ મેં ધારી હતી એ માત્રામાં મોહમ્મદ રફીનાં ગુજરાતી ગૈર ફિલ્મી ગીતો ન મળ્યાં. એટલે ગુજરાતી ફિલ્મોનાં મોહમ્મદ રફીએ એવાં ગીતોને અહીં સમાવવાનું નક્કી કર્યું જે હિંદી ફિલ્મોના સંગીતકારોએ સંગીતબદ્ધ કર્યાં હોય.
એકંદરે મોહમ્મદ રફીનાં અવિનાશ વ્યાસ રચિત ‘નૈન ચક્ચુર છે‘ કે દિલીપ ધોળકિયા રચિત ‘મીઠડી નજરૂં વાગી‘ જેવાં ખુબ લોકપ્રિય ગીતો ઉપરંત કેટલાંક ઓછાં જાણીતાં ગીતો સાંભળવાની તક મળી તેનો તો સંતોષ થયો જ પણ તે સાથે મોહમ્મદ રફીનાં આ તબક્કે ઉપલબ્ધ ગુજરાતી ગીતોને એક સાથે સાંભળવાની તક મળી.
હિંદી ગૈરફિલ્મી ગીતોની જેમ ગુજરાતી ગૈર ફિલ્મોના પણ તત્ત્વતઃ એવી કાવ્ય રચનાઓ છે જેમાં મોહમ્મદ રફીના સ્વરની વિવિધ ઉર્મિઓની રજુઆત અનુભવી શકાય. જે ગુજરાતી ફિલ્મી ગીતો મળ્યાં છે તે બધાં જ બેકગ્રાઉંન્ડ પ્રકારનાં જ ગીતો છે. આવું થવા પાછળનાં કારણો ગુજરાતી ફિલ્મોના પ્રવાહોના અભ્યાસ કરનાર વિવેચકો અને ઇતોહાસકારો જ કહી શકે. તેથી આપણે તો એ ગીતોને એક સાથે સંભળવાની મજા માણીને મોહમ્મદ રફીને તેમની ૯૮મી જન્મજયંતિની યાદાંજલિ આપીએ.
ભૂલે ચૂકે મળે તો મુલાકાત માગશું, શણગારવા હૃદયને એક આઘાત માગશું – (૧૯૭૧) – ગીતકાર: બદરી કાચવાલા – સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય
પ્રણયમાં વિઘ્નો કે નિષ્ફળતાને કારણે હૃદયભગ્ન પ્રેમીની લાગણીઓને વાચા આપતી પદ્ય રચનાઓ ગૈર ફિલ્મી ગીતો માટે એક બહુ આદર્શ વિષય બની રહે છે.
અહીં કવિ પ્રેમીને ‘જેની સવાર ના પડે એ રાત માંગશું’ એવી પહેલી મુલાકાત સુદ્ધાં ઈચ્છતો બતાવે છે. પ્રેમી જાણે છે કે ‘માન્યું કે જેને મળવું છે તેઓ નહિ મળે’ તો પણ તે સકારાત્મક દૃષ્ટિએ ‘મૃત્યુ પછીની લાખ મૂલાકાત માંગશું’ ની અભિલાષા સેવે છે.
નિરાશામાંના આશાવાદી સુરને સંગીતકાર અને ગાયકે અહીં તાદૃષ કરેલ છે.
કહું છુ જવાની ને પાછી વળી જા, કે ઘડપણનું ઘર મારું આવી ગયું છે – ગીતકાર: અવિનાશ વ્યાસ – સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય
અહીં પણ કવિ આશાવાદનો સુર ઘૂટે છે.
મનને ન ગમતું ઘડપણનું ડહાપણ
પણ તન તારું સગપણ ભુલાવી રહ્યું છે..અને પ્રેમી આજે પણ જીવનનાં રંગીન સ્વપ્નાં જૂએ છે.
દિવસો જુદાઈના જાય છે એ જશે જરૂર મિલન સુધી – (૧૯૭૦) – ગીતકાર: ‘ગની’ દહીંવાલા – સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય
જુદાઈના દિવસો પણ મિલન સુધી જ લઈ જશે એ આશાવાદ કેવો પ્રેરક છે.
ગની દહીવાળાની સર્વોત્તમ રચનાઓ પૈકી અગ્રણી એવી આ રચનાને સંગીતકાર અને ગાયક બન્નેએ કેવો ભાવવાહી ન્યાય કર્યો છે !
પાગલ છું તારા પ્યારમાં પાગલ છું તારા પ્યારમાં અલી ઓ... – ગીત-સંગીતઃ જયંતી જોષી
અહીં વળી પ્રેમના એકરારને પરિણામે મનમાંથી છલકતા આનંદની વાત માંડી છે. ગીતની બાંધણી પણ એ જ ભાવને અનુરૂપ છે અને મોહમ્મદ રફીના સ્વરમાં પણ હવે વિચારમગ્નતા કે કારુણ્ય ભાવની ગહરાઈને બદલે આનંદની છોળો ઉડે છે.
હો તારી આંખોમાં જાદુના તીર ભર્યાં રે – ? – ?
ગીતના ગીતકાર કે સંગીતકારની વિગતો નથી મળી શકતાં. પરંતુ મોહમ્મદ રફી તેમના મૂળ રંગમાં ખીલે છે.
મિલનના દીપક સૌ બુઝાઈ ગયા છે, વિરહના તિમિર પણ ગહન થઈ ગયાં છે – સ્નેહ બંધન (૧૯૬૭) – ગીતકાર: બરકત વિરાણી ‘બેફામ’ -સંગીત: દિલીપ ધોળકીયા
સાંભળતાંવેંત, આ ગીત ફિલ્મમાં બેકગ્રાઉંડમં મુકાયું હોય તેમ જણાઈ આવે. ગીતની બાંધણી પણ એ જ પ્રમાણે કરી લાગે છે. પણ ગીતના બોલ ધ્યાનથી સાંભળતાં જે વાત ખાસ ધ્યાન પર આવ્યા વિના નથી રહેતી તે છે ગીતમાં રહેલું મૂળ કાવ્યતત્વ. આખું કાવ્ય વિરહની ઊંડી વેદનાનું એટલું હૃદયસ્પર્શી વર્ણન કરે છે કે રેકોર્ડ પર જે પંક્તિઓ નથી સમાવાઇ
કવિ-દિલ વિના પ્રકૃતિના સિતમને
બીજું કોણ ‘બેફામ‘ સુંદર બનાવે
મળ્યાં દર્દ અમને જે એના તરફથી
અમારા તરફથી કવન થઈ ગયાં છેતેનો અફસોસ નથી રહેતો.
કર્મની ગત કોણે જાણી? – મોટી બા (૧૯૬૬) – ગીતકાર દુશ્યંત જોગીશ – સંગીત વસંત દેસાઈ
ઊંચા સુરમાં થતા ઉપાડથી શરૂ થતું ભજનના ઢાળમાં રચાયેલાં ગીતનું દરેક અંગ સર્વાંગપણે બેકગ્રાઉંડ ગીતોના પ્રકારનું નિરૂપણ છે.
વસંત દેસાઈએ હિંદી ફિલ્મોમાં મોહમ્મદ રફીના સ્વરનો બહુ વ્યાપકપણે પ્રયોગ નથી કર્યો. આ ફિલ્મમાંનાં એક અન્ય રોમેંટીક યુગલ ગીતમં પણ એ સમયે જેમ વધારે ચલણ હતું તેમ મહેંદ્ર કપુરનો સ્વર પ્રયોજવામાં આવ્યો છે. એ દૃષ્ટિએ બેકગ્રાઉંડ ગીત માટે મોહમ્મદ રફીની પસંદગી ધ્યાનપાત્ર જરૂર લાગે.
વિધિએ લખેલી વાત કોઈએ ન જાણી – વિધિના લેખ (૧૯૬૯) – ગીતઃ પિનાકીન શાહ સંગીત: સુરેશ કુમાર
કોપી બુક બેકગ્રાઉંડ ગીત છે પણ સંગીતકાર સાવ જ અજાણ્યા છે.
કંધોતર દિકરાની મોંઘી જનેતા આજ અધવચ્ચમાં હડદોલા ખાય …. અરે આજ કળીએ કાળજડાં કપાય – પિયરવાટ (૧૯૭૮) – ગીતકાર સુરેન ઠાકર ‘મેહુલ’ – નવીન કંથારિયા
ગૂજરાતી ગીતોમાં માની વેદનાના બહુ સચોટ વર્ણનો થતાં આવ્યાં છે. અહીં એ પરંપરા જળવાઈ રહે છે.
તમારી નજર વિંધી અમારા જિગરને ગઈ – જે પીડ પરાઈ જાણે (૧૯૮૨) – ગીતકાર અમરસિંહ લોઢા – સંગીત વનરાજ ભાટીયા
વનરાજ ભાટીઆએ પણ મોહમ્મદ રફીના સ્વરનો બહુ ઉપયોગ નથી કર્યો. પરંતુ ધીમી લયમાં ઘૂંટાતાં દર્દની વ્યથા વ્યક્ત કરવા તેમણે મોહમમ્દ રફીના સ્વરનો , રફીની કારકિર્દીના છેક અંતકાળમં પણ, પ્રયોગ કર્યો છે તે વાત ધ્યાન ખેંચે છે.
આ સિવાય જો મોહમ્મદ રફીએ ગાયેલં અન્ય ગૈર ફિલ્મી ગીતોની આપને ધ્યાનમાં હોય તો અહીં પ્રતિભાવમાં જરૂરથી જાણ કરશો.
સાભાર ૠણ સ્વીકાર: માવજીભાઈનો વર્ડપ્રેસ બ્લોગ / ગીત ગુંજન (wordpress.com)
-
કલમના કસબી : કનૈયાલાલ મુનશી – નાટકો
પુસ્તક પરિચય
રીટા જાની
અર્વાચીન ગુજરાતી સાહિત્યના અતિ સમર્થ લેખક શ્રી. કનૈયાલાલ મુનશીની કલમનો કસબ વેબગુર્જરીના માધ્યમથી આપણે વિવિધ સાહિત્યસ્વરૂપોમાં છેલ્લા બે વર્ષથી માણી રહ્યા છીએ. માત્ર કવિતા સિવાય સાહિત્યનાં વિવિધ ક્ષેત્રે-નવલકથા, નાટક, નિબંધ, ચરિત્ર, આત્મકથા, સાહિત્યિક ઇતિહાસ…… એમણે મહત્વનું પ્રદાન કર્યું છે. ઐતિહાસિક નવલકથાના ક્ષેત્રે એમણે ચિરંજીવ અને સીમાસ્તંભરૂપ પ્રદાન કર્યું છે. તેમની નવલકથાઓ નાટ્યતત્ત્વ અને નાટ્યાત્મક શૈલીથી રસસભર છે, તો તેમની પાસેથી સ્વભાવિક જ નાટકો મળે. મુનશીની પ્રતિભા એક સમર્થ નાટયકાર તરીકેની પણ છે. નાટયકાર મુનશીએ સામાજિક, ઐતિહાસિક અને પૌરાણિક એમ ત્રણેય પ્રકારના નાટકો લખ્યાં છે. મુનશીના નાટકો ગુજરાતી નાટક અને રંગભૂમિના ક્ષેત્રે સીમાચિહ્નરૂપ છે. મુનશીએ બિનધંધાદારી ગુજરાતી નાટકમંડળીઓ માટે ઉત્કૃષ્ટ કૃતિઓ આપી રંગભૂમિ અને સાહિત્યિક નાટકો વચ્ચેના અંતરને ઓછું કર્યું. બોલાતી જીવંત ભાષાનો રણકાર મુનશીના નાટકોમાં સંભળાય છે.
મુનશીને રંગભૂમિ અને નાટકો પ્રત્યે બાળપણથી જ આકર્ષણ હતું. નાટકમંડળી જ્યારે ગામમાં આવે ત્યારે તેમના પિતા પોતાના ઘેર ઉતારતા. બાળમુનશી પર તેનો ઘણો પ્રભાવ પડતો. મુનશી જ્યારે કોલેજમાં હતા ત્યારે નાણાકીય ભીડમાં પણ નાટક જોવા માટે પૈસાનો બંદોબસ્ત કરી જ લેતાં એવું તેમણે આત્મકથામાં નોંધ્યું છે. અને જ્યારે પત્ની ને પ્રેમિકા સાથે યુરોપ ગયા ત્યારે પણ તેમણે પાશ્ચાત્ય નાટકો જોયા. આમ તેમને નાટક પ્રતિ ઉત્કટ લગાવ હોવા છતાં નવલકથાની તુલનાએ નાટક ઓછાં લખ્યાં છે. ઐતિહાસિક નવલકથાના બેતાજ બાદશાહે કુલ પંદર નાટકોમાં ફક્ત એકજ ઐતિહાસિક નાટક ‘ધ્રુવસ્વામિનીદેવી’ આપ્યું છે. જ્યારે નાટકમાં એમને સામાજિક વિષયવસ્તુએ સફળતા અપાવી છે.
મુનશીનાં નાટકોમાં બિનજરૂરી લંબાણ નથી કારણ પહેલાં નાટકમાં ગીતોનો સમાવેશ થતો હતો. મુનશીના નાટકો સમય સાથે તાલ મિલાવતાં અને તત્કાલીન જનરૂચિને અનુકુળ હતાં. બાળપણથી જ રંગભૂમિના ચાહક હોવાથી ગુજરાતી ધંધાદારી રંગભૂમિની વિશેષતા અને મર્યાદાઓથી તેઓ વાકેફ હતા. ડૂમા, હ્યુગો, બર્નાર્ડ શો જેવા સર્જકોનો તેમના માનસ પર પ્રભાવ હતો. તેથી વ્યવસાયી રંગભૂમિનાં ઉત્તમ તત્વોનો અને પાશ્ર્ચાત્ય નાટ્યશૈલીનો સમન્વય સાધી તેમણે કલાત્મક સાહિત્યિક નાટકો આપ્યા.
મુનશીના સામાજિક નાટકો મુખ્યત્વે પ્રહસનરૂપ છે. તેમાં મુનશીએ શ્રીમંત વર્ગના દંભ અને અભિમાન હાસ્ય સ્વરૂપે દર્શાવ્યા છે. ‘વાવાશેઠનું સ્વાતંત્ર્ય’ અને ‘બે ખરાબ જણ’ હાસ્યપ્રધાન અને વ્યંગપ્રધાન છે. ‘કાકાની શશી’ રંગભૂમિ પર સફળ નીવડેલું ઉલ્લેખનીય નાટક છે. ‘બ્રહ્મચર્યાશ્રમ’માં લેખકે ગાંધીજીના છીછરા શિષ્યોના બ્રહ્મચર્યના આડંબરી આદર્શની હાંસી ઉડાવી છે. ‘પીડાગ્રસ્ત પ્રોફેસર’ તેમની જ નવલકથા ‘સ્નેહસંભ્રમ’નું નાટ્યરૂપાંતર છે. ‘ડૉ.મધુરિકા’ સમાજમાં નારીના મુક્ત વિચારોના કારણે ઊભી થતી સમસ્યાઓની વાત છે. તો ‘છીએ તે જ ઠીક’ અને ‘વાહ રે વાહ !’ હાસ્યપ્રધાન છે.
‘કાકાની શશી’ એ ત્રિઅંકી પ્રહસન છે. આ નાટ્યકૃતિમાં મનુષ્યની વૃત્તિજન્ય નિર્બળતાઓ પર ઢાંકપિછોડો કરીને આધુનિકતાના ઓઠા હેઠળ કરાતા અવાસ્તવિક ઉઘામા પાછળ છુપાયેલી દંભી લોકોની હાંસી કરાયેલી છે. નાટકનો અંત થોડો વિવાદાસ્પદ બનાવ્યો છે છતાં આ એક સફળ નાટ્યકૃતિ છે એટલું જ નહીં પણ નાટકના પરંપરાગત અને નવીન સ્વરૂપ વચ્ચેની મહત્વની કડી છે.
આ ઉપરાંત ‘પુરંદર પરાજય’, ‘અવિભક્ત આત્મા’, ‘તર્પણ’ અને ‘પુત્રસમોવડી’ જેવા આપણી સંસ્કૃતિના પાયાના પરિવેશને ઉજાગર કરતાં પૌરાણિક નાટકો પણ આપ્યા છે. સાથે આપણે લેખમાળાના ક્રમાંક-17માં જોયું એમ ‘લોપામુદ્રા’નો પ્રથમ ખંડ નવલકથારૂપે આપ્યા પછી લેખકે એના બીજા ત્રણ ખંડ નાટકરૂપે આપ્યા છે. આ કૃતિઓને મુનશીએ ‘પૌરાણિક’ કહી છે. પરંતુ એ શબ્દશ: ‘પૌરાણિક’ નથી. કારણકે કેટલીકવાર પુરાણકાળ પહેલાંના વેદકાળમાં પણ તે વિસ્તરે છે.
‘તર્પણ’ અને ‘પુત્રસમોવડી’ બંને નાટક થોડે ઘણે અંશે મળતાં આવે છે. પિતાની માગણી અને હુકમ ખાતર કે પ્રભાવ હેઠળ સંતાનોનું બલિદાન છે. સ્વતંત્રતાનો મહિમા છે. ‘તર્પણ’માં સહસ્ત્રાર્જુને જમદગ્નિ માર્યા ત્યારથી તે સગર ગાદીએ બેઠાં ત્યાં સુધીની એક સતત વિપ્લવાત્મક વિગ્રહ ચાલી રહ્યો હતો એનો છેલ્લો પ્રસંગ આલેખાયો છે.
“અવિભક્ત આત્મા”ના અંતમાં અરુંધતી અને વસિષ્ઠના લગ્ન દ્વારા એમ કહેવું મુનશીને અભિપ્રેત હોઇ શકે કે તપ અને પદ કરતાં સ્નેહનું મૂલ્ય વધારે છે. અરુંધતી સપ્તર્ષિ પદ પ્રાપ્ત કરવા તપ આદરે છે. એ જ અરુંધતી વસિષ્ઠને સપ્તર્ષિ પદ મળ્યા બાદ પોતાના હજાર શિષ્યોને ભૂલી જઇને એમની સાથે ચાલી નીકળે છે.
“પુત્રસમોવડી”ના કેન્દ્રમાં દાનવોના ગુરુ શુક્રાચાર્યની પુત્રી દેવયાની છે. પુત્રતુલ્ય થવા મથતી દેવયાની શુક્રાચાર્યનાં પ્રભાવમાં જીવે છે. પ્રથમ પ્રેમી કચથી પિતાને ખાતર છૂટી પડે છે. યયાતિ સાથેના લગ્નમાં પણ ઇન્દ્રાસન પર વિજય મેળવવાની શરત મૂકે છે. દેવયાનીમાં તેજ છે પણ એ તેજ પ્રકાશ ફેલાવવાને બદલે અન્યોને દઝાડે છે. મુનશી નાટકોના પૌરાણિક પાત્રોમાં કાલ્પનિક બદલાવ લાવી એમનો તંતુ આજનાં સમય સાથે પણ જોડે છે.
શ્રી. વિનોદ અધ્વર્યુ ઐતિહાસિક નાટક ‘ધ્રુવસ્વામિનીદેવી’ના કથાનક વિષે કહે છે કે વિશાખદત્તના, ખંડિત સ્વરૂપે પ્રાપ્ત સંસ્કૃતનાટક ‘દેવી ચંદ્રગુપ્તમ્’ પર આધારિત આ સમગ્ર કૃતિ મુનશીનું જ સર્જન છે. નિર્વીય સમગુપ્તની જાજવલ્યમાન સામ્રાજ્ઞી ધ્રુવાદેવી અને રામગુપ્તના વિક્રમશીલ લઘુબન્ધુ ચંદ્રગુપ્તની કવિ કાલિદાસના સહકારથી વિકસતી સ્નેહકથા, ચંદ્રગુપ્તનું બનાવટી ગાંડપણ, કાયર રામગુપ્ત અને બર્બર શકક્ષત્રપ વચ્ચે અવદશામાં મુકાતી ધ્રુવાદેવીની ચંદ્રગુપ્તના પરાક્રમથી મુક્તિ, ચંદ્રગુપ્ત દ્વારા રામગુપ્તને હઠાવી તેનાં સામ્રાજ્ય અને સામ્રાજ્ઞી ઉભયની પ્રાપ્તિ-વગેરે નાટ્યાત્મક ઘટનાઓનું આલેખન સમકાલીન રંગભૂમિને અનુકૂળ હોવા છતાં આ કૃતિ પ્રયોગાનુકૂલ નાટ્યરચના કરતાં પ્રશિષ્ટ પાઠ્યકૃતિ તરીકે વધુ આવકાર્ય બની છે.
નાટકો અને અન્ય સાહિત્ય બંને લેખક કે નાટયકાર માટે અભિવ્યક્તિના પ્રકારો છે પરંતુ બંને વિચારશીલતા પ્રેરતા હોવા છતાં નાટક દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ હોવાને કારણે તેનો સંદેશ વધુ સચોટ રીતે પહોંચે છે. જેમ નવલકથામાં મુનશી વિશિષ્ટ સ્થાન ધરાવે છે તે જ રીતે નાટકમાં પણ તે અજોડ છે તેમ લાગે છે.
સુશ્રી રીટાબેન જાનીનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું: janirita@gmail.com
-
તીરછી નજર: વાર્તાઓ માટે જાણીતા રજનીકુમારની હાસ્યવાર્તાઓ
પુસ્તક પરિચય
પરેશ પ્રજાપતિ
આજ સુધીમાં રજનીકુમાર પંડ્યાના સિત્તેર ઉપરાંત પુસ્તકો પ્રકાશિત થઇ ચૂક્યા છે. તેમાં ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ,સામાજિક ચિંતન-નિબંધો, જીવનચરિત્રો, વ્યક્તિચિત્રો- જેમાં ફિલ્મી હસ્તીઓથી લઇ સામાજિક નિસબત ધરાવતી નામી- અનામી અનેક વ્યક્તિઓ ઉપરાંત સંસ્થાઓ અંગેનાં લખાણો પણ સામેલ છે. ‘દાંડીકૂચના બજે ડંકા’ નામે એક નાટક પણ તેમણે લખ્યું છે. આ સિવાય સંપાદન અને સંકલનો પણ ખરા! આ અગાઉ તેમણે હાસ્ય-કટાક્ષ વાર્તાઓ પણ લખી છે, જેના બે સંગ્રહો ‘હાસ બિલોરી’ તથા ગુજરાતી સાહિત્ય પરિષદનું વર્ષ ૨૦૦૩નું ‘જ્યોતિન્દ્ર દવે પારિતોષિક’ વિજેતા ‘શબ્દઠઠ્ઠા’ પ્રકાશિત થઇ ચૂક્યા છે. આ ક્રમમાં ‘તીરછી નજર’ તેમનો ત્રીજો હાસ્યવાર્તાસંગ્રહ છે.

આ વાર્તાસંગ્રહ બે ભાગમાં વિભાજીત છે. પહેલા વિભાગમાં માનવમનની વિસંગતીઓને હાસ્યરસમાં ઝબોળીને પ્રસ્તુત કરાયેલી કુલ ૧૯ વાર્તાઓ છે. આ વાર્તાઓમાં પાત્રોને તેમણે રાજકીય નેતાના તો ક્યારેક સરકારી કારકૂનના; શેઠના તો ક્યારેક ચપરાશીના એમ વિવિધ વાઘા પહેરાવ્યા છે, પણ તેમના માધ્યમથી રજનીકુમારે મનોદર્પણ પર ઉપસેલી છબીઓને કલમ વાટે વાર્તારૂપે કાગળ પર ઉતારી છે.
આ વાર્તાઓની વિશેષતા એ કે તેમાં હાસ્ય ઉપરાંત કોઇ ચિરંતન સત્ય છુપાયેલું છે. જેમ કે; પહેલા ક્રમની વાર્તા ‘પૃથ્વીરાજ ચૌહાણનો વેશ’માં, રમૂજ સાથે સમજાવ્યું છે કે શિખરે બિરારજમાન વ્યક્તિમાં ગમે તેવું કૌવત અને કૌશલ્ય કેમ ના હોય, પણ કોઇ એક તબક્કે તો નીચે ઉતરી બીજા માટે જગ્યા ખાલી કરવી જ પડે છે. આ વાત તેમણે ઘરડા થવા છતાં પણ પૃથ્વીરાજ ચૌહાણનો કિરદાર નિભાવવા ઉત્સુક મકન મહારથીના પાત્રથી રજૂ કરી છે. એ જ રીતે ‘જીકુભાનો જેજેકાર’ તથા ‘હાઇ કમાન્ડ હાય, હાય’ જેવી વાર્તાઓ રાજકારણને તર્ક તથા નિયમોથી બાર ગાઉ છેટું રહેતું હોવાનો મર્મ પકડીને લખાઇ છે. એવોર્ડોમાં ચાલતા લોલમલોલની વાત ‘લાટા એવોર્ડ’માં તથા સહુને સાચવવા જતાં મૂળ હેતુ જ માર્યો જાય તેવા નિર્ણયોની વાત ‘મેગાફાસ્ટ ટ્રેનની જનમકુંડળી’ વાર્તામાં હાસ્ય નીપજાવતી શૈલીમાં આલેખાઇ છે. ‘એક લેડી ક્લાર્કની કેફિયત’ વાર્તામાં નેતા કરતાંય ચપરાશીની પહોંચ ઘણી ઉંચી હોવાનું મરક મરક હસાવતા રહીને પ્રતિપાદિત કર્યું છે; તો ‘એક પૂંછડાનો ફેર!’ જેવી વાર્તાથી હાસ્યની સાથે કાયદાઓની પોકળતા તરફ અંગુલીનિર્દેશ કરાયો છે.
વાર્તાઓ થોડા બહોળા અર્થમાં સમજવાનો પ્રયાસ કરવામાં આવે તો વાચકને પણ સમજાય છે કે વાર્તામાં જેમ નાયકની એક આભાસી દુનિયા છે, એવું આભાસી વિશ્વ તેને ખુદને પણ વળગેલું છે! અને વાર્તાનાયકની જેમ જ નિરર્થકતાની જાણ હોવા છતાં તેને સત્ય માનવા અને ઠેરવવા ખુદ પણ કેટલાં વલખાં મારે છે! રજનીકુમારે આવા વલખાંઓને હાસ્યરસ નિપજાવતી વાર્તારૂપે રજૂ કર્યા છે.
‘આત્મારામની અદાલત’ નામના બીજા વિભાગમાં રજનીકુમારે સર્જેલા પાત્ર આત્મારામને કેન્દ્રમાં રાખી લખાયેલી ૧૪ વાર્તાઓનો સમાવેશ છે. આ વાર્તાઓમાં એવી કેટલીક પ્રતિક સમસ્યાઓનો આધાર લેવાયો છે કે જે તે સમયે વ્યક્તિને જબરદસ્ત માનસિક પરિતાપ આપવાની સાથે ક્યારેક આત્મઘાત તરફ દોરી જાય છે. જેમ કે, કેન્સરની બિમારી, જીવનસાથીની પસંદગીમાં અસંતોષ, ઇર્ષા, નસીબ, વ્યવસાયિક સમસ્યાઓ, સલાહો, મોળા પડતા જતા સંબંધોનો સ્વીકાર, ખુન્નસ વગેરે… પ્રોફેસર આત્મારાંમની આંખે જૂઓ તો એ સમસ્યાઓ એટલી મોટી નથી હોતી, જેટલી પીડાતી વ્યક્તિને તે જણાય છે! કેટલીક ઉપાધિઓના ઉપાયો સહજ અને સરળ હોય છે તો કેટલીકનો સ્વીકાર! રજનીકુમારે પ્રોફેસર આત્મારામના પાત્રની મદદથી ખૂબ જ સલુકાઇથી આ સત્ય સમજાવ્યું છે; અલબત્ત, હાસ્યરસના મરમી લેખક બીરેન કોઠારીએ પ્રોફેસર આત્મારાંમનો પરિચય કરાવતાં એક સ્થળે લખ્યું છે કે,પ્રોફેસર આત્મારામ કોટ અને ટાઇ પહેરેલો મોટીવેશનલ થીન્કર કે સ્પીકર નથી, કે નથી એ ચિંતક. એ તો મારા- તમારા, આપણા જેવો સામાન્ય વ્યક્તિ છે, જે ક્યારેક આપણા કરતાંય અતિસામાન્ય વ્યક્તિ જણાય છે. તે કોઇ જાણતલની ભૂમિકામાં આવ્યા વગર મૂંઝવણ અનુભવતા પાત્ર સાથે આત્મીયતાથી ખભે હાથ મૂકી શરૂઆતમાં તેની ‘હા’ માં ‘હા’ મિલાવે છે ત્યારે શરૂઆતમાં રમૂજનો ભાવ નીપજે છે. વાત ઉપાયો તરફ આગળ ધપતી જાય તેમ ગંભીરતા પકડાય છે અને છેવટે ઉઘાડ છવાઇ જાય છે. પ્રોફેસરના સંપર્કમાં આવ્યા પછી એમ થઇ આવે કે કેટલા સરળ ઉપાયો અને ક્યારેક સહજ સ્વીકૃતિને અભાવે આપણે અકારણ કેટલી પીડા વેઠતા હતા!
રજનીકુમારનું ઘણું લેખન સત્યઘટનાઓ પર આધારિત રહ્યું છે. સંવેદનાથી ઝણઝણાવી મૂકતાં તેમનાં લખાણોની પ્રભાવકતા અને સંખ્યાને કારણે તેઓ ગંભીર લેખનના વ્યક્તિ ગણાય છે. તેઓ ખુદ નોંધે છે કે તેમનું લક્ષ માણસના જીવનમાં ઘોળાયેલી કારુણી તરફ વધુ રહે છે. પરંતું મન- વર્તનની વિસંવાદિતના અનુભવો મનના ખૂણે અંકિત થાય ત્યારે કટાક્ષ જન્મે. તેમાંથી જેને કાગળ પર ઉતરવાનો મોકો મળ્યો તે આ વાર્તાસંગ્રહ ‘તીરછી નજરે’.
હાસ્યલેખક રતિલાલ બોરીસાગરે રજનીકુમારની હાસ્યવાર્તાઓ વિશે લખ્યું છે કે આ રજનીકુમારની તીરછી નજરમાં ઇર્ષ્યા, રાગ-દ્વેષ, ભય, ગુસ્સો વગેરેનો પાસ જોવા નથી મળતો. તેમનાં લખાણોમાં માત્ર રમૂજ છે જે સમભાવ પ્રેરિત છે. તેમણે એમ પણ નોંધ્યું છે કે મોટે ભાગે કોઇ કથાની ઓથ લઇને આગળ વધતી કથાઓ હાસ્યકથા તરીકે ઓળખાય છે. આવી રચનાઓમાં કથાનો ભાર વધતાં કલાત્મક માવજત જળવાતી નથી. પરંતું વાર્તાકલાના દરેક માપદંડથી તપાસતાં ‘તીરછી નજર’ની હાસ્યવાર્તાઓ ટૂંકી વાર્તાઓની જોડાજોડ ઊભેલી જણાય છે. આ વાર્તાઓ રજનીકુમારને ગંભીરલેખન ઉપરાંત હાસ્યલેખકોની પંગતમાં માનભેર સ્થાન અપાવે તેવી સક્ષમ છે.
*** *** ***
પુસ્તક અંગે માહિતી:
તીરછી નજર: રજનીકુમાર પંડ્યા
લેખક સંપર્કઃ rajnikumarp@gmail.comપૃષ્ઠસંખ્યા : ૧૬૦
કિંમત : ₹ ૩૦૦/-
પ્રથમ આવૃત્તિ,ઓક્ટોબર ૨૦૨૨મુદ્રક અને પ્રકાશક : ઝેન ઓપસ, અમદાવાદ
વિજાણુ સંપર્ક: contact@zenopusl.in
વિજાણુ સરનામું: www.zenopus.in
પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com
-
તમે જેવા છો તેવા જ તમારી જાતને સ્વીકાર્ય છો ?
વાત મારી, તમારી અને આપણી
ડૉ. મૃગેશ વૈષ્ણવ
એમ.ડી.(મનોચિકિત્સક)મન અને શરીરથી જે હોય તેનાથી જુદા કે બીજાઓ જેવા બનવાના જે વ્યક્તિ પ્રયત્નો કરે છે તેના જેટલી દુ:ખી, અસહાય કે હતાશ વ્યક્તિ આ દુનિયામાં બીજી કોઇ નથી.
વલ્લરી એના કુટુંબમાં સૌથી નાની હતી. તેનો એક ભાઇ એક પ્રતિષ્ઠિત કંપનીમાં ફાઇનાન્સ મેનેજરના પદ સુધી પહોંચ્યો હતો. બીજો એક ભાઇ સફળ ધારાશાસ્ત્રી તરીકે શહેરમાં જાણીતો હતો. મોટી બહેન ડૉકટર બની તેની જ લાઇનના તબીબ સાથે પરણી હતી અને બીજા નંબરની બહેને પી.એચ.ડી.ની ડિગ્રી મેળવી હતી. જ્યારે વલ્લરી મહામુશ્કેલીએ આર્ટસ ગ્રેજ્યુએટ થઇ હતી. તેના અન્ય ભાઇ બહેનો દેખાવમાં પણ સુંદર અને પ્રતિભાશાળી હતા.
જ્યારે વલ્લરી દેખાવે સામાન્ય હતી. બાર વર્ષની ઉંમરે જ તેને ભારે નંબરના ચશ્મા આવ્યા હતા. પોતાનો સામાન્ય દેખાવ, ચશ્માના જાડા કાચ અને સામાન્ય બુદ્ધિ પ્રતિભાને કારણે વલ્લરી એવું માનતી હતી કે અવિનાશરાય મહેતા પ્રતિષ્ઠિત સોલીસીટરના ખાનદાનનો એક અંશ ગણવાને તે લાયક નથી. વલ્લરી નાનપણથી જ સ્વભાવે શરમાળ, ઓછાબોલી અને વધારે પડતી સંવેદનશીલ હતી. તે ઘરમાં પણ કોઇની જોડે ભળતી નહિ અને તેને ખાસ કોઇ બહેનપણી પણ નહોતી. તે હંમેશા પોતાની મોટી બે બહેનોના ઉતરેલા કપડાં જ પહેરતી. કારણ કે તે એવું માનતી કે પોતે ગમે તેટલા નવાં અને આધુનિક વસ્ત્રો પરિધાન કરે તો પણ ક્યારેય તેની બહેનો જેટલી સુંદર તે દેખાવાની નથી.
નાનપણથી જ તે ન કોઇની સાથે રમવા જતી કે ન ઘરમાં પણ કોઇ પ્રકારનું તોફાન કરતી. સતત બેઠાડુ જિંદગીને કારણે તે સ્થૂળકાય થઇ ગઇ હતી. સામાન્ય દેખાવ, ચશ્માના જાડા કાચ, સ્થૂળ શરીર, બહેનોના ખૂલતા કપડા તથા લઘુતા અને શરમથી સતત મોં છૂપાવીને ફરતી વલ્લરીની ચિંતા તેની માતાને પણ વિશેષ હતી. પુત્રીને પ્રોત્સાહિત કરવા તે હંમેશા કહ્યા કરતી… ”તારી મોટી બહેનો જેવી થા… ભાઇઓ પાસેથી કંઇક શીખ…” પરંતુ આવા વાક્યો વલ્લરીને વધારે હતોત્સાહ કરતાં હતાં. તેની બહેનો કે ભાભીઓ જેટલી સુંદર, પ્રતિભાવાન કે બુદ્ધિમાન તે ક્યારેય નહિ થઇ શકે એ વાતનો તેણે સ્વીકાર કરી લીધો હતો. વલ્લરીને કુટુંબના અન્ય લોકો જેવી બનાવવા માટે તેનો આત્મવિશ્વાસ અને પ્રતિભા વધારવા માટે માતા અરૃણાબેને ઘણા પ્રયત્નો કર્યા. પરંતુ વલ્લરી તો તેના કોચલામાં વધારે ને વધારે ભરાઇ જતી હતી.
આખરે વલ્લરી એટલી બધી ભાંગી પડી કે તેને તેનું અસ્તિત્વ હેતુવિહીન અને અર્થવિહીન લાગવા માંડયું. જિંદગી એક બોજારૃપ લાગવા માંડી. જીવનથી હારી ચૂકેલી, આત્મવિશ્વાસ અને આત્મસન્માનનો સંપૂર્ણ અભાવ અનુભવતી વલ્લરી આત્મહત્યા કરવાનો નિર્ણય લઇ ચૂકી હતી, પરંતુ આવું કરવાથી કુટુંબની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે એવું માની આત્મહત્યા કરવાની હિંમત પણ ગુમાવી બેઠી હતી.
વલ્લરીની મનોવ્યથા સાંભળ્યા બાદ તેની સમસ્યાના મૂળ વિશે ચર્ચા કરતા સલાહ આપી : બહેન તમારી સમસ્યાનું મૂળ એક જ છે કે તમે જેવા પણ છો, એવા તમારી જાતનો… તમારો પોતાનો સ્વીકાર તમે પોતે જ કરતાં નથી. તમે જેવા છો એવા જ બરોબર છો. તમારી જાતને બીજાઓ જેવી બનાવવાની જરૃર નથી. તમારી બહેનો જેવી છે તેવા તમારે પણ થવું જ જોઇએ એ આગ્રહ તમે મૂકી દો.
બરાબર એક મહિના પછી વલ્લરીના ચહેરા પરની શરમ, સંકોચ અને નિરાશા ગાયબ થઇ ગયા હતા. તેના ચહેરા પરના જાડા ગ્લાસવાળા ચશ્માનું સ્થાન કોન્ટેક્ટ લેન્સે લઇ લીધું હતું. તેણે નવો ડ્રેસ પહેર્યો હતો. ચહેરા પર થોડો મેઇક અપ પણ કર્યો હતો. તેનો દેખાવ અને વર્તન જોઇને સાહજિક રીતે જ ટકોર થઇ ગઇ ‘વાહ, એક મહિનામાં તમારા મોઢા પર કંઇક વિશેષ, ચમક આવી ગઇ છે !!’
આ ટકોરનો હળવેથી જવાબ આપતાં વલ્લરી બોલી ‘મારો આત્મવિશ્વાસ વધ્યો છે, ચહેરા પર તેજી આવી છે એ વાત તમારી સાચી છે, પરંતુ તમે મારામાં જે ફેરફાર જુઓ છો તેનું મૂળ કારણ તમારા શબ્દો છે. મારે બીજાઓ જેવા બનવાની જરૃર નથી. હું જેવી છું એવી મારી જાતનો મારે સ્વીકાર કરવાની જરૃર છે… એ શબ્દોની મારા મન પર જાદુઇ અસર થઇ છે. તે દિવસથી મને સમજાયું કે મારી મમ્મીએ મને મારી બહેનો જેવી બનાવવાની કોશિષ ન કરી હોત તો વાસ્તવિકતા કંઇક જુદી જ હોત. મને એક વાત સમજાઇ ગઇ કે મારી જાતનો અસ્વીકાર કરી તેને બીજાઓ જેવી બનાવવાના જેટલા પ્રયત્નો કર્યા તેટલી જ હું નિષ્ફળતા અને લઘુતાનો શિકાર બની. મને સમજાયું કે બીજાઓ જેવા બનવાના અભરખા રાખીને મેં મારી જાત પર ઘણા અત્યાચારો કર્યા છે.’ મેં મારી જાતને તે જેવી છે એવી સ્વીકારી લેવાનું નક્કી કર્યું. હું જે નથી તેનો અફસોસ મેં બાજુએ મૂકી દીધો અને મારે બીજા કોઇ જેવા નહિ પણ મારા જેવા જ બનવું છે એ વાત નક્કી કરી નાંખી. ત્યાર પછી મેં નવા ડ્રેસ ખરીદ્યા. શરમ સંકોચ છોડીને બીજાઓ સાથે બોલવાનું શરૃ કર્યું. પપ્પાના કામમાં રસ લેવાનું શરૃ કર્યું.
વલ્લરીને અપાયેલી સલાહના કેટલાક શબ્દો તેના હૃદયને સ્પર્શી ગયા હતા. જેનાથી તેનો હૃદય પલટો થઇ ગયો હતો. તેણે પોતાના વિચારો બદલી નાખ્યા હતા. તેનું જીવન બદલાઇ ગયું હતું. યાદ રાખજો… તમે આજે જેવા છો.. જ્યાં છો.. તેને માટે જવાબદાર તમારી પોતાની વિચારધારા છે. તમારી પરિસ્થિતિ બદલવા માટે તમારે બીજા લોકોને બદલવાની જરૃર નથી. માત્ર તમારા પોતાના વિચારો જ બદલવાની જરૃર છે. તમારી જાતને ઓળખવાનો, તમારી મર્યાદાઓનો સ્વીકાર કરવાનો પ્રયત્ન વલ્લરીની જેમ જ બહુ જ ટૂંકા ગાળામાં તમારામાં પણ અદ્ભુત પરિવર્તન લાવી શકે છે.
જે વ્યક્તિ પોતાની જાતને ઓળખી શકે છે અને તેનો મૂળ સ્વરૃપમાં સ્વીકાર કરી શકે છે એના જેવી બુદ્ધિમાન અને સમજદાર વ્યક્તિ આ દુનિયામાં બીજી કોઇ નથી. વલ્લરીની આ સમજદારી પર તેને શાબાશી આપી કેટલીક મહત્વની ટીપ્સ અપાઇ, ‘તમે તમારા વ્યક્તિત્વના સારા તથા નબળા એમ તમામ પાસાઓને ચકાસવાનું શરૃ કરો.. અને જે ગમે તે રંગના કપડાં પહેરો, દર્પણમાં જોઇ તમારી લાક્ષણિકતાના, વ્યક્તિત્વના, પ્રભાવના, સુંદરતાના વખાણ કરો. લોકો સાથે મુક્ત મને વાત કરવાનું શરૃ કરી દો. તમારે એક ખ્યાતનામ સોલીસીટર બનવું છે એવું નક્કી કરી નાંખો. આ દુનિયા સમક્ષ તમે તમારી જાતને જેવી છે એવા જ સ્વરૃપમાં રજૂ કરવાની કોશિશ કરો. આ દુનિયામાં બીજા કોઇપણના સ્વરૃપે આગળ વધવાની કે બીજી કોઇપણ વ્યક્તિ જેવા બનવાની તમારે જરૃર નથી.’
વલ્લરી સાથે આવી તો કેટલીયે ચર્ચા થઇ. આજે વલ્લરી લૉ-ગ્રેજ્યુએટ થઇ ગઇ છે. તેના પિતા સાથે જોડાઇ ગઇ છે. ઘણા મોહક અને ફૂટડા યુવાનો વલ્લરી સાથે લગ્ન કરવા પણ તૈયાર છે. વલ્લરીની ઊંચી કાયા, સપ્રમાણ શરીર અને વિશ્વાસભરી છટા જોઇને તેની સાથે તેના જૂના ફોટાને સરખાવો તો તમે પણ એ વાત માનવા તૈયાર જ ન થાવ કે તમે એ જ વ્યક્તિને મળી રહ્યા છો. આજે વલ્લરી એક વાત કહે છે ‘મને પસંદ કરવા આવનાર યુવાનને મારી આપવીતી સંભળાવીશ અને જે યુવાન મારા આ મૂળ સ્વરૃપનો પણ સ્વીકાર કરશે તેની સાથે જ હું લગ્ન કરીશ, હું જેવી દેખાતી હતી એ વાતનો મને કોઇ રંજ નથી. ક્યારેક તે એવું પણ કહે છે કે મને પરણવા આવનાર યુવાનની આગળ હું મારા લેન્સ કાઢી નાખી, જાડા કાચવાળા ચશ્મા પહેરીને જ જઇશ. મને એ સ્વરૃપમાં પણ જે પસંદ કરશે તેની સાથે જ હું લગ્ન કરીશ…’
વલ્લરીની આ વાત લગભગ બધાને લાગુ પડે છે. ‘તમે જેવા છો, તમે જે છો, એવા જ રહેવાનો પ્રયત્ન કરવાની વાત.’ – આ દુનિયાના ઈતિહાસ જેટલી જ જૂની છે. એક વાત હંમેશા યાદ રાખો કે ‘મન અને શરીરથી તમે જે છો તેનાથી જુદા કે બીજાઓ જેવા બનવાના વ્યક્તિ પ્રયત્નો કરે છે તેના જેટલી દુ:ખી, અસહાય કે હતાશ વ્યક્તિ આ દુનિયામાં બીજી કોઇ નથી.’ તમારા બાળકને કેળવણી આપતાં પહેલાં આ વાત તમારે યાદ રાખવી પડશે.
આજના આ આધુનિક જમાનામાં બીજાઓ જેવા બનવાનો રોગ વકર્યો છે. બધાને પોતાની આગવી ઓળખ ભૂંસી નાખીને શાહરૃખખાન, સલમાનખાન, સચીન તેંડુલકર, ઐશ્વર્યા રાય કે દીપિકા પદુકોણ બનવું છે કે દેખાવું છે. હકીકતમાં નકલખોર વ્યક્તિ નહિ પણ પોતાનું આગવું વ્યક્તિત્વ અને ઓળખ ઊભી કરનાર વ્યક્તિ જ સફળતા મેળવી શકે છે.
યુવાન મિત્રો, તમે જેવા છો એવી જ તમારી જાતનો સ્વીકાર કરી લેશો તો જીવનમાં ઝડપભેર પ્રગતિના પંથે આગળ વધી શકશો. બધાએ આકાશમાં ચમકતાં ચાંદ સિતારા બનવાની જરૃર નથી. તમે તમારી જાતને ચમકાવી શકો તો પણ ઘણું છે.
ન્યુરોગ્રાફ :
છોને હું નાનક દીવડી કોડીયું માટીનું થઇ, ઉજ્જવાળું કો ગૃહ ગરીબનું, તો યે મારે ઘણું…
ડૉ. મૃગેશ વૈષ્ણવ. એમ.ડી.,નાં વિજાણુ સંપર્ક સૂત્રો:
E_Mail: mrugeshvaishnav@gmail.com
Website: www.drmrugeshvaishnav.com -
ભવ્ય, ભપકાદાર અને અતિ ખર્ચાળ લગ્નો દેખાડાનું પ્રતીક છે.
નિસબત
ચંદુ મહેરિયા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગરના સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સમારોહમાં એ મતલબની ટકોર કરી હતી કે સમૂહ લગ્ન બાદ ઘરે માંડવો બાંધી નાત ના જમાડતા. જો રૂપિયા ઉછળતા હોય તો સારા કામમાં વાપરજો. ભવ્ય, ભપકાદાર અને અતિખર્ચાળ લગ્નોમાં જે પ્રકારે સામાજિક પ્રતિષ્ઠા અને સંપત્તિનું વરવું પ્રદર્શન થાય છે તેનાથી હવે તો સૌ કોઈ વાકેફ છે. થોડા કલાકો કે એકાદ દિવસની વાહવાહી લૂંટવા જે પ્રકારે લગ્નોમાં ધૂમ ખર્ચા થાય છે તે હાલની લગ્નસરામાં પણ જોવા મળશે.
ભારતમાં વરસે દહાડે ૧.૨ કરોડ લગ્નો થાય છે. ૨૦૧૭ થી ૨૦૨૧માં લગભગ ૬ કરોડ લગ્નો થયા હતા. અમેરિકાનું લગ્ન બજાર ૭૦ અબજ ડોલરનું છે અને ભારતનું ૩.૭૧ લાખ કરોડનું છે. દર વરસે તેમાં સરેરાશ પચીસ ટકાના દરે વૃધ્ધિ થાય છે. ભારતમાં એક લગ્ન દીઠ સરેરાશ લગ્ન ખર્ચ ૫ લાખથી ૫ કરોડનો અંદાજવામાં આવે છે. બે વ્યક્તિ વચ્ચેનું મિલન એવો લગ્ન પ્રસંગ અંગત નહીં પણ પારિવારિક અને સામાજિક અવસર ગણાય છે. તેના માટે મહિનાઓથી તૈયારીઓ ચાલે છે અને આખી જિંદગીની બચત ખર્ચી નાંખવામાં આવે છે. જેની પાસે આર્થિક સવલત નથી તે દેવું કરીને પણ આ પ્રસંગને ભપકાદાર બનાવે છે.
લગ્ન ટાણે સોનુ, કપડાં, જમણવાર, ફટાકડા, વાહનો, દહેજ અને સજાવટ પાછળ લાખો રૂપિયાનો ધૂમાડો કરવામાં આવે છે. જ્વેલરી માર્કેટમાં ૭૦ ટકા સોનાની ખરીદી લગ્નો માટે થાય છે. લગ્ન દીઠ ૩૦ થી ૪૦ ગ્રામના હિસાબે વરસે એક કરોડ લગ્નોમાં ૩૦૦ થી ૪૦૦ ટન સોનાનું જ વેચાણ થાય છે. હવે લગ્ન ખર્ચમાં અવનવા ઉમેરા થયા કરે છે. પારંપરિક લગ્નોનું સ્વરૂપ બદલાઈને કોર્પોરેટ લગ્નોનું બની ગયું છે. લગ્નનો ખુશીનો અવસર જે અગાઉ સામૂહિક જવાબદારીથી ઉકેલાતો હતો તે હવે પ્રાઈવેટ એજન્સીઝને સોંપી દઈ ઉજવાય છે. ધનાઢ્યોના ડેસ્ટિનેશન વેડિંગ સાથે મધ્યમવર્ગમાં પ્રી.વેડિંગ શૂટનું ચલણ વધ્યું છે.
કેટલાક અતિ ખર્ચાળ લગ્નોની ચર્ચા અને થોડીઘણી ટીકા માધ્યમોમાં દિવસો સુધી થાય છે. દેશના જાણીતા ઉધ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરી ઈશા અંબાણીના ઉધ્યોગપતિ પરિવારના પુત્ર આનંદ પિરામલ સાથેના લગ્ન એટલા તો ભવ્ય હતા કે તેમાં ૫૦૦ થી ૬૦૦ કરોડ રૂપિયા ખર્ચાયા હતા. ઉત્તરાખંડના એક વ્યાપારી ગુપ્તા બંધુઓના બે પુત્રોના લગ્નમાં ૨૦૦ હેલિકોપ્ટર, રૂ. ૫ કરોડના વિદેશી ફૂલ વપરાયા હતા અને લગ્ન પછી ૨૭૫ ક્વિન્ટલ કચરો ઉત્પન્ન થયો હતો ! . આ લગ્નનો ખર્ચ રૂ.૨૦૦ કરોડનો હતો. ક્રિકેટર વિરાટ કોહલીના ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથેના લગ્ન ઈટલીમાં યોજાયા હતા. અનુષ્કા માટેની રૂ. એક કરોડની વીંટી સાથે આ લગ્નનો ખર્ચ રૂ.૧૦૦ કરોડનો થયાનો અંદાજ છે. ફિલ્મ અભિનેતા રણવીર સિહ અને અભિનેત્રી દીપિકા પદુકોણના લગ્નમાં રૂ. ૯૫ કરોડ વપરાયા હતા.
એવી દલીલ થાય છે કે જેમની પાસે નાણાં છે તે પોતાના આનંદ કે શોખ માટે લગ્નોમાં ખર્ચા કરે તેમાં ખોટું શું છે ? આ દલીલ કરનાર તેની અસર અન્યો પર પડે છે તે હકીકત નજરઅંદાજ કરે છે. લગ્નના વ્યર્થ ખર્ચને કન્યાના માતાપિતાની દ્રષ્ટિએ જોવાની જરૂર છે. પિતૃસત્તાક દેશમાં પુત્રીના જન્મ સાથે જ એના લગ્નના ખર્ચની ચિંતા થાય છે. એક કરતાં વધુ દીકરીના માવતરને તો આખી જિંદગી આ ચિંતા સતાવતી રહે છે. એક સર્વેનું તારણ એવું પણ હતું કે જે કન્યાના લગ્નમાં વરપક્ષને ઓછો ખર્ચ થયેલો લાગ્યો હોય છે તે કન્યાને સાસરીમાં કાયમ મહેણા-ટોણા સાંભળવા પડે છે અને ક્યારેક વાત વણસીને છૂટાછેડા સુધી પહોંચે છે. મધ્યમવર્ગ, નિમ્ન મધ્યમવર્ગ અને ગરીબો પણ ભવ્ય લગ્નોને કારણે લઘુતા ગ્રંથિ અનુભવે છે.
જવાહરલાલ નહેરુએ એમની આત્મકથા ‘મારી જીવનકથા’માં લખ્યું છે કે, “ હિંદુસ્તાનમાં ગરીબ કે અમીર સૌનાં લગ્નોમાં કેવળ દમામ અને દેખાવમાં પૈસાનું પાણી થાય છે એવી ટીકા બહુ થઈ છે અને એ ટીકા સાચી પણ છે. પૈસાનું પાણી થાય છે એ તો બાજુએ રહ્યું , પણ જેમાં કળા કે સૌંદર્યનું નામ પણ ન હોય એવા અશિષ્ટ તમાશા જોઈને તો દુ:ખ જ થાય છે. આ બધા માટે ખરા ગુનેગાર લોકો મધ્યમવર્ગના છે. ગરીબ લોકો પણ કરજના બોજા વહોરીને ઉડાઉ થઈ શકે છે.” (પૃષ્ઠ-૧૦) આઝાદી પૂર્વે લખાયેલી આ આત્મકથામાં લગ્નો પાછળના દેખાડાના ખર્ચની જે ટીકા અને ચિંતા છે તે આજે આઝાદીના અમૃત પર્વે પણ કરવી પડે છે.
લગ્નો પાછળ પાણીની જેમ વપરાતા પૈસા અંગે સમાજમાં જાગ્રતિ પણ આવી રહી છે. કેટલાક જ્ઞાતિ અને ધર્મ સમૂહોએ તેના પર પ્રતિબંધો મૂકવાના પ્રયાસો કર્યા છે. સામાજિક જાગ્રતિ સાથે સરકારી લગામ પણ જરૂરી છે. ૨૦૧૭માં બિહારના કોંગ્રેસ સાંસદ રંજીત રંજને લોકસભામાં પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કર્યું હતું. ધ મેરેજ (કમ્પલસરી રજિસ્ટ્રેશન એન્ડ પ્રિવેન્શન ઓફ વેસ્ટફુલ એક્સપેન્ડિચર ) બિલ, ૨૦૧૬માં મહેમાનોની સંખ્યાથી માંડીને ઘણા ખર્ચા પર મર્યાદા મૂકવાની, પાંચ લાખથી વધારે ખર્ચ પર દસ ટકા ટેક્સ લેવાની જોગવાઈ હતી. આ બિનસરકારી વિધેયક હોઈ સ્વાભાવિક જ તે પસાર થઈ શક્યું નથી. પરંતુ આ પ્રકારના કોઈ સરકારી અંકુશની જરૂરિયાત છે.
નેતાઓ અને અભિનેતાઓએ સાદાઈથી લગ્નોનો દાખલો પૂરો પાડવાની પણ જરૂર છે. દેશના પહેલા ગૃહમંત્રી સરદાર પટેલે એમના સચિવ વી.પી.મેનનને તેમનાં દીકરીના લગ્નનો સમારંભ દિલ્હીમાં નહીં યોજવાની ફરજ પાડી હતી. ઈન્દિરા ગાંધીએ વડાપ્રધાનના તેમના કાર્યકાળ દરમિયાન જ બંને સંતાનોના લગ્નો સાદાઈથી કર્યા હતા. જોકે ખુદ તેમના પક્ષના ગઈકાલના અને આજના નેતાઓ તેનું અનુકરણ કરતા નથી.સંતાનહીન લોકનાયક જયપ્રકાશ નારાયણના પત્ની પ્રભાવતી દેવી જેમને પુત્રવત માનતા હતા તેવા એક કૌટુંબિક યુવાનનું લગ્ન ભારે ધામધૂમ સાથે બનારસમાં યોજાયું અને તેમાં તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ સહિતના અનેક રાજનેતાઓ અને મંત્રીઓ હાજર રહ્યા તેની વ્યાપક ટીકા થઈ હતી. તેથી જયપ્રકાશે ‘અંતે મેં ભી મિટ્ટી કા બના હુઆ નાચીઝ ઈન્સાન હું” એવા ખુલાસા સાથે દેશજનતાની ક્ષમા માંગતું અખબારી નિવેદન કર્યું હતું. આ સ્થિતિમાં આ પ્રશ્ન સહેલાઈથી ઉકલવાનો નથી.
પેટા
લગ્નનો ખુશીનો અવસર જે અગાઉ સામૂહિક જવાબદારીથી ઉકેલાતો હતો તે હવે પ્રાઈવેટ એજન્સીઝને સોંપી દઈ ઉજવાય છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
