એક અજાણ્યા સર્જનની જિંદગીની વાતો

ડૉ.પુરુષોત્તમ મેવાડા,
એમ. એસ.

ડૉ. પરેશને ઘણીવાર એવા પ્રસંગોનો અનુભવ પણ થયેલો, જ્યારે સમાજ, સંસ્કાર, કાયદો, વગેરેને લોકો ધોઈને પી જતા હોય!

એકવાર એક બાપ છોકરીને પેટમાં ગાંઠ છે કહીને ડૉક્ટરને બતાવવા આવ્યા. ડૉ. પરેશે તપાસ્યું તો ખબર પડી કે છોકરીને ત્રણ મહિનાથી વધારે માસિક નથી આવ્યું, અને એ પ્રૅગ્નન્ટ હતી. ડૉ. પરેશ ગાયનેકોલોજિસ્ટ ન હતો, એટલે રિફર કરવાની વાત કરી, બાપ-દીકરી તો બંને ચાલ્યા ગયાં. પછી એક દિવસ એ જ છોકરી અચાનક રસ્તામાં મળી ગઈ, ત્યારે તેને જે વાત કરી તેનાથી ડૉ. પરેશ હેબતાઈ ગયા. દીકરી ઉપર તેના જ બાપે રેપ કર્યો હતો!

અડધી રાતે ઇમર્જન્સીમાં એક ખૂબ દેખાવડો યુવક આવ્યો. કહ્યું કે ગુદાદ્વારમાં કંઈ ભરાઈ ગયું છે. ડૉ. પ્રકાશે તપાસ કરી તો ખબર પડી કે આ તો Vibrator છે, જે ઘણા લોકો વાપરતા હોય છે. દર્દીનું નસીબ સારું, કે નીચેથી જ આઠ ઇંચ લાંબુ એ સાધન ખેંચી કઢાયું, નહીં તો પેટ ચીરીને જ કાઢવું પડે એવું થઈ જાત! ડૉ. પરેશે ફક્ત ૧૦૦ રૂપિયા તપાસ ફી લીધી, વધારે કેમ ના લીધા એનો હવે અફસોસ કરી શું કરવું?

ઘણીવાર પુરુષો પોતાના સંતોષ માટે પોતાના અંગ ઉપર રિંગ કે એવું કશુંક ચઢાવી દેતા હોય છે, અને ઉન્માદની અવસ્થા પછી એ ના નીકળે તો દવાખાને જ આવવું પડે. ડૉ. પરેશને આવા કેટલાયે કેસનો અનુભવ થયો છે. સ્ત્રીઓ પણ આ રીતે ઘણી વસ્તુઓ પોતાના પ્રાઇવેટ ભાગમાં નાખી દીધા પછી નુકસાન થાય ત્યારે દવાખાને આવી હતી.

એકવાર એક બહેને પોતાના ૮૦ વર્ષના સાસુમાને મારી શકાય એવી દવા આપવાની વિનંતી કરેલી, બદલામાં ડૉક્ટર કહે એટલી ફી આપવાની તેમની તૈયારી હતી. ડૉ. પરેશે તેને ધમકાવીને પોલીસને ખબર આપવાની વાત કરીને ભગાડી મૂકી હતી.

ઘરની અને ઑફિસ કે કામની જગ્યાથી ખોટી-ખોટી તકલીફો ઊભી કરીને દવાખાને દાખલ થનારા કેસ તો ઘણા છે.

ખોટાં સર્ટિફિકેટ માગવા અને કંપનીએ નોકરોના ભલા માટે કરેલા Reimbursementના નિયમોનો ફાયદો ઉઠાવનારા ઘણા મળે છે. ડૉ. પરેશને એનો પણ ખરાબ અનુભવ થયો છે.

એક નજીકના ઓળખીતા ભાઈ મોટી જાણીતી કંપનીમાં નોકરી કરે. એકવાર ખૂબ જ બળજબરીથી, લાગણીથી છેતરીને તેઓ એક સર્ટિફિકેટ લઈ ગયા, જેમાં ડૉ. પરેશે લખેલું કે, “ભાઈની પત્નીને Cronic Cholecystis & Gall Stones છે, અને તેને જલદીથી ઑપરેશનની જરૂર છે, જે માટે આશરે રૂપિયા ૨૫૦૦૦નો ખર્ચ આવી શકે એમ છે.”

થોડા દિવસ પછી કંપનીના મેડિકલ ઑફિસરનો પત્ર આવ્યો, જેમાં ડૉ. પરેશને જણાવાયું હતું કે,

“આ ભાઈના પત્નીનું તમે લખેલું ઑપરેશન થઈ જ ગયું છે, પણ ચાર વર્ષ પહેલાં.”

ભાઈ તેમના પત્નીને સાથે લાવેલા નહીં, અને ખોટું બોલીને તેને ફસાવેલો!

આ જ રીતે LICના એક Agent દ્વારા તેને ફસાવાયો હતો. બન્યું એવું કે ડૉ. પરેશ LICના ડૉક્ટરોની પેનલ પર હતો. વીમો લેતાં પહેલાં વીમો લેનાર વ્યક્તિને લોહી-પેશાબની તપાસ અને જાત તપાસ કરીને સર્ટિફિકેટ આપવું પડે. ડૉ. પરેશનો મિત્ર જે LICનો એજન્ટ હતો તેણે વ્યક્તિને રજૂ કર્યા વગર ખૂબ જ ખાત્રી આપી, ડૉ. પરેશ પાસેથી સર્ટિફિકેટ ઉપર સહી કરાવી લીધી!

થોડાં અઠવાડિયાં પછી LIC ઑફિસમાંથી પત્ર આવ્યો, અને કહેવામાં આવ્યું કે

“… જે વ્યક્તિને ડાયાબીટિસ છે, High BP છે, અને ઉંમર ૬૦ વર્ષથી ઉપર છે, એવા દર્દીને તમે Normal તરીકે સર્ટિફિકેટ આપ્યું છે, આનો ખુલાસો કરવો.”

ડૉ. પરેશના મોતિયા મરી ગયા. સાચું જ કહેવું યોગ્ય લાગતાં પૂરી હકીકત લખી જવાબ આપ્યો, અને સાથે પેનલમાંથી રાજીનામું લખી આપ્યું!

આવા ઘણા અનુભવો ડૉ. પરેશને થયેલા, જેને કારણે મેડિકલ પ્રૅક્ટિસ પરથી તેનું મન ઊઠી ગયેલું. આબરૂ જાય એવું કામ કરાવવા માટે દબાણ કરાવનારા અંગત કે નજીકના ઓળખીતા જ હતા, જેમણે ક્યારેક ડૉ. પરેશને મદદ કરી હોય. એમણે એ મદદ ડૉ. પરેશને આવા કામ માટે ઉપયોગમાં લઈ શકાય એવું લાંબુ વિચારીને જ કરી હશે?


ડૉ.પુરુષોત્તમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.