નિરાકૃત ચહેરો : ભાગ -૧ થી આગળ
નયના પટેલ
અમારા મેંટલહેલ્થનાં પેશંટોની શારીરિક તપાસ માટે જે ડોક્ટર આવે એણે ધીમેથી એ છોકરીનાં હૃદયનાં ધબકારા સાંભળવા સ્કેથેસ્કોપ એની છાતી પર મુક્યું…….અને દીદી………..એ ઊંઘમાંથી ચમકીને જાગી ગયેલી છોકરીએ જે ચીસાચીસ કરી છે! આખી હોસ્પિટલ ગજવી મૂકી. પેલા ડૉક્ટરને આવું કંઈ બનશે એવી કલ્પના નહોતી એટલે એ પણ બે ડગલાં પાછા હટી ગયાં. શું કરવું તે પણ એમને સૂઝ્યું નહીં. અમે બધાં દોડી ગયા. એને શાંત કરવાનાં અમારાં બધા જ પ્રયત્નો નાકામયાબ રહ્યા. આખરે એને બળજબરીથી ઘેનનું ઈંજેક્શન આપવું પડ્યું, ત્યારે એ શાંત થઈ. એની મા જેલમાં છે એટલે મળવા આવવા વાળું પણ કોઈ નથી કે એને વિષે વિગતો જાણવા મળે.’
‘હં…હં’ કહી બેલાએ હોંકારો પૂરવ્યો.
ત્યાં તો ડોરબેલ વાગી.
‘ઓ, પિઝા આવી ગયા લાગે છે.’ કહી બેલા ઊઠી.
રીના હિંચકા પર એક પગ વાળેલો રાખી અને એક પગથી હિંચકાને ઠેસ મારતી બેઠી હતી. એણે ડોરબેલ સાંભળ્યો જ લાગતો નહોતો. બેલા ઊઠીને ગઈ ત્યારે આંખો ખોલી જોયું અને પાછી પહેલાની પરિસ્થિતિએ પહોંચી ગઈ.
બેલાને હમણાં રીનાને જરાય ડિસ્ટર્બ નહોતી કરવી પણ પિઝા તો ગરમ ગરમ જ ખાવા પડે એટલે ન છૂટકે હિંચકાના સળિયા પકડી હિંચકાને અટકાવ્યો. રીનાને માથે હાથ ફેરવી કહ્યું, ‘ચાલ, રીની, પહેલા પિઝા ખાઈ લઈએ, ઠંડા પડી જશે.’
‘બિમલને આવવા દો, દીદી.’
‘રીના, આજે બિમલ બહાર જમીને આવવાનો છે, તેં જ તો સવારમાં મને કહ્યું હતું.’
‘ઓહ….યા…ચાલો.’ ન છૂટકે રીના ઊભી થઈ.
બન્ને જણે ચૂપચાપ પિઝા ખાધા, બાકી રીના – બિમલનું તો આ એકદમ ફેવરિટ ખાણું, વખાણ કરી કરીને ખાતાં હોય!
પેલી વાત અંધારામાં જ કહેવા જેવી હોય તેમ ખાતાં ખાતાં કે પરવાર્યા ત્યાં સુધી રીના અને બેલા બીજી આડી અવળી વાતો કરતાં રહ્યાં, પણ પેલી છોકરીની વાત તો હિંચકે જ છોડીને આવી હોય તેમ એ વિષે રીના કંઈ જ બોલી નહી.
બેલા રૂમમાં જઈને નાઈટ ડ્રેસ પહેરીને આવી અને નિરાંતે હિંચકે બેઠી. રીના પણ કપડાં બદલીને આવી.
પાછો વાતનો દોર પકડતાં રીનાએ બોલવાનું શરુ કર્યું, ‘ એ છોકરી….’
બેલાએ એને અટકાવી કહ્યું, ‘રીની, મને ખબર છે તારાથી પેશંટની ગુપ્તતાને ખ્યાલમાં રાખી નામ ન કહેવાય પરંતુ બીજું જ કોઈ નામ આપી દે ને….જેમકે …..વિભા કે શ્યામા કે..’
સંમતિની મહોર મારી રીનાએ કહ્યું, ‘હં શ્યામા રાખીએ’
‘એની શારીરિક ટ્રિટમેંટ સાથે સાથે મેં એની સિટિંગ્સ લેવા માંડી. અત્યાર સુધીના મારા પ્રોફેશનલ લાઈફમાં આ પહેલી છોકરી હતી કે જેને પથારીમાં સુતાં પણ બીક લાગતી હતી. આમ તો આવું જોઈને બધાને ખ્યાલ તો આવી જ જતો હોય કે રેઈપનો કેસ હશે. પણ વાત હજુ વધારે ગંભીર હતી. એનો માનસિક બિમાર બાપ…….’
પછીની વાત કઈ રીતે કરવી એની વિમાસણમાં હોય તેમ રીના ચૂપ થઈ ગઈ.
અત્યાર સુધી સ્વસ્થ રહીને સાંભળતી બેલાને અચાનક બુમ પાડીને રીનાને અટકાવવાનું મન થઈ આવ્યું. પણ અત્મસંયંમ રાખી એ હિંચકા પરથી ઊભી થઈ અને બાલકની પર બન્ને હાથ બહાર તરફ રાખી નીચે જોવા લાગી.
આખો કોમપ્લેક્ષ નીચે લાઈટથી ઝળહળતો હતો અને એનું અજવાળું નીચે નમીને જોતી બેલાના મોંઢા પર પડતું હતું.
રીના એને ધ્યાનથી જોતી રહી. અચાનક એને ખ્યાલ આવ્યો બેલાની ખામોશીનો અને….
એને હતું કે બેલા પૂછશે પછી શું થયું?
પણ ખાસ્સી વાર થઈ પણ બેલા સાતમાં માળેથી નીચે જોતી રહી અને રીના હિંચકેથી બેલાને જોતી રહી.
કોઈ કાંઈ જ બોલતું નહોતું છતાં વાતાવરણ બોલકું હતું!
બેલા હવે બન્ને કોણી બાલકનીના કઠેરે ટેકવીને રીના તરફ મોં ફેરવી ઊભી રહી, ‘ પછી એનો બાપ જીવે છે કે ….’
‘માઈ ગોડ દીદી, હાઉ ડીડ યુ નો(know)?’ અપાર આશ્ચર્યથી રીના બેલા સામે જોઈ રહી.
બેલા હવે બન્ને કોણી બાલકનીના કઠેરે ટેકવીને રીના તરફ મોં ફેરવી ઊભી રહી, ‘ પછી એનો બાપ જીવે છે કે ….’
‘માઈ ગોડ દીદી, હાઉ ડીડ યુ નો(know)?’ અપાર આશ્ચર્યથી રીના બેલા સામે જોઈ રહી.
બેલા જાણે ટ્રાંસમાં હોય તેમ બોલી, ‘ આઈ નો બીકોઝ રીની, મેં મારી મા ને રોજ રોજ એ અત્યાચારથી રિબાતાં જોઈ છે. પતિ પત્ની પર રેઈપ કરે તો પત્નીનો જ વાંક ને? એ જમાનો હતો જ્યારે કોઈ એ વાત માને પણ નહીં! રોજ રાત્રે મારી મા ને મોંઢે હાથ દબાવી એને ગુંગળાવીને……. બાજુના રૂમમાં, ચાર પાંચ વર્ષની હું બિમલને પડખે લઈને ઊઘાડી આંખે પડી રહેતી. મારી મા નો કણસવાનો અવાજ હજુ પણ મને સંભળાય છે, રીની.’ બેલાનાં આંસુ ડૂસકાંમાં ઝબોળાઈને નીકળતાં હતાં.
શ્યામાની વાતે બેલાની વર્ષોથી ધરબાઈને પડેલી વાતને ખોતરી કાઢી હતી. આટલા વર્ષો સુધી મનમાં ને મનમાં સંગ્રહી રાખેલી એ યાતના બહાર આવવા તરફડતી હતી પણ જે વાતને સમાજે ‘શરમજનક’ બનાવી દીધી હતી તેને મોંઢે આવતાં ૩૫ વર્ષો લગ્યા.
રીના ઊઠીને બેલા પાસે ગઈ, એનાં વાંસે હાથ ફેરવવા માંડ્યો ત્યાં તો બેલાના સ્વભાવની વિરુદ્ધ એ રીનાને વળગીને રડવા લાગી.
બેલાનું રડવાનું થોડું શાંત થતાં, બેલાને અળગી કરી રીના એને માટે પાણી લઈ આવી. ત્યાં સુધીમાં બેલા હિંચકે બેસી ગઈ હતી. પાણી પીધાં પછી બેલાને થોડી કળ વળી, ‘ સોરી, રીની, તારી શ્યામાની વાતમાં મેં મારી વાત માંડી દીધી!’ ‘દીદી, કેટલા વખતથી આ મોકાની રાહ જોતી હતી . મને ખબર છે દીદી, કે માત્ર જવાબદારીઓએ જ નહીં પણ ભૂતકાળની કોઈ ભયંકર વેદનાએ તમને શાંત કરી દીધા છે. આજે તમારી આસપાસ ચણેલી દિવાલને ખરતી જોઈ મને કેટલો આનંદ થયો તે કઈ રીતે તમને બતાવું?’
થોડી હળવાશથી બેલાએ કહ્યું, ‘મને ખબર છે કે મારી ભાભી સાઈકાઈટ્રીસ છે એટલે મને ભય હતો જ કે મને બોલાવ્યા વિના રહેવાની નથી જ.’ પછી થોડીવાર રીના સામે જોઈ રહી બોલી, ‘આજે વાત કરવા જ બેઠી છું તો મેં કોઈને એટલે કોઈને જ નથી કરી, ઈવન પોલિસને પણ જે વાત તે વખતે નહોતી કરી તે વાત આજે તને કહી લેવા દે.’
ત્યાર પછીની ચુપકીદીની દરેક ક્ષણ અત્યાર સુધી ન વરસેલા આંસુઓનો ભાર લઈને પસાર થતી હતી. રીના ચૂપચાપ તારા મઢ્યા આકાશને શૂન્ય નજરે જોતી રહી. એને ખબર છે કે ભયાનક ભૂતકાળને ઉખેળવો સહેલો નથી જ. અને બેલાએ બિમલનું બચપણ જેટલું સચવાય એટલું સાચવવાનાં પ્રયત્નમાં પોતાના બાળપણનો ભોગ આપી દીધો હતો. માતા – પિતા બન્નેના એક સાથે જ થયેલાં અપ્-મૃત્યુથી ઓશિયાળા બની રહેવાના અનુભવે બન્ને ભાઈબહેનને ધીરગંભીર બનાવી દીધા હતાં.
રીનાએ હળવેથી પૂછ્યું, ‘પપ્પાને કંપલ્સીવ સેક્સચ્યુઅલ બિહેવિયરનો પ્રોબ્લેમ….’
‘આઈ થીંક સો રીની, તે જમાનામાં જ નહીં, અરે આજે પણ સેક્સને લગતી માનસિક બિમારીની અવેરનેસ- જાગૃતિ તો આપણા સમાજમાં ક્યાં છે?
હવે એટલી તો નાજુક વાત કહેવાની હતી કે બેલાને એ સીન યાદ આવી ગયો અને જાણે એની વાણી જ હણાઈ ગઈ હોય તેમ અવાક્ બનીને થોડીવાર બેસી રહી. એક એવા સત્યને બહાર લાવવાનું હતું કે જે સત્યએ આજ સુધી એની યુવાનીને ભરખી લીધી હતી.
‘એક દિવસ રીની, હું નિશાળેથી રિસેશમાં ઘરે આવી ત્યારે મા બિમલને બાળમંદિરે જવા માટે તૈયાર કરતી હતી. રોજ હું રીસેશમાં જમવા માટે ઘરે આવું અને જતી વખતે બિમલને બાળમંદિરે મૂકી અને સ્કુલે જતી.
ખબર નહીં કોઈ દિવસે નહીં અને પપ્પા તે દિવસે એમના જોબ ઉપરથી અચાનક ઘરે આવ્યા હતા. અમને બને એટલાં જલ્દી ઘરેથી કાઢવા હોય તેમ પપ્પાએ મમ્મીને કહ્યું હતું, ‘આ લોકોને મૂકી આવ તો, કેટલો અવાજ કરે છે? મારું માથું દુઃખે છે.’
મમ્મીએ જાણે સાંભળ્યું જ ન હોય તેમ રોજની જેમ જ સમય થયો એટલે અમને બન્નેને ઓટલાના પગથિયાં સુધી મૂકવા આવી અને ત્યારે તો ખબર પડી નહીં પણ મને બાથમાં સમાવીને ખૂબ વહાલ કર્યું. બિમલને ઊંચકીને વહાલ કર્યું. અને જાણે અમને ક્યારેય મળવાની જ ન હોય તેમ માંડ માંડ જવા દીધા. આ બધું મારા અજ્ઞાત મનમાં સચવાય રહ્યું હશે એ મને ઘણો વખત પછી સમજાયું હતું પણ…..તેનો કોઈ અર્થ નહોતો!’
શ્વાસ ખાવા થોભી હોય તેમ એક ઊંડો શ્વાસ લઈને ફરી એણે કરમકથની શરુ કરી, ‘સ્કુલેથી પાછા વળતા હું બિમલને રોજની જેમ સાથે લઈ ઘરે આવી. ડોરબેલ વગાડ્યા જ કર્યો…….વગાડ્યા જ કર્યો, મમ્મી બારણું કેમ નથી ખોલતી? પહેલાં આશ્ચર્ય અને પછી ડરના માર્યા મેં જોર જોરથી રડવા માંડ્યું. મને રડતી જોઈને બેમલે ય ભેંકડો તાણ્યો….અને તો ય ઘરનાં બારણા ખૂલ્યા જ નહીં. બાજુવાળા સુધામાસી અને નિર્મળામાસી આવ્યા અને એ લોકોએ પણ ખૂબ દરવાજો ખખડાવ્યા કર્યો. એ લોકોના મોઢા પર પણ ચિંતા તરી આવી. બીજા બધા પડોશીઓ પણ ભેગા થઈ ગયા. હું બિમલને લઈને સૌથી આગળ રડતાં રડતાં ઊભી હતી. આખરે શેરીમાં રહેતાં પેલા પંજાબી અંકલે બારણાને જોર જોરથી ધક્કા મારવા માંડ્યા. બીજા બધા અંકલો પણ એમની સાથે ધક્કો મારવા માંડ્યા.
આખરે બારણું તૂટી ગયું……બધાં પડોશીઓ બહાર ઊભા હતાં અને પેલા પંજાબી અંકલ અને બીજા એક અંકલ ધીમે ધીમે અંદર ગયા. બિમલને ત્યાં જ રડતો રાખી એ લોકોની પાછળ અંદર ઘુસી ગઈ. એક અંકલ બેસવાના ખંડમાં જોવા લાગ્યા, એક અંકલ રસોડામાં ગયા અને હું મમ્મી – પપ્પાના સૂવાના રૂમ તરફ દોડી. મારી ફાટી ગયેલી આંખો અને ચીસ નીકળવા માટે પહોળા થયેલા મોં તરફ જોઈને બન્ને અંકલ મારી પાછળ આવી ઊભા……મારા મોંમાંથી ચીસ નીકળી નહોતી શકતી અને શ્વાસ પણ લઈ શકતી નહોતી. એમાંના એક અંકલે મને ઉપાડી અને બન્ને અંકલ પાછલા પગે બહાર આવી ગયાં. ગભરાટના માર્યા પંજાબી અંકલ બોલી ઊઠ્યાં હતાં, ‘ કોઈ પોલીસને ફોન કરો….જલ્દી!’ એવું કંઈક યાદ આવે છે.
જાગી ત્યારે સુધામાસીને ત્યાં ખાટલા પર હું સૂતી હતી, બિમલ ચીસો પાડીને રડતો હતો…એ જ શહેરમાં રહેતાં મારા નાના કાકા એને છાનો રાખવાનો પ્રયત્ન કરતાં હતાં. કાકી મારા માથા પાસે ખાટલા પર બેઠાં હતાં. હું બેઠી થઈ ગઈ અને મારા ઘર તરફ જવાનો પ્રયત્ન કરવા લાગી. બધાએ મને પકડી રાખી હતી. માસીના ઘરમાંથી અમારા ઘર પાસે ખૂબ બધાં પોલીસોને જોઈને હું બીકની મારી રડી પણ નહોતી શકી.’
ઘરમાં આવીને ચૂપચાપ બાલ્કનીના બારણાની બારસાખ પર શરીર ટેકવીને વાત સાંભળતા બિમલે, ધ્રુસકે ધ્રુસકે રડતી બેલાને પાસે ખેંચીને એણે પણ રડવા માંડ્યું. રીનાએ આજે આવું બનશે એવું તો જરાય ધાર્યું નહોતું. એ પણ આંસુ ખાળતી પાણી લઈ આવી. દીદીની ખામોશીએ સાચવી રાખેલી મરણતોલ ઘટનાની તો રીનાને કલ્પના પણ ક્યાંથી હોય? સાત વર્ષની કુમળી વયે આટલી ભયાનક પરિસ્થિતિના સાક્ષી બન્યા પછી આટલાં વર્ષ સુધી બેલાએ કઈ રીતે અંતરને તળીયે એ વાતને સંતાડી રાખી હશે એ વિચારે જ રીના કંપી ઊઠી.
એ પ્રસંગ જાણે હમણા જ બન્યો હોય તેમ વાતાવરણ સ્તબ્ધ અને ભારછલ્લું બની ગયું. રીના આશ્વાસન પણ શું આપે?
૩૦ વર્ષ પહેલાં બની ગયેલી ઘટના બેલાના મનમાં તો જેમની તેમ પડી હતી, પરંતુ બિમલ નાનો હતો એટલે એમાંની અમુક વાતો જ એને યાદ હતી, આજે એણે સંપૂર્ણ હકીકત જાણી. એની દીદીએ અત્યાર સુધી ધરબી રાખેલા આ કારમા ઘાનો પડછાયો પણ નાનાભાઈ પર પડવા દીધો નહોતો એ વાતે બિમલના હૃદયમાં એક ચીસ ઊઠી, એણે બેલાને ખભેથી પકડી એકદમ હલાવીને પૂછ્યું ‘ કેમ, દી, કેમ ક્યારેય મને કાંઈ કહ્યું નહી? આટલો ભયંકર ઘા સાવ એકલીએ તેં કઈ રીતે ખમ્યો?’ એને બોલતો અટકાવી બેલાએ હોઠ પર આંગળી રાખી એને ચૂપ થવા કહ્યું. પછી બેલાએ એના વહાલા ભાઈલાને માથે અને વાંસે હાથ ફેરવ્યા કર્યો, જાણે બિમલનાં બધા પ્રશ્નોના જવાબ આપી દીધાં.
બેલાનું મન આજે સાવ ખાલી થઈ ગયું, બનેલી આવી ભયાનક ઘટનાનો ભાર ખમી ખમીને આજ સુધી મૃતપ્રાય થઈ ગયેલું એનું અંતર સાવ જાણે મુક્ત થઈ ગયું. અને આ સ્થિતિનો થાક લાગ્યો હોય તેમ એણે હિંચકાના સળીએ માથું ટેકવી અને આંખો મીંચી દીધી.
કેટલો સમય પસાર થઈ ગયો તેની કોઈને સૂઝબુઝ રહી નહોતી. હિંચકા સામે નીચે બેસી રહેલી રીના તરફ જોઈ બેલાએ કહ્યું, ‘ રીની, મારી મમ્મીનો પંખા પર લટકતો અને ખાટલા પાસે ઊંધે મોંએ લોહીના ખબોચિયામાં પડેલો પપ્પાનો દેહ! હજુ પણ મારા માનસપટ પર યથાવત્ છે………………હવે પછી મને ક્યારેય લગ્ન માટે કહેતી નહીં. તને ખબર છે જ્યારે જ્યારે કોઈ એ વાત કાઢે છે ત્યારે ત્યારે ઓચિંતી હું મારી મમ્મી બની જાઉં છું, મારી મા ની કણસતી ગુંગળામણ મારા અસ્તિત્વનો એક ભાગ બની જાય છે….અને……અને….કોઈ નિરાકૃત ચહેરો મારા શરીર પર ઝળુંબતો હોય એમ લાગ્યા કરે છે.’ થોડીવાર શાંત રહી બોલી, ‘ આજે કહેવા બેઠી છું તો તમને બન્નેને કહી જ દઉં……..સારંગ તરફ મને આકર્ષણ થયું હતું પરંતુ ત્યારે પણ અને આજે પણ કોઈ આકારવિહિન એક ચહેરો છે જે મારી નજીક કોઈને પણ આવવા નહીં દે, મને ખબર છે!’
સાત વર્ષની ઉંમરે જોયેલા આવા ભયંકર દ્રષ્ય અને પારાવાર વેદનાનો ભાર વેંઢારીને થાકી ગયેલી બેલાનાં મનની અંદર ને અંદર જમા થતાં રહેલા ડૂસકાંઓ આજે મુક્તિ પામ્યા હતાં.
સમાપ્ત
લેખિકા : નયના પટેલ
29, Lindisfarne Road, Syston
Leicester, UK. LE7 1QJ
TEL: +44 7800548111