-
પોસ્ટમાસ્ટર
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
નોકરી લાગતાં જ કલકત્તાના પોસ્ટમાસ્ટરને ઓલાપુર ગામ આવવાનું નિશ્ચિત થઈ ગયું. સાધારણ, નાનું અમસ્તું ગામ, જ્યાં નીહલે સાહેબે અનેક પ્રયત્નો બાદ ટપાલ-કચેરી ખોલાવી હતી. કલકત્તામાં રહેતા પોસ્ટમાસ્ટરની દશા ઊંડા પાણીમાં રહેતી માછલીને રેતીના પટ પર મૂકી દો એવી હતી. અંધિયાર જેવી જગ્યા, નજીકમાં પાણી ભરેલું તળાવ, ચારેકોર જંગલ અને એની વચ્ચે આ પોસ્ટઑફિસ. હા, નજીકમાં આ નિહલે સાહેબની કોઠી ખરી, પણ આ કોઠીમાં ગુમાસ્તાથી માંડીને કોઈ એવું હતું નહીં કે, જેમની સાથે હળીમળીને એ રાજી રહી શકે. આમ પણ કલકત્તા રહેતી વ્યક્તિ આવી જગ્યાએ આવીને થોડી અક્કડ બની રહે ક્યાં તો અંતર્મુખ બની જાય. કામ અહીં ઝાઝું હોય નહીં વળી સ્થાનિક લોકો સાથે આ કલકત્તી બાબુઓનો તાલમેલ ઓછો બેસે એટલે અંતે બે-ચાર કવિતાઓ લખીને સમય પસાર કરે.
કવિતાઓમાં ભાવ તો એવા હોય જાણે અહીંના ઝાડ-પાન, કૂંપળોનું કંપન, આકાશમાં ઘેરાયેલાં વાદળ જોઈને જીવનમાં સુખ જ સુખ હોય. માત્ર એ પોતે કે અંતર્યામી જ જાણે છે કે, કોઈ દેવદૂત આવીને આ ઝાડ-પાન કાપીને પાકી સડક બનાવે દે, મોટી મોટી ઈમારતો બનાવી દે તો આ અધમૂઆ લોકોમાં જાન આવી જાય.
પોસ્ટમાસ્ટરનો પગાર નજીવો હતો. જાતે ખાવાનું બનાવવાનું. હા, ગામમાં રહેતી રતન નામની બાર-તેર વર્ષની અનાથ છોકરી કામ કરી જતી. અને બદલામાં બે સમયનું ખાવાનું એને અહીં મળી જતું. રતનના વિવાહની ચિંતા કરે એવું કોઈ સ્વજન હતું નહીં.
સાંજ પડે ગૌશાળાની ગાયો જંપી જતી, પાસેની ઝાડીઓમાંથી તમરાંના અવાજ સંભળાવાં માંડે, દૂરથી ગામના નશાબાજ ગવૈયાઓની ટોળીના મૃદંગ-કરતાલનો અવાજ સંભળાય ત્યારે આ એકલા પડેલા કવિનું હ્રદય ધડકી ઊઠે અને કવિતા રચાઈ જતી.
ખૂણામાં દીવો પ્રગટાવીને, બારણે બેઠેલી રતન બાબુ એને કોઈ કામ બતાવે એની રાહ જોતી.
ક્યારેક કુતૂહલવશ બાબુ રતનને એના મા-બાપ વિશે પૂછી લેતા. રતનને મા કરતાં, મહેનત-મજૂરી કરીને ઘરે આવતા પિતા એને વધુ પ્રેમ કરતા એટલું યાદ આવતું. ક્યારેક નાના ભાઈની યાદ આવતી. બંને ભાઈ-બહેન મળીને ખોટી ખોટી માછલી પકડવાની રમત રમતાં એવું યાદ આવતું. ક્યારેક પોસ્ટમાસ્ટર પોતાના ઘરની વાત આ અનપઢ છોકરી સાથે કરી લેતા. બાબુની વાતો સાંભળીને રતન એમના ઘરનું, એમની મા, દીદી, દાદાનું કાલ્પનિક ચિત્ર મનમાં અંકિત કરતી. વાતોવાતોમાં રાત પડતી અને રતન બે-ચાર રોટલા ઘડી લેતી. સવારના વધેલાં શાકભાજી સાથે બંને જણ જમી લેતાં.
એક દિવસ વરસાદથી ઘેરાયેલા વાતાવરણમાં ઉનાળાની ગરમીમાં શાતા આપે એવો પવન વહેતો હતો. વરસાદના છાંટણાંથી ભીના થયેલાં ઝાડપાન અને ઘાસમાંથી ભીની સુગંધ આવતી હતી. એક જીદ્દી પંખી પ્રકૃતિ સામે પોતાની ફરીયાદ લઈને કરુણ સ્વરમાં આલાપી રહ્યું હતું. જાણે કહી રહ્યું હતું, “કાશ આવા સમયે સાથે કોઈ તો હોય જેને આપણું કહી શકીએ.” પોસ્ટમાસ્ટરને એવું લાગતું હતું કે એ પંખી એમના જ હ્રદયના ભાવ વ્યકત કરી રહ્યું છે.
મનમાં ચાલતાં વિચારોને હડસેલવા કશુંક વિચારીને રતનને બૂમ મારી. “રતન, આજથી હું તને ભણાવીશ.” અને બસ એ દિવસથી રતનનું ભણાવવાનું શરૂ થઈ ગયું. ક, ખ. ગ થી શરૂ કરીને જોડાક્ષર સુધી રતન શીખી.
ઉનાળાની કાળઝાળ ગરમીના દિવસો પસાર થઈ ગયા. હવે શરૂ થઈ હતી, અનરાધાર વરસતા વરસાદની મોસમ. નદીનાળાં, તળાવ અને સરોવર સુદ્ધાં પાણીથી છલોછલ થઈ ગયા હતા. દિવસ-રાત વરસતા વરસાદનો રિમઝિમ અવાજ, દેડકાંઓની ડ્રાઉં-ડ્રાંઉથી વાતાવરણમાં એક જાતનો ગુંજારવ સંભળાતો. ગામના કાચા રસ્તાઓ પર આવનજાવન બંધ થઈ ગઈ હતી, પણ રતન તો રાબેતા મુજબ પોસ્ટમાસ્ટરની સેવામાં હાજર રહેતી.
એ દિવસે પોસ્ટમાસ્ટરની તબીયત જરા નરમ હતી. એક તો વાતાવરણ એવું અને સાધારણ બીમારી, એના લીધે પોસ્ટમાસ્ટને જરા વધુ બેચેની લાગતી હતી. જાણે પાસે કોઈ હોય તો સારું એવો વિચાર મનમાં આવ્યો. માથે ચઢેલી ગરમી પર કોઈના મુલાયમ હાથના શીતળ સ્પર્શથી થોડી શાતા થાય એવું પોસ્ટમાસ્ટરને લાગી રહ્યું હતું. બાજુમાં મમતામયી મા કે સ્નેહાળ ભગિની બેઠી હોય એવી ઝંખના પોસ્ટમાસ્ટરના મનમાં જાગી. પણ દેશથી દૂર આવી ઝંખનાની તૃપ્તિ ન હોય એવું તો પોસ્ટમાસ્ટર સમજતા હતા. એમણે રતનને બોલાવી અને માથે હાથ મૂકી તાવની ગરમી કેટલી છે એ જોવા કહ્યું. રતન તો બાલિકામાંથી સીધી જાણે પોસ્ટમાસ્ટરની જનેતા બની ગઈ. એ વૈદને બોલાવી આવી. આખી રાત જાગીને પોસ્ટમાસ્ટરની પથારી પાસે બેસીને સમયસર દવા આપતી રહી. સવારે નાસ્તો બનાવી લાવી.
દિવસો સુધી પોસ્ટમાસ્ટર શરીરની કમજોરીને લઈને માંડ ઊભા થઈ શક્યા. થાકીને, કંટાળીને એક નિર્ણય લીધો અને આ ગામમાંથી બદલી માંગી લીધી. પાછા કલકત્તા જવા અરજી મોકલી દીધી. રતન દાદા એને કામ માટે બોલાવે એની અને પોસ્ટમાસ્ટર એમની અરજીના જવાબની પ્રતીક્ષા કર્યા કરતા. અંતે એમની પ્રતીક્ષાનો અંત આવ્યો ખરો પણ એમની બદલીની અરજી નામંજૂર થઈ હતી. નાસીપાસ થયેલા પોસ્ટમાસ્ટરે રાજીનામું આપવાનો નિર્ણય કરી લીધો. અહીંથી જવાની માનસિક તૈયારીઓ આદરી.
પોસ્ટમાસ્ટરની બીમારીના આ બધા દિવસોમાં રતન એણે શીખેલા પાઠ ભૂલી ન જાય એના માટે સેંકડો વાર પાઠ વાંચ્યા જ કરતી. ઘણાં સમય પછી આજે ફરી એકવાર પોસ્ટમાસ્ટરે રતનને બોલાવી. રતન રાજી થઈ. પોસ્ટમાસ્ટર અહીંથી જઈ રહ્યા છે એની રતનને જાણ થતાં અને દાદા ક્યારેય પાછા નથી આવવાના એ જાણીને રતન સ્તબ્ધ થઈ ગઈ. એ રાત ઘેરી નિસ્તબ્ધતામાં પસાર થતી રહી. એક ખૂણામાં નાનકડો દીવો ટમટમતો રહ્યો. નાનકડી પર્ણકુટીની ઘસાઈ ગયેલી છાપરીમાંથી ટપકતું પાણી નીચે મુકેલાં માટીનાં શકોરામાં ટપ-ટપ ટપકતું રહ્યું.
બીજા દિવસે રતન પાછી કામે તો લાગી પણ એના કામમાં, એની ચાલમાં પહેલાં જેવી સ્ફૂર્તિ નહોતી. મધ્યાન ભોજન પછી રતને પોસ્ટમાસ્ટરદાદાને પૂછ્યું, “દાદા, મને તમારા ઘરે લઈ જશો?”
પોસ્ટમાસ્ટર હસ્યા,” એ કેવી રીતે શક્ય બને?”
કેમ નહીં લઈ જઈ શકે એના કારણો બતાવવાની એમને જરૂર ન લાગી. રતન વધુ કંઈ પૂછી ન શકી, પણ આખો દિવસ અને રાત પોસ્ટમાસ્ટરના હાસ્યનો એ અવાજ એના કાનમાં ઠહાકા મારતો રહ્યો. રતને પોસ્ટમાસ્ટરના જવાની તૈયારી આદરી દીધી.
“રતન, હું જઈશ પણ તું ચિંતા ના કરતી. મારી જગ્યાએ જે પોસ્ટમાસ્ટર આવશે એમને હું કહી રાખીશ કે તને એ મારી જેમ જતનથી જાળવે.”
આ વખતે ખરેખર પોસ્ટમાસ્ટરના અવાજમાં કરુણા છલકતી હતી. રતને અસંખ્ય વાર માલિકનો ઠપકો સહન કરી લીધો હતો પણ આજે મૃદુ અવાજે કહેલી વાત સહન કરવી એને વસમી લાગી. અચાનક એ રડી પડી.
“નહીં દાદા, તમારે કોઈને કશું કહેવાની જરૂર નથી. હું જ હવે અહીં રહેવા માંગતી નથી.”
પોસ્ટમાસ્ટરે ક્યારેય રતનનું આ સ્વરૂપ જોયું, જાણ્યું નહોતું. એ વિસ્મય પામી ગયા. નવા પોસ્ટમાસ્ટર આવી ગયા. રતનના પોસ્ટમાસ્ટરદાદાએ વાટ પૂરતી ખીસાખરચી રાખીને બાકીના બધા પૈસા એને આપવા માંડ્યા.
રતન ત્યાં જ જમીન પર બેસી ગઈ અને પોસ્ટમાસ્ટરદાદાના પગ પકડીને કરગરી રહી, “દાદા પગે પડું તમારા, મને કંઈ આપવાની કે મારા માટે કોઈને કંઈ કહેવાની જરાય જરૂર નથી.” અને એ દોડતી ભાગી ગઈ. એક ઊંડો શ્વાસ લઈને સામાન સમેટીને, ભૂતપૂર્વ પોસ્ટમાસ્ટરે પ્રસ્થાન આદર્યું. એક ગવાંર, ગામઠી છોકરીની કરુણ વણકહી મર્મ-વ્યથાએ એમના હ્રદયને આરપાર વીંધી નાખ્યું હતું. પોસ્ટમાસ્ટરદાદાના હ્રદયમાં એક ટીસ ઊઠી. એકવાર તો એમને અદમ્ય ઇચ્છા થઈ કે, સંસારમાં આ એકલી રહી ગયેલી અનાથ બાલિકાને સાથે લઈ જાય, પણ ત્યાં સુધીમાં નાવના સઢમાં વેગથી ફૂંકાતી હવા ભરાવા માંડી હતી. વરસાદને લીધે નદીના પાણીનો વેગ વધી રહ્યો હતો. ગામથી દૂર જતી એ નાવમાંથી નદી કિનારાનો સ્મશાન ઘાટ દેખાઈ રહ્યો હતો. વરસાદના પ્રવાહમાં વહેતી નદીમાં બેઠેલા એ ઉદાસ મુસાફરના હ્રદયમાં એક સત્ય ઉજાગર થઈ રહ્યું હતું. જીવનમાં આવી કેટલીય છૂટા પડવાની વસમી વેળા આવશે અને આવતી રહેશે. હવે પાછું વળીને જોવાનો શો અર્થ? આ દુનિયામાં કોણ કોનું છે? કદાચ કોઈનું નહીં.
પણ રતન કદાચ એમના કરતા જુદી હતી. એનાં મનમાં એવા કોઈ વિરક્તિના ભાવ નહોતા. એ તો બસ, એ પોસ્ટ-ઑફિસની ચારેબાજુ ફક્ત આંસુ સારતી ચક્કર કાપતી રહી. એના ઉદાસ મનમાં એક આછી આશા હતી કે, કદાચ એના પોસ્ટમાસ્ટરદાદા પાછા આવશે. એ તો બસ આવા કોઈ વિચારોના, લાગણીઓના બંધનમાં જકડાઈને ક્યાંય દૂર જઈ શકતી નહોતી કે પછી જવા માંગતી જ નહોતી!
એક બુદ્ધિશૂન્ય માનવ હ્રદયના ભાવોમાં રાચ્યા કરશે. એક અતૂટ વિશ્વાસ લઈને એ જીવ્યા કરશે અને અંતે એક દિવસ એ વિશ્વાસ, એ ભ્રમ તૂટશે તો એ એવા કોઈ અન્ય વિશ્વાસ, અન્ય ભ્રમમાં પોતાની જાતને જકડી રાખશે.
રવીન્દ્રનાથ ટાગોરની વાર્તા’ પોસ્ટમાસ્ટર’ને આધારિત અનુવાદ.
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
બંદિશ એક, રૂપ અનેક (૯૮): “અબ આઈ બસંત બહાર” : આસીત બરન
નીતિન વ્યાસ

New Theaters, Calcutta, 1931 “हम चले वतन की और
खींच रहा है कोई हमको
बांधके प्रेम की दौर
हम चले वतन की और।”આ ગીતનાં શબ્દો વાંચતા આપ કદાચ આપના અતિતમાં ખોવાઈ જશો અને યાદ આવશે પંકજ મલિક.
બરાબર છે મને પણ આવુંજ થયેલું. બંદિશ શ્રી પંકજ મલિકની છે. પંકજબાબુ પોતે જેવા સરસ સંગીતકાર એવાજ ઉમદા ગાયક. પણ આ દિલદાર રચનાકારે પોતાની શ્રેષ્ઠ ધૂન બીજા ગાયકો પાસે ગવરાવી.
ફિલ્મ હતી ન્યુ થીયેટર્સ નિર્મિત, શ્રી શરદબાબુના ઉપન્યાસ પર અધારીત, સાલ ૧૯૪૩માં પ્રદર્શિત થયેલી “કાશીનાથ” . દિર્ગ્દર્શક શ્રી નીતિન બોઝ, ગીતકાર પંડિત ભૂષણ, સંગીતકાર શ્રી પંકજ મલિક અને ગાયક શ્રી આસીત બરન
૧૦ ફેબ્રુઆરી ૧૯૩૧, બંગાળી ગ્રહસ્થ શ્રી બદ્રીનાથ સરકારે કલકત્તામાં ફિલ્મ કંપની અને સ્ટુડિયો શરૂ કર્યો અને નામ આપ્યું “ન્યુ થીયેટર્સ” .ગઈ સદીના ચાલીસમાં દાયકામાં કુંદનલાલ સાયગલ ના સ્વર આર. સી. બોરાલ અને પંકજ મલિક ની બંદિશ માં ગવાયેલા ગીતો સાથેની ફિલ્મોએ સારાએ ભારતમાં ધૂમ મચાવી. આ “ન્યુ થીયેટર્સ” નો સુવર્ણકાળ કહી શકાય.
એક પછી એક ૨૬,જેટલી ફિલ્મો અહીં કર્યા પછી કુંદનલાલ સાયગલે “ન્યુ થીયેટર્સ” અને કલકત્તા છોડી મુંબઈ જવાનો નિર્ણય કર્યો, સાલ હતી ૧૯૪૦.
“ન્યુ થીયેટર્સ” કંપની માં એક સન્નાટો છવાઈ ગયો. દેખાવ કંઈક ઠીક હોય અને સારુ ગાઈ શકે તેવા કલાકાર ની શોધ કરવી શરૂ કરી.
આસીત બરન : જવાબદારી સાથે આર્થિક મુશ્કેલીમાં સપડાયેલા એક મધ્યમવર્ગનાં કુટુંબ માંથી આવતો આ યુવાન ભણતર છોડી દિવસનાં ભાગમાં ટેલિગ્રાફ ઓફિસમાં નોકરી કરે. રાત્રે કોઈ સંગીત સંસ્થામાં તબલા વગાડવા અને શીખવાડવા જાય. થોડા સમય પછી ઓલ ઇન્ડિયા રેડીઓનાં કલકત્તાના રેડીઓ સ્ટેશન પર parttime નોકરી મળી. ગાવાનો બહુ શોખ. એટલે પેલી સંગીત સંસ્થાના કાર્યક્રમો માં ગાવા જાય. આવા એક કાર્યક્રમમાં શ્રી પહાડી સાન્યાલ, જે તે સમયે ન્યુ થીયેટર્સ સાથે સંકળાયેલા તે હાજર હતા. તે સમયે દિર્ગદર્શક શ્રી હેમચંદ્ર ચુન્દર એક બંગાળી ફિલ્મ બનાવી રહ્યા હતા, “પ્રતિશ્રુતિ”. તેમાં આસીત બરનને મુખ્ય ભૂમિકા મળી. આ ફિલ્મ કમાણીની દૃષ્ટિએ ઘણી સફળ રહી. તે સફળતાથી પ્રેરાઈ તેનું હિન્દી રૂપાંતર “સૌગંધ” બનાવવામાં આવ્યું. શ્રી રાયચંદ બોરાલની સંગીત રચના અને આસિત બરનનાં અવાજમાં ગવાયેલું આ ગીત ખૂબ જ લોકપ્રિય થયું. શબ્દ રચના પંડિત નટવર શ્યામ:“અબ આયી બસંત બહાર” 78RPM ની આ ગ્રામોફોન રેકોર્ડ આપણા ઘણાં ઘરોમાં હતી.
પાશ્વ ગાયક તરીકે શરૂઆત : સાલ હતી ૧૯૪૨, ન્યુ થીયેટર્સ ની ફિલ્મ “જવાબ”, કાનન દેવી નાં સુમધુર સ્વરમાં એક સદાબહાર ગીત, “એ ચાંદ છૂપ ના જાના” હજી પણ કાને પડે બે ઘડી મન ને આનંદ થાય. આજ ફિલ્મ માં એક સરસ દ્વન્દ ગીત હતું “દૂર દેશ કા રહીને વાલા આયા” કમલ દાસ ગુપ્તાની બંદિશ અને કાનન દેવી સાથે એક નવો ગાયક આસીત બરન. “જવાબ” ફિલ્મ માં મુખ્ય ભૂમિકામાં કાનન દેવી સામે પ્રમથેશ બરુઆ હતા. આસીત બરન પહેલી વખત એક પ્લેબેક સિંગર તરીકે ન્યુ થીયેટર્સમાં જોડાયા:
૧૯૪3 ની સાલ માં ન્યુ થીયેટર્સ ની ફિલ્મ આવી “વાપસ” . શ્રી હેમચંદ્ર ચુનર નું દિગ્દર્શન અને શ્રી રાયચંદ બોરાલ નું સંગીત, કલાકારો આસીત બરન, ભારતી દેવી, ધીરજ ભટ્ટાચાર્ય અને લતિકા બેનરજી, આ ભારતી દેવી આસીત બરન કરતા ઉંમર માં બાર વર્ષ નાના પણ એક મહોલ્લા માં રહેતા અને બંને ના કુટુંબોને પણ સારી મિત્રતા . તેઓ આસીત બરન ને “કાલુ” કહી બોલવતા. એટલે સાથી કલાકારો અને કસબીઓ માટે આસીત બરન એટલે “કાલુ”. ઘણી ફિલ્મો સાથે કરી અને જિંદગીભર માનભરી કરીબી દોસ્તારી નિભાવી.
ફિલ્મ “વાપસ” પંડિત ભૂષણ ની ગીત રચના, રાયચંદજીનું સંગીત, ગાયક શ્રી આસીત બરન
“હમ કોચવાન પ્યારે”
“તુમ ને મુજસે પ્રેમ જતાકર દુનિયા સે બેગાના કિયા”
“જીવન હૈ બેકાર બીના તુમ્હારે” ગાયકો બિનિતા બોઝ અને આસીત બરન
“ભૂલ ન જાના આજ કી બાતેં”
“વાપસ” ની સફળતા પછી આવી “કાશીનાથ”
“હમ ચાલે વતન કી ઔર”: સાથે બીજા લોકપ્રિય થયેલા ગીતો આ ફિલ્મમાં હતા.
“આયી રે આયી રે મેરી મેં કૂકે કોયલિયા બાવરી બસંત આયી રે ” આ ગીત સાથે ઘણી આપણા વડીલોની યાદો પણ તાજી થાય. ગઈ પેઢીનાં ઘણા ને આ ગીત મોઢે હતું. આજે પણ સાંભળવું ગમે એવું આ ગીત ભારતી દેવી અને આસીત બરન નાં અવાજમાં. સંગીતકાર પંકજ મલીક વધુ એક લોકપ્રિય બંદિશ:
“કાશીનાથ” ના આ ગીતમાં આસીત બરન નો સાથ આપ્યો છે સુનંદા બેનરજીએ: “લો શુરુ હુઈ ઇસ બાર હમ મેં તુમ મેં તકરાર”
ન્યુ થીયેટર્સ ના નેજા હેઠળ 1942માં “સૌગંધ” આવી મુખ્ય ભૂમિકામાં પહાડી સન્યાલ, ભારતી દેવી અને આસીત બરન હતા. નિર્દેશન હેમચંદ્ર ચુનર અને સંગીત શ્રી, આર. સી. બોરાલ નું હતું. પ્રસ્તુત ગીતોમાં આસીત બરન નો અવાજ છે.
“રંગ ગયી આજ મન કી
https://youtu.be/XTK0A2ay4WA
“રાજા બેટી”સાલ ૧૯૪૫માં આવી ફિલ્મ “વસીયતનામા” સૌમુયેન્દ્ર મુખરજી નાં દિર્ગદર્શનમાં બનેલી આ ફિલ્મના મુખ્ય અહિન્દ્ર ચૌધરી માટે કંઠ આપ્યો શ્રી આસીત બરન અને સહગાયક ભારતી દેવી
ફિલ્મ “મંઝૂર” માં સંગીત શ્રી પંકજ મલિક નું હતું. કલાકારો હતા આસીત બરન, ભારતી દેવી, ઉત્પલા સેન અને એક વિશેષ ભૂમિકામાં શ્રી છબી બિસ્વાસ હતા. પંડિત ભૂષણ ની શબ્દ રચના અને આસીત બરન નો અવાજ:
“હૃદયમેં ફૂલ રહે હૈં ફૂલ”
“રીમઝીમ બરસે પાની” ઈલા ઘોષ અને આસીત બરન ફિલ્મ “મંઝૂર” ,૧૯૪9
“મતવાલે નૈનો સે” ગાયક આસીત બરન
૧૯૫૦ ની સાલમાં બીજી ફિલ્મ આવી “રૂપ કહાની”, સંગીતકાર પંકજ મલીક, ગાયક ઉત્પલા સેન અને આસીત બરન
૧૯૫૧ માં એક ફિલ્મ આવી “આઝાદી કે બાદ:” તેમાં એક ભૂમિકામાં આસીત બરન જોવા મળેલા. તે ફિલ્મ નું એક ગીત “લૂંટતા હૈ વતન જલતા હૈ ચમન” ગાયક શ્રી આસીત બરન
શ્રી શરદબાબુના ઉપન્યાસ “પરિણીતા” ઉપર આધારિત ફિલ્મ ૧૯૫૩ માં બિમલ રોય નાં દિર્ગ્દર્શન માં બની. નિર્માતા હતા અશોક કુમાર. મુખ્ય પાત્રો શેખર ની ભૂમિકામાં અશોક કુમાર, લલિતાના પાત્રમાં મીના કુમારી, અને ત્રીજા મહત્વ રોલમાં આસીત બરન હતા. સંગીત શ્રી મન્ના ડે અને શ્રી અરુણ મુખરજી નું હતું. શરદબાબુની વાર્તા વફાદાર રહીને શ્રી બિમલ રોયે પટકથા લખેલી. અશોક કુમાર પ્રોડક્શન ની આ ફિલ્મ બહુ સફળ રહી. ઘણા ફિલ્મ વિવેચકો ના મત પ્રમાણે મુખ્ય નાયક શેખર ની ભૂમિકામાં આસીત બરન વધારે યોગ્ય હતો.
આ ફિલ્મ નું એક ગીત “તૂટા હૈ નાતા દિલ કા” આસીત બરન નાં સ્વરમાં
આસીત બરન ફિલ્મમાં એક પાશ્વ ગાયક તરીકે જોડાયા. ગળાની મીઠાશ સાથે સોહામણું વ્યક્તિત્વ. મૂખ્ય ભૂમિકા માં ન્યુ થિએટર્સની ફિલ્મોમાં આવ્યા. પછી ચરિત્ર અભિનેતા હિન્દી અને બંગાળી ફિલ્મોમાં જોવા મળ્યા. સાલ ૧૯૭૭ માં નિર્દેશક તપન સિંહ એ એક ફિલ્મ બનાવી, “હાર્મોનિયમ” સમય સાથે વિલીન થતાજતા રજવાડા ની વાત આ ફિલ્મ માં હતી. અનિલ ચેટર્જી, અરૂંધતી રોય, સમિત ભાંજા, કાલી બેનરજી, છાયા દેવી, આસીત બરન જેવા પીઢ કલાકારો આ ફિલ્મ હતા. દેવામાં ડૂબેલ રાજકુટુંબની એક દીકરી હવે રહી છે ખખડધજ મહેલ માંથી બધુજ હરાજ થાય છે. ફક્ત બાકી રહે છે એક હાર્મોનિયમ.
હાર્મોનિયમ સાથે એ રાજ્યની છેલ્લી દીકરીની એક લાગણી ભરેલી યાદ છે. સંગીતના શોખીન પિતા એ દીકરીને સંગીત શીખડાવવા એ હાર્મોનિયમ લાવેલા.
અહીં એ વયસ્ક રાજકુંવરીની ભૂમિકામાં અરૂંધતી રોય જોવા મળેછે જયારે પિતાની ભૂમિકા માં આસીત બરન: (ભાષા બંગાળી)

આસીત બરન પાશ્વ ગાયક, સહ અભિનેતા, મુખ્ય અભિનેતા, ચરિત્ર કલાકાર તરીકે લગભગ ૪૦ ફિલ્મોમાં આવ્યા અને ૭૦ જેટલાં રેકોર્ડ થયેલાં બંગાળી અને હિન્દી ગીતો ની માહિતી ઇન્ટરનેટની જુદી જુદી વેબસાઈટ ઉપરથી મળેછે. ૧૯નવેમ્બર ૧૯૧૩ નાં રોજ જન્મેલા શ્રી આસીત બરન ૨૭ નવેમ્બર ૧૯૮૫ માં અવસાન પામ્યા. તેમના કુટુંબ વિષેની માહિતી કોઈ માધ્યમો પરથી મળી નથી. તેમનાં સાત આઠ દાયકા જુના ગીતો આજે પણ સાંભળવા ગમે છે,
(અસ્તુ)
શ્રી નીતિન વ્યાસ નો સંપર્ક ndvyas2@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
સુરાવલી, સિનેમા અને સ્મૃતિઓ : (૨૫) કળા અને કલાબાજી

{નલીન શાહના અંગ્રેજી પુસ્તક Melodies, Movies and Memories (૨૦૧૬)નો અનુવાદ}
પિયૂષ એમ પંડ્યા
મંગળવાર સને ૧૯૮૭ના ઓક્ટોબર મહિનાની ૧૩મી તારીખની ગમગીન સવારે તબિયત નાદુરસ્ત હોવાથી કિશોર કુમારે તે દિવસનું રેકોર્ડીંગ રદ કરાવ્યું હતું. બપોર સુધીમાં છાતીમાં દુખાવો થવા લાગ્યો પણ તેમણે રાબેતા એની અવગણના કર્યે રાખી. આનું પરિણામ અજુગતું આવ્યું. થોડા કલાકોમાં, બરાબર ચાર વાગીને પાંત્રીશ મિનિટે કિશોર કુમારના જીવનનો ઝળહળતો દીપ અચાનક જ બૂઝાઈ ગયો. આમ ચિરનિંદ્રામાં સરી જવાની તેમની ઉમર નહોતી, તે માત્ર ૫૮ વર્ષના હતા.

કે એલ સાયગલના આકંઠ ચાહક એવા કિશોર કુમાર કારકીર્દિના મધ્યાહ્ને જ નિવૃત્તિ લઈ, પોતાના વતન ખંડવાના શાંત વાતાવરણમાં આરામની જીંદગી વિતાવવાનું વિચારી રહ્યા હતા. પણ એ પહેલાં તો તેમણે ક્યારેય નહીં ઈચ્છી હોય તેવી શોકમય નિ:શબ્દતાના ઓળા તેમના જૂહુ ખાતે આવેલા ‘ગૌરી કૂંજ’ બંગલા ઉપર ઉતરી આવ્યા. સાંજ ઢળ્યે શોકગ્રસ્ત ચહેરાઓથી ભરાયેલા તેમના ઘરમાં મારું ધ્યાન તેમના ચહેરા ઉપરના પરમ શાંતિના ભાવ ઉપર પડ્યું. તે સમયે મારા મનમાં સહેજ વિચિત્ર લાગણી ઉભરી આવી કે કદાચ કિશોર કુમાર તેમની ટેવ મુજબ ટીખળ કરી રહ્યા હતા. અચાનક જ તે બેઠા થઈને ‘હમ સે હૈ જીંદા વફા ઔર હમીં સે હૈ તેરી મેહફીલ જવાં, હમ જબ ન હોંગે તો રો રો કે દુનિયા ઢૂંઢેંગી મેરે નિશાં’ ગાવા લાગશે!
કિશોર કુમારે રાહુલદેવ બર્મન માટે પોતાનું છેલ્લું અવિસ્મરણીય ગીત ગાયાને ૧૯૮૭માં એક દાયકો વિતી ગયો હતો. તે ગીત હતું ૧૯૭૬ની ફિલ્મ ‘મહેબૂબા’નું મેરે નૈના સાવન ભાદોં. રાહુલદેવ કિશોરની ગાયક તરીકેની ક્ષમતાને પહેલેથી જ જાણતા હતા.

તેમણે અગાઉ પણ કિશોર માટે ચિનગારી કોઈ ભડકે (અમર પ્રેમ, ૧૯૭૧), કરવટેં બદલતે રહે સારી રાત હમ (લતા મંગેશકર સાથેનું યુગલગીત, ૧૯૭૪ની ફિલ્મ ‘આપ કી કસમ’) અને લતા મંગેશકર સાથેનું ૧૯૭૫ની ફિલ્મ આંધીનું યુગલગીત તેરે બિના જીંદગી સે કોઈ શિકવા તો નહીં જેવાં ચિરકાલિન ગીતો બનાવ્યાં હતાં.
કિશોરે તેમની કારકીર્દિના શરૂઆતના તબક્કામાં અનિલ બિશ્વાસના નિર્દેશનમાં ફિલ્મ ‘ફરેબ’(૧૯૫૩)નું યાદગાર યુગલગીત આ મહોબત કી બસ્તી બસાયેંગે હમ ગાયું હતું. તેમણે સંગીતની કશી જ તાલિમ લીધી નહોતી. પણ કિશોરના અવાજમાં રહેલી અભિવ્યક્તિની ક્ષમતામાં કોઈ ફેર પડ્યો નહીં. આ કારણથી તેમનાં ગાયેલાં ગીતો ચિરસ્મરણીય બની રહ્યાં. આ જ કારણથી કેટલાક સંગીતકારો તેમને માટેનાં ગીતો બનાવતી વખતે પોતાની સર્જકતાનાં શીખરો સર કરી શક્યા. કેટલાંક ઉદાહરણો જોઈએ ….
સચીનદેવ બર્મને ૧૯૫૦ની ફિલ્મ ‘પ્યાર’ માટે બનાવેલું કિશોર અને ગીતા દત્તનું યુગલગીત ઓ બેવફા યે તો બતા,
૧૯૫૨માં ફિલ્મ ‘કાફિલા’ માટે હુશ્નલાલ-ભગતરામની જોડીના નિર્દેશનમાં બનેલું વોહ મેરી તરફ યું ચલે આ રહે હૈ,
અનિલ બિશ્વાસે ફિલ્મ ‘ફરેબ’ (૧૯૫૩) માટે બનાવેલું હુશ્ન ભી હૈ ઉદાસ ઉદાસ,
સજ્જાદ હુસેને બનાવેલું ફિલ્મ ‘રુખસાના’ (૧૯૫૫)નું આશા ભોંસલે સાથેનું યુગલગીત તેરે જહાં સે ચલ દીયે,
૧૯૫૬ની ફિલ્મ ‘નયા અંદાઝ’ માટે ઓ. પી. નૈયરના નિર્દેશનમાં શમશાદ બેગમ સાથે કિશોર કુમારે ગાયેલું મેરી નીંદોં મેં તુમ મેરે ખ્વાબોં મેં તુમ,
‘મિ. એક્સ ઈન બોમ્બે’ (૧૯૬૪)નું લક્ષ્મીકાંત-પ્યારેલાલનું સ્વરબદ્ધ કરેલું મેરે મહેબૂબ કયામત હોગી,
હેમંતકુમારનું બનાવેલું વોહ શામ કુછ અજીબ થી (ફિલ્મ ‘ખામોશી’),
જીંદગી કા સફર હૈ યે કૈસા સફર (‘સફર’ – ૧૯૭૦, કલ્યાણજી – આણંદજી)
આ જ કિશોરકુમારે કસૂર આપ કા હુજૂર આપ કા મેરા નામ લીજીયે ના મેરે બાપ કા (ફિલ્મ ‘બહાર’, ૧૯૫૧) જેવાં અગણિત ધમાલમસ્તીવાળાં ગીતો ગાયાં. આવાં ગીતોની લોકપ્રિયતા થકી કિશોર કુમારની છાપ એક બહુમુખી પ્રતિભાવાન ગાયક તરીકે ઉપસી. ૧૯૬૮ની ફિલ્મ ‘પડોસન’ તેમની કોમેડીયન અભિનેતા તેમ જ ગાયક (મેરે સામનેવાલી ખીડકી મેં) તરીકેની પ્રતિભાને બિલકુલ વાજબી રીતે પ્રસ્થાપિત કરવા માટેનું સુયોગ્ય ઉદાહરણ છે. તેમની બહુમુખિતાએ કિશોરને સંપત્તિવાન બનાવ્યા પણ તેમની આંતરીક એષણા અસંતુષ્ટ રહી ગઈ.
છેવટે તો કિશોરની આ છાપ તેમની ઉપર સવાર થઈ ગઈ. ગીતોમાં તેમણે તાણેલા રાગડા અને પરદા ઉપર કરેલી વિદૂષકબાજી ઉપર કટાક્ષ કરતાં સંગીતકાર સજ્જાદ હુસેને કિશોરનું નામ શોર કુમાર રાખ્યું હતું. તેમનાં ગાયેલાં ધમાલમસ્તીભર્યાં ગીતોની લોકપ્રિયતા અને પછીથી ‘યોડેલીંગ સ્ટાર તરીકે નામ અને દામ મળ્યાં હોવા છતાં કિશોરકુમારને તેમનું ગાયેલું ફિલ્મ ‘રીમઝીમ’(૧૯૫૧)નું એક કરૂણ ગીત ઝગમગ ઝગમગ કરતા નીકલા ચાંદ પૂનમ કા પ્યારા ખુબ જ પ્રિય હતું. સંગીતના ખરા ચાહકો પણ તેમનાં ગાયેલાં અય મેરી ટોપી પલટ કે આ (ફન્ટૂશ, ૧૯૫૬) અને અરે યાર મેરી તુમ ભી હો ગજબ (તીન દેવીયાં, ૧૯૬૫) જેવાં હલકાં ફુલકાં ગીતો કરતાં અંતરને વલોવી નાખે તેવાં મહોબત કા છોટા સા ઈક આશીયાના (પ્યાર, ૧૯૫૦), ફિલ્મ ‘ગેમ્બલર’(૧૯૭૧)નું દિલ આજ શાયર હૈ ગમ આજ નગ્મા હૈ અને બડી સૂની સૂની હૈ (મીલી, ૧૯૭૫) જેવાં ગીતો વડે જ પ્રભાવિત થતા રહ્યા છે.
અભિનેતા હોવાના નાતે કે એલ સાયગલે પણ જો નૌકરી દિલા દે બી એ બનાનેવાલે (કરોડપતિ, ૧૯૩૬) અનેએક રાજા કા બેટા લે કર ઉડને વાલા ઘોડા (પ્રેસીડેન્ટ, ૧૯૩૭) જેવાં હળવાં ગીતો ગાયાં છે. પણ તેમની ઓળખ તો બાબુલ મોરા (સ્ટ્રીટ સીંગર, ૧૯૩૮), પ્રીત મેં હૈ જીવન જોખોન (દુશ્મન, ૧૯૩૯) અને અય કાતિબ એ તકાદીર (માય સીસ્ટર) જેવાં લાગણીભીનાં ગીતો થકી જ બની રહી છે.
મહમદ રફીએ તો ક્યારેય અભિનય નથી કર્યો, તેમ છતાંયે વ્યવસાયિક તકાદા હેઠળ તેમણે ચાહે કોઈ મુઝે જંગલી કહે (જંગલી, ૧૯૬૧) અને લાલ છડી મેદાન ખડી (જાનવર, ૧૯૬૫) જેવાં ઉછાંછળાવેડાથી ભરેલાં ગીતો ગાયાં હતાં. જો કે તેમની અસલી પહેચાન મેરી કહાની ભૂલનેવાલે (દીદાર, ૧૯૫૧), ઓ દુનીયા કે રખવાલે (બૈજુ બાવરા, ૧૯૫૨) અને તકદીર કા ફસાના (સેહરા, ૧૯૬૩) જેવાં ઘેરી લાગણી વ્યક્ત કરતાં ગીતો વડે ઉભી થઈ છે. આવું જ કંઈક મુકેશના કિસ્સામાં પણ બન્યું છે. તેઓની માહીરિયત દોસ્ત દોસ્ત ના રહા (સંગમ, ૧૯૬૪) જેવાં ભાવપ્રચૂર ગીતો ગાવામાં હતી પણ તેમણે ડમ ડમ ડીગા ડીગા (છલીયા, ૧૯૬૦) જેવી હલકાં ફૂલકાં ગીતો ગાવાં પડ્યાં હતાં.
મારું માનવું છે કે કિશોર કુમારે અભિનય કરવા તરફ વળવા જેવું નહોતું. લોકો તેમને ઉછળકુદ કરતા જોવા માંગતા હતા તેથી તેમણે જાતે જ બનાવેલું ગીત મૈં હૂં ઝૂમઝૂમ ઝૂમઝૂમ ઝૂમરૂ ગળું ફાડી ફાડીને ગાયું. એ જાણતા હતા કે દુનીયા મૂર્ખાઓથી ભરેલી છે અને તેથી તે પોતે પણ એક મૂર્ખનો ચહેરો ઓઢીને રહ્યા. તેમના ‘કોને પડી છે’ પ્રકારના વ્યવહાર (કુછ તો લોગ કહેંગે લોગોં કા કામ હૈ કહેના)ના પરિણામે લોકોએ તેમનું અસલી હીર ઓળખ્યું જ નહીં. એક વિદૂષકની માફક તેમનો મૂળ ચહેરો એક મોહરા પાછળ છૂપાઈ ને રહી ગયો.
સાયગલની જેમ જ, કિશોરકુમારે તેમનું શ્રેષ્ઠ પ્રદાન દુખી મન મેરે સૂન મેરા કહના (ફન્ટૂશ, ૧૯૫૬) અને મેરા જીવન કોરા કાગજ (કોરા કાગજ, ૧૯૭૪) જેવાં લાગણીપ્રચૂર ગીતો માટે કર્યું છે. કલ્યાણજી-આણંદજીના નિર્દેશનમાં જીવન સે ભરી તેરી આંખેં (સફર, ૧૯૭૦) અને મેરી પ્યારી બહનીયાં બનેગી દુલ્હનીયાં (સચ્ચા જૂઠા, ૧૯૭૦) જેવાં કેટલાંક ઉત્કૃષ્ટ ગીતો ગાયા પછી એક વાર કિશોરે કલ્યાણજીને પૂછેલું કે હવે કેમ તેઓ આવી ભાવુક તરજો કેમ નથી બનાવતા! કલ્યાણજીનું કહેવું હતું કે ૧૯૮૦ના અરસામાં લોકોની પસંદગી જાણવી એટલી અઘરી બની ગઈ હતી કે કેવી તરજો બનાવવી એ બાબતે ખુદ પોતે જ દ્વીધામાં રહેતા હતા. આવી પસંદગી ધરાવતા લોકોને હતાશ કરી દેવાનું કિશોરને ગમ્યું હોત પણ કરુણતા એ હતી કે કેવળ વ્યવસાયિક કારણોસર તે એવું કરી ન શક્યા.
નોંધ :
– તસવીરો નેટ પરથી અને ગીતોની લિંક્સ યુ ટ્યુબ પરથી સાભાર લીધેલી છે. તેનો કોઈ જ વ્યવસાયિક ઉપયોગ નહીં કરવામા આવે.
– મૂલ્યવર્ધન …. બીરેન કોઠારી.
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
-
સારસબેલડીની નર્તનલીલા
ફરી કુદરતને ખોળે
જગત કીનખાબવાલા
ભારતવર્ષમાં સહુથી મોટા પક્ષીઓમાંનું એક લગભગ ૫ ફૂટ કરતા વધારે અને લગભગ ૬ ફૂટ સુધીનું ઊંચાઈનું અચંબો પમાડે તેવું પક્ષી એટલે સારસ. એક સરેરાશ માણસ જેટલી ઊંચાઈ ધરાવે છે. એક વખત જોડી બનાવે પછી હંમેશા પોતાના વફાદાર સાથીદારની સાથે જોવા મળે અને તે મોનોગોમાસ/ એકવિધતાવાળું હોય. જ્યારે પણ તેમના સાથીદારનું મૃત્યુ થાય ત્યારે તેના વિરહમાં એકલતામાં તડપતું હોય અને એવું મનાય છે કે તેના જોડીદાર વિના ઝૂરી ઝૂરીને પ્રાણ ત્યજી દેતા હોય છે, જીવન ટૂંકાઈ જાય છે અને આ કારણે તેમની જોડીને સારાસબેલડી કહે છે! તેઓ પોતાની લાગણી, દુઃખ, ચિંતા,આનંદ, નજાકત ખુબ સારી રીતે વ્યક્ત કરી શકે છે. તેઓ બે જણ સતત એકબીજાની સાથે નજીકમાંજ હરતા, ફરતા, ચરતા અને ઉડતા હોય છે. પાણીની નજીક રહેતા હોઈ ઉનાળામાં પણ જળાશય પાસે આઠ દસના સમૂહમાં જોવા મળે તે એક મોટો લહાવો બની રહે છે.

સારસ /Sarus Crane / Grus anitigone ભારતમાં લગભગ બધીજ જગ્યાએ, વેટલેન્ડ/ નીચા વિસ્તાર જ્યાં જમીન પાણીથી સંતૃપ્ત થાય છે તેવા વિસ્તારમાં જોવા મળે છે. તેવા વિસ્તાર શહેરમાં હોય નહિ તે કારણે બહુ ઓછા લોકો મળે કે જેમણે તેમને નજરે જોયા હોય. ભારતના ઉપખંડમાં, દક્ષિણ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયા, નેપાળ, મ્યાનમાર, વિએટનામ, કમ્બોડીઆ અને ઉત્તર ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે.
તેઓ પોતાનો માળો પાણીની વચ્ચે ના ભાગમાં પાણીજન્ય વનસ્પતિમાં, માનવ રચિત પાણીના કુંડમાં, કેનાલ, તળાવ, ડાંગરના પાણી ભરેલા ખેતરમાં વચ્ચે પોતાનો માળો બનાવે છે. આ માળો નીચે મોટી અને જાડી સળીઓ/ ડાળીઓ વગેરે મૂકી, ઊંચો માળો બનાવે અને તેની ઉપર ઘાસ અને તેના જેવી વસ્તુઓ વાપરી બે મીટર જેટલા ઘેરાવ વાળો મોટો ગોળાકાર માળો બનાવે જેથી પાણીનું લેવલ વધઘટ થાય તો પણ તકલીફ ન પડે તેવો સલામત માળો બનાવી લે છે. સામાન્ય રીતે વરસાદ પડે અને પાણી ભરાય ત્યારે તેઓ માળો બનાવવાનું આયોજન કરે છે. ક્યારેક તેઓ ચોમાસા સિવાય ઈંડા મૂકે તેવા અપવાદરૂપ કિસ્સા પણ જવલ્લે નોંધાયા છે. ભારતમાં વરસાદની અનિયમિતતાના કારણે તેઓ ઈંડા મુકવાનો સમય બદલતા જોવા મળ્યા છે. ભારતમાં પરંપરા પ્રમાણે ગ્રામ્ય પ્રજા તેમને કનડે નહિ માટે સારસ માણસથી બહુ બીવે નહિ તેમ છતાં માણસથી દૂર રહે! તેઓના બચ્ચાના પીંછા આછા પીળા રંગના હોય છે.
ખેતરમાં ઉભા પાકમાં માળો બનાવી લે માટે તેની આસપાસની જગ્યામાં ઉભેલો પાક થઇ ન શકે માટે ઘણી વખત ખેડૂત તેને ઝેર દઈને કે રાંધીને ખાવા માટે શિકારી મારી નાખે. તેઓની સંખ્યા ઝડપથી ઘટી રહી હોઈ સરકારે પણ ખેડૂતને એક રાહત આપી છે. જે ખેતરમાં તે માળો બનાવી ઈંડા મૂકે તો લગભગ ૩૦ ફૂટના ઘેરાવામાં તેણે દોરી બાંધી તે જગ્યામાં જવું નહિ અને તે જગ્યામાં જેટલો પાક હોય તે પ્રમાણે સરકાર તરફથી એક વખત તેટલા પાકનું વળતળ આપવામાં આવે છે અને તેમનો વંશવેલો બચાવી લેવાય છે. તેમનો વધ ન કરાય તેમ સર્વે પરંપરા પ્રમાણે માને! ચોમાસુ તેમની પ્રજનનની/ સંવર્ધનની ઋતુ છે. તેઓ એક થી બે અને ક્યારેક ત્રણથી ચાર ઈંડા મૂકી શકે છે. ઈંડાનું વજન ૨૪૦ ગ્રામ સુધીનું હોય છે. નર સારસ અને માદા સારસ વારા ફરતી ફીકા સફેદ ઈંડાને ૩૦ – ૩૧ દિવસ સુધી સેવે છે.

તેમની ચાલ ધીમી પણ પ્રભાવશાળી હોય છે. રંગરૂપ ખુબ આકર્ષક અને દેખાવે ગંભીર અને શાંત લાગે. અવાજ બુલંદ, કર્ણપ્રિય અને સાંભળવો ગમે અને મન પ્રફુલ્લિત કરી દે, અવાજ ડ્રમ કે ટ્ર્મપેટ વાગતું હોય તેવી લયમાં પદ્ધતિસર હોય. તેઓ જમીનથી બહુ ઊંચે ઉડી શકતા નથી. તેમની શરીર રચનાની એક મર્યાદા છે. ઉડે ત્યારે ડોક છેક આગળ હોય અને પગ છેક પાછળ ખેંચેલા હોય. ઉડે ત્યારે પાંખો નો ફડ ફડ અવાજ આવે. તેઓ પાંખો ઝડપથી ફફડાવીને ઉડી શકે છે. તેમની ચાલ ધીમી પણ ખુબજ આકર્ષક અદાવાળી લાગે. તેઓ સંવર્ધનની ઋતુમાં તેમજ અન્ય સમયે એકબીજાની આજુબાજુ ગોળાકારે નૃત્ય કરતા હોય તેમ ઘૂમે છે.

ખુબ લોકો તેના ચિત્ર બનાવે તેવું રૂડું ને રંગીલું. તેઓનું માથું રાખોડી. ડોકનો ઉપરનો ભાગ લોહી જેવો લાલ બાકી આખું સારી રાખોડી હોય. તેમની ચાંચ લીલાશ પડતી હોય છે. પગ ખુબજ લાંબા હોય છે અને ડોક તેમજ ચાંચ ખુબ લાંબી હોય છે. શરીર પૂંછડી તરફ ઢળતું હોય છે. પાંખો ફેલાવે ત્યારે તેનો વ્યાપ ૮૫ થી ૯૫ ઇંચ જેટલો પહોળો હોય છે. તેઓનું વજન ૭ થી ૯ કિલો જેટલું હોય છે અને આયુષ્ય ૩૦ થી ૪૦ વર્ષનું હોય છે. સારસની બેલડીને જુવો તો નર સારસ અને માદા સારસનો તફાવત દેખાય. માદા સારસની ડોકમાં જે લાલ રંગ હોય છે તે નર સારસ કરતા આછો લાલ હોય છે, બાકી જો દૂરથી જુઓ તો તફાવત ન દેખાય અને લગભગ સરખાજ દેખાય.
મુખ્યત્વે નાના પાણીના જીવ, માછલી, જીવાત, પાણીના સાપ, નાના કાચબા, પાણીની અમુક પ્રકારની વનસ્પતિ, બીયા, દાણા, સીંગ દાણા, ક્યારેક કાચબાના અને પક્ષીના ઈંડા વગેરે ખાય છે.
(સહયોગ: ફોટોગ્રાફ્સ: શ્રી વનિત. ડેનિયલ અને શ્રી સેજલ શાહ ડેનિયલ. ).
*આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.*
*સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*
*Love – Learn – Conserve*
લેખક:
જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
https://www.facebook.com/jagat.kinkhabwala
ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
Mob. No. +91 98250 51214 -
વનવૃક્ષો : બીલી

દેવોને જેમ જાતજાતનાં ફૂલોનો શોખ છે તેમ જ તેમને પાંદડાઓનો પણ શોખ છે. શંકરનું પ્રિય પાંદડું બીલીપત્ર છે.
બ્રાહ્મણો બહુ ભાવથી ભોલાનાથ ઉપર બીલીનાં પાંદડાં ચઢાવે છે. બીલીના પત્રોનો અભિષેક થાય છે; એક મંત્ર બોલાય અને એક પાંદડું ચડાવાય. શંકરે તેને પોતાનું કર્યું તેથી બીલીનું ઝાડ પવિત્ર મનાય છે.
બીલીનાં પાંદડાં અજાણપણે પણ શંકર ઉપર પડી જાય તોપણ જેનાથી તે પડે તેને અભિષેકનું પુણ્ય મળે છે. પુરાણમાં વ્યાધ અને હરણાંની કથામાં બીલીના અભિષેકનો મહિમા છે.
મેં અને મારા મિત્રોએ શંકરબાપા ઉપર બીલીના પાંદડાં ઠીકઠીક ચડાવ્યાં છે. બીલીના પાંદડાં તીરખીએ ત્રણ ઝૂમખે થાય છે, અને તે ઉપરથી જ તે ઓળખાય છે. કોઈક જ વાર બીલીપત્ર પાંચ પાંદડે મળે છે, બે બાજુએ બે અને વચ્ચે એક. એનો મહિમા વળી વધારે છે.
આપણે કહી શકીએ કે બીલીના પાંદડાંની ગોઠવણ કલાયુક્ત છે.
બીલીનું ઝાડ સાધારણ રીતે રાયણ જેવડું થાય છે. તેનો છાંયો શીળો અને ઘટ્ટ હોય છે. બીલીના વૃક્ષ નીચે બિરાજતા શંકરને બીલેશ્વર કહે છે.

બીલીનું વૃક્ષ બીલીના ફળને બીલાં કહે છે. બીલાંથી છોકરાઓ રમે છે અને તેને પથરા ઉપર પછાડીને ફોડવામાં આનંદ લે છે. પાકેલા બીલાંનો સ્વાદ ગળચટ્ટો લાગે છે. ગામડાંના છોકરાઓ તે ખાય છે.
બીલીનો ગર્ભ વૈદલોકો ઝાડા ઉપર ઔષધ તરીકે વાપરે છે.
બીલી વિષે વધારે માહિતી લેખકને નથી; પણ જો વધારે મળશે તો બીજી આવૃત્તિમાં તે ખુશીથી લખશે.
વિકિપીડિયામાં બીલીને લગતો લેખ ઉપલબ્ધ છે.
માહિતી સ્રોત : વિકિસ્રોત
-
કોઈનો લાડકવાયો – (૨૧) – મહારાષ્ટ્રમાં વિદ્રોહ (૩) વીર બાબુરાવ શેડમાકે
દીપક ધોળકિયા
મહારાષ્ટ્રમાં ગઢચિરોલી અને ચંદ્રપુરનો પ્રદેશ ૧૮૫૭ પહેલાં ‘ચંદા’ નામે ઓળખાતો. આદિવાસી રાજ-ગોંડ જાતિનું આ પ્રદેશમાં હમેશાં પ્રભુત્વ રહ્યું છે. એમની પાસે જમીનો હતી અને ઘણા તો મોટા જમીનદાર હતા. ૧૮૫૪માં ઈસ્ટ ઇંડિયા કંપનીએ ચંદા પ્રદેશનો કબજો લઈ લીધો અને વહીવટ માટે એક કલેક્ટર નીમ્યો. કંપનીએ સૌથી પહેલાં તો એમની જમીનો પર કબજો કરવા માંડ્યો. કોઈ પણ બહાને જમીનો ઝુંટવી લેવાતી. આથી અસંતોષ તો હતો જ. એ સ્થિતિમાં ખાનદેશના આદિવાસીઓના વિદ્રોહે રાજ-ગોંડ આદિવાસીઓમાં પણ જોશ આણી દીધું.
બાબુરાવ શેડમાકે મોલમપલ્લીના જમીનદાર હતા અને ચોવીસ ગામો એમને હસ્તક હતાં. ૧૮૫૮ના માર્ચમાં એમણે ગોંડ. મારિયા અને રોહિલા આદિવાસીઓમાંથી પાંચસો મરણિયા યુવાનોની ફોજ તૈયાર કરી અને આખા રાજગઢ પરગણા પર પોતાની આણ વર્તાવી. કલેક્ટર ક્રિખ્ટનને આ સમાચાર મળતાં એણે લશ્કરી ટુકડી મોકલી. ૧૩મી માર્ચે ભારે યુદ્ધ થયું તેમાં શેડમાકેના અદિવાસી સૈનિકોએ અંગ્રેજ ફોજને જબ્બર હાર આપી. અંગેજી ફોજને જાનમાલની ભારે ખુવારી વેઠવી પડી.
શેડમાકેની બહાદુરી જોઈને અડાપલ્લી અને ઘોટના જમીનદાર વ્યંકટ રાવ પણ શેડમાકેની મદદે આવ્યા. બન્નેના સૈન્યમાં ગોંડ અને રોહિલા જાતિના બારસો સૈનિકો હતા. હવે એમણે ખુલ્લંખુલ્લા બ્રિટિશ સત્તા સામે યુદ્ધ જાહેર કર્યું. ક્રિખ્ટને ફોજને કુમક મોકલી પણ શેડમાકે અને વ્યંકટ રાવના સૈનિકોએ એમને હરાવ્યા. હવે ત્રીજી ટુકડી પણ અંગ્રેજોની ફોજ સાથે જોડાઈ.
પરંતુ અંગ્રેજો ફરી પરાસ્ત થયા. ૨૯મી એપ્રિલે શેડમાકેનાં દળોએ તાર ઑફિસ પર જ કબજો કરી લીધો. આદિવાસીઓ તાર પદ્ધતિને એમને ગુલામ બનાવવાનું સાધન માનત હતા. તાર ઑફિસ પર વિદ્રોહીઓ. કબજો કરી લે તે અંગ્રેજો માટે શરમની વાત હતી. ફરી અંગ્રેજી ફોજને શેડમાકેના આદિવાસીઓ વિરુદ્ધ મેદાને ઊતરવું પડ્યું પણ ૧૦મી મે ૧૮૫૮ના દિવસે કંપનીની ફોજ ભૂંડા હાલે ભાગી છૂટી.
ક્રિખ્ટને જોયું કે લડાઈમાં કંઈ વળે તેમ નથી એટલે એણે નવો રસ્તો શોધી કાઢ્યો. એણે આહેરીની જમીનદારણ લક્ષ્મીબાઈ પર દબાણ કર્યું કે એ શેડમાકેને પકડાવી દે, એણે ધમકી આપી કે લક્ષ્મીબાઈ મદદ નહીં કરે તો કંપની એની જમીનદારી પોતાના હાથમાં લઈ લેશે. લક્ષ્મીબાઈ તરત મદદ કરવા તૈયાર થઈ ગઈ. એણે પોતાની ફોજ મોકલીને શેડમાકેને કેદ કરી લીધા. જો કે એ લક્ષ્મીબાઈની ફોજના સકંજામાંથી ભાગી છૂટ્યા અને તે પછી બ્રિટિશ હકુમતના વિસ્તારમાં લૂંટફાટ કરતા રહ્યા.
છેવટે ૧૮મી સપ્ટેમ્બરે એ ફરી પકડાઈ ગયા. લક્ષ્મીબાઈએ એમને તરત અંગ્રેજી હકુમતના હાથમાં સોંપી દીધા. ૨૧મી ઑક્ટોબરે એમની સામે કેસ ચલાવીને તે જ દિવસે ચંદ્રપુરની જેલમાં એને ઝાડે લટકાવીને ફાંસી આપી દેવાઈ. એમના સાથી વ્યંકટ રાવ બસ્તરના રાજાને શરણે ગયા પણ અંતે પકડાઈ ગયા. એમની સામે પણ કેસ ચાલ્યો પરંતુ એમની માની દરમિયાનગીરીથી એને જનમટીપની સજા મળી.
ભારતના ઇતિહાસમાં આવી ઘણી ઘટનાઓ છે જેમાં પોતાના જ લોકોને ફસાવવા માટે બીજાઓ આગળ આવ્યા હોય અને એ કારણે વિદેશીઓ પગદંડો જમાવી શક્યા.

(ચંદ્રપુરમાં બાબુરાવ શેડમાકેના સ્મારકનો ફોટો. બાજુમાં પીપળાનું ઝાડ છે તેના પર એમને ફાંસી અપાઈ હતી). ૦૦૦
ફોટો અને મૂળ લેખઃ અમિત ભગતઃ
સંદર્ભઃ http://www.livehistoryindia.com/snapshort-histories/2019/05/10/baburao-sedmake-adivasi-hero-of-1857
૦૦૦
દીપક ધોળકિયા:
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
-
સોયના નાકામાં હાથીનું પૂંછડું ભરાયેલું રહેવું જ જોઈએ
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
વજન: ૮૦૦ કિલોગ્રામ, ઊંચાઈ: સાડા દસ ફીટ, કિંમત: ફક્ત પાંચ લાખ રૂપિયા. વહનક્ષમતા: ચાર વ્યક્તિની. આ વિગતો કોઈ ભારેખમ વાહનની નહીં, પણ એક હાથીની છે. હાથીનું નામ છે રમણ. કેરળ રાજ્યના ત્રિશૂરમાં આવેલા ઈરિંજડાપિલ્લી શ્રીકૃષ્ણ મંદિરમાં આ હાથી સેવા આપશે. અલબત્ત, આ હાથી સાચેસાચો નહીં, પણ યાંત્રિક છે. આખા યાંત્રિક માળખા પર રબરની ‘ત્વચા’ લગાવવામાં આવી છે, અને સૂંઢ, કાન, મોં વગેરે લગાવીને આ માળખાનો દેખાવ સાચા હાથી જેવો બનાવવામાં આવ્યો છે. પશુઓ સાથેના નૈતિક વ્યવહારનું સમર્થન અને પ્રચાર કરતી જાણીતી સંસ્થા ‘પેટા’ (પીપલ ફોર એથિકલ ટ્રીટમેન્ટ ઑફ એનિમલ્સ) દ્વારા, અભિનેત્રી પાર્વતી તિરુવોથુના હસ્તે આ હાથી મંદિરને ભેટ આપવામાં આવ્યો. હાથી મંદિરમાંના દેવતાઓને ભેટરૂપે ‘ધરવાના’, ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ યોજાયેલા નાડાયિરુથલ ઉત્સવમાં અસંખ્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મહિલાઓ અને બાળકોની હાજરી વિશેષ હતી.

. કેરળ રાજ્યના ત્રિશૂરમાં આવેલા ઈરિંજડાપિલ્લી શ્રીકૃષ્ણ મંદિરમાં યાંત્રિક ‘રમણ’ હાથી સેવા આપશે સ્વાભાવિકપણે જ આ બાબત કેરળમાં ચર્ચાનો મુદ્દો બની રહી અને બે પક્ષ પડી ગયા. આ મંદીરનો વહીવટ કરતા દેવાસ્વોમ અધિકારી રાજકુમારે આ પગલાંની તરફેણ કરતાં જણાવ્યું કે હવે કેરળનાં મંદિરોમાં હાથી કેવળ અનુષ્ઠાનનો હિસ્સો છે, પણ કોઈ ધાર્મિક ગ્રંથમાં લખ્યું નથી કે એ જરૂરી છે. ગરુડ તેમજ અન્ય ઈશ્વરીય વાહનની જેમ જ ભગવાનના રથ સ્વરૂપે તેનો સંદર્ભ છે. રાજકુમારે એમ પણ કહ્યું કે તિરુવનંતપુરમના પ્રસિદ્ધ પદ્મનાભસ્વામી મંદિરના મુખ્ય પૂજારી એન.આર.સતીશન નમ્બૂદરી તેમજ ટી.વિજયન તાંથ્રીકલ જેવા હિંદુ ધર્મ અને મંદિર સંસ્કૃતિના જાણકાર વિદ્વાનોએ આ સમારંભનું ઉદ્ઘાટન કર્યું. મંદિર સંસ્કૃતિને એમનાથી બહેતર કોણ જાણતું હોય? રાજકુમારે એવી અપેક્ષા વ્યક્ત કરી કે ધીમે ધીમે અન્ય મંદિરો પણ આનાથી પ્રેરાશે અને જીવિત હાથીઓને સ્થાને યાંત્રિક હાથીનો ઉપયોગ કરવામાં આવશે. રમણમાં કોઈ તાંત્રિક સમસ્યા ઊભી થાય એમ લાગતું નથી, પણ કદાચ એમ થાય તો અનેક ઈલેક્ટ્રીશ્યનો મદદમાં હાજર હશે.
કોચીના છોટાનિક્કરા મંદિરના દેવસ્વોમ અધિકારી દીપેશ કદી યાંત્રિક હાથી બાબતે વિચારવાના નથી. તેમના જણાવ્યા મુજબ હાથી કેવળ સજાવટ માટે નથી. અનુષ્ઠાનમાં તે એક નિશ્ચિત શક્તિ પણ લાવે છે. ઈશ્વરના માર્ગમાં પ્રતીક હોવા માટે સક્ષમ હોવું હાથી માટે આશીર્વાદ સમાન છે, એમાં કશી ક્રૂરતા નથી.
વાસ્તવમાં આખો મુદ્દો ક્રૂરતાનો જ છે. કેરળ રાજ્યનાં વિવિધ મંદિરોમાં ભક્તોને આશીર્વાદ આપવાથી લઈને દેવતાઓના રથ ખેંચવા સુધીના અનેક કામ માટે હાથીનો ઉપયોગ થતો આવ્યો છે. દેશભરના કુલ 2,500 બંધક હાથીઓ પૈકીના આશરે પાંચમા ભાગના હાથી કેરળમાં છે. કેરળની સંસ્કૃતિમાં હાથીઓનું એ હદનું મહત્ત્વ છે કે અનેક માનવીય વિશેષતાઓ માટે હાથીઓને જવાબદાર માનવામાં આવે છે. હાથીઓનો જન્મદિવસ ઊજવવામાં આવે છે, અને હાથીઓના અંતિમ સંસ્કાર કરાય છે. તેમના ગુણ અને શક્તિનાં ગુણગાન ગાવામાં આવે છે. સાહિત્યમાં પણ હાથીઓ અને મહાવતને સ્થાન મળેલું છે.
‘સેન્ટર ફોર રિસર્ચ ઑન એનિમલ રાઈટ્સ’ (સી.આર.એ.આર.) દ્વારા કેરળના મુખ્યમંત્રી પી.વિજયનને લેખિત જાણ કરવામાં આવી હતી કે બંધક હાથીઓનાં મૃત્યુ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે, કેમ કે, 2018થી અત્યાર સુધીમાં કેરળમાં 138 હાથીઓ મૃત્યુ પામ્યા છે. હાથીઓ પર ક્રૂરતા આચરવાના અનેક કિસ્સા બનતા રહે છે. અનુષ્ઠાન દરમિયાન હાથીઓને તીક્ષ્ણ હથિયાર ઘોંચવામાં આવે છે. 2014 થી 2021 વચ્ચે એવા પચાસેક કિસ્સા બન્યા કે જેમાં ક્રોધે ભરાયેલા હાથીએ મહાવતને મારી નાખ્યો હોય.
હાથી કંઈ ગાય કે ભેંસ જેવું ઘરેલુ પ્રાણી નથી. મૂળત: તે જંગલી પ્રાણી છે. ધાર્મિક કે સાંસ્કૃતિક પરંપરાનો તે હિસ્સો હોય તો પણ સરવાળે પરંપરાના નામે તેની પર ક્રૂરતા જ આચરવામાં આવતી હોય છે. ‘પેટા’ના એડવોકેસી પ્રોજેક્ટનાં નિદેશક ખૂશ્બુ ગુપ્તાના જણાવ્યા અનુસાર ભગવાન ગણેશના પ્રતિનિધિ એવા હાથીઓની પૂજાની સૌથી ઉત્તમ પદ્ધતિ તેમને પ્રકૃતિમાં પોતપોતાના પરિવારોની સાથે, ઈશ્વરની ઈચ્છા અનુસાર મુક્ત રહેવાની અનુમતિ આપવાની છે. આ હાથીઓને અભયારણ્યમાં છોડી મૂકવા જોઈએ કે જ્યાં તેઓ અન્ય હાથીઓની સાથે હળીમળીને રહી શકે. ત્રિશૂર જિલ્લાના તેમજ કેરળનાં અન્ય મંદિરો સાથે ‘પેટા ઈન્ડિયા’ વાટાઘાટો ચલાવી રહી છે કે જેથી સાચા હાથીઓને સ્થાને યાંત્રિક હાથી, પાલખી કે રથનો ઉપયોગ કરવામાં આવે.
મંદિરમાં સાચા હાથીને સ્થાને યાંત્રિક હાથી મૂકવાની ઘટના જાણીને પહેલી વારમાં હસવું આવે, પણ તેની પાછળની વાસ્તવિકતાની જાણ થાય ત્યારે એ યોગ્ય જણાય. સાથેસાથે એ સમજાય કે માણસ પોતાની આસ્થાલક્ષી પરંપરા બાબતે પુનર્વિચાર કરવા રાજી નથી. કેરળમાં સાક્ષરતા દર ૯૦ ટકાની ઉપર રહે છે. અલબત્ત, ‘સાક્ષરતા’ની સરકારી વ્યાખ્યા અક્ષરજ્ઞાન પૂરતી સીમિત છે, છતાં રેશનાલિસ્ટ ચળવળના મહત્ત્વના કેન્દ્ર સમા કેરળમાં અનેક આસ્થાલક્ષી પરંપરાઓને વળગી રહેવાનું વલણ અતિશય જાણીતું છે. એ સમજવું કોઈ પણ માટે મુશ્કેલ છે કે કોઈ પણ પરંપરાનો આરંભ ક્યારેક, ક્યાંકથી થયો જ હશે. તેના ચોક્કસ સંજોગો, જરૂરિયાત અને માનસિકતા હશે. સમય વીતતાં આ સંજોગો કે જરૂરિયાત બદલાયાં હશે કે સમૂળગાં રહ્યાં નહીં હોય, છતાં પરંપરાના નામે એ દૃઢ બની ગયાં હશે. સાચેસાચા હાથીને બદલે યાંત્રિક હાથી મૂકવામાં આવે એ પગલું આવકારદાયક છે, કેમ કે, હાથી પર થતી ક્રૂરતા એટલા પૂરતી અટકશે. પણ સમયની સાથે પરંપરા કે માનસિકતા બદલવા અંગે, તેની તાર્કિકતા કે પ્રસ્તુતતા વિશે પુનર્વિચાર કરવાનો અભિગમ ક્યાંય કળાતો નથી. ટેક્નોલોજી રોજિંદા જીવનમાં વિજ્ઞાનને હાથવગું બનાવશે, પણ તે માનસિકતાને પછાત જ રાખવાની હોય તો એમાં વાંક ટેક્નોલોજીનો નથી.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૬ – ૦૪ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
સલીમ દુર્રાની : સ્ટાર, યાર, કલાકાર!
કાજલ ઓઝા વૈદ્ય
ભારતીય ક્રિકેટ વિશે બનેલી બહુચર્ચિત અને લોકપ્રિય ફિલ્મ ‘83’માં એક જગ્યાએ સુનીલ ગાવસ્કર એના ‘અંકલ’ ક્રિકેટરનો ઉલ્લેખ કરે છે, એ કહે છે કે, ‘એક ઐસા ક્રિકેટર થા જો દર્શકો કી ડિમાન્ડ પે છક્કે લગાતે થે. સ્ટેડિયમ મેં જીસ કૌને સે ડિમાન્ડ આતી, વો ઉસ તરફ છક્કે માર સકતે થે.’

તસવીર : ઇંટરનેટના સૌજન્યથી આ ક્રિકેટર એટલે બીજું કોઈ નહીં, પરંતુ ટૂંકી કારકિર્દીમાં જેણે ભારતને ટેસ્ટ ક્રિકેટમાં અદ્્ભુત સફળતા અપાવી એવા સલીમ અઝીઝ દુર્રાની. પહેલાંના જમાનામાં ચાર સેક્શનમાં પેવેલિયન વહેંચી દેવાતું અને ક્રિકેટના ચાહકો જે દિશામાંથી ‘વી વોન્ટ સિક્સર’ની બૂમો પાડે એ દિશામાં સિક્સર ફટકારવાની સલીમ દુર્રાનીની કળા, આજ સુધી ભારતીય ક્રિકેટમાં ફરી કોઈએ જોઈ નથી. ઇંગ્લેન્ડના સ્પિનર નોર્મન ગિફોર્ડના એક બોલ પર સલીમભાઈએ મિડવિકેટ પર ઓન ડિમાન્ડ સિક્સર ફટકારી દીધી. બોલર તેમની પાસે આવ્યો અને કહ્યું દુરી (દુર્રાની) તું આ રીતે ક્રોસ બેટ રમી શકે નહીં. સલીમભાઈએ કહ્યું, ‘મારી સામે ડિમાન્ડ હતી અને મારે પ્રેક્ષકોની ડિમાન્ડ તો પૂરી કરવી જ પડે. અમારે માંડ ૨૦ રનની જરૂર છે, જા બોલ શોધ અને બોલિંગ કર.’ અંતે ભારતે મેચ જીતી લીધી.
મૂળ અફઘાનિસ્તાનમાં જન્મેલા. સલીમ દુર્રાની ખૂબ દેખાવડા, ભૂરી આંખોવાળા અને સ્ટાઈલિશ વસ્ત્રો માટે જાણીતા હતા. એ જન્મ્યા ત્યારે એમના પિતા અબ્દુલ અઝીઝ દુર્રાનીએ તાજા જન્મેલા બાળકની આંખો સામે લાલ રંગનો બોલ ઘૂમાવીને ભવિષ્યવાણી કરી હતી, ‘મારે ઘરે એક સ્ટાર ક્રિકેટર જન્મ્યો છે.’ સલીમ દુર્રાની એમના પરિવાર સાથે ત્રણ વર્ષની ઉંમરે અફઘાનિસ્તાન છોડીને જામનગર આવી ગયા. ભારત-પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે એમના પિતાએ પાકિસ્તાન જવાનું પસંદ કર્યું જ્યારે સલીમ દુર્રાની, એમની માતા અને મામાઓ જામનગર રોકાઈ ગયા. સલીમ દુર્રાનીના પિતા પાકિસ્તાન માટે ક્રિકેટ રમ્યા અને પછીથી એમણે અનેક તેજસ્વી ક્રિકેટર્સને ટ્રેઈન કર્યા જેમાં હનીફ મોહંમદ, વકાર હસન, ઈસરાર અલી, ખાલીદ વઝીર જેવાં નામો પાકિસ્તાનની ટેસ્ટ ક્રિકેટમાં આજે પણ આદરથી લેવાય છે.
સલીમ દુર્રાની સૌથી પહેલાં અર્જુન એવોર્ડ વિનર ભારતીય ક્રિકેટર હતા. એવોર્ડ જાહેર થયો ત્યારે એ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર હતા. પાછા આવ્યા પછી કોઈને યાદ જ ન આવ્યું કે એવોર્ડનો સમારંભ કરવાનો છે! ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયર્ડ થયા પછી, એવોર્ડની જાહેરાતના સાડા ચાર દાયકા પછી એમને એક સમારંભમાં એ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો! સલીમભાઈએ કોઈ દિવસ એ એવોર્ડ યાદ કરાવવાની તસદી લીધી નહીં.

તસવીર ઇંટરનેટના સૌજન્યથી સલીમ દુર્રાનીએ કારકિર્દીનો પ્રારંભ ઓસ્ટ્રેલિયા સામે જાન્યુઆરી ૧૯૬૦થી કર્યો તે વખતે દસમા ક્રમે રમવા આવ્યા હતા. એ જમાનામાં સુપરફાસ્ટ બોલર રે લિન્ડવોલના પહેલા જ બોલે તેમણે એક રન લઈ લીધો. ધૂંઆધાર લેફ્ટી બેસ્ટમેન અને છ ફૂટની ઊંચાઈ સાથે શાનદાર ઓલરાઉન્ડર તરીકે સલીમ દુર્રાની ભારત તરફથી ૨૯ ટેસ્ટ રમ્યા હતા, જેમાં તેમણે એક સદી અને સાત અડધી સદીની મદદથી ૧૨૦૨ રન બનાવ્યા હતા. આ સાથે ૭૫ વિકેટ પણ ઝડપી હતી.
૧૯૭૧માં ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસમાં કેરેબિયન્સ સામે ટેસ્ટ અને ત્યાર બાદ સિરીઝ જીતીને ઇતિહાસ રચ્યો હતો. અજિત વાડેકરની એ સફળતા, સુનીલ ગાવસ્કરની એ પ્રથમ ટેસ્ટ આ તમામ બાબતો સૌને યાદ હશે પરંતુ પોર્ટ ઓફ સ્પેન ખાતેની માર્ચ ૧૯૭૧ની એ ટેસ્ટમાં ચોથા દિવસની સવારનો એક કિસ્સો ભાગ્યે જ કોઈને યાદ હશે. બન્યું એવું કે વેસ્ટ ઇન્ડિઝની ટીમે એક વિકેટે ૧૫૦ રનના સ્કોરથી તેનો બીજો દાવ આગળ ધપાવ્યો હતો અને રોય ફ્રેડરિક્સ અને ચાર્લી ડેવિસ મજબૂતીથી રમી રહ્યા હતા. પ્રસન્ના, બિશનસિંઘ બેદી અને વેંકટરાઘવન જેવા ત્રણ ત્રણ સ્પિનર વિકેટ ખેરવી શકતા ન હતા. ક્લાઇવ લોઇડ જામી ગયો હતો. એવામાં ડ્રિન્ક્સ આવ્યું અને ભારતના એક સ્પિનરે (કામચલાઉ) અચાનક જ કેપ્ટન અજિત વાડેકર પાસેથી બોલ આંચકી લીધો. તેણે પડકાર ફેંક્યો કે તારા આ કહેવાતા મહાન સ્પિનર પાસે લોઇડને આઉટ કરવાની તાકાત નથી. ડ્રિન્ક્સ પછીની ઓવરમાં એ બોલરે લોઇડને આઉટ કર્યો અને તરત જ મહાન ગેરી સોબર્સને પેવેલિયન ભેગા કરી દીધા. એમાંય સોબર્સને તો ક્લીન બોલ્ડ કરી દીધા. બસ, ત્યાર બાદ તેણે કેપ્ટનને બોલ પરત આપીને કહી દીધું હવે તારા સ્પિનર્સ પાસે બોલિંગ કરાવ. આ બે વિકેટે મેચનું પાસું પલટી નાખ્યું અને પછી જે કંઈ બન્યું તે ઇતિહાસ છે. ભારતે સાત વિકેટથી મેચ જીતી લીધી અને સિરીઝ પણ અંકે કરી લીધી. આ બોલર એટલે ભારતીય ક્રિકેટના સૌથી લોકપ્રિય એવા સલીમ દુર્રાની.

જીવનભર અપરિણીત રહેલા સલીમ દુર્રાની મીડિયાની નજરમાં એક ‘પ્લે બોય’ હતા. એ એટલા દેખાવડા હતા કે જ્યાં જતા ત્યાં છોકરીઓ એમની પાછળ પાગલ થતી. આજે વિરાટ કોહલી, વિનોદ કાંબલી, સુનીલ ગાવસ્કર, સચીન તેંડુલકર, સૌરવ ગાંગુલી જેવા ક્રિકેટર્સ જાહેરાતમાં કામ કરે છે, પરંતુ સલીમ દુર્રાનીએ ૧૯૭૩માં પરવીન બાબી સાથે હીરો તરીકે એક ફિલ્મ કરી હતી, ‘ચરિત્ર’. એ ફિલ્મ માટે એમને અઢાર હજાર રૂપિયા મળ્યા હતા. મિત્રોએ પાર્ટી માગી ત્યારે સલીમ દુર્રાનીએ કહ્યું હતું, ‘એ ફિલ્મમાંથી મળેલા પૈસા તો મેં પરવીન બાબી પાછળ ઉડાવી દીધા!’
એમના દિલદારીના અનેક કિસ્સા જાણીતા છે. શિયાળાની રાત્રે એક વૃદ્ધ ભિખારીને રાજસ્થાન ક્રિકેટરનું સત્તાવાર સ્વેટર એમણે ઉતારી આપેલું તો એકવાર ટ્રેનની મુસાફરી દરમિયાન નવાસવા આવેલા સુનીલ ગાવાસ્કરે એમણે પોતાનો બ્લેન્કેટ અને કોટ આપીને આખી રાત ઠંડીમાં વિતાવી હતી… એ દિવસથી સુનીલ ગાવસ્કર એમને ‘અંકલ’ કહેતા થયા. ૧૯૬૦માં ભારતીય પસંદગીકાર લાલા અમરનાથની સૂચનાથી કેટલાક યુવાન ક્રિકેટરોને ભારતીય ટીમની સાથે રાખવામાં આવ્યા હતા જેથી તેમને ટેસ્ટ ક્રિકેટનો અનુભવ મળી રહે. બીજે દિવસે લાલા અમરનાથે સલીમને બોલાવીને કહ્યું કે, જશુ પટેલ બીમાર હોવાથી આ ટેસ્ટમાં તારે રમવાનું છે. સૌના આશ્ચર્ય વચ્ચે રણજી પ્રારંભે સદી ફટકારનારા આ ઓલરાઉન્ડરને દસમા ક્રમે બેટિંગમાં મોકલાયા હતા. એમની લોકપ્રિયતાનો સૌથી રસપ્રદ કિસ્સો એ છે કે, એમને જ્યારે કાનપુર મેચમાં પડતા મૂકાયા ત્યારે સ્ટેડિયમની બહાર લોકો પોસ્ટર લઈને ઊભા હતા, ‘નો દુર્રાની, નો ટેસ્ટ’…
૮૮ વર્ષની ઉંમરે જામનગરમાં એમના ભાઈ જહાંગીર દુર્રાનીના ઘેર એમનું અવસાન થયું છે, ભારતીય ટેસ્ટ ક્રિકેટનું એક ડેશિંગ, હેન્ડસમ, સ્ટાઈલિશ પાત્ર ઈતિહાસ બની ગયું
સ્રોત સૌજન્ય – સુશ્રી કાજલ ઓઝા વૈદ્યની દિવ્ય ભાસ્કર ની રવિવાર પૂર્તિ ‘રસરંગ’માં પ્રકાશિત થતી કોલમ ‘માય સ્પેસ’
સુશ્રી કાજલ ઓઝા વૈદ્યનો સંપર્ક kaajalozavaidya@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે
-
અકિંચન બ્રાહ્મણની અમૂલ્ય ભેટ : ‘સદ્દભિ:સંગ’
અમૃતાનુભવની ઉજાણી
દર્શના ધોળકિયા
વીસમી સદીની અંતિમ પચીસીમાં ગુજરાતી સાહિત્યને કેટલાંક અમૂલ્ય આત્મ– જીવનચરિત્રો સાંપડ્યાં, જેમાંની મનુભાઈ પંચોલી ‘દર્શક’ની આત્મકથા ‘સદ્દભિ:સંગ:’ના પ્રકાશને ગુજરાતી સાહિત્ય અને ગુજરાતને અનેક અર્થમાં રળિયાત કર્યું.
પ્રસ્તુત આત્મકથાને માત્ર ‘આત્મચરિત્ર’ની સંજ્ઞામાં સીમિત કરી શકાય તેમ નથી. એના ઉદભવનું નિમિત્ત ને ઉદ્દેશ એને ‘સંસ્થાકથા’ને ‘શિક્ષણકથા’, કહો કે એ બંન્નેની ગાથા તરીકે પ્રમાણિત કરે છે. કૃતિની પ્રસ્તાવનામાં લેખક આ વાતને રદિયો આપતાં કહે છે તેમ, ‘વાચકો જોઈ શકશે કે આ કોઈ આત્મકથા નથી. તે લખવી હોય તો મારાં વ્યક્તિગત મંથનો કેન્દ્રમાં રાખીને મારે વાતો લખવી પડે; મારું સાહિત્યિક જીવન, મારા સંસારજીવનનાં ભરતી ઓટ, મારા અર્ધી દુનિયાના પ્રવાસો આમાં ક્યાં છે ?’ આ તો સંસ્થા ….તેની જોડે ચાલેલા જાહેર જીવનની કથા છે. ઈતિહાસ પણ નહિ, કારણકે તો મારે ઘણી વધારે છાનબીન કરવી …..(ઉદ્દભવ, પૃ.૬)‘નાનાભાઈના વેણે અમે જે કામ કર્યું, તે કરતાં જે સમાજનો વિકાસ થયો તે એમાં છે. અને વિશેષ તો છે તે કરતાં અનેક નાની–મોટી વિભૂતિઓનો સંસ્પર્શ થયો તે.’ આ અર્થમાં આ આત્મકથા નહીં, કર્મકથા કહો કે ગાથા છે. પોતાની પહેલાં થઇ ગયેલા મહાપુરુષો દ્વારા ને એમાં પોતે કરેલા ઉમેરાથી અન્ય માટે મહાપુરુષ થયેલા મનુભાઈની કર્મકથા.
આવી વિરલ કર્મકથા આપી કોણ શકે ? આવી હેસિયત કોની હોય? જેનો ઉત્તર કૃતિના સુશ્રી વિમલા ઠકાર દ્વારા અપાયેલ શિલાલેખ શા પ્રાસ્તાવિકમાં સાંપડે છે : ‘શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ એક બહુમુખી પ્રતિભા ધરાવનાર વિરલ વ્યક્તિત્વ છે. પિંડ દેશભક્તિનો, પૂજારી સત્યના, હાડોહાડ શિક્ષક, લોહીમાં સાહિત્યસર્જનની છોળો ! કાવ્યપ્રેમ શબ્દાતીત. કોઠાસૂઝ રાજનીતિજ્ઞની. ઈતિહાસના મર્મજ્ઞ, અને વર્તમાનના શિલ્પી.’ (પ્રસ્તાવના, પૃ.૮) આવાં વ્યક્તિત્વ દ્વારા સાંપડેલી આ આખીય કૃતિનો નિષ્કર્ષ તારવતાં વિમલાજીએ તેને અંજલિ પણ આ રીતે આપી છે : ‘સદ્દભિ:સંગ:’ આમ તો આંબલા, મણાર અને માઈધાર સંસ્થાઓના જન્મ, વિકાસ અને ઈતિહાસની મંગલગાથા છે. સાથે સાથે શ્રી મનુભાઈની ઊગતી જવાનીથી માંડીને આજની પરિપક્વ અવસ્થા સુધીના ચૈતસિક તેમજ સામાજિક વિકાસની હૃદ્ય ગાથા પણ છે. પોતાનું સર્વસ્વ ઊંડેલીને ઉછેરેલી સંસ્થાઓ વિશેનું પ્રમાણિક, પ્રાંજલ નિવેદન છે. એક પ્રજ્ઞાવાન કલમના કસબીને હાથે લખાયેલું નિવેદન હોઈ, ઉત્તમ સાહિત્યનું પ્રતિનિધિત્વ કરે એટલું તે સશક્ત છે, સમર્થ છે. એક અભિજાત શિક્ષાવિદ્દની ક્રાંત દ્રષ્ટિએ શિક્ષણ અંગે વ્યક્ત કરેલી અમૂલ્ય ચિંતન – કણિકાઓ એમાં પથરાયેલી છે. અને અમૃતતુષાર ચિત્તને એ ભીંજવી દે છે.’ (એજન પૃ.૮)
આ કર્મકથા ને જે કર્મ તેમાં અભિન્ન રીતે જોડાયું એ શિક્ષણગાથા તેના મૂળમાં છે. મનુભાઈના આરાધ્ય નાનાભાઈ. નાનાભાઈનાં મહાભારતનાં પાત્રોથી મુગ્ધ થયેલા મનુભાઈ માટે ગૃહપતિનું કાર્ય કરવા મોહનલાલ મહેતા ‘સોપાન’ દ્વારા નાનાભાઈ પાસે વાત મુકાઈ એને મનુભાઈ ‘મને તો દેવ ફળ્યા’ એમ કહીને મૂલવે છે ! આ દેવ ફળ્યાની પછીની ક્ષણે આકારાયેલું નાનાભાઈનું ચિત્ર દર્શનીય બન્યું છે; ‘સ્વચ્છ બગલાની પાંખ જેવો શ્વેત સાદો પોષાક, ટટ્ટાર ચાલ, આંખમાં દ્રઢતા, કામમાં ચોકસાઈ, વિવેક પણ પૂરો. બધાને માનથી બોલાવે અને માનથી વિદાય કરે.
બરાબર સાડાઆઠને ટકોરે છાત્રાલયના કમ્પાઉન્ડમાં દાખલ થયા જ હોય. સીધા દવાખાને જવાનું, માંદા વિદ્યાર્થીઓને જોવાના, ખોરાક, દવાની સૂચના આપવાની, પછી સીધી મેડી પરની ઓફિસમાં – સાડાબાર વાગ્યે ઉતરવાના.’ (પૃ.૧૬-૧૭) આરંભે મનુભાઈની પાસે તેમનું શિક્ષણ ચાલ્યું. પહેલી વાત જે દીક્ષામંત્ર તરીકે કાનમાં ફૂંકી તે આ:…’ યજ્ઞાદિ, સૃષ્ટિની ઉત્પત્તિ વિષે પણ ઉલ્લેખો આવે, તે મને ગળે ન ઉતરે, ત્યારે કહે, ‘એ ધર્મનાં છોડાં છે, દાણાને રક્ષણ માટે રખાયેલાં છોડાં પર બહુ ધ્યાન ન આપવું. કાળક્રમે તે બદલાતાં રહે, મોટાભાગની ધાર્મિક તકરારો, જો આટલું ધ્યાન રાખવામાં આવે તો ઊકલી જાય.’ (પૃ.૧૯) મનુભાઈને મળેલા આ અનન્ય સદ્દભિ:સંગે તેમને જે સંપડાવ્યું એનું અંતિમ તારણ નાનાભાઈના મૃત્યુ વખતે મનુભાઈએ કરેલા તેમના નિરીક્ષણમાં સાંપડે છે : ‘ખાનપાન, વિચારવાણી, પરિગ્રહ – નિગ્રહ, માન અપમાન, સ્થાનાસ્થાન વિશે મને એમનામાં બીજા કોઈના કરતાં વધારે અનાસક્તિનાં દર્શન થયાં છે. તેમના ઉચ્ચારો ધીમા, સ્પષ્ટ શક્ય તેટલા મૃદુ રહેતા. તેમનાં પગલાં સ્થિર અને છતાં નમ્રતાને પ્રગટ કરતાં. આદર્શ અને વ્યવહારનો સુમેળ ગોતી કાઢવાની એમનામાં આગવી સૂઝ હતી. ઘણાએ એમના વિશે ગેરસમજ કરી છે. પોતે જ બાંધેલ દક્ષિણામૂર્તિ છોડવી તે તેમને કષ્ટદાયી હતું, પણ તેમણે કદી કોઈની ટીકા કરી નથી કે કડવાશ દર્શાવી નથી; અનેક સુક્ષ્મ વાતો ભારે સરળતાથી નિર્દંભ રીતે કહી છે, પણ કદી પોતાના ગુરુથી પોતે કેમ છુટા પડ્યા તે કહ્યું નથી, મેં પૂછ્યું પણ નથી. માણસનાં માપની તેમને ખબર પડતી. અગાઉથી તે વિશે કહેતા પણ ખરા, પણ આગ્રહ ન રાખતા. સૂચન કરીને અટકી જતા.’ (પૃ.૧૫૨-૧૫૩) આવા નાનાભાઈએ દેહ છોડ્યો ત્યારે એમનું અંતિમ દર્શન કરતાં કરાવતાં મનુભાઈએ પોતાના આ આરાધ્યની મનુભાઈ જ કરી શકે એવી મૂલવણી કરતાં દોરેલું ચિત્ર સર્જકની ભાષાકીય સજ્જતાની સાથોસાથ વ્યક્તિનું માપ કાઢી શકવાનાં ગજાંનોય પરિચય કરાવતું બની રહે છે : ‘એમને ભોંય પર લઇ નિર્વસ્ત્ર કરી નવરાવ્યા ત્યારે મને તે નિર્વસ્ત્ર, કાષ્ઠદંડ જેવા સીધા દેહમાં જાણે શુકદેવજીનાં દર્શન થયાં.’ (પૃ.૧૫૨)
નાનાભાઈએ વાવેલી ને ઉછેરેલી ને મનુભાઈએ સંવર્ધેલી શિક્ષણગાથા આ કૃતિનાં પૃષ્ઠે પૃષ્ઠમાં પથરાયેલી છે. ગુરુ-શિષ્યનાં આ યુગલે જે કર્યું તે ગામડામાં નિશાળો નહીં, ગામડાની નિશાળો. વિદ્યાર્થીને ગામડામાં રહીને ગામડાં સુધારવા પ્રેરે તેવી કેળવણી આપતી નિશાળો.
આ નિશાળોમાં મુક્ત શિક્ષણ ચાલતું – ઈર્ષા ઉપજે તેવું. ત્યાં કવિતા ભણાવાતી, કવિઓ નહી. તરવું, રમવું, પ્રવાસ, સફાઈ જેવાં જીવતરનાં મૂળને પોષતાં તત્ત્વોનું શિક્ષણ આ શિક્ષણનો ‘સાર’ હતો. નાનાભાઈએ મનુભાઈનો કરેલો સતત શિક્ષણનો સૂર આ હતો : ‘આ બાળકોને તેનું અને સમાજનું આજનું જીવન જીવવા અને અવલોકવા ન દો તો તે ભવિષ્યનું ચિત્ર શું આંકવાનાં છે ? ગુલાબના છોડ પર ગુલાબનાં ફૂલો આવવાનાં છે, એ માટે પાંદડાં ફૂટે, નવાં નવાં પાન આવે તે પણ જરૂરી છે. નવા પાનના ખૂણામાંથી જ કળીઓ ફૂટે છે. પાનની અવસ્થા નિરર્થક નથી. એમ વર્તમાનનું અનુભવ–દર્શન મહત્ત્વનું છે તે બાળકોને સમજવા દો. તેમાંથી શક્તિ અને સમાજ કેળવાશે.’ (પૃ.૬૬) આ સંસ્થાઓમાં સમભાવનો અર્થ હતો અસ્પૃશ્યતા નિવારણ, બેકારી નિવારણ, ઊંચ-નીચના ભેદોનું નિવારણ, સામ્રાજ્યવાદનું નિવારણ.
સહશિક્ષણનું મૌલિક ચિંતન કરતાં દર્શકના ચિત્તમાંથી જે દર્શન ઊઠ્યું તે આ: ધર્મ એટલે વ્યક્તિ અને સમાજ બંને જેને આધારે ટકે તે ધર્મ. એકલી વ્યક્તિ નહિ, તેમ એકલો સમાજ નહિ. સ્ત્રી અને પુરુષ સાથે રહેવા સર્જાયા છે, …સ્ત્રી માત્ર પત્ની સ્વરૂપ જ નથી. તે માતા છે, બહેન, મામી, કાકી, ભાણી, ભત્રીજી અને સખી–મિત્ર છે. બધાં સ્વરૂપો જોતાં, આદર-કદર કરતાં શીખવે તે શિક્ષણ. સહ શિક્ષણ ફક્ત લગ્નની બ્યુરો નથી. આમ અમે માન્યું અને તે મુજબ ચાલ્યા. તેનાં મીઠાં ફળ અનુભવ્યાં, એ આજેય અનુભવીએ છીએ.’(પૃ. ૨૪૧)
કેટલાક સદ્દભિ:સંગ અહી સહૃદયોને ભીંજવે છે. તેમના આલેખનની મીઠાશનું રહસ્ય છે મનુભાઈના મનુષ્ય નિરક્ષણની શક્તિમાં, એનામાં પડેલી નમ્ર જીવનદ્રષ્ટિમાં, સતત શિક્ષણની આરાધનાની ખેવનામાં ને હિલોળા લેતા સર્જકત્વથી છલોછલ ભરેલી ભાષામાં. નીચેનાં દ્રષ્ટાંતો એની સાક્ષી પૂરે છે. જયપ્રકાશ નારાયણના મિલનથી ગદ્દગદ થયેલા મનુભાઈની આંખે અહીં ઝિલાયેલા જે.પી. સહૃદયના ચિત્તતંત્રમાં કાયમ કોતરાઈ જાય તેમ આલેખાયા છે : ‘નમ્રતાની મૂર્તિ, નેકદિલ, નિર્ભય જે.પી. નો આ પ્રથમ પરિચય. ઢાંક્યાઢૂંબ્યા વિનાનું, હેમંતના નિર્મળ સૂર્યપ્રકાશ જેવું વ્યક્તિત્વ. હું પીગળી ગયો, એ હેમવર્ણા સૌમ્ય સૂર્યપ્રકાશમાં.’(પૃ.૨૦૨)
રામજીબાપા, ડાહ્યો, બચુભાઈ, મૂળશંકરભાઈનાં કેવાં કેવાં ચિત્રો અહીં મળે છે ! ‘રાજીબાપા રોજ બપોર સુધી એમને એમ લાકડીના ટેકે હનુમાનની જેમ રહે, બેસવાનું નહિ.’ (પૃ.૨૪૨) ‘મૂળશંકરભાઈ રગેરગ શિક્ષક. તેમની હાજરીમાં અશૈક્ષણિક વર્તન કરવાનું ભાગ્યે જ કોઈને ઊગે. મધમાખી ફરી ફરીને ફળ પર બેસે તેમ તેમનું મન વિદ્યાર્થીઓ પાસે.’(પૃ.૨૪૬)
કૃતિ સંસ્થાકથા, શિક્ષણકથા હોવા છતાં દસ્તાવેજી ન બનતાં રસાળ બની છે. ભાષા અને લેખકનાં દર્શનને લઈને સદ્દભિ:સંગથી ધન્ય બનેલા આ સર્જક અનુભવગાથા ગાતાં વારંવાર રણઝણી ઊઠીને પોતામાં રહેલાં સર્જક્ત્વના તાર છેડી બેઠા છે, જેની શાખ પૂરતાં અનેક વિધાનો આ કૃતિમાં ઠેર ઠેર મોતીની જેમ વેરાયેલાં છે :
‘ગામડામાં હીર નથી એમ નહિ, પણ તેને વહેમ, અજ્ઞાન, ધાર્મિક અંધાપો, નાતજાતનાં વેરઝેરનો કાટ ચડી ગયો છે, તેમ પગલે પગલે જોયું છે. ઘસીએ તો ચકચકાટ …. નીકળી આવે.’(પૃ.૫૫)
-જાહેર સંસ્થાઓમાં ચોખ્ખો હિસાબ એ સ્ત્રીના શીલ જેવી વસ્તુ છે.’(પૃ.૫૩)
સર્જક મનુભાઈની મહાન કૃતિઓમાં તેમણે ત્રીજા નેત્રથી પ્રાપ્ત કરેલું દર્શન ને એ દર્શનને વ્યક્ત કરતી તેમની મંત્રવાણીની ભેટ આ આત્મકથામાંય પાને પાને ભરી પડી છે. જેના મૂળમાં તેમની જીવનાભિમુખતા ને આંતરિક અનુભૂતિ પડેલાં છે :
-‘અસાધારણ માણસ વાતાવરણ સર્જે છે, સાધારણ માણસ વાતાવરણને ઝીલે છે.’ (પૃ.૬૩)
– ‘બધાં ફૂલ સાથે ખીલતાં નથી, કોઈકની ઋતુ મોડી આવે છે.’(પૃ.૭૦)
‘-સાધુનું કહેવું વગર વિચાર્યે માનવું તેવું કોઈ ન સમજે કારણકે ભાગ્યે જ કોઈ સાધુ હોય છે, અને જે આવા સાધુ હોય છે, તે કોઈને વગરસમજયે પોતાની પછવાડે આવવાનું કહેતાયે નથી.’(પૃ.૭૬)
પૈસા તો ઘણા દે છે, પણ જીવતર અને તે પણ ક્ષણેક્ષણનું જીવતર દાન કરે તે જ દાનેશ્વરી.’(પૃ.૨૪૩)
જીવનભશિક્ષણ, સર્જન ને એ નિમિત્તે જીવતરનાં સાફલ્યની તપશ્ચર્યા આદરનાર આ સર્જકની અનુભવગાથાનો અંતિમ નિષ્કર્ષ ગીતકથિત કર્મ કરીને ખસી જવાના અનાસક્તિના આનંદગીત પાસે વિરમે છે : ‘તપ, પ્રમાણિકતા, નમ્રતા, દ્રઢતા જરૂર ફળે છે. પણ તેનું કોઈ સમયપત્રક આ ખળખળી ગયેલા પાયાવાળા સમયમાં કોઈ આપી શકે? જે જીવશે તે અવશ્ય જોશે કે કલ્યાણમાર્ગે જનારાની લાંબા ગાળે દુર્ગતિ થતી નથી અને કસોટી વિનાની ભક્તિની શી ખાતરી ? ભલે કસોટીઓ થતી ! ભલે તે લાંબા ગાળે ફળે !’(પૃ.૨૮૧)
ગ્રામદક્ષિણામૂર્તિ અને લોકભારતી સંસ્થાની કથા કહેતી આ વિરલ શિક્ષણ –આત્મકથા- ગાથાની વાત માંડતા લેખકે “સદ્દભિ:સંગ’ ને સંબંધ છે, ત્યાં સુધી આ બેઉ સંસ્થાના સંબંધે જેમનાં સંસર્ગે મારામાં જે આંદોલનો ઊઠ્યાં હતાં, અને જેની સ્મૃતિવીણા હજુયે મારા ચિતતંત્રમાં વાગ્યા કરે છે તેનો તેટલો રણકાર આમાં છે.’ એવું ભલે કહ્યું, અહીં એ તો છે જ, પણ એમાં ઉમેરાય છે આ મહાપુરુષોના સંશ્રયથી દર્શકનાં સંકોરાયેલાં સદ તત્ત્વોનો પ્રખર આલોક જેની પ્રભામાં સહૃદયનો તારેતાર ઝગમગી ઊઠે છે. દર્શકે સ્વાનુભવે જે અનુભવ્યું છે તે વિભૂતિતત્વ માત્ર મહાપુરુષોમાં જ આશ્રય લે છે એવું નથી. ક્યારેક એ સામાન્ય જનમાં પણ ઝળહળતુ હોય છે. પણ આપણે જે ઝાકઝમાળમાં રહીએ છીએ તેમાં આપણને એ દેખાતું નથી, ને એટલાં આપણા પુણ્ય ઓછાં થયાં ગણાય. આ અર્થમાં પણ આ કૃતિ સાંપ્રત સમયસંદર્ભમાં કેટલી સાર્થક ઠરે છે ! જીવનને જોતા રહેલા દર્શકના જોવાનું અહીં દર્શનમાં રૂપાંતર થાય છે, જે આ આત્મકથાની આગવી ઓળખ ઊભી કરે છે ને એને ‘અકિંચન બ્રાહ્મણની અમૂલ્ય ભેટ’ એવી લોકભારતી સંસ્થાની ઓળખનો પર્યાય બનાવે છે.
સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી કોલમ ‘વાચનથાળ’
ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
માતૃભાષાનું શિક્ષણ અને માતૃભાષામાં શિક્ષણ
નિસબત
ચંદુ મહેરિયા
માતૃભાષાના મુદ્દે ગુજરાતમાં અને દેશમાં પ્રવર્તતી સ્થિતિ ઝાઝા રંજ, રમૂજ અને રોષ તો થોડો આનંદ જન્માવનારી છે. જૂન-૨૦૨૩ના આગામી શૈક્ષણિક વરસથી ગુજરાતમાં બે નવા પ્રારંભ થવાના છે. એક, ગુજરાત વિધાનસભાએ સર્વાનુમતે પસાર કરેલા ધ ગુજરાત કમ્પલસરી ટીચિંગ એન્ડ લર્નિંગ ઓફ ગુજરાતી લેંગ્વેજ બિલ, ૨૦૨૩ ને કારણે ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓના વિધ્યાર્થીઓ એક ભાષા તરીકે તબકાવાર રીતે ગુજરાતી ભાષાનો અભ્યાસ કરશે(શીખશે). અને બે, ધોરણ બાર સાયન્સ સુધી ગુજરાતી માધ્યમમાં ભણેલા વિધ્યાર્થીઓને મેડિકલ, એન્જિનીયરીંગ અને અન્ય ઉચ્ચ અભ્યાસ અંગ્રેજીમાં કરવામાં મુશ્કેલી પડતી હોઈ ગુજરાત સરકાર આ વરસથી જ પ્રથમ વરસ એમબીબીએસનો અભ્યાસ ગુજરાતી ભાષામાં શરૂ કરવાની છે. દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી ભાષાના મુદ્દે અસ્તિત્વમાં આવેલા ગુજરાત રાજ્યને એની સ્થાપનાના ત્રેસઠ વરસો બાદ માતૃભાષાની જે ખેવના જાગી છે તે થોડો આનંદ અને વધુ રોષ જન્માવે તેવી છે.
માતૃભાષા કે દૂધભાષા એટલે ‘મા’ની ભાષા.બાળક જન્મના એકબે વરસો પછી બોલતા શીખે છે પરંતુ જન્મની સાથે જ તે સાંભળે તો છે જ. બાળક શિશુ અવસ્થામાં માતા અને સંપર્કમાં આવનારા અન્ય વ્યક્તિઓ દ્વારા સાંભળીને અને પછી અનુકરણથી જે ભાષા બોલતા શીખે અને મોટપણે પ્રત્યાયન કરે છે તથા ભાવ અને વિચારની અભિવ્યક્તિ કરે છે તે માતૃભાષામાં હોય છે. વ્યક્તિ અને સમાજ બેઉના વિકાસમાં માતૃભાષાની મહત્વની ભૂમિકા છે. એટલે વ્યક્તિના શિક્ષણનું માધ્યમ તેની માતૃભાષામાં હોય તે ઉપકારક છે. ૧૯૬૪ થી ૧૯૬૬ના એજ્યુકેશન કમિશનના ચેરપર્સન ડી.એસ. કોઠારીએ તો કહ્યું હતું કે, “ ભારત સિવાયના દુનિયાના કોઈપણ દેશમાં બાળકની ભાષા અને તેના શિક્ષણની ભાષા અલગ અલગ નથી.” ચીન, જાપાન , જર્મની અને ઈઝરાયેલમાં બાળકોને તેમની જ ભાષામાં શિક્ષણ આપવામાં આવે છે.
એક અભ્યાસ પ્રમાણે વિશ્વના સૌથી અમીર વીસ દેશોની સરકારી કામકાજની ભાષા તરીકે તેમના દેશની ભાષા છે. જ્યારે સૌથી ગરીબ વીસ પૈકીના ઓગણીસની ભાષા વિદેશી છે. ગુજરાત રાજ્યની રચનાના બીજા જ વરસે રાજ્યના સરકારી વહીવટમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવા અંગેનો ગુજરાત ઓફિશિયલ લેંગ્વેજ એક્ટ ઘડાયો હોવા છતાં રાજ્યના વહીવટમાં હજુ સંપૂર્ણ ગુજરાતી દાખલ થઈ નથી. દેશના ચાર જ રાજ્યોની વડી અદાલતોનું કામકાજ રાજ્યની સ્થાનિક ભાષામાં થાય છે. ગુજરાતસહિત એકવીસ રાજ્યોની વડીઅદાલતોનું કામ આજેય અંગ્રેજીમાં જ ચાલે છે. બ્રિટીશ શાસનને કારણે ભારતમાં અંગ્રેજી શિક્ષણ દાખલ થયું હતું. પરંતુ અંગ્રેજશાસનથી મુક્તિના પંચોતેર વરસો બાદ પણ દેશ શિક્ષણ, વહીવટ,અદાલત સહિતના ઘણાં ક્ષેત્રોમાં અંગ્રેજીના પ્રભાવ હેઠળ છે. જાણે કે આપણે રાજકીય આઝાદી છતાં ભાષાકીય સામ્રાજ્યવાદથી હજુ મુક્ત થયાં નથી.
દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશની ભાજપા સરકારે ૨૦૧૭માં હિંદી માધ્યમની પાંચ હજાર પ્રાથમિક શાળાઓને અંગ્રેજી માધ્યમમાં ફેરવી દીધી હતી. જ્યાં તેલુગૂ અસ્મિતાનું ગૌરવ લેવાતું હતું તે આંધ્રપ્રદેશમાં હાલના સત્તાનશીન પ્રાદેશિક પક્ષ વાયએસઆર કોંગ્રેસે તમામ તેલુગૂ મીડિયમની પ્રાથમિક શાળાઓને અંગ્રેજી મીડિયમમાં તબદિલ કરી નાંખી છે. હદ તો રાજસ્થાનની કોંગ્રેસ સરકારે કરી છે. જે ગાંધીજીએ, “જો મારા હાથમાં તાનાશાહી સત્તા હોય તો પળના ય વિલંબ કે પાઠયપુસ્તકોની તૈયારીની પણ રાહ જોયા વિના અંગ્રેજી માધ્યમમાં અપાતું શિક્ષણ બંધ કરી દઉં “ , એમ કહેલું , તેમના નામે રાજ્યના પાંચ હજારથી વધુ વસ્તીના ગામોમાં ગાંધી ઈંગ્લીશ મીડિયમ સ્કૂલો શરૂ કરી છે. ગુજરાતમાં ૪૫૨૦ અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાઓને નવા કાયદાનો અમલ કરી ફરજિયાત ગુજરાતી ભણાવવું પડશે પણ ગાંધીગિરા ગુજરાતીને બદલે રાજ્યમાં આટલી બધી અંગ્રેજી મીડિયમ પ્રાઈમરી સ્કૂલો કેમ એવો સવાલ ઉઠતો નથી.
વૈશ્વિક સંપર્કભાષા કે જ્ઞાનભાષા તરીકે અંગ્રેજીનો સ્વીકાર સૌ કોઈ પોતાની ગરજે કરે છે. પરંતુ તેના આંધળા મોહમાં માતૃભાષા અને પ્રાદેશિક ભાષાઓની ઉપેક્ષા એ હદે થઈ રહી છે કે તે બચાવવાની અને ટકાવવાની ઝુંબેશો કરવી પડે છે. સરકારો વાલીઓની માંગ અને વાલીઓ રોજગાર કે બજારની માંગનો હવાલો આપીને અંગ્રેજી મીડિયમની જરૂરિયાત જણાવે છે. તાજેતરમાં એક બ્રિટિશ સાંસદે બ્રિટનની સરકારને ગુજરાતીસહિતની દક્ષિણ એશિયન ભાષાઓ શીખવવા માટેનું રોકાણ વધારવા માંગણી કરી છે. કેમ કે તે બજારની જરૂરિયાત છે. નવા ઉભરતા બજાર તરીકે દક્ષિણ એશિયામાં વ્યાપાર કરવો હશે તો સ્થાનિક ભાષાઓ આવડવી અનિવાર્ય છે. દલિત-વંચિતને પણ તેમના પછાતપણાનું મૂળ અંગ્રેજી શિક્ષણનો અભાવ લાગે છે. એટલે કેટલાક દલિત બૌધ્ધિકો અંગ્રેજીમાતાના મંદિરો ચણાવે છે અને મેકોલેનો જન્મદિન મનાવે છે !
મહારાષ્ટ્ર, પંજાબ, તમિલનાડુ, અસમ, તેલંગાણા અને જમ્મુ-કશ્મીરમાં પહેલા ધોરણથી જ સ્થાનિક ભાષા ભણાવવાના સરકારી નિયમો છે. હવે તેમાં ગુજરાતનું ઉમેરણ થયું છે. અગાઉ તા. ૧૩.૦૪.૨૦૧૮ના સરકારી પરિપત્રથી રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ફરજિયાત ગુજરાતી ભણાવવા જણાવાયું હતું.પરંતુ તેનો અમલ થતો નહોતો. માતૃભાષા અભિયાનની જાહેરહિતની અરજી પરની હાઈકોર્ટની ફટકાર પછી સરકારે કાયદો ઘડ્યો છે. એટલે તેનો કડક અમલ આવશ્યક છે.
દેશના ૫૭ ટકા કે ૬૯.૧૫ કરોડ લોકોની પહેલી ભાષા હિંદી છે. જેમની પ્રથમ ભાષા અંગ્રેજી છે તેવા ભારતીયો તો માત્ર ૨.૬ લાખ જ છે પરંતુ અંગ્રેજી બોલનારા ૧૨.૮૫ કરોડ(૧૧ ટકા) લોકો ભારતમાં છે. એટલે પ્રાદેશિક ભાષાઓનો દબદબો અને બહુમતી છતાં વર્ચસ અંગેજીનું છે. જે સૌને આંજી નાંખે છે અને તેના તરફ ખેંચે છે. પચરંગી સમાજમાં આપણને બહુભાષી થયા વિના ચાલવાનું નથી. અનેક ભાષાઓ અને બોલીઓ વિલુપ્ત થઈ ગઈ છે કે વિલુપ્તિની કગાર પર છે. એટલે સવાલ પ્રાદેશિક કે માતૃભાષાઓના મહિમાગાનનો જ ફક્ત નથી અંગ્રેજીની લ્હાયમાં એકેય ભાષા ઢંગથી ના આવડતી હોય તેનો ય છે.
‘સરહદના ગાંધી’ ખાન અબ્દુલ ગફાર ખાને તેમની આત્મકથા ‘માય લાઈફ, માય સ્ટ્રગલ’ માં લખ્યું છે કે, “ કોઈપણ રાષ્ટ્ર તેની માતૃભાષાના વિકાસ વિના પ્રગતિ સાધી શકે નહીં.” પરંતુ દેશમાં માતૃભાષા કે પ્રાદેશિક ભાષાઓની અવહેલના થતી જોવા મળે છે. આઈએએસ અને આઈપીએસ જેવી દેશની ટોચની સિવિલ સર્વિસની યુપીએસસી એકઝામમાં વરસોથી પ્રાદેશિક ભાષાઓ દાખલ કરી છે પરંતુ કેન્દ્ર સરકારની વર્ગ-૩ની ભરતી પરીક્ષા લેતી સૌથી મોટી એજન્સી સ્ટાફ સિલેકશન કમિશનની પરીક્ષાઓ હવે આ વરસથી ગુજરાતી અને બીજી બાર પ્રાદેશિક ભાષાઓમાં લેવાશે.
જેમ સમાજસુધારા એકલા કાયદાથી ના થઈ શકે તેમ ભાષા પણ સરકારી નીતિનિયમો કે કાયદાથી ના બચે. ગુજરાતમાં આજે માતૃભાષાના ફરજિયાત શિક્ષણનો માર્ગ ખૂલ્યો છે તો કદાચ આવતીકાલે માતૃભાષામાં શિક્ષણનો માર્ગ પણ ખૂલશે. તે માટેના પ્રજાકીય પ્રયાસો જારી રહેવા જોઈએ.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
