-
આપણા ભાગે આવતી માત્ર એક જ જિંદગી
મંજૂષા
વીનેશ અંતાણી
જિંદગીની નવી રીતે અને નવી જગ્યાએ શરૂઆત કરવી એક વાત છે,
મૂળિયાં ઉખેડીને પલાયન કરી જવું જુદી વાત છેકાલ્પનિક આધેડ મહિલાની નોાંધ: ‘આખો દિવસ વરંડામાં બેસીને રસ્તા પર પસાર થતા લોકોને જોયા કરું છું. દિવસ જેમતેમ પસાર થઈ જાય. સાંજે બીજાં ઘરના લોકો પાછાં આવતાં દેખાય અને હું એની વાટ જોવા લાગું. મને થાય કે એ પણ બેન્કમાંથી પાછો આવશે. સ્કૂટરનો અવાજ સાંભળતાં હું આંગણાનું ફાટક ખોલવા દોડતી જઈશ. એ થાકેલો આવશે. હું એના માટે ચા બનાવીશ. એ પૂછશે: ‘આખો દિવસ શું કર્યું?’ હું કહીશ… શું કહીશ એને? એ તો કેટલાંય વર્ષોથી પાછો આવ્યો જ નથી. હું એને જોતી રહીશ અને એ એક દિવસ મને જણાવ્યા વિના ચાલ્યો ગયો હતો તેમ જ ફરી મારી સામેથી ગૂમ થઈ જશે.’
મેં નાનપણમાં એક સ્ત્રીને એના કિશોર વયના દીકરા સાથે એકલી રહેતી જોઈ હતી. વર્ષો પહેલાં એનો પતિ કોઈને જણાવ્યા વિના અચાનક ઘરમાંથી ચાલ્યો ગયો હતો. સ્ત્રીએ અને સગાંવહાલાંઓએ બહુ તપાસ કરી, પરંતુ એની ભાળ મળી નહીં. એ લોકો ગામનાં કૂવા-તળાવમાં પણ શોધ કરી આવ્યાં હતાં. ન એ આવ્યો, ન તો એનો મૃતદેહ મળ્યો. એ મહિલાએ પારકાં ઘરનાં કામ કરીને દીકરાને મોટો કર્યો. એના મોઢા પર કાળી ગમગીન છાયા છવાયેલી રહેતી. એ સ્મિત કરવાનું ભૂલી ગઈ હતી. એ એવી જિંદગી જીવી, જેના માટે એ કોઈ પણ રીતે જવાબદાર નહોતી. જવાબદાર હતો તે પુરુષ હંમેશને માટે ગાયબ થઈ ગયો હતો. ક્યાં ગયો, શા માટે ગયો, જીવે છે કે નહીં તેવી કોઈ પણ બાબતની ખબર જ પડી નહીં. એ સ્ત્રી ન તો સધવાનું જીવન જીવી શકી, ન તો વિધવાનું.
આવા ઘણા કિસ્સા બને છે. કેટલાક લોકો દેખીતા કારણ વિના ઘર છોડીને ચાલ્યા જાય છે. કારણ હોય તો પણ એનો રસ્તો કાઢવાની એમની તૈયારી હોતી નથી. પાછળ આખો પરિવાર જીવન ઘસડતો રહે છે. એ કયો મૂંઝારો હોય છે, જે એમને ઘર છોડીને જવા માટે મજબૂર કરે છે? બધા કિસ્સામાં માત્ર મૂંઝારો જ નથી હોતો, બીજાં ઘણાં કારણો હોય છે, પરંતુ એમના પરિવારની યાતના એક જ પ્રકારની હોય છે.
૧૯૮૯માં બનેલી મૃણાલ સેનની આર્ટ ફિલ્મ ‘એક દિન અચાનક’ યાદ આવે. એમાં પણ આધેડ પ્રોફેસર એક સાંજે વરસતા વરસાદમાં ઘરમાંથી બહાર જાય છે અને ફરી ક્યારેય પાછો આવતો નથી. આઘાત અને અનેક પ્રશ્ર્નોમાં ઘેરાયેલો પરિવાર જીવનમાં સ્થિર થવાની કોશિશ કરે છે, પરંતુ તેઓ અંદરથી ઊખડી ગયાં છે. એમને એક જ પ્રશ્ર્ન છે કે એ શા માટે ચાલ્યો ગયો. બધાં પોતપોતાની રીતે જવાબ શોધવા મથે છે. કોઈને લાગે છે કે એ જીવનમાં કશુંક બહુ મોટું કામ કરવા માગતો હતો અને કરી શક્યો નહીં, તેથી હતાશામાં ચાલ્યો ગયો. કોઈ વિચારે છે, કદાચ એ પોતાને બીજા લોકોથી ભિન્ન સાબિત કરવા માગતો હતો. પરિવાર સિવાયના લોકો પણ પ્રોફેસરનું અલગ – અલગ રીતે મૂ્લ્યાંકન કરે છે, જેનો કશો જ અર્થ હોતો નથી. એ ઘર છોડીને ચાલ્યો ગયો, પરંતુ એનો પડછાયો ઘર પર મંડરાતો રહે છે. પ્રોફેસર ખોવાઈ જઈને પણ ખાલીપાની ભેટ પરિવારને આપતો જાય છે.
હિન્દીના સુપ્રસિદ્ધ સર્જક નિર્મલ વર્માની વાર્તા છે: ‘કૌએ ઔર કાલા પાની.’ એ વાર્તામાં ઘર છોડીને ચાલ્યો ગયેલો માણસ કેન્દ્રમાં છે. પરિવારનો બીજા નંબરનો દીકરો અચાનક ચાલ્યો જાય છે પછી પિતા અને ભાઈઓએ હૉસ્પિટલોમાં, પોલીસથાણામાં, શબઘરોમાં એની નિષ્ફળ શોધખોળ કરી હતી. દસ વર્ષો પછી એક પહાડી ઇલાકામાંથી એનો પોસ્ટકાર્ડ મળે છે. સૌથી નાનો ભાઈ એને મળવા આવે છે. દસ વર્ષોથી પહાડોની વચ્ચે એકલા રહેતા પુરુષને અજાણ્યા લોકો સંન્યાસી માને છે. નાના ભાઈ સાથેની વાતચીતમાંથી ઘર છોડીને ચાલ્યા ગયેલા માણસના મનની કેટલીક બાબતો વાંચકને સમજાય છે. પરિવારને છોડ્યા પછી પણ એ કશું જ ભૂલી શક્યો નથી. ભાઈ પૂછે છે કે બીજા લોકોને સાવ છોડી દેવા શક્ય હોય છે? એનો જવાબ છે કે એ શક્ય હોતું નથી. ઘર છોડ્યા પછી પણ એ માનસિક રીતે પરિવાર સાથે જોડાયેલો રહ્યો હતો. કદાચ એમાંથી હંમેશને માટે છુટકારો મેળવવા માટે જ એણે દસ વર્ષ પછી પરિવારને પત્ર લખ્યો હતો.
કેટલાક લોકો કોઈ પણ જગ્યાએ હોય, તેઓ હોઈને પણ ન હોવા જેવા હોય છે. જિંદગીની નવી રીતે અને નવી જગ્યાએ શરૂઆત કરવી એક વાત છે, મૂળિયાં ઉખેડીને પલાયન કરી જવું જુદી વાત છે. જરૂરી નથી કે ઘર છોડીને ચાલ્યા જતા લોકો જ ઘરની બહાર વસતા હોય. ઘણા લોકો ઘરમાં પરિવારની વચ્ચે રહેતા હોય, છતાં ગેરહાજર જેવું જ જીવન જીવે છે. એવા લોકો અથવા ઘરમાંથી ચાલ્યા જતા લોકો જાણતા નથી કે આપણા ભાગે આવેલી જિંદગી માત્ર એક જ વાર જીવી શકાય છે.
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
શ્વાસોનો ધબકારો
ડો. નીલેશ રાણા

-
સીમાંત [૨]
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
પટલના ઘરમાંથી અચાનક ચાલી ગયેલી ચુનિયા ક્યાં, કેવા હાલમાં હશે એની ચિંતા પટલ કે હરકુમાર બાબુની જેમ વાચકને પણ હશે જ..
તો ચાલો જઈએ ચુનિયાની દુનિયામાં…
ગતાંક થી આગળ
મધ્યાન ભોજન પછી ડૉક્ટર યતીન સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે એમને સમાચાર મળ્યા કે રસ્તામાંથી પોલીસ કોઈ રોગીને ઉઠાવીને અહીં દાખલ કરી ગઈ છે. યતીન એને જોવા ગયો. યુવતિનો અધિકાંશ ચહેરો ચાદરથી ઢંકાયેલો હતો. બહાર લટકતા હાથની નાડી તપાસી. શરીર ગરમ હતું. તાવની શક્યતા હતી. વધારે પરિક્ષણ માટે યતીને એના ચહેરા પરની ચાદર હટાવીને જોયું તો યતીન દંગ રહી ગયો. એ ચુનિયા હતી.
પટલે યતીનને ચુનિયા વિશે બધી વાત કરી હતી અને યતીન પટલનું ઘર છોડીની નીકળી ગયો હતો પણ એના માનસપટલ પરથી ચુનિયા નીકળી નહોતી. ભોળી હરણી જેવી, મૃગનયની ચુનિયાની સ્મૃતિએ અજાણતા જ એના હ્રદયના ખૂણામાં ક્યાંક સ્થાન લઈ લીધું હતું. આજે એની લાંબી પાંપણોથી ઢંકાયેલી આંખો, કરમાયેલો ચહેર જોઈને યતીનના હ્રદયમાં તોફાન ઊમટ્યું.
જે દૈવયોગે એ મૃત્યુના પાશથી બચી હતી આજે એ ફરી મૃત્યુના દ્વાર તરફ ધકેલાઈ હતી. નાની ઉંમરથી આઘાતો, વેદનાઓ એણે કઈ તાકાતથી સહન કરી હશે? માંડ સ્વસ્થતા અને સ્થિરતા પામ્યા પછી ફરી એક વાર આ સંકટમાં ક્યાંથી ધકેલાઈ હશે? યતીનના મનમાં વિચારોની આંધી ઊઠી.
એ ચુનિયાની બાજુમાં બેસી પડ્યો. થોડી વારે સ્વસ્થ થઈને એણે ચુનિયાને થોડું થોડું કરીને ગરમ દૂધ પીવડાવવાનું શરૂ કર્યું. જરા વાર રહીને ચુનિયાએ એની આંખો ખોલી. સુંદર સ્વપ્ન જોઈ રહી હોય એમ એ યતીનની સામે જોઈ રહી.
“ચુનિયા ..”
યતીને એના કપાળ પર હાથ મૂક્યો અને રહી સહી બેહોશીની અસરમાંથી બહાર આવી હોય એમ યતીનને જોઈને એની આંખો અને ચહેરા પર અષાઢી વાદળોથી ઘેરાયેલા આકાશની જેમ મોહનું આવરણ છવાયું. સ્નેહથી આંખો તરલ બની.
“ચુન્ની, થોડું વધારે દૂધ પી લે.” યતીનનો અવાજ સાંભળીને બેઠા થઈને બાકીનું દૂધ પી લીધું.
હોસ્પિટલનો એક ડૉક્ટર કોઈ એક વ્યક્તિ પર વિશેષ ધ્યાન આપીને ક્યાં સુધી બસી શકે? યતીન પોતાની ફરજ પર જવા ઊભો થયો અને ચુનિયાની આંખોમાં નિરાશા અને ભય છવાયા.
“ડરવાનું કોઈ કારણ નથી ચુન્ની, હું હમણાં પાછો આવીશ.” યતીને એને દિલાસો આપવા પ્રયત્ન કર્યો.
ચુનિયાને પ્લેગની બીમારી નહોતી. એ તો માત્ર સાધારણ તાવ અને કમજોરીની અસર હતી. એને આ પ્લેગના દર્દીઓની સાથે રાખવાથી એ પણ સંક્રમિત થશે એવી આશંકાથી યતીને એને પોતાના નિવાસે ખસેડી. ચુનિયા મળી છે એવો પત્ર લખીને પટલને મોકલી દીધો.
સંધ્યાના રંગો રાતના અંધકારમાં ભળી રહ્યાં હતાં. યતીનના ઘરનો લેમ્પ આછી રોશની રેલાવી રહ્યો હતો. સૂરીલો રાગ છેડતી હોય એમ ટેબલ પર મૂકેલી ઘડીયાળની ટિક ટિક કરતી હતી.
કશું બોલ્યા વગર સૂતેલી ચુનિયાના કપાળ પર યતીન કોમળતાથી હાથ ફેરવતો બેઠો હતો. ચુનિયાના ચહેરા પર અજબ સંતોષ છલકતો હતો.
“ચુન્ની, તારા ગળામાં આ શું છે?” યતીનના સવાલના જવાબમાં ચુન્નીએ ઝડપથી એની સાડીનો છેડો વધુ ચૂસ્તીથી ખેંચવા વ્યર્થ મથામણ કરી તેમ છતાં એના ગળામાં સૂકાયેલા બોરસલીના ફૂલોનો હાર તો દેખાઈ રહ્યો હતો.
અરે, આ મૃગબાળ જેવી ભોળી ચુન્નીના હ્રદયમાં યૌવન સહજ આકર્ષણે ક્યારે આકાર લીધો હશે? વિચારે ચઢેલો યતીન નિંદ્રાવસ્થામાં ક્યારે સરી ગયો એની ખબર ના રહી પણ વહેલી સવારે ઘરના બારણા પરના ખખડાટથી એની આંખો ખૂલી.
પટલ અને હરકુમાર બાબુ હતાં. યતીનને થોડી નિશ્ચિંતતા અનુભવી. પટલની અનુભવી આંખોએ ચુનિયાની સ્થિતિ માપી લીધી. ચુનિયાના બચવાની આશા નહીવત હતી.
“યતીન, સાચું કહેજે તું ચુનિયાને પ્રેમ કરે છે ને?” પટલે એની પ્રકૃતિ પ્રમાણે સીધો જ સવાલ કર્યો.
યતીને જવાબ આપવાનું ટાળ્યું. ચુનિયાનો હાથ સહેલાવતો બેસી રહ્યો. પટલે હળવેથી ચુનિયાને સંબોધી.
“ચુન્ની…ચુન્ની..ઓ ચુન્ની.”
ચુનિયાએ આંખો પરથી પાંપણનું આવરણ ઉઠાવતા યતીન સામે જોયું. એના ચહેરા પર સ્મિતની મધુર લહેરખી છવાઈ.
“ચુન્ની, તારો આ હાર મને પહેરાવીશ?” જવાબમાં ચુન્ની વિસ્ફારિત નજરે એને જોઈ રહી. યતીને ફરી એ પ્રશ્ન દોહરાવ્યો.
“એનાથી શું થશે?” થોડા અનાદર અને અભિમાનથી ચુન્ની બોલી.
“હું તને પ્રેમ કરું છું ચુન્ની.”
યતીનનો જવાબ સાંભળીને ચુનિયા સ્તબધ બની ગઈ. યતીન પલંગ પરથી ઊભો થઈને ચુન્નીના હાથ પહોંચે એવી રીતે જમીન પર ઘૂંટણે બેસી ગયો. ચુન્નીએ ગળામાંથી હાર ઉતારીને યતીનના ગળામાં પહેરાવી દીધો.
“ચુનિયા, હજુ મારાથી નારાજ છું?” હવે પટલે પાસે આવીને ચુનિયાને બોલાવી.
“હું ક્યારે તમારાથી નારાજ હતી દીદી?”
કાચની બોટલમાંથી સરી જતી રેતની જેમ સમય સરતો હતો. પટલે યતીનની થોડી વાર બહાર જવા વિનંતી કરી. યતીન એક ક્ષણ વેડફ્યા વગર બહાર નીકળી ગયો. પટલે પોતાની સાથે લાવેલા વસ્ત્ર અને અભૂષણ અત્યંત સાવધાનીપૂર્વક ચુનિયાને પહેરાવા માંડ્યા. એના કમજોર હાથોમાં કંગન પહેરાવીને યતીનને બોલવ્યો. ચુનિયાની બાજુમાં યતીનને બેસાડીને એના હાથમાં સોનાનો હાર મૂકીને એ હાર ચુનિયાને પહેરાવવા કહ્યું. યતીને અત્યંત સ્નેહથી હાર ચુનિયાને પહેરાવ્યો.
સૂર્યનું પહેલું કિરણ ચુનિયાના ચહેરા પર પથરાયું ત્યારે ચુનિયાનો આત્મા એ કિરણોની આંગળી પકડીને અંતિમ પ્રવાસે નીકળી ચૂક્યો હતો. એના ચહેરા પરની અજબ કાંતિ જોઈને યતીન કે પટલને હજુ એવી પ્રતીતિ નહોતી થતી કે ચુન્ની હવે આ દુનિયામાં રહી નથી. જાણે કોઈ અતલસ્પર્શી સુખદ સ્વપ્નમાં પૂર્ણરૂપે લીન થઈ હોય એમ એનો ચહેરો ચમકતો હતો.
સ્મશાન ઘાટ પર ચુનિયાના દેહને ચેહ પર મૂકતા યતીને એના અજ્ઞાત પ્રેમની સીમાનોય અંત આણ્યો.
સીમાંત -રવીન્દ્રનાથ ટાગોર લિખિત વાર્તાને આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
સંગીતકાર સાથેનું મોહમ્મદ રફીનું સૌપ્રથમ યુગલ ગીત : બીજો પંચવર્ષીય સમયખંડ – ૧૯૪૯ -૧૯૫૩ : વર્ષ ૧૯૪૯ – ભાગ [૨]
વિસરાતી યાદો…સદા યાદ રહેતાં ગીતો
સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ
મોહમ્મદ રફીની જન્મ તિથિ (૨૪-૧૨-૧૯૨૪) અને અવસાન તિથિ (૩૧-૭-૧૯૮૦)ની યાદમાં આપણે મોહમ્મદ રફીએ કોઈ પણ સંગીતકાર સાથે ગાયેલ સૌ પ્રથમ (પુરુષ-પુરૂષ કે સ્ત્રી-પુરુષ) યુગલ ગીતોની યાદ તાજી કરવાનો ઉપક્રમ પ્રયોજેલ છે.યાદોની આ સફરમાં આપણે વર્ષ ૨૦૨૧માં પહેલા પંચવર્ષીય સમયખંડના ૧૯૪૪ થી ૧૯૪૭નાં યુગલ ગીતોની યાદ તાજી કરી. તે પછી જુલાઈ, ૨૦૨૨ના અંકમાં બીજા પંચવર્ષીય સમયખંડના ૧૯૪૯ના વર્ષના ભાગ ૧માં મોહમ્મદ રફીએ નૌશાદ, હુસ્નલાલ ભગતરામ, શ્યામ સુંદર, હનુમાન પ્રસાદ, સાથે ગાયેલાં પ્રથમ યુગલ ગીત આપણે સાંભળ્યાં.
આજે હવે ભાગ ૨માં વર્ષ ૧૯૪૯નાં વર્ષ માટે બાકી ૯ સંગીતકારો સાથે મોહમ્મદ રફીનાં સર્વ પ્રથમ યુગલ ગીતની યાદ તાજી કરીશું.
અહીં એ વાતની પણ નોંધ લેવી આવશ્યક જણાય છે કે વસંત દેસાઈએ ફિલ્મ ‘નરસિંહ અવતાર’ માટે લતા મંગેશકર સાથે રચેલાં બે યુગલ ગીતો અને આબીદ હુસ્સૈન ખાને ઝોહરાબાઇ અંબાલેવાલી સાથે ‘આખરી પૈગામ (ધ લાસ્ટ મેસેજ)’ માટે રચેલ યુગલ ગીત,ન ઠહર સકે ન તડપ સકે, ઇન્ટરનેટ પર મળી નથી શક્યાં.
વર્ષ ૧૯૪૯ માટે મોહમ્મદ રફી ૧૬ સંગીતકારો સાથે પહેલવહેલાં યુગલ ગીતો પૈકી બાકીના ૯ સંગીતકારો સાથેનાં સર્વપ્રથમ યુગલ ગીતો આજે સાંભળીશું.
વિનોદ (મૂળ નામ એરિક રોબર્ટ્સ)ની ધુનો એક છેડે સાવ રમતિયાળ તો બીજે છેડે ખુબ મુધુર સર્જનાત્મકતાનો બેમિસાલ આદર્શ ગણાતી. ૧૯૪૯મા ‘એક થી લડકી’ માટે વિનોદે મોહમ્મદ રફીની સાથે લતા મંગેશકરનો સ્વર ત્રણ યુગલ ગીતો અને બે ત્રિપુટી(+) સમુઃહ ગીતોમાં પ્રયોજેલ છે. બે ત્રિપુટી(+) સમુહ ગીતો પૈકી લારા લપ્પા …. લાઈ રખદા, આદી ટપ્પા (લતા મંગેશકર, મોહમ્મદ રફી, જી એમ દુર્રાની – ગીતકાર: અઝીઝ કશ્મીરી) તો આજ પણ લોકોને નાચતાં કરી મુકે છે. બીજું ત્રિપુટી (+) ગીત, હમ ચલે દૂર… દિલ હુઆ ચુર (લતા મંગેશકર, મોહમ્મદ રફી, સતીશ બત્રા – ગીતકાર: અઝીઝ કશ્મીરી) નાવ ગીતની લોકધુન પર રચાયેલું એક ખુબ ભાવવાહી રોમેન્ટીક ગીત છે.
યુગલ ગીતો પૈકી, અબ હાલ-એ-દિલ યા હાલ-એ-જિગર ન પુછીએ – લતા મંગેશકર – ગીતકાર: અઝીઝ કશ્મીરી, માં રફી અને લતા મંગેશકરને સંવાદોની સાહજિકતાથી રોમેન્ટીક ભાવોને વ્યકત કરતાં રજુ કરે છે. ગીતના પહેલા અંતરા પછી યોડેલીંગના એક રમતિયાળ ટુકડાનો પ્રયોગ ગીત માધુર્યની સાથે સીચુએશનના હળવા મુડને વણી લે છે તે વિનોદની સર્જનાત્મક શૈલીનું એક સહજ ઉદાહરણ છે.
મોહમ્મદ રફી – લતા મંગેશકરનાં બીજાં બે યુગલ ગીતોમાંનું અબ શોખ સિતારે ઈક સોખ નઝર કી તરહ વૉલ્ઝ લય પર રચાયેલું રોમાન્સથી છલકે છે તો લમ્બી જોરૂ બડી મુસીબત હળવા ભાવ રજૂ કરતું સ્ટેજ ગીત છે.
મોહમ્મદ શફી સંગીતની પદ્ધતિસરની તાલીમબધ્ધ હોવાની સાથે ખુબ પ્રતિભાવાન સંગીતકાર હતા. તેમના નામે બે અનોખા રેકોર્ડ્સ નોંધાયેલા છે – સુમન કલ્યાણપુર (ત્યારે, હેમાડી)નું સર્વ પ્રથમ હિંદી ફિલ્મ ગીત – કોઈ પુકારે ધીરે સે તુમ્હેં (મંગુ, ૧૯૫૪) અને હેમલતાનું સર્વપ્રથમ હિંદી ફિલ્મ ગીત મૈં જાન કે બદલે, કે પછી સદીયોંકી નિશાની મૈં અનકહી કહાની, (ઈરાદા, ૧૯૭૧)
ફરિયાદ ન કરના હાયે કહીં ફરિયાદ ન કરના – ઘરાના – શ્યામા બાઈ સાથે – ગીતકાર: આલમ સ્યાહપોશ
અહીં મોહમમ્મ્દ શફીની સંગીત પ્રતિભાના અનેક ચમકારા જોવા મળે છે. શ્યામા બાઈની પાસે થોડા ઊંચા સુરમાં કરેલી શરૂઆત બાદ તેમના ભાગનું ગીત કરૂણ ભાવમાં ઘુંટાય છે. મોહમ્મદ રફી વિન્ટેજ એરાની શૈલીમાં છે પણ ગીતને પુરેપુરૂં ભાવવાહી બનાવી રહે છે.
તે ઉપરાંત મોહમ્મદ શફીએ મોહમ્મદ રફી સાથે પારો દેવીનું પણ એક યુગલ ગીત – તુ કહાં હૈ બાલમ આ જા – પણ રચ્યું છે, જેમાં મિલનની આશાનો ભાવ પ્રેમીઓ આનંદપૂર્વક વ્યક્ત કરી રહે છે.
એસ મોહિન્દર (મૂળ નામ બક્ષી મોહિંન્દર સિંઘ સાર્ના)એ આમ તો પચાસેક જેટલી હિંદી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું, પણ તેમણે રચેલાં ગીતો ચીરસમરણીય ગીતોની યાદીમાં સ્થાન મેળવે છે. તેઓ શાસ્ત્રીય સંગીતની પરંપરામાં ઉછર્યા હોવા છતાં ફિલ્મોની જરૂરિયાત મુજબ રમતિયાળ ગીતો પણ તેમને સહજ હતાં.
ચંદા કી ગોદમેં તારોં કી છાંવ મેં રૂઠે હુએ હમ મનાયે રે – જીવન સાથી – ચાંદ વિર્ક સાથે – ગીતકાર: હમીદ ખુમર
એસ મોહિન્દરે પંજાબી ફિલ્મોમાં પણ બહુ નોંધપાત્ર યોગદાન કરેલું છે. અહીં તેઓએ મૂળતઃ પંજાબી ફિલ્મોનાં ગાયિકા, ચાંદ વિર્ક, પાસે ખુશીના ભાવનું, માધુર્યપૂર્ણ, યુગલ ગીત ગવડાવ્યું છે.
આ જ ફિલ્મમાં મોહમ્મદ રફીનું અમીરબાઈ કર્ણાટકી સાથે એક યુગલ ગીત – મૈં કૈસે કહ દું અપને દિલકી બાત ( ગીતકાર: સુરજિત શેઠી) અને શમશાદ બેગમ સાથે બે યુગલ ગીતો – મિલકર જાયેં હમ પ્રીત કે દીવાને અને મુહબ્બત રોગ બનકર દીલકી ધડકનમેં રહતી હૈ (ગીતકાર: હમિદ ખુમર) એમ બીજાં ત્રણ યુગલ ગીતો પણ હતાં.
કૃષ્ણ દયાલ સંગીતકારોમાં ખાસ જાણીતું નામ નથી. તેમણે સંગીત પણ પાંચેક હિંદી ફિલ્મો માટે જ આપ્યું છે. પણ હા, હિંદી ફિલ્મોનાં જુનાં ગીતોના ચાહકોને તેમણે સ્વરબધ્ધ કરેલું મુકેશ-સુરૈયાનું યુગલ ગીત, બદરા કી છાંઓ તલે નન્હી નહીં બુંદિયાં (લેખ, ૧૯૪૯),તો જરૂર યાદ હશે !
કર લે કિસી સે પ્યાર જવાની દો દિનકી – લેખ – આશા ભોસલે સાથે – ગીતકાર: ક઼મર જલાલાબાદી
હું તો આ યુગલ ગીત પહેલી જ વાર સાંભળું છું. ગીતની ધુન પણ ગાવામાં મુશ્કેલ પડી તેવી છે.
પંડિત ગોવિંદરામ દ્વારા હમારા સંસાર માટે તેમણે મોહમ્મ્દ રફી સાથે સ્વરબધ્ધ કરેલું, સર્વપ્રથમ ત્રિપુટી ગીત – છોટી સે એક બનાયેંગે નૈયા….ખુદ હી બનેંગે ઉસ કે ખેવૈયા (શમશાદ બેગમ અને ઝોહરાબાઈ અંબાલેવાલી સાથે) – આપણે આ શ્રેણીમાં પહેલાં સાંભળી ચુક્યાં છીએ. તેમણે મોહમ્મદ રફી સાથે રચેલું સર્વપ્રથમ યુગલ હવે ૧૯૪૯માં આવે છે.
તારોંકા યે ખજ઼ાના યે ચાંદની સુહાની – નિસ્બત – શમશાદ બેગમ સાથે – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
આ ગીત પણ પહેલી જ વાર સાંભળ્યું જ છે. શમશાદ બેગમ અને મોહમ્મદ રફીનો અવાજ અને ગાયન શૈલી પણ નવી જ લાગે છે.
ખેમચદ પ્રકાશે ૧૯૪૯નાં વર્ષને સુવર્ણ યુગનું નવલું પ્રભાત ગણાવા માટેનો દરવાજો મહલનાં આયેગા આનેવાલા (લતા મંગેશકર)નાં એક જ ગીતથી ખોલી નાખ્યો એમ કહી શકાય.
આ શ્રેણીમાં સમાજ કો બદલ ડાલો (૧૯૪૭)નાં ત્રિપુટી ગીત, અજી મત પુછો બાત કોલેજકી અલબેલી, ઈન્દ્રપુરી સાક્ષાત કોલેજ અલબેલી,માં તેમણે મોહમ્મદ રફીના સ્વરને અજમાવી જ લીધો હતો.
અહીં તેઓ મોહમ્મદ રફી સાથેનું સર્વપ્રથમ યુગલ ગીત રચે છે.
હવા તુ ઉનસે જા કર કહ દે દીવાના આયા હૈ – રિલ ઝિમ – રમોલા સાથે – ગીતકાર: મોતી બી એ
ખેમચંદ પ્રકાશ આવું હળવા મિજાજનું ગીત રચી આપે છે તે જ એક બહુ નોંધપાત્ર ઘટના ગણી શકાય. ગીતની બાંધણી કવ્વાલી થાટનાં માળખાં પર કરવામાં આવી છે. રમોલા તો માત્ર મશ્કરીના ઉદ્ગારો કાઢવા પુરતાં જ ગીતમાં જોડાયાં છે.
ખેમચંદ પ્રકાશે મોહમ્મદ રફીનું એક બીજું યુગલ ગીત પણ ૧૯૪૯માં રચ્યું છે. –
અય દિલ ના મુઝે યાદ દિલા બાતેં પુરાની -સાવન આયા રે – શમશાદ બેગમ સાથે – ગીતકાર: ભરત વ્યાસ
‘૬૦ના દાયકામાં જ્યારે રેડિયો પર ફિલ્મી ગીતો સાંભળવાનો મારો શોખ પુરબહારમાં હતો ત્યારે આ યુગલ ગીત બહુ જ સંભળવા મળતું હતું.
ખાન મસ્તાના પણ વિન્ટેજ એરાના એક બહુ સન્માનીય સંગીતકાર તેમ જ પાર્શ્વગાયક હતા.
તુમ હો જાઓ હમારે હમ જો હો જાય તુમ્હારે – રૂપ લેખા – સુરીંદર કૌર સાથે – ગીતકાર: ખુમાર બરાબંક્વી
તત્વતઃ વિન્ટેજ એરાની સંગીત પ્રથાન સંગીતકાર હોવા છતાં ખાન મસ્તાના બહુ જ તાજગીસભર રચના આપે છે.
સુધીર ફડકેએ હિંદી ફિલ્મ સંગીતમાં મરાઠી લોક સંગીતનો બહુ જ અસરકારક સુમેળ રચ્યો.
હરી હરી મેરે તો શ્રી હરિ નહી દૂજા – સંત જ્ઞાનબાઈ – લલિતા દેઉલકર સાથે – ગીતકાર: નરેન્દ્ર શર્મા
ભજનો ગાતી વખતે મોહમ્મદ રફી એક સાચા ભક્તની ભાવનાથી મહોરી ઊઠે છે.
અઝીઝ (ખાન) હિન્દવીએ ‘૪૦ના દાયકામાં કેટલીક ફિલ્મો માટે સંગીત પણ આપ્યું હતું.
મેહમાન બનકે આયે થે …. અરમાન બન ગયે – શોહરત – હમીદા બાનો સાથે – ગીતકાર: ગુલશન ઝૂમા / પંડિત મધુપ શર્મા
યુગલ ગીત અને તેનાં સૉલો વર્ઝનની ગીત બાંધણી સમાન જ છે. અહીં આપેલી ક્લિપમાં બન્ને વર્ઝન સાંભળી શકાય છે.
હવે પછીના મણકામાં સંગીતકાર સાથેનું મોહમ્મદ રફીનાં સૌ પ્રથમ યુગલ ગીતના બીજા પંચવર્ષીય સમયખંડનાં ૧૯૫૦ના વર્ષનાં યુગલ ગીતો સાંભળીશું.
વિસરાતી યાદો…સદા યાદ રહેતાં ગીતો શ્રેણીના ૭મા વર્ષના બધા મણકા વિસરાતી `યાદો…સદા યાદ રહેતાં ગીતો : વર્ષ ૭મું – ૨૦૨૨ પર ક્લિક કરવાથી વાંચી / ડાઉનલોડ કરી શકાય છે.
-
ફિલસુફીભર્યા ગીતો -૫ – दुःख तो अपना साथी है
નિરંજન મહેતા
दुःख हो या सुख, जब सदा संग रहे ना कोई
फिर दुःख को अपनाए, के जाए तो दुःख ना होएराही मनवा दुःख की चिंता क्यों सताती है
दुःख तो अपना साथी है
सुख तो है एक छांव ढलती आती है जाती है
दुःख तो अपना साथी हैदूर है मंजिल दूर सही, प्यारा हमारा क्या कम है
पग में कांटे लाख सही पर सहांरा क्या कम है
हम राह तेरे कोई अपना तो है
हम राह तेरे कोई अपना तो हैदुःख हो कोई तब जलते है, पथ के दीप निगाहों में
इतनी बड़ी इस दुनिया की लम्न्बी अकेली राहो में
राही मनवा दुःख की चिंता क्यों सताती है
दुःख तो अपना साथी हैએ તો સર્વવિદિત છે કે સુખ અને દુઃખ જોડિયા ભાઈ સમાન છે પણ બન્ને સાથે નથી આવતા. ક્યારેક સુખ તો તેની પાછળ દુઃખ આવે છે. પણ સામાંન્ય રીતે દુઃખ આવે ત્યારે આપણે રોદણા રોવા માંડીએ છીએ. એક પછી એક આવવાના તે જાણવા છતાં આમ થઇ જ જાય છે.
૧૯૬૪ની ફિલ્મ ‘દોસ્તી’ બે દોસ્તોની વાર્તા છે જેમાં એક અપંગ છે તો બીજો પ્રજ્ઞાચક્ષુ. પણ જ્યારે કોઈ કારણસર અપંગ દુઃખી હોય છે અને નિરાશ થાય છે ત્યારે તેનો પ્રજ્ઞાચક્ષુ મિત્ર એક દોસ્તને નાતે તેને સુખદુખનાં ચક્રની વાત કહે છે અને કહે છે કે આપણા જેવા માટે તો દુઃખ જ આપણો સાથી છે તો તું શા માટે ચિંતા કરીનને દુઃખી થાય છે? કારણ સુખ તો એક ઢળતી સાંજ જેવું છે જે આવે છે ને જાય છે પણ આપના માટે તો દુઃખ જ આપણું સાથી છે.
તે આગળ જણાવે છે કે આપણી મંઝીલ ભલે દૂર હોય, એકબીજાના પ્યાર અને સહારા શું કમ છે? તે છે તો આ દુઃખની શું વિસાત? દુઃખ આવે છે ત્યારે આપણી નજરમાં આ વિશાળ દુનિયાના એકલ લાંબા રાહમાં રાહના દીપ પ્રજ્વલિત થાય છે એટલે તને દુઃખની ચિતા કેમ સતાવે છે? તે તો આપણું સાથી છે.
બે યુવા મિત્રો સુધીરકુમાર અને સુશીલકુમાર દ્વારા જીવનની આ ફિલસુફી ગીતકાર મજરૂહ સુલ્તાનપુરીએ સુંદર રીતે આલેખી છે. મધુર સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે જેને સ્વર આપ્યો છે રફીસાહેબે.
આજે પણ આ ગીત તરોતાજા છે તેની આ ફિલસુફીને કારણે.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. 28339258/9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
વનવૃક્ષો : રાયણ

ગુજરાત રાયણનું ઘર કહેવાય. કાઠિયાવાડમાં ગીરમાં પણ રાયણો છે. ગુજરાતનાં નાનાં નાનાં છોકરાંઓએ પણ રાયણ જોઈ હોય, અને કાઠિયાવાડમાં ઘણાંઓની આખી જિંદગી નીકળી જાય તો ય એમણે રાયણનું ઝાડ કદી ન જોયું હોય !

સાંદર્ભિક તસવીર – નેટ પરથી ગુજરાતમાં રાયણની ઋતુ આવે ત્યારે રાયણ ખાઈ ખાઈને લોકો એટલા ધરાઈ જાય કે તેની સામે પણ ન જુએ. રાયણ, રાયણ ! અમસ્તી ખાવા રાયણને રોટલી સાથે ખાવા પણ રાયણ. ગુજરાતમાં રાયણ રોટલીની નાતો થાય. અધધધ, કેટલી બધી રાયણો !
પણ કાઠિયાવાડમાં ગુજરાતની રાયણો આવે છે ખરી. પહેલાં ગાડારસ્તે આવતી અને બધાં ગામે ન પહોંચતી; પણ હવે તો રેલગાડી થઈ એટલે ઢગલાબંધ રાયણો આવી પડે છે અને ગામેગામ રેલાઈ જાય છે. કાઠિયાવાડનાં છોકરાંઓ રાયણનું ઝાડ તો ન ભાળે, પણ રાયણ તો ભાળે.
પહેલા જ્યારે રાકણો ચારેકોર નહોતી પહોંચતી ત્યારે રાણકોકડીઓ પહોંચી જતી. રાણકોકડીઓ એટલે સુકાઈ ગયેલી રાયણો. એટલી લીલી રાયણો ખાય ? એટલે ગુજરાતના વેપારીઓ તેને સૂકવે. સુકાયા પછી સૂકા મેવા તરીકે તે વખણાય. અસલ રાણકોકડીનાં ગાડાં આવતાં ને જતાં હશે; ખૂબ આવતાં જતાં હશે.
નાના છોકરાંને રાણકોકડીઓ બહુ ભાવે. પહેલાં તો પાઈની પાશેર મળતી, છોકરાં તે ધરાઈને ખાતાં. પછી રાણકોકડીઓનાં ગાડાં ઉપર ખુશી થઈ તેમણે જોડી કાઢ્યું હશે:–
“રાણકોકડીનાં ગાડાં આવે છે, જાય છે;
રાણકોકડીનાં ગાડાં આવે છે, જાય છે;”રાણકોકડીને ફરાળ તરીકે પણ વાપરવામાં આવે છે. ગરીબ લોકોને એનું ફરાળ પોસાય છે. ‘સોંઘુ ભાડું ને સિદ્ધપુરની જાત્રા.’થોડીએક રાયણો કાઠિયાવાડમાં ચારેકોર ઊગાડીએ તો છોકરાંઓને ખાવાની બહુ મજા પડે. જુગતરામભાઈએ ‘રાયણ’ નામની ચોપડી કરી છે તે વાંચવાથી છોકરાંને મજા પડે એ ખરી વાત છે; પણ એમાંથી રાયણ જેવો સ્વાદ આવે ? જુગતરામભાઈ કાઠિયાવાડના છે; હમણાં તેઓ ગુજરાતમાં રહે છે. ત્યાંથી તેઓ બેચાર રાયણનાં ઝાડો લાવીને પોતાના ગામમાં વાવે તો કેવું સારું ! છોકરાં બિચારાં હોંશેહોંશે રાયણો ખાશે ને આશીર્વાદ આપશે.
માહિતી સ્રોત : વિકિસ્રોત
-
ચાતક પક્ષી અને મહાકવિ શ્રી કાળીદાસની મેઘદૂતમાં વિરહની વાત
ફરી કુદરતને ખોળે
જગત કીનખાબવાલા
ભારતવર્ષ, એશિયા અને આફ્રિકામાં જોવા મળતું ચાતક એક કોયલના કુળનું પક્ષી છે. ચાતક પક્ષીનું નામ ખુબજ પ્રચલિત નામ પણ જોયું બહુ ઓછા લોકોએ હોય. આમેય પૌરાણિક કથાઓમાં અને લોકવાયકાઓમાં તેના વિશે ઘણી ભ્રામક કાલ્પનિક વાતો પ્રચલિત છે. કવિતા, સાહિત્ય અને ગીત સંગીતમાં ખુબજ આગવી અને કાલ્પનિક રીતે તેનો વ્યાપક રીતે ઉપયોગ જોવા મળે છે અને આવી વર્ષોથી ચાલી આવતી વાતોને લોકો સાચી પણ માની લે છે. ચાતક વિષે એક એવી વાત પ્રચલિત છે કે ચાતક પોતાના માથા ઉપર જે વિશિષ્ટ કલગી/ ચોટી હોય છે તેનાથી સીધું વરસાદનું પાણી પી લે છે, વરસાદના આવવવની રાહ જોતું હોય છે અને તે સતત ઊંચે જોઈને વરુણદેવતાને વિનંતી કરતુ હોય છે કે વરસાદ મોકલો અને મારી પ્યાસ બુઝાય. ભ્રામક વાત છે કે સ્વાતિ નક્ષત્રમાં તે વરસાદનું પાણી પી લે છે. કવિઓ તો એવુંયે લખે કે તેના ગળે છિદ્ર છે અને તેની ડોક ઊંચી કરે ત્યારે તે ગળાના છિદ્ર વાટે પાણી પી લે છે અને આવા કારણોસર એવી વાયકા પ્રચલિત છે કે યાયાવર/ પ્રવાસી પક્ષી, ચાતક દેખાય તેટલે ચાર પાંચ દિવસમાં વરસાદ આવે.

ચાતક/ મોતીડો/ Pied Crested Cuckoo / હિન્દી: पपीहा / સંસ્કૃત:चातक
કદ: ૧૨ ઇંચ/ ૩૨ સે.મીભારતવર્ષ, એશિયા અને આફ્રિકાના વિસ્તારમાં સામાન્યતઃ ચાતક જોવા મળે છે. ઉનાળો બેસવાની શરૂઆત થાય તેટલે તે સ્થળાંતર કરીને માફક આવતા વિસ્તારમાં પહોંચી જાય. તેઓ સુમધુર અને ખુબજ મીઠું પી…..પ્યુ, પી…..પ્યુ બોલતું એકબીજાની પાછળ ઉડતું જાય છે અને બોલતું જાય છે. છેક દક્ષિણ આફ્રિકાથી લગભગ ૧૫૦૦ થી ૨૦૦૦ કિલોમીટરનો લાંબો પ્રવાસ કરીને ભારતના વિવિધ વિસ્તારમાં ચોમાસાના આગમનના સમયે પહોંચી જાય છે. સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં શિયાળો શરુ થાય તે પહેલા પોતાને વતન પાછા જતા રહે છે. તેવી રીતે ભારતના તેમના શિયાળાની ઋતુના કાયમી વિસ્તારમાંથી બીજા અનુકૂળ વિસ્તારમાં ભારતમાં ચોતરફ ફેલાઈ જાય છે. ભારતના હિમાલયના પ્રદેશમાં, દક્ષિણ આફ્રિકામાં અને આફ્રિકાના સહારાના વિસ્તારમાં તેમનો કાયમી વસવાટ જોવા મળે છે. ફ્રાન્સ જેવા દેશમાં ખ્રિસ્તીઓના ડોમીનસીઅન ધર્મ પ્રચારક હોય છે તેઓ હંમેશા સફેદ અને કાળા કપડાં પહેરે છે અને તેમને તેવા વસ્ત્રોમાં જોઈને લોકો પીંછાળા ચાતકને યાદ કરે છે.
ચોમાસાની તેમની પ્રજનનની ઋતુમાં તેઓ સફેદ રંગના ઈંડા મૂકે છે અને તેવા સમયે તેઓ ખુબ બોલકણા બની જાય છે તે સમયે લોકોનું ધ્યાન તેમના તરફ અચૂક જાય છે. પ્રજનનની ઋતુમાં તેઓ એકબીજાને પ્રેમથી ખવડાવતા જોવા મળે છે. કોયલના કુળનું ચાતક સવારના સમયે કોયલની જેમ હંમેશા બીજા પક્ષીના માળામાં ઈંડા મૂકે છે. તેવા સમયે નર ચાતક પક્ષીની નજર ચૂકવે છે અને પાછળ માદા તે પક્ષીના માળામાં ઈંડુ મૂકી દે છે. ચાતક બે ઈંડા મૂકે છે. કોયલની જેમ ચાતક પોતાનું ઈંડુ મુક્તિ વખતે બીજા પક્ષીનું ઈંડુ ફેંકી નથી દેતી. ચાતકના ઈંડાનો રંગ લેલા પક્ષીના ઈંડાના રંગને મળતો આવે છે અને લેલા અને બુલબુલ જેવા પક્ષીના માળામાં તે ઈંડા મૂકી દે છે. બીજા પક્ષી પોતાનું બચ્ચું સમજી તેને ઉછેરે છે અને ત્યાર બાદ ઉડવાને સક્ષમ થાય તેટલે ઉડી જાય છે અને ચાતકના કુળમાં ભળી જાય છે. બચ્ચું જન્મે ત્યારે આછા ગુલાબી રંગનું હોય છે અને ત્યારબાદ તે ઘેરા પર્પલ રંગનું થઇ પછી બચ્ચું કથ્થઈ રંગનું બની જાય છે. તેમના માટે એવી પણ માન્યતા છે કે દિવસે પોતાના સાથીદાર જોડે રહે છે અને રાત્રે જુદા રહે છે. શ્રીલંકા વગેરેમાં તેમની જુદી પ્રજાતિ પણ હોય છે જે તેમના દેશના જુદા જુદા ભાગમાંથી બીજે સ્થળાન્તર કરી જાય છે.
રૂપાળા ચાતકનો શરીરના પેટાળનો ભાગ સફેદ હોય છે અને બાકીનો ઉપરનો ભાગ કાળો હોય છે. તેના રંગને કારણે બાળકો તેને ધોળું – કાળું પક્ષી પણ કહે છે. દેખાવે ઘણું નમણું હોય છે. પાંખોમાં ધોળું ધાબુ હોય છે. પૂંછડી લાંબી, કાળી અને ચાડ ઉતર પીંછાવાળી હોય છે. માથાની કલગી અને ચાંચ કાળી હોય છે અને પગ સ્લેટિયા રંગના હોય છે. કદ લગભગ કાબર કરતાં મોટું હોય છે. ઝાડીમાં વસનાર નર ચાતક અને માદા ચાતક લગભગ સરખા દેખાય છે. ખોરાકમાં તેઓ જીવડા, ઈયળો અને ફરફળાદી ખાતા હોય છે.
મહાકવિનો શ્રી કાળીદાસે મેઘદૂતમાં વિરહની વાતમાં ચાતકનો એક રૂપક તરીકે ઉપયોગ કર્યો છે. અષાઢની વાત આવતાં જ આકાશમાં છવાયેલા વાદળ જોઈ પોતાની પ્રિયતમાને મળવા આકુળવ્યાકુળ થયેલો યક્ષ શ્યામલ મેઘને પોતાનો સંદેશાવાહક દૂત બનાવી લે છે તે વાતમાં ચાતકનો ઉલ્લેખ છે.
“રે રે ચાતક ભર્તુ હરિનો શ્લોક બહુ પ્રખ્યાત છે પણ તે સIચું નથી”.
રામાયણ જેવા પૌરાણિક ગ્રંથોમાં પણ ચાતક પક્ષીનો બહુધા ઉલ્લેખ આવે છે.
“લોચન ચાતક જિન્હ કરી રાખે, રહહિ દરસ જલ-ધર અભિલાખે”
આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસુ ક્યાંક આસપાસ છે….
*આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.*
*સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*
લેખક:
જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
https://www.facebook.com/jagat.kinkhabwala
ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
Mob. No. +91 98250 51214 -
વિજ્ઞાન ક્ષેત્રે સંકુચિતતા દાખવવાથી શું પરિણામ મળશે?
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
મોટા ભાગના લોકો ઈનામ અને પુરસ્કાર વચ્ચે ભેદ કરતા નથી. કોઈક સ્પર્ધામાં વિજેતા બનનારને નવાજવામાં આવે તો એ ‘ઈનામ’ કહેવાય છે. કોઈક કામને પોંખવામાં આવે ત્યારે તે ‘પુરસ્કાર’ કહેવાય છે. ગુજરાતી ભાષામાં હજી પણ લેખકોને ‘પુરસ્કાર’ ચૂકવવાનો રિવાજ છે. પણ અહીં વાત લેખકોની નથી કરવાની.
કેન્દ્ર સરકારે વિજ્ઞાનીઓ તેમજ તબીબી ક્ષેત્રના સંશોધકોને અપાતા પુરસ્કારમાં ઘટાડો કરી દેવાનું નક્કી કર્યું છે અને હવે પછી તે કેવળ ‘ખરેખર લાયક’ ઉમેદવારો પૂરતા જ મર્યાદિત કરવામાં આવશે. સપ્ટેમ્બર, 2022માં યોજાયેલી એક મીટિંગમાં ગૃહસચિવ અજય ભલ્લાએ આવી ઘોષણા કરી. ડિપાર્ટમેન્ટ ઑફ સાયન્સ એન્ડ ટૅક્નોલોજી, ડિપાર્ટમેન્ટ ઑફ બાયોટૅક્નોલોજી, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય, કાઉન્સિલ ઑફ સાયન્ટિફીક એન્ડ ઈન્ડસ્ટ્રીઅલ રિસર્ચ, ડિપાર્ટમેન્ટ ઑફ એટમિક એનર્જી, ડિપાર્ટમેન્ટ ઑફ હેલ્થ રિસર્ચ તેમજ ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારના કાર્યાલય જેવા વિજ્ઞાન સાથે સંકળાયેલા દેશભરના વિવિધ વિભાગોના સેક્રેટરીઓ તેમજ વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિ આ મિટીંગમાં હતી.
આ મિટીંગમાં વિવિધ મંત્રાલય દ્વારા પોતાના વિભાગો દ્વારા અપાતા માનસન્માન અને પુરસ્કારોની રજૂઆત કરવામાં આવી. જેમ કે, ડિપાર્ટમેન્ટ ઑફ સાયન્સ એન્ડ ટૅક્નોલોજી દ્વારા 207 સન્માન એનાયત કરવામાં આવે છે, જે પૈકીનાં ચાર રાષ્ટ્રીય કક્ષાના છે, 97 અંગત થાપણમાંથી છે, 54 કોઈ વક્તવ્ય, શિષ્યવૃત્તિ કે ફેલોશીપ આધારિત છે, અને 56 ‘આંતરિક સન્માન’ છે. મિટીંગમાં કેવળ રાષ્ટ્રીય સન્માનને રાખીને અન્ય સન્માનને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. શિષ્યવૃત્તિ કે ફેલોશીપ માટે સુયોગ્ય માનદ વેતન સાથે નવી યોજના વિચારી શકાય એમ ઠરાવવામાં આવ્યું.
ડિપાર્ટમેન્ટ ઑફ એટમિક એનર્જી કામગીરીના આધારે 25 સન્માન આપતું હતું, જે સંબંધિત વિભાગ સાથે સંકળાયેલા જાહેર ક્ષેત્રના એકમ દ્વારા અને 13 અન્ય હતા. આ મીટિંગમાં આ તમામને બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો અને તેને સ્થાને ‘ઉચ્ચ કક્ષા ધરાવતો’ નવો પુરસ્કાર શરૂ કરવાનું નક્કી થયું.
વિવિધ વિભાગો દ્વારા આ રીતે અમુક સન્માન રાખવામાં આવ્યા અને ઘણી મોટી સંખ્યામાં માનસન્માનને બંધ કરવામાં આવ્યા. કેન્દ્ર દ્વારા મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર સાથે મસલત કરીને ‘નોબેલ પુરસ્કાર જેવો’, ખાસ વિજ્ઞાન માટેનો ‘વિજ્ઞાનરત્ન’ પુરસ્કાર શરૂ કરવાનું જણાવવામાં આવ્યું છે. આ પુરસ્કારનું મહત્ત્વ ‘ભારતરત્ન’ જેવું હોઈ શકે.
અહીં સવાલ એ થાય કે વિજ્ઞાનને લગતી નીતિઓનો નિર્ણય ગૃહ મંત્રાલય શી રીતે લઈ શકે? અજય ભલ્લાએ આ બાબતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું, સન્માનની પ્રણાલિને પરિવર્તિત કરવાનું દર્શન ગણાવ્યું, જેમાં ‘ખરેખર લાયક ઉમેદવારો’ની પસંદગીમાં પારદર્શિતા સુનિશ્ચિત કરાશે એમ જણાવવામાં આવ્યું છે.
કર્ણાટકના અગ્રણી દૈનિક ‘ડેક્કન હેરલ્ડ’ના તંત્રીલેખમાં આ બાબતને સરકારની ગંભીર ભૂલ ગણાવવામાં આવી છે. તેમાં જણાવાયા અનુસાર વિજ્ઞાન અને સંશોધનના ક્ષેત્રે દર્શન આટલું સંકુચિત ન હોવું જોઈએ કે જેમાં વિશાળ સંખ્યામાં વિજ્ઞાનીઓ અને સંશોધકોને ઉવેખવામાં આવે. વિજ્ઞાનમાં નોંધપાત્ર સિદ્ધિ માટે વિવિધ મંત્રાલયો અને વિભાગો દ્વારા અપાતાં અનેક પારિતોષિકને એક ઝાટકે બંધ કરીને ગણ્યાગાંઠ્યા રાષ્ટ્રીય પુરસ્કાર શરૂ કરવામાં આવે એ ઈચ્છનીય નથી.
આ અખબારના જણાવ્યા અનુસાર આ નીતિ સાવ ખોટી છે અને તેનાથી દેશના વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન ક્ષેત્રને ઘણું નુકસાન થશે. વિજ્ઞાનીઓ અને સંશોધકોને નવાજવા માટે વિવિધ સ્તરે વિવિધ પ્રકારના પુરસ્કાર હોવા જોઈએ. તેને કારણે તેઓ પ્રોત્સાહિત થશે અને પોતાનું ઉત્તમ પ્રદાન આપી શકશે. આ પ્રકારના સન્માનનો એક હેતુ વિદ્યાર્થીઓને વિજ્ઞાનની વિવિધ શાખાઓને કારકિર્દી તરીકે અપનાવવા માટે પ્રેરવાનો પણ છે.
એ બાબત યાદ રાખવી જરૂરી છે કે પ્રતિષ્ઠિત પુરસ્કાર પામતા મોટા ભાગના વિજ્ઞાનીઓ પોતાની કારકિર્દીમાં અગાઉ નાનાં સન્માનોથી સન્માનિત થઈ ચૂક્યા હોય છે. દેશના હજારો કે લાખો વિદ્યાર્થીઓ અને સંશોધકો વચ્ચે કેવળ પાંચ-છ મુખ્ય રાષ્ટ્રીય પુરસ્કારો વહેંચાવાના હોય તો એનો શો અર્થ? વિજ્ઞાન અને ટૅક્નોલોજીના ક્ષેત્રે ભારતે હજી ઘણો વિકાસ સાધવાનો બાકી છે, અને એમ થઈ શકે એ માટે પુરસ્કાર અંગેની નીતિને વધુ વ્યાપક, વિજ્ઞાનને પ્રોત્સાહિત કરે એવી હોવી જોઈએ. તેને બદલે આ નીતિ વધુ સાંકડી બનાવાઈ રહી છે.
‘એક રાષ્ટ્ર, એક વેરો’ જેવાં ગતકડાંની જેમ ‘એક રાષ્ટ્ર, એક પુરસ્કાર’ જેવું ગતકડું આ જણાય છે. વર્તમાન સરકાર વિજ્ઞાન અને ટૅક્નોલોજીનો ઉપયોગ મહત્તમ કરે છે, પણ વૈજ્ઞાનિક અભિગમના પ્રસાર માટે નહીં! અંધશ્રદ્ધા, જૂઠાણાં અને ઠાલા ગૌરવના ઝડપી પ્રસાર તેમજ તેના થકી ઝડપભેર થઈ જતા સામાજિક વિભાજન માટે વિજ્ઞાન અને ટૅક્નોલોજીને દોહી લેવામાં આવે છે.
આપણા દેશમાં વખતોવખત વિવિધ મુદ્દાઓને ચગાવીને એટલો બધો ઘોંઘાટ પેદા કરવામાં આવે છે કે આ પ્રકારના મુદ્દાઓ વિશે ભાગ્યે જ કશી વાત થઈ શકે છે. ચૂંટણી હવે સાધન રહી નથી, બલ્કે એ સાધ્ય બની રહી છે. બેશરમી, નફ્ફટાઈ અને જૂઠાણાં માટેનું ગૌરવ સમાજમાં મૂલ્યો તરીકે સ્થાપિત થવા માંડે એ માટે કેવળ રાજકારણીઓને જવાબદાર ઠેરવી શકાય એમ નથી. કહેવાતા રાષ્ટ્રગૌરવની વાત કરનારા નાગરિકો ચૂંટણીઓ આવે ત્યારે પોતાની સોસાયટીમાં આવેલી પોતાની ગલીથી બહારનું વિચારી શકતા નથી. આ બાબત રાજકારણીઓ બરાબર જાણે છે, અને તેનો બરાબર કસ કાઢે છે. આવા નાગરિકો વિજ્ઞાન અને ટૅક્નોલોજીની સરકાર દ્વારા કરાનારી આવી કુસેવા બદલ અવાજ ઉઠાવે એ વિચારવું વધુ પડતું લાગે છે. વિજ્ઞાનના ઉપયોગથી જ્યાં અવૈજ્ઞાનિક અભિગમનો જ પ્રસાર કરાઈ રહ્યો હોય એવા નાગરિકો પાસેથી બીજી અપેક્ષા પણ શી રખાય!
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૩-૧૨ –૨૦૨૨ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
કોઈનો લાડકવાયો (૧૩) ખાસી અને ગારો હિલ્સમાં વિદ્રોહ
દીપક ધોળકિયા
ખાસી પર્વતીય પ્રદેશ મેઘાલય રાજ્યની ખાસી-ગારો-જૈંતિયા પર્વતમાળાનો એક ભાગ છે. અંગ્રેજોની જોહુકમી સામે ૧૮૨૮માં ખાસી જાતિના રાજા અને પ્રજા ભડકી ઊઠ્યાં. પરંતુ આ સમજવા માટે આપણે પહેલાં આસામનો ૬૦૦ વર્ષનો ઇતિહાસ જોવો પડશે, આપણે એના પર એક ઊડતી નજર નાખીએ.
ઈ. સ. ૧૨૨૮માં ચીનના મોંગ માઓ પ્રાંતમાંથી સુકફ્ફા નામનો તાઈ ભાષી શાસક આવ્યો અને બ્રહ્મપુત્ર ખીણ પ્રદેશ કબ્જે કરી લીધો. એ અહોમ જાતિનો હતો. તાઈ ભાષીઓ ચીનથી માંડીને અગ્નિ એશિયાના થાઈલૅંડ, વિયેતનામ વગેરે ઘણા દેશોમાં છે પણ એમની જાતિઓ જુદી છે, માત્ર ભાષા એકસમાન છે. સુકપ્પા પછીના રાજાઓના સમયમાં બ્રહ્મપુત્ર ખીણનું અહોમીકરણ શરૂ થયું. એટલે એ પ્રદેશમાં જે કોઈ રહેવા આવ્યા તે બધા અહોમ કહેવાયા. અહોમ રાજ્ય ૬૦૦ વર્ષ ટક્યું એમાં ઘણી જાતની અસરો પણ ભળી. હિંદુઓ પણ ત્યાં જઈને વસ્યા અને ધીમે ધીમે ત્યાં વૈદિક સંસ્કૃતિ પણ ફેલાઈ.
લોકોમાં ઘણા વર્ગો હતા અને અહોમ રાજ્ય પાઇકાઓને ભરોસે ચાલતું હતું. પાઇકા આમ તો ખેડૂત કે કારીગર હતા પણ એમને વર્ષમાં ત્રણ મહિના રાજ્યની વેઠ કરવી પડતી. આવા ગરીબ વર્ગોમાં વૈષ્ણવ ધર્મ ફેલાયો. શંકર દેવનો એમાં મોટો ફાળો રહ્યો. વૈષ્ણવોએ ઘણાં સત્રો (આશ્રમો) સ્થાપ્યાં. ખેડૂતો અને મજૂરો માટે આ સત્રો એકઠા થવાનાં સ્થાન બની ગયાં.
૧૭૬૯માં મૂળ અહોમ લઘુમતીમાં હતા પરંતુ રાજ્ય એમના હાથમાં હતું. રાજ્યની સ્થિતિ કથળવા લાગી હતી એટલે વેઠ ત્રણ મહિનાને બદલે ચાર મહિનાની શરૂ થઈ. સત્રોના અનુયાયી ખેડૂતો અને કારીગરોમાં આ કારણે અસંતોષ ફેલાયો. બળતામાં ઘી હોમવાનું કામ મોઆમાર સત્રે કર્યુ. આ મોઆમારિયા વિદ્રોહ તરીકે ઓળખાય છે.
અહોમ વંશ નબળો પડી ગયો હતો. અહોમ રાજા પુરંદર સિંઘાએ વિદ્રોહને દબાવી દેવા ઇસ્ટ ઇંડિયા કંપનીની મદદ માગી. કંપની માટે ભાવતું’તું ને વૈદે બતાવ્યા જેવું થયું. કંપનીના અધુનિક સૈન્યે મોઆમારિયાનો બળવો તો દબાવી દીધો પણ બકરું કાઢતાં ઊંટ પેસી જેવા જેવી હાલત પેદા થઈ. અંગ્રેજોએ હવે પોતાનો પગદંડો જમાવી લીધો. અમુક પ્રદેશ પણ એમને મળી ગયો.
આસામની આ સ્થિતિનો લાભ લઈને બર્માએ ૧૮૨૪માં આસામ પર હુમલો કર્યો. એ વખતે અંગ્રેજી ફોજે એનો મરણિયો મુકાબલો કરીને બર્માને હાર આપી. આથી કંપનીનું સ્થાન વધુ મજબૂત બન્યું હવે એણે રોજના રાજકાજમાં પણ માથું મારવાનું શરૂ કરી દીધું. ૧૮૨૮ સુધીમાં અહોમ રાજાની બધી સત્તા કંપનીએ સંભાળી લીધી. રાજાના વિશ્ષાધિકારો પણ લઈ લીધા.
રાજા ગામાધાર કોંવર અને એના સાથી ગિરિધર બોરગોહાઈંએ અંગ્રેજોને હાંકી કાઢવાનું નક્કી કર્યું. જોરહટમાં ગોમાધરનો અહોમ રાજા તરીકે પરંપરાગત રીતે રાજ્યાભિષેક થયો. તે પછી ગોમાધર કંઈ કરે તે પહેલાં કંપનીને ખબર મળ્યા. તરત જ અંગ્રેજોની ફોજ આવી પહોંચી, ગોમાધર નાગા પહાડીઓમાં ભાગી ગયો. થોડા વખત પછી કંપનીએ એને પકડી લીધો અને મોતની સજા કરી પણ પછી સજા રદ કરીને ને કોઈ અજાણ્યા સ્થળે મોકલી દીધો. એનું મૃત્યુ કેમ થયું તે પણ કોઈને જાણવા નથી મળ્યું.
આટલી પૂર્વભૂમિકા પછી આપણે ખાસી પર્વતીય પ્રદેશમાં થયેલા બળવા વિશે વાત કરીએ. આપણે જોયું કે અંગ્રેજોને રાજાએ સ્થાનિકનો બળવો દબાવી દેવા બોલાવ્યા તેની ભારી કિંમત રાજાએ પોતે જ ચૂકવી. હવે કંપનીના એજન્ટ ડેવિડ સ્કૉટની આણ પ્રવર્તતી હતી.
સ્કૉટને વિચાર આવ્યો કે બંગાળ પ્રાંત સાથે આસામને સાંકળી લેવા માટે આસામથી સિલ્હટ સુધી રસ્તો બનાવવો જોઈએ. એની યોજના પ્રમાણે આ રસ્તો ખાસીના પહાડી પ્રદેશમાંથી પસાર થતો હતો. નોંખ્લાવમાંથી આ રસ્તો નીકળવાનો હતો એટલે એણે પહેલાં તો નોંખ્લાવના સિયેમ (એટલે કે મુખ્ય સરદાર) ને મનાવી લેવાની કોશિશ કરી. એ આસામથી પાલખી વગેરે ભેટસોગાદો લઈને એ સિયેમ તીરથ સિંઘ (તિરુત સિંઘ)ને મળ્યો અને એને મનાવી લીધો અને રસ્તો બની ગયો.એ રસ્તેથી થઈને બ્રિટિશ ફોજની ટુકડીઓ આસામ અને બંગાળ વચ્ચે આવતીજતી થઈ ત્યારે પ્રજાને સમજાયું કે આ રસ્તો એમના માટે કેટલો જોખમી નીવડશે. હેઠવાસના માણસો આવીને પહાડો પર કબજો જમાવી લે એવી એમને બીક લાગી. કંપની હવે કરાવેરા નાખશે એવી વાત પણ વહેતી થઈ. આ એમની સ્વાયત્તતા પર હુમલાની તૈયારી હતી. લોકોનો આવેશ જોઈને તીરથ સિંઘ પણ હવે અંગ્રેજોના પક્ષે રહી શકે તેમ નહોતું કારણ કે લોકો એના પર જ ખિજાયા હતા. તીરથ સિંઘે લોકોની સાથે રહેવાનો ફેંસલો કર્યો.
સ્કૉટ એ વખતે નોંખ્લાવમાં જ હતો. સિયેમની માને ‘સાહેબ’ માટે લાગણી હતી એટલે એણે સ્કૉટને તીરથ સિંઘની યોજના બતાવી દીધી. એ ત્યાંથી તરત ભાગી નીકળ્યો અને ચેરાપૂંજીમાં અંગ્રેજોના મિત્ર દીવાન સિંઘ રાજાના મહેલમાં પહોંચી ગયો.
૧૮૨૯ની ૪ ઍપ્રિલે તીરથ સિંઘની સરદારી નીચે પાંચસોનું ટોળું અંગ્રેજો રહેતા હતા ત્યાં એકઠું થયું. લેફ્ટેનન્ટ બેડિંગફીલ્ડ અને લેફ્ટેનન્ટ કર્નલ બર્ટનને બહાર બોલાવ્યા અને થોડી પૂછપરછ પછી બન્નેને મારી નાખ્યા. એ વખતે ત્યાં હિન્દુસ્તાની સિપાઈઓ પણ હતા. એમાંથી સાઠ ખાસીઓનાં તીરકામઠાંનો ભોગ બન્યા. બ્રિટિશ રાજમાં ભૂકંપ આવ્યો.
તરત જ નવા રસ્તેથી આસામ અને સિલ્હટથી કંપનીની સેના આવી પહોંચી. એમનાં આધુનિક હથિયારો સામે તીરકામઠાં નબળાં સાબિત થયાં અને ખાસીઓ હાર્યા. પરંતુ ગારો આદિવાસીઓ અને ઉત્તર આસામના લોકો ખાસીઓની પડખે રહ્યા અને અંગ્રીજો સાથે ખાસીઓની લડાઈ ચાર વર્ષ ચાલતી રહી.
ડેવિડ સ્કૉટે પાછળથી આ બળવા વિશે રિપોર્ટ આપ્યો તેમાં કબૂલ્યું કે વિદ્રોહીઓ અંગ્રેજી હકુમતને આસામ અને ઈશાન ભારતમાંથી હાંકી કાઢવા માગતા હતા.
આજે ખાસીના આ વીરોની કથા ઇતિહાસના કોઈ રઝળતા પાને મળી આવે તો ભલે.
000
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
-
પગદંડીનો પંથી – ભાગ ૧ – (૨૧) ઘણા કેસ એવાય જોવા મળે…
એક અજાણ્યા સર્જનની જિંદગીની વાતો

ડૉ.પુરુષોત્તમ મેવાડા,
એમ. એસ.ડૉ. પરેશને ઘણીવાર એવા પ્રસંગોનો અનુભવ પણ થયેલો, જ્યારે સમાજ, સંસ્કાર, કાયદો, વગેરેને લોકો ધોઈને પી જતા હોય!
એકવાર એક બાપ છોકરીને પેટમાં ગાંઠ છે કહીને ડૉક્ટરને બતાવવા આવ્યા. ડૉ. પરેશે તપાસ્યું તો ખબર પડી કે છોકરીને ત્રણ મહિનાથી વધારે માસિક નથી આવ્યું, અને એ પ્રૅગ્નન્ટ હતી. ડૉ. પરેશ ગાયનેકોલોજિસ્ટ ન હતો, એટલે રિફર કરવાની વાત કરી, બાપ-દીકરી તો બંને ચાલ્યા ગયાં. પછી એક દિવસ એ જ છોકરી અચાનક રસ્તામાં મળી ગઈ, ત્યારે તેને જે વાત કરી તેનાથી ડૉ. પરેશ હેબતાઈ ગયા. દીકરી ઉપર તેના જ બાપે રેપ કર્યો હતો!
અડધી રાતે ઇમર્જન્સીમાં એક ખૂબ દેખાવડો યુવક આવ્યો. કહ્યું કે ગુદાદ્વારમાં કંઈ ભરાઈ ગયું છે. ડૉ. પ્રકાશે તપાસ કરી તો ખબર પડી કે આ તો Vibrator છે, જે ઘણા લોકો વાપરતા હોય છે. દર્દીનું નસીબ સારું, કે નીચેથી જ આઠ ઇંચ લાંબુ એ સાધન ખેંચી કઢાયું, નહીં તો પેટ ચીરીને જ કાઢવું પડે એવું થઈ જાત! ડૉ. પરેશે ફક્ત ૧૦૦ રૂપિયા તપાસ ફી લીધી, વધારે કેમ ના લીધા એનો હવે અફસોસ કરી શું કરવું?
ઘણીવાર પુરુષો પોતાના સંતોષ માટે પોતાના અંગ ઉપર રિંગ કે એવું કશુંક ચઢાવી દેતા હોય છે, અને ઉન્માદની અવસ્થા પછી એ ના નીકળે તો દવાખાને જ આવવું પડે. ડૉ. પરેશને આવા કેટલાયે કેસનો અનુભવ થયો છે. સ્ત્રીઓ પણ આ રીતે ઘણી વસ્તુઓ પોતાના પ્રાઇવેટ ભાગમાં નાખી દીધા પછી નુકસાન થાય ત્યારે દવાખાને આવી હતી.
એકવાર એક બહેને પોતાના ૮૦ વર્ષના સાસુમાને મારી શકાય એવી દવા આપવાની વિનંતી કરેલી, બદલામાં ડૉક્ટર કહે એટલી ફી આપવાની તેમની તૈયારી હતી. ડૉ. પરેશે તેને ધમકાવીને પોલીસને ખબર આપવાની વાત કરીને ભગાડી મૂકી હતી.
ઘરની અને ઑફિસ કે કામની જગ્યાથી ખોટી-ખોટી તકલીફો ઊભી કરીને દવાખાને દાખલ થનારા કેસ તો ઘણા છે.
ખોટાં સર્ટિફિકેટ માગવા અને કંપનીએ નોકરોના ભલા માટે કરેલા Reimbursementના નિયમોનો ફાયદો ઉઠાવનારા ઘણા મળે છે. ડૉ. પરેશને એનો પણ ખરાબ અનુભવ થયો છે.
એક નજીકના ઓળખીતા ભાઈ મોટી જાણીતી કંપનીમાં નોકરી કરે. એકવાર ખૂબ જ બળજબરીથી, લાગણીથી છેતરીને તેઓ એક સર્ટિફિકેટ લઈ ગયા, જેમાં ડૉ. પરેશે લખેલું કે, “ભાઈની પત્નીને Cronic Cholecystis & Gall Stones છે, અને તેને જલદીથી ઑપરેશનની જરૂર છે, જે માટે આશરે રૂપિયા ૨૫૦૦૦નો ખર્ચ આવી શકે એમ છે.”
થોડા દિવસ પછી કંપનીના મેડિકલ ઑફિસરનો પત્ર આવ્યો, જેમાં ડૉ. પરેશને જણાવાયું હતું કે,
“આ ભાઈના પત્નીનું તમે લખેલું ઑપરેશન થઈ જ ગયું છે, પણ ચાર વર્ષ પહેલાં.”
ભાઈ તેમના પત્નીને સાથે લાવેલા નહીં, અને ખોટું બોલીને તેને ફસાવેલો!
આ જ રીતે LICના એક Agent દ્વારા તેને ફસાવાયો હતો. બન્યું એવું કે ડૉ. પરેશ LICના ડૉક્ટરોની પેનલ પર હતો. વીમો લેતાં પહેલાં વીમો લેનાર વ્યક્તિને લોહી-પેશાબની તપાસ અને જાત તપાસ કરીને સર્ટિફિકેટ આપવું પડે. ડૉ. પરેશનો મિત્ર જે LICનો એજન્ટ હતો તેણે વ્યક્તિને રજૂ કર્યા વગર ખૂબ જ ખાત્રી આપી, ડૉ. પરેશ પાસેથી સર્ટિફિકેટ ઉપર સહી કરાવી લીધી!
થોડાં અઠવાડિયાં પછી LIC ઑફિસમાંથી પત્ર આવ્યો, અને કહેવામાં આવ્યું કે
“… જે વ્યક્તિને ડાયાબીટિસ છે, High BP છે, અને ઉંમર ૬૦ વર્ષથી ઉપર છે, એવા દર્દીને તમે Normal તરીકે સર્ટિફિકેટ આપ્યું છે, આનો ખુલાસો કરવો.”
ડૉ. પરેશના મોતિયા મરી ગયા. સાચું જ કહેવું યોગ્ય લાગતાં પૂરી હકીકત લખી જવાબ આપ્યો, અને સાથે પેનલમાંથી રાજીનામું લખી આપ્યું!
આવા ઘણા અનુભવો ડૉ. પરેશને થયેલા, જેને કારણે મેડિકલ પ્રૅક્ટિસ પરથી તેનું મન ઊઠી ગયેલું. આબરૂ જાય એવું કામ કરાવવા માટે દબાણ કરાવનારા અંગત કે નજીકના ઓળખીતા જ હતા, જેમણે ક્યારેક ડૉ. પરેશને મદદ કરી હોય. એમણે એ મદદ ડૉ. પરેશને આવા કામ માટે ઉપયોગમાં લઈ શકાય એવું લાંબુ વિચારીને જ કરી હશે?
ડૉ.પુરુષોત્તમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
