નારાયણ આશ્રમ – એક યાદગાર પ્રવાસ

આશા વીરેન્દ્ર

જોગેશ્વર અલ્મોડા જિલ્લાના હેડ ક્વાર્ટરથી ૪૦ કિ. મી. દૂર આવેલું છે. મંદિરમાં જતાં પહેલાં આર્કિયોલોજિકલ મ્યુઝિયમ જોયું. આઠમીથી સોળમી સદી સુધીનાં સ્થાપત્યો, ચિત્રો અને મૂર્તિઓની અહીં બહુ સરસ રીતે જાળવણી કરવામાં આવી છે. પાવર પોઇંટ પ્રેઝટેશનથી મ્યુઝિયમની બધી માહિતી પડદા પર આપવામાં આવે છે.

મંદિરમાં, નાની-મોટી દેરીઓમાં, શિવ-પાર્વતી, ગણેશ, નવદુર્ગા , નવ ગ્રહ વગેરે બિરાજમાન છે.  અહીં દરેક સ્થળે આપણા કરતાં વધારે ચોખ્ખાઈ અને વ્યવસ્થા જોવા મળે છે. કદાચ ઓછી વસ્તી અને ઓછાં મુલાકાતીઓ એક કારણ હોઈ શકે. તેમ છતાં, ‘સ્વચ્છ ભારત’ના નારા લગાવવા છતાં સ્વચ્છતાની બાબતે આપણે એમના કરતાં પછાત છીએ એ તો કબૂલવું જ પડે.

જોગેશ્વર મંદિરની એક દેરી

રાત્રિરોકાણ લોહાઘટ કરવાનું હતું. એક તો રસ્તો લાંબો અને પાછો ઘુમાવદાર, એટલે પહોંચતાં વાર લાગે જ, એમાં પાછી અમારી મંડળી મનમોજી, બેફિકરી અને ખાણીપીણીની શોખીન. એટલે ક્યાંક સુંદર દૃશ્ય જોયું નથી ને ફોટોગ્રાફી કરવા ગાડી થોભાવી દઈએ અને આખી મડળી ઉતરી પડે. વળી ક્યાંક ધાબું દેખાય કે અમારી ચાની તલપ એટલી જાગે કે ઉતરીને તેની સંતોષવાની વ્યવસ્થા કરીએ પછી જ ધરવ થાય ! પહાડી રસ્તાઓ પર ગાડીઓ ચલાવવાનું કપરું કામ કરતા અમારા સારથિઓને પણ થોડા થોડા વખતે ચાનું ઈંધણ તો પુરવું જ પડે. આ બધી વાતોનું સરવાળે પરિણામ એ કે લોહાઘાટ પહોંચતાં મોડું થઈ ગયું. લોહાઘાટથી ૧૭ કિ. મી. દૂર આવેલા માયાવતીમાં આવેલ  અદ્વૈત આશ્રમ જોવાનાં જે ખાસ આકર્ષણને કારણે અહીં સુધી લાંબાં થયાં હતાં એ આશ્રમ બંધ થઈ ગયો હતો.

માયાવતીનો અદ્વૈતઆશ્રમ જે અમે જોઈ ન શક્યા
              તસવીર સ્રોત: Advaita Ashrama, Mayavati

આમ તો અમારી હાલત ‘હીરો ઘોઘે જઈ આવ્યો ને ડેલે હાથ દઈ આવ્યો’ જેવી થઈ ગઈ હતી. પણ હવે છેક અહીં સુધી આવી જ ગયાં છીએ તો આશ્રમનાં પરિસરમાં ફરીને થોડી ઘણી માહિતી મેળવી લઈએ એવા આશયથી પાછળની તરફ ગયાં. ત્યાં જે જાતજાતનાં અને ભાતભાતનાં મોહક ફૂલો અમને જોવા મળ્યાં તેમની તાજગીએ આશ્રમ ન જોઈ શકાયાની અમારી નિરાશા ભગાડી મુકી. અસ્તાચલ તરફ જતા સૂરજ દાદાને પણ મનભરીને નિહાળ્યા અને  ફોટા ને સેલ્ફી પ્રેમી  મિત્રોઓ વનવા પોઝમાં ફોટ પાડીને અહીં સુધીનો ફેરો સફળ કરી લીધો.

પરિસરમાં દાખલ થતાંની સાથે જ મુકાયેલી સ્મારક તકતી જાણવા મળ્યું કે અદ્વૈત આશ્રમ[1], માયાવતી રામકૃષ્ણ મઠ, બેલુરની જ શાખા છે. ૩ થી ૧૮ જાન્યુઆરી ૧૯૯૧ દરમ્યાન સ્વામી વિવેકાનંદ અહીં આવીને  રહ્યા હતા.

તસવીર સ્રોત: Advaita Ashrama, Mayavati

તદુપરાંત ભગિની નિવેદીતા અને ડૉ. જગદીશચંદ્ર બોઝ જેવી મહાન હસ્તીઓએ પણ અહીં નિવાસ કર્યા છે. આટલી જાણકારી મેળવી આશ્રમનાં બંધ બારણાં તરફ જોઈને નિઃસાસા નાખતાં અમે બધં ભારે હૈયે ગાડીમાં બેઠાં અને પહોંચ્યાં લોહાઘાટ કુમાઉ નિગમનાં ગેસ્ટ હાઉસમાં.


[1] સંપાદકીય નોંધ:

અદ્વૈત આશ્રમની સ્થાપના કરવામાં તન, મન અને ધનને અર્પણ કરનાર, સ્વામી વિવેકાનંદ્નં પાશ્ચાત્ય શિષ્યો,  મી. સેવીઅર અને તેમનાં પત્ની હતાંઅદ્વૈત આશ્રમ અદ્વૈત સનાતન ધર્મના અભ્યાસ અને સંશોધનનું મુખ્ય કેંદ્ર છે., એટલે અહીં કોઈ મૂર્તિની પુજા વગેરે નથી કરાતાં, કે આશ્રમમાં નથી તો રામકૃષ્ણ પરમહંસ કે સ્વામી વિવેકાનંદનાં ચિત્રો પણ્નથી મુકવામાં આવ્યાં. આશ્રમ રામકૃષ્ણ મિશનનું મુખ્ય પ્રકાશન કેંદ્ર છે. The Complete Works of Swami Vivekananda અને મિશનનું ૧૮૯૬થી પ્રકાશિત થતું વિશ્વવિખ્યાત સામયિક ‘પ્રબુદ્ધ ભારત‘ તેમ જ હિંદુ પુરાણોના અંગ્રેજી અનુવાદ જેવા પ્રકાશનો અહીંથી પ્રકાશિત થાય છે.

માહિતી સ્રોતઃ Advaita Ashrama, Mayavati


 

સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.