વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • એક વરસાદી રાતે….

    આશા વીરેન્દ્ર

    અંધારી ઘોર રાત હતી. સવારથી શરૂ થયેલો ધોધમાર વરસાદ અટકવાનું નામ નહોતો લેતો. ઝડપથી ભાગવાના પ્રયત્નમાં ઝૂબેદા બે વાર પડી હતી. આખું શરીર અને કપડાં કાદવથી લથબથ અને ભયથી ચકળ-વકળ થતી આંખો. આવતી-જતી ગાડીની હેડલાઈટ દેખાય કે બે હાથ લાંબા કરી કરીને રોકવાનો પ્રયત્ન કરવા લાગતી. ‘રોકો, ગાડી ઊભી રાખો. ખુદાને ખાતર મને મદદ કરો.’

    કેટલીય વારે આગળ નીકળી ગયેલી એક ગાડી રીવર્સ લઈને પાછી આવી. ગાડી ચાલકે એની પાસે આવીને દરવાજો ખોલ્યો. મોટી લાલ લાલ આંખો. ગોળ ફ્રેમ વાળાં ચશ્માં અને જાડી ભરાવદાર મૂછ. એણે દરવાજો ખોલ્યો એ સાથે જ શરાબની તીવ્ર ગંધ ઝૂબેદાના નાકમાં ઘૂસી ગઈ. એ પગથી માથા સુધી ધ્રૂજી ઊઠી. એને થયું, આ તો ઊલમાંથી ચૂલમાં પડવાની ! પણ અત્યારે ગાડીમાં બેસી જવા સિવાય બીજો કોઈ ઉપાય જ નહોતો. ભીના, કાદવવાળા શરીરે એ આગલી સીટ પર બેસી ગઈ. મનમાં ને મનમાં એણે પ્રાર્થના કરી, ‘રબ્બા મુઝે બચાના.’

    ‘તારે ક્યાં જવું છે? ક્યાં ઉતારું તને ?’થોડી વાર પછી ગાડી ચાલકે કડક અવાજે પૂછ્યું. કશો જવાબ આપ્યા વિના ઝૂબેદા ચૂપચાપ હોઠ બીડીને બેસી રહી.

    ‘નામ શું છે?’ફરીથી એક સવાલ. ‘ઝૂબેદા.’

    ‘સરસ નામ છે. મારું નામ શિવદાસ. ક્લબમાં પાર્ટી હતી, જરા વધારે પિવાઈ ગયું એટલે જ તને જોઈને ગાડી ઊભી રાખી. નશો ન કર્યો હોત તો ગાડી ઊભી જ ન રાખત.’

    શિવદાસ હો હો કરતો હસવા લાગ્યો. ઝૂબેદાને ચીડ ચડી. કેવા ગંદા દાંત છે, છી ! ‘હવે બોલ, તારે ક્યાં ઊતરવું છે?’જરા આગળ ગયા પછી શિવદાસે ફરીથી પૂછ્યું. જવાબ ન મળતાં એ એની તરફ ધ્યાનથી જોવા લાગ્યો. હશે બારેક વર્ષની છોકરી. કપડાં ફાટી ગયેલાં અને નીચલા હોઠમાંથી લોહી નીકળતું હતું. હવે છોકરીએ જોરથી રડવાનું શરૂ કર્યું. પળવારમાં શિવદાસનો નશો ઊતરી ગયો.

    ‘કોણે તારી આ હાલત કરી? ચાલ, આપણે પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ નોંધાવીએ.’

    ઝૂબેદા બે હાથ જોડીને કહેવા લાગી, ‘ના સાહેબ, ફરિયાદ નથી કરવી. એ લોકો મારો જીવ લઈ લેશે. મને એમનો બહુ ડર લાગે છે.’કટકે કટકે કરતાં ઝૂબેદાએ પોતાની આપવીતી કહેવા માંડી, ‘અહીંથી કોણ જાણે કેટલું ય દૂર બદિરમપલ્લીમાં મારું ઘર છે. મા-બાપ ને મારાથી નાનાંત્રણ ભાઈ-બહેન. બાપને ટી.બી. થયો. નોકરી છૂટી ગઈ. મા એકલી મજૂરી કરે પન ખાવા-પીવાનો, બાપુની દવાનો ખર્ચ ક્યાંથી કાઢવો?

    એવામાં એક દિવસ માના દૂરના સગા તાજુદ્દીનભાઈ અને એમનાં પત્ની ઘરે આવ્યાં. કહે, ઝૂબેદાને અમારી સાથે મોકલો. તમારે માથેથી એકનો બોજો તો ઓછો થાય ! રસોઈના કામમાં હાથવાટકો થશે ને સારી સ્કૂલમાં ભણાવશું. મા-બાપુએ ખુશ થઈને એમની સાથે મોકલી.’

    ‘તું કઈ સ્કૂલમાં ભણે છે?’ શિવદાસે પૂછ્યું.

    ‘સ્કૂલમાં મોકલવાની વાત તો દૂર રહી. આખો દિવસ મારી પાસે કમરતોડ કામ કરાવે ને મને જરાક એકલી જુએ એટલે તાજુદ્દીનભાઈ મારી સાથે જાતજાતના ચેનચાળા કરે. પછી તો બીજા માણસોને પણ લાવી લાવીને મને કમાણીનું સાધન બનાવી દીધી. એ બધાને સાચવવાની ના પાડું તો તાજુદ્દીનભાઈની પત્ની મને ડામ દેતી.’

    ‘તો અત્યારે તું રસ્તા પર કેવી રીતે પહોંચી?’

    ‘એક જાડોપાડો માણસ મારા રૂમમાં આવ્યો એને જોઈને હું ખૂબ ગભરાઈ ગઈ. બાથરૂમમાં જવાનું બહાનું કાઢી બારીના કાચ કાઢી નાખ્યા ને ત્યાંથી ભાગી નીકળી.શિવદાસે એક નાનકડા બંગલા પાસે ગાડી ઊભી રાખી.

    ‘ચાલ અંદર ’, એણે ઝૂબેદાને કહ્યું. ઝૂબેદા અવિશ્વાસભરી નજરે એને જોઈ રહી. અડધી રાત થાઈ હતી અને સાથે દારૂ પીધેલો મરદ હતો. એને કમકમાં આવ્યાં. એ ઘરમાં ચારે તરફ જોવા લાગી. પછી એણે દબાયેલા અવાજે શિવદાસને કહ્યું, ‘સાહેબ, બહુ થાકી ગઈ છું. ભૂખ પણ બહુ લાગી છે. કંઈ ખાવાનું મળશે?’

    શિવદાસે એને એક ટુવાલ આપ્યો ને કહ્યું: ‘તું કાદવકીચડથી આખી ભરાઈ ગઈ છે. જા, જઈને પહેલા નાહી લે.’

    એ નાહીને આવી. ત્યારે શરીરે ફક્ત ટુવાલ જ લપેટેલો. શિવદાસે કબાટમાંથી એક સ્કર્ટ-બ્લાઉઝ કાઢીને એને આપ્યાં. એ કપડાં પહેરીને આવી ત્યાં શિવદાસે દૂધ ગરમ કરીને ગ્લાસ ભરી રાખેલો અને બ્રેડ શેકી રાખેલા.

    ‘સાહેબ, તમે આપેલાં કપડાં બરાબર મારા માપનાં જ છે, કોનાં છે?’જવાબની રાહ જોયા વિના ઝૂબેદા ઊંધું ઘાલીને ખાવા પર તૂટી પડી. એની તરફ જોતાં શિવદાસ વિચારી રહ્યો, મારી ગુડ્ડી પણ બરાબર આવડી જ હતી. આ દારૂની લતે એને અને એની માને મારાથી દૂર કરી દીધાં. એક વખત મોઢું ફેરવી જતાં રહ્યાં પછી કોઈ દિવસ કંઈ ખબર જ ન મળ્યા કે, ક્યાં છે, કેવી હાલતમાં છે.

    ખાઈને ઝૂબેદા નિરાંતે સોફા પર બેઠી. બાજુમાં પડેલી સોનેરી રંગની ઢીંગલી પર નજર પડતાં એની આંખો ચમકી ઊઠી. એણે ડરતા ડરતાં પૂછ્યું, ‘સાહેબ, હું આને હાથ લગાડું? હું કોઈ દિવસ આવાં રમકડાંથી રમી નથી.’શિવદાસે ઢીંગલી એના ખોળામાં મૂકી, અને હસતાં હસતાં કહ્યું, ‘એને તારી સાથે સૂવડાવજે, બસ !’

    ‘સાહેબ, મને બહુ ઊંઘ આવે છે, ક્યાં સૂઉં?’

    ‘આ પલંગ પર તું સૂઈ જા, હું અહીં સોફા પર સૂઈશ.’થાકેલી ઝૂબેદા ઢીંગલીને ગળે વળગાડીને પલંગ પર પડી. ડીમલાઈટના ઝાંખા પ્રકાશમાં શિવદાસ એને જોઈ રહ્યો. જાણે ગુડ્ડીની નાની બહેન જ જોઈ લ્યો ! એણે ઝૂબેદાને ધાબળો ઓઢાડ્યો, એને કપાળ પર ચૂમી ભરીને કહ્યું, ‘ગુડનાઈટ બેટા !’

    થોડીવાર સોફા પર પડખાં ફેરવ્યાં કર્યાં પછી એણે કહ્યું, ‘હું તારી પાસે સૂઈ જાઉં ?’

    ‘હા જરૂર’, ઝૂબેદાએ અડધી પડધી ઊંઘમાં જવાબ આપ્યો.

    શિવદાસ ઊઠીને પલંગપર સૂતો. નક્કી કર્યું હતું કે એ રડશે નહીં પણ જ્યારે ઝૂબેદાને ગળે વળગાડી ત્યારે એ નાના બાળકની જેમ રડવા લાગ્યો.


    (અંબિકાસૂતન માંગડની મલયાલમ વાર્તાની આધારે


    સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ફિલસુફીભર્યા ગીતો – ૬ – हर युग में बदलते धर्मो को कैसे आदर्श बनाओगे ?

    નિરંજન મહેતા

    ૧૯૬૪ની ફિલ્મ ‘ચિત્રલેખા’નું આ ગીત મીનાકુમારી અને અશોકકુમાર પર રચાયું છે.

    संसार से भागे फिरते हो
    भगवान को तुम क्या पाओगे
    इस लोक को भी अपना ना सके
    उस लोक में भी पछताओगे

    ये पाप है क्या ये पुन्य है क्या
    रीतो पर धर्म की मोहरे है
    हर युग में बदलते धर्मो को
    कैसे आदर्श बनाओगे

    ये भोग भी एक तपस्या है
    तुम त्याग के मारे क्या जानो
    अपमान रचेता का होगा
    रचना को अगर ठुकराओगे

    हम कहते है ये जग अपना है
    तुम कहते हो जूठा सपना है
    हम जनम बिता कर जायेंगे
    तुम जनम गवाँ कर जाओगे

    ગીતકાર સાહિર લુધિયાનવી, સંગીતકાર રોશન અને સ્વર લતાજીનો

    મીનાકુમારી રાજનર્તકી છે અને પ્રદીપકુમાર તેના પ્રેમમાં હોય છે. અશોકકુમાર, જે એક સાધુ છે, તે પ્રદીપકુમારને તેના બંધનમાંથી છોડવા મીનાકુમારીને સમજાવવા આવે છે પણ તે અસફળ રહેતા ચાલી નીકળે છે. ચાલી જતા અશોકકુમારને ઉદ્દેશીને મીનાકુમારી આ ગીત ગાય છે.

    મીનાકુમારી ઉર્ફે ચિત્રલેખા કહે છે કે જે મનુષ્ય સંસારમાંથી નાસી જાય છે તે ભગવાનને કેવી રીતે મેળવશે? કહેવાનો અર્થ એ કે સંસારમાં રહ્યા છતાં પણ ભગવાનની ભક્તિ કરો તો ભગવાન જરૂર મળે છે. તે માટે સાધુ થવાની જરૂર નથી. તો જે મનુષ્ય આ લોકમાં રહીને આ લોકનો ન થયો તે પરલોકમાં જઈને જરૂર પસ્તાશે.

    પાપ અને પુણ્ય તો ધર્મના લોકો નક્કી કરે છે અને આજે જે પાપ છે તે આગળ જતા પુણ્યમાં બદલાઈ શકે છે. દરેક યુગમાં આ પાપ પુણ્યની વ્યાખ્યા બદલાતી જાય છે તો કોને તું આદર્શ માનશે?

    સંસારમાં રહીને સાંસારિક ભોગો ભોગવવા એ પણ એક તપસ્યા છે. પણ તે તો તે બધું ત્યાગી દીધું છે તો તને તે ક્યાંથી સમજાશે? આ ન કરવાથી તું રચયિતાનું અપમાન કરે છે. અમે તો આ જગને અમારૂં માનીએ છીએ પણ તારા પ્રમાણે તે એક ખોટું સ્વપ્ન છે. પણ સમજી લે અમે જન્મ વિતાવીને જશું જ્યારે તું જન્મ ગુમાવીને જશે.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. 28339258/9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com

    .

  • જયદેવની તેજસ્વી સંગીત પ્રતિભાનું મૂલ્ય હંમેશાં ઓછું અંકાયું : ૧૯૭૬ -૧૯૭૭

    વિસરાતી યાદો…સદા યાદ રહેતાં ગીતો

    સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ

    જયદેવ (વર્મા, જન્મ ૩ ઓગસ્ટ, ૧૯૧૯ – અવસાન ૬ જાન્યુઆરી, ૧૯૮૭) શાસ્ત્રીય કે લોક સંગીત પર આધારિત ફિલ્મી ગીત રચનાઓ પણ ખુબ માધુર્યસભર હોઈ શકે તે તો નિર્વિવાદ સાબિત કરી ચુક્યા હતા. તેમની કારકિર્દીની શરૂઆતમાં જ તેમના જાદુઈ સ્પર્શની સંમોહક અસર તેમને ટોચની હરોળમાં સ્થાન અપાવી ચુકી હતી. પરતુ, ફિલ્મ ઉદ્યોગમાં અસ્વીકાર્ય એવી કેટલીક  તેમની સ્વભાવગત લાક્ષણિકતાઓ અને કૅટલીક ટોચમાં ચાલતી અર્હેતી હરિફાઇની વરવી વાસ્તવિકતાઓએ તેમની કારકિર્દીને ઊંડી ખીણ તરફ ઘસડવા લાગી. પ્રથમ  હરોળની ફિલ્મો ન મળતાં, જે કોઈ ફિલ્મોમાં તેમને તક મળી એ ફિલ્મો ટિકિટબારી પર અસફળ રહી એટલે જયદેવનાં સંગીતને પણ તેનું ગ્રહણ ગ્રસવા લાગ્યું. ‘૭૦ના દાયકા સુધીમાં તો હવે તેમને એવા જ નિર્માતાઓ કે દિગ્દર્શકો પાસેથી કામ મળતું જે પોતાની ફિલ્મનં વસ્તુનાં હાર્દની સાથે ગીતોની બાબતમાં કોઈ જ છૂટ લેવા ન માગતા હોય. આ તબક્કે જયદેવની રચનાઓનું તળ માધુર્ય સુકાયું નહોતું, એટલે કળારસિક પ્રેક્ષકો અને પારખુ શ્રોતાઓએ તેમનાં ગીતોને પોંખવાનું ચાલુ રાખ્યું. આવા સકારાત્મક પ્રતિભાવની અસર રૂપે જયદેવ હવે નવા નવા ગાયકોને તક આપવાના પ્રયોગો પણ કરી શકવા લાગ્યા.

    ખુબ અનોખા સંગીતકાર જયદેવનાં ગીતોને યાદ કરવાનો ઉપક્રમ આપણે આપણાં આ માધ્યમ પર ૨૦૧૮થી શરૂ કરેલ છે.

    • ૨૦૧૮ માં ૧૯૫૪થી ૧૯૬૩નાં વર્ષોનાં તેમની સૌથી વધારે સફળ ફિલ્મો ગણી શકાય એવી ફિલ્મોનાં ગીતો
    • ૨૦૧૯માં તેમની ૧૯૬૪થી ૧૯૭૦નાં વર્ષોની ઓછી જાણીતી ફિલ્મોનાં ઓછાં જાણીતાં ગીતો,
    • ૨૦૨૦ માં ૧૯૭૧ નાં અસફળ રહેલી ફિલ્મોનાં તેમનાં ખુબ વખણાયેલાં ગીતોને,
    • ૨૦૨૧માં ૧૯૭૨-૭૩માં ફિલ્મોની નિષ્ફળતાએ જે ગીતોને પણ ભુલાવી દીધાં તે ગીતોને, અને
    • ૨૦૨૨માં ૧૯૭૪ – ૧૯૭૫નાં વર્ષોની ભુલાવા લાગેલી ફિલ્મોની કેટલીક સુરાવલીઓને

    આપણે યાદ કરી ચુક્યાં છીએ.

    આજના અંકમાં આપણે જયદેવ રચિત ૧૯૭૬ની ફિલ્મ ‘લૈલા મજનુ’ અને ૧૯૭૭ની ફિલ્મો ‘આલાપ’ અને ‘ઘરૌંદા’નાં ગીતોની યાદ તાજી કરીશું.

    લૈલા મજનુ (૧૯૭૬)

    ફિલ્મો માટે લૈલા મજનુ એ સદાબહાર પ્રેમ કહની રહી છે. હિંદી ફિલ્મ ક્ષેત્રે છેક ૧૯૩૧થી લૈલા મજનુ પર ફિલ્મો બનતી રહી છે. આ પ્રકારની પ્રેમ કથાઓમાં કથા નિરૂપણ, એ સમયની સામાજિક, આર્થિક વાસ્તવિકતાઓનું યથાર્થ ચિત્રણ અને પાત્રોના વ્યક્તિત્વોનું સહજ દર્શન કરાવી શકે એવો અભિનેતાઓનો અભિનય એક જ વાર્તા પરથી બનેલી ફિલ્મોને અલગ પાડી આપવાની જે ભૂમિકા ભજવે છે તે બધાંની સામે એકલપંડે ઊભું રહી શકે એવું ફિલ્મનાં સંગીતનું પણ પાસું છે.

    ૧૯૭૭માં કંપનીના કામે અમે બે ત્રણ સાથી કર્મચારીઓ ઈંદોર હતા. એક રાત્રે શહેરમાં ટહેલતાં ટહેલતાં  ‘લૈલા મજનુ’ ચાલી રહી હોય એવું થિયેટર જોવા મળ્યું. છેલ્લ શૉનો સમય હતો એટલે સમય પસાર કરવા ઘુસી જવાય તેમ તો હતું. ફિલ્મોનાં આટલાં બધાં સંસ્કરણોમાંથી મને તા માત્ર ૧૯૫૬નાં સંસ્કરણનાં ગીતો જ યાદ આવે.  ગુલામ મોહમમદે રચેલં તલત મહમૂદનાં એકાદ બે ગીતો તો તે જ સમય મનમાં વાગવા લાગ્યાં . સામે ફિલ્મનાં પોસ્ટરમાં સંગીતકારો તરીકે મદન મોહન અને જયદેવનાં નામો વાંચીને એટલો સધિયારો મળ્યો એ ફિલ્મ જોવા જેવી કદાચ ન પણ નીકળે તો પણ ગીતોને કારણે બે અઢી કલાક તો નીકળી જ જશે, એમ ધારીને અમે એ ફિલ્મ જોઈ જ પાડેલી. બહાર નીકળ્યા ત્યારે અમારી એ ધારણા તો ખોટી  નહોતી પડી.

    પછીથી જે જાણકારી મળતી ગઈ એ મુજબ ખબર પડી કે ફિલ્મનાં ત્રણેક ગીતો અને બેકગ્રાઉંડ સંગીતનું કામ બાકી હતું તેવામાં જ મદન મોહનનું અવસાન થયેલું. ઍટલે એ અધુરાં કામો પુરા કરવા માટે જયદેવની પસંદગી થયેલી. સાહિર લુધિયાનવીએ ફિલ્મનાં બધાં ગીતો લખેલાં. જયદેવ રચિત ત્રણ ગીતોમાંથી કહેના એક દીવાના તેરી યાદમેં આહેં ભરતા હૈ.. અને લિખ કર તેરા નામ જમી પર ઉસકો સજદે કરતા હૈ (બન્નેનાં ગાયકો મોહમ્મદ રફી અને લતા મંગેશકર) તો બહુ જ લોકભોગ્ય બન્યું હતું

    આપણે અહીં બાકીનાં બે ઓછાં જાણીતાં ગીતોને યાદ કરીશું.

    કજ઼ા જાલિમ સહી યે ઝુલ્મ વો ભી કર નહીં શકતી
    જહાં મેં ક઼ૈસ જિંદા હૈ, તબ તક લયલા મર નહીં સકતી
    યે દાવા દુનિયા ભરસે મનવાનેકી ખાતિર આ
    યે દિવાનેકી જીદ હૈ …..  – મોહમ્મદ રફી

    થિયેટરમાં પહેલી જ વાર સાંભળતાં જ મનમાં ગીત વસી ગયું હતું. ત્યારે ખબર નહોતી કે આવાં યદગાર ગીતો ગાવા માટે મોહમ્મદ રફી બહુ લાંબું આપણી વચ્ચે નહીં હોય !

    લૈલા મજનુ દો બદન એક જાન થે – રાજકુમાર રિઝવી, પ્રીતી સાગર, અનુરાધા પૌડવાલ

    ટાઈટલ ગીત તરીકે આ ગીત લૈલા મજનુની આખી કહાની કહી જાય છે.

    સાવ નવાં જ ગાયકો પાસે ગીત ગવડાવવાની જયદેવની પ્રયોગશીલ સર્જકતાનું એક વધુ ઉદાહરણ…..

    આલાપ (૧૯૭૭)

    મુળ બંગાળી સમાજની પૃષ્ઠભુ પર પથરાયેલ વાર્તાવસ્તુમાં હૃષિકેશ મુખર્જી ફરી એક વાર અમિતાભ બચ્ચનને બહારથી શાંત દેખાતા પણ અંદરથી ધખધખતા જ્વાળામુખી જેવા ‘એંગ્રી યંગ મેન’ તરીકે રજૂ કરે છે. ‘૭૭માં જ્યારે એકશન ફિલ્મોનું ચલણ હતું ત્યારે એક ગંભીર સમાજિક વિષય પરની ફિલ્મ બનવી એ પોતે જ એક અનોખી કેડી ગણાય. આ પહેલાંની કે પછીની ત્રણ ચાર ફિલ્મોમાં એસ ડી બર્મન કે આર ડી બર્મનને સંગીત સોંપ્યા બાદ, હૃષિકેશ મુખર્જીએ આ ફિલ્મનું સંગીત જયદેવને સોંપ્યું..

    ફિલ્મની ક્રેડીટ ટાઈટલ રચના માતા સરસ્વતી શારદા (ગીતકારઃ પારંપારિક – ગાયકો યેસુદાસ, લતા મંગેશકર, દિલરાજ કૌર, મધુરાણી) તો મોટા ભાગની શાળાઓમાં પાર્થના તરીકે જ સ્થાન પામી ગયેલ.  તે જ રીતે મુખ્ય અભિનેતા માટે કિશોર કુમારનો જ સ્વર હોય એ પ્રસ્થાપિત થઈ ચુકેલ સમયમાં જયદેવે યેસુદાસને પસંદ કર્યા. યેસુદાસના સ્વરમાં ગવાયેલું કોઈ ગાતા મૈં સો જાતા (ગીતકાર: હરિવંશરાય બચ્ચન) તો ખુબ લોકભોગ્ય થયું હતું.

    હવે પછી જે ગીતો સાંભળીશું તે ડો. રાહી માસૂમ રજ઼ાએ લખેલાં છે.

    ચાંદ અકેલા જાયે રે સખી રી... – યેસુદાસ

    એક કવિને છાજે એવી ક્લ્પનાથી પોતાનાં પ્રિયજનથી અલગ પડી ગયેલ પ્રેમીના મનોભાવને રજુ કરી શકે એ વ્યક્તિ સમાજની સામે બળવો કરવા બેસે ત્યારે કેવો ભભુકી પણ શકે છે એવી અમિતાભ બચ્ચનનં પાત્રની લાક્ષણિકતાને  વ્યક્ત કરવા એક રોમેંટિક ગીતના મધ્યાલાપમાં તેનો સમાજ પ્રત્યે ક્રોધ દેખીતી હળવાશથી રજુ કરીને દિગ્દર્શકની સંગીતકારની રચનાને અભિનવ રીતે પ્રયોજી લે છે.

    કાહે મનવા નાચે હમરા, સખી રે કોઈ ઈસે અબ સમજાયે – લતા મંગેશકર

    એક મુગ્ધાના મનના ભાવોને વ્યક્ત કરતાં ગીતના ભાવને દિગ્દર્શકે નાયિકાના ચાંદરણા સાથેના ખેલમાં ઝીલી લીધેલ છે.

    નયી રી લગન ઔર મીઠી બતીયાં પિયા જાને ઔર જિયા મોરા – મધુરાણી (ફૈઝાબાદી), (કુમારી) ફૈયાઝ, યેસુદાસ

    રાગ યમન, બિહગ, ભૈરવી, પટ્દીપ અને સુર મલ્હારની રાગમાળાને સહજ ન્યાય મળી રહે એટલે જયદેવ પ્રખ્યાત ગઝલ ગાયિકા મધુરાણી, મરાઠી નાટ્ય સંગીતમાં ખુબ ખ્યાત ફૈયાઝ અને યેસુદાસને પ્રયોજવાની અભિનવ કેડી કોતરે છે.

    આઈ ઋતુ સાવનકી પિયા મોરા જાયે રે – કુમારી ફૈયાઝ, ભુપિંદર

    સાવન આવે ત્યારે જ પ્રિયતમ (કે પ્રિયતમા) અલગ થઈ જાય એ વિરહની વેદના જયદેવ રાગ દેશમાં વ્યકત કરે છે.

    હો રામા ડર  લાગે અપની ઉમરિયા સે – અસરાની

    બિનતી સુન લે તનિક, નટખટ ગોરી બિનતી સુન લે – અસરાની

    અસરાનીને આ પારંપારિક્ર રચનાઓની પૅરોડીમાં રજુ કરવાની કલ્પના હૃષિકેશ મુખર્જી જ કરી શકે અને તેને યથાર્થ જયદેવ જ કરી શકે

    ઘરૌંદા (૧૯૭૭)

    દિગ્દર્શક ભીમસેન દ્વારા દિગ્દર્શિત ‘ઘરૌંદા’ પણ મુખ્ય ધારાના ઢાળમાં બનેલી પ્રાયોગિક કળા ફિલ્મ જ હતી. ‘ઘરોંદા’ માટે ડૉ. શ્રીરામ લાગુને શ્રેષ્ઠ સહાયક અભિનેતા તરીકે ગુલઝારને એક અકેલા ઇસ શરમેં માટે શ્રેષ્ઠ ગીતકાર તરીકેના ફિલ્મફેર એવૉર્ડ મળેલા.

    અહીં આપણે ભીમસેન વિષે ટુંકી વાત કરી લઈએ.

    ભીમસેન ભારતમાં એનિમેશન ફિલ્મોના જનક તરીકે ઓળખાય છે. તેમણે અનેક વિષયો પર આવી એનિમેશન ફિલ્મો રચી હતી. રાષ્ટ્રીય એકતા પરની એક, અનેક ઔર એકતા તો ખુબ જ જાણીતી કૃતિ છે, ૨૬ હપ્તાની સૌથી લાંબી ટીવી સિરિયલ વર્તમાન (૧૯૯૪) બનાવવાનું શ્રેય પણ તેમને નામે છે.

    ગુલઝારે લખેલાં દો દિવાને સહરમેં  (ભુપિંદર, રૂના લૈલા) અને એક અકેલા ઇસ સહરમેં (ભુપિંદર) તો આજે પણ ખુબ જ લોકપ્રિયતા મેળવે છે.

    બાંગલા દેશના વિશ્વ પ્રસિદ્ધ ગાયિકા રૂના લૈલાનો ભારતના શ્રોતાને પરિચય કરાવવાનું શ્રેય જયદેવને નામે ગણી શકાય

    તુમ્હેં હો ન હો, મુઝકો તો ઇતના યકીન હૈ મુઝે તુમસે પ્યાર નહીં નહી – રૂના લૈલા – ગીતકાર નક્શ લ્યાલપુરી

    રૂના લૈલા જેવાં ગઝલ ગાયિકાને જયદેવ કેવી રમતિયાળ અદામાં સહજ સ્વરૂપે રજુ કરી શકે છે !

    આ ગીતનું એક બીજું કરૂણ વર્ઝન પણ છે જે આ ક્લિપમાં ૫.૦૪થી સાંભળી શકાય છે

    જયદેવની કારકિર્દીના અંતની શરૂઆતમાં પણ તેમની સર્જનાત્મકતા અને પ્રયોગશીલતા હજુ તરોતાજા છે. તેમનાં હવે પછીના વર્ષોનાં ગીતોને સાંભળવાની આતુરતા વધતી જ જાય છે…..

  • વનવૃક્ષો : ઊમરો

     

    ગિજુભાઈ બધેકા

    ઊમરો ઘણાં વરસે થયો. એક વાર ત્રમઘૂટ વરસાદ આવતો હતો ને રામભાઈ ને હેમુભાઈ ઊમરાનો રોપ લઈ આવ્યા. વરસતા વરસાદે ઊમરો રોપ્યો. રામભાઈને હેમુભાઈ તે દિવસે કંઈ રાજી થયા ! “ઊમરો રોપ્યો, ઊમરો રોપ્યો.” એમ બોલતા જાય, કૂદતા જાય અને નહાતા જાય.

    થોડા દિવસ થયા ને ઊમરો ચોંટી ગયો. નમી ગયેલાં પાન ટટ્ટાર થયાં; ઝાંખી ડાળીઓ ચળકવા લાગી; પાંચ દસ નાનાં નાનાં નવાં પાન આવ્યાં. રામભાઈ ને હેમુભાઈએ દોડાદોડ કરી મૂકી.

    સૌને ઊમરા પાસે લઈ જાય ને બતાવે: ‘ જુઓ આ અમારો ઊમરો. ઊમરે નવાં પાન આવ્યાં છે.”

    ઊમરો રોજ રોજ વધતો જાય ને નવાં પાન કાઢતો જાય; શ્રાવણનાં સરવડાંમાં નહાતો જાય અને લીલો લીલો થતો જાય. ચોમાસું ગયું ત્યાં તો ઊમરો હાથ બે હાથ વધી ગયો.

    પછી તો શિયાળો આવ્યો. રામભાઈ હેમુભાઈ વખતે વખતે પાણી પાય, ક્યારો કરે, ખાતર નાખે ને નીચલાં પાન ને નીચલી ડાળીઓ કાઢી નાંખે. ઊમરો ઉપરથી નવાં પાન કાઢતો જાય ને નીચેનું થડ જાડું થતું જાય. શિયાળો ગયો ત્યાં તો ઊમરાનું થડ વધ્યું, જાડું થયું. ઊમરો નાનું એવું ઝાડ થયું.

    પછી એમ થયું કે એનાં પાંદડાં ખરવાં લાગ્યાં. એક પાન ખર્યું, બે ખર્યાં ને કેટલાં યે ખર્યાં; લીલોછમ ઊમરો સૂકો લાગવા માંડ્યો; ચળકતો ઊમરો ઝાંખો પડ્યો; ભરેલો ઊમરો ઠૂંઠો દેખાયો.

    રામભાઈ કહે ” ” એ તો પાનખર આવી છે તે પાંદડા ખરે.”

    હેમુભાઈ કહે : ” તો કાંઈ ફિકર નહિ.”

    રામભાઈ ને હેમુભાઈ ખરતાં પાંદડાંવાળી લ્યે કયાં પાંદડાં ખરી જશે તે જોયા કરે, પણ પાણી તો રોજ પાય.

    એક વાર ડાળે ઝીણા ઝીણા પાંદડા બેસી ગયેલાં, આમ આઘેથી જોઈએ તો દેખાય નહિ એવાં; જરાક દૂરથી જોઈએ તો જાણે માખીઓ કે મચ્છર બેઠાં.

    પણ બે ચાર દિવસો ગયા, બીજા છઆઠ દિવસો ગયા ને કૂંપળાં મોટાં થયાં, તગતગવા લાગ્યાં, ને ઊમરો આખો તડકામાં ચળકી રહ્યો. પખવાડિયું મહિનો ગયો ત્યાં તો ઊમરો હતો તેવો થઈ ગયો. ના, હતો તેનાથી વધારે થયો; હતો તેથી જાડો થયો; હતો તેથી ભરાવદાર થયો; હતો તેથી રૂડો થયો. વસંતે એને નવો નવો કરી મૂક્યો.

    પછી ઉનાળો આવ્યો. તડકા તપ્યા. રામભાઈને ને હેમુભાઈએ ખાતરપાન દીધાં કર્યાં. એકે ડાળખી ન સુકાઈ; એક પાંદડું યે ન લંછાયું. ઊલટો રાત એ દિવસ એ કોળતો જ ગયો.

    ઉનાળા પછી ચોમાસું આવ્યું. ચોમાસા પછી શિયાળો ને પાનખર, વસંત ને ઉનાળો; એમ ને એમ આવ્યા જ કર્યા. ચોમાસે ચોમાસે ઊમરે પાણી પીધું, શિયાળે શિયાળે પોઢો થયો, પાનખરે પાનખરે ઘડપણને કાઢી મૂક્યું, વસંતે વસંતે નવજુવાન થયો, અને ઉનાળે ઉનાળે તપી તપીને તેજસ્વી થયો.

    કેટલાં યે વર્ષો વહી ગયાં. આંગણાંમાં જ ઊમરો મોટું ઝાડ થયું છે. રામભાઈ ને હેમુભાઈ એના ઉપર ચડે છે ને ડાળીઓ ઝુલાવે છે. નાનાં છોકરાં ઊમરાં પાડી આપે છે, ને પોતે પાકાં પાકાં ઊમરાં ખાય છે.

    રાત પડે છે ને કેટલાં ય પક્ષીઓ ઊમરાને ઊમરે આવે છે ને રાત રહે છે. દિવસ પડતાં કેટલાં ય પક્ષીઓ આવે છે ને ઊમરાંને ખાધા કરે છે. ઊમરો પક્ષીઓનો ચબૂતરો થયો છે. પોપટનો પાર નથી. સૂડા ને કોયલ પણ આવે છે. જેને ઊમરાં ભાવે એ બધાં પક્ષીઓ ત્યાં આવે છે.

    એક વાર ઊમરો વેંત જેવડો હતો; વેંતમાંથી હાથ, હાથમાંથી ગજ, ગજમાંથી માથોડું ને માથોડામાંથી વાંસ જેવડો ઊમરો થયો.

    ઊમરો ઊંચો થયો ને રામભાઈ નીચા રહ્યા. નીચે ઊભાં ઊભાં પાંદડાને અડી ય ન શકાય. એક વાર ઊમરો રામભાઈ, હેમુભાઈથી નીચો હતો; હમણાં ઊમરાથી નીચા રામભાઈ ને હેમુભાઈ છે.

    રામભાઈ હેમુભાઈએ એ ઊમરાને પાણી પાયું, ખાતર નાખ્યું; ઊમરો સૌને છાંયો આપે છે, ઊમરાં આપે છે.

    અમારા આંગણાંમાં ઊમરો છે. રામભાઈ ને હેમુભાઈએ એક દિવસ એ આણેલો ને રોપેલો.


    માહિતી સ્રોત : વિકિસ્રોત

  • રૂપરૂપનો અંબાર પીળીચાંચ ઢોંક, જાણે ફેશન આઇકોન

    ફરી કુદરતને ખોળે

    જગત કીનખાબવાલા

                રૂપરૂપનો અંબાર અને જોઈને ચિત્ર કરવાનું મન થઇ ઉઠે તેવું સુંદર અને મોટું પક્ષી એટલે રંગીન પીળીચાંચ ઢોંક. સ્થાનિક પીળી ચાંચ ઢોંક બારમાસી સ્થાનિક પક્ષી છે. ઢોંક ને જોઈને ઓળખી શકો પરંતુ તેઓની બારીકાઇ અને રંગરૂપ ન સમજો તો તેઓની પેટા જાતિ ઓળખી નહિ શકો. આપણે ત્યાં વિવિધ ૭ પ્રકારના ઢોંક હોય છે અને સામાન્ય રીતે ઢોંક પક્ષી રંગરૂપ પ્રમાણે ઓળખાય. ઢોંકના મુખ્ય રંગ સફેદ અને કાળા હોય છે. આ સફેદ અને કાળા ઢોંક ભારતમાં શિયાળામાં યુરોપથી આવી ચઢે છે. એક જમાદાર ઢોંક પૂર્વ ભારતમાંથી ચોમાસામાં ક્યારેક આવી ચઢે જ્યારે બાકીના બધા ઢોંક બારમાસી સ્થાનિક ઢોંક હોય.

     

    પીળીચાંચ ઢોંક / કચ્છી: ચિત્રોડા/ Painted Stork / હિંદી: સારસ ચિત્રિત/ Mycteria leucocephala*
    કદ: ૪૦ ઇંચ/ ૧૦૦ સે.મી. પાંખોની પહોળાઈ: ૧૫૦ – ૧૬૦ સે. મી. વજન: ૨ – ૩. ૫ કિલો

    પીળીચાંચ ઢોંક પક્ષી રંગે રૂપે ખુબજ દેખાવડું છે. બીજા ઢોંક કરતા દેખાવે વધારે રંગીન. નર અને માદા બંને દેખાવે સરખા હોય છે. પાંખમાં ઘેર લીલાશવાળા કાળા પટા હોય છે અને છાતીએ કાળો પટો હોય અને પૂંછડી પણ કાળી હોય છે. લાંબી અને ખુબજ મજબૂત સુંદર ચાંચ નારંગી અને પીળા રંગની હોય છે જે છેડેથી થોડી વળેલી હોય છે. ચાંચનો આકાર તેઓના ખોરાક ને કારણે તેમજ સ્વબચાવમાં ઉપયોગી થાય માટે કુદરતે આવો બનાવેલો છે. પાંખના પીંછા ગુલાબી રંગના અદભુત હોય છે જે પ્રસરાવે ત્યારે પૂંછડી ગુલાબી હોય તેવો ભાસ ઉભો થાય જ્યારે તેઓના નાના પીંછા કાળા રંગના હોય છે. પગ આછા ગુલાબી કે લાલાશ ઉપર રતુંમ્બડા હોય છે. તેઓના બચ્ચા પુખ્ત કરતા જુદા તરી આવે છે. છાતીમાં પટો ન હોય અને આછા બદામી રંગના દેખાય. તેઓનું શરીર ઘણું ભરાવદાર હોય છે અને તેઓ બોલી શકતા નથી પરંતુ તેઓની ચાંચના ઉપર અને નીચેના બે ફાડિયા એકબીજા સાથે અથડાવે ત્યારે જે અવાજ થાય તે તેમની બોલી સમજવી.

    પાણીમાં ધીમે ધીમે કાદવને ખૂંદતું, મુશ્કેલીથી ચાલતું અને ખોરાક શોધતું જોવા મળે છે. પાણીના જળાશય, પાણી ભરેલા ખેતરો, મીઠાના અગરો પાસે કે જયાં પાણી ભરાયેલું હોય છે તેવી જગ્યાએ, દરિયાકાંઠાના છીછરા વિસ્તારમાં, નદી, નહેરો અને તળાવ જેવી જગ્યાઓએ કે જયાં આસાનીથી ખોરાક મળી રહે તેવી જગ્યાએ રહેતા હોય છે. પાણીના વિવિધ જીવ જેવાકે દેડકા, નાની માછલી, ગોકળગાય અને વિવિધ પ્રકારના જીવડાં ખાય છે અને ઊંડા પાણીમાં જઈને ખોરાક શોધી લાવે છે. માછલીને જ્યારે ખાવા માટે ચાંચમાં પકડે છે ત્યારે માછલી પોતાનો જીવ બચાવવા માટે ખુબજ ઝાટકા મારે છે પરંતુ તેની મજબૂત ચાંચની રચના તેને ચાંચની પકડમાંથી માછલીને છટકવા નથી દેતી. લગભગ ૨૪ સે.મી લાંબી ચાંચ ૧૮ સે.મી બાદ આશરે ૧૧ ઔંશ ગોળાકારે વળેલી હોય છે અને તે કારણે જ્યારે પીળીચાંચ ઢોંક બગલાની જેમ સ્થિર ઉભેલો હોય ત્યારે ચાંચનો વળાંક ઓછો દેખાય છે. તેઓની ચાંચ એક ઊંડા અભ્યાસનો વિષય બની ગયો છે. ખોરાક માટે સ્થિર ઉભા રહી અથવા ધીરે ધીરે ચાલીને ચાંચને થોડી ખુલ્લી રાખી, ચાંચને પાણીમાં પોતાની બેઉ બાજુ ધીરે ધીરે ફેરવે છે અને સ્પર્શથી નાની માછલી પક્ડાયાની ખબર પડે તેટલે તેને ઝડપી લે છે. તેઓ દિવસમાં બે વખત ૬૦૦ ગ્રામ કરતા વધારે એટલેકે ૮ થી ૯ કરતા વધારે માછલી ખાતા હોય છે. ખોરાક આરોગ્યા પછી બપોરના સમયે ખુબ ઊંચે ગગનવિહાર કરતા મજા લે છે. ઊંચે આકાશમાં ગોળ ગોળ ઉડયા કરતા હોય છે. ઊંચે આકાશના ગરમ હવાના પડની/ થર્મલ  ઉપર પોતાની શક્તિ ઓછી વાપરીને લહેરાય છે. ઉડતા હોય ત્યારે પોતાની લાંબી ગરદન અને ચાંચ ખેંચેલી અને લાંબી રાખે છે અને તે કારણે તેમને ઉડતા હોય ત્યારે ઓળખવામાં સહેલા પડે છે.

    ચોમાસુ તેમની પ્રજનનની ઋતુ હોય છે. તેવા સમયે પાણીમાં તેમને અનુકૂળ વર્ણવેલ ખોરાક આસાનીથી મળી રહે છે. તેઓ પાણીની નજીક વૃક્ષ ઉપર સાંઠીકડા સળીઓથી મોટા અને અનુકૂળ માળા બનાવે છે. તેઓ બીજી જાતના ઢોંક/ બગલાઓના માળાના સમૂહ પાસે પણ માળા બનાવે છે. મેં મહિનાની મધ્યમાં માળા બનાવ્યા હોય તેવા માળા ચોમાસામાં બનાવેલા માળા કરતા વધારે મજબૂત હોય છે. તેઓ મૉટે ભાગે એકજ જગ્યાએ પાંચથી દસના સમૂહમાં સમૂહમાં માળા બનાવે છે. એક ઋતુમાં ૨ થી ૫ ઈંડા મૂકી શકવાની ક્ષમતા ધરાવે છે. ખાસ કરીને ચોમાસુ પૂરું થાય અને ઠંડક શરુ થાય તેટલે ઈંડા મુકાતા હોય છે. તેઓનું આયુષ્ય ૨૦ થી ૩૦ વર્ષનું હોય છે. જે માદા ઋતુમાં શરૂઆતમાં ઈંડા મૂકે છે તેઓના ઈંડાની સંખ્યા વધારે જોવા મળે છે. લગભગ એક મહિના શુધી ઈંડા સેવે છે અને ત્યાર બાદ બે મહિના પછી બચ્ચા ઉડતા થાય છે.

    ભારત, શ્રીલંકા, ચીન, દક્ષિણ પૂર્વ એશિયામાં વસતા જોવા મળે છે. દુઃખદ વાત એ છે કે આ સુંદર પક્ષીની સંખ્યા વિકાસની સાથે ઘટી જઈ રહી છે. ખાસ કરીને જયાં ઢાળવાળા વિસ્તારમાં વરસાદી પાણી જમા થાય છે/ વેટલેન્ડ જેવી જગ્યાઓ ઓછી થતી જાય છે, જળાશયોમાંથી મળતો ખોરાક ઓછો થતો જાય છે અને તેઓનો શિકાર પણ કરવામાં આવે છે. પાણીનું પ્રદુષણ વધવું અને વસવાટ તેમજ માળા બાંધવા માટે વૃક્ષ ઓછા થઇ રહયા છે. તેઓનું જીવન અને વૃદ્ધિ વરસાદ ઉપર નભે છે અને જળવાયું પ્રદુષણના કારણે તેઓના અસ્તિત્વ ઉપર અસર થઇ રહી છે. આવા વિવિધ કારણોસર તેઓની સંખ્યા ભયજનક રીતે ઘટી રહી છે.

    (ફોટોગ્રાફ:શ્રી સેજલ શાહ ડેનિયલ, શ્રી યતીન દેસાઈ, શ્રી દિપક ઠાકોર .)

     

     *આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.*

    *સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*

    *Love – Learn – Conserve*


    લેખક:

    જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
    https://www.facebook.com/jagat.kinkhabwala
    ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
    Mob. No. +91 98250 51214

  • કોઈનો લાડકવાયો – (૧૫) – ભીલોનો વિદ્રોહ

    દીપક ધોળકિયા

    ૧૮૫૭નું રણશિંગું ફુંકાઈ ગયું હતું ત્યારે ઈસ્ટ ઇંડિયા કંપનીને અજાણ્યે ખૂણેથી વિદ્રોહનો સામનો કરવો પડ્યો. સાત હજાર ભીલો નાશિક અને અહમદનગર વચ્ચે એકઠા થયા. પાડોશમાં નિઝામનું રાજ્ય હતું ત્યાંથી કોઈ હુમલો ન થાય તે માટે સરહદે અંગ્રેજી ફોજ ગોઠવાયેલી હતી. મોટાં શહેરો પર ભીલો હુમલા કરી શકે છે એવા સમાચાર પણ હતા એટલે બ્રિટિશ સેના સાવધ હતી. ભીલોને દબાવવાની મુખ્ય જવાબદારી પોલીસ દળની હતી અને એક વખતના વિદ્રોહી કોળીઓ હવે અંગ્રેજોના વફાદાર સિપાઈ બનીને ભીલો સામે ગોઠવાયેલા હતા. આ વખતે ભગોજી નાયકે ભીલોને સંગઠિત કરવાની શરૂઆત કરી. ભગોજી પહેલાં અહમદનગરના પોલીસ ખાતામાં અફસર હતા પણ ૧૮૫૫માં એમને બળવો કરવા અને સરકારી કામમાં દખલ દેવા માટે જેલની સજા કરવામાં આવી હતી પણ જેલમાં સારી વર્તણૂક બદલ એમને છોડી મૂકવામાં આવ્યા હતા. એક વર્ષ સુધી તો એમને પોતાના જામીન આપવા પડ્યા પણ વર્ષ પૂરું થયું ત્યારે કંપની સરકારે ગામડાંઓમાંથી લોકોનાં હથિયારો લઈ લેવાનો હુકમ કરી દીધો હતો.

                             ભગોજી નાયક

    આથી ભગોજીને લાગ્યું કે ગામ છોડી દેવું જોઈએ. એ ત્યાંથી નીકળી ગયા. પણ એમની અસર બહુ સારી હતી એટલે ભીલો એમની વાત માનતા. એમણે તરત પચાસ જણને એકઠા કર્યા અને પૂણે-નાશિક રોડ  પર અડ્ડો જમાવ્યો.

    એક અંગ્રેજ ઑફિસરે પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે ભીલોની સ્ત્રીઓ પણ પુરુષો જેવી જ છે અને અશાંતિ ફેલાવે છે. આ જ સ્ત્રીઓ બળવાખોરોને ખાવાપીવાનો સામાન પહોંચાડે છે, એટલું જ નહીં, પોતે પણ લડવામાં પાછીપાની નથી કરતી. એટલે જ્યાં સુધી ભગોજી અને બીજા નાયકો પકડાય નહીં ત્યાં સુધી સ્ત્રીઓને બાન પકડી લેવી જોઈએ!

    જો કે એમણે એવું તો ન કર્યું પણ ભગોજી સાથે વાતચીત કરવા માટે એક ટુકડી મોકલી.  ભગોજીએ ના પાડી અને કહ્યું એક એમનો બે વર્ષનો ચડત પગાર સરકાર ચૂકવી આપશે તો એ હથિયાર હેઠાં મૂકી દેશે. એટલે હવે પોલીસ ટુકડી મોકલવાનું નક્કી થયું. એ નજીક આવે અને કંઈ કરી શકે તે પહેલાં જ વિદ્રોહીઓએ હુમલો કરી દીધો, કંપનીની ટુકડીનો એક સિપાઈ ત્યાં જ મરણ પામ્યો. ટુક્ડીના સરદાર લેફ્ટેનંટ હેનરીને પણ તીર વાગ્યું અને  એ ઘાયલ થઈ ગયો. તેમ છતાં એ આગળ વધ્યો. ત્યાં તો એક તીર એને છાતીમાં વાગ્યું અને ઢળી પડ્યો. હવી લેફ્ટેનન્ટ થૅચરે ટુકડીનું સુકાન સંભાળી લીધું. એના હુમલા સામે ભીલોના પગ ઊખડી ગયા.

    પણ ભીલોને હારતા જોઈને આખી ભીલ કોમ ઊકળી ઊઠી. એ વખતે પાથરજી નાયકે એકસો  ભીલોને એકઠા કર્યા. જો કે એક હિન્દી ડેપ્યુટી કલેક્ટરના સમજાવવાથી એ ભીલો શરને આવી ગયા.

    આ બાજુ ભગોજીએ લડાઈ ચાલુ રાખી. પણ અંગ્રેજોએ કોળીઓની મદદથી એમનો સામનો કર્યો. ૧૮૫૯ સુધી ભીલો હુમલા કરતા રહ્યા.  ૧૮મી ઑક્ટોબરે કોળીઓના વળતા જવાબમાં ભગોજીના દીકરા યશવંત અને બીજા એક ભીલ નેતા હરજી નાયક માર્યા ગયા. તે પછી પણ ભગોજીએ ૨૬મી ઑક્ટોબરે કોપરગાંવના કોઢાલા ગામને લૂંટી લીધું. અંતે ૧૧મી નવેંબરે ભગોજીના ભીલો અને સરકારી ટુકડી વચ્ચે હાથોહાથની લડાઈ થઈ. એમાં ભગોજી અને એમના કેટલાયે સાથીઓનાં મોત થયાં. આમ બળવાનો અંત આવ્યો.

    0x0x0

    ૧૭૫૭થી માંડીને ૧૯૪૫ સુધી આદિવાસીઓ અને સામાન્ય માણસોએ સાઠ જેટલા  બળવા કર્યા, બધા વિશે લખી શકાય એવી આધારભૂત માહિતી પણ નથી મળતી. એટલે આપણે આવતા અંકમાં આદિવાસીઓના સૌથી પ્રખ્યાત નેતા બિરસા મુંડાએ ૧૮૯૯માં કરેલા વિદ્રોહની નોંધ લઈશું અને તે પછી ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામના બહાદુરોને યાદ કરીશું.

    0x0x0

    દીપક ધોળકિયા

    વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

    બ્લૉગ સરનામું: મારી બારી

  • મકાન હડપીને મકાનમાલિકને ઘૂસણખોર જાહેર કરવાની રમત એટલે…

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    માનવ સભ્ય અને સુસંસ્કૃત બનવા લાગ્યો ત્યારથી અન્યોનું હડપ કરી લેવાની તેની વૃત્તિ સતત વધતી જ રહી છે. દરેક યુગમાં તે નવી નવી સીમાઓ આંબતી આવી છે. માનવ તો ઠીક, પશુ, પક્ષી અને પ્રકૃતિને પણ તે હડપ કરતો આવ્યો છે. આ હકીકત અલગ અલગ સમયે જુદી જુદી રીતે નજર સામે આવે છે.

    ડિસેમ્બર, ૨૦૨૨ના મધ્યમાં કર્ણાટકની સરકાર દ્વારા હાથીઓ દ્વારા કરવામાં આવતા નુકસાન સંદર્ભે અપાતા વળતરની રકમમાં વધારો કરવામાં આવ્યો. એ મુજબ, હાથીના હુમલાથી કોઈ માનવનું મૃત્યુ થાય તો તેના પરિવારને પંદર લાખ આપવામાં આવશે. અગાઉ આ રકમ સાડા સાત લાખની હતી. હજી બે વર્ષ અગાઉ, આ રકમ પાંચ લાખ હતી, જેને વધારીને સાડા સાત લાખ કરવામાં આવી હતી. હાથીના હુમલાથી કાયમી પંગુતા આવે એવી વ્યક્તિને અપાનારા વળતરની રકમ પાંચ લાખ હતી, જેને વધારીને દસ લાખ કરવામાં આવી છે. અંશત: પંગુતાના કિસ્સામાં અઢી લાખને બદલે પાંચ લાખ તેમજ અન્ય ઈજાઓ પેટે ત્રીસ હજાર અપાતા હતા એને બદલે પચાસ હજાર કરાયા છે. માલમિલકતને થતા નુકસાન પેટે અપાતું વળતર ત્રીસ હજારથી વધારીને સાઠ હજાર કરવામાં આવ્યું છે. આમ, લગભગ દરેક કિસ્સામાં વળતરની રકમ બમણી કરવામાં આવી છે.

    વળતર પેટે મળનારી રકમમાં વધારો કરવામાં આવે અને એ પણ બમણો ત્યારે આનંદ થાય એ સ્વાભાવિક છે. તેની પાછળનું કારણ સમજવા માટે આ સમસ્યાને ઓળખવી જરૂરી છે.

    વાસ્તવિકતા એ છે કે કર્ણાટકમાં વનવિસ્તાર દિનપ્રતિદિન સંકોચાઈ રહ્યો છે, જેની સીધી અસર વિવિધ પ્રાણીઓના આવાસ અને ભ્રમણમાર્ગ પર થાય છે. હાથીઓ વારંવાર માનવવસતિમાં ઘૂસી આવવાના કિસ્સાનું પ્રમાણ વધી રહ્યું છે, અને તેનું અસલ કારણ છે હાથીઓના વિસ્તારમાં માનવો દ્વારા કરાતું અતિક્રમણ.

    ઘણા વખત સુધી માનવવસવાટ વનની બહારની તરફ હતો, પણ છેલ્લા બે દાયકામાં અનેક કારણોસર છેક વનના મુખ્ય વિસ્તાર સુધી માનવવસવાટ થવા લાગ્યો છે. ખેડૂતો દ્વારા અતિક્રમણ, પ્રવાસીઓ માટે વૈભવી આવાસનું નિર્માણ, બંધ તેમજ અન્ય પ્રકલ્પોનું બાંધકામ જેવી અનેક બાબતોએ વનઓ વિસ્તાર ઘટવા લાગ્યો છે. સાથોસાથ વિવિધ વન્ય પશુઓના સંવર્ધનના સતત થઈ રહેલા પ્રયાસોના પરિણામરૂપે વાઘ, હાથી જેવાં પશુઓની સંખ્યામાં વધારો થયો છે.

    કર્ણાટકમાં આશરે છ હજાર હાથીઓ છે, જે મુખ્યત્વે ચામરાજનગર, કોડાગુ, હસન અને ચિકમગલૂરુના વિસ્તારમાં છે. હાથીઓની આટલી વિશાળ સંખ્યા સાથે આ વિસ્તારની જૈવપ્રણાલિ તેમજ પર્યાવરણ તાલ મિલાવી શકે એમ નથી. બીજું એક અગત્યનું કારણ છે આડેધડ કરાતું વનીકરણ. વૈવિધ્યસભર વૃક્ષોને બદલે ‘મોનોકલ્ચર’ તરીકે ઓળખાતી એકવિધ વૃક્ષોની રોપણી કરવામાં આવે છે. નીલગીરી અને સાગનાં જ વૃક્ષો રોપવામાં આવતાં હોવાથીત તેની સીધી અસર પશુઓના આહાર પર થાય છે. આને કારણે હાથીઓ ખેતર તરફ દોરાઈ આવે છે. ફણસ અને રાગી જેવા ખોરાકની તેમને આદત પડી રહી છે.

    આવા સંજોગોમાં અસરગ્રસ્તોને અપાતા વળતરમાં રાજ્ય સરકારે વધારો કર્યો એ પ્રશંસનીય પગલું છે, પણ સમસ્યાનો એ નથી ઊકેલ કે ઊકેલ તરફ દોરી જતો માર્ગ. આ સમસ્યાને ઊકેલવા માટે તેના મૂળ સુધી જવું પડે. એનો અર્થ એ કે વનનો વિસ્તાર વધારવો પડે, વિકાસની યોજનાઓને નિયંત્રણમાં રાખવી પડે અને વન પર થતા અતિક્રમણને નાથવું પડે. એમ કરવા માટે સૌ પ્રથમ તો વનમાં માનવપ્રવેશ થઈ રહ્યો છે એ પ્રવેશ નહીં, પણ અતિક્રમણ છે એ સમજવું અને સ્વીકારવું પડે.

    એક વાર એ થાય તો પછી પશુઓના નૈસર્ગિક આવાસ, આહાર અને પાણીને સુનિશ્ચિત કરવા માટેનું આયોજન વિચારવું પડે. રાજ્ય સરકાર આ બાબતે કેટલી ગંભીર છે એ ખ્યાલ નથી. કાગળ પર કદાચ આ માટેનું આયોજન થાય તો પણ તેનો સુયોગ્ય અમલ થાય એ જરૂરી છે. માનવ અને પશુની અથડામણ ત્યારે જ ઘટશે જો પશુઓને પૂરતો વિસ્તાર મળી રહેશે. વિકાસ પાછળની આંધળી દોટ જોતાં આમ થાય એ શક્ય લાગતું નથી.

    આ મુદ્દો કર્ણાટકને એકલાને જ લાગુ પડે છે એમ માનવાની જરૂર નથી. વન્ય પશુઓની નોંધપાત્ર વસતિ ધરાવતા દરેક રાજ્યમાં આ સમસ્યા છે. માનવ અને પશુ વચ્ચેની અથડામણના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. હજી એ વધતા રહેશે એમ જણાઈ રહ્યું છે, કેમ કે, એક વાર શરૂ થયેલો વિકાસ અટકી શકતો નથી. આ તો વન્ય પશુઓની વાત છે, જેમાં અથડામણને કારણે એટલો ખ્યાલ તો આવે છે કે પશુઓ અસરગ્રસ્ત થઈ રહ્યાં છે. કેટલીય વનસ્પતિઓ, કીટકો, જળચરો અસરગ્રસ્ત થતાં હશે, પણ તેની જાણ આ રીતે, સીધેસીધી થતી નથી. એની જાણ થાય ત્યારે એટલું મોડું થઈ જાય છે કે તેના વિપરીત પરિણામને ભોગવ્યા સિવાય કોઈ ઊપાય રહેતો નથી.

    આશ્વાસન લેવું હોય તો એટલું લઈ શકાય કે કેવળ કર્ણાટકમાં કે ભારત પૂરતી જ આ સમસ્યા મર્યાદિત નથી. વિકાસ પાછળ દોડી રહેલા તમામ દેશોમાં આ સમસ્યા એક યા બીજા સ્વરૂપે મોજૂદ છે અને દિન બ દિન વકરતી જવાની છે.

    આ કેવળ સરકારની જવાબદારી નથી. એક નાગરિક તરીકે સરકારનું ધ્યાન દોરવાની આપણી પણ ફરજ બને છે. સિવાય કે આપણો નાગરિકધર્મ ધર્મના નામે સરકારપ્રેરિત રાજકારણમાં રમવા પૂરતો મર્યાદિત થઈ ગયો હોય!


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૫ – ૦૧ – ૨૦૨૩ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • ‘બારીબહાર’ – પ્રહલાદ પારેખની વિરલ કાવ્યયાત્રા

    અમૃતાનુભવની ઉજાણી

    પુસ્તકોની યાત્રા ડૉ. દર્શનાબેન ધોળકિયા માટે ‘અમૃતાનુભવની ઉજાણી’ની અનુભૂતિ રહી છે.
    તેમનું સંન્નિષ્ઠપણે માનવું રહ્યું છે કે પુસ્તકોનો પારસ સ્પર્શ મનુષ્યમાં રહેલી નકારાત્મક વૃતિઓને હકારાત્મ્ક વિચારસરણી તરફ જતી શુદ્ધતા બક્ષે છે. દેવી સરસ્વતીની પાર્થનામાં પણ આપણામાંના જાડ્ય – મનમાં પડી રહેલી નિષ્ક્રિય ઉર્જાને કારણે પેદા થતી, અનુમાન ન કરી શકાય એવી, યાર્દચ્છિક મનોદશા-ને નિર્મૂળ કરવાની ભાવના જ રહેલી છે.
    હવેથી દર મહિનાના બીજા બુધવારે પ્રકાશિત થનારી આ લેખમાળામાં દેશવિદેશની પ્રશિષ્ટ સાહિત્ય કૃતિઓનો અસ્વાદ કરાવવાનો ઉપ્રકમ પ્રયોજેલ છે. કેવા કેવા સર્જકોએ જીવનને કેવા કેવા આયામોથી નીરીક્ષ્યું છે, એ નીરીક્ષણોમાંથી જીવતરને અજવાળતાં કેવાં કેવાં જીવન દર્શન પ્રગટતાં રહ્યાં છે, તે અંગે લેખિકાને એ કૃતિઓ વાંચતાં થયેલું વિસ્મય અને કૃતજ્ઞતા વહેંચવાનો આ પ્રયાસ છે.
    ‘ક્ચ્છમિત્ર’માં છેલ્લાં એક વર્ષથી ‘વાચનથાળ’ શીર્ષક હેઠળ પ્રકાશિત થઈ રહેલ આ લેખમાળા વેબ ગુર્જરી સાથે વહેંચવાનું પ્રસ્તુત આયોજન શક્ય બનાવવા માટે ડો. દર્શનાબેન ધોળકિયાનાં આપણે આભારી છીએ
    .

    સંપાદક મંડળ, વેબ ગુર્જરી


    ‘બારીબહાર’ – પ્રહલાદ પારેખની વિરલ કાવ્યયાત્રા

    દર્શના ધોળકિયા

    ‘બારીબહાર’ની પ્રસ્તાવનાના આરંભે ઉમાશંકરે નોંધ્યું તેમ, ‘૩૧’ થી ૪૦ના દશકાને કવિતાને માટે સર તો કરી લીધો મનસુખલાલ, ઈન્દુલાલ, સુંદરજી બેટાઈ, શ્રીધરાણી, સુન્દરમ્ (ઉમાશંકર પોતેય ખરા જ)… વગેરેએ… પણ એ સમયમાં નવકવિઓએ ડહોળી નાખેલા વાતાવરણમાં આવવાનું સદભાગ્ય કહો કે દુર્ભાગ્ય, કવિઓના બીજા એક નવતર સમુદાયને મળ્યું, જેમાં હરિશ્ચંદ્ર, પ્રબોધ, પારાશર્ય વગેરેની… લગોલગ રહ્યા પ્રહલાદ.

    માનવહૃદયની ગૂઢ ઉત્સુકતા, તીવ્ર વેદના, નિસ્તલ નિરાશા અને અમોઘ મુદિતા કવિ સહેજમાં શબ્દસ્થ કરી શકે છે. તેમની કવિતામાં ‘નીતરાં પાણી’’નો ગુણ છે, અને તે પોતે ડહોળાણના વાતાવરણમાં ઉછર્યા હોવા છતાં.”

    પ્રહલાદની કવિતા મુખ્યતઃ પ્રકૃતિ, પ્રણય, માનવજીવન ને આ સઘળામાં જ વ્યાપ્ત એવા સૂક્ષ્મ ને વિરાટ વિભુને કેન્દ્રમાં રાખીને રચાઈ છે. વિશ્વમાં આસપાસ ને ચોપાસમાં વરતાતી અસંબધ્ધતાને પૂરેપૂરી પ્રમાણવા છતાં આ સઘળાને અતિક્રમીને પ્રહલાદ પ્રસન્નતાના ઉપાસક, ચાહક કવિ રહ્યા છે ને એ અર્થમાં તેમની કવિતા આસ્તિકતાનું અનાયાસ સ્થાપન કરે છે. પ્રેમ, પ્રકૃતિ, જીવનપ્રીતિ, ને આ સઘળામાંથી નીપજી આવતી કવિની આંતરશ્રી કવિનાં લગભગ એકેએક કાવ્યમાં એવી રીતે ભળી-ઓગળી જાય છે કે તેમની કોઈ પણ કૃતિને કોઈ ચોક્કસ ભાવ-ખંડમાં જોવી મુશ્કેલ બને છે.

    પ્રહલાદ મૂળે સૌંદર્યલુબ્ધ કવિ છે. આ સૌંદર્યને એમણે માત્ર બાહ્ય જગતમાં જ સાકાર કર્યું નથી, તેમના આંતરજગતમાં વહેતાં સૌંદર્યોનાં ઝરણાંએ સહજ ઢંગથી બાહ્ય સૌંદર્ય પ્રતિ તેમને પર્યુત્સુક બલકે તેના ઉપાસક બનાવ્યા જણાય છે. આરંભે જ તેમણે વર્ષોની બંધ બારીને ઉઘાડી છે કોઈ અદીઠ આંતપ્રેરણાથી, અંદરના કોઈ ધક્કાથી ને એ ક્ષણથી જ બહારનું જગત તેમના અંદરના જગતને આલિંગી બેઠું છે :

    ‘વર્ષોની બંધ બારીને આજે જ્યારે ઉઘાડતો,
    ‘આવ‘, આવ’, દિશાઓથી સૂર એ કર્ણ આવતો.

    (‘બારી બહાર’)

    ને ઉઘડેલી બારીમાંથી કેટકેટલું કવિની ભીતર ધસી આવ્યું ! સિંધુનાં મોજાં ચૂમીને આવતો વાયુ, સૂર્યનાં કિરણ, પક્ષીઓનાં ગીતો, અરે, પથ પરની ધૂળ, ખેતરે ઊભેલાં ડૂંડાં, વાટે જતું બાળક, લજ્જાશીલ યુવતી, સંન્યાસી, અમૃતમય તારકપ્યાલીઓને લઈને આવેલી રાત્રિ – ને આ સઘળાંને આંખમાં ભરીને, તૃપ્ત થતાં, કવિ તૃપ્તિથી મીચેલાં નયને અંદર પણ આ સૌનો સાદ સાંભળીને ‘ના બારી, ના ઘર મહી રહું જાઉં એ સર્વ સાથ’ એવો નિર્ણય કરીને જીવતરનું અખંડ દર્શન કરવા નીકળી પડે છે.

    બારી ને ઘરની બહાર નીકળી પડેલા કવિને વિરાટ વિભુના રૂપ સરખું પથરાયેલું સૌંદર્ય ક્યાં ક્યાં, કેવી કેવી જગાએ સાંપડતું રહ્યું છે તેનાં અનેક ચિત્રો આપણને મળે છે. પ્રહલાદે પ્રકૃતિમાંય રાત, તારા ને અંધારાંને સૌથી વિશેષ ચાહ્યાં છે. અંધારાને કવિ માત્ર દર્શનેન્દ્રિયથી જ નહીં, ઘ્રાણેન્દ્રિયથીય આરાધે છે :

    ‘આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો,
    આજ સૌરભભરી રાત સારી;
    આજ આ શાલની મંજરી ઝરી ઝરી,
    પમરતી પાથરી દે પથારી.

    (‘આજ’)

    કવિએ બહારના અંધકારને બંધ આંખમાં આવકારીને કોઈ અદીઠ, અનામનું અહીં આહ્વાન કર્યું છે. ને એ અનામ તત્ત્વની કંઈક ઝાંખી પામ્યાનો અણસાર પણ કવિની પ્રસન્નતામાં ભાળી શકાય છે :

    ચિત્ત જે નિત્ય આનંદને કલ્પતું તે થઈ આવિયો સૂભિ પૂર ?’

    ગાંધીયુગમાં વસતા શ્વસતા રહીને પણ કવિએ સીધી રીતે ગાંધીમૂલ્યો ઝીલ્યાં નથી એ ખરું પણ એમની કવિ તરીકેની ચેતના ને સંવેદનાએ કરીને એમણે કેટલાક નગણ્ય, અસ્પૃશ્ય, સામાન્ય રીતે પસંદ ન પડે તેવા વિષયોને બાથમાં લીધા છે બારી બહાર’ માં આવાં દૃષ્ટાંતો ઠેર ઠેર મળે છે.

    આજ અમે અંધારું શણગાર્યું,
    હે જી અમે શ્યામલને સોહાવ્યું.
    થાયે છે રોજ રોજ પૂજા સૂરજની ને ચાંદાય વ્રત થાતાં:
    આનંદઘેલાં હૈયે અમારાં આજ અંધારાને ય અપનાવ્યું !

    (અમે અંધારું શણગાર્યું)

    જોવાનું એ છે કે નકારાત્મક સંદર્ભ ધરાવતા તત્ત્વને આશ્લેષમાં લેતા કવિની મદદે પ્રકૃતિ પણ દોડી આવી છેઃ

    ‘ગગને રૂપાળું કર્યું તારા મઢીને એને, ધરતીએ મેલીને દીવા;

    આ સૌ સાથે મળીને અંધારાને શણગારે છે તેથી ‘અમે’ સર્વનામ કેવું તો સાર્થક ઠરે છે !

    તો ઘાસને તો કવિએ પોતે ઘાસ થઈને આરાધ્યું છે : પ્રકૃતિના આ લઘુતમ રૂપની વિરાટતા પ્રહલાદની આંખે ભક્તની આરત ને ભક્તિથી ઝીલી છે

    જ્યાં સુધી પહોંચે નજર,
    ત્યાં સુધી બસ, ઘાસનો વિસ્તાર છે;
    ને પછી આકાશ કેરી
    નીલરંગી ક્ષિતિજ કેરી ધાર છે.

    (ઘાસ અને હું’)

    ઘાસ સાથે કવિનો આદિમ નાતો છે. દિવસના દરેક પ્રહરમાં કવિ ઘાસનાં દર્શન કરે છે.

    જોઉં છું વહેલી સવારે એમને,
    ને ખુશીથી મહેક મહેકે છે મને.
    ને બપોરે હેમ શા તડકા તણું
     ને હરિત એવા ઘાસનું થાયે મિલનઃ
    સાંજ વેળા તેજ, છાયા, ઘાસ સૌ
    સાથે મળીને ખેલતાં :

    આ સઘળું જોઈને રોમાંચિત થતા થતાં, છેવટે કવિ પોતાનું ઘાસમાં રૂપાંતરણ અનુભવે છે :

    પુલકને એ જોઈને લાગે મને
    કે ઘાસ જુદે રંગ, મારે અંગ
    નાનું રૂપ લઈ વ્યાપી રહ્યું !

    (‘ઘાસ અને હું”)

    સુરેશ જોષી આ ક્ષણે કવિની તદરૂપતાથી રસાઈને એ પુલકિતતાનો ચેપ અનુભવતાં નોંધે છે : ‘અહીં આ તકૂપતાની તૃપ્તિના થેઇથેઇકારની થાપ બીજી પંક્તિમાંના ‘રંગ’ અને ‘અંગ’ના મૃદંગઘોષમાં સંભાળશે.’

    એક બાજુ પ્રકૃતિનાં આવાં ભાગ્યે જ નજરમાં વસે તેવાં તત્ત્વો તો બીજી બાજુ ઠેર ઠેર વેરાયેલું પ્રકૃતિનું ભરપૂર સૌંદર્ય ખોબે ખોબા ભરીને પ્રહ્લાદે લૂંટ્યું-લૂંટાવ્યું છે. ક્યાંક એનું ભવ્ય રૂપ વિસ્મિત થઈને કવિ નિહાળે છે :

    અસીમ અવકાશ માંહી નીરખું મહાકાળને,
    વિરાટ અવધૂતને, પરમ એ અનાસકતને;
    અનંત મહીં ઊડતો ઉપરણો રહે વાયુનો,
    અને કદીક મેઘ-શંખ ધરી હાથ એ ફૂંકતો.

    (‘અવધૂત’)

    ‘અવધૂત’ કાવ્યનો પૃથ્વી છંદ મહાકાળના ભવ્ય-રુદ્ર રૂપને લયઘોષની મદદથી કેવું તો સાક્ષાત્ કરે છે ! તો વર્ષાનું થનગનતું ચિત્ર લાસ્યને પ્રગટાવે છે :

    વર્ષાની ધારના કોણે આકાશથી

    અવિનને ઉર આ તાર સાંધિયા ?
    અંગુલી વીજની કોણે આ ફેરવી
    શુષ્કતા વિદારતાં ગીત છેડિયાં ?

    (‘વર્ષા’)

    તો પ્રકૃતિનાં રમ્ય રૂપમાં પ્રહલાદની કોમળ પદાવલી ભળતાં સહદય પણ કવિની અનુભૂતિમાં રસાય છે. પ્રકૃતિનાં નાજુક તત્ત્વોને ભારે લાઘવ ને માર્દવથી કવિ લાડ લડાવે છે :

    ‘અહીં પડેલાં મુજ ઓશરીમાં,
    નિહાળતો ચાંદરણાં રહું હું’..

    કેવાં છે આ ચાંદરણાં ?

    પ્રકાશનાં પુષ્પ ભરી લઈને
    છાબે, હશે કોઈ ગઈ અહીંથી
    પડી ગયાં એ મહીંથી હશે આ
    સહુ તેજપુષ્પો ?”

    (‘ચાંદરણાં’)

    ચાંદરણાને પકડતી કવિની દર્શનેન્દ્રિયની ચપળતામાં તો જૂઈ પણ ઝિલાઈ ગઈ છે :

    ‘સાગરની ચાદર ઓઢીને સૂરજ જ્યારે પોઢી જાય,
    ભટૂરિયાં શા તારલિયા લઇ ચંદા આભે રમવા જાય,
    ખીલે છે જૂઈ ત્યારે :
    તેને ગમતું અંધારે.

    (‘જૂઈ’)

    ચિત્રો રમતાં મૂકવા એ પ્રહ્લાદની કવિતાનું પ્રધાન લક્ષણ છે. કેવાં કેવાં ચિત્રો અહીં રમતાં મૂકાયું છે !

    ‘સૂતેલ ટૂંટિયું વળી, ક્ષિતિજ ઉપરે વાદળાં” (‘સૂર્યોદય’)
    સમીર કેરી લ્હેરે જ્યારે ફૂલો ધીમાં ઝોલાં ખાય’, (‘જુઈ‘)
    સુધા ભરી તારક પ્યાલીઓને
    આકાશથાળે લઈ રાત આવે;

    (‘બારી બહાર’)

    ચિત્રોને ઝડપવા પ્રહ્લાદે અહીં આંખની મદદ લીધી છે ને ક્યાંક આંખ મદદરૂપ ન બને ત્યારે કાનને કામમાં લઈ લીધા છે:

    ‘નૈન તણાં મુજ તેજ બુઝાણાં, જોઉં ના તારી કાય;
    ધીમા ધીમા સૂર થતા જે પડતાં તારા પાય,
    સુણીને સૂર એ તારા,
    માંડું છું પાય હું મારા‘ (અંધ‘)
    ‘વસ્ત્ર તણો ફફડાટ સુછું હું એટલો રેજે પાસ‘ (‘અંધ‘)
    ‘એક લંગોટી એક ભંભોટી, હાથમાં છે એકતારો’

    (‘અવધૂતનું ગાન’)

    પ્રણયની સરળતાથી તેની ગહનતમ અનુભૂતિની પ્રાપ્તિ પ્રહ્લાદનાં પ્રણયકાવ્યોમાં રીતસરની એક વિકાસયાત્રા તરીકે આલેખાય છે.

    અનુભૂતિની સૂક્ષ્મતાને કવિ ઉત્તરોત્તર સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમરૂપે ચેતનામાં ઉતારવામાં સફળ રહ્યા છે.

    ‘શબ્દની હોડલી કોઈ જ્યારે નથી
    લઈ જવા ભાવનો ભારો મારો

    (‘વાંછા’)

    એવું અનુભવ્યા પછી હૃદયને અશ્રુ વડે નીતારવામાં જ કવિ કૃતાર્થ થાય છે. મનમાં રહેલું એવું કેટલુંય છે જેની અભિવ્યક્તિ અશક્ય છેઃ
    આવે ત્યારે દઈ નવ શકું અંતરે જે ભર્યું તે
    જાયે ત્યારે સહી નવ શકું અંતરે જે રહ્યું તે.

    (‘માગણી’)

    જીવનની કોઈ પણ ધન્ય પળે પ્રિય પાત્રની ઉપસ્થિતિ હોવાને કવિ સદ્ભાગ્ય ગણે છે. જો એવું બની શકે તો ! મનના આવા આછા ભાવોની લકીર કેવી અદબથી કંડારાઈ છે !

    કદી સંધ્યા ટાણે,
    કદી વા કો વા’ણે
    થતું હૈયે એવું, નીરખી નભશોભા પ્રસરતી;
    હતે તું સંગાથે !

    (‘હતે તું સંગાથે’)

    ને એ સંગાથ મળ્યો ત્યારેય ક્યાં કશું વ્યક્ત થઈ શક્યું ?

    ઉરે હતી વાત હજાર કેવા,
    કિન્તુ નહીં ઓષ્ઠ જરીય ઊઘડ્યા;

    (‘અબોલડા’)

    આ મૌનમાં જ પ્રેમની સચ્ચાઈ પ્રતિબિંબિત થઈને ઝળહળી ઉઠે છે. પ્રહલાદ આ પ્રણયકાવ્યનો જાદુ તો જુઓ ! કાવ્યનું શીર્ષક વાતો’ ને મહિમા મૌનનો! પ્રિયા ને પ્રિયતમની ગુજગોષ્ઠિ ચાલી રહી છે એ ક્ષણોની અધવચ્ચે પ્રિયતમ પ્રિયાને રોકતાં (ને ટોકતાં પણ) કહે છે :

    ‘હજુ ધીમે ધીમે, પ્રિય સખી ! તહીં ઝાડ ઉપરે
    સૂતેલા પંખીને કથની જરી જો કાન પડશે

    (‘વાતો’)

    બસ, તો થઈ રહ્યું ! પક્ષી પોતાનાં ગીત દ્વારા વાત વહેતી કરી દેશે. વાત અહીં પૂરી થતી નથી. સૉનેટનું બીજું ચરણ ‘હજુ ધીમે’થી આરંભાય છે. ફૂલની કળી પાંદડા પાછળ છુપાઈને બેઠી છે, એ કહેશે વાયુને, ને વાયુ તો ચારે બાજુ લાવી દેશે આપણી પ્રણયકથાને ! તારા, ઝાકળ, અરે જગત આખું તારા શબ્દોમાંથી ઝરતા પ્રણયરસને ઝીલવા આતુર બેઠું છે. ને છેવટે ?

    ‘પછી તો ના વાતો, પ્રિય અધર જે કંપ ઊઠતો,
    ધ્વનિ તેનો આવી મુજ હૃદયમાં શમી જતો.

    (‘વાતો’)

    શું પ્રકૃતિકાવ્યોમાં કે શું પ્રણયકાવ્યોમાં કવિને મન જેટલું બારીની બહારની સૃષ્ટિનું મહત્ત્વ છે તેટલું જ ભીતરી સૃષ્ટિનુંય છે.

    આથી જ બારી ને ઘર છોડીને જવા છતાં કવિ પાછા વળે છે તો ભીતરની કુટિરે :

    ફરીને કુટિર દ્વારો વાસિયાં, રાખી દુનિયા બહાર;
    પછી રે બેઉ હૈયાં ખોલિયાં જેમાં દુનિયા હજાર.’

    (‘મારા રે હૈયાને તેનું પારખું’)

    પ્રણયમાં, આવી પરિતૃપ્તિ પણ કવિએ અનુભવી છે ને છતાંય ક્યાંય પુરુષ સહજ અધિકારભાવનો અંશ તો ઠીક, પુરુષ તો શું માનવીમાત્રમાં વિરલ એવો સન્યાસભાવ કવિના અનન્ય પ્રણયકાવ્ય ‘વિદાય’માં અભિવ્યક્ત થયો છે જેમાં પ્રણયની ઉદાત્તતાનું અંતિમ આરોહણ છે. ‘કદી નહીં કહું મને જ સ્મરણે સદા રાખજે’ એવું ભારોભાર દઢતાપૂર્વક કહેતા કવિમાં કટુતાનો અંશ માત્ર નથી. બંનેએ એક સમયે કરેલા પ્રણયની કથા ભારે લાઘવપૂર્વક કહેવાઈ છે, જેમાં સુખ-દુ:ખ બંનેની ગાથા છે :

    ‘પરસ્પર કરી કથા ૨જની ને દિનો ગાળિયાં,
    અનેક જગતો રચી સ્વપ્નમાં, વળી ભાંગિયાં
    અને કઠોર થઈને કદીક તુજ આંસુ જોયા કર્યાં;
      ને બીજી બાજુ:
    કદીક તુજ ગોદ શીશ ધરી હીબકાં મેં ભર્યાં

    (‘વિદાય’)

    આટલી સંવાદપૂર્ણ જિંદગી પછી પણ કવિ પ્રિયાને કોઈ બંધનમાં રાખવા માગતા નથી. પોતે ગાળ્યા છે એવા દિવસો ને રાત્રિઓથીય વધુ ઉત્તમ ક્ષણ પ્રિયાને મળે એવું કવિ ઇચ્છે છે. એ પ્રિયાને, પોતાને ભૂલી જવા વિનવે છે તે છેવટે અંતિમ વિનવણી કરતાં કહે છે :

    છતાંય સ્મરણે ચડી વિપળ એક જો હું લઉં,
    ઉદાર તવ ઉરની પ્રથમથી ક્ષમા તો ચહું.”

    (“વિદાય’)

    ‘આ કાવ્યમાં નાયકે પોતાને સ્મરણો આવશે (કહો કે સતાવશે) કે નહિ તે વિશે સેવેલું મૌન અને પ્રેમપાત્રને સ્મરણોથી અવસ્વથતા થવાની શક્યતા વિશે બતાવેલી ચિંતા’, ઉમાશંકરને બહુ જ સંયમશીલ અને પૌરુષવાળાં લાગ્યાં છે તો સાથોસાથ જે કંઈ બન્યું છે એનું કોઈ જ ઉત્તરદાયિત્વ આવા વિવેકી નાયકનું ન જ હોઈ શકે એવું તેમ જ સામાન્ય રીતે પ્રેમસંબંધમાં ઊણા ઉતરવાનું પુરુષને ભાગે આવે તેવું હંમેશાં ન જ બને એવી એક શક્યતા પણ અહીં ગર્ભિત રીતે, કવિને કદાચ અભિપ્રેત ન પણ હોય તોય અનાયાસ સૂચવાઈ છે.

    સર્વાશ્લેષી બની જીવવા માગતા આ કવિને વ્યવહારની મિલન ગલીઓ જોઈને અકળામણ અનુભવાઈ છે ને થોડીક ક્ષણો તારા કે ફૂલ સાથે જીવવાનું તેમને મન થઈ જાય છે પણ કવિના પગ ધરતી પર જ રહ્યા છે અને એટલે જ સ્તો આસપાસના વાસ્તવને સ્વીકારીને કવિ પાછા વળે છે:

    રૂડું એથી અહી રહું માનવીની સાથમાં
    કદી વળી સમજશે એ જ મારી વાતમાં
    માનવીની સાથે રે’વું, સે’વું, એમ લ્હાણું છે.’

    (‘લ્હાણું’)

    પ્રકૃતિના અંધકારને ચાહતા આ કવિ પોતામાં પડેલા અંધારાને પૂરી સમજ ને તાટસ્થ્યથી પારખી શક્યા છે ને તેથી જ પ્રાર્થી રહ્યા છે :

    એક દિવસ તો આવ પ્રભાત !!
    એક દિવસ તો ખૂટે રાત !”

    (‘એક દિવસ તો આવ પ્રભાત !’)

    આવનારું પ્રભાત, જાગનારો આતમરામ આવી ચડે એવાં નસીબ હોય તો હોય પણ ઓછામાં ઓછું એનું અસ્તિત્વ આસપાસ અનુભવાય તોય ભયોભયો :

    ‘પાય તણો એ સૂર સુણું, ને આવે ફૂલ સુવાસ,
    વસ્ત્ર તણો ફફડાટ સુણું હુંએટલો રેજે પાસ. (અંધ)

    આસપાસ, ચોપાસ પ્રસરેલા દંભને કવિએ ઝીણી નજરથી પારખ્યો છે ને પડકાર્યોય છે, પણ આ પડકારમાંય વ્યંગની ધાર નથી પણ ખેદજનક વિસ્મય છે. ‘બનાવટી ફૂલોને’ કાવ્ય આનું ઉત્તમ દૃષ્ટાંત છે. બહુ જ માર્દવથી કવિ બનાવટી ફૂલોને પ્રારંભે તો પ્રશંસે છે :

    તમારે રંગો છે, આકારો છે, અંબોડામાં, ઘરમાં તમે શોભો છો વગેરે. પણ મોટો ‘પરંતુ’ આડો આવીને ઊભે છે આમ:

    ‘પરંતુ જાણ્યું છે,
    કદી વા માણ્યું છે,
    શશીનુ, ભાનુનું, ક્ષિતિજ પરથી ભવ્ય ઉગવું?’

    ને અંતે માર્મિક પ્રશ્ન છે:

    ન જાણો નિંદુ છું
    પરંતુ પૂછું છું:
    તમારા હૈયાના ગહન મહીંયે આવું વસતું :
    દિનાન્તે આજે તો સકલ નિજ આપી ઝરી જવું ?’

    (‘બનાવટી ફૂલોને’)

    જેના પર રવીન્દ્રનાથની અસર સૌને વરતાઈ છે એવાં રહસ્યવાદી કાવ્યો પણ ઠીક ઠીક પ્રમાણમાં કવિ પાસેથી સાંપડ્યાં છે : ઘેરૈયા’માં પ્રકૃતિતત્ત્વના વિનિયોગની લગોલગ રહસ્યનો ભાવ પણ છે :

    અમે ઘેરૈયા સૌ બહુ બહુ ઘૂમી શોધ કરતા :
    કહી ઘેરૈયો એ ? કદી છૂપવિયો રંગનિધિ આ ?”

    (‘ઘેરૈયા)

    પ્રકૃતિને અપાર ચાહતા, સંવેદનાના આ કવિ ક્યારેક ને ક્યાંક હરીભરી પ્રકૃતિ વચ્ચેય અકળ એકલતા અનુભવે છે. આકાશમાં નવલખ તારા, અગણિત સિંધુ તરંગ, ડાળે ડાળે ફૂલ, ને છતાં, “શાને રે લાગે તોય એકલું !” એ કવિનો પ્રશ્ન છે. બાજુમાં ધરતી, ઉપર આકાશ, નિત્ય વીંટળાયેલો રહેલો વાયુ, અરે, આખું વિરાટ વિશ્વ કવિને હાથવગું ને છતાં નાના રે હૈયાને લાગે એકલું ” કેવી છે આ એકલતા ? વ્યક્ત ન થઈ શકતો ને છતાં વ્યક્ત થવાનો પ્રયત્ન કરતો આ ભાવ કવિની આધ્યાત્મિક બેચેનીનો પરિચાયક છે:

    કોઈ રે આવી કોઈ વહી ગયું, મારે અંતરને દ્વાર;
    કોઈ રે ગાઈ મૂંગું રહી ગયું, છાયો ઉરમાં સૂનકાર
    એવું રે લાગે આજે એકલું.‘ (‘એકલું‘)

    મનુષ્ય વિશે પણ પ્રહ્લાદની ઠીક ઠીક કવિતાઓ મળે છે. આપણે ત્યાં વતનપ્રેમનાં, જન્મભૂમિને લગતાં નોંધપાત્ર કાવ્યો મળ્યાં છે તેમાં પ્રહ્લાદનું ‘ગામની વિદાય’ આગવી ભાત પાડતું કાવ્ય બને છે. હે જી મારા નાનપણાના ગામ ” એવા સંબોધન પછી તેનું પોતાના મનમાં રહેલું સ્થાન સાવ સરળ ભાષામાં રજૂ કરીને પ્રહલાદે તેને કેવું ગજું બક્ષ્યું તે જોવા જેવું છે :

    ‘મારા બાળપણાના ધામ’

    ને ઊર્મિમાંદ્ય કે પ્રેમના કોઈ ડોળ વિના તેના પ્રત્યે હૃદયપૂર્વક કરબદ્ધ થતા કવિ બે વાર બોલી ઊઠે છે :

    ‘તને કરું રે પરણામ ! તને કરું રે પરણામ.

    તેમનાં પ્રણયકાવ્યોની જેમ જ અહીં પણ ગ્રામપ્રીતિને આલેખતો સંયમ દાદ માગી લે એ રીતે વ્યક્ત થયો છે :

    ‘ના રે કળાયા કદી, નેહના વેલા એવા
    ભોંયે આ તારી પથરાયાઃ
    જાવા ઉપાડું મારા પાયને, ત્યાં તો એમાં,
    ડગલે ને પગલે એ અટવાયાઃ

    ક્યારે બાંધી લીધોતો મને આમ ?” (ગામની વિદાય‘)

    પ્રહલાદનું અંતિમ મૂલ્યાંકન કરવામાં ઉશનસની મદદ લઈને કહીએ તો પ્રહલાદ કવિ સ્વર્ગસ્થ છે પણ એમની કવિતા અમર છે, ગુજરાતી ભાષાની કેવળ સુંદર પંક્તિઓના સંચયમાં પ્રહલાદની અનેક પંક્તિઓ હશે.


     સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી  કોલમ ‘વાચનથાળ’


    ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • ઓલ વેલ ધેટ એન્ડ્સ વેલ

    સોરઠની સોડમ

    ડૉ. દિનેશ વૈશ્નવ

    હું ગામડામાં નળ, વીજળી કે અન્ય સુવિધા વિના ઉછરેલો, ઉજરેલો અને હજી પણ ઈ ગ્રામ્યસંસ્કૃતિમાં રાચનારો, રચનારો, જીવનારો જણ ૧૯૭૦માં ૨૧માં વરસે પે’લી વાર યુ.એસ. આવ્યો. હું સુકામ આવ્યો ઈ વાત કોકવાર માંડીશ પણ ૧૯૭૦માં આવ્યા પે’લાં મે થી સપ્ટેમ્બર લગી અમદાવાદ રહીને યુ.એસ.માં આગળ ભણવાના એડમિશન, પાસપોર્ટ, વ.ની દોડધામ ને અન્યકામો ઈ વખતે બ્રહ્મક્ષત્રિય સોસાયટીમાં રેતાં મારા માસા-માસીને ઘેર રહીને કર્યાં. એના નાના દીકરા ને મારા પિત્રાઇની મદદ્થી આ કામો કરતોતો કારણ કે એને અમદાવાદની જાજી જાણકારી હતી. હવે ઈ ટાણે અમદાવાદમાં બે જાણીતી ટ્રાવેલ એજન્સી, એક લાલદરવાજે “અમીન ટ્રાવેલ્સ” ને બીજી સલાપસ રોડ ઉપર “ગૂડવિન્ડ ટ્રાવેલ્સ,” કે જે બેય વિદ્યાર્થીઓને યુ.એસ. આગળ ભણવા જાવામાં મદદ કરતાતા. મારા પિત્રાઇએ તપાસ કરીને જાણ્યું કે “ગૂડવિન્ડ ટ્રાવેલ્સ” આ મદદ માટે કોઈ ફી નો’તું લે’તું જો એની આગળથી યુ.એસ. આવવાની પ્લેનની ટિકિટ ખરીદો તો. એટલે અમે બેય આ ટ્રાવેલ એજન્સીના મલિક નટુભાઈ શાહને મળ્યા ને એની સલાહ મુજબ યુ.એસ. આવવાની કાર્યવાહી શરૂ કરી. આમાં દરેક માર્કશીટ્, રેકેમેન્ડેશન લેટર, મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ, મારા પરિવારની આર્થિક સધ્ધરતાના કાનૂની પૂરાવા, વ.ની વીસવીસ કાયદેસર માન્ય સઇસિક્કા વાળી ખરી નકલો કઢાવાની અને રૂપિયાને યુ.એસ. ડૉલર્સમાં વટાવા ભારતીય રિઝર્વબેંકમાં અને પાસપોર્ટ માટે એની કચેરીમાં ગાંસડી કાગળો હારે નટુભાઈ તૈયાર કરે ઈ મારે અરજીઓ દેવાની.

    હવે ઈ દસકાઓમાં જયારે ઝીરોક્ષ મશીન નો’તાં જન્મ્યાં ત્યારે અમદાવાદના ભદ્ર વિસ્તારમાં ફૂરપાથે બેસેલા ટાઇપીસ્ટો આગળ ભાઈબાપા કરીને એકેક નકલ ટાઈપ કરાવું ને પછી ઈ જ ફૂરપાથે ટાઈપિસ્ટ સામે અધૂકડા બેસીને એમાં ભૂલો ગોતીને એને બતાવું એટલે ઈ પાછું નવેસરથી ટાઈપ કરે. ટાઇપીસ્ટો હારે આ લમણાજીક જ મારા માટે માથાનો દુઃખાવો હતો તો દોઢસોબસો કાગળોની અજણ્યા શે’રમા ગેઝેટેડ ઓફિસરને ગોતી એનાં સહીસિક્કા હારે ખરી નકલો કઢાવી ઈ કેટલું અઘરું હશે ઈ વિચારી શકો છ.

    હું આવા ગેઝેટેડ ઓફિસરોને ગોતવા સારુ ભિખારી જેમ જુદુજુદી કચેરીઓમાં દસેક દી’ રખડ્યો પણ મારા કાઠિયાવાડી કણને પરખીને પટ્ટાવાળાઓ મને કચેરીને બાયણેથી જ હડધૂત કરી દેતા. આ કપરા દિવસોમાં એક વાર લાંબે મોઢે હું પાલડી બસસ્ટેંડે બપોરે બારેક વાગે ભુખેપેટે બસની રાહમાં ઉભોતો યાં મારી નજર સામે ઉભેલ એક મિનિસ્કર્ટમાં સજ્જ યુવાન છોકરી ઉપર પડી. ત્યારે મને મારવાડના રણમાં મીઠા પાણીનો વીરડો ભાળ્યાનો ભાષ થ્યો એટલે હું ઈ છોકરી સામે મરક્યો ને ઈ મારી સામે. મેં ખાંડી હિંમત ભેગી કરીને ઈ છોકરીને કીધું, આ બસ તો આવતી નથી એટલે હું બ્ર્હક્ષત્રિય સોસાયટીમાં રીક્ષામાં જાઉં છ.” ઈ છોકરીએ કીધું, મારે પણ ત્યાં જ જવું છ.” મેં રીક્ષા બાંધી ને અમે બેય અગલબગલ માય બેઠાં. જાતાંજાતાં એનું નામ લીના હતું ઈ મેં જાણ્યું ને પછી મેં મારી ખરી નકલો કઢાવાની તકલીફની વાત કરી. એને કીધું, બ્રહ્મક્ષત્રિય સોસાયટી પાસે જ પ્રભુદાસ ઠક્કર કોલેજ નવી ખુલી છ. ત્યાં પટ્ટાવાળાને સોદોઢસો ખવરાવસો તો એ જ ગેઝેટેડ ઓફિસર બનીને ખરી નકલો કરી દેસે” ને ઈ ખાયકીથી થ્યું પણ ખરું. ટુંકમાં, મેં રિક્ષાના જે પૈસાનું રોકાણ ઈ “હસી વો ફસી”માં કર્યુંતું ઈ મને આજે પણ સર્વોત્તમ લાગે છ કારણ નકર મારું યુ.એસ. આવવાનું ભૂત હજીયે માથે હોત ને હું ગલીએગલીએ ગેઝેટેડ ઓફિસરને મારી જૈફ વયે ગોતતો હોત.

    ઉપરના બધા જ કાગળોની ખરી નકલો અને મૂળ કાગળો નટુભાઈને મેં આપ્યા એટલે એને યુ.એસ.ની દસ યુનિવર્સિટીમાં મને દાખલ કરવા અરજીઓ તૈયાર કરી. પછી હું જાડાં, વજનદાર પરબીડિયાંઓ લઈને ભદ્રની પોસ્ટઑફિસમાં ગ્યો ને થોકડો ટીકીટો ચોટાડીને એને યુ.એસ. રવાના કર્યા. પણ મિત્રો, ત્યારે મને હરામ એકેય યુનિવર્સિટીનું નામ કે એનું ગામ બોલતાં આવડતુંતું ને ઈ ગામોના “ઝીપકોડ’ તો મારા માટે અંકગણિતના દાખલાની રકમ જ હતા કારણ કે ત્યારે અમારા કાઠિયાવાડમાં તો સિરનામું એટલે દા.ત.; ભગાબાપા, લંગડા ભાભાને અડીને, બજરંગગલીના નાકે, કણબી વાડ, મુ. સમઢીયાળા, તા. મેંદરડા, જી. જૂનાગઢ એમ લખાતું. એમાં ન હોઈ કોઈ રકમ કે એપાર્ટમેન્ટ નંબરનો આંકડો.

    હવે આમ જોવો તો ઘણા લોકો તો અગાઉ કીધેલ જફાઓથી કંટાળીને કહી દે, “ભાંડમાં ગ્યું યુ.એસ. મારે નથી જાવું” પણ મારે ખભે તો ઈ યુ.એસ. આવવાનું ભૂત બેઠ્ઠુંતું ને મને ઈ દી’આખો ડફણાં મારતુંતું એટલે મેં એક આગળની કાર્યવાહીના ભાગે પાસપોર્ટની અરજીનું કામ ઉપાડ્યું. તો સાહેબ, ઈ દસકાઓમાં અમદાવાદમાં પાસપોર્ટ કઢાવો ઈ ઈડરીયો ગઢ જીતવાથી અઘરું હતું કારણ કે ઈ મારા ભાવિ સસરાના હાથમાં હતો ને એને જ મને સૌથી વધુ લબડાવ્યોતો; દા.ત., જ્યારેજ્યારે હું એની કચેરીમાં એને મળવા ગ્યો ત્યારે એના પટ્ટાવાળાના બે જ જવાબ, સાહેબ અત્યારે કામમાં છે” કે “સાહેબ બપોરનાં ચા-નાસ્તો કરે છ.” મારાં કમનસીબે મને મોડી ખબર પડી કે મારા ઈ વખતે “ભાવિ સસરા”ના ને અમારા પરિવાર વચ્ચે ત્યારે ૯૦થી પણ વધુ વરસોનો સબંધ હતો ને મારા મામાના ઈ અંગત મિત્ર પણ હતા. પછી તો મારા મામાની ભલામણથી એને પાસપોર્ટની અરજી મને એને ઘેર બોલાવીને મંજુર કરી ને હું પાસપોર્ટ ભેગો થ્યો. સાત વરસ પછી ઈ જ મામાની મદદથી મારા ઈ એક વખતના “ભાવિ સસરા” ૧૯૭૭માં વ્યવહારે સસરા થ્યા.

    બીજીકોર અમદાવાદમાં જ રિઝર્વબેંકમાં ડોલર્સ મેળવવાની અરજીનું કામ ચાલુ કર્યું. ઈ પ્રમાણમાં ઓછું અઘરું હતું પણ જેટલી વખત બેંકમાં ગ્યો ત્યારે યાં કામ કરતા મદ્રાસી જણો જે અંગ્રેજી બોલતા ઈ મને “કાયમ ચૂરણ”નો ફાકડો લાગતો, મારા ટાંટીયા ઢીલા થઇ જાતા ને બેંકેથી બારા નીકળી મારે “જાહેર શૌચાલય” ગોતવાં પડતાં કારણ હું અંગ્રેજી બોલવે કે ઈ દક્ષિણભારતનું પો’ળા મોઢે બોલાયેલ અંગ્રેજી સમજવે પાવરધો નો’તો. ચારપાંચ ધક્કે મારી અરજી બેંકે મંજુર કરી ને કીધું કે વધુમાંવધુ હું મારી એક વરસની ફી અને ખાવારે’વાના ખરચના અને ઉપરાંત ખીસ્સાખર્ચીના આઠ ડોલર્સ જેટલા રૂપિયા ડૉલર્સમાં ફેરવી સકું. હું હરામ આ રૂપિયાને ડૉલર્સમાં વટાવાનું ગણિત સમજ્યો હોઉં તો પણ “આઘેઆઘે ગોરખ જાગે” ને સમયે હું ઈ શીખી જઈશ એમ આશાનો અંચળો મેં ઓઢી લીધો.

    હવે ઈ ચારેક મહિનાની અમદાવાદની ગરમીમાં અમે અનેક રસ્તે પગ રગડ્યા, ઘણાને મળ્યા, કેટલાય બે પૈસાનાં બોર ન ખાઈ સકે એવાને મસ્કા માર્યા, પછવાડે ચાટ્યા; કેટલાયનાં અપમાનો હસ્તે મોઢે સહન કર્યાં, કામ પતાવા એકાદબે વાર પૈસા વેર્યા, કેટલાંય જાહેર શૌચાલયો વાપર્યાં અને અનેક દિવસ બપોરનું ભોજન ખાવા ઘેર ન જઈ સક્યા એટલે બે હાથનો ખોબો કરીને પરબેથી પાણી પીધું કારણ અમારાં ખીસાં ખમતીધર નો’તાં કે બા’ર ખાઈ સકીયેં. પણ આ બધી દોડધામમાં મધ ઓગષ્ટે “ગૂડવિન્ડ”વાળા નટુભાઈએ મધીયા સમાચાર આપ્યા કે મને યુ.એસ.ની દસેય યુનિવર્સીટીમાં એડમિશન મળી ગ્યુંતું ને બધી જગ્યાએથી ફોર્મ આઈ-૨૦ આવી ગ્યાતાં કે જે યુ.એસ.નો વિઝા મેળવવા માટે આવશ્યક હતું.

    એડમિશનના સમાચાર આવ્યા એટલે એમ.મનસુખરામમાંથી ટાઈ અને પીટર ડિસોઝા આગળ શૂટ સીવડાવાનું નવું કામ તત્કાલ હાથમાં લીધું. ત્યારે આ બેય દુકાનો અમદાવાદમાં રીલીફરોડે એટલે મારો પિત્રાઈ ને હું બપોરના તાતડીયા તડકે હાલતા ઇ રોડે પુગ્યા. અમે યાં હાલતાતા એવામાં મારા પિત્રાઈએ કીધું, હાલો હેવમોરમાં કોફી પીયેં.” એટલે મેં એને સહજ કીધું, “કેમ તબિયત ઠીક નથી? હાલો છાંયડે કોક દુકાનના છજ્જે બે ઘડી ઉભીયેં, થોડીકવારમાં સારું લાગશે.” હવે ત્યારે મારા મગજમાં એમ જ કે પીળા ડબલામાં ગાંઠો થઇ ગે’લ, છરીએ ખોતરેલ “પોલસન” કોફી તો ઘરના રસોડે જ બને ને માંદા પડ઼ીયેં ત્યારે જ શરીરમાં કાંટો લિયાવા પીવાય. જે મારી ઉમ્મરના હશે એને આ કોફીનું નામ, એના એકવાર વાપરીને બાજેલ ગાંઠા, એનો પીળો ડબ્બો ને ઈ સુ કામ પીવાય ઈ યાદ જ હશે. ખેર, અમે ઈ “હેવમોર”ની દુકાનમાં દાખલ થાવા ગ્યા યાં કાચનાં બે બાયણા જોઈને હું તો અભો જ થઇ ગ્યો કારણ મેં મારી જિંદગીમા બે કડાં ને એક ભોગળવાળાં લાકડાના કમાડ જ જોયેલ. વળી ઈ કાચના બાયણાં પણ બગલાની પાંખ જેવા ધોળા સૂટમાં ઉભેલ કોયલાથીયે કાળા માણસે ઊઘડ્યાં એટલે અમે અંદર ગ્યા. અંદર જાતાંજાતાં મારા પિત્રાઇએ એને “થેન્ક યુ” કીધું પણ હરામ હું ઈ શબદ સમજ્યો હોઉં તો. પછી અમે ધોળા ટેબલક્લૉથે સજાવેલ ખાલી ટેબલખુરસીએ બેઠા કે જ્યાં ટેબલ ઉપર મરીમીઠાની બે સીસી, કેચપની બાટલી, કાગળના નેપકીન, વ. ગોઠવેલ. હું ત્યારે ટેબલક્લૉથને “ટેબલ ઘાઘરો” કે’તો. કેચપ તો મેં જોયેલ જ નહીં ને મને ઈ કોક જાડા પ્રાણીના જાડા રગડા લોહી જેવો લાગ્યો એટલે હું મુંગો મર્યો કારણ કે વળી મારો પિત્રાઈ ક્યાંક અંગ્રેજીમાં બોલે ને હું ગોટે ચડું. પછી એનાથી રે’વાણું નહીં એટલે મને કીધું, દિનેશ આ એ.સી. હોટેલ છે.” હકીકતમાં હું મેટ્રિકમાં “એ.સી. ડી.સી. કરંટ” શીખેલ એટલે તરત જ લાકડું જાલી, સંકોચાયને હું બેઠો કે વળી ક્યાંક મને કરંટ લાગશે તો હું યુ.એસ. નહીં જઈ સકું ને આટઆટલા બાપના પૈસા વાપર્યા છ ઈ બગડશે.

    થોડીક વાર અમે બેઠાતા યાં ચંદ્રગુપ્તના દૂત જેવો ધોળા પાટલૂન ને માથે બંધ ગળાના કોટમાં એક મૂછાળો જણ આવ્યો ને એને ઈ હોટેલમાં ખાવાપીવાનું સુંસું મળે ઈ ચોપડી મૂકી. મારો પિત્રાઈએ કીધું, દિનેશ, મેન્યુ જોવો ને નક્કી કરો ઓર્ડર.” હવે હું મેંદરડામાં છગન કંદોઈ કે ચોરવાડમાં રીછીયાની દુકાને પવાલું ગાંઠિયા ને ચાર જલેબીનો દુકાનના થડા નીચેથી ઓર્ડર દેનારાને આ મેન્યુ સું ને નક્કી સું કરવાનું એટલે મેં એને કીધું, તમે જ ઓર્ડર કરો.” એટલે એને ઈ દૂતને કીધું, ટૂ નેસ પ્લીઝ.” હું ઈ “નેસ”ને નેસ્ટ સમજ્યો એટલે મને એમ કે બે ચકલાના માળા જેવું ક્યાંક આવશે. પછી ક્યાંય લગી હું તો નેજવું માંડીને ચકળવકળ હોટેલમાં જોતોતો એવામાં ઈ દૂત બે કોફીના નાકાવાળા પ્યાલા, એમાં ફળફળતું દૂધ ને એની માથે લાકડાના વેર જેવાં કોફીના પુંખડાં, ચમચી, ખાંડની કટોરી એમ મૂકી ગ્યો. મેં તો નાકાવાળા પ્યાલા જ ત્યારે જોયા એવામાં મારા પિત્રાઈને પ્યાલામાં ચમચીએથી કોફી હલાવતા, ખાંડ નાખતા, વ. જોયો એટલે મેં પણ એની નકલ કરી. કોફીની ચુસ્કી લેતાં એને કીધું, દિનેશ, આ “નેસ કોફી છે.” મેં એને કીધું, પણ ભાઈ હું તો પીળા ડબ્બામાં ભેજની ચોટી ગેલ ને છરીથી ખોતરીને કાઢેલ તાવ આવ્યે “પોલસન” કોફી પીનારો આદમી આ સુ પીવું છ? આ છે તો શાકાહારી ને જ”? ઈ કયડું હસ્યો ને મશ્કરીમાં કીધું, ના આ બ્રાન્ડી છે.” એટલે મેં મનોમન કીધું ,”વાંધો નહીં. યુ.એસ.માં કદાચ પીવાનું પાણી ન મળતું હોય તો મારે આ બ્રાન્ડી જ પીવી પડશેને એટલે ટેવ અત્યારથી જ પાડી દઉં.” આ બ્રાન્ડી પીને અમે એમ.મનસુખરામમાંથી ઝોડીયેકની કાળી ટાઈ લીયાવયા કે જે મને આજ દી’ લગી સીંગલ નોડમાં જ બાંધતા આવડે છ ને નિવૃત્તિ પછી હવે કોક પયણે ત્યારે પણ જવલ્લે જ પે’રૂ છ. ઈ જ રીતે પીટર ડિસોઝા આગળ કાળો સૂટ ને ધોળું “સી થ્રુ” નાયલોનનું ખમીસ પણ શિવડાવ્યાં કે જે મેં મારી યુ.એસ.ની મુસાફરીમાં એક જ વાર પેર્યાં. પછી યુ.એસ.માં એને ઉનાપાણીમાં વોશરમાં ધોયાં તે પાટલૂનની ચડ્ડી, કોટની કોટી ને ખમીસના લિરા થઇ ગ્યાં.

    અમદાવાદમાં ઉપરોક્ત મુશ્કેલીઓ વેઠી યુ.એસ.ની તૈયારી કરીને પરિવાર હારે પ્લેનમાં પે’લી વાર બેસીને હુ મુંબઈ આવ્યો ને બીજા દી’એ નટુભાઈના મુંબઈસ્થિત ભાઈ રમેશને વિઝા માટે મળ્યો. અલબત્ત, ત્યારે વિઝા શું છે, શુ કામ જોયેં, કેમ અને ક્યાં મળે ઈ મને કે મારા જેવા મોટા ભાગનાને ખબર નો’તી પણ ઈ “મોસાળે માં પરીસે” એમ સહેલાઈથી મળી જાતો. હકીકતમાં મારો વિઝા પણ રમેશ જ લિયવ્યોતો. હું તો ખાલી એના ભેગો કોન્સ્યુલેટમાં ગ્યોતો. આ વિઝા માટે પણ મને મારા પિત્રાઇએ એક સવાલનો જવાબ – કે જે માત્ર ઈ વખતે એને જ આવડતોતો – શિખવ્યોતો, “અમેરિકાના પ્રમુખ નિક્સન છે.” જો કે ન તો આ સવાલ મને કોઈએ પૂછ્યો કે ન તો મેં ઈ ગોખેલો જવાબ દીધો. વિઝા પંદરેક મિનિટમાં મેળવીને મુંબઈના ફોર્ટ વિસ્તારમાં મુંબઈ રે’તા મારા કાકાના દીકરા હારે “થોમસકૂક”માંથી રૂ. ૪.૫૦ના ભાવે ડોલર્સના ટ્રાવેલર્સ ચેક લીધા, ખીસ્સાખર્ચીના આઠ ડોલર્સ રોકડ લીધા ને “સ્વિસએર”ની કચેરીમાં જઈને મુંબઈથી મારે મિસિસિપી રાજ્યના જે ગામમાં ભણવા આવવાનું હતું ઈ જાવઆવવાની ટિકિટ રૂ. ૪૨૦૦માં લીધી. આ બેવડી ટિકિટ ત્યારે એક ટ્રીપ કરતાં સસ્તી હતી. છેલ્લે હું સપ્ટેમ્બર ૧૧, ૧૯૭૦ના ઉપડી, રસ્તામાં ચાર જગ્યાએ રોકાઈ ને સપ્ટેમ્બર ૧૧ના ન્યુયોર્કના જે.એફ.કે. એરપોર્ટ ઉતર્યો ને યાંથી મારે જે ગામ ભણવા જાવાનું હતું યાં નાનીમોટી તકલીફે પોંચ્યો.

    મિત્રો, આજકાલ કરતાં મને યુ.એસ.માં ૫૩ વરસ થઇ ગ્યાં. ઈ ગાળામાં હું ભણ્યો, પય્ણ્યો, નોકરી કરી નિવૃત થ્યો, અમારાં બે છોકરાંઓ આંઈ જન્મ્યાં, ઈ સારું ભણ્યાં ને હવે એનાં છોકરાંઓ ભણે છ. મને મારાં બાળપણના ગામડાંઓ, ઈ સંસ્કૃતિ અને અનુભવો પ્રસંગેપ્રસંગે ને આપ્તજનો ક્ષણેક્ષણે યાદ આવે છ એટલે તક મળે હું દેશ આવું છું છત્તાં ઉંમર વધતાં ઈ પણ હવે અઘરું થાતું જાય છ. આમ જોવું તો ઈશ્વરકૃપાથી હું યુ.એસ.માં સામાન્યતઃ સુખી છું પણ ચારેક દાયકા પે’લાં જયારે મારો ભારતિય પાસપોર્ટ રદ્દ કરીને મેં યુ.એસ. સિટિઝનશીપ સ્વીકારી ત્યારે મને આંઈ વસવાટનું એટ્લાન્ટિકથી ઉંડુ દુઃખ થ્યુંતું. હવે મારી કર્મભૂમિમાંથી જન્મભૂમિમાં પગ મુકવા દર દસ વરસે વિઝા રૂપે ભારત  સરકારની જે રજા લેવી પડે છ ઈ કેરકાંટો તો મારે આજીવન જેલવો જ પડશે.

    છત્તાં જો હું મારા પુખ્તવયના જીવનનના નફાતોટાનું નામું લખું તો મને ડાબીકોર સરેરાસ મોટી લાગે છ ને એટલે જ “ઓલ વેલ ધેટ એન્ડ્સ વેલ.” હવે માત્ર મારા સંતોષ રૂપે મારા વતનના ભવ્ય ભૂતકાળનો દી”ના મધ્યાન પછીનો પાછળ મેં જે પડછાયો કર્યો છ એને શબ્દે બેઠો કરવા પ્રયત્નો કરું છ પણ એને ન્યાય આપું છ કે નહીં ઈ તો આપ વાંચકો અને ભવિષ્ય જ કે’સે.


    ડૉ. દિનેશ વૈશ્નવનો સંપર્ક sribaba48@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • સ્વથી સર્વ

    હકારાત્મક અભિગમ

    રાજુલ કૌશિક

    આજે ફરી એકવાર ઘેર બેઠા વહેતી સોશિઅલ ગંગામાંથી જરા અમસ્તુ આચમન…..

    એક કૉર્પરેટ કંપનીના મોટા હૉલમાં કંપનીના લગભગ બધા મેમ્બરને એકઠા કરવામાં આવ્યા હતા. પ્રસંગ હશે એ સૌને મોટિવેટ કરવાનો. હૉલમાં અર્ધ ગોળાકારે ગોઠવાયેલી બેઠક પર સૌ મોટી કંપનીને છાજે એવા સુટ-કોટ-ટાઇમાં બિરાજમાન હતા. હવે તો કૉર્પરેટ કંપનીમાં કામ કરતા સભ્યોની માનસિક તેમજ શારીરિક સ્વસ્થતાને પ્રાધાન્ય આપવાનું ચલણ અને વલણ વધતું જાય છે. (સારી વાત છે નહીં?)

    પ્રવક્તાએ સ્ટેજ પર આવીને માઇક હાથમાં લેતા આ પ્રસંગને અનુરૂપ પ્રસ્તાવતા બાંધી. થોડી મહત્વની વાતો કરીને સૌને એમની સાથે સાંકળી લેતા એક ઘોષણા કરી.

    “આજના આ પ્રસંગે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણા આજના આ મહત્વના કાર્યક્રમ તરફ આગળ વધતા પહેલા હું ઇચ્છીશ કે અહીં ઉપસ્થિત સન્માનીય સભ્યો આપની જગ્યાએથી ઊભા થઈને હૉલમાં ઉપસ્થિત સૌને મળે, હાથ મિલાવે અથવા એકમેકને ભેટે.”

    આ માટે પાંચ મિનિટ ફાળવવામાં આવી હતી. સમય પુરો થતા સૌ પોત-પોતાની બેઠક પર ગોઠવાયા પછી પ્રવક્તાએ ફરી એકવાર માઇક હાથમાં લેતા ઘોષણા કરી.

    “આપ સૌને ખાતરી છે કે આપે સૌને મળી લીધું છે?.. કદાચ તમારો જવાબ હશે હા.. પણ હું કહીશ કે ના.. કારણ આપ સૌએ મોટાભાગનાને તો મળી લીધું પરંતુ હું પણ અહીં ઉપસ્થિત જ હતો તેમ છતાં મને તો કોઇ મળવા આવ્યું જ નહીં. એટલું જ નહીં પણ કેટલાક એવા સભ્યો પણ હતા કે જે પોતાની જગ્યાએ જ બેસી રહયા હતા એમને પણ કોઇ મળવા ગયું નહી. કારણ?”

    હૉલમાં તો કોઇની પાસે જવાબ હતો નહીં.

    પ્રવક્તાએ પોતાની વાત આગળ વધારતા કહ્યું …“કારણ માત્ર એટલું જ કે મોટાભાગના સૌ પોતાની આસપાસ સુધી જ વિસ્તરેલા હોય છે.  મોટાભાગનાને પોતાના વર્તુળથી બહાર નિકળીને અન્ય સુધી પહોંચવામાં રસ નથી હોતો. કેટલાક એવા હતા જે પોતાની જગ્યાએથી ઊભા જ નહોતા થયા. જે ઊભા નહોતા થયા એમને સામે ચાલીને મળવા કોઇ આગળ વધ્યુ નહી.

    સીધી વાત- દોસ્તી માટે જો હાથ લંબાવીએ તો જ દોસ્ત મળી રહેશે. તાલી એક હાથે ક્યારેય વાગતી જ નથી. સંબંધો વિકસાવવા માટે અંતરથી અને અંદરથી ખુલવાની જરૂર છે. આ વાત છે અપેક્ષા વગર, આપમાંથી બહાર આવી અન્ય સુધી પહોંચવાની. સ્વથી માંડીને સર્વ સુધી વિસ્તરવાની. દરેક સંબંધને જો નફા-નુકશાનના ત્રાજવે તોળવામાં આવશે તો શક્ય છે કે સાચો અને સારો સંબંધ ક્યાંય પામી નહી શકીએ.  ક્યારેક સ્વાર્થ વગરના પણ સંબંધ વિકસી શકે છે એવું સમજી લેવાની ય જરૂર છે.


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.