દીપક ધોળકિયા

ખાસી પર્વતીય પ્રદેશ મેઘાલય રાજ્યની ખાસી-ગારો-જૈંતિયા પર્વતમાળાનો એક ભાગ છે. અંગ્રેજોની જોહુકમી સામે ૧૮૨૮માં ખાસી જાતિના રાજા અને પ્રજા  ભડકી ઊઠ્યાં. પરંતુ આ સમજવા માટે આપણે પહેલાં આસામનો ૬૦૦ વર્ષનો ઇતિહાસ જોવો પડશે, આપણે એના પર એક ઊડતી નજર નાખીએ.

ઈ. સ. ૧૨૨૮માં ચીનના મોંગ માઓ પ્રાંતમાંથી સુકફ્ફા નામનો તાઈ ભાષી શાસક આવ્યો અને બ્રહ્મપુત્ર ખીણ પ્રદેશ કબ્જે કરી લીધો. એ અહોમ જાતિનો હતો. તાઈ ભાષીઓ ચીનથી માંડીને અગ્નિ એશિયાના થાઈલૅંડ, વિયેતનામ વગેરે ઘણા દેશોમાં છે પણ એમની જાતિઓ જુદી છે, માત્ર ભાષા  એકસમાન છે. સુકપ્પા પછીના રાજાઓના સમયમાં બ્રહ્મપુત્ર ખીણનું અહોમીકરણ શરૂ થયું. એટલે એ પ્રદેશમાં જે કોઈ રહેવા આવ્યા તે બધા  અહોમ કહેવાયા. અહોમ રાજ્ય ૬૦૦ વર્ષ ટક્યું એમાં ઘણી જાતની અસરો પણ ભળી. હિંદુઓ પણ ત્યાં જઈને વસ્યા અને ધીમે ધીમે ત્યાં વૈદિક સંસ્કૃતિ પણ ફેલાઈ.

લોકોમાં ઘણા વર્ગો હતા અને અહોમ રાજ્ય પાઇકાઓને ભરોસે ચાલતું હતું. પાઇકા આમ તો ખેડૂત કે કારીગર હતા પણ એમને વર્ષમાં ત્રણ મહિના રાજ્યની વેઠ કરવી પડતી. આવા ગરીબ વર્ગોમાં વૈષ્ણવ ધર્મ ફેલાયો. શંકર દેવનો એમાં મોટો ફાળો રહ્યો. વૈષ્ણવોએ ઘણાં સત્રો (આશ્રમો) સ્થાપ્યાં. ખેડૂતો અને મજૂરો માટે આ સત્રો એકઠા થવાનાં સ્થાન બની ગયાં.

૧૭૬૯માં મૂળ અહોમ  લઘુમતીમાં હતા પરંતુ રાજ્ય એમના હાથમાં હતું.  રાજ્યની સ્થિતિ કથળવા લાગી હતી એટલે વેઠ ત્રણ મહિનાને બદલે ચાર મહિનાની શરૂ થઈ. સત્રોના અનુયાયી ખેડૂતો અને કારીગરોમાં આ કારણે અસંતોષ ફેલાયો.  બળતામાં ઘી હોમવાનું કામ મોઆમાર સત્રે કર્યુ. આ મોઆમારિયા વિદ્રોહ તરીકે ઓળખાય છે.

અહોમ વંશ નબળો પડી ગયો હતો. અહોમ રાજા પુરંદર સિંઘાએ વિદ્રોહને દબાવી દેવા ઇસ્ટ ઇંડિયા કંપનીની મદદ માગી. કંપની માટે ભાવતું’તું ને વૈદે બતાવ્યા જેવું થયું. કંપનીના અધુનિક સૈન્યે મોઆમારિયાનો બળવો તો દબાવી દીધો પણ બકરું કાઢતાં ઊંટ પેસી જેવા જેવી હાલત પેદા થઈ. અંગ્રેજોએ હવે પોતાનો પગદંડો જમાવી લીધો. અમુક પ્રદેશ પણ એમને મળી ગયો.

આસામની આ સ્થિતિનો લાભ લઈને બર્માએ ૧૮૨૪માં આસામ પર હુમલો કર્યો. એ વખતે અંગ્રેજી ફોજે એનો મરણિયો મુકાબલો કરીને બર્માને હાર આપી. આથી કંપનીનું સ્થાન વધુ મજબૂત બન્યું હવે એણે રોજના રાજકાજમાં પણ માથું મારવાનું શરૂ કરી દીધું. ૧૮૨૮ સુધીમાં અહોમ રાજાની બધી સત્તા કંપનીએ સંભાળી લીધી.  રાજાના વિશ્ષાધિકારો પણ લઈ લીધા.

રાજા ગામાધાર કોંવર અને એના સાથી ગિરિધર બોરગોહાઈંએ અંગ્રેજોને હાંકી કાઢવાનું નક્કી કર્યું. જોરહટમાં ગોમાધરનો અહોમ રાજા તરીકે પરંપરાગત રીતે રાજ્યાભિષેક થયો. તે પછી ગોમાધર કંઈ કરે તે પહેલાં કંપનીને ખબર મળ્યા. તરત જ અંગ્રેજોની ફોજ આવી પહોંચી, ગોમાધર નાગા પહાડીઓમાં ભાગી ગયો. થોડા વખત પછી કંપનીએ એને પકડી લીધો અને  મોતની સજા કરી પણ પછી  સજા રદ કરીને ને કોઈ અજાણ્યા સ્થળે મોકલી દીધો. એનું મૃત્યુ કેમ થયું તે પણ કોઈને જાણવા નથી મળ્યું.

આટલી પૂર્વભૂમિકા પછી આપણે ખાસી પર્વતીય પ્રદેશમાં થયેલા બળવા વિશે વાત કરીએ. આપણે જોયું કે અંગ્રેજોને રાજાએ સ્થાનિકનો બળવો દબાવી દેવા બોલાવ્યા તેની ભારી કિંમત રાજાએ પોતે જ ચૂકવી. હવે કંપનીના એજન્ટ ડેવિડ સ્કૉટની આણ પ્રવર્તતી હતી.

સ્કૉટને વિચાર આવ્યો કે બંગાળ પ્રાંત સાથે આસામને સાંકળી લેવા માટે આસામથી સિલ્હટ સુધી રસ્તો બનાવવો જોઈએ. એની યોજના પ્રમાણે આ રસ્તો ખાસીના પહાડી પ્રદેશમાંથી પસાર થતો હતો. નોંખ્લાવમાંથી આ રસ્તો  નીકળવાનો હતો એટલે એણે પહેલાં તો નોંખ્લાવના સિયેમ (એટલે કે મુખ્ય સરદાર) ને મનાવી લેવાની કોશિશ કરી. એ આસામથી પાલખી વગેરે ભેટસોગાદો લઈને એ સિયેમ  તીરથ સિંઘ (તિરુત સિંઘ)ને મળ્યો અને એને મનાવી લીધો અને રસ્તો બની ગયો.

એ રસ્તેથી થઈને બ્રિટિશ ફોજની ટુકડીઓ આસામ અને બંગાળ વચ્ચે આવતીજતી થઈ ત્યારે પ્રજાને સમજાયું કે આ રસ્તો  એમના માટે કેટલો જોખમી નીવડશે.  હેઠવાસના માણસો આવીને પહાડો પર કબજો જમાવી લે એવી એમને બીક લાગી. કંપની હવે કરાવેરા નાખશે એવી વાત પણ વહેતી થઈ.  આ એમની સ્વાયત્તતા પર હુમલાની તૈયારી હતી. લોકોનો આવેશ જોઈને તીરથ સિંઘ પણ હવે અંગ્રેજોના પક્ષે રહી શકે તેમ નહોતું કારણ કે લોકો એના પર જ ખિજાયા હતા. તીરથ સિંઘે લોકોની સાથે રહેવાનો ફેંસલો કર્યો.

સ્કૉટ એ વખતે નોંખ્લાવમાં જ હતો.  સિયેમની માને ‘સાહેબ’ માટે લાગણી હતી એટલે એણે સ્કૉટને તીરથ સિંઘની યોજના બતાવી દીધી. એ ત્યાંથી તરત ભાગી નીકળ્યો અને ચેરાપૂંજીમાં અંગ્રેજોના મિત્ર દીવાન સિંઘ રાજાના મહેલમાં પહોંચી ગયો.

૧૮૨૯ની ૪ ઍપ્રિલે તીરથ સિંઘની સરદારી નીચે પાંચસોનું ટોળું અંગ્રેજો રહેતા હતા ત્યાં એકઠું થયું.  લેફ્ટેનન્ટ બેડિંગફીલ્ડ અને લેફ્ટેનન્ટ કર્નલ બર્ટનને બહાર બોલાવ્યા અને થોડી પૂછપરછ પછી બન્નેને મારી નાખ્યા. એ વખતે ત્યાં હિન્દુસ્તાની સિપાઈઓ પણ હતા. એમાંથી સાઠ  ખાસીઓનાં તીરકામઠાંનો ભોગ બન્યા. બ્રિટિશ રાજમાં ભૂકંપ આવ્યો.

તરત જ નવા રસ્તેથી આસામ અને સિલ્હટથી કંપનીની સેના આવી પહોંચી. એમનાં આધુનિક હથિયારો સામે તીરકામઠાં નબળાં સાબિત થયાં અને ખાસીઓ હાર્યા. પરંતુ ગારો આદિવાસીઓ અને ઉત્તર આસામના લોકો ખાસીઓની પડખે રહ્યા અને અંગ્રીજો સાથે ખાસીઓની લડાઈ ચાર વર્ષ ચાલતી રહી.

ડેવિડ સ્કૉટે પાછળથી આ બળવા વિશે રિપોર્ટ આપ્યો તેમાં કબૂલ્યું કે વિદ્રોહીઓ અંગ્રેજી હકુમતને આસામ અને ઈશાન ભારતમાંથી હાંકી કાઢવા માગતા હતા.

આજે ખાસીના આ વીરોની કથા ઇતિહાસના કોઈ રઝળતા પાને મળી આવે તો ભલે.

000

દીપક ધોળકિયા

વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

બ્લૉગ સરનામું: મારી બારી