વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • કોઈનો લાડકવાયો (૧૪) કાન્હૂ અને સીધૂઃ ૧૮૫૫નો સંથાલ વિદ્રોહ

    દીપક ધોળકિયા

    ભારતના ઇતિહાસમાં સંથાલ આદિવાસીઓનો વિદ્રોહ ખાસ ઉલ્લેખને પાત્ર રહ્યો છે. આજે પણ સંથાલો પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢના મોટા ઇલાકાઓમાં વસે છે. ૧૭૯૩માં લૉર્ડ કૉર્નવૉલિસે જમીન મહેસૂલની કાયમી જમાબંધી પદ્ધતિ લાગુ કરી. આ સાથે જમીનની માલિકી સરકારના હાથમાં ચાલી ગઈ. પહેલાં આદિવાસીઓ જંગલને પોતાનું સમજીને એની પેદાશોનો ઉપયોગ કરતા હતા પરંતુ મહેસૂલ વધારવા માટે કંપની સરકારને નવી જમીનો જોઈતી હતી એટલે જંગલો કાપવાનું શરૂ થયું. સંથાલોને ભોળવીને બીરભૂમ જિલ્લામાં મોકલી દેવાયા. ત્યાં એ સીધા જ જમીનદારો અને શાહુકારોની ચુંગાલમાં સપડાયા અને સંથાલો પોલીસ દારોગાના જુલમોનો પણ શિકાર બનવા લાગ્યા. ૧૮૩૮માં સંથાલોના ગામ દામિની-કોહમાંથી માત્ર બે હજાર રૂપિયાની આવક થતી હતી, તે ૧૮૫૧માં વધીને ૪૪,૦૦૦ રૂપિયા થઈ અને બીજાં માત્ર ત્રણ વર્ષમાં ૬૮,૦૦૦ રૂપિયા સુધી પહોંચી.

    એક વાર બે ભાઈઓ કાન્હૂ અને સીધૂ પોતાની ઝૂંપડીમાં બેઠા હતા ત્યારે એમણે કંઈક ચમત્કાર અનુભવ્યો. એમને ‘ઠાકુરજી’નાં દર્શન થયાં. તે પછી એમણે પોતાને પ્રદેશના રાજા જાહેર કર્યા અને સૌને બીજા કોઈની આણ ન માનવાનો આદેશ આપ્યો. ઠાકુરજીએ જ એમને રાજા બનાવ્યા હતા. સંથાલો ઠાકુરજીનો પડ્યો બોલ ઝીલવા તત્પર રહેતા. આમાં જ બ્રિટિશ હકુમતને પડકાર હતો.

    ૧૮૫૫માં કલકત્તાની મૅસર્સ મૅકી ઍન્ડ કંપનીએ જ્યાં સંથાલોને એમનાં ગામો ખાલી કરીને વસાવ્યા હતા તે બીરભૂમમાં જ લોખંડનું કારખાનું ખોલ્યું. આ ઉપરાંત, કોલસાની ખાણોનું કામ શરૂ થયું અને ગળીનાં કારખાનાં પણ બન્યાં. એમણે મોટા પાયે જંગલો કાપવાનું શરૂ કર્યું. આમાં ઘણા યુરોપિયનો અને યુરેઝિયનોને નોકરી મળી. આ લોકોને મન સંથાલ જંગલી જાનવર હતા અને એમની સ્ત્રીઓ માત્ર વસ્તુ હતી.

    સંથાલો માટે ઝાડ એટલે એમના પૂર્વજોના આત્માઓનું ઘર. આત્માઓ ઝાડો અને પહાડોની ટોચ પર રહે. સંથાલોમાં ગોરાઓ સામે રોષ વધતો ગયો. બીજી બાજુ, શહેરી હિન્દુઓનો ધર્મ પણ એમની આસ્થા પર દબાણ કરતો હતો. એમણે ઘણાં હિન્દુ આસ્થાનાં પ્રતીકો સ્વીકાર્યાં બૈદ્યનાથ (ભગવાન શિવ)ના મેળામાં એમની આવવા માટે શહેરીઓ પ્રોત્સાહિત કરતા, પણ એ મેળામાં જતા ત્યારે એમને કોઈ સમોવડિયા ન માનતા. એમનો માત્ર નાચગાન અને મનોરંજન માટે ઉપયોગ થતો.

    આમ ચારે બાજુથી સંથાલો ભીંસમાં હતા. એવામાં છોટા નાગપુર પ્રદેશનાં ખનિજો અને લાકડાં સહેલાઈથી લઈ જવા માટે રેલવે લાઇનનું બાંધકામ શરૂ થયું. જે બાકી હતું તે પણ હવે પૂરું થયું. કુદરતને ખોળે મુક્ત જીવન જીવવા ટેવાયેલા સંથાલો ગૂંગળામણ અનુભવવા લાગ્યા હતા. એમણે હવે બદલો લેવાનું શરૂ કર્યું. અંગ્રેજોના યુનિફૉર્મધારી સૈનિકોને જંગલની લડાઈનો અનુભવ નહોતો.  સંથાલોનાં તીર રોજેરોજ સૈનિકોની લોથો ઢાળવા લાગ્યાં.

    એમનો પહેલો રોષ મહાજનો પર ઊતર્યો. એમણે શાહુકારો અને જમીનદારોનાં ઘરો પર હુમલા શરૂ કરી દીધા. માત્ર દામિની-કોહ નહીં આજુબાજુના પ્રદેશોના સંથાલોમાં પણ સંદેશ પહોંચવા લાગ્યો. એમના હુમલાઓ સામે ‘દિક્કુઓ’ (બંગાળી શહેરીઓ)એ સરકારમાં ફરિયાદો કરી. સંથાલોના સાથી જેવા માઝીઓના એક નેતા બીર સિંઘ માઝીને નાયબે કચેરીમાં બોલાવ્યો અને જોડાથી માર્યો. પોલીસે કાન્હૂ અને સીધૂને પણ પકડવાની કોશિશ કરી.

    આથી બળતામાં ઘી ઉમેરાયું. સંથાલો ઉશ્કેરાયા. ૩૦મી જૂને પૂનમ હતી તે દિવસે દસ હજાર સંથાલ ભગનડીહીમાં એકઠા થયા. એમણે કંપનીના સત્તાવાળાઓ અને જમીનદારોને પત્રો લખીને જાણ કરી કે ‘ઠાકુરજી’એ નક્કી કરેલા દરે જ મહેસૂલ આપશું. એમણે પંદર દિવસમાં જવાબ માગ્યો.

    ૧૮૫૫ની સાતમી જુલાઈએ બધા એકઠા થયા. લડવાનો પાકો સંકલ્પ કર્યો અને નીકળી પડ્યા. એમણે કેટલીયે સરકારી કચેરીઓ પર હુમલા કર્યા. અંતે સરકારે પોલીસ ટુકડીઓ મોકલી, રીતસરનું યુદ્ધ થયું. ૧૫-૨૦ હજાર સંથાલો મોતને ભેટ્યા.

    દેશ એટલે શું? ‘સભ્ય’ કહેવાતા ઇતિહાસકારો સંથાલોના વિદ્રોહને માત્ર જંગલ અને જમીન માટેનો વિદ્રોહ કહે છે. પરંતુ એ આ દેશ પર ઠોકી બેસાડાતી નવી આર્થિક વ્યવસ્થા સામેનો વિદ્રોહ હતો અને સંથાલો સમજી શક્યા કે આના ખરા અપરાધી કોણ હતા. એક દિવસના ધિંગાણામાં વીસ હજારનાં મરણ થાય એ ઇતિહાસની મોટી ઘટના છે. આદિવાસીઓનું આપણા પર ઋણ છે તેને માથે ચડાવીએ.

    0x0x0

    દીપક ધોળકિયા

    વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

    બ્લૉગ સરનામું: મારી બારી

  • ઈંગમાર બર્ગમેનનું આંતર – વિશ્વ : ચિત્કાર અને ગણગણાટ | CRIES AND WHISPERS ( 1972 ) – VISKNINGAR OCH ROP

    ભગવાન થાવરાણી

    સત્યજીત રાયની ફિલ્મોના રસાસ્વાદનવાળી શ્રેણીના એક હપ્તામાં ફિલ્મ સર્જકો વિષયક એક પારિભાષિક શબ્દ AUTEUR ( ઓટર ) ની ચર્ચા કરેલી. AUTEUR એટલે એવા ફિલ્મ સર્જક જેનો પ્રભાવ પોતાની સમગ્ર ફિલ્મના દરેક પાસા પર હોય, એ હદ્દે કે આપણે એમને જ સમગ્ર કૃતિના સર્જક કહેવા પડે ! સત્યજીત રાય આ કક્ષાના સર્જક નિર્વિવાદપણે હતા જ, પરંતુ વિશ્વ-સિનેમાના આલ્ફ્રેડ હિચકોક, ફેડરિકો ફેલિની, જોહ્ન ફોર્ડ, સ્ટેનલી કુબ્રિક, અકીરા કુરોસાવા, યાસુજીરો ઓઝુ, માર્ટીન સ્કોર્સીસ, આંદ્રે તારકોવ્સ્કી, ફ્રાંસ્વા ત્રુફો અને જેમની ફિલ્મોની આજકાલ વાતો કરીએ છીએ એ ઈંગમાર બર્ગમેન આવા AUTEURS માં આવે. હિચકોકનું જાણીતું વિધાન છે કે ‘ મારી ફિલ્મમાં લંડનના કોઈક ધોળા દિવસે રસ્તે પસાર થતી પીળા રંગની મોટરકારનું દ્રષ્ય હોય તો એ રસ્તો, કારની એ બ્રાંડ, એ ઉજ્જવળ દિવસ અને કારનો એ પીળો રંગ મેં પસંદ કરેલો હોય છે ‘ ! 

    ઈંગમાર બર્ગમેનની બે ફિલ્મો WINTER LIGHT અને FANNY AND ALEXANDER ના નિર્માણ વિષે બનેલી આશરે બબ્બે કલાક લાંબી ફિલ્મો જોઈએ તો ખ્યાલ આવે કે ફિલ્મ સર્જનના દરેક પાસામાં બર્ગમેન લગભગ ગાંડપણની હદ્દે એકાકાર થયા હોય છે. નિર્દેશન તો ખરું જ, એમની મોટા ભાગની ફિલ્મોમાં પટકથા પણ એમની જ. સંગીત અને સિનેમાટોગ્રાફીમાં પણ ઓતપ્રોત. ક્યારેક તો એ વિભાગો સંભાળતા અન્ય કસબીઓને એ એમના કામમાં હસ્તક્ષેપ કરતા રોય એવું લાગે પરંતુ અંતિમ કૃતિ જોઈએ ત્યારે લાગે કે એ હસ્તક્ષેપ સાર્થક હતો !

    મહાન ફિલ્મ સર્જકોમાંથી બર્ગમેન જ એક એવા છે જેમની માટો ભાગની ફિલ્મો આત્મકથાત્મક અથવા એમણે જોયેલાં સ્વપ્નો પર આધારિત છે. આજે જે ફિલ્મની વાત કરવાના છીએ એ CRIES AND WHISPERS ( 1972 )[1] ના મૂળમાં પણ એમને અવારનવાર આવેલું એક સ્વપ્ન છે. સપનામાં સફેદ વસ્ત્રોમાં સુસજ્જ ચાર સ્ત્રીઓ એક રાતા કમરામાં એકબીજા સાથે ગુસપુસ કરતી દેખાયેલી. બચપણમાં એમની આત્માની કલ્પના પણ કાળા વસ્ત્રો પહેરેલ ચહેરાવિહીન મનુષ્ય જે ભીતરેથી લાલ હોય એવી હતી. વીસમી સદીના શરુઆતના વર્ષોમાં આકાર લેતી આ ફિલ્મની વાર્તામાં પણ ચાર સ્ત્રીઓ છે. ત્રણ સગી બહેનો અને ચોથી એમની નોકરાણી. ગર્ભાશયના કેંસરના અંતિમ તબક્કામાંથી પસાર થતી અને મક્કમ પગલે મૃત્યુ ભણી ધકેલાઈ રહેલી એગ્નેસ ( હેરિયટ એંડરસન )એની બે બહેનો કારીન ( ઈંગ્રીડ થુલીન ) અને મારિયા ( લિવ ઉલમાન ) તેમજ એ ત્રણે બહેનોના ભવ્ય મહાલયમાં એમની સેવા કરતી નોકરાણી અન્ના ( કારી સિલ્વાન ). ફિલ્મના કેન્દ્રસ્થાને છે મૃત્યુ. ( ચાર સ્ત્રીઓની જ વાત કરતી આ શ્રુંખલાની જે પ્રથમ ફિલ્મ SO CLOSE TO LIFE આપણે વિસ્તારથી ચર્ચી એમાં જીવનની વાત હતી ! ) . બર્ગમેન કહે છે કે આ ચારેય સ્ત્રીઓના ચરિત્રાંકનમાં કોઈને કોઈ રીતે એમના પોતાના માતા કારીનનો અંશ છે. ફિલ્મ પૂર્ણત: સ્ત્રીપ્રઘાન છે. ( આપણે ચર્ચી ગયા એ AUTUMN SONATA અને PERSONAની જેમ ) . ફિલ્મમાં મૃત્યુ ઉપરાંત શ્રદ્ધા – અશ્રદ્ધા, સ્ત્રી માનસિકતા અને શારીરિક – માનસિક પીડામાંથી જીવનના અર્થની નિષ્પત્તિ, એ બધું પણ સાંકળી લેવાયું છે. બર્ગમેનની અને વિશ્વની શ્રેષ્ઠતમ ફિલ્મોમાં આ ફિલ્મનો શુમાર થાય છે. વળી આ ફિલ્મ નિર્વિવાદપણે એમની સૌથી વિષાદમય અને અંધારી ફિલ્મ છે.

    બર્ગમેનની આ પહેલાંની ફિલ્મોથી સાવ અલગ, આ ફિલ્મમાં સંતૃપ્ત લાલ રંગનો ઉપયોગ પશ્ચાદભૂ તરીકે કરવામાં આવ્યો છે. ફિલ્મની ગુણવત્તાનું એક પ્રમાણ એ કે ૧૯૭૨માં આ ફિલ્મને ઓસ્કર માટેની શ્રેષ્ઠ ફિલ્મ તરીકે નામાંકિત કરવામાં આવેલી ( જે એક બિન-અમેરિકન ફિલ્મ માટે આજે પણ મોટું બહુમાન ગણાય છે ) ફિલ્મની સિનેમાટોગ્રાફી માટે સ્વેન નિકવીસ્ટ ઓસ્કર જીતેલા પણ ખરા. ફિલ્મના એક વિવાદાસ્પદ દ્રશ્યને તો સ્વીડીશ પોસ્ટલ વિભાગે પોસ્ટલ ટિકિટ ઉપર પણ દર્શાવીને સન્માનિત કરેલું. ( બર્ગમેનને ખુદને એ રીતે સન્માનિત કરવા તો સામાન્ય વાત થઈ !

    વર્તમાનમાં ચાલતી આ ફિલ્મ વારંવાર ફ્લેશબેકમાં જઈ ફિલ્મના ચારેય મુખ્ય ચરિત્રો – સ્ત્રીઓના જીવનના આંતરપ્રવાહો વર્ણવે છે જેથી એમના વર્તમાન વલણો અને મૂલ્યોની ભૂમિકા મુખર થાય. દરેક સ્ત્રીનો ભૂતકાળ છે જેના છેડા વર્તમાનને સ્પર્શે છે. ફિલ્મમાં થોડીક વાર માટે દેખા દેતી ત્રણે બહેનોની માનો રોલ પણ લિવ ઉલમાન ભજવે છે જ્યારે નોકરાણી અન્નાની બચપણમાં જ મૃત્યુ પામેલી દીકરી અને મારિયાના શૈશવની ભૂમિકા બર્ગમેનની બે દીકરીઓ ભજવે છે.

    એગ્નેસનું આવી રહેલું મૃત્યુ ફિલ્મમાં કેન્દ્રસ્થાને છે અને બર્ગમેને કુશળતાપૂર્વક ઘડિયાળોના ફરી રહેલા કાંટાઓ અને ઝૂલી રહેલા લોલકોના પ્રતીકનો ઉપયોગ મૃત્યુની પદચાપ દર્શાવવા કર્યો છે. ફિલ્મમાં લગભગ અધરસ્તે જ એગ્નેસનું મૃત્યુ થાય છે છતાં એ મૃત્યુનો ઓછાયો છેવટ લગી – અંતિમ અદ્ભુત દ્રશ્યને બાદ કરતાં – ફિલ્મ પર મંડરાયેલો રહે છે.

    સૌથી મોટી બહેન કારીન અને વચેટ મારિયા બન્ને પરણેલા છે પરંતુ એમનું લગ્નજીવન નિષ્ફળ છે. મરણાસન્ન એગ્નેસ અને અન્ના અપરિણીત છે. એગ્નેસના અંતિમ દિવસોમાં સાથે રહેવા અને ‘ સેવા ‘ કરવા બન્ને બહેનો પરિવાર છોડીને આવી છે પણ એમને પોતાની બહેનમાં કે એની તબિયતમાં કોઈ રસ નથી. એમને માત્ર દુનિયાદારી નિભાવવી છે. બચપણ સાથે વિતાવ્યું હોવા છતાં આ બન્ને બહેનો વચ્ચે આપસમાં પણ કોઈ સુમેળ કે સંવાદ નથી. બન્નેના દુખી લગ્નજીવનના ઓછાયા એમના પારસ્પરિક, બહેન એગ્નેસ અને નોકરાણી અન્ના પ્રત્યેના વર્તનમાં ડોકાય છે. અન્ના કુંવારી માતા બની નાનકડી દીકરીને બચપણમાં જ માંદગીથી ગુમાવી ચુકી છે. એ ધર્મિષ્ઠ અને આસ્થાવાન છે અને એને એગ્નેસ પ્રત્યે સાચો પ્રેમ છે.

    ભવ્ય મેન્શનમાં એગ્નેસનો કમરો અલગ છે અને બન્ને બહેનોના અલગ. બધા કમરાઓ લાલ જાજમોથી એકબીજા સાથે એવી રીતે જોડાયેલા છે જાણે શરીરના અલગ – અલગ આંતરિક અવયવો. કેંસરની વેદના ન જીરવાતાં જ્યારે એગ્નેસ ઘાયલ પશુ જેવા ચિત્કાર નાંખે છે ત્યારે અન્ના તુરંત દોડી એની વહારે જાય છે . એની પાછળ બન્ને બહેનો પણ પરંતુ જાણે શરમે – ધરમે.

    એગ્નેસની ખબર કાઢવા જરુર પડ્યે આવતો ડોક્ટર ડેવિડ ( અરલેંડ જોસેફસન – આપણે નીરખી ગયા એ SCENES FROM A MARRIAGE નો નાયક ) મારિયાનો પ્રેમી છે એટલું જ નહીં, સ્વયં એગ્નેસને પણ એના માટે છુપો પ્રેમ છે જે એના ક્રિયાકલાપ દ્વારા સ્પષ્ટ થાય છે. મારિયાના પતિને પત્નીના ડોક્ટર સાથેના સંબંધોની જાણ છે પણ એ પત્નીના આધિપત્ય અને એની પરપુરુષ-ભૂખ આગળ નિસહાય છે. ફિલ્મના એક આંચકાજનક ફ્લેશબેક દ્રષ્યમાં એ એના વિરોધમાં આપઘાતનો નિષ્ફળ પ્રયત્ન પણ કરે છે. એ પ્રસંગ વધુ આઘાતજનક એટલા માટે છે કે પતિની ચીસ સાંભળી બેડરૂમમાં દોડી આવતી મારિયા એની વહારે ધાવાને બદલે એને લોહી નીંગળતો સ્થિતપ્રજ્ઞતાથી જોઈ રહે છે !

    એગ્નેસને નાની વયે મૃત્યુ પામેલી એમની મા સતત યાદ આવ્યે રાખે છે. એને એ રંજ પણ પીડ્યા કરે છે કે મા એના કરતાં વચેટ બહેન મારિયાને વધુ ચાહતી. એગ્નેસ માને છે કે એની મા માયાળુ, આકર્ષક અને જીવંત હતી પણ એના માટે તો ટાઢી, અલિપ્ત અને ક્રૂર જ ! જોકે હવે આ તબક્કે એને માની એકલતા પણ સમજાય છે.

    ફિલ્મની કેંદ્રીય ઘટના એટલે એગ્નેસના મૃત્યુ પછી પણ એની હયાતી સાથે સંકળાયેલા પાત્રો અને એમની સાથે બનતી ઘટનાઓના નિરુપણ દ્વારા સર્જક એ વાત ભણી સંકેત કરે છે કે જે જીવે છે એમનું જીવન વળી ક્યાં ઓછું દુખદ છે અને કદાચ એમના મૃત્યુની ઘડી એગ્નેસ કરતાં પણ વધુ કારમી હશે ! એગ્નેસના મૃત્યુ પછીના એક યાદગાર દ્રષ્યમાં મારિયા મોટી બહેન કારીનને કહે છે કે તેમણે ભાગ્યે જ એકમેકને સ્પર્શ કર્યો છે અથવા સગી બહેનોને છાજે એવી અંતરંગ વાતો કરી છે. એ કારીનને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે છે અને કારીન ભારોભાર અણગમા પૂર્વક જાતને સંકોરી લે છે !

    મોટી બહેન કારીન ભૂતકાળમાં જઈ એક ભયાનક ઘટના યાદ કરે છે. એના પતિ ફ્રેડરીકને પોતાનાથી દૂર રાખવા – પોતાનો શારીરિક સંસર્ગ ન કરવા પ્રેરવા એ ઈરાદાપૂર્વક પોતાના ગુપ્તાંગોને કાચના ધારદાર ટુકડાથી ઈજા કરે છે. પછી ત્યાંથી વહેતું લોહી પોતાના મોઢે ચોપડી, પતિને દેખાડી ચુપચાપ એનો ઉપહાસ કરે છે ! જેથી પતિને એના કરતાં પણ વધુ ઈજા પહોંચે ! સિનેમાના ઈતિહાસના સૌથી ચોંકાવનારા, વિક્ષિપ્ત કરનારા દ્રષ્યોમાંનું એક છે આ દ્રષ્ય !  એ વખતના કારીન એટલે કે અભિનેત્રી ઈંગ્રીડ થુલીનના ચહેરાના ભાવ – જાણે એ ધ્રુસ્કે – ધ્રુસ્કે રડી પડવું રોકતી હોય અને એના ઠેકાણે વિજયી સ્મિત ઓઢતી હોય – એ આ અભિનેત્રીની પ્રતિભાનું ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત છે.

    ફિલ્મમાં નોકરાણી અન્નાને આવતા એક સ્વપ્નમાં, મૃત્યુ પામેલી પરંતુ હજી અંતિમ સંસ્કાર બાકી છે એવી એગ્નેસ જીવંત થાય છે અને કારીન અને મારિયાને બૂમો પાડી પોતાના કમરામાં બોલાવે છે. મહાપરાણે એગ્નેસ પાસે જઈ કારીન કહી દે છે કે તું તો મરી ગઈ, હું હજી જીવું છું અને મને તારામાં કોઈ રસ નથી. એ જ રીતે મારિયા પણ મૃત પરંતુ જીવંત થયેલી એગ્નેસને એમ કહીને ભાગી છૂટે છે કે હું બહેન ખાતર કંઈ પતિ અને બાળકોને છોડી ન દઉં ! માત્ર અન્ના જ એવી છે જે એગ્નેસની નજીક જાય છે, એગ્નેસનું માથું પોતાના ગોઠણે મુકી એને માની જેમ હિંચોળે છે. એ એક જ છે જે સ્પર્શનો – પ્રેમનો અર્થ જાણે છે અને એ એક જ છે જે ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવે છે ! અન્નાની પ્રકૃતિ અહીં પૂર્ણત: પ્રગટે છે.

    અન્ય એક પ્રસંગમાં પણ અન્નાનું ચરિત્રની સરળતા અને પારદર્શકતા સુપેરે ઉજાગર થાય છે. એ ઈસુની પ્રતિમા આગળ મીણબત્તી પેટાવી વિનંતી કરે છે કે પ્રભુ ! તમારી પાસે આવેલી મારી દીકરીનું ધ્યાન રાખજો, એને તમારો અનંત પ્રેમ આપજો. પછી તરત મીણબત્તી ઓલવી, નીચે તાસકમાં પડેલ સફરજન ઉઠાવી, એક બટકું ભરીને સફરજન મૂકી દે છે !

    એગ્નેસ હયાત અને પ્રમાણમાં પીડામુક્ત છે એવા ફિલ્મના એક દ્રષ્યમાં મારિયા પથારીમાં સૂતેલી એગ્નેસ આગળ ચાર્લ્સ ડિકંસની નવલકથા પિકવીક પેપર્સના એક પરિચ્છેદનું પઠન કરે છે. ફિલ્મના માત્ર બે શાતાદાયક દ્રષ્યોમાંનું એ એક છે. બાકી મહદંશે ફિલ્મમાં ઘરની લાલ દીવાલોમાંથી જાણે પીડા ઝરે છે જેને એ દીવાલો જ શોષી લે છે !

    ફિલ્મની મધ્યમાં આવતું એગ્નેસના મૃત્યુવાળું દ્રષ્ય હૃદયવિદારક છે. મૃત્યુનું એક – એક પગલું દર્શકને સંભળાય, ‘ એ આવી રહ્યું છે, આવે છે, હવે પહોંચ્યું, હવે એણે મૃતકને દબોચી લીધું ‘ એવું લાગ્યા કરે. એ ક્ષણે અન્ના અને બન્ને બહેનોની વિપરીત પ્રકૃતિ ફરી એકવાર સ્પષ્ટ થાય છે. એક બાજુ મરી રહેલી એગ્નેસને ખોળામાં લઈ અન્ના મૃત્યુને જાણે શક્ય તેટલું દૂર હડસેલવાનો પ્રયત્ન કરતી હોય એવું લાગે તો બીજી બાજુ બન્ને બહેનો કોઈક ને કોઈક બહાને એગ્નેસથી – કહો કે મૃત્યુથી – આઘી ભાગે ! એગ્નેસની મરણચીસો ભલભલાને થથરાવી દે અને પીડાથી છૂટવા પોતાની જ છાતીમાં જે મુક્કા મારે એ જાણે આપણને જ વાગતા હોય એવું લાગે !

    એગ્નેસના અંતિમ સંસ્કાર પતી ગયા પછી બન્ને બહેનોના પતિ પોતાની પત્નીઓને લઈ જવા અને વિશાળ મહાલયનો વહીવટ આટોપવા આવે છે. ચારે વ્યવહારુ અને ઘમંડી લોકો અન્નાને બોલાવી, અેના માથે ઉપકાર કરતા હોય તેમ એને ટચુકડી રકમ આપે છે અને જાણે ‘ ચાલતી પકડવાનું ‘ કહે છે. એની પ્રિય એગ્નેસની યાદગીરીરુપે એની કોઈક વસ્તુ આપવાની ‘ ઉદાર ‘ દરખાસ્ત પણ કરે છે. ફિલ્મમાં એકમાત્ર વાર ઊંચા અવાજે બોલતી અન્ના એ સ્વીકારવાનો ઈંકાર કરે છે. પણ અન્નાએ કશુંક તફડાવ્યું તો છે જ. એ છે પુત્રીવત એગ્નેસની ડાયરી ! એ ડાયરીમાંની એગ્નેસની સ્મૃતિઓ એ ફિલ્મના માત્ર બે ખુશનુમા પ્રસંગોમાંનું બીજું અને ફિલ્મનું છેલ્લું ઉત્તમોત્તમ દ્રષ્ય.

    એ સમય જ્યારે એગ્નેસની પીડા બહુ તીવ્ર નહોતી . ત્રણે બહેનો અને અન્ના સફેદ વસ્ત્રોમાં, હરિયાળી લોનમાં, પ્રસન્ન મુદ્રામાં. ત્રણે બહેનો ખુશખુશાલ લોનમાં મોટા હીંચકે બેસે છે અને અન્ના એમને ઝૂલાવે છે. એગ્નેસ ડાયરીમાં લખે છે  આ જ સુખ છે. હું જેમને સૌથી વધુ ચાહું છું એ બધા મારી સંગે છે. હું એમને સાંભળી, સ્પર્શી શકું છું. આથી વધુ શું જોઈએ ! હું અંતરતમથી જિંદગીની ઋણી છું. એણે મને ખોબલે – ખોબલે આપ્યું છે. 

    ઔર જીનેકો ક્યા ચાહિયે ! આપણને ગુજરાતી કાવ્યપંક્તિઓ સાંભરે :

    આળપંપાળથી શું વધુ જોઈએ ?
    સારસંભાળથી શું વધુ જોઈએ ?

    એક પંખીને બસ ચહેકવા, ઝૂમવા
    લીલીછમ ડાળથી શું વધુ જોઈએ ?

    અન્ના – ફિલ્મની એકમાત્ર સરળ અને પારદર્શક સ્ત્રી – માટે આ જ સ્મૃતિભેટ છે. પીડા અને મૃત્યુની સાક્ષાત ઉપસ્થિતિ છતાં એગ્નેસનો આ કૃતજ્ઞતાભાવ આપણને ગદગદિત કરે છે.

    આ ફિલ્મ મૃત્યુ ઉપરાંત પ્રેમ, જાતિયતા, ઘૃણાની વાત કરે છે. બર્ગમેનની આ સિવાયની કોઈ પણ ફિલ્મની છાપ તમને આ ફિલ્મ માટે તૈયાર નહીં કરી શકે. આ ફિલ્મ પ્રજાળે પણ છે, વિક્ષિપ્ત કરે છે, ભયભીત કરે છે પરંતુ સાથે – સાથે મંત્રમુગ્ધ પણ કરે છે. આ માત્ર સ્ત્રીઓનું વિશ્વ છે, બર્ગમેનની અગાઉની SILENCE, PERSONA અને AUTUMN SONATA ની જેમ. એ સ્ત્રીઓ ઉપભોગના સાધન નથી. એ એવા પાત્રો છે જેમના થકી સર્જક પોતાના ભય, હતાશાઓ અને નિષ્ફળતાઓ વ્યક્ત કરે છે.

    આ ફિલ્મના પાત્રો પરસ્પર સંવાદ સાધી શકતા નથી, સાવ પ્રાથમિક તબક્કાના સંપર્ક સિવાય. જે વિશ્વને એ લોકો સાચવી કે સમજી શકતા નથી એમાં એ બધા મદદ માટે ચિત્કારી રહ્યા છે. એ લોકો એક મૌન વિશ્વ સાથે માથું ફોડે છે. અહીંનો ઈશ્વર લાપરવાહ છે. ફિલ્મની ચાર સ્ત્રીઓએ આવા વેરાન અને લાગણીશૂન્ય જગતનો સામનો કરવાનો છે. રસપ્રદ વાત એ કે બર્ગમેનના પુરુષ પાત્રો હમેશા સ્વાર્થી રહ્યા છે. બીજી બાજુ એમના સ્ત્રી પાત્રોની નિષ્ફળતાનું કારણ એમનું શરીર અને જાતિયતાથી ઉપર નીકળવાના એમના પ્રયાસો છે. એ સ્ત્રીઓ પોતાના શરીરની મર્યાદાઓના કારણે પોતાની શુષ્ક અને ખાલીખમ જિંદગીઓમાં સપડાઈને કરમાય છે. ( જેમ કે આ ફિલ્મમાં કારીનનું સ્વ-દમન, મારિયાની પુરુષ ભૂખ અને મરણાસન્ન એગ્નેસ સુદ્ધાંનું ડોક્ટરના સ્પર્શને ઝંખવું ! )

    એક સંગીત – વિવેચકે મોઝાર્ટના પિયાનો કોંસર્ટો નંબર 14 વિષે લખેલું કે એ CRIES AND WHISPERS જેવું લાગે છે. એ પરથી પ્રેરણા લઈ આ શીર્ષક રાખવામાં આવ્યું છે. એક અન્ય મંતવ્ય અનુસાર ફિલ્મનું આ શીર્ષક એ મૃત્યુ સમયે મનુષ્યના મોમાંથી નીકળતા ઉદ્દગારો છે.

    ફિલ્મની શરુઆતના જ દ્રષ્યમાં પથારીમાં પડેલી એગ્નેસ કંઈ કહે એ પહેલાં તો બર્ગમેનના કાયમી સિનેમાટોગ્રાફર સ્વેન નિકવીસ્ટનો કેમેરા એના ચહેરા, ફાટેલા હોઠ, સુક્કા મોં અને મહામુશ્કેલીએ પ્રવાહી નીચે ઉતારતા ગળા ઉપર ફરી વળે છે. આ અભિનેત્રી હેરિયટ એંડર્સનને વહેલા સુઈ જવાની ટેવ હોવા છતાં બર્ગમેન એને રાત્રિના મોડે સુધી જગાડતા જેથી ફિલ્મમાં એનો થાકેલો, માંદો ચહેરો વધુ વાસ્તવિક લાગે ! ફિલ્મમાં એના કરતાં વધુ અનુભવી અને સફળ અભિનેત્રીઓ લિવ ઉલમાન અને ઈંગ્રીડ થુલીન હોવા છતાં આ ફિલ્મ હેરિયટની છે. કોઈકે લખ્યું છે કે એનો અભિનય  એટલો શક્તિશાળી છે કે આપણે પ્રેક્ષક તરીકે હાજર રહીને એને અવરોધતા હોઈએ એવી લાગણી અનુભવીએ છીએ. મૃત્યુને ઝંખવું અને મૃત્યુથી ડરવું એ બન્ને ભાવ એણે અદ્ભુત રીતે પ્રગટાવ્યા છે.

    મૃત્યુ એક એવો વિષય છે જે ભણી બર્ગમેન વારંવાર પાછા ફર્યા છે. જાણે કોઈ માણસ પોતાના દૂખતા દાંતને વારંવાર જીભથી ખોતરતો હોય ! મૃત્યુની પ્રક્રિયા જીવનનો અંતિમ તબક્કો છે અને સૌથી પીડાદાયક ! મોટા ભાગના કિસ્સામાં મૃત્યુ ધીમે ધીમે થાય છે, બહુ ઓછા કિસ્સામાં સાવ અણધાર્યું ને અચાનક ! એ અંતિમ દિવસોમાં મરનારને ક્યારેક અદ્ભુત દિવ્યતાના દર્શન થાય એવું ય બને. બર્ગમેને કહ્યું છે કે CRIES AND WHISPERS અને PERSONA એવી ફિલ્મો છે તેમાં હું પૂર્ણપણે સ્વતંત્રતાથી કામ કરી શકેલો. આ બન્ને ફિલ્મોમાં હું એવા શબ્દાતીત રહસ્યોને સ્પર્શી શકેલો જે સિનેમામાં જ ઉઘાડી શકાય. મારી બધી ફિલ્મોને બ્લેક એંડ વ્હાઈટ નજરે જોઈ શકાય, CRIES AND WHISPERS સિવાય !

    બર્ગમેન સંશયવાદી હતા. એમની ફિલ્મોમાંથી અનુમાન લગાવી શકાય કે એમને એ લોકોની ઈર્ષ્યા છે જેમની શ્રદ્ધા એમને એવું માનવા પ્રેરે છે કે ‘ સામે પારનું જીવન પણ સુંદર છે ‘. અનિશ્ચિતતામાં ઘૂમરાવા કરતાં એ બેહતર પણ છે. આ ફિલ્મનું સૌથી પ્રેમાળ અને પ્રશાંત ચરિત્ર અન્ના પણ શ્રદ્ધાળુ છે, નાનકડી પુત્રીને બચપણમાં ગુમાવ્યા છતાં એ વિનમ્ર અને સ્વીકારભાવવાળી છે.

    વૂડી એલનની ફિલ્મો INTERIORS ( 1978 ) અને HANNAH AND HER SISTERS ( 1983 ) ઉપર આ ફિલ્મની ઘેરી અસર છે તો MARGARETHE VON TROTTA ની ફિલ્મ – ત્રયી THE BALANCE OF HAPPINESS, MARIANNA AND JULIANNE અને LOVE AND FEAR માં પણ આ ફિલ્મના ઓછાયા ! 1955 ની CARL THEODORE ની ફિલ્મ ORDET ના પડઘા આ ફિલ્મમાં સંભળાય છે. મહાન ફિલ્મ સર્જક ફ્રાંસ્વા ત્રુફો આ ફિલ્મ માટે કહે છે કે એનો આરંભ મહાન લેખક એંતોન ચેખવની વાર્તા THREE SISTERS જેવો છે અને અંત એમના જ નાટક THE CHERRY ORCHARD જેવો !

    ફિલ્મમાં સંગીતકાર ફ્રેડરીક ચોપીનની એક તરજ વાગ્યા કરે છે. યોહાન બાક ની સંગીત રચનાઓ પણ નેપથ્યે રણઝણે છે.

    ફિલ્મનો અંત એક રીતે બર્ગમેનની ફિલ્મ WILD STRAWBERRIES ના અંત સાથે સામ્ય ધરાવે છે. એ અંત ભૂતકાળ તરફ આંગળી ચીંધી કહે છે કે આપણું સ્વર્ગીય અસ્તિત્વ બાળપણના એ ખંડમાં છે જે આપણે છેક વીસરી બેસીએ છીએ. એગ્નેસની ડાયરીના ફિલ્મના અંતિમ શબ્દો છે  ‘ હા, ભૂતકાળ અને વર્તમાન પીડાદાયક હોય પરંતુ આપણા જખમોને આપણે આપણા ભવિષ્યનું નિર્માણ કરવા ન દઈ શકીએ. આપણે અવાજ ખોલવો પડે, વ્યક્ત થવું પડે, અન્યથા ગણગણાટમાં જ આખું જીવન વ્યતીત કરવું પડે.

    આ ફિલ્મ એવા દરેક રસિકે અનુભવવી જોઈએ જેને જીવન અને પ્રેમને જોડતા સેતુમાં રસ છે. એ ત્યારે જોવાય જ્યારે તમારું મન અને આત્મા પ્રહારો ખમવા તૈયાર હોય. પોતાના મનનો આ અગોચર ખૂણો છતો કર્યા પછી બર્ગમેન આપણને આસાનીથી છોડી દેવા માંગતા નથી કારણકે આ ફિલ્મ જોવી એટલે માનવીય લાગણીઓના અંતિમોને સ્પર્શવા..

    [1]

    https://youtu.be/Mu0C1eQEon8


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • (૧૧૪) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૬૦ (આંશિક ભાગ –૪)

    હુસ્ન ગ઼મ્જ઼ે કી કશાકશ સે છુટા મેરે બા’દ

    (શેર ૬ થી ૮)થી આગળ

    (શેર ૯ થી ૧૧)

    આએ હૈ બેકસી-એ-ઇશ્ક઼ પે રોના ગ઼ાલિબ
    કિસ કે ઘર જાએગા સૈલાબ-એ-બલા મેરે બા
    દ (૯)

    [બેકસી= એકલતા, અસહાયતા; સૈલાબ= પૂર; બલા= આફત; સૈલાબ-એ-બલા= આફતનું પૂર (સંક્રમણ)]

    રસદર્શન :

    અહીં આપણને ગ઼ાલિબનો એક વધુ રસપ્રદ મક્તા શેર મળે છે અલંકારશાસ્ત્રના વિપ્રલંભ શૃંગાર રસનું આ ઉત્તમ ઉદાહરણ છે. જ્યારે માશૂક માશૂકાના ઇશ્કને ગુમાવી બેસે છે, ત્યારે તે એવી એકલતા અનુભવે છે કે તે એકલા એકલા એવા તો રડી પડતા હોય છે કે તેમના રૂદન ઉપર કાબૂ મેળવી શકાતો નથી. માશૂક માટે તેમની આ ગમગીની એક આફત બની રહે છે. માશૂકાના સાન્નિધ્યમાં જે લુત્ફ મળતો હતો તે છીનવાઈ જતાં દિલને જે વેદના થાય છે તેને આફત જ ગણવી રહી. બીજા મિસરામાં આ આફતની માત્રા માટે સૈલાબ (પૂર) શબ્દ પ્રયોજાયો છે; જેનાથી સમજાય છે કે જેમ કોઈ મહાનદીમાં ઓચિતું પૂર આવી ચઢે તો સર્વત્ર જળબંબાકાર છવાઈ જઈને સઘળું તહસનહસ થઈ જાય, તેમ કપરા વિયોગથી માશૂકની દુનિયા લુંટાઈ જાય છે. અહીં માશૂકની એકલતા માટે કારણભૂત છે માશૂકાનો વિયોગ અને એ વિયોગ એવો તો અસહ્ય છે કે માશૂક તેને જીરવી શકવા અસમર્થ હોઈ તે જીવિત નહિ જ રહી શકે. આમ માશૂક કહે છે કે વિયોગનો આ સૈલાબ તેમના મૃત્યુ પછી તેમના જેવા અન્ય પ્રેમીઓમાંથી કોના ઘરે જશે, અર્થાત્ તેમના જેવા એવા અન્ય કોઈક કમભાગીને પણ આવી મહા આફતનો ભોગ બનવું પડશે. વિયોગની આવી વિકરાળ આફત તો કોઈકનો અને કોઈકનો ભોગ લેવા માટે હંમેશાં તત્પર જ હોય છે અને તેથી જ કોઈ વિરહી પ્રેમીઓ જીવલેણ એવી આવી આફતથી બચી શકશે નહિ.

    શેરના બીજા મિસરાના અર્થઘટનના એક પર્યાય મુજબ માશૂક માને છે કે માશૂકાના વિયોગની આફત તેમના માટે એવી તો ભયાનક નીવડી છે કે એ આફતને તેમના મૃત્યુ પછી બીજા કોઈના ઘરે જવાની જરૂર રહેશે નહિ, કેમ કે એ આફતને એકલા માશૂકને જ પરેશાન કરવામાં પરિતૃપ્તિ થઈ ગઈ  હશે.

    * * *

    પૂરક શેર :-

    થી નિગહ મેરી નિહાઁ-ખ઼ાના-એ-દિલ કી નક઼્ક઼ાબ
    બે-ખ઼તર જીતે હૈં અરબાબ-એ-રિયા મેરે બાદ (૧૦)

    [નિહાઁ= ગુપ્ત; નિહાઁ-ખ઼ાના-એ-દિલ= હૃદયનો ગુપ્ત ખૂણો (ભાગ); નક઼્ક઼ાબ= ઓઝલ, પડદો; બે-ખ઼તર= નિર્ભય; અરબાબ= માલિક, ઠેકેદાર; રિયા= છળકપટ, પાખંડ, દેખાડો]

     

    રસદર્શન :

    આ શેરના ઉલા મિસરામાં આપણને ગ઼ાલિબની ‘જરા હટકે’ કલ્પનાનાં દર્શન થાય છે. માશૂક તેમની માશૂકા પરત્વેની મહોબ્બતનો કોઈ જાહેરી દેખાડો નથી કરતા, પણ તેને પોતાના દિલના એક ગુપ્ત ખાનામાં સંતાડી રાખી છે. વળી એટલું જ નહિ તે ગુપ્ત ખાનાને તેમણે પડદાથી ઢાંકી પણ દીધું છે અને તેની તરફ તેમની માત્ર નજર જ મંડાયેલી રહે છે. દુશ્મનોથી પોતાના ઇશ્કને સલામતી બક્ષવા માશૂક કેટલી બધી સાવધાનીઓ વર્તે છે અને છતાંય તેમને અહર્નિશ ડર તો રહ્યા જ કરે છે કે રખે ને કદાચ એ ઈશ્ક જાહેર ન થઈ જાય! આમ આ મિસરામાં માશૂકની માનસિક હાલત ભયભીત છે, જેના વિરોધાભાસમાં બીજા મિસરામાં આપણને તેમના જાની દુશ્મનોની નિર્ભયતા જાણવા મળે છે.

    બીજા સાની મિસરામાં પહેલા મિસરામાંના માશૂકના ભયની વિરુદ્ધ છળકપટ કરનારા અને દ્વેષીલા ખલનાયકોની નિર્ભયતા દર્શાવાઈ છે. માશૂક કહે છે કે એ પાંખંડીઓ તેમના મૃત્યુ બાદ નિર્ભયતાથી જીવ્યે જશે. આ ખલનાયકોને છળકપટના ઠેકેદારો (માલિકો) ગણાવાયા છે, જેનો મતલબ એ છે કે છળકપટ કરવું એ તેમનો ઈજારો છે અને તેમની આ દુષ્ટતાના મુકાબલામાં કોઈ આવી શકે નહિ. વળી આ દુશ્મનોને માશૂક પરત્વેની દુશ્મનાવટને જાળવી રાખવા તેમના અવસાનથી એવું તો મોકળું મેદાન મળી રહેશે કે તેઓ તેમની નીચ હરકતો કોઈપણ જાતની  રોકટોક વગર નિર્ભયપણે ચાલુ જ રાખશે.

                                                * * *

    થા મૈં ગુલદસ્તા-એ-અહબાબ કી બંદિશ કી ગિયાહ
    મુતફ઼ર્રિક઼ હુએ મેરે રુફ઼ક઼ા મેરે બા
    દ (૧૧)

    [ગુલદસ્તા= ફૂલોનો ગોટો, (અહીં) મિત્રોની ટોળી, મહેફિલ; હબીબ (અરબી)= મિત્ર; અહબાબ (બ.વ.)= મિત્રો; બંદિશ= પ્રતિબંધ, રુકાવટ, ષડયંત્ર, પેંતરો, (અહીં) બંધન; ગિયાહ (ફા.)= ઘાસ; મુતફ઼ર્રિક઼= વેરવિખેર, જુદા પડી જવું; રફ઼ીક઼= મિત્ર; રુફ઼ક઼ા (‘રફ઼ીક઼’નું બ.વ.)= સાથીઓ, મિત્રો]

    રસદર્શન :

    ‘મેરે બા’દ’ રદીફને અગાઉના શેર જેટલો જ ન્યાય આપતો આ ગ઼ઝલનો આખરી શેર મિત્રાચારીને ઉજાગર કરે છે. ગ઼ાલિબ હંમેશાં મિત્રો વચ્ચે ઘેરાયેલા જ રહેતા અને શેર-ઓ-શાયરીની મહેફિલ જામતી. તેઓ પોતાનો કોઈ નવીન શેર મિત્રો સમક્ષ મૂકતા અને તેમની દાદ મેળવતા. પહેલા મિસરામાં ગ઼ાલિબ મિત્રો સાથેની એ મહેફિલોની મધુર યાદોને વાગોળતાં જણાવે છે કે મારી હયાતી દરમિયાન જેમ જમીન ઉપર ઉગેલા ઘાસના તંતુઓ એકબીજા સાથે જોડાયેલા રહીને રમણીય લીલી ચાદર સમા બની રહે તેમ હું મિત્રો વચ્ચે દાંડીઓ સાથેનાં ફૂલોનો ગલગોટો બની રહેતો હતો.

    બીજા મિસરામાં  ગ઼ાલિબ પોતે હયાત નહિ હોય તેવા સમયની કલ્પના કરતાં જણાવે છે કે એ ટાણે અમારો મિત્રોરૂપી ફૂલોનો ગોટો વેરવિખેર થઈ ગયો હશે. અહીં ઇંગિત અર્થ એ સમજાય છે મિત્રોને જોડી રાખવાની મુખ્ય ભૂમિકા ગ઼ાલિબ જ નિભાવતા હતા. તેમના અવસાન બાદ બાકીના મિત્રોને ગ઼ાલિબની હાજરી વગરની મહેફિલ શુષ્ક અને ગમગીન લાગતી હોઈ હવે તેઓ એકત્ર થતા નથી.

    (સંપૂર્ણ)

     

    નોંધ :-

    ગ઼ઝલના સમાપને નીચે હું મીર તકી મીરની ‘મેરે બાદ’ રદીફવાળી આખી ગ઼ઝલ અભ્યાસુઓની ઉત્સુકતાને સંતોષવા માટે આપું છું.

    આ કે સજ્જાદા-નશીં ક઼ૈસ હુઆ મેરે બાદ
    ન રહી દશ્ત મેં ખ઼ાલી કોઈ જા મેરે બાદ (૧)

    ચાક કરના હૈ ઇસી ગ઼મ સે ગિરેબાન-એ-કફ઼ન
    કૌન ખોલેગા તેરે બંદ-એ-ક઼બા મેરે બાદ (૨)

    વો હવા-ખાહ-એ-ચમન હૂઁ કી ચમન મેં હર સુબ્હ
    પહલે મૈં જાતા થા ઔર બાદ-એ-સબા મેરે બાદ (૩)

    તેજ઼ રખના સર-એ-હર ખ઼ાર કો ઐ દશ્ત-એ-જૂનૂન
    શાયદ આ જાયે કોઈ આબ્લા-પા મેરે બાદ (૪)

    મુઁહ પે રખ દામન-એ-ગુલ રોએંગે મુર્ગાન-એ-ચમન
    હર રવિશ ખ઼ાક ઉડાએગી સબા મેરે બાદ (૫)

    બાદ મરને કે મેરી કબ્ર પે આયા વો મીર
    યાદ આઈ મેરે ઈસા કો દવા મેરે બાદ (૬)

       

    * * *

    મિર્ઝા ગ઼ાલિબ (ગ઼ઝલકાર)     

    – વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

    (ગ઼ઝલ ક્રમાંક –58)

    * * *

    ઋણસ્વીકાર:

    (૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

    (૨) http://www.youtube.com વેબસાઇટનો…

    (૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

    (૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા

    (૫) Courtesy : https://rekhta.org

    (૬) Courtesy –  urduwallahs.wordpress.com

    (૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

    (૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ

     

    * * *

    શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:

    ઈ મેઈલ – musawilliam@gmail.com ||મોબાઈલ : + 91-93279 55577

     

    નેટજગતનું સરનામુઃ

    William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) ||  વલદાનો વાર્તાવૈભવ | | માનવધર્મ – જીવો અને જીવવા દો | | હળવા મિજાજે    

     

     

  • રોટલીના લોટમાં

    યામિની વ્યાસ 

    પ્રીત પરખાવી દીધી મેં રોટલીના લોટમાં
    જાત ભભરાવી દીધી મેં રોટલીના લોટમાં

    જોજરા વર્તન નરમ રાખે તો તું ખીલી શકે
    વાત સમજાવી દીધી મેં રોટલીના લોટમાં

    આવશે હમણાં અને ‘એ’ પૂછશે કે “કેમ છે?”
    યાદ મમળાવી દીધી મેં રોટલીના લોટમાં

    એક નાની વાતમાં તો કેટલું બોલ્યા હતા !
    આંખ છલકાવી દીધી મેં રોટલીના લોટમાં

    લોટપાણીમોણ, ‘મા’નું વ્હાલ…આ છે રેસિપી,
    રીત બતલાવી દીધી મેં રોટલીના લોટમાં

    ભૂખ બહુ લાગી હશે ! વરસાદ પણ છે કેટલો !
    હૂંફ સરકાવી દીધી મેં રોટલીના લોટમાં

    હેડકી આવે સતત જયારે કણક બાંધું છું હું
    રાહ’ જન્માવી દીધી મેં રોટલીના લોટમાં

    આમ તો છે રોજનું આ કામ ‘યામિની’ છતાં
    સાંજ હરખાવી દીધી મેં રોટલીના લોટમાં

    આસ્વાદ

     ઇલિયાસ શેખ

    સૂરતના કવિયત્રી યામિનીબેન વ્યાસની આ ગઝલ આજે ફેસબુક પર વાંચીતો પહેલાં તો મનમાં થયુંકોમેન્ટરૂપે “વાહ” લખીનેલાઇક કરીને આગળ વધી જઉં. પણમારે તો એવું છે ને કેમન કહે એથી કાયમ ઉલ્ટું જ હું કરું ! કેમ કેહું મનમોજી નહીં પણ દિલખુશ માણસ છું.! એટલે બહુધા હું દિલનો દોર્યો જ ચાલુએટલે આ ગઝલને ત્યારે મારાં lappyમાં લીંપી લીધી ‘ને હવે અત્યારે આ આસ્વાદ લખવા બેઠો છું.

     યામિનીબેન વ્યાસનો મારો પ્રથમ પરિચય એટલે એ મારાં લેખક–અનુવાદક અને કટારલેખક મિત્ર પરેશ વ્યાસના સગા બેન થાયએ નાતોપણ યામિનીબેનનો યાદગાર પરિચય તો ગત અસ્મિતાપર્વ–18માં કાવ્યાયનની બેઠકમાંભરબપોરેસાત સુંદર કવિયિત્રીઓનું સપ્તરંગી મેઘધનુષ જે ખીલ્યું હતુંએ મેઘધનુષમાંના એક રંગ લિસોટા એટલે યામિનીબેન. અસ્મિતાપર્વ-18ની કાવ્યાયનની એ બેઠક આંખોથી નિહાળવી અને કાનથી સાંભળવી ગમે એવી અન્નન્ય બેઠક હતી.!

    આ ગઝલ અને આ અગાઉ પણ અનેક કાવ્યોમાં સર્જક સ્વયં જ્યારે માદા હોયત્યારે જે નારીભાવ સંવેદન અભિવ્યક્ત થાય છેએવાં નારીભાવોનું પ્રકટીકરણ કદી નર સર્જક દ્વારા નથી થઇ શક્યું. કવિઓ દ્વારા નારીભાવોને વ્યક્ત કરતા અનેક ગીતો આપણને ગુજરાતી કવિતામાં મળેપણ જે ભાવો એક સર્જક તરીકે નારી પોતે જ રજુ કરેએ મને વધારે ઊર્મિસભર અને અધિકૃત લાગ્યા છે. કેમ કેએક નારીના કેટલાંક સંવેદનો એના પોતીકા હોય છે. કેટલાંક ઇલાકા મા કા ઇલાકા હોય છે. આ ગઝલમાં પણ “રોટલીના લોટમાં” એવાં નવ્ય રદીફ સાથે કવિયિત્રી એના ભાવપ્રદેશને અને જીવનબોધને આઠ શેરો દ્વારા આપણી સમક્ષ ખુલ્લો મૂકી દે છે. રોટલીના લોટનું પ્રત્યેક શેરમાં અલગ-અલગ રૂપક આ ગઝલનું ઉદ્દીપક બની રહે છે. એટલે એ અર્થમાં આ ગઝલને મુસલસલ ગઝલ કહી શકાય.

    જો કેઆ ગઝલમાં આઠને બદલે નવ અથવા તો આઠને બદલે સાત શેર હોત તો આ ગઝલને મુક્કમ્મલ ગઝલ પણ કહી શકાઇ હોત. ખૈરઆ તો ગઝલના છંદશાસ્ત્રનો મુદ્દો છે. પણ ઊર્મિ અને ભાવનો મુદ્દો તો શાસ્ત્રથી જુદો છે. શાસ્ત્રની સીમારેખા જ્યાં થંભે છેત્યાંથી જ તો ભાવનો પ્રદેશ આરંભાય છે. તો ચાલો ગઝલના એક પછી એક શેરને તપાસીએ.

    પ્રીત પરખાવી દીધી મેં રોટલીના લોટમાં
    જાત ભભરાવી દીધી મેં રોટલીના લોટમાં

    મત્લાના શેરના પહેલા મિસરામાં જ નારીના ભાવોનું સર્જનાત્મક પ્રકટીકરણ જોવા મળે છે. અહીં “પરખાવી દીધી” શબ્દો મહત્વના છે. એક કુશળ કસબી તસ્બીહ ફેરવતા-ફેરવતા આપણને રોશન-નૂરના દર્શન કરાવી દેએવી વાત અહીં સરળ શબ્દોમાં કરવામાં આવી છે. “પરખાવી દીધી” એટલે કે “જેની મને ઓલરેડી પરખ છેએ પરખને અન્ય કોઇને બોધ કરાવવાનીપરખાવવાની અહીં વાત છે. “પારખવા” માટે સમજણ જોઈએપણ “પરખાવવા” માટે તો કૌશલ્ય જોઈએ. જે અહીં સફળતાપૂર્વક વ્યક્ત થયેલું જોવા મળે છે. પરખાવવાની આ બિના પણ કોઇ નાની સુની નથી. અહીં તો પ્રીત પરખાવી દીધાની વાત છે. આ સૌથી કઠીન કામ છે. કોઇને પ્રેમ કરવો એકદમ સરળ છે. પણ એને પણ પ્રેમ કરતો કરી દેવો એકદમ કઠીન છે. ત્યારે પ્રથમ મિસરામાં જ “પ્રીત પરખાવી દીધી મેં રોટલીના લોટમાં” એમ બોલીને નાયિકા અહીં પોતાના પ્રેમસભર હાથોનો સ્પર્શ પામીને તૈયાર થઇ રહેલો રોટલીનો લોટનાયકને યાર અને પ્યાર બનાવી મુકે છેએ સુપેરે રજુ થાય છે. પણ પ્રીત પરખાવવાની આ મથામણમાં નાયિકા કેટલું સહન કરે છેએનો ક્યાસ આપણને શેરના બીજા મિસરામાં મળે છે. “જાત ભભરાવી દીધી મેં રોટલીના લોટમાં.” અહીં લોટના પ્રતીક દ્વારા નાયિકાપોતે રોટલીનો લોટ ગુંદવામાં કેટલી ઓતપ્રોત બની ગઇ છેએની વાત છે. એક-એક રોટલી વણતી વખતે રોટલી ઉપર જે લોટ ભભરાવવામાં આવે છેએ અહીં લોટ ન રહેતાં સ્વયં નાયિકા બની જાય છે. આખી જાતઆયખુંસમગ્ર અસ્તિત્વને પ્રેમની ચક્કીમાં પીસી-પીસીને લોટ બનાવી નાખીનેજ્યારે રોટલી બનાવવામાં આવે ત્યારે ખરાં અર્થમાં પ્રીતની સ્વયંને પરખ અને પ્રીતનેપ્રિયને પરખાવી શકાય છે. અહીં પ્રેમના માર્ગે જો ઓચિંતું અંધારું થાય તો હાથ સળગાવીને અજવાળું કરવાની તૈયારી રાખવી પડે એની વાત છે.

    જોજરા વર્તન નરમ રાખે તો તું ખીલી શકે
    વાત સમજાવી દીધી મેં રોટલીના લોટમાં

    ગઝલના આ પ્રથમ શેરમાં કવિયિત્રી તત્વચિંતકની અદાથી વર્તનમાં પરિવર્તન લઇ આવોતો એના લાભાલાભની વાત સરળ બાનીમાં કરે છે. સાથે-સાથે એ વાતનો સંકેત પણ આપી દે છેકે નાયકનો મિજાજ ગરમ છે. એણે એના વાણી-વર્તનમાં સુધારો લાવવાની જરૂર છે. અહીં “તો તું ખીલી શકે” એવી શરત મૂકીને કવિયત્રી એ હકીકત સાબિત કરે છેકે જે “ખુલી શકે” એ જ ખીલી શકેઅને ખુલી જવા માટે નરમ બનવું પહેલી શરત છે. આ વાત રોટલીના નાના-શા ગોળ પીંડાને વેલણ દ્વારા ગોળ આકાર આપીનેખીલતા પુષ્પની ઉપમા દ્વારા કાવ્યમય રીતે કવિયિત્રી જોડી આપે છે. કાંટાઓના નસીબમાં કદી ખીલવાનું નથી લખેલું હોતું. એ જ રીતે કઠણ લોટના નસીબમાં સુરેખ ગોળ ફૂલકા રોટલી બનવાનું નથી લખેલું હોતું. એટલે પ્રેમભાવ માટે સ્વભાવ નરમ રાખવો એ પૂર્વશરત છે.

    આવશે હમણાં અને ‘એ’ પૂછશે કે “કેમ છે?”
    યાદ મમળાવી દીધી મેં રોટલીના લોટમાં

    ગઝલના આ બીજા શેરમાં નાયિકાનો અપેક્ષાભાવ નિરૂપાયો છે. નાયિકાના મનની મુરાદ વ્યક્ત કરવામાં આવી છે. પણ આગળના શેરમાં જ નાયકના ગરમ મિજાજનો નિર્દેશ કરીને કવિયિત્રી આપણને વિચારતા કરી મુકે છે કેશું ખરેખર નાયક આવીને નાયિકાના હાલ-હવાલ અને વહાલનો હવાલો લેશેનાયિકાના ખબર અંતર પૂછશેઆવા અરમાન અને ભૂતકાળમાં માણેલી કોઇ સુખદ યાદને મમળાવતાનાયિકા રોટલી વણવામાં મશગુલ છે. એને હવે નાયકના વર્તનમાં પરિવર્તનની ઉમેદ છે. પણ આ ઉમેદની સાથે “યાદ મમળાવવાની” વાત કરીને કવિયિત્રી અહીં સર્જનાત્મક રહસ્ય ખડું કરે છે.

    એક નાની વાતમાં તો કેટલું બોલ્યા હતા !
    આંખ છલકાવી દીધી મેં રોટલીના લોટમાં

    ગઝલના આ ત્રીજા શેરમાં એ રહસ્ય છતું થાય છે. નાયક સાવ ક્ષુલ્લક વાતમાં નાયિકાને તતડાવી નાખે છેએવાં કોઇ દુખદ પ્રસંગની યાદનાયિકાને લોટ બાંધતા યાદ આવી જાય છે. એટલે એ નાયકને સન્મુખ તો નહીંપણ એકલી-એકલી ફરિયાદ કરે છે કેતેં દિવસે સાવ નાની અમથી વાતમાં મને એ કેટલું વઢયા હતાં. એમ યાદ કરીને આંખો છલકાવી દે છે. અહીં નાયિકાનો ભીતરી ભાવ એવો છે કેનાયકના આગમન પહેલા હું જ મને એકલી-એકલી ફરિયાદ કરીને મારાં રોષને ઓસરી જવા દઉં. નાયક જયારે આવે ત્યારે ચહુંઓર ચાહત અને મહોબ્બત જ હોયકોઇ ગિલા-શિકવામાં આ વખતે સમયને બરબાદ નથી કરવો. એટલે લાવ હું જાતે જ આંખ છલકાવી હૈયું હળવું કરી લઉં.

    લોટપાણીમોણ, ‘મા’નું વ્હાલ…આ છે રેસિપી,
    રીત બતલાવી દીધી મેં રોટલીના લોટમાં

    ગઝલનો આ ચોથો શેર વ્હાલની રેસિપી બતાવે છે. શતરૂપા નારીના ૧૦૦ રૂપમાંથી એક રૂપ “અન્નપૂર્ણા”નું છે. જે નારી રસોઇ બનાવે છેએ બહેનભાભીદીકરીમા કે પત્ની – ગમે તે હોયપણ એ જેટલો સમય રસોડામાં હોય છે – એટલો સમય તો એ “માનું વ્હાલ” હોય છે. એ મા-સ્વરૂપા હોય છે. જે રીતે લોટ-પાણી અને મોણગુંદાય-ગુંદાયને એકમેકમાં ઓતપ્રોત બનીને સમાઇ જાય છે એ જ રીતે માનું વ્હાલ પણ પ્રત્યેક રોટલીમાં એકરસએકરૂપ બનીને સમાઇ જતું હોય છે. એને જીવનપર્યંત પછી જુદું નથી પાડી શકાતું. અહીં નાયિકા આ વખતે એવી રોટલી બનાવવાની મથામણમાં છે કેજેવી રોટલી નાયકની મા બનાવીને નાયકને ખવડાવતી હતી. માના વ્હાલની આ રેસિપીઆજે નાયક આવે તો એને બતાવી દેવી છેએવાં આત્મવિશ્વાસ સાથે એ રોટલી વણી રહી છે.

    ભૂખ બહુ લાગી હશે ! વરસાદ પણ છે કેટલો !
    હૂંફ સરકાવી દીધી મેં રોટલીના લોટમાં

     ગઝલનો આ પાંચમો શેર ચોથા શેરના અનુસંધાન રૂપે હોય એવું તરત જણાય આવે છે. સ્ત્રી જયારે કોઇને દિલથી ચાહતી હોય છેત્યારે એ એની મા બની જતી હોય છે. જ્યારે કોઇ સ્ત્રી તમને વાત-વાતમાં “જમી લીધું” “શું જમ્યાં?” એવાં તમારાં ભોજન વિષયક સવાલો કરે તો સમજી લેવું કેએ સ્ત્રી તમારાં પ્રેમમાં છે. અહીં નાયિકા પણ રોટલી વણતા-વણતારોટલીને તાવડીમાં શેકતા-શેકતામમતાળુ માવડી બનીનેનાયકની ચિંતા કરે છે કેઆ બહાર ધોધમાર મેહુલો વરસે છે. આવા ઠંડા વાતાવરણમાં નાયકને કકડીને ભૂખ લાગી હશે. તો લાઉં મારાં હેતની હુંફ આ ગરમ-ગરમ રોટલીમાં ઉમેરી દઉં.! અહીં ભૂખધોધમાર વરસાદરોટલીના લોટમાં સરકતી હુંફ જેવા પ્રતીકો શૃંગારરસનો પણ નિર્દેશ કરે છે. અહીં માત્ર હોજરીની ભૂખ ભાંગવાની વાત નથી. પણ નાયકની આવા રોમાન્ટિક માહોલમાં હાજરી સાંપડે એટલે શરીરની ભૂખ પણ ભાંગવાની વાત છે. રોટલીનું ટોનિક જાણે કે પ્લેટોનિક લવની પણ ઔષધિ અને લવની અવધિ બની જાય – એવા ભાવ સાથે નાયિકા એક-એક રોટલીમાં હુંફની ફૂંક મારતી જાય છે.!

    હેડકી આવે સતત જયારે કણક બાંધું છું હું
    રાહ’ જન્માવી દીધી મેં રોટલીના લોટમાં

     ગઝલનો આ છઠ્ઠો શેર પ્રમાણમાં નબળો અને સમગ્ર ગઝલના ભાવનિરૂપણમાં આગંતુક હોય એવો લાગે છે. કણક એટલે જાડોભરભરીયો લાપસી-ભાખરીમાં વપરાય એવો લોટ. અહીં રોટલીનો લોટ બાંધતી વખતેકણક બાંધવાની વાત અને કણક સાથે જોડાયેલી કોઇની યાદનું હેડકીના રૂપે પુનઃસ્મરણઅને એને લઈને કોઇ દિશા સુચનની વાત. આ શેરનો સાની મિસરા તો હજી પણ ચાલી જાય એવો છે. પણ ઉલા મિસરા તો સાવ નબળો છે. “રાહ જન્માવી દીધી મેં રોટલીના લોટમાં” એ તો તદ્દન અતાર્કિક અને સમગ્ર ગઝલના ટેમ્પોમાં વગર ટીકીટે ચડી બેઠો હોય એવો પ્રવાસી શેર છે.!

    આમ તો છે રોજનું આ કામ ‘યામિની’ છતાં
    સાંજ હરખાવી દીધી મેં રોટલીના લોટમાં

    ગઝલનો આ છેલ્લો મક્તાનો શેર સમગ્ર ગઝલમાં શિરમોર શેર છે. અહીં રોજ-રોજ રોટલી વણવાની  ક્રિયા એના પુનરાવર્તનથી પણ નાયિકાને કંટાળો નથી આપતી. અહીં પ્રત્યેક પુનરાવર્તનપ્રેમનું એક નવ્ય આવર્તન બનીને આવે છે. જેને કારણે નાયિકાની પ્રત્યેક સાંજ હરખની હેલી બની જાય છે. રોટલીનો લોટ બાંધવાની પ્રકિયામાં એકવિધતા ભલે હોયપણ નાયિકાના મનોજગતમાં દરેક વખતે ભાવોની વિવિધતા છે. એટલે નાયિકા નિરંતર નવ્ય ભાવ સંવેદનને રોટલી સાથે વણી જાણે છે.

    નારીના હાથનો સ્પર્શ પુરુષને ચોવીસ કલાકમાં પ્રત્યક્ષ-પરોક્ષ રીતે અનેક રૂપે મળે છે. પુરુષના જીવનનું ચાલક અને સંચાલકબળ જ સ્ત્રીના આ સ્પર્શની હાજરી છે. રોટલીથી માંડીનેનારીની પ્રેમાળ હથેળીઓમાં ધોવાતાં આંતરવસ્ત્રોતૂટી ગયેલા ગાજ-બટનને સોઇથી સાંધતી આંગળીઓદોરાને દાંતમાં દબાવીને રસભીનો કરતા ટેરવાં અને રોજ સંકેલાતા વસ્ત્રો – જીવનના અનેક રહસ્યોને ઉકેલી નાખતા હોય છે. આજે તો હવે ઘરમાં ઘરઘંટીથી માંડીને આટામેકરવોશિગ-મશીનથી માંડીને સિલાઈ મશીન અને વેક્યુમક્લીનરથી માંડીને ડીશવોશર જેવા ઉપકરણો આવી ગયા છે – એટલે હવે તો રોટી-કપડાં ઔર મકાન અને બરતનમાં અને વર્તનમાં દિવસે ને દિવસે નારીનો સ્પર્શ દુર્લભ બનતો જાય છે – ત્યારે યામિનીબેન આવી સરસ ગઝલ લઈને આવે છે – એ જગતમાં પ્રેમ અને હુંફ હજી સાબૂત છે એની સાબિતી આપે છે. યામિનીબેનને અનેક-અનેક ધન્યવાદ.

    આ સાથે મારાં હમઉમ્ર મિત્રોને મને કહેવાનું મન થાય કેઅઠવાડિયે એકવાર લોટ ગુંદીને વાંકીચુકી રોટલી ન બનાવો તો કાંઈ નહીંપણ અઠવાડિયામાં એકવાર તમારી પત્નીની સાડીચૂડીદારબ્લાઉઝપેટીકોટ અને અન્ડર વિયર્સને તમારા પ્રેમાળ હાથે સંકેલીને કબાટમાં ગોઠવવાનો પ્રયોગ કરવા જેવો છે. એમાં આનાભારેય નુકસાન નથી. ફાયદા હી ફાયદા હૈ.!!! 

     – ઇલિયાસ શેખ


    યામિનીબેન એક યશસ્વી કવિયત્રી અને નાટ્ય કલાકાર તો છે જ એની સાથે એક આદર્શ ગૃહિણી છે. આ વિડીયોમાં યામિનીબેનને એમના રસોડામાં  રોટલી  બનાવતાં બનાવતાં એમના કાવ્ય  ‘રોટલીના લોટમાં’ ની રજૂઆત કરતાં જોઈ શકાય છે. ગૃહિણી તરીકેની ફરજો બજાવે છે પણ મુખે તો કવિતા રમે છે !ગૃહિણી પદ અને કવિતા જાણે સાથે વણાઈ ગયાં છે !

     સૌજન્ય : નીરવ રવે 

  • બંધારણબાહ્ય કૉલેજિયમ સિસ્ટમ વિકલ્પહીન છે ?

    નિસબત

    ચંદુ મહેરિયા

    બંધારણના અનુચ્છેદ ૧૨૪(૨) માં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિએ હંમેશા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાના પરામર્શમાં રહીને જ કરવાની જોગવાઈ છે. અનુચ્છેદ ૨૧૭ મુજબ દેશની કોઈપણ હાઈકોર્ટના ન્યાયાધીશોની  નિમણૂક રાષ્ટ્રપતિએ ભારતના મુખ્ય ન્યાયાધીશ, સંબંધિત રાજ્યના રાજ્યપાલ અને વડીઅદાલતના મુખ્ય  ન્યાયાધીશના પરામર્શ પછી  કરવાની હોય છે.  આ બંધારણીય જોગવાઈઓને અનુસરીને સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક, બદલી, બઢતી થતી હતી.  ચીફ જસ્ટિસની નિમણૂક સિનિયોરિટીના આધારે થતી હતી.  બંધારણમાં જજીસની નિમણૂકનો અબાધિત અધિકાર સરકારને હતો.

    આ જોગવાઈ હેઠળ વહાલા-દવલાની નીતિ છતાં  એકંદરે સુચારુ રીતે કામ ચાલતું હતું. ઈન્દિરા ગાંધીએ લાદેલી આંતરિક કટોકટી  દરમિયાન કહ્યાગરા ન્યાયાધીશોની બોલબાલા છતી થઈ હતી. એ સમયે શ્રીમતી ગાંધીએ  સરકાર વિરોધી લાગતા  સોળ હાઈકોર્ટ જજીસની બદલીઓ કરી નાંખી હતી. જસ્ટિસ એચ.આર.ખન્ન્નાની વરિષ્ઠતાને અવગણીને સરકારના તરફદાર ગણાતા જસ્ટિસ એ..એન.રે.ને ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાના પદે નિયુક્ત કરાયા હતા.  એટલે અત્યાર સુધી અક્ષુણ્ણ રહેલી ન્યાયતંત્રની સ્વાયત્તતા અને સ્વતંત્રતા પર જોખમ સર્જાયું હતું.

    ન્યાયાધીશોની નિમણૂક સંબંધી બંધારણીય જોગવાઈઓને સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં આવી હતી.  તેના અર્થઘટનના પણ સવાલો ઉભા થયા હતા.  ૧૯૮૧માં એસ.પી.ગુપ્તા વિરુધ્ધ ભારત સરકારના કેસના ચુકાદામાં ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથેના પરામર્શનો મુદ્દો ચર્ચવામાં આવ્યો હતો.  સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશોની નિમણૂક અને બદલીનું નિયંત્રણ સરકાર કે વહીવટી તંત્ર હસ્તક હોવાનું સ્વીકાર્યું હતું. પરામર્શનો અર્થ વિચારોનું આદાનપ્રદાન ખરું પણ સંમતિ નથી તેમ પણ સ્પષ્ટ કર્યું હતું. ૧૯૯૩માં સુપ્રીમ કોર્ટ એડવોકેટ્સ ઓન રેકોર્ડ એસોસિએશન વર્સિસ ઈન્ડિયાના જજમેન્ટમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાનો અભિપ્રાય મહત્વનો છે અને પરામર્શ એટલે  માત્ર અભિપ્રાય કે વિચારો જાણવા નહીં પરંતુ તેમની સંમતી  જરૂરી હોવાનું સ્પષ્ટ કર્યું હતું. વળી આ ચુકાદામાં મુખ્ય ન્યાયાધીશ સર્વોચ્ચ અદાલતના બે વરિષ્ઠ  ન્યાયાધીશો સાથે પરામર્શ  પછી જે નામોની નિમણૂક અંગે અભિપ્રાય આપે કે ભલામણ કરે તે રાષ્ટ્રપતિને અર્થાત સરકારને બાધ્યકારી હોવાનું જણાવ્યું હતું. હાલની કોલેજિયમ સિસ્ટમનો ઉદભવ આ ચુકાદાથી થયો છે.

    ૧૯૯૮માં તત્કાલીન રાષ્ટ્રપતિ કે.આર.નારાયણને  બંધારણના અનુચ્છેદ ૧૪૩ અન્વયે  સુપ્રીમ કોર્ટમાં પ્રેસિડેન્સિયલ રેફરન્સ કર્યો હતો.  તેમાં ચીફ જસ્ટિસના પરામર્શ કે અભિપ્રાય અંગે સ્પષ્ટતા માંગી હતી.  સુપ્રીમ કોર્ટે  આ સંદર્ભના ચુકાદામાં જણાવ્યું હતું કે  ન્યાયાધીશોની નિમણૂક અંગેનો સીજેઆઈનો અભિપ્રાય બહુમતી ન્યાયાધીશોનો અભિપ્રાય ગણાશે અને તેમાં સુપ્રીમના ચાર વરિષ્ઠ જજીસ સાથે પરામર્શ કરવાનો રહેશે.  એ રીતે સીજેઆઈ ઉપરાંત ચાર સિનિયર જજીસ એમ કુલ પાંચ વ્યક્તિની હાલની કોલેજિયમ સિસ્ટ્મ અસ્તિત્વમાં આવી હતી.

    ભારતનું ન્યાયતંત્ર સ્વતંત્ર અને સ્વાયત્ત છે.પરંતુ કોલેજિયમને કારણે ન્યાયાધીશોની નિમણૂક-બદલીનો અધિકાર સરકાર પાસે ન રહ્યો અને ખુદ ન્યાયાધીશો જ તેમના સાથી ન્યાયાધીશોની નિમણૂક –બદલી કરે તે સરકારને ખૂંચે છે. એટલે સરકારે ૨૦૧૫માં  સંસદના બંને ગ્રુહોમાં નવ્વાણુમો બંધારણ સુધારો પસાર કરી ,  નેશનલ જ્યુડિશિયલ એપોઈન્ટમેન્ટસ કમિશનની રચના કરી હતી.  આ કમિશનના વડા  કોલેજિયમની જેમ ચીફ જસ્ટિસ હતા. તેના કુલ છ સભ્યોમાં  સુપ્રીમના બે વરિષ્ઠ જજીસ,  કેન્દ્રીય કાયદા મંત્રી અને બે બિનસરકારી સભ્યોની જોગવાઈ કરી હતી. બિનસરકારી સભ્યોની પસંદગી વડાપ્રધાન, ચીફ જસ્ટિસ અને લોકસભાના વિપક્ષના નેતાની સમિતિ કરે તેમ ઠરાવ્યું હતું.  પ્રથમ નજરે કોલેજિયમ  જેવા લાગતા રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ આયોગને પણ અદાલતી પડકાર મળ્યો હતો. સુપ્રીમે તેને ન્યાયતંત્રની સ્વતંત્રતા પર તરાપ ગણી બંધારણ સુધારાને ૨૦૧૬માં ગેરબંધારણીય ગણ્યો  અને  કૉલેજિયમ યથાવત રહી.

    ન તો  બંધારણમાં કે નતો  સંસદ ના કોઈ કાયદા દ્વારા કૉલેજિયમ સિસ્ટમ અસ્તિત્વમાં આવી છે પરંતુ   આ એક બંધારણબાહ્ય , સુપ્રીમ કોર્ટના ચુકાદાઓથી અમલમાં આવેલી,  પ્રણાલી છે. બંધારણીય જોગવાઈઓ મુજબ  સંસદે પસાર કરેલા  કાયદાથી અસ્તિત્વમાં આવેલ ન્યાયિક નિમણૂક આયોગને સુપ્રીમ કોર્ટ ગેરબંધારણીય ઠેરવે  અને બંધારણબાહ્ય કોલેજિયમ ચાલુ રહે તે ભારે વિચિત્ર બાબત છે.

    કૉલેજિયમ સિસ્ટમ સામે અનેક સવાલો છે. ન્યાયાધીશો જ ન્યાયાધીશોની નિમણૂક કરે તે અસહ્ય  છે. આ પ્રણાલી અપારદર્શી છે અને પરિવારવાદને પોષે છે તેવા આરોપો છે. કોલેજિયમની કાર્યવાહીને માહિતી અધિકાર કાયદાથી પણ મુક્ત રાખતો ચુકાદો તેની પારદર્શિતા સામે સવાલો ખડા કરે છે. દેશની મોટાભાગની અદાલતોના ન્યાયાધીશો ન્યાયતંત્ર સાથે સંકળાયેલા લોકો જ હોવાનું કેન્દ્રીય કાયદા મંત્રી જણાવી ચુક્યા છે.  આ પ્રણાલી ન્યાયતંત્રની તાનાશાહી જેવી છે અને જજીસની નિમણૂકમાં યોગ્યતા, કામ પ્રત્યેની નિષ્ઠા તથા  કાબેલિયતની અનદેખી થતી હોવાનો પણ આરોપ છે. ન્યાયાધીશોની નિમણૂકની સમગ્ર પ્રક્રિયામાંથી વહીવટી તંત્ર કે સરકારની બાદબાકી કરી નાંખવી તે અતાર્કિક અને બિનલોકશાહી પગલું પણ જણાય છે.

    કૉલેજિયમે એકવાર ભલામણ કરેલ નામો સરકાર પરત કરે અને કોલેજિય જો તેને સર્વાનુમતે ફરી મોકલે તો સરકાર તે સ્વીકારવા બાધ્ય હોવાની જોગવાઈ  આ સ્થિતિમાં  નિર્ણય લેવામાં અસીમિત વિલંબ કરીને સરકાર કોલેજિયમને અર્થહીન કરે છે.  સરકાર અને ન્યાયતંત્ર વચ્ચેની આ ટકરામણ ઈચ્છનીય નથી. કેમ કે એક અભ્યાસ પ્રમાણે ૨૦૧૮ અને ૨૦૧૯ના બે વરસોમાં આ ગજગ્રાહને કારણે ૧૪૬ નામોની નિમણૂક લટકી હતી. તેમાં ૧૧૦ નામોને કેન્દ્રની મંજૂરી બાકી હતી તો ૩૬ નામો પર કોલેજિયમનો પુનર્વિચાર બાકી હતો.

    આ સમસ્યાનો ઉકેલ સરકાર અને ન્યાયતંત્રે એકબીજાના વિરોધીને બદલે પૂરક બની કાઢવો રહ્યો. બંધારણીય જોગવાઈઓ, કોલેજિયમ સિસ્ટમ અને નેશનલ જ્યુડિશિયલ એપોઈન્ટમેન્ટસ કમિશનની સારી જોગવાઈઓને સાંકળીને સરકારનું નિયંત્રણ પણ રહે અને ન્યાયતંતની સ્વતંત્રતા પણ જળવાય તેવી કોઈ પધ્ધતિ શોધી શકાય. નીચલી અદાલતોના ન્યાયાધીશો માટેની પસંદગી પ્રક્રિયા કે સનદી સેવાની પસંદગી પ્રક્રિયાનો પણ આધાર લઈ શકાય. જો આમ થઈ શકે તો કૉલેજિયમ સિસ્ટમનો વિકલ્પ મળી શકે. ન્યાયતંત્રે કોલેજિયમ પ્રત્યેની મમત અને  સરકારે તે નઠારી હોવાની જિદ છોડવી રહી.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • સુખોપનિષદ

    મોજ કર મનવા

    કિશોરચંદ્ર ઠાકર

    પુરાણા સમયમાં જ્યારે સમૂહ માધ્યમો અને સોશિયલ મિડિયા ન હતાં ત્યારે ‘શાસ્ત્રો’ નામનું મિડિયા તો હાજર હતું જ. નારદ મુનિ નામના તે વખતના એક મોટા  ખબરપત્રીનું નામ આજે પણ ખૂબ જાણીતું છે. તે કાળમાં લડાઇઓનું પણ જીવંત પ્રસારણ થતું. કોમેન્ટેટરો તો તે વખતમાં અનેક હશે. પરંતુ સંશોધનકારોને મહાભારતના યુદ્ધનું જીવંત પ્રસારણ કરનાર સંજય નામના કોમેન્ટેટર સિવાય અન્ય નામ હજુ સુધી મળ્યું નથી. તે યુગમાં ‘સુભાષિતો’ નામની એક મોટિવેશનલ ચેનલ ચાલતી, જેના પર વિષ્ણુ શર્મા નામના એક ડાયરેકટરે ‘હિતોપદેશ’ નામની એક  શ્રેણી શરૂ કરેલી..

    વિષ્ણુ શર્માની આ શ્રેણીંના એક એપિસોડમાં પ્રસારિત થયેલું કે,

    “आहार निद्रा भय मैथुनं च सामान्यमेतत् पशुभिर्नराणाम् ।
    धर्मो हि तेषामधिको विशेष: धर्मेण हीनाः पशुभिः समानाः ॥

    (આહાર નિદ્રા, ભય અને પ્રજોત્પતિ બાબતે મનુષ્યો અને પશુઓ એક સમાન છે. માત્ર ધર્મ એ જ મનુષ્યની વિશેષતા છે. એથી ધર્મ વિનાના મનુષ્યને પશુ સમાન જાણવો)”

    ચાર્વાક મુનિ અને તેમના અનુયાયીઓને પશુ સમાન ગણવાની આ વાત મને ગમી તો નહિ ઉપરાંત તેમાં સચ્ચાઈ પણ નથી એવું લાગ્યું. લાગે છે કે કોઈ મઠાધીશે પોતાના અનુયાયીઓ વધારવા માટે વિષ્ણુ શર્માને દ્રવ્ય આપીને આ શ્લોક લખાવ્યો હશે. ખરેખર તો આપણને પશુઓથી અલગ પાડનાર ધર્મ નહિ પરંતુ આપણી સુખની ઇચ્છા છે. માણસ સિવાય અન્ય કોઈ પ્રાણીને ભવિષ્યમાં સુખી થવાની  ઇચ્છા થતી નથી. સુખ કોને કહેવાય તે બાબતે ‘તુંડે તુંડે ર્મતિભિન્ના’ હોવા છતાં મોટાભાગના લોકો સુખની શોધમાં જ જીવન વ્યતિત કરે છે. બાળકને તેના જીવનમાં સુખ મળે એ આશાએ વાલીઓ તેને નિશાળે મોકલે છે. ભણ્યા પછી માત્ર ભરણપોષણ માટે જ નહિ પરંતુ સુખ પણ મળે એ આશાએ તે નોકરીધંધો શોધે છે, સુખી થવા માટે પોતે લગ્ન કરે છે. ત્યાર પછી  વૃદ્ધાવસ્થામાં પોતે સુખી રહે તે માટે પ્રભુના પયંગબરોને બોલાવે છે. પ્રભુના આ પયંગબરો પોતે સુખી થાય તે માટે  શાળામાં પ્રવેશ કરે છે, ભણ્યા પછી  કામધંધો શોધે છે, પરણે છે વગેરે વગેરે. આમ સુખી થવાના પ્રયત્નોનો ક્રમ ચાલુ રહે છે. શ્રદ્ધાળુઓ પોતાનાં મૃત્યુ પછી સ્વર્ગનું સુખ પામવા માટે ધરમધ્યાન અને હરિભજન કરે છે..

    માણસનાં જીવનમાં સુખનું મહત્વ એટલું બધું છે કે પોતાના નામો પણ ધનસુખ, મનસુખ, તનસુખ,  જયસુખ, મહાસુખ, સુખલાલ, સુખદેવ, સુખરામ વગેરે વગેરે રાખે છે. સુખી નામની મહિલાઓ પોતાનાં નામને વિશેષણમાં તબદીલ કરવા પ્રયત્ન કરે છે. કોઈ અનુભવીએ જુદા જુદા સુખોને મેરિટ નંબર આપીને કહેવત પણ બનાવેલ છે.–પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ કોઠીમાં જાર, ત્રીજું સુખ સુલક્ષણા નાર, ચોથું સુખ ઘેર દીકરા..- જો કે મજાની વાત એ છે કે દરેકને પોતાનું સુખ પછીના ક્રમના સુખ કરતા મેરિટમાં પાછળ હોય તેમ લાગે છે. આમ સુખ બાબતે પારકા ભાણાનો લાડુ જ મોટો  છે.

    સુખ એ  ભાવવાચક નહિ પરંતુ  દ્રવ્યવાચક નામ છે એવી ગેરસમજને કારણે યુ. નો. જેવી સંસ્થાએ જુદા જુદા દેશોમાં સુખનું પ્રમાણ કેટલું છે તે જાણવા માટે ‘હેપીનેસ ઇ‌ન્ડેક્ષ’ માપવાનું શરૂ કર્યું છે. પશ્ચિમના ભોગવાદી દેશોને સાચું સુખ કોને કહેવાય તે ખબર ન હોવાથી સુખ માટેના માપદંડો પણ તેમણે ભૌતિક સુખના અધારે નક્કી કર્યા છે. આ કારણે જ આધ્યાત્મિકતાના ઉચ્ચ શિખરે બિરાજતા વિશ્વગુરુ ભારતને તેમણે  છેક છેવાડે 136મા ક્રમે મૂકેલ છે. આપણે એ બાબતે સહેજ પણ વિચલિત થયા વિના આપણા પૂર્વજોએ શરૂ કરેલું  સાચા સુખ વિષે ચિંતન ચાલુ જ રાખીએ છે. આ લેખ પણ એ જ ઉપક્રમમાં છે..

    આનંદ,ખુશી, સુખ વગેરે શબ્દો ઘણુંખરું પર્યાયવાચક હોય તેમ લાગે છે. ખૂબ ઝીણું કાંતનારા તેમાં અર્થભેદ જુએ છે. પરંતુ આપણે એવા ભેદોથી પર રહીશું

    એમ કહેવાય છે કે ભૂખ્યા માણસને રોટલામાં ભગવાન દેખાય છે. અહીંયા ભગવાનનો અર્થ સુખ એવો જ સમજાય છે. બીમાર માણસને રોગમુક્તિમાં સુખ જણાય છે. લોભીનો આનંદ ધનના સંગ્રહમાં  છે. રાજકારણીઓ ખુરશીમાં ખુશી જુએ છે. આમ માણસે માણસે નોખાં નોખાં સુખ હોય છે. પરંતુ વાસ્તવિક્તા એ છે કે પોતે જેમાં સુખ જુએ છે તે વસ્તુની પ્રાપ્તિ થયા પછી  ધારેલું સુખ મળતું નથી, કદાચ સુખ મળ્યું છે તેમ લાગે તો પણ તેની અનુભૂતિ સમય જતા બષ્પીભવન પામીને ઊડી જાય છે. આ રીતે ભલે આપણે ઠેર ને ઠેર આવીને ઊભા રહી જતા હોઈએ, પરંતુ આપણી સુખની શોધ અટકતી નથી.

    નવી ચીજવસ્તુ ખરીદવાથી આનંદ દરેકને મળે છે. આ આનંદ પણ ગજબની ચીજ છે. ધનવાનોને જેમ વસ્તુ મોંઘી તેમ આનંદ વધારે, મધ્યમ વર્ગનો આનંદ વસ્તુ સસ્તી મળે તેમાં હોય  છે અને ગરીબો માટે તો મરીજ સાહેબે કહી જ  દીધું જ છે  “ગરીબને વસ્તુ ઈશ્વરથી પણ નિરાકાર હોય છે”

    આપણો સૌનો અનુભવ છે કે મધ્યમ વર્ગની મહિલાઓ નવી સાડી કે અન્ય નવા પરિધાન ખરીદીને  રાજી થાય છે. પરંતુ એ જ વસ્તુ પડોશી સસ્તા ભાવે લઈ આવ્યા છે તેની જાણ થતા જ તેનો આનંદ ઊડી જાય છે. ટૂંકમાં આપણે જ્યાં શોધીએ છીએ ત્યાં સુખ મળતું નથી. કદાચ ક્યારેક મળે છે તો ટકતું નથી.

    કેટલાક સુખો દવાના ડોઝ જેવાં હોય છે, જો નિયત કરતા વધારે પ્રમાણમાં લેવામાં આવે તો ફાયદાને બદલે નુક્શાન કરે છે. આ વાત સમજવા માટે આપણે એક જુગજૂની રમૂજ યાદ કરીએ.

    એક માણસને પૂછવામાં આવ્યું, “તેં સુખનો અનુભવ ક્યારે કર્યો હતો?” તો  તેનો  જવાબ હતો, “એક વાર જ્યારે મારા શરીરે ખસ થઈ હતી ત્યારે હું  તદ્દન નવી જ કાથી વડે ભરેલા  ખાટલામાં આળોટેલો. એ વખતે  મેં જે સુખનો અનુભવ કરેલો એવું સુખ જિંદગીમાં ક્યારેય માણ્યું નથી”  પરંતુ આ રીતે સુખ માણનારે જો વધારે સમય શરીરને ખાટલા સાથે ઘસ્યે રાખ્યું હોત તો તે લોહીલુહાણ થ‌ઇ ગયો હોત અને તેનું થોડા સમયનું સુખ, દુ;ખમાં તબદીલ ગયું હોત. એટલે તો વૈરાગ્ય શતકમાં ભૃતુહરિએ કહ્યું છે,

    ‘भोगा न भुक्ता वयमेव भुक्ताः ।‘

    કેટલાક ચિંતકોનું માનવું છે કે સુખ આપણને મળવા આતુર જ હોય છે, પરંતુ આપણે તેને એપોઈ‌ન્ટમે‌ન્ટ આપતા નથી. આથી કોઈ સજ્જને “સુખને એક અવસર આપો.” નામનું આખું એક પુસ્તક લખવું પડ્યું છે.

    આ રીતે સુખ વિષે ચિંતન અનંતકાળ સુધી ચાલ્યા કરે છે. પરંતુ આપણે તો મહેતા નરસૈયાને જ યાદ કરીશું. તેમની એ  વાતમાં દમ  પણ છે કે સુખ અને દુ:ખ બન્ને આપણા ઘટ કહેતા શરીર સાથે જોડાયેલા જ છે. સંજોગોને કારણે જ્યારે દુ:ખ અનુભવીએ છીએ ત્યારે પણ સુખ તો હાજર જ હોય છે. આર્થિક રીતે દુ:ખી હોય તે શારીરિક રીતે સુખી હોઈં શકે છે, દુબર્ળ દેહ ધારણ કરનાર પૈસેટકે સુખી હોય છે. બન્ને રીતે દુ:ખી હોય તેનો સંસાર સુખી હોઈ શકે છે. ત્રણેય વાતે દુ:ખી હોય તેની પાસે ક્યારેક જ્ઞાનની સમૃદ્ધિનું સુખ હોય છે.  આપણને  જે બધી રીતે  દુ:ખી લાગે  તેને કુદરતે  ગમે તે સ્થિતિમાં આનંદી રહી શકે તેવો સ્વભાવ બક્ષેલો હોય છે.  ટૂંકમાં દરેક વ્યક્તિ  કોઇને કોઇ રીતે સુખી હોય જ છે. પેલાં ફિલ્મી ગીતમાં ભલે કહેવાયું હોય કે ’દુખ તો આપના સાથી હૈ’  પરંતુ દુ:ખની સાથે  સુખ પણ આપણું સાથી હોય છે. આપણે આપણા સુખને ઓળખતા નથી હોતા. આથી સુખ મેળવવા દોડવાની બદલે આપણી પાસે એવું ઘણું બધું હોય  છે કે જેને સુખ તરીકે ઓળખી અને માન્યતા અપવાની જરૂર છે.


    શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • એક નિવાસી કલાકારની કલા સફર

    મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ



    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • ‘મંત્ર’ -ભાગ ૧

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    ટ્વીસ્ટ ઓફ ટાઇમ,

    શક્ય છે આજે જે ઉચ્ચતાના શિખરે બેઠા છે, જે પોતાની જાતને પરમાત્મા માનીને જનતા પર પોતાનું વર્ચસ્વ જમાવીને બેઠા હોય એ આજે એ જ જનતા સામે યાચક બનીને ઊભા હોય. ૧૮૦ અંશના છેડે જઈને ઊભા હોય એવા સંજોગોય જીવનમાં આવે ખરા.

    વાત છે આવા એક ખ્યાતિના ઊંચા આસને ચઢીને બેઠેલા એક ડૉક્ટરની.

    સાંજનો સમય હતો. ડૉક્ટર ચઢ્ઢા ગૉલ્ફ રમવા તૈયાર થઈ કાર પાસે ઊભા હતા અને બે ભોઈ ડોળી લઈને આવ્યા. ડોળીની પાછળ એક બુઢ્ઢો આદમી લગભગ પગ ઘસડતો હોય એમ ચાલ્યો આવતો હતો. એ બુઢ્ઢા આદમીના સાત સંતાનોમાંથી બચેલો એક માત્ર દીકરો અત્યારે માંદગીનાં બિછાને હતો, જેને બચાવી લેવા એ બુઢ્ઢો આદમી ડૉક્ટર ચટ્ટાને સતત વિનંતી કરી રહ્યો હતો.

    પણ એ સમય હતો ડૉક્ટરના આનંદપ્રમોદનો. ભલા આટલા વ્યસ્ત સમયમાંથી એ થોડો સમય પોતાના માટે ફાળવવા માંગતા હોય ત્યાં ક્યાં એમાં કોઈ ગરીબ બીમાર માટે સમય બગાડે? બુઢ્ઢા ગરીબ બાપની કાકલૂદીને સાંભળ્યા પછી પણ એની પાછળ એ પોતાનો મૂલ્યવાન સમય વેડફવા માંગતા નહોતા.

    એ તો કારમાં બેસીને ચાલ્યા ગયા અને પાછળ મૂકતા ગયા એક લાચાર બાપના નિસાસા. એના માટે તો હજુ એ સમજવું અઘરું હતું કે આવી રીતે કોઈ જીવનમરણ વચ્ચે ઝોલા ખાતો એવા દર્દીને બીજા દિવસ સુધીના સમય કેવી રીતે ટાળી શકાય? એને થયું કે સંસાર આટલો નિર્મમ કે કઠોર કેવી રીતે હોઈ શકે? ડૉક્ટર ચઢ્ઢાની કાબેલિયત વિશે સાંભળીને એ અહીં સુધી આશા ભર્યો આવ્યો હતો. એ જ રાત્રે એનો સાત વર્ષનો દીકરો એની બાળલીલા સંકેલીને પાછળ બુઢ્ઢા બાપને રોતો કકળતો મૂકીને ચાલ્યો ગયો.

    ઘણાં વર્ષો પસાર થઈ ગયા. ડૉક્ટર ચઢ્ઢા ઘણું ધન, યશ કમાયા અને સાથે પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખ્યું. પચાસ વર્ષની આયુએ પણ એમની ચુસ્તી,સ્ફૂર્તિ યુવકોને શરમાવે એવી અકબંધ હતી. નિયમિતતા, સમયની પાબંધીમાં તો ક્યાંય ચૂક નહીં. એક દીકરી અને એક દીકરો, સુખી સંસાર. બે સંતાનોની માતા બન્યા પછી પણ શ્રીમતી નારાયણી ચઢ્ઢા યુવાન લાગતાં હતાં. દીકરીનાં લગ્ન થઈ ગયા હતા. કૉલેજમાં ભણતો દીકરો કૈલાશ, માતા-પિતાના જીવનનો આધાર હતો. દીકરો હતો પણ એવો કે ગુણવાન. વિદ્યાવાન, વિનયી, ઉદાર કે જેના માટે માતા-પિતા, કૉલેજ અને સમાજ પણ  ગૌરવ લઈ શકે. આજે એની વીસમી વર્ષગાંઠ હતી.

    સંધ્યા સમયે ડૉક્ટરનાં ઘરની આગળની વિશાળ ખુલ્લી જગ્યામાં એના જન્મદિનની ઉજવણી ચાલતી હતી. એક તરફ શહેરના નામાંકિત લોકો અને બીજી તરફ ચઢ્ઢાના દીકરાના કૉલેજના મિત્રોની ટોળી આ સમારંભને પોતાની રીતે માણી રહ્યાં હતાં. આનંદ-પ્રમોદનું વાતાવરણ હતું.

    કૈલાશને સાપની શારીરિક-માનસિક પ્રકૃતિ વિશે જાણવાનો, સાપ પાળવાનો, એમને ટ્રેન કરવાનો, એના આંગળીના ઈશારે નચાવવાનો ગજબ શોખ હતો. કોઈ મદારી પાસેથી એણે આ વિદ્યા શીખી હતી. એ સાપ પર અસ્ખલિત વાત કરી શકતો. પ્રાણીશાસ્ત્રી પણ સાપ અંગે કૈલાશની જાણકારીથી દંગ રહી જતા. અઢળક પૈસા એ આ શોખ પાછળ ખર્ચી ચૂક્યો હતો.

    એના મિત્ર વર્તુળમાં એના શોખ અંગે સૌને અત્યંત કુતૂહલ રહેતું, જ્યારે મળે ત્યારે સૌને કૈલાશ પાસે કંઈક અવનવું જાણવાની અપેક્ષા રહેતી. કૈલાશ સાપને આંગળીના ઈશારે નચાવતો એ જોવાની ઉત્સુકતા રહેતી.

    આજે આ પ્રસંગે એકઠા થયેલા એના મિત્ર વર્તુળમાંથી એની સૌથી નિકટની મિત્ર મૃણાલિની જીદે ચઢી હતી.  આટલા બધા મહેમાનોની હાજરીમાં આ જોખમ લેવા કૈલાશ તૈયાર નહોતો અને મૃણાલિની કદાચ સૌની હાજરીમાં એ કૈલાશ પર પોતાનું આધિપત્ય દર્શાવવાની તક ઝડપી લેવાના મૂડમાં હતી. સૌની હાજરીમાં કૈલાશને પોતાની વાત ટાળતો જોઈને મૃણાલિનીનું માન જાણે ઘવાતું હોય એમ એનો ચહેરાનો રંગ ઉતરી ગયો.

    કૈલાશ સમજદાર હોવાની સાથે પ્રેમી પણ હતો. પ્રેમીની સમજ પ્રેમિકાને રાજી કરવા, રાજી જોવા તરફ દોરી જતી હતી. એણે મૃણાલિનીનું મન અને માન સાચવવા પ્રીતિ-ભોજન પત્યાં પછી સાપોને રાખવાનાં ખાનાં જેવા પાંજરા પાસે જઈને મહુવર વગાડીને એક પછી એક સાપને કાઢીને એમની કમાલ દર્શાવવા માંડી. ગજબનો તમાશો હતો. જાણે એક એક સાપ એના મનના ભાવ સમજતા હોય એમ એના ઈશારા પ્રમાણે પ્રતિભાવ આપી રહ્યા હતા. કૈલાશ કોઈ સાપને એના હાથે વીંટળાતો હતો તો કોઈને એની ગરદન પર.

    મૃણાલિની એને ગળે વીંટાળવા માટે વારંવાર ના પાડતી રહી. કૈલાશના ગળે વીંટળાયેલા સાપને જોઈને એનો જીવ જાણે નીકળી જતો હતો. આ એનો થનારો પતિ હતો કંઈ કૈલાશપતિ નહોતો કે આમ સાપને ગળે વીંટાળીને ઊભો રહે અને એ જોયા કરે. પણ હવે કૈલાશને પ્રેમિકાન્ની સન્મુખ પોતાના કૌશલ્યને દર્શાવવાની ચાનક ચઢી હતી.

    ધીરે ધીરે વાત ચડસ પર ચઢવા માંડી. કોઈકે કૈલાશને સાપના દાંત તોડી બતાવવા ચાનક ચઢાવી. મૃણાલિની મના કરતી રહી અને હવે કૈલાશ જીદે ચઢ્યો. એના હાથમાં સૌથી ઝેરી સાપ હતો. કૈલાશે સાપનું ગળું દબાવીને એનું મ્હોં ખોલાવા કોશિશ આદરી.

    આજ સુધી સાપે પણ પોતાના પાલક તરફથી આવા વ્યહવારનો અનુભવ કર્યો નહોતો, સ્વાભાવિક રીતે એ પોતાના આત્મરક્ષણ માટે તરફડિયાં મારવા લાગ્યો. કૈલાશે વધુ જોર આપીને એનુ મ્હોં ખોલાવીને  ઝેરીલા દાંતનું પ્રદર્શન કરાવ્યું. સૌ ચકિત થઈ ગયા. હવે કૈલાશે સાપની ગરદન પરથી પોતાની પકડ ઢીલી કરીને એને જમીન પર મૂકવાનો પ્રયાસ કર્યો. દુઃખ અને ક્રોધથી પાગલ થયેલા એ કાળા, ઝેરીલા સાપે કૈલાશની આંગળી પર ડંખ મારી દીધો.

    ટપ-ટપ-ટપ,

    કૈલાશની આંગળીમાંથી લોહી ટપકવા માંડ્યું. એ આંગળી દબાવી દીધી અને પોતાના રૂમમાંથી ઘસીને ડંખ પર લગાવી દેવાથી ઘાતક ઝેરની અસર પણ ઓસરી જાય એવી જડીબુટ્ટી લેવા દોડ્યો.

    અત્યાર સુધી છવાયેલા કોલાહલમાં સન્નાટો વ્યાપી ગયો.

    ડૉક્ટર ચઢ્ઢાને જડીબુટ્ટી પર વિશ્વાસ નહોતો. એ નસ્તર મૂકીને આગંળીનો  એટલો ભાગ કાપીને ઝેર આગળ વધતું અટકાવવાના મતના હતા.  કૈલાશને જડીબુટ્ટી પર પૂરેપૂરો વિશ્વાસ હતો. જડીબુટ્ટી એણે ઘસીને આંગળી પર લગાવાનો મિથ્યા પ્રયાસ કર્યો પણ આટલી ક્ષણોમાંય શરીરમાં વ્યાપેલા ઝેરની અસરથી એની આંખો ઢળી પડવા માંડી. હોઠ કાળા પડવા માંડ્યા અને એ જમીન પર ઢળી પડ્યો.

    કૈલાશના હાથ-પગ ઠંડા પડવા માંડ્યા. ચહેરાની કાંતિ ઝાંખી થવા માંડી. નાડી ધીમી પડવા માંડી, હવે તો નસ્તર મૂકવાનો કોઈ અર્થ ન રહ્યો.  કૈલાશની શારીરિક હાલતની સાથે ડૉક્ટર ચઢ્ઢાની માનસિક હાલત  કથળવા માંડી. ડૉક્ટર ચઢ્ઢાનું ચાલ્યું હોત તો એમણે પોતાની ગરદન પર નસ્તર મૂકી દીધું હોત.


    શું થશે કૈલાશનું અને ડૉકટર ચઢ્ઢાનું?

    જોઈએ આવતા અંકે.

    *******

    પ્રેમચંદ મુનશી લિખિત વાર્તા -મંત્ર પર આધારિત


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ગ્રોસરી સ્ટોર

    આનંદ રાવ

    રમણભાઈ અને હું ૧૯૭૦ના દાયકામાં અમેરીકા આવેલા. ત્યારથી ઓળખાણ ચાલુ જ છે. અઠવાડીયામાં એકાદ વખત સાથે શતરંજ (ચેસ) રમીએ છીએ.

    રમણભાઈ અને સુધાબેનના લગ્નને પીસ્તાલીસ પુરાં થતાં હતાં. કુટુંબીઓએ એક રેસ્ટોરન્ટમાં ઉજવણી ગોઠવી હતી.

    “રમણભાઈ, એનીવર્સરીના પ્રોગ્રામની બધી તૈયારી થઈ ગઈ?” મેં મારા પ્યાદાનું મ્હોરુ ચલાવતાં પુછયું.

    “બધુ થઈ ગયુ છે.” એમની નજર ચેસબોર્ડ ઉપર હતી.

    “રમણભૈ, આ પીસ્તાલીસ વર્ષના લગ્નજીવનમાં તમારે અને સુધાબેન વચ્ચે ક્યારેય બરાબરની ગરમા ગરમ બોલાબોલી થઈ છે ખરી? સાચો જવાબ આપજો.”

    “એ તો થાય જ ને. ઘણી વાર થાય છે. એનીવર્સરીના પ્રોગ્રામમાં અમારા વિષે એવું કશુ બોલતા નહીં પ્લીઝ.?”

    “ના રે ના. આ તો અમસ્તુ જ મારી જાણ માટે.”

    “તો સાંભળો. એક ખાનગી વાત કહી દઉ. તમે નહીં માનો.” એમણે એમનું ઊંટ ચલાવ્યું.”જુઓ, અમારી વચ્ચે મોટામાં મોટો ઝગડો થાય છે ગ્રોસરીસ્ટોર બાબતનો. સુધા મને કોઈ દીવસ એની સાથે ગ્રોસરી સ્ટોરમાં આવવા દેતી નથી. કોઈ દીવસ નહી. મારે સ્ટોરના પાર્કીન્ગ લૉટમાં ગાડી પાર્ક કરીને બેસી રહેવાનું. એ અંદર જઈને બધી ખરીદી કરે. એ બહારઆવે એટલે મારે બધી ગ્રોસરી ઉઠાવીને ગાડીમાં ગોઠવવાની.”

    મને હસવુ આવી ગયુ. આવું કેમ થતું હશે?

    “સાંભળો …” રમણભાઈ આગળ બોલ્યા. “શરુઆતમાં હું એની સાથે સ્ટોરમાં જતો. પણ હું જો કોઈ વસ્તુ ઉઠાવીને શોપીંગ કાર્ટમાં મુકુ તો એ તરત બોલે. *આ તો ઘરમાં છે. પાછું મુકી દો. બગાડ નથી કરવો.’ કહ્યાગરા કંથની જેમ હું એ વસ્તુ પાછી અભેરાઈ ઉપર મુકી દઉ. પછી હું કોઈ બીજી વસ્તુ લઉ તો તરત તાડુકે. “એ કોઇ ખાતુ નથી. પાછુ મુકી દો. કોઇને એ ભાવતુ નથી.’ હું ચુપચાપ એ વસ્તુ પણ પાછી મુકી દઉ. કોઈપણ વસ્તુ હું કાર્ટમાં મુકી શકુ નહીં. તરત હુકમ અને કચકચ શરુ થઈ જાય. હું જો કોઈ વાર અકળાઈને બોલુ તો તરત એ બોલી ઉઠતી …“સ્ટોરમાં લોકો વચ્ચે બોલાબોલી ના કરશો.”. હું ચુપ થઈ જતો. એના હાથમાં પૈસા પધરાવીને બહાર નીકળી જતો. એને નીરાંત થઈ જતી.”

    ચેસબોર્ડ ઉપર હું ચુપચાપ મારા ઘોડાની ચાલ ચાલ્યો.

    “સાંભળો. બીજી એક વાત. એક વખત સુધાએ ઓકીસમાં મને ફોન કર્યો … “ઘરે આવતાં દુધનું એક ગેલન લેતા આવજો. દુધ એક્દમ ખલાસ થઇ ગયું છે’ ઓફીસની બાજુના ગ્રોસરી સ્ટોરમાંથી મૅ દુધનું ગેલન ઉપાડ્યુ અને ઘેર આવ્યો. એણે ગેલન જોયુ અને તડુકી. “આ આપણું કાયમનું દુધ નથી. સવારે એની ચા પણ સરખી નહી થાય. તમે ગ્રોસરી સ્ટોરમાંથી એક વસ્તુ સરખી રીતે લાવી શક્તા નથી, આપણા સ્ટોરમાં ગયા હોત તો…”

    મારો મીજાજ ગયો.

    “દુધ બધે સરખુ જ હોય જુદા જુદા સ્ટોરોમાં જુદા જુદા નામે વેચાય એટલું જ.” પણ મારી વાત એને ગળે ઉતરી નહીં. એનો બબડાટ ચાલુ જ રહ્યો. હું મારા રુમમાં ચાલ્યો ગયો. … આ રીતની મગજમારી ચાલ્યા કરે છે. એટલે હું કદી હવે ગોસરી સ્ટોરમાં અંદર એની સાથે જવાની માથાકુટ કરતો જ નથી.”

    એટલામાં મારાં શ્રીમતી ચાના બે કપ ટેબલ ઉપર મુકી ગયાં. જતાં જતાં એમણે અમને ટોણો માર્યો.

    “તમે લોકો ચેસ રમવા ભેગા થયા છો કે સુધાબેનની ખોડખાંપણો કાઢવા?”

    હું અને રમણભાઈ એક બીજાનાં મોં સામે જોતા રહ્યા.

    “રમણભાઈ, આ ગ્રોસરીસ્ટોરની વાત તો ઘરઘરની કહાની છે.” મૅ કહ્યું, “પતીદેવોને ખરીદી કરતાં આવડતી નથી, હવે એનો કોઈ ઈલાજ પણ નથી.. It’s your move. ચાલ ચાલો.”

    “સાંભળો. સુધાની અકડાઈની હદ વિષે તમને વાત કરી દઉ.” રમણભાઈએ કપમાંથી ચાનો ઘુંટ લીધો. ખોંખારો કરી ગળુ સાફ કર્યું અને બોલ્યા, “લાંબો વીંક-એન્ડ આવતો હતો એટલે સુધાએ મારા ભાઈઓને, એનાં ભાઈ બહેનોને અમારે ત્યાં ભેગા કરવાનું નક્કી કર્યું. બહુ જ આનંદની વાત હતી. અમારા આખા કુટુંબને સુધાએ એના પ્રેમના તાંતણાથી મજબુત રીતે
    બાંધી રાખ્યું છે. ક્યાંય કોઈની વચ્ચે મતભેદો કે ઝગડા થવા દેતી નથી. વડીલ તરીકેના એના ડહાપણનો ઉપયોગ બધે બરાબર કરે છે – ફકત મારા સિવાય.”

    “આટલા બધા માણસો ભેગા થવાનાં હતાં એટલે ગ્રોસરીનું એનું લીસ્ટ પણ ખાસ્સુ લાંબુ હતું. પાર્કિંગ લૉટમાં હું ગાડીમાંથી બહાર નીકળ્યો. બાજુમાં જ ખાલી કાર્ટ પડ્યું હતું તે મેં ખેંચ્યુ.

    “ચાલ…આજે હું તારી સાથે અંદર આવુ છું.”

    “ના. અંદર તમારી શી જરુર છે? બધું શોપીંગ કરીને હું તરત જ આવી જઉ છું. તમે બેસો નીરાંતે ગાડીમાં.”

    “હું અંદર આવીશ તો તારુ શું બગડી જવાનું છે?” હું અકળાયો. મારા અવાજમાં ગુસ્સો પણ હતો.

    મારા ગુસ્સાની એના ઉપર ઉલ્ટી અસર થઈ.

    “લો આ લીસ્ટ.” એણે જોરથી લીસ્ટ માર ઉપર ફેંક્યું. “જાવ અંદર અને બધુ ખરીદી આવો. હું ગાડીમાં બેસુ છું.”
    બારણું ખોલી એ અંદર બેસી ગઈ અને ધડ દઈને બારણું બંધ કર્યું.

    મેં લીસ્ટ એના ખોળામાં પાછુ ફૅક્યું. સમસમતો ચુપચાપ ગાડીમાં મારી સીટ ઉપર આવીને બેસી ગયો. આટલી જીદ છે.”

    +                         +                             +

    ત્રણેક વર્ષ વીતી ગયાં.

    સુધાબેનની તબીયત લથડવા માંડી. ડૉકટરોએ નીદાન કર્યું કે કેન્સર છેલ્લા સ્ટેજમાં પહોંચી ગયું છે. રમણભાઈ આખો વખત સુધાબેનની પથારી પાસે જ ગાળતા. સુધાબેન ઘેનમાં સુઈ રહેતાં. આજે એમણે ધીમેથી આંખ ખોલી. તરત જ રમણભાઈએ અધીરા થઈને એમનો હાથ પકડી લીધો.

    “સુધા, તને સારુ લાગે છે ને? અત્યારે કેમ છે?”

    “હું તો હવે બહુ મોટા ગ્રોસરી સ્ટોરમાં જઈ રહી છું.” ધીમા, હાંફતા, થાકેલા અવાજે સુધાબેન બોલ્યાં. “તમે હંમેશની જેમ ગાડીમાં બેસીને મારી રાહ જોજો. હું ક્યારેક તો પાછી
    આવીશ. પછી તમે આપણા પેલા સૌથી નાના, નવા ગ્રાન્ડસનને કાર્ટમાં બેસાડીને મારી સાથે સ્ટોરમાં છેક અંદર આવજો.”

    સુધાબેન સહેજ મલક્યાં. પછી તરત એમની આંખો કાયમ માટે બંધ થઈ ગઈ. રમણભાઈ ડુમો ખાળી શક્યા નહીં.


    શ્રી આનંદરાવ લિંગાયતનો સંપર્ક gunjan.gujarati@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • બંદિશ એક, રૂપ અનેક (૯૪): “लट उलझी सुलझा जा रे मोहन”

    નીતિન વ્યાસ

    ચિત્રકાર શ્રી નંદલાલ બોઝ

    ઈસવીસનની સોળમી સદીમાં મથુરા પંથકમાં આવેલા ઓરછા ગામમાં રસિક કવિ શ્રી ચંદ્રસખી જન્મ થયો. નાનપણથી ભક્તિ સંગીતમાં અને તેમાં પણ રાધા કૃષ્ણના પ્રેમ અને વિયોગ પદો પૂર્ણ ધ્યાનથી સાંભળે અને પછી પોતાના સુમધુર અવાજમાં ગાય. તે વર્ષોમાં ગોંસાઇ હિતહરિવંશ સ્થાપિત રાધાવલ્લભ સંપ્રદાયનાં અનુયાયી ઓરછા ગામ પહોંચ્યા. અહીં સાનાઢ્ય બ્રાહ્મણનાં એક પ્રતિભાશાળી યુવકનો પરિચય થયો. તેને આમંત્રણ આપી વૃંદાવન અખાડા રાસમંડળ(હિતમંડળ) સામેલ કર્યો. તેને દીક્ષા આપી પટ્ટશિષ્ય બનાવ્યો. પછીના વર્ષોમાં તે કવિ ચંદ્રસખી તરીકે પ્રસિદ્ધ થયા. બાલકૃષ્ણને કેન્દ્રમાં રાખી પદો રચતા. સમય જતાં તેમને રાધાની કૃષ્ણભક્તિ તરફ ધ્યાન આકર્ષિત થયું.

    કવિ ચંદ્રસખીએ રચેલા પદો પૈકીનું એક લોકપ્રિય પદ છે: “लट उलझी सुलझा जा रे मोहन ||”

    શબ્દો છે:

    लट उलझी सुलझा जा रे मोहन
    मेरे हाथ मेहंदी लगी

    बालो का गजरा गिर गया मेरा
    अपने हाथ पहना जा रे मोहन
    मेरे हाथ मेहंदी लगी……..

    कानो का झुमका गिर गया मेरा
    अपने हाथ पहना जा रे मोहन
    मेरे हाथ मेहंदी लगी……

    आंखो का काजल हट गया मेरा
    अपने हाथ लगा जा रे मोहन
    मेरे हाथ मेहंदी लगी……..

    माथे की बिन्दिया बिखर गयी मेरी
    अपने हाथ सजा जा रे मोहन
    मेरे हाथ मेहंदी लगी………

    हाथो का कंगना गिर गया मेरा
    अपने हाथ पहना जा रे मोहन
    मेरे हाथ मेहंदी लगी……..

    पाव की पायल गिर गयी मेरी
    अपने हाथ पहना जा रे मोहन
    मेरे हाथ मेहंदी लगी……..

    सिर की चुनरी उड्ड गयी मेरी                                                                                                                                  अपने हाथ ओढ जा रे मोहन
    मेरे हाथ मेहंदी लगी………                                                                                                                                      लट उलझी सुलझा जा रे मोहन……..

    આજે પણ આ ભજન પારંપરિક ઢાળમાં ભજન મંડળીઓ ગાય છે. સાંભળીએ શ્રી ઓમ જી. પાટીદાર અને તેના સાથીદારોને:

    ઘરમાં શુભ પ્રસંગે ગાવામાં આવે છે:

    સાલ ૧૮૫૦ની આજુબાજુ નાં વર્ષોમાં ઉપશાસ્ત્રીય સંગીતની લોકપ્રિયતા વધી, ઠુમરી, ટપ્પા, દાદરા વગેરેની ગાયકી પ્રચલિત થઇ. તેની સાથે જુદા જુદા તંતુ અને તાલ વાદ્ય ગાયકી સાથે સંગતમાં જોડવા લાગ્યાં. ત્યારબાદ આ સંગીત સાથે ભળ્યું નૃત્ય- મુખ્યત્વે કથ્થક.

    આ હળવી ગાયકીની લોકપ્રિયતા સાથે ઘણી પ્રચલિત બંદિશોના શબ્દોમાં થોડો ફેરફાર કરી ઠૂમરી ના અંદાજ માં ગાવામાં આવતી. અને તેમની એક “लट उलझी सुलझा जा रे मोहन”- “મોહન” ને બદલે શબ્દ ગોઠવાણો “बालम”. બાકી ના શબ્દ-સ્વરાંકન માં કશો ફેરફાર થયો નહિ. શુદ્ધ ને સ્થાને મિશ્ર રાગો માં ગાવાનો મહાવરો બની ગયો. ગાવામાં આલાપ અને તાનની  જગાએ  અલગ અલગ “હરકત” આવી.

    સાંભળીયે ઠૂમરી “लट उलझी सुलझा जा रे बालम”

    ગાયક મર્હુમ ઉસ્તાદ  બડે ગુલામઅલી ખાં, રાગ બિહાગ

    મેવાતી ઘરાણા, પદ્મ વિભૂષણ સાથે અનેક પારિતોષિકથી સન્માનિત સુપ્રસિદ્ધ ગાયક, પંડિત જસરાજ:

    Doctorate in Biochemistry. ડો. અશ્વિની ભીડે, જયપુર અતરૌલી ઘરના, રાગ બિહાગ માં બે બંદિશ તેમના સુમધુર અવાજમાં સાંભળીયે: “બાજેરી મોરી પાયલ” , ત્યાર બાદ  “લટ ઉલઝી”

    એક ખૂબસૂરત જુગલબંધી શહેનાઇ નવાઝ ઉસ્તાદ બિસ્મિલ્લા ખાં અને સાથે ઠુમરી ગાયક ડો. સોમા ઘોષ

    પંડિત હરીશચંદ્ર તિવારી

    શ્રી કૌશિકી ચક્રવર્તી

    ઉસ્તાદ અમીર ખાં ના શિષ્યા શ્રીમતી કંકણા બેનરજી

    દીલ્લી ઘરના ના ગાયક શ્રી ફરીદ હુસેન

     

    રવીન્દ્ર સંગીતનાં વિખ્યાત ગાયીકા શ્રી ઈન્દ્રાણી મુખરજી. ગુરુદેવ ટાગોર રચિત બંગાળી કવિતા અને હિન્દી ઠુમરીનું સરસ મિશ્રણ સાંભળો

    શ્રી અંકિતા જોશી

    પાશ્વ ગાયીકા શ્રી સંજીવની ભીલાંદે

    નવોદિત કલાકાર અંજલિ ગાયકવાડ

    સાલ ૧૯૪૦ના અરસામાં આ ગીત પ્રથમ વખત સિનેમાનાં પડદા પર આવ્યું. ફિલ્મ હતી “પૂજા”, ગાયીકા જ્યોતિ અને સંગીતકાર શ્રી અનિલ બિસ્વાસ

    સાલ ૧૯૬૬માં પાકિસ્તાનમાં બનેલી ફિલ્મ માં આજ બંદિશ સાંભળવા મળી. ગાયિકા નૂરજહાં અને સંગીતકાર શ્રી રશીદ અત્રે

    ગાયિકા ગીતા દત્ત અને સંગીતકાર રત્નદીપ હેમરાજ, ફિલ્મ “ઇન્સાન શૂરા ઇન્સાન ”

    એક બંદિશ – મનમોહન મોરે શૈલીમાં, જે કર્ણાટકી  રાગ અભેરી(ભિમપલાસ) માં સંગીતબદ્ધ થઇ છે તેમાં લય, સરગમ અને તરાના  બખૂબી સામેલ થયેલ છે. સંગીતકાર એ. આર. રહેમાન અને ગાયક વિજય પ્રકાશ, ફિલ્મ “યુવરાજ”:

    અમેરિકાની બર્કલે યુનિવર્સિટી વાદ્યવૃંદ ની એક પ્રસ્તુતિ

    શ્રી શંકર ટકર સાથે બાંસુરી વાદક આદિત્ય રાવ:

    રાગો પર આધારિત વેબસિરીઝ “બંદિશ બેન્ડિટ્સ” માં “लट उलझी सुलझा जा रे”, ગાયિકા શ્રેયા સુંદર અને સંગીતકાર શંકર મહાદેવન

    ગાયિકા સ્વાતિ સિરસન્ત સાથે સંજોગ જોશી

    આમ “लट उलझी” ની બંદિશ ભજન, ઠુમરી અને ફયુઝન માં સાંભળી. હવે આ બંદિશ સાથે થોડા નૃત્ય -મહદ અંશે  કથ્થક જોઈએ: નૃત્યાંગના  વેદાન્તિ  ભાગવત, નિર્દેશક રાજશ્રી શિરકે

    જીગ્ના દીક્ષિત નું નૃત્ય પ્રદર્શન સાથે ગાયક બલરાજ શાસ્ત્રી

    શ્રી શ્યામક દાવર ની નૃત્ય શાળા

    કલાકાર પ્રિયંકા સહા

    “બુલવંત ફેસ્ટિવલ” કલાકાર કૈફ ગઝનવી

     

    मैं  सिखा पाया शब्दों को नृत्य मुद्राएँ, भाव भंगिमाएँ।
    पर वे अकसर ही मेरे मस्तिष्क में करते हैं ताण्डव।
    किसी ने सच ही कहा है शब्द ही ब्रह्म हैं शब्द ही शिव हैं।

     


    શ્રી નીતિન વ્યાસ નો સંપર્ક ndvyas2@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.