-
કલા અને કલાતત્વ
મહેશ ચોકસી
માનવનિર્મિત સુંદર રચના અને તેનું હાર્દ. માનવીના કૌશલ્યનું તે નિર્માણ છે અને એ રીતે તે કુદરતી – કુદરતસર્જિત પદાર્થથી તદ્દન જુદી છે. સૂર્યોદય સુંદર હોય પણ એ કલાકૃતિ નથી કારણ કે એનું નિર્માણ માનવે નથી કર્યું. કલા એ કુદરતની નહિ પણ માનવની નિર્માણપ્રવૃત્તિ છે એ વ્યાખ્યાની વ્યાપકતાને અનુલક્ષીને વિચારીએ તો ચિત્રકલા અને શિલ્પકલા જ નહિ પણ મકાનો, ફર્નિચર, ઑટોમોબાઇલ, શહેરો તથા કચરાના ઉકરડા પણ એક રીતે તેના કૌશલ્યનું પરિણામ હોઈ કલાનું નિર્માણ કહેવાય; પણ સામાન્ય રીતે આ શબ્દ આટલા વ્યાપક સંદર્ભમાં નથી વપરાતો.
રોજિંદા વ્યવહારમાં કલાકૃતિનો ઉલ્લેખ કરતી વખતે અમુક મર્યાદિત પદાર્થોનો જ ઉલ્લેખ એટલે કે સૌંદર્યલક્ષી પ્રતિભાવ જન્માવે તેવા પદાર્થોનો જ ઉલ્લેખ અભિપ્રેત હોય છે. આ સીમિત ઉલ્લેખ મુજબની વસ્તુઓમાં લલિત કલા અને ઉપયોગી કલા એવો ભેદ પાડવામાં આવે છે. લલિત કલામાં એવી કૃતિઓની ગણના થાય છે, જે સૌંદર્યલક્ષી પ્રતિભાવ જન્માવી શકે અથવા સૌંદર્યલક્ષી સૂઝ પ્રગટાવી શકે (જેમ કે, ચિત્રકૃતિ, શિલ્પકૃતિ, કાવ્યરચના કે સંગીતરચના); એટલે કે કૃતિથી ઇતર બાબતો ખાતર નહિ પણ કૃતિ ખાતર જ કૃતિનો આસ્વાદ માણવાનો હોય એવી માનવસર્જિત કૃતિઓ.

ઉપયોગલક્ષી કલામાં સૌંદર્યલક્ષી અને ઉપયોગિતાલક્ષી એમ બંને પરિણામ વણાયાં હોય એમ બને. ઑટોમોબાઇલ, કાચના પ્યાલા, ટેબલ-લૅમ્પ વગેરે જેવી હાથકારીગરીની અને યંત્રનિર્મિત થોકબંધ વસ્તુઓ એવી હોય છે, જે મૂળભૂત રીતે ઉપયોગિતાની ખાસિયત ધરાવતી હોય છે અને એ ઉદ્દેશથી તૈયાર કરાઈ હોય છે; પણ તેમાં સુંદરતાલક્ષી પરિમાણ પણ જળવાયું હોય છે; સુંદર પદાર્થો તરીકે પણ તેનો આનંદ માણી શકાય છે. એટલે સુધી કે કોઈ વ્યક્તિ અમુક બનાવટની મોટરગાડીને બદલે બીજી કોઈ નિશ્ચિત બનાવટની મોટરગાડી ખરીદે છે ત્યારે તેમાં યાંત્રિક સુવિધાનાં કારણો (જેની તેને બહુ ખબર પણ નથી હોતી) કરતાં સુંદરતાનાં કારણો ઘણી વાર મહત્વનો ભાગ ભજવે છે. આમાં સીમાવર્તી વિષય છે સ્થાપત્યનો. ઘણી ઇમારતો ઉપયોગી હોય છે પણ તેની સૌંદર્યલક્ષી કામગીરી સીમાંત પ્રમાણમાં હોય છે; કેટલીક ઇમારતો મૂળભૂત રીતે જ સુંદરતાના નમૂનારૂપ હોય છે. એમાં ઉપયોગિતાનું તત્વ આકસ્મિક હોય છે અથવા પછી રહ્યું હોતું નથી. (ગ્રીક દેવળો એક વખત ધર્મસ્થાનો હતાં પણ આજે તે કેવળ સૌંદર્યલક્ષી મહત્વ ધરાવે છે.) વ્યવહારુ પરીક્ષણ એવું રહ્યું છે કે કૃતિઓના સર્જકોએ એમની કયા ઉદ્દેશથી રચના કરી હતી એ નહિ, પણ સાંપ્રત અનુભવજગતમાં એમનું શું મહત્વ છે એ તપાસવું ઘટે.
કલાનાં માધ્યમો : પ્રત્યેક કલાકૃતિના સંદર્ભમાં નીચેની ત્રણ બાબતો વિચારવાની રહે :
કલાકૃતિનો ઉદભવ.
કલાકારે સર્જેલી અને પ્રેક્ષક્ધો જાહેર સ્વરૂપે જોવા મળતી કલાકૃતિ.
કલાકૃતિની પ્રેક્ષક પર થતી અસર.
પ્રથમ મુદ્દામાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે : કલાસર્જનમાં પ્રયોજાતી કલાકારની જાગ્રત અને અર્ધજાગ્રત મન:સ્થિતિ તેમજ કૃતિ વિશેનો તેનો ઉદ્દેશ તથા એ મન:સ્થિતિ માટે કારણભૂત બનેલાં પરિબળો; જેમકે યુગની ભાવના, તત્કાલીન સામાજિક-આર્થિક પરિસ્થિતિઓ, અન્ય કલાકારો સાથે વિચારોની આપલે વગેરે. કલાકૃતિના સર્જનમાં કલાકારને જે કાંઈ અનુભવો થાય છે તે કલાલક્ષી અનુભૂતિ ગણાય છે.
ત્રીજા મુદ્દામાં કલાકૃતિની ભાવકના ચિત્ત વિશે નિષ્પન્ન થતી સૌંદર્યલક્ષી અને બિન-સૌંદર્યલક્ષી એમ બંને પ્રકારની અસરો; સંસ્કારજગત, જ્ઞાનજગત, સાંપ્રત નીતિમત્તા વગેરે પરત્વે કલાકૃતિનો પ્રભાવ જેવી બાબતો આવે. જે અનુભવથી પ્રેરાઈને કોઈ વ્યક્તિનું મન કલાકૃતિને કોઈ પરોક્ષ કારણસર નહિ પણ કલાતત્વના કારણસર જ જોવા પ્રેરાય એ સૌંદર્યલક્ષી અનુભવ કહેવાય. કલાલક્ષી અનુભવથી ઊલટું આ સૌંદર્યલક્ષી અનુભવ ભાવકના પક્ષે હોય છે, જ્યારે કલાલક્ષી અનુભવ કલાના સર્જકના પક્ષે હોય છે.
બીજો મુદ્દો સ્વયં કલાકૃતિને લગતો છે. ઇટાલીના વિચારક ક્રોચે (1860–1952) જેવા કેટલાક લેખકોનું મંતવ્ય એવું છે કે કલાકૃતિનું અસ્તિત્વ કેવળ કલાકારના મન વિશે રહેલું છે; ભૌતિક કૃતિ એ કલાકૃતિના પરિણામરૂપ લેખાય છે;. પરંતુ સામાન્ય શબ્દપ્રયોગની ર્દષ્ટિએ તેમજ મોટાભાગના કલા-વિશારદોના શબ્દપ્રયોગની ર્દષ્ટિએ કલાકૃતિ એટલે ભૌતિક માધ્યમમાં પ્રગટ થતી (ભૌતિક) કૃતિ.
પ્રત્યેક કલાકૃતિ માધ્યમ મારફત પ્રગટે છે; એટલે કે કોઈ ભૌતિક પદાર્થ અથવા ઘટનાશ્રેણી મારફત એ કૃતિનું ભાવક(એટલે શ્રોતા, પ્રેક્ષક કે વાચક)ને ઇન્દ્રિયો વાટે પ્રત્યાયન કરાય છે. ચિત્રકલામાં રંગ માધ્યમ છે, શિલ્પમાં પથ્થર, લાકડું કે પ્લાસ્ટિક જેવા પદાર્થો માધ્યમ હોય છે. સંગીત પૂરતું સૌપ્રથમ તો એમ લાગે કે સંગીતકારે તૈયાર કરેલ સ્વરલિપિની રચના એ સંગીતનું માધ્યમ; પણ લિખિત સ્વરાંકન એ સંગીત નથી. એ તો કેવળ જુદાં જુદાં વાજિંત્રોમાંથી સૂર પ્રગટાવવા માટેના ર્દશ્ય નિર્દેશો છે. પ્રત્યેક વાદકની યાદશક્તિ સારી હોય તો આવી નોંધની તેને જરૂર પડે પણ નહિ. વસ્તુત: આવી લિખિત સ્વરરચના ન હતી ત્યારે પણ સંગીતનું અસ્તિત્વ તો હતું જ અને કેવળ યાદશક્તિના આધારે વર્ષોવર્ષ અથવા પેઢી-દર-પેઢી સંગીત બજાવાતું કે ગવાતું રહ્યું હતું. એમ ચોક્કસપણે કહી શકાય કે સંગીતનું માધ્યમ છે ભૌતિક ધ્વનિતરંગો; તેમની મારફત ધ્વનિની અનુભૂતિ શ્રોતાના ચિત્તતંત્રમાં પ્રવેશે છે. સાહિત્યનું માધ્યમ શબ્દો જ છે એમ યથાર્થ રીતે કહી શકાય. પણ એ શબ્દો તે મનોજગતમાં કલ્પાયેલું અમૂર્ત અસ્તિત્વ નહિ પણ બોલાયેલા કે લખાયેલા શબ્દો. આમ સાહિત્યનું ભૌતિક માધ્યમ શ્રાવ્ય કે ર્દશ્ય છે; અલબત્ત, એ માધ્યમ દ્વારા થતી અભિવ્યક્તિ ર્દશ્ય કે શ્રાવ્ય નથી હોતી.
કલાનું માધ્યમ અનુસાર વર્ગીકરણ : કલાનું વર્ગીકરણ ઘણી રીતે થઈ શકે, જેમ કે કલાના ઉદ્દેશ અનુસાર, કલાના પ્રભાવ અનુસાર વગેરે. પરંતુ સૌથી પ્રચલિત અને સૌથી મૂળભૂત પદ્ધતિ કલાનું માધ્યમ પ્રમાણે વર્ગીકરણ કરવાની છે.
ર્દશ્ય કલાઓ : આમાં ચિત્રકલા જેવી દ્વિપરિમાણી તેમજ શિલ્પ તથા સ્થાપત્ય જેવી ત્રિપરિમાણી કલાઓનો સમાવેશ થાય છે. વળી આમાંની કેટલીક કલાઓને ર્દશ્ય-સ્પર્શલક્ષી (visuo-tactual) કલાઓ તરીકે ઓળખાવી શકાય. સામાન્ય રીતે ઇમારતોને જોઈ શકાય છે અને સ્પર્શી પણ શકાય છે. શિલ્પને તો જોવા ઉપરાંત સ્પર્શવામાં આવે તો જ સાદ્યંત માણી શકાય; અને ચિત્રોમાં પણ કેટલીક વાર એવી ત્રિપરિમાણી લાક્ષણિકતા હોય છે જેથી સ્પર્શાનુભૂતિનું વળતર મળી રહે. ટૂંકમાં, આ બધી કલાઓ સૌપ્રથમ ર્દષ્ટિની ઇન્દ્રિયને – આંખને અપીલ કરે છે અને કલાકૃતિ તે ર્દશ્ય માધ્યમમાં પ્રગટેલો પદાર્થ હોય છે.
શ્રાવ્ય કલા (auditory art) : આ કલાપ્રકારમાં સંગીતનાં તમામ સ્વરૂપોનો સમાવેશ થાય છે. પરંતુ ગીતની, ઑપેરાની તેમજ સંગીત અને સાહિત્યનું જેમાં સંયોજન થતું હોય તેવી કલાની આમાં ગણના થતી નથી. ર્દશ્ય કલામાં જેમ રંગરૂપ રેખાનું તેમ શ્રાવ્ય કલામાં ધ્વનિનું માધ્યમ હોય છે.
ર્દશ્ય કલાથી ઊલટું, શ્રાવ્ય કલામાં ઉપાદાનરૂપે કોઈ ભૌતિક પદાર્થ હોતો નથી (સિવાય કે સૂર, તાલ ને તદનુલક્ષી સ્વરાંકન, અને આગળ જોયું તેમ સ્વરાંકન એ સંગીત નથી.). એમાં કેવળ સમયક્રમમાં પથરાયેલી નાદશ્રેણી હોય છે; જુદાં જુદાં વાજિંત્રોમાંથી ઉદભવતા ધ્વનિતરંગો હોય છે. સ્વરાંકનની નોંધ રહે છે. જેના આધારે ફરી સંગીત રજૂ કરી શકાય છે. ચિત્ર તથા શિલ્પ જે રીતે અસ્તિત્વ ધરાવે છે એ રીતે સંગીતના ધ્વનિઓનું અવિરત કે સ્થાયી અસ્તિત્વ નથી હોતું. એનું અસ્તિત્વ એ ર્દષ્ટિએ છે કે લિખિત સ્વરાંકન પરથી તેનું પુનર્વાદન થઈ શકે છે.
શબ્દલક્ષી કલા (verbal art) – સાહિત્યની કલા ર્દશ્ય તથા શ્રાવ્ય એ બંને કલાપ્રકારો કરતાં તદ્દન ભિન્ન છે. કાવ્યનું ખાસ કરીને મોટેથી પઠન કરવામાં આવે ત્યારે તેમાં ધ્વનિની સભરતા ઉમેરાય છે; પરંતુ એ ધ્વનિ એકલો હોય તો સાહિત્યની કલા સાવ સત્વહીન બની રહે. કવિતાનો ધ્વનિ એટલા માટે અસરકારક અને સફળ બની રહે છે કે એમાં સાંભળવા મળતા શબ્દોના અર્થની શ્રોતાને ખબર હોય છે. કોઈ અપરિચિત ભાષામાં ઉચ્ચારાતા કાવ્ય કે નાટકના ધ્વનિ સાંભળીએ ત્યારે સાહિત્યમાં શબ્દના અર્થ જાણવા-સમજવાનું કેટલું જરૂરી અને મહત્વનું છે તે સમજાઈ જાય છે. અંગ્રેજીમાં સૌથી મધુર નાદધ્વનિ ધરાવતા શબ્દો પૈકીના એક શબ્દ murmuringમાં લગભગ murdering જેવા જ ધ્વનિઓ છે. આથી શબ્દોના અર્થની જાણકારી હોય તો જ સાહિત્યિક કલાનો આસ્વાદ માણી શકાય છે.
સાહિત્ય સંગીતના જેવી શ્રાવ્ય કલા નથી, તેમ ર્દશ્ય કલા પણ નથી. તેનું માધ્યમ શબ્દ છે. અલબત્ત સાહિત્યકૃતિનાં છાપેલાં પાનાં પરથી તેનું પઠન કરવાનું પ્રચલિત છે ખરું. મુદ્રિત કે લિખિત શબ્દ અથવા પ્રસ્તુત હેતુસર કહો કે ‘ઉચ્ચારાયેલો શબ્દ’ અર્થ વ્યક્ત કરવાનું સાધન છે. આથી સાહિત્યને શ્રાવ્ય કે શ્ય કલાપ્રકાર કરતાં શબ્દલક્ષી કલાના જુદા વર્ગમાં મૂકવાનું રહે.
મિશ્ર કલાઓ(mixed arts)માં ઉપરની ત્રણેય પ્રકારની કલાઓનો જુદી જુદી રીતે સમન્વય થતો હોય છે. આ વર્ગમાં તમામ મંચનલક્ષી કલાઓ(arts of performance)ની ગણના થાય છે. નાટકમાં સાહિત્ય (શબ્દલક્ષી કલા) તથા વેશભૂષા, રંગમંચસજાવટ વગેરે જેવી ર્દશ્ય કલાઓનો સમન્વય સધાય છે. સંગીતનાટક(opera)માં સંગીતકલા(એના મુખ્ય ઘટકરૂપે)નો સાહિત્ય (એનો ગીતરૂપ ભાગ) તથા રંગમંચસજાવટની ર્દશ્ય કલાઓ સાથે સમન્વય સધાય છે. નૃત્યમાં નર્તનમય દેહછટા(એના મુખ્ય ઘટક રૂપે)ની ર્દશ્યાવલી સાથે સંગીતની સંગત તેમજ કેટલીક વાર શબ્દોનો સાથ તથા બહુધા રંગમંચસજાવટના સહયોગનો સમન્વય હોય છે. ગીતમાં શબ્દ તથા સંગીતનું સહકાર્ય હોય છે. ચલચિત્ર(motion picture)માં ર્દશ્ય ઘટકોની સાથે શાબ્દિક ઘટક (ચિત્રકથાનું લખાણ) તથા બહુધા અવાંતરે મુકાયેલા પાર્શ્વસંગીતનો સમન્વય સર્જાય છે.
તમામ ર્દશ્ય કલાઓ સ્થળલક્ષી (spatial) કલાઓ પણ છે; સાહિત્યની અને સંગીતની કલાઓ સમયલક્ષી (temporal) કલાઓ છે. આ તાત્વિક ભેદને પરિણામે પ્રત્યેક કલાપ્રકારની અસરકારકતા તથા આસ્વાદ વિશે ખાસ્સો તફાવત નીપજે છે. સમયલક્ષી કલામાં કલાકૃતિના અંશો પ્રેક્ષક સમક્ષ એકસાથે સમગ્રપણે પ્રસ્તુત થતા નથી પણ સમયની ક્રમિકતા પ્રમાણે રજૂ થાય છે. પહેલી ક્ષણ પૂરી ન થાય ત્યાં સુધી પછીની બીજી ક્ષણનો પ્રારંભ થતો નથી. સ્થળલક્ષી કલામાં સમગ્ર કલાકૃતિ એકસાથે પ્રસ્તુત થાય છે; એના અંશો તરફ ધ્યાન આપવાનું પછીથી બને છે. સમગ્ર કૃતિ પ્રત્યે એકદમ એટલે કે પહેલી નજર પડતાંવેંત તેને એકાગ્રતાથી અવલોકવાનું બની શકે નહિ; પરંતુ કલાકૃતિ તેના સમગ્ર સ્વરૂપે રજૂ થાય છે અને દર્શક પોતાની ઇચ્છાનુસાર કૃતિના અંશોને અવલોકે અને આસ્વાદે છે. શિલ્પ તથા સ્થાપત્ય જેવી ત્રિપરિમાણી કલામાં પૂર્ણ કૃતિ પ્રસ્તુત કરાય છે પરંતુ તેની અખિલાઈ એકીવખતે અવલોકી તો શું જોઈ પણ શકાતી નથી. કોઈ શિલ્પનો આગળનો ભાગ જોતા હોઈએ ત્યારે તેનો પીઠભાગ જોઈ શકાય નહિ; કોઈ મંદિરનું ગર્ભગૃહ નિહાળી રહ્યા હોઈએ ત્યારે શિખરની શોભા માણી શકાય નહિ.
સમયલક્ષી કલાઓ અમુક નિશ્ચિત ક્રમમાં જ માણી શકાય. કોઈ સંગીતરચના કે નાટક કે ચલચિત્ર અવળે છેડેથી એટલે કે આરંભથી નહિ પણ અંતથી શરૂ કરીને માણવાનું શક્ય નથી. અલબત્ત ટેક્નીકની ર્દષ્ટિએ એ શક્ય છે ખરું; દા. ત., કોઈ ચલચિત્રની કૅસેટ અવળેથી શરૂ કરી શકાય પણ આસ્વાદની ર્દષ્ટિએ એ કેવલ ઉત્પાત જ ગણાય. સમયલક્ષી કલાની કૃતિના વિવિધ અંશોનો આસ્વાદ કલાકારે અગાઉથી સુનિશ્ચિત કરેલા ક્રમ પ્રમાણે જ ભાવકે માણવાનો હોય છે. આ કારણસર જ નવલકથામાં જે રીતે વાર્તાકથન થઈ શકે છે એ રીતે ચિત્રકલામાં થઈ શકતું નથી. ચિત્રમાં ‘ક્ષુરસ્ય ધારા’ (razor’s edge) પર ઝિલાતો સમય થોડી ક્ષણો જ આલેખાય છે જ્યારે નવલકથામાં અનેક પાત્રો-પ્રસંગોને આવરી લેતા વિશાળ સમયઘટકની ઘટનાઓ બનતી હોય એ ક્રમમાં અથવા પીઠઝબકાર (flash-back) પદ્ધતિએ બની ગઈ હોય એ ક્રમમાં આલેખાય છે. સાંપ્રત કલાપ્રવાહોમાં સમય અને સ્થળનાં પરિમાણો વચ્ચેનો આ ભેદ ટકાવી રાખવા કરતાં નિવારવાનો ઝોક વિશેષ રહેલો છે.
કલાના માધ્યમગત તફાવત : જુદી જુદી કલાઓ વિશે જે માધ્યમગત તફાવત હોય છે તેના પરિણામે જે તે કલાઓ વિશે પણ મહત્વનો તફાવત સર્જાય છે.
સાહિત્યિક અને સાહિત્યેતર કલાઓ : વિવિધ કલાઓ વચ્ચેનો સૌથી મોટો તફાવત તે આ : સાહિત્યિક અને સાહિત્યેતર કલા. સાહિત્યમાં સંકેતચિહનોનું એક રચનાતંત્ર હોય છે અને એ પ્રત્યેક સંકેતચિહનોનો અમુક નિશ્ચિત અર્થ હોય છે. શબ્દ એ કેવળ અવાજ નથી અથવા છાપેલા પાના પરની કોઈ નિરર્થક નિશાની નથી. શબ્દ નિશ્ચિત અર્થ ધરાવતો ધ્વનિ કે મુદ્રિત સંકેત છે. જુદી જુદી ભાષાઓમાં જુદા જુદા સમૂહ માટે અર્થસંકેત નક્કી કરાયા છે અને જે તે ભાષાની કોઈ કૃતિ સમજવી હોય તો સંબંધિત ભાષા શીખી લેવાની રહે. બીજી કોઈ કલા વિશે આ સમસ્યા નથી. કોઈ પણ અંગ્રેજીભાષી વ્યક્તિ જર્મનભાષી વ્યક્તિ જેટલી જ સારી રીતે જર્મન સંગીત માણી શકે છે અને એ ન માણી શકતી હોય તોપણ તેમાં ભાષાની જાણકારીનો અભાવ કારણભૂત નથી બનતો.
આકાર, રંગ અને સૂર માટે શબ્દની જેમ કોઈ અર્થ મુકરર કરાયા નથી. એનું તાત્પર્ય એવું નથી કે કલામાં અભિવ્યક્ત થતાં આ તત્વો ‘અર્થ’ શબ્દની કોઈ ભાવના ધરાવતા નથી. ‘અર્થ’ શબ્દના ઘણા અર્થ છે અને ઉદાહરણ તરીકે જોઈએ તો રંગ કોઈ ને કોઈક ભાવનું પ્રતીક બની રહે છે એટલે રંગ અમુક અર્થ ધરાવે છે એમ કહી શકાય; જેમ કે લાલ રંગ શૌર્યના પ્રતીકરૂપ છે; અથવા તેનાથી ઉદભવતા ઉગ્ર સાહચર્યના કારણે દર્શકના ચિત્તમાં પ્રબળ લાગણીઓ અથવા અન્ય કોઈ પ્રતિભાવ પણ જન્મી શકે. ટૂંકમાં, રંગનો કોઈ નિશ્ચિત અર્થ નથી હોતો. સંગીતમાં પણ વિવિધ સૂરનો કોઈ નિશ્ચિત અર્થ નથી હોતો કેવળ અસર અથવા પ્રભાવ હોય છે; અને જેમ રંગની બાબતમાં તેમ સૂરની બાબતમાં, અર્થ વગર પણ એની અસરકારકતા માણી શકાય છે. સાહિત્યિક કલામાં આથી ઊલટું છે. કવિતામાં કોઈ શબ્દના અર્થની ખબર ન હોય તો એ કવિતાનો આસ્વાદ એટલે અંશે ઊણો રહે; કારણ કે કવિતાનું માધ્યમ અવાજ કે મુદ્રિત ચિહન નહિ પણ શબ્દો છે અને અવાજ તથા શબ્દ વચ્ચે એ જ તો તફાવત છે કે શબ્દ એ એવો ધ્વનિ છે જે અર્થ પણ ધરાવે છે.
આ તાત્વિક તફાવતના કારણે સાહિત્ય અને અન્ય કલાઓ વચ્ચે ખાસ્સો ભેદ સર્જાય છે. સાહિત્યનું માધ્યમ શબ્દ છે એટલે સાહિત્યની કલામાં ભાષાંતરની સમસ્યા સર્જાય છે; સાહિત્યેતર કલાઓમાં એ સમસ્યા લેશમાત્ર હોતી નથી. ઇટાલીની અમર ચિત્રકૃતિઓ, ગ્રીસની ચિરંજીવ શિલ્પકૃતિઓ કે ભારતનું સૌંદર્યમંડિત સ્થાપત્ય માણવા માટે ભાષાભેદની આવી કોઈ બાધા નડતી નથી. કોઈ સાહિત્યકૃતિને અન્ય ભાષાભાષી વિશાળ ભાવક સમુદાય સમક્ષ રજૂ કરવાનું વિચારાય ત્યારે ભાષાંતરની આ પ્રક્રિયા ઉપસ્થિત થાય છે. પરંતુ સાહિત્યકૃતિની જે જે સુંદરતા મૂળ ભાષામાં પામી શકાય છે તે તમામ સુંદરતા ભાષાંતરની પ્રક્રિયા વડે અન્ય ભાષામાં અક્ષત ઉતારી શકાતી નથી અને એટલે અંશે મૂળ સાહિત્યકૃતિની સુંદરતા નષ્ટ થાય છે. સાહિત્યિક કૃતિની આ લાક્ષણિક માધ્યમગત મર્યાદા છે.
કલા એટલે અનુકરણ : ‘કલા’ એ અનુકરણ છે એવો મત ગ્રીક તત્વવેત્તા પ્લૅટો (ઈ. પૂ. 428-327) જેટલો પ્રાચીન છે. આજે જોકે એનો પ્રભાવ રહ્યો નથી પરંતુ તેના સુદીર્ઘ અને વિલક્ષણ ઇતિહાસ પરથી જણાય છે કે માનવવિચારસરણી પર તેનો લગાતાર પ્રભાવ રહ્યો છે. પણ આમાં એક પારિભાષિક મુદ્દો પ્રસ્તુત છે. કોઈ કલાકાર વિશે વાત કરવી હોય તો તે તેની કૃતિઓમાં જગતનાં લોકો, વસ્તુઓ તથા ર્દશ્યોનું પ્રતિનિધાન (representation) કરે છે એમ કહી શકાય, જ્યારે અનુકરણ (imitation) તો તે બીજા કોઈ કલાકારનું કરે છે એમ કહી શકાય. આમ કોઈ ચિત્રકૃતિમાં કલાકારે ખેતર, વૃક્ષો, પનિહારી વગેરેનું પ્રતિનિધાન કર્યું છે એમ કહેવાય જ્યારે કોઈ કલાકારે અનુકરણ સોમાલાલ શાહનું કર્યું છે એમ કહેવાય. એટલે હવે આ અનુકરણના પરંપરાગત સિદ્ધાંતને બદલે પ્રતિનિધાન સિદ્ધાંતનો સવિશેષ ઉલ્લેખ થાય છે.
કલાના વિકાસના અમુક તબક્કે એવો પણ આગ્રહ રખાતો હતો કે કલામાં પ્રકૃતિનું આલેખન ફોટોગ્રાફ જેવી સૂક્ષ્મતાથી થવું જોઈએ પણ સ્વયં ફોટોગ્રાફીની કલાનો જ ખૂબ વિકાસ થતાં ચિત્રકારના માથેથી એ ભારણ ઓછું થયું. જોકે કલામાં પ્રતિનિધાન તો વાસ્તવિકતાનું જ કરવાનું રહે, પણ ચિત્રકૃતિમાં આલેખાયેલું ઘર વાસ્તવિક ઘર જેવું ન હોય અને હોઈ પણ ન શકે કારણ કે વાસ્તવિક ઘર ત્રિપરિમાણ ધરાવે છે, જ્યારે ચિત્રકલા દ્વિપરિમાણી છે પણ દરેક વ્યક્તિ તેને ઘર તરીકે ઓળખી કાઢી શકે એટલું તો એમાં સરખાપણું હોવું જોઈએ.
પ્રતિનિધાનનું પૃથક્કરણ : પ્રતિનિધાનમાં હંમેશાં અમુક પ્રમાણમાં તત્વતારણ(abstraction)ની પ્રક્રિયા સંકળાયેલી હોય છે; એટલે કે મૂળ પદાર્થ કે વસ્તુની એક યા વિશેષ લાક્ષણિકતા તારવી કે ગાળી લેવામાં આવે છે. આમેય કોઈ વ્યક્તિના ખાસ્સા વાસ્તવિક ગણાતા હોય એવા ચિત્રમાં પણ, મૂળ વ્યક્તિની લક્ષણવિશેષતાઓ જેવી કેટલીક ખાસિયતો અવ્યક્ત જ રહી હોય છે; પરંતુ આ તત્વતારણ એટલે કે એબ્સ્ટ્રૅક્શનનું પ્રમાણ એટલું વિશેષ હોય કે કૃતિમાં નિરૂપાયેલો આકાર માનવ-આકાર છે કે કોઈ વાસ્તવિક પદાર્થનો આકાર છે એ પણ ઓળખી ન શકાય ત્યારે એવાં ચિત્રોને બિન-પ્રતિનિધાનાત્મક (non-representational) કહેવાય છે; પ્રચલિત ભાષામાં એ ચિત્રો અમૂર્ત કે ‘એબ્સ્ટ્રૅક્ટ’ તરીકે ઓળખાય છે. જોકે આ પણ કંઈક ભ્રામક છે. દરેક પ્રતિનિધાનમાં તત્વતારણની પ્રક્રિયા અનિવાર્યપણે સંકળાયેલી જ હોય છે એટલે કે વાસ્તવિકતાના અમુક અંશો તારવી કાઢેલા હોય છે; એબ્સ્ટ્રૅક્શનના પ્રમાણમાં ફેર પડતો રહે છે એટલું જ.
સાહિત્ય પણ પ્રતિનિધાનલક્ષી કલા છે પરંતુ એમાં થયેલું પ્રતિનિધાન ર્દશ્ય કલા જેવું હોતું નથી. નવલકથા કે નાટકમાં અનેક પાત્રો આવે અને ઘટનાનું પ્રતિનિધાન થાય એ ખરું, પણ એ પ્રતિનિધાન ર્દશ્ય નથી હોતું કારણ કે એ ભાષાગત હોય છે. ચિત્રકાર રંગ-રેખા વડે સિદ્ધરાજ જેવા કોઈ પ્રતાપી પાત્રનું વ્યક્તિચિત્ર બનાવે છે, લેખક એનું શબ્દચિત્ર વર્ણવે છે. ચિત્રકારથી ઊલટું લેખક કાર્યનું પણ નિરૂપણ કરી શકે છે; દાખલા તરીકે, સિદ્ધરાજનાં કાર્યો – પરાક્રમો તે ભાષા મારફત નિરૂપી શકે છે. શબ્દનું માધ્યમ આ રીતે રંગરેખાને મુકાબલે વધુ સક્ષમ લાગે. જે મિશ્ર કલાઓમાં માધ્યમ તરીકે શબ્દનો પણ ઉપયોગ થાય છે તેમાં એટલે કે નાટક તથા ફિલ્મમાં, સાહિત્ય જેવા શબ્દનિર્ભર પ્રતિનિધાન ઉપરાંત બીજો પણ લાભ મળે છે. શબ્દ વડે કાર્ય આલેખવા ઉપરાંત આ કલાપ્રકારો પ્રેક્ષક સમક્ષ એ પાત્રો પ્રત્યક્ષ રજૂ કરી શકે છે અને કાર્ય બનતું હોય એ રીતે દર્શાવી શકે છે. આ મિશ્ર કલાઓ ર્દશ્ય છે તેમજ શ્રાવ્ય પણ હોય છે; વળી ચિત્રકલા તથા શિલ્પની જેમ સમયની એકાદ ક્ષણપૂરતી સીમિત ન હોવાથી એ મિશ્ર કલાઓ દ્વિગુણિત સ્થળલક્ષી તથા સમયલક્ષી બંને છે; આથી આ કલાઓ દ્વિગુણિત પ્રતિનિધાન કરી શકે છે. સંગીતકલામાં આ શક્ય નથી; સંગીત પાત્રો કે પદાર્થોને નથી તો ર્દશ્યસ્વરૂપે દાખવી શકતું કે નથી તો શબ્દમાં વર્ણવી શકતું.
કલા એક અભિવ્યક્તિ : કલા એ અનુકરણ (કે પ્રતિનિધાન) નથી એ ર્દષ્ટિબિંદુનો પ્રતિવાદ તો થયો જ છે, પણ અમુક કલાપ્રકારોમાં તો એકાદ સદી ઉપરાંતથી એ વાદ મૃતપ્રાય બની ગયો છે. એના સ્થાને મોટેભાગે એવો સિદ્ધાંત પ્રચલિત થયો છે કે કલા એ અભિવ્યક્તિ (expression) છે. બાહ્ય જગતની પરિસ્થિતિઓનું આલેખન કરવાને બદલે કલા કલાકારના આંતરિક જગતનું આલેખન કરે છે એવું મનાયું છે. ‘અભિવ્યક્તિ’ના હાર્દરૂપ અર્થમાં આવું જ અભિપ્રેત છે : આંતરિક અવસ્થાનો બાહ્ય આવિષ્કાર.
કલાકૃતિનું સર્જન એટલે કોઈ માધ્યમમાં (સંગીતમાં સૂર, સાહિત્યમાં શબ્દ, ચિત્રકલામાં રંગરેખા એ પ્રમાણે) તત્વોનું નવેસર સંયોજન સિદ્ધ કરવું તે. એ તત્વોનું પૂર્વ-અસ્તિત્વ તો હતું જ, પણ આ પ્રકારના સંયોજન મુજબનું નહિ. કલાકાર પોતાની કૃતિમાં એ તત્વોના પુન:સંયોજનરૂપે સર્જન કરે છે.
કલાનાં જુદાં જુદાં માધ્યમોમાં સર્જન થાય છે એ દેખીતી ઘટના હોવા છતાં અભિવ્યક્તિ વિશે બહુ જ થોડું કહેવાયું છે. અભિવ્યક્તિવાદી તરીકે ઓળખાતો વર્ગ એમ માને છે કે સર્જનાત્મક પ્રક્રિયા એ અભિવ્યક્તિની જ પ્રક્રિયા છે – અથવા અભિવ્યક્તિ માટે કલાકાર પાસેથી સર્જનકાર્ય કરતાં પણ કંઈક વિશેષ અપેક્ષા રહે છે. કેટલાકનું મંતવ્ય એવું છે કે કલાનું સર્જન એ આત્માભિવ્યક્તિ છે; બીજા કેટલાક એવું માને છે કે એમાં લાગણી(feeling)ની અભિવ્યક્તિ હોય છે; જોકે એવું નથી કે એ લાગણીઓ સ્વયં પોતાની જ હોય; એ પણ હોય અને એથી વિશેષ પોતાના સમુદાયની, રાષ્ટ્રની કે સમસ્ત માનવજાતની લાગણીઓ પણ હોય. અન્ય કેટલાક લોકો એવો મત ઉચ્ચારે છે કે સર્જન લાગણીઓ પૂરતું જ સીમિત હોય એ જરૂરી નથી; એમાં કલ્પના અને વિચારો પણ અભિવ્યક્ત થાય. પણ કલાલક્ષી સર્જન અભિવ્યક્તિની પ્રક્રિયા છે એવો અસંદિગ્ધ અભિપ્રાય એ રોમૅન્ટિક ઝુંબેશની નીપજ છે. એ મત અનુસાર તત્વજ્ઞાન અને અન્ય જ્ઞાનશાખાઓમાં જેમ વિચારોની અભિવ્યક્તિ છે તેમ કલાના સર્જનમાં ભાવ કે સંવેદનની અભિવ્યક્તિ છે. સર્વાંશે જોતાં, કલા એ વિવિધ ભાવોની અભિવ્યક્તિ છે એ મત ઐતિહાસિક મહત્વનો નીવડ્યો છે અને એમાં ભાવ એટલે લાગણી કે ઊર્મિ તથા મનોવલણ પણ અભિપ્રેત છે.
કલાનું સ્વરૂપ : કલાની સ્વરૂપ તરીકેની વિચારણા અથવા સ્વરૂપવાદ એ ચોક્કસપણે વીસમી સદીની ઘટના છે. એ પણ ચોક્કસ કે એનો આવિષ્કાર અમુક વિચારસરણીની પ્રતિક્રિયારૂપે થયો છે એટલે સ્વરૂપવાદનું તાત્પર્ય પામવું હોય તો તે વિચારસરણીઓ જાણી લેવી ઘટે. કલા પ્રતિનિધાન છે, કલા અભિવ્યક્તિ છે, કલા સત્ય કે જ્ઞાન કે નૈતિક ઉત્કર્ષ કે સામાજિક સુધારણા માટેનું સાધન છે; કલા આ બધી કામગીરી પાર પાડી શકવા સમર્થ નથી એવું સ્વરૂપવાદીઓ માનતા નથી; તેઓ એમ માને છે કે કલાને આવાં કાર્યો માટે પ્રયોજવાથી કલાનો સાચો ઉદ્દેશ માર્યો જાય છે. આ સ્વરૂપવાદીઓનો ધ્યેયમંત્ર – જીવન ખાતર કલા નહિ, પણ કલા ખાતર કલાની જિકર છે.
રેખા અને રંગની, સંગીતના સૂરોની તથા શબ્દોની જટિલ ગૂંથણી તથા એ બધાંનાં સંયોજનોને સમજવા-માણવાના આસ્વાદ તથા આનંદ માટે કલા છે. આ બધાં માધ્યમો વડે કલા દુન્યવી પદાર્થોનું પ્રતિનિધાન કરી શકે, જીવનમાંનાં ર્દશ્યો આલેખી શકે અને વાસ્તવિક જિંદગીના અનુભવ વ્યક્ત કરી શકે એ સાચું, પણ સ્વરૂપવાદીઓની ર્દષ્ટિએ કલાના પ્રધાન ઉદ્દેશ સાથે આ બધું અપ્રસ્તુત અને અસંગત ગણાય છે. હકીકતમાં કોઈ વાર્તા કહેવી અથવા જગતનું નિરૂપણ કરવું એના કરતાં રંગોને રંગ ખાતર, સૂરોને કેવળ સૂર ખાતર અને એવાં બીજાં તત્વોને એ તત્વો ખાતર જ કલાના માધ્યમમાં પ્રસ્તુત કરવાનો ઉપક્રમ હોવો જોઈએ.
કલાના સાચા ઉદ્દેશ પરત્વે ચર્ચા કરનારા કલાસંપ્રદાયો વચ્ચે મતભેદ છે. પણ એક વાતમાં એ સૌ એકમત છે કે કલા એ અમુક સાધ્ય માટેનું સાધન તો છે જ. એમાં ઇન્દ્રિયોને આનંદ આપવો કે વિશ્વનાં રાષ્ટ્રોમાં બિરાદરી જન્માવવી કે માનવજાતમાં ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા પ્રગટાવવી કે વાચક અથવા પ્રેક્ષકની નૈતિક માન્યતાઓમાં સુધારણા કરવી એવો કોઈ પણ ઉદ્દેશ હોઈ શકે; ઉદ્દેશ કોઈ પણ હોય, એમાં કલા કલા સિવાયના કોઈ સાધ્ય માટેનું સાધન બની રહે છે. એટલે અંતિમ પૃથક્કરણમાં કલાના પ્રકારનું મહત્વ રહેતું નથી, પણ ભાવક પર તેની શી અસર ઝિલાય છે એ જ ગણતરીમાં લેવાય છે; એ અસર ચાહે ઇંદ્રિયગમ્ય હોય યા બોધલક્ષી; સામાજિક હોય યા ધાર્મિક કે નૈતિક હોય.
એક વાદ એવો પણ છે કે ભાવકના ચિત્ત વિશે એક જ પ્રકારની અસર જન્માવવી એટલે કે આનંદ જન્માવવો. કલામાં બોધ હોય કે માહિતી, નિરૂપણ હોય કે અભિવ્યક્તિ; પણ તેનું મુખ્ય કાર્ય તે આનંદ આપવાનું. વિશેષ આનંદ આપે તે વિશેષ સારી કલાકૃતિ. આ સિદ્ધાંતને આટલી સરળતાપૂર્વક રજૂ કરવામાં આવે તો ઉપલક ચળકાટવાળી અને છીછરી કૃતિઓ તેમજ ઊંડાણ કે સ્પષ્ટતા વગરની કૃતિઓને ઉત્તમ કલાકૃતિઓ ગણવી પડે; અને એટલું સ્વીકારીએ તો શેક્સપિયર કે પિકાસો કે પિરાજી સાગરાની કૃતિઓને લાગફેલોનાં કાવ્યો અથવા રાજા રવિવર્માનાં ચિત્રો કરતાં ઘણું નીચું સ્થાન આપવાનું થાય; કેમ કે, શેક્સપિયરની કે પિકાસોની અથવા એવા અન્ય સર્જકોની ગહન, ગંભીર કે વિચારપ્રેરક કૃતિઓ સમજવામાં ઘણાને મુશ્કેલી પડે છે અને ઘણા તો સમજી પણ શકતા નથી. પણ આવા સમર્થ સર્જકોની કૃતિઓમાંથી આનંદ નથી મળતો એવું નથી; એટલું કે એ આનંદ માટે અધિકાર કે યોગ્યતાની અપેક્ષા રહે છે તેથી ઘણી વાર અમુક કક્ષાના ભાવકોને તેમાંથી આનંદનો અનુભવ થતાં વાર લાગે છે. લાંબે ગાળે, એ કૃતિ સમજાય ત્યારે કલાગત આનંદનો અનુભવ થાય છે. આનું બીજું ફલિત એ પણ થાય છે કે જે કલાકૃતિઓ સરળ, સ્વયંસ્પષ્ટ અને સુગમ હોય તેને ઘણો વિશાળ ભાવકસમુદાય સમજી-માણી શકે છે.
કલા કેવળ ‘આનંદ’ આપે એવા ઉપરના વાદમાં ઉમેરણ કરીને એમ પણ કહેવાયું છે કે કલા સૌંદર્યલક્ષી આનંદ (aesthetic pleasure) આપે છે. આમાં પણ ‘સૌંદર્યલક્ષી’ શબ્દનું અર્થઘટન કઈ રીતે કરવામાં આવે છે તેના પર જ બધો આધાર રહે. વળી સૌંદર્યલક્ષી આનંદને અન્ય પ્રકારના આનંદથી તારવી બતાવવા માટે કોઈ તૈયાર કે સરળ ઉપાય નથી. વસ્તુત: ઉત્તમ કલાકૃતિની વાચક, પ્રેક્ષક કે શ્રોતાના ચિત્ત વિશે જે અસર જન્મે છે તે કેવળ આનંદલક્ષી હોય છે એમ કહેવું પૂરતું નથી. કલા આનંદ આપી શકે છે અને કલાએ આનંદ આપવો ઘટે એનો તો ભાગ્યે જ કોઈ ઇનકાર કરે; પણ કલામાંથી કેવળ આનંદ મળી રહેવો જોઈએ એવું તો જૂજ લોકો કહેવાના. ઉત્તમ કલા આનંદની અનુભૂતિ તો કરાવે જ; પણ એ ઉપરાંત ક્યારેક એ ભાવકને હચમચાવી મૂકે, એના ચિત્તમાં આઘાત જન્માવે કે પડકાર પણ પેદા કરે અથવા એનો ગહન અનુભવ કરનારના જીવનમાં પરિવર્તન પણ લાવી શકે. ટૂંકમાં આનંદ એ કલાની બહુવિધ અસરો પૈકીની એક છે; એકમેવ અસર નહિ.
કલા સત્ય કે જ્ઞાન માટેનું સાધન : કલાપક્ષે જે એક બીજો ઉદ્દેશ નિરૂપાયો છે તે છે તેની જ્ઞાનલક્ષી કામગીરી; સત્યની પ્રાપ્તિના સાધન તરીકે કલાની કામગીરી. માણસને પ્રાપ્ત ઉત્તમોત્તમ જ્ઞાન મેળવવા તેમજ બીજા કોઈ ઉપાયોથી મેળવવું દુષ્કર બનતું જ્ઞાન મેળવવા માટેનો માર્ગ તે કલા એમ પણ કહેવાયું છે. એનો સૌથી પ્રચલિત અર્થ ઘટાવીએ તો એમ કહી શકાય કે જ્ઞાન કોઈ વિધાન(proposition)ના સ્વરૂપે વ્યક્ત થાય છે. ઇન્દ્રિયગત અવલોકન પરથી જાણી શકાય છે કે સૂર્ય આથમે છે – આ જ્ઞાન થયું. કલાકૃતિના પરિચયથી પ્રાપ્ત થતું જ્ઞાન આ જ પ્રકારનું હોય છે ? એ ખરું કે કલાકૃતિનો પરિચય કર્યા પછી એવાં કેટલાંક વિધાનો કરી શકાય છે, જે તેના પરિચય વિના શક્ય બનત નહિ; જેમ કે, આ ચિત્રમાં લાલ રંગનું વર્ચસ્ છે, આ શિલ્પકૃતિ ઈસુ પૂર્વે 400 વર્ષ આસપાસની હોવાનો સંભવ છે. પ્રશ્ન એ રહે છે કે કલાકૃતિમાંથી એવું કંઈ પ્રાપ્ત થાય છે જેને સત્ય અથવા જ્ઞાન કહી શકાય ? કદાચ સાહિત્યિક કૃતિ આવો દાવો કરી શકે. સાહિત્ય સર્જાય છે શબ્દો વડે; શબ્દોનું સંયોજન થતાં વાક્યો રચાય છે અને વાક્યોમાંથી વિધાન રચાય છે. સાહિત્યમાં આવાં વિધાનો આલેખાયાં હોય છે; પણ એમાંનાં કેટલાંક વિધાનો સાચાં ન હોય તો વિસ્મય પામવા જેવું નથી. શેક્સપિયરે ‘ધ વિન્ટર્સ ટેલ’માં અમુક ઘટના બોહેમિયાના દરિયાકાંઠે બનતી હોવાનું આલેખન કર્યું છે; પરંતુ બોહેમિયાને દરિયાકાંઠો જ નથી. આથી આ વિધાન ભૌગોલિક ર્દષ્ટિએ સાચું ન ગણાય પણ એથી શેક્સપિયરની સાહિત્યકૃતિને કશી આંચ નથી આવતી. મુનશીની ઐતિહાસિક નવલકથાઓમાં ઇતિહાસ તથા ભૂગોળ સાચાં ન હોય તોપણ તે કારણે તેમની એ કૃતિઓની રસાત્મકતાને કશો બાધ આવતો નથી. હકીકતમાં સાહિત્ય ઇતિહાસ કે ભૂગોળ કે કોઈ જ્ઞાનશાખા નથી. એથી સાહિત્યની કૃતિમાં ઇતિહાસ કે ભૂગોળ, વિજ્ઞાન કે વિદ્યા કે શાસ્ત્રનાં સત્યો ન હોય તો વાંધો નહિ. પણ સૌ સાહિત્યકારોએ એક સત્ય તો અવશ્ય નિરૂપવું ઘટે – અને તે છે માનવહૃદય વિશેનું સત્ય. સાહિત્યનો સર્જક પરિણામોની પરવા કર્યા વિના બીજાં બધાં સત્યો વિશે ચેડાં કરે તો પાલવે પણ માનવહૃદયની સચ્ચાઈ આલેખવાની બાબતમાં તે ઉદાસીન, બેદરકાર કે અસાવધ રહે તો તે પોસાય નહિ. તેનાં પાત્રો જીવંત અને સ્વાભાવિક લાગવાં જોઈએ. એ પાત્રો પ્રેમ, ક્રોધ, ઈર્ષ્યા અને એવી જ બીજી માનવસહજ લાગણીઓ ધરાવતાં ન હોય તેમજ વાસ્તવજગતના માનવો જે રીતે વર્તવા પ્રેરાય એ જ રીતે વર્તતાં ન હોય તો મૂળભૂત રીતે જ વાચક તેમને સમજી પણ નહિ શકે. એ પાત્રો અજાણ્યાં, અપરિચિત કે અસંગત અને અસ્પષ્ટ બની રહેવાનાં. આથી જ સાહિત્યનો સર્જક બીજું જે કરે તે, પણ તેનું નિરૂપણ માનવપ્રકૃતિ પરત્વે સત્યનિષ્ઠ રહેવું જોઈએ.
સાહિત્યેતર કૃતિમાં માનવપ્રકૃતિનું સત્ય હોય ખરું ? ચલચિત્રો અને ઑપેરા તેમજ બીજી મિશ્ર કલાઓ સ્પષ્ટત: આવું સત્ય નિરૂપી શકે; પણ તેમનું ઉપાદાન છે શબ્દો, અને આવા નિરૂપણમાં સાહિત્ય મુખ્ય અંગભૂત ઘટક બની રહે છે; પણ જે કલાઓમાં શબ્દનું ઉપાદાન નથી તેમનું શું ? ચિત્રકલા અને શિલ્પ સમયલક્ષી કલાઓ નથી અને તેથી એમાં કાર્યનું નિરૂપણ થઈ શકતું નથી, પણ માનવચરિત્રના આલેખનમાં કાર્યનું સર્વોપરી મહત્વ છે. આ કલાઓમાં કલ્પિત કે વાસ્તવિક પાત્રોનું નિરૂપણ થાય છે પણ તેમાં સમયની સ્વલ્પ ક્ષણો જ ઝિલાય છે. એથી વાસ્તવિક માનવપ્રકૃતિની સચ્ચાઈ નિરૂપવાનું શક્ય બનતું નથી. એ જ રીતે, સંગીતની કલામાં (એટલે કે શબ્દની સંગત વગરના સંગીતમાં) તો આવું સ્વલ્પ સમયગત નિરૂપણ પણ નથી હોતું; બહુ તો એમાં માનવલાગણીઓ વ્યક્ત થાય પણ એ નિરૂપણમાં માનવપ્રકૃતિ અને સ્વભાવ વિશેની સચ્ચાઈ વ્યક્ત થઈ શકતી નથી. પાત્રોના નિરૂપણમાં માનવપ્રકૃતિ વિશેનું સત્ય કલાતત્વની ર્દષ્ટિએ સુસંગત હોય, પણ કલાકૃતિની ઉત્તમતા માટે એ એક જ માપદંડ છે એમ કહેવું એ એક અતિશયોક્તિ બની રહેશે; એવી અતિશયોક્તિ કરવાથી કલાની ઉત્તમતા માટે રંગ અને આકૃતિ અને અભિવ્યક્તિના જે માપદંડ છે તેની અવહેલના કરવા જેવું થાય. કલાના જુદા જુદા પ્રકારો સત્યના નિરૂપણ વિના પણ ટકે છે એ લક્ષમાં લેતાં એમ પણ જણાય છે કે કોઈ પણ સંજોગોમાં સત્ય (કે માનવપ્રકૃતિ વિશેનું સત્ય) કલાકૃતિમાં અનિવાર્ય નહિ બને. કલાકૃતિમાં એવું સત્ય નિરૂપાયું હોય અને સત્યની એ ઉપસ્થિતિથી કલાકૃતિની ગુણવત્તામાં વધારો થતો હોય (આનો પણ ઘણા પ્રતિવાદ કરવાના) તોપણ એ નિરૂપણ કલાકૃતિની અનેક વિશેષતા પૈકીની જ એક વિશેષતા લેખાવાની. આથી કલાનો ઉદ્દેશ કે કલાનું કાર્ય સત્ય દાખવવાનો છે એવો મત નિ:શંક ભ્રામક છે. જે કોઈને સત્ય પામવાની અપેક્ષા હોય અને સત્ય સિવાયનાં તત્વોની ઉપસ્થિતિ વિશે ઉદાસીનતા હોય તેમણે કલાનો નહિ પણ વિજ્ઞાન કે તત્વજ્ઞાનનો આશરો લેવો ઘટે.
કલા નૈતિક સુધારણાનું ઉપાદાન : કલાકૃતિ સુંદરતાની ર્દષ્ટિએ સારી છે અથવા એમાં સૌંદર્યતત્વોની ગુણવત્તા છે એમ કહેવું એ એક વાત થઈ અને કલાકૃતિ નૈતિકતાની ર્દષ્ટિએ સારી છે અથવા એમાં લોકોની નીતિમત્તા સુધરે એવો પ્રભાવ પાડવાની શક્તિ છે એમ કહેવું એ બીજી વાત થઈ. આ બંને અભિપ્રાય જોકે એકબીજાથી તદ્દન ભિન્ન છે પણ એ સાવ અસંલગ્ન પણ નથી. કલાના નીતિ વિશેના સંબંધ અંગે ત્રણેક મતો પ્રચલિત છે.
નીતિવાદ : એક ર્દષ્ટિબિંદુ એવું છે કે કલાનું મુખ્ય કે એકમેવ કર્તવ્ય નીતિના અનુચર બની રહેવાનું છે. જે કલા આવા ઇચ્છિત પ્રકારની નૈતિક અસરકારકતા ન પ્રગટાવે તેને નીતિશાસ્ત્રીઓ શંકાસ્પદ નજરે જુએ છે; કારણ કે કલા લોકોના મન વિશે અરૂઢ વિચારો – અપ્રચલિત ખ્યાલો જન્માવે છે; લોકોને સંકુચિત ર્દષ્ટિના ચોકઠામાંથી છોડાવે છે; તે અજંપો અને વ્યાકુળતા જન્માવે છે કારણ કે તેમાં એકવાક્યતા ઉપર નહિ પણ વ્યક્તિત્વ પર ભાર મુકાતો હોય છે. ઘણીય વાર કલાકૃતિઓ સ્થાપિત વ્યવસ્થાતંત્ર સામેની ક્રાંતિ કે તે વિશેની નિર્ભાન્તિમાંથી આવિષ્કાર પામી હોય છે. આમ જે માન્યતાઓ અને મનોવલણો પર સમાજનું કલ્યાણ અવલંબતું હોવાનું મનાય છે તેને જ કલા અવગણે છે કે ગૌણ ગણે છે અને એવી જ રૂઢિના રક્ષકો કલા પ્રત્યે સાશંક ભાવે જુએ છે.
પશ્ચિમની દુનિયામાં કલાના નીતિમય પાસાના સૌપ્રથમ પુરસ્કાર કર્યો પ્લૅટોએ – ખાસ કરીને The Republic અને Laws નામના ગ્રંથોમાં. પ્લૅટોએ કવિઓની પ્રશંસા કરી છે; અમુક અંશે એ પોતે પણ કવિતા કરતા. પરંતુ પોતાના આદર્શ મુજબના રાજ્યની કાગળ ઉપર – સ્થાપના કરવાનો પ્રસંગ પડ્યો ત્યારે પ્લૅટોને ખાતરી થઈ કે ઘણીખરી કલાપ્રવૃત્તિ તથા હોમરના કેટલાક ફકરા સુધ્ધાં યુવાન અને પ્રભાવક્ષમ વર્ગ પર માઠી અસર કરે તેમ હતા. આથી તેમણે તેનો નિષેધ કરવા ઠરાવ્યું. જે લખાણમાં ઈશ્વરને લગતાં અનિષ્ટ ઉચ્ચારણો હોય કે તેના અસ્તિત્વ વિશે શંકા ઉઠાવાઈ હોય, જે લખાણમાં અતિશય કામવાસનાનું નિરૂપણ હોય તેવાં લખાણ તથા આત્મા તથા ઇન્દ્રિયો વિશે ક્ષોભ અને અશાંતિ પ્રગટાવે તેવું સંગીત પણ તેમણે નિષિદ્ધ ગણ્યું. આમાં પ્લૅટોની ચિંતા એ હતી કે પોતાના સૂચિત રાજ્યના રાજ્યકર્તાઓની પરિષદમાં જોડાનારનો આત્મા શુદ્ધ હોવો જોઈએ; સમસ્ત લોકસમુદાય માટે આવું નિયંત્રણતંત્ર સેન્સરશિપ હોય એવો તેમનો મત ન હતો. પરંતુ યુવાનવર્ગમાંથી કયા લોકોની રાજકર્તા-પરિષદ માટે પસંદગી થશે એ ભાખવું મુશ્કેલ તો હતું જ; વળી કલાકૃતિઓનો લાભ સમુદાયના અમુક વર્ગને જ મળે અને અમુકને એથી વંચિત રખાય એવું તંત્ર ગોઠવવાનું શક્ય હતું જ નહિ (છે પણ નહિ). આથી પ્લૅટોને જે પ્રકારનું નિયંત્રણ અભિપ્રેત હતું તેનો પ્રકાર સાર્વત્રિક રાખ્યા સિવાય ઉપાય ન હતો. પ્લૅટોના Ion તથા Phaedrus નામના બીજા જે ‘ડાયલૉગ્ઝ’માં રાજ્યની રચનાનો કોઈ ઉદ્દેશ ન હતો તેમાં તેમણે કલાના સદગુણોની પ્રશંસા કરી છે અને કલાકારને દૈવી પ્રકૃતિ(એટલે કે આવેશપૂર્ણ દૈવી પ્રકૃતિ)નો કહ્યો છે પણ જે કલા અને નીતિ વચ્ચે સંઘર્ષની સમસ્યા હોય તો જતું કરવાનું તો કલાના પક્ષે જ હોય.
સૌંદર્યવાદ : નીતિવાદના ર્દષ્ટિબિંદુથી તદ્દન વિરોધી મત તે સૌંદર્યવાદ. એ મત મુજબ કલા(અને અન્ય તમામ પ્રવૃત્તિ)એ નીતિના અનુચર કે દાસી બની રહેવાને બદલે નીતિ(અને અન્ય તમામ પ્રવૃત્તિ)એ કલાના અનુચર બની રહેવું જોઈએ. આ મતના સમર્થકોનું કહેવું એવું છે કે માનવજીવનને સુલભ થયેલી અનુભૂતિ પૈકી કલાની અનુભૂતિ સૌથી ઉત્કટ અને અતિવ્યાપક છે અને એ અનુભૂતિમાં કશાનોય વિક્ષેપ કે અંતરાય ન રચાવો જોઈએ. કલા નીતિમત્તા સાથે વિરોધાતી હોય તો એ નીતિમત્તાની અવદશા ગણાય. લોકસમુદાય તે માણી શકે નહિ અથવા તેમાંની અનુભૂતિ ઝીલી શકે નહિ તો એ લોકસમુદાયની કરુણતા ગણાય. સૌંદર્યાનુભૂતિની ચેતનાસભર ઉત્કટતા એ માનવજીવનનું સર્વોચ્ચ લક્ષ્ય છે. નીતિની ર્દષ્ટિએ કલાની અહિતકર અસર પડતી હોય તોપણ કલા નિમિત્તે મળતા સર્વાધિક અગત્યના અનુભવની તુલનામાં ખરેખર તેનું કશું મહત્વ નથી. કલાકૃતિની અનુભૂતિ એ માનવજીવનની સર્વોત્તમ અનુભૂતિ ખરી, પણ માનવજીવનની એ એકમેવ અનુભૂતિ નથી. જીવનમાં મૂલ્યોની બહુલતા છે અને સૌંદર્યલક્ષી મૂલ્યો મોટાભાગના લોકો ધારે છે તે કરતાં વિશેષ ઉમદા છે પણ જીવનમાં એ મૂલ્યોનો એકાધિકાર નથી; જીવનનાં સંખ્યાબંધ મૂલ્યો પૈકીનાં તે અમુક જ મૂલ્યો છે.
નીતિલક્ષી અને સૌંદર્યલક્ષી ર્દષ્ટિબિંદુઓ એ બંને અંતિમવાદી છે; સત્ય તો એ બંનેના મધ્ય માર્ગે જ સાંપડવાનો સંભવ છે. વસ્તુત: કલા અને નીતિ અત્યંત નિકટપણે સંકળાયેલાં છે; એકબીજાના સહયોગ વગર બંનેની કામગીરી અધૂરી જ રહે. જોકે એ બંનેનો સંબંધ ચોકસાઈપૂર્વક દર્શાવવો સહેલો નથી પણ નવો પ્રચલિત થયેલો શબ્દ ‘આંતરસંબંધ-વાદ’ (interactionism) વાપરીને એટલું કહી શકાય કે સૌંદર્યલક્ષી મૂલ્યો તેમજ નૈતિક મૂલ્યો – એ બંનેનું જગતમાં આગવું સ્થાન અને વિશિષ્ટ કાર્ય છે પણ એ બંને એકબીજાથી અલગ કે સ્વતંત્ર રહીને નહિ પણ પરસ્પર નિર્ભર રહીને સહકાર્ય વડે જ આ સિદ્ધ કરી શકે.
સંપાદકીય નોંધ:
૧. અહીં મૂકેલ તસવીર માત્ર સાંદર્ભિક પરિપ્રેક્ષ્ય માટે ઉમેરી છે.૨. ગુજરાતી વિશ્વકોશમાં આવરી લેવાયેલ ૧૬૯ વિષયોમાં વિસ્તરેલાં અધિકરણૉમાંથી ચૂંટેલાં અધિકરણો વેબ ગુર્જરી પર રજૂ કરવાના ઉપક્રમના ભાગ રૂપે આ લેખ ‘કલાતત્ત્વ’ વિષયમંથી પસંદ કરેલ છે.આ માહિતી અહીં માત્ર વાચકોની જાણ માટે જ છે તેનો આગળ ઉપયોગ કરતાં પહેલાં એ બાબતની ખાસ નોંધ લેવી ઘટે કે વિશ્વકોશનાં તમામ અધિકરણોના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે. એટલે એ લખાણો કે અધિકરણોનો ઉપયોગ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની પરવાનગી સહિત જ કરવો આવશ્યક છે. તે ઉપરાંત ‘આ લખાણ કે અધિકરણના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે’ તે મતલબનું લખાણ હોવું આવશ્યક છે. -
મને મનગમતી સાંજ એક આપો :
અણગમતું આયખું લઈ લ્યોને, નાથ !
મને મનગમતી સાંજ એક આપો :
કે ક્યારનો મૃગજળમાં ઝૂરતો તરાપો…ખરી પડ્યાં પાંદડાંને હાથમાં લઈને મેં આંખોમાં રોપ્યું એક ઝાડ :
પંખીનાં લાડ કદી નીરખ્યાં નથી કે નથી સાંભળ્યો મેં નભમાં ઉઘાડ.
થીજેલાં જળમાં આ સૂતેલી માછલીને અર્જુનનો મત્સ્યવેધ આપો.મને આપો એક સાંજ, મને આપો એક રાત મને આપો એક એવો આશ્લેષ –
ફરફરવા લાગે આ સાતસાત જન્મોના તાણીને બાંધેલા કેશ !
મારાથી સાવ મને અળગી કરીને નાથ, કાયમની કેદ મને આપો !જગદીશ જોશી
-
ઊર્મિલ સંચાર – પ્રકરણ ૧૦ : મધરાતે સૂર્ય
અંજલિ અને શોમના વિવાહ પહેલા હલદી અને સંગીતના આનંદ વચ્ચે દાદાની નારાજગી અંજલિ અને તેની માતાને દુખી કરી દે છે. શોમ સાથે પોતાની દીકરી માયાએ કરેલા દગા માટે અંજલિના મામા શોમની માફી માગે છે.
આગળ વાંચો…
સરયૂ પરીખ
અંજલિ, શોમ અને મિત્રો નાચતાં હતાં. આનંદના એ માહોલમાંથી અંજલિના મમ્મી, મંજરીને જરા ખેંચીને દાદા સામે હાજર કરવામાં આવ્યાં. અંજલિએ જોયું અને તે પણ પોતાની મમ્મી પાછળ આવી. “આ શું સાંભળું છું? મારી પૌત્રી એક મુસલમાન માવડીના છોકરા સાથે પરણે છે? મારો દીકરો જીવતો હોત તો આવું ન થવા દેત!” આ સાંભળીને અંજલિએ જોયું કે તેની મમ્મીને ચાબખો વાગ્યો હોય તેમ વળ ખાઈ ગઈ.
“ભાઈ! દાદાજીને તમારે ઉતારે લઈ જાવ, હું હમણાં આવું છું.” અંજલિએ જરા સખ્તાઈથી આદેશ આપ્યો. એ સાંભળી મંજરી અંજલિને વારતી હોય તેવી નજરે જોઈ રહી.
“મહા અનર્થ…!” એમ બોલતા બોલતા, દાદા લાકડીને ટેકે ભત્રીજા સાથે જતા રહ્યા. મમ્મીને લઈને અંજલિ પાછી બધા સાથે સંગીતમાં જોડાઈ. વેવાણનો ચહેરો જોઈ માહી ‘કંઈક અણઘટિત’ છે તે સમજી ગઈ.
કાર્યક્રમ પૂરો થયો અને બધા વિખરાયા. અંજલિનો ગંભીર ચહેરો જોઈ, તેના બંને હાથ પકડી શોમ તેની આંખોમાં આંખ પરોવી પ્રશ્ન ભરી નજરે જોઈ રહ્યો.
“મારા દાદાએ ધમાલ કરી મૂકી છે, અને વચ્ચે મારી મમ્મી સોરાઈ રહી છે.” અંજલિ રડમસ ચહેરે બોલી.
“પણ શું થયું? મને કહે,” શોમ ઉત્સુકતાથી બોલ્યો.
“મારા દાદા તમારા અબ્બાસમામાને મળ્યા અને જાણ્યું કે, માહીમમ્મી મુસ્લિમ છે. એકદમ આપણા લગ્નનો વિરોધ જણાવ્યો. પોતાની માન્યતાને અનુસરે તેનો વાંધો નથી પરંતુ ‘મારો દીકરો હોત તો આવું ન થવા દેત’ એમ કહીને મારી મમ્મીને બહુ આઘાત આપ્યો છે.” અંજલિની આંખો ભરાઈ આવી.
“પણ તારા પપ્પા તો એવા વિચારના હતા જ નહીં, ચાલો આપણે દાદા સાથે વાત કરીએ, ભલે ને મોડી રાત છે.” શોમ બોલ્યો અને બન્ને દાદાના ઉતારા તરફ વળ્યાં.
“હું તને ઇતિહાસ જણાવું.” અંજલિ બોલી, “મારા પપ્પાને દાદાના સંકુચિત વિચારો માટે અત્યંત અણગમો હતો અને દાદાને પપ્પાના સિધ્ધાંતો માટે નફરત. દાદાએ કદી પપ્પા વિશે વખાણનો શબ્દ કહ્યો નથી, બલકે પપ્પાની પ્રવૃત્તિઓ શર્મજનક લાગતી. દાદીનાં અવસાન પછી મારા પપ્પા ગામડેથી ઘર છોડી નીકળી ગયા હતા. મમ્મી સાથે લગ્ન કરવાના હતા ત્યારે, મમ્મીના આગ્રહને લીધે દાદાને મળવા ગયા હતા. બસ, પછી મમ્મી કાગળ લખી સંબંધ રાખતી…એ સિવાય ખાસ મનમેળ નહોતો.”
આવાસ પર આવીને બારણે ટકોરા માર્યા અને ભત્રીજાએ તરત બારણું ખોલ્યું. દાદા પથારી પર સંકોડાઇને બેઠા હતા. શોમ નજીક ખુરશી ખેંચી બેઠો અને અંજલિ નારાજગીના ભાવ સાથે ઊભી રહી. “દાદા, તમને મારી સામે તો વાંધો નથી તો મારી મમ્મી મુસ્લિમ છે એ એટલું બધું અગત્યનું છે?” શોમ સમજાવતા બોલ્યો.
દાદા સખ્ત અવાજમાં બોલ્યા, “ના, આવા લગન થાય જ નહીં. અમારી આબરૂના કાંકરા થઈ જાય.”
“દાદાજી! તમારી એવી માન્યતા છે, પણ તમે વચ્ચે મારા પપ્પા પણ ‘આ લગ્ન ન થવા દેત’ એવું કેવી રીતે માન્યું? તમે મારા પપ્પાના શું વિચારો હતા એ જાણવા કોઈવાર પ્રયત્ન કર્યો છે કે આજે આવો મોટો ચાબખો તમે મમ્મીને માર્યો?” અંજલિ વ્યાકુળતાથી બોલી.
“તમને જેમ ફાવે તેમ કરો. હું કાલે સવારે જ અહીંથી હાલ્યો જઈશ.” બેદરકારીથી તેમણે નિર્ણય જણાવ્યો.
“દાદા એવું ન કરો,” શોમે કહ્યું…પણ દાદાએ ગુસ્સામાં મોઢું ફેરવી લીધું.
“ભલે, જેવી તેમની મરજી,” કહીને અંજલિ દાદાના ચરણ સ્પર્શ કરી બારણા તરફ ચાલી. “ભાઈ, દાદાને સાચવીને લઈ જજો.” શોમે બહાર નીકળતા પહેલા, પાકીટમાંથી રૂપિયાની થોકડી કાઢી ભત્રીજાને આપી દીધી.
બહાર નીકળી અંજલિને કમ્મરે હાથ મૂકી વ્હાલ કરી કહ્યું, “જવા દે…Life is too short to waste and too long to ignore.”
ઘરે જઈને અંજલિએ મંજરીને બધી વાત જણાવી અને ખાસ ચેતવણી આપી, “જો મમ્મી, તેં દાદાને સન્માન આપવાના બનતા પ્રયત્નો કર્યા છે. કાલે તેઓ જઈ રહ્યા છે તે બાબત તારે બિલકુલ પોતાનો વાંક નથી ગણવાનો.” કહીને અંજલિ તેની મમ્મીને ભેટી. “ઓ મારી વ્હાલી મમ્મી! મારે ખાતર, પપ્પાના સિધ્ધાંતોને ખાતર, no regrets…કબૂલ?” અને મંજરીએ હળવા દિલથી “બહુ રાખતા ના રહે, તેને વહેતા રે મૂકીએ” ગાઈને દીકરીને સંમતિ આપી દીધી.
અંજલિએ સુવાની તૈયારી કરી પણ ઊંઘ તો ક્યાંય વર્તાતી ન હતી. કુમારિકા તરીકે છેલ્લી રાત!
તે બારીની ઓથે બહાર વરસતી ઝરમરને ઘેલછાભરી જોઈ રહી.ધુમ્મસની આછેરી ચાદર ત્યાં દૂર સુધી,
નીતરતા ટીપાની ઝાલર ત્યાં દૂર સુધી.
વૃક્ષો નમાવીને મસ્તક દે તાલ સુધીર,
પત્તા ને ફૂલોનો થરથરાટ ધીર અધીર.
ઊંચેરી બારીની કાંગરીની કોર પર,
નર્મીલા નમણાં એક ચહેરાની આડ પર.
નીલમ સી આંખોની કાજળની કોર પર,
નર્મિલી ભીની ભીની પાંપણની છોર પર.
આંસુનાં આવરણ ઉતારવાને, ઓ સજન!
આળું મન ઘેલું ને વ્યાકુળ, ઓરે સજન!
પાંખો ફફડાવું, તું આવે, ઓ રે સજન!
અવની ને અંબરનું ઝરમર મીલન, સજન!“હવે ઊંઘી જા બેટા,” એવું બે ત્રણ વખત સાંભળ્યા પછી અંજલિ મીઠી નીંદરમાં ખોવાઈ ગઈ.
અરૂણોદય સુરખીમાં, દરિયા કિનારે શોમ રોજના નિયમ પ્રમાણે દોડી રહ્યો હતો. તેને લાગ્યું કે પાછળથી કોઈ બોલાવી રહ્યું હતું. શોમે ધીરા પડી પાછળ જોયું તો એક સજ્જન આશ્રમના પાછલા દ્વારમાંથી નીકળી, તેના તરફ આવી રહ્યા હતા. નવાઈથી તે જોઈ રહ્યો અને પરિચીત ચહેરાની યાદ સાથે અણગમાનો ભાવ ઉપજ્યો.
“માફ કરજો, હું અંજલિના મામા.” વડીલ હાંફતા બોલ્યા. “હું તમને એકાંતમાં મળવાની રાહ જોતો હતો.”
“હાં મને ખ્યાલ આવી ગયો…નમસ્તે.” શોમે જરા રૂક્ષતાથી અભિવાદન કર્યું.
“મારી દીકરી માયાએ તમારી સાથે જે કપટ કર્યું તેની હું માફી માગું છું. તેણે પણ હાથ જોડીને માફી માંગી છે.” સજ્જન ગળગળા થઈ બોલ્યા.
‘શું કહું!’…ના સંકોચ સાથે, શોમ ગૂંચવાઈને બોલ્યો, “તમને પણ આંચકો લાગેલો, ખરું? અંજલિએ કહેલું કે તમારા પરિવાર અને માયાની વચ્ચે સમાધાન કરાવવા તેણે પ્રયત્ન કરેલો. હવે બધું ઠીક છે? ખેર, મને એ અનુભવથી ઘણું શીખવા મળ્યું…અંત ભલા તો સબ ભલા. આપણે હવે તે ભૂલી જઈએ. તમે લગ્નમાં આવ્યા તે સારું કર્યું, સ્વાગત.” કહીને શોમે હસીને હાથ જોડ્યા અને દોડવાનું શરૂ કર્યું.
સવારમાં પ્રાર્થના હોલમાં વૈદ્યજીના આદેશ મુજબ અંજલિના મમ્મી વ્યવસ્થા કરાવી રહ્યાં હતાં.
સફેદ અને પીળા ફૂલોથી શણગારેલો હોલ પવિત્ર મંત્રોથી ગુંજતો હતો. બધા સમજી શકે તે પ્રમાણે વૈદ્યજી મંત્રોચ્ચાર બોલ્યા, અને શુકનની ઉબટન શોમ અને અંજલિના ગાલે લગાડવામાં આવી. “રમેશભાઈ અને માહીબેન, આજના લગ્ન અનોખા પ્રકારના થશે.” વૈદ્યજીએ હસતાં હસતાં કહ્યું.“અમારું દિલ આનંદથી હર્યુંભર્યું છે અને વાતાવરણ પવિત્ર લાગે છે. અમારામાંથી કોઈ ચુસ્ત કર્મકાંડમાં માનતા જ નથી.” ડો.રમેશ માહીને આગળ કરી બોલ્યા. માહી ભારે સાડીમાં સજ્જ અને વાળમાં વેણી…અહા! રમેશ નવા પરણેલા હોય તેવી રસભરી નજરથી પત્નીને જોઈ રહ્યા હતા…જે નીના અને આસપાસના જાનૈયાઓએ નોંધ્યું.
ત્યારબાદ મહેંદી લગાવવાનો શોખ પૂરો કરવા, અંજલિએ નાની કલાકારી ‘શોમ’ના નામ સાથે પોતાના હાથમાં કરાવી અને નીનાએ બન્ને હાથ બરાબર મહેંદીથી સજાવવાનો લ્હાવો લીધો. આરી અને સ્ટિવન પણ છોકરીઓ સાથે જોડાયા. શોમે દૂરથી અંજલિને ઈશારો કરીને બોલાવી અને બંને દરિયા કિનારા તરફ નીકળી ગયા.
મંડપનું બાંધકામ અને સજાવટ અંજલિની યોજના પ્રમાણે થઈ રહ્યું હતું. સફેદ તંબુની આસપાસ લાલ, લીલા પડદા અને તોરણ પર સુંદર ફૂલો ઝૂલતાં હતાં. શોમ ચારે બાજુ નિરીક્ષણ કરી ખાતરી કરી રહ્યો હતો કે પવનની ગતિ વધે તો પણ મંડપ હલે નહીં.
“હું પણ અત્યારે બધું જોઈ લઉં. દુલ્હન બનીને આવીશ ત્યારે તો કોણ જાણે, મારી આંખ ઊંચી થશે કે નહીં!” અંજલિ શોમના હાથમાં હાથ પરોવી બોલી. વર-કન્યા મંડપ, દરિયો અને પોતાના સૌભાગ્ય પર હરખાઈ રહ્યાં.
વૈદ્યજીએ તેમના કાર્યકરો દ્વારા અંજલિના દાદા માટે સવારની ટ્રેઇનની વ્યવસ્થા કરી દીધી હતી. તો પણ હજી વ્યથિત મંજરીનું મન ડંખતું હતું. “અંતે તો તેઓ ઘરના વડીલ છે. બાબા! હું સવારે પ્રાર્થના હોલમાં આવતા પહેલા શ્વસુરને મળવા ગઈ હતી, પણ તેમના નિર્ણયમાં ફેર ન પડ્યો.” દાદા ગાડીનો સમય થતા નીકળ્યા અને મંજરીએ ભારે હૈયે વિદાય આપી. બાબાએ મંજરીને કહ્યું, “આજે અંજલિનો ખાસ દિવસ છે. તેની ખુશી આજે આગવું સ્થાન લે છે. દાદાને ધર્મના વાડાનું મહત્વ છે અને આપણને માનવીના સદગુણોનું…”
કરતા ફરિયાદ રૂંધી અંતરનું વ્હાલ,
ભલે, સાચું કે ખોટું છે તેનું અભિમાન.
અંતરથી આપીએ શુભેચ્છા સન્માન,
સમજણ સિદ્ધાંતોનું જાળવી સ્વમાન.
—— ક્રમશઃ
સુશ્રી સરયૂ પરીખનાં સંપર્ક સૂત્રો : વિજાણુ ટપાલ સરનામું: saryuparikh@gmail.com | બ્લૉગ: https://saryu.wordpress.com
-
ફિલ્મ સંગીત વાદ્યવિશેષ : (૬) – તંતુવાદ્યો (૧) – વાયોલીન (૩): શંકર-જયકિશનનાં ગીતો
ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી
વાયોલીન્સ વિશેની શ્રેણીની પહેલી કડીમાં જણાવ્યું હતું તેમ શંકર-જયકિશને પોતાના વાદ્યવૃંદમાં વાયોલીન્સનો પ્રચૂર ઉપયોગ કર્યો છે. એ કારણથી આ કડી તે સંગીતકાર બેલડીનાં ચુનંદાં ગીતોને સમર્પિત છે, જેમાં વાયોલીન્સ સમગ્ર રચનાના આધારસ્થંભ બની રહ્યાં છે. આ સંગીતકારોએ સેબેસ્ટીયન ડી’સોઝા નામના તેમના સહાયક અને અતિશય કુશળ વાદકો સાથે મળીને અસંખ્ય ગીતોમાં વાયોલીન્સના અવનવા અને અસાધારણ પ્રયોગો કર્યા છે. ગીતના પૂર્વાલાપ/Preludes, મધ્યાલાપ/Interludes, કાઉન્ટર મેલોડીઝ/Obligetos માં તો વિશિષ્ટ પ્રયોગો ખરા જ, સાથે ગીતને સમાંતર એકધારું દ્વીસ્તરીય કે ત્રિસ્તરીય વાયોલીન્સવાદન ચાલ્યા કરે તેવાં ગીતો પણ આ સંગીતકારોએ સર્જ્યાં છે. આજે લગભગ સાડાપાંચ દાયકા પછી પણ ચાહકો તો ખરા જ, સંગીતના ઊંડા જાણકારો પણ આવાં ગીતોને માણતાં અને તેમાંના વૈવિધ્યપૂર્ણ વાયોલીનવાદનની બારીકીઓની ચર્ચા કરતાં થાકતા નથી.

ફિલ્મી ગીતોમાં વાયોલીન્સના પ્રયોગોની પ્રાથમિક સમજણ એવી છે કે એકસાથે અનેક વાદકો વગાડી રહ્યા હોય તે ધૂન ‘ગ્રુપ વાયોલીન્સ’ અથવા સ્ટાફ વાયોલીન્સ’ વાદન તરીકે ઓળખાય છે. મોટા ભાગે આ પ્રકારના પ્રયોગો જ થતા રહ્યા છે. અમુક ખાસ કિસ્સામાં એક જ વાદક ચોક્કસ અંશ વગાડી લે , તે ‘સોલો વાયોલીન’ અથવા ‘એકલ વાયોલીન’ વાદન કહેવાય છે. કોઈ કોઈ વાર એકસાથે વાયોલીન્સ, વાયોલા અને સેલોના સામુહિક વાદન વડે વિવિધ સ્તરીય વાદન પણ સર્જાયું છે. ખેર, એ બધી ક્લીષ્ટ ચર્ચા છોડી, ગીતો માણીએ. આ ગીતોની પસંદગી બહુ મુશ્કેલ બની રહી છે. એક કરતાં એક ચડીયાતાં વાયોલીનપ્રધાન ગીતોમાંથી કેટલાંયે ગીતોને સામેલ ન કરવાનું ઘણું મુશ્કેલ બન્યું છે. દરેક ભાવકને પોતાની પસંદગીનું ગીત ન સમાવાયાની ફરિયાદ રહેશે.
શરૂઆત કરીએ ૧૯૫૩ની ફિલ્મ ‘આહ’ના મુકેશે ગાયેલા ગીત ‘રાત અંધેરી દૂર સવેરા’ થી. સામાન્ય છાપ એવી રહી છે કે આ જોડીના વાદ્યવૃંદમાં ઓછામાં ઓછા ૨૫-૩૦ વાયોલીનવાદકો રહેતા હતા. પણ આ ગીત સાંભળતાં ખ્યાલ આવે છે કે તેમાં સમુહ વાયોલીનવાદન છે ખરું પણ મહદઅંશે એકલ વાયોલીનનો જ પ્રયોગ કરવામાં આવ્યો છે.
૧૯૫૬માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘હલાકુ’નું ગીત ‘આજા કી ઈંતેજાર મેં’ સાંભળીએ. પૂર્વાલાપથી શરૂ થઈ જતું વાયોલીનવાદન ગાયકીને સમાંતર ઓબ્લિગેટોઝમાં અને મધ્યાલાપમાં તો ખરું જ, ગીતનું સમાપન પણ તેના થકી જ થાય છે. આમ, આ એક સર્વાંગ વાયોલીનપ્રધાન ગીત ગણાવી શકાય.
ફિલ્મ ‘અનાડી’ (૧૯૫૯)નાં ગીતો અપ્રતિમ સફળતાને વર્યાં હતાં. આજે પણ તે ફિલ્મના એકેએક ગીતની લોકપ્રિયતા બરકરાર છે. તે પૈકીનું ‘તેરા જાના દિલ કે અરમાનોં કા લૂટ જાના’ સાંભળીએ. ધ્યાનથી સાંભળતાં ખ્યાલ આવે છે કે મધ્યાલાપમાં ગ્રુપ વાયોલીન કાને પડે છે. રસપ્રદ પ્રયોગ એ છે કે મધ્યાલાપ પૂરો થાય અને ગાયકી શરૂ થાય તે તબક્કે એકલ વાયોલીનનો નાનકડો પણ એકદમ કર્ણપ્ર્રિય ટહૂકો પ્રયોજાયો છે. ટાઈમર ચાલુ રાખીને સાંભળતાં આ બાબત પહેલા મધ્યાલાપ પછી 1.12 ઉપર અને બીજી વાર 2.37 ઉપર સાંભળી શકાય છે.
હવે પછીનું ગીત ૧૯૬૦માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘જીસ દેસ મેં ગંગા બહતી હૈ’નું ‘આ અબ લૌટ ચલે’ છે. હિન્દી ફિલ્મોનાં ગીતોના ઈતિહાસમાં આ ગીત પોતાનું આગવું સ્થાન જમાવીને બેઠું છે. જાણકારો દ્વારા આ ગીતને શકવર્તી ગણાવાયું છે. આ ગીતના રેકોર્ડીંગ વિશે પણ દંતકથાસમ વાતો ચાલતી રહે છે. એક આદર્શ ગીતમાં અપેક્ષિત હોય તેવા બધા જ ઘટકો અહીં છે. અનેકવિધ વાદ્યોના અને કોરસના અવિસ્મરણિય પ્રયોગો વચ્ચે વાયોલીન્સ પોતાની હાજરી પૂરાવતાં રહે છે.
હવે પછીનું ગીત ફિલ્મ ‘પ્રોફેસર’ (૧૯૬૨)નું ‘મૈં ચલી મૈં ચલી, પીછે પીછે જહાં’ છે. નોંધનીય છે કે મધ્યાલાપમાં વાગી રહેલા વાયોલીન્સના અંશો ચાલી રહેલી ટ્રેનના લયમાં સાથ પૂરાવતા હોય તેમ પ્રયોજાયા છે.
૧૯૬૨ની ફિલ્મ ‘દિલ તેરા દિવાના’ ના શિર્ષકગીતના પૂર્વાલાપમાંનું વાયોલીનવાદન સાંભળતાં ખ્યાલ આવે છે કે તે સમયે ફિલ્મમાં બતાવેલા વીજળી અને તોફાનના ઘટનાક્રમ સાથે તે વાદન કેટલું સુસંગત છે.
ફિલ્મ ‘દિલ એક મંદીર’ (૧૯૬૩)ના ગીત ‘યાદ ન જાયે બીતે દિનોં કી’ ના શબ્દોમાં સમાયેલા કરુણ ભાવને વાયોલીનવાદન બરાબર ઉઠાવ આપે છે.
૧૯૬૫માં પ્રદર્શિત થયેલી ‘ગુમનામ’ એક રહસ્યપ્રધાન ફિલ્મ હતી. તેના શિર્ષકગીતમાંનું વાયોલીનવાદન આ ગીતના સમયે પાત્રો ઉપર છવાયેલા ખોફના માહોલને બરાબર ન્યાય આપે છે.
https://www.youtube.com/watch?v=Kjyr9JYd3-I
ફિલ્મ ‘ગબન’ (૧૯૬૬)ના ગીત ‘તુમ બિન સજન, બરસે નયન’માં એટલું તો પ્રભાવક વાયોલીનવાદન છે કે ગીત યાદ આવે ત્યારે પણ સાથેના વાયોલીનના અંશો મનમાં ગૂંજવા લાગે છે.
https://www.youtube.com/watch?v=Pk1J8p2jUiw
ફિલ્મ ‘છોટી સી મુલાકાત’ (૧૯૬૭)ના ગીત ‘તુઝે દેખા તુઝે ચાહા’માં અંતરા ગવાતા હોય તે દરમિયાન વાયોલીનવાદન થકી ચાલતા રહેતા ઓબ્લીગેટોઝ/ કાઉન્ટર મેલોડી બહુ જ રોચક છે. અલબત્ત, તે પ્રચ્છન્નપણે વાગી રહ્યા હોવાથી ધ્યાનથી સાંભળવા જરૂરી છે.૧૯૬૭ની જ ફિલ્મ ‘રાત ઔર દિન’નું ગીત ‘દિલ કી ગિરહ ખોલ દો’ સાંભળતાં જ તેમાંના વાયોલીનના અંશો ધ્યાન ખેંચી લે છે.
૧૯૬૭નું જ એક વધુ ગીત માણીએ. ફિલ્મ ‘ગુન્હાઓં કા દેવતા’ના આ શિર્ષકગીતનું વાયોલીનવાદન તે ગીત સાથે ચાલી રહેલા નૃત્ય સાથે તાલ મિલાવતું હોય એવી અસર ઉભી થાય છે.
ફિલ્મ ‘ઝૂક ગયા આસમાન’ના પ્રસ્તુત ગીત ‘કૌન હૈ જો સપનોં મેં આયા’ સાથેનું વાયોલીનવાદન તે ગીતના તોફાની અંદાજને બરાબર ખીલવે છે.
ફિલ્મના ગીતનું રેકોર્ડીંગ થતું હોય ત્યારે એકસાથે ઘણાં વાદ્યોને ઉઠાવ આપવાનો હોય છે. આથી કેટલાંક ગીતો સાથેનું વાયોલીનવાદન પ્રચ્છન્ન રહી જવા પામે છે. આ કારણથી ફિલ્મ ‘બ્રહ્મચારી’ (૧૯૬૮)ના ગીત ‘મૈં ગાઉં તુમ સો જાઓ’ની એક સ્ટેજ કાર્યક્રમની પ્રસ્તુતિ સાંભળીએ. આ ક્લીપને માણતાં ખ્યાલ આવશે કે વાયોલીનવાદન બહુ અસરકારક રીતે ઉપસી આવ્યું છે. આ ક્લીપની પસંદગી જીવંત વાયોલીનવાદનના આધારે કરવામાં આવી છે.
શંકર-જયકિશને બનાવેલાં ગીતો માણ્યા પછી તેમનું જ બનાવેલું ફિલ્મ ‘હલાકુ’નું નૃત્યસંગીત સાંભળીએ. એમાંનું વાયોલીનવાદન સાંભળતાં તે પણ નૃત્યની સ્ફૂર્તીથી વાગી રહ્યું હોવાની અનુભૂતિ થાય છે.
યુ ટ્યુબ ઉપર શંકર-જયકિશનનાં બનાવેલાં અલગઅલગ ગીતોમાંના વાયોલીનવાદનના અંશો ભેગા કરીને બનાવેલી ક્લીપ્સ The Magic Violins Of Shankar Jaykishan Part 1, The Magic Violins Of Shankar Jaykishan Part 2 અને The Magic Violins Of Shankar Jaykishan Part 3 શિર્ષકથી ઉપલબ્ધ છે, તે માણતી વેળાએ શંકર-જયકિશનની સાથે સેબેસ્ટીયન ડી’સોઝાને યાદ કરવાની પણ ભલામણ છે.
નોંધ :
૧) તસવીરો નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે. ગીત-સંગીત-ફિલ્મ કે અન્ય કલાકારોનો ઉલ્લેખ જાણીબૂઝીને ટાળ્યો છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com -
‘કોઈ’ શબ્દવાળા ગીતો – (૪) – कोई ये कैसे बताये की वो तनहा क्यों है
નિરંજન મહેતા
આ શ્રેણીનાં ત્રણ લેખ અગાઉ ૨૫.૦૨.૨૦૨૩, ૨૫.૦૩.૨૦૨૩ અને ૨૨.૦૪.૨૦૨૩ના દિવસે વે.ગુ. પર મુકાયા હતા. આજે આ ચોથો અને છેલ્લો ભાગ રજુ કરૂ છું.
શરૂઆત કરીએ ૧૯૭૧ની ફિલ્મ ‘અધિકાર’નાં ગીતથી.
कोई माने या न माने
हम कल तक थे दीवानेઆ એક છેડછાડભર્યું ગીત છે જે દેવ મુકરજી અને નાઝીમા પર રચાયું છે. ગઈકાલ સુધી જે ‘કોઈ’ હતું તે હવે પોતાનું થઇ ગયું એવા ભાવવાળા આ ગીતના રચયિતા છે રમેશ પંત જેને સંગીત આપ્યું છે આર. ડી. બર્મને. ગાયક કલાકારો આશા ભોસલે અને કિશોરકુમાર.
૧૯૭૩ની ફિલ્મ ‘લોફર’નુ ગીત પણ છેડછાડભર્યું ગીત છે.
कोई सेहरी बाबू दिल लहरी बाबू
पग बांध गया घुंघरूફરીદા જલાલની છેડછાડ કરતા આ નૃત્યગીતનાં કલાકાર છે મુમતાઝ. આનદ બક્ષીના શબ્દો અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનુ. કંઠ આપ્યો છે આશા ભોસલેએ.
૧૯૭૩ જ અન્ય ફિલ્મ ‘અભિમાન’નુ ગીત નવદંપતી વચ્ચે થતો પ્રેમાલાપ છે.
लुटे कोई मन का नगर
बन के मेरा साथीગીત ગાતા ગાતા એક બીજાની છેડછાડ કરતા અમિતાભ બચ્ચન અને જયા ભાદુરી આ ગીતનાં કલાકારો છે જેના શબ્દો છે સાહિર લુધિયાનવીના. સંગીત છે સચિન દેવ બર્મનનુ અને ગાયકો છે મનહર ઉધાસ અને લતાજી.
૧૯૭૩ની વધુ એક ફિલ્મ ‘ધૂંધ’નુ ગીત છે
उल्ज़न सुलज़े ना रास्ता सूजे ना……….
जो सांस भी आया तन चिर के आया
इस हाल से कोई किस तरह निभाया
……….
रुत गम के चले ना कोई आस पले नाમૂંઝવણમાં ફસાયેલી ઝીન્નત અમન આ ગીત દ્વારા પોતાની વ્યથા વ્યક્ત કરે છે જેના શબ્દો છે સાહિર લુધિયાનવીનાં અને સંગીત આપ્યું છે રવિએ. સ્વર છે આશા ભોસલેનો. ગીતમાં દેની ડેન્ઝોગપા અને સંજય ખાન પણ દેખાય છે.
૧૯૭૪ની ફિલ ‘ઠોકર’નુ ગીત એક પ્રેમીની વ્યથા રજુ કરે છે.
अपनी आँखों में बसा कर कोई इकरार करूं
जी में आता है की जी भर के तुझे प्यार करूंબલદેવ ખોસલા આ ગીતના કલાકાર છે. શબ્દો છે સાજન દહેલવીનાં અને સંગીત છે શામજી ઘનશામજીનુ. દર્દભર્યો સ્વર છે રફીસાહેબનો.
૧૯૭૫ની ફિલ્મ ‘શોલે’નુ આ પ્રચલિત ગીત રિસામણા મનામણા પર આધારિત છે
कोई हसीना जब रूठ जाती है तो
तो तो तो और भी हसीन हो जाती हैરૂઠેલી હેમા માલિની જ્યારે પોતાનો ટાંગો લઇ નીકળી પડે છે ત્યારે તેને મનાવવા ધર્મેન્દ્ર તે ટાંગાની ઉપર સવાર થઈને આ ગીત ગાય છે. આનંદ બક્ષીના શબ્દો અને આર. ડી. બર્મનનુ સંગીત. નખરાળો સ્વર કિશોરકુમારનો.
૧૯૭૫ની ફિલ્મ ‘આંધી’નુ આ ગીત એક યુગલ જે વિયોગ અનુભવી રહ્યું છે તેમની ભાવનાઓને વ્યક્ત કરે છે.
तेरे बिना जिन्दगी से कोई शिकवा तो नहीं
शिकवा नहीं शिकवा नहीं शिकवा नहींસંજીવકુમાર અને સુચિત્રા સેન પર રચાયેલા આ ગીતના શબ્દકાર છે ગુલઝાર જેને સુંદર સંગીત મળ્યું છે આર. ડી. બર્મન પાસેથી. દર્દભર્યા સ્વર છે કિશોરકુમાર અને લતાજીનાં.
૧૯૭૬ની ફિલ્મ ‘લૈલા મજનુ’નુ આ ગીત પ્રેમીઓના એકબીજા પ્રત્યેના પ્રેમની ભાવનાને ઉજાગર કરે છે.
हुस्न हाजिर है मुहब्बत की सजा पाने को
कोई पत्थर से ना मारो मेरे दीवाने कोમજનુ રિશી કપૂરને લોકો પત્થર મારતા હોય છે ત્યારે લૈલા રંજીતા ત્યાં પહોંચે છે અને લોકોને સંબોધીને આ ગીત ગાય છે. શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીત છે મદનમોહનનુ. સ્વર છે લતાજીનો.
૧૯૭૭ની ફિલ્મ ‘પ્રિયતમા’નુ આ ગીત યુવા પેઢીને અનુરૂપ છે.
कोई रोको ना दीवाने को
मन मचल रहा कुछ गाने कोભેગા થયેલા મિત્રો સાથે રાકેશ રોશન આ ગીત ગાતા દેખાય છે. યોગેશનાં શબ્દોને રાજેશ રોશનનુ સંગીત મળ્યું છે અને તેને સ્વર આપ્યો છે કિશોરકુમારે.
૧૯૭૯ની ફિલ્મ ‘કર્તવ્ય’નુ આ ગીત એક રહસ્યગીત છે.
कोई आएगा कोई आएगा लाएगा दिल का चैन
सखी री मै तो नाचूंगी गाऊँगी दिन रेनઆ ગીત પાર્શ્વગીત તરીકે ધર્મેન્દ્ર પર રચાયું છે જેમાં મહિલા કલાકારને દેખાડી તો છે પણ તે કોણ છે તે જણાતું નથી. જો કે ફિલ્મમાં રેખા છે એટલે તે હોઈ શકે. વર્મા મલિકના શબ્દો છે અને લક્ષ્મીકાંત પ્યારેલાલનુ સંગીત છે જેને કંઠ આપ્યો છે લતાજીએ.
આ જ ફિલ્મનું અન્ય ગીત છે જે રેખા પર રચાયું છે.
दूरी दूरी ना रहे कोई
आज इतने करीब आऊગીતકાર છે કૈફી આઝમી અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ. સ્વર છે લતાજીનો.
૧૯૮૦ની ફિલ્મ ‘કુરબાની’નુ આ ગીત એક પ્રેમગીત રૂપમાં છે.
नसीब इंसान का चाहत से ही सवरता है
क्या बुरा इस में किसी पर कोई मरता हैઆ ગીતના આગળ ઉપરના શબ્દો અત્યંત પ્રચલિત છે
हम तुम्हे चाहते है ऐसे हम तुम्हे चाहते है ऐसे
मरनेवाला कोई ज़िंदगी चाहता हो जैसेગીતના કલાકરો છે વિનોદ ખન્ના અને ઝીનત અમાન. ઇન્દીવરના શબ્દોને કલ્યાણજી આણંદજીએ સંગીત આપ્યું છે જેના ગાયક કલાકારો છે મનહર ઉધાસ, કાંચન અને આનંદકુમાર.
આ જ ફિલ્મનું અન્ય બહુ પ્રચલિત ગીત છે
आप जैसा कोई जिंदगी में आये
तो बात बन जाएઝીનત અમાન પર રચિત આ ગીતના ગીતકાર છે બિડુ અને સંગીતકાર છે કલ્યાણજી આણંદજી. સ્વર છે નાઝિયા હસનનો.
૧૯૮૧ની ફિલ્મ ‘લાવારિસ’નુ આ ગીત ફિલસુફીભર્યું છે.
जिस का कोई नहीं
उस का खुदा है यारोનિરાશ સુરેશ ઓબેરોય અને તેની સાથીદારને ઉદ્દેશીને અમિતાભ બચ્ચન આ ગીત ગાય છે જેના શબ્દો છે અનજાનના અને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ. સ્વર છે મન્નાડેનો.
૧૯૮૨ની ફિલ્મ ‘નિકાહ’નુ આ ગીત યુગલ વચ્ચેના તણાવને રજુ કરે છે.
दिल की आरज़ू थी के कोई दिलरुबा मिले
રાજ બબ્બર અને સલમા આગા આ ગીતના કલાકારો છે. શબ્દો છે હસન કમાલના અને સંગીત છે રવિનું. મહેન્દ્ર કપૂર અને સલમા આગા ગાયક કલાકારો.
૧૯૮૨ની ફિલ્મ ‘શૌકીન’નુ આ ગીત એક નટખટ પ્રકારનું ગીત છે.
जब भी कोई कंगना बोले
दिल मचल मचल जाएશરૂઆતમાં ટાઈટલમાં પાર્શ્વગીત તરીકે મુકાયું છે અને પછી અશોકકુમાર પર રચાયું છે આ ગીતની તેઓ જે મજા માણી રહ્યા છે તે જોવાલાયક છે. શબ્દો છે યોગેશનાં અને સંગીત છે આર. ડી. બર્મનનુ. સ્વર છે કિશોરકુમારનો.
૧૯૮૨ની ફિલ્મ ‘સત્તે પે સત્તા’નુ આ સમૂહગીત યુવાનોની પ્રેમવ્યથાને ઉજાગર કરે છે
प्यार हमें किस मोड़ पे ले आया
के दिल करे हाये हाये कोई तो बताये क्या होगाઅમિતાભ અને તેના ભાઈઓ દ્વારા રજુ થતી આ વ્યથાના શબ્દો છે ગુલશન બાવરાના અને સંગીત આપ્યું છે આર. ડી. બર્મને. ગાયકો છે કિશોરકુમાર, સપન ચક્રવર્તી, ગુલશન બાવરા અને આર. ડી. બર્મન.
૧૯૮૩ની ફિલ્મ ‘અર્થ’નું આ ગીત શબાના આઝમીની વ્યથા જોઇને ગવાયું છે.
कोई ये कैसे बताये
की वो तनहा क्यों हैએક પાર્ટીઆ આ ગીત રાજ કિરણ ગાય છે. કૈફી આઝમીના શબ્દોને સંગીત સાંપડ્યું છે કુલદીપ સિંહ પાસેથી જેના ગાયક કલાકાર છે જગજીત સિંહ.
૧૯૮૫ની ફિલ્મ ‘સાહેબ’નુ ગીત એક ફેન્ટસી ગીત કહી શકાય.
प्यार बिना चैन कहा रे ………..
कोई नया सपना निगाहों में तो हैઅનીલ કપૂર અને અમૃતા સિંહ પોતાની સમક્ષ અન્યને નાચતા જોઈ તેને સ્થાને પોતાને જોતા હોય છે તેમ દર્શાવાયું છે. શબ્દો છે અનજાનનાં અને સંગીત છે બપ્પી લાહિરીનું. ગાયક કલાકારો છે એસ.જાનકી અને બપ્પી લાહિરી.
૧૯૮૭ની ફિલ્મ ‘કાશ’નાં આ ગીતમાં બે વ્યક્તિઓની વ્યથા દેખાય છે જે પાર્શ્વગીતના રૂપમાં છે.
छोटी सी है बात
कोई ये नहीं जानेટ્રેનમાં મુસાફરી કરતા જેકી શ્રોફ અને ડિમ્પલ કાપડિયા પર રચાયેલ આ ગીતના શબ્દો છે ફારુક કૈસરના અને સંગીત છે રાજેશ રોશનનુ. સ્વર છે મોહમ્મદ અઝીઝ અને આશા ભોસલેનાં.
૧૯૯૦ની ફિલ્મ ‘જુર્મ’નું આ ગીત એક પાર્ટી ગીત છે. ગીત એક સંદેશાત્મક ગીત છે.
जब कोई बात बिगड़ जाए
जब कोई मुश्किल पड जाए
तुम देना साथ मेरा हो हमनवाમીનાક્ષી શેષાદ્રી અને વિનોદ ખન્ના પર રચિત આ ગીતના ગીતકાર છે ઇન્દીવર અને સંગીતકાર છે રાજેશ રોશન. સાધના સરગમ અને કુમાર સાનુ છે ગાયકો.
આશા છે આ શ્રેણી સાથીઓને પસંદ આવી હશે.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. 28339258/9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
બાળ ગગન વિહાર – મણકો – ૨૪ : વાત અમારી તસનીમની !
શૈલા મુન્શા
મેં એક બિલાડી પાળી છે,
તે રંગે બહુ રૂપાળી છે,
તે હળવે હળવે ચાલે છે,
તેના ડીલ પર ડાઘ છે,
તે મારા ઘરનો વાઘ છે!ચાર વર્ષની તસનીમને જોઈ મને આ બાળગીત યાદ આવી ગયું જે ગાઈ ગાઈને હું મોટી થઈ.
તસનીમ એક અરેબિક છોકરી. સોનેરી વાંકડિયા વાળ અને બિલાડી જેવી જ માંજરી આંખો. અરબી સ્ત્રીઓ રૂપાળી તો હોય જ છે, એમાં કોઈ બે મત નથી. તસનીમને પણ એ રૂપ ખોબલે ભરીને મળ્યું હતું, પણ એ રૂપને જાણે ગ્રહણ લાગી ગયું હતું.નાતાલની રજા પહેલા જ તસનીમ સ્કૂલમા આવી. ખુબ બોલકી અને આખો દિવસ એના મોઢે એના પિતાનુ નામ હોય. મારા ડેડીએ મને તૈયાર કરી, મને કુકી આપી, વગેરે વગેરે. એક મોટો અને એક નાનો ભાઈ, પણ દેખાઈ આવે કે તસનીમ ઘરમાં બોસ છે. તસનીમ ઘરની બિલાડી નહિ, પણ વાઘ છે એ દેખાઈ આવે!
શરૂઆતમાં જે મન થાય તે ડ્રેસ પહેરી આવે, સ્કૂલે આવવાનો કોઈ સમય નહિ, આઠ, નવ કોઈ પણ સમયે આવે. સ્કૂલના નિયમ અનુસાર એવું ના ચાલે, એટલે મીસ સમન્થાએ પહેલા ઘરે લેટર મોકલાવ્યો, પછી ફોન પર પિતા સાથે રૂબરૂ વાત કરી તસનીમને રોજ સમયસર સ્કૂલે મોકલવા કહ્યું. પિતાનુ કહેવું એમ કે આટલી ઠંડીમાં તસનીમને વહેલી કેવી રીતે ઉઠાડુ?
પછી ખબર પડી કે માતા પિતા છૂટાછેડા લઈ જુદા થયા છે, અને બાળકો પિતા પાસે છે. આટલા નાના બાળકોની કસ્ટડી પિતા પાસે એ જાણ થઈ એટલે જરૂર માતાનો કોઈ મોટો વાંક હશે એ તો ખ્યાલમાં આવી ગયું.
પિતા હમેશ રઘવાયા લાગે. એક તો બાળકોની જવાબદારી એમના પર, સાથે એ પોતે પણ અમેરિકાની કોલેજ ડીગ્રી લેવા ભણવા જાય, એટલે બાળકોને લેવા કોઈવાર બીજા લોકો આવે. અલબત્ત બધાના નામ અમારા સ્કૂલના નિયમ અનુસાર રજિસ્ટર કરાવેલા જ હોય. બાળકોની સલામતી માટે એ ખૂબ જરુરી હોય છે, કારણ અમેરિકામાં છૂટાછેડા, સ્ટેપ મધર, સ્ટેપ ફાધરનુ પ્રમાણ કદાચ ભારત જેવા દેશ કરતાં વધારે છે અને બાળકોના અપહરણના કેસ પણ ઘણા થતાં હોય છે.
તસનીમ પિતાની ખૂબ લાડકી એ દેખાઈ આવે કારણ તસનીમ હમેશ એના પિતાની જ વાત કરતી હોય. ધીરેધીરે તસનીમ ક્લાસના નિયમનુ પાલન કરવા માંડી. સ્કૂલ બસમાં આવવા માંડી. મારી કોઈ દિવસ પિતા સાથે રૂબરૂ મુલાકાત થઈ નહોતી. મેં એમને અલપ ઝલપ જોયા હતા, કોઈવાર બાળકોને મુકવા આવે ત્યારે, પણ વાતચીત નહોતી થઈ.હમણાં જ વેલેનટાઈન ડે ગયો અને અમે બાળકો પાસે કાર્ડ બનાવડાવ્યા અને દરેક બાળકે પોતાના કાર્ડમાં “I love you Mom and Dad” એવું લખાવ્યું. કોઈએ વળી “I love you Mom” લખાવ્યું, પણ જ્યારે તસનીમને પુછ્યું તો એ તરત બોલી “I love my Daddy”.
જો કે નાનકડી બાળકી માતાની કમી તો જરૂર અનુભવતી હશે, કદાચ એટલે જ તસનીમને મારી અને મીસ સમન્થા સાથે ખૂબ ફાવે. તસનીમના સોનેરી ઝુલ્ફા પણ પિતાને કદાચ સરખી રીતે પોનીટેલ કે બે નાના ચોટલાં લેતા નહિ ફાવતું હોય એટલે જેમતેમ રબર બેન્ડ બાંધી આપે અને જેવી એ ક્લાસમાં આવે કે હું સરસ રીતે એના વાળ ગૂંથી આપું. ખાસ એના માટે રંગબેરંગી હેર બેન્ડ, બકલ વગેરે લઈ આવું. વાળ ગૂંથતા મને મારી નાનકડી શ્વેતા યાદ આવી જાય.
તસનીમને કોઈ પણ વાત કહેવી હોય તો અજબ લહેકાથી કરે. એકવાર એની ગાડી ખરાબ થઈ ગઈ હશે અને સ્કૂલે આવતાં મોડુ થયું તો જાણે મોઢું ફુલાવી ફરિયાદ કરવા માંડી. “ડેડી નવી ગાડી લાવતા નથી, મારી વાત સાંભળતા નથી, મને મોડું થાય છે, એમ માંજરી આંખો ગોળ ઘુમાવતી જાય અને વાત કરતી જાય!
બે દિવસ પહેલાં ઓફિસમાંથી ક્લાસમાં બઝર વાગ્યું, તસનીમને ઘરે લઈ જવા ડેડી આવ્યા હતા એટલે એને લઈને હું ઓફિસમાં ગઈ.
ડેડીને તસનીમ સોંપી કેમ છો કહ્યું. ડેડીએ મજામાં નો વળતો જવાબ આપી મને પુછ્યું “મીસ મુન્શા કોણ છે”? હું કાંઈ બોલું તે પહેલાં તસનીમ મને વળગતા કહે “આ મારી મીસ મુન્શા છે” હું તસનીમના ચહેરાની ખૂશી અને આંખની ચમક જોઈ જ રહી. તસનીમના પિતા મને કહેવા માંડ્યા કે ઘરે આવી તસનીમ ના મોઢે આખો દિવસ મીસ મુન્શા એ ગીત ગવડાવ્યા, મીસ સમન્થાએ એ.બી.સી.ડી કરાવી, મીસ મુન્શા બગીચામાં લઈ ગઈ, એ જ વાતો સાંભળવા મળે છે. હું ખરેખર ખુબ આભારી છું કે તમે મારી દીકરીનો આટલો ખ્યાલ રાખો છો અને પ્રેમ કરો છો. એ કહેતાં કહેતાં એમના ચહેરા પર જે આભારનો ભાવ, સંતોષની ચમક હતી એ કોઈ શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી.
આ દિવ્યાંગ બાળકોને જરા સરખો પ્રેમ આપતા કેટલા વ્યાજ સહિત એમનો પ્રેમ અમે પામીએ છીએ એ તો અમે જ જાણીએ છીએ. કોઈવાર એમના ભલા માટે કડક થઈને વાત કરીએ પણ બીજી જ પળે દોડતાં આવીને વળગે ત્યારે બધો ગુસ્સો પળમાં ગાયબ થઈ જાય.
આજે પણ એ પળ મારી નજર સામે તરી આવે છે. તસનીમના પિતાના મોઢા પર છલકતી શાંતિ અને શિક્ષક પ્રત્યેનો અહોભાવ!!
આ નિર્દોષ બાળકોની આંખોથી છલકતો નિઃસ્વાર્થ પ્રેમ અમારા હૈયાને અનેરા આનંદ અને ગર્વથી ભરી દે છે. હર દિન એક નવી ઉર્જા લઈને આવે છે!!
તસનીમ આમ જ ચહેકતી રહે એ જ પ્રાર્થના સહિત,
અસ્તુ,
સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::
ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com -
વર્ગ વ્યવસ્થાપન કરશે, બાળ આસ્થાનું સ્થાપન
ચેલેન્જ.edu
રણછોડ શાહ
હું જાણું છું કે તમે શું બોલ્યા તે ભૂલાઈ જશે, તમે શું કર્યું છે તે પણ યાદ રહેશે નહીં, પરંતુ તમે શું અનુભવ્યું તે નિરંતર યાદ રહેશે.
માયા એન્જેલો (Maya Angelou)
શાળા-કૉલેજનો અભ્યાસ છોડયા પછી પણ દરેક વ્યકિત તેના વર્ગખંડની સ્મૃતિઓની સંદૂક સાથે લઈને ફરે છે. વર્ગખંડની સ્મૃતિઓ સદાય વાગોળાતી હોય છે. સમગ્ર જિંદગી દરમિયાન થયેલા અનુભવોનો સરવાળો વર્ગખંડના અનુભવોથી કદાચ વધારે નહીં જ હોય. શાળામાં પ્રત્યેક સવાર નવા પ્રસંગથી શરૂ થાય છે અને સાંજ એક નૂતન યાદ સાથે પૂર્ણ થાય છે. બાળપણના અનુભવોમાં સર્વશ્રેષ્ઠ પ્રસંગો વર્ગખંડમાં જ બન્યા હોય છે. કેળવણીનું ઉત્તમ સ્થળ વર્ગખંડ હોય છે. વર્ગખંડ માત્ર ભૌતિક ઓળખ નથી પણ આ તો ચીરકાળ યાદ રહેતી અને સદાય મમળાવવી ગમે તેવી જીવંત સ્મૃતિઓ છે. શાળામાંથી વર્ગખંડને બાદ કરવામાં આવે તો શાળા માત્ર અને માત્ર એક ઈમારત રહી જાય. તમામ ઉત્તમ શિક્ષકો સદાય તેમના વર્ગવ્યવહારને કારણે વિદ્યાર્થીઓના મન, હૃદય અને વર્તનમાં સચવાયેલા રહેલા છે અને ભવિષ્યમાં પણ રહેશે. શિક્ષકના જીવનમાં વર્ગખંડનું સ્થાન દેવસ્થાન કરતાં વધારે મહત્ત્વ ધરાવતું હોય છે.
શિક્ષણની સફળતાનો માત્ર એક જ આધાર હોય તો તે છે વર્ગખંડની ગતિવિધિ. વિદ્યાર્થી અને શિક્ષક બંનેના વ્યકિતત્ત્વને નિખારતું આ ઉત્તમ સ્થળ છે. વર્ગખંડનો યોગ્ય ઉપયોગ કરનાર શિક્ષક સફળતાને વરે જ છે. વિદ્યાર્થીના વિકાસના તમામ પાસાઓનું ઘડતર આ જગ્યાએ થતું હોવાથી સજાગ વિદ્યાર્થી અહીંયાંથી સૌથી વધ પ્રાપ્ત કરી શકે છે. બાળ મનોભાવોને જાગ્રત કરનાર અને શિક્ષકની ઓળખ ઉભી કરનાર વર્ગખંડ સમાજ જીવનનું પ્રતિબિંબ છે. આથી વર્ગખંડમાં વિષયના જ્ઞાનને પિરસતી વખતે ઘણા ભૌતિક અને માનસિક વ્યવસ્થાપનોની તેયારી કરવી પડતી હોય છે. અહીં આપણે વર્ગખંડમાં બાળકની આસ્થામાં ઉમેરો કરતાં માનસિક વ્યવસ્થાપનો અંગે વિચારીશું :

(૧) ઊર્મિઓનું વ્યવસ્થાપન : વર્ગખંડમાં પ્રત્યેક મિનિટે પરિસ્થિતિ બદલાય છે. નાની નાની ઘટનાઓ વિદ્યાર્થી અને શિક્ષકના સંબંધ પાતળા કે ગાઢ કરી શકે છે. શિક્ષકને જેટલું વહાલ વર્ગખંડના વ્યવહારને કારણે મળે છે તેટલું કદાચ
વિધિવત્ શિક્ષણ દરમિયાન પ્રાપ્ત થતું નથી. વિષય તો પુસ્તકમાંથી શીખી શકાય પરંતુ દયા, પ્રેમ કે લાગણી તો વર્તન ઉપર આધારિત છે. શિક્ષકના વર્તનમાં તે જેટલું અનુભવવા મળે તેટલું તે વિકસે. પ્રત્યેક પળે વિદ્યાર્થીને શિક્ષક “મારા” છે તેનો અનુભવ કરાવવાનું કાર્ય તો ઉત્તમ શિક્ષક જ કરી શકે. વારંવાર ગુસ્સે થતા કે ચિડાઈ જતા શિક્ષકને માન કેવી રીતે મળે? વહાલ અને સંવેદનશીલતા તો વર્તનમાં રહેલા હોવાથી જે શિક્ષક તેનો મહત્તમ ઉપયોગ કરે તે કદાચ વિષયવસ્તુમાં થોડાક અધૂરા હોય તો પણ વિદ્યાર્થીઓ તેમને નિભાવી લેતા હોય છે. નિર્વ્યાજ પ્રેમ વહેવડાવતો શિક્ષક જરૂરથી સફળતાના શીખરે આરૂઢ થાય છે.
મૃદુતા અને માયાળુતા તો
સામર્થ્ય અને દૃઢતાના સ્વરૂપો છે;
નિર્બળતા અને હતાશાની
નિશાનીઓ નહીં.(૨) ક્ષમાનું વ્યવસ્થાપન : વર્ગખંડના વિદ્યાર્થીઓ તેમની કિશોરાવસ્થા અને તરૂણાવસ્થામાં હોવાથી કરવા જોઈએ તેવા અથવા ન કરવા જેવા તોફાનો ન કરે તો જ નવાઈ. તેઓ દરેક ઘટનાનું પોતાની રીતે મૂલ્યાંકન કરતા હોવાથી તેમને યોગ્ય લાગે તેવી પ્રતિક્રિયા આપતા હોય છે. તેઓ શું કરે છે તેની કયારેક તેઓને તો ખબર પણ હોતી નથી પરંતુ શિક્ષકને તો જરૂરથી હોય છે. આ સંજોગોમાં તેમના અયોગ્ય વર્તનને ભૂલી જઈ માફ કરી દેવાની વિચારસરણી શિક્ષકમાં હોવી જોઈએ. કેટલાક શિક્ષકો વિદ્યાર્થીના અયોગ્ય વર્તનને દાઢમાં રાખી તેમની સાથે વર્ગ વ્યવહાર કરે છે. પરંતુ તે યોગ્ય નથી. કદાચ જીવનનો આ અગત્યનો ગુણધર્મ શિક્ષક વર્ગખંડમાં પોતાના ઉદાહરણ દ્વારા જ શીખવી શકશે. ‘ભૂલો અને માફ કરો’નું સનાતન સત્ય વિદ્યાર્થીઓને ગળે ઉતારવામાં જે સારસ્વતને સફળતા પ્રાપ્ત થાય છે તે વિદ્યાર્થીઓના મન અને હૃદયમાં કાયમી સ્થાન જમાવી શકે છે. ભૂલ માફ કરતાં શિક્ષકનો સ્મિતસભર ચહેરો વિદ્યાર્થીઓની સ્મૃતિમાં કાયમ અંકિત થઈ જાય છે.
મૌન અને સ્મિત બે શક્તિશાળી હથિયાર છે.
સ્મિત ઘણી સમસ્યાના ઊકેલ લાવે છે
અને મૌન અનેક સમસ્યાઓને દૂર રાખે છે.(3) વર્તનનું વ્યવસ્થાપન: વર્ગનું વાતાવરણ હળવું, શિક્ષણાભિમુખ અને ખેલદિલીવાળું રાખવાની જવાબદારી શિક્ષકની છે. કેટલાક શિક્ષકો વર્ગમાં અત્યંત કડક રહેવાનો અભિગમ ધરાવતા હોવાથી વિદ્યાર્થીઓ તેમની સાથે ક્યારેય ખૂલીને અને ખીલીને વાત કરતા નથી. અસંખ્ય મનોવૈજ્ઞાનિક સમસ્યાઓથી વેરાયેલા વિદ્યાર્થીઓ મન મોકળું કરી શિક્ષક સાથે વાત કરવામાં સંકોચ અનુભવે તો વર્ગખંડનું વાતાવરણ જાણે-અજાણે તંગ રહેતું હોય છે. ‘સોટી વાગે…’ વાળી વાત આજે અપ્રસ્તુત બની ગઈ હોવા છતાં કેટલાક શિક્ષકો સમજી શકતા નથી અને તેથી વર્ગમાં સતત ‘ભારેલો અગ્નિ’ રહેતો જોવા મળે છે. વર્ગખંડનું આવું વાતાવરણ ક્યારેય સારા શૈક્ષણિક ભાવાવરણમાં પરિવર્તિત થઈ શકે નહીં. દરેક વ્યકિતમાં બધા સદ્ગુણોનો સરવાળો હોઈ જ ન શકે. વર્ગખંડના વાતાવરણને હળવું બનાવવામાં આ સમજ હંમેશા અગ્રસ્થાને રહેવી જોઈએ. વિદ્યાર્થીઓના પ્રશ્નો અને દલીલોને માત્ર ઉતારી પાડવાથી તેના ઉકેલ આવતા નથી. તેમને સમજી હળવી વાતચીત દ્વારા ઉકેલ લાવવા ઉત્તમ શૈક્ષણિક વાતાવરણ રચવું આવશ્યક છે.
કોઈ ચર્ચા વખતે શબ્દોને
ઊંચા કરો, અવાજને નહીં.
ફૂલ વરસાદથી ખીલે છે,
વીજળીના કડાકા-ભડાકાથી નહીં.(4) આત્મવિશ્વાસનું વ્યવસ્થાપન : વિદ્યાર્થીઓ શિક્ષકના પ્રવચનને માત્ર સાંભળીને ભૂલી જતા નથી પણ શ્રદ્ધાપૂર્વક સ્વીકારે છે. તેઓ તેમની રીતે તેનું વિશ્લેષણ કરતા હોય છે. શિક્ષક વાચન અને અનુભવને આધારે પોતાના પ્રવચનમાં ઉદાહરણો ટાંકી બાળકોનો વિશ્વાસ સંપાદન કરે છે. આ ઘટનાઓની વિદ્યાર્થીના માનસ ઉપર ચોટદાર અસર થતી હોય છે. નેતૃત્વના પાઠ માત્ર અને માત્ર વર્ગખંડમાં શીખવાય છે. બાળકના આત્મવિશ્વાસનું જતન અને સંવર્ધન વર્ગખંડમાં થાય છે. સફળ નેતાનાં લક્ષણો કયાં હોઈ શકે તેનું ચિંતન વિદ્યાર્થીઓ શિક્ષકના પ્રવચનની વચ્ચે સંભળાતા અને સમજાતા વિધાનોમાંથી કરતા હોય છે. રાષ્ટ્રને ઉત્તમ નેતા પૂરા પાડવાની જવાબદારી શૈક્ષણિક સંસ્થાએ નિભાવવાની હોય ત્યારે વિશ્વના નિવડેલ નેતાઓની વાતો પ્રસંગોપાત શિક્ષક તેમના શૈક્ષણિક કાર્ય દરમિયાન કરે તે આવશ્યક છે. આંતરરાષ્ટ્રીય નેતાઓના વ્યકિતવિકાસનાં પાસાંઓનો અભ્યાસ કરીએ તો સ્પષ્ટપણે જોવા મળશે કે તેઓ પાઠશાળામાં જ સફળ નેતૃત્વના ઉત્તમ પાઠો ભણ્યા હતા.
(5) વર્તમાન ઘટનાઓનું વ્યવસ્થાપન: ભૂતકાળના સમયની વાતો કરવાની આદત મોટા ભાગના વડીલોમાં હોય છે. પરંતુ ભૂતકાળ કયારેય વર્તમાન બની શકતો નથી. આ સંજોગોમાં વર્તમાનની વાતો, ઘટનાઓ, પ્રસંગો અને વ્યવહારોની ચર્ચા વર્ગખંડમાં કરવાનો હવાલો શિક્ષકના શિરે છે. નાની બાબતો મહાન ઘટનાઓનું સર્જન કરતી હોય છે. વર્તમાનને એટલો ઉત્તમ બનાવો જેથી તે ભૂતકાળની ઈર્ષા કરી શકે. મોટાભાગના વિદ્યાર્થીઓ હાલમાં બનતી બાબતો ઉપર ઘ્યાન આપતા હોવાથી તેમને વર્તમાનની સાચી, યોગ્ય અને પૂરતી સમજ આપવાની જવાબદારી સારસ્વતશ્રીના શિરે હોય છે. જૂની પુરાણી વાતો કરી વિદ્યાર્થીઓને વર્તમાનથી દૂર લઈ જતા શિક્ષકો તરફ વિદ્યાર્થીઓ માનની નજરે ન જૂએ તે સ્વભાવિક છે.
(6) સામાજીકતાનું વ્યવસ્થાપન : વર્ગના વિદ્યાર્થીઓના સામાજિક, આર્થિક, કૌટુંબિક અને માનસિક સ્તર અલગ-અલગ હોય તે સ્વભાવિક છે. વર્ગના તમામ વિદ્યાર્થીઓને ક્રમચય અને સંચયના નિયમના આધારે છૂટા પાડીએ તો અનેક જૂથો પ્રાપ્ત થાય. બે વિદ્યાર્થીઓની આર્થિક સ્થિતિ સરખી હોય તો પણ માનસિક કે સામાજિક સ્થિતિ અલગ પણ હોઈ શકે. આ પ્રકારના જુદા જુદા જૂથોનો તલસ્પર્શી અભ્યાસ કરી તેમની સાથે વાતચીત કરવામાં આવે તો જ તેની સાથે યોગ્ય વ્યવહાર થઈ શકે. બધાને “એક લાકડીએ હાંકવા’માં કોઈ તર્ક રહેલો નથી. બાળકના વંશ અને વારસાને જાણી તેની સાથે વાતચીત થઈ શકે. સામાન્યીકરણ કરતા શિક્ષકો મહદ્અંશે નિષ્ફળતાને વરે છે.
ખરો વિદ્યાભ્યાસ એ
કે જે વડે આપણે
આત્માને, આપણને, ઈશ્વરને
અને
સત્યને ઓળખીએ.(7) સંવાદિતાનું વ્યવસ્થાપન: શિક્ષકે વર્ગખંડના સૌ વિદ્યાર્થીઓને એક સાથે લઈને ચાલવાનું છે. માત્ર તેજસ્વી વિદ્યાર્થીઓ ઉપર ઘ્યાન આપવાને બદલે તમામ શૈક્ષણિક સ્તરના વિદ્યાર્થીઓ એક સાથે આગેકૂચ કરે તે અત્યંત આવકારદાયક અને આવશ્યક છે. આ સોથી કઠિન કાર્ય છે. બાળકોની વિવિધતાને ઓળખી, તેમની મર્યાદાઓ સમજી તેઓની વિશિષ્ટ શકિતઓ બહાર લાવવાની કામગીરી અત્યંત કપરી જરૂર છે. પરંત અશક્ય નથી. અલબત્ત, તે મહેનત અને સમય માંગી લે તેવી પ્રવૃત્તિ છે. સફળ શિક્ષકો આ કળા હસ્તગત કરી લેતા હોય છે. વર્ગખંડને સમતોલ રાખવાની કળા સૌ શિક્ષકોમાં હોય તે શકય નથી. તેથી તેમાં નિવડેલ સારસ્વતોની વર્તણૂકનો અભ્યાસ કરી તે રસ્તે ચાલનાર શિક્ષક પણ વર્ગખંડમાં એકરાગિતા લાવી શકે છે. શિક્ષક અને વિદ્યાર્થી તેની જિંદગીના જીવંત કલાકો વર્ગખંડમાં ગાળતા હોવાથી ત્યાં વાતાવરણ ઉત્તમોત્તમ હોય તો જ જીવન ઉત્સાહદાયક અને આનંદમય બની રહે. બંને જણે તાલથી તાલ મિલાવીને મળવું જોઈએ. શાળા સંચાલક અને આચાર્યશ્રીએ પ્રોત્સાહન પૂરું પાડવાની જવાબદારી નિભાવવાની હોય છે. કોઠારી કમિશને સાચું જ કહ્યું, ‘ભારતનું ભાવિ તેના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે.’ આજે પણ આ વાત સો ટકા પ્રસ્તુત છે અને ભવિષ્યમાં પણ રહેશે જ.
આચમન:
વર્ગમાં જઈ મનગમતો વિષય
ભણાવવાનો પણ એક નશો હોય છે.
આવો નશો ન ચડતો હોય
એવા માણસે
શિક્ષક
થવાનું ટાળવું જોઈએ.
(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )
(પ્રતીકાત્મક તસવીર નેટ પરથી)
-
કોઈનો લાડકવાયો – (૨૪) – બિહારમાં વિદ્રોહ : (૨) : બાબુ કુંવરસિંહ
દીપક ધોળકિયા
એંસી વર્ષની વૃદ્ધાવસ્થામાં પણ અંગ્રેજો સામે યુદ્ધે ચડનાર જગદીશપુરના જમીનદાર બાબુ કુંવરસિંહનું નામ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અમર છે. વિદ્રોહમાં જોડાવાની મને બહુ ઇચ્છા નહોતી પણ ઘડપણ એમાં આડે નહોતું આવતું, બીજાં જ કારણો હતાં. અંગ્રેજો સાથે એમના સંબંધો સારા હતા અને એમની પાસેથી એમને મોટી લોન લેવી હતી. વિદ્રોહ શરૂ થયો ત્યારે એ અંગ્રેજોની ઑફિસોના આંટાફેરા કરતા હતા! આમ છતાં લોકો સાથે એ ન્યાયની ભાવનાથી વર્તન કરતા એટલે લોકોમાં એમનું બહુ માન હતું. દાનકુનીના બળવા પછી લોકો એમને જ નેતા માનતા હતા. અંતે અંગત હિતોનો ભોગ આપીને એ યુદ્ધમાં કૂદી પડ્યા.દાનાપુરમાં બળવો કરીને સિપાઈઓએ પોતાની હાક જમાવી દીધી અને તરત આરા તરફ કૂચ કરી ગયા. ત્યાં ૨૬મીએ પહોંચ્યા કે તરત કુંવરસિંહે બળવાની સરદારી હાથમાં લઈ લીધી. જો કે કમિશનર ટેઇલર એમનો મિત્ર હતો. એણે હજી બે દિવસ પહેલાં જ પત્ર લખીને સરકારને કહ્યું હતું કે કુંવરસિંહને બળવામાં નહીં જોડાય. બીજી બાજુ કુંવરસિંહના નાના ભાઈ અમરસિંહ અને બીજા એક જાગીરદાર નિશાન સિંહ બળવાખોરો સાથે હતા. એ વખતે નિશાન સિંહ સાઠ વર્ષની વય પાર કરી ચૂક્યા હતા.
જુલાઈના છેલ્લા અઠવાડિયાથી શાહાબાદ અંગ્રેજો માટે ઝંઝાવાત જેવું રહ્યું. ૨૬મીએ આરામાં વસતા બધા યુરોપિયનોને એક એંજીનિયરના બેમાળી મકાનમાં આશરો લેવો પડ્યો. આ બાજુ કુંવરસિંહ અને દાનાપુરના વિદ્રોહીઓએ અંગ્રેજ ગૅરિસનને ઘેરી લીધી. અંગ્રેજોના ચોકિયાત દળે પણ વિદ્રોહ કર્યો. અંગ્રેજ અફસરોને એની કલ્પના પણ નહોતી. આરાનો સેશન્સ જજ લખે છે કે ગાર્ડોનો ઉપરી અધિકારી મને મળવા આવ્યો ત્યારે મેં એને તિજોરીની રખેવાળી કરવાનો હુકમ આપ્યો અને સલાહ આપી કે વિદ્રોહીઓ ઓછા હોય તો જ સામનો કરવો, એ વખતે હું શીખોની ટુકડી લઈને મદદે આવીશ પણ વિદ્રોહીઓ બહુ ઘણા હોય તો પીછેહઠ કરી લેવી. પણ મેં જોયું કે વિદ્રોહીઓ તિજોરીએ પહોંચ્યા ત્યારે ગાર્ડોએ સામનો ન કર્યો, એટલું જ નહીં, એમના તરફ ગયા, જાણે સ્વાગત કરતા હોય!
અહીં વિદ્રોહીઓએ સહેલાઈથી તિજોરી લૂંટી પરંતુ એક પણ અંગ્રેજની હત્યા ન કરી. જે કેદ થયા તેમને કુંવરસિંહના સૈનિકોએ સારી રીતે સાચવ્યા.
શાહાબાદમાં કુંવરસિંહનું શાસન
કુંવરસિંહે શાહાબાદને અંગ્રેજોના હાથમાંથી ઝુંટવી લીધું અનેતરત વહીવટી વ્યવસ્થા ગોઠવી દીધી. કુંવરસિંહ વિચારોમાં પણ પ્રગતિશીલ હતા એટલે એમણે અંગ્રેજી હકુમતને તો ઉડાડી દીધી પણ એની સુવ્યવસ્થાના એ પ્રશંસક હતા એટલે જૂના દેશી ઢંગને બદલે અંગ્રેજી હકુમતની જેમ વ્યવસ્થા ગોઠવી. એમણે મૅજિસ્ટ્રેટ, ત્રણ-ચાર થાણાના પોલીસ વડાઓ અને બીજા અધિકારીઓ નીમ્યા.
પરાજય
અંગ્રેજોની ગૅરિસન છિન્નભિન્ન થવાની અણીએ હતી પણ નસીબ અંગ્રેજોની સાથે હતું. બેંગાલ રેજિમેન્ટના મેજર આયરના નેતૃત્વ હેઠળની ટુકડી કુંવરસિંહના સિપાઈઓ સાથે બીજે ક્યાંક લડાઈ પછી આરા તરફ નીકળી આવી. એના માટે કુંવરસિંહ તૈયાર નહોતા. આ મદદ કોઈ યોજના વિના જ આવી હતી. આયરે બીજી અને ત્રીજી ઑગસ્ટે વિદ્રોહીઓ પર જબ્બરદસ્ત હુમલો કર્યો. જે પકડાયા તેમને ઝાડેથી લટકાવી દીધા, જગદીશપુર પર કબજો કરી લીધો, લોકોનાં શસ્ત્રો ઝુંટવી લીધાં અને એક મંદિર તોડી પાડ્યું કારણ કે એ મંદિરને કુંવરસિંહે મોટી મદદ આપી હતી. એના સૈનિકોએ કુંવરસિંહના ઘરમાં ઘૂસીને લૂંટફાટ કરી અને મકાનો જમીનદોસ્ત કરી દીધાં.
પરંતુ એનો અર્થ નથી કે અંગ્રેજો નિરાંતનો શ્વાસ લેવા લાગ્યા હતા. ગયા, મુઝફ્ફરપુર, મિર્ઝાપુર, પૂર્ણિયા, મૂંગેર, હઝારીબાગ, બૂઢી, બાગોદર, છોટા નાગપુર, માનભૂમ, સિંઘભૂમ અને પલામૂ તેમ જ બીજા કેટલાય વિસ્તારોમાં બળવો ફેલાઈ ગયો હતો અને અંગ્રેજો ભાગવા લાગ્યા હતા. જનવિદ્રોહની સૌથી સબળ અસર બિહારમાં દેખાતી હતી.
હાથ જાતે કાપી નાખ્યો
ઈસ્ટ ઇંડિયા કંપનીએ વિદ્રોહને દબાવવા માટે નેપાલના રાણાની મદદ માગી. ૨૫મી ઑગસ્ટે નેપાલી મોકલેલી ટુકડીઓ આવી જતાં ઈસ્ટ ઇંડિયા કંપનીના અધિકારોના જીવમાં જીવ આવ્યો. અને તે પછી વિદ્રોહને કચડી નાખવાનું સહેલું થઈ ગયું.કુંવરસિંહ માત્ર જગદીશપુર અને આરા કે આસપાસના પ્રદેશોમાં જ નહીં. આજના ઉત્તર પ્રદેશના ગાઝીપુર. બલિયા અને આઝમગઢ સુધી જઈને દુશ્મનને પડકારતા હતા. પરંતુ એમની પાસે સાધનો સીમિત હતાં, એટલે માત્ર ગેરિલા યુદ્ધ કરે તો જ ઓછા ખર્ચે વધારે નુકસાન કરી શકે. અંતે એમણે આરા પાછા જવા વિચાર્યું. ગંગા પાર કરતા હતા ત્યારે દુશ્મને હુમલો કરતાં એમને કાંડા ઉપર ગોળી વાગી. એનો ઉપાય થઈ શકે તેમ નહોતું એટલે એમણે પોતાનો હાથ જ કાંડાથી કાપી નાખ્યો!
૧૮૫૮ની ૨૬મી એપ્રિલે એમનું અવસાન થયું છેવટ સુધી અંગ્રેજો એમને પકડી ન શક્યા.
અમરસિંહ અને હરેકૃષ્ણ
કુંવરસિંહના નાના ભાઈ અમરસિંહ મોટા ભાઈની પાછળ વિદ્રોહમાં જોતરાવા નહોતા માગતા. પરંતુ કુંવરસિંહે એમને કેટલાક રાજાઓને પત્ર લખીને મદદ માગવા કહ્યું ત્યારે પહેલાં અમરસિંહે ના પાડી, પરંતુ તે પછી તૈયાર થઈ ગયા અને છેક સુધી સાથ આપ્યો એટલું જ નહીં, કુંવરસિંહના મૃત્યુ પછી પણ ભાઈનું અધૂરું કાર્ય ચાલુ રાખ્યું. કુંવરસિંહે બનાવેલી સ્વતંત્ર સરકાર એમના મૃત્યુ પછી પણ કામ કરતી રહી. એનું નેતૃત્વ અમરસિંહે સંભાળ્યું પણ એમના મુખ્ય સેનાપતિ હરેકૃષ્ણ સિંહનો એમાં બહુ મહત્ત્વનો ફાળો રહ્યો. હરેકૃષ્ણની બહાદુરીની નોંધ બ્રિટીશ લેખકો પણ લે છે. છેલ્લે ૧૮૫૯માં એ જ્યારે પકડાઈ ગયા ત્યારે એમને ફાંસી આપી દેવાઈ.
બિહારના વીરોને નમન.
સંદર્ભઃ
- 1857: बिहार में महायुद्ध, प्रसन्न कुमार चौधरी तथा श्रीकान्त, राजकमल प्रकाशन, 2015 (Google Books)
(https://books.google.co.in/books?id=9cGgdEGTxvYC&lpg=PP1&pg=PA7#v=onepage&q&f=false)
- https://archives.peoplesdemocracy.in/2007/0506/05062007_1857.htm
- ભારતઃ ગુલામી– અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ર: આઝાદી માટેનો સંઘર્ષ , પ્રકરણ ૩૫ (આ લેખકની વેબગુર્જરી પરની શ્રેણી).
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
-
‘સેલ્ફી’સંહિતા: સમજણ અને સંવેદનાનો સંગમ
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
માત્ર કેમેરા વડે છબિઓ લેવાનું ચલણ હતું ત્યારે ઘણા કેમેરામાં ‘સેલ્ફ ટાઈમર’ની સુવિધા આવતી, જેને કારણે છબિ ખેંચનાર ‘ક્લીક’નું બટન દબાવ્યા પછી ઝડપભેર કેમેરાની સામે આવીને ગોઠવાઈ જતું અને તેની છબિ આપોઆપ ખેંચાઈ જતી. કેમેરા પૂર્વેના યુગમાં ચિત્રકારો અરીસામાં જોઈને પોતાનું ચિત્ર ચીતરતા, જે ‘સેલ્ફ પોર્ટ્રેટ’ તરીકે ઓળખાતું. મોબાઈલ ફોનના આગમનને પગલે તેમાં અનેકવિધ સુવિધાઓ અનિવાર્યપણે આવતી થઈ, જેમાં કેમેરા લગભગ આવશ્યક બની ગયો. આ કેમેરાનો લૅન્સ સરળતાથી આગળપાછળ ફરી શકતો હોવાથી સ્વછબિ ખેંચવી અત્યંત સુગમ બની ગઈ. 2002માં એક નેથન હોપ નામના એક ઓસ્ટ્રેલિયને પોતે ખેંચેલી પોતાની છબિ માટે ‘સેલ્ફી’ શબ્દનો પહેલી વાર પ્રયોગ કર્યો. આ સુવિધા અને આ શબ્દ જાણે કે મોબાઈલ ફોન દ્વારા આવેલી ક્રાંતિ અને તેના ઉપયોગના અતિરેકના પ્રતિક સમો બની રહ્યો. હવે તો આ શબ્દ અને પ્રથાનું ચલણ એ હદે વ્યાપક બની ચૂક્યું છે કે લોકો કોઈ પણ સ્થળે અને સમયે ‘સેલ્ફી’ ખેંચીને તેને સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો પર મૂકતા થઈ ગયા છે. જાણેઅજાણે તેઓ પોતાની અંગત અને વ્યક્તિગત ક્ષણોને આ રીતે જાહેર કરી રહ્યા છે. આ પ્રથાનું વળગણ એટલું પ્રસરી ચૂક્યું છે કે તે ‘ન્યૂ નોર્મલ’ બની રહી છે. તેમાં સામાન્ય વિવેકનો સૌથી વધુ ભોગ લેવાઈ રહ્યો છે. પોતે અમુક સ્થળે હાજર છે એ દર્શાવવાની લ્હાયમાં ઝટપટ ‘સેલ્ફી’ ખેંચતા લોકો ભાન ભૂલી જાય છે, અને ઘણી વાર તો પોતાના જાનને જોખમમાં મૂકતાં ખચકાતા નથી. વિવિધ વન્ય પશુઓ સાથે ‘સેલ્ફી’ ખેંચવાનો પ્રયાસ કરતાં એ પશુના હુમલાનો ભોગ બનીને મોતને ભેટવાના અનેક કિસ્સા બનતા રહ્યા છે.

સાંકેતિક તસવીર – નેટ પરથી સાભાર જાનનું જોખમ હોય ત્યાં ‘સેલ્ફી’ ખેંચવાનો પ્રયાસ કરવો સાહસ નહીં, મૂર્ખામીયુક્ત વળગણ છે, પણ એ સિવાયનાં કેટલાંક સ્થળોએ ‘સેલ્ફી’ ખેંચવાનો પ્રયાસ મૂર્ખામી કરતાંય વધુ તો વિવેકહીનતા અને સંવેદનવિહીનતા કહી શકાય. એપ્રિલ, 2023માં વધુ એક વાર આવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો અને તેની ઘણી ટીકા થઈ.
યુરોપના પોલેન્ડમાં આવેલું શહેર ઓશવિત્સ ત્યાંના સ્મારક માટે અતિ જાણીતું છે. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જર્મન સરમુખત્યાર હીટલરના નાઝી સૈન્ય દ્વારા અહીં કોન્સન્ટ્રેશન કેમ્પ ઊભા કરવામાં આવ્યા હતા. માનવજાતના ઈતિહાસમાં કલંકરૂપ કહી શકાય એવો જઘન્ય હત્યાકાંડ અહીં આચરવામાં આવ્યો હતો, જેમાં લાખો નિર્દોષ યહૂદી મહિલાઓ, પુરુષો તેમજ બાળકોની નિર્મમપણે હત્યા કરવામાં આવી હતી. આવા શરમજનક ઈતિહાસનું પુનરાવર્તન ન થાય અને ભાવિ પેઢી સમક્ષ તેની સ્મૃતિ તાજી રહે એ બાબતને ધ્યાનમાં લઈને અહીં એક સંગ્રહાલય તેમજ સ્મારક ઊભું કરવામાં આવ્યું. વરસેદહાડે લાખો પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લે છે અને એ હત્યાકાંડની ભયાનકતાને આટલા દાયકાઓ પછી પણ અનુભવે છે.
આ સ્થળે પણ કેટલાક ઉત્સાહી પ્રવાસીઓ ‘સેલ્ફી’ લેવાના ધખારા રાખે છે. જથ્થાબંધ યહૂદીઓને આ સ્થળે યાતના માટે લાવનાર ટ્રેનના પાટા પર મારીઆ મર્ફી નામની એક યુવતીએ એપ્રિલ, 2023માં ‘સેલ્ફી’ ખેંચી અને તેને પ્રસિદ્ધ કરી. આ તસવીર મૂકાતાં જ સામાજિક નેટવર્કિંગનાં માધ્યમ પર લોકોએ તેની પર ફિટકાર વરસાવ્યો. અલબત્ત, આ પ્રકારનો બનાવ કંઈ પહેલી વારનો નથી. આ પહેલાં પણ સમયાંતરે અમુક પ્રવાસીઓ આ સ્થળે ‘સેલ્ફી’ લઈને તેને જાહેર માધ્યમ પર મૂકતા આવ્યા છે. તેનું પ્રમાણ ઓછું છે, છતાં એમ થાય છે ખરું.
‘સેલ્ફી’ ખેંચવા અને તેને જાહેર માધ્યમ પર મૂકવા પાછળની માનસિકતા કંઈક એવી કહી શકાય કે પોતે અન્યોથી વિશેષ છે અને દુનિયાને તેઓ બતાવવા માગે છે કે કેવા વિશિષ્ટ સ્થળ સુધી પોતે પહોંચ્યા છે. ‘સેલ્ફી’ કોઈ પણ સ્થળની હોય, એને જાહેરમાં મૂકવા પાછળની માનસિકતા મોટે ભાગે આનાથી અલગ હોતી નથી. આ માનસિકતાને કારણે જે તે સ્થળની ગરિમા જળવાતી નથી.
આપણા દેશના પંજાબમાં આવેલા અમૃતસરમાંના જલિયાંવાલા બાગ સાથે પણ ભયાનક સ્મૃતિઓ સંકળાયેલી છે. એક મેદાનમાં ઉપસ્થિત નિ:શસ્ત્ર લોકો પર જનરલ ડાયરના હુકમથી અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગોળીબારમાં અનેક લોકો મોતને ભેટ્યા હતા, અને કેટલાય લોકોએ કૂવામાં કૂદીને આત્મહત્યા કરી હતી. આ સ્થળે પણ લોકો ‘સેલ્ફી’ ખેંચતા જોવા મળે છે. કોઈક સ્થળની મુલાકાતની યાદગીરી તરીકે ત્યાં તસવીર ખેંચાવવી અને કોઈ સ્થળે ‘સેલ્ફી’ લેવી એ બન્નેમાં થોડો તફાવત છે. ‘સેલ્ફી’માં કેન્દ્રસ્થાને ‘સેલ્ફ’ એટલે કે ‘સ્વ’ હોય છે, અને તેનો મુખ્ય હેતુ અંગત યાદગીરી નહીં, પણ ઘોષણા માટે હોય છે. અનેક લોકોને કોઈ ને કોઈ જાણીતી વ્યક્તિ સાથે ‘સેલ્ફી’ ખેંચવાનો શોખ હોય છે. આવી તસવીરોમાં ઘણી બધી વાર એ જાણીતી વ્યક્તિનું ધ્યાન સુદ્ધાં ન હોય અને તેમની સાથે તસવીર ખેંચીને તેને જાહેર માધ્યમમાં મૂકવામાં આવે છે. એ તસવીર ‘સેલ્ફી’ લેનારની મૂર્ખામીને જ ઉજાગર કરે છે. ગમે તે સ્થળે, પોતે પોતાની તસવીર ખેંચવાની લ્હાયમાં ઘણી બધી વાર સામાન્ય વિવેક અને સામાન્ય બુદ્ધિ કોરાણે મૂકાઈ જાય છે. સંવેદનશૂન્યતા અને દેખાડાબાજી આવી તસવીરોમાં સાફ ઝલકે છે. હવે ઘણા લોકો સ્વજનનું મૃત્યુ થાય ત્યારે તેમના શબની તેમજ અગ્નિદાહની તસવીરો સુદ્ધાં પ્રકાશિત કરતા જોવા મળે છે, જે સામાન્ય વિવેકનો અભાવ દર્શાવે છે.
નાગરિકધર્મના કેટલાક પાઠ કદાચ નવેસરથી શીખવાનો આ સમય છે, કેમ કે, નવિન આવિષ્કારોએ સુવિધા ઉપલબ્ધ કરાવી દીધી, પણ વિવેક તો આપણે જ કેળવવો પડશે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૮ – ૦૫ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
કલમના કસબી : કનૈયાલાલ મુનશી – કોનો વાંક?
પુસ્તક પરિચય
રીટા જાની
મુનશીના સાહિત્યનો કસબ મેઘધનુષી છે. તેમની પ્રતિભામાં માત્ર એક રંગછટા નથી. ઐતિહાસિક, પૌરાણિક, આત્મકથાના રંગોને માણ્યા બાદ આજે એક નવીન પદચિહ્ન આપણને એક નવા સાહિત્યરસના રંગનો અનુભવ કરાવશે. તે છે તેમની સામાજિક નવલકથાઓ, જે મુનશીના એક નવા કસબનો પરિચય કરાવે છે.
રોજે રોજ વર્તમાનપત્રોમાં જુદી જુદી જગ્યાઓએ બાળકીઓ અને મહિલાઓ સામે થતા અત્યાચારોના પડઘા શમતા જ નથી. ત્યાંથી એક ચિત્કાર સંભળાય છે – કોનો વાંક? સમયના જુદા જુદા પ્રવાહો વચ્ચે વહેતો સમાજ ક્યારેક વિચિત્રતાઓ સાથે પણ જીવતો હોય છે. ક્યારેક સમાજની રૂઢિઓ એવો વળાંક લેતી હોય છે કે સમાજ વ્યક્તિના સુખ અને આનંદના સ્થાને દુઃખ, શોષણ અને ચિત્કારનું પ્રતિક બને છે. આવી વ્યવસ્થાઓ ત્યારે જ બદલાય જ્યારે રૂઢિગત માન્યતા બદલાય અને આ ભગીરથ કાર્યમાં ફાળો આપે છે સાહિત્યના જ્યોતિર્ધર લેખકો. આજે આવી જ એક અદભૂત કૃતિ આપની સમક્ષ પ્રસ્તુત છે. એ છે મુનશીની સામાજિક નવલકથા ‘કોનો વાંક?’
આ નવલકથામાં સામાજિક પરિસ્થિતિ અને પ્રશ્નોનું નિરૂપણ કેવળ સમાજ સુધારક તરીકે જ નહીં પરંતુ બળવાખોરોનું નિરૂપણ પણ મહત્વનું બન્યું છે. પોતાના અનુભવ જગતમાંથી કેટલીક સામગ્રી લઇને મુંબઇના ધમાલીયા જીવનમાં યુવાન હૃદયમાં ચાલતી મૂંઝવણો અને સમાજના અન્ય દૂષણો તથા બંધનોનું આલેખન મહત્વનુ બની રહે છે. 1915માં ‘હિન્દુસ્તાન અને પ્રજામિત્ર’ ના તંત્રી રતનલાલ શાહના દબાણને વશ થઈ મુનશીએ ‘કોનો વાંક’ નવલકથા શરૂ કરી. એના માટે કોલમ દીઠ 1રૂપિયો મળવાનો હતો જે તે સમયમાં સારું ગણાતું. ‘કોનો વાંક’ એ ‘વેરની વસૂલાત’ પછી મુનશીની બીજી સામાજિક નવલકથા છે. ન્યાતમાં એક મિત્રની પત્ની બાળવિધવા થઈ હતી. તેના દુઃખોની ઊંડી છાપ મુનશીના મન પર હતી, જે આ કથાના મૂળમાં છે. તેઓ જ્યારે એલ. એલ. બી. નો અભ્યાસ કરતાં ત્યારે કાંદાવાડી રહેતા તે વખતની મનોદશાની છાપ પણ આ કથા પર છે. તો મહાયોગી મહારાજની કથા પણ તેમના અનુભવની જ નીપજ છે. આ સમયની તેમની સામાજિક નવલકથામાં પોતાની, પોતાના મિત્રોની ને જગતની ઠેકડી કરવાનો ભાવ પણ સ્પષ્ટપણે ઉપસે છે. તો ક્યારેક નિર્દોષ વિનોદવૃત્તિ કરતાં ડંખભર્યો કટાક્ષ વધુ પ્રભાવી બને છે. ‘કોનો વાંક’માં બંડખોર સમાજલક્ષિતા છતી થાય છે. આ કથામાં મુનશીએ સમાજ સામે બંડ પોકારતી બાળવિધવા મણિનું જીવંત વ્યક્તિત્વ વાળું પાત્ર આલેખ્યું છે. સામાજિક નવલકથાઓમાં મુનશીના ધારદાર કટાક્ષ પ્રગટે છે. મુનશીની કથનશૈલી સીધી અને સચોટ છે, સાથે તેમના તેજસ્વી પાત્રો ને ઘટનાઓનો ધસમસતો પ્રવાહ વાચકોને જકડી રાખે છે.૮ વર્ષની મણિના બાળવિવાહ થાય છે. લગ્ન શું છે તેની સમજ પડે એ પહેલાં તો લગ્નના 3 મહિનામાં જ તે વિધવા બની. થોડાં વર્ષો વીત્યે પિતાએ વિધવા પુત્રીને ઘાતકીપણે રીબાવે એવા સાસરિયાંને આશરે મૂકી. અત્યંત રૂપવતી, કોડભરી મણિ ટ્રેનમાં એક નાના ગામડાના સ્ટેશને ઉતારી પડી. ને ત્યાં આખા ગામમાં પિતાતુલ્ય ગણાતા જોરા ભગતને ત્યાં તેણે દીકરીને જન્મ આપ્યો. દીકરીને જોરા ભગતને ત્યાં સોંપીને તે શહેરમાં જાય છે.
સંસારના અરણ્યમાં રઝળતી મણિને જુદા જુદા સમયે અલગ અલગ સંજોગોમાં કેવા લોકોનો ભેટો થયો અને એ સંજોગોનો તેણે કઈ રીતે સામનો કર્યો તે ઘટનાઓની વાતો હૃદયના ધબકારા વધારી દે છે. એક તરફ આજની પેઢીને આશારામ બાપુ કે રામરહિમની યાદ અપાવે એવા મહાયોગી મહારાજ છે તો બીજી તરફ સમાજ ઉદ્ધારિણી સભાના પ્રમુખ રાવસાહેબ ગંભીરલાલ છે, જે પોતાની આબરૂ – મોભાને ખાતર તેના સ્વચ્છંદનો ભોગ બનેલી મણિને ભોળવીને છોડી દે છે. આ સભાના બીજા સભ્યો છે વકીલ મિ. મારુતિ, ડૉ.ધનેશચંદ્ર અને પ્રેસવાળા મિ.તરફડદાસ, જેમને જાહેર ચળવળ કરવાનો અભરખો છે, ભાષણ કરવાનો લહાવો લેવો છે, છાપામાં જાહેરખબર આપવી છે. આમાંથી એક પણ વ્યક્તિને ખરેખર સંસાર સુધારણા માટે કામ કરવું નથી. પણ ફક્ત કામનો દેખાવ કરવો છે. ડૉ. ધનેશચંદ્ર વાત તો પ્રેક્ટીકલ પગલાંની ખામીની કરે છે. પણ જ્યારે ખરેખર વિધવાવિવાહ કરવાની વાત આવે છે, ત્યારે છૂટી પડે છે. આ ઉપરાંત એક ચંદુલાલ શેઠ છે, એક રામજણી તુંગભદ્રા છે , જે યેન કેન પ્રકારેણ મણિને ફસાવવા માગે છે. આ દુનિયા દ્વંદ્વથી ભરેલી છે. રાત દિવસ, પ્રકાશ અંધકાર, સુખ દુઃખ, સારું ખરાબ બધું સાથે જ હોય છે. મણિના જીવનમાં પણ એવા સારા લોકો આવે છે, જેમાં એક છે જોરા ભગત, જે તેને આશ્રય આપે છે, તેની દીકરીની જવાબદારી લે છે. એક છે મુચકુંદ, જે ભાગેલી મણિને સમાજ અને પરિવારના વિરોધની પરવા કર્યા વગર આશરો આપે છે, સાચી લાગણી ને હૂંફ આપે છે. તો એક છે મોઘારામ, જે ફક્ત માનવતાની રાહે મણિને મદદ કરે છે. અને મદદ કરતાં તેને જેલમાં જવું પડે છે તો પણ પીછેહઠ કરતા નથી.
જીવનની આ લડાઇમાં મણિ પોતાના સિદ્ધાંતો, આદર્શો કે વિચારો સાથે બાંધછોડ કરતી નથી. કઠિન પરિસ્થિતિઓનો મુકાબલો કરે છે. તેમાં તેની યુવાની, તેની આશાઓ, તેના અરમાનો, તેના પ્રેમ, એટલે સુધી કે તેની દીકરીના જીવનનો પણ ભોગ લેવાય છે. છતાં તે હિંમત હારતી નથી. અને સંજોગો અને સમાજની વિષમતાઓ સામે ઝઝુમે છે. અને તેથી જ મુનશી કથાના અંતે પૂછે છે કે કેટલીય મણિઓ અને કેટલાયે મુચકુંદો સમોવડા જોડા વિના, અસમાન જોડને સહન કરતાં, નરક સમા સંસારના ઉચ્છેદક અનુભવો કરતાં ભવ પૂરો કરે છે. કોનો વાંક?
જે સમાજ દૂષણને ભૂષણ માને તેનું ભાવિ અંધકારમય હોય છે. આવો સમાજ કાળના પ્રવાહ સામે ટકી શકતો નથી. આવા સમાજને સ્વસ્થતા તરફ દોરી જવાનું કાર્ય સમાજના જ્યોતિર્ધરનુ છે.
સુશ્રી રીટાબેન જાનીનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું: janirita@gmail.com
