વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • આયનો અને એક્સ-રે દેખાડતા લેખોનો સંચય

    પુસ્તક પરિચય

    પરેશ પ્રજાપતિ

    ‘દલિત અધિકાર’ વિચારપત્ર સાથે સંકળાયેલા રહેલા ચંદુભાઈ મહેરિયા જાહેર જીવન અને લેખનના પ્રવાહોના ઊંડા અભ્યાસી રહ્યા છે. દલિત સમસ્યાઓ, દલિત સાહિત્ય અંગેનો તેમનો અભ્યાસ સઘન અને સાતત્યપૂર્વકનો રહ્યો છે. વિવિધ ઘટનાઓ કે સમસ્યાઓની અસલ છબી ઝીલતી દૃષ્ટિ; એક્સ રે જેવું આકલન કરવાની આગવી સૂઝ તથા પોતાના મુદ્દાઓને સરળ શબ્દોમાં કાગળ પર ઉતારવાની મહારત તેમની વિશેષતા છે. ચંદુભાઇએ ૧૪ નવેમ્બર ૨૦૧૮થી સંદેશની બુધવારની અર્ધસાપ્તાહિક પૂર્તિમાં તાર્કિક, વૈચારિક તથા બૌદ્ધિક ચર્ચાઓ છેડતું કટારલેખન શરૂ કર્યું. આપણી આસપાસ ઘટતી જનનિસબત ધરાવતી ઘટનાઓ કેન્દ્રિત કટારનું નામ હતું ‘ચોતરફ’. કટારના ચોક્કસ માળખામાં સીમિત રહેવા છતાં તેમણે વિવિધ ઘટનાઓનાં કારણો, અસરો તેમજ અભિપ્રાયો પોતાની આગવી શૈલીમાં અને અસરકારક સરળ શબ્દોમાં આલેખ્યા. ચંદુભાઇનું પ્રથમ પુસ્તક ‘ચોતરફ’, જનનિસબત ધરાવતાં કુલ ૪૯ લેખોનોસંચય છે.

    પુસ્તકમાં ગરીબો, દલિતો, કિસાનો, તથા રોજમદારોની રોજગારી અને ભૂખમરો; રાજકીય પક્ષોના ચૂંટણી ઢંઢેરાઓ અને ચૂંટણી પ્રક્રિયા; શિક્ષણ અને શિક્ષણનીતિ; રાષ્ટ્ર તેમજ રાષ્ટ્રહિત; પોલીસની જવાબદારી, વર્તણૂક અને તેમની સમસ્યાઓ; ન્યાય વગેરે જેવા અનેક મુદ્દાઓ આવરી લેવાયા છે. આ સમસ્યાઓ કે ઘટનાઓ જે તે સમયે બની હોવા છતાં, તે ‘આઉટડેટેડ’ નથી. પુસ્તકમાં લેખકના સામાજિક, આર્થિક, રાજકીય, ધાર્મિક, સાંસ્કૃતિક એમ વિવિધ મુદ્દાઓ પર અદભૂત નીરીક્ષણો તેમજ સચોટ વિશ્લેષણો જાણવા, વાંચવા તથા સમજવા મળે છે. વિવિધ સંસ્થાકીય તેમજ સરકારી આંકડાઓના અનેક સંદર્ભો આ લખાણોને પારદર્શી અને વિશ્વસનીય બનાવે છે. તેથી જ વાંચતી વખતે ક્યારેક વિચાર કરતા થઈ જવાય છે કે આ કયા ભારતની વાત છે.

    કેટલીક શાશ્વત સમસ્યાઓ અંગે ચોંકાવનારી હકીકતો, મહત્વનાં અવલોકનો તથા લેખકની તાર્કિક દાખલા-દલીલો આધારિત અમુક સંક્ષિપ્ત નમૂના:

    ભૂખમરો– આજે ભારત વિશ્વમાં અન્નની નિકાસ કરે છે, ત્યારે આ કેટલીક હકીકતો શરમ ઉપજાવે તેવી છે. તેમની નોંધો,

    1)     મૃતક ભૂખથી મૃત્યુ પામ્યો છે કે નહીં તે નક્કી કરવા 1880નો ફેમિન કોડ આજે પણ માન્ય છે. આ કોડ મુજબ મૃતકના પેટમાંથી અન્નનો એક સડેલો દાણો પણ મળી આવે તો તે વ્યક્તિના મૃત્યુનું કારણ ભૂખ નથી મનાતું.

    2)     ભુખમરાના ‘ગ્લોબલ હંગર ઇન્ડેક્સ’ મુજબ ધાનની નિકાસ કરતા ભારતનો દેખાવ એશિયાના માત્ર પાકિસ્તાન તથા અફઘાનીસ્તાન કરતાં જ બહેતર છે!

    મજબૂત V/S મજબૂર સરકાર– અજીત ડોવાલના મતે રાષ્ટ્રિય સુરક્ષા માટે કેન્દ્રમાં એક જ પક્ષની પૂર્ણબહુમત ધરાવતી સરકાર મજબૂત છે. લેખકના મતે જો આમ સાચું હોત તો,

    1)     પૂર્ણબહુમત ધરાવતી ભારતની સરકાર વખતે 1962માં ચીન તેમજ પછીના વર્ષોમાં પાકિસ્તાન સાથે યુદ્ધ થયા જ ન હોત!

    2)     કથિત તોડજોડ ધરાવતી સરકાર ‘મજબુર’ રહેતી હોત તો પૂર્ણબહુમત ન ધરાવતી નરસિંહરાવની સરકાર અર્થતંત્રને નવી દિશા દોરતા જબરદસ્ત આર્થિક સુધારા ન કરી શકી હોત!

    3)     તે જ રીતે યુપીએ સરકારથી મનરેગા, શિક્ષણ અને માહિતીના કાયદા લાગુ થયા ન હોત. અને

    4)     ભાજપ અને ડાબેરી સમર્થન ધરાવતી વીપી સિંહની સરકાર મંડલ કમિશન લાગુ પાડી શકી ન હોત!

    એક રાષ્ટ્ર એક ચુંટણી– લેખકના મતે આ મુદ્દે સાવધાની વરતવા જેવી છે, કારણ કે 1999થી 2014 સુધીની 6 રાજ્યોની 16 ચુંટણીઓની 2600 વિધાનસભા બેઠકોનો અભ્યાસે સાબિત કર્યું છે કે 77 ટકા મતદારો કોઈ એક જ પક્ષ તરફ ઢળ્યા હતા.

    આમ, આ પ્રથામાં મતદારોની માનસિકતા કોઇ એક પલ્લે નમવાનું જોખમ સામેલ છે.

    શિક્ષણ– આ બાબતે લેખકે વિશદ છણાવટ આપતાં અપૂરતું ભંડોળ તેમજ રાજકીય ઇચ્છાશક્તિના અભાવને મુખ્ય કારણ માન્યા છે. લેખકે કોઠારી કમિશનની જીડીપીનાં ૬ ટકા નાણાં શિક્ષણ માટે વાપરવાની ભલામણનો હવાલો આપી દલીલ કરી છે કે આજ સુધી કેન્દ્રની કોઇ સરકારે ૩ ટકાથી વધુ નાણાં ફાળવ્યા જ નથી.

    રાજકીય ઇચ્છાશક્તિ કેવાં પરિણામો આપી શકે તે માટે તેમણે બહુચર્ચિત ચારા કૌભાંડમાં દોષિત લાલુ પ્રસાદ યાદવનો  કિસ્સો ટાંક્યો છે. તે મુજબ, ચૂંટણી પ્રચાર સમયે લાલુપ્રસાદને ‘ભૈયા’ કહી પોકારતી લક્ષ્મીનિયાનો ભેટો થયો. કાખમાં છોકરું તેડી આવેલી ચીંથરેહાલ લક્ષ્મીનિયા બિહારની અત્યંત પછાત એવી મુસહર જાતિની હતી. લાલુએ લક્ષ્મીનિયા અને તેની કાખમાં તેડેલા સંતાનને યાદ રાખી સત્તામાં આવતાં મુસહરોને શિક્ષણ સુલભ કરાવવા નક્કી કર્યું. લક્ષ્મીનિયાના ગામ પુનપુનથી શરૂઆત કરી તેમણે 300 જેટલી શાળાઓ સ્થાપી હતી.

    વંદેમાતરમ ગાન – લેખકના મતે વંદેમાતરમનું ગાન ધાર્મિક નહીં પણ રાજકીય મુદ્દો છે. પોતાની આ વાત રજૂ કરવા લેખકે નોંધ્યું છે કે 1905માં વંદેમાતરમ સ્વીકૃતિ પામ્યું તે વખતે કોંગ્રેસનાં અધિવેશનો અને આઝાદીના આંદોલનોમાં સહુ એકી અવાજે વંદેમાતરમનું ગાન કરતા હતા. કારણ કે ત્યારે અલગ મઝહબી રાષ્ટ્રની માનસિકતા નહોતી પ્રગટી.

    કાયદો, વ્યવસ્થા અને પોલિસ– આ બાબતે પણ પુસ્તકમાં સારી એવી ચર્ચા છેડાઇ છે. તેમાં કસ્ટોડિયલ ડેથના કિસ્સાઓ તથા જાતિ અંગે પોલિસનાં માનસિક વલણો દર્શાવી પોલિસનો બિહામણો ચહેરો રજૂ કર્યો છે; તો સાથે તેમની અપૂરતી સુવિધાઓ, અપૂરતું સંખ્યાબળ, કામના અનિશ્ચિત કલાકો વગેરે બાબતે ચિંતા પણ વ્યક્ત કરી છે.

    પુસ્તકમાં આવી અનેક બાબતે પર પ્રકાશ ફેંકતી ચર્ચાઓ ઉપરાંત કેટલીક અજાણી માહિતી પીરસતા નહેરુ, આંબેડકરના બીજાં પત્નિ માઇસાહેબ આંબેડકર, મૌલાના આઝાદ, ઠક્કરબાપા, જલિયાંવાલાબાગના હત્યાકાંડ પરથી ‘ખૂની બૈસાખી’ કવિતા લખનાર નાનકસિંહ વગેરે જેવા બાર વ્ચક્તિવિશેષોના ચંદુભાઇએ કરેલા આલેખનોનો પણ સમાવેશ છે.

    *

    એક સમયે વિવિધ મુદ્દે અખબારોમાં છેડાયેલી ચર્ચાઓના પડઘા ગલીના નાકે અને ગામને ચોતરે પડઘાતા. દ્રશ્ય સામગ્રી પર આધારિત ટીવી અને મોબાઇલની હોડમાં ઝંપલાવી અખબારોએ ‘વાચક’ને ‘દર્શક’ બનાવવા સાથ આપ્યો. લોકોની વાંચનરૂચિ ઘડતા લખાણનું સ્થાન માનુનીઓની તસવીરોએ રોક્યું. વેચાણ વધારવા અને નંબર વનની દોડમાં અખબારોએ માર્કેટીંગના અવનવા નુસખાની અજમાયશ કરી એક સમયના ‘વાચક’ને ક્રમશઃ ‘ગ્રાહક’માં તબદીલ કરી દીધો! પુસ્તક ચોતરફના આરંભે લેખક ચંદુભાઇએ કેફિયતમાં સખેદ એ મતલબની નોંધ આપી છે કે, એક સમયે દરેક રીતે ‘જગાડવા’નું કાર્ય કરતા અખબારો આજે એ બરના રહ્યા નથી. જો કે તેમાં ‘ચોતરફ’ સુખદ અપવાદોમાંની એક કટાર છે.

    આ પુસ્તક વાંચતા સમજાય છે કે પંડીતાઇના દેખાડા રહિતની વિદ્વતા તથા આડંબર રહિતની રજૂઆત ચંદુભાઇના લેખનનુ આગવું પાસું છે. આ એક બેઠકે વાંચી કાઢવાનું પુસ્તક નથી; બલકે વાંચ્યા બાદ મનન કરવાથી લખાણોનું હાર્દ સમજાય છે. લેખકની તટસ્થતા તેમજ સ્પષ્ટતા ઉડીને આંખે વળગે છે. લેખકે વિવિધ મુદ્દાઓ ચર્ચા કરી છોડી નથી દીધા, પણ લેખના સમાપનમાં તેનું મૂળ તથા શું કરવું ઘટે એ પણ સૂચવ્યું છે. પુસ્તકના આરંભે ચંદુભાઇએ આલેખેલા જીવનવૃતાંતના અત્યંત ટૂંકા છતાં સચોટ પરિચયમાં તેમના આ ઘડાયેલા લેખનનો રાઝ જાણવા મળે છે. તેઓએ નોંધ્યું છે કે “તેમણે કશાં વિચારબંધનો ને વાચનપ્રતિબદ્ધતા વિના તમામ ‘વાદ’ના પુસ્તકો, છાપાનાં તંત્રીલેખો તથા ખાસ કરીને પ્રકાશ શાહ, ભાનુભાઇ અધ્વર્યુ જેવા એક કરતાં વધુ લેખકોના દ્રષ્ટિકોણ જાણવા, તેના આધારે પોતાનો દ્રષ્ટિકોણ વિકસાવવા પર ધ્યાન આપ્યું છે.” પુસ્તકના પ્રારંભે સંજય સ્વાતિ ભાવેએ પુસ્તક ‘ચોતરફ’ને આવકારતો અને મુદ્દાસર પરિચય આપતો લેખ લખ્યો છે, જેમાં તેમણે ચંદુભાઈની કાર્યશૈલીનો સુપેરે પરિચય કરાવ્યો છે. તેમાં સહર્ષ નોંધ્યું છે કે “છાપાંના લેખો છીછરા હોય છે એવી છાપને દૂર કરનારાં જૂજ ગુજરાતી પુસ્તકોમાંનું આ એક પુસ્તક છે.” પુસ્તક વાંચતા આ ટીપ્પણી સર્વથા યોગ્ય જણાય છે.

    *** * ***

    પુસ્તક અંગેની માહિતી:

    ચોતરફ: ચંદુભાઇ મહેરિયા

    પૃષ્ઠસંખ્યા : 196
    કિંમત : રૂ. 230/
    આવૃત્તિઃ પ્રથમ આવૃત્તિ-2022

    પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન : સાર્થક પ્રકાશન; 14 ભગીરથ સોસાયટી, શાંતિ ટાવર સામે, વાસણા બસ સ્ટેન્ડ પાછળ, વાસણા, અમદાવાદ-390007 | વીજાણુ સંપર્કઃ spguj2013@gmail.com ; http://www.saarthakprakashan.com

    વિક્રેતા: બુક શેલ્ફ; 16 સિટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, સી.જી. રોડ, નવરંગપુરા,   અમદાવાદ-380009


    પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com

  • આપણા રોજબરોજનાં જીવનનાં સુખની ખોજનું અર્થશાસ્ત્ર : પ્રકરણ # ૩ – અંશ : ૩

    આપણાં જીવનનું પોતાનું અર્થશાસ્ત્ર

    પણ સમજવું તો જોઇએ

    દિવ્યભાષ સી. અંજારીઆ

     

    પ્રકરણ # ૩ – અંશ : ૨ થી આગળ

    સામૂહિક સ્તરનાં અર્થશાસ્ત્રનાં પરિપ્રેક્ષ્યમાં ખર્ચાઓ અને લાભાલાભનું વિશ્લેષણ

    વ્યાવસાયિક અર્થશાસ્ત્રીઓ ઘણી આર્થિક  બાબતો વિશે આગાહીઓ કરવામાં ખોટા પડતા હોય છે. તો, સંસાધનોના વપરાશની સામે લાભોની આપણી અપેક્ષાઓ જેવી કેટલીય બાબતોમાં તેઓ સાચા પણ પડતા હોય છે. આપણને સમજાય એવી ભાષામાં એમ કહી શકાય કે અર્થશાસ્ત્રનું વિજ્ઞાન, તત્ત્વતઃ, ખર્ચાઓ અને લાભાલાભનું વિશ્લેષણ છે. જે મુજબ અર્થશાસ્ત્રીઓ એમ માનવા, અને અનુમાન કરવા, માગતા હોય છે, કે  તર્કને  અનુસરતાં માનવીઓ તરીકે આપણે ઓછામાં ઓછે ખર્ચે વધારેમાં વધારે લાભ મેળવવા માગતાં હોઈએ છીએ. ઘણે અંશે, આ અનુમાન સાવ ખોટું પણ નથી.

    ખર્ચાઓ અને લાભાલાભનાં વિશ્લેષ્ણનો દૃષ્ટિકોણ પોતે ખોટો નથી, પણ અર્થશાસ્ત્રીઓ અર્થવ્યવસ્થાનાં માપનનાં મૂળમાં માત્ર નાણાં હોવાની બાબતે ખોટા પડતા હોય છે. એમના માટે નાણાં એ ફક્ત વિનિમયો માટેના  સર્વમાન્ય આધારને બદલે, કે પછી  વિનિમયોને સરળ કરી આપનાર સાધનને બદલે, અર્થશાસ્ત્રનાં દરેક પાસાંનો અનિવાર્ય આધાર છે.

    પરિણામે, ખર્ચ અને લાભાલાભનાં સહિતનાં અર્થવ્યવસ્થાનાં બધાં જ વિશ્લેષણો નાણાંને પ્રાથમિક સંદર્ભ ગણીને જ કરાતાં હોય છે. માનવી તર્કસંગત પ્રાણી છે તે પૂર્વાનુમાનની સાથે  ખર્ચા અને લાભાલાભની બધી ગણતરીઓમાં નાણાને જ આધાર ગણી લેવાથી આપણી  સાથેના વ્યવહારોની બાબતમાં અર્થશાસ્ત્રીઓ મુશ્કેલીમાં આવી પડતા હોય છે. આચરણમૂલક અર્થશાસ્ત્રીઓ પણ આપણી વર્તણૂકોને નાણાના સંદર્ભના તર્કની દૃષ્ટિ જ જોતા હોય છે અને અભ્યાસ કરતા હોય છે. કલ્પનાશીલ  રચનાત્મકતાથી દોરવાતાં આપણા જેવાં આર્થિક નિર્ણયકર્તાઓનાં ઘણા નિર્ણયો નાણાના આધાર સિવાયના, બિનતાર્કિક, હોય છે. આપણા જેવાં બિનઅર્થકારણી સામાન્ય લોકો પોતાની મરજીના માલિક હોય છે. એમને દરેલ બાબતોમાં નાણાની જ પરવા નથી હોતી કે નથી તો દરેક વખતે તેઓ ખર્ચા અને લાભાલાભની ગણતરીઓ કરતાં. તેનું સીધું એક પરિણામ એ આવે છે કે અર્થશાસ્ત્રીઓ આપણી બધી વર્તણૂકોની સાચી આગાહીઓ તો નથી જ કરી શકતા પણ આપણા નાણાને કેંદ્રમાં રાખ્યા સિવાયના આપણા અંગત નિર્ણયોની સામુદાયિક અસરો જેમના પર પડતી હોય છે એવાં સામુહિક સ્તરનાં અર્થશાસ્ત્રની બધી ઘટનાઓની પણ તેઓ ચોક્કસપણે આગાહી નથી કરી શકતા.

    સામૂહિક સ્તરનાં અર્થશાસ્ત્રની આપણને જરૂર પણ છે

    આપણે જે અર્થવ્યવસ્થામાં રહીએ છીએ તેને અર્થશાસ્ત્રીઓ માલની ખપત, ઘરેલુ બચત, રોકાણો કે તેનાં પરનાં વળતરો અને નાણાંનાં ભાવિ મૂલ્યો જેવી બાબતોના સંદર્ભોમાં સામુહિક સ્તરે જ જુએ અને સમજે છે. જોકે એ સ્તરનાં  તેમનાં ઘણાં તારણો, તેમની કેટલીક આગાહીઓ અને તેમની મોટા ભાગની ચિંતાઓ આપણને વ્યક્તિગત સ્તરની આપણી ખુશીઓ અને આપણી જીવન વ્યવસ્થાને કંઈકને કંઈક અંશે અસર પણ કરે છે. જેમકે, ભાવવધારાની આપણી ખરીદશક્તિ પરની કે આપણા રોકાણોનાં અસરકાર વળતર પરની અસરો.

    બહુ સરળ ભાષામાં એમ કહી શકાય કે અર્થશાસ્ત્રીઓના અભ્યાસોનું હાર્દ નાણાકીય ખર્ચાઓ અને તેની સામેના નાણાકીય લાભાલાભોનાં વિશ્લેષણ સાથે સંકળાયેલું રહેતું હોય છે. આપણે જે સંસાધનો વાપરીએ છીએ કે જે નાણાકીય ‘ખર્ચા’ કરીએ છીએ તેમાં કઈ રીતે મહત્તમ ‘મૂલ્યવર્ધન’ કરવાથી આપણને વધારેમાં વધારે લાભ મળે તેનું મહત્ત્વ તેમના સામુદાયિક સ્તરના અભ્યાસોમાં વધારે હોય છે. એ લોકો જે સામુદાયિક સ્તરે જે બાબતોની શોધમાં રહે છે એ જ બાબતો, ભલે અલગ પ્રકારે, આપણને આપણાં વ્યક્તિગત સ્તરે પણ પ્રસ્તુત રહે છે.

    સામુદાયિક સ્તરનાં અર્થવ્યવસ્થાનાં પરિબળો વિશે આપણે સામુદાયિક અર્થશાસ્ત્રનાં સરળમાં સરળ મોડેલને સમજી લીધા પછીથી મોડેથી વાત કરીશું.

    અર્થશાસ્ત્રનાં વિજ્ઞાનના પદાર્થપાઠો અનુસાર આપણી આગવી અર્થવ્યવસ્થાના નિયમોની ગોઠવણી

    અર્થશાસ્ત્રનાં વિજ્ઞાનના પદાર્થપાઠો શીખવાની શરૂઆત આપણે અર્થવ્યવસ્થાનાં માળખાંને સમજવાથી કરવી જોઈશે. ખર્ચ ને લાભાલાભનાં વિશ્લેષણ અર્થશાસ્ત્રનાં માળખાનું એક એવું સરળ પાસું છે જે આપણે બહુ ભારીખમ આર્થિક સિદ્ધાંતોની જંજાળમાં પડ્યા સિવાય પણ આપણાં અંગત જીવનમાં અપનાવી શકીએ તેમ છીએ.

    આર્થિક જેલની અંદરનાં, અને બહારનાં પણ, જીવનને સ્પર્શતા સામુદાયિક અર્થતંત્રના અન્ય આવશ્યક સિદ્ધાંતોને આપણે જરૂરથી સમજીશું. પરંતુ એમ કરીને આર્થિક જેલની કોટડીમાં આપણે ગોંધાઈ નથી રહેવું. એ સિદ્ધાંતોની  જ મદદથી જ્યાં નાણાની જરૂર નથી એવાં, જેલરને પણ સ્વીકાર્ય એવાં, ખુલ્લાં આકાશની નીચે વહેતી તાજગીભરી હવાની લહેરખીઓમાં આપણે ભમવું છે. નાણાની જાળમાં વીટાલાયેલા જેલના નિયમો આપણે પાળવા છે તે જેટલું સાચું છે એટલું જે નાણાં સિવાયનાં આપણાં જીવનનાં પાસાંઓ વડે આપણા જીવનને સંવારવાનું સાચું છે.

    એટલે, અર્થશાસ્ત્રનાં માળખાંની અંદર રહીને આપણે આપણા પોતાના નિયમોથી ચાલતી આપણી આગવી અર્થવ્યવસ્થાની દુનિયાને વિકસાવવાની છે અને તેને અનુરૂપ થઈને આપણાં જીવનને ઘડવાનું છે.

    આપણી અર્થવ્યવસ્થા અનુસાર અર્થશાસ્ત્રનાં મૂળભુત માળખાંની ગોઠવણી

    અર્થશાસ્ત્રીઓનાં ખર્ચ અને લાભાલાભનાં વિશ્લેષણનાં મૉડેલને આપણે આપણી અંગત અર્થવ્યવસ્થાના ઢાંચામાં ગોઠવાવાની સાથે સાથે આપણે આપણાં બીનનાણાકીય સાધનોના વપરાશના ખર્ચા અને જીવનમાં સુખની આભા ફેલાવતા તેમાંથી મળતા બીનનાણાકીય  લાભાલાભના હિસાબ પણ આપણે માંડીશું.

    આપણી પાસે ઉપલબ્ધ એવાં અનેક સંસાધનોને અસરકારક રીતે કામે લગાડીને આપણાં સુખનાં આપણાં પોતાનાં લક્ષ્યોને આપણે સિદ્ધ કરીશું.

    સુખના આપણા અન્ય અનેક સંભવિત લાભાલાભની ગણત્રીઓ આપણે માત્ર રૂપિયા પૈસામાં જ નહીં પણ બીનનાણાકીય પ્રમાણો અનુસાર પણ કરીશું.

    બીજા શબ્દોમાં કહીએ તો અર્થશાસ્ત્રીનાં નાણાકીય ખર્ચને લાભાલાભનાં સરળ મૉડેલને અપનાવીને આપણે આપણા જીવનના હિસાબ રૂપિયા આના પુરતા મર્યાદિત નહીં કરી નાખીએ, પણ સંસાધનોના વપરાશનાં ખર્ચનાં તેમ જ તેમાંથી પરિણમતા લાભાલાભનાં દરેક શક્ય પરિમાણોના સંદર્ભમાં ગણત્રીઓ માંડીશું.


    હવે પછી આપણી પાસે કયાં કયાં સંસાધનો છે, નાણાના પ્રભાવને હાવી થવા દેવા સિવાય તેમને કેમ કામે લગાડવાં અને આપણાં વ્યક્તિગત જીવનને સ્પર્શતા તેમાંથી પરિણમતા નાણકીય અને બીનનાણાકીય લાભો કયા હોઈ શકે તેની વાત કરીને આ પ્રકારણ પુરૂં કરીશું.


    ક્રમશઃ


    શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • મહિલાઓને પીરિયડ લીવ આપવી વાજબી છે ?

    નિસબત

    ચંદુ મહેરિયા

    વિદ્યાર્થિનીઓ અને મહિલા કર્મચારીઓને  પીરિયડ લીવ આપવાની માંગણી કરતી જાહેર હિતની અરજી, સરકારની નીતિ વિષયક બાબત ગણાવી,  સર્વોચ્ચ અદાલતે સુનાવણી માટે સ્વીકારી નથી. જોકે  અન્ય પીઆઈએલમાં સુપ્રીમ કોર્ટે માસિકસ્ત્રાવ દરમિયાનની સ્વચ્છતા અંગે સમાન રાષ્ટ્રીય નીતિ ઘડવા અને તમામ સ્કૂલ ગલ્સને વિનામૂલ્યે સેનેટરી પેડ આપવા નિર્દેશ આપ્યો છે. તેને કારણે માસિકસ્ત્રાવ, મોનોપોઝ, પીરિયડ લીવ અને સેનેટરી નેપકિન જેવી શરમ અને સંકોચને કારણે ભાગ્યે જ જાહેરમાં ચર્ચાતી બાબતો સપાટી પર આવી છે.

    મલયાલમ લેખક પી. ભાસ્કર રુન્નીના પુસ્તક ‘ કેરલ ઈન નાઈનટીન્થ સેન્ચુરી’માં ઈ.સ. ૧૯૧૨માં કેરળના કોચીન રજવાડાના( હાલનો અર્નાકુલમ જિલ્લો)  ત્રિપુનથુરા ગામની સરકારી કન્યા શાળાએ વાર્ષિક પરીક્ષામાં પણ મહિલા શિક્ષકો અને વિધ્યાર્થીઓને પીરિયડ લીવ આપી હોવાનો ઉલ્લેખ છે. સોવિયત સંઘે ઈ.સ. ૧૯૨૨માં નેશનલ પોલિસી થકી મહિલા કામદારોને માસિકસ્ત્રાવની રજા આપી હતી. આ તો હવે સદી પુરાણી વાત થઈ.

    પણ નવેમ્બર ૧૯૯૧માં મુખ્યત્વે કેન્દ્રના ધોરણે પગાર અને પગાર વિસંગતતા નાબૂદી માટેના બિહારના સરકારી કર્મચારીઓના આંદોલનની એક ગૌણ માગણી મહિલા કર્મચારીઓને માસિકસ્ત્રાવની પીડાના દિવસોની સવેતન ખાસ રજા આપવાની હતી. માધ્યમોએ ગંવાર તરીકે ચિતરેલા લાલુપ્રસાદ યાદવ તે સમયે બિહારના મુખ્યમંત્રી હતા. કર્મચારી આગેવાનો સાથે મંત્રણાના મેજ પર લાલુપ્રસાદે પીરિયડ લીવની માંગણી ક્ષણના ય વિલંબ વિના સ્વીકારી લીધી હતી. અને ૧૯૯૨ની પહેલી જાન્યુઆરીથી તેનો અમલ થઈ રહ્યો છે.

    પછાત, સામંતી અને બીમારુ રાજ્ય બિહારના મહિલા કર્મચારીઓ લગભગ ત્રણ દાયકા કરતાં વધુ સમયથી પીરિયડ લીવ મેળવે છે.પરંતુ ભારતનું એકેય પ્રગતિશીલ, વિકસિત કે વાઈબ્રન્ટ રાજ્ય જમાના કરતાં આગળના બિહારના આ પગલાંનું અનુકરણ કરી શક્યું નથી. (અપવાદરૂપે હજુ હમણા કેરળની સામ્યવાદી સરકારે રાજ્યની તમામ યુનિવર્સિટીઓની છાત્રાઓને પીરિયડ લીવ આપવાનું ઠરાવ્યું છે ) એટલે દુનિયાના લગભગ એકાદ ડઝન દેશોમાં મહિલાઓને માસિકસ્ત્રાવના દુખાવા માટે ખાસ રજા મળે છે અને તાજેતરમાં સ્પેનની સંસદે આ માંગ સ્વીકારતાં તે પીરિયડ લીવ આપનારો  પહેલો યુરોપિયન દેશ બન્યો છે. તેની યાદ ભારતને આપવાનો અર્થ નથી.

    તમામ મહિલાઓ દર મહિને એકાધિક દિવસોની માસિકસ્ત્રાવની પીડા ભોગવે છે. એક મહિલા તેની જિંદગીના કુલ વરસોમાંથી સરેરાશ દસ વરસ કે ત્રણ હજાર પાંચસો દિવસ માસિકની પીડા વેઠે છે. તેમાં બે વરસનો ગાળો તો ભારે મુશ્કેલ હોય છે. તેમાં અસહ્ય પીડા, દર્દ અને રક્તસ્ત્રાવ સહેવા પડે છે. આ વિષયના એક વિદેશી નિષ્ણાતના મત પ્રમાણે માસિકનો દુ:ખાવો હ્રદય રોગના હુમલા જેટલો હોય છે. માસિકના  દિવસોમાં લગભગ ૨૦ ટકા મહિલાઓ તો ચાલી પણ શકતી નથી. મહિલાઓ જે શારીરિક-માનસિક મુશ્કેલીઓ ભોગવે છે તેમાં માથું, પેટ અને પગનો દુખાવો, શરીરમાં કળતર, ઉલટી, તાવ, ચક્કર , ચીડિયાપણું, બેચેની, મૂડ ખરાબ હોવો, ઉંઘ અને  ભૂખ ઘટવાં જેવી બાબતોનો સમાવેશ થાય છે.

    મહિલાઓને આ દિવસોમાં આરામની સખત જરૂર હોય છે એટલે જો તે આ સમયે કામ કરે તો કામને અને મહિલાને બંનેને અસર થાય છે. તેને કારણે કામની ગુણવત્તા જોખમાય છે અને ઉત્પાદન ઘટે છે. જો માસિકના દુખાવાની પીડાના સમયે તેને રજા કે આરામ મળે તો પછીના દિવસોમાં તે વધુ સારી રીતે કામ કરી શકે છે અને ધાર્યું ઉત્પાદન થઈ શકે છે. એટલે મહિલા અને નોકરીદાતાના લાભમાં છે કે તેને આરામ કે રજા મળે.

    કામગરા દેશની વાજબી છાપ ધરાવતા જાપાનમાં ૧૯૪૭થી મહિલાઓને પીરિયડ લીવ આપવામાં આવે છે. માસિકસ્ત્રાવ અને તેની પીડા એક જૈવિક પ્રક્રિયા છે. મહિલાઓ આ દિવસો અને તેની પીડા વિશે ખુલીને પુરુષકર્મી સાથે સહજતાથી વાત કરી શકતી નથી. ઘણી મહિલાઓ રજોનિવ્રુતિકાળની મુશ્કેલીઓને કારણે નોકરી છોડે છે. દેશમાં સરેરાશ ૫૭.૬ ટકા મહિલાઓ જ સેનેટરી પેડ વાપરે છે. બાકીનાને તે પોસાય તેમ નથી તેથી તેઓ હાથવગા ઉપાય કરે છે. દેશની શ્રમિક અને અસંગઠિત ક્ષેત્રે કામ કરતી મહિલાઓને પીડા વેઠીને પણ કામ કરવું પડે છે. નહીં તો તેને ભૂખે મરવું પડે છે.

    આમ પણ સવેતનિક કામ માટે મહિલાઓની પસંદગી ઓછી જ થાય છે. ૧૯૬૧ના માતૃત્વ લાભ અધિનિયમ પ્રમાણે મહિલાકર્મીને પ્રસૂતિ, ગર્ભપાત, ફેમિલીપ્લાનિંગ સર્જરી જેવા કારણોસર પેઈડ લીવ આપવી  નોકરીદાતાને ગમતી નથી. જો તેમાં પીરિયડ લીવ ઉમેરાય તોમહિલાઓને શાયદ નોકરીએ જ ના  રાખે..આ સૌથી મોટો ગેરફાયદો છે. જાપાનમાં કાયદા છતાં પાત્રતા ધરાવતી ૦.૯ ટકા મહિલાઓ જ પીરિયડ લીવનો લાભ લે છે.તે હકીકત પણ નજરઅંદાજ કરવા જેવી નથી.

    જોકે સ્ત્રી-પુરુષ સમાનતાની દ્રષ્ટિએ આ માંગનો વિરોધ યોગ્ય નથી. સ્ત્રી ગર્ભ ધારણ કરે છે, બાળક્ને જન્મ આપે છે, માસિક્ની પીડા વેઠે છે. આ કશું ય પુરુષને ભાગે આવતું ના હોઈ સમાનતાની આડ લેવી યોગ્ય નથી. માસિકની રજા મહિલાઓનો કાનૂની અને માનવીય અધિકાર છે અને તે તેમને આરામ અને રાહત આપશે તે નિર્વિવાદ છે. દેશની દોઢ ડઝન ખાનગી કંપનીઓ અને બિહાર રાજ્ય જો પીરિયડ લીવ આપતાં હોય તો બીજા પણ આપી શકે.

    પીરિયડ લીવના મુદ્દે રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ જોવા મળે છે. સંસદમાં  આ અંગેના બે બિનસરકારી વિધેયકો પર સરકારનો અભિગમ નકારાત્મક હતો.. લોકસભામાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ  પ્રવર્તમાન કાયદાનો હવાલો આપીને માંગ નકારી છે. તો આરોગ્ય રાજ્ય મંત્રી ભારતી પ્રવીણ પવારે માસિકસ્ત્રાવને સામાન્ય શારીરિક પ્રક્રિયા ગણાવીને ગંભીર પીડા કે મુશ્કેલીઓનો સામનો કરતી મહિલાઓનું પ્રમાણ ઓછું છે તેમ જણાવી રજાની માંગણી ઈન્કારી છે. કેરળના ઉચ્ચ શિક્ષણ મંત્રી આર. બિન્દુ  માસિકના ગાળાને મહિલાઓ માટે ઈમોશનલ રોલર કોસ્ટર જેવો ગણાવે છે ખરા પણ રજા તો ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ પૂરતી જ આપે છે !

    મહિલાઓની માસિક્સ્ત્રાવની રજાની માંગ સ્વીકારીને સરકાર કદાચ સરકારી કચેરીઓ, સંસ્થાઓમાં મહિલાલક્ષી સવલતો અને સુધારા કરવામાંથી મુક્તિ મેળવી લેશે. વળી બહુ મોટો ગરીબ મહિલાઓનો વર્ગ તો તેમાંથી બાકાત હશે.સિંદૂર, કાજલ,  ચાંદલો જેવા મહિલા સોંદર્યપ્રસાધનના સાધનો જીએસટી મુક્ત હોય પણ સેનેટરી નેપકિન  જીએસટીયુક્ત હોય તેવી સરકારી નીતિ અને માસિક્સ્ત્રાવની જૈવિક પ્રક્રિયાને પણ ધર્મ સાથે જોડી માસિકધર્મ તરીકે ઓળખાવતા સમાજ સામે મહિલાઓએ અનેક મોરચે લડવાનું છે. એટલે સરકારસહિતના સમગ્ર સમાજની સંવેદનશીલતા જરૂરી છે


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • લક્ષ્ય સિદ્ધિ – યોગવિધિ

    ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના

    દિનેશ.લ. માંકડ

    પ્રાચીન ભારતની શિક્ષણ પદ્ધતિ કેવળ પુસ્તક આધારિત હતી જ નહિ..તમામ પ્રકારની વિદ્યા અને જીવન ઘડતર પણ શિક્ષણનો જ ભાગ હતો.આ વાત આપણે વારંવાર જાણીએ -સાંભળીએ છીએ શિક્ષણમાં પૂર્વતૈયારી રૂપે સજ્જ થવું આવશ્યક છે.અમૃતનાદ ઉપનિષદ આ રીતે પ્રારંભ કરે છે. शास्त्राण्यधीत्य मेधावी अभ्यस्य च पुनः पुनः । ‘જ્ઞાનવાન મનુષ્યનું એ કર્તવ્ય છે કે શાસ્ત્રાદિનું અધ્યયન કરીને વારંવાર અભ્યાસ કરતા રહેવું .અને આગળ કહે છે કે  ओङ्कारं रथमारुह्य विष्णुं कृत्वाथ सारथिम् ।.’ ૐ કાર રૂપી રથમાં આરૂઢ થઇ,ભગવાન વિષ્ણુને સારથી બનાવી પરમપદનું ચિંતન કરતાં કરતાં જ્ઞાની પુરુષ ઉપાસનામાં તલ્લીન રહે.’ લક્ષ્ય પ્રાપ્તિ માટે સ્પષ્ટ કહે છે કે ‘ જ્યાં સુધી એ ( પ્રણવરૂપી ) રથ દ્વારા ત્યાં સુધી ચાલવું જોઈએ, જ્યાં સુધી રથને ચાલવા યોગ્ય માર્ગ પૂર્ણ ન થાય.’ स्थित्वा रथपथस्थानं रथमुत्सृज्य गच्छति|

    યોગ અને પ્રાણાયામ વિષે ભારતનો સામાન્ય નાગરિક તો છેલ્લા થોડાં વર્ષોથી જ સુપરિચિત થયો છે.પરંતુ  યોગ અને પ્રાણાયામની આવશ્યકતા અને ઉપયોગીતાનું મૂલ્ય તો આપણા તમામ પ્રાચીનશાસ્ત્રોમાં છે જ. ઉપનિષદોમાં પણ તેનો વિશેષ ઉલ્લેખ છે.અને શ્રેષ્ઠ તન અને શ્રેષ્ઠ મન માટેની તેની પ્રાથમિક જરૂરિયાત બતાવીને તેનાથી પ્રાપ્ત અંતિમ લક્ષ્ય પણ જણાવ્યું છે. કૃષ્ણ યજુર્વેદ સંબંધિત અમૃતનાદ ઉપનિષદ યોગની વ્યાખ્યાથી માંડી પુરેપુરી સમજ પાડે છે. અહીં આ મંત્રમાં યોગની પૂર્ણ વ્યાખ્યા કરવામાં આવી છે.प्रत्याहारस्तथा ध्यानं प्राणायामोऽथ धारणा ।sतर्कश्चैव समाधिश्च षडङ्गो योग उच्यते ॥ ‘પ્રત્યાહાર ,ધ્યાન,પ્રાણાયામ ,ધારણા તર્ક અને સમાધિ આ છ અંગોથી ચુસ્ત સાધનાને યોગ કહેવામાં વાવે છે.’

    પ્રાણાયામથી થતા શ્રેષ્ઠ લાભોને એક નક્કર ઉદાહરણથી સમજાવીને સાધકની શ્રદ્ધા વધારે છે.’ અગ્નિમાં તપાવવાથી સોનુ વગેરેનો મેલ ભસ્મ થાય તેમ સમસ્ત ઇન્દ્રિયો દ્વારા કરવામાં આવેલ દોષ, પ્રાણાયામની પ્રક્રિયા કરવાથી ભસ્મ થઇ જાય છે.’ यथा पर्वतधातूनां दह्यन्ते धमनान्मलाः। तथेन्द्रियकृता दोषा दह्यन्ते प्राणनिग्रहात् ॥

    પ્રાણાયામની જેમ જ યોગ્ય રીતે કરેલ ધારણા.ધ્યાન, પ્રત્યાહારથી પણ થતા ઉત્તમ લાભ કહીને સાધકનું આત્મબળ અને સાથે યોગ વિશેની મહત્તા વધારે છે. प्राणायामैर्दहेद्दोषान्धारणाभिश्च किल्बिषम् । प्रत्याहारेण संसर्गाद्ध्यानेनानीश्वरान्गुणान् ॥ किल्बिषं हि क्षयं नीत्वा रुचिरं चैव चिन्तयेत् ॥ પ્રાણાયામથી જેમ દોષ વિકાર જાય તેમ ધારણાના માધ્યમથી પાપો ,પ્રત્યાહારથી ઇન્દ્રિય સંસર્ગથી ઉત્પન્ન દોષો,અને ધ્યાન દ્વારા અનીશ્વરીય ગુણોનો નાશ થાય છે .અને આ પ્રમાણે સંચિત પાપો અને કુસંસ્કારોનું શમન કરતાં કરતાં પોતાના ઇષ્ટનું ચિંતન કરવું.’

    सव्याहृतिं सप्रणवां गायत्रीं शिरसा सह । त्रिः पठेदायतप्राणः प्राणायामः स उच्यते આ શુદ્ધ પ્રાણાયામની વ્યાખ્યા કરીને ‘રેચક’, ‘પૂરક’ અને કુંભક  વિષે પણ સ્પષ્ટ સમજણ અહીં અપાઈ છે. (નાક વાટે ) પ્રાણવાયુને બહાર કાઢીને મન સ્થિર કરવું તે ‘રેચક’, शून्यभावेन युञ्जीयाद्रेचकस्येति लक्षणम् ॥ ધીમી ગતિથી પ્રાણવાયુને  પોતાનાં  અંતઃકરણમાં ધારણ કરે તે ‘પૂરક’ નું લક્ષણ છે. एवं वायुर्ग्रहीतव्यः पूरकस्येति लक्षणम् ॥ અને શ્વાસને ન તો અંદર ખેંચવામાં આવે અને ન તો બહાર કાઢવામાં આવે તથા શરીરમાં કોઈ જાતની હલચલ પણ ન કરવામાં આવે .આ રીતે પ્રાણવાયુને રોકવાની પ્રક્રિયાને ‘ કુંભક ‘ પ્રાણાયામનું લક્ષણ કહે છે. नोच्छ्वसेन्न च निश्वासेत् गात्राणि नैव चालयेत् । एवं भावं नियुञ्जीयात् कुम्भकस्येति लक्षणम् ॥

    પ્રાણાયામથી આગળ ધારણાની દ્રઢતા માટેનો અમૃતનાદ ઉપનિષદનો આગ્રહ પણ કેવો અદભુત છે. मनः सङ्कल्पकं ध्यात्वा संक्षिप्यात्मनि बुद्धिमान् । धारयित्वा तथाऽऽत्मानं धारणा परिकीर्तिता ॥ ‘બુદ્ધિમાન મનુષ્ય મનને સંકલ્પિત કરી આત્મામાં લય કરી દે પછી એ આત્મારૂપી સદબુદ્ધિને પણ પરમાત્મ સત્તાના ધ્યાનમાં સ્થિર કરી દે. આ રીતની ‘ધારણા;ની સ્થિતિ કહે છે..’  ‘તર્ક’ સંગત વિચાર કરી ,ભૌતિક  પદાર્થોને તુચ્છ માનીને મન સ્થિર કરે તેને ‘સમાધિ’ કહે છે.समं मन्येत यं लब्ध्वा स समाधिः प्रकीर्तितः ॥

    તમામ વિદ્યા પ્રાપ્ત કરવા માટે ચોક્કસ નીતિ નિયમોનો હંમેશ આગ્રહ  ઉપનિષદ રાખે જ છે.તો અને તો જ ઉત્તમ પરિણામ મળે .યોગ,પ્રાણાયામનો પ્રારંભ કરવા પહેલાની પૂર્વશરતો વિષે અમૃતનાદ ઉપનિષદ સ્પષ્ટ છે. શરૂઆત સ્થળથી થાય.’ ભૂમિને સ્વચ્છ ,સમતળ અને સર્વદોષથી વિમુક્ત કરીને પછી જ પ્રારંભ કરવો’. भूमिभागे समे रम्ये सर्वदोषविवर्जिते । પદ્માસન,સ્વસ્તિકાસન કે ભદ્રાસનમાં ઉત્તરાભિમુખ બેસીને પ્રાણાયામ કરવાનું સૂચન છે. पद्मकं स्वस्तिकं वापि भद्रासनमथापि वा ।बद्ध्वा योगासनं सम्यगुत्तराभिमुखः स्थितः ॥

    અને શરૂઆત કરવાની સૂચનામાં પણ પદ્ધતિની ઝીણામાં ઝીણી બાબત મંત્રમાં કહેવામાં આવી છે     ‘નાસિકાના જમણા છિદ્રને એક આંગળીથી બંધ કરી બીજાન ખુલ્લા છિદ્રથી વાયુ ખેંચી ,પછી બંનેય નાસિકા બંધ કરીને એ પ્રાણવાયુને ધારણ કરો.અને એ સમયે તેજ સ્વરૂપ શબ્દ ( ૐ કાર ) નું ચિંતન કરો..’ नासिकापुटमङ्गुल्या पिधायैकेन मारुतम् ।आकृष्य धारयेदग्निं शब्दमेवाभिचिन्तयेत् ॥ અને બહુવાર તેનું ઉચ્ચારણ કરતાં કરતાં રેચક ( વાયુ ધીરે ધીરે બહાર કાઢીને ) કરતી વખતે ચિત્તના મેલ ( વિકાર ) દૂર કરવા.  कुर्यादात्ममलच्युतिम् ॥ કરેલા નિયમિત પ્રાણાયામના તુરંત અને ઉત્તમ ફળ માટે કેટલીક આવશ્યક વાત કહી છે.स्थिरस्थायी विनिष्कम्पः સાધક સ્થિરતાપૂર્વક અને નિષ્કમ્પ ભાવથી બેસીને અભ્યાસ, પહેલેથી સુનિશ્ચિત્ત યોજના અનુસાર કરે તો તાડના વૃક્ષની જેમ થોડા જ સમયમાં ફળ મળે છે.. तालमात्राविनिष्कम्पो धारणायोजनं तथा ।

    શ્રેષ્ઠત્તમ યોગાભ્યાસ પછીની ગતિ માટે અમૃતનાદ ઉપનિષદ આગળ કહે છે કે ‘વાયુના પ્રવેશનો માર્ગ હૃદય છે, એ દ્વારા જે પ્રાણ સુષુમ્ણાના માર્ગમાં પ્રવેશે છે.એનાથી ઉપર ઉર્ધ્વગમન કરવાથી સહુથી ઉપર મોક્ષનું દ્વાર, બ્રહ્મરંધ્ર છે.યોગીઓ તેને સૂર્યમંડળ રૂપમાં ઓળખે છે.’ हृद्द्वारं वायुद्वारं च मूर्धद्वारमतः परम् । मोक्षद्वारं बिलं चैव सुषिरं मण्डलं विदुः ॥

    ‘ કઠોર તપસ્યા તો હોવી જ જોઈએ.ભય ક્રોધ,આળસ,વધારે ઊંઘવું,વધારે જાગવું,વધારે ભોજન કરવું,અથવા તો બિલકુલ નિરાહાર રહેવું  વગેરે દુર્ગુણો યોગી હંમેશ છોડી દે છે ‘ એમ પણ એક મંત્રમાં ભાર મૂકે છે અને  ‘જો આ રીતે નિયમપૂર્વક જે કોઈ સાધક ઉત્તરોત્તર પ્રગતિ કરતો, નિયમિત અભ્યાસ કરે તો એને ત્રણ માસમાં જ જ્ઞાન પ્રાપ્તિ થઇ જાય તેમાં સંશય નથી.’ એવું વચન અમૃતનાદ ઉપનિષદ આપે છે.अनेन विधिना सम्यङ्नित्यमभ्यसतः क्रमात् । स्वयमुत्पद्यते ज्ञानं त्रिभिर्मासैर्न संशयः ॥ ‘ અને ચાર માસમાં દેવદર્શન ,પાંચ માસમાં દેવગણ સમાન સામર્થ્યવાન ,છ માસમાં પોતાની ઇચ્છાનુસાર નિઃસંદેહ કૈવલ્ય ( મોક્ષ ) ને મેળવવા સમર્થ બની જાય છે.’

    चतुर्भिः पश्यते देवान्पञ्चभिस्तुल्यविक्रमः । इच्छयाप्नोति कैवल्यं षष्ठे मासि न संशयः ॥ આ તાકાત કેવળને કેવળ ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્ર સિવાય કોની પાસે હોઈ શકે ?

    એ જ રીતે આગળના મંત્રોમાં ધારણાની પ્રક્રિયા આપીને અમૃતનાદ ઉપનિષદ કહે છે,’ આ રીતે પ્રણવની ધારણા દ્વારા પંચભૂતો પર પૂર્ણ અધિકાર પ્રાપ્ત કરે છે.’ વેદકાળના ગણિતની મજા તો જુઓ.પ્રાણવાયુના આશ્રયરૂપ શ્વાસ સાડી ત્રીસ આંગળ લાંબો છે  બાહ્ય પ્રાણમાં એક લાખ તેર હજાર છસો એંસી નિઃશ્વાસનું આવાગમન એક દિવસ અને રાત્રિમાં થાય છે. अशीतिश्च शतं चैव सहस्राणि त्रयोदश । लक्षश्चैकोननिःश्वास अहोरात्रप्रमाणतः ॥ અને તે શરીરના ક્યાં અંગમાં,ક્યાં રંગ કે સ્થિતિમાં રહે તે પણ અહીં બતાવાયું છે.જેમ કે લાલ રંગમાં મણિ સમાન रक्तवर्नो मणिप्रख्यः અને નાભિમાં તો ગાયના દૂધ જેવો શુભ્ર કાંતિયુક્ત છે. समानस्तु द्वयोर्मध्ये गोक्षीरधवलप्रभः ।

    સાચા યોગીની ઉચ્ચત્તમ સ્થિતિથી અમૃતનાદ ઉપનિષદ પોતાની વિચારધારાનું સમાપન કરે છે. यस्येदं मण्डलं भित्वा मारुतो याति मूर्धनि । यत्र तत्र म्रियेद्वापि न स भूयोऽबिजायते । न स भूयोऽभिजायत इत्युपनिषत् ॥ જે શ્રેષ્ઠ યોગી કે સાધકનો પ્રાણ આ મંડળનું વેધન કરીને મસ્તકમાં પ્રવેશી જાય છે, તે પોતાના શરીરનો ગમે ત્યાઁ ત્યાગ કરી શકે છે અને જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઇ જાય છે.આ ઉપનિષદનું રહસ્ય છે.’

    વર્તમાન સમયમાં માનવ શરીર સ્વાસ્થ્ય માટે સારો એવો જાગ્રત થયો છે.પણ જયારે હજારો વર્ષ અગાઉ ઉપનિષદ યોગ પ્રાણાયામની મહત્તા અને પરિણામના પ્રમાણ આપે ત્યારે તેની શ્રદ્ધા ચોક્કસ બેવડાય જ. જન સામાન્યમાં એક ગ્રંથિ છે પ્રાચીનમાંથી ગ્રહણ કરવું ઘણું કઠણ છે પણ યોગ પ્રાણાયામ જેવી અતિ આવશ્યક વાતો સહજ સ્વીકારી વ્યક્તિમાત્ર જીવન ઉત્કર્ષની દિશામાં ચોક્કસ આગળ વધી શકે.


    શ્રી દિનેશ  માંકડનું  ઈ-મેલ સંપર્ક સરનામું :-   mankaddinesh1952@gmail.com

  • ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૫૧

    ચિરાગ પટેલ

    उ. २०.६.६ (१८२७) अग्निर्जागार तमृचः कामयन्तेऽअग्निर्जागार तमु सामानि यन्ति । अग्निर्जागार तमयँ सोम आह तवाहमस्मि सख्ये न्योकाः ॥ (अवत्सार काश्यप)

    અગ્નિ જાગૃત છે, એનાથી ઋચાઓ અપેક્ષા રાખે છે. અગ્નિ જાગૃત છે, તેથી સામગાનનો લાભ લે  છે. જાગૃત અગ્નિને જ સોમ કહે છે કે “હું તારા મિત્રભાવમાં જ રહું છું.”

    આ સામ દ્વારા ઋષિ સામગાનનો લાભ કે સામગાનની ચૈતસિક અસરોનો લાભ મેળવવા કેવી સાધનાનો અભ્યાસ કરવો જોઈએ એ અંગે જણાવે છે. જે વ્યક્તિ જાગૃત અગ્નિ સામે સામગાન કરે કે સાંભળે અર્થાત સામગાન સાથે ઓતપ્રોત રહીને યજ્ઞ દ્વારા સામગાન કરે તે વ્યક્તિ આ અસરોનો લાભ મેળવી શકે છે. આડકતરી રીતે મંત્રજાપ કે મંત્ર દ્વારા યજ્ઞની પધ્ધતિનો અહી નિર્દેશ છે. આ પહેલાના સામમાં આવી જ રીતે ઋષિ ધ્યાનની પદ્ધતિનો નિર્દેશ કરે છે. એટલે કે, ધ્યાન અને યજ્ઞ એ બંને અગત્યની સાધના પધ્ધતિઓ છે.

     

    उ. २०.६.१० (१८३१) अग्निर्ज्योतिर्ज्योतिरग्निरिन्द्रो ज्योतिर्ज्योतिरिन्द्रः । सूर्यो ज्योतिर्ज्योतिः सूर्यः ॥ (अवत्सार काश्यप)

    અગ્નિ જ્યોતિ છે, જ્યોતિ જ અગ્નિ છે. ઇન્દ્ર જ્યોતિ છે, જ્યોતિ જ ઇન્દ્ર છે. સૂર્ય જ્યોતિ છે, જ્યોતિ જ સૂર્ય છે.

    આ સામમાં ઋષિ અગ્નિ, ઇન્દ્ર અને સૂર્યને, જે મુખ્ય દેવો છે, જ્યોતિ એટલે પ્રકાશ અથવા વિશ્વરૂપ ગણે છે. આધ્યાત્મિક અર્થમાં, આત્મા એ જ આ જ્યોતિ છે જે અગ્નિ, ઇન્દ્ર કે સૂર્ય રૂપે પ્રચલિત છે.

     

    उ. २०.७.९ (१८४२) यददो वात ते गृहेॠऽमृतं निहितं गुहा । तस्य नो धेहि जीवसे ॥ (उल वातायन)

    હે વાયુદેવ! આપની પાસે ગુપ્તરૂપે જે અમૃત રહેલું છે તે જીવન માટે અમને આપો.

    આ સામમાં ઋષિ વાયુમાં રહેલ પ્રાણવાયુ એટલે કે ઓક્સિજનની વાત કરે છે. અમૃત એટલે કે ઑક્સીજન જીવન માટે કેટલું આવશ્યક છે એ તો આજનું વિજ્ઞાન સુપેરે જાણે છે. અને, વિજ્ઞાન એ પણ કહે છે કે, વાયુમાં અનેક તત્વો રહેલાં છે અને ઑક્સીજન એક મિશ્રણરૂપે એમાં છે જે આપણે જોઈ શકતા નથી, પરંતુ પ્રયોગશાળામાં તારવી શકીએ છીએ. ઋષિ ઉલ વાતાયન આ તથ્ય કેવી રીતે જાણી શક્યા હશે?

     

    उ. २०.७.११ (१८४४) अप्सु रेतः शिश्रिये विश्वरुपं तेजः पृथिव्यामधि यत्संबभूव । अन्तरिक्षे स्वं महिमानं मिमानः कनिक्रन्ति वृष्णो अश्वस्य रेतः ॥ (सुपर्ण)

    વિશ્વવ્યાપી જે તેજ વીર્યરૂપે જળમાં આશ્રિત છે, જીવશક્તિરૂપે પૃથ્વી પર છે, દિવ્યશક્તિ પ્રવાહરૂપે અંતરિક્ષમાં પોતાની મહિમાનો વિસ્તાર કરે છે, એ આ સૃષ્ટિમાં શક્તિની વ્યાપક્તા સિદ્ધ કરે છે.

    આ સામના દેવતા અગ્નિ છે. ઋષિ કહે છે કે, અગ્નિ જળમાં વીર્ય રૂપે એટલે કે એવી શક્તિ રૂપે જે જીવન આપે છે. વિજ્ઞાન કહે છે કે, પૃથ્વી પર બહુકોશી જીવો સમુદ્રમાં ઉત્પન્ન થયાં હતાં. એ દૃષ્ટિએ ઋષિનું અવલોકન કેટલું સચોટ છે! વળી, જીવમાં અગ્નિ વિવિધ ઊર્જા સ્વરૂપે છે. અંતરિક્ષમાં જે દિવ્ય પ્રવાહો છે એ સોમ કે ફોટોન છે જે અગ્નિનું જ એક સ્વરૂપ છે. આમ, અગ્નિ સમગ્ર વિશ્વમાં વિવિધ રૂપે ઉપસ્થિત છે અને એ જ જીવનનું મૂળ છે.

     

    उ. २०.७.१२ (१८४५) अयँ सहस्रा परि युक्ता वसानः सूर्यस्य भानुं यज्ञो दाधार । सहस्रदाः शतदा भूरिदावा धर्ता दिवो भुवनस्य विश्पतिः ॥ (सुपर्ण्)

    પૃથ્વી અને દ્યુલોકના ધારક પ્રજાપાલક યાજકોને અપાર વૈભવ આપનાર અગ્નિ અસંખ્ય કિરણોને વિસ્તારીત કરી સૂર્યના તેજને ધારણ કરે છે.

    આ સામમાં ઋષિ અગ્નિની પ્રશંસા કરે છે. પૃથ્વી અને વાતાવરણના અસ્તિત્વ માટે અગ્નિ મૂળ કારણ છે. વિવિધ જીવોને જીવન ટકાવવા સૂર્ય કે ઊર્જારૂપ અગ્નિ મૂળ કારણ છે. અગ્નિ વિવિધ કાર્યો માટે પ્રયોજી મનુષ્ય અનેક પ્રવૃત્તિઓરૂપી વૈભવ પ્રાપ્ત કરે છે. સૂર્યનું તેજ પણ અગ્નિને આભારી છે.  અગ્નિની મહત્તા માટેના ઋષિના આ બધાં અવલોકનો રસપ્રદ છે.


    શ્રી ચિરાગ પટેલનું  ઈ-મેલ સંપર્ક સરનામું :-  chipmap@gmail.com

  • આભાસી સુખ.

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    દૂર પહાડી પર એ ખૂબ ઝડપથી લાંબી લાંબી ડાંફો ભરતો ચાલી રહ્યો હતો, પણ એની નજર નીચે સપાટ ખેતરોમાં ચાલ્યા આવતા બે આદમી તરફ હતી. પહાડી ઉપરથી એ બે આદમી રમકડાં જેવા દેખાતા હતા અને એમના ખભા પરની બંદૂકો જાણે નાના પંખી ગોઠવાયેલા હોય એવી દેખાતી હતી.

    એ એટલે કાશિર. એને ખબર હતી કે પેલા દૂર દેખાતા બે આદમી એનો જીવ લેવા પાછળ પડ્યા છે. પણ એ થોડો નિશ્ચિંત હતો કારણ કે, એ જ્યાં હતો ત્યાં સુધી પહોંચવામાં એ બંનેને ઓછામાં ઓછા ચાર કલાક લાગવાના હતા. નીચે કરેલી નજર જરા ઉપર ઊઠાવીને કાશિરે પહાડની ટોચ તરફ જોયું. એને આશા બંધાઈ કે એ પહાડની ટોચે પહોંચી જશે પછી એના જીવને કોઈ ખતરો નથી. એક કલાકમાં તો એ સારદો પહાડની બાર હજાર ફૂટની ઊંચાઈ સુધી પહોચી જશે પછી શરૂ થશે સારદો પહાડની બીજી બાજુ ગડિયાલીનું ગાઢ જંગલ. જેના એક એક ખૂણાને એ જાણતો હતો. એક વાર એ પહાડી પાર કરીને જંગલમાં ઊતરી જશે પછી તો એ ક્યાં કોઈનાય હાથમાં આવવાનો છે? જંગલની પેલે પાર એના ગામની સરહદ હતી. હા, એ સરહદ સુધી પહોંચવાનો પુલ ડાયનેમાઇટથી ઊડાડી દેવામાં આવ્યો હતો, પણ તેથી શું? કાશિર અચ્છો તરવૈયો હતો એટલે ગડિયાલી નદી પાર કરીને પોતાના ગામ પહોંચી જશે એટલો એને વિશ્વાસ હતો.

    કાશિર જુવાન હતો. આટલી દૂરી પાર કરવી એના માટે રમતવાત હતી. દુશ્મન એને પકડી નહીં શકે એનીય ખાતરી હતી. હવે એ થોડો પોરો ખાવા ઊભો રહ્યો. જો કે જેમ એ પેલા બે આદમીઓને જોઈ શકતો હતો એવી રીતે એ બંને પણ કાશિરને જોઈ શકતા હશે એવું એ જાણતો હતો. નીચે ખેતરોથી અહીં સુધી આવવાના રસ્તો સાવ ઉઘાડો હતો. વચ્ચે થોડી છૂટીછવાઇ નાની એવી ઝાડીઓ હતી, જેમાં એ ક્યાંય જાતને સંતાડી શકે એમ નહોતો.

    એણે હોંશિયારીપૂર્વક આગળનો રસ્તો કાપવાનો હતો. આ ક્ષણે એને એક અફસોસ થતો હતો કે, ગામમાંથી ભાગવાના સમયે એ પોતાની સાથે રાઈફલ નહોતો લાવી શક્યો. નહીંતર કોઈની મજાલ હતી કે એનો પીછો કરે? પોતાની રાઈફલની રેન્જમાં આવનારને એ આસાનીથી ઊડાડી શકે એમ હતો.

    અત્યારે તો એની પાસે કોઈ શસ્ત્ર છે નહીં અને એને પેલા આદમીઓના નિશાનથી જાતને બચાવીને આગળ વધવાનું હતું. એનો પીછો કરવાવાળાની પાછળ દૂર ખેતરો દેખાતાં હતાં. ખેતરોની આગળ પ્લમ, જરદાલૂથી લચી રહેલાં વૃક્ષો અને એનાથી આગળ મોગરીનું ગામ દેખાતું હતું.

    ક્ષણભર એનું મન પર ઘેરી ઉદાસીની છાયાથી વ્યથિત બની ગયું. મોગરીની યાદથી જાણે દિલમાં ખંજર ભોંકાયું હોય એવી પીડા ઊઠી.

    ફૂલો જેવી ખૂબસૂરત, કાજળથીય ઘેરી આંખોવાળી, અંગારા જેવા ગરમ ગરમ હોઠોવાળી ઓગણીસ-વીસ વર્ષની મોગરી જ્યારે હસતી ત્યારે એની દાંતની શ્વેત પંક્તિઓ એવી લાગતી કે, જાણે ડાળીઓ પરથી ફૂલો ખરી રહ્યાં છે. આવું હાસ્ય આજ સુધી કાશિરે કોઈનુંય જોયું નહોતું. મોગરીની યાદથી એનું લોહી ગરમ થઈ ઊઠ્યું. મોગરીને એ પાગલની જેમ ચાહતો હતો અને એટલે જ મોગરી એને ‘પાગલ જાનવર’ કહી બોલાવતી.

    મોગરી કહેતી, “કોઈ જાણતું નથી કે હું દુશ્મનના દીકરાને પ્રેમ કરું છું.”

    “મારા સિપાઈઓમાંથી પણ કોઈ નથી જાણતું કે ગડીયાલીના જંગલમાં હું કોને મળવા આવું છું.”

    ગડિયાલીના જંગલમાં જ્યારે એ મોગરીને મળતો ત્યારે દેવદારના તૂટેલા વૃક્ષનું થડ પણ એને કોઈ દિવાન- એ- ખાસ એવું લાગતું.

    પણ એક દિવસ મોગરીએ આપેલી બાતમીથી જ્યારે દુશ્મનોએ ગડિયાલીનો પુલ ડાઇનેમાઈટથી ઉડાડી દીધો ત્યારે કાશિરનું દિલ ચકનાચૂર થઈ ગયું. એને થયું કે, ગડિયાલીનો પુલ તો ફરી બનશે પણ ચૂરચૂર થઈ ગયેલા એના દિલનો પુલ ક્યાંથી બનશે?

    એ મોગરીનો પ્રેમ નહીં જરૂરિયાત હતો જેના થકી મોગરી જરૂરી જાણકારી મેળવી લેતી.

    એને દિલ ફાડીને રડવું હતું, પણ આંખના આંસુ વરાળ બની ગયાં. મોગરીને ગાળો દેવાનું મન થયું, પણ એને કોસવા શબ્દો હોઠ સુધી ન આવ્યા. સિપાઈઓની તીક્ષ્ણ નજરથી એ વીંધાતો રહ્યો. જ્યારે એ નજરોનો સામનો કરવા અસમર્થ બની ગયો ત્યારે રાઈફલ સાથે જ ગડિયાલી નદીમાં કૂદી પડ્યો.

    પાગલની જેમ ભૂખ્યો, તરસ્યો એ તમામ જગ્યાએ ઘૂમતો રહ્યો જ્યાં એણે અને મોગરીએ સમય વિતાવ્યો હતો. એણે એ તમામ ક્ષણો ભૂલવાનો વ્યર્થ પ્રયાસ કર્યો. દરેક જગ્યાએ એને મોગરીની મોજૂદગી વર્તાઈ. હર એક ફૂલમાંથી એ મોગરીના તનની સુવાસ અનુભવી રહ્યો. પાંદડાની સરસરાટમાં મોગરીના પગલાંનો ધ્વનિ સંભળાતો. ઝાડની ડાળીઓ પરથી ટપકતી પાણીની બુંદોમાં મોગરીના ભીના વાળમાંથી ઊઠતી શીકરનો ભાસ થતો. ગળું ફાડીને ચીસો પાડવાનું એને મન થયું. આંખની ભીનાશના લીધે ચારેકોર ઘાઢ ધુમ્મસનો ભાસ થયો. પોતાના નખથી એ ધુમ્મસ ચીરી નાખે તો મોગરીનો અસલી ચહેરો દેખાય ખરો? એના બેબાકળા મને વિચાર્યું. મન પરનો બોજો એટલો વધી ગયો કે એને લાગ્યું કે જંગલના ઊંચા ઝાડ તૂટીને એની પર પડ્યા છે. ગભરાઈને એ જંગલની બહાર ભાગ્યો. ગડિયાલીનું જંગલ વટાવીને એ મોગરીના ગામ પહોંચી ગયો. કેટલાંય દિવસ સુધી એ વેશ બદલીને ગામમાં ઘૂમતો રહ્યો.

    એક રાત્રે તક સાધીને મોગરીના ઘરમાં ઘૂસ્યો. મોગરી એકલી હતી. એને ખબર હતી, મોગરીના ઘરમાં કેવી રીતે ઘૂસી શકશે. ખભેથી રાઇફલ એક બાજુ ખૂણામાં મૂકી. હળવા દબાતા પગલે એ મોગરીની નજીક સરક્યો. ભેટ પરથી ખંજર કાઢીને હાથમાં લીધું. ચારેકોર અંધારું હતું. મોગરીનો ચહેરો દેખાતો નહોતો, પણ મોગરીના શ્વાસ સંભાળી શકતો હતો. એક ઊંડો શ્વાસ લઈને કાશિરે મોગરીના શ્વાસોશ્વાસને પોતાની અંદર જાણે સમાવી લીધો. માચીસ સળગાવીને મોગરીનો ચહેરો જોઈ લેવાની પ્રબળ ઇચ્છાને એણે માંડ રોકી.

    હળવેથી એ મોગરીના ચહેરા પર ઝૂક્યો. બસ એક આખરી ચુંબન અને અલવિદા…પણ એ જેમ મોગરીના ચહેરા પર ઝૂકતો ગયો એમ એના શ્વાસોની રફતાર તેજ બનતી ચાલી. એણે પોતાના હોઠ મોગરીના હોઠ પર સખતીથી બીડી દીધા. મોગરીના ગળામાંથી ઊઠેલી ચીસ બહાર ન આવી શકી. મોગરી અંધકારમાં અનેક લોકોના ચુંબનોથી ટેવાયેલી હતી. કોને કેટલું નજીક આવવા દેવું એ પણ એ જ નક્કી કરતી.

    એ ક્ષણે અંધકારમાંય મોગરીએ પોતાના હોઠ પર ચંપાયેલા હોઠ પારખી લીધા. મોગરીના ઠંડા શરીરમાં કાશિરના ચુંબનથી હંમેશની જેમ ગરમી પ્રસરી. ગાઢા અંધકારમાંય એણે કાશિરનો સ્પર્શ પારખી લીધો. થોડી વાર પછી કાશિરના શરીરની ગરમીથી બરફની જેમ એ પીગળવા માંડી. થરથર કાંપતા શરીરે એ કાશિરને વળગી પડી. સંભવત પ્રેમ અને નફરતની અવઢવમાંથી વચ્ચેય એના તન-મનમાં હજારો દીવા પ્રગટ્યા હોય એવો ઉજાસ ફેલાઈ ગયો જે એ જોઈ નહોતી શકતી માત્ર અનુભવી રહી. કાશિરને તો એ પણ ચાહતી હતી સ્તો?

    ઘણીવારે કાશિરની આંખો ખૂલી ત્યારે એણે મોગરીને પોતાની મજબૂત ભુજામાં સમાઈને સૂતેલી જોઈ. તન-મનનો આવેશ ઓસરતાં મોગરી ઘેરી નિંદ્રામાં સરી પડી. સહસા જાણે કાશિર આસમાનથી સીધો જમીન પર પટકાયો. એણે પાસુ બદલીને આસ્તેથી ખંજર કાઢ્યું અને સીધું જ મોગરીના હૃદયના ઊંડાણ સુધી ઊતારી દીધું. મોગરીના ગળામાંથી ચીસ પણ ન નીકળી. ધીમે ધીમે એનું શરીર ઠંડુ પડવા માંડ્યું. કાશિરે છેલ્લી ક્ષણ સુધી મોગરીને પોતાની સાથે જકડી રાખી. મોગરીના ઠંડા હોઠને ચૂમી ભરીને એને અલગ કરી.

    હળવેથી બારણું ખોલીને બહાર નીકળ્યો. આંગણાની દીવાલ ઠેકીને ભાગ્યો. હવે એના મનમાં પળે પળે પાછળ આવતા ખતરાની ઘંટડી વાગતી હતી. આખું ગામ ઘેરી નિંદ્રામાં હતું એટલે કોઈના કાન સુધી એના મનનો શોર પહોંચ્યો નહીં. ખેતરો વટાવીને એણે સારદોના પહાડ પર ચઢવા માંડ્યુ.

    સવારે મોગરીના ભાઈઓએ મોગરીની લાશ અને દીવાલ પર ટાંગેલી રાઇફલ જોઈ પણ ત્યાં સુધીમાં કાશિરને ચાર કલાકનો સમય મળી રહ્યો હતો. કાશિર પોતાના રસ્તે સલામત હતો.


    કૃષ્ણ ચંદર લિખીત વાર્તાને આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • નિરાકૃત ચહેરો: ભાગ – ૨

    નિરાકૃત ચહેરો : ભાગ -૧ થી આગળ

    નયના પટેલ

    અમારા મેંટલહેલ્થનાં પેશંટોની શારીરિક તપાસ માટે જે ડોક્ટર આવે એણે ધીમેથી એ છોકરીનાં હૃદયનાં ધબકારા સાંભળવા સ્કેથેસ્કોપ એની છાતી પર મુક્યું…….અને દીદી………..એ ઊંઘમાંથી ચમકીને જાગી ગયેલી છોકરીએ જે ચીસાચીસ કરી છે! આખી હોસ્પિટલ ગજવી મૂકી. પેલા ડૉક્ટરને આવું કંઈ બનશે એવી કલ્પના નહોતી એટલે એ પણ બે ડગલાં પાછા હટી ગયાં. શું કરવું તે પણ એમને સૂઝ્યું નહીં. અમે બધાં દોડી ગયા. એને શાંત કરવાનાં અમારાં બધા જ પ્રયત્નો નાકામયાબ રહ્યા. આખરે એને બળજબરીથી ઘેનનું ઈંજેક્શન આપવું પડ્યું, ત્યારે એ શાંત થઈ. એની મા જેલમાં છે એટલે મળવા આવવા વાળું પણ કોઈ નથી કે એને વિષે વિગતો જાણવા મળે.’

    ‘હં…હં’ કહી બેલાએ હોંકારો પૂરવ્યો.

    ત્યાં તો ડોરબેલ વાગી.

    ‘ઓ, પિઝા આવી ગયા લાગે છે.’ કહી બેલા ઊઠી.

    રીના હિંચકા પર એક પગ વાળેલો રાખી અને એક પગથી હિંચકાને ઠેસ મારતી બેઠી હતી. એણે ડોરબેલ સાંભળ્યો જ લાગતો નહોતો. બેલા ઊઠીને ગઈ ત્યારે આંખો ખોલી જોયું અને પાછી પહેલાની પરિસ્થિતિએ પહોંચી ગઈ.

    બેલાને હમણાં રીનાને જરાય ડિસ્ટર્બ નહોતી કરવી પણ પિઝા તો ગરમ ગરમ જ ખાવા પડે એટલે ન છૂટકે હિંચકાના સળિયા પકડી હિંચકાને અટકાવ્યો. રીનાને માથે હાથ ફેરવી કહ્યું, ‘ચાલ, રીની, પહેલા પિઝા ખાઈ લઈએ, ઠંડા પડી જશે.’

    ‘બિમલને આવવા દો, દીદી.’

    ‘રીના, આજે બિમલ બહાર જમીને આવવાનો છે, તેં જ તો સવારમાં મને કહ્યું હતું.’

    ‘ઓહ….યા…ચાલો.’ ન છૂટકે રીના ઊભી થઈ.

    બન્ને જણે ચૂપચાપ પિઝા ખાધા, બાકી રીના – બિમલનું તો આ એકદમ ફેવરિટ ખાણું, વખાણ કરી કરીને ખાતાં હોય!

    પેલી વાત અંધારામાં જ કહેવા જેવી હોય તેમ ખાતાં ખાતાં કે પરવાર્યા ત્યાં સુધી રીના અને બેલા બીજી આડી અવળી વાતો કરતાં રહ્યાં, પણ પેલી છોકરીની વાત તો હિંચકે જ છોડીને આવી હોય તેમ એ વિષે રીના કંઈ જ બોલી નહી.

    બેલા રૂમમાં જઈને નાઈટ ડ્રેસ પહેરીને આવી અને નિરાંતે હિંચકે બેઠી. રીના પણ કપડાં બદલીને આવી.

    પાછો વાતનો દોર પકડતાં રીનાએ બોલવાનું શરુ કર્યું, ‘ એ છોકરી….’

    બેલાએ એને અટકાવી કહ્યું,  ‘રીની, મને ખબર છે તારાથી પેશંટની ગુપ્તતાને ખ્યાલમાં રાખી નામ ન કહેવાય પરંતુ બીજું જ કોઈ નામ આપી દે ને….જેમકે …..વિભા કે શ્યામા કે..’

    સંમતિની મહોર મારી રીનાએ કહ્યું, ‘હં શ્યામા રાખીએ’

    ‘એની શારીરિક ટ્રિટમેંટ સાથે સાથે મેં એની સિટિંગ્સ લેવા માંડી. અત્યાર સુધીના મારા પ્રોફેશનલ લાઈફમાં આ પહેલી છોકરી હતી કે જેને પથારીમાં સુતાં પણ બીક લાગતી હતી. આમ તો આવું જોઈને બધાને ખ્યાલ તો આવી જ જતો હોય કે રેઈપનો કેસ હશે. પણ વાત હજુ વધારે ગંભીર હતી. એનો માનસિક બિમાર બાપ…….’

    પછીની વાત કઈ રીતે કરવી એની વિમાસણમાં હોય તેમ રીના ચૂપ થઈ ગઈ.

    અત્યાર સુધી સ્વસ્થ રહીને સાંભળતી બેલાને અચાનક બુમ પાડીને રીનાને અટકાવવાનું મન થઈ આવ્યું. પણ અત્મસંયંમ રાખી એ હિંચકા પરથી ઊભી થઈ અને બાલકની પર બન્ને હાથ બહાર તરફ રાખી નીચે જોવા લાગી.

    આખો કોમપ્લેક્ષ નીચે લાઈટથી ઝળહળતો હતો અને એનું અજવાળું નીચે નમીને જોતી બેલાના મોંઢા પર પડતું હતું.

    રીના એને ધ્યાનથી જોતી રહી. અચાનક એને ખ્યાલ આવ્યો બેલાની ખામોશીનો અને….

    એને હતું કે બેલા પૂછશે પછી શું થયું?

    પણ ખાસ્સી વાર થઈ પણ બેલા સાતમાં માળેથી નીચે જોતી રહી અને રીના હિંચકેથી બેલાને જોતી રહી.

    કોઈ કાંઈ જ બોલતું નહોતું છતાં વાતાવરણ બોલકું હતું!

    બેલા હવે બન્ને કોણી બાલકનીના કઠેરે ટેકવીને રીના તરફ મોં ફેરવી ઊભી રહી, ‘ પછી એનો બાપ જીવે છે કે ….’

    ‘માઈ ગોડ દીદી, હાઉ ડીડ યુ નો(know)?’ અપાર આશ્ચર્યથી રીના બેલા સામે જોઈ રહી.

    બેલા હવે બન્ને કોણી બાલકનીના કઠેરે ટેકવીને રીના તરફ મોં ફેરવી ઊભી રહી, ‘ પછી એનો બાપ જીવે છે કે ….’

    ‘માઈ ગોડ દીદી, હાઉ ડીડ યુ નો(know)?’ અપાર આશ્ચર્યથી રીના બેલા સામે જોઈ રહી.

    બેલા જાણે ટ્રાંસમાં હોય તેમ બોલી, ‘ આઈ નો બીકોઝ રીની, મેં મારી મા ને રોજ રોજ એ અત્યાચારથી રિબાતાં જોઈ છે. પતિ પત્ની પર રેઈપ કરે તો પત્નીનો જ વાંક ને? એ જમાનો હતો જ્યારે કોઈ એ વાત માને પણ નહીં! રોજ રાત્રે મારી મા ને મોંઢે હાથ દબાવી એને ગુંગળાવીને……. બાજુના રૂમમાં, ચાર પાંચ વર્ષની હું બિમલને પડખે લઈને ઊઘાડી આંખે પડી રહેતી. મારી મા નો કણસવાનો અવાજ હજુ પણ મને સંભળાય છે, રીની.’ બેલાનાં આંસુ ડૂસકાંમાં ઝબોળાઈને નીકળતાં હતાં.

    શ્યામાની વાતે બેલાની વર્ષોથી ધરબાઈને પડેલી વાતને ખોતરી કાઢી હતી. આટલા વર્ષો સુધી મનમાં ને મનમાં સંગ્રહી રાખેલી એ યાતના બહાર આવવા તરફડતી હતી પણ જે વાતને સમાજે ‘શરમજનક’ બનાવી દીધી હતી તેને મોંઢે આવતાં ૩૫ વર્ષો લગ્યા.

    રીના ઊઠીને બેલા પાસે ગઈ, એનાં વાંસે હાથ ફેરવવા માંડ્યો ત્યાં તો બેલાના સ્વભાવની વિરુદ્ધ એ રીનાને વળગીને રડવા લાગી.

    બેલાનું રડવાનું થોડું શાંત થતાં, બેલાને અળગી કરી રીના એને માટે પાણી લઈ આવી. ત્યાં સુધીમાં બેલા હિંચકે બેસી ગઈ હતી. પાણી પીધાં પછી બેલાને થોડી કળ વળી, ‘ સોરી, રીની, તારી શ્યામાની વાતમાં મેં મારી વાત માંડી દીધી!’ ‘દીદી, કેટલા વખતથી આ મોકાની રાહ જોતી હતી . મને ખબર છે દીદી, કે માત્ર જવાબદારીઓએ જ નહીં પણ ભૂતકાળની કોઈ ભયંકર વેદનાએ તમને શાંત કરી દીધા છે. આજે તમારી આસપાસ ચણેલી દિવાલને ખરતી જોઈ મને કેટલો આનંદ થયો તે કઈ રીતે તમને બતાવું?’

    થોડી હળવાશથી બેલાએ કહ્યું, ‘મને ખબર છે કે મારી ભાભી સાઈકાઈટ્રીસ છે એટલે મને ભય હતો જ કે મને બોલાવ્યા વિના રહેવાની નથી જ.’ પછી થોડીવાર રીના સામે જોઈ રહી બોલી, ‘આજે વાત કરવા જ બેઠી છું તો મેં કોઈને એટલે કોઈને જ નથી કરી, ઈવન પોલિસને પણ જે વાત તે વખતે નહોતી કરી તે વાત આજે તને કહી લેવા દે.’

    ત્યાર પછીની ચુપકીદીની દરેક ક્ષણ અત્યાર સુધી ન વરસેલા આંસુઓનો ભાર લઈને પસાર થતી હતી. રીના ચૂપચાપ તારા મઢ્યા આકાશને શૂન્ય નજરે જોતી રહી. એને ખબર છે કે ભયાનક ભૂતકાળને ઉખેળવો સહેલો નથી જ. અને બેલાએ બિમલનું બચપણ જેટલું સચવાય એટલું સાચવવાનાં પ્રયત્નમાં પોતાના બાળપણનો ભોગ આપી દીધો હતો. માતા – પિતા બન્નેના એક સાથે જ થયેલાં અપ્-મૃત્યુથી ઓશિયાળા બની રહેવાના અનુભવે બન્ને ભાઈબહેનને ધીરગંભીર બનાવી દીધા હતાં.

    રીનાએ હળવેથી પૂછ્યું, ‘પપ્પાને કંપલ્સીવ સેક્સચ્યુઅલ બિહેવિયરનો પ્રોબ્લેમ….’

    ‘આઈ થીંક સો રીની, તે જમાનામાં જ નહીં, અરે આજે પણ સેક્સને લગતી માનસિક બિમારીની અવેરનેસ- જાગૃતિ તો આપણા સમાજમાં ક્યાં છે?

    હવે એટલી તો નાજુક વાત કહેવાની હતી કે બેલાને એ સીન યાદ આવી ગયો અને જાણે એની વાણી જ હણાઈ ગઈ હોય તેમ અવાક્ બનીને થોડીવાર બેસી રહી. એક એવા સત્યને બહાર લાવવાનું હતું કે જે સત્યએ આજ સુધી એની યુવાનીને ભરખી લીધી હતી.

    ‘એક દિવસ રીની, હું નિશાળેથી રિસેશમાં ઘરે આવી ત્યારે મા બિમલને બાળમંદિરે જવા માટે તૈયાર કરતી હતી. રોજ હું રીસેશમાં જમવા માટે ઘરે આવું અને જતી વખતે બિમલને બાળમંદિરે મૂકી અને સ્કુલે જતી.

    ખબર નહીં કોઈ દિવસે નહીં અને પપ્પા તે દિવસે એમના જોબ ઉપરથી અચાનક ઘરે આવ્યા હતા. અમને બને એટલાં જલ્દી ઘરેથી કાઢવા હોય તેમ પપ્પાએ મમ્મીને કહ્યું હતું, ‘આ લોકોને મૂકી આવ તો, કેટલો અવાજ કરે છે? મારું માથું દુઃખે છે.’

    મમ્મીએ જાણે સાંભળ્યું જ ન હોય તેમ રોજની જેમ જ સમય થયો એટલે અમને બન્નેને ઓટલાના પગથિયાં સુધી મૂકવા આવી અને ત્યારે તો ખબર પડી નહીં પણ મને બાથમાં સમાવીને ખૂબ વહાલ કર્યું. બિમલને ઊંચકીને વહાલ કર્યું. અને જાણે અમને ક્યારેય મળવાની જ ન હોય તેમ માંડ માંડ જવા દીધા. આ બધું મારા અજ્ઞાત મનમાં સચવાય રહ્યું હશે એ મને ઘણો વખત પછી સમજાયું હતું પણ…..તેનો કોઈ અર્થ નહોતો!’

    શ્વાસ ખાવા થોભી હોય તેમ એક ઊંડો શ્વાસ લઈને ફરી એણે કરમકથની શરુ કરી, ‘સ્કુલેથી પાછા વળતા હું બિમલને રોજની જેમ સાથે લઈ ઘરે આવી. ડોરબેલ વગાડ્યા જ કર્યો…….વગાડ્યા જ કર્યો, મમ્મી બારણું કેમ નથી ખોલતી? પહેલાં આશ્ચર્ય અને પછી ડરના માર્યા મેં જોર જોરથી રડવા માંડ્યું. મને રડતી જોઈને બેમલે ય ભેંકડો તાણ્યો….અને તો ય ઘરનાં બારણા ખૂલ્યા જ નહીં. બાજુવાળા સુધામાસી અને નિર્મળામાસી આવ્યા અને એ લોકોએ પણ ખૂબ દરવાજો ખખડાવ્યા કર્યો. એ લોકોના મોઢા પર પણ ચિંતા તરી આવી. બીજા બધા પડોશીઓ પણ ભેગા થઈ ગયા. હું બિમલને લઈને સૌથી આગળ રડતાં રડતાં ઊભી હતી. આખરે શેરીમાં રહેતાં પેલા પંજાબી અંકલે બારણાને જોર જોરથી ધક્કા મારવા માંડ્યા. બીજા બધા અંકલો પણ એમની સાથે ધક્કો મારવા માંડ્યા.

    આખરે બારણું તૂટી ગયું……બધાં પડોશીઓ બહાર ઊભા હતાં અને પેલા પંજાબી અંકલ અને બીજા એક અંકલ ધીમે ધીમે અંદર ગયા. બિમલને ત્યાં જ રડતો રાખી એ લોકોની પાછળ અંદર ઘુસી ગઈ. એક અંકલ બેસવાના ખંડમાં જોવા લાગ્યા, એક અંકલ રસોડામાં ગયા અને હું મમ્મી – પપ્પાના સૂવાના રૂમ તરફ દોડી. મારી ફાટી ગયેલી આંખો અને ચીસ નીકળવા માટે પહોળા થયેલા મોં તરફ જોઈને બન્ને અંકલ મારી પાછળ આવી ઊભા……મારા મોંમાંથી ચીસ નીકળી નહોતી શકતી અને શ્વાસ પણ લઈ શકતી નહોતી. એમાંના એક અંકલે મને ઉપાડી અને બન્ને અંકલ પાછલા પગે  બહાર આવી ગયાં. ગભરાટના માર્યા પંજાબી અંકલ બોલી ઊઠ્યાં હતાં, ‘ કોઈ પોલીસને ફોન કરો….જલ્દી!’ એવું કંઈક યાદ આવે છે.

    જાગી ત્યારે સુધામાસીને ત્યાં ખાટલા પર હું સૂતી હતી, બિમલ ચીસો પાડીને રડતો હતો…એ જ શહેરમાં રહેતાં મારા નાના કાકા એને છાનો રાખવાનો પ્રયત્ન કરતાં હતાં. કાકી મારા માથા પાસે ખાટલા પર બેઠાં હતાં. હું બેઠી થઈ ગઈ અને મારા ઘર તરફ જવાનો પ્રયત્ન કરવા લાગી. બધાએ મને પકડી રાખી હતી. માસીના ઘરમાંથી અમારા ઘર પાસે ખૂબ બધાં પોલીસોને જોઈને હું બીકની મારી રડી પણ નહોતી શકી.’

    ઘરમાં આવીને ચૂપચાપ બાલ્કનીના બારણાની બારસાખ પર શરીર ટેકવીને વાત સાંભળતા બિમલે, ધ્રુસકે ધ્રુસકે રડતી બેલાને પાસે ખેંચીને એણે પણ રડવા માંડ્યું. રીનાએ આજે આવું બનશે એવું તો જરાય ધાર્યું નહોતું. એ પણ આંસુ ખાળતી પાણી લઈ આવી. દીદીની ખામોશીએ સાચવી રાખેલી મરણતોલ ઘટનાની તો રીનાને કલ્પના પણ ક્યાંથી હોય? સાત વર્ષની કુમળી વયે આટલી ભયાનક પરિસ્થિતિના સાક્ષી બન્યા પછી આટલાં વર્ષ સુધી બેલાએ કઈ રીતે અંતરને તળીયે એ વાતને સંતાડી રાખી હશે એ વિચારે જ રીના કંપી ઊઠી.

    એ પ્રસંગ જાણે હમણા જ બન્યો હોય તેમ વાતાવરણ સ્તબ્ધ અને ભારછલ્લું બની ગયું. રીના આશ્વાસન પણ શું આપે?

    ૩૦ વર્ષ પહેલાં બની ગયેલી ઘટના બેલાના મનમાં તો જેમની તેમ પડી હતી, પરંતુ બિમલ નાનો હતો એટલે એમાંની અમુક વાતો જ એને યાદ હતી, આજે એણે સંપૂર્ણ હકીકત જાણી. એની દીદીએ અત્યાર સુધી ધરબી રાખેલા આ કારમા ઘાનો પડછાયો પણ નાનાભાઈ પર પડવા દીધો નહોતો એ વાતે બિમલના હૃદયમાં એક ચીસ ઊઠી, એણે બેલાને ખભેથી પકડી એકદમ હલાવીને પૂછ્યું ‘ કેમ, દી, કેમ ક્યારેય મને કાંઈ કહ્યું નહી? આટલો ભયંકર ઘા સાવ એકલીએ તેં કઈ રીતે ખમ્યો?’ એને બોલતો અટકાવી બેલાએ હોઠ પર આંગળી રાખી એને ચૂપ થવા કહ્યું. પછી બેલાએ એના વહાલા ભાઈલાને માથે અને વાંસે હાથ ફેરવ્યા કર્યો, જાણે બિમલનાં બધા પ્રશ્નોના જવાબ આપી દીધાં.

    બેલાનું મન આજે સાવ ખાલી થઈ ગયું, બનેલી આવી ભયાનક ઘટનાનો ભાર ખમી ખમીને આજ સુધી મૃતપ્રાય થઈ ગયેલું એનું અંતર સાવ જાણે મુક્ત થઈ ગયું. અને આ સ્થિતિનો થાક લાગ્યો હોય તેમ એણે હિંચકાના સળીએ માથું ટેકવી અને આંખો મીંચી દીધી.

    કેટલો સમય પસાર થઈ ગયો તેની કોઈને સૂઝબુઝ રહી નહોતી. હિંચકા સામે નીચે બેસી રહેલી રીના તરફ જોઈ બેલાએ કહ્યું, ‘ રીની,  મારી મમ્મીનો પંખા પર લટકતો અને ખાટલા પાસે ઊંધે મોંએ લોહીના ખબોચિયામાં પડેલો પપ્પાનો દેહ! હજુ પણ મારા માનસપટ પર યથાવત્ છે………………હવે પછી મને ક્યારેય લગ્ન માટે કહેતી નહીં. તને ખબર છે જ્યારે જ્યારે કોઈ એ વાત કાઢે છે ત્યારે ત્યારે ઓચિંતી હું મારી મમ્મી બની જાઉં છું, મારી મા ની કણસતી ગુંગળામણ મારા અસ્તિત્વનો એક ભાગ બની જાય છે….અને……અને….કોઈ નિરાકૃત ચહેરો મારા શરીર પર ઝળુંબતો હોય એમ લાગ્યા કરે છે.’ થોડીવાર શાંત રહી બોલી, ‘ આજે કહેવા બેઠી છું તો તમને બન્નેને કહી જ દઉં……..સારંગ તરફ મને આકર્ષણ થયું હતું પરંતુ ત્યારે પણ અને આજે પણ કોઈ આકારવિહિન એક ચહેરો છે જે મારી નજીક કોઈને પણ આવવા નહીં દે, મને ખબર છે!’

    સાત વર્ષની ઉંમરે જોયેલા આવા ભયંકર દ્રષ્ય અને પારાવાર વેદનાનો ભાર વેંઢારીને થાકી ગયેલી બેલાનાં મનની અંદર ને અંદર જમા થતાં રહેલા ડૂસકાંઓ આજે મુક્તિ પામ્યા હતાં.


    સમાપ્ત


    લેખિકા : નયના પટેલ

             29, Lindisfarne Road, Syston
             Leicester, UK. LE7 1QJ
    TEL: +44 7800548111

  • બંદિશ એક, રૂપ અનેક (૯૯): “બોલે રે પપીહરા”

    નીતિન વ્યાસ

    સ્વામી હરિદાસજી સાથે રામતનું પાંડે, એટલે કે મહાન ગાયક તાનસેન
    શહેનશાહ અકબર દૂર થી ઝાડ પાછળ સંતાઇને હરિદાસજી નું અલૌકિક સંગીત સાંભળે છે,

    શ્રી રામતનું પાંડે નો જન્મ સા ૧૫૦૦ માં ગ્વાલિયર માં થયો.  નાનપણથી ભજન ગાવા નો શોખ. તેના વિદ્વાન ગુરુ સ્વામી હરિદાસજી નો ગંઠો બાંધી સંગીત સાધના શરૂ કરી. અનેક રાગ ગાવામાં માહિર થયો. તેની ધ્રુપદ ગાયકીની વાતો ચોતરફ થવા લાગી. કહે છે કે તેની ગાયકી ની અસર કુદરતને ખોળે રમતા પ્રાણી પક્ષીઓ અને પ્રકૃતિ ઉપર પણ થતી.   દિલ્હી થી બાદશાહનું તેડું આવ્યું. તેની બેજોડ ગાયકી થી પ્રભાવિત થઈ બાદશાહે તેને રાજ ગાયકનું પદ આપ્યું. સમય જતાં બાદશાહે તેને મુસ્લિમ ધર્મ અપનાવવા કહ્યું. અને આમ રામતનું પાંડેને  “તાનસેન” તરીકે ઓળખાયો. એક દિવસ બહારની ગરમીથી બાદશાહ ને પંડે બળતરા શરૂ થઈ. તેમણે તુરંત સંગીત સમ્રાટ તાનસેનજી ને બોલાવવા કહેણ મોકલ્યું.  તાનસેને તેના ગુરુ પાસેથી શીખેલ રાગ મેઘ મલ્હાર ગાયો. ઉમડ ઘુમડ  કરતાં વાદળો આવ્યાં અને વર્ષા શરૂ થઈ, બાદશાહને શરીરે ટાઢક થઇ. એ રાગ “મિયાં મલ્હાર” તરીકે ઓળખાયો.

    “બોલે રે પપીહરા” ની બંદિશ આ રાગમાં છે.

    પરંપરાગત રીતે ગવાતી આ બંદિશનાં શબ્દો છે:

    “બોલે રે પપીહરા,

    બોલે રે પપીહરા,
    અબ ઘન ગરજે રે
    ઉન ઉન કર આયી બદરીયા
    બરસન લાગી સદા રંગીલી
    મંમદસા દામિની સી  કૌંધ ચૌંધ
    મોરા જિયારા લરજે રે
    બોલે રે પપીહરા, પપીહરા”

    આ બંદિશનું બહુ જૂનું રેકોર્ડિંગ સાંભળીયે. ગાયક છે ગ્વાલિયર ઘરનાના પંડિત શ્રી રામકૃષ્ણ વઝે બુઆ. તેમનો જન્મ સને ૧૮૭૧ મહારાષ્ટ્ર માં વઝેરા ગામમાં થયો, નાનપણમાં પિતાની છત્રછાયા ગુમાવી.એક નાટક કંપનીમાં બાળ અદાકાર અને ગાયક તરીકે જોડાયા. માલવાનાં  પંડિત બળવંતરાય પહોરે પાસેથી સંગીત શિક્ષા મેળવી. નેપાળ નરેશના દરબારમાં રાજ ગાયક સાથેના એક સહ ગાયક તરીકે રહ્યા. તેમનાં શિષ્યો પૈકીના એક પંડિત દિનાનાથ મંગેશકર.

    વઝેબુઆનું આ રેકોર્ડિંગ ૧૯૩૧ માં થયેલું. જયારે તેમની ઉંમર ૬૦  વર્ષની હતી.  ૧૯૩૧ થી ૧૯૩૯સુધી નાં વર્ષો દરમ્યાન 78 RPM માં કોલંબિયા કંપનીએ ૧૪ (?) જેટલી  રેકર્ડ બનાવેલી. થોડી આમારા ઘરમાં પણ હતી. ઢળતી ઉમર. તબિયત સાથ ન આપે, એટલે રેકોર્ડિંગ વખતે કોઈ બંદિશમાં તાન છેડીને  થાકી જતા. શ્વાસની તકલીફ થતી. તેમની રેકર્ડ સાંભળતા એ સ્પષ્ટ જણાતું. તેની પણ એક મીઠાશ હતી જયારે કલાકાર બધી આપદા  પાર કરી પોતાનાથી બને તેટલું શ્રેષ્ઠ પીરસવા પ્રયત્ન કરે. ૧૯૪૫ માં તેમનું જીવન સંગીત સમેટાઈ ગયું.

    તો શરૂઆત કરીયે પંડિત રામકૃષ્ણ વઝેબુઆ ની 78 RPM માં ધ્વનિત બંદિશ થી:

    રાગ મિયાં મલ્હાર, “બોલે રે પપીહરા, અબ ઘન ગરજે રે”

    હવે સાંભળીએ શ્રીમતી ગાંધારી યાને કે પદ્મ ભૂષણ શ્રીમતી  ગંગુબાઇ હંગલ ને કંઠે  આ જ બંદિશ

    આ જ બંદિશ પદ્મ ભૂષણ  શ્રી કુમાર ગાંધર્વ પાસેથી સાંભળીયે

    પંડિત દત્તાત્રેય વિષ્ણુ પલુસ્કર, ૧૯૨૧ થી ૧૯૫૫, ફક્ત ૩૪ વર્ષના તેમના જીવનકાળ દરમિયાન યાદગાર સંગીતની ભેટ  આપી ગયા.

    બહુ નાની ઉંમર થી પંડિત શ્રી ડી. વી. પલુસ્કર પાસેથી સંગીત ની તાલીમ અને સંગીતમાં મુંબઈ યુનિવર્સિટી દ્વારા ડોક્ટરેટ મેળવેલા પંડિત શ્રી વિદ્યાધર વ્યાસ

    જયપુર અતરૌલી ઘરનાનાં સુવિખ્યાત ગાયક શ્રીમતી અશ્વિની ભીડે દેશપાંડે

    નવોદિત કલાકાર કુ. તન્મય ક્ષીરસાગર

    સંગીત ગુરુ શ્રી ચંદ્ર મોહન રાવ.

    એક સરસ જુગલબંધી શ્રી સરીતા મોહરાણા સાથે તેમની દીકરી શ્રુતિ

    બાંગ્લાદેશ: સાલ ૧૯૫૨, જન્મ વખતે નામ હતું સદીઆ ઇસ્લામ. ત્યારબાદ કુ. રૂના લેલા તરીકે સંગીતકાર, અદાકારા અને ગાયક તરીકે નામના મેળવી. “બોલે રે પપીહરા”  થોડા અલગ અંદાજમાં આપણે સાંભળીયે.

    આ પરંપરાગત રીતે ગવાતી બંદિશ નું એક ફ્યૂઝન પ્રસ્તુતિ. કલાકાર વિદુષી શ્રી ધનશ્રી પંડિત

    અત્યારે પણ સંગીત શાળામાં રાગ મિયાં મલ્હાર શીખવતી વખતે પરંપરાગત રીતે આજ બંદિશ ગવાય છે. આવી એક શાળાની વિદ્યાર્થીઓ દ્વારા આ બંદિશ પ્રસ્તુત છે: પંચમ નિશાદ સંગીત શાળા, ઇન્દોર

    સાલ ૧૯૬૯ માં ફિલ્મ “ગુડ્ડી” નું નિર્માણ શ્રી ૠષિકેશ મુખરજીએ કર્યું. આ ફિલ્મ માં ઘણું પહેલીવાર થતું  હતું, વાર્તા એક મુગ્ધા ની હતી જે અદાકાર ધર્મેન્દ્રની “ફેન” છે.  પહેલી વખત  ગુલઝારને ગીતકાર સાથે વાર્તા અને સંવાદ લેખક આમ ત્રણે જવાબદારી અદા કરવાની તક મળી. સત્યજિત રે ની બંગાળી  ફિલ્મ “મહાનગર” એક નાની ભૂમિકામાં આવેલી જયા ભાદુરી પૂનાના ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાંથી પહેલી વખત હિન્દી ફિલ્મ માં આવી. ભારતની વિવિધ ભાષામાં ગીતો ગાઈ ચૂકેલી અને શાસ્ત્રીય સંગીતમાં પ્રવીણ શ્રી વાણી જયરામનને સંગીતકાર વસંત દેસાઈ દ્વારા હિન્દી ફિલ્મ માં ગાવા માટે આમંત્રણ આપ્યું.

    ફિલ્મ ગુડ્ડી માં તેમણે  ગાયેલા ત્રણ ગીતો હતાં, તેમાનું  એક  ” બોલે રે પપીહારા..”  પરંપરાગત રીતે ગવાતા આ ગીતનો મુખડો લઈ ગીતકાર ગુલઝારે તેને નવા વાઘા પહેરાવ્યા. સંગીતકાર વસંત દેસાઈએ એ જ રાગ મિયાં મલ્હાર માં સ્વરબદ્ધ કર્યું.  જે વાણી જયરામનના કર્ણપ્રિય અવાજમાં  ખૂબ લોકપ્રિય થયું.

    ફોટામાં ડાબી બાજુ વાણી જયરામન, વચમાં ઊભા છે તે વસંત દેસાઈ અને ફોટામાં જમણી બાજુ જયા ભાદુરી અને ઋષિકેશ મુખરજી.

     

    તો સાંભળીયે ફિલ્મ “ગુડ્ડી” નું ગીત:

    આ વાણી જયરામનને એક કાર્યક્રમમાં સાંભળીયે:

     

    આજ બંદિશ વિવિધ કલાકારો દ્વારા: પ્રથમ જોડિયા બહેનો નિકિતા અને પ્રાચી

    દક્ષિણ ભારતમાં એક સંગીત સ્પર્ધા માં કુ. એની બેનસન

    કલાકાર અદિતિ રાવ હૈદરી

    સંગીત વિશારદ શ્રી વિનિતા પ્રસાદ

    કલકત્તા નિવાસી શ્રી દેબનજલી લીલી

    ૨000 થી વધારે વિશ્વભરમાં સંગીતના જાહેર કાર્યક્રમો આપનાર શ્રી સંજીવની ભીલાન્દે

    નવોદિત કલાકાર શ્રી નૂપુર નારાયણ

    નૃત્ય કલાકાર અનન્યા મુખરજી

    અંત સાંભળીયે વર્ષાઋતુ માં ગવાતા રાગ માં બે બંદિશ, ’બોલે રે પપીહરા”, મિયાં મલ્હાર અને રાગ વૃન્દાવની સારંગ માં ફિલ્મ “રુદાલી” નું ગીત “જૂઠી મૂઠી મિતવા”  કલાકાર છે શ્રી શ્રીમોયી ભટ્ટાચાર્ય

    વર્ષાઋતુ ને અનુલક્ષીને ડો. જયેશ નાયક નું સુંદર કાવ્ય

    (આભાર: માહિતી, ફોટોગ્રાફ, વિડિઓ લિંક, કવિતા વગેરે બધું જ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ વિવિધ માધ્યમોમાંથી સાદર)


    શ્રી નીતિન વ્યાસ નો સંપર્ક ndvyas2@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • સુરાવલી, સિનેમા અને સ્મૃતિઓ : (૨૬) ગાયક બનતા અદાકારો

    {નલીન શાહના અંગ્રેજી પુસ્તક Melodies, Movies and Memories (૨૦૧૬)નો અનુવાદ}

    પિયૂષ એમ પંડ્યા

    ભૂતકાળમાં અનેક અભિનેતાઓ પોતાની પ્રતિભાનો ઉપયોગ ગાયકીમાં કરવાનું પ્રલોભન ટાળી નથી શક્યા.  મહત્તા વધારવા માટે ગાયકી ઉપર હાથ અજમાવવાનો લોભ ટાળી નથી શક્યા. આમ હોવા છતા અલબત્ત, આનાથી સંગીતઉદ્યોગને ઝાઝો ફેર નથી પડ્યો.

    એક સમયના મહાન નાયક દિલીપકુમારે પણ ગાયક બનવાનું સપનું સેવ્યું હતું. તેમણે એ તમન્ના  લતા મંગેશકર સાથે ૧૯૫૭ની  ફિલ્મ ‘મુસાફીર’નું ગીત લાગી નાહી છૂટે રામ ગાઈને પૂરી કરી પણ ખરી. તેમણે પ્રમાણમાં સારું ગાયું હોવા છતાં તે ગીત ખાસ ઉપડ્યું નહીં. જો કે દિલીપકુમારના સ્વરને લીધે એ ગીત સંગ્રાહકો માટે મૂલ્યવાન  બની રહ્યું. ૧૯૬૭ની બંગાળી ફિલ્મ ‘હાટે બઝારે’ માટે વૈજયંતિમાલા  મૃણાલ ચક્રવર્તી સાથે એક યુગલગીત  છે થાકી છે થાકી ગાયું હતું. વૈજયંતિમાલાએ એટલું સારું ગાયું હતું કે મને થાય છે કે તેમણે એ પછી વધારે ગીતો કેમ ન ગાયાં!

    અભિનેતા કરણ દીવાને લતા મંગેશકર સાથે ૧૯૪૯ની ફિલ્મ ‘લાહોર’ માટે દુનીયા હમારે પ્યાર કી યૂં હી જવાં રહે અને ઝોહરાબાઈ સાથે સાવન કે બાદલોં (‘રતન’, ૧૯૪૪) જેવાં અતિશય લોકપ્રિય બની રહેલાં યુગલગીતો ગાયાં છે. એમ તો ‘રતન’નું જ તેમનું એકલગીત જબ તુમ હી ચલે પરદેસ પણ ખુબ જ ઉપડ્યું હતું.

    કરણ દીવાન

    કરણને માટે નૌશાદ અને શ્યામ સુંદર જેવા પ્રતિષ્ઠીત સંગીતકારોના નિર્દેશનમાં ગાવાની મહેચ્છા સંતોષવાનું આસાન હતું, કેમ કે એ બન્ને ફિલ્મોનું નિર્માણ તેમના ભાઈ જેમીની દીવાને કર્યું હતું. ગીતોની સફળતામાં તેમની ગાયકી કરતાં સંગીતનિર્દેશકોની કમાલ વધુ કામ કરી ગઈ છે. કરણ દીવાન એટલા સારા ગાયક નહોતા પણ આવાં ગીતોની લોકપ્રિયતાએ તેમની યાદ તાજી રાખી છે.

    સંપૂર્ણતાના આગ્રહી વી.શાંતારામે ફિલ્મ ‘દહેજ’(૧૯૫૦)માં કરણ દીવાન માટે પાર્શ્વગાયનનો આગ્રહ રાખ્યો, પણ તેમણે પત્નિ જયશ્રી માટે અપવાદ કર્યો હતો. તેમણે તે જ ફિલ્મનું  અમ્બુવા કી ડાલી પે બોલે રે કોયલીયાં ગાયું હતું. વળી જયશ્રી એટલાં સારાં ગાયિકા ન હોવા છતાં શાંતારામે ફિલ્મ ‘શકુંતલા’ (૧૯૪૩)નું ગીત કમલ હૈ મેરે સામને અને ‘ડૉ. કોટનીસ કી અમર કહાની’ (૧૯૪૬)નું નયી દુલ્હન નયી દુલ્હન ગીત તે જ ગાય એવો આગ્રહ રાખ્યો હતો. છેવટે સી.રામચન્દ્ર સમક્ષ શાંતારામને નમતું જોખવું પડ્યું હતું અને ફિલ્મ ‘પરછાંઈ’ (૧૯૫૨)ના જયશ્રી ઉપર ફિલ્માવેલા ગીત કટતે હૈ દુ:ખ મેં દિન માટે લતા મંગેશકરનું પાર્શ્વગાન પ્રયોજાયું હતું.

    જૂના જમાનામાં સંજોગ જ એવો હતો કે યોગ્ય આવડત વગરનાં કલાકારો ગાતાં. જેમ કે ૧૯૩૬ની ફિલ્મ ‘જાગીરદાર’નું લોકપ્રિય યુગલગીત નદી કિનારે બૈઠ કે તે સમયનાં લોકપ્રિય કલાકારો મોતીલાલ અને માયા બેનરજીએ ગાયું હતું. સંગીતનિર્દેશક અનિલ બિશ્વાસની બનાવેલી તરજોને લીધે ૧૯૩૦ના દાયકામાં મોતીલાલે ગાયેલાં ગીતો ઉપડ્યાં પણ ખરાં. તેમણે ૧૯૪૩ની ફિલ્મ ‘તકદીર’માં શમશાદ બેગમ સાથે ચાર યુગલગીતો ગાયાં ત્યાં સુધી ગાવાનું ચાલુ રાખ્યું હતું

    ૧૯૪૫માં પોતાના પિતરાઈ મુકેશને પાર્શ્વગાયક તરીકેની તક મળે તે માટે મોતીલાલે પોતાને માટે મુકેશનું પાર્શ્વગાયન હોય તેવો આગ્રહ રાખ્યો. પણ નિર્માતા મઝહર ખાન તે સમયે પ્રમાણમાં અજાણ્યા અને નિષ્ફળ ગાયક મુકેશને લેવાનું જોખમ ખેડવા તૈયાર નહોતા. આથી મોતીલાલે પોતે ગાવાની ચીમકી આપી, જે ત્યારે પ્રસ્થાપિત થઈ ગયેલી પાર્શ્વગાયન પ્રણાલીને જોતાં નિર્માતાને સ્વીકાર્ય નહોતું. આમ, મઝહર ખાને નછૂટકે મુકેશ પાસે ગવરાવવું પડ્યું. આગળ જતાં દીલ જલતા હૈ તો જલને દે (‘પહલી નજર’, ૧૯૪૫)ને મળેલી અપ્રતિમ લોકપ્રિયતા સાથે જ મોતીલાલની પાર્શ્વગાયક તરીકેની કારકીર્દિનો અંત આવી ગયો.

    ૧૯૩૬ની ફિલ્મ ‘અછૂત કન્યા’નું મૈં બન કી ચીડીયા બન કે , ૧૯૪૦ની ‘બંધન’નું ચલ ચલ રે  નૌજવાન અને ‘ઝૂલા’ (૧૯૪૧)ના ન જાને કીધર આજ મેરી નાવ ચલી રે  જેવાં ગીતો ગાયા પછી અશોક કુમાર એવો ભ્રમ સેવતા થઈ ગયેલા કે પોતે સારું ગાય છે.

     

    દેવીકારાની, અશોકકુમાર

    (‘સાજન’, ૧૯૪૭)નું ગીત હમ કો તુમ્હારા હી આસરા માટે સી. રામચન્દ્ર મહંમદ રફીના અવાજમાં રેકોર્ડ કરવા ઈચ્છતા હતા. પણ અશોકકુમાર પોતાની ઉપર ફિલ્માવાનું હતું તે ગીત જાતે જ ગાવાનો આગ્રહ રાખતા હતા. તેઓ રેકોર્ડીંગ માટે સમયસર ન પહોંચ્યા તેનો લાભ લઈને સી. રામચન્દ્રએ તે ગીત રફીના અવાજમાં રેકોર્ડ કરાવી લીધું. આ ગીતને મળેલી અપાર લોકપ્રિયતા સાથે અશોકકુમારની ગાયક તરીકેની કારકીર્દિ પૂરી થઈ ગઈ.

    ૧૯૩૫માં બોમ્બે ટૉકીઝની સ્થાપના થઈ ત્યારે દરેક કલાકાર માટે જરૂર પડ્યે ગાવું ફરજીયાત હતું. દેવીકારાનીના ગાયેલા ૧૯૩૬ની ફિલ્મ ‘અછૂત કન્યા’ના ગીત મૈં બન કી ચીડીયા અને લીલા ચીટનીસના ગાયેલા સૂની પડી હૈ સિતાર (‘કંગન’, ૧૯૩૯) જેવાં ગીતો લોકપ્રિય પણ થયાં હતાં. ૧૯૩૦ના દાયકામાં બનતું તેમ ફરજીયાતપણે ગવાયાં હોય કે ત્યાર બાદના અરસામાં વારંવાર બનતું તેમ કલાકારના અહમને પોષવાના ભાગરૂપે ગવાયાં હોય તે મહત્વનું નહોતું. નોંધનીય એ હતું કે પ્રસ્થાપિત ન હોય તેવાં કલાકારોનાં ગાયેલાં ઘણાં ગીતો શ્રોતાઓને ગમી ગયાં. મહદઅંશે આનો યશ સંગીતકારોને આપવો રહ્યો. તેમણે મધૂર અને જે તે ગાયકની મર્યાદાઓને ધ્યાનમાં રાખીને તેમને અનૂકુળ આવે તેવી ધૂનો સર્જી. આમ હોવાને લીધે જ ૧૯૩૯ની ફિલ્મ ‘પુકાર’નું નસીમબાનુ(સાયરાબાનુનાં માતા)એ ગાયેલું ગીત જીંદગી કા સાઝ ભી ક્યા સાઝ હૈ અસાધારણ લોકપ્રિયતાને વર્યું હતું.

    ૧૯૩૦ના અરસામાં પાર્શ્વગાયનનું ચલણ નહોતું ત્યારે કાનનદેવી અને શાંતા આપ્ટેના કિસ્સામાં હતું તેમ, સારો દેખાવ અને સારો અવાજ હોય તે જમા પાસું ગણાતું હતું. પાર્શ્વગાયન પ્રણાલી પ્રસ્થાપિત થઈ ગયા પછી જે અદાકારોએ ફરજિયાતપણે ગાવું પડતું હતું તેમણે રાહતનો દમ લીધો. તો પણ જેમ દિલીપકુમારે ‘મુસાફીર’ (૧૯૫૭) અને રાજ કપૂરે ‘દીલ કી રાની’  (૧૯૪૭)માં કર્યું તેમ કલાકારો પોતાની એષણા સંતોષવા માટે ગાઈ લેતા હતા. રાજ કપૂરે તેમના પિતાના નાટક ‘દીવાર’ અને પછીથી કેટલીક ફિલ્મો માટે ગાયું પણ પોતાનો અવાજ તેમના આર.કે. નિર્માણગૃહની ફિલ્મો માટે ગાવા જેટલો સારો નહીં લાગ્યો હોય.

    પહેલાંના જમાનામાં ચીલાચાલુ ગાયકોએ ગાયેલાં ગીતોની લોકપ્રિયતા સંગીતકારોની કાબેલિયત પર આધારિત હતી. તે દિવસો માધુર્યના ચલણના હતા.

    અત્યારના સમયમાં જે જાતનું માધુર્ય (કે તેનો અભાવ) શ્રોતાઓ ઉપર લાદી દેવામાં આવે છે તેમાં કોણ શું ગાય છે તેનું કશું જ મહત્વ નથી રહ્યું.


    નોંધ :

              –   તસવીરો નેટ પરથી અને ગીતોની લિંક્સ યુ ટ્યુબ પરથી સાભાર લીધેલી છે. તેનો કોઈ જ વ્યવસાયિક  ઉપયોગ નહીં કરવામા આવે.

    –  મૂલ્યવર્ધન …. બીરેન કોઠારી.


    શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com

  • ઘર કરી ગયેલી ઘરેડોમાં જરૂરી બદલાવ – ખેતીને બનાવે રંગદાર !

    કૃષિ વિષયક અનુભવો

    હીરજી ભીંગરાડિયા

     

    ખેડુત એટલે પ્રકૃતિ સાથે જૂનો ધરોબો અને જીવંત નાતો ધરાવનાર શ્રમિક પેઢીનો વારસદાર ! કહોને ધરતી, પાણી અને હવા-પ્રકાશ જેવા પ્રાકૃતિક સ્ત્રોતોની નિશ્રામાં ખેતી પાકો અને પશુઓને પાળી-પોષી, તેના દ્વારા પ્રામાણિક પેટિયું રળવા કરવામાં આવતા પુરુષાર્થનું સાચુકલું પ્રતીક.

    જેની પાસેથી કંઇક નવું પામવાનું છે, એ ખેતીપાકો અને પાલતુ જાનવરો છે બધાં જીવતાં, અને જેને ભરોસે ધંધામાં બધાં સાહસો ખેડવાનાં છે, તે બધાં પરિબળો છે પાછાં પૂરેપૂરા કુદરતી, એટલે કે એ બધાંનો એકબીજા સાથે મેળ બાંધનાર ખેડુત પૂરેપૂરો પ્રાકૃત સ્વભાવનો જ હોય તે સાવ સ્વાભાવિક ઘટના ગણાય.

    એટલે જ કહું છું, ખેડુતમાં ખાસ પ્રકારના કેટલાક ગુણ –અવગુણની રીતે નહીં, પણ ધંધાની ઓતપ્રોત્તામાંથી ઊતરી આવેલા કેટલાક સંસ્કારો જે ખેડુતોમાં કાયમના માટે સ્થાઇ થઈ ગયેલા જણાય છે. ખરું કહીએ તો તેમાંના કેટલાક સાચવી રાખવા જેવા છે, તો કેટલાક ત્યજવા જેવા પણ છે એ નથી છૂટતા એટલે એ બધા ખેતી-ધંધા પર મોળી-માઠી અસરો ઉપજાવી રહ્યા છે. એ ઊંડા મૂળ ઘાલી, જડબેસલાક થઈ બેઠેલી માન્યતાઓ અને કેટલીક ઠરીને ઠામ થઈ ગયેલી સ્વભાવગત આદતોમાં બદલાવ લાવવો એક આધુનિક કૃષિકાર માટે અનિવાર્ય બની ચૂક્યું છે. જો આ એકવીસમી સદીમાં સહુની સાથે કદમ મિલાવી વ્યવસાય કરવો હોય તો……

    @……. ક્યાંય ન હાલે તે ખેતીમાં હાલે  ઘર કરી ગયેલી માનસિકતાને દેવો પડશે જાકારો :

           ખેતી એ આપણા બાપદાદા વખતનો જૂનો ધંધો છે. એટલે આપણને ગળથૂથીમાં જ ખેતી પ્રત્યેનો પ્રેમ અને કેટલીક વારસાગત આવડતોના સંસ્કાર મળેલા છે. એનો અર્થ એવો જરીકે ય કરવાની જરૂર નથી કે બીજા ધંધામાં ન હાલે તે બધાં ઓછી બુધ્ધિ કે નહિવત દ્રષ્ટિ વાળા ખેતીના ધંધામાં હાલે ! ખેતી એ તો એવડું મોટું આખું શાસ્ત્ર છે કે જેમાં બિયારણો, ખાતરો, પાણી, જમીન,વનસ્પતિના વિવિધ પાકો અને તેમાં આવતા રોગો, લાગતી જીવાતો તથા તેમાંથી ઉગરવાના ઉપાયો ઉપરાંત  સાથમાં પાલતુ જાનવરો વિષેનો અભ્યાસ-જાણકારી વગેરે કેટલાય વિષયોમાં પારંગતતા હોય તો જ વ્યવસ્થિત ખેતી કરી શકાતી હોય છે. ખેતી એ તો જીવંત પાસાઓ સાથે કામ પાડનારો અને પૂરેપૂરો કુદરત-આધારિત વ્યવસાય હોઇ, કાયમ એકધારું બધું સમુસૂતરું હાલતું હોતું નથી. એમાં છાશવારે પરિસ્થિતિ બદલાતી રહેતી હોવાથી તાત્કાલિક અગાઉ નક્કી કરેલા નિર્ણયોમાં ફેરફાર કરવા પડતા હોય છે. એટલે મંદબુધ્ધિવાળા કે મનથી થાકી પડેલા માણસો આપણને ‘ખેતી’ના ધંધા ઉપર ભાર વધારનાર સાબિત થતા હોય છે. પોતાનાં આંખ-કાન ખુલ્લાં રાખી, શકરાબાજની નજરે નીરખતા રહેવાનો અભ્યાસ અને આદત નહીં કેળવીએ તો હવેની ખેતી સંભાળવામાં ખૂબ ઊણાં પડશું, એમ સ્પષ્ટ દેખાઇ આવે છે.

    @…….માત્ર શરીર શ્રમને જ નહીં, બુધ્ધિચાતુર્યને પણ આગળ કરીએ :

             માત્ર હળ-કોદાળી સાથે મથતા રહી, ટાઢ-તડકો વેઠતા રહી, ધરતીમાંથી ધાન શોધવા, ઢોર સાથે ઢોર અને ધૂળ સાથે ધૂળ બની રહી, ઉંધું ઘાલી કાળજાતૂટ પંડ્ય મહેનત કર્યા કરીએ, એને ખેતી કરી ન કહેવાય ! એવા બુધ્ધિને કોરાણે રાખીને કરાતા કામ તો ચોપગાં જાનવરો પાસેથી પણ ક્યાં નથી લઈ શકાતાં ? અને હવેના ઝડપી વિજ્ઞાનના જમાનામાં તો મોટા ગંજાવર મશીનો  પાસેથી માત્ર ચપટી વગાડતાંની વારમાં આંગળીના ટેરવે [સ્વિચ દબાવી] ધાર્યુ કામ કરાવી શકાય તેવો સમય ચાલી રહ્યો છે ત્યારે હવે આપણે ખેડુતો જાતેકામ કરવાની પંડ્ય મહેનતની માસ્ટરી [ગધ્ધા-વૈતરાં]નાં જ વખાણ કર્યા કરશું કે એક સારા વ્યવસ્થાપક તરીકેની હેસિયત અદા કરવાની ત્રેવડ કેળવવાની શરૂઆત પણ કરીશું ?

    ખેતીમાં શરીરશ્રમનું વજનદાર મહત્વ છે તેની ના નથી. ખેડુતમાં જરૂરપડ્યે ખાતરનો રેંકડો – ટ્રેલર જાતે ભરી વાળવાથી શરૂ કરી 100 ફૂટ ઊંડા કૂવામાં ઊતરવા સુધીના કોઇપણ કામને પૂરી અદાથી-સિફત પૂર્વક પૂર્ણ કરી શકે તેવી ત્રેવડ હોવી જોઇએ. પણ પાછો તેનો અર્થ એવો નથી કરવાનો કે તેણે માત્ર ઊંધું ઘાલીને બળ કરવાના કામો સિવાય બીજું કંઇ કરવું જ નહીં ! ખેડુત એ માત્ર ‘મજૂર’ નથી. તે એક કુશળ ‘વ્યવસ્થાપક’પણ છે, તે વાત કદી ન ભુલાવી જોઇએ.

    શ્રમ કરતાં કરતાં શરીર થાકી જાય તો કંઇ વાંધો નહીં-આરામ કર્યા પછી, શરીરની તાજગી પાછી આવી જ જવાની છે. પણ શરીર શ્રમ એટલો વધારે ન કરવો કે જેથી ‘મન’  થાકી જાય ! જો મન થાકી જશે તો નવું કામ, નવું સાહસ, કે નવો પ્રયોગ કરવાની કદિ ઇચ્છા જ નહીં થાય.

    ખેતીવાડીમાં કરાતો શારીરિક શ્રમ ધંધાનો એક ભાગ છે.તો બીજો ભાગ પાછો બુધ્ધિ-ચતુરાઇનો ઉપયોગ કરી, ધંધાને સંલગ્ન બીજા કેટલાય કામો-બજાર, ઓફિસ-કચેરી, બેંક, એગ્રોશોપ કે મીનીસ્ટ્રી-કોઇપણ સાથે જરૂર પડ્યે કામ પાર પાડતું રહેવાનો પણ છે. એવે ટાણે આપણે વધુ ભણ્યા ન હોઇએ તેથી શું થઈ ગયું ? વ્યાજબી વાતની યોગ્ય રજુઆત કરીશું ત્યારે સામાવાળા મુશ્કેલીમાંથી માર્ગ બતાવશે ને ? આપણી વાત આપણે જ સામાને ગળે ન ઉતરાવી શકીએ કે ન સમજાવી શકીએ –ગેંગેં..ફેં ફેં..કર્યા કરીએ- જરૂર વગરનો સંકોચ અને ઢીલપ દેખાડ્યા કરીએ, એટલે પછી તેમને મન આપણે “ગાડર” [ઘેટું]માં ખપીએ હો !

    ધીરાણ મેળવવાનું હોય, સબસીડી લેવાની હોય કે એફીડેવીડ કરાવવાનું હોય, દસ્તાવેજ કરાવવાનો હોય કે દારપણાનો દાખલો કઢાવવાનો હોય, અન્ય કોઇને મોરિયાળ બનાવી આગળ કરીએ ત્યારે જ ઓફિસનાં પગથિયાં ચડી શકાય. આ તે કેવી વિટંબણા ? ઓફિસ-કચેરીથી ભડકણા ઢોર જેમ ભડકીએ, અને વર્તન એવું બાઘા જેવું કરીએ, એટલે કામ ભલેને કાયદેસરનું અને તરતમાં જ પતી જાય એવું હોય, પણ જરૂર ન હોય એટલા ધક્કા અને ટેબલ પર થોડુંકે ય વજન મૂકાય ત્યારે જ કાગળિયાં ઊડતા બંધ થાય અને  અધિકારીના હાથમાં જલાય ! આપણે જાણે એમના ગુનેગાર બનીને ગયા હોઇએ તેવું આપણું જ વર્તન અને રીતભાત વિપરિત પરિસ્થિતિ માટે નિર્ણાયક બનતાં હોય છે.આમાંથી  બહાર આવવાની ક્ષમતા નહીં કેળવીએ તો કેમ ચાલશે મિત્રો !

    @……..સામામાણસની વાતમાં આવી જઈ- છેતરાઇ જવું =

    આપણામાં પણ ‘અપવાદ’ ન હોય એવું નથી. પણ સામાન્ય રીતે બીજા ધંધાર્થીઓ કરતા ખેતી કરતા જણને સીસામાં ઉતારી દેવાનું સહેલું છે. કારણ કે આપણે સામા માણસની વાતમાં- શેહમાં જલ્દીથી આવી જતા હોઇએ છીએ. મારી જ વાત કરું, તો હું ય છું તો ખેડુત જ ને ? સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઓછું પાણી, આછા દળની જમીન, અને સુકા હવામાનમાં સાગની ખેતી કરવામાં હું નાસીપાસ થયો હોવા છતાં- પાછો હમણાં એક પ્રાઇવેટ કંપનીના રોપા વેચનાર કાબેલ એજંટની ઝાળમાં આવી ગયો અને રૂપિયા પંદરસોના માત્ર ચાલીશ, એવા મોંઘાદાટ કહેવાતા ટીસ્યુ કલ્ચરના રોપાનો થોર મારી બેઠો ! પછી ઘણો પસ્તાવો થયો, પણ હવે શું થાય ? તીર તો કમાનમાંથી છૂટી ગયું હતું ! રોપાની તો ડીલીવરી પણ તરત જ આવી ચૂકી હતી.

    આજે કેટલાય એવા ધંધાઓ ફૂલતા ફાલતા જાય છે કે જેના ચાલાક એજંટો- દવાવાળા, બિયારણ વાળા, ખાતરો વાળા, અવનવા રોપા અને કલમો વાળા, ઔષધીય ખેતપાકો વાળા વગેરેનો રાફડો ફાટ્યો છે, અને ખેડુતોને શોધી શોધી, હોમ ડીલીવરી અને ફાર્મ ડીલીવરીમાં તેમની પ્રોડક્ટો પકડાવી જાય છે. આપણામાં એટલું ય પારખવાની શક્તિ ન હોય કે આ લોકોના આંખ-કાન છે નોખનોખા ! એ રૂપિયાના ત્રણ અડધિયાં પડાવવા આવ્યો છે કે આપણા લાભને માટે આવ્યો છે ?

    કૃષિ યુનિવર્સિટીઓ, સંશોધન કેંદ્રો, સરકારના ખેતી-બાગાયત-વન-પશુપાલન-પર્યાવરણ જેવાધંધાને માર્ગદર્શક વિભાગો કાર્યરત હોવા છતાં તેને કોરાણે રાખી, આવા મોંમાગ્યા પૈસા પડાવી, કશાય પ્રમાણ-આધાર વિનાની ચીજો ભટકાડવા આવે અને આપણે માની જઈએ ? એ બધા તો એની ચીજોનાં વખાણ કરે જ ! કારણ કે એને ધંધો કરવો છે. પણ આપણે તે ખરીદતા પહેલાં સાત ગળણે ગાળવું ન જોઇએ ? આજે તો એવું થઈ રહ્યું છે જાણે ખેડુત એટલે બીજાને મન ગોળનો ગાંગડો ! આવું “આંકડે મધ અને માખો વિનાનું” બીજાને માટે આપણે ક્યાં સુધી થઈ રહેવું છે ? “છેતરાઇ જવું” એ જાણે કે ખેડુતનો જન્મસિધ્ધ હક્ક હોય એવું સાબિત કરવાનું ક્યારે બંધ કરશું ?

    @…….માલ પકાવવામાં રાજા ! પણ વેચાણ બાબતે ઢીલા ઢફ ! = એવા કેટલાય ખેડુત મિત્રો મારી નજરમાં છે કે જેને માલ ઉત્પન્ન કરવામાં માસ્ટરી આવી ગઈ હોય, તે તેના મય હોય, છોડ-ઝાડ પાસેથી કેમ વધુમાં વધુ ઉત્પ્ન્ન મેળવવું, તેમાં લોહી-પાણી એક કરી ધાર્યો આંકડો સર કર્યે પાર કરતા હોય.પણ વેચાણ બાબતે હોય ઢીલા ઢફ ! જરાય આવડત નહીં, કે નહીં તે અંગેની બીજા પાસેથી જાણકારી મેળવવાની થોડીકેય સૂઝ ! માલ પકાવે ઢગલાબંધ, પણ તેને વ્યવસ્થિત ગ્રેડીંગ કરી, બરાબર સાફ-સૂથરો કરી, સારા અકર્ષક પેકીંગમાં ગ્રાહકની નજરને ગમી જાય, તે રીતે બજારમાં રજૂ કરવાની કે ઘર-ઘરાઉ ગ્રાહકો શોધી, સારા ભાવે માલના વેચાણ બાબતની એટલી ઢીલાશ કે ન પૂછો વાત !

    માર્કેટયાર્ડમાં માલ પહોંચતો કર્યો હોય, “ એક, બે ને ત્રણ ” કરી, જે આવ્યો તે હિસાબ ખિસ્સે નાખીને, ખાલી કોથળા ખંભે મારતાક ને થઈ જઈએ ઘર ભેગા ! એવા કેટલા ખેડુતો નીકળે છે કે જે “ મારે આ ભાવે માલ નથી વેચવો, મૂકી દ્યો ગોડાઉનમાં, ભલે અહીં રહ્યો, પછી વેચશું” તેમ કહી, ધાર્યો ભાવ મેળવવાની મહેનત લેતા હોય ? કારણ કે એ દ્રષ્ટિ જ નથી. એ તો માર્કેટ પહોંચ્યા નથી કે માલનો ઘડો-લાડવો કરી ઘેર પાછા પહોંચ્યા નથી ! નહીં તો વાડી એની એ જ દિશાએ અને ઘર એના એ જ ઠેકાણે રહેવાના હોય ! આઘા-પાછા મુદ્દલે ન થવાના હોય, પણ હૈયું હેઠું મૂકીને ખોટ ઓછી જાય એ રીતે વેચાણ કરવાની જરીકે નિરાંત નહીંને ! આ મનોવૃત્તિમાં ફેર કરવો પડશે.

    @………આંખ-કાન બંધ, ખોટી થવાનું પાલવે નહીં :

    આપણે જે રીતે ખેડ-ખાતર અને પાણીના કાર્યક્રમો કરી રહ્યા છીએ, જે બિયારણો વાપરી રહ્યાં છીએ કે જે કંઇ પધ્ધતિઓ દ્વારા ખેતીકાર્યો કરી રહ્યા છીએ તેમાં હવે કોઇ સુધારા-વધારાને અવકાશ નથી જ, એવું આપણે મનમાં રાખીએ તો એ કૂવામાંના દેડકાએ સાગરનું માપ કર્યું ગણાય !  વિજ્ઞાન પૂર ઝડપે આગળ વધી રહ્યું છે. આજે નવું લાગતું, આવતી કાલે જૂનું બની, એની જગ્યાએ ઓર બાબત નવી તરીકે આવી જાય છે. એટલે નવું જાણતા રહેવા અને ધંધાને કાયમી તરોતાઝા રાખવા જ્યાંથી નવું મળે તેમ હોય તેવા કાર્યક્રમો, આંખ-કાન ખુલ્લા રાખી, તેના માટે ખાસ નવરાશ મેળવી, બીજા કાર્યક્રમોમાં કાપ મૂકવો પડે તો મૂકીને પણ એટલો સમય કાઢી, તે માટે ખર્ચ કરવો પડે તો હોંશે હોંશે કરવાનું ખેતીના ઉજળા ભવિષ્ય માટે ગોઠવવું પડશે.

    બીજા લોકોની ઉજળી બાબતોને લગતું જોવા-સાંભળવાની માનસિક સૂગ બાજુએ મૂકી, પ્રયોગશીલ ખેડુતોની વાડીઓની  મુલાકાતો , સ્વેચ્છિક સંસ્થાઓનાં આયોજનો,  ખેડુત સેમિનારો, તાલીમ શિબિરો,  કૃષિ વિષયક પરિસંવાદો, નિદર્શનો-પ્રદર્શનો, કૃષિ મેળાઓ તથા ખેતી સાહિત્યના  મેગેઝીનો કે  પુસ્તકો દ્વારા વાંચન અને  રેડિયો-ટીવીના કૃષિ વિષયક  વાર્તાલાપો   વગેરેમાંથી ઘણી તાજગી મળતી હોય છે. એટલે આપણે તે અર્થે ખર્ચેલાં નાણાં કે વાપરેલ સમયને ધંધાના વિકાસનો એક ભાગ ગણાવો ગણવો જોઇએ.

    @,,,,,,,,,,અંદાજિત આવકથી દોઢા ખર્ચનું આયોજન:

    માણસ છીએ, અને સૌની જેમ ગામમાં સાથે રહેતા હોઇએ એટલે સમયાનુસાર ઇચ્છાઓ અને લાગણીઓના આવેશમાં આવી જઈ, ખળા-ખળવટ વખતે કોઇ ગરીબ-ગુરબા કે માગણના માથે કરુણા લાવી, બે ખોબા દાણા-કઠોળ દેવાઇ જાય કે દીકરી-દીકરાના વિવાહ-વાજમ જેવા પ્રસંગે પોરહમાં આવી જઈ, થોડોક વધારે ખર્ચ કરી વળાય તો તે એટલું બધું વાંધા જનક નથી, પણ આવક આવવાની હોય તેનાથી બમણી વધારે ઢાળ {અંદાજ] બંધાય, અને એનાથી બે-ત્રણ ગણી રકમ અગાઉ કોઇ વ્યક્તિ-પેઢી કે શાહુકાર પાસેથી વ્યાજે લઈ, ખેતીના મોટા સાધન-સરંજામ કે બીજા નંબરની જરૂરિયાત વાળી બાબતોમાં ખર્ચ કરી વળાય, તો જે ‘રામ’ ચડતા થઈ જાય, એને પછી ઘોડા ય આંબતા નથી ! એટલે આવનારી ઉપજનો અંદાજ બરાબર કસીને મૂકીએ, અને વેચાણની રકમ હાથમાં ન આવી જાય ત્યાં સુધી વગર વિચાર્યું આગોતરું ખર્ચ પણ ન કરી વાળીએ.

    આ આપણી આદતો છે તો માત્ર આંગળીના ટેરવે ગણાય એટલી જ ! પણ તેમાં સમયાનુસાર ફેરફાર નહીં કરીએ તો જતે દહાડે વહમી રીતે સાંખી રહેવું પડશે તે વાત ભૂલવા જેવી નથી.


    સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com