-
મૂલ્યવાન એટલે જ માણસ
ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના
દિનેશ.લ. માંકડ
બાળપણમાં સાંભળેલી વાર્તા યાદ આવે છે .છ પ્રજ્ઞાચક્ષુઓ હાથીનો સ્પર્શ કરીને; હાથી કેવો છે તે અનુમાન લગાવતા હતા.કોઈએ સાપ જેવો તો કોઈએ થાંભલા જેવો કહ્યો..કોઈએ સૂપડાં જેવો તો કોઈએ દીવાલ જેવો. હાથીનું હાથીત્વ કોઈ કહી ન શક્યું.. શાળા કોલેજ શિક્ષણ પૂરું કરે એટલે સમાજને કોઈ ડોક્ટર મળશે તો કોઈ ઈજનેર કે કોઈ અન્ય વ્યવસાયી પણ તેમાંથી માણસ કેટલા મળશે તે ખબર ન પડે.
કેળવે તે કેળવણીની પાયાની વાતતો વર્તમાન શિક્ષણમાંથી લગભગ લુપ્ત જેવી જ થઇ ગઈ છે. પરિણામ સ્વરૂપ સમાજમાં અનેક સમસ્યાઓનું સર્જન થાય છે અને એમાંથી અનેક વણઉકેલી રહે છે.કમનસીબે અંગ્રેજકાળમાં મેકોલેએ દાખલ કરેલી શિક્ષણ પદ્ધતિએ તો ભારતીય શિક્ષણનું કલ્પી ન શકાય તેટલું અહિત કર્યું છે. છેક હજી પણ વિશ્વફલકની સાથે રહેવા માટે આપણે મોટાભાગે પશ્ચિમની શિક્ષણ પદ્ધતિના પ્રવાહમાં ખેંચાવું પડે છે.પરિણામ સ્વરૂપ ઉત્તમ માણસ-નાગરિક તૈયાર કરવામાં શિક્ષણની ભૂમિકા ઓછી રહે છે. મૂલ્ય શિક્ષણનો કાં તો અભાવ છે કાં તો તેને અગ્રતા નથી.પુસ્તકિયા શિક્ષણના ભારમાં મૂલ્ય શિક્ષણને નહિવત પ્રાધાન્ય અપાય છે અથવા તો અપાતું જ નથી.અને તો ઉત્તમ માનવ તૈયાર કરવાની શિક્ષણ પાસે કઈ અપેક્ષા રાખી શકાય ?
નિર્વિવાદ છે કે પ્રાચીનકાળમાં ભારતીય ઉપખડમાં વૈદિકકાળમાં ઉત્તમ શિક્ષણપદ્ધતિ હતી. એ વાત આપણે અને સમગ્ર વિશ્વ સ્વીકારીએ છે. આપણા સદ્ભાગ્યે આપણા વેદ,ઉપનિષદ અને શાસ્ત્રો પાસે જીવનમંત્રના પાઠ વિશાળ રીતે પડેલા છે.ઉત્તમ નાગરિક- શ્રેષ્ઠ મનુષ્ય બનવા માટેના દિશા સૂચન કરે છે શાસ્ત્રીય શિક્ષણ સાથે મૂલ્ય શિક્ષણ-ચારિત્ર્ય શિક્ષણ એ શિક્ષણનો જ ભાગ હતો.
સહુ પહેલી વાત બ્રહ્નચર્યની.તમામ ઉપનિષદમાં ગુરુ -શિષ્યના પ્રથમ મિલન વખતે જ શિક્ષણ પ્રારંભ કરતા પહેલા, બ્રહ્મચર્યએ પૂર્વશરત રહેતી.આઠ કે નવ વર્ષની વયે બાળક ગુરુકુળમાં જાય એટલે ગુરુ તેને યજ્ઞોપવિત ધારણ કરાવે અને બ્રહ્મચર્યનું વ્રત લેવરાવે. શાંડિલ્ય ઉપનિષદના પ્રથમ અધ્યાયમાં યોગ ધારણમાં દસ યમમાં એક બ્રહ્મચર્ય બતાવાયું છે. तत्राहिंसासत्यास्तेयब्रह्मचर्यदयाजप| છાંદોગ્ય ઉપનિષદના આઠમા અધ્યાયના પાંચમા ખંડમાં તો બ્રહ્મચર્યનું મહત્ત્વ બતાવતાં પૂરાં ગુણગાન ગાવામાં આવ્યા છે. બ્રહ્મચર્યના માધ્યમથી બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે. तद्य एवैतं ब्रह्मलोकं ब्रह्मचर्येणानुविन्दन्तितेषामेवैष ब्रह्मलोकस्तेषाꣳ सर्वेषु लोकेषु कामचारोभवति ॥ ‘ બ્રહ્મચર્ય દ્વારા મનુષ્ય ઇચ્છાનુસાર આત્માને પ્રાપ્ત કરે છે.’ ब्रह्मचर्यमेव तद्ब्रह्मचर्येण ह्येवेष्ट्वात्मानमनुविन्दते|
બ્રહ્મચર્ય શબ્દનો અર્થ સંકોચ થયો છે અને તેને શરીરક્રિયાઓ સાથે જોડી દેવાયો છે હકીકતમાં તો ‘બ્રહ્મ’ના માર્ગ પર આચરણ’ એટલે બ્રહ્મચર્ય. બાળક ગુરુકુળમાં જાય ત્યારે વિદ્યાભ્યાસના સમય દરમિયાન પરિવાર અને સમાજ સુદ્ધાથી વિમુખ રહે. કેવળ અને કેવળ શિક્ષણ જ. તમામ ભૌતિક બંધનોથી પર થયેલું મન, તેની એકાગ્રતા શિક્ષણમાં લગાવી શકે. ઉપાડેલાં દુઃખ અને અગવડથી જ જીવન ઘડતર થાય.પડકારો ઝીલવા માટે તમામ પ્રકારના સંઘર્ષોનો સામનો કરવા તૈયાર થવું એ જ પૂર્ણ શિક્ષણ. છાંદોગ્ય ઉપનિષદ તો એટલે સુધી કહે છે કે એક તરફ ચાર વેદ અને બીજી તરફ બ્રહ્મચર્ય મુકવામાં આવે તો બંને પલ્લાં સરખા રહે છે. एकतश्चतुरो वेदा ब्रह्मचर्य तथैकतः। એટલું જ નહિ પ્રશ્નોપનિષદ પણ કહે છે કે જેમણે બ્રહ્મચર્ય તપનું પાલન કર્યું હોય અને જેમના હૃદયમાં સત્ય વિરાજમાન હોય તેમને સ્વર્ગ સુખ પ્રાપ્ત થાય છે. तेषामेवैष स्वर्गलोको येषां तपो ब्रहचर्य येषु सत्यं प्रतिष्ठिम्।
સત્ય એજ પરમેશ્વર એમ આપણે સહુ બોલીએ છીએ ખરા,પણ એ કઠિન કેટલું છે એની આપણને પણ ખબર છે. મુણ્ડકોપનિષદ ભારપૂર્વક કહે છે કે, सत्यमेव जयते नानृतं सत्येन पन्था विततो देवयानः। ‘ઈશ્વર સન્મુખ જવાનો એક જ માર્ગ છે જે સત્ય છે.’ માનવમાત્ર સામાન્ય જીવનમાં ક્યાંક ને ક્યાંક અસત્ય સાથે કે અસત્યની નજીક જીવતો હોય.અંધકાર રૂપી દિશા વિહીનતા ભોગવતો હોય અને મૃત્યુનો ભય તો સહુને સ્વાભાવિક જ છે. બૃહદારણ્યક ઉપનિષદમાં ઈશ્વરને પ્રાર્થના છે.-ॐ असतो मा सद्गमय। तमसो मा ज्योतिर्गमय।मृत्योर्मामृतं गमय ॥ ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ નાન્હાલાલએ આ ઉપનિષદ વિચાર આપણામાં દૃઢ થાય એટલે આપણી માતૃભાષમાં ભાવાનુંદિત પણ કર્યો છે. “અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈજા.ઊંડા અંધારેથી પરમ તેજે તું લઈજા.મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈજા .તુ હીણો હું છું તો તુજ દર્શના દાન દઈ જા.”
માન ,આદર વગર-શ્રદ્ધા વગર મેળવેલ વિદ્યા કદી સાર્થક જ ન થાય.પ્રત્યક્ષ દેવ આવશે કે નહિ આવે પણ જે સામે દેખાય છે તે પ્રત્યક્ષ એટલે કે માતાપિતા અને આચાર્ય જ દેવ છે .આ ભાવના હોય તો જ વિદ્યા ચડે. તૈત્તરિય ઉપનિષદના શિક્ષાવલ્લી અનુવાર્કમાં સ્પષ્ટ ગુરુ આદેશ છે मातृ॑देवो॒ भव । पितृ॑देवो॒ भव । आचार्य॑देवो॒ भव । अतिथि॑देवो॒ भव। સરળ મંત્રોમાં આ સંદેશમાં પ્રત્યેક પરિવારની અનેકાનેક સમસ્યાઓનું નિરાકરણ છે.એક વખત આદર વધે અને વિસંવાદિતા ઘટે એટલે પરિવારમાં -સમાજમાં ઉત્પન્ન થતી હકારાત્મક ઉર્જા સમાજને કેટલો તંદુરસ્ત બનાવે તે કલ્પના બહારની વાત છે.
માનવ માત્રનું અંતિમ લક્ષ્ય તે સંતોષ અને આનંદ છે.તે ક્યારે મળે ? અને એ માટે ઉપનિષદ કેવા યુવાનની અપેક્ષા રાખે છે ? તૈત્તરિય ઉપનિષદ કહે છે સમાજને એવા યુવાનોની આવશ્યકતા છે જે શ્રેષ્ઠ આચરણ વાળા હોય વૈદિકશાસ્ત્રના ઊંડા અભ્યાસુ હોય.સંપૂર્ણ નિરોગી હોય,ઉત્સાહી અને આશાવાદી હોય ,દૃઢ મનોબળ વાળા હોય વૈભવી વસુંધરાના અધિકારી હોય. युवा स्यात् साघु युवाध्यापकः। आशिष्ठो दृढिष्ठो बलिष्ठः। तस्येयं पृथिवी सर्वा वित्तस्य पूर्णा स्यात्।
ઈશ્વરે માણસ માત્રને જન્મ એટલે જ આપ્યો છે કે તે કોઈ ધ્યેય સાથે જીવે.ધ્યેય વિનાનું જીવન જીવન જ નથી.સંઘર્ષ આવે તો પણ પડકાર રૂપ જીવીને ધ્યેય હાંસલ કરવાનો સંદેશ કઠોપનિષદનો આ મંત્ર કહી જાય છે. उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशिता दुरत्यया दुर्गं पथस्तत्कवयो वदन्ति ॥ તલવારની ધાર જેવો દુર્ગમ માર્ગ હોય તો પણ ઉઠો,જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અટકો નહિ. ખુબ ટૂંકી આવરદા પણ ભારતીય સંસ્કૃતિને વિશ્વફલક પર શ્રેષ્ઠ પુરવાર કરનાર સ્વામી વિવેકાનંદના ખુબ પ્રિય આ મંત્રમાં उत्तिष्ठत जाग्रत ‘ઉઠો’ અને ‘જાગો’ એમ બે શબ્દ છે.સામાન્ય રીતે બંને શબ્દને આપણે પર્યાયવાચી જ ગણીએ છીએ પણ આ તો ઉપનિષદ મંત્ર છે.એટલે ‘જાગો’ પદ નો ભાવાર્થ જાગૃત થવું એ છે .અને આ જ સૌથી અઘરી પડકાર રૂપ બાબત છે.ધ્યેયલક્ષી જ જીવનમાં કશુંક સાચું પ્રાપ્ત કરી શકાય
આત્મવિશ્વાસ અને આત્મબળ જ વ્યક્તિમાત્રને આગળ લઇ જવામાં નિમિત્ત બને છે. છાંદોગ્ય ઉપનિષદ કહે છે,: ‘नायमात्मा बलहीनेन लभ्यः।’ આત્મબળ વગર પરમાત્મા પ્રાપ્ત થતા નથી. અને એ આત્મબળને સાચા આત્મબળ તરીકે પ્રતિપાદિત કરવા માટે ,એની અંદરના માંહ્યલાને જગાડવા છાંદોગ્ય ઉપનિષદ દૃઢતાપૂર્વક કહે છે,’તું જ બ્રહ્મ છે’ तत्त्वमसि। અને એટલે સુધી કે જાગેલો બોલી ઉઠે, ‘ હું જ બ્રહ્મ છું.’ अहं ब्रह्मास्मि। ( બૃહદારણ્યક ઉપનિષદ).
આંતરિક ઉચ્ચતા પ્રાપ્તિ માટે ઉપનિષદ અતિ આગ્રહ રાખે છે.સામાન્ય માણસ કશુંક મેળવીને આનંદ મેળવે છે, પણ મનની એથી પણ ઉચ્ચતમ સ્થિતિનું નિર્માણ કરવા ઈશાવાસ્ય ઉપનિષદ કહે છે ,’તેને ત્યાગીને તું ભોગવ. ‘तेन त्यक्तेन भुञ्जीथाः| ભાષાકીય રીતે એ વિરોધાભાષી અલંકાર છે .ત્યાગીને વળી ભોગવવાનું ! અહીં આપીને, આપ્યાના આનંદની વાત છે.મનની સર્વોત્તમ સ્થિતિ છે.જ છતાં એથી પણ આગળ વધીને ઉપનિષદ આદેશ કરે છે કે બીજાનું તો પડાવી લેવાની વૃત્તિ તો ન જ હોવી જોઈએ.. मा गृघः कस्यस्विद् घनम्’-‘ કોઈનું ધન મારુ થાય તેવું ઈચ્છીશ નહિ.’
વેદ ઉપનિષદના પ્રત્યેક મંત્ર,રુચા કે અનુવાક,પુરુષને પુરુષોત્તમ બનાવવાની દિશામાં વાત કરે છે . ભારતદેશના સુવર્ણકાળની પ્રશસ્તિ આજે ઘણાને કદાચ કલ્પિત જાગે પણ જયારે હજારો વર્ષ પહેલાના આ શાસ્ત્ર અને ઋષિ વિચાર વાંચીએ ત્યારે તે સમયે ઉત્તમ જીવન શૈલી, ઉત્તમ નાગરિક અને ઉત્તમ સમાજ જ હોય એની કોઈ શંકા એક ભારતીયને તો ન જ હોવી જોઈએ.બલકે તેના આદર્શોમાંથી જરા સરખું પાલન પોતાના જીવનમાં થઇ શકે તો કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
સ્વામી વિવેકાનંદ કહે છે: ‘ ઉપનિષદો શક્તિની ખાણ છે. તે શક્તિ પ્રદાન કરવા સમર્થ છે જર્મન તત્ત્વચિંતક આર્થર શોપન હોવર ઉપનિષદ માટે કહે છેઃ’ ‘દરેક વાક્યમાંથી કેટલો ગહન, મૌલિક ને ગૌરવપૂર્ણ વિચારસમૂહ પ્રાપ્ત થાય છે આખી પૃથ્વીમાં ઉપનિષદ જેવો ફલોત્પાદક ને ઉચ્ચ ભાવનાઓને ઉદ્દીપન કરનાર ગ્રંથ ક્યાંય નથી આ શબ્દોની પુષ્ટિ કરતાં અંગ્રેજ તત્ત્વવેત્તા મેક્સ મૂલરે કહ્યું’ ‘જો શોપન હોવરના આ શબ્દોને કોઈ ટેકાની જરૂર હોય તો હું તે આપવા તૈયાર છુ’ પાશ્ચાત્ય વિદ્વાન ડૉ. એનીબેસન્ટ કહે છે : ‘મારા મતે ઉપનિષદો માનવ મસ્તિષ્કની સર્વોચ્ચ ફળશ્રુતિ છે.’
પ્રત્યેક ઉપનિષદનો પ્રત્યેક મંત્ર માનવમાત્રને ઉત્કૃષ્ટ બનાવવાનો સંદેશ લઈને આવે છે.અહીં તો વિહંગાવલોકનની જેમ તેના કેટલાંક ઉદાહરણથી સંતોષ માનીએ -કશુંક પામીએ.
શ્રી દિનેશ માંકડનું ઈ-મેલ સંપર્ક સરનામું :- mankaddinesh1952@gmail.com
-
ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૪૯
ચિરાગ પટેલ
उ. १८.२.९ (१६७७) अस्तावि मन्म पूर्व्यं ब्रह्मेन्द्राय वोचत । पूर्वीर्ऋतस्य बृहतीरनूषत स्तोतुर्मेधा असृक्षत ॥ (वालखिल्य / आयु काण्व)
સ્તુતિ કરવા યોગ્ય હે ઋત્વિજો! ઇન્દ્ર માટે સનાતન મનન કરેલા સ્તોત્રોનો પાઠ કરો. પૂર્વ યજ્ઞોના બૃહતી છંદમાં સામગાન કરો. એનાથી સ્તોતાઓની મેધા બુદ્ધિ ઉત્પન્ન થાય છે.
ઋષિ અહી સામગાન માટે છંદનું મહત્વ દર્શાવે છે. પ્રાચીન કાળથી પ્રસિદ્ધ બૃહતી છંદમાં સામગાન કરવાથી એ છંદ મગજની શક્તિને વધારે છે એમ ઋષિ કહે છે. વળી, એ માટે સ્તોતાએ સ્તોત્ર સ્મરણશક્તિના ઉપયોગથી ગાવાનો છે. આજના યુગમાં વિદ્યાર્થીઓને સ્મરણ શક્તિ ખિલવવા અને બુદ્ધિ શક્તિ સતેજ કરવા અનેક યુક્તિ-પ્રયુક્તિઓ શીખવવામાં આવે છે. વિદ્યાર્થીઓએ બૃહતી છંદમાં રચાયેલા મંત્રોનો મુખપાઠ કરી ગાવાનો પ્રયોગ કરવો જોઈએ, અને એના પરિણામો નોંધવા જોઈએ.
उ. १८.४.२ (१७००) पवमाना दिवस्पर्यन्तरिक्षादसृक्षत । पृथिव्या अधि सानवि ॥ (निध्रुवि काश्यप)
સંસ્કારિત થનારો દિવ્ય સોમ અંતરિક્ષથી ધરતીના ઊંચા ભાગમાં પ્રવાહિત થાય છે.
આ સામમાં સોમની દિવ્યતાનો ઋષિ નિર્દેશ કરે છે. સૂર્ય કિરણોમાં રહેલાં ફોટોનનો પ્રવાહ વાતાવરણના ઉપરના ભાગે વિખેરણ પામી પ્રવાહિત થાય છે. એ જ દિવ્ય સોમ છે.
उ. १८.४.११ (१७०९) य इदं प्रतिपप्रथे यज्ञस्य स्वरुत्तिरन् । ॠतूनुत्सृजते वशी ॥ (भरद्वाज बार्हस्पत्य)
જે અગ્નિ સંસારના કલ્યાણ માટે યજ્ઞમાં ઉપસ્થિત અવરોધોને દૂર કરે છે. જગતને પોતાના વશમાં રાખનાર તથા સર્વે ઋતુઓને બનાવનાર છે, એ જ એને વિસ્તાર આપનાર છે.
અગ્નિ યજ્ઞમાં પ્રજ્વલિત થાય એટલે સર્વે અશુદ્ધિઓનો નાશ થાય છે. વળી, એ યજ્ઞરૂપી જીવની નકારાત્મક ઊર્જાનો પણ નાશ કરે છે. અગ્નિથી જ સર્વે જીવોની દેહધાર્મિક ક્રિયાઓ થાય છે એમ સર્વે જડ પદાર્થોની વિવિધ ક્રિયાઓ પણ અગ્નિને આભારી છે. અગ્નિ એટલે કે સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર ઋતુઓ જન્માવે છે. અગ્નિથી જ બ્રહ્માંડનો વિસ્તાર થયો છે. ઋષિના આ બધાં અવલોકન પ્રશંસાને પાત્ર છે.
उ. १९.१.८ (१७१८) आ मन्द्रैरिन्द्र हरिभिर्याहि मयूररोमभिः । मा त्वा के चिन्नि येमुरिन्न पाशिनोऽति धन्वेव ताँ इहि ॥ (विश्वामित्र गाथिन)
હે ઇન્દ્ર! આનંદદાયક, મોરપંખ જેવા વાળવાળા ઘોડા સહિત યજ્ઞમાં આવો. વ્યાધની જેમ માર્ગમાં જાળ બિછાવનાર આપને અટકાવી ના શકે, એમને રણની જેમ છોડીને આવો.
અહિ ઋષિ ઇન્દ્રના ઘોડાને મોરપંખના વાળવાળો કહે છે. એટલે કે, આકાશમાં ઉત્પન્ન થતું સાત રંગનું મેઘધનુષ અથવા સાત રંગના સૂર્ય કિરણો એ જાણે મેઘરૂપી ઇન્દ્રના ઘોડાના વાળ છે એવી ઋષિ કલ્પના કરે છે. રણ કે મરુ પ્રદેશમાં કોઈ રહેવાની ઈચ્છા ના કરે. એટલે, એવી રીતે ઇન્દ્રને સર્વે અવરોધો પાર કરી યજ્ઞમાં આવવા માટે ઋષિ કહે છે. અન્ય એક અર્થમાં એવું કહી શકાય કે, ઋષિ મનરૂપી ઇન્દ્રને યજ્ઞરૂપી જીવમાં માયાના પ્રલોભનોથી મુક્ત રહેવાનો નિર્દેશ કરે છે.
उ. १९.२.५ (१७२९) या दस्रा सिन्धुमातरा मनोतरा रयीणाम् । धिया देवा वसुविदा ॥ (प्रस्कर्व काण्व)
આ અશ્વિનીકુમારો શત્રુનાશક, નદીઓના ઉત્પત્તિકર્તા, વિવેકપૂર્વક કર્મ કરનારને સંપત્તિ આપનાર છે.
આ સામમાં નદીનો અર્થ પૃથ્વી પર વહેતી નદી કે આકાશમાં વિદ્યમાન આકાશગંગા કે શરીરમાં વહેતો કુંડલિની પ્રવાહ કરી શકાય એમ છે. કારણ કે, એના ઉત્પત્તિકર્તા અશ્વિનીકુમારો છે જે પ્રભાતમાં ઊગતો સૂર્ય કે એના રોગનાશક અને આરોગ્યપ્રદ કિરણો છે. સૂર્યનો એક અર્થ આત્મા પણ છે. વળી, જે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરે છે તેને સંપત્તિ મળે એવી ભાવના ઋષિ વ્યક્ત કરે છે.
શ્રી ચિરાગ પટેલનું ઈ-મેલ સંપર્ક સરનામું :- chipmap@gmail.com
-
વાસંતી વાયરો
દેવિકા ધ્રુવ
આ વાસંતી વાયરાને હૈયે ઝીલું, ઝીલી ઝીલીને આખું ગગન ઘૂમું.
ગગનની પાર ઘૂમી ભીતર વળું,
ભીતર વળીને પૂરો સમંદર ભરું.
શીતલ શીકરથી હવા ભીની કરું,
સ્નેહભીની લહેર થકી જીવન સીંચું.. આ વાસંતી વાયરાને હૈયે ઝીલું.જીવનની મહેકને ચોપાસ વીંટું,
વીંટી વીંટીને, બસ ગુલશન વીંઝુ.
ગરવા આ વીંઝણાને શબ્દે ગૂંથું,
ગૂંથી ગૂંથીને કોઈ સરગમ રેલું.. આ વાસંતી વાયરાને હૈયે ઝીલું.સરગમ સંગ ગાનને વ્હેતાં મૂકું,
વહેતાં બે ગીતના ઠમકે ઝૂમું.
ઝૂમતાં, ડોલતાં, મુક્તમન નાચું..
ને દૂર આભે ઊડું, પરમ પ્રેમમાં ડૂબું… આ વાસંતી વાયરાને હૈયે ઝીલું.
સુશ્રી દેવિકાબેન ઘ્રુવનાં સંપર્ક સૂત્રોઇ-મેલ ddhruva1948@yahoo.com -
ઊર્મિલ સંચારઃ પ્રકરણ – ૬ અકળ દોરી
આયુર્વેદિક કેન્સર સારવારમાં ખોટા આંકડા લખવામાં ડો.અંજલિનો હાથ ન હતો. ગુનેગાર ડો.રાકેશ પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવી. શોમ, અંજલિ સાથેના તૂટેલો વિશ્વાસ દોરને સાંધવા પ્રયત્ન કરે છે. અંજલિ ભારત જવાની તૈયારીમાં છે. શોમ માતાની અણધારી માંદગીથી ચિંતિત છે, ત્યારે…
સરયૂ પરીખ
શોમ સાથે ચર્ચા કરતા ડોક્ટર બોલ્યા, “માહીની તબિયત પર આવી પડેલ આપત્તિને કેમ કરીને નિવારવી? તે છપ્પન વર્ષના જ છે અને બીજું કોઈ દરદ નથી…”
“અમે અંદર આવી શકીએ?” રમેશ બારણું પકડીને ઊભા હતા અને અંજલિ, દાખલ થતા પહેલા પૂછી રહી હતી. “હા. જરૂર આવો.” જવાબ મળતા તેઓ અંદર દાખલ થયા. શોમનું દિલ ખુશીનું માર્યું જોરથી ધડકવા લાગ્યું. વિસ્ફારિત નયને અંજલિ સામે જોઈ રહ્યો. રમેશે નજીક આવી જરા સ્પર્શ કરી તેનું ધ્યાન ખેંચ્યું.
“હા, તો અમે વાત કરતા હતા કે, રોગનિદાન સારું લાગે છે. સામાન્ય તંદુરસ્તી સારી હોવાથી શ્રીમતી જોષી જલ્દી સાજા થઈ જશે. આગળ જતા અમુક કારણો, જેમકે ટ્યુમર કેટલી ત્વરાથી વધે છે, અને બીજી કોઈ ગૂંચવણ ઊભી થાય તો ઈલાજ બદલવો પણ પડે. હવે તમારું આયુર્વેદિક સારવાર માટે શું સૂચન છે તે વિશે જોઈએ…ડોં.મારુ, તમારો અભિપ્રાય જણાવશો?” ડોક્ટરે અંજલિને પૂછ્યું.
અત્યાર સુધી આત્મવિશ્વાસ સાથે બોલી રહેલો શોમ સાવ શાંત બની, વિદ્યાર્થીની માફક સાંભળી રહ્યો. વ્યવસ્થિત સારવારનો ક્રમ નક્કી કરી મિટિંગ પૂરી થઈ.
બહાર નીકળતા જ શોમ બોલ્યો, “અંજલિ! તું અહીં કેમ?”
“ભારત જવા નીકળવાની તૈયારી જ હતી અને સ્ટિવનનો ફોન આવ્યો કે ‘આંટી બેભાન થઈ ગયાં હતાં અને બ્રેઈન ટ્યુમરની શક્યતા લાગે છે. તેણે જણાવ્યું કે કયા સ્તરની ગંભીરતા છે તે કાલે ખબર પડશે.’ અને તરત મેં એક સપ્તાહ પછીની ટિકિટ કરાવી નાખી.” અંજલિ રમેશ તરફ ફરીને બોલી, “આંટીને મળવા જઈશું?” અને શોમને ત્યાં જ વિચાર કરતો છોડીને તેઓ નીકળી ગયા.
જોષી-નિવાસ પહોંચીને જોયું તો માહી તેની પથારીમાં રડતી હતી. રમેશને જોઈને વધારે રડી પડી. “બસ, હવે હું નહીં બચુ. ડોકટરો તો કહે પણ…મને આવી કેંસરની બીમારી થાય જ કેમ? મુંબઈ મારી મમ્મીને છેલ્લી વખત મળવા જવું છે.”
“અરે, તું જો તો ખરી, તારી ફિકરમાં કોણે ભારત જવાનું માંડી વાળ્યું છે!”
અંજલિ ધીમેથી અંદર આવી અને માહીના ચહેરાના ભાવ વિજળીના ચમકારાની જેમ બદલાઈ ગયા. અંજલિ નજીક આવતા, તેના બંને હાથ પકડીને માહીએ પોતાની બાજુમાં બેસાડી…અને તેની માંદગીનાં સમાચાર સાંભળીને અંજલિ રોકાઈ ગઈ છે, તે સાંભળતાં માહી ગદગદ થઈ ગઈ.
“આંટી, બહુ ભૂખ લાગી છે. શું જમશું?”
“ફ્રીઝમાંથી શોધી કાઢ, હું હમણાં રસોઈમાં આવું છું.” માહી ઝડપથી ઊભી થઈ તે જોતા રમેશ હસીને બોલ્યો, “ઓ મેડમ! જરા સંભાળીને…”
અમુક વ્યક્તિનો સ્પર્શ પારસમણિ જેવું કામ કરે છે. એ જૂજ અહોભાગ્ય હોય છે, જ્યાં સોનુ બનવાની ક્ષમતા સામેના વ્યક્તિત્વમાં મળી આવે છે. અશ્રદ્ધા અને ચિંતાની સાથે સમજ અને આશા પણ જોડાઈ ગયાં, અને મુશ્કેલીને સ્વીકારવાનો દ્રષ્ટિકોણ બદલાયો. એ દરમિયાન શોમ અને મોટીમાસી પણ આવી ગયા અને થોડા સમય માટે માહી હળવીફૂલ બની, સ્વભાવગત બીજાની સંભાળ લેવામાં વ્યસ્ત થઈ ગઈ.
નક્કી કર્યા પ્રમાણે, માહીને લઈને શોમ આયુર્વેદિક સેન્ટર પર ગયો. અંજલિ અને શોમ, બન્ને કુશળ ડોક્ટર્સ, સંવાદિતાથી કામ પર ધ્યાન આપી રહ્યા હતા. અજાણતા આંખ મળી જાય કે સ્પર્શ થઈ જાય તે પળ થંભી જતી, એ વ્યાકુળ ઝણઝણાટી વિષે તે બે સિવાય બીજા અજ્ઞાત હતા.
અંજલિએ મીસીસ. પંડ્યાના આગ્રહને નમ્રતાથી નકારી, તેની મિત્ર સારાને ઘેર તે અઠવાડિયું રહેવાનું નક્કી કર્યું હતું. સારાએ શનિવારે સાંજે, ઘેર નાની પાર્ટી ગોઠવી, સ્ટિવન અને શોમને બોલાવ્યા હતા. આરી અને તેની ગર્લફ્રેન્ડ અને બીજા બે ચાર જણા સાથે સારાનું ઘર ગુંજતું હતું. અંજલિ અને શોમના ચહેરા પર ક્યારેક હસતાં હસતાં ઉદાસીની પીંછી ફરી વળતી. ‘હું આના વગર કેમ જીવી શકીશ?’ તો સાથે અંજલિને એ પણ વિચાર સતાવતો કે…’મારા મન પર આ મણનો ભાર છે, તે કેમ જતો નથી? ‘બાબા કહે છે તેમ, સમયને તેનું કામ કરવા દો, અવળા પ્રવાહમાં વલખાં મારવાનું છોડી દો… આ ચઢાણનો ઉતાર મળી રહેશે.’ ગમે તે હો, પણ મિત્રો સાથેની એ સાંજ અણમોલ હતી. શોમ નીકળી રહ્યો હતો તે વખતે અંજલિએ કહ્યું હતું કે, ‘રવિવારે સવારે એબી સેંટરમાં જઈને, આંટી માટે જરૂરી ઓસડિયાં તૈયાર કરી દઈશ, જેથી આવતા મહિનાઓમાં ખલાસ ન થઈ જાય.’
અંજલિ દસેક વાગે સેંટર પર પહોંચી અને ગાર્ડ સાથે થોડી વાત કરી, ઉપર જઈને કામે લાગી ગઈ હતી. ઔષધી માપીને લીધી અને પછી લોખંડનો ખાંડણી દસ્તો લઈ અંજલિ ખાંડવામાં મગ્ન હતી. પાછળથી એકદમ બારણાંના ખોલવા-બંધ થવાના અવાજથી ચમકીને તેણે પાછળ ફરી જોયું. “અરે! રાકેશ? અહીંયા શું કરે છે?” રાકેશનો દાઢી-મૂછથી ભરેલો બિહામણો ચહેરો જોઈ અંજલિના ધ્રૂજતા હાથમાંથી દસ્તો સરી ને તેના પગ પર પડ્યો. “ઓ મા!” કરીને અંજલિ ખુરશી પર બેસી ગઈ.
“અવાજ ધીમો,” રાકેશે કરડાકીથી કહ્યું. તેની ગુસ્સાભરી લાલ આંખોમાં ભય ઝલકતો હતો, ‘આ બે ભાવ!! ક્રોધ અને ભયનું ભયંકર મિશ્રણ’ એમ વિચારતા અંજલિ વધારે ગભરાઈ ગઈ.
“મારી પાછળ કત્રીના પોલીસ લઈને પડી છે, કહે છે મેં તેને મારી હતી.” રાકેશની વાત સાંભળીને અંજલિનો ચહેરો તંગ થયો. “એ તો સાવ જૂઠ્ઠી છે…મારી સાથે જંગલિયત કરતી હતી અને મારી માને ગાળ દીધી, તેથી મેં જોરથી એક થપ્પડ અડાવી દીધી…કત્રીના એ લાગની જ છે. અરે, એ તો લગ્ન કરવા તૈયાર હતી… ત્યાં એને મારી એબી સેન્ટરની બાતમી મળી ગઈ અને પછી તો આભ તૂટી પડ્યું.”
“પણ તું અહીં કેમ આવ્યો છે?”
“મને શંકા હતી જ કે કત્રીના આવું કંઈક સિપાઈનું લફરું કરશે. મારા સગાને ત્યાં આગલા બારણે ધમાલ સાંભળીને હું પાછલા બારણેથી, મારી તૈયાર બેગ લઈને ભાગી નીકળ્યો. આ જગ્યા સલામત લાગી. થોડા કલાકોનો જ સવાલ છે…કારણકે મારી પાસે આજ સાંજની ભારત જવાની ટિકિટ છે. મને ખબર હતી કે તું હ્યુસ્ટનમાં રોકાઈ ગઈ છે. અને જો! …મારા સારા નસીબે તું અહીં મળી ગઈ! બસ તારે મને એરપોર્ટ પહોંચાડવાનો છે. તારે મને મદદ કરવી જોઈએ. મેં કાંઈ એવો મોટો ગુનો નથી કર્યો. આપણા બંનેનું સારું દેખાય તેથી થોડા આંકડા બદલ્યા, એમા તો આ સતવાદીઓએ મને હેરાન કરી નાખ્યો.” રાકેશ અસંબદ્ધ બોલ્યે જતો હતો.
“મારી પાસે ક્યાં કાર છે?” અંજલિ તેના પગને પંપાળતી બોલી.
“તું તારા બોયફ્રેન્ડ, શોમને બોલાવ…”
“હું એવું કંઈ કરવાની નથી, તું થાય તે કરી લે.” અંજલિ ગુસ્સે થઈને બોલી.
રાકેશે ખિસ્સામાં હાથ નાખી નાની શીશી કાઢી, તેના પર ‘ઝેર’ લખેલું હતું. “ભલે. તારે મદદ ન કરવી હોય તો હું આ ઝેર ખાઈ લઈશ. બસ, એટલી મહેરબાની કરજે…ભારત જાય પછી મારા વિધવા મમ્મીને મળીને કહેજે કે, મેં તમારા દિકરાને મરવા દીધો.”
“હું એવા ગપ્પાથી ભોળવાઈશ નહીં. તેં જે ભૂલો કરી છે તેની સજા ભોગવ.”
રાકેશ કશું બોલ્યા વગર, શીશી ખોલી ગોળીઓ હાથમાં કાઢી અને સિંક પાસે પાણી લેવા ગયો. અંજલિને લાગ્યું કે હમણાં તેનો ગોળીઓવાળો હાથ મોં પાસે પહોંચશે…
“બસ કર!! મારે તારું મોત મારા માથા પર નથી થોપવું, સમજ્યો?” અંજલિએ બૂમ પાડી. અને શોમનો નંબર જોડ્યો, “શોમ! અહીં સેન્ટર પર આવી શકશો? જલ્દી…”
“હા, થોડું કામ પતાવીને આવું…”
“ના હમણાં જ, ઇમર્જન્સી છે.” અંજલિ અચકાઈને બોલી.
“શું વાત છે? તું ઠીક છે?” શોમ ચિંતિત થઈ બોલ્યો. રાકેશે નાક પર આંગળી મૂકી ચૂપ રહેવા કહ્યું. અંજલિએ “હા” કહીને ફોન મૂકી દીધો.
જવાની તૈયારી કરતો હતો ત્યાં, શોમનો ફોન ફરી વાગ્યો, “ડોક્ટર! હું કત્રીના બોલું છું. રાકેશ ત્યાં આવ્યો છે?”
“ના” કહીને ફોન પડતો મૂકી શોમ ઝડપથી નીકળીને સેન્ટર પર પહોંચ્યો. વાતોડિયા ગાર્ડ સાથે ‘કેમ છો’ કરીને ઉપર જવા લાગ્યો, પણ દાદર પાસે અટકીને ગાર્ડને પૂછ્યું, “ડોક્ટર અંજલિ સિવાય બીજું કોઈ આવ્યું છે?”
“હા, પંદરેક મિનિટ પહેલા ડોક્ટર રાકેશે તેમની કોઈ વસ્તુ લેવા અંદર જવાની માંગણી કરી હતી, અને મેં જવા દીધા હતા.”
“હું થોડા સમયમાં નીચે ન આવું તો, તમે ઉપર આવજો,” કહેતા શોમ બે બે પગથિયાં ચડતો દોડ્યો. બારણું બંધ હતું. શોમે ટકોરા માર્યા અને અંજલિનો અવાજ આવ્યો, “કોણ?”
“હું શોમ.” બારણાની આંકડી ખુલી અને રાકેશે તેને અંદર આવવા દઈ બારણાં પર ફરી આંકડી મારતો જોઈને બોલ્યો,
“રાકેશ આ શું કરે છે?” કહેતો શોમ અંજલિ પાસે ગયો. તેનો વેદનાથી ખરડાયેલો ચહેરો જોઈ અકળાઈને રાકેશ તરફ ગુસ્સાભરી નજર નાંખી. નીચે નજર પડતાં, “અરે, તારા પગના અંગુઠા પર સોજો આવી ગયો છે અને નખ લીલો પડી ગયો છે, hematoma… આનો તરત ઈલાજ કરવાની જરૂર છે.”
રાકેશ જલ્દીથી બોલ્યો, “ઈલાજ પછી, પહેલાં મને એરપોર્ટ ઉતારી દ્યો, પછી પ્રેમથી અંજલિને સંભાળજો.” શોમ કડકાઈથી ના પાડવા જતો હતો ત્યાં અંજલિ કણસતા બોલી, “મહેરબાની કરીને રાકેશ કહે છે તેમ કરો. મારાથી આ પગનો દુખાવો સહન નથી થતો.”
“ચાલો નીકળીએ. મારી બેગ બહાર ખૂણામાં પડી છે તે લઈ લઉં.” રાકેશ જવા ઉતાવળો થઈ ગયો.
“કત્રીનાનો મારા પર ફોન આવ્યો હતો.” શોમે કહ્યું અને રાકેશના પગ થંભી ગયા.
“હવે હું કહું તે પ્રમાણે કરો.” રાકેશ મક્કમ અવાજે બોલ્યો, “અંજલિ! તું અને શોમ નીચે જાવ. શોમ કાર લેવા જાય અને અંજલિ તું ગાર્ડને કોઈ પણ બહાને પ્રવેશદ્વાર પાસેથી દૂર લઈ જજે. હું કાર આવતા જ પાછલી સીટમાં ઘૂસી જઈશ અને પછી તું આવી જજે. ગાર્ડને ખબર પડશે કે હું બેગ લઈને નીકળ્યો છું, તો કત્રીના તેની પાસેથી સામ, દામ, દંડ, ભેદથી બાતમી મેળવશે. મારી ફ્લાઈટ નીકળે પહેલા મને પકડી પાડે તેવી પાગલ બાઈ છે.”
શોમ તેનો હૂકમ માનવા તૈયાર ન હતો અને બિલકુલ ખસ્યો નહિ. એ જોઈ રાકેશ ઢીલો પડી ગયો અને બે હાથ જોડીને રડવા લાગ્યો. “મેં ખરેખર કત્રીના પર જુલમ નથી કર્યો. મારા પર દયા કરીને એરપોર્ટ પહોંચાડો. ગોઆમાં વૈદ્ય ભાણજી મને સજા આપશે.” અંજલિએ શોમ સામે જોયું અને ઉઠવા માટે ટેકો લેવા હાથ લંબાવ્યો.
નીચે જઈને અંજલિએ પોતાના દુખતાં અંગુઠા માટે ગાર્ડને રૂમાલ ભીનો કરવા મોકલ્યો. શોમની કાર આવતા જ રાકેશ પાછલી સીટમાં જઈને સંતાઈ ગયો, પછી અંજલિ આવી અને તેઓ એરપોર્ટ જવા નીકળી ગયાં. એરપોર્ટ પર કાર અટકી કે તરત આજુબાજુ જોતો રાકેશ ઝડપથી જતો રહ્યો. “એને લાંબી વિદાય નથી ગમતી લાગતી.” કહીને શોમ હસ્યો. પણ પગના અંગુઠામાં થતાં લબકારાને લીધે અંજલિની આંખમાં આંસુ આવી ગયાં.
વધુ બોલ્યા વગર શોમે કાર હોસ્પિટલ તરફ લીધી. અંજલિ આંખો મીચી બેસી રહી. હોસ્પિટલ પહોંચીને શોમે અંદર જઈ નર્સને વ્હીલચેર લાવવાનું કહ્યું. કારનું બારણું ખોલ્યું, પણ અંજલિની નિંદર ન ખૂલી. શોમે કોમળતાથી તેને ઊંચકી અને વ્હીલચેરમાં બેસાડી, “ઓહ, માફ કરજો. મારી આંખ મળી ગઈ હતી.” સફાળી જાગીને તે જરા ગૂંચવાઈ ગઈ.
શોમ જે રીતે તેની કાળજી લઈ રહ્યો હતો તેવી ઘણા સમયથી કોઈએ નહોતી લીધી. ડોક્ટર તરીકે પોતે જ હંમેશા ખડે પગે રહેતી. અંજલિ આરામથી બેસીને આળપંપાળ મ્હાણી રહી. પાટાપિંડી પત્યા પછી શોમે પૂછ્યું, “જોષી-નિવાસ જઈશું? ગરમ લંચ મળવાની શક્યતા છે.” અને તેઓ ઘેર આવી પહોંચ્યા. કારમાંથી અંજલિને પગથીયા સુધી શોમ ચલાવીને લઈ આવ્યો… જ્યાં તે અચકાઈને ઊભી રહી ગઈ. પાંચ પગથિયાં ચડીને શોમે ડોરબેલ વગાડ્યો. માહી અને મોટીમાસી બારણું ખોલી આશ્ચર્યથી જોતાં રહ્યાં. શોમ પાછો ફરી, અંજલિને બાંહોમાં ઊંચકી, સહજ રીતે ઊંબરો પસાર કરી અંદર લઈ આવ્યો. મોટીમાસી તો આ કામને એકદમ ગંભીરતાથી અવલોકતા રહ્યાં. ખાનગીમાં માહી સાથે તેની આલોચના પણ થઈ. પણ માહી કહે, “ના, ના. એવું કશું નક્કી નથી.”
અંજલિએ બે દિવસ સારાને ઘરે આરામ કર્યો. એકાંતમાં શાંત અને નિસ્વાર્થ ભાવથી પોતાના મનને ચકાસ્યું. ‘હું શા માટે શોમને ચાહું છુ? પ્રેમ છે કે કોઈ લાલચ છે?’ અને દર વખતે અંતર પોકારે કે મારે શોમનો સાથ જોઈએ છે. ‘પરંતુ શોમની ખુશી મારાથી દૂર રહેવામાં હોય તો એ પણ કબૂલ છે. તે હંમેશા ખુશ રહે… મમ્મી અને બાબા સાથે વાત કરીશ ત્યારે સ્પષ્ટતા થશે.’
જવાના આગલા દિવસે બપોરે અંજલિ આવજો કહેવા જોષી-નિવાસ આવી હતી. રમેશના ઘેર આવવાની રાહ જોતી હતી એ દરમ્યાન… ટેબલ પર કાગળ પેન લઈને બેઠી અને કશું લખી રહી હતી. સમય પછી, “આંટી, એક પુસ્તક શોમના રૂમમાં મૂકું છું.” કહીને અંજલિ અંદર ગઈ. રમેશ આવી ગયા અને દીકરીને વિદાય કરતા હોય તેટલા સ્નેહથી ‘આવજો’ કહ્યું. ‘હવે નહીં મળીએ? અને મળશું તો કયા સંબંધના નેજા નીચે?’ એ પ્રશ્ન માહીને બે ધારી તલવારની જેમ સોરતો હતો.
આ વખતે શોમે અંજલિની ‘ના’ સાંભળી જ નહીં, અને એરપોર્ટ લઈ જવા માટે કાર લઈને સારાના ઘેર હાજર થઈ ગયો.
રમણીય તવ સાથ હું આજે લઉં ચોરી,
આંખમાં સમાવી કરું છાની બળજોરી.
ભલે જાયે આઘેરી, લાગે તું ઓરી,
રોકવાને કાજ દિલ ખેંચે અકળ દોરી.
—— કમશઃ
સુશ્રી સરયૂ પરીખનાં સંપર્ક સૂત્રો : વિજાણુ ટપાલ સરનામું: saryuparikh@gmail.com | બ્લૉગ: https://saryu.wordpress.com -
ફ્રાંઝ કાફકા
વ્યંગ્ય કવન
ઉદયન ઠક્કર
(છંદઃ મનહર)
ફ્રાંઝ કાફકાએ એના મિત્રને લખેલો પત્ર,
ટહેલ નાખું છું, મારી ટહેલ નિભાવજે,
મારા ગયા પછી, મન કઠણ કરીને પણ,
મારી સર્વ હસ્તપ્રતો સળગાવી નાખજે!
હસ્તપ્રતો પર મિત્ર એવો તો ઓવારી ગયો,
સળગાવી નહિ અને ધરાર છપાવી છે,
કાફકાની સૂચનાને અવગણી, પણ એણે
આખરે તો કાફકાની આબરૂ દીપાવી છે.
‘મારા ગયા પછી મારી હસ્તપ્રતો છપાવજે,’
એવું કહી એક કવિમિત્ર પાછો થયો છે,
મારા પર એ મુઆને કેટલી તો શ્રદ્ધા હશે,
શાયરીનું શ્રાદ્ધ કરવાનું કહી ગયો છે.
આબરૂ વધારવાની વાત તો બાજુએ રહી,
સવાલ છે કેવી રીતે આબરૂ બચાવવી?
કદી કદી લાગે છે કે પ્રકટ કરાવવી ને
પછી એમ લાગે છે કે પ્રકટાવી નાખવી.
-
‘કોઈ’ શબ્દવાળા ગીતો – (૨) – कभी ना कभी कोई ना कोई तो आयेगा
નિરંજન મહેતા
આ વિષયને લગતા ૧૯૬૦ સુધીના ગીતો ૨૫.૦૨.૨૦૨૩ના લેખમાં મુકાયા હતા. આનો બીજો ભાગ આ સાથે પ્રસ્તુત છે જેમાં ૧૯૬૬ સુધીના ગીતોને આવરી લેવાયા છે
સૌ પ્રથમ જોઈએ ૧૯૬૧ની ફિલ્મ ‘કાબુલીવાલા’નું આ ગીત
गंगा आये कहा से
गंगा जाये कहा से
लहराए पानी में
जैसे धूप छांव रेગંગા કિનારે કોઈ ભિક્ષુકના કંઠે ગવાતા ગંગા નદીના સંદર્ભમાં આ ગીત મુકાયું છે જેના શબ્દો છે ગુલઝારના અને સંગીત છે સલીલ ચૌધરીનું. સ્વર છે હેમંતકુમારનો. પાર્શ્વમાં બલરાજ સહાની દર્શાવાયા છે.
૧૯૬૧ની અન્ય ફિલ્મ છે ‘જંગલી’ જેના આ ગીતે ત્યારે તો ધૂમ મચાવી હતી અને આજે પણ તેના ઉપર લોકો ઝૂમી ઉઠે છે.
याहू याहू
चाहे कोई मुझे जंगली कहे
कहेने दो जी कहेता रहे
हम प्यार के तुफानो में
गिरे है हम क्या करेશમ્મીકપૂરની આગવી અદા આ ગીતમાં જણાઈ આવે છે. ગીતકાર છે શૈલેન્દ્ર અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. આગવો સ્વર છે રફીસાહેબનો.
૧૯૬૧ની ફિલ્મ ‘માયા’નુ આ ગીત એક ફિલ્સુફીભર્યું ગીત છે
कोई सोने के दिलवाला
कोई चांदी के दिलवाला
शीशे का मतवाले तेरा दिलપ્રેમભંગ દેવઆનંદ પોતાની વ્યથા આ પાર્ટીગીતમાં દર્શાવે છે જેમાં પોતાની પ્રેમિકાને પથ્થરદિલ તરીકે ઉલ્લેખે છે. ગીતના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત આપ્યું છે સલીલ ચૌધરીએ. સ્વર છે રફીસાહેબનો.
૧૯૬૧ની ફિલ્મ ‘ઝૂમરૂ’નુ આ ગીત દર્દભર્યું ગીત છે
कोई हमदम ना रहा कोई सहारा ना रहा
हम किसी के ना रहे कोई हमारा ना रहाનિરાશ કિશોરકુમારના સ્વરમાં અને તેણે જ સંગીતબદ્ધ કરેલા આ ગીતના રચયિતા છે મજરૂહ સુલતાનપુરી.
૧૯૬૨ની ફિલ્મ ‘મૈ ચૂપ રહુંગી’માં આ એક પ્રેમી યુગલની નોકઝોક છે.
कोई बता दे दिल है जहा
क्यों होता है दर्द वहांतीर चला के ये तो ना पूछो
दिल है कहां और दर्द कहांસુનીલ દત્ત અને મીનાકુમારી પર રચાયેલ આ ગીતના ગીતકાર છે રાજીન્દર કૃષ્ણ અને સંગીત આપ્યું છે ચિત્રગુપ્તે. સ્વર છે લતાજી અને રફીસાહેબના
૧૯૬૨ની ફિલ્મ ‘આશિક’નુ આ ગીત પ્રતિકાત્મક ગીત છે.
ओ शमा मुजे फूंक दे
मै ना रहू तू ना रहे
……….पत्थर दिल है ये जगवाले
जाने ना कोई मेरे दिल की जलनશમા પરવાનાના સંબંધોને અનુલક્ષીને આ નૃત્યગીત રચાયું છે જેના મુખ્ય કલાકાર છે રાજકપૂર અને પદ્મિની. શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. ગાયકો છે મુકેશ અને લતાજી.
૧૯૬૩ની ફિલ્મ ‘દિલ એક મંદિર’નુ આ ગીત એક પ્રેમીના મનોભાવને ઉજાગર કરે છે
यहां कोई नहीं तेरे मेरे सिवा
कहती है झूमती गाती हवाડો. રાજેન્દ્રકુમાર અતીતમાં સરી જાય છે જેમાં તે પોતાની પ્રેમિકા મીનાકુમારીને મનાવવા આ ગીત ગાય છે તેમ દર્શાવાયું છે. ગીતકાર હસરત જયપુરી, સંગીતકાર શંકર જયકિસન ને સ્વર છે રફીસાહેબનો.
૧૯૬૪ની ફિલ્મ ‘દૂર ગગન કી છાંવ મેં’નુ આ ગીત પણ એક દર્દભર્યું ગીત છે.
कोई लौटा दो मुझे मेरे बीते हुए दिन
बिते हुए दिन वो मेरे प्यारे पल छीनઅતીતની યાદમાં ખોવાયેલ કિશોરકુમાર માટે આ એક પાર્શ્વગીત તરીકે પ્રસ્તુત છે જેના શબ્દો છે શૈલેન્દ્રના. ગાયક અને સંગીતકાર કિશોરકુમાર.
૧૯૬૪ની ફિલ્મ ‘શરાબી’નુ આ ગીત પણ વ્યથાપૂર્ણ છે
कभी ना कभी कोई ना कोई तो आयेगा
अपना मुझे बनाएगा दिल में मुझे बसायेगाવિરહની તડપ દર્શાવતું આ ગીત દેવઆનંદ પર રચાયું છે જેના શબ્દો છે રાજીન્દર કૃષ્ણના અને સંગીત આપ્યું છે મદનમોહને. સ્વર છે રફીસાહેબનો.
૧૯૬૪ની ફિલ્મ ‘દોસ્તી’નુ આ ગીત દોસ્તીના સંબંધ પર રચાયું છે.
कोई जब राह न पाये मेरे संग आये
के पग पग दीप जलाये
मेरी दोस्ती मेरा प्यारદોસ્તીની મીસાલરૂપ આ ફિલ્મમાં બે મિત્રોની વાત રજુ થઇ છે જેમાં એક પ્રજ્ઞાચક્ષુ હોય છે. તેના ઉપર આ ગીત દર્શાવાયું છે. દોસ્તો છે સુધીરકુમાર અને સુશીલકુમાર. ગીતકાર મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ. સ્વર છે રફીસાહેબનો.
૧૯૬૪ની ફિલ્મ ‘અપને હુએ પરાયે’નુ ગીત એક હકારાત્મક પ્રકારનું ગીત છે.
फिर कोई मुस्कुराया फिर एक फुल खिला
कोई बुलाये और कोई आये अब दिल चाहे क्याકોઈના એક સ્મિત મળવાથી તેની શું અસર થાય છે તે આ ગીત દ્વારા જણાવાયું છે. મનોજકુમાર પર રચાયેલ આ ગીતના પાર્શ્વમાં માલા સિંહા દેખાય છે. શૈલેન્દ્રના શબ્દોને સજાવ્યા છે શંકર જયકિસને. ગાયક મુકેશ.
૧૯૬૫ની ફિલ્મ ‘દો દિલ’નુ ગીત છે
कहां है तू आजा ऐ मेरे सजना आ जा
प्यासी हिरनी बन बन धाये कोई शिकारी आयेફૂદકતી ફૂદક્તી રાજશ્રી આ ગીત દ્વારા કોઈને આવવાનું આમંત્રણ આપે છે જે સાંભળી બિશ્વજીત તેને શોધતો ફરે છે. શબ્દો છે કૈફી આઝમીના અને સંગીત છે હેમંતકુમારનુ. સ્વર છે લતાજીનો.
૧૯૬૫ની ફિલ્મ ‘ગુમનામ’નુ આ ગીત સસ્પેન્સ ગીત છે.
गुमनाम है कोई बदनाम ई कोई
किस को खबर कौन है वो अनजान है कोईઆ ગીત પાર્શ્વગીત તરીકે મુકાયું છે જે એક ટાપુ પર ફસાયેલા કલાકારોને સંભળાય છે અને તેને કારણે તેઓ ભયભીત થાય છે. ગીતના શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત આપ્યું છે શંકર જયકિસને જેના ગાયિકા છે લતાજી.
૧૯૬૫ની ફિલ્મ ‘તીન દેવીયા’નુ આ ગીત એક પાર્ટી ગીત છે.
ख़्वाब हो तुम या कोई हकीकत
कौन हो तुम बतलाओ
देर से कितनी दूर खडी हो
और करीब आ जाओ
પાર્ટીમાં હાજર ત્રણ મહિલાઓ સિમી ગરેવાલ, નંદા અને કલ્પના સમજે છે કે આ ગીત તેને ઉદ્દેશીને જ દેવઆનંદે ગાયું છે. આમ એક ભ્રમમાં તેઓ ત્રણે ઝૂમી ઉઠે છે. ગીતકાર મજરૂહ સુલતાનપુરીના શબ્દોને સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને અને સ્વર છે કિશોરકુમારનો.૧૯૬૬ની ફિલ્મ ‘લવ ઇન ટોકિયો’નુ આ ગીત એક નૃત્યગીત છે.
कोई मतवाला आया मेरे द्वारे
अंखियो से कर गया अजब इशारेભાવનાઓને વ્યક્ત કરાતા આ નૃત્યગીતમાં જોય મુકરજી ટી.વી. પર આશા પારેખને જુએ છે. ગીતના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત આપ્યું છે શંકર જયકિસને જેના ગાયિકા છે લતાજી.
૧૯૬૬ની ફિલ્મ ‘બહારે ફિર ભી આયેગી’નુ ગીત છે
कोई केह दे केह दे केह दे जमाने से जाके
के हम गबराके मोहब्बत कर बैठेપ્રેમ કર્યા બાદ પોતાની ભાવનાને તનુજા આ ગીત દ્વારા ધર્મેન્દ્ર આગળ વ્યક્ત કરે છે. ગીતકાર છે અઝીઝ કાશ્મીરી અને સંગીતકાર છે ઓ. પી. નય્યર. ગાયિકા આશા ભોસલે.
https://youtu.be/vpNmhOY33JY
૧૯૬૬ની ફિલ્મ ‘દિલ દિયા દર્દ લિયા’નુ આ ગીત શીર્ષકને અનુરૂપ દર્દભર્યું છે.कोई सागर दिल को बहेलाता नहीं
बेखुदी में भी करार आता नहींશરાબ પીધા બાદ પોતાના દર્દને દિલીપકુમાર આ ગીત દ્વારા વ્યક્ત કરે છે. શબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીત છે નૌશાદનું. સ્વર છે રફીસાહેબનો.
૧૯૬૬ની ફિલ્મ ‘દેવર’ના ગીતમાં બે વર્ઝન છે
दुनिया में ऐसा कहां सब का नसीब हो
कोई कोइ अपने पिया के करीब होશર્મિલા ટાગોર શણગાર કરતા કરતા આ ગીત ગાય છે જેને સાંભળીને ધર્મેન્દ્ર તેને શોધતો શોધતો આવે છે અને ત્યારબાદ તેને જોઇને તે બાળપણની યાદમાં ખોવાઈ જાય છે. બીજા વર્ઝનમાં બાળપણના સાથીઓને દર્શાવાયા છે. ગીતના ગીતકાર આનંદ બક્ષી અને સંગીતકાર રોશન. ગાયિકા લતાજી.
૧૯૬૬ પછીના ગીતો હવે પછીના ભાગ ત્રણમાં.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. 28339258/9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
ફિલ્મ સંગીત વાદ્યવિશેષ : (૬) – તંતુવાદ્યો (૧) – વાયોલીન (૧)
ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી
અત્યાર સુધીની કડીઓમાં હિન્દી ફિલ્મી ગીતોમાં પ્રયોજાયેલાં વિવિધ કળવાદ્યો વિશે જાણ્યા પછી હવે તંતુવાદ્યો તરફ આગળ વધીએ. રાવણહથ્થા જેવા સાદા લોકવાદ્યથી લઈને અતિશય સંકીર્ણ રચના ધરાવતાં સિતાર અને વીણા જેવાં જુદા જુદા પ્રકારનાં તંતુવાદ્યો જોવા મળે છે.
સૌથી પહેલાં વાયોલીનનો પરિચય કેળવી અને ફિલ્મી ગીતોમાં તેના પ્રદાન વિશે વાત કરીએ. આમ તો આપણા માટે તે એટલું પરીચિત છે કે એ જાણીને નવાઈ લાગી શકે કે વાયોલીન વિદેશી મૂળનું તંતુવાદ્ય છે. આકૃતિમાં જોઈ શકાય છે તેમ આ વાદ્યની રચનામાં ચોક્કસ આકારના તુંબડાથી લઈને તેની સાથે જોડાયેલા હાથાના છેડા સુધી ચાર તાર બાંધેલા હોય છે. આ તારને અલગઅલગ સૂરમાં મેળવી લેવાય છે. તસવીરમાં વાયોલીન સાથે મૂકવામાં આવેલી ગજ/Bow તરીકે ઓળખાતી રચના વડે જે તે તારને ઘસતાં ચોક્કસ સૂરનો અવાજ નિષ્પન્ન થાય છે. જે અવાજ નીપજે છે તેને વગાડનાર કલાકાર પોતાના બીજા હાથની આંગળીઓ વડે કુશળતાથી નિયંત્રીત કરીને ધાર્યા સ્વર વગાડે છે.

મોટા ભાગના સંગીતરસિકો વાયોલીનથી પરીચિત હોય છે. પણ તેના જ કુળનાં ત્રણ વાદ્યો – વાયોલા સેલો અને બાસ– બહુ પ્રચલિત થયાં નથી. નીચેની તસવીરમાં જોઈ શકાય છે તેમ ચારેમાં મુખ્ય તફાવત કદનો હોય છે. વાયોલીન ચારેયમાં સૌથી નાનું હોય છે અને પછી ચડતી શ્રેણીમાં વાયોલા, સેલો અને બાસ આવે છે. દરેક વાદ્યની બાજુમાં તેના તારને ઝંકૃત કરવા માટે વપરાતો ગજ પણ જોવા મળે છે. અલબત્ત, ચારેય વાદ્યોને વગાડવાની શૈલીમાં પણ થોડો-ઘણો તફાવત રહેલો છે, પણ એ સંકીર્ણ વિષયની ચર્ચા અત્રે અસ્થાને છે.

(જમણેથી)વાયોલીન, વાયોલા, સેલો અને બાસ આ ચારેય પ્રકારનાં વાદ્યો પશ્ચિમી વાદ્યવૃંદોમાં વ્યાપક પ્રમાણમાં ઉપયોગે લેવાતાં આવ્યાં છે. ભારતીય શૈલીના સંગીતમાં મહદઅંશે વાયોલીનનો પ્રયોગ થાય છે. વાયોલીન એક સંપૂર્ણ વાદ્ય ગણાય છે અને તેનો ઉપયોગ શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, હળવા તેમ જ ફિલ્મી સંગીતમાં છૂટથી કરવામાં આવે છે.
ભારતીય શાસ્ત્રીય વાદ્યસંગીતના બે ઉપપ્રકારો – હિન્દુસ્તાની અને કર્ણાટકી – માં વાયોલીનવાદનનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં થતો આવ્યો છે. પ્રસ્તુત ક્લીપમાં કલા રામનાથ નામનાં કલાકાર વાયોલીન પર હિન્દુસ્તાની રાગ તીલક કામોદ વગાડી રહ્યાં જણાય છે.
આ ક્લીપમાં મંજુનાથ માયસોર અને નાગરાજ માયસોર કે જેઓ ‘માયસોર બ્રધર્સ’ તરીકે જાણીતા છે, તે ભાઈઓ વાયોલીન ઉપર કર્ણાટકી રાગ ચારુકેશી વગાડી રહ્યા છે.
આ બે ક્લીપ્સ માણીને ખ્યાલ આવશે કે ભારતીય તેમ જ કર્ણાટકી સંગીતમાં એના એ જ વાયોલીનના સૂર સાવ અલગ રીતે જ નીકળે છે. બન્ને પ્રકારના વાદનમાં અમુક અંશે વાયોલીન પકડવાની શૈલીમાં પણ તફાવત હોય છે.
પાશ્ચાત્ય સંગીતનાં વાદ્યવૃંદો માટે વાયોલીન અને સેલો અને બાસ જેવાં તેનાં પિતરાઈ વાદ્યો અનિવાર્ય ઘટક હોય છે. ઉદાહરણ તરીકે એક ક્લીપ માણીએ, જેમાં સમગ્ર વાદ્યવૃંદમાં વાયોલીનવાદકોનું પ્રમાણ સ્પષ્ટપણે ઊંચું જોઈ શકાય છે. આ રીતે સામૂહિક વાદન થાય તેને ગ્રુપ વાયોલીન્સ અથવા સ્ટાફ વાયોલીન્સ વાદન કહેવામાં આવે છે. આ રજૂઆતમાં સમયસમયે એક મહિલા વાદક પોતાના ભાગના અંશો એકલાં જ વગાડે છે. આને સોલો વાયોલીન વાદન અથવા એકલવાદન કહેવાય છે.
આવી જ પ્રણાલી હિન્દી ફિલ્મી વાદ્યવૃંદોમાં પણ જોવા મળે છે. એક સ્ટેજ કાર્યક્રમમાં ફિલ્મ ‘બરસાત’ના ગીતની રજૂઆત ધ્યાનથી માણતાં તે બાબત નોંધી શકાશે. ગાયિકાની પાછળ આઠ વાયોલીન વાદકો જરૂર પ્રમાણે પોતાનું પ્રદાન કરે છે. શરૂઆતમાં 0.20 થી 0.35 સુધી ગીતના મુખડાની તરજ એકલવાદન દ્વારા રજૂ થાય છે. તે પછી 0.42 થી 0.48 સુધી સમૂહવાદન છેડાય છે. 0.50 થી 0.55 દરમિયાન ફરીથી એકલવાદન સાંભળી શકાય છે.
ઉપરની ક્લીપ્સને માણતાં સમજી શકાય છે કે વાયોલીન એક સંપૂર્ણ વાદ્ય છે, જેનો ઉપયોગ વિવિધ વાદનપ્રણાલીઓમાં વ્યાપક ધોરણે કરાતો આવ્યો છે.
હવે હિન્દી ફિલ્મી ગીતોનું બંધારણ યાદ કરી લઈએ. અપવાદો બાદ કરતાં ગીતની શરૂઆત વાદ્યસંગીતથી થાય છે, જેને પૂર્વાલાપ/Prelude કહેવામાં આવે છે. તે પછી ગીતના મુખડાની ગાયકી શરૂ થાય છે. મુખડા પછી વાદ્યસંગીતનો એક પડાવ આવે છે. તે મધ્યાલાપ/Interlude કહેવાય છે. તે પછીની ગાયકીને ગીતનો અંતરો કહેવામાં આવે છે. સામાન્ય રીતે ફિલ્મી ગીતોમાં બે અંતરા હોય છે. પૂર્વાલાપ તેમ જ મધ્યાલાપ ઉપરાંત ગાયકીને સમાંતર પણ વાદ્યસંગીતના પ્રયોગો થતા રહે છે, જે ઓબ્લિગેટોસ/Obligatos અથવા કાઉન્ટર મેલોડી/Counter Melody તરીકે ઓળખાય છે. આવા બધા જ પ્રયોગોમાં વાયોલીન્સનો પ્રચૂર ઉપયોગ થતો આવ્યો છે. હિન્દી ફિલ્મી ગીતોનું વાયોલીંસ અભિન્ન અંગ બની રહ્યાં છે. આટલી પૂર્વભૂમિકા પછી આગળ વધીએ, વાયોલીનપ્રધાન હિન્દી ફિલ્મી ગીતો તરફ.
વાયોલીનની વાત નીકળે એટલે સંગીતપ્રેમીઓની જુબાને સૌથી પહેલું નામ આવે શંકર-જયકિશનની જોડીનું. તેમણે એટલી પ્રચૂર માત્રામાં વાયોલીન્સનો ઉપયોગ કર્યો છે કે તેમના માટે એક અલાયદો લેખ થઈ શકે. પહેલાં અન્ય સંગીતકારોએ શી રીતે તેનો ઉપયોગ કર્યો છે તે સાંભળીએ.
ઈન્ટરલ્યુડ્સમાં વાયોલીન્સનો ભરપૂર ઉપયોગ ગુલામ હૈદરે કર્યો. ૧૯૪૨ની ફિલ્મ ‘ખાનદાન’માં તેમનું જ સંગીત હતું. નૂરજહાંએ હાયેલા પ્રસ્તુત ગીતમાં સોલો તેમ જ ગ્રુપ વાયોલીન્સના અંશો સમયસમયે સાંભળી શકાય છે.
ફિલ્મ ‘રતન’ (૧૯૪૪)માં નૌશાદના નિર્દેશનમાં જોહરાબાઈ અમ્બાલાવાલીનું ગાયેલું આ ગીત ધૂમ મચાવી ગયું હતું. તેમાં વાયોલીન્સના અંશો પ્રચ્છન્નપણે કાને પડતા રહે છે.
હિન્દી ફિલ્મી ગીતોમાં શિરમોર ગણાવી શકાય તેવી લોરી સી. રામચન્દ્રએ ૧૯૫૧ની ફિલ્મ ‘અલબેલા’ માટે બનાવી છે. લતા મંગેશકર અને ખુદ સી. રામચન્દ્રના સ્વરમાં ગવાયેલી આ રચનામાં ખુબ જ નાનું અને સાદું વાદ્યવૃંદ ઉપયોગમાં લેવાયું છે. તેમાં ખાસ કરીને એકલ વાયોલીનના ટૂકડા અવિસ્મરણીય છે.
૧૯૬૪માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘હકીકત’નાં મદનમોહનના સંગીતથી મઢેલાં ગીતો ખુબ જ લોકપ્રિય થયાં હતાં. તે પૈકીના આ ગીતમાં એકલ વાયોલીનનો અસાધારણ પ્રયોગ થયો છે. કિંવદંતી મુજબ આ અંશો સંગીતકાર પ્યારેલાલે વગાડ્યા હતા. ગીતના શબ્દોમાં વણાયેલી વ્યથાને જેટલો ન્યાય મહંમદ રફીએ આપ્યો છે એટલો જ ન્યાય વાયોલીનવાદકે પણ આપ્યો છે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી.
ફિલ્મ ‘મેરે સનમ’ (૧૯૬૫)માં ઓ.પી.નૈયરનું સંગીત હતું. તેના આ યુગલગીતની શરૂઆતના પૂર્વાલાપમાં અને પછી નિયાત સમયે વાગ્યા કરતા ઓબ્લિગેટોઝમાં વાયોલીન સતત હાજરી પૂરાવતું રહે છે.
મદનમોહને ૧૯૭૦માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘મહારાજા’ના એક ગીત માટે વિશિષ્ટ પ્રયોગ કર્યો હતો. વાયોલીન, વાયોલા તેમ જ સેલો એમ ત્રણ પિતરાઈ વાદ્યો સાથે મધ્યાલાપ બનાવ્યા હતા. તે ગીત સાંભળીએ.
ફિલ્મ ‘પ્રેમપૂજારી’ (૧૯૭૦)ના સચીનદેવ બર્મનની સ્વરબાંધણી ધરાવતા અને લતા મંગેશકરે ગાયેલા આ ગીતમાં શરૂઆતમાં અને બીજા અંતરા પછીના મધ્યાલાપમાં ખુબ જ શ્રવણીય વાયોલીન સાંભળવા મળે છે.
આવનારી કડીમાં પણ વાયોલીનપ્રધાન ફિલ્મી ગીતો માણશું.
નોંધ :
૧) તસવીરો નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે. ગીત-સંગીત-ફિલ્મ કે અન્ય કલાકારોનો ઉલ્લેખ જાણીબૂઝીને ટાળ્યો છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com -
ઘરશાળા (Home schooling)
ચેલેન્જ.edu
રણછોડ શાહ
જે છે તે તો છે જ
આ તો એમ જ પડી અમસ્તી
શંકા અમને સ્હેજ.હરીશ મીનાશ્રુ
શિક્ષણમાં આવતાં પરિવર્તનનોની સંખ્યા ખૂબ વધારે હોય છે. એક જમાનામાં રેતી ઉપર લખતો વિદ્યાર્થી સ્લેટ-પેનથી શિક્ષણ પામતો થઈ ગયો. તો નોટ-પેન્સિલ અને શાહીની પેનમાંથી કયારે બૉલપેનનો જમાનો આવી ગયો તે સમજાયું નહીં. બ્લેક બોર્ડમાંથી સ્માર્ટ બોર્ડ આવી ગયા. બે પરિમાણદર્શી શિક્ષણમાંથી ત્રિપરિમાણ અને બહુપરિમાણી શિક્ષણ તરફ આપણે જેટ સ્પીડથી પહોંચી ગયા. ભૂગોળના તાસ દરમિયાન નકશા લઈ જવાને બદલે પ્રોજેક્ટર મારફત નકશો બતાવી શિક્ષણ આપતી શિક્ષકોની નવી પેઢી પૂર ઝડપે વર્ગખંડોમાં પ્રવેશી રહી છે. વર્ગખંડો વિદ્યાર્થીઓથી ખીચોખીચ ભરાઈ જવા લાગ્યા. વિશ્વમાં બહુ મોટા પ્રમાણમાં વસ્તી વધારો થયો. કેટલાક વાલીઓને મોટી સંખ્યાવાળા વર્ગો સ્વીકાર્ય નથી. આ સંજોગોમાં કંઈક અન્ય વ્યવસ્થાનો વિચાર આવતાં કદાચ ‘ઘરશાળા’, ‘ઘરશિક્ષણ’, ‘ઘર અઘ્યયન’ કે ‘ઘર અઘ્યાપન’નો વિચાર ઉદ્ભવ્યો હોય.
જ્હોન હોલ્ટ (John Holt) ડોરોથી (Dorothy) અને રેમન્ડ મૂરે (Raymond Mure) અમેરિકાના ત્રણ લોકપ્રિય લેખકો છે. તેઓએ લગભગ ૧૯૭૦માં ઘરશાળા વિશે પુસ્તકો લખવાનું શરૂ કર્યું. તેઓને ઘરશાળાનું પગલું પ્રગતિશીલ લાગ્યું. વિવિધ સંશોધનો પણ થયા. અમેરિકામાં અત્યારે લગભગ બે મિલિયન બાળકો ઘરશાળા (Home schooling)માં અભ્યાસ કરે છે. તે દ૨ વર્ષે લગભગ સાતથી પંદર ટકાના દરથી વૃદ્ધિ પામે છે. અમેરિકાનાં તમામ રાજયોમાં ઘરશાળાને કાયદેસરતા પ્રાપ્ત થઈ ગઈ છે. ‘તમારાને તમે શીખવો’ (Teach your own) પુસ્તકના લેખક હોલ્ટ છે. વાલીઓ આ પુસ્તક વાંચીને આનંદિત અને પ્રોત્સાહિત થઈ ગયા છે. શાળાના પ્રત્યક્ષ શિક્ષણમાંથી બાળકને ઘરે ભણાવવાની રીતના પાયામાં વાલીઓ એટલે કે મમ્મી-પપ્પાની શિક્ષણની જાણકારી, તીવ્ર ઈચ્છાશક્તિ, શોખ, સમય આપવાની તેયારી અને દૃઢ મનોબળ પાયાની આવશ્યકતા છે.
આપવા કરતાં અહીં લેવું વધારે હોય છે,
કોણ જાણે આ અપેક્ષા, શી રીતે પોષાય છે?અશોક જાની (આનંદ)
ભારતમાં આ વિભાવના નૂતન છે. શાળાઓ ભારતના સામાજિક જીવનમાં એક આગવું સ્થાન ધરાવે છે. વર્ગખંડો, શિક્ષકો, શાળાના પુસ્તકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ એકબીજા સાથે સંલગ્ન છે. શિક્ષકે વર્ગખંડમાં પુસ્તકની મદદથી જ ભણાવવાની સમજ જડબેસલાક રીતે મનમાં બેસી ગઈ છે. બાળકના જન્મ સમયથી વાલીઓ સારી શાળાની શોધખોળમાં લાગી જાય છે. નામાંકિત શાળાઓનું જાહેર જીવનમાં એક આગવું સ્થાન છે. બાળકને કઈ ઉંમરથી શાળાએ દાખલ કરવો તેની ચર્ચા બાળક બે વર્ષનું થાય તે અગાઉ શરૂ થઈ જાય છે. અલબત, ગુરુકુળના સમયમાં આપણા દેશમાં ઘરશાળાનો ખ્યાલ હતો. તેનું અમલીકરણ પણ થતું. વિદ્યાર્થી ગુરૂને ત્યાં જઈ અને ત્યાં રહીને અભ્યાસ કરતો. અહીંયાં ગુરૂનં ઘર પોતાનું ઘર જ બની જતું. ઘરના સંચાલનની મોટાભાગની જવાબદારીઓમાં વિદ્યાર્થીઓ પ્રેમથી જોડાઈ જતા. જીવનોપયોગી તમામ વિદ્યા પ્રાપ્ત થતી. ગુરૂ તેમના પપ્પા-મમ્મીનું સ્થાન લઈ લેતા.
શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો વધારો થતાં શિક્ષક માટે વ્યક્તિગત ઘ્યાન આપવાનું કઠિન બન્યું. શાળામાં આવતાં વિવિધ બુદ્ધિમતા અને શક્તિઓવાળા તમામ વિદ્યાર્થીઓને એક સ્તરેથી શીખવવામાં આવે તો તે યોગ્ય ન કહેવાય. વિદ્યાર્થીના ઘરનું વાતાવરણ અને આર્થિક સ્તર પણ અલગ અલગ હોય તે સ્વાભાવિક છે. શાળામાં ઉદ્ભવતી સમસ્યાના પાયામાં રહેલા આ તફાવતો તરફ ઘ્યાન આપવાનું મુશ્કેલ બન્યું. શાળા સંચાલકો અને આચાર્યશ્રી – શિક્ષકો માટે વિદ્યાર્થીઓ વચ્ચે એકરૂપતા કે સમાનતા લાવવાનું ખૂબ જ મુશ્કેલ છે. તેથી વાલીઓને સંતોષ આપવાનું કઠિન બનતાં વાલીઓ શિક્ષણની અન્ય પદ્ધતિ અંગે વિચારે તે સ્વાભાવિક છે. ભારતમાં કદાચ આ કારણે ઘરશાળાનો વિચાર ઉદ્ભવ્યો હોય તેવું બને. હાલમાં થોડાક શિક્ષણપ્રેમી મિત્રોએ પોતાના સંતાનો માટે આ પ્રયોગ શરૂ કર્યો છે. તેમના અનુભવો જાણવા રસપ્રદ બને.
હું ખૂબ જ ખિન્ન હતો
કારણ કે મારી પાસે પગરખાં ન હતાં.
મારી ખિન્નતા ખોવાઈ ગઈ એને જોયા બાદ,
એને તો પગ જ નહોતા.હેરોલ્ડ એલેટ

ઘરશાળામાં વિશ્વાસ ધરાવતા મિત્રો નીચે જણાવેલ મુદ્દાઓ રજૂ કરે છે :
- વ્યક્તિગત અધ્યાપન જ શિક્ષણની ઉત્તમ પદ્ધતિ છે.
- વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ અનુભવોનું શિક્ષણ ઘરશાળામાં વધારે સારી રીતે પ્રાપ્ત કરી શકે.
- ઘરે રહી અપાતી કેળવણીમાં અગાઉ એક મર્યાદા એ હતી કે બાળકોમાં સામાજિકતાનો આલેખ પૂર્ણ વિકસે નહીં. પરંતુ હવે ફેસબુક, વોટ્સએપ અને ઈ-મેઈલના સમયમાં તો એ કુશળતા પણ પ્રાપ્ત કરી શકાય છે.
- જે ઉંમરે જે શીખવું હોય તે શક્ય બને છે. બારમા ધોરણ સધી નાણાંકીય વહીવટ શીખવા માટે રાહ જોવાની જરૂર રહેતી નથી. ઈચ્છા થાય તો સાતમા ધોરણમાં મનોવિજ્ઞાન શીખવી શકાય જે પ્રચલિત શિક્ષણ વ્યવસ્થામાં શક્ય નથી.
- વિદ્યાર્થીઓ તેમની મુશ્કેલીઓ સહેલાઈથી, સરળતાથી અને ખુલ્લા મનથી રજૂ કરી શકતા હોવાથી તેમનો વિકાસ ઝડપી બને છે.
શાળેય શિક્ષણમાં શ્રદ્ધા રાખતા કેળવણીકારો તેની તરફેણમાં નીચેના મુદ્દાઓ રજૂ કરે છે :
- વિદ્યાર્થીઓ સમૂહમાં અભ્યાસ કરતા હોવાથી અરસપરસ શિક્ષણ સહેલાઈથી અને સારી રીતે લઈ શકે છે. એક વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થી પાસેથી શીખતાં ગુરુતા કે લઘુતાગ્રંથિની તકલીફ રહેતી નથી.
- પ્રત્યેક વિષય શીખવનાર શિક્ષક જે તે વિષયના તજજ્ઞ હોવાથી તેમના જ્ઞાનનો ઉત્તમ લાભ પ્રાપ્ત થાય છે.
- શિક્ષણ આપનાર એક કરતાં વધારે વ્યક્તિઓ હોવાથી એકની મર્યાદા બીજાના શિક્ષણથી દૂર થઈ જાય છે. ઘરશાળામાં આ શકય નથી.
- શાળા જીવનના વિવિધ તબક્કે જુદા જુદા સ્વભાવવાળા, સિદ્ધિઓ, ખૂબીઓ અને ખાસિયતોવાળા મિત્રો મળતા હોવાથી મિત્રવર્તુળ વિશાળ અને સમૃદ્ધ બને છે.
- શાળામાં યોજાતી વિવિધ સહઅભ્યાસ પ્રવૃત્તિઓ ભવિષ્યમાં અનેક શોખ વિકસાવવા માટેનો પ્રારંભ કરાવે છે. ઘરમાં શાળા અને શાળાએ જઈને અપાતું / લેવાતું શિક્ષણ ફાયદાકારક છે તો સાથે સાથે મર્યાદાસભર પણ છે. શકય હોય તો બંને એકબીજાને પૂરક બને તેવી વ્યવસ્થા ગોઠવાય તો શિક્ષણનાં ઉત્તમ તત્વોનો સુમેળ સાધી શકાય. વિદ્યાર્થી અને સમાજ માટે તે પદ્ધતિ ઉપકારક બની શકે.

આચમન:
આરસ પર કોતરાયેલું શિલ્પ સમય જતાં નાશ પામે છે,
પિત્તળ પરની કોતરણી સમય જતાં ઘસારો પામે છે,
મંદીરનાં ઘુમ્મટો કાળક્રમે ધૂળમાં મળી જાય છે,
કિન્તુ આત્મા જે અમર છે, તેના પર સદ્ગુણોની કોતરણી
અનંતકાળ સુધી પ્રકાશિત રહે છે.અજ્ઞાત
(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )
(પ્રતીકાત્મક તસવીર નેટ પરથી)
-
બાળ ગગન વિહાર – મણકો (૨૨) – વાત અમારી દાદીમા (સાહીરા)ની
શૈલા મુન્શા
“માનવી ભાળી અમથું અમથું
આપણું ફોરે વ્હાલ;
નોટને સિક્કા નાખ નદીમાં,
ધૂળિયે મારગ ચાલ!”– મકરંદ દવે
મકરંદભાઈ જેવા આધ્યાત્મિક અને અલગારી કવિની આ પંક્તિ અમારા આ અનોખા બાળકો માટે જ જાણે સર્જાઈ હોય એવું લાગે છે.
દાદીમા શબ્દ વાંચી ને ચમકી ગયાને!!!
તમે વિચારતા હશો કે અરે! બાળકોની વાત કરતાં કરતાં આ દાદીમા ક્યાંથી આવી ગયા? ભાઈસા’બ જરા તમારા વિચારોની લગામને કાબુમાં રાખો. આ કોઈ મારા કે તમારા દાદીમાની વાત નથી, પણ અમારી સાહીરા જેનો રૂઆબ કોઈ દાદીમાથી ઓછો ઉતરતો નથી, આજે એની વાત કરવી છે.
સાહીરા પાંચ વર્ષની થઈ અને અમારા ક્લાસમાં આવી. બાંગલાદેશ એમનુ વતન. માતા પિતા થોડા વર્ષોથી અમેરિકા આવી વસ્યા હતા. એમને બે દીકરી એમાં મોટી તાહીરા એમની સાથે આવી હતી અને નાની દીકરી સાહીરા બાંગલાદેશ દાદા દાદી પાસે હતી. તાહીરા ખૂબ તેજસ્વી, બે વર્ષથી અમારી સ્કૂલમાં આવતી હતી. હું રોજ એને બસમાંથી ઉતરતા જોઉં. વિનય સભર, હસમુખો ચહેરો અને રોજ હસીને ગુડ મોર્નીગ કહે. એટલી અમારી ઓળખાણ. તાહીરા ચોથા ધોરણમાં અને ક્લાસમાં એની ગણત્રી હોશિયાર વિદ્યાર્થીઓમાં થાય.
બીજા વર્ષે એની બહેન સાહીરા આવી. આટલા વર્ષો સાહીરા બાંગ્લાદેશ એના દાદા, દાદી પાસે હતી, એટલે લગભગ પાંચ વર્ષની થઈ ત્યારે સ્કૂલમાં આવી. દાદા દાદીના લાડ પ્યાર અને ઘરમાં પણ સહુથી નાની એટલે બધું એનુ ધાર્યું જ થાય. સાહીરાને પહેલે દિવસે ઓફીસ રજીસ્ટાર અમારા ક્લાસમાં લઈ આવી. સાહીરા બહુ બોલતી નહિ પણ થોડી ગોળમટોળ અને ચહેરા પરથી જ લાગે એનુ ધાર્યું કરવાવળી છે. Autistic child એટલે અમારા દિવ્યાંગ બાળકોના ક્લાસમાં દાખલ કરી.
બાંગ્લાદેશમાં એ કોઈ સ્કૂલમાં ગઈ નહોતી અને અમેરિકામાં બાળક જન્મતાની સાથે જ જેટલા ટેસ્ટ, શારીરિક તપાસ થાય એટલી બાંગ્લાદેશમાં થાય નહિ એટલે સાહીરાની બીજી કોઈ વિશેષ માહિતી નહોતી. દેખાવમાં સામાન્ય બાળકી જેવી લાગતી સાહીરા દાદા દાદીના લાડમાં મોટી થઈ હતી અને વાચા પૂરી ખુલી નહોતી એટલો જ ઘરમાં સહુને ખ્યાલ હતો. સામાન્ય રીતે જે પણ બાળક અમારા ક્લાસમાં આવે ત્યારે એમની માનસિક પરીસ્થિતિનો ચિતાર પેપરમાં હોય અને એ પ્રમાણે એમને સ્પીચ કે ફીજીકલ ટ્રેઈનીંગની સગવડ મળે.
અમેરિકાની સ્કૂલમાં આ બધા નિયમો જરા સખ્તાઈથી પાળવામાં આવે છે, એટલે સાહીરાના દાખલ થવાની સાથે જ સ્કૂલની નર્સ, સાયકોલોજીસ્ટ, અમારા અભિપ્રાયની નોંધ કરી બધી માહિતી સાથે ડોક્ટરોના બધા ટેસ્ટ સાથે સાહીરાની ફાઈલ તૈયાર કરવામાં આવી.
પહેલે દિવસે સાહીરાને લેવા બપોરે એની બેન તાહીરા આવી, એને જોતા જ ઓળખી ગઈ કારણ દરરોજ એને બસમાંથી ઉતરતા હું જોતી અને એ પણ મને ઓળખતી. મને જોઈ એને જરા નિંરાત થઈ. સાહીરા રડી કે નહિ વગેરે મને પુછવા માંડી. મે કહ્યું તુ ચિંતા ના કર એ તો બધા સાથે ભળી ગઈ છે અને અમને પણ એક જ દિવસમાં બીજાનો ખ્યાલ રાખવાનુ એને ગમે છે એ દેખાઈ આવ્યું છે.
સાહીરાના રુઆબનો પણ અમને જલ્દી જ પરચો મળી ગયો. સાહીરાને ક્લાસમાં બધું બરાબર એની જગ્યા એ જોઈએ. બોલે ઓછું પણ જાણે બધા પર હુકમ ચલાવતી હોય એવા એના હાવભાવ. ક્લાસના બધા બાળકોમાં અમારા નાનકડા ગ્રેગરીની જાણે મોટી બહેન હોય એમ એની આગળ પાછળ જ ફરે. અમે ગ્રેગરીને કાંઈ કહીએ તે પહેલા એ દોડીને ગ્રેગરી પાસે પહોંચી જાય.
રમત ના મેદાનમાં પણ પોતે રમવાને બદલે ગ્રેગરીને રમાડવામાં જાણે એને વધારે મજા આવે. ગ્રેગરી પણ એવો જ રમતિયાળ અમેરિકન બાળક. ગોરો ગોરો ને સુંવાળા ગાલ. સાહીરા એની બધી વસ્તુનુ ધ્યાન રાખે, જાણે ચોવીસે કલાક એની નજર ગ્રેગરી પર જ હોય. એ જો રમકડું ફેંકી દે તો દોડીને લઈ આવવાનુ જમતી વખતે એનુ ધ્યાન પોતાના જમવા કરતાં હું ગ્રેગરીને બરાબર જમાડું છું કે નહિ, એના પર જ એની નજર હોય!
એક દિવસ ખરી મજા આવી.
કાફેટેરિઆમાંથી બાળકોને જમાડી અમે ક્લાસમાં પાછા આવતા હતા. હું ગ્રેગરીનો હાથ પકડી સહુથી આગળ ચાલતી હતી વચ્ચે બધા બાળકો ને લાઈનમાં ચલાવવાનો અમે પ્રયાસ કરતા હતા એટલે સમન્થા સહુથી છેલ્લે હતી. ગ્રેગરીનુ પેટ ભરાયેલુ હતું એટલે એ ભાઈ પણ ગેલમાં હતા. કુદકા મારી મારી ને ચાલતા ગ્રેગરીનો હાથ મેં ગમ્મત માટે છોડ્યો અને એને જરા દોડવા દીધો. દડબડ દોડતા ગ્રેગરીનો પગ જરા લથડ્યો અને હું હાથ ઝાલવા જાઉં એ પહેલા તો સાહીરાએ પાછળથી દોડતા આવી ને ગ્રેગરી ને પકડી લીધો અને મારી સામે એવી રીતે ગુસ્સા ભરી નજરે જોવા માંડી જાણે હમણા ને હમણા મને વઢી નાખશે.
ઘરના દાદીમાનો ગુસ્સો જાણે નવી આવેલી વહુથી કાંઇ ભુલ થઈ જાય ને સાતમા આસમાને જાય એમ અમારી ત્રણ ફૂટની સાહીરાનો ચહેરો જોવા જેવો હતો.
સમન્થા અને મારૂં હસવું રોકાતું નહોતુ. અમે બન્ને સાથે બોલી ઉઠ્યા, ” આ તો આપણી પણ દાદીમા છે.”
આ દિવ્યાંગ બાળકો સાથે કામ કરતાં એક વાત ખાસ મારા ધ્યાનમાં આવી છે કે આ બાળકો કોઈપણ સામાન્યા બાળક કરતાં સહેજ પણ ઉતરતા નથી એમની સમજણ શક્તિએ અમને અવારનવાર ચકિત કરી દીધાં છે અને યોગ્ય માર્ગદર્શન, કેળવણી એમના જીવનને જરુર ઉન્નતિના માર્ગે લઈ જશે એમાં કોઈ શંકાને સ્થાન નથી.
આ દિવ્યાંગ બાળકોની પ્રગતિમાં, એમના ચહેરા પર આનંદ લાવવામાં હું મારી જાતને ધન્ય માનુ છું, એ ખુશી મને જીવવાનુ નવું બળ આપે છે. મકરંદભાઈની પંક્તિઓ સાર્થક લાગે છે,
“નોટને સિક્કા નાખ નદીમાં,
ધૂળિયે મારગ ચાલ!”– મકરંદ દવે
સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::
ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com -
જાડો, પાતળો, લાંબો, ટૂંકો જેવા શબ્દો અસંસ્કારી ગણાય?
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
સાહિત્ય શાશ્વત છે કે કેમ એ ચોક્કસપણે કહી શકાય નહીં, તેમ એ પોતાના સમયનું પ્રતિબિંબ છે કે કેમ એ પણ કહી શકાય એમ નથી. બિલકુલ એ જ રીતે કઈ કૃતિ કે લેખક કયા કારણથી સફળ થશે કે કેમ એ બાબત પણ અનિશ્ચિત હોય છે. પોતાના સમયમાં અતિશય લોકપ્રિય બની રહેલી કૃતિનું મૂલ્યાંકન સમયાંતરે થતું રહે છે, પણ પ્રત્યેક સમયમાં તે ભાવકોને આકર્ષી ન શકે એમ બને. આનું કારણ એ કે પ્રત્યેક કૃતિ સાથે વાચકોની જે તે પેઢીનું ચોક્કસ અનુસંધાન હોય છે.
વીસમી સદીમાં થઈ ગયેલા બાળકથાઓના ખ્યાતનામ લેખક રોઆલ્ડ ડાહલ પોતાની ‘મટીલ્ડા’, ‘ચાર્લી એન્ડ ધ ચોકલેટ ફેક્ટરી’, ‘જેમ્સ એન્ડ ધ જાયન્ટ પીચ’, ‘ફેન્ટાસ્ટિક મિ.ફોક્સ’, ‘બીલી એન્ડ ધ મીનપીન્સ’, ‘ધ વીચીઝ’ સહિત અનેક કૃતિઓથી જાણીતા હતા. વાર્તામાં આવતાં વિવિધ પાત્રોનાં વર્ણન વિશિષ્ટ રહેતાં. ૧૯૯૦માં થયેલા તેમના અવસાન પછી પણ તેમનાં પુસ્તકો હજી બહોળા પ્રમાણમાં વંચાઈ રહ્યાં છે. હવે તેમના પુસ્તકોના પ્રકાશક ‘પફીન બુક્સ’ દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એ મુજબ ડાહલનાં પુસ્તકોમાં ‘કેટલાક નાના અને કાળજીપૂર્વકના’ ફેરફાર કરવામાં આવ્યા છે. વંશીય ટીપ્પણી, વર્ગભેદ કે લિંગભેદનો યા અન્ય કોઈ પણ માટે અપમાનજનક હોવાનો અણસાર આપતા હોય એવા શબ્દો કે વાક્યોને બદલવામાં આવ્યાં છે. ભલે અંગ્રેજીમાં હોય, પણ આ ફેરફારના બે-ત્રણ નમૂના જાણવા જેવા છે. ‘ચાર્લી એન્ડ ધ ચોકલેટ ફેક્ટરી’ના એક પાત્ર ઑગસ્ટસ ગ્લૂપને વાર્તામાં ‘ફૅટ’ એટલે કે ‘જાડીયો’ વર્ણવાયો છે. આ શબ્દને બદલીને ‘ઈનોર્મસ’ લખવામાં આવશે, જેનો અર્થ ‘પ્રચંડ’ થાય છે. ‘ધ ટ્વીટ્સ’માં શ્રીમતી ટ્વીટના પાત્રને ‘અગ્લી એન્ડ બીસ્ટલી’ તરીકે વર્ણવાયું છે, જેનો અર્થ થાય છે ‘કદરૂપી અને ઘૃણાસ્પદ’. ફેરફાર પછી આ પાત્ર માટેનો ‘અગ્લી’ એટલે કે ‘કદરૂપી’ શબ્દ કાઢી નખાયો છે અને કેવળ ’બીસ્ટલી’ એટલે કે ‘ઘૃણાસ્પદ’ શબ્દ જ રખાયો છે. ‘ધ વીચીઝ’માંના એક વર્ણનમાં લખાયું છે ‘ડાકણ પોતાની વીગની નીચે કેશવિહીન હોય છે.’ તેને બદલીને લખાયું છે, ‘મહિલાઓ વીગ પહેરે તેનાં અનેક કારણ હોય છે અને એમાં કશું ખોટું નથી.’ અમુક સ્થાને આખા ને આખા ફકરાને બદલવામાં આવ્યો છે.
આ આખી કવાયત પાછળનો હેતુ ઉમદા છે કે બાળકોમાં તમામ પ્રકારની વ્યક્તિ માટે સ્વિકૃતિ જાગે અને કશો પૂર્વગ્રહ પેદા ન થાય. ઉમદા હેતુ હોવા છતાં સરવાળે આખી કવાયત હાસ્યાસ્પદ જણાય છે. સાહિત્યકૃતિઓમાં આવતું વર્ણન તેનો પ્રાણ અને લેખકની ઓળખ હોય છે. લેખક પોતાના ચોક્કસ વિચારને આધારે કૃતિની રચના કરતો હોય છે. શબ્દોની પસંદગી પાછળ તેનો યોગ્ય તર્ક અને સમજણ હોય છે. ખાસ કરીને વાર્તાઓમાં, અને એમાંય બાળવાર્તાઓમાં વિવિધ પાત્રની પ્રકૃતિની રંગછટાઓ કૃતિને અનોખું પરિમાણ બક્ષે છે. તેનું આ રીતે ‘શુદ્ધિકરણ’ કરવાથી ખરેખર અર્થ સરે ખરો?
બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક, બુકર પારિતોષિક વિજેતા સાહિત્યકાર સલમાન રશદી સહિત ડાહલની કૃતિઓના અનેક ચાહકોએ પ્રકાશકની આ ચેષ્ટા સામે નારાજગી દર્શાવી છે. આ વિવાદને પગલે પ્રકાશકે ‘સુધારેલી’ આવૃત્તિની સાથોસાથ અસલ આવૃત્તિ પણ પ્રકાશિત કરવાનો નિર્ણય કર્યો છે.
સાહિત્યકૃતિઓમાં એક યા બીજા કારણોસર કરવામાં આવતી છેડછાડ આજકાલની નથી. એ પણ એક જૂની અને પ્રસ્થાપિત પરંપરા છે. ઓગણીસમી સદીના આરંભિક કાળે એક ફીઝીશિયન થોમસ બોદલેર દ્વારા શેક્સપિયરનાં નાટકોનું ‘ધ ફેમીલી શેક્સપિયર’ના નામે પુનર્લેખન કરવામાં આવ્યું હતું. પોતાના પરિવારજનો માણી શકે એ હેતુથી કરાયેલા આ પુનર્લેખનમાં બોદલેરને જે બાબત ‘યોગ્ય’ ન જણાઈ એ તેમણે કાઢી નાંખી. આ કૃત્યને પગલે કૃતિમાંથી ‘અયોગ્ય’ કે ‘અપમાનજનક’ બાબતને દૂર કરવાની ચેષ્ટાને ‘બોદલેરીઝમ’ નામ મળ્યું. ચાર્લ્સ ડિકન્સની અનેક કૃતિઓમાં ચિત્રો દોરનાર જ્યોર્જ ક્રકશેન્ક ડિકન્સના મિત્ર હતા. પણ અનેક પરીકથાઓનું તેમણે પુનર્કથન કરેલું, જેમાં મુખ્યત્વે મદ્યનિષેધનો સંદેશ હતો. તેમની આ ચેષ્ટા બદલ ડિકન્સ બરાબર અકળાયેલા અને તેમણે ‘ફ્રોડ્સ ઑન ધ ફેરી’ (પરીકથાઓનો પ્રપંચ) શિર્ષકથી નિબંધ લખેલો.
આપણી ભાષામાં પણ ગિજુભાઈની બાળવાર્તાઓમાં જાતિવિષયક ઉલ્લેખો પ્રચૂર માત્રામાં છે, જે એ સમયનું પ્રતિબિંબ છે. આ સંદર્ભોનું કેવળ પુનર્મૂલ્યાંકન કરતાં પણ વિવાદ થયો હતો અને આ ચેષ્ટા સામે જ ઘણાને વાંધો પડ્યો હતો. હરિપ્રસાદ વ્યાસના અમર પાત્ર બકોર પટેલની વાર્તાઓમાં જાણીતા હાસ્યવિદ્ રતિલાલ બોરીસાગરે નવી પેઢીને સમજાય એ રીતે અમુક સંદર્ભ સાંપ્રત સમય અનુસાર બદલ્યા છે.
સામાન્યત: જોઈ શકાય છે એમ ફેરફાર કરનારનો હેતુ મોટે ભાગે ‘ઉમદા’ હોય છે. કૃતિનું માધ્યમાંતર થાય ત્યારે જે તે માધ્યમની વિશેષતાને અનુરૂપ તેમાં કરાતા ફેરફાર અલગ બાબત છે, પણ એના એ જ સ્વરૂપમાં સમયાંતરે ફેરફાર કરવા વાજબી ગણાય કે કેમ એ કાયમ ચર્ચાનો વિષય રહેવાનો. બાળસાહિત્યકારોની કૃતિઓ સાથે તેના વાચકો તાદાત્મ્ય સાધી ન શકે તો લોકપ્રિયતામાં એ ટકી ન શકે.
બાળકો કેવળ વાંચનમાંથી જ નહીં, પોતાની આસપાસના વાતાવરણમાંથી ઘણું બધું ગ્રહણ કરતાં રહેતાં હોય છે. તેમને ‘સંસ્કારી’ બનાવવાની ‘સાત્વિક લ્હાય’માં તેમની નૈસર્ગિકતાનો ભોગ ન લેવાઈ જાય એનું ધ્યાન રાખવું જરૂરી છે. બાળકો માટેની કૃતિઓમાં નિર્ભેળ મનોરંજનની સાથોસાથ સંસ્કારઘડતર માટેનો સંદેશ વણી લેવાની અને પોતાની જાતને ‘ઉપદેશક’ની ભૂમિકામાં મૂકવાની લાલચ ખાળવી અઘરી હોય છે. કોઈ લોકપ્રિય કૃતિમાં આ હેતુસર કરાયેલા ફેરફાર સરવાળે એ કૃતિના સત્વને હણી નાખે છે, ઉપરાંત એ હાસ્યાસ્પદ પણ સાબિત થાય છે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૬ – ૦૩ – ૨૦૨૩ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
