-
ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૪૬
ચિરાગ પટેલ
उ. १४.४.७ (१५३०) अग्ने नक्षत्रमजरमा सूर्यँरोहयो दिवि । दधज्ज्योतिर्जनेभ्यः ॥ (केतु आग्नेय)
હે અગ્નિદેવ! સર્વેને પ્રકાશ આપતાં, ક્ષીણ ન થનારા અને સદૈવ ગતિશીલ, સૂર્યને અંતરિક્ષમાં સ્થાપિત કરો.
આ સામમાં ઋષિ સૂર્ય અંગે જે વિશેષણો પ્રયોજે છે એ ધ્યાનાકર્ષક છે. સૂર્ય સર્વેને પ્રકાશ આપનાર છે. પૃથ્વી પરની જીવસૃષ્ટિ માટે સૂર્ય જ પ્રકાશનો સ્ત્રોત છે. વળી, સૂર્ય ચંદ્રની જેમ ક્ષીણ નથી થતો. ભલે, રાત્રિસમયે કોઈ સ્થળ પર સૂર્ય દેખાતો નથી પણ એ ગતિશીલ હોવાથી અન્યત્ર તો દૃષ્ટિગોચર છે જ. વળી, અગ્નિને કારણે જ સૂર્ય અંતરિક્ષમાં સ્થાપિત છે. અર્થાત, અંતરિક્ષમાં સ્થાપિત સૂર્યનો પ્રકાશ અગ્નિને લીધે છે.
उ. १५.२.२ (१५४७) कृष्णां यदेनीमभि वर्पसाभूज्जनयन्योषां बृहतः पितुर्जाम् । उर्ध्वं भानुँसूर्यस्य स्तभायन् दिवो वसुभिररतिर्वि भाति ॥ (त्रित आप्त्य)
આ અગ્નિદેવ પિતાથી ઉત્પન્ન થઈને સ્ત્રીરૂપી ઉષાને પ્રગટ કરી, અંધારી રાતને પોતાની જ્વાળાઓથી હરાવે છે. એ સમયે ગતિશીલ અગ્નિ દ્યુલોકમાં પોતાના તેજથી સૂર્યના પ્રકાશને ઉપર જ રોકીને જાતે પ્રકાશિત થાય છે.
આ સામમાં સૂર્યના કારણરૂપ અગ્નિ હોવા છતાં સૂર્ય અગ્નિના પિતા છે એમ ઋષિ જણાવે છે. અગ્નિ એટલે કે ઉષ્માથી સૂર્યની આંતરિક પ્રક્રિયાનો પ્રારંભ થયો અને એ પ્રક્રિયા વળી નવી ઉષ્મા અને પ્રકાશ જન્માવે છે. સૂર્યપ્રકાશમાં સ્થિત અગ્નિ કિરણો સાથે ગતિ કરે છે. આ કિરણો વાતાવરણના ઉપલા સ્તરમાં વિખેરણ પામીને વાતાવરણ અજવાળે છે. જો વાતાવરણ ન હોય તો અંધારા કળા પશ્ચાદભૂમાં સૂર્ય મોટા પ્રકાશિત ગોળા સમાન દેખાતો હોત, અત્યારના આપણાં દિવસને અજવાળતા ભૂરા આકાશ સમાન નહીં!
उ. १६.२.४ (१५८८) इन्द्रो मह्ना रोदसी पप्रथच्छव इन्द्रः सूर्य मरोचयत् । इन्द्रे ह विश्वा भुवनानि येमिरे इन्द्रे स्वानास इन्दवः ॥ (मेध्यातिथि काण्व)
ઇન્દ્રએ પોતાના સામર્થ્યથી દ્યુલોક અને પૃથ્વીને વિસ્તૃત બનાવ્યાં, સૂર્યને પ્રકાશયુક્ત કર્યો, બધાંને આશ્રય આપ્યો. એવા ઇન્દ્ર માટે જ આ સોમરસ સમર્પિત છે.
આ સામમાં ઋષિ પૃથ્વી અને વાતાવરણની તે સામેની સ્થિતિ માટે ઇન્દ્રને શ્રેય આપે છે. વળી, ઋષિ કહે છે કે, સૂર્યને પ્રકાશિત કરનાર અને સર્વેને આશ્રય આપનાર પણ ઇન્દ્ર જ છે. વેદોમાં અનેક ઠેકાણે વિદ્યુતસહિતના મેઘને ઇન્દ્ર તરીકે ઋષિઓ સંબોધે છે. આવાં મેઘ દ્યુલોકની ઊંચાઈ બતાવે છે. પ્રાચીન પૃથ્વીમાં જ્યારે વાતાવરણ ગરમ થયું હશે મેઘ બનવાનો આરંભ થયો ત્યારે મેઘ બનવાનો આરંભ થયો હશે અને હિમયુગ સમાપ્ત થયો હશે. એટલે, ભૂમિનો હિમ કે પાણીથી ઢંકાયેલો ભાગ સપાટી ઉપર આવ્યો હશે. એટલે, એમ કહી શકાય કે, ઇન્દ્રને લીધે દ્યુલોક અને પૃથ્વી વિસ્તૃત થયાં. મેઘ અને વાતાવરણ સૂર્યના ઘાતક કિરણોથી જીવસૃષ્ટિને બચાવે છે.
उ. १७.१.६ (१६२२) वृषा यूथेव वँसगः कृष्टीरियर्त्योजसा । ईशानो अप्रतिष्कुतः ॥ (मधुच्छन्दा वैश्वामित्र)
સર્વના સ્વામી, અમારી વિરુદ્ધ કાર્ય ન કરનાર, શક્તિમાન, ઇન્દ્ર, પોતાના સામર્થ્ય પ્રમાણે અનુદાન વહેંચવા, જેમ સાંઢ ગાયોના ટોળામાં જાય છે, તેમ મનુષ્યો પાસે જાય છે.
આ સામના દેવતા ઇન્દ્ર છે પરંતુ ઋષિ સૂર્યનું વર્ણન કરે છે. ઇશાન શબ્દ રુદ્ર અને સૂર્ય બંને માટે પ્રયોજાય છે. સૂર્ય પૃથ્વી પરની જીવસૃષ્ટિના પિતા અને પાલક છે. પોતાના કિરણોરૂપી ગાયોના ટોળામાં વૃષભ સમાન સૂર્ય રહે છે.
उ. १७.१.९ (१६२५) किमित्ते विष्णो परिचक्षि नाम प्र यद्ववक्षे शिपिविष्टो अस्मि । मा वर्पो अस्मदप गूह एतद्यदन्यरुपः समिथे बभूथ ॥ (वसिष्ठ मैत्रावरुणि)
કિરણોયુક્ત હું છું એ પ્રમાણે સર્વવ્યાપી ભાવવાળું આપનું સ્વરૂપ નિઃસંદેહ પ્રખ્યાત છે. એવા સ્વરૂપને અમારાથી છુપાવી ના દો, કારણ કે, સંગ્રામમાં અન્ય રૂપ ધારણ કરવા છતાંય તમે અમારા સંરક્ષક બની રહો છો.
આ સામમાં વિષ્ણુ શબ્દ સર્વવ્યાપી સૂર્ય માટે પ્રયોજાયો છે. સૂર્યના કિરણો સમગ્ર પૃથ્વી પર વ્યાપ્ત છે અને કિરણોયુક્ત એટલે કે પ્રકાશિત એવું સૂર્યનું આ એક સ્વરૂપ છે. જ્યારે રાત્રીનો અંધકાર હોય ત્યારે ચંદ્રમા અને નક્ષત્રો દ્વારા સૂર્ય અન્ય સ્વરૂપે ઉપસ્થિત હોય છે. આ સ્વરૂપમાં પણ સૂર્ય પોતાની રક્ષા કરે એમ ઋષિ ઈચ્છે છે.
શ્રી ચિરાગ પટેલનું ઈ-મેલ સંપર્ક સરનામું :- chipmap@gmail.com
-
સંતૃપ્તિ, સત્ય તણી
ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના
દિનેશ.લ. માંકડ
જ્ઞાનને સીમાડા નથી હોતા..અને સાચો જ્ઞાનપિપાસુ સદા તત્પર પણ હોય. પરંતુ કેટલીક વાર કોઈએ મેળવેલું જ્ઞાન જ પર્યાપ્ત છે, એવું માનીને ચાલનારો વર્ગ પણ હોય જ. ક્યાંક અંહકાર તો ક્યાંક ઉત્સાહમાં આવી વ્યક્તિ પોતાની ધારણાઓ લઈને હોય ત્યાંજ અટકી જાય છે.પણ તેના સદ્નસીબે જો તેને સુયોગ્ય ગુરુ મળી જાય તો તેનો ભ્રમ ભાંગે અને તેને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય. એ જ શિક્ષણને પૂર્ણતા તરફ લઇ જાય.બૃહદાકારણ્ય ઉપનિષદમાં ગર્ગ ગોત્રીય બાલાકી અને કાશી નરેશ અજાતશત્રુનો સંવાદ આવી ઉત્તમ શિક્ષણ વિભાવના પર પ્રકાશ પાડે છે.
શુક્લ યજુર્વેદની કણ્વ શાખાના વાજસનેયિ બ્રાહ્મણ-શતપથ બ્રાહ્મણ અંતર્ગત આવેલું બૃહદાકારણ્ય ઉપનિષદ નામ પ્રમાણે ગુણધર્મ ધરાવે છે બૃહદ એટલે મોટું અને આરણ્યક એટલે વનમાં વિકસિત થયેલું છે . છ અધ્યાય અને દરેક અધ્યાયમાં અનેક બ્રાહ્મણ અને એમાં અનેક બૌદ્ધિક ,તર્ક સંગત સંવાદો-વિમર્શ અને ચર્ચા. પ્રાચીન કાળમાં ભારતીય જ્ઞાનની ટોચ કેટલી ઊંચી હતી અને જ્ઞાન કોને કહેવાય અને કેમ મેળવાય તેનું દર્શન આ ઉપનિષદમાં છે.
પોતાની વિદ્વતાનો થોડો અહંકાર લઈને અને કદાચ થોડી અપેક્ષાને લઈને પોતાના જ્ઞાનને અભિવ્યક્ત કરવા ગર્ગ બાલાકી, કાશીનરેશ અજાત શત્રુ પાસે ગયા ॐ दृप्तबालाकिर्हानूचानो गार्ग्य आस । स होवाचाजातशत्रुं काश्यं
ब्रह्म ते ब्रवाणीति । स होवाचाजातशत्रुः सहस्रमेतस्यां वाचि दद्मो जनको जनक इति वै जना धावन्तीति ॥.’ હું તમને બ્રહ્મજ્ઞાન આપવા આવ્યો છું’ પોતે પણ વિદ્વાન હોવા છતાં,સ્વાગત આદર કરી કાશીનરેશએ ખુશી વ્યક્ત કરીને તેમને જ્ઞાન પીરસવાની અનુમતિ આપી.બાલાકીએ પ્રારંભ કર્યો,’ આદિત્યમા રહેલા પુરુષની હું બ્રહ્મરૂપમાં ઉપાસના કરું છું.’ य एवायमाकाशे पुरुष एतमेवाहं ब्रह्मोपास इति । અજાતશત્રુએ એમને રોક્યા.કોઈ પોતાની માન્યતાનું શિક્ષણ આપી જાય તે કેમ સ્વીકારી શકાય ? છતાં પોતાના પ્રત્યુત્તરમાં યોગ્ય તર્ક પણ હોય તે જરૂરી છે કેમકે સામેના જાણકારને પણ તે સ્વીકાર્ય હોય સત્ય અને પ્રમાણભૂત શિક્ષણ મેળવવા માટેની આ પૂર્વ શરત છે.અજાતશત્રુએ તેમને અટકાવીને પ્રત્યુત્તર આપ્યો, ‘ એવું ન કહેશો.એ તો મૂર્ધા ( મસ્તક ) સ્વરૂપ છે. દીપ્તિમાન છે. બધાના રાજા છે તેવાં બ્રહ્મસ્વરૂપ્ને સમજીને તેની ઉપાસના કરું છું.’ अतिष्ठाः॒ स॒र्वेषां भूता॒नांमूर्धा॒ रा॒जे॒ति वा॒ अह॒मेत॒मु॒पास इ॒ति|
બાલાકીએ પોતાના જ્ઞાનની અભિવ્યક્તિ આગળ વધારી,’ચંદ્રમામાં રહેલા પુરુષને હું બ્રહ્મ સ્વરૂપ માની ઉપાસના કરું છું.’ ફરી રાજાએ આ વિચારનો અસ્વીકાર કર્યો.’ એવું ન કહેશો. ચંદ્રમાં તો શુભ્ર વસ્ત્ર ધારણ કરનાર રાજા સોમ વિરાજમાન છે અને એમની ઉપાસના કરનારની સંપન્નતા કાયમ જળવાઈ રહે છે.’-सो॒मो रा॒जे॒ति वा॒ अह॒मेत॒मु॒पास इ॒ति । स॒ य॒ एत॒मेव॒मुपा॒स्ते॒, अहर्-अहर्हसुतः॒ प्र॒सुतो भवति, ना॒स्या॒न्नं क्षीयते । બાલાકીની વિદ્યુત શક્તિમાં રહેલાં પુરુષ તત્ત્વને બ્રહ્મરૂપ સમજી ઉપાસના કરવાની વાત પણ રાજા અજાતશત્રુને માન્ય નહોતી તેમણે પ્રત્યુત્તર આપ્યો,.’તેજ સ્વરૂપ આ વિદ્યુતશક્તિને જે બ્રહ્મ સ્વરૂપ સમજીને ઉપાસના કરે તે પોતે તો તેજસ્વી બને,તેની સંતતિ પણ તેજસ્વીતા પ્રાપ્ત કરે છે. ‘ स॒ य॒ एत॒मेव॒मुपा॒स्ते, तेजस्वी॒ ह भवति, तेजस्वि॒नी हास्य प्रजा॒ भवति ।
ગર્ગગોત્રીય બાલાકીએ પોતાની જ્ઞાનવાણી આગળ વધારી.’ આકાશમાં રહેલા પુરુષને જ બ્રહ્મ સ્વરૂપ સમજી ઉપાસના કરું છું.’ અસ્વીકાર સૂરમાં અજાતશત્રુએ ઉત્તર વાળ્યો ,’ હું તો એ આકાશતત્ત્વને પૂર્ણ માનીને જ ઉપાસના કરું છું.કેમકે તેની એ રીતે ઉપાસના કરવાથી ક્યારેય નષ્ટ ન થનારી તેની પ્રજા અને પશુઓ પણ પરિપર્ણ રહે છે.’ स॒ य॒ एत॒मेव॒मुपा॒स्ते, पूर्य॒ते प्रज॒या पशु॒भिःना॒स्यास्मा॒ल् लोका॒त्प्रजो॒द्वर्तते। બાલાકીએ જયારે વાયુને પણ પુરુષ તરીકે બ્રહ્મ માનવાની વાત કરી ત્યારે ફરી રાજાથી ન રહેવાયું,’ હું એ વાયુની તો ઇન્દ્ર, વૈકુંઠ અને અપરાજેય સેના તરીકે બ્રહ્મ સ્વરૂપ માની ઉપાસના કરું છું.તેનો ઉપાસક ,કદી ન હારવાવાળા, વિજેતા બની રહે છે.’ स॒ य॒ एत॒मेव॒मुपा॒स्ते, जिष्णु॒र्हा॒पराजिष्णुर्भवत्यन्यतस्त्यजायी॒।
જયારે ગર્ગ બાલાકીએ આગ્નેયશક્તિને પુરુષ ગણીને ઉપાસનાની વાત કરી ત્યારે તો કાશી નરેશ અકળાયા ‘.બ્રહ્મ વિષે વ્યર્થ ઉચ્ચારશો જ નહિ. અગ્નિમાં તો બધું સહન કરવાની ને આત્મસાત કરવાની શક્તિ છે.તેની એ રીતે બ્રહ્મ ઉપાસના કરે તે વિષાસહી ( આત્મસાતનો સામર્થ્યવાન ) બને છે અને તેની પ્રજા પણ તેવી જ થાય છે.’स॒ य॒ एत॒मेव॒मुपा॒स्ते, विषास॒हिर्ह भवति, विषास॒हिर्हास्य प्रजा॒ भवति। બાલાકીએ જળના પુરુષ તત્વને અને દર્પણમાં રહેલા છાયાપુરષને જ બ્રહ્મ માનવાની પોતાની દલીલ કરી એટલે રાજા અજાતશત્રુએ નકાર ભણીને સંભળાવી દીધું કે, ’જલતત્ત્વ અને દર્પણનો છાયાપુરુષ તો દેદીપ્યમાન બ્રહ્મ સ્વરૂપ છે એટલે તેની જો તે રીતે ઉપાસના કરવામાં આવે તો ક્યારેય પોતાનું અપ્રતિરૂપ પ્રાપ્ત થતું નથી.અને દર્પણના દિદિપ્યમાનરૂપને બ્રહ્મ સ્વરૂપ ગણી કરેલી ઉપાસનાથી પ્રકાશવાન અને તેજસ સંપન્નતા પ્રાપ્ત થાય. रोचिष्णु॒र्हास्य प्रजा॒ भवति अ॒थो यैः॒ सन्निग॒च्छति, स॒र्वाꣳस्ता॒न॒तिरोचते। ગમન કરનારા ( ‘જનારા ) ની પાછળ જે શબ્દ થાય છે તેને જ હું બ્રહ્મ સ્વરૂપ માની ને ઉપાસના કરું છું.તેવું કહી બાલાકીએ પોતાની જ્ઞાનમર્યાદા છતી કરી પણ તુરત્ત જ તેનું ખંડન કરતાં રાજા અજાતશત્રુએ ખુબ મોટું સત્ય તેમની સામે મૂક્યું,’ હું તો એને પ્રાણના રૂપમાં જ બ્રહ્મ સ્વરૂપ સમજીને ઉપાસના કરું છું.અને એ રીતે ઉપાસના કરનાર પૂર્ણ આયુષ્ય પ્રાપ્ત કરે છે.એમનું અકાળ મૃત્યુ થતું નથી.’ स॒ य॒ एत॒मेव॒मुपा॒स्ते, स॒र्वꣳ हैवा॒स्मि॒ꣳल् लोक॒ आ॒युरेति, नै॒नं पुरा॒ काला॒न्मृत्यु॒रा॒गच्छति।
હવે બાલાકીએ પોતાના જ્ઞાનની પરાકાષ્ટા પ્રસ્તુત કરી,’ હું તો આત્મામાં રહેલા પુરુષને જ બ્રહ્મ માની ઉપાસના કરું છું.’ કદાચ બાલાકીએ માન્યું હશે કે આ તો અંતિમ સત્ય હશે જ પણ જ્ઞાની કાશી નરેશએ ત્વરિત ઉત્તર વાળી દીધો,’ હું તો એમને બ્રહ્મ જિજ્ઞાસુ ( આત્મન્વિ ) એમ જાણીને ઉપાસના કરું છું.એ બ્રહ્મ જિજ્ઞાસુ જ હોય અને રહે છે.’ અજાતશત્રુએ- બ્રહ્મની જિજ્ઞાસાનું સાતત્ય રહે એ જ સાચો બ્રહ્મ ઉપાસક છે– એવું પ્રતિપાદિત કર્યું. આખરે બાલાકી મૌન રહ્યા.તેની પાસે કહેવા જેવું કશુંય ન રહ્યું. स॒ य॒ एत॒मेव॒मुपा॒स्त, आत्मन्वी॒ ह भवति आत्मन्वि॒नी हास्य प्रजा॒ भवति। स॒ ह तूष्णी॒मास गा॒र्ग्यः।
શિક્ષણની સાચી વિભાવના એ કે શિષ્યની તમામ શંકાઓ દૂર ન થાય ત્યાં સુધી મંડી જ પડવું.બાલાકીની મર્યાદા જાણી લીધા પછી પણ સવાલ એ થયો કે બાલાકીની શંકાનું સમાધાન કેમ કરવું ? રાજાથી તે વિદ્યા કેમ અપાય ? પણ આ તો અજાતશત્રુ હતા.સિંહાસન પરથી ઉઠ્યા વધારે સ્પષ્ટ થાય એટલા માટે તેઓ બાલાકીને એક સુતેલા પુરુષ પાસે લઇ ગયા स होवाचाजातशत्रुः प्रतिलोमं चैतद्यद्ब्राह्मणः क्षत्रियमुपेयाद् ब्रह्म मे वक्ष्यतीति । व्येव त्वा ज्ञपयिष्यामीति । तं पाणावादायोत्तस्थौ । तौ ह पुरुषꣳ सुप्तमाजग्मतुस्तमेतैर्नामभिरामन्त्रयांचक्रे बृहन्पाण्डरवासः सोम राजन्निति । स नोत्तस्थौ । तं पाणिनाऽऽपेषं बोधयांचकार । स होत्तस्थौ ॥.માત્ર –‘ હે, શ્વેતામ્બરધારી ‘- એવું સામાન્ય સંબોધન કરી તેમને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો પણ ગાઢ નિદ્રાવાળા ભાઈ જાગ્યા નહિ. પછી તેને ઢંઢોળ્યા અને તે જાગી ગયા.અજાતશત્રુએ બાલાકીને સવાલ કર્યો, કે ,’ આ સૂતેલો પુરુષ ક્યાં હતો ?’ બાલાકી ઉત્તર ન આપી શક્યા .અજાતશત્રુએ ‘ પ્રસુપ્ત અવસ્થાના પુરુષની સ્થિતિ વખતે પણ પ્રાણ જ સત્ય છે અને આત્મા જ સત્ય છે’ એમ વિસ્તૃત રીતે સમજણ આપીને તેમને જ્ઞાન પરિતૃપ્ત કર્યા. स॒र्वे प्राणाः॒ स॒र्वे लोकाः॒ स॒र्वे देवाः॒स॒र्वाणि भूता॒नि स॒र्व एत॒ आत्म॒नो ॐ सर्व …व्यु॒च्चरन्ति । त॒स्योपनिष॒त्सत्य॒स्य सत्य॒मितिः प्राणा॒ वै॒ सत्यं॒, ते॒षामेषसत्य॒म् । કરોળિયાની તંતુઓ દ્વારા ઉર્ધ્વગતિ અને અગ્નિની ઊંચે ચડતી જ્વાળાઓના ઉદાહરણથી બાલાકીનો પાઠ પૂરો પાકો કર્યો. स यथोर्णभिस्तन्तुनोच्चरेद् यथाऽग्नेः क्षुद्रा विष्फुलिङ्गा
व्युच्चरन्त्येवमेवास्मादात्मनः सर्वे प्राणाः सर्वे लोकाः सर्वे देवाः सर्वाणि भूतानि व्युच्चरन्ति । सर्वे ॥।
व्युच्चरन्ति तस्योपनिषत्सत्यस्य सत्यमिति प्राणा वै सत्यं तेषामेष सत्यम् ॥આ કથા માટે મહર્ષિ અરવિંદ પોતાનો મત આપતાં કહે છે કે ‘ અજાતશત્રુએ પોતાના અનુભવોને સામે રાખીને બાલાકીની ધારણાઓ સામે નક્કર સત્ય મૂક્યું છે.’ એક ઉત્તમ ગુરુ શિષ્યની માન્યતા કે ધારણાને સકારાત્મક અને તર્કથી વધુ સ્પષ્ટ કરે એ આવશ્યક વિભાવના છે.એમ આ બૌદ્ધિક સંવાદ કહી જાય છે.
શ્રી દિનેશ માંકડનું ઈ-મેલ સંપર્ક સરનામું :- mankaddinesh1952@gmail.com
-
માણસ છે, બિઝનેસ કરે છે
વ્યંગ્ય કવન
કૃષ્ણ દવે
પતંગિયાની પાંખો છાપે, માણસ છે, બિઝનેસ કરે છે,
ઝાકળ પણ પાઉચમાં આપે, માણસ છે, બિઝનેસ કરે છે.અજવાળાનો સ્ટોક કરીને, સુરજને પણ બ્લોક કરીને,
પોતે તડકો થઇને વ્યાપે, માણસ છે, બિઝનેસ કરે છે.સંબધોની ફાઇલ રાખીને, ચહેરા પર સ્માઇલ રાખી,
લાગણીઓ લહેરથી કાપે, માણસ છે, બિઝનેસ કરે છે.શબ્દ શબ્દને વાટી વાટી, અર્થોનું કેમિકલ છાંટી,
જળમાં પણ ચિનગારી ચાંપે, માણસ છે, બિઝનેસ કરે છે.કલરવને પણ ટેપ કરીને, કંઠ ઉપર પણ રેપ કરીને,
માંગો તે ટહુકા આલાપે, માણસ છે, બિઝનેસ કરે છે.ચકમક લોઢું ઘસતાં ઘસતાં, ફૂંક લગાવી હસતાં હસતાં,
જ્યાં જ્યાં સળગે ત્યાં ત્યાં તાપે, માણસ છે, બિઝનેસ કરે છે.પોતાનું આકાશ બતાવી, સુરજ, તારા, ચન્દ્ર ગણાવી,
વાદળ ફૂટપટ્ટીથી માપે, માણસ છે, બિઝનેસ કરે છે. -
મલ્હાર
સરયૂ પરીખ
મેહુલા ને અવનીની અવનવી પ્રીત,
માદક ને મંજુલ, ગવન ગોષ્ઠિની રીત.કળીઓને થાય હવે ખીલું સજી સાજ,
મારો મેહ આવ્યો લઈ મોતીનો તાજ.ચાતક બપૈયાની ઉંચી રે ચાંચ,
સંતોષે ટીપાથી અંતરની પ્યાસ.કણ કણ માટીને મળી એક એક ધાર,
ઓતપ્રોત અંકિત અનોખી રસ ધાર.મીઠો તલસાટ સહે મેહુલાનો માર,
ધરતી દિલ ભરતી થનગનતી દઈ તાલ.મને એમ લાગે તું મારો મેઘ રાજ,
સૂની સૂની તુજ વિણ તું આવ્યો મારે કાજ.મારો મન મોરલો નાચે થનકાર,
જ્યારે તું આવે હું સુણતી મલ્હાર.“પ્રીત ગુંજન” — ૧૫૦ વર્ષના પ્રણય કાવ્યોના પ્રતિનિધિ સંગ્રહમાં આ કાવ્ય પ્રકાશિત થયેલ. આ સંગ્રહમાં મારા મામા, કવિ નાથાલાલ દવેનું કાવ્ય પણ હોવાથી મને વિશેષ આનંદ થયો.
સુશ્રી સરયૂ પરીખ – saryuparikh@gmail.com
-
‘મંત્ર’ – ભાગ ૨
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
ડૉક્ટર ચઢ્ઢાના દીકરા કૈલાશના જન્મદિનના સમારંભમાં એકઠા થયેલા મિતો અને મહેમાનોની હાજરીમાં સાપ અંગેની પોતાની જાણકારી અને કૌશલ્ય દર્શાવવા તત્પર કૈલાશને એક ઝેરી સાપ ડંખ મારે છે અને એનું ઝેર કૈલાશના શરીરમાં વ્યાપી જાય છે. ગતાંકથી અધૂરી વાત અને વાર્તામાં શું થાય છે એ આજે જોઈએ.
ઝેરી સાપના ડંખથી કૈલાશની હાલત મરણતોલ બની ગઈ. ડૉક્ટર કૈલાશ ચઢ્ઢાનો અનુભવ અને એમનું દાકતરી કૌશલ્ય પણ અર્થહીન બની રહ્યા. કોઈ કારી, કોઈ ઉપાય ન દેખાતા થોડી ઘણી શક્યતા વિચારતા ત્યાં હાજર મહેમાનોમાંથી એક જણે સાપનું ઝેર ઉતારનાર કોઈ મંત્રના જાણકારને બોલાવવા સલાહ આપી.
આજે આ વાત કદાચ આધુનિક તબીબી શાસ્ત્રના જાણકારના મનમાં ન બેસે, એવી જ રીતે ડૉક્ટર ચઢ્ઢાનું મન પણ આ વાત સ્વીકારવા તૈયાર ન થાત પણ એક પક્ષે પોતાની જીદ અને બીજા પક્ષે દીકરાનો જીવ હતો. સ્વાભાવિક છે ડૉક્ટરના દિમાગની જીદની સામે દીકરાનો જીવ બચાવવા ઇચ્છતા પિતાના દિલનું પલ્લું જરા વધુ નમી ગયું. ડૂબતો તરણું ઝાલે એમ એ આશાભરી નજરે પેલા મહેમાનની સામે જોઈ રહ્યા. ડૉક્ટરની નજર પારખતા બીજા મહેમાને આ વાત પર જરા જોર આપ્યું,
“અરે, કબરમાં પડેલી લાશમાં પણ પ્રાણ ફૂંકાયાના દાખલા જોયા છે સાહેબ, ઝાઝું વિચારવાના બદલે મંત્રના જાણકારને બોલાવો.”
“મારી અક્કલ પર પણ પડદો પડી ગયો હતો કે હું કૈલાશની વાતોમાં આવી ગયો. એ જ વખતે નસ્તર મૂકી દીધું હોત તો આ નોબત ન આવત. કહ્યું હતું કે સાપ ન પળાય પણ મારું સાંભળ્યું જ નહીં, હવે બોલાવો કોઈ ઝાડું-ફૂંક કરવાવાળાને, મારું જે જોઈએ એ આપી દઈશ, મારી તમામ મિલકત એના ચરણોમાં ધરી દઈશ, લંગોટી બાંધીને ઘરની બહાર નીકળી જઈશ, પણ મારા કૈલાશને બચાવી લો કોઈ.” ડોક્ટર ચઢ્ઢાના અવાજમાં કંપન હતું કે આક્રોશ?
જે બની ગયું એ કલ્પનાતિત હતું. મા-બાપ તો એના માથે વરરાજાનો સાફો બંધાય એની રાહમાં હતાં, મૃણાલિનીનું કલ્પનાવૃક્ષ નવ પલ્લવિત બનવાની રાહમાં હતું, નવવધૂ બનીને એના પાલવમાં અક્ષત- ફૂલો ઝીલવાના બદલે એનો પાલવ રક્તરંજિત બની જશે એવું તો કોણે વિચાર્યું સુદ્ધાં હોય!
પણ એમ બન્યું હતું. કૈલાશ સાથે સહજીવનના સપના જોતી મૃણાલિનીની નજર સામે મૃતપ્રાય કૈલાશનું શરીર પડ્યું હતું. પોતાની એક નાની અમસ્તી જીદ અને પછી કૈલાશની પોતાના કૌશલ્યને સાબિત કરવાની વધુ પડતી જીદ, એવા સંજોગો ઊભા કરશે જેનો કોઈ ઉપાય કે ઉકેલ જ નહી મળે એવું તો વિચાર્યું ન હોય ને? ન બનવાનું બની ગયું હતું.
કોઈ મહાશય મંત્ર-તંત્રના જાણકારને બોલાવી આવ્યા પણ કૈલાશનો ચહેરો જોતાની સાથે કશું કરવાની હિંમત ન ચાલી. ગજબનો સન્નાટો છવાઈ ગયો. આ એ જ થોડા સમય પહેલા હતું એ હર્યુ-ભર્યું મેદાન હતું. એની પર પથરાયેલી રૂપેરી ચાંદની પણ એમ જ યથાવત રેલાઈ રહી હતી. એ જ મિત્રો અને એ જ મહેમાનો હતાં પણ જ્યાં આનંદ છલકતો હતો ત્યાં સૌની આંખોમાં આંસુ હતાં, હાસ્યનો ધ્વનિ સંભળાતો હતો ત્યાં કરુણ આક્રંદ હતું.
શહેરના આ સ્તબ્ધ વાતાવરણથી ઘણે દૂર, તદ્દન અલગ દિશામાં એક સાવ જીર્ણશીર્ણ ઘરમાં એક ડોસો અને એક ડોસી અંગીઠીની સામે બેસીને ઠંડીની રાતમાં થોડીક હૂંફ મેળવવાની મથામણ કરતાં હતાં. ઘરમાં ન તો ચારપાઈ હતી કે ન તો સરખી પથારી. ખૂણામાં એક ચૂલો હતો જેના પર દિવસે ડોસી રાંધતી અને રાત પડે બંને જણ તાપતાં. દિવસે ક્યાંકથી મળતી સૂકી લાકડીઓ એકઠી કરીને ડોસો બજારમાં વેચી આવતો. આ એમની આજીવિકા હતી. કોઈએ એમને ન તો રાજી જોયાં હતાં જે ન તો નારાજ. બસ આમ જ એમના દિવસો પસાર થતાં હતાં. આજનું આજે ખાધું કાલની વાત કાલે એવું એકબીજાને આશ્વાસન આપતાં હતાં ત્યાં કમાડ ખખડ્યું. ડોસાએ બારણું ખોલ્યું.
“ભગત, કંઈ સાંભળ્યું? ડૉક્ટર ચઢ્ઢાના દીકરાને સાપે ડંખ માર્યો છે. આખા શહેરમાં હલ્લો મચ્યો છે. જો જઈ શકો તો નામ અને દામ બંને થશે.”
ડોસાએ કઠોર ભાવે મુંડી હલાવીને ઘસીને ના પાડી દીધી.
“જાય મારી બલા, મારે કંઈ નથી જવું. આ એ જ ચઢ્ઢા છે જેના પગે પડીને દીકરાનું જીવતદાન માંગ્યું હતું સાંભળવાની વાત તો દૂર, નજર સુદ્ધાં નહોતી નાખી. ભગવાન સાક્ષી છે એ વખતે મારી શું દશા હતી ,હવે એને ખબર પડશે કે દીકરાના મોતનું દુઃખ કેવું હોય છે.”
“ભગત, નહીં જ જાવ?” આવનારે પૂછ્યું
“ના, જે થયું એ ઠીક જ થયું છે. મારું કલેજું ટાઢું પડ્યું હવે એનો દીકરો ટાઢો પડશે. જાઓ ભાઈ, આજે હવે હું નિરાંતે સૂઈશ. હવે એને ખબર પડશે, બધી સાહ્યબી નીકળી જશે. અમારું શું ગયું? જ્યાં છ છોકરાંઓ મર્યાં ત્યાં એક વધારે. એનું તો ઘર સૂનું થઈ જશે. જઈશ, એક વાર તો એને જોવા જરૂર જઈશ, પણ આજે નહીં થોડા દિવસ પછી એની હાલત જોવા જ જઈશ.” અને ભગતે દરવાજો બંધ કરીને નિરાંતે પોતાની ચિલમમાં તમાકુ ભર્યું અને બેઠા બેઠા જાત સાથે વાત કરતા હોય એમ ડોસીની સામે જોઈને બડબડાટ શરૂ કર્યો.
“મારે શું કામ જવું જોઈએ? યાદ છે, બરાબર યાદ છે મને, એણે મારા દીકરા સામે એક નજર સુદ્ધાં નાખી નહોતી. મનેય ખબર તો હતી કે એ બચવાનો નથી અને ડૉક્ટર કંઈ ઈશ્વર નહોતો કે એની આંખોમાંથી કંઈ અમી વરસવાનું નહોતું કે એનાથી મારો દીકરો બચી જાત. જોઈ લે હવે ડૉક્ટર તું પણ આ રંગ જોઈ લે.”
ભગતના જીવનનો આ પહેલો અવસર હતો જ્યારે એ આવા સમાચાર સાંભળીને બેસી રહ્યા હોય. એમના એંસી વરસના જીવનમાં કેટલીય વાર કોઈને સાપ ડંખ્યો હોય અને એ દિવસ કે રાત, ઠંડી કે ગરમી, શ્વાવણ કે ભાદરવો જોયા વગર નિઃસ્વાર્થભાવે દોડ્યા હતા. એમના મંત્રોથી કેટલાંયને જીવન-દાન મળ્યું હતું.
ચિલમ પૂરી થતા ભગત સૂઈ તો ગયા પણ ઊંઘી ન શક્યા. એક અજાણ્યો ભાર એમના હ્રદયને ભીંસી રહ્યો. મનમાં વિચારો અને લાગણીઓ વચ્ચે તુમુલ યુદ્ધ ખેલાતું અનુભવી રહ્યા. અંતે એ ઊઠ્યા અને હળવેથી દરવાજો ખોલીને ચાલવા માંડ્યા. ડગમગતા પગે એ આગળ ચાલ્યા તો ખરા પણ પગ ડગમગે છે કે મન એ નક્કી નહોતા કરી શકતા. ચેતના અને બધિરતાની વચ્ચે મન અટવાતું હતું કે પગ? મન આગળ વધવા માટે પ્રતિકાર કરી રહ્યું હતું અને કર્મને આધિન વિચારો પગને આગળ ધકેલી રહયા હતા. સતત મનની દ્વિધા વચ્ચે ઝોલા ખાતો એક તરફ બાપ હતો એક તરફ ભલા ભગત જે કોઈનાય ભલા માટે ક્યારેય પાછા પડ્યા નહોતા.
મન અને હ્રદય એકમેક સાથે દલીલો પર ઉતરી ગયાં હતાં,
“આવી ઠંડી રાતમાં મારે શું કામ જવું જોઈએ? ઊંઘ ન આવે તો બે-ચાર ભજન ગાઈ લેવા જોઈએ ને? વ્યર્થ આવી દોડાદોડ કરવાની મારે શું જરૂર? ચઢ્ઢાનો દીકરો કાલે મરતો હોય તો આજે મરે. આવા તો દુનિયામાં હજારો લોકો મરે છે, મારે કોઈ મરે કે જીવે એનાથી શું મતલબ? મનમાં સતત ઘોળાતા વિચારો છતાં ભગતના પગ આગળ વધતા રહ્યા.
“અરે! હું કંઈ મંત્ર-તંત્ર કરવા ક્યાં જઉ છું? આ તો જરા જઈને ડૉક્ટરને રોતા કકળતા જોઈશ, આ મોટા લોકો માથું પછાડીને રડતાં હશે કે પછાડો ખાતાં હશે? અરે ના, એ લોકો તો બહુ વિદ્વાન હોય એમને તો ધીરજ રાખતા આવડે.”
આખા રસ્તે ભગતનું મન એક પછી એક સવાલની સામે જાતે જ જવાબ આપતું રહ્યું અને ભગત ડૉક્ટરના ઘર સુધી પહોંચી ગયા.
ઘરની લાઈટો ચાલુ હતી પણ સન્નાટાની છાયાથી જાણે એ રોશની ઝાંખી લાગતી હતી. મહેમાનો વિદાય થઈ ગયાં હતાં. સવાર થાય અને શબ ગંગાની ગોદમાં વહેતું મૂકવાની રાહમાં ઘરના બેઠાં હતાં. રોક્કળ શાંત પડી ગઈ હતી.
બારણે પહોંચીને ધ્રુજતા અવાજે ભગતે પોતાની હાજરી નોંધાવી. ખિન્ન વદને ડૉક્ટર બહાર આવ્યા ઝૂકેલી કમર, થાકેલી ઉંમરને લાકડીના ટેકે ભેરવીને ઊભેલા એક બુઢ્ઢા આદમીને જોઈને ડૉક્ટર એને દર્દી સમજી બેઠા. પહેલાની અકડ તો આ ક્ષણે રહી નહોતી, માથું ધૂણાવી નમ્રતાથી એમને તપાસવાની ના પાડી.
“ભાઈ આજે તો મારા પર જ મુસીબતનો પહાડ તૂટી પડ્યો છે. આજે તો શું એક મહિના સુધી હું કોઈ દર્દીને જોઈ શકુ એવી મનોસ્થિતિ નથી.”
“જાણુ છું અને એટલે જ આવ્યો છુ. ભાઈને જરા જોઈ લેવા દો. ઈશ્વરની કૃપા અપાર છે. એણે ધાર્યું તો બધું ઠીક થઈ જશે. મડદામાં પણ જીવ આવશે.” ભગતે પોતાના આવવાનું કારણ આપ્યું.
“જોઈ લો, બાકી ઘણાં મંત્ર-તંત્ર જાણવાવાળા આવ્યા અને એને જોઈને જ પાછા વળી ગયા.” ડૉક્ટરે વ્યથિત અવાજે જવાબ આપ્યો. એમને આશા તો નહોતી પણ જાણે બુઢ્ઢા આદમી પર દયા આવી. જરાક ખસીને જગ્યા કરી આપી.
ભગતે લાશને જોઈને માત્ર સ્મિત આપતા કહ્યું, “હજુ કશું નથી બગડ્યું બાબુ, નારાયણની મરજી હશે તો ભાઈ અડધા કલાકમાં બેઠા થઈ જશે, બસ ખાલી જરા કોઈને ડોલો ભરી ભરીને પાણી લાવવાનું કહો.”
નોકરોએ પાણી ભરેલી ડોલોથી કૈલાશને નવડાવવાનું શરૂ કર્યું. કૈલાશ બેઠો થવાનો જ છે એવા અગાધ વિશ્વાસથી ભગત મંત્ર બોલતા રહ્યા. કોણ જાણે કેટલીય વાર ભગત મંત્ર જપતા રહ્યા. રાત આગળ વધતી રહી, મંત્ર જાપ ચાલતા રહ્યા અને ઉષાએ લાલ કિરણોથી આંખો ખોલી ત્યારે એની સાથે કૈલાશે પણ એની બંધ આંખો ખોલી. એકાદ ક્ષણમાં તો એણે આળસ મરડી અને લાંબા સમયની ઊંઘમાંથી જાગ્રત થયો હોય એમ એકાદ ક્ષણમાં તો એણે આળસ મરડી અને પાણી માંગ્યું. ડૉક્ટર દોડ્યાને બહાર આવીને નારાયણીને ખબર આપી, નારાયણી દોડીને ભગતના પગમાં પડી. આંસુ સારતી મૃણાલિની કૈલાશની ખબર પૂછી રહી હતી.
થોડી વારમાં જ ચારેકોર ખબર પ્રસરી ગઈ. કૈલાશને જોવા લોકોનાં ટોળા ઊમટ્યાં. મિત્રવૃંદ મુબારકબાદ આપવાં આવવાં માંડ્યા. ડૉક્ટર અત્યંત શ્રદ્ધાપૂર્વક ભગતની પ્રસંશા કરતા રહ્યા. લોકો ભગતના દર્શન કરવાં ઉત્સુક બન્યાં.
ડૉક્ટરે અંદર જઈને જોયું તો, ભગત નહોતા.
“અરે, હમણાં સુધી તો અહીં બેઠા ચિલમ પીતા હતા, અમે તમાકુ આપવા માંડી તો એ પણ ના લીધી. પોતાની પાસે હતી એ તમાકુ જ ભરી.” નોકરોએ જવાબ આપ્યો
ભગતને કોઈ મોટી રકમ આપવી એવું ડોક્ટર અને નારાયણી વિચારતાં રહ્યાં અને ભગત તો મક્કમ ચાલે ઘર તરફ આગળ ને આગળ વધી રહયા હતા.
“રાત્રે તો મેં એમને ઓળખ્યા નહોતા પણ સવારે એમનો ચહેરો જોઈને આછું યાદ આવતું હતું કે એ કોઈ દર્દીને લઈને આવ્યા હતા, મારી રમતનો સમય થતો હતો એટલે મેં જરાય ધ્યાન નહોતું આપ્યું, પણ હવે જો મને મળે તો એમના પગે પડીને મારા અપરાધની ક્ષમા માંગી લઈશ. હવે સમજાય છે કે આવા લોકોનો જન્મ પરોપકાર માટે જ થાય છે. એમની સારપે તો મને જીવનભરનો પાઠ શીખવાડી દીધો.” ડૉક્ટર નારાયણીને કહી રહયા હતા.
પ્રેમચંદ મુનશી લિખિત વાર્તા – મંત્ર – પર આધારિત
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
વાદ્યવિશેષ : (૪) – કળવાદ્યો : એકોર્ડીયન [૨]
ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી
ગઈ કડીમાં આપણે એકોર્ડીયનનો પ્રાથમિક પરિચય મેળવ્યા પછી તેનો પ્રભાવક ઉપયોગ થયો હોય તેવાં કેટલાંક ચુનંદાં ગીતો માણ્યાં. આ કડીમાં ફરી એક વાર એકોર્ડીયન વાદન ધરાવતાં યાદગાર હિન્દી ફિલ્મી ગીતો સાંભળીએ.
૧૯૫૦ની સાલમાં હિન્દી ફિલ્મી વાદ્યવૃંદમાં પહેલી વાર એકોર્ડીયનના પદાર્પણ બાદ ૧૯૭૦ સુધીના બે દાયકા દરમિયાન લગભગ બધા જ સંગીતનિર્દેશકો અને તેમના સંયોજકોએ તેનો ખુબ જ કર્ણપ્રિય ઉપયોગ કર્યો.

૧૯૫૧ની ફિલ્મ ‘આવારા’ના ગીતથી શરૂઆત કરીએ. શંકર-જયકિશનના સ્વરાંકનમાં મઢાયેલા આ ગીતની શરૂઆત એકોર્ડીયન પર વાગેલા પૂર્વાલાપ/Preludeથી થાય છે. વળી બીજા અંતરા પહેલાંના મધ્યાલાપ/Interlude દરમિયાન ૧.૨૯ થી ૧.૩૧ સુધીમાં વાદક ગૂડી સીરવાઈની એક ઝલક પણ જોવા મળી જાય છે.
ફિલ્મ ‘પૂનમ’ (૧૯૫૨)માં પણ શંકર-જયકિશનનું સંગીત હતું. તેના આ ગીતના માધુર્યમાં એકોર્ડીયનવાદન ઉમેરો કરે છે.
ફિલ્મ ‘પતિતા’(૧૯૫૩)ની સફળતામાં શંકર-જયકિશનના સંગીતનિર્દેશનમાં બનેલાં ગીતોનો મોટો ફાળો હતો. તેમાંના તલત મહમૂદના સ્વરમાં ગવાયેલા એક ગીતની શરૂઆત જ એકોર્ડીયન પર છેડાયેલા પૂર્વાલાપ/Preludeથી થાય છે. સમગ્ર ગીત દરમિયાન એકોર્ડીયનની હાજરી સતત વર્તાતી રહે છે.
https://www.youtube.com/watch?v=T_QKUWk6anI
૧૯૫૫માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘રૂખસાના’ વ્યવસાયિક ધોરણે સાવ નિષ્ફળ નીવડી હતી. પણ સજ્જાદ હુસેનના સંગીતનિર્દેશનમાં બનેલાં તેનાં ગીતો પૈકીનું એક ખાસ્સું લોકપ્રિય બન્યું હતું. એ યુગલગીતમાં ખુબ જ નોંધનીય એકોર્ડીયનવાદન સાંભળવા મળે છે. સમગ્રપણે એવી અસર ઉપજે છે કે જાણે કોઈ ઉલ્લાસમય વાતાવરણમાં દોડાદોડી કરી રહેલું એક નાનકડું બાળક ટહુકા અને ખીલખીલાટ વડે સતત પોતાની હાજરી પૂરાવતું રહેતું હોય!
ઓ.પી. નૈયરના નિર્દેશનમાં બનેલાં ગીતો ધરાવતી ફિલ્મ ‘મંગુ’ (૧૯૫૪)નું આ ગીત સાંભળતાં વિચાર આવે કે ગાયકીની સંગત એકોર્ડીયન કરી રહ્યું છે કે પછી એકોર્ડીયનની સંગત ગાયકી દ્વારા થઈ રહી છે!
૧૯૫૪માં જ પ્રદર્શિત થયેલી અને ઓ.પી. નૈયરનું જ સંગીત ધરાવતી ફિલ્મ ‘આર પાર’ના પ્રસ્તુત ગીતમાં પણ યાદગાર એકોર્ડીયન વાદન સાંભળવા મળે છે.
https://www.youtube.com/watch?v=CoESiBRIvok
૧૯૫૭ની બિલકુલ નિષ્ફળ ફિલ્મ ‘કૈદી’માં પણ ઓ.પી. નૈયરનું યાદગાર સંગીત હતું. ઉપરનાં બે ગીતો અને આ ગીત સાંભળ્યા પછી એવો વિચાર આવે છે કે ૧૯૫૪-૧૯૫૭ના સમયગાળા દરમિયાન ઓ.પી. નૈયર એકોર્ડીયનવાદનની એક ચોક્કસ લઢણનો સાથ લઈને ધૂનો બનાવતા હોય તો નવાઈ નહીં.
સંગીતનિર્દેશક એન. દતા (દત્તા નાયક)નું નામ પ્રમાણમાં ઓછું જાણીતું છે. પણ તેમનાં બનાવેલાં અમુક ગીતો ખાસ્સાં લોકપ્રિય બની રહ્યાં છે. તે પૈકીના ફિલ્મ ‘બ્લેક કેટ’(૧૯૫૯)ના પ્રસ્તુત ગીતમાં ખુબ જ કર્ણપ્રિય એકોર્ડીયનવાદન છે.
૧૯૫૯ની ફિલ્મ ‘અનાડી’ ખુબ જ સફળ નીવડી હતી. ફિલ્મની વાર્તા તો ઉત્તમ હતી જ, સાથે તેની સફળતામાં એ સમયનાં ટોચનાં અભિનેતા-અભિનેત્રી, દિગ્દર્શક, અન્ય કસબીઓ તેમ જ અને શંકર-જયકિશનનાં બનાવેલાં ગીતોનો મોટો ફાળો હતો. ફિલ્મના ટાઈટલ ગીતનું એકોર્ડીયનવાદન આજે પણ તાજગીભર્યું લાગે છે.
https://www.youtube.com/watch?v=vLlatxcn1qc
હંસરાજ બહલનાં બનાવેલાં ગીતો આજે પણ ચાહકોની યાદમાં અકબંધ છે. તેમનું સંગીતનિર્દેશન ધરાવતી ૧૯૬૦ની ફિલ્મ ‘મૂડ મૂડ કે ન દેખ’ના પ્રસ્તુત ગીતમાં ખુબ જ ધ્યાન ખેંચતું રહે તેવું એકોર્ડીયનવાદન છે.
ફરીથી માણીએ ઓ.પી.નૈયરનું સ્વરનિયોજન ધરાવતું એક ગીત. ૧૯૬૫માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘હમ સબ ઉસ્તાદ હૈ’ના આ ગીતના એકોર્ડીયનવાદનમાં તેમની શૈલી સ્પષ્ટ જણાઈ આવે છે.
ફિલ્મ ‘આખરી ખત’ (૧૯૬૬)માં સંગીતકાર ખય્યામે તેમની પરંપરાગત શૈલી કરતાં અલગ પડતું એક ગીત બનાવ્યું. આ ગીત પ્રખ્યાત ગાયક અને ગીટારવાદક ભૂપીન્દર સિંહે ગાયું છે. પ્રસ્તુત ક્લિપની રસપ્રદ બાબત એ છે કે ગાયક પોતે જ પરદા ઉપર જોવા મળે છે. તે ઉપરાંત ફિલ્મી વાદ્યવૃંદના ટોચના સંયોજક અને ટ્રમ્પેટવાદક એન્ટોનીયો વાઝ ઉર્ફે ચીક ચોકલેટ પોતાના વાદ્ય સાથે ૩.૧૮ થી ૩.૨૩ દરમિયાન નજરે પડે છે.
૧૯૭૧માં વાદ્યવૃંદની દુનિયામાં એક એવો પડાવ આવ્યો, જેણે બહુ દૂરગામી અસર છોડી. ઈલેક્ટોનીક્સ ક્ષેત્રે થઈ રહેલા આવિષ્કારો થકી ‘સીન્થેસાઈઝર’ નામે એવું કળવાદ્ય બજારમાં આવ્યું, જેના વડે અનેક વાદ્યોના લગભગ આબેહૂબ અવાજ સાથે ધૂનો વગાડી શકાતી હતી. વળી કોઈએ કલ્પના પણ ન કરી હોય એવા વિશિષ્ટ પ્રકારના અવાજો પણ તેના વડે પેદા કરી શકાતા હતા. આથી ગીતો સાથેના વાદન તેમ જ પાર્શ્વસંગીત માટે ઉપયોગે લેવાતાં કેટલાંયે વાદ્યો ક્રમશ: બિનઉપયોગી બનવા લાગ્યાં. આનો સૌથી શરૂઆતનો ભોગ બન્યાં હાર્મોનિયમ, એકોર્ડીયન અને પિયાનો જેવાં આદિકળવાદ્યો. આ કારણથી ૧૯૭૧ પછીનાં ફિલ્મી ગીતોમાં એકોર્ડીયનનો ઉપયોગ તદ્દન મર્યાદિત બની ગયો.
માનસ મુખરજી નામના સંગીતકાર મુખ્યત્વે બંગાળી ફિલ્મોમાં વ્યસ્ત રહેતા હોવાથી હિન્દી ફિલ્મ વ્યવસાયમાં લગભગ અજાણ્યા જ રહ્યા. તેમણે ૧૯૭૯ની ફિલ્મ ‘શાયદ’ના એક ગીતમાં એકોર્ડીયનના કર્ણપ્રિય અંશો પ્રયોજ્યા હતા. તે ગીત સાંભળીએ.
https://www.youtube.com/watch?v=-ZiIMJAEXXU
( આ ક્ષમતાવાન સંગીતનિર્દેશક માત્ર ૪૪ વર્ષની વયે દુનિયા છોડી ગયા. પણ તેમનાં સંતાનો – શાન અને સાગરીકા – હિન્દી ફિલ્મો માટે ગાયક તરીકે પ્રચલિત થઈ ચૂક્યાં છે.)
જાણ્યે અજાણ્યે એક એવી છાપ ઉભી થઈ છે કે એકોર્ડીયન રાજ કપૂરનું ખુબ જ પ્રિય વાદ્ય હતું અને તેઓ કુશળતાથી એ વગાડી પણ શકતા હતા. એ માન્યતા ફિલ્મી વર્તૂળોમાં પણ પ્રચલિત હતી. આ બાબતની પ્રતીતિ ફિલ્મ ‘નસીબ’(૧૯૮૧)ના પ્રસ્તુત ગીતમાં થાય છે. હોટલમાં યોજાયેલી એક પાર્ટીમાં અમિતાભ બચ્ચન ગીત ગાઈ રહ્યા છે સાથે વાદ્યવૃંદ પણ છે. દરમિયાન એક પછી એક ફિલ્મી સિતારાઓ આવતા જાય છે. એવામાં રાજ કપૂર પ્રવેશે છે. અમિતાભ બહુ નમ્રતાથી તેમના હાથમાં એકોર્ડીયન પકડાવી દે છે અને સૌ તેમને વગાડવા માટે વિનંતિ કરે છે.
જો કે આ અંગેનો દાવો ખુદ રાજ કપૂરે ક્યારેય કર્યો હોય એવું ધ્યાને નથી આવ્યું. તે જ રીતે એક માન્યતા એવી પણ બંધાઈ ગઈ છે કે એકોર્ડીયનનો સૌથી વધુ ઉપયોગ શંકર-જયકિશનની બનાવેલી ધૂનોમાં સાંભળવા મળે છે. જો કે એ માન્યતામાં કોઈ વજૂદ નથી. અહીં પ્રસ્તુત થયેલાં અને તે ઉપરાંતનાં અનેકાનેક એકોર્ડીયનપ્રધાન ગીતો શંકર-જયકિશન ઉપરાંત નૌશાદ, સી.રામચંદ્ર, સચીનદેવ બર્મન, હેમંતકુમાર, સજ્જાદ હુસેન, રાહુલદેવ બર્મન, ઓ.પી. નૈયર, ખય્યામ, દતા નાયક, રવિ અને કંઈ કેટલાયે સંગીતકારોની અને તેમના સહાયકોની સર્જકતાના ફાલરૂપે ઉતર્યાં છે.
નોંધ :
૧) તસવીરો નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે. ગીત-સંગીત-ફિલ્મ કે અન્ય કલાકારોનો ઉલ્લેખ જાણીબૂઝીને ટાળ્યો છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com -
દાસ્તાન-કહાની – आज तुम्हे एक कहानी सुनाता हु
નિરંજન મહેતા
આ વિષયનો પહેલો લેખ જેમાં ૧૯૬૫ સુધીના ગીતો હતા તે ૨૪.0૯.૨૦૨૨ના રોજ વે.ગુ. પર મુકાયો હતો. ત્યારબાદ કોઈક કારણસર આ બીજો લેખ મુકવાનો બાકી હતો તે હવે મુકું છું.
૧૯૭૧ની ફિલ્મ ‘મેરા ગાંવ મેરા દેશ’નું આ ગીત એક મેળાના દ્રશ્ય પર રચાયું છે જેમાં ડાકુના રોલમાં રહેલા વિનોદ ખન્નાને પકડવા ધર્મેન્દ્ર અન્યો સાથે આવે છે
हाय शरमाऊ किस किस को बताऊ
ऐसे कैसे मै सुनाओ सब को
अपनी प्रेम कहानियाલક્ષ્મી છાયા આ ગીતના કલાકાર છે જે ગીત દ્વારા ધર્મેન્દ્રને વિનોદ ખન્નાના એંધાણ આપે છે. ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. સ્વર છે લતાજીનો.
https://youtu.be/GfjCGBcbn5E
૧૯૭૧ની અન્ય ફિલ્મ ‘મર્યાદા’નું આ ગીત એક દર્દભર્યું ગીત છે.झुबा पे दर्द भरी दास्ताँ चली आई
बहार आने से पहले खिजा चली आईલાગે છે પ્રેમમાં નાસીપાસ રાજેશ ખન્ના આ ગીત દ્વારા પોતાની વ્યથા દર્શાવે છે. નકારાત્મક ગીતના રચયિતા છે આનંદ બક્ષી જેને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ. ગાયક છે મુકેશ
૧૯૭૧ની વધુ એક ફિલ્મ ‘ઉપહાર’નું આ ગીત એક તરફી પ્રેમભાવ વ્યક્ત કરે છે
मै एक राजा हु तू एक रानी है
प्रेमनगर की ये एक सुन्दर कहानी हैજયા ભાદુરી પ્રત્યેના પોતાના પ્રેમને વ્યક્ત કરે છે સ્વરૂપ દત્ત. શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ. ગાનાર કલાકાર છે રફીસાહેબ.
૧૯૭૨ની ફિલ્મ ‘શોર’નું આ ગીત એક ફિલસુફીભર્યું ગીત છે
एक प्यार का नगमा है
मौजो की रवानी है
जिंदगी कुछ नहीं
तेरी मेरी कहानी हैકલાકારો છે નંદા, મનોજકુમાર અને સત્યજીત. સંતોષ આનંદના શબ્દો અને લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત. યુગલ ગીતના ગાયકો છે મુકેશ અને લતાજી.
૧૯૭૬ની ફિલ્મ ‘ફકીરા’નું ગીત જોઈએ
तोता मैना की कहानी
तो पुरानी पुरानी हो गईપ્રેમીઓના આ ગીતના કલાકાર છે શબાના આઝમી અને શશીકપૂર. રવીન્દ્ર જૈનનાં ગીત અને સંગીત. સ્વર છે કિશોરકુમાર અને લતાજીના
૧૯૭૯ની ફિલ્મ ‘ગ્રેટ ગેમ્બલર’નું આ ગીત વિદેશની ભૂમિ પર રચાયું છે જેમાં પ્રેમની વ્યાખ્યા રજુ થઇ છે. ગીતની શરૂઆત અન્ય ભાષાના શબ્દોથી થાય છે જેને બાદમાં ઝીનત અમનના મુખે હિંદી અર્થ દેખાડાયો છે
दो लब्जो की है दिल की कहानी
या है मोहब्बत या है जवानीઝીનત અમાન અને અમિતાભ બચ્ચન પર રચિત આ ગીતના ગીતકાર છે આનંદ બક્ષી અને સંગીતકાર છે આર. ડી. બર્મન. ગાયક કલાકારો આશા ભોસલે, અમિતાભ બચ્ચન અને શરદ કુમાર.
૧૯૭૯ની ફિલ્મ ‘મી. નટવરલાલ’નું આ વાર્તારૂપી બાળગીત આજે પણ અત્યંત મશહુર તેના અંતિમ શબ્દોને કારણે જેમાં જીવનની ફિલસુફી દેખાય છે.
आओ बच्चो आज तुम्हे एक कहानी सुनाता हु
અમિતાભ બચ્ચન સાથે બાળકો પણ સહભાગી છે. ગીતના શબ્દો આનંદ બક્ષીનાં અને સંગીત રાજેશ રોશનનું. ગાનાર કલાકારો અમિતાભ બચ્ચન અને માસ્ટર રવિ.
૧૯૮૨ની ફિલ્મ ‘રાજપૂત’નું આ ગીત હાલરડારૂપમાં મુકાયું છે જેમાં ધર્મેન્દ્ર અતીતને યાદ કરે છે.
कहानिया सुनाती है पवन आती जाती
एक था दिया एक थी बातीધર્મેન્દ્ર પર રચાયેલ આ ગીતમાં હેમા માલિની અને રાજેશ ખન્ના પણ સામેલ છે. આનંદ બક્ષીનાં શબ્દોને લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત સાંપડ્યું છે અને ગાયક છે રફીસાહેબ
૧૯૮૫ની ફિલ્મ ‘પિઘલતા આસમાં’નું આ ગીત પણ પ્રેમીઓના અનન્ય પ્રેમને દર્શાવે છે.
तेरी मेरी तेरी मेरी प्रेम कहानी
किताबो में भी ना मिलगीપોતાનો પ્રેમ અનન્ય છે તેવું શશીકપૂર અને રાખી એકબીજાને કહે છે. ઇન્દીવરનાં શબ્દો અને કલ્યાણજી આણંદજીનું સંગીત. ગાયક કલાકારો અલકા યાજ્ઞિક અને કિશોરકુમાર
૧૯૮૫ની અન્ય ફિલ્મ ‘અલગ અલગ’નું આ ગીત જીવનની એક ફિલસુફી સમજાવે છે
इस जीवन की यही है कहानी
आनी जानी ये दुनिया बहते दरिया का पानीહોસ્પિટલના માહોલમાં રચાયેલ આ ગીત ટીના મુનીમ પર રચાયું છે જેમાં શશીકપૂરને પણ દર્શાવાયા છે. આનંદ બક્ષીના શબ્દોને સજાવ્યા છે આર.ડી.બર્મને અને સ્વર છે લતાજીનો.
૧૯૮૬ની ફિલ્મ ‘નગીના’નું આ ગીત એક રહસ્યમય ગીત છે જે રીશીકપૂર અને શ્રીદેવી પર રચાયું છે.
भूली बिसरी एक कहानी
फिर आई एक याद पुरानीશબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. ગાયિકા અનુરાધા પૌડવાલ.
૧૯૮૮ની ફિલ્મ ‘ઇજાજત’નું આ ગીત એક હલકી નોકજોક પ્રકારનું છે.
छोटी सी कहानी से
बारिशो के पानी से
सारी वादी भर गईઆ ગીત પાર્શ્વગીતના રૂપમાં છે જેમાં રેખા અને નસીરુદ્દીન શાહ કલાકારો છે. ગીતકાર ગુલઝાર અને સંગીતકાર આર.ડી.બર્મન. સ્વર છે આશા ભોસલેનો.
https://youtu.be/4GWmE0VbNbkNiranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. 28339258/9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
-
બાળ ગગન વિહાર – મણકો ૧૯ – વાત અમારા એ.જે (એડિયાસ) ની
શૈલા મુન્શા
“આંખો પર દ્રશ્યોના ઉઝરડા પડ્યા છે,
કરમાયું સરોવરઃ કમળ પણ રડ્યાં છે!!”સુરેશ દલાલ
શ્રી સુરેશ દલાલના “ઉઝરડા” કાવ્યની આ પંક્તિ આજે પણ મારા દિવ્યાંગ વિધ્યાર્થી એ.જે (એડિયસ)ને યાદ કરતાં યાદ આવી જાય છે.
ઘણા વર્ષોથી અમેરિકામાં દિવ્યાંગ બાળકો સાથે કામ કરું છું અને કેટલાય અનોખા બાળકો સાથે અવનવા અનુભવો થતા રહે છે, પણ કોઈ અનુભવ દિલને એક ટીસ એક વેદના આપી જાય છે.
એ.જે. એટલે કે એડિયાસ ગયા વર્ષે અમારા ક્લાસમાં આવ્યો. આફ્રિકન અમેરિકન બાળક. મમ્મીની ભુલની સજા એ ભોગવી રહ્યો હતો. અમેરિકામાં સ્વતંત્રતા થોડી વધારે છે. નાની ઉમરે મા બાપ બનવાનુ, વગર પરણે મા બાપ બનવાનુ સ્વભાવિક છે. આ કારણે ઘણીવાર બાળક જન્મે પણ વણજોઈતું બની જાય. એ.જે.ના કિસ્સામાં પણ એવું જ કાંઈક બન્યુ.
માતાની ઉંમર માંડ અઢાર વર્ષની જ્યારે એ.જે. નો જન્મ થયો. મુગ્ધાવસ્થાનો પ્રેમ તો ના કહેવાય, પણ જાતીય આકર્ષણના કારણે ભણતર પુરું થયું નહોતું અને લગ્ન કરી લીધા. બાળ ઉછેરની કોઈ આવડત નહિ, ન આર્થિક પરિસ્થિતિ એટલી સરસ અને અઢાર વર્ષની છોકરીમાં એટલી સહનશક્તિ પણ નહિ. એક દિવસ નશાની હાલતમાં માતાએ રાત્રે રડતાં બે વર્ષના એ.જે.ને જમીન પર ફેંક્યો. બે વર્ષનુ કુમળુ બાળક બચી તો ગયું, પણ કમરના મણકા પર દબાવ આવ્યો અને એ.જે.નો ડાબો હાથ અને ડાબો પગ કામ કરતાં અટકી ગયા. મગજ પર અસર થઈ અને જ્ઞાનતંતુ પુરી રીતે કામ કરતાં અટકી ગયા. માતાને જેલ થઈ પણ એ.જે.ના પિતાએ સમજદારી દાખવી અને એ.જે.ની કસ્ટડી એમને મળી. એમણે પણ આ જવાબદારી ખુબ પ્રેમ અને નિષ્ઠાપુર્વક ઉપાડી લીધી.
એ.જે જેવો ત્રણ વર્ષનો થયો એને દિવ્યાંગ બાળકોના ક્લાસમાં પ્રવેશ મળી ગયો. એ.જેના પિતા વ્હીલચેરમાં મુકવા આવતાં અને અમારી સાથે ખૂબ પ્રેમપૂર્વક એ.જે અને એની પ્રગતિ માટે શું કરી શકાય એ વિશ વાત કરતાં રહેતા.
શાળાની દરેક પ્રવૃતિમાં હમેશ હાજર અને ખાસ તો અમારે બાળકોને પિકનિક પર લઈ જવાના હોય ત્યારે એ હમેશ એ.જે. સાથે આવતાં. એ.જે ની તબિયત થોડી ખરાબ હોય અને ફોન કરીએ તો પંદર મીનિટમાં એને લઈ જવા હાજર. પેરેન્ટ-ટીચર કોન્ફરન્સ હોય તો હાજર. ઊંચા પહોળા અને એમનુ વજન પણ વધારે. હમેશ નરમાશ અને વિવેકથી વાત કરે અને અને અમારો એટલો આભાર માને કે જાણે એ.જે. માટે અમે શું નુ શું કરી નાખ્યું હોય.
એ.જેને પણ પિતાના જીન્સ મળ્યાં હતા. વ્હીલચેરમાં સતત રહેવાને કારણે એનુ પણ વજન વધારે અને ઉમરના પ્રમાણમાં ઊંચાઈ પણ સારી. આટલી શારીરિક તકલીફ હોવા છતાં એ.જે હમેશ હસતો અને ખુશમિજાજ બાળક હતો.
એ.જેના જીવનનો અતિ ગમગીન દિવસ આજે પણ યાદ કરતાં શરીરના રુંવાડા ઊભા થઈ જાય છે.
એ દિવસ, મારા અને મીસ સમન્થા માટે હૈયામાં ટીસ ઉત્પન કરનારો બની રહ્યો.
પાંચ દિવસના થેંક્સ ગીવિંગ વેકેશન (અમેરિકામાં ઉજવાતો સર્વ પ્રત્યે આભાર પ્રગટ કરવાનો ઉત્સવ) પછી સ્કૂલે જવાનો જ કંટાળો આવતો હતો, પણ થોડા દિવસમાં નાતાલની બે અઠવાડિયાની રજા પડશે એ યાદ કરતાં હું સ્કુલે પહોંચી. બાળકો પણ જાણે આળસી ગયા હોય તેમ ૭.૩૦ વાગ્યા સુધી કોઈ આવ્યું નહોતુ.
એ.જે.ની મમ્મી જેલમાંથી છૂટ્યા પછી પોતાની ભૂલ સમજી હતી, ને થોડા વખતથી એ.જે.ના માતા પિતાના સંબંધમાં સુમેળ દેખાતો હતો. સાથે તો નહોતા રહેતા, પણ ક્યારેક શનિ-રવિ એ.જે મમ્મી પાસે રહેતો અને સોમવારે સવારે મમ્મી એને સ્કૂલમાં લઈ આવતી.
એ દિવસે જ્યારે એ.જે. ની મમ્મી એને સ્કૂલમાં લઈને આવી, ત્યારે સ્કૂલ બસ પણ એ જ સમયે આવી એટલે હું બસમાંથી અમારા બાળકોને ઉતારવા ગઈ હતી. બાળકોને લઈને ક્લાસમાં આવતા મેં ડ્રાઈવરને કહ્યું પણ ખરૂં કે એ.જે. રજામાં એની મમ્મી પાસે રહ્યો લાગે છે એટલે આજે એ લઈને આવી.
ક્લાસમાં બાળકોને લઈને આવતા મેં જોયું કે, એ.જે.ની મમ્મીની આંખમાં ઝળઝળિયાં અને સમન્થા સ્તબ્ધ ઊભી હતી.
એ.જે. ના પિતા રજા પડી એ જ દિવસે વહેલી સવારે ઊંઘમા જ અવસાન પામ્યા હતા. એ.જે. એના પિતા સાથે ઘરમા એકલો હતો. નસીબજોગે સવારે થેંક્સ ગીવીંગ માટે શું કરવું છે તે પૂછવા એ.જે.ની મમ્મીએ એ.જે.ના પિતાને ફોન કર્યો. વારંવાર ફોન કરવા છતાં જ્યારે સામેથી કોઈ જવાબ ન મળ્યો ત્યારે ગભરાઈ ને એણે એપાર્ટમેન્ટની ઓફીસમા ફોન કર્યો અને વિનંતી કરી કે મહેરબાની કરી દરવાજો ખોલી જૂવો કે બધું બરાબર છે કે નહિ?
એ.જેના પિતાને હાર્ટની થોડી તકલીફ તો હતી જ. ઉંચા પહોળા, અને વજન પ્રમાણમાં વધારે. આ પણ એક કારણ હોઈ શકે કે એમને પોતાની તબિયતની ચિંતાને કારણે એ.જે.ની મમ્મી સાથે સંબંધ સુધારવા માંડ્યા હતા, જાણે કે એમને મનમાં ઉગી આવ્યું હતું કે કદાચ મારી આવરદા વધુ નથી.
અપાર્ટમેન્ટની મેનેજરે પોલીસ બોલાવી એમની હાજરીમાં દરવાજો ખોલ્યો ત્યાં સુધીમાં ઘણી વાર થઈ ગઈ હતી. એ.જે.ના પિતા પલંગ પર મૃત અવસ્થામાં અને એ.જે.બાથરૂમના દરવાજા પાસે જમીન પર પડ્યો હતો.
પિતાની બાજુમાં સુતેલો બાળક, શું બની ગયું એનાથી અજ્ઞાત, ક્યારે સરકી જમીન પર આવ્યો અને આટલા કલાકો શું વિત્યું એના પર એ તો ભગવાન જ જાણે!!!
સોમવારે જ્યારે રજા પછી સ્કૂલ ખુલી એ દિવસની સવાર આ સમાચાર લઈ આવશે એની કોઈને ખબર નહોતી. સમન્થા અને હું આઘાતમાંથી બહાર આવવાની કોશિશ કરી રહ્યા હતાં. એ.જેની મમ્મીના ચહેરા પર પસ્તાવાના આંસુ રેલાઈ રહ્યાં હતા.
એ.જે.ના સ્મિતવદના ચહેરામાં ફક્ત એક જ ફેરફાર દેખાતો હતો. એ જે એની પાસે જે આવે,એનો હાથ સખત રીતે પકડી જાણે સુરક્ષિતા ને હુંફ માટે ફાંફા મારતો હોય એવું એવું લાગતું હતું. હમેશનો હસતો અને સહુને હાયને બાય કહેતો અણસમજુ એ.જે. શાંત બની ગયો હતો.અમે તો એ.જેને વધુ પ્રેમ સુરક્ષિતાની લાગણીથી હુંફ આપવાનો પ્રયાસ કર્યો જ હતો, પણ ઈશ્વર કૃપાએ એ.જેની મમ્મીમાં અમે ધરમૂળથી ફરક જોયો. એને પોતાની જવાબદારીનો અહેસાસ થયો. એ.જે પ્રત્યેની લાગણી, પ્રેમ અને એની દેખભાળ સારી રીતે કરવાની લગન અમે જોઈ શકતા હતા.
એક નાદાની ભર્યું પગલું અને એના પરિણામે એક તંદુરસ્ત બાળકને અકારણ જીવનભરની સજા!!!
એક જ આત્મસંતોષ અમને હતો કે એ.જેનુ ભવિષ્ય હવે સલામત હતું અને અમારા સહુના પ્રયત્ને એ વધુ વિકાસ પામી અમારી વિદાય લઈ મીડલ સ્કૂલમાં ગયો.
આ દિવ્યાંગ બાળકોની વધુ માવજત અને પ્રેમ કરવાની શક્તિ મને મળતી રહે અને એમની ઉર્જા મારા જીવનને સફળ બનાવે એ જ પ્રભુને પ્રાર્થના!!
સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::
ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com
-
ઠાઠમાઠનો ઠઠારો
ચેલેન્જ.edu
રણછોડ શાહ
હોત એ કંટક કે પથ્થર તો હટાવી દેત હું-
મંઝિલે મારા જ સાથીઓ પહોંચવા દેતા નથી…
હોત દરિયો તો હું તરવાનીય તક પામી શકત-
શું કરું કે ઝાંઝવાઓએ ડુબાવ્યો છે મને!બરકત વિરાણી
પ્રત્યેક રાષ્ટ્રને પોતાની પ્રકૃતિ અને સંસ્કૃતિ હોય છે. પ્રજાજનો સ્વભાવગત ગુણો અને અવગુણોથી ભરેલા હોય છે.
વર્ષોથી ચાલી આવતી રૂઢિઓ અને પ્રણાલીઓ વારસામાં પ્રાપ્ત થાય છે. બાળક નાનપણમાં જે જૂએ કે અનુભવે તે તેના સ્વભાવનો અંતર્ગત ભાગ બને છે. વર્ષોથી ચાલી આવતી આ વ્યવસ્થામાં પરિવર્તન લાવતાં દાયકાઓ વીતી જાય છે.
ભારતીય સંસ્કૃતિના પાયામાં કેટલીક બાબતો સાથે ‘દાન’ શબ્દ સંકળાઈ ગયો હતો. દિકરીના માતાપિતા ‘કન્યાદાન’ પ્રસંગે ગૌરવ અનુભવતા. સમગ્ર જીવન કન્યાદાન માટે સમર્પિત કરતા. તે જ રીતે વિવિધ સામાજિક સંસ્થાઓને આર્થિક સહયોગ કરી ‘દાન’ આપનાર સજ્જનો તે બાબતે સ્વાભિમાનની લાગણી અનુભવતા. આજે પણ અનેક ધાર્મિક સ્થળોએ પ્રવેશદ્વાર ઉપર ‘દાનપેટી’ મૂકવાનો રિવાજ મોજૂદ છે. લગભગ શિક્ષણ બાબતે પણ આવું જ હતું. સારસ્વતો ‘વિદ્યાદાન’ કરવામાં ગૌરવ, આનંદ અને ઊંડા સંતોષની લાગણીનો અનુભવ કરતા. આપણા પ્રાચીન ધાર્મિક ગ્રંથોમાં રાજાઓ પણ જ્ઞાન પ્રાપ્ત કરવા ગુરુના ઘરે જતા અને જ્ઞાનાન્વિત થઈ પોતાના જ્ઞાનાનુભવમાં વધારો કરતા. આ જ્ઞાનના બદલામાં બંને પક્ષે કોઈ અપેક્ષા નહોતી. આજથી ચાર-પાંચ દસકા પહેલાં પણ ખેડૂત સંતાનો શાકભાજી, ફળફળાદી અને અનાજ કયારેક તેમના ગુરુઓને ઘેર જઈ પ્રેમ અને આદરપૂર્વક આપવામાં લાગણીસહ આનંદ અનુભવતા. બંને પક્ષે કોઈ પણ અપેક્ષા વિના આપવા લેવાનો વ્યવહાર થતો. શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે માતાપિતાતુલ્ય બની તેમને શિક્ષણ-કેળવણી, સદગુણો, ચારિત્ર્ય, સ્વમાન, પ્રામાણિકતા, વફાદારી જેવાં મૂલ્યો શીખવતા. ત્યારે ગામનું મહાજન શાળાકીય અને ઉચ્ચ વિદ્યાકીય અભ્યાસની જવાબદારી માત્ર અને માત્ર કેળવણીના ફેલાવાર્થે સેવાભાવનાથી નિભાવતા.
શિક્ષણનો પ્રચાર અને પ્રસાર વધતાં સરકારે શિક્ષણની સંસ્થાઓને અનુદાન આપવાનું શરૂ કર્યું. શરૂઆતમાં માત્ર નિભાવ ગ્રાન્ટ આપવામાં આવતી. સમયાંતરે શૈક્ષણિક કર્મચારીઓની માગણીઓને તાબે થઈ સરકારે કર્મચારીઓના પગાર તથા અન્ય ભથ્થાં આપવાની જવાબદારી પણ સ્વીકારી. ત્યારના રાજ્યકર્તાઓ શિક્ષકોને ભયમુકત બની, સુરક્ષિતતા અનુભવી ઉત્તમ શૈક્ષણિક કાર્ય કરશે તેવી અપેક્ષાએ નિર્ણયો કરતા. પરંતુ અપેક્ષા કરતાં વિપરીત બન્યું. સલામતી સ્વચ્છંદતામાં પરિવર્તિત થતી નજરે પડી. લગભગ તે સમયથી શિક્ષણનું વ્યવસાયીકરણ થવાને બદલે વેપારીકરણ થયું. વિદ્યાનું દાન નહીં પરંતુ વેચાણ શરૂ થયું.
થોડીક નજર નજીકના ભૂતકાળ ઉપર કરવી પડે તેવી આજે સ્થિતિ છે. છેલ્લી અર્ધી સદીમાં વિશ્વમાં સમૃહવાદને બદલે વ્યકિતવાદનો મંત્ર કૂદકે ને ભૂસકે આગળ વઘ્યો. સૌ માત્ર ‘સ્વ’ના વિચારમાં જ જિંદગી જીવવા લાગ્યા. ‘સર્વ’ શબ્દ શબ્દકોશમાંથી પણ અદૃશ્ય થઈ ગયો. ‘મારું શું’ અને ‘મારે શું’ માં સમગ્ર સમાજ ખોવાઈ ગયો. કેટલીક વ્યકિતગત બાબતો માટે આ વિચારધારા સાચી હોઈ શકે પરંતુ જયાં સામૂહિક પ્રગતિ કે અધોગતિ સંકળાયેલી હોય ત્યાં વ્યકિેતવાદી વિચારધારા ચાલી શકે નહીં. માત્ર મારું ઘર સ્વચ્છ રાખું તેથી મારું ગામ સ્વચ્છ ન બની જાય. ગામને સ્વચ્છ રાખવા સામૂહિક પગલાં અનિવાર્ય છે. તેવું જ શિક્ષણ બાબતમાં છે.
ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં આર્થિક સંકડામણમાં જીવનારનું પ્રમાણ સુખી સંપન્ન પરિવારો કરતાં અનેકગણું વધારે છે. થોડાક ચોક્કસ લોકો જ શ્રીમંત બની ગયા. ધનાઢયોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી હોવા છતાં વિશ્વના મોટા ભાગના લોકો મર્યાદિત આર્થિક આવકમાં અથડાતા ફૂટાતા જીવનના દિવસો વ્યતીત કરી રહ્યા છે. ખરેખર તો ‘છે’ (Have) અને ‘નથી’ (Have not)ની વચ્ચે અગાઉના સમયમાં જેટલી મોટી ખાઈ-ખીણ નહોતી તેની કરતાં અનેકગણી મોટી ખાઈ આજે ઊભી થઈ ગઈ છે. ગરીબ વધુ ને વધુ ગરીબ બની રહ્યો હોવાની વાતને અર્થશાસ્ત્રીય આંકડાઓનો મજબૂત ટેકો પ્રાપ્ત થાય છે.
છે ચારેકોર માનવ-સરજી નકરી મુશ્કિલાતો,
પરંતુ કૈંક છે એજથી એ સૌ સહેવું ગમે છે!
છે એક્કે એક કદમે મોત માર્ગમાં ઊભેલું,
અને તોયે સદાય ચાલતા રહેવું ગમે છે!કરસનદાસ માણેક
આધુનિકીકરણ (Modernisation)ના નામનું એક વાવાઝોડું સમાજમાં ફૂંકાઈ ગયું. સેવાભાવી પેઢીનો યુગ અદૃશ્ય થયો. વર્તમાન સામાજિક અને રાજકીય નેતાઓએ પ્રત્યેક બાબતને કિંમત (Price) સાથે જોડી વિચારવાનું શરૂ કરી દીધું. ‘વાપરે તે ભોગવે’ (Users should pay)નું ચિંતન અને આચરણ શરૂ થતાં શિક્ષણમાં તે વિચારધારાનો અમલ થવા માંડ્યો. ખાસ કરીને ભારતમાં ગામડાં તૂટવા માંડયા અને શહેરોનો વિકાસ થતાં ગ્રામ્યવસ્તી પણ શહેરીકરણના પ્રવાહમાં જોડાઈ ગઈ. સરકારે શિક્ષણની જવાબદારીમાંથી છટકબારીઓ શોધી કાઢી. સ્વનિર્ભર શેક્ષણિક સંસ્થાઓ (Self finance educational institution) ને શિક્ષણનો છૂટો દોર આપવામાં આવ્યો. કેટલાક શિક્ષણપ્રેમી અને મૂલ્યો આધારિત જીવન જીવતા નાગરિકોએ આ વ્યવસ્થાનો સદ્ઉપયોગ કર્યો. પરંત મોટા ભાગનાએ ‘સ્વવિકાસ’માં તેનો ઉપયોગ કરતાં શિક્ષણનું બહુ મોટું ‘બજાર’ શરૂ થઈ ગયું. શિક્ષણ ‘વેપાર’માં પરિવર્તિત થઈ ગયું.
કોઈ પણ કાર્યની શરૂઆત હંમેશા શુભ ઉદ્દેશો સાથે જ હોય છે. પ્રારંભમાં તેના નબળા પાસાં નજરે પડતા નથી. સ્વનિર્ભર શૈક્ષણિક સંસ્થાઓ બાબતે પણ તેવું જ બન્યું. ‘સ્વનિર્ભર’નું સારાપણું ધીમે ધીમે અદૃશ્ય થઈ ગયું અને તેનું બીજું વરવું પાસું ઊભરી આવ્યું. શિક્ષણ સેવામાંથી ધંધામાં ફેરવાઈ ગયું. મૂડીવાદી લોકોને પોતાની મૂડી આ વ્યવસાયમાં સલામત અને વધુ નફો રળી આપનાર લાગતાં તેઓનો પગપેસારો થયો અને આજે તો ધનાઢયોએ આ ક્ષેત્રનો લગભગ સંપૂર્ણ કબજો લઈ લીધો છે.

મૂડીવાદી માનસ વધુ ને વધુ ભેગું કરવાની વિચારધારા ઉપર જ આગળ વધે છે. તેમણે શિક્ષણ સાથે આધુનિકરણ (Modernisation) અને અદ્યતન સુવિધાઓ (Modern Facility)ને જોડી દીધી. શરૂઆત ભવ્ય મકાનોથી કરી. ઉત્તમ ટેકનોલોજીનો સમાવેશ કરી પશ્ચિમના શિક્ષણ સાથે સ્પર્ધામાં ઊતરવાની તૈયારી કરી દીધી. સાથે સાથે ‘ગુણવત્તા’ (Quality) સભર શિક્ષણ’નો દાવો કર્યો. ગુણવત્તા અને સુવિધા બે શબ્દો ચલણી બન્યા. આ બંનેને કારણે સંસ્થાઓ કમરતોડ ફી લેવામાં ગૌરવ અનભવવા લાગી. વાલીઓનું માનસ પણ જે સંસ્થા વધુ ફી લે છે તે વધુ સારી હોવાનું સ્વીકારતું થઈ ગયું. અત્યંત થોડા ટકા ધનાઢયોને પોસાય તેવી સંસ્થાઓમાં મઘ્યમ અને ઓછી આવક ધરાવતો વર્ગ પણ ઘસડાવા માંડયો. વાલીઓ પેટે પાટા બાંધી, ઘરબાર – દાગીના વેચી આવી કેપિટાલીસ્ટ સંસ્થાઓમાં પ્રવેશ માટે પડાપડી કરવા લાગ્યા. ધંધાદારી સંચાલકોને ફાવતું મળી ગયું. આ સંચાલકોએ શિક્ષણના ક્ષેત્રને અત્યંત ભ્રષ્ટાચારી બનાવી દીધું. સરકારે પણ તે તરફ આંખ આડા કાન કર્યા. કેટલીક સંસ્થાઓ તો રાજકારણીઓના ટેકાથી અથવા તેમના દ્વારા જ શરૂ થતાં વાડ ચીભડાં ગળવા માંડી.
સરકારી બાબુઓ પોતાનાં પરિવારજનોને ઠેકાણે પાડવા રાજકીય નેતાઓને શિક્ષણની સંસ્થાઓ શરૂ કરવામાં છૂટા હાથે મદદ કરવા લાગ્યા. લગભગ નજીવી કિંમતે જે સંસ્થાઓને જમીન તથા અન્ય સુવિધાઓ પ્રાપ્ત થઈ તેવી અનેક ઉચ્ચ શિક્ષણની શૈક્ષણિક સંસ્થાઓ લાખો રૂપિયાની ફી ઉઘરાવે છે. મેડીકલ અને એન્જિનિયરીંગ ક્ષેત્રે વિશાળ જગ્યાઓમાં આવા અનેક શૈક્ષણિક ઔદ્યોગિક સંકુલો (Educational Industrial Complex) શરૂ થઈ ગયાં. સરકારની મદદ બાદ તૈયાર થયેલ શૈક્ષણિક સંકુલો અને ખાનગી વ્યકિતઓએ શરૂ કરેલ શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે ફી ઉધરાવવા બાબતમાં સ્પર્ધા થવા માંડી.
કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ સરકારની સહાયથી દેશ પરદેશમાં સુવિધા અને આધુનિકતાના નામે પોતાની વાહવાહ અને કીર્તિ આંતરરાષ્ટ્રીય કક્ષા (International level)ની ખ્યાતિપ્રાપ્ત હોવાની અફવા ફેલાવવામાં સફળ થયા. બસ પછી તેમણે વિદ્યાર્થીઓ અને વાલીઓને લૂંટવામાં પાછા વળીને જોયું નથી.
આજની શિક્ષણની પરિસ્થિતિ અત્યંત ગંભીર (critical) છે. શિક્ષણ આઈ.સી.યુ. (Intensive care unit)માં છે. તમામ સવલતોની વચ્ચે શિક્ષણ સિવાય તમામ વાતો શૈક્ષણિક સંસ્થાઓમાં થાય છે. શરીર છે, પરંતુ આત્માવિહીન છે. ઓકસીજનના ભરોસે અને ટેકાથી શિક્ષણનું હૃદય ધબકે છે. જો ધનરૂપી ઓકિસજન અદૃશ્ય થઈ જાય તો શિક્ષણને મૃત જાહેર કર્યા સિવાય મૃત્ય પામેલ અનુભવવા મળે તેવું સ્પષ્ટ ચિત્ર સૌને ખુલ્લી આંખે દેખાતું હોવા છતાં આંખો બંધ કરી સૌ ‘સબ સલામત’નાં બણગાં ફૂંકે છે.
જો શિક્ષણને ધનના ઢગલામાંથી દૂર કરવાનું સરકાર અને નાગરિકો નહીં વિચારે તો શિક્ષણ વસ્તુ (Commodity) બની જશે. આજે લગભગ તેવી પરિસ્થિતિ તો બની જ ગઈ છે. પરંતુ હજુ થોડાક સાત્વિક અને સંવેદનશીલ કેળવણીના નિઃસ્વાર્થી હિતચિંતકો સમાજમાં ઉપલબ્ધ છે. તેમના જ્ઞાન, અનુભવ અને ડહાપણનો લાભ લઈ શિક્ષણને માત્ર અને માત્ર સેવાકીય પ્રવૃત્તિ કેવી રીતે બનાવી શકાય તેની તાતી અને તાત્કાલીક ચર્ચા થાય તે અત્યંત આવશ્યક છે. જે નિર્ણયો આવે તેનું અમલીકરણ કરવાની કટિબઘ્ધતા સરકાર અને પ્રજાજનોની હોય તે પણ અત્યંત જરૂરી છે.
ભાવિપેઢી આપણને માફ ન કરવાની સ્થિતિએ પહોંચી જઈએ તે પહેલાં સવેળા યોગ્ય અને જરૂરી ઉપાયો લઈ શિક્ષણને માત્ર અને માત્ર શિક્ષણની દૃષ્ટિએ જોવાની શરૂઆત આજે જ નહીં, અત્યારથી જ કરીએ તેમાં આપણું શાણપણ અને ડહાપણ છે. શિક્ષણને ‘ઠાઠમાઠના ઠઠારા’માંથી તાકીદે બહાર લાવવાની આવશ્યકતા છે.
આચમન:
મૂકી છે દોટ બંનેએ, હવે જે થાય તે સાચું;
જમાને ઝાંઝવારૂપે, અમે તરસ્યા હરણરૂપે.
(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )
(પ્રતીકાત્મક તસવીર નેટ પરથી)
-
સોનાનાં ઈંડાં અને મરઘી બન્ને ગુમાવવાનો શાસનપ્રેરિત ઉદ્યમ
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
રોજેરોજ સોનાનું એક ઈંડું આપનાર મરઘીની વાર્તા અતિ જાણીતી છે. આવી મરઘીને તેનો માલિક લાલચને વશ થઈને તેને મારી નાંખે છે. નથી તેને ઈંડાં મળતાં અને મરઘી પણ તે ગુમાવી બેસે છે. આ વાર્તા કાલ્પનિક નથી. આવી ઘટનાઓ હવે રોજિંદી બની રહી છે. આનો એક નમૂનો જોઈએ.
ઉત્તરાખંડના નૈનિતાલમાં આવેલા સૂખાતાલ (તાલ એટલે સરોવર)માં છેલ્લા ઓગણીસ મહિનાથી સરકાર દ્વારા સૌંદર્યીકરણનું કામ ચાલી રહ્યું હતું. હવે જાહેર હિતની એક અરજીને પગલે વડી અદાલતે તેને આગામી સૂચના ન અપાય ત્યાં સુધી અટકાવવાની સૂચના આપી છે. કારણ એ કે તળાવનું સૌંદર્ય વધારવાના નામે તેનું તળિયું કોન્ક્રીટનું કરાઈ રહ્યું હોવાનું અદાલતને જાણવા મળ્યું.
સૂખાતાલનો સ્રાવ વિસ્તાર ૨૩,૦૦૦ચો.કિ.મી.માં પ્રસરેલો છે, જે અતિ વિખ્યાત એવા, એકાદ કિ.મી.ના અંતરે આવેલા નૈની તાલ માટે મુખ્ય રિચાર્જ વિસ્તાર છે. તેનું મોટા ભાગનું પાણી નૈનીમાં વહી જવાને કારણે એ તળાવ વર્ષનો મોટો ભાગ સૂકાયેલું રહે છે. આથી તે ‘સૂખા’ તાલ તરીકે ઓળખાય છે. નૈનીમાં ભરઉનાળે પણ ભરપૂર પાણી રહે છે.
૨૦૨૧ના મે મહિનામાં ઉત્તરાખંડ સરકારે સૂખાતાલની સુંદરતા વધારવા માટેના સાડા પચીસ કરોડના એક પ્રકલ્પને મંજૂરી આપી. આ પ્રકલ્પ આઈ.આઈ.ટી, રુડકી દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. તેમાં તળાવ ફરતે લોખંડની રેલિંગ અને પગદંડી બનાવવાનો સમાવેશ થતો હતો. સ્વાભાવિક છે કે આ બધું ત્યારે જ શોભે જો તળાવમાં પાણી રહે, જે સામાન્ય સંજોગોમાં નૈનીમાં વહી જાય છે. આથી સૂખાતાલમાં પાણી ટકી રહે એ માટે તેના તળિયાને કોન્ક્રીટથી મઢવાનું નક્કી કરાયું. આમ કરવાથી તેમાં પાણી રહે ખરું, પણ જે પાણી જમીનમાં ઊતરતું હતું એ બંધ થઈ જાય. આને કારણે કદાચ પ્રવાસીઓના આકર્ષણમાં ઊમેરો અને તેના થકી આવકમાં વધારો થાય, પણ આ તળાવ સાથે સંકળાયેલી આખી જળપ્રણાલિનું અને તેને લઈને પર્યાવરણ પર થતી વિપરીત અસરનું શું? આ બાબતને લઈને પર્યાવરણવાદીઓએ વિરોધ કરવાનુ નક્કી કર્યું. સ્થાનિક કર્મશીલો અને નાગરિક સમુદાયના મળીને કુલ 104 લોકોએ સહી કરીને ઉત્તરાખંડ વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વિપીન સાંઘીને એક પત્ર મોકલ્યો. તેમાં વિકાસને નામે સૂખાતાલના થઈ રહેલા વિનાશ અંગે વિગતવાર જણાવવામાં આવ્યું હતું. સૂખાતાલના ‘અવૈજ્ઞાનિક અને વણજોઈતા’ વિકાસ અને તેના સૂચિત વિકાસ આયોજન બાબતે પત્રમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. તેમાં એમ પણ જણાવાયું હતું કે સરોવરને તળિયે કોન્ક્રીટ કરવાથી નૈનીતાલની જૈવપ્રણાલિને પણ નુકસાન થશે, જેની અસર નૈનીતાલના નિવાસીઓની આજીવિકા પર પડી શકે છે.[૧]
આ પત્રને આધારે, ૨૦૨૨ના માર્ચમાં વડી અદાલતે સુઓ મોટો અરજી દાખલ કરીને પત્રનું રૂપાંતર જાહેર હિતની અરજીમાં કરી દીધું અને કાર્તિકેય હરિ ગુપ્તાને વકીલ તરીકે નીમ્યા. એ પછી આઠેક મહિને, એટલે કે ૨૨ નવેમ્બરે વડી અદાલતે આ વિકાસકામ પર મનાઈહુકમ ફરમાવ્યો. આ કાર્યવાહીમાં ઓગણીસ મહિના વીતી ગયા પછી અત્યારે શી સ્થિતિ છે?
આ સ્થળના ઈજનેર નવિન અગ્રવાલના જણાવ્યા અનુસાર તેઓ સારી ઝડપે કામ કરી રહ્યા હતા અને આગામી બેએક મહિનામાં આ સ્થળને જનતા માટે ખુલ્લું મૂકવાનું આયોજન હતું. તળિયાને કોન્ક્રીટનું કરવાનું કામ શરૂ થવામાં જ હતું અને વડી અદાલતનો મનાઈહુકમ આવ્યો. અહીં કામ કરતા અધિકારીઓના મતે ૮૦ ટકા જેટલું કામ પૂરું થઈ ગયું હતું.
સરકારે સરોવરના તળિયાને કોન્ક્રીટથી ભરવાનું કોઈ આયોજન હોવાનો ઈન્કાર કર્યો છે, અને જણાવ્યું છે કે તેઓ સરોવરના તળિયે ‘જિઓસિન્થીટીક ક્લે લાઈનર’ (જી.સી.એલ.) નો ઉપયોગ કરવાના હતા. જી.સી.એલ. સાવ ઓછી છિદ્રાળુતા ધરાવતું કૃત્રિમ રીતે વિકસાવાયેલું માધ્યમ છે.
કુમાઉ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્રના નિવૃત્ત પ્રાધ્યાપક ચારુ ચંદ્ર પંતે અગ્રણી અંગ્રેજી અખબાર ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ આખો વિસ્તાર જૈવપ્રણાલિની દૃષ્ટિએ સંવેદનશીલ છે અને તેની સાથે કોઈ ચેડાં કરવાં ન જોઈએ. સૂખાતાલ ઊંચાઈવાળા વિસ્તારમાં આવેલું હોવાથી તે નૈની તાલ માટે રિચાર્જ ક્ષેત્રનું કામ કરે છે. પણ સૂખાતાલ મૌસમી હોવાથી વર્ષનો અમુક સમય તે ખાલી રહે છે અને તેથી લોકો તેમાં કચરો ફેંકવા લાગ્યા છે. કેટલાકે તેની ફરતે મકાન બાંધ્યા છે અને તેના સ્રાવ વિસ્તાર પર દબાણ કર્યું છે. અહીં મૂકાયેલા ત્રણ્ચાર પમ્પ રોજનું ત્રીસ લાખ લીટર પાણી ઉલેચે છે, જે નૈનીતાલની રોજની 80 લાખ લીટરની જરૂરિયાતનો મોટો હિસ્સો છે.
આ અગાઉ 2014માં સેન્ટર ફોર ઈકોલોજી ડેવેલપમેન્ટ એન્ડ રિસર્ચના કાર્યપાલક નિદેશક ડૉ. વિશાલ સીંઘની આગેવાની હેઠળની એક સંશોધન ટુકડીએ જણાવ્યું હતું કે નૈનિતાલનું ભૂસ્તર અતિ નાજુક હોવાથી ત્યાં કોઈ પણ પ્રકારની સજાવટનું કામ સાવધાનીપૂર્વક કરવું જોઈએ. આ ટુકડીએ સૂખાતાલને નૈનિતાલ માટેના ‘અતિ મહત્ત્વના રિચાર્જ વિસ્તાર’ તરીકે ઓળખાવ્યો હતો. એ સમયે ડૉ. સીંઘે કહેલું કે સામાજિક અને પર્યાવરણીય દૃષ્ટિકોણથી જોઈએ તો અતિ આવશ્યક ન હોય ત્યાં સુધી આ વિસ્તાર સાથે ચેડાં ન કરવાં. નૈનિતાલના જળસંતુલનને જાળવવામાં અને નૈનીતાલની વિશાળ જનસંખ્યાને પાણી પૂરું પાડવામાં સૂખાતાલની ભૂમિકા મહત્ત્વની હોવાથી તેના તળ સાથે ચેડાં કરવાનું કોઈ પણ સંજોગોમાં ટાળવું જોઈએ.
પણ આવી બધી સૂચના કે ચેતવણીઓને ગણે કોણ? પ્રવાસીઓ માટે આકર્ષણ ઊભું કરવાની અને તેના થકી પ્રાપ્ત થનારી આવકની લ્હાયમાં એક આખા ભૌગોલિક વિસ્તારનું નિકંદન કાઢવા સુધી પહોંચી જવાની આ ઘટના પહેલી પણ નથી કે છેલ્લી પણ નહીં હોય!
સોનાનાં ઈંડાં માટે આખેઆખી મરઘીને મારી નાંખવાની માણસની વૃત્તિ આજના યુગમાં વકરી છે એવી કદાચ ક્યારેય નહોતી વકરી!
[૧]
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૫-૧૨–૨૦૨૨ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
