-
મહેન્દ્ર શાહનાં મે ૨૦૨૩નાં સર્જનો
મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો
Mahendra Shah’s art Creations for May 2023
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
ગરવા ગરમાળા પાસેથી કુદરતના પદાર્થ પાઠોનું શિક્ષણ
સ્વ-વિકાસ : વિચાર વલોણું
તન્મય વોરા
જ્યારે જ્યારે હું ગરમાળાનું વૃક્ષ (અંગ્રેજીઃ “ગોલ્ડન શાવર ટ્રી”, શાસ્ત્રીયઃ કેસિયા ફિસ્ટુલા, હિંદીઃ અમલતાસ) જોઉં છું ત્યારે હું હંમેશા આશ્ચર્યચકિત થઈ જાઉં છું. આ વૃક્ષ ભર ઉનાળે સુંદર અને તેજસ્વી પીળાં ફૂલોથી ખીલે છે.

તસવીરકાર:: તન્મય વોરા | સ્થળ: ઈંદ્રોડા પ્રાકૃતિક ઉદ્યાન, ગાંધીનગર તેને બેસેલો મોર એટલો વિપુલ હોય છે કે આખું ઝાડ નાજુક ડાળીઓ પર નીચે તરફ લટકતા પીળા ફૂલોથી ઢંકાયેલું રહે છે. તેની નીચે ઉભાં રહેવાથી સોનાંની વર્ષા થવાની લાગણી આપણાં મનમાં ખીલે છે. ખુબ ઠંડા દેશોમાં ભર શિયાળે, જ્યારે ચારે બાજુ બરફછવાયેલો હોય ત્યારે પણ કેટલાંક ફૂલો ખીલેલાં જોવા મળે છે.
સૂર્યનાં સીધાં કિરણોને કારણે પડતી અસહ્ય ગરમીવાળાં સુકાંભઠ વાતવારણ જેવી સૌથી પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ ગરમાળો તેની ચરમ સીમાએ ખીલે છે.
રસ્તાની બન્ને બાજુએ લાઈનસર લગાવેલાં ગરમાળાનાં વૃક્ષો રસ્તાને સોનેરી અને પીળા રંગની અનોખી છટાથી શણગારેલ રાખે છે
ગરમાળો આપણને કાયમ યાદ અપાવે છે કે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં અનુકૂલન એ આપણો બીજો સ્વભાવ હોવો જોઈએ. તેની સોનેરી ઘટાટોપ આભા આપણને શીખવે છે કે ક્યારેક ક્યારેક પ્રતિકૂળતા પણ આપણા વિકાસ માટે, આપણાં પુરેપુરાં ખીલી ઊઠવા માટે, આપની બધી શક્તિઓની આભાને પ્રકાશમાં લાવવાની આદર્શ સ્થિતિ સર્જી શકે છે.
જો આપણે કુદરતની સાથે તાલમેલ મેળવી શકીએ તો કુદરત એક મહાન શિક્ષક બની રહી શકે છે.
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
વિરોધાભાસોમાંના સર્વસામાન્ય વિષયવસ્તુઓ : અસીમ પીછેહઠ
જ્ઞાન સાથે રસ પણ પડે એવા વિરોધાભાસો
સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ
સ્વ- સંદર્ભ (self-reference), અસીમ પીછેહઠ (infinite regress), ગોળગોળ પરિભાષાઓ (circular definitions) અને અમૂર્ત વિચારણાનાં (abstraction) અલગ અલગ સ્તરો વચેની ગૂંચ કે સંદિગ્ધતા એ બધાં વિરોધાભાસોનાં સર્વસામાન્ય વિષયવસ્તુઓ છે.
અસીમ પીછેહઠ /infinite regress એવી અનન્ત શ્રેણી છે જેનું સંચાલન પહેલાંની ઘટના પર કેટલી આધારિત છે કે તેને કારણે પેદા થાય છે એવા પુનરાવર્તિત સિદ્ધાંતથી દોરવાય છે.
અસીમ પીછેહઠ દલીલમાં ખુલાસો હોય છે, પણ એ ખુલાસાનો પાછો પહેલાં જોવો જ બીજો, ખુલાસો હોય એવી અનંત શ્રેણી વણાયેલી જોવા મળે છે. આવા ખુલાસાઓને એન્જિયરિંગમાં કોઈ વસ્તુને મુક્ત રીતે પકડવામાં વપરાતા આંકડા પરથી આકાશી આંકડા / skyhooks પણ કહે છે. જો એવા અનંત આંકડાઓ હોય તો પુલો કે ઊંચાં મકાનોને બાંધવામાં લટકાવી રાખવા પડતા ગર્ડરને પકડવા માટે ક્રેનની જરૂર જ ન રહેત!
અનંત પીછેહઠ દલીલનો ઉપયોગ મોટે ભાગે બ્રહ્માંડની રચના જેવી અનંત કારણો વડે સમજાવી શકાય તેવી વસ્તુનાં અસ્તિત્વને સમજાવવા માટે થતો હોય છે. જેમકે બ્રહ્માંડની રચના કોઈ અતિપ્રબળ શક્તિથી થઈ. એ અતિપ્રબળ શક્તિની રચના બીજી કોઈ પ્રબળ શક્તિથી થઈ અને એમ અનંતપણે ચાલતું રહે.
એક સરળ ઉદાહરણ તરીકે એક ભરેલી ડોલને એકબાજુથી લઈને બીજી બાજુએ ઉભેલા જણને સોંપી દેતી માણસોની કતારની કલ્પના કરો.

જો દરેક વ્યક્તિને તેની પહેલાંની વ્યક્તિ ભરેલી ડોલ સોંપતી હોય તો સૌ પહેલી ઊભેલી વ્યક્તિ પાસેથી ભરેલી ડોલ ક્યાંથી આવી ?
આવાં દરેક કાર્યકારણની સાંકળમાં એક કારણ પરથી તેની અસરરૂપ કાર્ય થવામાં થોડો તો સમય લાગી જ જાય. હવે વણથંભી કાર્યકારિણીમાં તો એક અસરનું એક કારણ છે જે બીજી અસર કરે છે અને એ અસરની પાછળ પાછળ બીજું કારણ હોય એવી અનંત સાંકળ બનવાની. હવે પહેલું કાર્ય કે કારણ પરથી અસ્તિત્વમાં આવ્યું તે માટે થોડો સમય તો વીત્યો જ હશે. એટલે આ વણથંભી સાંકળનાં સર્જનમાં તો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની જેમ થોડી ક્ષણો તો ગઈ જ હશે. પણ જે વર્તમાન હતું તે થોડી ક્ષણોમાં ભૂતકળ બની ગયું અને જે ભવિષ્ય છે તે થોડી ક્ષણોમાં વર્તમાન બની રહેશે. અસીમ પીછેહઠની દલીલમાં તર્કદોષ લાગતો આવો વિરોધાભાસ જોવા મળે છે.
એ જ રીતે એક છેડો છૂટ્ટો હોય એવું દોરડું કલ્પીએ. જો દોરડું અસીમ લાંબું હશે તો તેનો છેડૉ જ ન આવી શકે. અને કદાચ, છેડે પહોંચી પણ જઈએ તો હજુ તેમાં ઉમેરો કરતાં રહીને દોરડાંને લાંબું કરતાં જ જવાય. પણ આવું સાવ તો શક્ય નથી. જો કંઈ પણ ભૂતકાળમાં અનંતપણે પાછળ જતું રહી શકે તો એનો એક અર્થ તો એ થયો કે આપણે આજે જ્યાં છીએ તે વર્તમાન પણ કદી આવે નહી અને જેમ જેમ સમય જતો જાય એમ વર્તમાન પળ દૂર જ થતી રહે. જેનો કોઇ અંત જ નથી એવાં અનંતને પોતાનામાં ઉમેરા કરવા તો ન જ ગમે.

બીજું એક બહુ જાણીતું ઉદાહરણ હિલ્બર્ટની ભવ્ય હૉટલના વિરોધાભાસનું છે.

ધારોકે હિલ્બર્ટની હોટલમાં મહેમાનો માટે અનંત સંખ્યામાં ઓરડાઓ છે, જેમાં અનંત સંખ્યામાં મહેમાનોએ ઓરડા નોંધાવી લીધા છે. એક સીધો અર્થ તો એ જ થયો કે હોટલ હવે પુરેપુરી ભરાઇ ગઈ છે. પણ અનંત અવસ્થા તર્કને માનતી નથી. માનો કે હજુ એક વધારે મહેમાનને ઓરડો જોઈએ છે. હોટલના કર્મચારીઓ પહેલા નંબરના ઓરડાના મહેમાનને પછીના ઓરડામાંં અને તે પછીના મહેમાનને તેનાથી પણ પછીના ઓરાડામાં ખસેડે એટલે એક ઓરડો તો ખાલી મળી જ જાય. એટલે કે ∞+1=∞ એવો તાર્કિક હિસાબ થાય.
એજ રીતે ∞−1=∞ સમજવા માટે પહેલા નંબરના ઓરડાનો મહેમાન ઓરડો ખાલી કરે તો તે પછીના ઓરડાઓમાંના મહેમાનોને એક એક ઓરડો આગળ લાવી દો. તો પણ અનંત સંખ્યાના ઓરડાઓમાં મહેમાનોની સંખ્યા અનંત જ બની રહેશે.
અસીમ પીછેહઠનું હજુ એક જાણીતું ઉદાહરણ આપણે જેને ઈંડું પહેલું કે મરઘી પહેલી કોયડા તરીકે ઓળખીએ છીએ તે છે. સામાન્યપણે આ કોયડાને ‘નીચે છેક સુધી શીલાઓ જ છે’ એવાં શીર્ષકથી જુદાં જુદાં સ્વરૂપમાં વર્ણવવામાં આવે છે. આ ઉદાહરણનું સૌથી જૂનું કથાનક ૧૮૩૮માં જોવા મળેલું. ન્યુ યોર્ક મિરરના એ સમયના અંકમાં એક અનામી લેખક દ્વારા જંગલમાં વસતા એક કિશોર અને એક વૃદ્ધા વચ્ચેનો આ સંવાદ પ્રસિદ્ધ થયો હતો.
મેં કંઈક વધારે જ્ઞાન મેળવ્યું છે તે દેખાડવાની તક મળી હતી એટલે મેં ઉત્સાહથી કહ્યું, ‘દાદી, દુનિયા પુરેપુરી ગોળ નથી, પણ થોડાં ચપટાં સંતરાં જેવી છે, અને પોતાની ધરી પર ચોવીસ કલાકે એક ચક્કર ફરી રહે છે.’
દાદીએ જવાબમાં ‘એ ધરી-બરી વિશે મને કંઈ ખબર ન પડે. પણ મને એટલી તો ખબર જ છે આપણે તેના પરથી બહાર ફેંકાઈ નથી પડતાં એટલે તે ગોળ ગોળ ફરતી તો નથી જ. અને એ તો દેખાય જ છે કે તે ગોળ નથી પણ કોઈ શિલા પર ટકી રહેલ ચોરસ મેદાનનો મોટો ટુકડો છે.’
‘શીલા પર ટેકવાઈ છે.? પણ તો એ શીલાને કોણે ટેકો કર્યો?’
‘કેમ વળી, બીજી એક શીલાએ.’
“તો એ શીલાને કોણે ટેકો કર્યો?’
‘અરે મૂર્ખા, તું તો બુદ્ધુનો બુદ્ધુ જ રહ્યો. છેક નીચે સુધી એકબીજી શીલાઓ એકબીજાંને ટેકો કર્યા જ કરે છે.’
હિંદુ પુરાણોમાં આવી જ એક કથા છે જે અકૂપાર કે ચુક્વા (મહાકાય કાચબા)ની કથા તરીકે જાણીતી છે. એ કથામાં એવી દલીલ છે કે ,’ બહુ તાકાત ન ધરાવતી દેખાતી સમડી પોતાની ચાંચમાં એક સાપને પકડીને ત્ર્ણ ચાર કલાક આકાશમાં ઉડતી રહી શકે તો અકલ્પ્ય તાકાત ધરાવતા ઈશ્વર એક કાચબાના સ્વરૂપમાં પૃથ્વીને પોતાની પીઠ પર એક કલ્પ (કરોડો વર્ષ) સુધી ટેકવી ન શકે?’
અસીમ પીછેહઠને ગાણિતિક કે તત્વદર્શી દૃષ્ટિકોણથી સમજવું થોડું મુશ્કેલ જરૂર લાગશે. પણ સરળ શબ્દોમાં એટલું જ કહી શકાય કે માનવ સ્વભાવમાં કોઈ પણ એક બીનાનું કારણ હોય જ છે તેમ તે માને છે. એટલે ક્યાંકથી પણ એ કારણ શોધી પણ કાઢે છે. અને પછી એ જ કારણ સાચું છે તે સમજાવવા એક પછી એક એકબીજાં સાથે સંકળાયેલ કારણોનાં કારણોની અસીમ હારમાળા સર્જાતી રહે છે. કહે છે ને કે “’વા વાયોને નળિયું ખસ્યું, એ જોઈને કૂતરૂં ભસ્યું, કોઈ કહે મેં દીઠો ચોર, બહુ થયો ત્યાં શોરબકોર…..”’
Reference sources and further study materials:
J W Dunne and the infinite regress
Understanding Infinity and Infinite Regress
Why is infinite regress a fallacy?
Did the Chicken Come First or Is It Turtles All the Way Down? – The apparent paradox of the chicken and the egg smells like “turtles all the way down.” This puzzle shows how biology and physics can overcome infinite regress.
Puzzle with infinite regress – is it turtles al -the way down?
-
વાઘ આવ્યો રે વાઘ! ખરેખર!
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
સમાચાર પહેલી દૃષ્ટિએ આનંદ પમાડે એવા છે. વર્ષ ૨૦૨૨માં કરાયેલી વાઘની વસતિ ગણતરીનો અહેવાલ પ્રકાશિત થયો છે, અને તેમાં વાઘની સંખ્યામાં વધારો થયો હોવાનું જણાયું છે. વિનાશ પામી રહેલા વાઘના સંવર્ધન માટે ૧૯૭૩માં તત્કાલીન વડાપ્રધાન ઈન્દીરા ગાંધીના કાર્યકાળ દરમિયાન ‘પ્રોજેક્ટ ટાઈગર’નો આરંભ કરવામાં આવ્યો હતો. આ પ્રકલ્પની પચાસમી જયંતિએ આટલા સારા સમાચાર સૂચવે છે કે પ્રકલ્પ પોતાનો હેતુ સિદ્ધ કરવામાં ઘણે અંશે સફળ રહ્યો છે. છેલ્લે 2018માં આપણા દેશમાં વાઘની કુલ સંખ્યા૨,૯૬૭ હતી, જે ચાર વર્ષમાં વધીને ૩,૧૬૭ સુધી પહોંચી છે. એટલે કે આ ચાર વર્ષમાં બસો વાઘનો વધારો થયો છે. સમગ્ર વિશ્વની વસતિ પૈકીના પંચોતેર ટકા વાઘ હવે ભારતમાં છે. આ અગાઉ ૨૦૦૬માં વાઘની વસતિ સૌથી ઓછી, ચૌદસો થઈ ગઈ હતી. એકાદ વર્ષ અગાઉ એવી ચોંકાવનારી હકીકત જાણવા મળી હતી કે રાજસ્થાનના સારિસ્કા અભયારણ્યમાં વાઘ બિલકુલ રહ્યા નથી.

તસવીર – નેટ પરથી વાઘ એ બિલાડી કુળનું પ્રાણી છે, જેને જાણકારો ‘કેટ’ તરીકે સંબોધે છે. વિશાળકાય બિલાડીઓ સાત જાતની છે, જેમાં વાઘ, લેપર્ડ, જેગુઆર, સિંહ, સ્નો લેપર્ડ, ચીત્તો અને પ્યુમાનો સમાવેશ થાય છે. આ પ્રસંગે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ઈન્ટરનેશનલ બીગ કેટ્સ એલાયન્સ‘નો આરંભ કરવાની ઘોષણા પણ કરી છે, જે આ સાતે મોટી બિલાડીઓની પ્રજાતિના સંવર્ધન માટેની બહુરાષ્ટ્રિય યોજના હશે. આ જાણીને ખુશી કેમ ન થાય?
આમ છતાં, કેટલાક મુદ્દા એવા છે કે જે વિશેષ ધ્યાન માગી લે છે. કેવળ વસતિવધારાથી ખુશ થઈ જવાને બદલે આ મુદ્દા પર વિચાર કરવા જેવો છે. છેલ્લામાં છેલ્લી વસતિ ગણતરી અનુસાર ઝારખંડ, ઓડિસા, છત્તીસગઢ, તેલંગણા અને આંધ્ર પ્રદેશમાં વાઘની સંખ્યામાં ઘટાડો થયો છે. એ જ રીતે, જૈવવિવિધતા માટે જાણીતા પશ્ચિમ ઘાટના વિસ્તારમાં પણ વાઘની સંખ્યા ઘટી છે. મહદંશે શિવાલીકની ગિરિમાળા અને ગંગાનાં મેદાની પ્રદેશમાં વાઘની સંખ્યા વધી છે. કોઈ પણ પ્રાણીના સંવર્ધન માટેના પ્રકલ્પમાં કેવળ તેની સંખ્યામાં થતા વધારા જેટલું જ મહત્ત્વ તેના વિભાજન અને વિસ્તારનું છે. એ રીતે જોતાં પચાસ વર્ષ પહેલાં વાઘની સંખ્યાનો નકશો વર્તમાનની સરખામણીએ સાવ જુદો હતો.
હાલના આંકડા અને તેના વિભાજન અનુસાર પૂર્વ, મધ્ય અને ઈશાન ભારતમાં વાઘની સંખ્યા ઓછી છે. દક્ષિણના કેટલાક વિસ્તારોમાં પણ તેની સંખ્યા ચિંતાજનક રીતે ઓછી છે. એટલે કે વાઘની સંખ્યા વધી છે ખરી, પણ તેનું વિભાજન અસમાન રીતે થયેલું છે. છ આરક્ષિત વિસ્તાર ધરાવતા રાજ્ય મધ્ય પ્રદેશમાં સૌથી વધુ સંખ્યામાં વાઘ છે. આરક્ષિત વિસ્તારના મુખ્ય ક્ષેત્રોમાં પ્રાણીની સંખ્યા વધે ત્યારે તેમાંના કેટલાક સ્થળાંતર કરતા હોય છે. આને કારણે તેમની માનવોના સંપર્કમાં આવવાની સંભાવના વધી જાય છે.
અમુક મર્યાદિત વિસ્તારમાં કોઈ એક જ પ્રજાતિની સંખ્યા વધુ હોય તો તેની પર વિવિધ પ્રકારનું જોખમ વધુ રહે છે. તે આનુવંશિક એકરૂપતા પેદા કરી શકે છે, જેને કારણે તેમનામાં કોઈ ચેપના પ્રસરવાની સંભાવના વધુ રહે છે. હવે વનવિસ્તાર સતત ઘટતો ચાલ્યો છે, જેને કારણે વાઘ તેમજ અન્ય વન્ય પશુઓની જંગલમાં હેરફેર ઘટી રહી છે. વનની ગુણવત્તા એટલે કે ગીચતા બહુ મહત્ત્વનું પરિબળ છે. કેમ કે, વનવિસ્તાર ઘટે એમ વાઘના શિકારનો વિસ્તાર પણ ઘટે. આવા જ કારણસર આનુવંશિક રીતે વિશિષ્ટ ગણાતા ઓડિસાના સીમલીપાલ વાઘ પર જોખમ તોળાઈ રહ્યું છે. ઘણાં વરસોથી તેની વસતિ સતત ઘટતી રહી છે.
વન્ય પશુઓ તેમજ વૃક્ષો અને અન્ય વનસ્પતિ સહિતની વનપ્રણાલિનું સંતુલન યોગ્ય રીતે જળવાય તો જ સંવર્ધનનું લક્ષ્ય યોગ્ય રીતે સિદ્ધ થઈ શકે. છેલ્લા વરસોમાં વનમાં દબાણ, શિકાર, ખનનકાર્ય, ઔદ્યોગિક ગતિવિધિઓમાં વધારો થતો રહ્યો છે. વાઘ-માનવ સંઘર્ષના બનાવ વધી રહ્યા છે. તેની સરખામણીએ વાઘ દ્વારા શિકાર કરી શકાય એવાં પશુઓ ઘટી રહ્યાં છે. આટલું ઓછું હોય એમ જળવાયુ પરિવર્તનની વિપરીત અસર સમગ્ર પર્યાવરણ પર અનુભવાઈ રહી છે. વર્ષ 2030 સુધીમાં વાઘની વસતિ પાંચ હજારે પહોંચવાનો અંદાજ છે. આટલા વાઘને સમાવવા માટે વનવિસ્તાર પણ પૂરતો હોવો જોઈએ, જેથી વાઘ- માનવ વચ્ચેનો સંઘર્ષ ઓછામાં ઓછો બની રહે. વન અને વન્ય પેદાશ પર નભતા લોકોનો આ કાર્યમાં સહયોગ લેવો અતિ આવશ્યક છે, કેમ કે, આ લોકો વરસોથી પરંપરાગત રીતે સહજીવન જીવતા આવ્યા છે.
વાઘની વસતિ બાબતે જોવા મળ્યું છે એમ દેશના કેટલાક વિસ્તારોમાં તેની સંખ્યા અપ્રમાણસર રીતે વધી છે. જ્યારે અમુક ભૂતકાળનાં એવાં સ્થળોએથી વાઘ કાં સાવ લુપ્ત થઈ ગયા છે યા ઘટી ગયા છે. ‘પ્રોજેક્ટ ટાઈગર’ના આરંભ વખતે 1973માં દેશમાં વાઘ માટે ફક્ત નવ આરક્ષિત વિસ્તાર હતા, જે પચાસ વર્ષમાં વધીને 53 થયા છે. અલબત્ત, એમાંના પંદર આરક્ષિત વિસ્તાર કાં લુપ્ત થઈ ગયા છે કે વાઘ માટે કામના રહ્યા નથી.
આ પ્રકલ્પનો હેતુ વાઘની વસતિ વધારવા પૂરતો મર્યાદિત નથી. લુપ્ત થતા વાઘને જાળવવાનું કામ જરૂરી અવશ્ય છે, અને એ આ પ્રકલ્પ થકી સિદ્ધ થઈ ગયું છે અને હજી થતું રહેશે. પણ એની સાથે સંકળાયેલી અન્ય બાબતો એટલી જ જરૂરી છે. પચાસ વર્ષ પછી હવે આ પ્રકલ્પનું લક્ષ્ય વિસ્તારીને વાઘના સમાન વિભાજનનું અને એ માટે જરૂરી વનવિસ્તારના વિસ્તરણનું થાય એ જરૂરી છે. કુદરતી ક્રમમાં માનવ પોતાના સ્વાર્થ ખાતર જે અવિચારી પરિવર્તન લાવે તેનો ભોગ તેની જ આવનારી પેઢીઓએ બનવું પડે છે, એમ તેનું પ્રાયશ્ચિત પણ તેની ભાવિ પેઢીએ કરવાનું આવે છે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૫ – ૦૫ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
અભિગમ- ખંત
હકારાત્મક અભિગમ
રાજુલ કૌશિક
ગોકળગાય…. અત્યંત ધીમી ગતિએ આગળ વધતો જીવ. ન કોઇ ઉતાવળ ન કોઇ રઘવાટ કે ન કોઇ રેસ જીતવાના અભરખા. એ તો બસ પોતાની ગતિએ જ મસ્ત રહેતો જીવ. આપણે પણ કોઇ સાવ ધીમી ગતિએ કામ કરતી વ્યક્તિને ગોકળગાય સાથે જ સરખાવીએ છીએ ને?
અહીં વાત કરવી છે આવે જ એક ધીમી ગતિના સમાચાર જેવી ગોકળગાયની. પુર બહારમાં ખીલેલી વસંતની મસ્તી ચારેકોર ફેલાયેલી હતી. આવી સરસ મઝાની મોસમમાં એક ગોકળગાયે એની મસ્તીમાં મતલબ એની ગતિએ ચેરીના ઝાડ પરનું ચઢાણ શરૂ કર્યું. ઝાડ પર બેઠેલા પક્ષીઓએ આ જોયું. પહેલા તો ગોકળગાયના આ પ્રયાસની ખાસ નોંધ ના લીધી. માન્યુ કે આમતેમ જરા-તરા ઝાડ પર ચઢીને આ ગોકળગાય પાછી વળી જશે પરંતુ થોડો સમય જતાં ફરી જોયું કે ગોકળગાયે તો નિશ્ચિત ગતિએ ઝાડ પરની પોતાની સફર ચાલુ જ રાખી હતી. આ જોઇને પક્ષીઓને નવાઇ લાગી અને ગોકળગાયના પ્રયાસ પર જરા હસુ પણ આવ્યું.
ગોકળગાયની અવિરત સફર જોઇને એક પક્ષી ઊડીને તેની પાસે આવ્યું અને કહ્યું , “ તને ખબર તો છે ને કે ઝાડ પર એક પણ ફળ નથી?”
“ જાણું છું”…ગોકળગાયે પોતાની ગતિને વળગી રહીને જવાબ આપ્યો.
તો શા માટે વ્યર્થ મહેનત કરે છે?”
“મને ઝાડની ટોચે પહોંચતા કેટલો સમય લાગશે એની મને જાણ છે અને હું જ્યારે ઝાડની ટોચે પહોંચીશ ત્યારે તો ફળો આવી ગયા હશે એની ય મને ખબર છે.” જરાય અટક્યા વગર કે ચલિત થયા વગર ગોકળગાયે જવાબ આપ્યો.
સીધી વાત-સૌને આગળ વધવાની તમન્ના હશે . ક્યાંક કશુંક પામવાની ખેવના હશે. એ માટે કેટલા અને કેવા પ્રયાસો કરવા પડશે એનો ય કદાચ ક્યાસ કાઢેલો હશે પણ એ સેવેલું સપનું સિદ્ધ કરવા કેટલો સમય લાગશે એનો અંદાજ હશે ખરો? અને એ સ્વપ્ન સાકાર કરવાના તમામ અવરોધો પાર કરવાની હામ હશે ખરી? “હું જ્યારે ટોચ પર પહોંચીશ ત્યારે ઝાડ પર ફળો આવી ગયા હશે” એવો વિશ્વાસ ધરાવતી પેલી ગોકળગાયની જેમ સફર તય કર્યા પછી અવશ્ય મંઝીલ પ્રાપ્ત થશે જ એવી દ્રઢતા અને મંઝીલ પ્રાપ્ત કરવા માટે જરૂરી સમય ફાળવવાની તૈયારીની ય જરૂરી છે કારણકે સફળતાનો કોઇ શોર્ટકટ નથી હોતો. આંબો વાવ્યા પછી પણ એની પાછળ ખાતર-પાણી- માવજત અને લાં……..બા સમયની ધીરજ પણ જરૂરી છે. પેલી ગોકળગાયની જેમ મંઝીલે પહોંચવા ગમે તેટલો સમય લાગે એને પાર પાડવા મહેનત કરવાની મરજી ય હોવી જરૂરી છે.
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
‘ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ’ શ્રેણીના પ્રારંભે પૂર્વભૂમિકા
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
જેમ ફિલ્મી ગીતોની એક અલાયદી દુનિયા છે તેમ એ દુનિયાની ભીતરે ફિલ્મી ગઝલોનું પણ એક નાનકડું પણ અનોખું વિશ્વ છે.
આ ફિલ્મી ગીતો, ગઝલો અને નઝ્મોની એક વિડંબના એ કે અનેક કિસ્સામાં એ રચનાની તરજ એવી મનભાવન હોય કે આપણે બહુધા એમાં જ ખોવાયેલા રહીએ અને એમાં નિહિત અદ્ભુત કવિતાતત્વને વણદેખ્યો કરી દઈએ. હકીકત એ છે કે એવા હજારો ફિલ્મી ગીત છે જે સ્વયંમાં ઉત્તમ કવિતાઓ પણ છે.
કોઈ બંદિશ ગીત છે કે નઝ્મ કે ગઝલ એ નક્કી કરવા એના શબ્દોને વાચ્ય સ્વરૂપમાં જોવું – વાંચવું અનિવાર્ય છે કારણ કે કવિતા એ લેખનની કળા છે. ગઝલના પરંપરાગત લહેજામાં ગાયેલી અનેક ચીજ વસ્તુત: ગઝલ હોતી નથી અને સરળ ગીત લાગતી કોઈ રચના વાસ્તવમાં ગઝલ હોય છે !
મોટા ભાગના લોકો જાણે છે છતાં પુનરુક્તિનો દોષ વહોરી સાવ ટૂંકમાં કહી દઉં કે ગઝલમાં એક સમાન લંબાઈ અથવા બહરના ત્રણ, ચાર, પાંચ કે વધુ બંધ હોય છે જેને શેર કહે છે અને દરેક શેરમાં બે પંક્તિઓ હોય છે. ગઝલના પહેલા શેરને મત્લા કહે છે જેમાં ( સામાન્યત: ) બન્ને પંક્તિઓના અંતે એક સમાન શબ્દ કે શબ્દ – ઝૂમખું હોય જેને રદીફ કહે છે અને એ શબ્દો પહેલાં એક પ્રાસમય શબ્દ ( જેમ કે કણ , મણ, જણ, ધણ ) આવે તેને કાફિયા કહે છે. મત્લા પછીના શેરોમાં માત્ર બીજી પંક્તિમાં આ કાફિયા અને રદીફ આવતા રહે છે. ગઝલના દરેક શેર વિચારની દ્રષ્ટિએ એક જ વાત કરતા હોય એ બિલકુલ જરૂરી નથી. ગઝલના અંતિમ શેરને મક્તા કહે છે જેમાં શાયરના તખલ્લુસનો ઉલ્લેખ હોય. જોકે બહુધા ફિલ્મી ગઝલોમાં મક્તા હોતો નથી. આ સામાન્ય નિયમો છે. બાકી આગળ ઉપર .
આ લેખમાળાની પ્રેરણાનો સ્રોત એ કે પુરાણા ફિલ્મી ગીતોના શોખીન એક મિત્રએ મને કહ્યું કે એમને સંગીતકાર રોશનની મોહમ્મદ રફીએ ગાયેલ લગભગ એક જ પ્રકારની બે ‘ ગઝલો ‘ ખૂબ ગમે છે. આ :
અબ ક્યા મિસાલ દૂં મૈં તુમ્હારે શબાબ કી (ફિલ્મ : આરતી ૧૯૬૨)
જો બાત તુજ મેં હૈ તેરી તસવીર મેં નહીં (ફિલ્મ: તાજમહલ ૧૯૬૩)
કબૂલ કે બન્ને બંદિશો ઉત્તમ છે પણ એમાંની એક પણ ગઝલ નથી ! (એટલા માટે કે બન્નેના શબ્દો ગઝલની ઉપરોક્ત વ્યાખ્યામાં સ્હેજેય બંધબેસતા નથી.)
‘ અનપઢ ‘ ફિલ્મની લતાની બે ‘ ગઝલો ‘ મશહૂર છે જેમાંની એક ગઝલ છે, એક નહીં ! [1]
અલામા ઈકબાલની પ્રસિદ્ધ રચના ‘ સારે જહાં સે અચ્છા હિંદોસ્તાં હમારા ‘ દરઅસલ એક ગઝલ છે કારણ કે એ ગઝલના શાસ્ત્રોક્ત બીબાંમાં છે.
પોતાના ફિલ્મી ગીતોના કારણે સુવિખ્યાત એવા અનેક શાયરો છે ( જેવા કે સાહિર લુધિયાનવી, શકીલ બદાયુની, કૈફી આઝમી, મજરુહ સુલતાનપુરી, ગોપાલદાસ નીરજ ) જે ફિલ્મોમાં આવતાં પહેલાં જ પોતાની ગઝલો દ્વારા નામ કમાઈ ચૂક્યા હતા પણ ફિલ્મોના કારણે જ એ સૌ વિશાળ જનસમૂહ લગી પહોંચ્યા.
આવા અને એમના જેવા બીજા સોએક ફિલ્મી ગીતકારોનો સંક્ષિપ્ત પરિચય એમણે ફિલ્મો માટે લખેલી ગઝલો દ્વારા મેળવવાનો પ્રયત્ન શરુ કરીએ છીએ. પ્રયત્ન એ રહેશે કે દરેક ફિલ્મી ગીતકારની (હા – માત્ર સિત્તેર અથવા એ પહેલાંના દશકોના જ ગીતકારો !) બબ્બે એવી ગઝલોનું પઠન ( રસાસ્વાદ નહીં ! ) કરીશું જે બહુ જાણીતી ન હોય અને / અથવા એ સાંભળતી વખતે શ્રોતા તરીકે આપણે ભાગ્યે જ વિચાર્યું હોય કે એ ગઝલ છે! સાથોસાથ જેમને રસ હોય એ ગઝલ સાથે આપેલી લિંકનો ઉપયોગ કરી એ ગઝલ સાંભળી પણ શકશે.
કદાચ આ પ્રયાસ થકી સામાન્ય ભાવકને ગઝલ અને અ-ગઝલનો ભેદ પારખવામાં થોડીક મદદ મળશે.
મળીએ છીએ, જુન ૨૦૨૩થી દર શનિવારે……..
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
પાતાળ ભુવનેશ્વર જવા કેસરિયાં
નારાયણ આશ્રમ – એક યાદગાર પ્રવાસ
આશા વીરેન્દ્ર
ટ્રકની આડાઈને કારણે આજે પાતાળ ભુવનેશ્વર જવાની જે તક ગુમાવી હતી તે કાલે ઝડપી લેવી કે કેમ એ મુદ્દે અમારૂં ગ્રુપ ‘હિંદુસ્તાન-પાકિસ્તાન’ જેવા બે વિરોધી પક્ષમાં વહેંચાઇ ગયું. ‘હિંદુસ્તાનવાળાં’ઓ કહે કે અહીં સુધી આવ્યાં છીએ તો પછી આવી પૌરાણિક ગુફા ન જોવાનું કેમ પાલવે. તે ઉપરાંત, આપણામાંનાં અડધાં તો હાલકડોલક થતાં સિનિયર સીટીઝનો છે, એમને ફરી અહીં આવવાનો મોકો ક્યારે મળે? સમે ‘પાકિસ્તાન પક્ષ’ની દલીલ હતી કે કૌસાનીમાં બીજી બે-ત્રણ જગ્યાઓ જોવા જેવી છે, અને વળી ત્યાં ગરમ વસ્ત્રોનું બજાર પણ બહુ વખણાય છે. એટલે અત્યાર સુધી ખરીદી કરવાની તકથી વંચિત રહેલી બહેનોના આનંદ ખાતર પણ પાતાળ ભુવનેશ્વર જવાનું માંડી વાળીને સવારે કૌસાની જવા જ નીકળવું જોઈએ. ખાસ્સી ચર્ચાઓને અંતે બન્ને પક્ષે સમાધાનકારી નિર્ણય લેવાયો કે જેમને ગુફા જોવા જવું હોય એમને બે ગાડીઓ ત્યાં લઈ જાય અને બાકીના જ્યાં કસ્તુરી મૃગનું સંવર્ધન થાય છે તે ડીયર પાર્ક જોવા જાય.
આવી મુશ્કેલ ગુંચ આટલી સહેલાઈથી ઉકેલાઈ ગઈ એ જોઈને વિચાર આવ્યો કે કાશ્મીરનો આપણા દેશનો સળગતો પ્રશ્ન જો અમારાં આ ગ્રુપને સોંપવામાં આવે તો ચપટીમાં તેનો હલ આવી જાય ! ખેર, આવો સદવિચાર દેશના માંધાતાઓ સુધી પહોંચે તેની રાહ જોવી રહી !!
નક્કી થયા મુજબ અમે નવ સાહસિકોએ પાતાળ ભુવનેશ્વર જવા કેસરિયાં કર્યાં. અહીં કેસરિયાં કર્યાં શબ્દપ્રયોગ વાપરવાનું કારણ અમારામાંથી પહેલાં પણ જઈ આવેલાં કેટલાંકે, અને એક-બે ડ્રાઈવરોએ કરેલું ગુફાનું વર્ણન હતું. ગુફામાં એકદમ અંધારૂં હોય એટલે બીક બહુ લાગે, ઓક્સિજનની કમીને કારણે ગુંગળામણ થાય, ગભરામણ પણ થાય વગેરે જેવાં કેટલાંય ભયસ્થાનો અમારી સમક્ષ રજુ થઈ ગયાં હતાં. પણ અમે નવ સાહસિક રત્નોએ તો ગુફામાં જવાનો મક્ક્મ નિર્ધાર કરી જ કાઢ્યો હતો. જોકે, જે કંઈ સાંભળ્યું તેને કારણે મન તો જોરથી ધક ધક કરતું હતું. પણ મનનો આ ગભરાટ છુપાવી ને પણ હસતે મોઢે સામા પક્ષની સામે અમે બધાં બહાદુરી દાખવી શક્યાં હતાં.
ગુફાનું મોં ખરેખર બહુ સાંકડું હતું. વળી એમાં એકી સમયે એક જ વ્યક્તિ માંડ માંડ સરકી શકે તેમ હતું. અંદર ભીનું અને લપસણું પણ હતું, એટલે પડશું તો હાડકાં ભંગશે એવો ભય તો સતત લાગ્યા જ કરે. પણ સાથે આવેલા ગાઈડે બહુ સંભાળ અને ધીરજથી એટલો માર્ગ પાર કરાવી આપ્યો. એ પછી ગુફાનું પેટાળ તો બહુ વિશાળ હતું. અંદર લાઈટની સગવડ પણ હતી. એટલે જેટલી સાંભળી હતી એટલી મુશ્કેલી ન જણાઈ. વળી સંકટ સહન કરી શકવા અમે અમારી જાતને સાબદી કરી શક્યાં તેનો આનંદ પણ થયો.

કહેવાય છે કે આ ગુફા પૃથ્વીના ઉત્પતિકાળથી જ અસ્તિત્વમાં છે. સૌ પ્રથમ ત્રેતાયુગમાં રાજા રુતુપર્ણે આ ગુફા જોઈ, એમાં પ્રવેશ કર્યો અને અંદર બિરાજેલ શિવલીંગની પૂજા-અર્ચના કરી. ત્યાર બાદ સ્વામી શંકરાચાર્ય આ ગુફાને જનસામાન્ય સમક્ષ લાવ્યા. ચુનામાંથી કુદરતી રીતે બનેલાં શંકર, પાર્વતી, ગણેશ, શેષનાગ, ઐરાવત હાથી વગેરે મૂર્તિઓ જોઈને અચંબામાં પડી જવાયું. શંકરની જટા તો આબેહૂબ જટા જ લાગે, અને એમાંથી પાણી (ગંગા) પણ સતત વહ્યા કરતું હોવા છતાં કદી પણ લીલ જામે કે ચીકાશ ન થાય એ જાણીને આશ્ચર્યમાં ઉમેરો જ થયો.

પાછા ફરતાં એ જ સાંકડા, ચીકણા અને દુર્ગમ જણાતા માર્ગેથી, બન્ને બાજુએ લટકતી લોખંડની સાંકળો પક્ડી પક્ડીને, બહાર નીકળવાનું હતું. પણ અમારામાં હવે એવરેસ્ટ સર કર્યાનો ઉમંગ અને વિશ્વાસ હતાં, એટલે એક એક કરીને વારા ફરતી અમે બધાં ‘વટથી’ ગુફાની બહાર આવી ગયાં. બહાર આવતાંની સાથે વિચાર આવ્યો કે આપણા આટલા વિશાળ દેશના કેટલાય ખૂણે-ખાંચરે આવી તો કંઈ કેટલી જાણી-અજાણી જગ્યાઓ લોકોની નજરમાં આવ્યા વિનાની પડી રહી હશે !
હવે અમારી રાહ જોતી, ઉચાટમાં ઊંચીનીચી થતી, અમારી બાકીની મંડળીના ‘ક્યાં પહોંચ્યાં?’, ‘ક્યાં છો?’ એવી પૂછપરછના ચિંતાભર્યા ફોનો આવવા શરૂ થઈ ગયા હતા. એટલે અમે સમય બગાડ્યા વિના,જલ્દીથી ચૌકોરી તરફ મારી મૂક્યું.
સાંદર્ભિક તસ્વીરો – નેટ પરથી
ક્રમશ:
સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
જૂનાં-નવાં અને એવાં બધાં પેન્શનની પારાયણ
નિસબત
ચંદુ મહેરિયા
સંસદના અંદાજપત્ર સત્ર દરમિયાન લોકસભામાં નાણા ખરડો રજૂ કરતાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે નવી પેન્શન યોજનાની સમીક્ષા માટે સમિતિ રચવાની જાહેરાત કરી હતી. નાણા સચિવના વડપણ હેઠળની આ સમિતિ નવી પેન્શન યોજનાથી કર્મચારીઓ ખુશ છે કે કેમ તે જાણશે. કમિટી કર્મચારીઓ-અધિકારીઓની જરૂરિયાતોને રાજકોષીય ઉપલબ્ધતાના સંદર્ભે ચકાસીને ભલામણો કરશે. સમિતિની રચના અને તેની સંસદમાં જાહેરાતનું કારણ છેલ્લા ઘણા સમયથી કેન્દ્ર અને રાજ્યોના અધિકારીઓ-કર્મચારીઓ નવી પેન્શન યોજનાનો વિરોધ કરીને જૂની પેન્શન યોજનાની માંગણી કરી રહ્યા છે તે છે. દેશભરના ચારસો કર્મચારી મંડળોની સંકલન સમિતિએ સરકારની આ જાહેરાતનો વિરોધ કર્યો છે અને જૂની પેન્શન યોજનાની માંગણીનું તેમનું આંદોલન જારી રાખ્યું છે. કર્મચારી સંગઠનોએ તેમની માંગણી સ્વીકારવા સરકારને ત્રણ મહિનાનું આખરીનામુ આપીને જો માગણી નહીં સ્વીકારાય તો આગામી ઓગણીસમી સપ્ટેમ્બરે ભારત બંધની ઘોષણા કરી છે.
ભારતમાં પેન્શનની શરૂઆત બ્રિટિશરાજમાં, ૧૯૨૪માં, થઈ હતી. ૧૯૩૫ના હિંદ સ્વાતંત્ર્ય ધારામાં પેન્શન યોજના સમાવી લેવાતાં આઝાદી પછી પણ પેન્શન યોજના ચાલુ રહી. એટલે કર્મચારી-અધિકારીઓ માટેની જૂની પેન્શન યોજના આઝાદી કાળથી અમલી છે. પેન્શનનો હેતુ નિવૃતિ પછીની વૃધ્ધાવસ્થામાં આર્થિક સલામતી પૂરી પાડવાનો છે. વય નિવૃત વ્યક્તિ તેની સરકારી નોકરી દરમિયાનની જીવનશૈલી આવક ઘટતાં અપનાવી ના શકે અને તેને લીધે તાણ તથા અસુરક્ષા અનુભવે તે અંશત: દૂર કરવાનો પણ પેન્શન યોજનાનો ઉદ્દેશ છે.
ઓલ્ડ પેન્શન સ્કીમમાં સરકારી કર્મીને તેની નોકરીના છેલ્લા બેઝિક પગારના પચાસ ટકા પેન્શન મળે છે. તે ઉપરાંત મોંઘવારી ભથ્થું, મેડિકલ એલાઉન્સ, ગ્રેજ્યુઈટી, હક્ક રજાનું રોકડ રૂપાંતર અને મોટી બીમારી કે સર્જરીના કિસ્સામાં મેડિકલ રિએમ્બર્સમેન્ટ પણ મળે છે. જૂની પેન્શન યોજનામાં મળતી રકમ એકંદરે પર્યાપ્ત અને સન્માનજનક છે. વળી આ પેન્શન સરકાર તરફથી મળે છે અને તે માટે સરકારી કર્મચારીએ કોઈ આગોતરી કપાત કરાવવાની રહેતી નથી.
સરકાર અને કેટલાક અર્થશાસ્ત્રીઓને લાગ્યું કે સરકારના બજેટનો મોટો ભાગ પગાર અને પેન્શન પાછળ ખર્ચાય જાય છે, તેથી વિકાસ કામો માટે નાણા બચતા નથી. સરકારનું પેન્શનનું આર્થિક ભારણ હળવું કરવા ૨૦૦૩માં કેન્દ્રની કોંગ્રેસ સરકારે ઓલ્ડ પેન્શન યોજનાને બદલે નવી પેન્શન યોજનાનો વિકલ્પ વિચાર્યો હતો. જેનો અમલ તેની અનુગામી અટલબિહારી વાજપાઈના નેત્રુત્વ હેઠળની બીજેપી સરકારે કર્યો હતો. નેશનલ પેન્શન સિસ્ટમ તરીકે જાણીતી આ નવી પેન્શન યોજના ૧લી જાન્યુઆરી ૨૦૦૪થી સરકારી નોકરીમાં જોડાયેલ તમામને લાગુ પડે છે.
જૂની પેન્શન યોજનામાં કર્મીએ કોઈ કપાત કે રોકાણ કરવાનું નહોતું અને તેને સરકારી તિજોરીમાંથી પેન્શન મળવાનું સુનિશ્ચિત હતું. જ્યારે નવી પેન્શન યોજનામાં કર્મચારીએ તેના પગારમાંથી માસિક દસ ટકાની કપાત કરાવવાની છે. એટલે કે તેના ભાવિ પેન્શન માટે તેણે સમગ્ર નોકરી દરમિયાન આર્થિક રોકાણ કરવાનું છે. કર્મચારીના જેટલી જ સરકારની કપાત તેના ખાતામાં જમા થતાં નિવૃતિ વખતે તેમાંથી તેને પેન્શન મળશે.કર્મચારીના રોકાણના નાણાનું સરકારે એક ફંડ બનાવ્યું છે. સરકાર આ ફંડના નાણાનું શેરમાં રોકાણ કરે છે અને તેમાંથી પેન્શન ચુકવવામાં આવશે. એટલે સરકારે કર્મચારીઓને શેર બજારના હવાલે કરી દીધા છે. સરકારે SBI, UTI અને LICના શેરમાં રોકેલા નાણાનું જોખમ કર્મચારીના માથે હોય છે. તેના શેરની સ્થિતિ મુજબ પેન્શન મળી શકે છે. વળી આ પેન્શનની રકમ જૂના પેન્શનની તુલનાએ અતિ અલ્પ હોય છે. તેમાં મોંઘવારી ભથ્થું , તબીબી ભથ્થું જ મળતું નથી તો પછી મેડિકલા રિએમ્બસમેન્ટની તો કલ્પના જ ક્યાંથી થાય ? સરવાળે નવી પેન્શન યોજનામાં કર્મચારીઓને મોટો ગેરફાયદો છે. પેન્શનનો મૂળભૂત હેતુ નિવૃતિ પછીની આર્થિક સુરક્ષાનો અહીં છેદ ઉડી જાય છે. ભારત સરકારના સત્તાવાર પોર્ટલમાં એનપીએસનો હેતુ કર્મચારીઓમાં તેમના સુરક્ષિત ભવિષ્ય માટે રોકાણ અને બચતની ટેવ કેળવવાનો છે તેમ જે જણાવ્યું છે તે ઘા પર મીઠા જેવું છે.
જૂની-નવી પેન્શન યોજના રાજકીય કે ચૂંટણી મુદ્દો બની ગઈ છે. પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ સરકારે આરંભથી જ તેમના રાજ્યોમાં નવી પેન્શન યોજના દાખલ કરી નથી. જ્યારે રાજસ્થાન, છતીસગઢ, ઝારખંડ , પંજાબ અને હિમાચલપ્રદેશની વિપક્ષશાસિત રાજ્ય સરકારોએ નવીને બદલે જૂની પેન્શન યોજના દાખલ કરી છે. હિમાચલપ્રદેશની વિધાનસભા ચૂંટણીનો મહત્વનો મુદ્દો જ પેન્શન હતો. ભાજપને બદલે ત્યાં કોંગ્રેસ સત્તામાં આવતાં તેણે તુરત જ જૂની પેન્શન યોજના અમલી બનાવી છે. જોકે ત્રિપુરાની ડાબેરી સરકારને હરાવી સત્તાનશીન થયેલી બીજેપી સરકારે તે રાજ્યમાં જૂનીને બદલે નવી પેન્શન યોજના અમલી કરી છે. એ રીતે પેન્શનનો પ્રશ્ન સત્તા પક્ષ વિરુધ્ધ વિપક્ષનો કે બીજેપી અને તેના સમર્થિત પક્ષો વિરુધ્ધ કોંગ્રેસ અને અન્ય વિપક્ષોનો બની રહ્યો છે.
પેન્શન રાજ્યોનું આર્થિક ભારણ વધારે છે, લાંબા ગાળે રાજ્યોને દેવાદાર બનાવશે અને વિકાસ કામો માટેના નાણા સરકારી પેન્શનરો લઈ જાય છે તેવી દલીલોને ચકાસવી જોઈએ. ગુજરાત સરકારના વરસ ૨૦૨૩-૨૪ના અંદાજપત્રમાં જણાવ્યા મુજબ રાજ્યમાં ૫,૧૩,૭૧૬ પેન્શનરો છે. તેમના પેન્શનનો અંદાજિત ખર્ચ રૂ. ૨૪,૯૭૮ કરોડ છે જ્યારે રાજ્યનું કુલ બજેટ રૂ. ૩,૦૧,૦૨૨ કરોડનું છે. એટલે કુલ બજેટમાં પેન્શન ખર્ચ માત્ર ૮.૩૦ ટકા જ છે. એ જ રીતે ભારત સરકારના ૨૩-૨૪ના રૂ. ૪૫,૦૩, ૦૯૭ કરોડના કુલ બજેટમાં પેન્શનનો અંદાજિત ખર્ચ રૂ. ૩,૧૫,૮૬૫ અર્થાત ૭.૦૧ ટકા જ છે. વર્ષ ૨૦૨૩-૨૪માં ગુજરાતમાં ૬૪.૨૧ ટકા નાણા વિકાસકામો પાછળ ખર્ચાવાના હોય અને પેન્શન ખર્ચ માત્ર ૮.૩૦ ટકા જ હોય તો પેન્શનને લીધે વિકાસકામોને સહન કરવું પડતું હોવાની દલીલ પણ યોગ્ય નથી. જૂની પેન્શન યોજના આર્થિક ભારણને ઘટાડવા બંધ કર્યાનું કારણ જરાય સાચું નથી અને ખુદ સરકારી આંકડાઓની સરાણે ચકાસતા તે તથ્યહીન જણાય છે.
ભારત સરકારે નવી પેન્શન યોજના ૨૦૦૯થી દેશના તમામ નાગરિકો માટે જાહેર કરી છે. અટલ પેન્શન યોજના પણ તેનો ભાગ છે. પરંતુ સશસ્ત્ર સેનાઓ માટે જૂની પેન્શન યોજના જ ચાલુ રાખી છે. સેનાના નિવૃત વિકલાંગકર્મીઓને પેન્શન ઉપરાંત સરેરાશ ૨૦ થી ૫૦ ટકા વિકલાંગતા પેન્શન મળે છે. ‘કેગ’ના રિપોર્ટમાં ૧૫ થી ૧૮ ટકા જવાનો દિવ્યાંગ છે પરંતુ સેવા નિવૃત ૩૦થી ૪૦ ટકા સેના અધિકારીઓ વિકલાંગતા પેન્શન મેળવે છે અને તેમાં ૪૫ ટકા તો સેનાના ડોકટરો છે, તેમ જે જણાવ્યું છે તે પેન્શનના નામે થઈ રહેલી લૂંટ છે. ધારાસભ્યો અને સાંસદોને પણ અગાઉના જેવું જ પેન્શન મળે છે. એક કરતાં વધુ ટર્મનું પણ મળવું યથાવત છે.
વિધવા, વિકલાંગ, વૃધ્ધને મળતા સરકારી પેન્શનની રકમ મજાક જેવી છે.ઔધ્યોગિક કામદારોને મળતું પેન્શન સાવ નગણ્ય છે. ખેડૂતો, ખેતકામદારો, કારીગરો, વેપારીઓ અને ગૃહિણીઓને કોઈ પેન્શન મળતું નથી. દેશમાં માત્ર ૧૨ ટકા લોકો જ પેન્શન મેળવે છે. બાકીનો ૮૮ ટકાનો મોટો સમૂહ કોઈ પણ પ્રકારનું પેન્શન મેળવતો નથી. પરંતુ પેન્શન મેળવતો વર્ગ બોલકો છે, સરકારોને રાજકીય નુકસાન પહોંચાડી શકે તેવો લોકમત ઘડવામાં પાવરધો છે એટલે તેની વાત કદાચ સંભળાશે..
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
મહેનતનું મહેનતાણું
વાર્તામેળો – ૫
રુદ્ર પટેલ
ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રન, અમદાવાદ
Varta Melo 5 – 5 – Mahenta nu Mahehentanu – Rudra Patel
સંપર્ક : દર્શા કિકાણી – darsha.rajesh@gmail.com
-
આ સાચુ કે તે સાચું?
હરેશ ધોળકિયા
વ્યકિતના- એટલે કે આપણા- જીવનમાં અનેક વાર એકી સાથે વિરોધાભાસી બનાવો બને છે. એકી સાથે આનંદજનક ને દુઃખદાયક ઘટનાઓ સમાંતરે બને છે. દિકરો કે દિકરી પહેલે નંબર આવે અને તે જ પળે માતા પિતામાંથી કોઈનું મૃત્યુ થાય. માંડ માંડ સંતાનનો જન્મ થાય પણ માતા મૃત્યુ પામે. લગ્નના દિવસે જ વડીલ વિદાય લે. આવા તો અનેક બનાવો આપણા જીવનમાં અને ચારે બાજુ બનતા જોવા મળે છે. ત્યારે, જો વ્યકિત વિચાર કરતી હોય તો, તે અવશ્ય વિચારે છે કે કયો બનાવ સાચો ? સારો બનાવ કે અણગમતો બનાવ ? થોડું ધારે વિચારે તો બન્ને બનાવો એકી સાથે સારા પણ લાગે અને કદાચ ખરાબ પણ લાગે. અથવા જેને સારો માન્યો હોય તે અણગમતો બને અને ન ગમતો હોય તે સારો થાય. પસંદ કરેલ છોકરી સમય જતા ન ગમે અને પરાણે પરણ્યા હોય તે સમય જતાં સારી નીકળે. આવા તો અનેક બનાવો સમગ્ર જીવન દરમ્યાન બન્યા કરતા હોય છે.મોટા ભાગના વિચારતા ન હોવાથી સુખી હોય છે અને જે આવે તે ઈચ્છા અનિચ્છાએ સ્વીકારી લેતા હોય છે અથવા બળતરા કર્યા કરતા હોય છે. પણ કયારેક તો એમને પણ વિચાર ઝબકી જાય છે કે સાચું શું? આ બનાવ કે પેલો બનાવ ?ભારતીય વેદાંત સાહિત્યે આવા બનાવોનું પૃથ્થકરણ કરેલ છે અને તેના જવાબો શોધવાનો પ્રયાસ કર્યો છે. જે જવાબ હોય છે તે ખૂબ જ શુધ્ધ હોય છે તેથી સમજાતો નથી. શુધ્ધ વિચારને આમ પણ સમજવો કઠીન હોય છે. તેને વિવિધ ઉદાહરણોથી સમજાવો પડે છે. એટલે આ જવાબને પણ વેદાંત સાહિત્યે ઉદાહરણથી સમજાવેલ છે. શુધ્ધ જવાબને સમજવા એક વાર્તા કરેલ
છે.ભારતીય સાહિત્યમાં રાજા જનક ખૂબ જાણીતા છે. આમ તો તે ઉપનિષદ અને અષ્ટાવક્ર સંહિતાના કારણે જાણીતા છે, પણ આ બત્ને તો ભાગ્યે જ કોઈએ વાંચેલ છે. એટલે તેના માધ્યમથી ઓછા લોકોએ તેમનું નામ સાંભળેલ છે. આપણે જે જનકને ઓળખીએ છીએ તે તો આપણે જેને ભગવાન માનીએ છીએ તે રાજા રામના સસરા તરીકે ઓળખીએ છીએ. વિશ્વામિત્ર સાથે યજ્ઞનું રક્ષણ કરવા ગયેલ રામ અને લક્ષ્મણ પાછા વળતાં જનકની નગરી મિથિલામાં રોકાયા હતા અને અકસ્માતે ત્યાં રામે સીતાના સ્વયંવરમાં ધનુષ્ય તોડયું. તેથી જનક પુત્રી સીતા સાથે તેમનાં લગ્ન થયાં. આ રામાયણ કથાથી આપણા માટે જનક પરિચિત છે.પણ જનક તો, આપણે જોયું તેમ, ઉપનિષદના કારણે તેનાથી પ્રાચીન છે. અષ્ટાવક્ર સાથેનો તેમનો અદભુત સંવાદ વાંચીએ ત્યારે આપણને જનકની મહાનતાનો ખ્યાલ આવે છે. જનક પરમ જ્ઞાની છે. પરમ વેદાતી છે. સાક્ષાત્કારી છે. આવા જનક જયારે હજી પૂરા જ્ઞાની થયા ન હતા અને અષ્ટાવક્ર પાસે જ્ઞાન મેળવતા હતા ત્યારનો એક પ્રસંગ ટાંકવામાં
આવે છે.એક વાર રાતે જનક સૂઈ ગયા. ઊંઘમાં તેમને સ્વપ્ન આવ્યું. તેમાં તેમના રાજય પર દુશ્મન રાજાએ ચડાઈ કરી. જનકના સૈનિકો બહાદુરીથી લડયા પણ ન જીત્યા અને જનક હારી ગયા. દુશ્મન રાજાના સૈનિકોએ જનકને પકડી લીધા અને રાજા સમક્ષ હાજર કર્યા. જનક રાજા સામે હાથમાં બેડી સાથે ઊભા રહ્યા. રાજાએ કહ્યું કે, ” હે જનક, તમે મારા કેદી છો. સામાન્ય રીતે હું કેદી રાજાને મારી નાખું છું, પણ તમે એક સન્માનનીય રાજા છો. એટલે તમને મારી ન નાખતાં તમને તમારા જ રાજય બહાર ચાલ્યા જવા હુકમ કરું છું. તમને દેશનિકાલ કરું છું.” કહી સૈનિકોને જનકને સરહદ બહાર મૂકી આવવા આજ્ઞા કરી.સૈનિકો જનકને સરહદ સુધી લઈ ગયા અને પછી ધકેલી દીધા. જનક દેશનિકાલ થઈ ગયા. થાકેલા, ત્રસ્ત જનક લથડિયાં ખાતા આગળ વધ્યા. કડકડતી ભૂખ લાગી હતી. તેથી ચાલી શકાતું ન હતું. ખોરાકની શોધમાં તરફડતા હતા. કોઈ એક ગામ પાસે આવ્યા. ત્યાં ભૂખ્યા લોકોને જમાડતા હતા. જનક લાઈનમાં ઊભી ગયા. તેમનો વારો આવ્યો ત્યારે જ અન્ન ખૂટી પડયું. પેલાએ ના પાડી. જનક તેને કરગર્યા. જે હોય તે આપવા વિર્નાતિ કરી. પેલાએ તળીયામાં રહેલ અનાજના કણ એકઠા કર્યા અને એક વાટકામાં આપ્યા. જનક તો ઉતેજનાથી ખાવા ગયા. હજી તો વાટકો મોએ માંડે ત્યાં તો અચાનક આકાશમાંથી એક સમળીએ ઝાપટ મારી અને વાટકાને ધકકો માર્યો. વાટકો તેમના હાથમાંથી છટકી ગયો અને જે કણ હતા તે ધૂળમાં વેરાઈ ગયા. જનક ત્રસ્ત થઈ ઉઠયા અને ધૂળમાં લોટવા લાગ્યા અને બોલવા લાગ્યા, ‘ હાય, હાય ! મારું ખાવાનું ચાલ્યું ગયું.’ અને રડવા લાગ્યા.તે જ પળે તેમની ઊંઘ ઊડી ગઈ. જોયું તો તેમને પરસેવો વળતો હતો. તે ધ્રુજતા હતા. તેમની બૂમ સાંભળી બહાર ઊભેલ ચોકીદાર અંદર દોડી આવ્યો અને જનક સામે જોવા લાગ્યો. તેમની સ્થિતિ જોઈ ચિંતાપૂર્વક પૂછવા લાગ્યો, ” મહારાજ, કંઈ તકલીફ છે ?”’જનક તો સ્તબ્ધ હતા. પેલું દશ્ય હજી ભૂલાતું ન હતું. ત્યાં જ વર્તમાનમાં આવી ગયા હતા જયાં તે આરામથી તળાઈ પર સૂતા હતા. બે દશ્યો વચ્ચે ગુંચવાઈ ગયા. તે બડબડવા લાગ્યા, ” આ સાચું કે પેલું સાચું ?”દરવાન મૂંઝાઈ ગયો.સવાર પડી. રાજા તૈયાર થઈ દરબારમાં ગયા. દરબારમાં કામગીરી ચાલવા લાગી. પણ કોઈ કંઈ મુદો રજૂ કરે કે તરત રાજા જનક બોલતા, ‘ આ સાચું કે પેલું સાચું ?” દરબારીઓ અને મંત્રીઓ મૂંઝાઈ ગયા. કોઈ જવાબ આપી શકતા ન હતા. રાજા સતત બડબડયા કરતા હતા.આ સમાચાર અષ્ટાવક્રના કાને પહોંચ્યા. તે સમજી ગયા અને દરબાર ઉપડયા. દરબારમાં રાજા સામે ઊભા રહ્યા. જોયું તો જનક બડબડતા હતા, ” આ સાચું કે પેલું સાચું ?”અષ્ટાવકે જ્ઞાનથી મૂળ બાબત જોઈ લીધી. તેમણે રાજાને પૂછયું, ” રાજા, તમે જયારે ભૂખે મરતા હતા ત્યારે આ દરબાર હાજર હતો?”જનકે જવાબ આપ્યો, ” ના, ત્યારે દરબાર હાજર ન હતો. હું તો સરહદ બહાર હતો.”અષ્ટાવક્રે પૂછયું, ” અત્યારે તમે દરબારમાં છો. તો સરહદ બહારનું ગામ અત્યારે હાજર છે ? “જનકે નકારમાં મસ્તક હલાવ્યું.એટલે અષ્ટાવકે કહ્યું, રાજા, આ પણ સાચું નથી અને પેલું પણ સાચું નથી.”જનકને ઝાટકો લાગ્યો. તે બોલ્યા, ” તો પછી સાચું શું?”અષ્ટાવક બોલ્યા, ‘ સરહદ બહારના ગામમાં તમે રડતા હતા ત્યારે તમે હાજર હતા ? ”’રાજાએ મસ્તક હલાવ્યું. ” હા, હતો.”” અત્યારે દરબારમાં બેઠા છો ત્યારે તમે હાજર છો ?”“હા, છું.”“‘ બસ, તો પછી ન તો સ્વપ્નું દશ્ય સાચું કે ન તો અત્યારનું દશ્ય સાચું. ““તો શું સાચું?”‘” કેવળ તમે સાચા. બન્ને દશ્યોમાં તમે હાજર હતા. દશ્યો બદલી ગયાં, પણ તમે એ જ છો. માટે કેવળ તમે સાચા. ગમે તેટલાં દશ્યો બદલતાં રહે, પણ દરેકમાં તમે તો રહો જ છો. માટે કેવળ તમે જ સાચા.”બસ ! આ જ જવાબ છે. જીવનમાં કયારેક સુખ આવે, કયારેક દુઃખ આવે, કયારેક કંટાળો આવે, કયારેક તકલીફ આવે….દશ્યો બદલાતાં રહે છે, ઘટનાઓ બદલાતી રહે છે, સુખ-દુઃખ બદલાતાં રહે છે, પણ આ બધી બાબતોમાં, દશ્યો બદલાવા છતાં, જોનાર વ્યકિત હાજર હોય છે. જગત બદલાતું રહે છે, ” હું” કાયમ રહું છું. જો આ ” હું” – દષ્ટા-ની સભાનતા આવી જાય, તો ખ્યાલ આવશે કે ભલે બહાર બધું બદલાતું રહે, પણ “હું” તો કાયમી છું. શરીરમાં પરિવર્તનો આવતાં રહેશે, મનમાં પરિવર્તનો આવતાં રહેશે, જગતમાં પણ પરિવર્તનો આવતાં રહેશે, પણ આ બધાં જ પરિવર્તનો વચ્ચે તેને જોનાર ” હું” તો હશે જ. તે બધાં જ પરિવર્તનો વચ્ચે સ્થિર રહેશે. એટલે કેવળ ” હું” જ સાચો છે.ચિંતન આ “હું” નું કરવાનું છે, નહીં કે બહારનાં પરિવર્તનોનું. જયારે પણ કોઈ ઘટના બને- કહેવાતી સારી કે કહેવાતી ખરાબ-ત્યારે ઘટના પર ધ્યાન આપવાનું નથી. ઘ્યાન માત્રને માત્ર આ ઘટનાને જોનાર – હું- પર આપવાનું છે. આ હું હમેશાં સ્થિર રહે છે. જેમ સ્વપ્નું મિથ્યા છે, તેમ આ બહારનું જગત પણ મિથ્યા જ છે. પણ આ બન્ને મિથ્યાને જોનાર ‘ હું ‘ જ સાચો છે. મિથ્યા એટલે પરિવર્તનશીલ. સતત બદલનાર. અસ્થિર. બાકી બધું જ અસ્થિર છે. કેવળ તેને જોનાર, સાક્ષી, હું જ સાચો છે.ઘ્યાન-ફોકસ- બદલાવવાની જરુર છે. પરિવર્તનશીલતા પર ધ્યાન રહેશે તો સતત ડોલતા રહેવાશે. સતત આઘાતો સહન કરવા પડશે. સુખ-દુઃખ અનુભવાશે. પણ જો દષ્ટા, સાક્ષી એવા ” હું” પર ફોકસ રહેશે તો વ્યકિતત્વ સ્થિર થઈ જશે. અચલ થઈ જશે. અને ખુદ મન પણ અશાંત થઈ જાય, તો પણ તેને જોનાર “હું” તો હાજર રહેશે. શરીર-મન-બુધ્ધિ-જગત બધુંજ સતત પરિવર્તનશીલ રહેશે, તેની વચ્ચે તેને જોનાર -હું- સ્થિર રહેશે. આ જો, જયારે પણ શકય બન્યું, તે પળથી પરમ આનંદ, કેવળ આનંદ, આનંદ જ આનંદ. એટલે આ પણ સાચું નથી અને તે પણ સાચું નથી. કેવળ તેને જોનાર હું સાચો છે.આ દષ્ટાના દષ્ટા બનવું તે જ એક માત્ર સાધના.
શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com
