પારુલ ખખ્ખર
તારા ગયા પછીની વાત તો મેં પન્નાઓ ભરીભરીને લખી છે અને સાચું કહું તો ત્યાર પછી જ થોડી સ્વસ્થ થઈ છું.પરંતુ હજુયે ઘણી વાર રાત્રે ઊંઘમાંથી ઝબકીને જાગી જઉં છું અને પછી સવાર સુધી ઊંઘી જ નથી શકતી.વિચારતી રહું કે મારા ગયા પછી તારા જીવનમાં કશી ઉથલપાથલ થઈ હશે ? કોઈ નાનો અમથો ઉઝરડો યે પડ્યો હશે? ઇન્જેક્શનની સોય વાગે એવો જરાક અમથો ચટકો કે જીણકી એવી પીડા જેવું કશું અનુભવાયું હશે? આમ તો તને જેટલો ઓળખ્યો છે એ જોતા લાગે છે કે કદાચ થયું હશે ડાબી તરફની પાંસળીમાં થોડું કણસાટ જેવું પરંતુ એ વાત તે તારા આખાયે અસ્તિત્વથી છૂપાવી હશે. તે તને જ ખબર નહીં પડવા દીધી હોય કે તને કોઈ પીડા થઈ છે,તને પણ ખાલિપો અનુભવાય છે, તને પણ ધક્કો લાગ્યો છે અને તું પણ અંદરથી તૂટ્યોછે. તે તારી આસપાસ મજબુત દિવાલો ચણી લીધી છે અને એ સંવેદનપ્રૂફ છે તેથી મારા ગયા પછીનું દર્દ એ દિવાલોની પાર જઈ શક્યું છે કે નહીં એ હું નથી જાણતી.તે શું અનુભવ્યું, તે કશું અનુભવ્યું પણ છે કે નહીં એ હું નથી જાણતી કે નથી મને એવી કોઈ પરવા. મારે તો આ અવસાદની ચુંગલમાંથી બહાર નીકળવું છે અને એટલે જ આ ‘મારા પછી’ની લેખમાળા.
મારાથી અલગ થવું એ કદાચ નિયતિ હતી અને એ નિયતિને તે મક્કમ બનીને સ્વીકારી લીધી.ત્રણસોને પાંસઠ દિવસોમાં એક વસમો દિવસ ઊગીને આથમી ગયો બસ… ત્યારથી દિવસ ઊગે છે..રાત થાય છે અને તો યે બધુ જ સ્થગિત છે તારા જીવનમાં. રોજ સવારે અગિયારનો કાંટો બતાવતી ઘડિયાળ તને મારો નંબર ડાયલ કરવા પ્રેરતી હશે અને તું ઘડિયાળ કાઢીને તારા મસમોટા ટેબલનાં ખાનામાં મૂકી દેતો હશે. ટેબલની ડાબી તરફની ખુરશી પર જ્યાં હું એકવાર બેઠી હતી, ત્યાંથી પસાર થતી વખતે એક નાનકડી ઠેસ વાગતી હશે અને તું એ ખુરશીનો આધાર લઈને ઊભો રહી જતો હશે. કોઈ અજાણી સુગંધ તને ઘેરી વળતી હશે અને તું એમાંથી બહાર નીકળવા હવાતિયાં મારતો હશે.
એ સાંજ પછી તું દર મહિને એ જ તારીખે એ બગીચામાં જઈને એ જ બાંકડા પર બેસતો હશે.એ જ વૃક્ષ, એ જ સુગંધ અને એ જ વિષાદભર્યો અંધકાર તને ઘેરી વળતો હશે.તું ફરી એકવાર ભાંગી પડતો હશે અને થાકેલી ચાલે ઘરે આવતો હશે. લોથપોથ થઈને બેઠેલો જોઈ રસોડામાંથી પ્રશ્ન પૂછાતો હશે ‘કેમ થાકી ગયા? ક્યાંય દૂર ગયા હતા?’ અને તું મનોમન જવાબ આપતો હશે ‘હા…ઘણે દૂર ગયો હતો થાક તો લાગે ને’ બોલ્યા પછી તું વિચારતો હશે કે ‘જતી વખતે થાક ન લાગ્યો એનો અર્થ એ કે થાક તો પાછા વળ્યાનો છે.’
તું તારીખોનો માણસ…તું આંકડાઓનો માણસ.તું હિસાબોનો માણસ…તું ગણતરીનો માણસ.તે મારી સાથેની એ તમામ ઘટનાઓ તારીખ-વાર-સમય સાથે મનનાં કોઈ ખૂણામાં સાચવી રાખી હશે ને! એટલે જ તો આપણા છુટા પડ્યાના દિવસે તે બીજું પણ ઘણું છોડી દીધું. ઘર છોડ્યું, નોકરી છોડી, શહેર છોડ્યું અને ન જાણે શું શું! સામાન બાંધતી વખતે તે એ શહેર સાથે જોડાયેલી તમામ યાદગીરીઓને ત્યાં જ રહેવા દીધી હશે ને! તે એ તમામ ક્ષણોને તારા પરથી ખંખેરી નાંખી હશે ને! જેમ અંતરિયાળ ગામડે ખુલ્લી જીપમાં જઈ આવ્યા પછી કોઈ પોતાના મોંઘાદાટ બ્લેઝર પરથી ધુળ ખંખેરે અદ્દલ એમ!
રોજ સવારે તારા ફેસબૂક એકાઉન્ટમાં સૌથી પહેલાં તું મેમરીઝ જોતો હશે. એ વહી ગયેલા સમયને યાદ કરાવતી કેટલીયે પોસ્ટ તારી આંખ સામે તાંડવ કરવા લાગતી હશે.તું તારી પોસ્ટમાંથી મારી કોમેન્ટ શોધ્યા કરતો હશે અને એ સાથે જ કેટલું બધુ જડી આવતું હશે નહીં? હવે મારા જન્મદિવસે તને નોટિફિકેશન નહીં આવતું હોય ને તે છતાં તને એ તારીખ યાદ જ હશે.તું આગલા વર્ષે મોકલેલા ટેક્સ્ટ મેસેજને ફોરવર્ડ કરી દેતો હશે. તારે ઘણુ બધુ લખવું હોય પરંતુ શું લખી શકે? ક્યાં લખે? કેવી રીતે મારા સુધી પહોંચાડે? તે કેટલાયે મેઇલ મને સેન્ડ કર્યા વગર જ ડીલીટ કર્યા હશે. કેટકેટલી વાતો મારી સાથે શેર કરવા તું અધીરો થતો હશે અને એ વાતો અંતે ફેસબૂકની પબ્લિક પોસ્ટમાં મૂકીને મન મનાવી લેતો હશે. અને પછી એ પોસ્ટ પરની લાઇકમાં એક અંગુઠો મારા નામનો પણ શોધ્યા કરતો હશે.મારું પ્રોફાઇલ પિક્ચર જોઈ મનોમન કેટલીયે ટિપ્પણીઓ કરી નાંખતો હશે.’આ કલર સારો નથી લાગતો, આમ પોઝ ન અપાય, આવી જગ્યાએ જઈને ફોટો ન પડાવાય, આવું કેપ્શન ન મૂકાય’ વગેરે વગેરે. તું ફરી એક વખત મેં આપેલો પાસવર્ડ નાંખી મારું એકાઉન્ટ ખોલવાનો પ્રયાસ કરી બેસતો હશે.તારા આશ્ચર્ય વચ્ચે એકાઉન્ટ ખુલી જતું હશે અને તું પરકાયા પ્રવેશ કરીને મારી ટાઇમલાઇનની સફરે નીકળી પડતો હશે. જેમ અત્યારે હું તારામાં પ્રવેશીને તારી સંવેદનાની સફરે નીકળી છું એમ જ!
વરસાદી રાતોની ભેજભરી ઠંડક તને ડરાવતી હશે. એ કાળી ડિબાંગ રાતનાં હલ્લાથી બચવા તું કોઈ પુસ્તક હાથમાં લઈ એમાં ગળાડૂબ ખૂંપી જતો હશે. આસપાસ સૂતેલા દરેક ચહેરામાં તને મારો ચહેરો દેખાવા લાગતો હશે, પુસ્તકના દરેક અક્ષરમાં તને મારા અક્ષરો દેખાતા હશે.અને તું થાકીને ઘેનની દવા પીને સૂઇ જતો હશે. મારા ગયા પછી તે તારું આખું ટાઇમ ટેબલ જ બદલી કાઢ્યું હશે.’સમયના એકપણ ટુકડાને ખાલી નહીં પડવા દેવાનો. કારણકે આ ખાલીખમ્મ ટુકડાઓ જ જીવવા નથી દેતાં હોતાં.દરેક ક્ષણને કામથી ભરી દેવાની જેથી કોઈ યાદ આવી જ ન શકે.આ દુનિયામાં કેટલાં બધા કામ છે! કોઈનું સ્મરણ કંઈ એટલું બળુકું ન હોઈ શકે કે ભારેખમ ફાઈલોનાં થપ્પાને અતિક્રમીને આપણા સુધી પહોંચી શકે!’- આમ વિચારતો તું તારી જાતને કામનાં એવા કૂવામાં ધકેલી દેતો હશે જ્યાં મારા સ્મરણનું એક કિરણ સુદ્ધા ન પ્રવેશી શકે.તું જાણે છે કે આ ઉકેલ નથી માત્ર પલાયનવાદ જ છે. પાંસળીની સાવ નજીક રહેતી, દરેક શ્વાસમાં ધબકતી, આંખ બંધ થતાં જ દેખાવા લાગતી કોઈ વ્યક્તિને આમ ભૂલાવી દેવી શક્ય નથી.પરંતુ તારી પથરીલી મક્કમતા તારી વહારે ચડતી હશે અને એ અંધારિયા કૂવામાં તું ટકી જતો હશે.’કોઈ ચાલ્યું જાય તો અટકી પડેલાં કેટલાં બધા કામ થવા લાગે’ એમ જાતને આશ્વાસન આપી ગુમાવેલા સમયનો સરવાળો કરી બમણાં જોશથી એ ખોટને સરભર કરવા લાગી પડતો હોઈશ.
તું એ રસ્તા પરથી રોજ પસાર થતો હોઈશ જ્યાં કોઈ કેસરિયો દુપટ્ટો લહેરાયો હતો, જ્યાં બેસીને મેંગો આઇસક્રીમ ખવાયો હતો, જ્યાંથી એક મધમીઠી શરુઆત થઈ હતી, જ્યાં કોઈ બળબળતી બપ્પોરે શીળી છાંય જેવો સંબંધ કોળાયો હતો.એ રસ્તા પર જતાં આવતાં આખી ‘સજનવા’ સિરિઝ રીપીટ મોડમાં ચાલતી હશે.કોઈ ગુલમોરની વચ્ચેથી મારું મોં દેખાઈ જતું હશે, કોઈ ગરમાળા પાછળથી હું દોડીને આવી જઈશ એવો આભાસ થતો હશે અને તું ડ્રાઈવરને ગાડી સ્પીડમાં ચલાવવાનો હુકમ આપી બેસતો હોઈશ.તારે ભાગી છૂટવું હશે એ રસ્તા પરથી અને તોયે એ જ રસ્તા પરથી પસાર થવું એ તારી નિયતિ હશે. જે રસ્તો સવાર-સાંજ તને મારી હાજરીનો અહેસાસ અપાવતો હશે, જે રસ્તા પર ક્યારેય ન જવાના સોગંદ લીધા હશે એ જ રસ્તો તારા નસીબમાં કોઈ છુંદણાંની જેમ ત્રોફાઈ ગયો છે. હવે તું કશું ન કરી શકે, ન ભાગી શકે કે ન રહી શકે.
***
પ્રિય. હું જાણું છું આવું કશુંજ નહીં થયું હોય.આ દરેક ઘટના મારા મનની ઉપજ છે.પરંતુ આ એક એવો મલમ છે કે જે લગાડ્યા પછી જરા ઠંડક વળે છે બાકી હું જાણું છું કે આમાં ઘાવને રુઝવવાની કોઈ ઔષધી નથી.આ મારું પોતીકું આંગણું છે. મારું સાવ અંગત આ વિશ્વ છે. તારા સિવાય આ મનોઘટનાઓ કોણ સંવેદી શકે? એ ખબર છે કે આમાંનું કશું જ તારા સુધી પહોંચવાનું નથી અને તેમ છતાં લખતી રહીશ. માણસ માટે હળવા થવું ય જરુરી હોય છે ને!
સુશ્રી પારુલ ખખ્ખરનો સંપર્ક parul.khakhar@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
“માણસ માટે હળવા થવું ય જરુરી હોય છે ને!” હા તમારી વાત તો સાચી. હવે એ સ્મરણયાત્રા સિવાય બીજો ઉપાય શો? સરસ, વાંચવાની મજા આવી.
LikeLike