-
દલિત મુસલમાનની અજાણી વ્યથા અને ઉકેલની દિશા
નિસબત
ચંદુ મહેરિયા
૨૦૧૭માં ભુવનેશ્વરમાં મળેલી ભારતીય જનતા પક્ષની રાષ્ટ્રીય કારોબારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પક્ષને ‘પછાત અને દલિત મુસ્લિમો’નું સંમેલન બોલાવવા અને તેમના પ્રશ્નો ચર્ચવા સલાહ આપી હતી. જાણે કે તેના પડઘારૂપ આ વરસે યોજાયેલી ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજ્યની બીજેપી સરકારે મદરેસા બોર્ડ, ઉર્દૂ અકાદમી અને લઘુમતી બોર્ડના ચેરપર્સન તરીકે પસમાંદા કે પછાત મુસ્લિમોની નિમણૂક કરી હતી. હવે યોગી આદિત્યનાથના બીજા મુખ્યમંત્રી કાળના પ્રધાનમંડળમાં પછાત મુસ્લિમ દાનિશ આઝાદને કેબિનેટ મિનિસ્ટર બનાવ્યા છે. બીજેપીના આ વલણમાં વોટ બેન્ક પોલિટિક્સ છે. સમાજવાદી પાર્ટી હસ્તકની આઝમગઢ અને રામપુર લોકસભા બેઠકો અનુક્રમે અખિલેશ યાદવ અને આઝમ ખાનના રાજીનામાથી ખાલી પડી હતી. આ વરસના જૂનમાં આ બંને બેઠકો દલિત મુસલમાનોના ભાજપા તરફથી મતદાનથી બીજેપીએ જીતતાં ૨૦૨૨ની હૈદરાબાદ કારોબારીમાં વડાપ્રધાને ફરી પક્ષને દલિત મુસલમાનોનો વિશેષ ખ્યાલ રાખવા જણાવ્યું છે. રાજકીય ગણતરીઓને ઘડીભર બાજુ પર રાખીને પેટા ચૂંટણીના પરિણામ પર દલિત મુસલમાનોની અસર અને ઉત્તરપ્રદેશ સરકારમાં તેમના રાજકીય પ્રતિનિધિત્વને નોંધપાત્ર બાબત લેખી શકાય .
૧૯૪૬માં મહંમદ અલી ઝીણાના દ્વિરાષ્ટ્ર સિધ્ધાંતનો વિરોધ કરીને પછાત મુસ્લિમોની મોમિન કોન્ફરન્સે (જમીયતુલ મોમિનીન) મુસ્લિમ લીગના ઘણા ઉમેદવારો સામે ચૂંટણી લડી વિજ્ય મેળવ્યો હતો. ૧૯૪૬માં બિહાર મંત્રીમંડળમાં પ્રથમવાર બે પછાત મુસ્લિમોને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હતું. તેમાં પસમાંદા મુસ્લિમ નેતા અબ્દુલ કય્યૂમ અન્સારી પણ હતા. છતાં એકદંર રાજકીય પ્રતિનિધિત્વમાં પછાત અને દલિત મુસલમાનો હાંસિયામાં જ રહ્યા છે. એક થી ચૌદ લોકસભાના આશરે ૭૫૦૦ સાંસદોમાં ૪૦૦ મુસ્લિમ સાંસદો હતા તેમાં પછાત મુસ્લિમ સાંસદો તો માંડ ૬૦ જ હતા.
સમાનતાના મનાતા ઈસ્લામ ધર્મમાં પણ નાતજાત અને ઉચ્ચનીચના ભેદ જોવા મળે છે. વળી આવા ભેદ કંઈ આજકાલથી કે ભારતીય ઈસ્લામમાં જ નથી મુસ્લિમોમાં કોટિક્રમ કે ઉચ્ચનીચ દર્શાવતા ત્રણ શબ્દો અશરાફ, અજલાફ અને અર્જાલ ઉર્દૂ કે ફારસી નહીં પણ અરબી શબ્દો છે. એટલે આ ભેદ લાંબા સમયના અને સમગ્ર દક્ષિણ એશિયામાં પ્રવર્તતા હોવાનું લાગે છે.
૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ દેશમાં ૧૭.૨૨ કરોડ (કુલ વસ્તીના ૧૪.૨૩ ટકા) મુસ્લિમ વસ્તી છે. તેમાં પોણા ભાગના પછાત કે દલિત મુસલમાનો છે. ભારતના મોટાભાગના મુસલમાનો ધર્માંતરિત છે. પરંતુ અશરાફ કે ઉચ્ચવર્ણીય મુસલમાનો અરબ, ઈરાન કે તુર્કી મૂળના મનાય છે. મધ્યમ કે કારીગર વર્ગના અજલાફ મુસલમાનો પછાત કે પસમાંદા ગણાય છે. અર્જાલ કે દલિત મુસલમાનો સૌથી નીચા મનાય છે. કેમ કે તેઓએ હિંદુઓની અસ્પૃશ્ય કોમોમાંથી ધર્મપરિવર્તન કરીને ઈસ્લામ અંગીકાર કર્યો છે.
મસૂદ આલમ ફતાહીના “હિંદુસ્તાનમેં જાત-પાંત ઔર મુસલમાન”, અય્યૂબ રાયનના “ભારત કે દલિત મુસલમાન” જેવા પુસ્તકો, અભ્યાસો, સંશોધનો અને સર્વેક્ષણોમાંથી તથા ઓલ ઈન્ડિયા પસમાંદા મુસ્લિમ મહાજ, મુસ્લિમ ઓબીસી સંગઠન અને ઓલ ઈન્ડિયા બેકવર્ડ મુસ્લિમ મોરચો જેવી સંસ્થાઓ દ્વારા પછાત અને દલિત મુસલમાનોની સ્થિતિનો ખ્યાલ આવે છે.
બે દાયકા પૂર્વેના અલી અનવરના દલિત અને પછાત મુસ્લિમો અંગેના લઘુ સર્વેક્ષણનું તારણ હતું કે તેઓ આર્થિક, શૈક્ષણિક અને સામાજિક રીતે ખૂબ જ પછાત હતા. સર્વેક્ષણ હેઠળના પરિવારોમાં શિક્ષણનું પ્રમાણ ૩૮.૫ ટકા જ હતું. માંસાહાર મુખ્ય ખોરાક છતાં ગરીબી અને બેરોજગારીના કારણે ૭૦ ટકા પરિવારો મહિને એકાદવાર માંસ ખાઈ શકતા હતા.૨૫ ટકાને એક જ ટંક ખાવાનું મળતું હતું. ૭૮ ટકાના પગમાં પહેરવા ચંપલ નહોતા અને ૫૮ ટકા કુટુંબો ઘરવિહોણા હતા.
આર્થિક અને શૈક્ષણિક બેહાલીમાં જીવતા અર્જાલ કે દલિત મુસલમાનો રોજેરોજ સામાજિક ભેદભાવો પણ ભોગવે છે. ગિરી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ સ્ટડીઝ, લખનૌ દ્વારા ૨૦૧૬માં સામાજિક સંશોધકો પ્રશાંત ત્રિવેદી, શ્રીનિવાસ ગોલી, ફહિયુદ્દીન અને સુરિન્દર કુમારે યુ.પી.ના ૧૪ જિલ્લાના ૭૧૯૫ દલિત મુસલમાન કુટુંબોનો અભ્યાસ કર્યો હતો. જેમાં કથિત ઉચ્ચવર્ણના હિંદુઓ અને મુસલમાનો બંને તેમના પ્રત્યે ભેદભાવ રાખતા હોવાનું જણાયું હતું. ૨૫ ટકા ઉચ્ચ વર્ણીય હિંદુઓ અને ૨૦.૫ ટકા મુસલમાનો દલિત મુસલમાનો પ્રત્યે ભેદ રાખતા હતા. ૮ ટકા દલિત મુસલમાન બાળકોને શાળાના વર્ગ ખંડોમાં અને મધ્યાહ્ન ભોજનમાં અલગ બેસાડાતા હતા. ૧૩ ટકા દલિત મુસલમાનોને કથિત ઉચ્ચ વર્ણના મુસલમાનોના ઘરમાં અલગ વાસણમાં જમવાનું અને પાણી અપાતું હતું. સામાજિક પ્રસંગોએ પણ અલગ જમવા બેસાડતા અને અપમાનજનક તથા વ્યવસાયસૂચક શબ્દોથી સંબોધવામાં આવતા હતા. દલિત મુસલમાનોના મૃતદેહને કબ્રસ્તાનમાં દફનાવવા દેવામાં આવતા નથી કે ખૂણામાં દફનાવવા પડતા હતા. મસ્જિદમાં સાથે નમાજ પઢવામાં પણ તે અલગ હોવાનો અહેસાસ કરાવાતો હતો.
ભારતીય ઈસ્લામમાં જોવા મળતો આ સામાજિક ભેદ ઉચ્ચ વર્ણના મુસલમાનો માટે કોઈ મુદ્દો જ નથી. દલિત અને પછાત મુસલમાનોના સામાજિક ન્યાયની સમસ્યાની સતત અવહેલના થાય છે.બીજી તરફ પછાત અને દલિત મુસલમાનો પણ ઈસ્લામના અંતર્ગત હિસ્સા તરીકે સામાજિક અને ધાર્મિક સુધારણાની ચળવળ કરવાને બદલે અનુસૂચિત જાતિમાં સામેલગીરી માંગે છે.
ડૉ. આંબેડકરના પગલે દલિતોએ હિંદુ ધર્મનો ત્યાગ કરી બૌધ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. આ નવબૌધ્ધોને વી.પી. સિંઘના વડાપ્રધાનકાળ વખતે અનુસૂચિત જાતિમાં સામેલ કરી અનામતના લાભ આપ્યા હતા. એટલે દલિત મુસલમાનો અને દલિત ખ્રિસ્તીઓ પણ આ લાભ માંગે છે. તેમની આ માંગણી કદાચ વાજબી પણ હોઈ શકે. પણ તેમણે ધર્મ પરિવર્તન કરીને જે નવો ધર્મ અપનાવ્યો છે તે ધર્મ કેમ તેમને સમાન ગણતો નથી અને સમાનતાનો અધિકાર આપતો નથી તે સવાલ કરાતો નથી. હાલની પસમાંદા અને દલિત મુસલમાનની ઓળખમાં તેઓ પહેલાં પછાત કે દલિત અને પછી મુસલમાન છે તેમ જોવા મળે છે. ખરેખર તો તેમણે પોતાની દલિત કે પછાત મુસલમાનની ઓળખને પ્રાધાન્ય આપવાને બદલે મુસલમાન દલિત કે મુસલમાન પછાતની ઓળખ પ્રસ્થાપિત કરવી જોઈએ.
ડો.બાબાસાહેબ આંબેડકરે તેમના ગ્રંથ “થોટ્સ ઓન પાકિસ્તાન”માં જણાવ્યું છે કે, “ મુસલમાનો એવું અનુભવતા જ નથી કે આ( પછાત અને દલિત મુસલમાનો પ્રત્યેનો સામાજિક ભેદભાવ) કોઈ બુરાઈ છે .તેથી તેના નિરાકરણ માટે કોઈ પ્રયત્નો પણ કરતા નથી.” હિંદુઓની જે નીચલી જ્ઞાતિઓએ જ્ઞાતિભેદ અને આભડછેટમાંથી છૂટકારો મેળવવા ધર્મ પરિવર્તન કરીને અન્ય ધર્મો અંગીકાર કર્યા છે તે જો નવા ધર્મમાં પણ સમાન સ્થાન મેળવી ન શક્યા હોય તો તેમનું ધર્મ પરિવર્તન અર્થહીન બની ગયું ગણાય એ દ્રષ્ટિથી વિચારીને સમાનતા અને સામાજિક ન્યાયની લડત કરવી જોઈએ.
ખ્રિસ્તીઓ, મુસલમાનો અને શીખો તેમના ધર્માંતરિત ધર્મબંધુઓ પ્રત્યે આભડછેટ અને ભેદભાવ રાખે છે ગાંધીજીએ તેને હિંદુઓની દેન તરીકે સ્વીકારીને કહ્યું હતું કે હિંદુઓએ પોતાના ધર્મમાં રહેલી આભડછેટ સમાપ્ત કરીને બીજા ધર્મોનું માર્ગદર્શન કરવું જોઈએ. શેષ કામ બીજા ધર્મોએ જાતે કરવું જોઈએ. ગાંધીજીના આ શબ્દોમાં રહેલું દર્દ અને વાસ્તવ ન માત્ર હિંદુઓએ તમામ ધર્મોએ સમજવું પડશે. પછાત-દલિત મુસલમાનોની સામાજિક ભેદભાવની અજાણી વ્યથાનો ઉકેલ અનુસૂચિત જાતિમાં સામેલગીરી અને અનામતમાં નહીં સામાજિક-ધાર્મિક સુધારણાની ચળવળમાં રહેલો છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
પ્રાણીઓ, વાહન , રોડ સાઇન અને અકસ્માત
મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ
Animals, Vehicles, Road Signs and Accidents 09012023
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
થોભો, જુઓ અને આગળ વધો
મંજૂષા
વીનેશ અંતાણી
ટકી રહેવા માટે અટકવું પડે
અને અટકવા માટે સમય કાઢવો પડે.
વિરામનો આવો સમય સૌથી વધારે ઉત્પાદક હોય છેદર વર્ષે ૩૧મી ડિસેંબરે રાતે બાર વાગે એક સાલને થંભી જવું પડે છે. અટકવું જ પડે, નહીંતર ભવિષ્યની બીજી સાલ પ્રવેશ કરી જ શકે નહીં. ટ્રાફિક સિન્ગલ પર લાલ લાઇટ થાય તે સાથે વાહનોને થંભાવી દેવાં પડે, નહીંતર અકસ્માત થાય. વયના જુદા જુદા તબક્કામાં આપણે અગાઉ કરતા તે બાબતો કરવી બંધ કરવી જ પડે. જૂનું અટકે તો એમાંથી નવું સર્જાય. આપણે એકના એક માર્ગ પર વણથંભ્યા ચાલ્યા કરીએ એને યાત્રા કહેવાય નહીં, એ તો નિરર્થક રઝળપાટ થઈ. પ્રવાસમાં નીકળેલા લોકો ક્યાંય થંભ્યા વિના ચાલ-ચાલ કર્યા કરે કે સડસડાટ પસાર થઈ જાય એમાં પ્રવાસનો ખરો આનંદ મળતો નથી. કોઈ જોવાલાયક સ્થળે અટકો, એનો આનંદ માણો, નવું જાણો અને પછી આગળ વધો તો પ્રવાસનો હેતુ સર થાય.
એક પિતા પરિવારને લઈને લોન્ગ ડ્રાઇવમાં નીકળ્યો. એ ઘણા કલાક સુધી કાર ચલાવતો જ રહ્યો, કોઈ જગ્યાએ ઊભો રહ્યો નહીં. સાંજ પડવા આવી ત્યારે કંટાળેલાં સંતાનોએ એને કહ્યું: ‘પપ્પા, થોડી વાર તો ઊભા રહો.’ એ લોકો દરિયાકિનારા પાસેથી પસાર થતાં હતાં. પિતાએ કાર ઊભી રાખી. સૂરજ દરિયાની વચ્ચે આથમતો હતો. આકાશમાં અને દરિયાનાં મોજાં પર અવનવા રંગોની રંગોળી દોરાઈ હતી, સંતાનો આનંદથી બોલી ઊઠ્યાં: ‘અમે આવું કશુંક જોવા માટે તો તમારી સાથે નીકળ્યાં હતાં.’
શાણા માણસો જીવનમાં આગળ વધવાની શિખામણ આપે છે તેમ વચ્ચે વચ્ચે પોરો ખાઈ લેવાની સલાહ પણ આપે છે. તો જ થાક ઊતરે, તો જ નવી શક્તિ અને સ્ફૂર્તિનો અનુભવ થાય. જેટલું મહત્ત્વ સતત કશુંક કરતા રહેવાનું છે એટલું જ મહત્ત્વ યોગ્ય સમયે અટકવાનું કે ઘણું બધું હંમેશને બંધ કરવાનું પણ હોય છે. અમેરિકાના મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ પીટર ડ્રયુકેર કહેતા: ‘આપણે મેનેજમેન્ટ ટ્રેઇનિંગમાં લોકોએ શું કરવું તે શીખવીએ છીએ, પરંતુ એમણે એમના કામની વચ્ચે ક્યારે અટકવું તેની ટ્રેનિંગ આપતા નથી.’ સતત કામની વચ્ચે વેકેશન લઈને એકધારી રફતારમાંથી થોડો સમય બહાર નીકળી જતા લોકોની કાર્યક્ષમતા વધે છે તે વાત હવે સ્વીકાર્ય બની છે.
મહાન સર્જક અર્નેસ્ટ હેમિન્ગવે કહેતા કે દિવસ દરમિયાન લખવા માટે નિયત કરેલો સમય પૂરો થાય ત્યારે લખવાનું ગમે તેટલું સારું ચાલતું હોય, છતાં તે બંધ કરવું જોઈએ. ત્યાર પછી પણ મન-મગજના અજાણ્યા ખૂણામાં નવા સર્જનાત્મક વિચારોનો પ્રવાહ તો ચાલુ જ રહેશે. બીજે દિવસે લખવાનું શરૂ કરશો ત્યારે નવી તાજગી સાથે કામ કરી શકાશે. ઓસ્ટ્રેલિયાની નવલકથાકાર મેલિના મારકેટાએ કહ્યું છે: ‘થંભો. પુનર્જીવિત થાવ. ટકી રહો.’
ટકી રહેવા માટે અટકવું પડે અને અટકવા માટે સમય કાઢવો પડે. વિરામનો આવો સમય સૌથી વધારે ઉત્પાદક હોય છે. એવા સમયે વ્યક્તિ પોતાના વિશે લેખાંજોખાં માંડી શકે છે. અત્યાર સુધી શું સિદ્ધ કર્યું, કેવી ભૂલો કરી, હજી કેટલું કરવાનું બાકી છે – જેવી બાબતોનો પુન:વિચાર કરવાથી આગળનો માર્ગ સ્પષ્ટ બને છે. ઘણી વાર અતિ વ્યસ્તતામાંથી ચોરી લીધેલા વિસામાના સમયે જિંદગીને નવેસરથી જોઈ શકાય છે.
પચાસની આરે આવેલી એક મહિલા એની કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર હતી. એનો બધો સમય કંપનીની સફળતા માટે અને પતિ-સંતાનોની સગવડ સાચવવા પાછળ જ ખર્ચાતો હતો. એકધારા કામ અને જવાબદારીના વજન હેઠળ એ શારીરિક અને માનસિક રીતે ખૂબ થાકી ગઈ હતી. એક દિવસ એણે ઓફિસમાંથી થોડા દિવસની રજા લીધી અને એકલી દરિયાકિનારે ચાલી ગઈ. ત્યાં એણે નિરાંતે પોતાના વિશે ઊંડો વિચાર કર્યો. એને સમજાયું કે એ અત્યાર સુધી બીજા લોકો માટે જ જીવી છે, જાત માટે કશું કર્યું નથી. એ કરવા માગતી હોય તેવું કોઈ કામ કરી શકી નથી. લાંબો વિચાર કર્યા પછી એણે અણધાર્યો નિર્ણય લીધો. એ દરિયાકિનારેથી પાછી ગઈ પછી પહેલું કામ કંપનીમાંથી રાજીનામું આપવાનું કર્યું. ઘરની જવાબદારી ઓછી કરી. પરિવારના લોકો સાથે બેસીને પોતાનું દૃષ્ટિબિંદુ સમજાવ્યું. સંતાનોની ચિંતા નહોતી, એ લોકો ઘણા સમયથી એમની સ્વતંત્ર જિંદગી જીવતાં હતાં. પતિએ એના વિચારને માન આપ્યું. ત્યાર પછી એ મહિલા એને રસ પડતો હતો તેવી પ્રવૃત્તિ કરવા લાગી. એના જીવનનું ધ્યેય બદલાઈ ગયું. સાર્થકતાના અનુભવથી એ પ્રસન્ન રહેવા લાગી.
આપણું ધ્યેય પાર પાડવા માટે બધું કરી ચૂક્યા હોઈએ, છતાં ધાર્યું પરિણામ મળતું ન હોય ત્યારે પણ થોડો સમય થંભી જવું, રિલેક્સ થઈ જવું. શક્ય છે કે એ ટૂંકા વિરામમાં આપણે ધારેલાં કામ વિશે અલગ દૃષ્ટિકોણથી વિચારણા કરી શકીએ. એવી સલાહ પણ મળે છે કે એકીસાથે ઘણાં કામ હાથ ધરવાનું બંધ કરવું જોઈએ. પ્રાથમિકતા નક્કી કરીને એક કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. લાંબા માર્ગનો વિચાર કરવો જોઈએ નહીં, બલકે એક ડગલું માંડો, પછી બીજું અને પછી ત્રીજું. દરેક પડાવ પર ઊભા રહી, શ્ર્વાસ ખાઈ, આગળનું ડગલું ભરવું જોઈએ. જીવનમાં કશુંક નવું અને મનગમતું કરવા માટે ક્યારેય મોડું થયું હોતું નથી. એની શરૂઆત ઉંમરના કોઈ પણ તબક્કે કરી શકાય.
જિંદગી ઝપાટાભેર જીવી લેવાની નથી. એની ક્ષણેક્ષણને સમજવાની અને માણવાની હોય છે. થોડી વાર માટે પણ થંભી શકે એ વ્યક્તિને સમગ્ર સમયને મોઢામોઢ થવાની તક મળે છે.
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
ઊર્મિલ સંચાર : પ્રકરણ ૧. ભારતની સફર
પ્રાસ્તાવિક
શ્રીમતી સરયૂ દિલીપ પરીખ, ઓસ્ટિન, ટેક્સાસમાં રહે છે. ભાવનગરથી વાર

Mysterious Life. Painting by Dilip K. Parikh સામાં મળેલ સાહિત્યને અમેરિકામાં પચાસ વર્ષ રહ્યા પછી પણ, શુદ્ધ ગુજરાતીમાં સર્જી રહ્યાં છે. તેમણે છ પુસ્તકો પ્રકાશિત કર્યાં છે. ગુજરાતી અને અંગ્રેજીમાં સત્યકથાઓ, કાવ્યો. તેમણે બે નવલકથા અંગ્રેજીમાં, ‘Moist Petals’ ‘Flutter of wings’ પ્રકાશિત કરી છે.
સરયૂ પરીખના કાવ્યો આધ્યાત્મિક અને ગહન વિચારો સાથે સ્નેહરસ ભર્યા હોય છે.
ઊર્મિલ સંચાર, સરયૂ પરીખની પોતાની અંગ્રેજી નવલકથા, Flutter of Wingsની કથાવસ્તુ પર આધારિત છે. ઓગણીસો એસીમાં મુંબઈથી જોષી પરિવારના હ્યુસ્ટન આવીને વસેલાં માતા-પિતાના મેધાવી પુત્ર સોમની જીવનસફર. સોમ ભારતીય અને અમેરિકન સંસ્કૃતિનો કઈ રીતે સફળ સમન્વય કરે છે તે જાણીએ. સરળ, મધુર અને મનપ્રસન્ન વાર્તાના ૧૧ પ્રકરણની રજુઆત…
જાન્યુઆરી ૨૦૨૩થી દર બીજા અને ચોથા રવિવારે એક એક પ્રકરણના હિસાબે આ નવલિકા વેબ ગુર્જરી પર પ્રકાશિત કરીશું.
ઊર્મિલ સંચાર
આવી એક ચિઠ્ઠી, મેં મોતીએ વધાવી, લીટીનાં લખાણે મેં આરસી મઢાવી.
જત કાગળ લઈ લખવાને બેઠી, મારી યાદોને અક્ષરમાં ગોઠવી.આજ અવનીને સાગરની રાહ, લહેર આવે, આવે ને ફરી જાય.
રૂપ ચાંદનીને આમંત્રી બેઠી, મારી યાદોને રેતીમાં ગોઠવી.મારી ધડકનને પગરવની જાણ, નહીં ઉથાપે એ મીઠેરી આણ.
કૂંણા કાળજામાં હઠ લઈને બેઠી, મારી યાદોને નયણોમાં ગોઠવી.સૂના સરવરમાં ઊર્મિલ સંચાર, કાંઠે કેસૂડાનો ટીખળી અણસાર.
ખર્યાં ફૂલોને લઈને હું બેઠી, મારી યાદોને વેણીમાં ગોઠવી.મારા કેશ તારા હાથની કુમાશ, ઝીણી આછેરી ટીલડીની આશ.
શુભ સ્વસ્તિક ને કંકુ લઈ બેઠી, મારી યાદોને આરતીમાં ગોઠવી.——– સરયૂ પરીખ
પ્રકરણ ૧. ભારતની સફર
સરયૂ પરીખ

Rangoli by Ila Mehta શોમ અને તેના માતા-પિતા હ્યુસ્ટન પાછા ફરી રહ્યાં હતાં. Yellowstone National Park, Wyomingમાં એક સપ્તાહની રજાઓ પછી શોમનો ભણવાનો થાક ઉતરી ગયો લાગતો હતો. એ ઉન્નત શિખરો, દરિયા જેવા દેખાતા તળાવ અને ધરતીમાંથી ફૂટતા ઊનાં પરપોટા…! કુદરતની ભવ્યતા શોમની વિચારધારા બદલી ગયા. વિમાનની સફર દરમ્યાન મોકાનો સમય જોઈ માહીએ વાત છેડી…
“જો બેટા શોમ, તું ડોક્ટર તો થઈ ગયો. આગળ ભણવું છે તે બરાબર, પરંતુ લગ્ન વિશે વિચાર કરવાનો સમય આવી ગયો છે.”
“મોમ! હજુ તો હું છવ્વીસનો જ છું.” શોમ હસીને બોલ્યો.
“તારે આ દેશમાં કોઈ કન્યામાં રસ હોય તો કહે, નહીંતર ભારત જઈને પસંદ કરી શકાય.” ડોક્ટર પિતા રમેશે સ્નેહપૂર્વક કહ્યું. “ચોઈસ મેરેજ સફળ થઈ શકે છે.”
માહી અને ડો.રમેશ જોષી ભલે દૂર આવ્યા પણ દેશનું સ્નેહબંધન મજબૂત હતું. શોમનો જન્મ અમેરિકામાં થયો તો પણ ભારતની સંસ્કૃતિ, સાહિત્ય અને સંગીતનો લગાવ હતો. શોમથી ત્રણ વર્ષ મોટી બહેન નીના, જે કેલિફોર્નિયામાં હતી, તે કહેતી, ‘ના…રે મને તો મુંબઈમાં મૂંઝારો થાય.’ અને ભારત જવાનું ટાળતી.
“નીનાનાં લગ્ન તો રૉકી સાથે થઈ ગયાં અને આપણને નાના-નાની પણ બનાવી દેશે.” રમેશ વિચાર કરતા બોલ્યા. “…પણ ભારતમાં લગ્ન કરવામાં કદાચ સરળતા ન લાગે. હજી ઘણા લોકો, વ્યક્તિ કરતા નાતજાતને વધુ મહત્વ આપે છે.” એર હોસ્ટેસ સફેદ નેપકિન પાથરી અને લાલ ગુલાબ મૂકી ગઈ. એ સાથે જાણે કોઈ ચિત્ર દોરાયું અને માહી આંખ બંધ કરી ભૂતકાળમાં જોઈ રહી.
એ યુવાનીના દિવસો…મુંબઈમાં રમેશ, ડોક્ટરની ડિગ્રી મેળવ્યા પછી એક સંસ્થામાં સાંજે સેવા આપવા જતા. Social worker માહી, એક દર્દી સાથે ત્યાં આવી. માહીનો ચહેરો પરિચિત લાગ્યો તેથી રમેશ તેની સાથે વાત કરવા ઉત્સુક હતા અને તક મળતાં જ તેણે પૂછી લીધું હતું,
“નમસ્તે. તમારા નામનો ખ્યાલ નથી, પણ હું જ્યારે કોલેજના બીજા વર્ષમાં હતો ત્યારે તમે પહેલા વર્ષમાં ભણતા હતા? વાળમાં લાલ ગુલાબ જોઈ યાદ આવ્યું…”
“હાં, મારું નામ માહી…તમારું નામ રમેશ, મને ખ્યાલ છે.” કહેતાં માહીનો ચહેરો ગુલાબી થઈ ગયો હતો. પછી તો સેવા સંસ્થામાં મળવાનું અને સાથે કામ કરવાનું આકર્ષણ અબાધ્ય થઈ ગયું. પ્રેમના માર્ગમાં મોટી બાધા હતી કે, માહી મુસલમાન હતી. રમેશના પરિવારમાં ચુસ્ત હિંદુ ધર્મનું પાલન થતું. રમેશ-માહીના અડગ નિર્ણય સાથે બન્નેના પરિવારે કચવાતા મનથી સંમતિ આપી હતી. રમેશના માતાએ વહુને આવકારી હતી, પણ તેના હાથનું પાણી કે ભોજન લેવાનું ટાળતાં. હા, એ ચોખવટ કરેલી કે ભગવાનના મંદિરમાં માહીને નહીં અડવાનું…જાણે ભગવાનને રક્ષણની જરૂર હોય!
સમય સાથે, માહીના માન અને પ્રેમભર્યા વર્તનથી પરિવારને જીતવામાં પક્ષીય સફળતા મળી હતી. લગ્ન પછી એકાદ વર્ષમાં રમેશને હ્યુસ્ટન મેડિકલ સેન્ટરમાં નોકરી મળતા, ૧૯૬૫માં રમેશ અને માહી અમેરિકામાં સ્થાયી થઈ ગયા હતા. પુત્રી નીના અને પુત્ર શોમના જન્મ પછી જોષી પરિવારમાં માહી માટે પરાયાપણાની રેખા અદ્રશ્ય તો નહીં… પણ આછી થઈ હતી.
વિમાન હ્યુસ્ટનથી નજીક આવી રહ્યું હતું. અંતે શોમે પોતાનો નિર્ણય જણાવ્યો. “ભલે. હું arranged marriage, અથવા તમે કહો છો તેમ choice-marriageને તક આપીશ. પણ એક શરત, આપણે ભારત જઈએ ત્યારે દસ દિવસ મારે વૈદ્ય ભાણજીના આયુર્વેદ-આશ્રમમાં ગોઆ જવું છે. મારે કેન્સર રીસર્ચમાં તેમના આયુર્વેદિક જ્ઞાનનું માર્ગદર્શન લેવાનું છે.”
“મંજૂર,” રમેશ અને માહી આનંદથી બોલી ઊઠ્યાં અને યોજનાઓ શરૂ થઈ ગઈ.
શોમને હ્યુસ્ટનમાં કેન્સર રિસર્ચ માટે ફેલોશીપ મળી હતી. તેની પાસે આયુર્વેદ અને એલોપથી અને એકત્ર કરી કેન્સરના દર્દીઓને સાજા કરવાનો વિશિષ્ટ પ્રોજેક્ટ હતો. શોમ જેવા તેજસ્વી ડોક્ટરને મેળવવા માટે હોસ્પિટલ વ્યવસ્થાપકો ગૌરવ લેતા અને તેના કામને ઘણી સગવડતાઓ આપવામાં આવતી. કામ શરૂ કરતા પહેલા, ભારતની
સફર તેના પ્રોજેક્ટ માટે પણ આવશ્યક હતી.
ભારતની ઘણી મુલાકાતો પછી આ વખતની મુલાકાત વિશેષ અગત્યની હતી…દાદાજીની તબિયત અને શોમના લગ્ન. મુંબઈ આવીને શોમનું અગત્યનું કામ દાદાજી સાથે સમય ગાળવાનું હતું. રાષ્ટ્રકવિ તરીકે સન્માનિત જાજરમાન વ્યક્તિત્વવાળા દાદાનો શોમ ખૂબ લાડકો પૌત્ર હતો.
“દાદાજી! મને એ દિવસ એકદમ સ્પષ્ટ યાદ છે…તમે મંચ પર હતા અને તમારું રાષ્ટ્રકવિ તરીકે સન્માન હતું. મમ્મીએ કહ્યું હતું કે તમે વક્તવ્યની શરૂઆતમાં ભવિષ્યની આશાસ્પદ પેઢી વિષે કોઈ કવિતા બોલ્યા હતા, જે મને સમજાઈ નહોતી. ત્યારબાદ તમે મારી સામે જોઈને કહ્યું કે ‘આ માન સ્વીકારવામાં મને મદદ કરવા હું મારા પાંચ વર્ષના પૌત્ર, શોમને બોલાવું’ અને હું મમ્મીનો હાથ છોડાવી દોડતો મંચ પર આવીને તમને વળગી પડ્યો હતો. કેવો અત્યંત ખુશખુશાલ માહોલ હતો?” દાદાજીની અનુભવ રેખાઓ પર હાસ્ય ઝળકતું હતું. પૌત્ર સામે અમિદ્રષ્ટિથી જોઈ રહ્યા…
પેઢી દર પેઢીનું પુણ્ય કામ,
આજે આ પૌત્રમાં પ્રકાશમાન.
ઉગતા અરુણ શો દૈદિપ્યમાન,
શીતળતા સ્નેહ ચાંદની સમાન.દાદાજીની નેવું વર્ષની ઉંમરના હિસાબે આરોગ્ય ઠીક હતું. દાદા-દાદીને પૌત્ર શોમના લગ્ન જોવાની પ્રબળ ઇચ્છા હતી. તરત હિંદુ કન્યાઓને મળવાની પ્રવૃત્તિઓ શરૂ થઈ. છોકરીઓ જોવા જવાનો અનુભવ શોમને બહુ જ વિચિત્ર લાગતો હતો. શોમને કોઈ સાથે મેળ પડતો લાગ્યો નહીં. ઉમેદવારની મુસલમાન માતા…, એમ સાંભળીને અમુક લોકો તો આ દેખાવડા અને મેધાવી ડોક્ટરનો પરિચય પણ કરવા માંગતા નહોતા. આમ જ દસ દિવસ નીકળી ગયા. પરિવારમાં વડીલો નિરાશ થઈ રહ્યાં હતાં. આ તરફ માહીનું કુટુંબ અકળાતું હતું, “આ તે કેવું? આપણે આપણા નાતી માટે મુસ્લિમ છોકરીનું સૂચન પણ ન કરી શકીએ!”
એક સાંજે બધા ટોળે વળીને બેઠાં હતાં. શોમે પૂછ્યું, “દાદી તમારાં ને દાદાના લગ્ન કેવી રીતે થયા હતા?” દાદી જરા શરમાઈને હસુ હસુ થતાં બોલ્યાં. “અરે ધમાલ થઈ હતી. મને પરણવા શહેરથી છોકરો આયેલો. એકબીજાને જોયા નોતા. એ કહે કન્યાને જોયા વગર હું નહીં પરણું. મારા બાપા તો ગભરાયા પણ હું તો બનીઠનીને મળવા ગઈ. એ તો મને જોઈને ઘેલો થઈ ગ્યો. પણ હું તો ઉતારેથી ઘેર આવીને હઠ લઈને બેઠી કે આ શહેરી મને જરાય ગમતો નથી, એને નહીં પરણું. મારી મા કહે કે આ છોરીને કોણ પરણશે? એવામાં ગોર મહારાજને મદદ કરવા આવેલો છોકરો બોલ્યો…
“કે હું આને પરણીશ.” દાદાજીએ વચ્ચે ટહૂકો કર્યો અને બધા હસી પડ્યા.
“ઓહો, દાદી, આજ હું નવું શીખી, પોતાનું ધાર્યું કેમ કરાય.” પૌત્રી બોલી.
“અરે! જોજે એવું કંઈ શીખતી!!! મીઠડી! હવે તો સુવા જા…” અને બધા મલકાતાં વિખરાયા. શોમ ગોઆ જવાનો હતો એ દિવસે એક પડોશીનો ફોન આવ્યો. “મારા બહેન બહારગામથી ખાસ આવ્યા છે, અને તેમની દીકરી માટે શોમ સાથે વાત કરવા માંગે છે.” ગાંધીવાદી દેખાતા બુજુર્ગ બહેન અને ભાઈ, જોષી કુટુંબને મળવા આવ્યાં. બહેન સાદા અને વાતચીતમાં સરળ હતા.
બહેને કહ્યું કે, “હું અને મારી દીકરી પોંડિચેરીમાં રહીએ છીએ. મારી દીકરી મેડિકલના ત્રીજા વર્ષમાં ભણે છે. તેથી બે વર્ષ પછી જો…”
માહીએ જરા વિચાર કરી કહી દીધું, “માફ કરજો, પણ અમારે તો હમણાં જ શોમના લગ્ન કરવા છે. તેથી તમારી સાથે વાત આગળ નહીં ચાલે.” તે બહેન અને ભાઈ વિદાય થયા.
ફરી તે જ પાડોશીભાઈનો ફોન આવ્યો. “બીજું એક સૂચન છે…તમને વાંધો ન હોય તો મારી દીકરી કોલેજ પૂરી કરી, એક ‘Naturalist’ નામના સ્ટોરમાં કામ કરે છે. બહુ દૂર નથી. જો તમે જઈને માયાને જોઈ લો અને પસંદ પડે, તો પછી હું આગળ વાત ચલાવું.” માહી, રમેશ અને શોમ ખરીદી કરવાના બહાને એ સ્ટોરમાં ગયાં. માયાએ યોગ્ય વર્તાવથી મદદ કરી અને સામાન્ય વાતચીત કરી.
સ્ટોરમાંથી નીકળતી વખતે ડો.રમેશ બોલ્યા, “તમારા પિતાજીએ અમને તમારા વિશે આજે જણાવ્યું.” એ સાંભળી માયા ગંભીરતાથી માથું હલાવી જતી રહી.
શોમને માયા ઠીક લાગી. દાદાજીની ઇચ્છા અને ગોઆ જવાના ઉત્સાહની અસર નીચે માયા સાથે વાત આગળ વધારવાનું કહી, શોમ ગોઆ જવા નીકળી ગયો. તેને થયું,
“હાશ, હવે દસ દિવસ ચિંતા નહીં.”
ગોઆના આયુર્વેદ-આશ્રમમાં વૈદ્ય ભાણજીને મળ્યા પછી શોમને પોતાના ઘણા સવાલોના જવાબ મળ્યા અને કર્મપાથ ખૂલતો દેખાયો. એ દસ દિવસ શોમને અત્યંત અગત્યના લાગ્યા અને વૈદ ભાણજીનું માર્ગદર્શન ગુરુકૃપા. ભારે હૈયે ગોઆ છોડી તે મુંબઈ પાછો ફર્યો.
પાછલા દિવસો દરમ્યાન, માયાની પહેલા ‘ના’ આવી, પછી ‘હા’ આવી…એમ કરતા લગ્નની શક્યતાઓ વધતી ચાલી. શોમના આવ્યા પછી બે ત્રણ મુલાકાતો અને થોડી વાતચીત થઈ હતી.
“માયા, તમને અમેરિકામાં રહેવાનું ગમશે ને? પોતાના સ્વજનોથી દૂર…” શોમ સવાલ પૂરો કરે તે પહેલા માયા બોલી,
“હાં, હાં…જરૂર. એટલા માટે તો…” એકદમ અટકીને આંખ નીચી ઢાળી તેણે વાક્ય પૂરું કર્યું, “હાં મને અમેરિકામાં ગમશે.”
‘શરમાળ અને વ્યાકુળ હોવાથી માયા ઓછું બોલે છે… પછી પરિવાર સાથે ભળી જશે,’ એવી અટકળો સાથે લગ્ન નક્કી થઈ ગયા. છેલ્લા બે દિવસમાં કોર્ટમાં લગ્ન, અને માયાની immigration application થઈ ગયા. “વિધિસર લગ્ન અમેરિકામાં કરશું” એમ નક્કી થયું, તેથી સહી સિક્કા થયા પછી માયા પોતાના ઘેર ગઈ. ત્રણેક મહિનામાં તેણીને ગ્રીનકાર્ડ મળી જવાની શક્યતા હતી…
શોમને સંતોષ હતો કે લગ્ન કરી દાદા-દાદીને ખુશી આપી શક્યો.
ક્રમશઃ
સુશ્રી સરયૂ પરીખનાં સંપર્ક સૂત્રો : વિજાણુ ટપાલ સરનામું: saryuparikh@gmail.com | બ્લૉગ: https://saryu.wordpress.com -
રસાલો ના મળે!!
શૈલા મુન્શા

સવાલોની ઝડી વરસે, જવાબો ના મળે;
શરુ તો થાય, પણ એનો કિનારો ના મળે!સિતારો થૈ ચમકવું આસમાને જો કદી,
થશે અરમાન પૂરા, એ ઈશારો ના મળે!અમીરી કે ગરીબી હોય મનની લાગણી,
અભરખાં રે અધૂરા, તો દિશાઓ ના મળે!ગઈ તારીખ જો બનશે તવારીખ યદી,
લખાશે ચોપડાં, એનો હવાલો ના મળે!ન તખ્તોતાજ, ના રજવાડું, ના માથે તિલક;
વિચારોમાં બને રાજા, રસાલો ના મળે!
સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::
ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com -
મહેન્દ્ર શાહનાં ડિસેંબર ૨૦૨૨નાં સર્જનો
મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો
Mahendra Shah December 2022 creations
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
ઝાંસી કી રાની (૧૯૫૩)
ટાઈટલ સોન્ગ
બીરેન કોઠારી
સોહરાબ મોદીનો ઉલ્લેખ મોટે ભાગે ‘મિનરવાના સિંહ’ તરીકે કરવામાં આવે છે. તેમની નિર્માણસંસ્થા ‘મિનરવા મુવીટોન’ના પ્રતીકચિહ્નમાં સિંહ હોવાને કારણે આમ કહેવાતું હતું. અલબત્ત, આમ કહેવાવા માટે સોહરાબ મોદીનો બુલંદ અવાજ જવાબદાર ખરો. પણ એક વાર આવું વિશેષણ ફરતું થઈ જાય એટલે કાયમની શાંતિ. ‘સિંહની બુલંદ ગર્જના’થી લઈને ‘સિંહ ઘરડો થયો’ જેવા વાક્યપ્રયોગો આસાનીથી વાપરી શકાય. નવી ઉપમાઓ શોધવા જવું ન પડે. સોહરાબ મોદી અને વી. શાંતારામ વચ્ચે સામ્ય એટલું કે બન્ને નિર્માતા-દિગ્દર્શક-અભિનેતા હતા. ઘણા વખત અગાઉ કોઈકની ટીપ્પણી વાંચી હતી કે- શાંતારામના અવાજમાં બુલંદી અને સોહરાબ મોદીના અવાજમાં આરોહઅવરોહ હોત તો જોઈતું’તું શું? આ બન્ને સાથે સંકળાયેલી કોઈ વ્યક્તિએ આ ટીપ્પણી કરી હતી, પણ તેનું નામ મને યાદ નથી. આત્મમુગ્ધ હોવાની પરંપરા માત્ર રાજકારણ પૂરતી કે આજકાલની નથી. ફિલ્મોમાં તો એ સામાન્ય અને અમુક હદે ક્ષમ્ય પણ ગણી શકાય.
મારી એક સામાન્ય છાપ એવી છે કે સોહરાબ મોદીની ફિલ્મોનો સંગીતપક્ષ તેના કાબેલ સંગીતકારોને કારણે મજબૂત રહેતો, પણ તેમાં સોહરાબ મોદીનો કોઈ સ્પર્શ ભાગ્યે જ જણાય. એટલે કે તેમની ફિલ્મોના સંગીતમાં એવું કોઈ વિશેષ તત્ત્વ ન જણાય કે જેનાથી ખ્યાલ આવે કે એ સોહરાબ મોદીની ફિલ્મનું સંગીત છે. શાંતારામની ફિલ્મોના સંગીત બાબતે આમ ચોક્કસ કહી શકાય.

૧૯૫૩ માં રજૂઆત પામેલી, મિનરવા મુવીટોન નિર્મિત, સોહરાબ મોદી દિગ્દર્શીત ‘ઝાંસી કી રાની’ની વાત કરીએ તો તેમાં વસંત દેસાઈ જેવા કાબેલ સંગીતકારનું સંગીત હતું, છ જેટલાં ગીતો હતાં, અને એ સારાં હતાં, આમ છતાં એનું ભાગ્યે જ કોઈ ગીત યાદ રહે એવું બન્યું છે.
આ ફિલ્મ દૂરદર્શન પર જોવાનું બન્યું હતું. મહેતાબ, સોહરાબ મોદી, મુબારક, ઉલ્હાસ, સપ્રુ સહિત અનેક કલાકારો તેમાં હતા. ફિલ્મ બાબતે મારા પપ્પા કહેતા કે એમાં ઝાંસીની રાણી તરીકે મહેતાબ પ્રભાવશાળી નહોતાં લાગતાં. ફિલ્મમાંનાં યુદ્ધનાં દૃશ્યો બહુ સારાં હતાં એવું યાદ છે. આ ફિલ્મ કદાચ ટિકિટબારી પર ખાસ સફળ નહોતી રહી. મહેતાબ સાથે સોહરાબ મોદીએ લગ્ન કરેલાં.

(વસંત દેસાઈ) ૧૯૮૯-૯૦ના અરસામાં અમે મુંબઈ જઈને જૂની ફિલ્મોના કલાકારોને મળવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે મહેતાબબાનુને બારણે પણ અમે જઈ પહોંચેલા. જો કે, અમને ફોન કરીને આવવા જણાવવામાં આવ્યું. એ પછી અમે ફોન કર્યો તો મહેતાબબાનુએ વાત તો કરી, પણ ‘ફરી મુંબઈ આવું ત્યારે મળવા આવજે’ એમ કહીને મળવાની ના પાડી દીધી. આ ઘટનાના પંદરેક વરસ પછી રજનીકુમાર પંડ્યા સાથે હું રુસ્વા મઝલૂમીની જીવનકથા લખી રહ્યો હતો. રુસ્વાસાહેબે તેમાં મહેતાબ સાથેની પોતાની દોસ્તીની વાત જણાવી હતી. મેં એને સાવ સામાન્ય વાત તરીકે આલેખી, પણ પછી રુસ્વાસાહેબે તેને ‘અત્યંત ગાઢ પરિચય’ તરીકે લખવા જણાવ્યું. મહેતાબ ત્યારે તો હયાત નહોતાં, પણ મને ઘડીભર એમ થયું કે પહેલી મુલાકાત વખતે મેં રુસ્વાસાહેબનું નામ લીધું હોત તો મહેતાબબાનુ અમને અવશ્ય મળ્યાં હોત. પણ એ વખતે હું રુસ્વાસાહેબને જાણતો નહોતો. એટલે ‘જો અને તો’નો એ ખેલ મારા મનમાં જ શરૂ થયો અને પૂરો થયો.
‘ઝાંસી કી રાની’ ફિલ્મનાં ગીતો પં. રાધેશ્યામે લખેલાં અને સંગીત હતું વસંત દેસાઈનું.
ફિલ્મનાં છ ગીતોમાં મોટા ભાગનાં કોરસ છે. ‘રાજગુરુ ને ઝાંસી છોડી લે ઈશ્વર કા નામ‘ (મ.રફી), ‘કહાં બાજે કિસન તોરી બાંસુરિયા‘ (સુમન પુરોહિત, સુલોચના કદમ) ગીત બે ભાગમાં- બીજો ભાગ ‘નારી જી જી રે જી જી રે જી જી’ કોરસગાન છે. ‘હમારા પ્યારા હિન્દુસ્તાન, ઈસી પર દેંગે હમ જાન‘ (રફી અને સાથીઓ), ‘હર હર મહાદેવ કા નારા, ધરતી સે અમ્બર તક છાયા‘ સુલોચના કદમ, સુમન પુરોહિત, પરશુરામ, રમાકાન્ત અને સાથીઓ), ‘બઢે ચલો બહાદુરોં કદમ કદમ બહાદુરોં’ (સમૂહગાન) અને ‘અમર હૈ ઝાંસી કી રાની’ (રફી અને સાથીઓ).
આ ગીતો પૈકી ‘અમર હૈ ઝાંસી કી રાની’ ગીતની પસંદગી ટાઈટલ સોન્ગ તરીકે કરવામાં આવી છે.
આ ગીત બે ભાગમાં છે. પહેલા ભાગમાં ટાઈટલની સાથે કોરસગાન થકી તેનો આરંભ થાય છે, જેના શબ્દો આ મુજબ છે.
अमर है झाँसी की रानी
अमर है झाँसी की रानी
अमर है झाँसी की रानी
अमर है झाँसी की रानीजिसका राज और राजधानी
जिसका जीवन और जवानी
आजादी की कसम भेट दी
आजादी की कसम भेट दी
दी पहली क़ुरबानी
दी पहली क़ुरबानी
अमर है झाँसी की रानी
अमर है झाँसी की रानी
अमर है झाँसी की रानीजिस भारत में बड़े बड़े
हो गए शूर बलवान
भीष्म पितामह, परसुराम
अर्जुन, अंगद, हनुमान
वीर शिवाजी, छत्रसाल
राणा प्रताप, चौहान
राजाजी रणजीत सिंह से
अकबर से सुल्तान
उसी देश की, हर देश की
थी ये भी संतान
आन नहीं दी, शान नहीं दी
दे दी अपनी जान
आज तलक इतिहास कह रहा
खूब लडी मर्दानी
अमर है झाँसी की रानीટાઈટલ સોન્ગ અહીં ટાઈટલની સાથે પૂરું થાય છે.
બીજો ભાગ ફિલ્મના અંત ભાગમાં વાગે છે, જે મહંમદ રફીના સ્વરમાં છે.
स्वर्ग सिधारी वो वीर आत्मा
स्वर्ग सिधारी वो वीर आत्मा
देकर ये सन्देश
देकर ये सन्देश
जान सभी को प्यारी है
पर जान से प्यारा देश
जान सभी को प्यारी है
पर जान से प्यारा देश
धन्य धन्य बुंदेलखण्ड है
धन्य हिन्द का पानी
अमर है झाँसी की रानी
अमर है झाँसी की रानीઅહીં આપેલી લીન્કમાં આ બન્ને ભાગ સળંગ સાંભળી શકાશે.
(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
જેટલો વધારે સમય એટલી કામની જટિલતા વધી શકે : સ્ટૉક-સૅન્ફોર્ડ ઉપસિદ્ધાંત
મૅનેજમૅન્ટના નામસ્રોતીય સિધ્ધાંત
પાર્કિન્સનનો નિયમ અને સમયનું વ્યવસ્થાપન
સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ
પાર્કિન્સનના નિયમની એક બહુ વ્યાપક પ્રમાણમાં સ્વીકૃત સમજ એટલે
ઉપલબ્ધ સમય જેટલો વધારે એટલું કામ જટિલ બનતું જવાની સંભાવના વધારે..
આમ થવા માટે એક મહત્ત્વનું કારણ આપણા સૌમાં ઘર કરી ગયેલી એક માન્યતા જે મુજબ કામ જો સરળ કરી બતાવીએ તો આપણું મહત્ત્વ ઘટે. એટલે જો સમય વધારે હોય તો કામમાં થોડી જટિલતા વધારી અને કામનો ‘સદુપયોગ’ કરી લેવાનો લોભ રોકી નથી શકાતો હોતો.

પરિણામે જરૂરિયાત કરતાં ઘણાં જટિલ સ્વરૂપે કામ પુરું થાય છે. અને વધેલી જટિલતાને પરિણામે છેલ્લી ઘડીએ જો કોઈ મુસીબત આવી તો કામ પડી મોડું પણ થાય.
કામનું લંબાણે પડવું અને તેમાં જટિલતાના ઉમેરાને સાંકળી લેતા અનેક ઉપસિદ્ધાંતો પણ પ્રચલિત થયા છે, જે પૈકી સ્ટૉક-સૅન્ફોર્ડ ઉપસિદ્ધાંત બહુ જ જાણીતો થયેલો ઉપસિદ્ધાંત ગણાય છે.
છેલ્લી ઘડી સુધી રાહ જોશો તો કામ એક મિનિટમાં પુરું થશે.
આમ જુઓ તો સમય સંચાલનની દૃષ્ટિએ આ રીતને અજમાવવી એ બહુ હિતાવહ તો નથી, કેમકે છેલ્લી મિનિટે કયાં નવાં વિઘ્નો ફૂટી નીકળશે તે તો કોઈને જ ખબર ન હોય. એટલે કહે છે ને ઘાસમાં ચણતાં બે પક્ષીનો લોભ કરવા કરતાં હાથમાંનાં એક પક્ષીથી સંતોષ માની લેવામાં શાણપણ છે તેમ એક જ મિનિટમાં કામ પુરૂંથી જશે તે લાલચમાં છેલ્લી મિનિટ સુધી રાહ જોવાનું જોખમ ખેડવું સલાહભર્યું તો નથી.
પરંતુ, આ ઉપસિદ્ધાંત મૂળે તો કામ પુરૂં કરવા માટેની ચુસ્ત સમયરેખાનું મહત્ત્વ સમજાવી જાય છે. ઉચાટ ન થઈ આવે એટલી વધારે પડતી, વાસ્તવિક, સમય મર્યાદા બહુ હકારાત્મક પ્રેરક બળ નીવડી શકે છે. જો કોઈ સમય રેખા ન હોય તો પછી સફળતા કે નિષ્ફળતા જેવું જ કંઈ ન રહે કેમકે વહેલું કે મોડું કામ જ્યારે પણ પુરૂં કરો તેને મુલવવા માટે કોઈ માપદંડ જ ક્યાં છે. સમય રેખા એવું પ્રેરક બળ પેદા કરી શકે છે જે સફળતાના ચાહકોને તો ચાનક ચડાવે જ છે, પણ નિષ્ફળતાવાદીઓને નિષ્ફળતાના બોજને ફેંકી દેવા પ્રેરી શકે છે. સમય મર્યાદાની સાથે જો પ્રતિબદ્ધતા પણ ભળે તો આમ થવું સાવ જ શક્ય બની જઈ શકે છે. સામાન્યપણે કોઈ પણ વ્યક્તિને પોતાનાં દીધેલા બોલનું મહત્ત્વ ખુબ જ હોય, એટલે સમય મર્યાદામાં કામ પુરૂં કરવું એ તેને માટે એક સમય સંચાલનના પડકાર ઉપરાંત પોતાનાં આત્મસન્માનનો વિષય બની જાય છે. અને જ્યાં આત્મસન્માનની વાત આવે ત્યાં માણસ અશક્યને શક્ય બનાવી દે એ તો જગજાણીતી વાત છે.
જેટલો સમય હોય એટલું કામ લંબાય એ વિચારને કેટલાક મૅનેજમૅંટ નિષ્ણાતો બહુ રસપ્રદ રીતે પરેજી પાલન સાથે સાંકળી લે છે.
આહારશાત્રીઓ બહુ ભારપૂર્વક સુચવે છે કે ઓછું ખાધાનો અસંતોષ ન રહી જાય તેમ પરેજી પાળવા માટે દરેક પીરસણીનું કદ નાનું કરી નાખો. પ્લેટ, કટોરી અને ચમચી નાનાં કરી અને પછીથી ખાવાનું રાખો; એક વારમાં જ બધું જમી લેવાને બદલે થોડા થોડા કલાકે થોડું થોડું ખાઓ વગેરે સુચનાઓ પછળનું હાર્દ એ છે કે ભુખનો સંબંધ થાળીમાં કેટલું પિરસાયું છે તેની જોડે છે.
આ વિચારનો બહુ સક્રિય પ્રયોગ રેસ્તરાંઓમાં કરવામાં આવે છે. આજે હવે ભાવો વધી ગયા છે ત્યારે એક વારનાં ભોજનની કિંમત પરવડે એટલી રાખવા માટે એક પ્લેટમાં પીરસાતી વાનગીનું કદ ઘટાડ્યા વિના ચાલે તેમ નથી. પરંતુ જો પહેલાં જેટલી જ મોટી પ્લેટમાં એ ઘટાડેલી માત્રામાં પીરસવામાં આવે તો ગ્રાહકને પોતાના પૈસાનું વળતર ન મળ્યું હોય તેવો અસંતોષ રહે. એટલે હવે ડિશ કે કટોરી નાની કરી નાખીને તેને છલોછલ પીરસી દેવામાં આવે છે.
થાળી રેસ્તરાંઓમાં જમવા જતી વખતે યાદ કરજો કે આજથી દસ પંદર વર્ષ પહેલાં થાળીમાં કેટલી મોટી કટોરીઓમાં દાળ શાક પીરસાતાં આજે હવે કટોરીઓનું માપ તેના ત્રીજા કે ચોથા ભાગનું થઈ ગયું છે ત્યારે ગ્રાહકને પહેલંની કટોરીમાં પીરસાતાં ત્રણને બદલે આજની નાની કટોરીઓમાં ચાર શાક જમાડો એટલે ગ્રાહકને વધારે મળ્યાનો ઓડકાર આવશે.
સેથ ગૉડીન તેમની એક પૉસ્ટ, Serving size, માં કહે છે કે આપણા ખીસ્સામાં જેટલા પૈસા હોય એટલા વપરાઈ જાય. જેટલી શાખ મર્યાદા હોય એટલું દેવું થઈ જાય. મોટા ભાગે ખરી સમસ્યા એ નથી કે આપણી પાસે શું છે, આપણને અસર તો એ બાબત કરે છે કે આપણી થાળી કેટલી મોટી છે. આના પરથી બીજી એક પૉસ્ટ, A drop in the bucket, માં તેઓ જણાવે છે કે આપણી પાસેનો સામાન ભરવા માટે કબાટ ક્યારે પણ પુરતો નહીં હોય! એટલે જ પીરસણીની પરેજી સફળતાપૂર્વક કરવાનો માર્ગ વાસણનાં કદમાંથી પસાર થાય છે.
‘જેટલો વધારે સમય એટલી કામની જટિલતા વધી શકે’ એ વિચાર પર હજુ પણ બીજા રસપ્રદ ઉપસિદ્ધાંતો છે જે હવે પછીના મણકાઓમાં જોઈશું.
-
અનુભવ અને નૈપુણ્ય – કેટલાક વિચારો
સ્વ-વિકાસ : વિચાર વલોણું
તન્મય વોરા
બાળક જ્યારે સંગીત શીખવાનું ચાલુ કરે છે ત્યારે તેનામાં સંગીતની પરખની ક્ષમતા પાંગરે છે. ધીમે ધીમે એ જે સૂર સાંભળે તે વગાડી શકવા જેટલી પ્રાથમિક ક્ષમતા પણ તે કેળવી લે છે.
થોડાં વધારે વર્ષોના અભ્યાસ પછી એ સૂરની નકલ કર્યા સિવાય પોતાની સૂઝથી સંગીત વાદ્ય વગાડી શકવા જેટલી ક્ષમતા કેળવી લે છે. જે શુર તેણે અત્યાર સુધી ધ્યાનથી સંભળીને જ વગાડવા પડતા તે હવે તેને સહજ થવા લાગે છે. કોઈ પણ નવું ગીત કે ધુન સાંભળવાની સાથે જ તે તેને વગાડી પણ શકે એટલું તે હવે કેળવાઈ ગયું હોય છે.
હજુ થોડાં વર્ષ એ પદ્ધતિસરનો અભાસ ચાલુ રાખે તો હવે તે પોતાની રીતે સાંભળેલાં ગીતમાં પોતાનું અર્થઘટન ઉમેરીને નવી સ્વર બાંધણી રચી શકવા જેટલી કાબેલેયિત પણ હાંસિલ કરી લઈ શકે છે. એ પોતાના મનોભાવ કે શ્રોતાઓની માગણી અનુસાર રચનામાં તત્ક્ષણ વૈવિધ્ય પણ ઉમેરી શકવાની ક્ષમતા પણ મેળવી લઈ શકે છે. તેની રચનામાંથી નીકળતા દરેક સૂર પર તેની આગવી છાપ પણ હવે જોઈ શકાય છે. એ તેનું નૈપુણ્ય છે.
વર્ષોના અનુભવોનું નૈપુણ્યમાં પરાવર્તન થાય તે બહુ મહત્ત્વનું છે.
કામની યુક્તિપ્રયુક્તિને અતિક્રમીને વિચારી શકવું. પોતાનં કામને વ્યાપક સંદર્ભભમાં સાંકળી શકવું. ઘટના બને તે પહેલાંથી જ તેને પારખી લઈ શકવી , ઊંડી સૂઝની કેળવણી અને સાર્થક તારણ પર આવી શકવાની ક્ષમતા. જે કંઈ કરીએ તે સાતાત્યપૂર્ણ ગુણવત્તા સાથે કરી શકવું. દરેક વખતે નવી ઊંચાઈઓ સર કરવી. ઓછા સમયમાં ઘણું કામ કરી શકવું કે એક જ કામને આવશ્યકતા મુજબ નવી નવી રીતે કરી શકવું. નવા નવા પ્રયોગો કરી શકવા. પોતાનાં અને આસપાસનાં વાતાવરણમાં સકારાત્મકતા ફેલાવવી. હવે જે કામ કરવામાં આવે તેને માપવા માટે નવા માપદંડો રચવા પડે એ કક્ષાએ પહોંચવું.
ખરી નિપુણતાની આ બધી લાક્ષણિકતાઓ છે, જેના વડે આપણું મૂલ્ય વધે છે.
– – – – –
પાદ નોંધ.: અનુભવ વધે તેમ નૈપુણ્ય પણ વધે એ જરૂરી નથી. વધારે જ્ઞાન એ પણ વધારે નૈપુણ્યની અકસીર ચાવી નથી એ પણ સમજવું આવશ્યક છે. જરૂર છે એ અનુભવ કે જ્ઞાનનૉ યથોચિત ઉપયોગ કરી શકવાની ક્ષમતા. આજે હવે જ્ઞાન તો પ્રમાણમાં સરળતાથી મેળવી શકાય છે, પણ તેને અમલમાં મુકી શકવાની ક્ષમતા માટે વ્યક્તિની અંદરની શક્તિઓને જે વ્યક્તિ ઉપર જણાવ્યા મુજબ કેળવી શકે છે તે જ સરેરાશ લોકોથી ઉપર તરી આવી શકે છે.
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
ગિલ્ગામેશ વળી કોણ?
નિત નવા વંટોળ
પ્રીતિ સેનગુપ્તા
૧૮૪૫ના અરસામાં બે અંગ્રેજોએ જૂયારે અત્યારના ઇરાકના પ્રદેશમાં બે જુદી જુદી જગ્યાઓએ ખોદકામ શર્ કર્યું, ત્યારે ત્યાંથી ઈ.પૂ.ની આઠમી સદીનાં નગરોની અનેક નિશાનીઓ મળી આવી. મોટાં મોટાં શિલ્પો, સ્તંભો અને દીવાલોની સાથે સાથે ત્યાંનાં જીવનનાં દૃશ્યો કોતરેલા પાષાણ-ખંડો પણ મળી આવ્યા. એમાંના કેટલાક પર લાંબાં લાંબાં વર્ણનો કોતરેલાં હતાં. નિનેવેહ નામની જગ્યાએથી તો જાણે રાજવી પુસ્તક-પ્રાસાદો જ મળી આવ્યા. પુસ્તકો પણ કેવાં? કાગળ પર લખાયેલાં નહીં, પણ પાષાણો પર ટંકાયેલાં. પચીસ હંજાર જેટલી એવી તકતીઓના ભગ્નાવશેષ ત્યાંથી નીકળ્યા. બધા પર એકસરખી લિપિ હતી – પાતળી, તીણી, શંકુ આકારની દેખાતી.
પછીનાં વર્ષોમાં નજીક-પૂર્વનાં સિરિયા, ઈરાન, પેલેસ્ટાઈન, ટર્કી વગેરે દેશોમાંનાં બીજાં કેટલાંક સ્થાનો પરથી પણ આવી તકતીઓ પ્રાપ્ત થઈ. એ દરેક જગ્યાની તકતીઓ પરની ભાષા જુદી હતી – જોકે લિપિ ક્યારેક સરખી પણ હતી. બૅબિલોન અને અસિરિયાની એ ભાષાઓ “અક્કાડિયન” ભાષામાંથી વિકસેલી ગણાઈ છે. એ સમયના અભ્યાસીઓ એ પાતળી લિટીઓથી બનેલા અજાણ્યા અક્ષર ઉકેલવા મથ્યા. એમાં જૂયૉર્જ સ્મિથ નામનો એક ‘બિન-અભ્યાસી’ શિલ્પી પણ હતો. અંગત રસને લઈને, પથ્થરની તકતીઓ પર કોતરેલી લિપિ શીખવા-સમજવા પાછળ એણે પંદર વર્ષ ગાળ્યાં. અંતે કેટલીક તકતીઓનો અંગ્રેજીમાં અનુવાદ કરવામાં એ સફળ થયા. ને ત્યારે જાણ થઈ કે અનેક વાતીઓનું બનેલું એ તો એક મહાકાવ્ય હતું. ઉપરાંત, ચિરંતન યુવાવસ્થાનું રહસ્ય ચોરતા સર્પની, તેમજ એક ભયાનક જળ-પ્રલયની વાતીઓ જોતાં અનુવાદકોનું ધ્યાન ખાસ ખેંચાયું, કેમ કે બાઈબલ તથા કુરાનમાં આવતી, દુનિયાના સર્જનની તેમજ જળ-પ્રલયની કથાઓ સાથે એ વાતીઓ મળતી આવતી
હંતી.
તસવીર માહિતી સ્રોતઃ https://www.worldhistory.org/gilgamesh/ આ પાષાણ-કંડિકાઓ પરની લિપિ પરથી મેળવેલું એ લખાણ “ગિલ્ગામેશ[1] મહાકાવ્ય” તરીકે ઓળખાયું. બાઈબલ અને કુરાનથી પણ પહેલાં એ લખાયેલું હશે, તેમ મનાયું છે. અનેક સાહસો, વિજયો, કઠિનાઈ, દુ:ખો, અને ગ્ઞાન-પ્રાપ્તિની વાતોથી સભર હોઈ એ કૃતિ ઉદાત્ત અને અનન્ય ગણાઈ છે. એની વાતી મુખ્યત્વે ગિલ્ગામેશ નામની એક વ્યફ્તિ પર આધારિત છે, પણ એમાંથી પ્રતીત થતા સંદર્ભોને ઘણી વ્યાપક રીતે જોવામાં આવે છે. એની કેટલીક આવૃત્તિઓ થઈ છે, ને બધી થોડી થોડી જુદી પડતી રહે છે, પણ દરેકમાં વાતો તો ગિલ્ગામેશની જ છે. ઉરુક નામના નગરનો એ મહારાજા હતો. એને દેવો જેવું સ્વરૂપ અને દૈવી શફ્િત મળેલાં હતાં, ને સાથે જ, માનવ-સહજ નશ્વરતા પણ. દેવ-દેવીઓનાં કૃપા તથા ક્રોધની અસર પાત્રોનાં જીવન પર પડતી રહે છે, અને જાતજાતની પેટા કથાઓ આ મહાકાવ્યમાં વણાયેલી દેખાય છે.
પોતાનું સામર્થ્ય દર્શાવા, તેમજ ટકાવી રાખવા, ગિલ્ગામેશે નગરની ચોતરફ ઊંચો કિલ્લો બાંધવા પ્રજાને હુકમ કર્યો. એ કામ વર્ષોનાં વર્ષો ચાલતું રહ્યું, ને થાકેલા, કંટાળેલા લોકોએ મદદ માટે દેવોને પ્રાર્થના કરી. જાણે એના જ જવાબમાં મોકલાયો હોય તેમ, એન્ડિડુ નામનો વનવાસી શફિત-પુરુષ ત્યાં આવી ચડે છે. મંદિરની નર્તકી શામ્હાત એને નગરની અંદર લઈ જાય છે. પહેલાં તો ગિલ્ગામેશ અને એન્ડિડુ એકબીજા સાથે યુદ્ધ કરે છે. એમાં એન્ડિડુ જ એક વાર ગિલ્ગામેશને કોટની ઊંચી દીવાલ પરથી લપસીને પછડાતાં બચાવે છે, ને એ પછી બંને ઘનિષ્ઠ મિત્રો બને છે. સંયુકત રીતે બંને હમ્બાબા નામના રાક્ષસને મારી નાખે છે. વળી, દેવોના એક વૃષભની હત્યા કરે છે. દેવોની ઉપેક્ષા બંને કરતા જ રહ્યા હતા, તેથી મનો શાપ પામીને એન્ડિડુ એક અસાધ્ય રોગનો ભોગ બને છે, ને મૃત્યુ પામે છે. ગિલ્ગામેશ અત્યંત દુ:ખ પામે છે, તેમજ ત્યારે એને ખ્યાલ આવે છે કે સમય આવતાં પોતે પણ મૃત્યુ પામશે જ
એ નીકળી પડે છે એવા કોઈ એક મનુષ્યને શોધવા કે જેણે અમરત્વ પ્રાપ્ત કર્યું હોય. એવા મનુષ્ય હતા ઉત્નાપિશ્ટિમ. પુથ્વી પરના મહાજળ-પ્રલયમાંથી પણ એ બચી ગયેલા.એમણે ગિલ્ગામેશને કહ્યું ક એ જળ-પ્રલયની કથા કહેતાં છ દિવસ અને સાત રાત થશે. જો એ આખો સમય ગિલ્ગામેશ જાગતો રહી શકશે, તો અંતે એ ગિલ્ગામેશને અમરત્વનું રહસ્ય આપશે. ગિલ્ગામેશ એટલું સળગ જાગતાં રહી નથી શકતો. છતાં, એના પર કરુણા કરીને ઉત્નાપિશ્ટિમ એટલું જણાવે છે કે ચિર-યૌવનનો છોડ કૂયાં મળશે. એ મેળવવા માટે ગિલ્ગામેશ છેક સમુદ્રને તળિયે ડુબકી મારે છે, એને મેળવે પણ છે, પરંતુ એ આરામ કરતો હોય છે ત્યારે એક સર્પ એ છોડને ચોરી જાય છે.
પહેલાં તો ગિલ્ગામેશ ખૂબ નિરાશ થઈ જાય છે, પણ પછી સમજે છે કે પૃથ્વી પરના બધા લોકોની જેમ પોતાને પણ ફ્યારેક તો મરવું પડશે જ. એ ઉરુક દેશમાં પાછો ફરે છે, પોતે અને એન્ડિડિએ સિદ્ધ કરેલાં સત્કાર્યોનું સ્મરણ કરે છે, એના પર મનન કરે છે, અને પછી સમજે છે કે કોઈ પણ વ્યક્તિ જીવનમાં પોતે કરેલાં સત્કાર્યો દ્વારા જ અમર બનતી હોય છે, ને એ જ છે અમરત્વનું સાચું રહસ્ય.
મહાકાવ્યને અંતે આવો સાર મળે છે. દુનિયાની મહાન ઉપદેશ-કથાઓમાંની આ એક ગણાય છે. ઉપરાંત, એ બધા પ્રદેશો કેવા હતા, તેની ખરેખરી જાણ તો કોઈને નથી, કારણકે એ તો કદાચ દટાયેલા હોય તો હોય. પણ આ કથા ઝીણી વિગતો દર્શાવતાં ચિત્રાંકનો દ્વારા, ખૂબ રસપ્રદ રીતે, પણ આલેખાઈ છે. એ દ્વારા છતાં થાય છે પાત્રોનાં દેખાવ અને વ્યકતિત્વ અહંકારી ગિલ્ગામેશ, ઉદાર-દિલ એન્ડિડુ, સુંદરી શામ્હાત વગેરે; તથા સ્થાનો, જેવાકે ઊંચા સ્તંભ ને કમાનોથી યુક્ત વિશાળ પ્રાસાદ, પ્રજાજનોથી ભરેલાં ચોગાન, નાળિયેરીનાં વૃક્ષવાળા નદી-કિનારા વગેરે; તેમજ દૃશ્યો, જેમકે ગિલ્ગામેશને બચાવવા હાથ લંબાવતો એન્ડિડુ, મોટી પાંખો વીંઝતો આવતો દૈવી વૃષભ, સંગીત ને ભોજન સાથેની મહેફિલો ગેરે. છેલ્લે, ગિલ્ગામેશ રાજા તરીકેની પો ની જવાબદારી સમજે છે, અને પ્રજા પ્રત્યે ઉદાર થવા તત્પર બને છે. આ એનો જીવન-બોધ છે.
ગમે તેવું મહાન, તોયે પારકું – એવું ઘણાંને લાગે, ને એની અંદરની વાતો વિચિત્ર ને નીરસ પણ લાગે, તો એટલો ખ્યાલ રાખીએ કે અન્યદેશીય પ્રજાને આપણા પ્રાચીન ગ્રંથો પણ એવા પ્રકારના લાગી શકે છે. જેમકે, આપણું “મેઘદૂત? કાવ્ય આપણને કેવું હૃદયસ્થ હોય છે. ઘણાં બિનભારતીયોને એ કલ્પન જ ગાંડા જેવું લાગે છે : “ વાદળ સાથે તે કોઈ વાતો કરતું હશે?, ને સંદેશો મોકલતું હશે?”
આવું બનતું જાય તેમ તેમ આપણે શીખતાં જઈએ કે પોતાનું-પારકું, ગમતું-અણગમતું, સમજાતું-ના સમજાતું વગેરે બધું સાપેક્ષ હોય છે. નવું નવું જાણતાં જઈને બુદ્ધિથી, મનથી વધારે સમૃદ્ધ થતાં જવું – તે જ સાર છે અભ્યાસનો.
સુશ્રી પ્રીતિ સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે
