ફિર દેખો યારોં
બીરેન કોઠારી
ઈન્ટરનેટના ઉપયોગથી અંગ્રેજીમાં કામ કરનારા લોકો ખ્યાતનામ ઑનલાઈન ડિક્શનેરી ‘મેરીઅમ-વેબસ્ટર’ના નામથી પરિચીત જ હોય. ડિક્શનેરીઓ અને સંદર્ભ પુસ્તકો પ્રકાશિત કરતી આ અમેરિકન કંપની જૂની અને અત્યંત ભરોસાપાત્ર ગણાય છે, જેણે ડિક્શનેરીનું સૌ પ્રથમ પ્રકાશન ૧૮૪૭માં કરેલું. તેની ઑનલાઈન ડિક્શનેરીનો ઉપયોગ વ્યાપક રીતે કરવામાં આવે છે. પ્રતિ વર્ષ આ ઑનલાઈન ડિક્શનેરીમાં સૌથી વધુ ‘શોધ કરાયેલા’ શબ્દને ‘વર્ડ્સ ઑફ ધ યર’ તરીકે ઘોષિત કરવાની પરંપરા છેક 2003થી શરૂ કરવામાં આવી છે, જેના અંતર્ગત કુલ દસ શબ્દોની પસંદગી કરવામાં આવે છે. તેની પસંદગીપ્રક્રિયા સમયાંતરે બદલાતી રહે છે, પણ તેમાં એક બાબત સામાન્ય હોય છે, અને એ છે સૌથી વધુ ઉપયોગમાં લેવાયેલા શબ્દો. વર્ષાન્તે આવા કુલ દસ શબ્દોની યાદી ઘોષિત કરવામાં આવે છે, અને એમાં પણ ક્રમાંક અપાય છે. આમ તો આ સીધીસાદી પ્રક્રિયા છે, પણ તે દર વર્ષે સમાચાર બની રહે છે, કેમ કે, કયા શબ્દનો સૌથી વધુ ઉપયોગ અથવા શોધ કરવામાં આવ્યાં એના આધારે જગતમાં કયો પ્રવાહ ચાલી રહ્યો હતો એનો કંઈક અંદાજ મળી શકે છે.
આ પરંપરા આરંભ કરવામાં આવી એ વર્ષ ૨૦૦૩માં સૌથી વધુ ‘શોધાયેલો’ શબ્દ ‘ડેમોક્રસી’ હતો, જેનો ગુજરાતી અર્થ થાય છે ‘લોકશાહી’. અમેરિકાના ટેકાથી ઈરાકનું આક્રમણ અને તેને પગલે સરમુખત્યાર સદ્દામ હુસેનના શાસનનો અંત આવ્યો એ સંદર્ભે આ શબ્દના અર્થની શોધ આ ડિક્શનેરી પર કરવામાં આવી હોવાનું તારણ હતું. વર્ષ ૨૦૨૦માં આ યાદીમાં ટોચનો શબ્દ હતો ‘પેન્ડેમિક’, જેનો અર્થ થાય છે વૈશ્વિક મહામારી. તો ૨૦૨૧માં ‘વેક્સિન’ શબ્દ ટોચ પર હતો. આ બન્ને શબ્દો કોવિડ સાથે સંકળાયેલા હોવાથી વિશ્વભરના ઉપયોગકર્તાઓએ તેનો ઉપયોગ કર્યો હોવાનું તારણ છે.

૨૦૨૨ના વર્ષની યાદીમાં ટોચનું સ્થાન ‘ગેસલાઈટિંગ’ શબ્દે પ્રાપ્ત કર્યું છે. આ શબ્દનો અર્થ સ્વયંસ્પષ્ટ છે, પણ તેના ઉપયોગનો સંદર્ભ અને તેની અર્થચ્છાયા સાવ અલગ છે. કોઈ વ્યક્તિ સાથે એ હદે મનોવૈજ્ઞાનિક છળ કરવું કે એ વ્યક્તિને ખુદને પોતાની સ્વસ્થતા અંગે શંકા થવા લાગે એ હરકત માટે ‘ગેસલાઈટિંગ’ શબ્દ વપરાય છે. વ્યક્તિગત કે કૌટુંબિક સંબંધો માટે આ શબ્દ વધુ પ્રમાણમાં પ્રચલિત હતો, પણ હવે તેનો વધુ ઉપયોગ રાજકીય સંદર્ભે થાય છે. પોતાને અનુકૂળ આવે એવું સત્ય રજૂ કરવું, પોતાની ભ્રામક છબિ ઉપસાવવા માટે ખોટેખોટા સમાચાર પેદા કરવા અને પ્રસરાવવા, પોતાની વ્યક્તિગત જાહેર છબિને ઊજળી કરવા માટે પ્રચારસૈન્યને કામે લગાડવું વગેરે હરકતો ‘ગેસલાઈટિંગ’ શબ્દપ્રયોગ અંતર્ગત આવે. કેમ કે, આવી હરકતો થકી એક છળ પેદા કરવામાં આવે છે, જેને બહુમતી લોકો ઝીલી લેવા તૈયાર હોય છે. જે થોડાઘણા લોકો આની વાસ્તવિકતા સમજી શકતા હોય તેમને આ રીતના પ્રચારમારાથી અંજાઈ જતા લોકોના માનસ સામે ઝીંક ઝીલવામાં મુશ્કેલી પડે છે, અને ઘણી વાર તેમને પોતાની સ્વસ્થતા પર શંકા થવા લાગે છે.
આ શબ્દને સાવ આપણી પરિભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ તો પંચતંત્રની અતિ જાણીતી કથા સાથે તેને સીધેસીધી સાંકળી શકાય એમ છે. પોતાને ખભે એક બકરી લઈને જઈ રહેલા એક બ્રાહ્મણને વારાફરતી ત્રણ માણસો મળે છે. આ ત્રણેય એકમેક સાથે મળેલા છે અને રીઢા ઠગ છે. તેઓ પૂછે છે, ‘તમે આ કૂતરાને લઈને ક્યાં ચાલ્યા?’ થોડા થોડા અંતરે મળેલા ત્રણ અલગ અલગ જણ એકનો એક સવાલ પૂછે છે એટલે બ્રાહ્મણને શંકા જાય છે કે પોતાને ખભે ખરેખર બકરું છે કે કૂતરું? કે પછી એ કશુંક માયાવી જાનવર છે જે વારેઘડીએ રૂપ બદલે છે? આખરે તે એ બકરીને છોડી મૂકે છે, અને બકરી પેલા ઠગોના હાથમાં આવી જાય છે. ‘ગેસલાઈટિંગ’ શબ્દના અર્થને, તેના સંદર્ભને આ વાર્તા બરાબર સમજાવી શકે એવી છે.
મેરીઅમ- વેબસ્ટર ડિક્શનેરી દ્વારા આ શબ્દની પસંદગી કરવામાં આવી એનો સૂચિતાર્થ એ પણ નીકળે છે કે આ લક્ષણ કોઈ એકલદોકલ શાસક કે દેશ પૂરતું મર્યાદિત નથી, બલ્કે તે વિશ્વના ઘણા દેશોમાં વ્યાપેલું છે.
આ શબ્દની વ્યુત્પત્તિ રસપ્રદ છે. બ્રિટીશ નવલકથાકાર અને નાટ્યકાર પેટ્રિક હેમિલ્ટને 1938માં લખેલા નાટક ‘ગેસલાઈટ’ પરથી તે ચલણી બન્યો છે. આ જ કથાવસ્તુ પરથી 1944માં આ નામની ફિલ્મ બની હતી. એક માણસ પોતાની પત્નીને પાગલ ઠેરવવા માટે જાતજાતની તરકીબો અજમાવે છે. આ શબ્દપ્રયોગ ત્યાર પછી ચલણી બન્યો, અને ધીમે ધીમે તે વ્યક્તિગતને બદલે વ્યાપક અર્થમાં પ્રયોજાતો થયો. આ વરસે, ૨૦૨૨માં તેનો ઉપયોગ મુખ્યત્વે વિવિધ શાસકો દ્વારા પ્રયોજાતી ભ્રામક તરકીબોના સંદર્ભે થતો જોવા મળ્યો.
‘વર્ડ્સ ઑફ ધ યર’ જેવી મોજણી ઘણી વાર આ પ્રકારનાં, અણધાર્યાં તારણ કાઢી આપે છે. છેતરપિંડી, ભ્રામકતા, છળકપટ, અસત્ય, જૂઠાણું જેવા દુર્ગુણો આ રીતે વ્યાપક બની રહ્યા હોવાનો સંકેત આના થકી પ્રાપ્ત થાય ત્યારે સમજાય છે કે વાસ્તવિકતા શી છે! અલબત્ત, આ ઑનલાઈન મોજણીના વપરાશકર્તાઓનો મત અંતિમ અને આખરી ન ગણાય, છતાં તે એક વાસ્તવિકતાનું એક ચોક્કસ પાસું અવશ્ય દર્શાવે છે. આથી તેને અવગણી શકાય નહીં. આપણે ત્યાં ‘ગુજરાતી લેક્સિકોન’ દ્વારા પણ આવી મોજણી યોજાતી હોય છે. જો કે, તેની નિયમિતતા જળવાઈ નથી, નહીંતર પસંદ કરાયેલા શબ્દ થકી સમાજના પ્રવાહની ઝલક મળી શકે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૨-૧૨–૨૦૨૨ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)