-
મેરે ઘર આના જિંદગી : સાસુએ વહુને લખેલ પત્ર
પારુલ ખખ્ખર
પ્રિય જિંદગી,
આમ તો પુત્રવધૂને ‘ગૃહલક્ષ્મી’ કહેવાનો રીવાજ છે પણ હું તો તને જિંદગી જ કહીશ.ગૃહલક્ષ્મી એટલે જેના શુભ પગલાંથી ઘરમાં લક્ષ્મીની છોળો ઉડે.’શ્રીસૂક્તમ’ સ્તોત્રમાં કહ્યુ છે કે ધન,ધાન્ય,પશુ,સંપતિ,સંતાન,બુદ્ધિ, વાણી,સંસ્કાર આ બધું જ લક્ષ્મી કહેવાય છે.તો આવી લક્ષ્મી લઈને તુ મારે ત્યાં આવવાની છે, હું સ્વીકારુ છું કે મારે આ તમામ લક્ષ્મી જોઇએ છે પણ હું તો તને જિંદગી જ કહીશ કારણકે ઉપરોક્ત તમામ વસ્તુઓ હશે પણ તેને બે હાથે વધાવવા વાળું જીવનતત્વ નહી હોય તો એ બધું જ વ્યર્થ છે.તું મારા ઘરે જીવનતત્વ સહિત આવ અને મારુ ઘર જીવંત થાય એ જ ઈશ્વર પાસે પ્રાર્થના.
એક વાત કહું? છવ્વીશ વર્ષ પહેલા જ્યારે મારા દીકરાનો જન્મ થયો અને એણે પહેલો શ્વાસ લીધો ત્યારે મેં પણ જાણે પહેલો શ્વાસ લીધો હતો, એક મા તરીકેની એક નવી જિંદગીની શરુઆત એ દિવસથી થઈ હતી.હવે તું નજીકના ભવિષ્યમાં મારે ત્યાં રુમઝુમ કરતી આવીશ અને એક સાસુ તરીકેની મારી નવી જિંદગી શરુ થશે. તારો પણ એક વહુ તરીકે નવો જન્મ થશે, આપણે ઉજવીશુ ને આ નવા જન્મો ને? તને આ ઘર વિશે, ઘરની વ્યક્તિઓ વિશે જાણવાની ઉત્કંઠા હશે ખરું ને? તે આ ગીત સાંભળ્યું છે? એવું જ છે આપણું ઘર…
‘મેરે ઘર આના… આના જિંદગી
ઓ…જિંદગી મેરે ઘર આના.મેરે ઘર કા સીધા સા ઇતના પતા હૈ,
મેરે ઘર કે આગે મહોબ્બત લિખા હૈ,
ના દસ્તક જરુરી
ના આવાઝ દેના
મૈ સાંસો કી ખુશ્બુ સે પહેચાન લુંગી
મૈ ધડકન કી આહટ સે પહેચાન લુંગી.’કેવું સુંદર ગીત છે નહી? આ ઘરમાં અમે ચાર વ્યક્તિઓ છીએ, તુ આવીશ અને મારુ ઘર પચરંગી બનશે.પાંચ આંગળીઓ વડે મુઠ્ઠી બને છે, અને એ જ તો તાકાત અને એકતાનું પ્રતિક છે.તું આવ તને આવકારવા આ ઘર તત્પર છે.
મને ખબર છે તને બહુ અલંકારિક ભાષા કે કાવ્યમય વર્ણન સમજતા નહી આવડે, તું ઇન્ગ્લીશ મીડિયમની સ્ટુડન્ટ છે. પણ બેટા, તું પ્રતિક તો સમજી શકે ને? આપણે સ્ત્રીઓ બાંધણીનું પ્રતિક છીએ. બાંધણી વિશે એવું કહેવાય છે કે ‘ફાટે પણ ફીટે નહી.’બાંધણીના વસ્ત્રો એવી રીતે બનાવવામાં આવે છે કે કાપડ જર્જરિત થાય, ફાટી જાય પણ બાંધણીની ભાત છેક સુધી એવી ને એવી જ રહે છે. આપણે સૌ કાપડ જેવા, સમય જતા જર્જરિત થઇએ, ફાટી પણ જઇએ પરંતુ આપણા સંસ્કાર, આપણા મુલ્યો, આપણી કેળવણી બાંધણીની ભાત જેવી અમિટ હોવી જોઇએ. આપણી ગેરહાજરીમાં પણ આપણા ગુણોની પ્રસંશા થતી રહે.
તેં ચંદનવૃક્ષોને વિંટળાયેલા સર્પો જોયા છે? ચંદનની સુગંધથી ભલભલા ઝેરી સર્પો પણ અભિભૂત થતા હોય તો આપણે તો મનુષ્યો છીએ.આપણી સુગંધથી લોકો કેમ ન આકર્ષાય? ચંદન જ્યારે ઓરસિયા પર ઘસાય છે ત્યારે તેની ખુશ્બુ અને શિતળતા અલૌકિક હોય છે. આપણે સ્ત્રીઓ પણ ઘર, પતિ, બાળકો, કુટુંબ,સમાજ,દેશ અને રાષ્ટ્ર માટે ચંદન સ્વરુપ છીએ. આપણે ઘસાઇને સુગંધ પ્રસરાવી શકીએ.આપણુ વ્યક્તિત્વ એવું બનાવીએ કે આપણા પહોંચ્યા પહેલા જ જે તે જગ્યા એ આપણી સુગંધ પહોંચી જાય. બહુ અઘરું નથી લાગતુ ને આ વાંચવુ ? ચલ, થોડી સહેલી વાતો કરીએ બસ !
મારો દીકરો થોડો મોટો થયો પછી મેં તારા ડેડી પાસે એક દીકરી માંગી ત્યારે એમણે બહુ સરસ જવાબ આપ્યો હતો કે તને આવો રાજકુમાર જેવો દીકરો આપ્યો છે એનો એવો સરસ ઉછેર કર, એવા સંસ્કારોનું સીંચન કર કે ભવિષ્યમાં ઉત્તમ મનુષ્ય બને ત્યાર પછી હું તને એક સુંદર મજાની બાર્બી ડોલ જેવી ઢીંગલી લાવી આપીશ. તું માનીશ? હું વર્ષોથી આ સપનું જોયે રાખતી અને જે દીવસે તને વહુ તરીકે પસંદ કરી ત્યારે જાણે એ સપનું સાકાર થઈ ગયું.
અને હાં સાંભળ, અત્યાર સુધી તું તારા પપ્પાના મહેલની લાડલી પરી હતી, તારો પડ્યો બોલ ઝિલાતો હતો અને તુ જાણે હવામાં ઉડતી હતી. પણ હવે તને સપનાનો રાજકુમાર મળી ગયો છે તેની સાથે નવા રસ્તે પ્રયાણ કરવાનું છે તો હવે વાસ્તવિકતાની ધરતી પર ચાલી શકીશ ને? અમે બધા જ તારા રસ્તા પર ફુલો પાથરીશું , તારા રસ્તા પરથી કાંટા વીણી લઇશુ અને આ નવી મંઝિલ પર તારુ સ્વાગત કરીશું.અત્યાર સુધી તું માત્ર દીકરી જ હતી હવે અનેક નવા વિશેષણો તને લગી જશે. એ વિશેષણોને પ્રેમથી ગળે લગાડી શકીશ ને? હવે તું કોઇની ભાભી તો કોઇની કાકી બનીશ,કોઇની દેરાણી તો કોઇની જેઠાણી બનીશ, કોઇની મામી તો કોઇની ભાભુ બનીશ. મને પાક્કી ખાતરી છે કે આ બધા જ સંબંધોને તુ પ્રેમથી સાચવી શકીશ.
તને ખબર છે? સ્ત્રી શતરુપા કહેવાય છે. શતરુપા એટલે સો સ્વરુપ ધરાવતી સ્ત્રી.આપણે એક જ જિંદગીમાં કેટલા બધા અલગ અલગ સ્વરુપે જીવવાનું હોય ! દરેક રોલ એકબીજાથી સાવ અલગ અને તો પણ દરેક પાત્રને ૧૦૦% ન્યાય આપી આપણું પરફોર્મન્સ પરફેક્ટ બનાવવાનું હોય છે.આપણી જાતને બધા જ મોરચે જીતી બતાવવાની હોય છે અને એક સંપુર્ણ સ્ત્રી સાબિત થવાનું હોય છે.આ બધું વાંચીને ગભરાઇ ન જઇશ હોં કે? આ તો તને આવનારી સીચ્યુએશનની જાણકારી આપવાનો પ્રયત્ન માત્ર છે, સો ફિકર નોટ બચ્ચા…આઇ એમ ઓલ્વેઝ વીથ યુ.
આજે કહેવા જ બેઠી છું તો ચાલ, એક બીજી પણ અગત્યની વાત કહી જ દઉ. આપણા છેલ્લા શ્વાસ સુધી સાથ નિભાવનાર વ્યક્તિ એટલે આપણો પતિ. બીજા તમામ સંબંધો સમય જતા સાથ છોડે છે પણ જીવનસાથી મરતે દમ તક આપણી સાથે રહે છે. આમ જુઓ તો પતિ પત્નીનો સંબંધ એટલે નાડાછડીના સુતર અને વરમાળાના રેશમ જેવો સાવ નાજુક છતા નક્કર એવો કે ભલભલા સંજોગો સામે ઝિંક ઝીલી શકે.કહેવાય છે કે સંબંધો ત્રણ બાબતોના આધારે ટકી શકતા હોય છે. પ્રેમ, આદર અને વિશ્વાસ.બે પાત્રો વચ્ચે પ્રેમ ક્યારેક લગ્ન પહેલા થતો હોય તો ક્યારેક લગ્ન પછી થતો હોય પણ એનો પાયો મજબૂત હોવો જરુરી છે.એવી જ રીતે એકબીજા પરનો વિશ્વાસ ક્યારેય ન ડગવો જોઇએ. અને સૌથી અગત્યની વાત કે ગમે એટલો પ્રેમ કે વિશ્વાસ હોય પણ આદર ન હોય તો એ સંબંધમાં તિરાડ પડે છે. કોઇપણ ઇમારતનાં બધા જ પાયા પર પુરતુ ધ્યાન આપવામાં આવતુ હોય છે તેમ લગ્નજીવનના આ ત્રણેત્રણ પાયાને બરોબર મજબૂત રાખીએ તો આજીવન ટકી રહે છે. તુ સમજે છે ને ડીયર ?
આ પત્ર તને સલાહ, શીખામણ કે બોધપાઠ આપી બૉર કરવા નથી લખ્યો પણ તારી આવનારી જિંદગીની રુપરેખા બતાવું છું. તમે સ્ટુડન્ટ લોકો એક્ક્ષામ્સ નજીક આવે એટલે પ્રોફેસર્સ પાસે આઇ.એમ.પી. માંગતા હોવ છો ને? તો આ પત્રને આઇ.એમ.પી. જ સમજી લે. આવનારી જિંદગી તને અનેક પ્રશ્નો પૂછશે તારે આમાંથી જ જવાબો પાકા કરવાના છે અને પાસ થવાનું છે.મને ખાતરી છે કે તું સ્કોલર સ્ટુડન્ટ છે હાઇએસ્ટ સ્કોર સાથે પાસ થવાની છે. મારી વ્હાલી સ્કોલરને આગોતરા અભિનંદન.ડીયર , હું પણ જાણું છું કે વોટ્સએપ પર આવતા સુવાક્યોથી જિંદગી નથી ચાલતી. જિંદગી તો કોર્સ બહારના પ્રશ્નો પણ પછી લેતી હોય છે અને એમાં પાસ થવુ એ જ તો સાચી કાબેલિયત છે.વોટસએપના મેસેજ ફોરવર્ડ કરી દેવા માટે હોય છે પણ આવા સાચુકલી વાતો કહેતા બે ચાર પત્રો જણસ જેવા હોય છે એને સાચવી રાખીશ ને? મારી ગેરહાજરીમાં પણ તને મારી હૂંફ આપતા રહેશે.
તું ચાંદની સ્વરુપે મારા ઘરમાં આવીશ અને ચારેબાજુ અજવાળું અજવાળું થઈ જશે.મારા ઘરનો ખૂણેખૂણો તારા આગમનથી ઉજ્જ્વળ બનશે.બગીચો તારા સ્પર્શથી જીવંત થશે,રસોડુ તારી બંગડીઓના રણકારે ગાજતું થશે,ડ્રોઇંગરૂમ અવનવા ગીતોથી ગુંજતો થશે,હીંચકો તારા પગની ઠેસથી નાચતો થશે, ઠીબમાંથી દાણા-પાણી આરોગતા મારા પંખિડાઓ તારી સાથે ગાતા થશે.તું જાણે છે? બારી સામે એક હર્યોભર્યો ગુલમ્હોર હતો, જે હવે નથી રહ્યો તે ખાલી જગ્યામાં ક્યારેક ક્યારેક અડધી રાતે ચાંદો ડોકિયા કરી જાય છે. હવે તું આવીશ અને એ ખાલી જગ્યા પર તારી છબી લટકાવી દઇશ અને પછી તો બારેમાસ અને આઠે પ્રહર અજવાળું જ રહેશે.
મારી વ્હાલી ઢીંગલી, આ તારી સાસુ તને ખાતરી આપે છે કે તને ક્યારેય દુખી નહી થવા દે.હું ખાતરી આપું છું કે મેં જે ચુંદડી ઓઢાડી છે તે તારા પર જવાબદારીનો બોજો નહી બની જાય, હાથમાં બંગડી અને પગમાં ઝાંઝર પહેરાવ્યા છે તે બેડી નહી બની જાય,ગળાની ચેઇન ક્યારેય ગાળિયો નહી બની જાય, નાકની ચુંક બંધન નહી બની જાય. આ બધા તો માત્ર ઘરેણા છે.જે તારા શણગાર માટે લાવી છું તને બાંધવા માટે નથી. આ ઘર તારા માટે સોનાનું પીંજર ક્યારેય નહી બને,આ ઘરમાં તને તારું પોતાનું આકાશ મળશે કે જ્યાં તારુ સ્વતંત્ર વ્યક્તિત્વ ખીલી શકે.જ્યાં તારી પોતાની પાંખો વડે તું પોતે નક્કી કરેલી દિશામાં ઉડી શકે.તારા સોનેરી સ્વપ્નો સાકાર થાય એ માટે અમે બધા પ્રયત્નશીલ રહેશું.મને એક મુલાકાતમાં સવાલ પુછાયો હતો કે ‘એક સ્ત્રી તરીકે તમે કેટલા સ્વતંત્ર છો?’ મેં જવાબ આપ્યો હતો કે મારી દીવાલો હું ખુદ નક્કી કરી શકું એટલી હું સ્વતંત્ર છું. તને સમજાય છે ને મારી આ વાત ?
ચાલ, હવે ઘણું લખાઇ ગયું. આ બધું તું વાંચીશ અને સમજીશ ત્યાં તો અમે વાજતે ગાજતે તારા આંગણે જાન લઇને આવી જઇશુ.તું સત્કારીશ ને તારી આ બીજી મમ્મીને? જો કે મને ખબર છે કે તું ઉમળકાથી વધાવી લઇશ કારણ કે મારી પસંદગી બહુ ઊંચી છે યુ નો ? લવ યુ બચ્ચા…ખુશ રહે.
—તારી બીજી મમ્મી
સુશ્રી પારુલ ખખ્ખરનો સંપર્ક parul.khakhar@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
આદ્ય મુસ્લિમ મહિલા શિક્ષિકા ફાતિમા શેખનાં સ્મરણ ઉજાસમાં મુસ્લિમોના શિક્ષણની સ્થિતિ
નિસબત
ચંદુ મહેરિયા
કેટલીક ઘટનાઓ અને વ્યક્તિઓ ઐતિહાસિક મહત્વનાં હોવા છતાં તે ઈતિહાસમાં નોંધાયેલા હોતાં નથી. દલિત, આદિવાસી, પછાત અને હાંસિયાના લોકો અને તેમનો ઈતિહાસ પૂર્વગ્રહો કે આધાર-પુરાવાના અભાવે ઈતિહાસના પૃષ્ઠોમાં ઓઝલ જોવા મળે છે. ઓગણીસમી સદીના મહારાષ્ટ્રના મહાન સમાજસુધારક મહાત્મા ફુલે-સાવિત્રી ફુલેના સહયોગી, સમર્થક, સાથી અને કેટલીક બાબતોમાં સમોવડિયા ફાતિમા શેખ ઈતિહાસનું આવું જ એક ગુમનામ પાત્ર છે. સાવિત્રી ફુલે (૧૮૩૧ – ૧૮૯૭) આધુનિક ભારતના આદ્ય સ્ત્રી શિક્ષિકા છે તો તેમના સમકાલીન અને સમવયસ્ક ફાતિમા શેખ (૧૮૩૧-૩૨ થી ૧૯૦૦) આદ્ય મુસ્લિમ સ્ત્રી શિક્ષિકા છે. સબાલ્ટન હિસ્ટ્રીના પ્રતાપે કેટલાક ઈતિહાસવિદો અને સંશોધકોએ ફાતિમા શેખના જીવનકાર્યને ઉજાગર કર્યું છે.

મહાત્મા ફુલેએ ઈ.સ. ૧૮૪૮માં પૂનામાં દલિત કન્યાઓ માટે શાળા શરૂ કરી અને દલિત જાગ્રતિના પ્રયાસો આરંભ્યા તેથી કથિત ઉચ્ચ વર્ણના લોકોએ તેમનો વિરોધ કર્યો. પરંતુ ફુલે ડગ્યા નહીં ત્યારે તેમના પિતા પર પુત્રને આ કામ બંધ કરવા સમજાવવા નહીં તો તેને ઘરમાંથી કાઢી મુકવા દબાણ કર્યું. પિતા રૂઢિવાદીઓ આગળ ઝૂકી ગયા એટલે ફુલે દંપતીએ પિતાનું ઘર છોડી દેવું પડ્યું. એ સમયે તેમને આશરો આપનારાઓમાં એક મુસ્લિમ કુંટુબ પણ હતું. જોતીબાના પિતા ગોવિંદ રાવના મિત્ર અને ઉર્દૂ-ફારસીના શિક્ષક મુન્શી ગફાર બેગની સહાયથી તેઓ પૂનાના ગંજપેટ વિસ્તારમાં ઉસ્માન શેખના ઘરે રહ્યા હતા. ફાતિમા શેખ ઉસ્માન શેખના નાના બહેન હતાં.
શૂદ્રાતિશૂદ્ર બાળકોને ભણાવવા કોઈ શિક્ષકો તૈયાર નહોતા એટલે જોતીરાવે પોતાના પત્ની સાવિત્રીબાઈને ભણાવ્યા અને પછી તેમણે કન્યા શાળાની બાળાઓને ભણાવવા માંડી. જોકે સાવિત્રીબાઈને તે બદલ ધમકીઓ, ગાળો જ નહીં શારીરિક હુમલા પણ સહેવા પડ્યા હતા. ઘર છોડ્યા પછી પણ ફુલે દંપતીએ શિક્ષણનું કામ જારી રાખ્યું. તેમની શાળામાં ફાતિમા શેખ પણ ભણ્યા અને બાદમાં શિક્ષકા તરીકે જોડાયા. ઉસ્માન શેખે ફુલેને પોતાનું ઘર શાળા માટે દાનમાં આપી દીધું. સાવિત્રીબાઈની જેમ ફાતિમા શેખને પણ મહાત્મા ફુલેએ શિક્ષિકાની વિધિવત તાલીમ લેવડાવી હતી. ફાતિમા શેખે અહમદનગરની શાળામાંથી શિક્ષિકાની પરીક્ષા પાસ કરી હતી.
લગભગ પોણા બસો વરસ પહેલાં ફાતિમા શેખ પણ ઘરેઘરે જઈને માબાપોને બાળકોના શિક્ષણનું મહત્વ સમજાવતા અને તેમને સ્કૂલે મોકલવા વિનંતી કરતાં. આ કામ આસાન નહોતું. તેમને હિંદુ ઉપરાંત મુસ્લિમ રૂઢિચુસ્તોના વિરોધનો સામનો કરવો પડતો હતો. શિક્ષણ મેળવવાથી છોકરીઓ બગડી જશે એમ માનતા સમાજમાં જોતીરાવ-સાવિત્રી-ફાતિમાએ શિક્ષણની એવી તો અલખ જગવી કે બહુ થોડા વરસોમાં પૂનામાં પાંચ અને તેની બહાર દસ શાળાઓ સ્થાપાઈ. જોતીબા ફુલે વિધવા વિવાહ, કુટુંબના બળાત્કારનો ભોગ બનેલી બાળ વિધવાઓના બાળકોને જન્મતાં જ મારી નાંખવામાંથી ઉગારવા બાળહત્યા પ્રતિબંધક ગૃહ, સ્ત્રીઓને સમાજમાં સમાન સ્થાન અને ખેડૂતોના શોષણ જેવા મુદ્દે જે સમાજ સુધારણાના કામો કરતા તેમાં ફાતિમા શેખ પણ જોડાયેલા હતા. સાવિત્રીબાઈની દીર્ઘ બીમારી દરમિયાન તેમના કામનો બધો બોજ ફાતિમાના શિરે હતો. આ સમયગાળામાં તેઓ મહાત્મા ફુલે સ્થાપિત એક ક્ન્યા શાળાના આચાર્યા પણ હતા.
ફાતિમા શેખના દેહ વિલયને આજે તો આશરે સવાસો વરસ થવા આવ્યા છે પરંતુ તેમણે આરંભેલા શિક્ષણની, ખાસ તો મુસ્લિમ કન્યાઓના શિક્ષણની, શું હાલત છે તે વિચારણીય છે. વસ્તી ગણતરીના આંકડા પ્રમાણે ઈ.સ. ૧૯૦૧માં મુસ્લિમોમાં શિક્ષણનું પ્રમાણ ૯.૮૩ ટકા હતું.. મુસ્લિમ મહિલાઓમાં તો તે માત્ર ૦.૬૯ ટકા જ હતું.. ૨૦૧૧ની છેલ્લી વસતી ગણતરી પ્રમાણે મુસ્લિમ મહિલાઓનો સાક્ષરતા દર ૫૧.૯ ટકા છે. એટલે એક સો દસ વરસ પહેલાં શૂન્યથી શરૂ થયેલો મુસ્લિમ સ્ત્રી સાક્ષરતાનો દર આજે પચાસ ટકાએ પહોંચ્યો છે તેના પાયામાં ફાતિમા શેખનો પરસેવો પડેલો છે.
મુસ્લિમો આપણા દેશનો બીજો મોટો ધાર્મિક સમૂહ છે. વિશ્વના દર દસે એક મુસ્લિમ ભારતીય છે. દુનિયાની કુલ વસ્તીમાં ૧૮૦ કરોડ કે ૨૩ ટકા વસ્તી મુસલમાનોની છે. ૧૯૫૧માં ભારતમાં ૩.૪ કરોડ મુસલમાનો હતા. આજે આશરે ૧૫ ટકા કે ૧૯.૩ કરોડ છે. ઉત્તરપ્રદેશમાં ૩.૦૭ કરોડ (૧૯.૩ ટકા) પશ્ચિમ બંગાળમાં ૨.૦૨ કરોડ (૨૫ ટકા) અને બિહારમાં ૧.૩૭ કરોડ ( ૧૬.૯ ટકા) મુસ્લિમ વસ્તી છે. એ હિસાબે દેશની કુલ મુસ્લિમ વસ્તીનો અડધોઅડધ હિસ્સો આ ત્રણ રાજ્યોમાં છે. ગુજરાતમાં ૯.૭ ટકા કે ૫૮.૫૭ લાખ મુસલમાનો છે.
૨૦૦૬ના જસ્ટિસ રાજિંદર સચ્ચર સમિતિના અહેવાલ પ્રમાણે ભારતમાં મુસ્લિમોની આર્થિક-શૈક્ષણિક સ્થિતિ અનુસૂચિત જાતિ ,જનજાતિ કરતાં પણ બદતર છે. ૨૦ થી ૩૦ વરસના હાલના દલિત યુવાનો તેમની આગળની પેઢી (૫૧ વરસથી વધુ) કરતાં ત્રણ ગણા ગ્રેજ્યુએટ છે પરંતુ મુસ્લિમ યુવાનોમાં આ પ્રમાણ બે ગણું છે. ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશની રાષ્ટ્રીય સરેરાશ ૨૩. ૬ ટકા છે. દલિતોની ટકાવારી ૧૮.૫ અને અન્ય પછાતોની ૨૨.૧ ટકા છે. પરંતુ મુસ્લિમોની ટકાવારી તેનાથી ઘણી ઓછી એટલે કે ૧૩.૮ ટકા જ છે.દેશની મહત્વની કોલેજોમાં દર ૫૦ વિધાર્થીએ એક જ મુસ્લિમ યુવાન ગ્રેજ્યુએશન ડિગ્રીના અંતિમ વરસમાં શિક્ષણ મેળવે છે. શાળા છોડી જતાં વિધ્યાર્થીઓની રાષ્ટ્રીય સરેરાશ ૧૩.૨ ટકા છે પરંતુ મુસ્લિમ બાળકોમાં તે ૧૭.૬ ટકા છે. .
૨૦૧૧માં હિંદુ પુરુષોનો સાક્ષરતા દર ૭૦.૭૮ ટકા હતો તો મુસ્લિમ પુરુષોનો ૬૨.૪૧ ટકા હતો. દેશમાં ૫૫.૯૮ ટકા હિંદુ અને ૫૧.૯ ટકા મુસ્લિમ મહિલાઓ શિક્ષિત હતી. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસના ૨૦૧૭-૧૮ના સર્વેમાં મુસ્લિમ મહિલાઓના શિક્ષણની ચિંતાજનક સ્થિતિ જોવા મળે છે. ૩ થી ૩૫ વરસની ૨૧.૯ ટકા મુસ્લિમ મહિલાઓ કદી શાળાનું પગથિયુ ચઢી નથી. ૧૮ ટકા જ બારમું કે તેથી વધુ ભણી છે. ૩૦ ટકા મુસ્લિમ મહિલાઓ સાવ જ નિરક્ષર છે.
મુસ્લિમોમાં ગરીબી, છોકરા કરતાં છોકરીઓનું નીચું સ્થાન, ધાર્મિક ખ્યાલો જેવા કારણોથી કન્યા શિક્ષણ ઓછું છે. શિક્ષણ સ્ત્રીમાં આત્મસન્માન જગાડે છે,આત્મ નિર્ભર બનાવે છે. મહિલાના સર્વાંગી વિકાસનો માર્ગ ખોલે છે. એક સફળ માતા, જવાબદાર નાગરિક અને બહેતર ઈંસાન બનાવવા માટેની પ્રાથમિક શરત મહિલાનું શિક્ષિત હોવું છે. પોણા બસો વરસ પહેલા ફાતિમા શેખે મુસ્લિમ મહિલા શિક્ષણનો માર્ગ કંડાર્યો હતો. આજના મુસ્લિમ સમાજે તેને અજવાળીને તેમના કાર્યને સાર્થક કરવાનું છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
હાઈવે – ચાર અવલોકનો
અવલોકન
– સુરેશ જાની
હાઈવે
તમે એક્સપ્રેસ હાઈવે પર કલાકના સાઠ માઈલની ઝડપે આગળ ધસી રહ્યા છો. રસ્તાની બન્ને દિશામાં બબ્બે લેન છે. પણ તમે તો તમારી બેમાંથી એક લેન પર જ ગાડી ચલાવી શકો છો. જ્યાંથી આવ્યા ત્યાં પાછા નથી જઈ શકતા. નાકની દાંડીએ બસ આગળ ને આગળ, લક્ષ્ય સુધી ન પહોંચાય ત્યાં સુધી. બસ સતત દોડતા જ રહેવાનું છે.
વચ્ચે ઘણા ત્રિભેટા ( Exit) આવે છે. પણ એમાંનો એક પણ તમારા કામનો નથી. ઘણા તો બહુ આકર્ષક ત્રિભેટા છે. સરસ મઝાના, કુદરતી સૌંદર્યવાળા પાર્ક, લેક કે મનોરંજનના સ્થળ પર તે લઈ જાય છે. ક્યાંક ખાવાપીવાની સરસ મજાની વાનગીઓ પણ મળે છે. પણ તમે ત્યાં અટકી નથી શકતા. તમારે તો લક્ષ્ય સ્થાને પહોંચવાનું છે – સમયસર. કોઈ અણમોલ તક તમારી રાહ જોઈ રહી છે. નસીબ આડેનું પાંદડું કદાચ ખસી જવાનું છે. હા ! થોડો સમય ખાણીપીણી માટે કે નાનો મોટો છુટકારો લેવા અટકાય; પણ લાંબો વખત નહીં. ન વિરામ ઘટે; ન વિલંબ ઘટે.
થાકી ગયા તો કિનારો ન આવે,
સતત ચાલવું જોઈએ, એક જ દિશામાં.અને તમારો ત્રિભેટો હવે નજીક આવી રહ્યો છે. જો જરા ગાફેલ રહ્યા, બેધ્યાન રહ્યા કે બીજી કોઈ વાતમાં મન પરોવ્યું અને તમારો ત્રિભેટો તમે ચૂકી ગયા, તો પાછા જ ફરવું પડે. એમ બને કે, આવી ગફલત થઈ છે, તેનો ખ્યાલ તમને બહુ મોડો આવે – ચોથા કે પાંચમા ત્રિભેટા પછી આવે. અને તમે પાછા વળો અને ફરી પાછા તમારી સાચી દિશામાં આગળ વધો. તમારો રસ્તો તમને પાછો મળી પણ જાય. પણ ગયેલી એ ઘડી, એ પળ પાછી નહીં આવે. તમે લક્ષ્ય પર પહોંચો ત્યારે કદાચ બહુ મોડું થઈ ગયું હોય. એ તક જતી રહી હોય. આગળ ચોટલાવાળી અને પાછળથી બોડા તાલકાવાળી સ્ત્રી જેવી તક!
અથવા એટલું મોડું થઈ ગયું હોય કે. ગાઢ અંધારું તમને ઘેરી વળે, અને ન ઊઠી શકાય તેવી કોઇઇક નિદ્રામાં પોઢી જાવ.
——————–
જિન્દગી પણ આવા એક હાઈવે જેવી જ છે, નહીં વારુ?
ક્રિયા – પ્રતિક્રિયા
ત્રણ દિવસથી વરસાદ ‘અઠે દવારકા’ કરીને બરાબર જામી પડ્યો છે. જવાનું નામ જ નથી લેતો. સામાન્ય રીતે હું આવા દિવસોમાં ઘરની બહાર નીકળતો નથી. પણ તે દિવસે મારા દીકરાના ઘેર ખાસ અગત્યના કામે જવું પડ્યું; અને તે પણ – વરસતા વરસાદમાં. આમ તો અમેરિકાના રસ્તાઓની સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ ઘણી સારી હોય છે. વરસાદ બંધ થાય પછી દસેક મિનિટમાં ક્યાંય પાણી ભરાયાં ન હોય. પણ મૂશળધાર વરસતા વરસાદમાં ક્યાંક તો પાણી ભરાય જ ને?
મારી કાર એ હાઈવે પર કલાકના ૫૫ માઈલની ઝડપે જઈ રહી હતી. કોરો દિવસ હોય તો તો કલાકે ૬૫ માઈલની ઝડપ જ હોત. પણ વરસાદના કારણે સાવચેતી માટે હું થોડો ધીમો હતો. કાર એક ફ્લાય ઓવર પાસેથી પસાર થઈ. સારું એવું પાણી ભરાયેલું હતું. આખી લેન પર ત્રણ ચાર ઈંચ પાણી હતું. પાણીનો મોટો શાવર ફ્લાય ઓવરના કોલમ પર અને આજુબાજુ ફેંકાયો: જાણે કે, મોટો પમ્પ ચલાવ્યો ન હોય? બારીઓ બંધ હોવા છતાં સારો એવો છબ્બાક અવાજ પણ સંભળાયો. સાથે સાથે કારને પણ જબરદસ્ત થડાકો લાગ્યો. કાર થોડીક ઊંચી અને વાંકીચૂકી થઈ ગઈ. મહાપ્રયત્ને, સ્ટિયરિન્ગનું નિયમન કરીને કારને લેનની બહાર જતાં રોકી.
આમ તો પાણીનાં નાનકડા બિંદુઓ જ. પણ એમના મસ મોટા સમૂહને કારણે આપણી રોજિંદી ક્રિયા પર નિયમન આવી ગયું.
…
અમે કેરમની રમત રમી રહ્યા છીએ. મારી બે કુંકરીઓ મારી લાઈનની અંદર છે. પણ હું નિયમ પ્રમાણે તેમને સીધી કાઢી શકતો નથી. સામેની દીવાલ પર સ્ટ્રાઈકર અફળાવી, તેની વળતી ગતિમાં જ એ કુંકરી પર નિશાન અજમાવી શકાય છે. સ્ટ્રાઈકર જે દિશામાંથી દીવાલ સાથે અફળાયો હોય, તેની વિરુધ્ધ દિશામાં એટલા જ વેગથી પાછો ફેંકાય છે. દીવાલ સાથે અથડાય ત્યારે, ખટ્ટાક અવાજ પણ થાય છે.
…
મારી દીકરાના દીકરાને હું દીવાલ તરફ બોલ ફેંકીને કેચ કરવાની રમત શીખવાડી રહ્યો છું. બોલ અફળાઈને પાછો આવે છે. જો સીધો નાંખ્યો હોય તો, મારા હાથમાં જ આવીને ઊભો રહે છે. પણ સહેજ ત્રાંસો હોય તો વિરુધ્ધ દિશામાં ગતિ કરી, મારાથી દૂર જતો રહે છે, એને પકડવા મારે ખસવું પડે છે. દીવાલ સાથે અથડાય ત્યારે, ધબ્બ જેવો અવાજ પણ થાય છે.
ક્રિયા અને પ્રતિક્રિયા – ન્યુટનનો ત્રીજો નિયમ – અને મન વિચાર કરવા લાગે છે.
માનવ મન પણ સતત પ્રતિક્રિયા કરવા ટેવાયેલું છે. કાંઈક બને કે તરત જ તે વિચારવા લાગે છે; મૂલ્યાંકન કરે છે; અને તેને આનુષંગિક નિર્ણયો લે છે. કદીક એ નિર્ણયો અમલમાં પણ મૂકે છે. સામેની વ્યક્તિ કે સમૂહ પણ એમજ કરવા ટેવાયેલાં છે. અને આમ સામસામે ક્રિયા – પ્રતિક્રિયાની વણઝાર ચાલુ થઈ જાય છે. દરેક વખતે ઘોંઘાટ તો ખરો જ! કદીક આ પ્રક્રિયાની શ્રુંખલા ( chain reaction) પણ જન્મ ધારણ કરે છે – અને વાતનું વતેસર!
- અપરિવર્તનશીલ પૂપુર્વગ્રહો, ગેરસમજુતીઓ, વિવાદ અને વિસંવાદ
- આયખા ભરના સંબંધોમાં તિરાડ: અબોલા અને વિચ્છેદ
- યુધ્ધ, સંઘર્ષ, વિનાશ, તબાહી
- અનાથો, આંસુ, લોહીની નદીઓ.
માનવ સંબંધોમાં ન્યુટનના ત્રીજા નિયમને ખોટો ઠરાવે તેવો કોઈ આઈનસ્ટાઈન – બ્રાન્ડ સુધારક પ્રગટે તો કેવું? નહીં વારુ? એમ ન બને કે, આપણા મર્યાદિત ક્ષેત્રમાં આપણે જ આપણા આઈનસ્ટાઈન બની શકીએ? પ્રતિક્રિયા કરવામાંથી આપણા મનને રોકીએ? કોઈ પૂર્વગ્રહો, પાયાવિહિન માન્યતાઓ ઊભા ન જ થવા દઈએ?
હાઈવે ઉપર સફર
રાતનું અંધારું શરુ થઈ ગયું હોય તેવી, શિયાળાની મોડી સાંજે, તમે મુસાફરીએ આવેલા સ્થળથી તમારા ઘેર પહોંચવા નીકળ્યા છો. નજીકના નાના અને જાણીતા રસ્તા છોડી, તમે સ્ટેટ હાઈવે પર આવી ગયા છો. આજુબાજુ, ચોગમ, કાળો ડીબાંગ અને ઝાડી ઝાંખરાથી ભરપૂર વગડો માત્ર જ છે. મધુરું બાળપણ છોડીને જવાબદારી અને માથાકૂટથી ભરેલા વિદ્યાર્થી કાળના જેવો જ તો.
કાળા ઘોર વગડાની વચ્ચે એક પ્રકાશનો પુંજ કલાકના સાઠ માઈલની ઝડપે સરકી રહ્યો છે. આગળનો રસ્તો બરાબર દેખાય તે માટેની ઝળાંહળાં થતી હેડ લાઈટ અને પાછળ આવનાર વાહનને તમે પણ રસ્તા પર છો; તેની જાણ કરવા માટેની લાલ ચટ્ટાક ટેઈલ લાઈટ. જીવન સંગ્રામમાં ઝઝૂમવા માટે જરુરી, પ્રજ્ઞા, શાણપણ અને સુરક્ષાની પાયાની વૃત્તિ જેવા, તમારાં આ એક માત્ર સાધનો છે. અલબત્ત શરીરનાં મહત્વના અંગો અને ઉપાંગો જેવું એન્જિન તો એની મેળે ચાલતું જ રહ્યું છે – પ્રાણતત્વ જેવું ઈંધણ ભરેલું છે ત્યાં સુધી.
તમે જે દિશામાં જઈ રહ્યા છો , તે જ દિશામાં રડ્યાં ખડ્યાં વાહનો તમારી આગળ અને પાછળ મુસાફરી કરી રહ્યાં છે. પણ એ તમારા કશા ખપનાં નથી. કોઈક તેજ ચાલનારાં તમારી કારને ઓવરટેક કરીને આગળ નીકળી જાય છે; તો કો’ક મંદગતિવાળાને તમારી કાર ઓવરટેક કરી દે છે.
પણ જો આવા કોઈ વાહનની વધુ નજીક તમે આવી ગયા તો? અને તેય કોઈ માતેલા સાંઢ જેવો કે, કોઈ બળીયા પ્રતિસ્પર્ધી જેવો ખટારો હોય તો? શું વલે થાય? બરાબર જીવન સંગ્રામની જેમ જ તો!
સામેની દિશામાંથી પણ તમારી કાર જેવા કોઈક પ્રકાશના પુંજ ધસમસતા જઈ રહ્યા છે. સદભાગ્યે, એમની અને તમારી વચ્ચે ભેદી ન શકાય તેવી આડશ છે. પણ જો એમની સાથે મુઠભેડ થઈ ગઈ તો? બન્નેનો ખુડદો જ બોલી જાય ને – હાથોહાથની અથડામણની જેમ? તમારી જીવનદ્રષ્ટિથી સાવ વિપરિત દ્રષ્ટિ ધરાવતા લોકોથી આમ સાવ છેટા રહેવામાં જ શાણપણ!
ક્યાંક ક્યાંક એ કાળા ડીબાંગ ફલકમાં દૂદુર કોઈક તગમગતા તારલા જેવા ગામ કે એકલદોકલ ફાર્મ હાઉસના અણસાર પણ દ્રષ્ટિગોચર થઈ જતા હોય છે. પણ આ કાળઝાળ રાત્રિમાં તમે એકલા નથી – એટલો સધિયારો પૂરવા સિવાય એમની કશી ઉપયોગિતા નથી. તમારે તો ગાતાં જ રહેવાનું છે –
’એકલા જ આવ્યા મનવા, એકલા જવાના
સાથી વિના, સંગી વિના, એકલા જવાના.‘બેફામ
પણ છેક એમ તો નથી. તમારી સાથે ગાડીમા જીવનભર સાથ આપનાર તમારી જીવનસંગિની તો છે જ; પણ આગલી સીટમાં તમારા બન્નેનો અંશ તમારો પુત્ર સારથી બનીને તમારી જીવનસફરમાં – ભુલ્યો, તમારી આ મુસાફરીમાં – તમને દોરી રહ્યો છે. એની બાજુમાં એની જીવનસંગિની છે. જીવનના અંતિમ તબક્કામાં તમારા કુટુમ્બની આ એકવાક્યતાથી તમે જીવન – સાફલ્યના પરિતોષના ભાવમાં રમમાણ છો.
અંધારિયાની એ રાતના આકાશમાં ટમટમતા તારલા ચમકી રહ્યા છે. એમનો નજારો આકર્ષક છે; પણ એય કશા ઉપયોગનો નથી; સિવાય કે, બ્રહ્માંડની વિશાળતાની સાક્ષી પૂરતા એ તમારી ક્ષુદ્રતાની વારંવાર યાદ આપતા રહે છે. વિતેલા કાળમાં સાચી દિશાની એંધાણી આપવાનું એમનું કામ હવે કારના ડેશબોર્ડ પર ટિંગાડેલા જી.પી.એસ. સાધને લઈ લીધું છે. એમને માનવ પ્રજ્ઞાની સીમા જેવા ત્રણ ત્રણ સેટેલાઈટો દરેકે દરેક, નાનકડી હિલચાલની ચોક્કસ માહિતી આપી રહ્યા છે. હવે એ જી.પી.એસ. જ તમારો ધ્રુવતારક છે.
તમારો વક્રદ્રષ્ટિ સ્વભાવ આ સાધનોને તુચ્છાકારી રહ્યો છે. ‘તમારા યુવાની કાળની સફરની, બધી સનસનાટી અને આવેગો તમારો પુત્ર એના થકી ખોઈ બેઠો છે.’ એવો મિથ્યા વિચાર તમારા અહંકાર અને નવી પેઢી પ્રત્યેની તમારી ઈર્ષ્યા અને અણગમાને પોષી રહ્યો છે!
અને લો ! દૂરથી પ્રકાશિત દીવાઓનો સમૂહ તમારી નજીક આવી રહ્યો છે. થોડીક જ વારમાં તમે ઝળહળતા કોઈક નાના નગરના સીમાડે પહોંચી ગયા છો. તમારી સફરનો એક માઈલ સ્ટોન તમે સર કર્યો છે. પણ શહેરની લાલ લીલી લાઈટો તમારી સફરને અટકાવી દે છે – જેમ સમૃધ્ધિ મળતાં જીવન સફરનો વેગ ધીમો બની જાય તેમ. આ સિધ્ધિનો લાભ લઈ, પગ છૂટો કરવા થોડા રોકાઓ છો. પણ ક્ષણિક રાહત સિવાય, આ મુકામ તમારા કશા કામનો નથી. તમે અહીં અટકી નથી શકતા. આગળ અને આગળ અંતિમ મુકામ સુધી તમારે સફર ચાલુ જ રાખવાની છે.
આવાં અનેક નગરો આવે છે; અને વિદાય લે છે. એમાંનો કોઈ ઝળહળાટ તમારી સફરના ધ્યેય સાથે સુસંગત નથી. એને તમારે અલવિદા કહેવી જ પડે છે. અને એક મોટું જન્ક્શન આવી ગયું. હવે તમારી જીવનકાર સ્ટેટ હાઈવે પરથી રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવી ગઈ છે. તમારી જીવનભૂમિકાનો હાઈવે તમને લબ્ધ થઈ ચૂક્યો છે. તમારી કારની ઝડપ હવે વધી ગઈ છે. હવે રસ્તે આવતા નગરોની કોઈ લાલલીલી બત્તી તમારી સફરને રોકી શકે તેમ નથી. તમારી પ્રગતિ હવે તેની ચરમસીમાએ પહોંચી ગઈ છે. હવે રસ્તો બહુ ઝડપથી કપાવા માંડે છે. સંવાદિતાથી ચાલતી કારના બધા નાદ અને આઈપોડમાંથી રેલાતું સૂરીલું સંગીત તમને નિદ્રાધીન/ સમાધિસ્થ કરી દે છે.
અને આ શું?
તમારી કાર રસ્તાની બાજુના શોલ્ડર ઉપર, ખોટકાઈને ખડી થઈ ગઈ છે. તમે ચારે જણ હાંફળા ફાંફળા બનીને મદદ માટે હાથ લાંબા કરી સનસનાઈને પસાર થઈ જતાં વાહનોને રોકવાનો મિથ્યા પ્રયત્ન કરો છો. પણ જીવનની જેમ કોઈના માટે , કોઈ રોકાતું નથી. તમે નીરાશ વદને, આ ઘનઘોર રાત્રિમાં, આ કાળાડીબાંગ, અવાવરુ અને ભયજનક વગડામાં બેબસ, બેસહારા, નિરાધાર બની ગયાની હતાશામાં માથે હાથ દઈ બેસી પડો છો. આકાશમાંથી બે ચાર છાંટા પડ્યાનો તમને અહેસાસ થાય છે. દુકાળમાં અધિક માસ જેવી આવી પડેલી આ આપત્તિને સ્વીકાર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ તમારી પાસે નથી. તમે ચારે જણ કારનું શરણું લેવા પારોઠનાં પગલાં ભરો છો.
અને ત્યાં કોઈ હાથ તમારી ગરદન ઉપર ફરતો તમે અનુભવો છો. તમારા સમગ્ર શરીરમાં ભયનું એક લખલખું ફરી વળે છે. શિયાળાની આ કડકડતી ઠંડીમાંય તમે પસીને રેબઝેબ થઈ જાઓ છો. પણ તમારી પત્નીનો સ્નેહાળ અને રણકતી ઘંટડી જેવો અવાજ તમને સંભળાય છે.
“ હું કહું છું; તમને કંઈ થાય છે? શરીરે ઠીક તો છે ને?”
અને તમે પાછા સ્વપ્નજગતની એ ભયાનક અનુભૂતિમાંથી પાછા, કારની સવલત ભરેલી દુનિયામાં પુનરાગમન કરો છો. તમારી જીવનસંગિની જ તમારી એક માત્ર સાચી મિત્ર છે; એની સ્વાનુભવી પ્રતીતિ તમને થઈ જાય છે. જીવનમાં આવતી કસોટીઓની જેમ આ દુઃસ્વપ્ન પણ પસાર થઈ જાય છે. તમને હવે ખબર પડે છે કે, એક લાલ લીલી સિગ્નલ લાઈટ આગળ કાર થંભેલી છે. તમારી નજર રસ્તાની બાજુએ આવેલા તમારાં જાણીતાં ગેસ સ્ટેશન, હોટલ અને બેન્કના મકાન તરફ જાય છે.
તમે ધન્યતા અનુભવો છો કે, છેવટનો મુકામ આવી ગયો છે. તમારું કાયમનું ઘર હવે ઢૂંકડું છે. ત્યાં જઈ તમે આરામની ઉંઘમાં ગરકાવ થઈ જવાના છો. એમાંથી જ્યારે ઉઠાય ત્યારે ખરું. એ તમારી આ સફરની ચિંતા, વ્યથા, થાક, હતાશા, અસલામતી – બધાંનો છેવટનો ઉકેલ છે. તમારી ગાડી અહીં ગતિ કરતી અટકી જવાની છે. પણ તમને એનું કોઈ દુઃખ નથી.
તમારી મુસાફરી થોડી ઘણી અગવડ અને પેલા દુઃસ્વપ્ન સિવાય નિર્વિઘ્ને પૂરી થયાનો સંતોષ માણી તમે ‘સ્વધામ’માં થાકેલા તને, પણ પ્રફુલ્લ મને પ્રવેશ કરો છો.
હાઈવે પરનો એક્ઝિટ
દરરોજનો અનુભવ છે. આમ તો લાંબા અંતરે જવાનું હોતું નથી. દીકરીના દીકરાને નિશાળેથી બપોરે લઈ આવવાનું એ રોજનું કામ. પાંચ માઈલનો એ રોજનો રસ્તો. પણ એ પાંચ માઈલની મુસાફરી માટે પણ હાઈવેનો સહારો લેવો પડે છે. એ વિના પણ મુસાફરી થઈ તો શકે છે. પણ એ રસ્તો બહુ લાંબો પડે છે. તેની ઉપર ધીમી ગતિએ જવું પડે છે. વચ્ચે રૂકાવટો પણ ઘણી આવે છે. ક્યાંક ટ્રાફિક સિગ્નલ તો ક્યાંક સ્ટોપ સાઈન. વળાંકો પણ ઘણા આવે. ક્યાંક તો રસ્તો સાવ નાનો હોય, બન્ને દિશામાં માત્ર એક એક જ લેન.
આથી દરરોજ એ હાઈવેનો સહારો અચૂક લેવો પડે છે. અમારા ઘરની નજીકના મુખ્ય રસ્તા પરથી તેમાં પ્રવેશવાનું અને નિશાળની નજીકના નાનકડા રસ્તા પર પ્રવેશવા તેમાંથી નીકળી જવાનું. પાછા વળતાં આનાથી ઉંધી પ્રક્રિયા. આ બન્ને માટે એક્ઝિટનો સહારો લેવાનો.
હવે વાત એ કરવાની છે કે, જ્યારે એક્ઝિટ પરથી હાઈવેમાં પ્રવેશવાનું હોય ત્યારે ખાસ સતેજ રહેવું પડે. હાઈવે પર ચાલી રહેલી ગાડીઓનો પ્રવાહ દૂર હોય ત્યારે જ એમાં પ્રવેશી શકાય. મોટા ભાગે તો જગ્યા મળી જ જાય. પણ કો’ક વખત લાંબી વણજાર આવી રહી હોય ત્યારે બહુ જ અસમંજસ રહે. ગતિ વધારે પણ ન રાખી શકો અને ધીમી પણ નહીં. કદીક સાવ અટકી પણ જવું પડે અને ચાલ મળતાં ત્વરાથી ઝડપ વધારી હાઈવેની ઝડપ સાથે તાલ મેળવી લેવો પડે – કલાકના સાઠ માઈલ ! હાઈવે પર ચાલ મળી જાય ત્યારે હાશકારો થાય. ચાલો હવે નિરાંત – ઝડપથી લક્ષ્ય તરફ પહોંચી જવાશે.
હાઈવે પરથી બહાર નીકળતી વખતેય સતેજ તો રહેવું જ પડે, પણ પ્રમાણમાં તકલીફ ઓછી પડે. જેવા એક્ઝિટમાં પ્રવેશી જઈએ અને ઝડપ ઓછી કરવા માંડીએ એટલે પહોંચ્યાનો હાશકારો થાય. ધીમે ધીમે શહેરની કલાકના ૩૫ – ૪૦ માઈલની ઝડપ ઉપર આવી જઈએ. હવે અટકવાનું સરળ બની જાય. તાણ પણ ઓછી થાય.
બે હાશકારા – પણ બન્નેની અનુભૂતિ અલગ. એકમાં ઝડપ વધવાનો આનંદ; બીજામાં અટકી શકાવાનો આનંદ. પહેલામાં તાણના વધતા પ્રવાહ સાથે તાલ મેળવવાનો આનંદ, લક્ષ્ય . અંતર હવે ઝડપથી કપાશે તે આશાનો આનંદ. બીજામાં તાણ ઘટી શકાવાનો આનંદ – લક્ષ્યની નજીક આવી ગયાનો આનંદ. પહેલાંમાં ઉપર ચઢવાનું તાણ. બીજામાં નીચે ઉતરવાની હળવાશ. ઉપર ચઢવાનું હમ્મેશ વધારે શક્તિ, વિશેષ ધ્યાન, વિશેષ સતર્કતા માંગી લે છે. એમાં વિશેષ જોખમ છે. નીચે ઉતરવાનું પ્રમાણમાં બહુ સરળ છે.
રસ્તો ટૂંકો હોય તો આ ઉપર અને નીચે જવાના અનુભવોની એક આવ્રુત્તિ થાય એટલે પત્યું. લાંબા રસ્તે જતાં હોઈએ તો આવા બે, ત્રણ કે વધારે ચઢાવ ઉતારમાંથી પસાર થવું પડે.
પર્વત ઉપર ચડવાનું અને ઉતરવાનું – એમાં પણ આ જ અનુભૂતિ દોહરાય છે. નાની ટેકરી હોય કે મસ મોટો પર્વત હોય.
જીવનમાંય આમ જ છે ને વારુ?
શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
એક સેવાભાવી માસ્તરસાહેબે વસાવ્યું ગામ
લ્યો, આ ચીંધી આંગળી
રજનીકુમાર પંડ્યા
અશોકભાઈ ગોકળદાસ પટેલ અમેરિકાના ડલ્લાસમાં વર્ષોથી સ્થાયી થયા છે. તેમના પિતાને હું જાણું એટલે તેમણે પિતાનો વારસો અનોખી રીતે જાળવ્યો છે એ જોઈજાણીને મને ખાસ નવાઈ ન લાગે, બલ્કે એમ ન હોત તો જ નવાઈ લાગત! તન-મન અને ધનથી પણ ભારત પ્રત્યે સમર્પિત અમેરિકામાં રહેતા ગુજરાતી તરીકે ત્યાં એમની સવિષેશ ઓળખ છે. ત્યાં વસતા ગુજરાતી સમાજના કર્મશીલ આગેવાન, બિઝનેસમેન, કેળવણીકાર અને આવી તો કંઈ કેટલીય ઓળખ એમણે ત્યાં પેદા કરી છે.
ગુજરાતમાં હતા ત્યારે પણ અશોકભાઈ ગોકળદાસ પટેલે પણ ગાંધીજીસ્થાપિત ધી મજદૂર સહકારી કો-ઓપરેટીવ બેન્કના ડાયરેક્ટર તરીકે સેવા આપીને અનેક શ્રમિકોના જીવનમાં રચનાત્મક પરિવર્તન આણ્યું હતું. શહેરના મા.જે.પુસ્તકાલયના સક્રિય સભ્ય તરીકે તેમણે નોંધપાત્ર કામગીરી કરી બતાવી હતી. ગુજરાતની પ્રતિષ્ઠિત સામાજિક સંસ્થા ગુજરાત ફોરમના તેઓ આદ્યસ્થાપક રહ્યા. આ ઉપરાંત શૈક્ષણિક સંસ્થા ‘સંસ્કાર’ના નિયામક અશોક પટેલ રહ્યા કે જે સંસ્થા સમાજના નબળા વર્ગના બાળકોને કેળવણી આપવાનું કામ કરે છે. ગુજરાત સરકારના યુથ બોર્ડ, સ્પોર્ટસ કાઉન્સિલના સભાસદ તરીકે પણ તેમણે ઉત્તમ કામગીરી કરી છે. અને ‘રૂડાબાઇની વાવ’, ‘ગુજરાતના પાટીદારોનો ઇતિહાસ’ અને ‘ડોલરની દુનિયા અમેરિકા’ જેવાં પુસ્તકો પણ તેમની જ કલમનો પરિપાક.
પહેલી વાર અમેરિકામાં પગ દીધો ત્યારે તેમણે એક ક્લાર્કના સ્તરની નોકરીથી શરૂઆત કરી હતી. તેમના ત્યાંના પ્રારંભિક વર્ષો ખૂબ જ સંઘર્ષમય રહ્યા હતા પણ એ પછી આજે એ ડલ્લાસમાં ‘જૉબટેકર’માંથી ‘જૉબગીવર’ બની ચુક્યા છે. અમેરિકા પ્રવાસે જતો કે સ્થાયી થવા માગતા આપણા ગુજરાતના કોઈ પણ માણસ માટે અડધી રાતનો હોંકારો એટલે અશોકભાઈ ગોકળદાસ પટેલ.
આવા અશોકભાઈના પિતાજી ગોકળદાસ પટેલ એક શિક્ષક હતા. તેમના નામે એક ગામ વસેલું છે એમ કોઈ કહે તો મનાય? કેમ કે, ગામો કોનાં નામે વસે? ઈતિહાસનાં પાનાંઓ પર એક નજર નાખીએ તો ખ્યાલ આવે કે પહેલાંના જમાનામાં રાજા-મહારાજાઓ કે સંતપુરુષોના નામે ગામ કે નગર વસતા હતા. ઔરંગાબાદ નગર સમ્રાટ ઔરંગઝેબના નામે, તો આજના આગ્રા તરીકે ઓળખાતું અકબરાબાદ સમ્રાટ અકબરના નામે વસેલું. અમદાવાદ, જે અસલમાં અહમદાબાદ હતું એ પણ સુલતાન અહમદશાહના નામે વસાવાયેલું. તો હૈદરાબાદ નામ સંત હૈદરના નામ પરથી પડેલું. આ યાદીમાં પછી લોકપ્રભાવ ઉભો કરનારા નેતાઓ પણ સામેલ થયા. ગાંધીજીના નામ પરથી ગાંધીનગર, ઢસા(રાયસાંકળી)નું નામ દરબાર ગોપાલદાસ પરથી ગોપાલગ્રામ, સરદાર વલ્લભભાઈ પટેલના નામ પરથી વલ્લભ વિદ્યાનગર વગેરે.. આ યાદી હજી તો અનેકગણી લાંબી થઈ શકે. પણ કદી કોઈ શિક્ષકના નામે કોઈ ગામ વસેલું જાણ્યું? અને એય એમના જીવતેજીવ?
એમ બને કે કોઈ વ્યક્તિના જીવતેજીવ એનું નામ કોઈ માર્ગને અપાય કે ગામનું જૂનું નામ બદલાઈને નવું નામ અપાય. એવાં તો અનેક ઉદાહરણો હશે. પણ કોઈ હયાત વ્યક્તિના જીવતેજીવ સાવ નવું જ ગામ વસાવવામાં આવે એવું ભાગ્યે જ બને. અને એ વ્યક્તિ શિક્ષક હોય એવો દાખલો તો ક્યાંથી મળે?
મળે. અને એ પણ બહુ દૂર નહીં. અમદાવાદથી માત્ર પચ્ચીસ જ કિલોમીટરે આવેલું આ ગામ એટલે ગોકુળપુરા, જે આવ્યું છે અમદાવાદથી ગોતા ચોકડી થઈને ઓગણજ જવાના રસ્તે. ત્યાંથી કલોલ તાલુકાનું વડસર માત્ર અઢી કિલોમીટર અને જમિયતપુરા આઠ કિલોમીટર.
માત્ર છ જ વીઘામાં પથરાયેલું ગામ. પાંચસોની વસતિ. પ્રાથમિક શાળા ખરી, અને પાણીના નળની સુવિધાય ખરી. લોક મોટે ભાગે ખેતીવાડી પર નભે છે. અને હરેક સારા-માઠા પ્રસંગે, વાર-તહેવારે ગોકળદાસ માસ્તર કે જેમના નામ પરથી આ ગામની સ્થાપના થઈ હતી એમને યાદ કરે છે.
કોણ હતા આ ગોકળદાસ? ગોકળદાસ સોમાભાઈ પટેલ એમનું મૂળ નામ, પણ એમને સૌ ઓળખે ગોકળદાસ માસ્તરના નામે.
આગલી ત્રણ ત્રણ પેઢીના વડીલો જો પોતાના શાળાના દિવસો યાદ કરશે તો તરત જ આ નામ પોતપોતાની શાળાના ખંડની સ્મૃતિ સાથે જડાયેલું મળી આવશે, પછી ભલે ને તેઓ ગુજરાતના કોઈ પણ ગામે ભણ્યા હોય. ગોકળદાસે રચેલા સરળ પ્રાથમિક શાળાના ગણિત, ભૂગોળ, ભૂમિતિ, નામું, ઈતિહાસ અને વિજ્ઞાનનાં પુસ્તકો સરકારે બહાર પાડેલાં. અને એ વિષયોના પાઠ્યપુસ્તકોની સમાંતરે પૂરક વાચન તરીકે સરકારમાન્ય બન્યાં હતાં. એના વાંચન વગર પાસ થવું અશક્ય હતું, એટલે એ પુસ્તકો શાકભાજીની જેમ લારીઓમાં ભરી ભરીને ગલીએ ગલીએ વેચાતાં હતાં. મજાની વાત એ હતી કે આમ છતાં એ ગાઈડ સ્વરૂપનાં નહોતાં, પરંતુ પાઠ્યપુસ્તકના સ્વરૂપનાં હતાં. એમણે રચેલા શાળાંત (વર્નાક્યુલર ફાઇનલ) માટેના પુસ્તક ‘ભોમિયો’એ તો હજારો વિદ્યાર્થીઓને શિક્ષકની નોકરી અપાવવામાં આશિર્વાદરૂપ ભાગ ભજવેલો. આ બધા પુસ્તકો પાછાં કિફાયતી એટલા બધા કે આ ગોકળદાસ માસ્તરે એને સાંજના દાતણની ખરીદી જેટલી કિંમતમાં કોઈ પણને પરવડે એવા મામૂલી ભાવે હાથવગાં બનાવ્યાં હતાં. આ ગાળો 1935 થી 1960 સુધીનો. માત્ર એક જ રૂપિયાના વાર્ષિક લવાજમમાં આઠ અંકો આપીને અભ્યાસ મેગેઝિનની પ્રથા ગુજરાતીમાં શરૂ કરનાર આ ગોકળદાસ માસ્તર જ. આવાં તો એમણે એકલે હાથે આઠ- દસ કે પંદર-પચીસ નહીં, પણ ખાસ્સાં સવાસો પુસ્તકો લખ્યાં, જે વેચવા ઉપરાંત વાંચીને પાછા આપવાની શરતે જરૂરતમંદ વિદ્યાર્થીઓને વહેંચ્યા પણ ખરાં. હેતુ એક જ- શિક્ષણનો સર્વત્ર પ્રસાર. પણ ગોકળદાસ કેવળ શિક્ષક નહોતા. એ શાળાઓ સ્થાપનારા પણ હતા, એમણે ‘સંસ્કાર’ નામથી શરુ થતી ચૌદ જેટલી શાળાઓ અમદાવાદમા સ્થાપેલી, જેમાંથી ત્રણ તો આજે પણ કાર્યરત છે.

(ગોકળદાસ પટેલ) ગાંધીજીનો પ્રત્યક્ષ સંગ કરીને સ્વાતંત્ર્યસંગ્રામમાં પણ એ સક્રિય થયા હતા. દાંડીકૂચમાં એ ગાંધીજીની સાથે પણ ચાલ્યા હતા. આ સક્રિયતા છેક મહાગુજરાતની 1956-60 સાલની લડત સુધી રહી હતી. એમાં એ લડતના એ ખજાનચી રહ્યા હતા અને ઇન્દુલાલ યાજ્ઞિકનો જમણો હાથ બન્યા હતા. પણ અગાઉ 1942ના ‘હિંદ છોડો’ આંદોલન વખતે તો એ વારંવાર જેલમાં ગયા, લાઠીઓ ખાધી, ક્યારેક હિંસક ક્રાંતિમાં પણ ભાગ લીધો. ખાડિયા ચોકી (અમદાવાદ) ને બોમ્બથી ઉડાવી દેવામાં સક્રિય રહ્યા, તો સઈજના રેલવે ક્રૉસિંગ પરની માલગાડીને તો એમણે બોમ્બ મૂકીને એકલે હાથ ઉડાડી. પોલીસ જ્યારે એમની પાછળ પડી ત્યારે એમણે બચવા માટે ભૂગર્ભવાસ સેવ્યો. કલોલ ત્યારે ગાયકવાડી તાબામાં હતું એટલે બ્રિટિશ રાજની હકુમત ત્યાં તરત જ આંબી શકે. ગોકળદાસે એમની નજીકના શેરથા ગામના રાષ્ટ્રવાદી કાર્યકર્તા અંબાલાલ જોરાભાઈના ઘેર આશરો લીધો.
નવું ગામ વસાવવાની ઘટના આ ભૂગર્ભવાસ દરમ્યાન જ બની. એમના લંગોટિયા ભાઈબંધ શંકરજી ઠાકોરે એમને વાત કરી કે અમારા જમિયતપુરા ગામમાં ઠાકોરોનાં બે જૂથ વચ્ચે રોજ ઝઘડા થાય છે. વાત ખૂનામરકી સુધી પહોંચી છે. પણ લોહી રેડાય તે પહેલાં એનો કોઈક રસ્તો કરવો જોઈએ. તમે કંઈક રસ્તો સૂચવો.
ગામ મોટા ભાગે ઠાકોરોનું, ક્ષત્રિયોનું હતું. ને આપણે ત્યાં ક્ષત્રિયો અને ખેડૂતો વચ્ચે જૂગજૂનાં વેર ચાલ્યાં આવે છે. આ વેરને વધુ વકરાવું નહોતું. ગોકળદાસને બધા એમની શૈક્ષણિક પ્રવૃત્તિઓની કારણે ગુરુ ગણતા એટલે એમણે બહુ વિચારપૂર્વક તોડ કાઢ્યો કે બેમાંથી એક જૂથને અલગ પાડી દઈએ અને એક તદ્દન નવું ગામ વસાવીને ઝગડો જ મીટાવી દઇએ. પણ બે જૂથને અલગ પાડી દેવાની વાત કંઈ એક ક્ષણમાં નહીં થઈ હોય. દિવસો લગી ચર્ચાવિચારણા ચાલી હશે. વાંધાવચકા પડ્યા હશે, અહમ ટકરાયા હશે, મૂછો પર તાવ દેવાયા હશે, ડંગોરાઓ પર હાથ પણ ગયા હશે, પણ ગોકળદાસ માસ્તરે એ બધા આડે હાથ દઈ દીધા. કેવો રસ્તો કાઢ્યો એમણે?
એક બાજુ વડસર ગામ હતું ને બીજી તરફ જાસપુર. જમિયતપુરા ગામની વસતિનાં બે ફાડિયાં કરો તો એ બેય ફાડિયાંને નાખવા ક્યાં? જમીન તો જોઈએ ને ? ને વળી એમ ગામ વસાવવા એ કંઈ સરકારના તંબુ ઊભા કરી દેવા જેવી આસાન વાત થોડી છે ?

(ગોકળદાસના ‘પરાક્રમ’ની વાત) પણ ગોકળદાસની શીઘ્રબુદ્ધિ કદાચ ભૂગર્ભવાસમાં વધુ ખીલી ઊઠી હશે. કોઈની ખાનગી જમીન માંગવાને બદલે જાસપુર ગામના મુખીને મનાવીને પચ્ચીસેક વીઘા જમીન, જે ગૌચરમાં વપરાતી હતી તેને હાથ કરી. એ પછી પહેલું કામ કૂવો ખોદાવવાનું કર્યું. બીજું મકાનો બાંધવાનું. માસ્તરે જાતે જ ભૂગર્ભપત્રિકાની ન્યુસપ્રિન્ટ પર પેન્સિલથી નકશા બનાવ્યા. અરે,પાઠ્યપુસ્તકોના કારોબારમાં જે કંઈ કમાયા હતા તે આમાં હોમી દીધું. ગમે તેમ પણ કજિયાનું મોં કાળું થતું હોય તો! એ વખતના રુપિયા સાડી ચારસોમાં એક મકાન બાંધીને આપો તો જ નવા વાશીંદાઓ આવીને રહેવા તૈયાર થાય. એટલામાં શું થાય ? પણ એનોય તોડ નીકળી આવ્યો. કુદરતી ગણો તો કુદરતી!
એ જમાનામાં અમદાવાદ શહેરનો રિચી રોડ (હવે ગાંધી રોડ) ભારે ગીચ થઈ ગયો હતો. એની સમાંતરે, એના ટ્રાફિકને રિલીફ (રાહત) દેવા માટે ત્યારની મ્યુનિસિપાલિટીએ નવો રોડ (રિલીફ રોડ) બાંધવાનું નક્કી કર્યું હતું. એ માટે સંખ્યાબંધ ઈમારતો, રહેણાકો લાઈનદોરીમાં કાપવા તોડવા પડ્યાં. એનો મબલખ માલ જેવો કે લાકડાના મોભ, લાદી, બારસાખ, અભેરાઈઓ, નળિયાં વગેરે પાણીના મૂલે વેચાતો હતો. ગોકળદાસ માસ્તરે એ બને તેટલો હાથ કરવા માંડ્યો. અમદાવાદ શહેરનો જૂનો ખેરીચો અહીં નવા ગામનો શણગાર બની ગયો. જોતજોતામાં બધું તૈયાર થઈ ગયું ને 1942 ની દિવાળી (4 નવેમ્બરને બુધવાર) ને દિવસે નવું ગામ વસી ગયું. અઢાર કુટુંબો અઢાર મકાનોમાં રહેવા પણ આવી ગયાં. પહેલે જ દિવસે પોતે જ માતાજીનું મંદિર બંધાવીને ગોકળદાસ માસ્તરે ગામને તોરણના નિમિત્તે ભેટ આપ્યું. ચોતરફ જેજેકાર થઈ ગયો. આવો ઉકેલ કોઈને સૂઝ્યો નહોતો.

(ગોકળદાસ પટેલ) હવે સવાલ એ આવ્યો કે આ નવા વસાવેલા ગામનું નામ શું પાડવું ? આ આખી વાતના પાયામાં હતા શંકરજી ઠાકોર. એટલે મિત્રપ્રેમને વશ થઈને ગોકળદાસે સૂચવ્યું કે શંકરપુરા નામ પાડો. શંકરજીએ સવાયો મિત્રપ્રેમ દેખાડ્યો. એ સમજતા હતા કે ગામના સાચા જનક હતા ગોકળદાસ માસ્તર. એમણે ગોકળદાસના નામે સૂચવ્યું કે ગોકુળપુરા નામ જ બરાબર છે. ગામ સમસ્ત અને ખુદ શંકરજી ઠાકોરે ઘોષ કર્યો, ને પછી ઘોષણા કરી કે ગોકુળપુરા, ગોકુળપુરા….બીજું કાંઈ નહીં. ગોકળદાસ માસ્તર 2002ના જુલાઇની બીજીએ અવસાન પામ્યા. તેમનાં પત્ની લલિતાબહેન કે જેઓ પણ સ્વાતંત્ર્ય સેનાની હતાં. તેઓ તો 1992માં અવસાન પામ્યાં હતાં. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નવરંગ હાઇસ્કૂલ છ રસ્તાના ચોકને ‘લલિતાબેન ગો. પટેલ ચોક’ નામ આપીને તેમની યાદગીરી કાયમ કરી છે.
ગોકુળપુરા ગામ તો હજુ ધબકે છે અને ધબકતું રહેશે. ગોકળદાસનું એ જીવંત સ્મારક બની રહ્યું છે.
વિશેષ નોંધ :
આજેય ગોકુળદાસ પટેલના યોગદાનને પરિણામે ગોકુળપુરાના લોકો સુખ-શાંતિ અને સમૃદ્ધિનો અહેસાસ કરી રહ્યા છે. ગોકળદાસ પટેલ અને લલીતાબેન દંપતીએ તો મહાત્મા ગાંધીજીના સ્વતંત્રતા સંગ્રામના મજબૂત સૈનિકો તરીકે, સ્વાધિનતા માટેની અહિંસક લડતમાં ઝુકાવ્યું હતું અને જેલવાસ પણ ભોગવ્યો હતો. આ દંપતીના માનમાં અમદાવાદમાં પણ બે માર્ગોનું નામકરણ કરવામાં આવ્યું છે.
તેમના પુત્ર અશોકભાઈ ગોકળદાસનો સંપર્ક: (+1 630 871 1259 અને3609 , Camroon Lane, Mckineey ,TX 75071) ઈ-મેલ: ashokgokaldas@yahoo.com
લેખક સંપર્ક –
રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. : +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +9179-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com -
શુભસ્ય શીઘ્રમ્
વલીભાઈ મુસા
ઉમંગરાય વહેલી સવારે નિત્યક્રમાનુસાર લૉ ગાર્ડનમાં મોર્નિંગવૉક માટે પોતાની સ્કુટી ઉપર વેળાસર આવી પહોંચ્યા તો હતા, પણ વૉકિંગટ્રેકના સ્ટાર્ટ પૉઈન્ટે જવાના બદલે એ એકાંત બાંકડે જઈ બેઠા હતા. આજે તેમનો ચાલવાનો મુડ ન હતો, કેમ કે આખી રાત અનિદ્રામાં પસાર થઈ હતી અને બદનમાં સુસ્તી પણ વર્તાતી હતી. હંમેશાં તો પથારીમાં લંબાવતાંની સાથે જ શીઘ્ર નિદ્રાધીન થઈ જઈને અખંડ ઊંઘ ખેંચી કાઢતા ઉમંગરાયના જીવનની આજની રાત્રિ અખંડ ઉજાગરામાં જ વ્યતીત થઈ હતી. આમ બનવામાં નિમિત્તરૂપ બની હતી, તેમનાં શ્રીમતી ઉમાદેવી દ્વારા રાત્રે સૂવા પહેલાં થયેલી પુત્રવધૂઓની એક દરખાસ્તની પ્રસ્તુતિ ! પ્રસ્તુતિ હતી, જીવનભર હોંશેહોંશે એકત્ર કરેલાં પુસ્તકોના ભંડારનો નિકાલ કરવાની.
ધનતેરશ નજીક આવી રહી હતી અને ગૃહલક્ષ્મીઓ છેલ્લા કેટલાક દિવસથી ધનલક્ષ્મીના સ્થાપન અને પૂજન માટેની તડામાર પૂર્વતૈયારીઓ કરી રહી હતી. પૉશ એરિયાના એ લક્ઝુરિયસ ફ્લેટના ખૂણેખૂણાની સફાઈની સાથેસાથે બિનજરૂરી ચીજવસ્તુઓનો એક ખૂણામાં ઢગલો પણ થઈ રહ્યો હતો. માથે પ્લાસ્ટિકની કોથળીઓ, ચહેરાઓ ઉપર બુકાનીઓ અને હાથેપગે મોજાં ચઢાવીને બંને પુત્રવધૂઓ અઠવાડિયાથી સફાઈકામમાં વ્યસ્ત હતી. પૌત્રપૌત્રીઓ વળી માથે હેલ્મેટ પહેરીને ટીખળ અને મસ્તીતોફાન કરતાંકરતાં કામમાં સાથ આપી રહ્યાં હતાં.
સાફસૂફીમાં વડીલોના બેડરૂમનો છેલ્લો ક્રમ હતો, જેનું કામ આવતી કાલથી આરંભાવાનું હતું. વચ્ચે આડો એક જ દિવસ અને ઉમંગરાયે ચારચાર કબાટ ભરેલાં પુસ્તકોનો નિકાલ કરવાનો હતો. એ પુસ્તકો કોઈ સાર્વજનિક લાયબ્રેરી, સ્કૂલ કે પછી કોઈ સંસ્થાઓની ચેરિટી શૉપને બક્ષિસ કરી દેવામાં આવે તેવી તેમને સલાહ આપવામાં આવી હતી. વળી મજાકભર્યા શબ્દોમાં ઉમાદેવીએ એવી પણ ચેતવણી આપી હતી કે જો એમ કરવામાં નહિ આવે તો તમામ પુસ્તકોને પસ્તીવાળાઓને આપી દેવામાં આવશે. ઘણા પસ્તીવાળાઓ પુસ્તકોને તો મફતમાં પણ સ્વીકારતા નથી હોતા અને એવા સંજોગોમાં કદાચ બાળી નાખીને પણ તેમનો નિકાલ કરી દેવામાં આવે તેવી અતિશયોક્તિ પણ તેમણે કરી હતી. ઉમંગરાયનું અનુમાન હતું કે સરસ્વતીદેવીને તડીપાર કરી દેવામાં આવે તો જ લક્ષ્મીદેવી સાલભર સુખચેનથી ઘરમાં વાસો કરી શકે એવું પણ કદાચ એ સ્ત્રીવર્ગનું માનવું હશે ! આમેય કહેવાતું આવ્યું પણ છે કે સામાન્ય રીતે આ બંને દેવીઓ સહનિવાસ કરી શકતી નથી હોતી. આમ નવીન આખા વર્ષ દરમિયાન ઘરમાં લક્ષ્મીજી દ્વારા ધનવર્ષા થતી રહે તે માટે સરસ્વતીદેવીને માનભેર વિદાય આપવાનો ઘાટ ઘડાઈ ચૂક્યો હતો.
ઉમંગરાય બંને દીકરાઓને ગાર્ડને આવી જવાનો SMS કરી દઈને હળવેથી ભૂતકાળમાં સરી પડ્યા. શહેરની સુખ્યાત હાયર સેકન્ડરી સ્કૂલમાંથી પ્રિન્સીપાલ પદેથી નિવૃત્ત થયેલા તેઓશ્રી જ્યારે એ જ સ્કૂલમાં ગુજરાતીના શિક્ષક હતા, ત્યારે ડભોઈના શિલ્પી હીરાધર ઉપરની તેમણે ભણાવેલી ધૂમકેતુની ‘વિનિપાત’ વાર્તાની તેમને યાદ આવી ગઈ. પથ્થરમાં પ્રાણ પુરાયા હોય એવી હીરાધરની મહાન શિલ્પકૃતિઓના રખડતા રઝળતા ટુકડાઓને કદરદાન વિદેશી અને વિધર્મી એવા અંગ્રેજ જેમ્સ ફૉર્બસને આપી શકાય કે નહિ તે અંગેની શાસ્ત્રાજ્ઞા જાણવા માટે ડભોઈનું મહાજન તેમની પાસે આવ્યું હતું. હીરાધરની શિલ્પકૃતિઓની અવદશાથી વ્યથિત એવા શાસ્ત્રીજીએ ચૂકાદાની મહોર મારતાં ‘આ ગોરાને પથરા (!) આપવામાં કોઈ વાંધો નથી’ એવું જણાવી દીધું હતું. એ જ વાર્તાનું આખરી વિધાન ‘પડે છે ત્યારે સઘળું પડે છે !’ ઉમંગરાયના કર્ણપટ ઉપર પડઘાવા માંડ્યું હતું.
ઉમંગરાયે SMSમાં Just for personal discussion એવું જણાવીને દીકરાઓને ચિંતામુક્ત રાખ્યા હતા. તેમણે દીર્ઘ શ્વાસ ખેંચીને કાંડાઘડિયાળમાં જોઈ લીધું અને દીકરાઓના આગમનના સમયનો અંદાજ લગાવી દીધો. વળી પાછી તેમને કોઈક કવિની ‘કવિ અને કવિતા’ ઉપરની એક કાવ્યકૃતિની યાદ આવી ગઈ. માત્ર તે કાવ્યની યાદ જ નહિ, પણ તેની કેટલીક કંડિકાઓ પણ શબ્દશ: તેમના મનમાં ગણગણાવા માંડી : “’રહેવા દે તારી કવિતલવરી’, મિત્ર વદતા”; “‘કમાવા જાઓને, તમે શાને ખાલી જગતભરનો લઈ સંતાપ ફરતા’, કહેતી ગૃહિણી”; તો વળી સામયિકોના તંત્રીઓ પૂછતા, ‘કવિતા તો નથી જ, નથી ને!’. કવિની નિરાશાને દર્શાવતી પેલી કડીના શબ્દો હતા, ‘કવિતા મુજ વિણ કો’ને ન ખપની !’ અને છેલ્લે કવિએ મેળવી લીધેલું આશ્વાસન અને પોતાના કવનને તેમનું સંબોધન કે ‘વહો મારાં ગીતો, સકલ પથવિઘ્નો અવગણી !’
ઉમંગરાયે જીવનભર સાહિત્યનું વિશાળ વાંચન કર્યું હોવા છતાં આજે એમને ‘વિનિપાત’ વાર્તા અને ‘વહો મારાં ગીતો!’ કાવ્ય જ માત્ર એટલા માટે યાદ આવ્યાં હતાં કે એ બંને કૃતિઓનાં હાર્દ પોતાની હાલની મનોસ્થોતિને જડબેસલાક બંધબેસતાં હતાં. તેમના મતે અમૂલ્ય એવા પોતાના પુસ્તકોના ભંડારનું કુટુંબીજનોના મને કદાચ અ-મૂલ્ય એટલે શિલ્પી હીરાધરની કૃતિઓની અવહેલના જેવી જ તેમનાં પુસ્તકોની અવહેલના ! આ વેળાએ વળી તેમના માનસપટમાં નવો સોમેશ્વર શાસ્ત્રી પણ ઊભરી રહ્યો હતો કે જેની મદદ વડે તેમણે પોતાના પુસ્તકભંડારના ભાવીને સુનિશ્ચિત કરવાનું હતું. તો વળી પેલા કાવ્યના કવિની જેમ તેમણે હૈયાધારણ પણ ધારણ કરી લેવાની હતી કે પોતાના ભંડારમાંનાં પુસ્તકો કદાચ તેમના સિવાય અન્ય કોઈનેય ખપનાં ન હતાં. વળી એક યક્ષપ્રશ્ન પણ ઊભો રહેતો હતો કે તેમની વહુઆરુની સલાહને અવગણીને પણ એ પુસ્તકોનો ભંડાર જાળવી રાખવાનો થાય, તો પણ એમના અવસાન પછી એમનું રણીધણી કોણ ? ઘરની સાફસૂફી એટલે નકારાત્મક ઊર્જાની ઘરમાંથી હકાલપટ્ટી ! પરંતુ પુસ્તકો તો સકારાત્મક ઊર્જા ગણાય, તો પછી સૂકા ભેગું લીલું પણ બાળી નાખવા જેવું આ ન ગણાય ! વળી પુસ્તકોની ઉપયોગિતા કે બિનઉપયોગિતા અથવા તો તેની હકારાત્મકતા કે નકારાત્કતાને શું સાપેક્ષ ન ગણી શકાય ! ઉમંગરાય આ બધું વિચારતા હતા, ત્યાં તો દેવદત્ત અને ફાલ્ગુન આવી પહોંચ્યા. સંસ્કારી અને ગુણિયલ પુત્રોએ ઉમંગરાયના ચરણસ્પર્શ કરીને તેમની સામે જ લોન ઉપર આસન જમાવી દીધું.
‘બોલો પિતાજી, આપે અમને કેમ બોલાવ્યા ?’ મોટા પુત્ર દેવદત્તે પૂછ્યું.
‘વાત તો સાવ સામાન્ય છતાંય વહુદીકરીઓની હાજરીમાં થઈ શકે તેમ ન હોઈ તમને બંનેને અહીં બોલાવ્યા છે. વળી તમારાં બાને એટલા માટે નથી બોલાવ્યાં કે એ વહુઓને એવું ન લાગે કે તેમને ટાળવામાં આવ્યાં અને આપણે બધાં અહીં ભેગાં થઈ ગયાં ! હવે વાત એમ છે કે તમને બંનેને એ જાણ છે ખરી કે મારે મારાં પુસ્તકોનો આજે ને આજે નિકાલ કરી દેવાનો છે !’
‘ના, તો.’ દેવદત્તે કહ્યું.
‘હા, ઊર્મિલા કહેતી હતી કે બાપુજીને પૂછવાનું છે કે પુસ્તકોનું શું કરવાનું છે ?’
‘બાપુજી, એ લોકો ગમે તે કહે પણ આપની ઇચ્છા જો પુસ્તકો સાચવી રાખવાની જ હોય તો એમ થશે જ. અમે જાણીએ છીએ કે આપણે મધ્યમવર્ગના હતા અને અમારા શિક્ષણખર્ચને પહોંચી વળવા માટે આપના પગાર ઉપરાંતની પૂરક આવક મેળવવા આપે આપના સિદ્ધાંત પ્રમાણે ટ્યુશન આપવાના અનૈતિક કાર્યના બદલે લેખકો અને પ્રકાશકોને પુસ્તકોનું પ્રુફરીડીંગ કરી આપવાનું દિવસરાત કામ કર્યું છે. વળી આપણા ઘરની આ લાયબ્રેરીનાં મોટાભાગનાં પુસ્તકો તો આપને એ લોકોએ બક્ષિસ તરીકે જ આપેલાં છે ને !’
‘જુઓ દીકરાઓ, મેં તમને બોલાવ્યા છે એટલા માટે નહિ કે તમે લોકો તમારી પત્નીઓને સમજાવો કે આપણી લાયબ્રેરીનાં પુસ્તકોનો નિકાલ ન કરતાં તેમને રાખી મૂકવામાં આવે. મારી એ વાત વહુઓને હું સીધી પણ કહી શકતો હતો અથવા તમારાં બા મારફત કહેવડાવી પણ શકતો હતો. મને વિશ્વાસ પણ છે કે એ મારી ગુણિયલ વહુદીકરીઓ મારી વાત કદી ટાળત પણ નહિ. પરંતુ મેં તમને બંનેને એટલા માટે બોલાવ્યા છે કે હું પુસ્તકોના નિકાલ અંગેનો એક જુદો જ માર્ગ વિચારું છું. હું પણ કબાટમાંનાં પુસ્તકોને કેદ થયેલાં માનું છું અને આપણા કુટુંબમાં હું એકલો જ એમના જેલર તરીકે તેમના સહવાસમાં હોઉં એમ મને લાગે લાગ્યા કરે છે. પુસ્તકોને શાળાઓ કે લાયબ્રેરીઓમાં બક્ષિસ આપી દેવા માત્રથી તેમનો કોઈ ઉદ્ધાર નથી. એ તો તેમના માટે જેલ બદલવા જેવું જ માત્ર ગણાશે. ચેરિટી શૉપમાં કોઈ જૂનાં પુસ્તકોથી કબાટ ભરી રાખે નહિ અને કોઈ તેમને ખરીદે પણ નહિ, એટલે તે માર્ગ પણ વ્યર્થ છે.’
ઉમંગરાયે વળી ઉમેર્યું કે ‘આપણા ઘરમાં જ નહિ, સર્વત્ર મુદ્રિત પુસ્તકોની આ જ સ્થિતિ છે. મુદ્રિત પુસ્તકોનું સ્થાન ટી.વી., ઈન્ટરનેટ, મલ્ટિપ્લેક્સ થિયેટરો, શાળાકોલેજોમાં મલ્ટીમિડીઆની સુવિધાઓ કે સ્માર્ટ ફોનોએ લઈ લીધું છે. વિદેશોની સરખામણીએ આપણા દેશમાં પણ ધીમેધીમે ઈ-બુક્સનો પ્રસાર અને પ્રચાર થઈ રહ્યો છે. વૃક્ષો બચાવવાની ઝૂંબેશના ભાગરૂપે પણ હવે કાગળનો વપરાશ ઘટવા માંડ્યો છે. આપણા ત્યાં કે જ્યાજ્યાં જે પુસ્તકો મોજુદ છે તેમને પસ્તીમાં વેચી દેવાં કે સળગાવી મૂકવાં તે તેના નિકાલનો યોગ્ય માર્ગ નથી. એ પુસ્તકો એમના આયુષ્યકાળ સુધી ઉપયોગમાં લેવાય એ જ હિતાવહ છે. આપણા દેશમાં એવા કેટલાય મધ્યમવર્ગી અને ગરીબ લોકો છે કે જે પેલાં મોંઘાંદાટ વીજાણુ સાધનો વસાવી શકે તેમ નથી. તેમના માટે હાથમાં પકડી રાખીને પુસ્તકો વાંચવા સિવાય કોઈ વિકલ્પ નથી. હું ઘણું બોલી ગયો, નહિ ?’
‘જી નહિ, બાપુજી. આપને સાંભળવાનું અમને ગમે છે. વળી હું બેંક મેનેજરની નોકરીએ લાગ્યો કે દેવદત્તભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા એમાં આપણી લાયબ્રેરીનો ફાળો ઓછો નથી. આપે અમને બાહ્ય વાંચન માટે સદાય પ્રોત્સાહિત કર્યા છે. આજે અમે આપના આદર્શો મુજબ પ્રમાણિક રીતે રોજીરોટી રળી રહ્યા છીએ અને સંયુક્ત પરિવાર તરીકે સંવાદી જીવન પણ જીવી રહ્યા છીએ. અમારી નવીન પેઢી પણ એ રીતે ઊછરી રહી છે તે સઘળું આપણાં કબાટમાંનાં એ પુસ્તકો ઉપરાંત આપ બાબાપુજી રૂપી જીવંત પુસ્તકોને આભારી છે. હવે આપ પુસ્તકોના નિકાલ અંગેનો કોઈક જુદો જ માર્ગ વિચારો છો, તે માત્ર જાણવાની અમારી ઈંતજારી જ છે એમ જ સમજજો; અમે પુસ્તકોનો કોઈપણ રીતે નિકાલ થાય તેમાં જરાય રાજી નહિ રહી શકીએ.’ નાના દીકરા ફાલ્ગુને કહ્યું.
‘મેં જે માર્ગ વિચાર્યો છે, તે સામાન્ય માનવીઓ માટે માટે દુષ્કર અને આમ લોકોને તરંગી લાગશે. તમે જાણો છો કે હું અને આપણે સૌ Down to earth પ્રકારના માણસો છીએ. આપણે કોઈ મોટાઈ કે આડંબરમાં માનનારા નથી. વળી મારા વિષે કહું તો તમે બધાં સારી રીતે જાણો છો કે હું જે કંઈ કરી લેવાના મક્કમ ઈરાદા ઉપર આવું છું, ત્યારે તેને કરીને જ રહેતો હોઉં છું. પુસ્તકોના નિકાલ માટે હું જે માર્ગ વિચારું છું તેને તમે લોકો તો સ્વીકારી લેશો અને પચાવી પણ જાણશો કેમ કે તમે અમારા હાથોમાં મોટા થયા છો અને સંસ્કાર પામ્યા છો. તમારાં બા મને જીવનભર સાચી રીતે સમજ્યાં છે અને હું તેમને પણ સમજ્યો છું અને એટલે જ તો અમારી વચ્ચે ભણતરની અસમાનતા છતાં અમારું સંવાદમય જીવન રહ્યું છે. પુસ્તકોના નિકાલ અંગેના મારા એ માર્ગને હું એમના ગળે ઊતારી શકીશ તેવો મને દૃઢ વિશ્વાસ છે. હવે વાત બાકી રહે છે, તમારી પત્નીઓને તમારે સંભાળી લેવાની ! હવે એ કામ તમારું છે અને એમાં તમારી કસોટી પણ છે કે તમે એમાં કેવા પાર ઊતરો છો !’
દેવદત્તે કહ્યું, ‘બાપુજી, હવે અમારી ઈંતજારીનો અંત લાવશો, ખરા ! અમને જણાવશો ખરા કે આપ કઈ રીતે આપણાં પુસ્તકોનો નિકાલ કરવા માગો છો ?’
‘પહેલી વાત તો એ કે એ પુસ્તકોનો નિકાલ એક જ દિવસમાં થઈ શકશે નહિ, મારે થોડો વધારે સમય જોઈશે. વળી પુસ્તકોના નિકાલના મારા એ માર્ગને હું એક મિશન તરીકે આગળ ધપાવવા માગું છું અને તેથી આપણાં એકલાનાં જ પુસ્તકો નહિ, પણ જે કોઈ મારો લાભ લેવા માગતાં હશે તેમનાં પુસ્તકોનો પણ હું નિકાલ કરી આપીશ !’ ઉમંગરાય મરકમરક સ્મિત કરતા ઉમંગભેર બોલી પડ્યા.
‘બાપુજી, હવે પહેલી બુઝાવ્યા વગર જણાવી જ દો અને અમારા ઉપર વિશ્વાસ રાખો કે આપના એ મિશનમાં અમે બધાંય જોડાઈશું.’ દેવદત્તે આજીજીભર્યા સ્વરે કહ્યું.
‘તો સાંભળી શકશો ? મારી વાતને જીરવી શકશો ?’
‘હા, હા. કેમ નહિ ! જરૂર, જરૂર !’
‘તો સાંભળી લો કે એવા કોઈ શિક્ષણ સંકુલ કે લોકોની વધારે થતી જતી અવરજવરના સ્થળે હું લારીમાં આપણાં અને જે કોઈ પોતાનાં પુસ્તકો મને ભળાવે તે સઘળાંને વિના મૂલ્યે તેમની પાત્રતાને જાણીને વિતરિત કરવા માગું છું ! વળી કોઈ ગ્રાહક પોતાની રાજીખુશીથી કોઈપણ મૂલ્ય ચૂકવવા માગે તો આપણે ગરીબ વિદ્યાર્થી કલ્યાણ ફંડ માટે ધર્માદાપેટી પણ રાખીશું !’
‘વાહ રે, બાપુ વાહ ! આપના કલ્પનાતીત ઉત્ત્મોત્ત્મ વિચારને અમે બંને ભાઈઓ એકી અવાજે વધાવી લઈએ છીએ. વળી એટલું જ નહિ, આપણા કુટુંબમાંથી સઘળાં પોતપોતાના સમયની અનુકૂળતાએ આપની સાથે લારી ઉપર ઊભાં રહેશે !’ ફાલ્ગુને ત્વરિત ઊભા થઈને ઉમંગરાયને ભેટી પડતાં હર્ષોલ્લાસે કહ્યું.
‘પણ તું દેવદત્તને જાણ્યા વગર તારી વાતના સમર્થનમાં તેને કઈ રીતે જોડી શકે ?’ ઉમંગરાયે વ્યવહારુ પ્રશ્ન ઊભો કર્યો.
‘આપના આ પ્રશ્નનો જવાબ દેવદત્તભાઈ જ આપશે, હું નહિ ! બોલો, મારાથી બે મિનિટ મોટાભાઈ; શું ક્યો છો ?’ ફાલ્ગુને આંખો ઊલાળતાં કહ્યું.
‘અરે, એ તે કોઈ પ્રશ્ન છે બાપુજી ! આપ જ અનેકવાર કહી ચૂક્યા છો કે અમે બંને જોડિયા છીએ એટલે અમારા વિચારોમાં કેટલું બધું સામ્ય હોય છે ! ફાલ્ગુન બોલે કે હું બોલું એ અમે બંને બોલ્યા બરાબર જ સમજી લેવાનું ! પણ બાપુજી, બાના ગળે આ વાત ઊતારી શકશો ખરા ?’ દેવદત્તે વેધક નજરે પૂછ્યું.
‘અલ્યા,તમારું પોતાનું વિચારો. નિવૃત્ત પ્રિન્સીપાલની પુત્રવધૂઓ લાજી તો નહિ મરે કે ? બાકી તમારાં બા તો મારા માટે લારી ઉપર ઘરેથી ચાનાસ્તો પણ લઈ આવશે. વળી આપણો માલ જ્યારે મફત જ આપવાનો છે, ત્યારે ક્યાં ભાવતાલ કરવાનો સવાલ આવશે ! એ પણ ગ્રાહકને વટથી સંભાળી શકશે.’
‘બાપુજી, ન્યૂઝપેપરવાળા કવર સ્ટોરી માટે તમારો ઈન્ટરવ્યૂ લેશે હોં કે !’
‘એ તો સારી વાત ગણાશે. આપણી જાહેરાત થશે અને આપણી પાસે પુસ્તકોનો પુરવઠો કદીય નહિ ખૂટે !’
‘સગાંવહાલાં અને ખાસ તો વેવાઈઓ આગળ તમે શરમિંદગી નહિ અનુભવો ?’ ફાલ્ગુને વ્યંગ કર્યો.
‘એ લોકો કદાચ મારાથી શરમાઈને લારી ઉપર આવવાની હિંમત નહિ કરે, બાકી મને તો કોઈ ફરક નહિ પડે !’ ઉમંગરાયે હસતાંહસતાં મક્કમતાપૂર્વક જવાબ વાળ્યો.
દેવદત્તે કહ્યું, ‘તો ઘરે ફોન કરીને કહી દઉં કે એ કબાટમાંથી થોડાં પુસ્તકો બહાર કાઢી રાખે અને આજે રવિવાર હોઈ ભાડાની લારી લઈને આજે જ આપણે ત્રણેય જણા No loss, no profitવાળા આપણા ધંધાનું મુહૂર્ત કરી જ દઈએ !’
‘શુભસ્ય શીઘ્રમ !’ ફાલ્ગુને સમર્થન આપ્યું.
‘જય હો !’ કહેતાં ઉમંગરાય હવામાં હાથ ઊંચો કરતાં ભાવવિભોર બની ગયા.
* * *
શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:
ઈ મેઈલ – musawilliam@gmail.com મોબાઈલ – +91 93279 55577નેટજગતનું સરનામુઃ
• William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) | વલદાનો વાર્તાવૈભવ | માનવધર્મ – જીવો અને જીવવા
દો | હળવા મિજાજે -
વાલી
નલિની રાવલ
સો સવાસો ઘરની વસ્તી વાળા નાનકડા અંતરિયાળ ઘંટીકા ગામના પાદરે આવેલા કાશીબા ના ઘરના ઓટલે રોજની જેમ અગિયાર વાગ્યાના ઘડિયાળના કાંટે વાલી આવીને ઓટલાના થાંભલે અઢેલીને બેઠી. આંખોમાં હતો ઇન્તજાર નો રણકાર… જેવી એ આવી કે તરત જ કાશીબા એ તેના હાથમાં ચાનો કપ આપ્યો… તે યંત્રવત ચા પી ગઈ, અને કાશીબા નો હાથ પકડીને બોલી…
‘ હેં કાશીબા ઇમની બસ આવી ગઈ ?’ કાશીબા બોલ્યા,’ અલી વાલુડી ! આજ તો મંગળવાર ને…! પછી આજે અમદાવાદની બસ ચ્યમની આવે ? બસ સોમવારે આવે.. તું ,જા ઘીરે.. બસ આવશે ને એટલે બોલાઇશ હં..!’
વાલી બોલી..’ પણ આવે એટલે મને હાદ કરજો, હું ધોડતી આઈ જઈશ..’
‘હારું હોં… ‘કહી કાશીબા એ વાલીને હાથ પકડી ઉઠાડી ને એને ઘેર મુકવા નીકળ્યા. ત્યાં રસ્તામાં કાશીબા ને વાલી જાત જાતના પ્રશ્નો રામજી વિશે કરતી રહી…
ઈ કેમ નથ આવતા? ક્યારે આવશે? મને ભૂલી તો નથ ગ્યા ને? ઇમને હું ગમુ તો સું ન?’…….. કાશીબા જવાબ આપતા રહ્યા પણ તેમની નજર સામે બે વર્ષ પહેલાની વાલી તરી ગઈ.
હસતી રમતી, આ ઘરેથી પેલે ઘેર પતંગિયાની જેમ ઉડતી, ગામને પાદર તેમના ઘર સામે જ આવેલા વડલે સખી સહેલીઓ સાથે ક્યારેક ઇશ્ટો તો ક્યારેક પાંચીકા, તો ક્યારેક આંબલીપીપળી રમતી પટેલની વાડીના આંબેથી કેરીઓ ચોરતી. પટેલ જોઈ જાય તો અંગૂઠો દેખાડતી…. ભાગીને કાશીબા ના ઘરમાં કોઠી પાછળ ભરાઈ જતી. કાશીબા ના હોઠ મરકી ઉઠ્યા. ગામ આખું વાલીને વાલુડી,વાલકી,વાલમુઈ જેવા કંઈક લાડકા નામે બોલાવતા જ્યારે તેના લગ્ન અમદાવાદ રહેતા રામજી સાથે થયા ત્યારે તો તે રામજીમય જ બની ગઈ હતી. ‘ મારે તો આમ ને મારે તો તેમ’….. બસ એના મોઢે રામજીની જ વાત હોય. તેની દુનિયા રામજી થી શરૂ થઈ રામજી પર જ પૂરી થઈ જતી.
પહેલા આણે જ્યારે વાલીનો ભાઈ કિશન એને ઘરે લઇ આવ્યો ત્યારે રાતી રાણ જેવી થઈ ગયેલી વાલી નો હરખ સમાતો નહોતો. ફેરી આણા ના ચોથા જ દિવસે આવેલા મોંકાણના સમાચાર ની યાદ આવતાં જ કાશીબાની આંખે ઝળઝળિયાં તરી વળ્યા સહસાજ વાલી ના હાથ પરની તેમની પકડ મજબૂત બની ગઈ.
રામજીની રોડ એક્સિડન્ટમાં ઘટનાસ્થળે મૃત્યુ ના સમાચારથી આખું ગામ સ્તબ્ધ બની ગયું હતું .કોઈના ઘેર આખું અઠવાડિયું ચૂલો j નહોતો સળગ્યો. વાલી ને આ સમાચાર યેનકેન પ્રકારે આપેલા…ત્યારે તે તો ત્યાં જ સાન-ભાન ગુમાવી બેઠેલી. જ્યારે ભાન આવ્યું ત્યારે વાલીની આંખોએ તેની માનસિકતા ની જાણ કરી જ દીધી હતી તે કેમેય કરીને માનવા તૈયાર ન હતી કે રામજી હવે આ દુનિયામાં નથી .
બસ ત્યારથી તે ….ફરી આણું તેડવા રામજી આવશે, એની રાહમાં રોજ કાશીબા ના ઓટલે બેસી ગામના પાદર ના વડલા નીચે આવતી એસટી બસોની રાહ જોયા કરે છે, અને બસોની સામે જોયા કરે છે. કાશીબા નો રોજ એને ચા પીવડાવી ઘેર મૂકી જવાનો જાણે કે નિયમ જ બની ગયો હતો. કારણ કે ગામના ટેણીયા….વાલુંડીગાંડી વાલુડીગાંડી… કહીને તેને ખીજવે છે, તો ક્યારેક તેનો ચોટલો ખેંચે, ખીજવાયેલી વાલી કાંકરા ઉપાડી છોકરાઓને મારે.
વિચારોની વણઝાર કાશીબાના મનમાં એવી ચાલી કે ક્યારે વાલી નું ઘર આવી ગયું, તેની ખબર ન રહી. ‘ ‘ એ સંતોકબેન…! હંભાળો તમારી વાલીને….કાશીબા એ વાલી ના ઘેર આવી એની બા ને સાદ કર્યો .
‘ એ આવો.. આવો કાશીબા..!આ વલામુઈ એ તો તમને રોજ હેરાન કરવાનું નીમ જ લીધું લાગે છે, આ રોજરોજ તમારે ઇને મેલવા આવી પડે સે, મારા મનેખ ને જરાય ગમતું નથ, પણ હુ કરું, ઇ મૂઈ કઈ હમજતી જ નથ…..’ સંતોકબેને એ બળાપો કાઢયો .
‘હશે કંઈ વાંધો નહીં બોન, છોડી જ ઘેલી થઇ છે… એમાં આપણે કોઈ કંઈ ન કરી હકીએ, ભગવાન ઈને ઝટ હારી કરી દે ને… એટલે આખું ગામ ઘરે બેઠા ગંગા ના’ય ….હાલો ત્યારે હું જાઉં ,દેલા ઉઘાડા મેલી ને આઇ સુ….’
દિવસો વિત્યા. સોમવાર ક્યારે આવી ગયો તેનો રોજિંદી ઘટમાળમાં કાશી બાની ખ્યાલ જ ન રહ્યો. કાશીબા ના બોલ ના વિશ્વાસે વાલી આખું અઠવાડિયું પોતાનો નિયમ તોડી કાશીબા ના ઓટલે ફરકી નહોતી. આવી વાલીને ગાંડી કેમ કે’વી…? આ તો પ્રેમદિવાની……! સોમવારે એ જ નિયમ મુજબ ઘડિયાળના કાંટે વાલી કાશીબા ના ઓટલે આવેલા થાંભલાને અઢેલીને બેઠી ને ઓટલે કોઈકના આવવાનો અણસાર વરતાતા બહાર નીકળ્યા, અને…..અરે…. આ તો વાલી…. તેમણે વાલીને ચા બનાવીને આપી. વાલીનો પૂરો દેખાવ બદલાઈ ગયો હતો.જાણે પહેલાની જ વાલી સામે હતી…, ચમકદાર આંખો, સરસ મજાના ચણિયાચોળી, કપાળે ચાંદલો, સુંદર ગૂંથેલો ચોટલો, તેમાં મઘમઘતું ગુલાબનું ફૂલ. ખૂબ સુંદર લાગતી હતી.’ …. કેટલા વર્ષે વાલીને આવી સરસ જોઈ….’ કાશીબા વિચારી રહ્યા.
ત્યાં તો અમદાવાદની બસ આવી. લોકો ઉતરી રહ્યા હતા, તેમને જોતી રહી. જોતા જોતા અચાનક લઈને ઉભી થઇ ગઈ અને અચાનક સડાક દઈને ઉભી થઇ ગઈ ને રાડ પાડી……
‘ કાશીબા… જુઓ i આવી ગ્યા, હું કે’તીતિ ને ઇ મને લેવા આવશે..! હાલો હું અમદાવાદ જાઉં છું, મારી બાને કઇ દેજો કે વાલી તો ગઈ એના વર હારે….હાહરે…’ કાશીબા કંઈ સમજે એ પેહલા તો વાલી એ એવી દોટ મૂકી…. કે પડી ગઈ.કાશીબા તેની પાછળ દોડ્યા ઊભી કરવા જાય ત્યાં તો વાલીના પ્રાણપંખેરુ ઊડી ગયા હતા. પણ ત્યાં કોઈ રામજી ન’હોતો.
કાશીબા તો સ્તબ્ધ જ બની ગયા, તેમના ખોળામાં વાલીનું માથું હતું, તેમના હાથ તેના વાળ પસવારતા રહ્યા ને…… આંખોમાં દરિયો ઉમટયો,વહેતી આંખો….. નિરખી રહી વાલી ના મુખ પર પ્રેમ નું તેજ.
નલિની રાવલ
મોબાઇલ નંબર ૯૬૨૪૭૨૧૫૨૯
૨૮, હરિકૃપા સોસાયટી
ઇસ્કોન હાઇટસ ની સામે
જીઈબી ટ્રેનિંગ સેન્ટર સામે
ગોત્રી રોડ, વડોદરા. -
સૌભાગ્યનું વિસર્જન/ ભાગ ૧
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
મધ્યપ્રદેશના પહાડી વિસ્તારનું એ ગામ. ગામના નાનકડા ઘરની એ છત. એ છત પર ઢળતી સંધ્યા સમયની નિસ્તબ્ધતામાં લીન બેઠેલો એ યુવક. સામે ચંદ્રના આછા મલિન પ્રકાશમાં દેખાતી પર્વતમાળા. આખું દૃશ્ય જાણે મનોહર, સંગીતમય પણ ગંભીર, રહસ્યમય અંતહીન સપના જેવું ભાસતું હતું. એ પહાડીઓની નીચેથી વહી જતી જળ-ધારા દૂરથી ચાંદીની રેખા જેવી લાગતી હતી. જાણે પર્વતોનું સમસ્ત સંગીત, સમસ્ત ગાંભીર્ય, સંપૂર્ણ રહસ્ય એ ઉજ્જવળ પ્રવાહમાં લીન ના થઈ ગયું હોય?
અસ્તવ્યસ્ત વાળ, આછી દેખાતી મૂછો, સાવ સામાન્ય વેશભૂષા, ઘડીયાળ વગરનું કાંડુ જોઈને લાગે કે, ક્યાંતો એ સિદ્ધાંતપ્રેમી હશે ક્યાંતો આડંબરનો શત્રુ. પણ, એના ચહે્રા પર તેજ અને મનસ્વિતા છલકાતી હતી. વિચારોમાં લીન એ યુવક સામેની પર્વતમાળાને જોઈ રહ્યો હતો. પર્વતોમાં ઘોર સંગ્રામ છેડાયો હોય એમ સહસા વાદળોનો ભીષણ ગડગડાટ સંભળાયો. નદીનો મંદ પ્રવાહ એ ભીષણ નાદમાં ડૂબી ગયો. દૂરથી એક રલગાડી આવતી દેખાતી હતી.
એટલામાં એક યુવતી બહાર છત પર આવી. રેલગાડી જોઈને એણે નિસાસો નાખ્યો. આ રેલગાડીમાં કદાચ પેલા યુવકને ક્યાંક જવાનું હતું. યુવક ભાવુક બની ગયો. આ ભાવુક યુવક એટલે કે કેશવ એ યુવતી એટલેકે સુભદ્રાનો હાથ પકડીને બોલ્યો,
“તારા ખાતર મેં જવાની સંમતિ આપી હતી પણ તારા વગર ત્રણ વર્ષ કેવી રીતે પસાર થશે? મારું મન કહે છે હું ક્યાંય ન જાઉં.”
યુવતી જરા અધીર અવાજમાં બોલી,
“ત્રણ વર્ષના વિયોગ પછી જીવનભર કોઈ આપત્તિ નહીં નડે એ વિચારીને પણ જે નિર્ણય લીધો છે એ અમલમાં મૂકવો જ રહ્યો. અનંત સુખની આશામાં હું બધા કષ્ટ સહન કરી લઈશ.”
આંસુ ખાળવા પાણી લેવાના બહાને એ અંદર ચાલી ગઈ. એમના વૈવાહિક જીવનની એ પ્રથમ વર્ષગાંઠ હતી. મુંબઈ વિશ્વવિદ્યાલયમાંથી એમ.એ.ની ડીગ્રી પ્રાપ્ત કરીને કેશવ નાગપુરની કૉલેજમાં પ્રોફેસર તરીકે જોડાયો હતો. પ્રોફેસર બન્યા પછી માતા-પિતાએ સૂચવેલી છોકરી સાથે એણે લગ્ન કરી લીધા. લગ્ન પછી પ્રેમ પ્રગાઢ બનતો ચાલ્યો. યુવક કેવળ રજાઓમાં આવી શકતો. બે-ચાર દિવસ મધુરા સ્વપ્નની જેમ પસાર થઈ જતા અને નાના બાળકોની જેમ રડીને બંને છૂટા પડતાં.
આટલું ઓછું હોય એમ એમના વિરહના દિવસો વધુ લાંબા બને એવી સમાચાર આવ્યા. કેશવને વિદેશમાં વધુ અભ્યાસ માટે એક યોગ પ્રાપ્ત થયો. વિના માંગેલી આ તકથી કેશવ પ્રસન્ન હતો. જો કે કેશવને તો પિતાંબર હોય કે કૌપિન, માથે મુગટ હોય કે જટા, એનાથી કશો ફરક નહોતો. ઘરમાં માતા-પિતાનો ઘણો વિરોધ હતો,પણ સુભદ્રાની મહત્વકાંક્ષાઓ અસીમ હતી.
એ હંમેશા કેશવને ઉચ્ચ સ્થાને જોવા ઇચ્છતી હતી. પતિ જ્યારે નજર સામે હતો ત્યારે પતિની સેવા એ જ એનો ધર્મ છે એમ માનતી. સામે પતિ એના માટે સોનાની લંકા વસાવશે એવી અપેક્ષાય હતી. સુભદ્રાએ કેશવને વિદેશ જવા મનાવી જ લીધો. આમ તો સુભદ્રા માટે કેશવ વગર ત્રણ વર્ષ ત્રણ યુગ જેવા લાંબી હતા. સાથે વિલાયતમાં એના માન-સન્માનની કલ્પના કરતી તો ત્રણ વર્ષ ત્રણ દિવસ જેવા લાગતા.
કેશવ વિદ્વાન લોકો અને અપ્સરા જેવી લલનાઓની વચ્ચે રહીને સુભદ્રાને ભૂલી નહીં જાય. સુભદ્રાને નિયમિત પત્રો લખશે..જેવા પ્રેમભર્યા વચનો લઈને એણે કેશવને ભારે દિલે વિદાય આપી.
સુભદ્રાને દિવસો પહાડ જેવા અને રાત કાળી નાગણ જેવી ભાસતી, રડી રડીને એના દિવસો પસાર થવા માંડ્યા. ઘર કે પીયર, ક્યાંય એનો જીવ ગોઠતો નહોતો. કોઈ બીમાર વ્યક્તિ માંડ પાસા બદલીને રાત કાઢે એમ એનો સમય પસાર થતો.
શરૂઆતમાં કેશવના પત્રો નિયમિત આવતા જેમાં વિરહ ઓછો અને નવી દુનિયાનું વર્ણન વધુ રહેતુ. ધીમે ધીમે પત્રોમાં વિલંબ થવા માંડ્યો. અને પછી તો કામના બોજાના લીધે એ પણ આવતા બંધ થઈ ગયા.
અંતે સુભદ્રાએ કોઈપણ ભોગે યુરૉપ જવાનો નિર્ણય કરી લીધો. ઘર-પરિવારના લોકોને સંમત કરવા સહેલા નહોતા. સુભદ્રાની જીદ સામે એમણે નમતું જોખ્યું. થોડી આર્થિક સહાય કરી. યુરૉપ જઈને એને કેશવના કામમાં ડખલ નહોતી ઊભી કરવી. માત્ર કેશવને જોઈ શકે એવી રીતે એ પોતાની વ્યવસ્થા કરી લેશે એવા મક્કમ નિર્ણય સાથે લાંબી દરિયાઈ મુસાફરીએ નીકળી. એના જેવી અનેક સ્ત્રીઓની સાથે દરિયાઈ મુસાફરી થોડી સરળ રહી.
લંડન પહોંચીને સાવ સાધારણ કહેવાય એવી જગ્યાએ રહેતા કેશવની થોડે દૂર એક રૂમમાં રહેવાની વ્યવસ્થા એણે કરી લીધી. દરિયાઈ મુસાફરી દરમ્યાન થયેલી ઓળખના લીધે બે મહિલાઓને ભારતીય સંગીત અને હિંદી ભાષા શીખવાડવાનું કામ મળી ગયું. બાકીના સમયમાં કપડાં સીવવાનું કામ શરૂ કર્યું. કેશવની પાસે આવીને એને મળ્યા વગર રહેવાનું કઠતું હતું, પણ કેશવને એના કામમાંથી એ વિચલિત નહોતી કરવા માંગતી. રૂમની બાલ્કનીમાંથી રસ્તા પર આવતા-જતા કેશવને જોવા એ કલાકો બેસી રહેતી.
નીચેથી પસાર થતાં યુગલોને જોઈને એનું મન કેશવને મળવા અધીર થઈ જતું. અંતે એની તપસ્યા જાણે ફળી. કેશવને એણે દૂરથી આવતો જોયો. એ એકલો નહોતો. એની સાથે કોઈ યુવતી હતી. હાથમાં હાથ, જાણે ક્યારેય ન છૂટે એવો સાથ. બંને અત્યંત ખુશહાલ દેખાતા હતાં. સુભદ્રાના માથે આભા તૂટ્યું હોય એવી ભ્રાંતિથી એ હતપ્રભ બની ગઈ.
યુવતી એવી રૂપાળી નહોતી. શ્યામલ ચહેરો, ભારતીય પહેરવેશ, બસ એથી વિશેષ કંઈ દેખાતું નહોતું. સુભદ્રા ઘર બંધ કરીને લગભગ એમની પાછળ દોડી, પણ એટલામાં તો સાંકડી ગલી પસાર કરીને બંને કોઈ દિશામાં વળી ગયાં. આ ગલી પસાર કરીને સુભદ્રા ઘણે લાંબે સુધી ચાલતી જ રહી. બહાર મુખ્ય રસ્તા પર કેટલીય ઝગમગાતી દુકાનો, હોટલો હતી. ક્યાં શોધવા બંનેને?
નિરાશ થઈને પાછી વળી. ન એને ખાવાની સુધ રહી કે ન એની આંખોમાં એ રાત્રે ઊંઘ ડોકાઈ. બાલ્કનીમાં મોડે સુધી કેશવની રાહ જોઈને જાગતી બેસી રહી.
બીજા દિવસે સુભદ્રા પોતાના કામે જવા તૈયાર થતી હતી અને એક યુવતી આવીને ઊભી રહી. રેશમી સાડીમાં લપેટાયેલી એ કન્યા સુંદરતાની પરિભાષામાં જરાય બંધબેસતી નહોતી. શ્યામલ ચહેરો, પહોળું મ્હોં, ચપટું નાક, આંખો પર ચશ્મા, નાનું કદ અને સ્થૂળ શરીર. પણ એની આંખોમાં વશીકરણ હતું. જાણે સરસ્વતીનું વરદાન મળ્યું હોય એમ સયંમિત વાણીમાં વિનમ્રતા અને અવાજમાં મધુરતા હતી. એની પાસે સુભદ્રાને પોતાની જાત તુચ્છ લાગી.
એણે યુવતીને આવકાર આપ્યો. યુવતીના લગ્ન થવાના હતા, એને વૈદિક વિધિથી લગ્ન કરવા હતા એટલે ભારતીય કપડાં સીવડાવવા હતાં. બંને વચ્ચે પહેલાં ઔપચારિક અને પછી અંગત વાતો થતી રહી. યુવતી એટલે કે ઉર્મિલા ખરેખર તો લગ્નના બંધનમાં બંધાવા માંગતી જ નહોતી. પણ એક યુવકને મળીને લગ્ન ન કરવાની પ્રતિજ્ઞા જ ભૂલી ગઈ. એ યુવકને મળીને ઉર્મિલાને સમજાયું કે પ્રેમની અનુભૂતિ કેટલી આનંદમય હોઈ શકે.
વાતો વાતોમાં ઉર્મિલાને સુભદ્રાની સંગીતપ્રીતિ વિશે જાણ થઈ. સહસા એ બોલી ઊઠી, “કેશવને પણ સંગીત અતિ પ્રિય છે.”
કેશવનું નામ સાંભળીને સુભદ્રાને જાણે વીંછીએ ડંખ માર્યો હોય એવી વેદના થઈ, પણ એણે મન વાળી લીધું કે કેશવ નામ એક જણનું જ ના હોય ને?
ઉર્મિલાની વાતોમાંથી એક પછી એક પડ ખૂલતાં ગયાં. ઉર્મિલાનો કેશવ પ્રખર બુદ્ધિશાળી હતો. એના કેશવને પણ ભારત સરકારે અહીં વિદ્યાલયમાં ભણવા મોકલ્યો હતો. પ્રોફેસરોનો આદર પામતા એના કેશવ જેવું ભાષણ આજ સુધી એણે સાંભળ્યું નહોતું. ઉર્મિલામાં ન તો રૂપ હતું કે ન તો લાવણ્ય પણ કેશવે એને પસંદ કરી એના માટે પોતાની જાતને ભાગ્યશાળી માનવા લાગી હતી.
બસ આનથી વધારે સુભદ્રાના કાન કે મન સુધી કશુંજ પહોંચ્યું નહીં. ઉર્મિલાના ગયા પછી એ છાતી ફાડીને રડી પડી. આ જ એનો કેશવ હતો? જાણે એના પ્રાણ નીકળી ગયા હોય એમ નિર્જીવ લાકડાં જેવી બની ગઈ. આખા શરીરની જ્ઞાનેન્દ્રિય બધિર બની ગઈ. ઊંચા આસમાનથી નીચે પછડાઈ હોય એવી અનુભૂતિ થઈ.
આ એ જ કેશવ હતો જેને એણે ઉજ્જ્વળ ભાવિ માટે આગ્રહ કરીને અહીં મોકલ્યો હતો? આ એ જ કેશવ હતો જેણે એના જીવનમાં સર્વનાશ વેરી દીધો? કેશવની પ્રેમાતુર આંખો, સરળ સહજ પ્રકૃતિ યાદ આવવા માંડી. પોતે જરા બીમાર પડી હતી, તો પંદર દિવસની રજા લઈને એની જોડે રાત-રાતભર બેસી રહેતો, એ આ કેશવ હતો? ના. કેશવનો આમાં કોઈ વાંક નહીં હોય. ઉર્મિલાએ જ એની મધુર વાણી, વિદ્યા, બુદ્ધિ અને વાકપટુતાથી મોહી લીધો હશે.
એણે કેટલી વાર ભણવાની ઇચ્છા પ્રગટ કરી હતી, પણ કેશવને તો એ જેવી છે એવી, સરળ અને સ્વાભાવિક જ પસંદ હતી. ભણાવીને સુભદ્રા એની સરળતા ગુમાવે એ કેશવને મંજૂર નહોતું. આજે એને લાગ્યું કે કેશવે એની સાથે અન્યાય કર્યો છે. ઈર્ષ્યા, દુઃખ અને ક્રોધથી એ તમતમી ઊઠી. બંધ બારણે ઘાયલ માનુની આમથી તેમ આંટા મારતી રહી. કોઈએ એનું ગળું ઘોંટી દીધું હોય એવો તરફડાટ અનુભવી રહી.
સહસા એક હિંસાત્મક ભાવથી એનો ચહેરો કઠોર બની ગયો. કેશવની ધૂર્તતા, નીચતા, સ્વાર્થપરાયણતા અને કાયરતા વિશે ઉર્મિલાને એક પત્ર લખવાનું મન થયું. કેશવના પાંડિત્ય, પ્રતિભા અને પ્રતિષ્ઠા પાછળનો અસલી ચહેરો દેખાડી દેવાની અદમ્ય ઇચ્છા થઈ. કેશવની પાસે જઈને સવાલો કરવાનું મન થયું, પણ અભિમાને એના પગમાં બેડીઓ નાખી દીધી હોય એમ પગ ન ઉપડ્યાં.
બીજા દિવસે ઉર્મિલા આવી. કેશવને હવે જર્મની જવાનું હતું. અને ઉર્મિલા સાથે આવે તો કેશવની થીસિસ લખવામાં સહાયરૂપ બને એવી ઇચ્છાથી એને સાથે લઈ જવી હતી. અને એટલે બીજા દિવસે લગ્ન કરી લેવાનો નિર્ણય લેવાયો હતો એટલે સીવવા આપેલાં કપડાં માટે ઉતાવળ ન કરવા કહેવા આવી હતી.
સુભદ્રાએ સંકોચનું આવરણ હટાવીને હિંમતભેર કેશવ પરણેલો છે એ સત્ય ઉર્મિલાને જણાવ્યું. સુભદ્રા કેશવને કેવી રીતે જાણતી હતી, એમાં ઊંડા ઊતર્યા વગર ઉર્મિલાએ સુભદ્રાને જે કહ્યું એ એના માટે અસહ્ય હતું.
ઉર્મિલાના કહેવા પ્રમાણે, કેશવે એક નહીં સો વાર લગ્ન કર્યા હોત, તો પણ એને કેશવ સાથે લગ્ન કરવાનો જરાય વાંધો નહોતો. કેશવ પૂર્ણ પુરુષ છે. એના સાનિધ્યમાં એ ફૂલની જેમ ખીલી ઊઠતી. દુનિયાનો વિચાર કરીને જો એ એની સાથે લગ્ન ન કરે તો એને જીવનભર અવિવાહિત જ રહેવું પડત. કેશવના લગ્ન જેની સાથે થયા હતા એ કોઈ સાધારણ, અર્ધશિક્ષિત યુવતી હતી. કેશવ જેવો વિદ્વાન, ઉદારચેતા, મનસ્વી પુરુષનો એવી સ્ત્રી સાથે મનમેળ કેવી રીતે હોઈ શકે કે એ કેવી રીતે એની સાથે પ્રસન્ન રહી શકે?
સુભદ્રા ક્રોધથી તમતમી ઊઠી. ઉર્મિલા એને બીજા દિવસે લગ્નમાં હાજર રહેવા આમંત્રિત કરતી હતી અને બીજી ઘણી વાતો કરતી રહી. એ કહેતી હતી કે, કેશવ એની પ્રથમ પત્નીને ભરણ-પોષણનો પ્રબંધ કરીને છૂટી કરવા માંગતો હતો, પણ હિંદુ પ્રથા મુજબ છૂટા ન થવાય તો એ મુસલમાન કે ઈસાઈ થવા તૈયાર હતો. આ જણાવતો પત્ર એની સ્ત્રીને લખવાનો હતો. પણ ઉર્મિલાને એ અભાગણી પર દયા આવતી હતી એટલે એને બહેન માનીને સાથે રાખવા તૈયાર હતી.
ઉર્મિલાના ગયા પછી સુભદ્રાનો એક એક અણુ પ્રતિકાર લેવા તડપી ઊઠ્યો. એને થયું કે આ સમસ્યા જો કેશવ સાથે બની હોત તો, કેશવ એના લોહીનો તરસ્યો ના બન્યો હોત? એને સજા આપવામાં કંઈ બાકી રાખ્યું હોત? પુરુષના માટે બધું ક્ષમ્ય છે એ સ્ત્રી માટે કેમ અક્ષમ્ય? સુભદ્રાનું મન વિદ્રોહી કરી ઊઠ્યું. શું સ્ત્રીઓને આત્મસન્માન જેવું હોય કે એણે માત્ર પુરુષના પગની જૂતી બનવામાં પોતાનું સૌભાગ્ય માનવાનું?
એ પોતાની આવી અવહેલના જરાય નહીં સહી લે. ભલે દુનિયા એને હત્યારી માને પણ એ જરૂર બદલો લેશે. પહેલાં એ ઉર્મિલાના અને પછી કેશવના જીવનનો અંત આણશે. જો કોઈ દુષ્ટ એના સ્ત્રીત્વ, સતીત્વને હણવા મથે તો એનો પ્રતિકાર કરી શકે. તો આ એના આત્મનું હનન છે. કેશવે એના અસ્તિત્વનું અપમાન કર્યું છે.
સુભદ્રા વિચારી રહી. આ એ જ કેશવ છે જેણે, માત્ર પોતાની વાસનાની તૃપ્તિ માટે સુભદ્રા સાથે પ્રેમનો સ્વાંગ રચ્યો? એનો વધ કરવાનું સુભદ્રાનું કર્તવ્ય છે અને એ એમ કરશે જ. જાણે એ લોહી તરસી વાઘણ બની ગઈ. કાલે લગ્ન સમયે એ મંદિરમાં જઈને કેશવના શરીરમાં ગોળીઓ ધરબી દેશે અને પછી પોતાના શરીરમાં. ભલે ને ઉર્મિલાને રડી રડીને જીવન પસાર કરવું પડે. એની પરવા નહીં.
ક્રમશઃ – ભાગ ૨ | ૧૮ -૦૬ -૨૦૨૩ના રોજ
પ્રેમચંદ મુનશી લિખીત વાર્તાને આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ફિલ્મી ગઝલો – ૧ . શૈલેન્દ્ર
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
આ પહેલાંની ઉર્દૂના પ્રતિનિધિ શાયરોના માત્ર એક – એક શેરના સંક્ષિપ્ત રસાસ્વાદની શ્રેણીનો પ્રારંભ સ્વાભાવિક રીતે મિર્ઝા ગાલિબથી કરેલો, એટલે એ સર્વથા ઉચિત છે કે આ ફિલ્મી ગઝલોની સિરીઝનો પ્રારંભ ફિલ્મી ગીતોના ગાલિબ એવા શૈલેન્દ્રથી થાય.
વર્તમાન દૌરના દિગ્ગજ અને ગુણી ગીતકારો ગુલઝાર અને જાવેદ અખ્તર કહે છે એક ફિલ્મી ગીત લખવા માટે જે સૂઝબૂઝની જરૂર પડે એમાં શૈલેન્દ્રની તોલે કોઈ ન આવે ! શૈલેન્દ્ર જ આવી પંક્તિઓ લખી શકે :
તૂને તો સબ કો રાહ દિખાઈ
તૂ અપની મંઝિલ ક્યોં ભૂલા
સુલઝા કે રાજા ઔરોં કી ઉલઝન
તૂ કચ્ચે ધાગે મેં ઝૂલા
ક્યોં નાચે સપેરા ? મુસાફિર જાએગા કહાં..શંકર – જયકિશનની સફળ બેલડીના સ્થાયી ગીતકાર હોવા છતાં એમણે નાના અને ગુમનામ સંગીતકારો માટે ગીતો લખવામાં છોછ રાખ્યો નહોતો. સંગીતકાર સલિલ ચૌધરી અને સચિન દેવ વર્મન માટે પણ એમણે અફલાતૂન ગીત રચ્યા.
ફિલ્મો માટે એમણે ગઝલો નહીંવત લખી. આંગળીના વેઢે ગણાય એટલી જ. એ પણ ગઝલો છે એ સભાનતા બહુ ઓછા ભાવકોને હશે. અલબત્ત એનું કારણ એ રચનાઓની મોહિનીમય તરજો છે. એવી બે ગઝલો :
ઝિંદગી કા અજબ ફસાના હૈ
રોતે – રોતે ભી મુસ્કુરાના હૈઈશ્ક મેં જાનતે હૈં જાન ગઈ
ફિર ભી કહતે હૈં આઝમાના હૈકૈસી મુશ્કિલ હૈ કોઈ ક્યા જાને
આગ કો આગ સે બુઝાના હૈદિલ લગાયા થા પર ન થી યે ખબર
મૌત કા યે ભી એક બહાના હૈદિલ તો કહતા હૈ તેરે પાસ ચલું
ક્યા કરું રાહ મેં ઝમાના હૈ ..ફિલ્મ : છોટી છોટી બાતેં ૧૯૬૫
ગાયકો : લતા – મૂકેશ
સંગીત : અનિલ બિશ્વાસજાને કૈસે સપનોં મેં ખો ગઈ અખિયાં
મેૈં તો હું જાગી મેરી સો ગઈ અખિયાંઅજબ દીવાની ભઈ મોસે અનજાની ભઈ
પલ મેં પરાઈ દેખો હો ગઈ અખિયાંબરસી યે કૈસી ધારા કાંપે તનમન સારા
રંગ સે અંગ ભિગો ગઈ અખિયાંમન અંધિયારા છાયા જગ ઉજિયારા છાયા
ઝગમગ દીપ સંજો ગઈ અખિયાંકોઈ મન ભા ગયા જાદૂ વો ચલા ગયા
મન કે દો મોતી પિરો ગઈ અખિયાં..ફિલ્મ: અનુરાધા ૧૯૬૦
ગાયિકા: લતા
સંગીત: પંડિત રવિશંકર
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
ધુંદ (૧૯૭૩)
ટાઈટલ સોન્ગ
(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)
બીરેન કોઠારી
ગાયક મહેન્દ્ર કપૂર અને સંગીતકાર રવિનું સંયોજન મારું અતિ પ્રિય નહીં, પણ એ સમયનાં ગીત-સંગીત સાંભળવા ગમે એટલે ‘બે કાનની શરમે’ સાંભળું. આ જોડીનાં સૌથી લોકપ્રિય ગીતો ‘બી.આર.ફિલ્મ્સ’ નિર્મિત ફિલ્મોમાં આવ્યાં એમ કહી શકાય. બી.આર.ચોપડા અને રવિનો સાથ ઘણી ફિલ્મોનો રહ્યો. ‘ગુમરાહ’ (૧૯૬૩), ‘વક્ત’ (૧૯૬૫/દિ: યશ ચોપડા), ‘હમરાઝ’ (૧૯૬૭), ‘આદમી ઔર ઈન્સાન’ (૧૯૬૯/દિ:યશ ચોપડા), ‘ધુન્દ’ (૧૯૭૩), ‘નિકાહ’ (૧૯૮૨), ‘આજ કી આવાઝ’ (૧૯૮૪/દિ: રવિ ચોપડા), ‘તવાયફ’ (૧૯૮૫), ‘દહલીજ’ (૧૯૮૬/દિ: રવિ ચોપડા) અને ‘અવામ’ (૧૯૮૭) જેવી ફિલ્મો રવિએ ‘બી.આર.ફિલ્મ્સ’ માટે સંગીતબદ્ધ કરી. ૧૯૮૦માં આવેલી ‘બી.આર.ફિલ્મ્સ’ની ‘ઈન્સાફ કા તરાજૂ’માં રવીન્દ્ર જૈનનું સંગીત હતું એ અપવાદ. ‘દહલીજ’માં ‘એક અધૂરી સી મુલાકાત હુઈ થી જિનસે’ ગીત મહેન્દ્ર કપૂર અને ભૂપીન્દર દ્વારા ગવાયેલું યાદગાર ગીત કહી શકાય.
રવિએ ‘બી.આર.ફિલ્મ્સ’ માટે સંગીતબદ્ધ કરેલાં ગીતો ઉત્તમ ગીતકારો દ્વારા લખાયા હતા, જેમાં સાહિર અને હસન કમાલને મુખ્ય ગણાવી શકાય. રવિના સંગીતમાં મને કદી એવો જાદુ જણાયો નથી. આમ છતાં, તેમની ધૂનોમાં એક સરળતા અવશ્ય હતી. આવી ધૂનમાં શબ્દો તરત જ યાદ રહી જતા હશે. સાહિરની ‘ચલો એક બાર ફિર સે અજનબી બન જાય હમ દોનોં’ જેવી ઉત્કૃષ્ટ નઝમ એ સિવાય કોની તાકાત છે કે ગણગણી શકે? પણ રવિએ એ કામ આપણા જેવા અનેક સંગીતપ્રેમીઓ માટે સરળ કરી આપ્યું.

૧૯૭૩માં રજૂઆત પામેલી ‘બી.આર.ફિલ્મ્સ’ નિર્મિત, બી.આર.ચોપડા દિગ્દર્શીત ‘ધુંદ’ રહસ્યપ્રધાન ફિલ્મ હતી. સંજય, ઝીનત અમાન, ડેની, દેવેન વર્મા, ઉર્મિલા ભટ્ટ, મદનપુરી જેવા કલાકારોને ચમકાવતી આ ફિલ્મનાં ચાર પૈકી ત્રણ ગીતો સાહિરે અને એક ગીત રવિએ લખેલાં અને સંગીતબદ્ધ રવિએ કર્યાં હતાં.
‘ઉલઝન સૂલઝે ના, રસ્તા સૂઝે ના‘ (આશા)માં રવિના પ્રિય વાદ્ય પિયાનોનો સરસ ઉપયોગ છે. આ સિવાયનાં બે ગીતો ‘જુબના સે ચુનરિયા ખિસક ગઈ રે‘ (આશા, મન્નાડે) અને ‘જો યહાં થા વો વહાં ક્યૂં- કર હુઆ‘ (આશા, ઉષા) મુજરા પ્રકારનાં ગીતો છે. એમાંનું ‘જુબના સે ચુનરિયા ખિસક ગઈ રે’ ગીત ખુદ રવિએ લખેલું છે. રવિ પોતે ગાયક પણ હતા અને કેટલાંક ગીતો તેમણે ગાયાં પણ છે.

(ડાબેથી) રવિ, ઉષા મંગેશકર, લતા મંગેશકર અને સાહિર અલબત્ત, આ ચારેય ગીતોમાં સૌથી પ્રભાવશાળી ગીત હોય તો એ છે એનું ટાઈટલ સોન્ગ.
મહેન્દ્ર કપૂરના સ્વરમાં ગવાયેલું આ ગીત શરૂ થાય ત્યારે શબ્દોને અનુરૂપ દૃશ્યાવલિ સાથે એની અસર પ્રભાવક બને છે. ‘ધુંદ’ એટલે આમ તો ધુમ્મસના કણો, જે ક્ષણભંગુર અને અનિશ્ચિત હોય છે. સાહિરે સંસારની એકે એક ચીજ (શય)ને ધુમ્મસના કણની જેમ ક્ષણભંગુર અને અનિશ્ચિત દર્શાવી છે. ફિલ્મના કથાનકને અનુરૂપ આ ગીત હશે જ, પણ જીવનના સારને તે અદ્ભુત રીતે રજૂ કરે છે.
ગીતના શબ્દો આ મુજબ છે:
संसार की हर शय का इतना ही फ़साना है
एक धुँध से आना है, एक धुँध में जाना हैये राह कहाँ से है, ये राह कहाँ तक है
ये राज़ कोई राही समझा है न जाना है
संसार की हर शय का इतना ही फ़साना है
एक धुँध से आना है, एक धुँध में जाना हैएक पल की पलक पर है, ठहरी हुई ये दुनिया
एक पल के झपकने तक हर खेल सुहाना है
संसार की हर शय का इतना ही फ़साना है
एक धुँध से आना है, एक धुँध में जाना हैक्या जाने कोई किस पल, किस मोड़ पे क्या बीते
इस राह में ऐ राही, हर मोड़ बहाना है
संसार की हर शय का इतना ही फ़साना है
एक धुँध से आना है, एक धुँध में जाना है(ટાઈટલ અહીં પૂરાં થાય છે. એ પછી ફિલ્મના અંત ભાગમાં આટલો અંતરો અલગથી આવે છે, જેમાં સમગ્ર કથાસાર બે જ લીટીમાં આવી જાય છે.)
हम लोग खिलौने हैं, एक ऐसे खिलाड़ी के
जिसको अभी सदियों तक, ये खेल रचाना है
संसार की हर शय का इतना ही फ़साना है
एक धुँध से आना है, एक धुँध में जाना हैઆ આખું ગીત તેના તમામ અંતરા સાથે અહીં સાંભળી શકાશે.
(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
