રક્ષા શુક્લ
પ્રુરુષ એટલે ઊંચી, પડછંદ, સિક્સ પેક વાળી કોઈ વ્યક્તિ ? સલ્લુમિયાં જેવી સ્નાયુબદ્ધ કાયા ધરાવતો કે રફ-ટફ લૂક સાથે એન્ટાઈસર બાઈક પર એન્ટ્રી મારતો કોઈ હિરો ?કે એક જ મુક્કામાં ઢીમ ઢાળી દેતો કોઈ બોડી બિલ્ડર ? એકસોને વીસની સ્પીડે ઓડી કારમાં મિત્રો સાથે ગપ્પા મારવા જતો નબીરો ?
નહીં રે…પુરુષો વિશેની આવી પરંપરાગત વ્યાખ્યા વિશેનો આજે છેદ ઉડી ગયો છે. આજે એક સ્ત્રી શરીરસૌષ્ઠવની સાથે પુરુષમાં વિવેકસભર બુદ્ધિપ્રતિભા પણ ઈચ્છે છે. ફાંકા-ફોજદારી કરતા સાલસ વર્તણૂક બાજી મારી જાય છે. પ્રેમ આપવાની સાથે સન્માન પણ આપતો અને જાળવતો પુરુષ કોને ન ગમે ?! આ જ ગુણ પુરુષને વધુ હેન્ડસમ બનાવે છે. મર્દાનગીની પહેલી શરત જ એ છે કે સ્ત્રીનું આત્મસન્માન જાળવવું.
જેના વિચાર માત્રથી સ્ત્રીના મન-હૃદય પર પૂરાતી એક રોમેન્ટિક રંગોળી એટલે પુરુષ. એ મેઘધનુષની જેમ ઊંચે આભમાં ન હોય. હાથ લંબાવી સ્પર્શી શકાય તેટલો પાસે હોય. આવો પુરુષ સ્ત્રીની ફેક ફેન્ટસીમાં નહીં પરંતુ વાસ્તવમાં વિસ્તરતો રહે છે. પુરુષ એટલે જે અવઢવને ક્ષણમાત્રમાં ઉથાપે… સ્ત્રીના ભય અને ધ્રૂજારી એની છાતીમાં પળભરમાં છૂ થઈ જાય. પુરુષ એટલે એવી વ્યક્તિ કે જેના ઘરમાં ન હોવાથી અંધારાનો ડર ન લાગતો હોવા છતાં ઊંઘ હાથતાળી દેતી દૂર ભાગે. આવું અજંપ અંધારું અસલામતીનો જ પર્યાય હોવો જોઈએ. આવા પુરુષ પાસે કોઈ નબળાઈ છૂપાવવી પણ ન ગમે કારણ કે એ પુરુષ કદી સ્ત્રીની કોઈ નબળાઈનો લાભ લેવાનો જ નથી.
પુરુષ કોઈ સ્ત્રીની નાજુક સંવેદનાને સુપેરે કાન આપે છે. ઉત્તમ મિત્ર સાબિત થાય છે. મોટાભાગે કોઈ પૂર્વગ્રહો કે ગ્રંથિથી દૂર હોવાથી તેની સાથેની વાતચીત સંવાદમાં પરિણમે છે. આ સંવાદમાંથી જ સ્ત્રીને પોતાની કોઈ સમસ્યાનો સચોટ હલ મળી આવે છે. નિખાલસતાથી કરાયેલી પેટછૂટ્ટી વાતને ઈશ્યુ બનાવ્યા વગર પુરુષ મનના કોઈ ખૂણે એને ધરબી શકે છે. આવા પુરુષ પાસે સ્ત્રી નિર્ભીક થઈને ખૂલે છે અને હળવાશ અનુભવે છે. ખોબો માગો ‘ને આખો દરિયો આપી દે એ પુરુષ પાસે નદી થઈ ખળખળવું કોઈ પણ સ્ત્રીને ગમે છે.
ખબર નહીં કેમ પણ જે ઋજુ છે, જે માનવસહજ છે એ સંવેદનાઓ પુરુષ માટે વર્જ્ય મનાય છે. આ તો એક અન્યાય જ ગણાય. ડરવું કે નાહિંમત થવા જેવી કોઈ સહજ વિકનેસ પુરુષમાં પણ હોય શકે. એ જરૂરી નથી કે દરેક પુરુષ સુપરમેન કે શક્તિમાન હોવો જોઈએ. બિચારો પુરુષ, તો પણ પોતાની નબળાઈઓ કે ભયને કોરાણે મૂકી પરિવારના પ્રશ્નો ઉકેલતો રહે છે. એની છપ્પનની છાતીમાં ય નાજુક દિલ ધબકતું હોય છે. જે થોડા પ્રેમ અને કાળજી પાસે તે બરફ માફક પીગળી જતું હોય છે. વાસ્તવથી ભાગવાની શાહમૃગવૃત્તિ તેનામાં ભાગ્યે જ જોવા મળે છે. આપત્તિઓ સાથે આંખ મેળવતો એ જાણે સિંહગર્જના કરી પડકારો ઝીલે છે. નિર્ણયો લીધા પછી પરિણામની જવાબદારી પણ ઉઠાવતો પુરુષ સ્ત્રીના જીવનનું અવિભાજ્ય અંગ છે. આપણી સમાજવ્યવસ્થામાં કુટુંબ માટે આજીવિકા કમાવાનો ભાર પુરુષના ખભે છે. સ્ત્રી એવું કહી શકે કે ‘હું બે સાડીમાં ચલાવી લઈશ. પણ મારે નોકરી નથી કરવી.’ પરંતુ પુરુષ આ જવાબદારીમાંથી મોં ફેરવી શકતો નથી. એની પાસે કોઈ વિકલ્પ નથી. એટલે જ આર્થિક રીતે ભાંગી પડતા કેટલાય પુરુષો આપઘાતનો રસ્તો અપનાવે છે. ઘરની જરૂરિયાતો માટે સ્ત્રીની જીભ વળે ત્યારે પુરુષની કમર વળે છે. ‘Why me’ એવો એને વિચાર પણ નથી આવતો. સાત અધ્યાયોમાં નિબદ્ધ ‘દક્ષસ્મૃતિ’માં નિરુપાયેલી ગૃહસ્થધર્મની વાતને આવો પુરુષ સાચી પાડે છે કે ‘जिवत्येक: स लोकेषु बहुभिर्योऽनुजिव्यते’. અર્થાત્ જે પુરુષ આ લોકમાં અનેક વ્યક્તિઓની જીવિકા ચલાવે છે, એનું જ જીવન સફળ છે.
સ્ત્રીના ગુણગાન તેના વિધવિધ રોલ માટે ગવાય છે તો પુરુષના ભાગે પણ યોગ્ય પુત્ર, પતિ, પિતા કે ભાઈ થવાના અનેક રોલ નિર્માયા છે. એણે પણ અનેક કસોટીની એરણ પર ખરું ઉતરવાનું હોય છે. માતાનું માને તો માવડિયો અને પત્નીનું માને તો પત્નીઘેલો અને બાયલાનું બિરુદ પામતા પુરુષની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી થતી હોય છે. પુરુષ હોવાના ફાયદાઓનું આપણી પાસે મસમોટું લીસ્ટ છે. પુરુષ ગમે તેટલા કલાકો બહાર રહે એને કોઈ પૂછવાવાળું છે ? રોજ તૈયાર ભાણે મોજ કરે..એણે થોડું રસોડું સંભાળવાનું છે ? ઘર કે બાળકની ચિંતા એને ક્યાં અડે…વગેરે વગેરે. પરંતુ ઘરખર્ચના બે છેડા ભેગા કરવા, બાળકોની ફી ભરવી, અચાનક ઊભા થતા માંદગીના કે બીજા ખર્ચને પહોંચી વળવું કે જીવન જરૂરિયાતની ચીજ ઓર્ડર છૂટે ત્યાં હાજર કરવી એ બધા ખાવાના ખેલ નથી. પુરુષે પણ તેના દરેક કિરદાર(રોલ)માં ડગલે ને પગલે સાબિત થવું પડે છે. એ પણ સતત તાણયુક્ત જીવતો હોય છે. છતાં તેની પાસે જાણે અલાદીનનો જાદૂઇ ચિરાગ હોય તેમ તે બધું પ્રેમથી નિભાવે છે. પિતા બનતા જ તેની પ્રાયોરીટી સંતાન માટે હોય છે. એક પરિપક્વ પિતાના કેન્દ્રસ્થાને સંતાનો હોય છે.
હિન્દી ફિલ્મોમાં માંગમાં ચાંદ-તારા ભરવાના તો અનેક ગીત છે પણ વાસ્તવિકતાનું ગીત ‘તુમ્હે અપના સાથી બનાને સે પહેલે, મેરી જાન બહુત સોચના હૈ’ વધુ ગમે એવું છે. સપનાં તો પુરુષ પણ જોતા હોય છે પણ તેમાં પરિવારની ખુશી મુકુટ પર, મોખરે હોય છે. પોતાના અહંને શૂન્ય કરી જીવતો પુરુષ ઘરમાં પ્રવેશે ત્યારે પરિવાર પણ પીંછા જેવી હળવાશ અનુભવે છે. ‘પપ્પા…’ સંબોધનથી શરુ થતી વાત સાંભળ્યા પહેલા જ પહાડ જેવો માણસ પીગળી જતો હોય છે. ‘વજ્રાત્ અપિ કઠોરાણિ, મૃદૂનિ કુસુમાત્ અપિ’ ઉક્તિને જાણે એ સાર્થક કરે છે. એના ગજવે પરિવારની ખુશીઓનું લાંબુ લીસ્ટ હોય છે. પત્ની અને સંતાનની ઇચ્છા અને સપનાં એના પગને દોડતા રાખે છે. થાકતો હોવા છતાં એ જાણે છે કે થાકવું એને પોસાય નહીં. એ મૌન છે. એ ચૂપ રહે છે…એ વાણીવિલાસનો માણસ નથી, વાસ્તવિકતાનો માણસ છે. વકતૃત્વ નહીં કર્તૃત્વને જાણે છે… મા મમતાની મૂરત છે, તો પપ્પા પ્રેમની પરબડી છે. સંતાન સાથે ક્રિકેટ કે સંતાકૂકડી રમવા એ થાકેલા પગને પટાવી લે છે. સંતાનો માટે પિતા રોલ મોડેલ છે. સાંજે ઘરે પરત આવતા પપ્પા પાસે લાખ ઉધામા રાગે પડતા હોય છે. પપ્પા સાંજે આવે ‘ને ઈંટોનું બનેલું ઘર આળસ મરડીને બેઠું થાય છે. અહીં-તહીંથી અલ્લક-મલ્લક ઊતરી ઓરડામાં ટોળે વળે છે. પુરુષના પ્રવેશ માત્રથી ઘરમાં એક કમ્ફર્ટ ઝોન ઊતરી આવે છે.
સૌમ્ય જોશીનું નાટક ‘વેલકમ જિંદગી’માં ‘સંવેદનાઓની બાબતમાં પુરુષ મુખર નથી’નો સાર નીકળે છે. વગર બોલ્યે એ સંબંધો નિભાવી જાણે છે. તો બોલ્યા પછીની પ્રતિબદ્ધતાની તો વાત જ અલગ ! સંબંધમાં મલાજો જાળવીને એ અનેક બાબતોમાં સમાધાનો કરતો હોય છે. ઘરના વ્યવહારો કે બીજા નિર્ણયો બાબત તેની હંમેશા સ્વીકૃતિ હોય છે. કુટુંબવત્સલ હોવાથી પરિવારના સભ્યોના ચહેરા પરની ખુશી જોઈ એ સંતોષ અનુભવે છે. વળી આધુનિક પુરુષ સૌની વ્યક્તિતાનું મહત્વ પણ સમજે છે. સ્ત્રી જો થોડી પણ સમજણ સાથે પુરુષની સંવેદના ઝીલી તેની સહચરી બને છે તો પુરુષ ગાઈ ઉઠે છે “તુમ અગર સાથ દેને કા વાદા કરો, મૈં યૂ હી મસ્ત નગમેં લૂંટાતા રહું”. સ્ત્રી માટે પુરુષ લાઈફ સપોર્ટ છે. ઘર મોટાભાગે સ્ત્રીના નામે જ ખરીદીને પુરુષ તેને ભવિષ્ય માટે નિશ્ચિંત કરી દેતો હોય છે. ત્યારે એ કદી નથી વિચારતો કે પત્ની તેને દગો દેશે તો ? આજના યુગમાં તો પુરુષે માત્ર અભિપ્રાય આપવાની નહીં પરંતુ નિર્ણયો લેવાની સ્વતંત્રતા પણ સ્ત્રીઓને આપી છે જે સરાહનીય છે. પ્રેમ કે સુરક્ષાની આડમાં પઝેસીવનેસ છુપાવતો પુરુષ આજે ભાગ્યે જ જોવા મળે છે.
પુરુષના પ્રૅક્ટિકલ હોવાનો અર્થ ઋજુ સંવેદનાઓની બાદબાકી એવો હરગીઝ નથી. એ જાણે છે કે એ મુશ્કેલીમાં હરેરી જશે તો પરિવાર આખો દુઃખમાં ભાંગી પડશે. પુરુષને જન્મજાત મળેલી ખોડ એટલે ‘લાગણીવેડા ન કરાય’ની ગ્રંથિ. જે તેમના અહંનો એક ભાગ પણ હોય છે અને હાર્ટ એટેકને નોતરે છે. છેતરામણી લાગણી પુરુષને છિન્ન કરે છે તેટલી સ્ત્રીને કરતી નથી. સંબંધ તૂટતા પુરુષ માનસિક રીતે એટલો પડી ભાંગે છે કે ક્યારેક કોઈ વ્યસન કે ગુનાખોરીના માર્ગે પણ ચડી જાય છે. એના આંસુ છાતીમાં ધરબાયેલા હોય છે…જ્યાં ગમતા પાત્રથી વિખૂટા પડ્યાનું દર્દ એના હોવાને ખતમ કરતું રહે છે. એના પાસે એ વહેતા આંસુ નથી જે એના દર્દને વહાવીને દૂર લઇ જાય. સંબંધમાં છેતરાયા પછી પુરુષ જીવનમાં ભાગ્યે જ નોર્મલ જીવી શકે છે. જો કે એ ધુંધવાટનો મોક્ષ પણ સ્ત્રી જ છે.
પુરુષોને વધુ પ્રભાવિત કરે છે સ્ત્રીનું શરીર, નહીં કે તેની બુદ્ધિ. એટલે જ મોટાભાગની સ્ત્રી આકર્ષક દેખાવાની કોશિશ કરતી રહે છે. કોઈ પુરુષનું એકનિષ્ઠ હોવું એ ઘણું કરીને મજાક જ હોય શકે. કારણ કે એવો કોઈ પુરુષ જોયો કે જાણ્યો નથી જે પ્રેમમાં એક જ પાત્રને વળગી રહે. ‘તું નહીં, તો ઓર સહી’નો મંત્ર એણે પચાવેલો હોય છે. ભ્રમરવૃત્તિ એના ભેજામાં ભળેલી હોય છે. એટલે એ બે-ત્રણ સ્ત્રીઓને એકીસાથે સહેલાઈથી પ્રેમ કરી શકે છે અને પાછો સૌને એવો અહેસાસ પણ આપી શકે છે કે એ સાચો પ્રેમ તો એકમાત્ર તેને જ કરે છે. દરેક સ્ત્રીને ખુશ પણ રાખી શકતો હોય છે. ક્યારેક અફેરની વાત ખુલ્લી પડી જતા સાથે રહેલી સ્ત્રીને એવી ખાતરી પણ અપાવી શકે છે કે બીજા પાત્ર સાથે તો એ માત્ર નિભાવે છે કે નાટક કરે છે. પરંતુ સિક્ષ્થ સેન્સ સહાયે આવી સ્ત્રીને કહી દે છે કે સત્ય હકીકત શું છે. એક સત્ય એ પણ છે કે કજિયા-કંકાસ કરતી સ્ત્રી પુરુષને લગ્નેતેર સંબંધ તરફ ધકેલે છે. પુરુષની અપ્રગટ સંવેદના, ગમા-અણગમા, જરૂરિયાત કે પીડા સમજનાર સ્ત્રી માટે પુરુષ પોતાનું સઘળું ન્યોચ્છાવર કરી શકે છે. પ્રેમમાં કોઈ પણ પુરુષ સ્ત્રીની તાબેદારી પણ હરખથી સ્વીકારે છે.
સામાજિક દ્રષ્ટીએ પુરુષને ઘરરખ્ખુ, સુશીલ અને સંસ્કારી પત્ની જોઈતી હોય છે જે તેના પરિવારના વડીલો અને ઘર સુપેરે સંભાળે. પરંતુ અંગત રીતે જોતા એને બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ, ચુલબુલી અને નખરાળી, રોમેન્ટિક અને રસીલી સ્ત્રીઓ ગમતી હોય છે. જો કે કારણ વગર બેવફાઈ ન કરતી સ્ત્રી સામે પુરુષ જરૂર વામણો સાબિત થવાનો કારણ કે પુરુષ તો મોકો મળતા જ બેવફા થઈ શકે છે. સવાલ હોય છે માત્ર અનુકૂળ હવાનો કે સ્થળ-કાળનો. તો તેને બધું જ ફાવે છે. પુરુષ માટે દરેક સ્ત્રી અંધારામાં મધુબાલા કે મેરેલીન મનરો છે.
નિવૃત્તિનો ગાળો પુરુષ માટે સૌથી આકરો હોય છે. એક સમયનો રાજા અચાનક સત્તાવિહોણા હોવાનું અનુભવે છે. નિષ્ક્રિયતા તેના માટે કસોટીનો કપરો કાળ બની રહે છે. આવા સમયે પુરુષ પોતાના સ્વભાવગત આગ્રહોમાં જો બાંધછોડ કરે તો તેને કદી સન્માન ખોવું પડતું નથી. આ જ ગાળો એવો છે જ્યારે એક પુરુષને પરિવારના પારાવાર પ્રેમ અને આદરની જરૂર હોય છે. આ નાજુક તબક્કામાં કાળજી એ જ રાકાહાવી પડે કે He must not feel neglected and dependent. મૂળ વાત એટલી કે પુરુષને થોડો સાચવી લેવામાં આવે તો એ કદી ઓછા માર્ક્સ લેતો નથી.
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com