-
ફટાકડાના કાશી – શીવાકાશીમાં કામદારોની સ્થિતિ
વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી
જગદીશ પટેલ
તામીલનાડુના વીરુદનગર જીલ્લાનું શીવાકાશી ફટાકડાના ઉત્પાદન માટે જાણીતું છે. આ સ્થળે ઔદ્યોગિક એકમો અઢી લાખ લોકોને રોજગારી આપવા સાથે ૨૦૦ કરોડનો ઉથલો મારે છે. અહીં ૪૫૦ જેટલા ફટાકડાના કારખાના, ૫૨૦ પ્રીંટીંગ પ્રેસ, ૫૩ માચીસના કારખાના, ૩૨ કેમીકલ કારખાના છે. ૨૦૨૨માં ગાંધી જયંતીને દિવસે એટલે કે ૨ ઓક્ટોબરને દિવસે થયેલા અકસ્માતમાં બે કામદારો ગંભીરપણે દાઝી ગયા. એ અગાઉ ૨૦૨૨ના જાન્યુઆરીમાં થયેલા અકસ્માતમાં ૪ના મોત થયા હતા અને ૨ દાઝી ગયા હતા.

તસવીર સૌજન્ય : સપ્ટેમ્બર, ૨૦૨૨માં બ્લેસી મેથ્યુ પ્રસાદના “ધ સીટીઝન ” માં પ્રકાશિત લેખ તે 12 વર્ષ પહેલાંની એ દુર્ભાગી સવાર તેને હજુ પણ બરાબર યાદ છે જાણે હજુ એ બનાવ ગઈકાલે જ બન્યો હોય. કરુપ્પુસામી (૪૨) એક રંગારા તરીકે કામ કરે છે. તે કામ માટે થોડા દિવસો માટે શહેરની બહાર હતો અને તેની પત્ની થિલાગવતી (૩૭) અને બાળકોને મળવા ઘરે પરત ફરી રહ્યો હતો. થિલાગવતી ફટાકડા ફેકટરીમાં કામ કરતી હતી અને તે ઉપરાંત ઘરે પણ ફટાકડા બનાવતી હતી. તે પોતાના પરિવાર માટે એ રીતે થોડું વધારે કમાવવાનો પ્રયાસ કરતી હતી. એના બે બાળકો તે દિવસે ઘરે જ હતા. તે દિવસે વીજ પુરવઠો નહોતો. અંધારામાં, તે સમયે જેની ઉંમર હજુ આઠ વર્ષ હતી તે અરવિંદે મીણબત્તી પ્રગટાવી. થોડીવાર પછી મીણબત્તી ગનપાઉડરના ઢગલા પર પડી. તરત જ એક જોરદાર વિસ્ફોટ થયો અને ઘર આગની લપેટમાં આવી ગયું. અરવિંદની નાની બહેન ગાયત્રી, માત્ર પાંચ વર્ષની અને એક પાડોશી મદદ કરવા દોડી આવ્યા. અરવિંદને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું. ઇજાને કારણે બાળકનું મોત નીપજ્યું હતું. કરુપ્પુસામીને આ ભયાનક ઘટનાની જાણ થઈ અને તેઓ ભાંગી પડ્યા. તેની પત્નીએ પોતાને દોષ આપવાનું હજુ બંધ કર્યું નથી. જો કે તેણે ફટાકડા બનાવવાનું કામ કરવાનું ચાલુ રાખ્યું છે, કારણકે તેને અન્ય કોઈ કામ આવડતું નથી અને પરિવારને ટકી રહેવા માટે પૈસાની જરૂર છે.
અકસ્માત બાદ પોલીસે કરુપ્પુસામીની પત્ની વિરુદ્ધ બેદરકારીનો કેસ દાખલ કર્યો હતો. ત્રણ વર્ષ પછી કેસ જો કે બંધ કરવામાં આવ્યો. પરિવારને કોઈ વળતર મળ્યું નથી. જ્યારે દુર્ઘટનાએ તેણીને બદલી નાખી અને પરિવારનું જીવન કાયમ માટે બદલાઈ ગયું. ત્યારે કરુપ્પુસામીની પત્ની ‘હોમ યુનિટ’માં કામ કરતી હતી. આ અસંગઠિત ફટાકડાની ફેક્ટરીઓ છે જે લાઇસન્સ વિના કાર્યરત છે. આ એકમોમાં કામ કરતા લોકો તેની સાથે આવતા જોખમો જાણે છે, પરંતુ તેઓ કહે છે કે તેમની પાસે આજીવિકા મેળવવા માટે બીજો કોઈ વિકલ્પ નથી. 2013માં, મદ્રાસ હાઈકોર્ટે શીવાકાશી જે જીલ્લામાં આવેલું છે તે વિરુધુનગર જિલ્લાના કલેક્ટરને કોઈપણ વિલંબ વિના તમામ લાઇસન્સ વિનાના એકમોને બંધ કરવા નિર્દેશ આપ્યો હતો. જો કે આ વિસ્તારમાં કામ કરતા કાર્યકરો કહે છે કે આજે પણ ઘરના એકમો કાર્યરત છે. માત્ર એટલું જ બદલાયું છે કે આ ગેરકાયદેસર એકમો લપાઇ છુપાઇને કરે છે. આ ઘરના એકમોમાં, પરિવારો અને પડોશીઓ સામાન્ય રીતે ભેગા થાય છે અને ફટાકડા બનાવે છે. ત્યાં સલામતીના કોઈ ધોરણ સચવાતા નથી. સામાન્ય રીતે ફટાકડાની ફેક્ટરીમાં દરેક કામદાર રોજના લગભગ રૂ.૪૦૦ કમાય છે. તેમનું જીવન ચલાવવા માટે આટલું વેતન ભાગ્યે જ પૂરતું છે અને ઘણાને વધુ પૈસા કમાવવા માટે તેમના ‘હોમ યુનિટ્સ’માં વધારાના કલાકો કામ કરવાની ફરજ પડે છે. આ રીતે તેઓ વધારાના બીજા 300 રૂપિયા કમાય છે. જો કે ત્યાં પણ તેમનું શોષણ થાય છે કારણ કે મોટાભાગનું કામ જે ઘરે આપવામાં આવે છે તે એજન્ટો દ્વારા આપવામાં આવે છે. આ એજન્ટો હંમેશા મસમોટું કમિશન લે છે. શીવાકાશીને ભારતની ફટાકડાની રાજધાની તરીકે ઓળખવામાં આવે છે. દેશભરમાં પૂરા પાડવામાં આવતા લગભગ 90 ટકા ફટાકડા અહીં બનાવવામાં આવે છે. અહીં લગભગ ૨,૨૦૦ નાની મોટી ફેક્ટરીઓ છે. ઓછામાં ઓછા નવ લાખ લોકો આ ઉદ્યોગમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આજીવિકા મેળવે છે. ઓછા વરસાદ અને શુષ્ક હવામાનને કારણે શીવાકાશી શહેરમાં ફટાકડા ઉત્પાદન એકમો માટે કુદરતી લાભ છે. અહીંની પરિસ્થિતિઓ આખું વર્ષ ફટાકડાના ઉત્પાદન ચક્ર માટે તેને અનુકૂળ બનાવે છે. સામાન્ય રીતે દિવાળી દરમિયાન ત્રણથી ચાર દિવસ ઉપયોગમાં લેવાતા ફટાકડાને બનાવવામાં લગભગ 300 દિવસનો સમય લાગે છે. મોટાભાગના મજૂરો માંગને પહોંચી વળવા ઓવરટાઇમ કરે છે. કેટલાક અહેવાલો અનુસાર, શીવાકાશીમાં ફટાકડા ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર રૂ. 4,800 કરોડથી વધુ હોવાનો અંદાજ છે. શીવાકાશી ફટાકડાના કારખાનાઓ ઉપરાંત સશસ્ત્ર દળો માટે પ્રશિક્ષણ શસ્ત્રોના ઉત્પાદન માટે પણ જાણીતું છે. આ તાલીમ શસ્ત્રોનો મોટાભાગે સશસ્ત્ર દળો દ્વારા નવા નિયુક્ત અધિકારીઓને તાલીમ આપવા માટે ઉપયોગ કરવામાં આવે છે. જો કે શીવાકાશી મોટાભાગે ખોટા કારણોસર સમાચારોમાં રહે છે. દર વર્ષે, શીવાકાશીમાં ઓછામાં ઓછા ૧૦ થી ૨૦ અકસ્માતો થાય છે. મોટાભાગે અસંગઠિત ક્ષેત્રોમાં સલામતીના યોગ્ય પગલાં લેવામાં આવતા નથી અથવા કામદારોને જોખમી રસાયણો સાથે યોગ્ય રીતે કામ કરવા માટે પુરતી તાલીમ આપવામાં આવતી નથી તે કારણે અકસ્માતો થાય છે. ૨૦૧૨માં શીવાકાશી ઓમ શક્તિ ફટાકડા ફેક્ટરીમાં થયેલો વિસ્ફોટ કદાચ સૌથી ભયંકર હતો. તે વિસ્ફોટોમાં ૪૦ થી વધુ લોકો માર્યા ગયા અને અન્ય ૭૦ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. સપ્ટેમ્બર ૨૦૧૨માં ફટાકડાના કારખાનામાં આ ઘટના બની હતી. દિવાળીના તહેવારને માંડ અઠવાડિયા બાકી હતા અને કામદારો પર વધુ ફટાકડા બનાવવાનું ભારે દબાણ હતું. ફટાકડાની ફેક્ટરી પાસે માન્ય લાઇસન્સ નહોતું. આ પહેલા અને પછી આવી ઘણી ઘટનાઓ બની છે પરંતુ અહીંના લોકો પર તેની કોઇ અસર જણાતી નથી. તેઓ જોખમી પરિસ્થિતિઓમાં કામ કરવાનું ચાલુ રાખે છે કારણ કે તેમની પાસે આજીવિકા કમાવાનો કોઈ વૈકલ્પિક સ્ત્રોત નથી. ફટાકડાના કામદારોના સશક્તિકરણ માટે ઘણા વર્ષોથી કામ કરી રહેલા સામાજિક કાર્યકર્તા રાજગોપાલને હવે જણાવ્યું હતું કે, “સેંકડો લોકો દહાડિયા મજૂર તરીકે કામ કરે છે. ફેક્ટરીઓમાં હંગામી મજૂરો અને કાયમી કામદારો હોય છે.” કાયદા અનુસાર, કાયમી કરાયેલા કામદારોને લઘુત્તમ વેતન, ઇ.એસ.આઇ.(આરોગ્ય વીમો) વગેરે જેવા તમામ લાભો આપવાના હોય છે. પરંતુ ફેક્ટરીના માલિકો આના પર પૈસા ખર્ચવા માંગતા નથી. તેથી ચોક્કસ એકમના 100 કે તેથી વધુ કામદારોમાંથી, તેઓ ફક્ત 20 જેટલા કર્મચારીઓને કાયમી કરી આ લાભ આપે છે અને બાકીના 80 કામદારોને દૈનિક વેતન આપવામાં આવે છે. “આ મજૂરો અન્ય એકમોમાં પણ કામ કરી શકે છે. તેઓને રોજના લગભગ ૪૦૦ રૂપિયાનું નજીવું વેતન આપવામાં આવે છે, પછી ભલે તેઓ એક દિવસમાં ગમે તેટલા ફટાકડા બનાવે. તેમાંના કેટલાક એવા પણ હોય છે જેમણે માલિકો પાસેથી એડવાન્સ લીધું હોય, અને પછી લાંબા સમય સુધી પગાર વધારા વિના કામ કરવું પડે છે. તેમાંથી ઘણા આખા વર્ષ દરમિયાન ઓવરટાઇમ કામ કરે છે.”
સલામતીના પગલાં વિશે બોલતા તેમણે કહ્યું, “માલિકો દાવો કરે છે કે કામ સલામત છે અને સલામતીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે કામ અત્યંત જોખમી છે. આ ફટાકડા બનાવવા માટે જે રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે તે જરૂરી છે. દસ મિનિટમાં મોલ્ડમાં ભરવામાં ન આવે તો તે આગ પકડી શકે છે.” આના કારણે ઘણા અકસ્માતો થાય છે. ગયા અઠવાડિયે જ બે મોત થયા હતા. સમસ્યા એ છે કે સલામતીના ધોરણોનું યોગ્ય રીતે પાલન થતું નથી. લગભગ દસ જિલ્લાઓ માટે માત્ર એક જ ફાયર એન્ડ સેફ્ટી ઓફિસર છે. તે કેવી રીતે દરેક વસ્તુ પર નજર રાખી શકશે? વધુ માનવબળ હોવું જરૂરી છે.
“મોટાભાગના મજૂરોને તાલીમ આપવામાં આવતી નથી. તેઓ બધા યુવાનવયે કામ કરવાનું શરૂ કરે છે, શરૂઆતમાં તેઓ કામ કરે છે ત્યારે તેમના માતાપિતાને મદદ કરતા હોય છે અને વખત જતાં પોતે પણ તે જ વ્યવસાય અપનાવે છે. મેનેજર સ્તર સુધીના કર્મચારીઓને સલામતી અંગે યોગ્ય તાલીમ અપાઇ હોતી નથી. તેઓ માત્ર તેમના માતા-પિતાને કામ કરતાં જોઈને જ મોટા થયા છે તેને અનુસરતા હોય છે.
ફટાકડા ઉદ્યોગમાં કામ કરવાથી તેમના માથે ઘણી બીમારીઓનું જોખમ રહેલું હોય છે. અસ્થમા અને ફેફસાં સંબંધિત અન્ય બીમારીઓનું ઊંચું જોખમ થઈ શકે છે. ઉપરાંત, આ એકમોમાં અતિશય ગરમીને કારણે, ઘણા કામદારો – ખાસ કરીને સ્ત્રીઓ – એનિમિયાથી પીડાય છે. “અન્ય ઘણા એવા છે જેઓ ચામડીના રોગો અને ડિહાઇડ્રેશનની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જોકે એવા નિયમો છે કે તમામ કારખાનાઓમાં ગ્લોવ્સ, માસ્ક અને અન્ય સુરક્ષા સુવિધાઓ ફરજિયાત હોવા જોઈએ પણ ભાગ્યે જ કોઈ આ નિયમોનું પાલન કરે છે. માત્ર ખૂબ મોટી ફેક્ટરીઓ નિયમોનું પાલન કરે છે.” અહીંની મહિલા કામદારો ખાસ કરીને પ્રભાવિત છે. તેમને પુરૂષો જેટલો પગાર આપવામાં આવતો નથી. તેમાંથી કેટલાકને તેમના બાળકોને કારખાનામાં સાથે લઈ જવાની ફરજ પડે છે. “વર્ષોથી મોટી ફેક્ટરીઓમાં બાળ મજૂરીના કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો હોવા છતાં, હજુ પણ અસંગઠિત ક્ષેત્રોમાં બાળકો કામ કરે છે. ફેક્ટરીના માલિકો ૧૪ વર્ષથી વધુ ઉંમરના કિશોરોને પણ રોજગારી આપે છે કારણ કે તેઓને બિન-જોખમી ક્ષેત્રોમાં કામ કરવા દેવાની કાયદો મંજૂરી આપે છે. હકીકત એ છે કે આ કિશોરો જ્યાં કામ કરતા હોય છે ત્યાં પરિસ્થિતિઓ ખૂબ જ જોખમી હોય છે.” મંજુલા દેવી (૩૬) ફટાકડા ઉદ્યોગમાં ૧૭ વર્ષથી કામ કરે છે. તેણે શરૂઆત કરી ત્યારે તે માત્ર ૧૯ વર્ષની હતી. તેણીને ક્યારેય તાલીમ આપવામાં આવી ન હતી. તે અન્ય લોકોને કામ કરતા જોઈને જ શીખી હતી. “જ્યારે મેં શરૂઆતમાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે તે ખૂબ જ બોજા રૂપ હતું. અમે દરરોજ વધારાના કલાકો, વધારાના કોઇ વેતન વિના કામ કરતા. દિવસના અંતે અમારા હાથ પર ઘસરકા પડી જતા.” વર્ષો વીતતાં મારા કામનું ભારણ ઘટ્યું છે ખરું, પરંતુ તે એટલા માટે કારણ કે હવે હું એક મોટી ફેક્ટરીમાં કામ કરું છું અને તેઓ તમામ નિયમોનું પાલન કરે છે. પણ બીજા કારખાનાઓમાં એવું હોતું નથી. જો કે, હજુ પણ અમને અમારા પગારથી સંતોષ કે આનંદ નથી. વર્ષોથી એવું જ છે. મારા પતિ અને હું સાથે મળીને કામ કરીએ છીએ અને રોજના લગભગ 800 રૂપિયા કમાઈએ છીએ,” તેણેએ કહ્યું.
તેણે વર્ષો પહેલા જોયેલા એક અકસ્માતને પણ યાદ કર્યો. “હું એક ઘર પાસેથી પસાર થઇ રહી હતી, જ્યાં લોકો ફટાકડા બનાવતા હતા અને અચાનક ઘરમાં આગ લાગી અને ઘર સળગી ગયું, આસપાસ બધે ઇંટો અને કાટમાળ વીખેરાઇ ગયો. ઘરની અંદર રહેલા તમામ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.” તે દ્રશ્યની મારા પર ભારે અસર થઇ. આજે પણ પીડિતોના પરિવારો જીવન જીવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. સરકારે કેટલાકને વળતરનું વચન આપ્યું હતું, પરંતુ દરેકને તે આપવામાં આવ્યું ન હતું.”
ઓછું વેતન, મદ્યપાન, જાતીય સતામણી
આ ફેક્ટરીઓમાં મહિલાઓને જે સમસ્યાઓનો સામનો કરવો પડે છે તે વિશે બોલતા તેણે કહ્યું, “અમારી પાસે બાથરૂમની સુવિધા નથી. તે એક મોટી સમસ્યા છે. અમે અહીં સવારથી સાંજ સુધી કામ કરીએ છીએ અને મહિલાઓ માટે તે ખરેખર મુશ્કેલ બની જાય છે. અમારી પાસે પાણીની સુવિધા પણ નથી. અમે અત્યંત ગરમ સ્થિતિમાં કામ કરીએ છીએ, પરંતુ અમને પાણી પણ પૂરું પાડવામાં આવતું નથી. અહીંની ઘણી બધી સ્ત્રીઓ વારંવાર ડિહાઇડ્રેટ થઈ જાય છે.” ફેક્ટરીઓમાં મહિલાઓને જે અન્ય સમસ્યાનો સામનો કરવો પડે છે તે છે જાતીય સતામણી. “મદ્યપાન અહીં એક મોટી સમસ્યા છે. કાયદો ચોક્કસ સમય સુધી જ દારૂના વેચાણની મંજૂરી આપે છે. તેમ છતાં, કોઈ પણ નિયમોનું પાલન કરતું નથી. “પુરુષો વહેલી સવારે પીવાનું શરૂ કરે છે, અને તેમાંથી ઘણા નશામાં કામ પર જાય છે. મહિલાઓ નિયમિતપણે કાર્યસ્થળો પર નશામાં ધૂત પુરુષો દ્વારા ઉત્પીડનની ફરિયાદ કરે છે. એકવાર તેઓ લાંબા, તણાવપૂર્ણ કામના કલાકો પછી ઘરે જાય છે, ત્યારે તેમના પતિ નશામાં ઘરે આવે છે અને તેમને મારપીટ કરે છે. અહીં વર્ષોથી આ એક પેટર્ન છે.”
વધુમાં, મદ્યપાન સાથે અન્ય પડકારો પણ આવે છે. જો વ્યક્તિ શાંત હોય, તો પણ આવી જોખમી પરિસ્થિતિઓમાં કામ કરવું અત્યંત જોખમી છે, ત્યારે નશો કરેલા કામદારો સલામતી પ્રક્રિયાઓને યોગ્ય રીતે અનુસરી શકતા નથી. તેના કારણે ઘણા અકસ્માતો થાય છે. આ વિશે કંઈક કરવાની જરૂર છે,”
કરુપ્પુસામીએ કહ્યું, જેઓ તેમના ગામના સરપંચ પણ છે. ઓછા પગાર વિશે બોલતાં, અન્ય એક કામદાર ઇશ્વરને કહ્યું, ” હું હવે ખુશ છું કે પગાર ચૂકવણી નિયમિતપણે આવી રહી છે કારણ કે તમામ વ્યવહારો ઓનલાઈન છે. અગાઉ અમારો પગાર રોકડમાં મેળવવા માટે કતારોમાં રાહ જોવી પડતી હતી અને તે ક્યારેય સમયસર થતો નહીં. અમારે દિવસો અને અઠવાડિયા સુધી પણ રાહ જોવી પડતી હતી. “ઓનલાઈન ચૂકવણી મદદરૂપ થઈ છે, પરંતુ અમને હજી પણ રકમ તો તેટલી જ મળે છે. આટલા વર્ષોમાં તેમાં સહેજ પણ બદલાવ આવ્યો નથી. અમને હજુ પણ રોજના માત્ર ૪૦૦ રૂપિયા મળે છે.”
ઇશ્વરનના કારખાનામાં લગભગ ૧૫૦ લોકો કામ કરે છે અને તેમાંના મોટાભાગના પરિવારો પેઢીઓથી આ ઉદ્યોગમાં છે, તેથી તેઓ આટલું જ જોઈને મોટા થયા છે. પરંતુ આગામી પેઢી માટે તેઓ થોડા વધુ આશાવાદી દેખાઈ રહ્યા છે. વધુને વધુ કામદારો તેમના બાળકોને શાળાએ મોકલવાનું અને તેમની સાથે કામ કરવા માટે ન લઈ જવાના મહત્વને જોવા લાગ્યા છે. ઈશ્વરને કહ્યું, “મારા બધા બાળકો હવે શાળાએ જઈ રહ્યા છે. અમે શક્ય હોય ત્યાં સુધી તેમને મોકલીશું, પરંતુ મને ખબર નથી કે સંજોગો અમને તેમને અમારી સાથે કામ કરવા લઇ જવા માટે દબાણ કરશે કે કેમ. “વર્ષોથી પગાર વધ્યો નથી, જ્યારે ચીજવસ્તુઓના ભાવમાં તીવ્ર વધારો થઈ રહ્યો છે. તેઓ અમને કોઈ સલામતીના સાધન પણ આપતા નથી. અમને તે જાતે ખરીદવા માટે કહેવામાં આવે છે, પરંતુ અમને તે બધું કેવી રીતે પરવડી શકે? અમે માંડ માંડ અમારૂં પૂરૂં કરી શકીએ છીએ.”
તેમણે ઉમેર્યું, “અમે ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરીએ છીએ, ખાસ કરીને અસ્થમા. મારા કાકાનું થોડા વર્ષો પહેલા ફેફસાંની ગંભીર બીમારીને કારણે મૃત્યુ થયું હતું. તેણે આખી જિંદગી ફટાકડાની ફેક્ટરીમાં કામ કર્યું હતું અને સતત હાનિકારક રસાયણોના સંપર્કમાં રહ્યા હતા. આખરે તેમના ફેફસાંને નુકસાન થયું હતું અને તે મૃત્યુ પામ્યા.” માત્ર મોટી ફેક્ટરીઓ કર્મચારી રાજ્ય વીમા યોજના (ESIS) માટે ચૂકવણી કરે છે. અમે નાની ફેક્ટરીઓમાં કામ કરતા હોવાથી અમને તે લાભ મળતા નથી. અમે તેટલા જ જોખમોનો સામનો કરીએ છીએ અથવા તેનાથી પણ વધુ, પરંતુ અમારે સરકારી હોસ્પિટલોમાં જવું પડશે, જ્યાં તેઓ કાળજી લેતા નથી અથવા ખાનગી હોસ્પિટલોમાં જવું પડશે જે અમને પરવડી શકે તેમ હોતું નથી. “હવે દિવાળી નજીક આવી રહી છે, જે અમારી અતિ વ્યસ્ત સિઝન છે. અમારા પર કામનું ખૂબ દબાણ છે. અમારે દરરોજ લગભગ 1,000 ફ્ટાકડાઓ બનાવવા પડે છે, કોઠીથી માંડી રોકેટ, તમામ પ્રકારના અને કદના ફટાકડા બનાવવા પડે. અમે સવારે 6 વાગ્યે શરૂ કરીએ છીએ અને સાંજે લગભગ 6 વાગ્યા સુધી કામ કરીએ છીએ. દિવાળી દરમિયાન, ફેક્ટરીઓ એક મહિના માટે બંધ રહે છે. તે પછી તરત જ, અમે ફરીથી ઉત્પાદનની પ્રક્રિયા શરૂ કરીએ છીએ. તે આખું વર્ષ પ્રક્રિયા છે.”
બેરિયમ પ્રતિબંધ
2018માં, સુપ્રિમ કોર્ટે એક આદેશ પસાર કર્યો હતો, જેમાં ફટાકડાના ઉત્પાદનમાં બેરિયમના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો અને એકમોને ફક્ત લીલા ફટાકડા બનાવવાનો આદેશ આપ્યો હતો. 2019 માં, ઉત્પાદકો ગ્રીન ક્રેકર્સ માટે કોઈ ફોર્મ્યુલા મેળવી શક્યા નહી અને જ્યારે તેમને એ મળી, ત્યારે કાચો માલ ઓછા જથ્થામાં ખરીદવામાં આવ્યો જેને કારણે વેચાણ પર અસર પડી. પછી ૨૦૨૦માં, કોવિડ ફેલાયો અને ચાર રાજ્યોએ ફટાકડાના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો. સુપ્રિમ કોર્ટના આદેશની 2021માં પુનઃ પુષ્ટિ કરવામાં આવી. આ તમામ પરિબળો ભેગા થવાથી શીવાકાશી શહેર મુશ્કેલીમાં મુકાયું. ઘણા માલિકોએ પ્રતિબંધ હટાવવાની વિનંતી કરી છે. જ્યારે કેટલીક મોટી ફેક્ટરીઓએ ગ્રીન ફટાકડાનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું છે.
સ્થાનિક સૂત્રો કહે છે કે બેરિયમ ફટાકડાનું ઉત્પાદન હજુ પણ નાની ફેક્ટરીઓ અને ઘરના એકમોમાં થઇ રહ્યું છે. તેઓએ આરોપ લગાવ્યો કે ઘણી જગ્યાએ પોલીસ આડું ભાળી જાય છે. કરુપ્પુસામીએ આક્ષેપ કર્યો હતો કે, “ઘર એકમો દરેક જગ્યાએ કામ કરી રહ્યા છે. આ બધું પોલીસના સમર્થનથી કરવામાં આવે છે. પરંતુ લોકો બીજું શું કરી શકે? રોજગારનો વૈકલ્પિક સ્ત્રોત પહેલાં આપ્યા વિના તમે પ્રતિબંધ કેવી રીતે લાદી શકો?” હા, તે પર્યાવરણ માટે સારૂં છે, પરંતુ અમે શું કરીએ? અમારા લોકો વર્ષોથી આ ધંધો કરે છે. તેઓ રાતોરાત બીજા વ્યવસાયમાં કૂદી શકે નહી. બીજા વ્યવસાયમાં એટલી બધી નોકરીઓ ઉપલબ્ધ નથી અને જો હોય તો પણ, તે કેવી રીતે મેળવવી તે અમે જાણતા નથી.”
કોવિડ પહેલાં લગભગ નવ લાખ લોકો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ઉદ્યોગમાં કામ કરતા હતા. ૬.૫ લાખથી વધુ પરિવારો તેમની આજીવિકા માટે ફટાકડા ઉદ્યોગ પર નિર્ભર હતા. પરંતુ કોવિડના તેમજ ફટાકડાના ઉત્પાદન એકમો પરના પ્રતિબંધને કારણે હવે આ સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને એ કારણે આ ઉદ્યોગ મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. આ બંને પરિબળોએ ફટાકડાની ખરીદીને ૨૦૧૮માં ૮૦ ટકાથી ૨૦૨૦માં ૬૦ટકા સુધી નીચે લઇ જવામાં મોટી ભૂમિકા ભજવી છે. 2021માં પણ ફટાકડાની ખરીદી માત્ર 60 ટકા હતી. શહેરભરના ઉત્પાદકો પ્રતિબંધને ગેરવાજબી ગણાવી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે કે અન્ય કેટલાય ઉદ્યોગો છે જે પ્રદૂષણ ફેલાવે છે પરંતુ તેના વિશે કોઈ વાત કરતું નથી. ઘણાને લાગે છે કે તેમના ઉદ્યોગને અલગ પાડવામાં આવી રહ્યો છે અને તેની પાછળ કદાચ રાજકીય એજન્ડા છે.
ઉત્પાદકો દાવો કરે છે કે જો પ્રતિબંધ ચાલુ રહે અને જો દિવાળી દરમિયાન વેચાણ નહીં થાય તો શહેરમાં ફટાકડા ઉદ્યોગના ૪૦ ટકાથી વધુ એકમો કાયમી ધોરણે બંધ થઈ જશે. જો કે, કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ અનુસાર, ઉદ્યોગની સૌથી મોટી તાકાત સમયને અનુરૂપ પોતાની જાતને અનુકુળ કરવાની છે અને આશા છે કે તેઓ ગ્રીન ફટાકડાનું ઉત્પાદન કરી શકશે. શીવાકાશીમાં કામ કરતી એનજીઓ મોટાભાગે સલામતીના પગલાં વિશે જાગૃતિ લાવવામાં અને પરિવારોને તેમના બાળકોને ફેક્ટરીમાં લઈ જવાને બદલે શાળાએ મોકલવા માટે પ્રોત્સાહિત કરવામાં સામેલ છે. આરોગ્યસંભાળ સુવિધાઓ વિશે બોલતાં, કરુપ્પુસામીએ જણાવ્યું હતું કે, “ફટાકડા ઉદ્યોગમાં કામ કરવાને કારણે થતા અકસ્માતો અને અન્ય આરોગ્ય સમસ્યાઓ નીવારવા સરકારે ઘણા પગલાં લીધાં છે. જો કે, આ સેવાઓ ફક્ત જેમની પાસે લાઇસન્સ છે તેવી મોટી ફેક્ટરીઓમાં કામ કરતા કામદારો પુરતી મર્યાદિત છે. અસંગઠિત ક્ષેત્રના કામદારો આમાંથી કોઈપણ લાભ મેળવી શકતા નથી.”
(સપ્ટેમ્બર, ૨૦૨૨માં બ્લેસી મેથ્યુ પ્રસાદના “ધ સીટીઝન ” માં પ્રકાશિત લેખને આધારે)
શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું: jagdish.jb@gmail.com || M – +91 9426486855
-
રાષ્ટ્રીય ભાવનાથી સભર મહાકાવ્ય
નિત નવા વંટોળ
પ્રીતિ સેનગુપ્તા
એક દેશ જ્યારે એક ખંડ જેટલો મોટો હતો, અને એનાં અગિયારેક રાજ્યો પર એકચક્રી શાસન કરતો હતો ત્યારની વાત છે. એ દેશ ત્યારે સોવિયેત યુનિયન કહેવાતો હતો. સોવિયેત સરકાર આ રાજ્યોની વિભિન્ન પ્રજામાં રહેલી રાષ્ટ્રીયતઞની કટ્ટર વિરોધી હતી, અને ત્યાંની ભાષાઓ, રીત-રિવાજો વગેરે પર બને તેટલું નિયંત્રણ મૂકવા પ્રયત્નશીલ રહી હતી. ૧૯૯૧માં એની સામ્યવાદી બાંધણી પડી ભાંગી, અને લગભગ રાતોરાત બધાં રાજ્યો સ્વતંત્ર દેશો બની ગયાં.
૧૯૩૦થી ૧૯૬૦ના સમય દરમ્યાન એ રાજ્યોનાં ઈતિહાસ તથા સંસ્કૃતિને ત્યાંની શાળાઓના અભ્યાસક્રમમાંથી ક્યાંતો કાઢી નાખવામાં આવેલાં, અથવા તો એમનું અર્થઘટન મન ફાવે તેમ કરવામાં આવેલું. કિર્ગિઝસ્તાનમાં આવી જ હાલત થયેલી. રાષ્રીય ભાવનાથી સભર એમની એક લોકકથાના જાહેર ઉલ્લેખ પર પણ પ્રતિબંધ રહેલો, અને એની રજુઆત કરવા અંગેની વિનંતી સોવિએત સરકાર ડ્યારેય માન્ય રાખતી નહતી. આ છતાં કિર્ગિઝ પ્રજામાં પોતાનો સાંસ્કૃતિક વારસો ટકી રહ્યો. એ લોકકથાનો પ્રચાર મૌખિક રીતે થતો જ રહ્યો. નાના નાના ઘરેલુ મેળાવડાઓમાં એમાંની વાતીઓ કહેવાતી રહી, લોકો એમાંનાં અનેક ગીતો શીખીને ગાતા રહ્યા. દરેક પ્રજાજન માટે જાણે એ રાષ્ટ્રીય જવાબદારી હતી કે આ લોક-વારસો પોતાનાં સંતાનો સુધી પહોંચતો જ રહે. આ કિર્ગિઝ લોકકથા “મનસનું મહાકાવ્ય” તરીકે ઓળખાય છે.એમાંનો નાયક મનસ કેવળ એક પરાક્રમી પુરુષ જ નથી, પણ લોક-માનસમાં અમર થઈ ગયેલો વીર-નર છે. ખરેખર તો આ મનસ એક કાલ્પનિક પાત્ર છે, પણ ના શૌર્યની તથા એકતા માટેના એના પ્રયત્નોની કથાઓ પ્રજાના ચિત્તમાં પ્રમાણભૂત ઈતિહાસનું સ્વરૂપ લઈને વસી ગયેલી છે. હવે તો એ કથાનકનું મૂલ્ય ઘણું વધી ગયું છે, ને કિર્ગિઝ પ્રજાના જીવનની અને આચાર-વિચારની આધાર-શિલા ગણાય છે. સદીઓથી આ મહાકાવ્ય કિર્ગિઝ પ્રજાનાં ગૌરવ, મનોબળ અને આશાનું પ્રતીક રહ્યું છે. આ મુસ્લિમ પ્રજા મનસ સાથે ગાઢ આત્મીયતા અનુભવે છે. કારણ એ કે મનસ મુસ્લિમ હતો,
અને એને લીધે જ ઈસ્લામ બધે પ્રસયૌ હતો. કિર્ગિઝ સ્ત્રીઓને પણ આ મહા-કથા પ્રિય છે, કારણકે એમાં સ્ત્રીઓ બુદ્ધિ, ડહાપણ, હિંમત અને મનોબળવાળી નિરૂપાઈ છે – ખાસ કરીને મનસની પત્ની. અસંખ્ય કિર્ગિઝ પ્રજાજનો માટે મનસ દેશની ભૂમિ માટેના પ્રેમનું, મુક્તિનું, રાષ્ટ્રીય સ્વાતંત્ર્યનું અને વિભિન્ન કિર્ગિઝ લોકજાતિઓના ઐક્યનું ઉજ્જ્વળ પ્રતીક છે. ઉપરાંત, આ મહાકાવ્ય તે પ્રદેશનાં રિવાજ, પ્રથાઓ, કલ્પનો વગેરેથી ભરપુર છે.એમાં સત્ય ઘટનાઓ અને લોક-વાયકાનો સમન્વય છે, પણ એ ફ્યારે લખાયું અને કઈ સાચી બિનાઓનું પ્રતિબિંબ પાડે છે, તે નક્કી થઈ શક્યું નથી. અમુક અભ્યાસીઓ માનવા પ્રેરાયા છે કે એ નવમીથી ઓગણીસમી સદીની ઘટનાઓને સમાવી લે છે. તો અન્યો એનું મૂળ ઈ.પૂ.ની સદીઓમાં મૂકે છે. એ બધા એમ માને છે કે આર્યોના પૌરાણિક કથાનકમાં, જ્યાં મનુ પ્રથમ માનવ તરીકે ઉપસ્થિત થાય છે, તેના પર “મનસ મહાકાવ્ય” આધારિત છે.અલબત્ત, એની રજુઆત સ્થાનિક તાણા-વાણાથી સજ્જ થયેલી છે. નવમી સદીમાં લખાયેલા ચીની સંદર્ભોમાં વર્ણવ્યા પ્રમાણે કિર્ગિઝ લોકો લાલાશ પડતા વાળ, શ્વેત વર્ણ, અને નીલી આંખો ધરાવતા હતા. આમાંથી આર્યોની મુખાકૃતિનું સૂચન મળે છે. આ શક્ય એથી લાગે છે કે જો આર્ય કહેવાતો લોકગણ છેક ઉત્તરેથી શર્ કરીને દક્ષિણે સિંધુ નદી સુધી આવ્યો હોય તો એના પથમાં કિર્ગિઝનો પહાડી પ્રદેશ આવે જરૂર. મનસ નામ મનુ પરથી આવ્યું હોય તેમ પણ બને. એ કઈ રીતે પડ્યું એનો ઉલ્લેખ મહાકાવ્યમાં છે. એમાં જણાવ્યું છે કે એક વૃદ્ધ ચિંતક સાધુએ મનસના નામના અક્ષરો
કાળજીપૂર્વક પસંદ કરેલા. એ પ્રમાણે મહમ્મદના પવિત્ર નામ પરથી પહેલો અક્ષર લેવાયો. પેગંબર માટેનું એક નામ “નબિ” છે, જે પરથી બીજો અક્ષર લેવાયો, ને અંતે છેલ્લો સિંહ પરથી મેળવેલો અક્ષર. આ રીતે નામ બન્યું બધાં ઉત્તમ તત્ત્વોને સૂચિત કરતું નામ “મનસ”.ઇલિયાડ, ઓડિસી, ગિલ્ગામેશ, મહાભારત ઇત્યાદિની જેમ આ કિર્ગિઝ મહાકાવ્ય આખા જગતમાં ખ્યાતનામ નથી થયું, પણ અભ્યાસીઓ એને સૌથી વધારે લાંબું ગણે છે. ઇલિયાડ અને ઓડિસીને ભેગાં કરો તોયે અટ્ટાવીસ હજાર જેટલી જ લીટીઓ થાય; મહાભારતમાં કુલ એક લાખ જેટલા શ્લોક છે, જ્યારે મનસના મહાકાવ્યની સંપૂર્ણ લંબાઈ દસ લાખથી પણ વધારે પફિતિઓની ગણાઈ છે. અત્યારે એની જે આવૃત્તિ સૌથી વધારે વંચાય છે તેમાં પણ પાંચેક લાખથી વધારે પંફિતઓ છે. વળી, હજારેક વર્ષથી તો એ મૌખિક રીતે પ્રજામાં પ્રસરતું રહ્યું છે. છેક ઓગણીસમી સદીમાં એના મહત્ત્વના અંશ પહેલવહેલી વાર અક્ષરસ્થ થયા.અત્યારે તો એના ત્રણ મુખ્ય વિભાગ- મનસ (નાયક), સેમેતી (પુત્ર), સીતેક (પૌત્ર)-ની પાંસઠેક પ્રતો તૈયાર થઈ છે, ને ધ્વનિમુદ્રણ પણ થયું છે. પ્રકથાઓથી બનેલા ગૌણ અંશો પણ કથાકારો દ્વારા વંચાયા છે. આ કથાકારો “મનસ્કી” તરીકે ઓળખાય છે. આ મહાકાવ્યને જીવંત, લોક-જીભ પર અને લોક-પ્રિય રાખવા માટે એ બધા જ જવાબદાર ગણાય. એમણે જ તો મનસનાં ગુણગાન કરીને તથા એના શૌર્યનાં ગાણાં ગાઈ ગાઈને કથામાં પ્રાણ પયી. એમ કહેવાય છે કે આવા સૌ પ્રથમ કથાકાર મનસના ચાલીસ સહ-યોદ્ધાઓમાંના એક હતા. પોતાના વીર મિત્રના મૃત્યુનો શોક એ મનસ વિષેનાં ગીતો ગાઈ ગાઈને વ્યકત કરતા રહ્યા હતા. એ પછી પેઢી દર પેઢી એ વારસો અપાતો રહ્યો, અને વિભિન્ન કથાકારો ગીતિને પોતપોતાનો આગવો સ્પર્શ, આગવું અર્થઘટન આપતા રહ્યા. આ રીતે બહુવિધ રજુઆતો, સમજુતીઓ અને પ્રતો સર્જાતી ગઈ.
આવાં “મનસ્કી” કથાકાર સ્ત્રી-પુરુષો માટે મહાકાવ્યને રજુ કરવાની આ પ્રવૃત્તિ લગભગ આધ્યાત્મિક સ્તરની હોય છે. એક સ્ત્રી-કથાકારે કહ્યું છે કે આ વ્યવસાયમાં જોડાવાનું ‘આમંત્રણ’ એને સ્વપ્નમાં મળ્યું હતું. પછી તો એ પોતાનું ગામ છોડીને નીકળી પડી, મનસ દ્વારા જાણીતાં થયેલાં સ્થાનો એણે જોયાં, અને એ એક જાણીતી મનસ્કી બની. આ પ્રસ્તુતિ ગામડાંમાં જ નહીં, પણ શહેરોમાં પણ ચાલુ રહે છે. એની અસરકારકતા એવી હોય છે કે પરાકાષ્ઠાના પ્રસંગો વર્ણવાતા હોય ત્યારે પ્રેક્ષકો ભાવમય થઈને આંસુ સારવા પણ લાગે છે.મહાકાવ્યના નાયક મનસનું જીવન-કાર્ય હતું પ્રજામાં એકતા અને આત્મીયતા લાવવાનું, અને એવી દુનિયા ઘડવાનું જેમાં દરેક વ્યફ્તિનું ભવિષ્ય ઉજ્જવળ હોય. તેથી આજે પણ આ મહાકાવ્ય દ્વારા કિર્ગિઝ પ્રજા આ સંદેશો પૃથ્વી પરની સર્વ પ્રજામાં પ્રસરે એવું ઈચ્છે છે.
સુશ્રી પ્રીતિ સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે
નોંધ: સાંદર્ભિક ચિત્રો નેટ પરથી સાભાર -
ઐસે જીવન ભી હૈ જો જિયે હી નહીં, જિનકો જિને સે પહલે હી મૌત આ ગઈ
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
ફિલ્મ ‘થ્રી ઈડિયટ્સ’નું જૉય લોબો નામના વિદ્યાર્થીનું પાત્ર તેના કરુણાંતને કારણે સાવ ટૂંકું હોવા છતાં ઊંડી છાપ છોડી જાય છે. હેલિકોપ્ટરના એક પ્રોજેક્ટ પર કામ કરી રહેલા જૉયને પિતાજીની બિમારીને કારણે પ્રોજેક્ટ સબમિટ કરાવવામાં વિલંબ થાય છે. આટલું ઓછું હોય એમ કૉલેજના વડા આ પ્રોજેક્ટ નિષ્ફળ જશે એમ કહીને તેને હતોત્સાહ કરે છે અને જણાવે છે કે તે પરીક્ષા પસાર નહીં કરી શકે. આઘાતને કારણે જૉય હોસ્ટેલની પોતાની રૂમમાં દોરડે લટકી જાય છે. તેણે ફેંકી દીધેલા હેલિકોપ્ટરને કાર્યાન્વિત કરીને, તેની પર કેમેરા લગાવીને તેના મિત્રો જૉયને સુખદ આશ્ચર્ય આપવા માટે તેના રૂમની બારી પાસે એ લઈ જાય છે. નીચે કેમેરામાં દૃશ્ય જોઈ રહેલા સૌને આશ્ચર્યને બદલે આઘાત લાગે છે, કેમ કે, એ કેમેરામાં જૉયની લટકતી લાશ જોવા મળે છે. સૌ તેના રૂમમાં ધસી જાય છે અને જુએ છે કે દિવાલ પર લખાણ છે: ‘આઈ ક્વિટ.’ (હું હાર માની લઉં છું)
આ દૃશ્ય ભલે ફિલ્મનું હોય, પણ તેના થકી ઉજાગર થતી પરિસ્થિતિની ગંભીરતા વાસ્તવિક છે. વિદ્યાર્થીઓ પર પરીક્ષામાં સારો દેખાવ કરવાનું દબાણ હદબહાર વધી જાય ત્યારે આવી પરિસ્થિતિ પેદા થતી હોય છે. કમનસીબે આપણી શિક્ષણપદ્ધતિ સ્પર્ધાકેન્દ્રી અને ગુણકેન્દ્રી જ રહી છે, જે આવી તાણયુક્ત પરિસ્થિતિની જનક છે.
ડિસેમ્બર, ૨૦૨૨માં ત્રણ અલગ અલગ બનાવોમાં રાજસ્થાનના કોટામાં ત્રણ વિદ્યાર્થીઓ અંકુશ આનંદ, ઉજ્જ્વલ કુમાર અને પ્રણવ વર્માએ આત્મહત્યા કરી. સોળ-સત્તર વર્ષના આ છોકરાઓએ હજી તો જીવનનો માંડ આરંભ કર્યો હતો એમ કહી શકાય, પણ તેઓ જીવનને જાણેસમજે એ પહેલાં જ તેમણે જીવનનો અંત આણી દીધો. ત્રણ પૈકીના બે વિદ્યાર્થીઓ બિહારના અને એક મધ્ય પ્રદેશનો હતો. બે જણા જે.ઈ.ઈ. અને એક જણ એન.ઈ.ઈ.ટી.ની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે કોટા આવેલા. ત્રણમાંથી કોઈ પણ વિદ્યાર્થીએ આત્મહત્યાનું કારણ દર્શાવતી કોઈ નોંધ છોડી નથી, પણ એની ધારણા કરવી અઘરી નથી.
એક સમયે લઘુચિત્રશૈલી તેમજ હાથવણાટની સાડીઓ માટે જાણીતું કોટા આગળ જતાં આ વિસ્તારમાં નીકળતા કુદરતી પથ્થર ‘કોટા સ્ટોન’ને કારણે તેમજ ઉદ્યોગોને કારણે જાણીતું બન્યું. બેએક દાયકાથી આ શહેર સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનું શિક્ષણ આપતાં કેન્દ્રોને લઈને ‘કોટા ફેક્ટરી’ તરીકે ઓળખાતું થયું છે. એક અંદાજ મુજબ દર વરસે દોઢેક લાખ જેટલા વિદ્યાર્થીઓ કોટામાં ઊતરી પડે છે. તેમનો મુખ્ય આશય વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરીને તેમાં ઉત્તીર્ણ થવાનો હોય છે. પોતાના કે પરિવારજનના સ્વપ્નની પરિપૂર્તિ માટે ઘરથી દૂર વિપરીત વાતાવરણમાં રહેવું, સખત મહેનત, નિષ્ફળતાનો સતત ડર, તેની સાથે સંકળાયેલી શરમ અને અપરાધભાવ જેવી લાગણીઓ વિદ્યાર્થીઓને સતત તાણમાં રાખે છે. નિષ્ફળ જઈને ઘેર પાછા ફરવું જાણે કે સામાજિક નામોશી ગણાય છે. સતત પ્રેશર કૂકરમાં હોય એવી પરિસ્થિતિમાં આવો અંજામ દુ:ખદ અવશ્ય હોય, પણ અનપેક્ષિત કે અણધાર્યો નથી.
વાત કેવળ કોટામાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓની નથી. ‘નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો’ (એન.સી.આર.બી.)ના 2021ના આંકડા અનુસાર આત્મહત્યા કરતા વિદ્યાર્થીઓનું પ્રમાણ આ વર્ષે 4.5 ટકા જેટલું વધ્યું છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ, 1,834 વિદ્યાર્થીઓએ, મધ્ય પ્રદેશમાં 1,308 વિદ્યાર્થીઓએ તેમજ તમિલનાડુમાં 1,246 વિદ્યાર્થીઓએ મોત વહાલું કર્યું અને આ આંકડામાં છેલ્લા પાંચ વર્ષથી સતત વધારો થઈ રહ્યો છે.
આ સમસ્યા ચિંતાજનક છે, પણ તેના નિવારણ અંગે વિચારાતા ઊકેલ હાસ્યાસ્પદ કહી શકાય એવા છે. જેમ કે, બંગલૂરુની ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઑફ સાયન્સે પોતાના સંકુલની હોસ્ટેલની રૂમોમાં સિલીંગ પંખાને બદલીને દીવાલે જડેલા પંખા લગાવ્યા. કેમ? સિલીંગ પંખે લટકીને વિદ્યાર્થીઓ આપઘાત કરી ન શકે એટલે! આંધ્ર પ્રદેશના બૉર્ડ ઑફ ઈન્ટરમીડીયેટ એજ્યુકેશન દ્વારા વિદ્યાર્થીઓ પરનું દબાણ હળવું કરવા માટે યોગ અને શારિરીક કસરતના વર્ગ શરૂ કરાવ્યા. આ કટારમાં અનેક વખત લખવામાં આવે છે એમ, ગુમડાને કારણે આવતા તાવને મટાડવાના ઊપાયો કરવામાં આપણે માહેર છીએ. ગુમડાનો ઈલાજ કરવાનું આપણું નથી વલણ કે નથી વૃત્તિ.
નૂતન શિક્ષણનીતિમાં વિદ્યાર્થીઓ માટે સૂચવાયેલી જોગવાઈનો અમલ પૂરેપૂરો થાય એ પહેલાં તો કોને ખબર કેટલાય વિદ્યાર્થીઓનો એ ભોગ લેશે! શિક્ષણનું હવે આપણા દેશમાં જે હદે વ્યાપારીકરણ થયું છે એ વિશે ચિંતા કરવાનો કશો અર્થ નથી, કેમ કે, હવે વિદ્યાર્થીઓ વિદેશની રાહ પકડતા થઈ ગયા છે. અજાણ્યા ભૂખંડમાં, અજાણ્યા લોકો અને ભાષા તેમજ સંસ્કૃતિની વિપરીતતાઓ વેઠવા તેઓ તૈયાર હોય છે. એનો અર્થ એમ નથી કે વિદેશ જનારા સૌ કોઈ ઉચ્ચ શિક્ષણના હેતુથી ત્યાં જાય છે. ઘણા વિદ્યાર્થીઓ સમજે છે કે વિદેશમાં સંઘર્ષ પૂરેપૂરો કરવાનો છે, પણ સાથે તેમને એ આશા હોય છે કે એ સંઘર્ષનું ફળ તેમને અવશ્ય મળશે. જે દેશોમાં તેઓ સ્થાયી થવા જઈ રહ્યા છે એ દેશની મૂળભૂત શાસનપ્રણાલિ એવી તો હોય છે કે મૂળભૂત સુખસુવિધાઓ પ્રાપ્ત થઈ રહે. આપણા દેશમાં આ બાબતે ભારોભાર અનિશ્ચિતતા છે, બલકે અંધકાર જ જણાય છે.
આ સમસ્યા સાથે સીધેસીધા સંકળાયેલા લોકો- માબાપ, શિક્ષકો, શૈક્ષણિક સંસ્થાઓ, શૈક્ષણિક નીતિના ઘડનારાઓ પોતપોતાના સ્તરે વિચારે, સુયોગ્ય પગલાં વેળાસર લે એ જરૂરી છે. એ માટે આ સમસ્યાની ગંભીરતા મનમાં વસવી જોઈએ. એવું થતું હોય એવા અણસાર જણાતા તો નથી. ગુમડાના ઈલાજને બદલે ગુમડાનું ગૌરવ લેવાતું હોય એવા માહોલમાં પહેલ ક્યાંથી અને શી રીતે થશે એ સવાલ જ મૂંઝવનારો છે. ‘વો સુબહા કભી તો આયેગી’નો આશાવાદ કયા આધારે રાખવો?
(શિર્ષકપંક્તિ: ઈન્દીવર)
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૨ – ૦૧ – ૨૦૨૩ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
સાબુચોર કાગડો
વાર્તામેળો – ૫
પાવની શાહ
Varat Melo 5 – Saabuchor Kagdo
સંપર્ક : દર્શા કિકાણી – darsha.rajesh@gmail.com
-
(૧૧૫) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૬૧ (આંશિક ભાગ –૧)
દર–ખ઼ુર–એ–ક઼હર–ઓ–ગ઼જ઼બ જબ કોઈ હમ સા ન હુઆ
(શેર ૧ થી૩)
મિર્ઝા ગ઼ાલિબ
વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)દર–ખ઼ુર–એ–ક઼હર–ઓ–ગ઼જ઼બ જબ કોઈ હમ સા ન હુઆ
ફિર ગ઼લત ક્યા હૈ કિ હમ સા કોઈ પૈદા ન હુઆ (૧)[દર-ખ઼ુર-એ-ક઼હર-ઓ-ગ઼જ઼બ= ગુસ્સાના ભોગ થવું, કોઈનાથી આગબબુલાના કારણરૂપ બનવું]
રસદર્શન :
આ શેરમાંથી ગ઼ાલિબનો રમતિયાળ મિજાજ પ્રગટ થાય છે અને તેમાંથી સરસ મજાની રમૂજ પણ માણી શકાય છે. માણસ ઘણીવાર એવી હરકત કરી બેસે કે સામેવાળો તેના ઉપર ખૂબ જ ક્રોધિત થઈ જાય. અહીં ગ઼ાલિબ કહે છે મારા જેવો કોઈના ગુસ્સ્સાનો ભોગ બને તેવી ચેષ્ટા કરનારો કોઈ થયો જ ન હોય તો પછી મારે મારા વિષે એમ કહેવું કે મારા જેવો કોઈ પેદા થયો જ નથી તો તેમાં ખોટું શું છે! આ શેર કંઈ અમસ્તો લખાયો નહિ હોય, કેમ કે તેની પાછળ તેનો કોઈ અનુભવ હોવો જોઈએ. ગ઼ાલિબ અલ્લડ મિજાજના હતા અને ઘણીવાર મિત્રો સાથે, પોતાનાં બેગમ સાથે કે એવા કોઈ અન્યો સાથે એવું વર્તન કરી બેસતા કે જેથી જે તે વ્યક્તિ તેમના ઉપર આગબબુલા થઈ જાય. સામાન્ય રીતે આપણે કોઈની મજાક મશ્કરી કરતા હોઈએ ત્યારે તેના ગુસ્સાનો ભોગ બનવાની આપણી માનસિક તૈયારી હોવી જોઈએ અને તેના ગુસ્સાને હળવાશમાં લઈ લેવો જોઈએ. ગ઼ાલિબ આ શેરના બીજા મિસરામાં પેલા ગુસ્સો કરનારાઓને એવો રમૂજી જવાબ આપે છે કે એ લોકો હસી પડે અને તેમની વચ્ચે કોઈ કડવાહટ પેદા થતી નથી. અહીં બીજા મિસરાના ગ઼ાલિબના કથનથી આપણા ભાવકોમાં કોઈ ગેરસમજ પેદા ન થવી જોઈએ કે તેણે કોઈ ઘમંડની ભાવનાથી તેમ કહ્યું હોય કે ‘તેના જેવો કોઈ પેદા થયો નથી!’
બંદગી મેં ભી વો આજ઼ાદા ઓ ખ઼ુદ–બીં હૈં કિ હમ
ઉલ્ટે ફિર આએ દર–એ–કા‘બા અગર વા ન હુઆ (૨)[આજ઼ાદા= નિરંકુશ, આઝાદ; ખ઼ુદ-બીં= સ્વાભિમાની, ખુદ્દાર; દર-એ-કા’બા= કાબાનો દરવાજો; વા= ખોલેલો ન હોવો]
રસદર્શન :
ગ઼ઝલના આ શેરમાં પણ ગ઼ાલિબના અલ્લડ મિજાજનાં દર્શન થાય છે. પ્રથમ શેરમાં દુન્યવી કોઈ માણસો સાથેનો ગ઼ાલિબનો અલ્લડ મિજાજ સમજાય છે, પણ અહીં આ શેરમાં તો તે ઈશ્વર-અલ્લાહની બંદગી કે ભક્તિમાં પણ તે પોતાનું અલ્લડપણું બતાવે છે. ઈશ્વર-અલ્લાહના પ્યારા ભક્તો કે બંદાઓ ઘણીવાર એ સર્જનહાર સાથે પણ લડાયક મિજાજમાં ગુફ્તગૂ કરતા હોય છે. સુફી સંતો, જલાલી ફકીરો કે હઠધર્મી સાધુઓનો આવો જ મિજાજ હોય છે. અહીં ગ઼ાલિબ અલ્લાહની બંદગી કરવામાં પણ પોતાની જાતને આઝાદ અને ખુદ્દાર સમજે છે અને તેથી જ તો તે બિન્દાસપણે કહે છે કે અલ્લાહનું ઘર સમજવામાં આવતા કાબાના દરવાજા ખુલ્લા ન હોય તો પોતે વળતા પગલે પાછા ફરી જાય! કોઈ સામાન્ય બંદો હોય તો કાબાના દરવાજા ખૂલવાની રાહ જુએ, પણ અહીં ગ઼ાલિબનો મિજાજ તો તેમને એમ કરવાની ના ફરમાવે છે. પહેલા અને બીજા શેરમાં ગ઼ાલિબનો બેપરવાહ સ્વભાવ જાણવા મળતો હોવા છતાં આપણને એ તો સમજાય છે કે તેના જે તે વર્તનમાં કોઈ મિથ્યાભિમાન કે અહંકાર નહિ, પણ નિખાલસતા છે.
સબ કો મક઼્બૂલ હૈ દા‘વા તિરી યકતાઈ કા
રૂ–બ–રૂ કોઈ બુત–એ–આઇના–સીમા ન હુઆ (૩)[મક઼્બૂલ= કબૂલ, સ્વીકાર્ય; યકતાઈ= એકલા જ હોવાપણું, અદ્વિતીયતા; બુત-એ-આઇના-સીમા= ચાંદી જેવા ચમકદાર અરીસામાં દેખાતી મૂર્તિ]
રસદર્શન :
આ શેરને ઇશ્કે મિજાજી અને ઇશ્કે હકીકી એમ બેઉ રીતે સમજી શકાય છે. પહેલા મિસરામાંનો ‘તિરી’ એટલેકે ‘તારી’ શબ્દને માશૂકાને અનુલક્ષીને સમજવામાં આવે તો તે ‘ઇશ્કે મિજાજી’ શેર બની રહે અને એ જ શબ્દ ઈશ્વર માટે પ્રયોજાયેલો સમજવામાં આવે તો તે ‘ઇશ્કે હકીકી’ બને. વળી અહીં ‘યક્તાઈ’ શબ્દ પણ મહત્ત્વ ધરાવે છે, જેનો અર્થ ‘અજોડપણું’ અર્થાત્ ‘જેની બરાબરીમાં કોઈ ન આવે તેવું’ એમ છે. હવે આપણે પહેલા મિસરાને સમજીએ તો તેમાં કહેવાય છે કે ‘તારો અદ્વિતીયતાનો દાવો સૌ કોઈને કબૂલ-મંજૂર છે.’ હવે માશૂકા પોતે અદ્વિતીય હોવાનો દાવો કરતી હોય તો સમજાય છે તે પોતાના સૌંદર્ય વિષે જ એમ કહે છે. તેના આ દાવાને આંશિક રીતે એમ ખોટો પાડી શકાય કે અરીસામાં તો તારા જ જેવી અન્ય દેખાય છે તો તારો અદ્વિતીય હોવાનો દાવો ખોટો સાબિત થાય છે. પરંતુ આ દલીલનું ખંડન એ રીતે થઈ શકે અરીસામાં દેખાય છે તે તો તેનું પ્રતિબિંબ છે, જે આભાસી છે. આમ માશૂકાનો તે એકલી જ સૌંદર્યવાન હોવાનો દાવો યથાર્થ ઠરે છે.
હવે આ જ શેરને ‘ઈશ્વર-અલ્લાહ’ને લાગુ પાડીએ તો નિ:શંકપણે સમજી શકાય છે તેના અદ્વિતીય હોવાના દાવાને સૌ કોઈ કબૂલ-મંજૂર રાખે જ છે. બીજા મિસરામાં ઈશ્વરના એક હોવાની માન્યતાને દૃઢિભૂત કરવા પહેલાં ‘આઇના’ શબ્દપ્રયોગને સમજવો પડશે. કેટલાંક હિંદુ મંદિરોમાં મૂર્તિની પાછળ અરીસો રાખવામાં આવતો હોય છે. ગ઼ાલિબ હિંદુ ધર્મ અને હિંદુઓની ઈશ્વરને કરવામાં આવતી પૂજા-અર્ચનાની હકીકતથી પણ માહિતગાર છે અને તેથી આ બીજા મિસરામાં એવી દલીલ આપે છે કે ચાંદી જેવા ચમકદાર અરીસામાં દેખાતી મૂર્તિ પણ પોતાનું સ્થાન તજીને કોઈને રૂબરૂ દર્શન આપતી નથી અને તે તેની જગ્યાએ એકમેવ સ્વરૂપે સ્થિર રહે છે. આમ ગ઼ાલિબ પોતાની દુન્યવી માશૂકા કે સૌ કોઈનો સર્જનહાર એવો ઈશ્વર ઉભય એકમેવ હોવાના દાવાને સ્વીકારે છે. મંદિરોમાંના અરીસાઓમાં દેખાતાં મૂર્તિઓનાં પ્રતિબિંબો કે માશૂકાનું અરીસામાં તેનું પોતાનું દેખાતું પ્રતિબિંબ એ આભાસી હોઈ ઉભયના એકત્વને નકારી શકાય નહિ. આ શેરને હજુ વધુ સ્પષ્ટ રીતે સમજવો હોય તો એક તારણ કાઢવું પડે કે અરીસામાં દેખાતું કોઈપણ પ્રતિબિંબ એ આભાસી જ હોઈ તે મૂળની બરાબરીમાં આવી શકે નહિ, આમ જે તે ‘મૂળ’ને એકમેવ ગણવું પડે. આ માટે આપણે એક ઉદાહરણ લઈએ તો રાત્રિએ આકાશમાં દેખાતા એક જ ચંદ્રનાં પાણીથી ભરેલાં પાત્રોમાં અનેક પ્રતિબિંબો દેખાશે; પણ હકીકતે તો ચંદ્ર એક જ છે, બાકીનાં બધાં તો તેનાં પ્રતિબિંબો છે.
ઋણસ્વીકાર:
(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter
(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા
(૫) Courtesy : https://rekhta.org
(૬) Courtesy – urduwallahs.wordpress.com
(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in
(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ
* * *
શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:
ઈ મેઈલ – musawilliam@gmail.com ||મોબાઈલ : + 91-93279 55577
નેટજગતનું સરનામુઃ
William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) || વલદાનો વાર્તાવૈભવ | | માનવધર્મ – જીવો અને જીવવા દો | | હળવા મિજાજે
-
આર્થિક સમૃધ્ધ રાજ્યોમાં મજૂરીના દર નીચા કેમ ?
નિસબત
ચંદુ મહેરિયા
ખેત મજૂર જેવા અપમાનજનકને બદલે ખેત કામદાર કે કૃષિ શ્રમિક જેવો સન્માનજનક શબ્દ વાપરીએ કે તેથી આગળ વધીને જમીનવિહોણા ખેડૂત કહીએ પણ તેનાથી તેમની સ્થિતિમાં ઝાઝો ફેર પડતો નથી.આ પ્રકારના શબ્દપ્રયોગથી ના તો તેમના હાંડલામાં જરી મુઠ્ઠી ચોખા વધારે ઓરાય છે કે ના તો તેના કલાડે જારનો બટકુ રોટલો સેકાય છે. આઝાદીના અમૃત પર્વે દેશનો ખેત કામદાર અભાવો અને ગરીબીની દયનીય હાલતમાં જિંદગી બસર કરે છે તે વરવી વાસ્તવિકતા છે.
તાજેતરમાં પ્રકાશિત રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની એન્યુઅલ હેન્ડબુક ઓફ સ્ટેટિસ્ટિક્સ ઓન ઈન્ડિયન સ્ટેટ્સમાં દેશના વીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની આર્થિક ગતિવિધિઓની આંકડાકીય માહિતી મળે છે. ગત નાણાકીય વરસના આંકડા દર્શાવતી આ હાથપોથીમાં દેશના આર્થિક વિકાસ સાથે કામદારોને મળતી મજૂરીની વિગતો ચિંત્ય છે
હેન્ડબુકમાં જણાવેલા આંકડાનો સ્ત્રોત સરકારી અર્થાત કેન્દ્ર સરકારનું લેબર બ્યૂરો છે. એટલે સરકાર માટે તેને નકારવાનું શક્ય નથી.૧૯૫૧માં દેશમાં ૨.૭૫ કરોડ, ૨૦૦૧માં ૧૦.૬૭ કરોડ અને ૨૦૧૧માં ૧૪.૪૩ કરોડ ખેત કામદારો હતા. કોઈ કારણ નથી કે આજે તેમાં ઘટાડો થયો હોય. કુલ ગ્રામીણ વસ્તીમાં ૧૯૫૧માં કૃષિ શ્રમિકો ૩૨.૬ ટકા હતા તે ૨૦૧૧માં વધીને ૪૬ ટકા થયા હતા. ૧૯૫૧ થી ૨૦૧૧ના છ દાયકામાં દેશની ગ્રામીણ વસ્તીનો વૃધ્ધિ દર ૧.૮ ટકા હતો. પણ એ જ ગાળામાં કૃષિ શ્રમિકો ૨.૮ ટકાના દરે વધ્યા હતા. ખેડૂતો ઘટે અને ખેતમજૂરો વધે તેવો અદ્દભૂત કૃષિ વિકાસ આપણે સાધ્યો છે.
દેશમાં આર્થિક સમૃધ્ધિ આવી છે પણ તે ખેત કામદારોને વણસ્પર્શી રહી છે. ગયા વરસે ટચુકડુ રાજ્ય હરિયાણા માથાદીઠ આવકમાં દેશમાં મોખરે હતું. હરિયાણાની પ્રતિવ્યક્તિ વાર્ષિક આવક રૂ. ૨,૩૯,૫૩૫/- હતી. પરંતુ કૃષિ સમૃધ્ધ અને માથાદીઠ આવકમાં ટોચે હોવા છતાં હરિયાણાના કામદારોને તેનો લાભ મળ્યો નથી.માથાદીઠ આવકમાં મોખરો સાચવતું હરિયાણા મજૂરીના દરમાં મોખરે નથી. કેમ કે ત્યાં દૈનિક મજૂરી રૂ.૪૨૧/- છે.
ખેતકામદારોને સૌથી વધુ દૈનિક મજૂરી કેરળમાં મળે છે. ૨૦૨૧-૨૨માં ખેત મજૂરોના દૈનિક વેતનની રાષ્ટ્રીય સરેરાશ રૂ. ૩૨૩.૩૨ હતી. જ્યારે કેરળમાં ખેતકામદારોનો મજૂરી દર રોજનો રૂ. ૭૨૬.૮ હતો. નોંધપાત્ર બાબત એ છે કે દેશના ઘણા રાજ્યો કરતાં કેરળની માથાદીઠ આવક (વાર્ષિક રૂ. ૧,૯૪,૭૬૭/- ) ઓછી છે પણ કામદારોનું વેતન ઉંચુ નક્કી થયું છે.
૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં ૬૮.૩૯ લાખ ખેતકામદારો હતા. સપ્ટેમ્બર-૨૨ અંતિત દેશમાં ખેતકામદારોની સરેરાશ મજૂરી દૈનિક રૂ. ૩૪૪ હતી. ત્યારે ગુજરાતમા રૂ.૨૪૪ હતી. એટલે કે રાષ્ટ્રીય સરેરાશ કરતાં સો રૂપિયા ઓછા મળતા હતા. આ સમયે કેરળમાં રૂ. ૭૫૯ અને મધ્ય પ્રદેશમાં રૂ. ૨૩૦ મજૂરી હતી. ૨૦૨૧-૨૨માં બીજા ક્રમની માથાદીઠ આવક(રૂ. ૨,૧૩, ૯૩૬) ધરાવતા વિકસિત રાજ્ય ગુજરાતમાં મજૂરીના નીચા દર નવાઈ પમાડે છે.
આરબીઆઈની હેન્ડબુકમાં જે વીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ગ્રામીણ વસ્તીની રોજની મજૂરીનું મૂલ્યાંકન છે તેમાં અડધા રાજ્યોમાં રૂ. પાંચ સો કરતાં ઓછો રોજ મળે છે. ઓડિશા, બિહાર, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા કથિત બીમારુ રાજ્યોની જેમ જ ખેતી અને ઉધ્ધોગના ક્ષેત્રે વિકસિત ગણાતા ગુજરાત અને મહારાષ્ટ્ર પણ નીચા મજૂરી દરવાળા રાજ્યોમાં સમાવિષ્ટ છે.
ભૂમિહીન કૃષિ શ્રમિકોને આર્થિક રીતે વિકસિત રાજ્યોમાં પણ ઘણી ઓછી મજૂરી મળે છે તેના કારણો વિચારવા જેવા છે. ખેત કામદારોનો સમૂહ સંખ્યામાં ઘણો મોટો છે પરંતુ સંગઠિત નથી. તેથી ખેત માલિકો સાથેની તેમની સોદા શક્તિ સંગઠનના અભાવે નબળી છે. ભલે તેમને જમીનવિહોણા ખેડૂતો તરીકે નવાજાય પણ તેમનું જમીનવિહોણા હોવું તે જ તેમના દુ:ખનું મુખ્ય કારણ છે. તેઓ માટે રોજગારનું એકમાત્ર સાધન ખેતમજૂરી છે અને તે ખેતમાલિકો પર નિર્ભર છે એટલે જો તેઓ મજૂરી વધુ માંગે તો રોજી ગુમાવવી પડે અને સરવાળે ભૂખે મરવું પડે.
અર્થશાસ્ત્રનો માંગ અને પુરવઠાનો નિયમ પણ ખેતમજૂરીના દર નક્કી કરતો હોય છે. પંજાબમાં ખેતીના કામો(માંગ)ની સરખામણીમાં ખેતીકામ કરવા માંગતા લોકો(પુરવઠો) ઓછો છે એટલે વાવણી અને લણણીની મોસમમાં ત્યાં કામચલાઉ ધોરણે પણ ખેતમજૂરીના ઉંચા દર હોય છે. પરંતુ બિહાર અને ઓડિશામાં ખેતીના કામોની તુલનાએ ખેતકામદારોનું પ્રમાણ અનેકગણુ વધારે હોઈ ખેતીની સિઝનમાં પણ નીચા કે સામાન્ય દરે કામ કરવું પડે છે.
જેમની આવકનો અડધો કે તેથી વધુ હિસ્સો ખેતીના કામો પર આધારિત છે તેવા ખેત કામદારોના લમણે અલ્પ રોજગારી અને કાયમી બેરોજગારી લખાયેલી હોય છે. ખેતકામદારોમાં કેટલાક મોટા જમીનમાલિકોના કાયમી વેઠિયા હોય છે, તે થોડા આગોતરા નાણા મેળવી કાયમી ગુલામી વેઠે છે. તે દેવા અને વેઠના કાયમી શિકાર બનેલા હોય છે. કેટલાક ખેત મજૂરો કામચલાઉ ધોરણે એટલે ખેતીની મોસમમાં ખેતમજૂરી કરે છે તો કેટલાક ભાગિયા તરીકે કામ કરે છે પણ આ સૌના માટે ગરીબી અને અભાવો તો એક સરખા જ હોય છે.
કેરળના ખેતમજૂરોને સૌથી વધુ મજૂરી મળે છે તેનું કારણ ત્યાંની ડાબેરી ખેતકામદાર ચળવળો અને સંગઠનો છે. તેને કારણે કેરળની સરકાર અને સમાજ, બંને તેમનું શોષણ કરી શકતા નથી. આવું પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારો માટે પણ સાચુ છે.
દેશના આર્થિક સમૃધ્ધ રાજ્યો માટે જાણે ખેત મજૂરોની કોઈ વિસાત જ નથી. તે રાજ્યોની સરકારો જમીનમાલિકોની તરફદાર છે અને સમાજ સામંતી અને શોષક માનસિકતા ધરાવે છે. તેમણે આર્થિક સમૃધ્ધિ ખેતકામદારોના પરસેવાથી રળી છે.
ખેતકામદારોના શોષણ માટે સરકાર અને સમાજ બંને જવાબદાર છે. છેક ૧૯૪૮માં ભારત સરકારે લઘુતમ વેતન ધારો ઘડીને મજૂરીના દરો નક્કી કર્યા છે. પરંતુ તેનો અસરકારક અમલ અસંગઠિત ક્ષેત્રના મજૂરોની રોજી માટે થતો નથી. ખેતકામદારોને વૈકલ્પિક રોજગાર પૂરો પાડીને , જમીન સુધારાના કાયદાનો અમલ કરીને અને સરકારી પડતર જમીનોનું ભૂમિહીનોને વિતરણ કરીને પણ મજૂરીના નીચા દરનો ઉપાય શોધી શકાય.પરંતુ ખેતકામદારો જાણે કે સરકારોની પ્રાયારિટી જ નથી. કૃષિ સુધારા ને કૃષિ કલ્યાણની કોઈ પણ યોજનામાં સરકાર ખેતકામદારોને બાકાત રાખે છે. બિનકૃષિ કાર્યોમાં રોજગારનો અભાવ, શહેરોમાં સ્થળાંતર, ખેતીના કામોનું યાંત્રિકીકરણથી ઘટતો રોજગાર, જેવા કારણોથી પણ તેમની રોજીના દર નીચા છે. દુનિયાના મહેનતકશમાં સમાવિષ્ટ ખેતિહર મજદૂરની સંગઠનશક્તિ જ શાયદ તેમના દુ:ખદર્દ ફેડી શકશે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
માથે કોઇનો હાથ ના હોવાનો અહેસાસ કેવો કારમો હોય છે?
લ્યો, આ ચીંધી આંગળી
રજનીકુમાર પંડ્યા
(મારા બહુ નજીકના પરિચયના એક શ્રમજીવી અને વિધવા વૃદ્ધાનો એક જુવાન અને કોઇ કારખાનામાં મજૂરી કરતો અપરીણિત દિકરો દેશી દારુની લતે ચડી ગયો. શરૂઆતમાં એના બેહોશ થઇને પડી જવાના દરેક પ્રસંગે મારા એક જાણીતા અને સમભાવી ફિઝીશ્યન,મણિનગરના જવાહર ચોક નજીક, જલારામ પ્લાઝામાં આવેલા ‘રિધ્ધિ નર્સિંગ હોમ’ના ડૉ. અશોક પારેખ ( Mo.98981 84554 ) દ્વારા એની નિઃશુલ્ક સારવાર અનેક વાર કરાવવામાં આવી. પણ પછી મને જ સમજાયું કે હકીકતે આ કેસ ફિઝીશ્યન કરતાં પણ વધારે એક ચોક્કસ પ્રકારના મનોવિશેષજ્ઞનો છે. તેથી મેં નેટ ઉપર વ્યસનમુક્તિ કેન્દ્રોની તલાશ કરી અને એવી જ એક કોશિશમાં મને એક નવજુવાન પણ તેજસ્વી મનોચિકિત્સક ડૉ. કેવીન બી. પટેલનો ભેટો થયો. એમણે સારવારની કશી પણ ફી લીધા વગર એ ગરીબ માતાના પુત્રની સારવાર શરુ કરી દીધી, ને ચમત્કાર થયો ! થોડો સમય લાગ્યો પણ આજે એ છોકરો સદંતર વ્યસનમુકત છે ! ડૉ. કેવીન પટેલ, અલબત્ત વ્યવસાયી મનોચિકિત્સક જ છે પરંતુ એટલા જ માનવતાવાદી છે. હવે તો તેઓ નરોડા અને નવા વાડજ એમ બન્ને સ્થળે ક્લિનિક ચલાવે છે, જેનું નામ છે : Dr. K P’s Healthy Mind Clinic અને ફોન નંબર છે : 78789 94991 અને 88665 04991
આ નોંધને અને નીચેના ત્રીસ વર્ષ પહેલાંના પાત્રને કોઇ જ દેખીતો સંબંધ નથી પણ તેમ છતાં અહીં એને જોડવાનું કારણ એટલું જ કે મારા મનમાં એ સવાલ થયા કરે છે કે એ વખતે આ પાત્રને ડૉ. કેવીન પટેલ જેવા કોઇ નિપુણ અને સમભાવી મનોચિકિત્સક મળી ગયા હોત તો ?
લેખક)
“ગઈ કાલે આ છોકરાને કાઢી મૂક્યો છે. એના દીદાર જુઓ છો ને?”
ખરેખર તો કોઈ મિત્રને ત્યાં આવેલા મહેમાનને ધારી ધારીને જોયા ન કરાય. એમાં બહુ રસ પણ ન લેવાય. પણ યજમાને જ્યારે ખુદ સામે ચડીને કહ્યું ત્યારે મહીમ સોનીએ બરાબર નિરખીને એ છોકરા અરમાન સામે જોયું. કાઢી મૂકવો પડે એવું શું કર્યું હશે આ મડદાલ છોકરાએ? અગિયારનો ? ના, ના, ચૌદનો છે, પણ અગિયારનો લાગે છે એમ મિત્રે કહ્યું ત્યારે એ સાંભળીને છોકરો શરમાઈને નીચું જોઈ ગયો. પણ નજરની એટલી આપ-લેમાં પણ તીખી નજરના નિશાન મૂકતો ગયો.
‘‘કોણે કાઢી મૂક્યો ? એના મા-બાપે ?’‘
‘‘મા-બાપ નથી. મામાને ત્યાં રહેતો હતો, એ લોકોએ કાઢી મૂક્યો. મારે ત્યાં આવ્યો છે. હું એના ગુજરી ગયેલા બાપનો ઓળખીતો છું એટલે.”
આટલી વાતચીત દરમ્યાન છોકરો દૂર જઈને ઊભો રહ્યો. ને પગના અંગૂઠાથી જમીનને ખોતરી રહ્યો. મહીમ સોનીએ જોયું કે એના હોઠ ચડેલા હતા. અને એમાં ઠાંસી ઠાંસીને કડવાશ ભરી હતી. ચહેરો સૂકાયેલો, પણ કોમળ, કાળા ભમ્મર વાળના ઝુલ્ફાં હતાં. એના ઘેઘુરમાં કોઈ માતાની પાતળી આંગળીઓ ફરી હશે. બાપની બરછટ હથેળીનો સ્પર્શ પણ થયો જ હશે. અહીંયાં આમ પારકે ઘર, ત્રાહિત વ્યક્તિની સામે એની આવી ઓળખપરેડ ! એની માથેનું છત્ર કેવી રીતે અને ક્યારે ઉડી ગયું હશે ? જવાબ મેળવવા કોશીશ કરી, પણ નક્કર કશું હાથમાં આવ્યું નહીં. ઉલટાના એના પરના આરોપો સામે આવ્યા. એ જ્યાં રહેતો હતો, આશરો લેતો હતો ત્યાં ત્યાં ઝીણી મોટી ચોરીઓ કરતો હતો. આટલી નાનકડી વયમાં તમાકુનો બંધાણી થઈ ગયો હતો.
‘‘ખુદ પોતાના જ ઘરમાં આવો છોકરો પાક્યો હોય તો માણસ શું કરે ? કાઢી મૂકે ?’‘
એ સવાલનો જવાબ નહોતો. એટલું બોલ્યા: “જે નથી એની ધારણા કરીને દુઃખી શું કરવા થવું ?”
“ખેર!” મિત્રે કહ્યું. “હવે શું કરવું છે એનું ?”
“થાય છે કે…” એમણે કહ્યું : “મોટો થઈને એ છોકરો દુનિયાનો દુશ્મન બનીને આતંક મચાવે એ પહેલાં આપણે કોઈ સાઈક્રીયાટ્રીસ્ટને બતાવી જોઈએ. ખર્ચ હું ભોગવી લઇશ.”
સાઈક્રીયાટ્રીસ્ટ પાસે આ છોકરાને બન્ને મિત્રો લઈ ગયા. એમણે ચાર દિવસ પોતાના નર્સિંગ હોમમાં છોકરાને રાખ્યો.અતિશય ધીરજ અને સમભાવપૂર્વક છોકરાની પૂછતાછ કરી, તો એમાંથી છોકરાની જગત પ્રત્યેની ભયંકર દુશ્મનાવટ બહાર આવી. આ ચોરી એ કંઈ એની જરૂરત નહોતી. જગત પરની બદલાવૃત્તિનો જ છૂપો ઢંઢેરો હતો. તમાકુનું બંધાણ તો અસ્તવ્યસ્ત મનોદશાને ઠીકઠાક કરવાનો એક દયામણો પ્રયત્ન જ હતો. પણ ધીરે ધીરે દુનિયા પ્રત્યેની દુશ્મનાવટની ધાર તીણી થઈ રહી હતી. પછી તો ઉંમર વધશે એમ શારીરિક તાકાત વધશે, બુદ્ધિમાં પરિપક્વતા આવશે જે એને વધારે મોટા અપરાધ કેમ કરવા તેના પ્રપંચો શિખવાડશે. ધીરે ધીરે જાતીય વૃત્તિ પણ વિકસશે. એના જે વિસ્ફોટ પેદા થાય તે જુદો ગુન્હો કરાવશે. એટલે વધુ માર પડશે. વધુ સજા પડશે એટલે સ્પ્રીંગ ઉછળશે. નકરા નફરતના તેજાબના જ બડબડીયા બોલશે. એ જ્યાં હશે તેની આજુબાજુ હાહાકાર મચી જશે. એમાં ય જો કોઈ ટોળકીને હાથ ચડી ગયો તો એના વકરવાનો કોઈ પાર નહીં રહે.
આમ, અસલમાં તો એક કોરી સ્લેટ જેવું માનસ ધરાવતો આ છોકરો મોટી ગુન્હાખોરીની દુનિયામાં ફેંકાઇ જશે. પણ અત્યારે કોણ છે એનું કહી શકાય એવું ?
“કોઇ નથી, કારણ કે મા-બાપ મરી ગયા પછી કોઈ સગાંવહાલાં એને સાચવતાં નથી. એક નાની છે. વૃદ્ધ છે. માતાની માતા નહીં, પણ માસીછે. એ બિચારી એક આશ્રમમાં સેવિકા છે – એકલવાયી વૃદ્ધા છે. દૂરના મામા, દૂરના કાકા, માસા છે ખરા, પણ કોઈ ત્રણ દિવસથી વધારે એને રાખી શકતું નથી. કારણ કે ત્રણ દિવસમાં એ પોતાનો પરચો બતાવી દે છે. બધાને આ પ્રશ્ન વાજબી રીતે જ નડે છે. સૌના સંતાનો હોય એ આની સંગતથી બગડે એવી વાજબી બીક સૌને હોય.”
“પણ એના મા-બાપ ક્યારે, અને કેમ મરી ગયાં ?”
ભયંકર કથા હતી એની. એના પપ્પા-મમ્મી વચ્ચે સતત કંકાસ ચાલતો. એટલું જ નહીં, પણ એની કુમળી વયમાં પણ મમ્મી એને ભયંકર રીતે મારતી. એ કુંપળ વયથી જ નફરતનાં બીજ મનમાં વવાયાં હતાં. બસ, ત્યાં જ મમ્મી એની સાડા ત્રણ વરસની વયે બળી મરી. માને એણે સળગતી જોઈ ત્યારે એના બાળમાનસમાં આનંદની લાગણી થઈ હશે કે પીડાની ? જવાબ સંકુલ છે. એ પછી બાપ ડીપ્રેશનમાં આવી ગયો. એણે નોકરી છોડી દીધી. છોકરાને મોટો કરીને અગીયાર વરસનો કર્યો ત્યારે એક દિવસ ઝેરી ગોળીઓ ખાઈને પછી છોકરાને બાથમાં લઈને પલંગમાં સૂઈ ગયો –તે સૂતો જ રહ્યો. એની ઉંઘમાં ને ઉંઘમાં ભીડાયેલી બાપની બાથ એક મૃતદેહની મડાગાંઠ બની ગઈ. સવારે એ બાથમાંથી સળવળીને જાગવા એણે પ્રયત્ન કર્યો હશે, પણ શબનો આશ્લેષ પ્રગાઢ હોય છે. એ રડ્યો હશે. માંડ છૂટ્યો હશે. કોઈ એક તબક્કે એ ક્ષણે એના મનમાં માનો આપઘાત અને બાપનો આપઘાત એકાકાર થઈ ગયો હશે. એ એની જિંદગીની જબરી હોનારતની ક્ષણ હશે.
એ ક્ષણે જો કોઈ બીજો નવો આશ્લેષ એને મળ્યો હોત ! માથે કોઈનો હાથ ન હોવાનો અહેસાસ આત્માને બાળી નાંખનારો હોય છે. માથે કોઇની શીળી વહાલભરી, બાળકના ઘેઘુર વાળમાં હળુહળુ વિહાર કરતી, વચ્ચે વચ્ચે શિખાસ્થાનને પણ હળવો અંગુલીસ્પર્શ કરી લેતી હથેળી ફરતી હોય તો…તો એ અમૃત સિંચનથી કમ નથી. અવશ્ય, અવશ્ય, એ ઝેરનું મારણ બની રહે.

ખેર, આમાં તો એવું ના બન્યું.
“અચ્છા, તો ડોક્ટરો હવે શું કહે છે ?”
“કહે છે કે નર્સિંગ હોમમાં વધુ વખત એને રાખવાનો કોઈ અર્થ નથી. જો એને ગુનાખોરીના મારગે આગળ વધતો અટકાવવો હોય તો પહેલાં તો એને ક્યાંક પ્રેમાળ આશરો મળે એવું કરો. એને લાગણીથી ભીંજવી દો. એને કોઈ પોઝીટીવ (હકારાત્મક, વિધેયાત્મક) લક્ષ્ય આપો. એની પાસે અતિશય શ્રમ કરાવો. એના મગજને નવરૂં ન પડવા દો.”
“છોકરો પોતે કેવો રિસેપ્ટીવ (ગ્રહણશીલ) છે? એનો પ્રતિભાવ કેવો છે ?”
“એને પૂછીએ છીએ કે તારે શું કરવું છે ? તો કહે છે ભણવું છે. કોઈ મને ભણાવો. મારે ડૉક્ટર થવું છે. એન્જિનીયર થવું છે. હવે હું તમાકુ નહીં ખાઉં, ચોરી નહીં કરું.”
“હૃદયપૂર્વક બોલતો હોય એમ લાગે છે ? કે પછી એ પણ એના માસૂમ કપટનો એક ભાગ જ ?”
“ના, ગંભીરતાપૂર્વક બોલે છે…. એનામાં સર્જનાત્મકતા પણ છે. અમે એને વર્ષાઋતુ પર, ગાય પર, વરસાદ પર નિબંધો લખવા આપ્યા. સરસ લખીને લાવ્યો. એમ તો નવમા ધોરણમાં ભણે પણ છે.પણ અભ્યાસ ત્રૂટકત્રૂટક થઈ ગયો છે. પૂરો કેવી રીતે થાય ?”
તો? તો હવે શું ?
લેખના અંતે સમાપનમાં આ સવાલના જવાબમાં કોઇ ઉકેલ સૂચવાયો હોવો જરૂરી હતો, પણ આજે એમ થઇ શકતું નથી. કારણ કે માત્ર કાગળ પર ઉકેલ નથી રચી શકાતો. એ રચાય છે કોઇ વ્યક્તિ કે કોઇ સંસ્થાની સક્રિયતાથી. શબ્દોનું કર્તવ્ય જ્યાં પૂરું થાય છે ત્યાંથી એ શરુ થાય છે..
(ચિત્ર પ્રતીકાત્મક છે.)
લેખક સંપર્ક-
રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. : +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +9179-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com -
રખડતાં ઢોરોનો ત્રાસ: ઢાલની બીજી બાજુ
સમાજદર્શનનો વિવેક
કિશોરચંદ્ર ઠાકર
આપણે શહેરોમાં (અને હવે તો ગામડાંઓમાં પણ) રખડતાં ઢોરોનો ત્રાસ ખૂબ અનુભવીએ છીએ. શહેરોમાં ટ્રાફિકને અડચણરૂપ તો થાય છે ઉપરાંત ઢોર અથડાવાને કારણે થતા અકસ્માતોથી નાગરિકોને ઇજાઓ અને ક્યારેક મૃત્યુંનો ભોગ પણ બનવું છે. માત્ર વાહનચાલકોને જ નહિ, રાહદારીઓને પણ ગાયે કે આખલએ શિંગડે ચડાવીને ઇજાગ્રસ્ત કરવા ઉપરાંત મૃત્યું ઉપજાવવાના સમાચારો વધતા જાય છે. ગામડાઓમાં ખેતરોમાં પેસીને પાકને નુકશાન કરતા હોવાથી ખેડૂતોને કાંટાળી વાડ કરવાનો વધારાનો ખર્ચ કરવો પડે છે. ઉત્તરપ્રદેશમાં છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં આ એક મોટો મૂદ્દો બનેલો અને શાસક પક્ષે આ સમસ્યા ઉકેલવાનું વચન પણ આપેલું. આ વચનનું શું થયું એની જાણ નથી.

શહેરોમાં એક એવો વર્ગ છે કે જે પોતાનાં ઢોર ખાસ કરીને ગાયોને સવારે દોહ્યા પછી રસ્તા પર છોડી દે છે. આ ગાયો આખો દિવસ કચરો, એઠવાડ અને ખાસ કરીને પ્લાસ્ટિકની કોથળીઓ ખાય છે. સાંજ પડે તેના માલિકો તેને લેવા આવે છે અને પછી ઘેર લઈ જઈને તેને દોહીને દૂધ વેચી દે છે તથા પોતે પણ તેનો ઉપયોગ કરે છે. આપણને શહેરીજનોને આ રીતે પરેશાન કરનાર આ વર્ગને આપણે એક અનિષ્ટ કે ક્યારેક અસામાજિક તત્વ તરીકે પણ ઓળખીએ છીએ. પરંતુ આપણને સહેજ પણ નહિ ગમતા આ લોકોને શહેરમાં લઈ આવનાર આપણને ખૂબ જ ગમતો વિકાસ છે. ખરેખર તો આ લોકો વિકાસનો વધારે સ્પષ્ટ કહીએ તો શહેરીકરણનો ભોગ બન્યા છે. તે કઈ રીતે એ સમજવા પ્રયાસ કરીએ.
જેમને અપણે ભરવાડ કે રબારી કહીએ છીએ તેમનો પરંપરાગત ધંધો ગામડામાં રહીને ગાય કે ભેંસ પાળીને તેમાંથી દૂધનું ઉત્પાદન મેળવવાનો હતો. દરેક ગામમાં એક ગોચર માટે જ્ગ્યા રાખવામાં આવતી. સવારે આ ગોચરમાં ગોપાલકો પોતાનાં અને બીજા પશુપાલકોનાં ઢોર લઈને આવતા. બધા જ ઢોર અહીં આખો દિવસ ચર્યા બાદ સાંજે -જેને ગોરજટાણું કહેવાતું. ત્યારે- ગામમાં પાછા આવતાં. જૂના વખતમાં પાકની એક જ સિઝન હતી ત્યારે ખાલી પડેલા ખેતરોમાં પણ ગામનું ધણ બેસતું અને તેમનાં છાણ રૂપે ખાતર ખેતરના માલિકને આપોઆપ મળી જતું.
પરંતુ હવે રાસાયણિક ખાતર અને સિંચાઈની સગવડને લીધે જમીનમાં ઉત્પાદન પણ વધવા લાગ્યું. પાક પણ એક કરતા વધારે સિઝનોમાં લેવાતો થયો. આથી ઢોરને ખાલી બેસાડવા માટેની જગ્યા પણ ન રહી. કેટલાક લોકોની નજર વળી ગોચર પર પડી અને તેનો ઉપયોગ પણ ખેતી માટે થયો. સત્તાવાળાઓએ પણ ક્યાંક ગોચરનો ઉપયોગ આવાસ યોજના માટે કર્યો. આથી ધીરે ધીરે દરેક ગામમાંથી ગોચર અદૃશ્ય થવા લાગ્યાં. પરિણામ એ આવ્યું કે માલધારીઓને પોતાના માલઢોર માટેનો એક માત્ર આધાર છીનવાઈ ગયો. જો કે ગામડાઓમાં પણ આ વર્ગ કદી સાધનસંપન્ન તો હતો જ નહિ. દૂધ વેચવા ઉપરાંત છૂટક મજૂરી પણ તેમને કરવી પડતી..આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે આ વર્ગ પછાત જ હતો અને હજુ પણ તેમાં બહુ મોટો ફરક પડ્યો નથી. પરંતુ ગામડાઓમાં તેમનું જીવન ગમે તેમ કરીને નભી જતું.
ખેડૂતો માટે પશુપાલન એ પૂરક વ્યવસાય છે. જેમની પાસે જમીન છે તેઓ પોતાનાં ઢોરના ચારા માટે પોતાનાં ખેતરમાંથી જ જોગવાઈ કરી શકે છે. પરંતુ જેમને આપણે માલધારીઓ કહીએ છીએ તેઓ જમીનમાલિકો તો હતા જ નહિ. આથી તેમને માટે ગામડામાં રહીને ઢોરને નિભાવવાનું લગભગ અશક્ય થઈ ગયું. પરિણામે તેઓ શહેર તરફ પ્રયાણ કરવા લાગ્યા.
આપણે જાણીએ છીએ કે વર્ષોથી વધતાં જતાં શહેરીકરણને લીધે ગામડામાંથી વધુ ને વધુ લોકો શહેર તરફ પ્રયાણ કરતા રહ્યા છે. દરજી, સુથાર, મોચી, કડિયા, મજૂરો વગેરેને શહેરમાં પોતાના પરંપરાગત ધંધા મળવા લાગ્યા. તેમને રહેવા માટે એક નાની ઓરડી કે ઝૂંપડપટ્ટીમાં જ્ગ્યા મળ્યેથી કામ ચાલી જતું. પરંતુ માલધારીઓને પોતાના ઢોરઢાંખર રાખવાની વ્યવસ્થા પણ કરવી પડે. આથી જ્યાં પણ થોડી ખુલ્લી જગ્યા મળી ત્યાં પોતાના ઢોર બાંધવા લાગ્યા. આપણે ભલે તેને ગેરકાયદેસર ગણતા હોઈએ પણ માલધારીઓ માટે તો જીવનમરણનો પ્રશ્ન હોય છે.
શહેરોમાં વસ્તી વધે છે તેમ વિસ્તાર પણ વધતો જાય છે. આથી બને છે એવું કે શહેરો ગમડાઓને ગળી જવા લાગ્યાં. માલધારીઓ જ્યાં વસતા ત્યાં જ શહેરો આવવા લાગ્યા. ઘાસચારા માટે કે ઢોરને બાંધવા માટે થોડીક પણ જમીન જે મળતી તેના પર આપણા સુખી લોકો માટે ગગનચુંબી મકાનો બનવા લાગ્યા. આથી અહીં પણ તેમને માટે કે તેમનાં પશુઓ માટે જગ્યા રહી નહિ. બંધો બંધાતા આદીવાસીઓ બેઘર બન્યા કાંઈક એવી વાત ગામડામાં શહેરની ઘુસણખોરીથી માલધારીઓ સાથે બની.
અગાઉ જણાવ્યા પ્રમાણે શહેરમાં આવીને દરેક વર્ગે પોતાનો પરંપરાગત વ્યવસાય શરૂ કર્યો. તેમાનાં કેટલાકે શિક્ષાણ મેળવ્યું અને પોતાનો પરંપરાગત વ્યવસાય છોડીને નોકરીઓ અથવા તો બીજા ધંધા પણ શરૂ કર્યા. માલધારીઓમાંથી પણ કેટલાકે છૂટક મજૂરી અગર તો બાંધકામના સ્થળે ચોકીદાર તરીકે કામ શરૂં કર્યું. માલધારીઓની સ્ત્રીઓએ ગામડામાં જે કદી કર્યું ન હતું તે લોકોના ઠામણાં માંજવાનું અને કચરાપોતાં કરવા જેવું ધરકામ કરવું પડ્યું. કેટલાક ખમતીધરો વ્યાજે પૈસા ધીરવાનું કામ પણ કરવા લાગ્યા. પરંતુ માલધારીઓનો એક મોટો વર્ગ શહેરમાં આવ્યા પછી પણ પશુપાલનના વ્યવસાયમાં જ રહ્યો. અને જગ્યાના અભાવે તેમનાં ઢોર રસ્તા ઉપર આવી ગયા.
આથી ગુજરાતમાં એપ્રિલ 2022માં સરકારે એક કાયદો બનાવવાનું વિચારેલું, આ કાયદામાં માલધારીઓએ પોતાના દરેક ઢોર માટે લાયસન્સ લેવાની અને તેમાં ચૂક થયે મોટો દંડ ભોગવવની જોગવાઈ કરવામાં આવી. માલધારીઓએ આનો કાળો કાયદો કહીને તેનો ઉગ્ર વિરોધ કર્યો, આથી સરાકારે કાયદાનો અમલ મોકૂફ રાખવો પડેલો. અલબત આ કાયદાનો આંધળો વિરોધ થયો ન હતો. માલધારીઓએ પોતાના માલઢોર રાખવા માટે વૈકલ્પિક વ્યવસ્થાની માગણી કરી હતી. સૂચિત કાયદા હેઠળ દંડની રકમ એટલી મોટી રાખવામાં આવી હતી કે ગરીબ માલધારીઓની તો કમર જ તૂટી જાય. વળી માલધારીઓનું કહેવું છે કે તેમના સમાજમાં શિક્ષણ ઘણું ઓછું હોવાથી લાયસન્સની વિધિ તેમને માટે માથાનો દુખાવો બની જાય તેમ છે, તેઓ લાયસન્સના વિકલ્પે પશુઓને ટેગ બાંધવા માટે તો સંમત જ છે. મહાનગરોમાં નાગરિકોની ફરિયાદોને કારણે ઠેર ઠેર ઘાસના ડેપો રાખવાને બદલે ચોક્કસ સ્થળે જ રાખાવાની જોગવાઈ કરવી પડી છે. માલધારીઓનું કહેવું છે કે તેઓ કાંઇ ઢોરને છૂટા મૂકવા ઈચ્છતા નથી અને ઘરઆંગણે જ ઘાસ નીરવા તૈયાર છે. પરંતુ ઘાસના ડેપો તેમના રહેણાકોથી એટલા દૂર રાખવામાં આવ્યા હોય છે કે તેમને પૈસા ખર્ચીને પણ ઘાસ લાવવું મુશ્કેલ પડે છે.
ખેતીમાં બળદોનો ઉપયોગ બંધ થતા આખલાઓની વસ્તી ખૂબજ વધી ગઈ છે, વળી માલધારીઓનું કહેવું છે કે ગાયો પાંજરાપોળોમાં જેટલી આવકાર્ય છે તેટલા આખલાઓ નથી. રંજાડ તો ખરેખર આખલાઓની જ વધારે છે
આપણે એ વાત સમજવી રહી કે વગડામાં રહેવા ટેવાયેલા આ લોકો શહેરોમાં પોતાની અનિચ્છાએ આવ્યા છે. વધારે સાચું તો એ છે કે તેમને શહેરોમાં ધકેલવમાં આવ્યા છે. અહીં તેમને અનેક મુશ્કેલીઓ વચ્ચે જીવવું પડે છે.. મ્યુનિસિપાલિટીની ગાડી ક્યારે આવશે અને તેમના ઢોરને ડબે પૂરવા લઈ જશે તેની સતત ચિંતામાં તેઓ રહે છે. જો કે જરૂરિયાત એ શોધની જનની છે એ મુજબ માલધારીઓએ એવું નેટવર્ક ઊભું કર્યું છે કે મ્યુનિસિપલિટીની ગાડી દેખાય કે તરત જ તેઓ અન્ય માલધારીઓને મોબાઇલ ફોનથી જાણ કરી દે છે જેથી બીજા સાવચેત થઈ જાય છે. પરંતુ તેથી તેમની તકલીફો કાંઈ ઘટતી નથી.
ગમે તે હોય પણ માલધારીઓની પણ સમસ્યાઓ હોઈ શકે છે તે વાતનો સ્વીકાર કરવો જોઇએ. પરંતુ હંમેશ બનતું આવ્યું છે તેમ વયવસ્થા (system)આ સમસ્યાને પણ શહેરના ભદ્ર સમાજને જ લક્ષ્યમાં રાખીને જ જુએ છે. અદાલત પણ આ સમસ્યાને સતત કાયદો અને વ્યવસ્થાના સવાલ તરીકે ગણાવતી રહી છે અને સરકારને તેનો ઉકેલ લાવવા માટે અવારનાવર તાકીદ(દબાણ) કરતી હોય છે.
પરંતુ સમાજે માત્ર રખડતાં ઢોરોને જ નહિ પરંતુ તેની પાછળ રહેલા માલધારીઓને પણ જોવા જોઈએ. સમસ્યાને માત્ર કાયદો અને વ્યવથાની સમસ્યા નહિ ગણતા માલધારીઓનો પક્ષ પણ સાંભળીને માનવીય દૃષ્ટિબિંદુથી જોવી જોઈએ. જે વિકાસે તેમને શહેરમાં ધકેલી દીધા છે તે હવે તેમને શહેરોમાં પણ રાખવા માગતો નથી. આથી માલધારીઓને લાગે છે કે તેમનાં અસ્તિત્વનો સવાલ ઊભો થયો છે. તેમનું એમ પણ કહેવું છે કે અમે નહિ રહીએ તો ઢોર પણ નહિ રહે, પરિણામે પ્રજાને આજે જે સહેલાઈથી દૂધ પ્રાપ્ત થાય છે તે નહિ થાય.
માલધારીઓની દલીલોમાં વજુદ કેટલું છે તે ખબર નથી. પરંતુ સમાજનું હિત જેને આજે આપણે સબકા સાથ સબકા વિકાસ તરીકે ગણીએ છીએ તે જીવો અને જીવવા દો એ મૂળમંત્રના સ્વીકારમાં જ છે.
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
હેલ્લો, સંભળો છો? હું નર્કમાંથી બોલુ છું.
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
“હે પત્થરપૂજકો. તમને જીવંત માણસોની વાતો સાંભળવાનો સમય નથી એટલે હું મરીને બોલુ છું. જીવંત અવસ્થામાં તમે જેની સામે આંખ ઊઠાવીને જોવા નવરા નથી હોતાં, એની સડેલી લાશની પાછળ સરઘસ કાઢો છો. જીવનભર તમે જેને નફરત કરો છો, એની કબર પર જઈને ફૂલો ચઢાવો છો. મરતી વખતે તમે જેને ચાંગળું પાણી પીવડાવતા નથી, એના શરીરને તમે ગંગા તટે લઈ જાવ છો. અરે! જીવનભર જેમનો તમે તિરસ્કાર કરો છો, એના મરણ પછી સત્કાર કરો છો. એટલે હું મરીને બોલુ છુ. હું નર્કમાંથી બોલુ છુ. હવે તો મને સાંભળશો ને?
“થાય છે કે મને શું પડી હતી કે જીવનભર હું ચૂપ રહ્યો અને હવે નર્કના એક ખૂણામાં પડ્યો બોલવા માંડ્યો? પણ અહીં એક એવી વાત સાંભળી કે મારા જેવા અભાગીની મોતને લઈને તમારામાં ચર્ચા થઈ રહી છે. મેં સાંભળ્યું કે, સાંસદ સભામાં તમારા મંત્રીએ કહ્યું કે મારુ મોત ભૂખથી નથી થયું. મેં આત્મહત્યા કરી લીધી છે. હું મરુ અને મારા મોતનો જવાબદાર પણ હું જ બનુ.
“ભૂખથી મૃત્યુ પામુ અને મારા મરવાનું શ્રેય ભૂખને ન મળે, એ તે કેવી વાત? અનાજ, અનાજના પોકારો કર્યા હોય અને મારા મરવાના કારણોમાં અનાજનું નામ પણ ન આવે? ઠીક છે, એ બધું હું સહન કરી લેત. જેવી રીતે શહેરના લોકોને દેશી શુદ્ધ ઘી તરફ રુચિ ન રહે એવી રીતે જીવનભર તિરસ્કાર સહન કર્યો છે, એટલે હવે સહાનુભૂતિ તરફ અરુચિ થઈ ગઈ છે. પણ આજે અહીં નર્કલોકમાં એક ઘટના બની ગઈ એટલે કહેવાનું મન થયું.
“બન્યું એમ કે જે દિવાલ સ્વર્ગ અને નર્કને અલગ કરે છે, એનાં બાકોરામાંથી મારા કૂતરાએ મને જોયો. કાઉં કાઉં..કુર કુર કરતો મારી તરફ વહાલ દર્શાવવા માંડ્યો. મને આશ્ચર્ય થયું કે, હું નર્કમાં અને મારો કૂતરો સ્વર્ગમાં? મારો અતિ પ્રિય કૂતરો, યુધિષ્ઠિરના કૂતરા કરતાંય અધિક પ્રિય હતો એ. જ્યારે મારી સ્ત્રી એક ધનિક સાથે ભાગી ગઈ, ત્યારથી આ કૂતરો મારો સાથી બની રહ્યો હતો. ક્યારેય એણે મને છોડ્યો નહીં. એટલી હદે કે એ મર્યો પણ મારી સાથે જ.
“બાજુવાળા શેઠ એને પાળવા માંગતા હતા. શેઠાણી તો એને બેહદ પ્રેમ કરતી હતી પણ એ જરાય લોભાયો નહીં, અને મને છોડીને એ ક્યાંય ગયો નહીં. એટલે એ સ્વર્ગમાં છે એનો મને સાચે જ આનંદ છે. એથી કરીને મને થયેલા અન્યાયને ભૂલી તો શકાય નહીં ને? આ કોઈ તમારું મૃત્યુલોક તો છે નહીં કે જ્યાં ફરિયાદ સાંભળવામાં જ ન આવે કે સીધો ફરિયાદીને જ દંડ થાય? અહીં તો તરત જ ફરિયાદ સાંભળવામાં આવે છે. એટલે હું પણ ભગવાન પાસે ગયો અને પ્રાર્થના કરી કે, હે ભગવાન ! પૃથ્વી પર અન્યાય ભોગવીને હું એ આશાએ અહીં આવ્યો કે ન્યાય મળશે. પણ આ કેવી વાત! મારો કૂતરો સ્વર્ગમાં અને હું નર્કમાં? જીવનભર મેં કોઈ ખરાબ કામ કર્યું નહીં. ભૂખ્યો મર્યો પણ ક્યારેય ચોરી નથી કરી. નથી કોઈની પાસે હાથ ફેલાવ્યો. આમ તો આ બીજા કૂતરા જેવો જ કૂતરો, કેટલીય વાર તમને ધરેલો ભોગ ખાતા એને માર પડ્યો છે. અને એને તમે સ્વર્ગમાં જગ્યા આપી?
“મને સાંભળીને ભગવાને એક નોંધપોથી જોઈ, જેમાં લખેલું વાંચ્યું કે મેં આત્મહત્યા કરી હતી.”
“ના મહારાજ, હું ભૂખમરાથી મર્યો છું, આત્મહત્યા નથી કરી.
“ના તું ખોટું બોલે છે. તમારા દેશના અનાજમંત્રીએ લખ્યું છે કે તેં આત્મહત્યા કરી છે. તારા શરીરના પોસ્ટમોર્ટમથી એ વાત સબિત થયેલી બતાવે છે. ભગવાન બોલ્યા.
“મહારાજ, આ રિપોર્ટ સાવ ખોટો છે. મારું પોસ્ટમોર્ટમ થયું જ નથી. મને તો સળગાવી દેવામાં આવ્યો હતો. એના દસ દિવસ પછી તો સંસદમાં ચર્ચા શરૂ થઈ. ખાક મારું પોસ્ટમોર્ટમ થયું?
“હવે જ્યારે ભગવાને મારી કથની સાંભળી ત્યારે આસમાનથી પડતા માંડ બચ્યા. હવે તમેય મારી વાત સાંભળો.
“તમને તો એ પણ નથી ખબર કે હું ક્યાં અને કેવી રીતે જીવ્યો, ક્યાં રહ્યો, ક્યાં મર્યો? દુનિયા એટલી મોટી છે કે કોઈ અમારા જેવાના જીવન કે મરણનો હિસાબ નથી રાખતું. અને તમને એ પણ ક્યાં ખબર છે કે મારા શ્વાસો ચાલતા હતા ત્યારેય ખરેખર હું જીવિત હતો ખરો? હું રોજ મૃત્યુને ટાળી જતો એ અર્થમાં જીવિત હતો. વાસ્તવમાં તો મારા જન્મની એક ક્ષણ જ હું જીવિત હતો, અને બીજી ક્ષણથી જ મારું મૃત્યુ શરૂ થઈ ગયું હતું. બજારની એ પાકી ઈમારત તો તમે જોઈ છે ને? એની પાછળના પાયખાનાની દિવાલના સહારે મારી છાપરી હતી. એ ઈમારતના માલિક મારી છાપરી તોડીને ત્યાંય બીજું પાયખાનું બનાવવા માંગતા હતા. જો હું મરી ન ગયો હોત તો એક ગરીબ આદમીની ઝૂંપડી પર અમીર આદમીના પાયખાનાનો વિજય હું જોતો હોત. એ ઝૂપડીમાં હું રહ્યો. મારી આસપાસ અનાજ જ અનાજ હતું. દિવાલની પેલી બાજુથી જે ઊંદરો આવતા એ દિવસે દિવસે જે રીતે મોટા થતા, એ હું જોતો હતો. એમને પેલા બજારમાંથી અનાજ તાણીને લઈ આવતા અને ખાતા જોતો. પણ હું તો હંમેશ ભૂખ્યો જ રહયો. એ બજારમાં વેચાતું અનાજ દસ રૂપિયે શેર હતું પણ, મારું જીવન એના કરતાં સસ્તું હતું. અને અંતે મોત આવ્યું. જે દિવસે હું મરી ગયો એ દિવસે મારી છાપરીની બીજી બાજુ એ અમીર શેઠના દીકરાનું લગ્ન હતું. એ બહુ અમીર હતો. સૌ જાણતા હતા કે એની પાસે હજારો બોરી કાળા બજારનું અનાજ હતું. પણ એને કોઈ કંઈ કહી કે કરી શકે એમ નહોતું. કારણકે એને પોલીસનું એને પૂરેપૂરું રક્ષણ હતું.
“લગ્નના દિવસેય ધાનના ઢગલાં હતાં. પણ મને ખવડાવવાની કોને પડી હોય?
“બસ એ દિવસે હું જ મારા મોતને ધીરે ધીરે એના ભયાનક પંજામાં મને જકડી રહ્યું હતું એ અનુભવી રહ્યો.”
હરિશંકર પરસાઈની વાર્તા ‘हेल्लो मैं नर्क से बोल रहा हुं” પર આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
