ફિર દેખો યારોં
બીરેન કોઠારી
ફિલ્મ ‘થ્રી ઈડિયટ્સ’નું જૉય લોબો નામના વિદ્યાર્થીનું પાત્ર તેના કરુણાંતને કારણે સાવ ટૂંકું હોવા છતાં ઊંડી છાપ છોડી જાય છે. હેલિકોપ્ટરના એક પ્રોજેક્ટ પર કામ કરી રહેલા જૉયને પિતાજીની બિમારીને કારણે પ્રોજેક્ટ સબમિટ કરાવવામાં વિલંબ થાય છે. આટલું ઓછું હોય એમ કૉલેજના વડા આ પ્રોજેક્ટ નિષ્ફળ જશે એમ કહીને તેને હતોત્સાહ કરે છે અને જણાવે છે કે તે પરીક્ષા પસાર નહીં કરી શકે. આઘાતને કારણે જૉય હોસ્ટેલની પોતાની રૂમમાં દોરડે લટકી જાય છે. તેણે ફેંકી દીધેલા હેલિકોપ્ટરને કાર્યાન્વિત કરીને, તેની પર કેમેરા લગાવીને તેના મિત્રો જૉયને સુખદ આશ્ચર્ય આપવા માટે તેના રૂમની બારી પાસે એ લઈ જાય છે. નીચે કેમેરામાં દૃશ્ય જોઈ રહેલા સૌને આશ્ચર્યને બદલે આઘાત લાગે છે, કેમ કે, એ કેમેરામાં જૉયની લટકતી લાશ જોવા મળે છે. સૌ તેના રૂમમાં ધસી જાય છે અને જુએ છે કે દિવાલ પર લખાણ છે: ‘આઈ ક્વિટ.’ (હું હાર માની લઉં છું)
આ દૃશ્ય ભલે ફિલ્મનું હોય, પણ તેના થકી ઉજાગર થતી પરિસ્થિતિની ગંભીરતા વાસ્તવિક છે. વિદ્યાર્થીઓ પર પરીક્ષામાં સારો દેખાવ કરવાનું દબાણ હદબહાર વધી જાય ત્યારે આવી પરિસ્થિતિ પેદા થતી હોય છે. કમનસીબે આપણી શિક્ષણપદ્ધતિ સ્પર્ધાકેન્દ્રી અને ગુણકેન્દ્રી જ રહી છે, જે આવી તાણયુક્ત પરિસ્થિતિની જનક છે.
ડિસેમ્બર, ૨૦૨૨માં ત્રણ અલગ અલગ બનાવોમાં રાજસ્થાનના કોટામાં ત્રણ વિદ્યાર્થીઓ અંકુશ આનંદ, ઉજ્જ્વલ કુમાર અને પ્રણવ વર્માએ આત્મહત્યા કરી. સોળ-સત્તર વર્ષના આ છોકરાઓએ હજી તો જીવનનો માંડ આરંભ કર્યો હતો એમ કહી શકાય, પણ તેઓ જીવનને જાણેસમજે એ પહેલાં જ તેમણે જીવનનો અંત આણી દીધો. ત્રણ પૈકીના બે વિદ્યાર્થીઓ બિહારના અને એક મધ્ય પ્રદેશનો હતો. બે જણા જે.ઈ.ઈ. અને એક જણ એન.ઈ.ઈ.ટી.ની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે કોટા આવેલા. ત્રણમાંથી કોઈ પણ વિદ્યાર્થીએ આત્મહત્યાનું કારણ દર્શાવતી કોઈ નોંધ છોડી નથી, પણ એની ધારણા કરવી અઘરી નથી.
એક સમયે લઘુચિત્રશૈલી તેમજ હાથવણાટની સાડીઓ માટે જાણીતું કોટા આગળ જતાં આ વિસ્તારમાં નીકળતા કુદરતી પથ્થર ‘કોટા સ્ટોન’ને કારણે તેમજ ઉદ્યોગોને કારણે જાણીતું બન્યું. બેએક દાયકાથી આ શહેર સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનું શિક્ષણ આપતાં કેન્દ્રોને લઈને ‘કોટા ફેક્ટરી’ તરીકે ઓળખાતું થયું છે. એક અંદાજ મુજબ દર વરસે દોઢેક લાખ જેટલા વિદ્યાર્થીઓ કોટામાં ઊતરી પડે છે. તેમનો મુખ્ય આશય વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરીને તેમાં ઉત્તીર્ણ થવાનો હોય છે. પોતાના કે પરિવારજનના સ્વપ્નની પરિપૂર્તિ માટે ઘરથી દૂર વિપરીત વાતાવરણમાં રહેવું, સખત મહેનત, નિષ્ફળતાનો સતત ડર, તેની સાથે સંકળાયેલી શરમ અને અપરાધભાવ જેવી લાગણીઓ વિદ્યાર્થીઓને સતત તાણમાં રાખે છે. નિષ્ફળ જઈને ઘેર પાછા ફરવું જાણે કે સામાજિક નામોશી ગણાય છે. સતત પ્રેશર કૂકરમાં હોય એવી પરિસ્થિતિમાં આવો અંજામ દુ:ખદ અવશ્ય હોય, પણ અનપેક્ષિત કે અણધાર્યો નથી.
વાત કેવળ કોટામાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓની નથી. ‘નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો’ (એન.સી.આર.બી.)ના 2021ના આંકડા અનુસાર આત્મહત્યા કરતા વિદ્યાર્થીઓનું પ્રમાણ આ વર્ષે 4.5 ટકા જેટલું વધ્યું છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ, 1,834 વિદ્યાર્થીઓએ, મધ્ય પ્રદેશમાં 1,308 વિદ્યાર્થીઓએ તેમજ તમિલનાડુમાં 1,246 વિદ્યાર્થીઓએ મોત વહાલું કર્યું અને આ આંકડામાં છેલ્લા પાંચ વર્ષથી સતત વધારો થઈ રહ્યો છે.
આ સમસ્યા ચિંતાજનક છે, પણ તેના નિવારણ અંગે વિચારાતા ઊકેલ હાસ્યાસ્પદ કહી શકાય એવા છે. જેમ કે, બંગલૂરુની ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઑફ સાયન્સે પોતાના સંકુલની હોસ્ટેલની રૂમોમાં સિલીંગ પંખાને બદલીને દીવાલે જડેલા પંખા લગાવ્યા. કેમ? સિલીંગ પંખે લટકીને વિદ્યાર્થીઓ આપઘાત કરી ન શકે એટલે! આંધ્ર પ્રદેશના બૉર્ડ ઑફ ઈન્ટરમીડીયેટ એજ્યુકેશન દ્વારા વિદ્યાર્થીઓ પરનું દબાણ હળવું કરવા માટે યોગ અને શારિરીક કસરતના વર્ગ શરૂ કરાવ્યા. આ કટારમાં અનેક વખત લખવામાં આવે છે એમ, ગુમડાને કારણે આવતા તાવને મટાડવાના ઊપાયો કરવામાં આપણે માહેર છીએ. ગુમડાનો ઈલાજ કરવાનું આપણું નથી વલણ કે નથી વૃત્તિ.
નૂતન શિક્ષણનીતિમાં વિદ્યાર્થીઓ માટે સૂચવાયેલી જોગવાઈનો અમલ પૂરેપૂરો થાય એ પહેલાં તો કોને ખબર કેટલાય વિદ્યાર્થીઓનો એ ભોગ લેશે! શિક્ષણનું હવે આપણા દેશમાં જે હદે વ્યાપારીકરણ થયું છે એ વિશે ચિંતા કરવાનો કશો અર્થ નથી, કેમ કે, હવે વિદ્યાર્થીઓ વિદેશની રાહ પકડતા થઈ ગયા છે. અજાણ્યા ભૂખંડમાં, અજાણ્યા લોકો અને ભાષા તેમજ સંસ્કૃતિની વિપરીતતાઓ વેઠવા તેઓ તૈયાર હોય છે. એનો અર્થ એમ નથી કે વિદેશ જનારા સૌ કોઈ ઉચ્ચ શિક્ષણના હેતુથી ત્યાં જાય છે. ઘણા વિદ્યાર્થીઓ સમજે છે કે વિદેશમાં સંઘર્ષ પૂરેપૂરો કરવાનો છે, પણ સાથે તેમને એ આશા હોય છે કે એ સંઘર્ષનું ફળ તેમને અવશ્ય મળશે. જે દેશોમાં તેઓ સ્થાયી થવા જઈ રહ્યા છે એ દેશની મૂળભૂત શાસનપ્રણાલિ એવી તો હોય છે કે મૂળભૂત સુખસુવિધાઓ પ્રાપ્ત થઈ રહે. આપણા દેશમાં આ બાબતે ભારોભાર અનિશ્ચિતતા છે, બલકે અંધકાર જ જણાય છે.
આ સમસ્યા સાથે સીધેસીધા સંકળાયેલા લોકો- માબાપ, શિક્ષકો, શૈક્ષણિક સંસ્થાઓ, શૈક્ષણિક નીતિના ઘડનારાઓ પોતપોતાના સ્તરે વિચારે, સુયોગ્ય પગલાં વેળાસર લે એ જરૂરી છે. એ માટે આ સમસ્યાની ગંભીરતા મનમાં વસવી જોઈએ. એવું થતું હોય એવા અણસાર જણાતા તો નથી. ગુમડાના ઈલાજને બદલે ગુમડાનું ગૌરવ લેવાતું હોય એવા માહોલમાં પહેલ ક્યાંથી અને શી રીતે થશે એ સવાલ જ મૂંઝવનારો છે. ‘વો સુબહા કભી તો આયેગી’નો આશાવાદ કયા આધારે રાખવો?
(શિર્ષકપંક્તિ: ઈન્દીવર)
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૨ – ૦૧ – ૨૦૨૩ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)