-
ઊર્મિલ સંચાર – પ્રકરણઃ ૧૧ સમર્પણ [અંતિમ પ્રકરણ]
શોમ અને અંજલિ મનાવે છે છતાં…પોતાની માન્યતાઓમાં મક્કમ દાદા જતા રહેવાનો નિર્ણય કરે છે. અંજલિ છેલ્લી કુમારિકાની રાત્રીમાં ભાવ વિભોર છે...”પાંખો ફફડાવું, તું આવે, ઓ રે સજન! અવની ને અંબરનું ઝરમર મીલન, સજન!” અંજલિના મામા પોતાની દીકરી માયાએ કરેલી લુચ્ચાઈ માટે શોમની માફી માગે છે.
આગળ વાંચો.
સરયૂ પરીખ
શોમ જોષી મુસ્લિમ માતાનો પુત્ર છે તે ખબર પડતા, અંજલિના દાદા નારાજ થઈને ગામડે પાછા ચાલ્યા ગયા. થોડા સ્વજનોનાં ધ્યાનમાં આવ્યું, તે સિવાય સાંજના લગ્નની યથાવત તૈયારીઓ ચાલતી રહી. સજાવેલા મંડપ સામે સફેદ ખુરશીઓ ગોઠવાયેલી હતી, જેથી મહેમાનોને વર-કન્યા અને પાછળ ઉછળતો દરિયો દેખાય. નાના ભૂલકાઓ તો નવા કપડામાં મંડપની ચારે બાજુ ચક્કર લગાવી રહ્યાં હતાં અને તેની પાછળ શોમનો ભાણિયો, અયન રેતીમાં દોડતો, પડતો અને ઊઠીને ફરી દોડતો હતો. જરી-કસબ વાળા કુર્તા-પજામા પહેરીને સજ્જ થયેલો રૉકી, થોડીવાર ચિંતાથી નાના અયનની પાછળ દોડ્યો પણ પછી સમજાઈ ગયું કે તેની શક્તિ એ ત્રણ વર્ષના કુંવર કરતા ઘણી ઓછી હતી.
નીનાને સાડી પહેરવામાં મદદ કરનારા ઘણા હતા. નીના સગાવહાલાની સ્નેહવર્ષા અને સંભાળથી ગદગદ થઈ ગઈ હતી. પરદેશમાં રહેવાથી શું ગુમાવ્યું છે તેની અનુભૂતિ થઈ રહી હતી. બીજા રૂમમાં તૈયાર થઈ રહેલી અંજલિએ સફેદ અને લાલ જરીવાળી કિનારનું રેશમી પાનેતર પહેર્યું હતું અને ઉપર સાસરેથી આવેલ લાલ ચૂંદડી ગોઠવેલી હતી. કલાત્મક પણ સાદા ઘરેણા અને શણગારમાં કમનીય નવવધૂ લાલિત્યપૂર્ણ લાગતી હતી.
સાજન મહાજન મંડપ સામે ગોઠવાઈ ગયું. શરણાઈના સૂર ગુંજતા હતા. વરરાજા શોમને મિત્રો સાથે આવતો જોઈ સહજ ઉમંગભાવથી બધાં ઊભાં થઈ તેના તેજસ્વી સ્વરૂપ સામે અહોભાવથી જોઈ રહ્યાં. શોમની સફેદ શેરવાની પર સોનેરી અને નીલા રંગનું ભરતકામ કરેલ હતું. છ ફૂટ ઊંચો, ગોરો વાન અને ઘુંઘરાળા વાળમાં જાણે શોમે બધાનું મન હરી લીધું. શોમ મંડપમાં રાજવી ખુરશી પર ગોઠવાયો, સ્ટિવ અને આરી તેની પાછળ ઉભા રહ્યા. વૈદ્યજીના આમંત્રણથી કન્યાનું આગમન જાહેર થયું.
એ સમયે, સર્વ મંગલ માંગલ્યે… મધુર મંત્રોથી વાતાવરણ પુલકિત થઈ ગયું. અંજલિ તેની સખીઓ સાથે આવતી દેખાઈ અને શોમ સહિત બધા ઉમંગથી આવકારવા ઊભાં થઈ ગયાં. અલતાથી શણગારેલા ચરણો પર બાંધેલી સોનેરી ઝાંઝરીના મીઠાં ઝણકાર સાથે અંજલિ મંડપ તરફ આગળ વધી. શોમની સાથે નજર મળતાં ક્ષણભર એ થંભી ગઈ…
આંખોથી આંખની હલચલ સંકેતમાં
હોઠની કળી હસી રોમાંચિત અંકમાં
હૈયાના સ્પંદનનો કંપ રોમ રોમમાં
મંગલ મિલન સર્વ સૃષ્ટિ આનંદમાંસિતારના મંજુલ અવાજ અને સખીના સ્પર્શે અંજલિનું ધ્યાન ખેંચ્યું અને તે આગળ ચાલી અને શોમની બાજુમાં બેઠી. હસ્તમેળાપ હિંદુ વિધિ પ્રમાણે કર્યા પછી વૈદ્યજીએ કહ્યું કે, “ચાર ફેરા માટે અંજલિએ ચાર શ્લોક આપ્યા છે તે બોલાશે. તમે સાંભળશો કે આ વર-કન્યાને વચનોના બંધન માન્ય નથી. શોમ અને અંજલિ અગ્નિની સાક્ષીમાં પહેલા ફેરામાં તન, મન અને ધનનું સ્નેહ સમર્પણ કરે છે…બીજા ફેરામાં સદકર્મોમાં સદા સાથ રહી જનકલ્યાણના કર્મોમાં ઉભયનો સાથ માંગે છે…ત્રીજા ફેરામાં કુટુંબ-પરિવારની સેવામાં સમાન ભાવની અપેક્ષા રાખે છે…અને ચોથા ફેરામાં પોતાનાં બાળકોના ઉછેરમાં સર્વસ્વ અર્પણ કરવાનો નિશ્ચય કરે છે.” મંગળ ફેરા પૂરા થતાં વૈદ્યજીએ કહ્યું, “શોમ અંજલિને કંઈક કહેવા માંગે છે.”
શોમ અંજલિ તરફ ફર્યો અને તેના બંને કોમળ હાથ પોતાના હાથમાં લઈ બોલ્યો, “મારી પ્યારી અંજલિ, આજે આપણા મિલનથી આપણે બે મટી એક થઈશું તો પણ હંમેશા પોતાના અસ્તિત્વમાં મુક્ત રહીશું. મને તારામાં અનન્ય વિશ્વાસ છે, જેને હું કોઈ વચનોના બંધનમાં બાંધવા નથી માંગતો. આપણી વચ્ચે મિત્રતા, સ્નેહસંબંધ અને સ્વતંત્રતા અબાધ્ય રહેશે. મારો પ્રેમ સમય સાથે પ્રબળ બનશે. અંજલિ! મારા જીવન પંથમાં તારા સાથને હું મારું અહોભાગ્ય માનું છું.” અને શોમે નમીને અંજલિના ગાલ પર ચૂમી કરી…સ્વજનોએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધાં.
લગ્ન પછી મિજબાનીની રાહ જોવાઈ રહી હતી ત્યારે આ અવનવી લગ્નોક્તિ વિષે આગળ ચર્ચા ચાલી. શોમ અને અંજલિ પોતાની લાગણીઓ, અરમાનોને વચનનું બંધન લાદવા નહોતા માંગતા એ ચર્ચાનો વિષય રસપ્રદ બની ગયો. અંજલિ અને શોમને ઘેરીને બેઠેલા મિત્રમંડળે સવાલ કર્યો. અંજલિએ વૈદ્યજીને આમંત્ર્યા,
“બાબા, તમે આ બિનઅનુભવી મિત્રોને સમજાવો કે અમારો આશય શું છે!”
“આપણે વર્તમાનમાં જે ભાવથી વચનો આપીએ તે આજને માટે તથ્ય છે. જીવનસફરમાં ભાવ બદલાય પણ વચનના બંધનને લીધે તમારે એ સાથ નિભાવવો જ પડે…તે વાતનો અંજલિ અને શોમને અર્થ નથી લાગતો. તે બન્નેને શ્રધ્ધા છે કે તેમનો સાથ અતૂટ છે. જે પ્રેમને વચનોમાં જકડવો પડે તે વ્યવહાર છે, પ્રેમ નહીં.” વૈદ્યજીએ સમજાવ્યું. “હું એક સલાહ આપું કે કોઈ પણ પરિસ્થિતિમાં પતિ-પત્ની ઉભય સાથે સન્માનથી વર્તે.” સૌ ધ્યાનથી સાંભળી રહ્યાં.
“ચાલો, જમવાનો સમય…” ની બૂમ સંભળાઈ અને ‘ઓહો’ અને ‘આહા’ ગરમ ગરમ જલેબી આવતાં બધા મીઠા સ્વાદમાં મગ્ન થઈ ગયાં.
પંખીનો મેળો વિખરાયો અને હ્યુસ્ટન જવા માટે ડો.રમેશ, માહી અને સાથે અંજલિના મમ્મી પણ રવાના થયાં. નવદંપતી, ગોઆથી નીકળી પોંડિચેરી જઈને અંજલિના સહાધ્યાયી અને ગુરુજનોને મળીને પછી હ્યુસ્ટન ગયાં.
બે સપ્તાહ પછી હ્યુસ્ટનમાં અત્યંત ઉમંગથી, શોમ અને અંજલિના લગ્નની ભવ્ય ઉજવણીની યોજના કરવામાં આવી હતી. મોટો હોલ ભારતીય ઝલકથી શણગારેલો હતો. તેમાં વળી નામી પિયાનો વગાડનાર હાજર હતા. અનેક ઉમદા ડોક્ટરો, મિત્રો અને સહકાર્યકર્તાઓ હાજર હતા. દેશી અને અમેરિકન શાકાહરી ખાણું હતું. અને છેલ્લે ગીત, સંગીત અને નૃત્ય મોડી રાત સુધી ચાલ્યું.
અંજલિનું જોષી પરિવાર સાથે પુત્રવધુ તરીકે રહેવાનું બહુ સહજ હતું. જ્યાં સંવાદિતા હોય ત્યાં સ્વર્ગ વરતાય છે. વર્ષોના વહેણમાં, શોમ અને અંજલિ, તેમના કામની સફળતા અને નિષ્ફળતામાં અડગ સાથીદાર રહ્યાં. તેમનાં ત્રણ બાળકો દાદા-દાદી અને નાનીના સ્નેહની છાંવમાં ઉછરી રહ્યાં હતાં.
આવ આપણે એક ઘર એવું બનાવીએ,
જ્યાં સ્નેહની છતછાંવ હો, શ્રધ્ધાની ભીંત હો, ભરોસાની ભોમ હો.
આવ આપણે એક પરિવાર એવો સજાવીએ,
જ્યાં સંવાદિત તાલ હો, પ્રીતિના ગાન હો ને મોટાનું માન હો.

ઊર્મિલ સંચાર. નવલિકા,સત્યકથા,કવિતાનું પુસ્તક નિઃશુલ્ક ઉપલબ્ધ છે.
પ્રપ્તિસ્થાનઃ શિશુવિહાર, ભાવનગર. shishuviharbhavnagar@gmail.com
મુનિભાઈઃ વડોદરા. chairman@glsbiotech.com
——- સમાપ્ત
સરયૂ પરીખ – saryuparikh@yahoo.com | http://www.saryu.wordpress.com
-
રામ
ઉષા ઉપાધ્યાય

-
દત્તારામ – આપ આયે તો ઉજાલા સા હુઆ મહેફિલમેં
વિસરાતી યાદો…સદા યાદ રહેતાં ગીતો
સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ
દત્તારામ (મૂળ નામ દત્તારામ લક્ષ્મણ વાડકર) – જન્મ ૧૯૨૯ – અવસાન ૮ જૂન, ૨૦૦૭ – ની ૧૯૫૭થી શરૂ થયેલી સ્વતંત્ર સંગીતકાર તરીકેની કારકિર્દી કેમ ૧૯ હિંદી અને ત્રણ પ્રાંતિક ભાષાઓની ફિલ્મોમાં જ કેમ સંકેલાઈ ગઈ તે વિશે અનેક ચર્ચાઓ થતી રહી છે અને જેમ જેમ તેમનાં ગીતો સાંભળવાના અવસરો મળે છે તેમ થતી પણ રહેશે. એ બધી ચર્ચાઓ ભલે એક તારણ પર ન આવી શકતી હોય પણ દત્તારામનું સંગીત એ બધી જ ફિલ્મોમાં ક્યારે પણ સુર ઉતરી ગયેલું નથી લાગ્યું એ વિશે હંમેશાં એકમત રહ્યો છે.‘૬૦ના દાયકાના મધ્ય કાળ પછી કલ્યાણજીઆણંદજી અને તેમનાથી પણ પછીની પેઢીના કહી શકાય એવા લક્ષ્મીકાંત-પ્યારેલાલ અને આર ડી બર્મન જેવા સંગીતકારોને ફાળે મોટાં નિર્માણગૃહોની ફિલ્મો જવા લાગી હતી. એટલે દત્તારામ જેવા સંગીતકારોએ પોતાની હાજરીની નોંધ લેવાતી રહે એ આશયથી પણ બી/સી ગ્રેડની ફિલ્મોનાં સંગીત આપવાની સ્થિતિ આવી ગઈ હતી. આમ થવા છતાં એક સમયના બહુ જ આશાસ્પદ અને બહુ જ પ્રતિભાવાન આ સંગીતકારોનાં કૌશલ્યને ફિલ્મની કક્ષાની કોઈ સીધી અસર ભલે થઈ નહીં, પણ એ ફિલ્મોને મળતી નિષ્ફળતાને, કે એ ફિલ્મોનાં નિર્માણનાં અન્ય નબળાં પાસાંઓને, કારણે, ઘણી વાર, તેમનું સંગીત પણ ઓછું અસરકારક અનુભવાતું.
દત્તારામ પણ ફિલ્મ જગતના એ પ્રવાહની આ વ્યાપક અસરના ભંવરમાં અટવાઈ ગયા હોય એવું બન્યું એ બાબત ખાસ આશ્ચર્યકારક પણ ન કહી શકાય.
દત્તારામ સર્જિત જાણીતાં તેમ જ ઓછાં જાણીતાં ગીતોને યાદ કરવાના ‘દિલ્લી આટલી નજદીક છતાં કેટલી દૂર‘ શીર્ષક હેઠળના આપણા આ ઉપક્રમ હેઠળ અત્યાર સુધી , આપણે
૧૯૫૭ થી ૧૯૫૯નાં વર્ષનાં ગીતો ૨૦૧૮માં ,
૧૯૬૦ અને ૧૯૬૧નાં વર્ષનાં ગીતો ૨૦૧૯માં,
૧૯૬૨ અને ૧૯૬૩નાં વર્ષનાં ગીતો ૨૦૨૦માં, અને
૧૯૬૫નાં વર્ષનાં ગીતો ૨૦૨૧માં,
૧૯૬૮નાં વર્ષનાં ગીતો ૨૦૨૨માં
સાંભળ્યાં છે તેમાં દત્તારામનો તેમની કળા પરથી હાથ ઉતરી ગયો હોય એમ બિલકુલ નથી જણાતું.
આજે ૧૯૭૦ની ‘ચોરોંકા ચોર’ અને ૧૯૭૧ની ‘એક દિન આધી રાત’ જેવી બે બી ગ્રેડની ફિલ્મોનાં દત્તારામ રચિત ગીતો આપણે સાંભળીશું. ગીતોની મિઠાશ માણવાની સાથે સાથે આપણે આ બે ફિલ્મો પછી દત્તારામની સ્વતંત્ર સંગીતકાર તરીકેની કારકિર્દી પર સિનેમાની આર્કલાઈટનો પ્રકાશ હંમેશાં માટે બંધ થઈ ગયો એ કડવી હકીકતનો ઘુંટડો પણ ગળવો પડશે.
‘ચોરોંકા ચોર‘ (૧૯૭૦)
નામ પરથી જ ખયાલ આવી જાય કે ‘ચોરોંકા ચોર’ મારધાડની બી ગ્રેડની ફિલ્મ હશે. ‘૬૦ના દાયકાના મધ્ય ભાગ પછીથી દારા સિંગની મુખ્ય અભિનયવાળી લગભગ એવી ૧૬ ફિલ્મો બહુ ચાલી નીકળી હતી જેમાં મુમુતાઝ હિરોઈન હતી. આમાંની બધી ફિલ્મોમાં સંગીત કોઈને કોઈ એવા પ્રતિભાવાન સંગીતકારનું રહેતું કે જેને નસીબે ક્યાં તો યારી ન આપી હોય કે પછી લક્ષ્મી=પ્યારે જેવા નસીબના દરવાજા ખડખડાવાતા ઉગતા સંગીતકારોનું જ હૉય. દારા સિંગની જેટલી પણ ફિલ્મો સફળ રહી એ દરેકનું સંગીત પણ બહુ સફળ રહ્યું, કે પછી કદાચ એમ પણ કહી શકાય કે સંગીતની સફળતાએ ફિલ્મની સફળતામાં મોટો ભાગ ભજવ્યો.
‘ચોરોંકા ચોર’માં ચાર ગીતો હતાં જે બધાં ફારૂક઼ ક઼ૈસરે લખ્યા હતાં.
દિલ ધડકા, દિલ ધડકા, વહી શોલા ફિર ભડકા – શ્યામા હેમાડી, ઉષા મંગેશકર
ટુંકા બજેટની સીમા પણ પાળવાની સાથે ઓછાં જાણીતાં ગાયકોને તક આપવાની સાહસિકતા દત્તારામ અહીં સુપેરે અદા કરે છે.
ઓ બંધુ, પતલી કમર તીરછી નજ઼ર કભી ઈધર કભી ઉધર – મહેંદ્ર કપૂર, શારદા
યોગાનુયોગ કહી શકાય કે દત્તારામ શંકર જયકિશનના ઓછાયાની બહાર ન નીકળી શક્યા એવા આરોપનું સમર્થન કહી શકાય એવું વિચારતાં કરી દે એવાં બે પરિબળો – શંકર જયકિશનની પહેલી જ ફિલ્મ ‘બરસાત’ (૧૯૪૯)નાં તીરછી નજ઼ર હૈ પતલી કમર હૈ વાળા બોલ અને ગાયિકા તરીકે શારદાની હાજરી – અહીં જોવા મળે છે.
જોકે શેરી ગીત તરીકે ફિલ્માવાયું હોય એવાં આ ગીતને દત્તારામે પોતાની શૈલીથી જ સંગીતબધ્ધ કર્યું છે તે વિશે બેમત ન હોઈ શકે.
ઓ મેરે દિલદાર ન કર તુ ઇન્કાર, મેરે દિલમેં બસના, મેરી આંખોંમેં રહના – મોહમ્મદ રફી, આશા ભોસલે
‘લાઉડ’કહી શકાય એવાં ફિલ્માંકન માટે દત્તારામ પણ ‘લાઉડ’ કશી શકાય તેવી રચના આપે છે, પણ ગીતને પુરતો ન્યાય મળી રહે તે માટે મોહમ્મદ રફી અને આશા ભોસલે જેવાં ‘સજ્જ’ ગાયકોની પસંદગી કરેલ છે.
આયી સોફિયા, હો તેરા મેરા પ્યાર દેખકે સબકા દિલ જલા, છૂપકે પ્યાર કર લે તેરા મેરા દિલ હાલ હૈ એક ચુલબુલા – આશા ભોસલે
કદાચ ગોવાના કારણે દત્તારામને ફાળે ક્લબનાં ગીતો આવતાં રહેવાનો ક્રમ અહીં તો વળી ફિલ્મની મસાલા ફોર્મ્યુલાની ‘ફરજિયાત’ જરૂરને અનુસાર હોવાને કારણે પણ સહજ પણે જળવાયો એવું કહી શકાય. જોકે દત્તારામ ગીતની ધુનને નવા જ સ્વરૂપે રજુ કરી રહે છે.
એક દિન, આધી રાત (૧૯૭૧)
આ ફિલ્મના મસાલામાં પાછૉ રહસ્યનો સ્વાદ પણ ઉમેર્યો હશે એમ જણાય છે.
આપ આયે તો ઉજાલા સા હુઆ મહેફિલમેં, સામને બૈઠિયે તસ્વીર બના લું દિલમેં – મોહમ્મદ રફી – ગીતકાર: અસદ ભોપાલી
‘૫૦ના અંત અને ‘૬૦ના દાયકામાં બહુ પ્રચલિત પિયાનો પર ગવાતાં પાર્ટી ગીતનાં વાતાવરણને મોહમ્મદ રફીના ઉંચા સુરમાં ગવાયેલ ગીત વડે ફરીથી જીવંત કરી આપ્યું છે.
મૈં હું જહાં તુ ભી વહી હૈ, તુઝસે કોઈ પ્યારા નહીં હૈ આ મેરી બાહોંમેં જાન – એ – તમન્ના – સુમન કલ્યાણપુર – ગીતકાર: અસદ ભોપાલી
શંકર જયકિશને પ્રથમ વાર હરે કાંચકી ચુડીયાં (૧૯૬૭)માં પછી રે ઓ પંછી યુગલ ગીતમાં મુખ્યત્વે જે નવાં જ વાદ્યનો ઉપયોગ કર્યો હતો એ વાદ્ય પર દત્તારામ અહીં ફરીથી હાથ અજમાવે છે. જોકે પાર્ટી ગીત જેવી ધુન હોવા છતાં સુમન કલ્યાણપુરના સ્વરમાં ગીતના પ્રેમના સ્વીકારના ભાવને અનુરૂપ માર્દવ જળવાઈ રહે તેમ કરવામાં પણ દત્તારામ સફળ રહે છે.
મેરા દિલ ઝૂમ ઝૂમ ગાયે ….. સબકો હેપ્પી ક્રિસ્ટમસ – આશા ભોસલે – ગીતકાર: ફારૂક઼ ક઼ૈસર
ઉસ્તવની ઉજવણીને ફિલ્મમાં ગોહવવાની તક મળે તો કેમ ચુકાય !
સામને આ પરદા હટા હટા હટા ….. દેખે ઝરા તુજ઼મેં હૈ ક્યા – મોહમ્મદ રફી, આશા ભોસલે – ગીતકાર: ફારૂક઼ ક઼ૈસર
મસાલા ભરેલી વાનગી જ તૈયાર કરવી હોય તો કવ્વાલીની રંગતથી વધારે લોકપ્રિય સામગ્રી ક્યાં શોધવી ! દત્તારામ કવ્વાલીની નજ઼ાકતને સરળતાથી જાળવી લે છે.
છેડો છેડો ના સૈયાંકી બાતેં. સખી લાખ સંભાલુંગી હાલત બીગડ જાએગી – ઉષા તિમોથી, આશા ભોસલે – ગીતકાર: નુર દેવાસી
બીજા બધા મસાલા વપરાઈ ગયા હોય તો છેલ્લે નૃત્ય ગીત મુકી દેવાનો ઉપાય હિંદી ફિલ્મોમાં અકસીર ઉપાય રહ્યો છે.
હવે દત્તારામને સ્વતંત્રપણે કામ મળવું ઓછું તો થઈ ગયું હતું, એવામાં ૧૯૭૩માં જયકિશનનું પણ નાની વયે અવસાન થયું. એટલે શંકરને એકલે હાથે બહુ કામ મળતું ન હતું. એ સંજોગોમાં દત્તારામે તેમના જુના મિત્રો લક્ષ્મી-પ્યારે અને આર ડી બર્મનની સાથે છુટક છૂટક કામ પણ કર્યું. પણ ‘૮૦ના દાયકામાં હિંદી ફિલ્મોમાં સંગીતની જે શૈલીનું પ્રભુત્વ થતું ગયું તેની સાથે દત્તારામને જરા પણ મેળ બેસતો નહોતો. એટલે તેમણે ગૌરવભેર પોતાના જન્મસ્થળ ભણીની વાટ પકડી. છેલ્લાં વર્ષોમાં તબીયત લથડી ત્યારે તેમની પાસે પોતાની સરખી સારવાર કરાવી શકવાની પણ સગવડ નહોતી. જે વ્યક્તિને નસીબે જીવનમાં મુશ્કેલીઓના કાંટા પણ ન વેર્યા કે ન તો અઢળક સફળતા આપી, તેણે દત્તારામના અંતને પણ મધ્ય માર્ગે જ ટુંકાવી આપ્યો.
તબ્બસુમે તેમના હૃદયસ્પર્શી કાર્યક્રમ Unheard musicians of Bollywood: Dattaram માં તેમનાં ગીતોની યાદોને વણી લેતાં કહ્યું છે તેમ દત્તારામનાં સંગીતની યાદો તેમનાં ચાહકોનાં દિલમાં તો વસી જ છે, પણ નવી પેઢીને પણ ક્યાંકને ક્યાંક જરૂર ગમશે તો નસીબે તેમને જે કંઈ ઓછું આપ્યું તે તેમનાં ચાહકોની યાદો પુરૂં કરી આપી શકશે.
દત્તારામે સ્વતંત્ર સંગીતકાર તરીકે રચેલાં ગીતોની સફરની લેખમાળા ‘દિલ્લી આટલી નજદીક છતાં કેટલી દૂર‘ ના બધા મણકા એકસાથે વાંચવા / ડાઉનલોડ કરવા હાયપર લિંક પર ક્લિક કરશો.
-
ફિલ્મી ગઝલો – ૨. સાહિર લુધિયાનવી
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
એક તરફ જ્યાં શૈલેન્દ્ર સામાન્ય માણસના સંવેદનોને બખૂબી શબ્દોમાં પરોવી શકતા તો બીજી તરફ સાહિર લુધિયાનવી પ્રબુદ્ધ અને સરેરાશ બન્ને વર્ગના માનવીઓની લાગણીને વાચા આપવામાં માહિર હતા. ફિલ્મોમાં આવતાં પહેલાં જ ખાસ્સા વિખ્યાત બની ચૂક્યા હતા.વિશુદ્ધ હિંદીમાં લખાયેલા એમના ફિલ્મ ચિત્રલેખા, નીલકમલ, પ્યાસા, કાજલ ઇત્યાદિના ગીતો સાંભળીને અચરજ થાય કે એક જ ગીતકાર હિંદી અને ઉર્દુ બન્ને ભાષાઓ પર આવું પ્રભુત્વ ધરાવી શકે ! એ વસ્તુત: હિંદુસ્તાનિયતના આશક હતા. હિંદી ફિલ્મોમાં ગીતકારને એનો યોગ્ય અધિકાર અને મહેનતાણું અપાવવામાં એમનું યોગદાન અમૂલ્ય હતું.
ફિલ્મોમાં ગઝલો પણ એમણે બેશુમાર આપી. ફિલ્મો પહેલાં પ્રસિદ્ધિ પામી ચુકેલી એમની અનેક રચનાઓ પાછળથી ફિલ્મોમાં લેવાઈ. એમના ગીતોથી શોભતી એક ફિલ્મનું તો નામ જ ગઝલ હતું ! કુલ આઠ ગીતો ધરાવતી આ ફિલ્મમાં એમની જગપ્રસિદ્ધ નઝ્મ ‘ મેરી મહેબૂબ કહીં ઔર મિલા કર મુજ સે ‘ પણ શામેલ હતી જેને મોહમ્મદ રફીએ ગાયેલી. ( એ નઝ્મની પ્રતિ – નઝ્મ પછીથી શકીલ બદાયુનીએ ફિલ્મ ‘ લીડર ‘ માં લખેલી ‘ એક શહેનશાહ ને બનવાકે હંસીં તાજમહલ ‘ ) મજાની વાત એ કે આ ફિલ્મનું સૌથી પ્રસિદ્ધ ગીત ‘ રંગ ઔર નૂર કી બારાત કિસે પેશ કરું ‘ ગઝલ નથી, નઝ્મ છે. હા, ફિલ્મમાં ચાર ઉમદા ગઝલો પણ હતી. એમાંની એક આ :
ઈશ્ક કી ગર્મી – એ – જઝ્બાત કિસે પેશ કરું
યે સુલગતે હુએ દિન – રાત કિસે પેશ કરુંહુસ્ન ઔર હુસ્ન કા હર નાઝ હૈ પરદે મેં અભી
અપની નઝરોંકી શિકાયાત કિસે પેશ કરુંતેરી આવાઝ કે જાદુ ને જગાયા હૈ જિન્હેં
વો તસવ્વુર, વો ખયાલાત કિસે પેશ કરુંઐ મેરી જાન-એ-ગઝલ ઐ મેરી ઈમાન-એ-ગઝલ
અબ સિવા તેરે યે નગમાત કિસે પેશ કરુંકોઈ હમરાઝ તો પાઉં કોઈ હમદમ તો મિલે
દિલ કી ધડકન કે ઈશારાત કિસે પેશ કરું ..ફિલ્મ : ગઝલ ૧૯૬૪
ગાયક : મોહમ્મદ રફી
સંગીત : મદન મોહન
એમની આ બીજી ગઝલ ફિલ્મમાં મુજરા – ગીત તરીકે ગવાયેલી છે :
નિકલે થે કહાં જાને કે લિયે પહુંચે હૈં કહાં માલૂમ નહીં
અબ અપને ભટકતે કદમોં કો મંઝિલ કા નિશાં માલૂમ નહીંહમને ભી કભી ઈસ ગુલશન મેં એક ખ્વાબે બહારાં દેખા થા
કબ ફૂલ ઝડે કબ ગર્દ ઊડી કબ આઈ ખિઝાં માલૂમ નહીંદિલ શોલા-એ-ગમ સે ખાક હુઆ યા આગ લગી અરમાનોં મેં
ક્યા ચીઝ જલી ક્યોં સીને સે ઊઠતા હૈ ધુંઆં માલૂમ નહીંબરબાદ વફા કા અફસાના હમ કિસસે કહેં ઔર કૈસે કહેં
ખામોશ હૈં લબ ઔર દુનિયા કો અશ્કોં કી ઝુબાં માલૂમ નહીં..ફિલ્મ : બહુ બેગમ ૧૯૬૬
ગાયિકા : આશા ભોંસલે
સંગીત : રોશન
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
ફિલસુફીભર્યા ગીતો – ૧૧ – ख़तम हुए दिन इन उस डाली के जिस पर तेरा बसेरा था
નિરંજન મહેતા
૧૯૫૭ની ફિલ્મ ‘ભાભી’નુ આ પ્રચલિત ગીત છે જે ત્રણ ભાગમાં છે.
સૌ પ્રથમ આ ગીત ટાઈટલ ગીત તરીકે પાર્શ્વગીત રૂપે મુકાયું છે.
चल उड़ जा रे पंछी के अब ये देश हुआ विराना
ख़तम हुए दिन इन उस डाली के
जिस पर तेरा बसेरा था
आज यहाँ और कल हो वहा ये जोगी वाला फेरा थाये तेरी जागीर नहीं थी चार घड़ी का डेरा था
सदा रहा है इस दुनिया में किस का आबोदानाઆ જ ગીત બીજી વાર જ્યારે કુટુંબમાં ભાગલા પડે છે અને બલરાજ સહાની પોતાના કુટુંબ સાથે ઘર છોડે છે ત્યારે મુકાયું છે જેના શબ્દો છે.
तूने तिनका तिनका चुनकर नगरी एक बसाईं
बारिश में तेरी भीगी पाठे धुप में गरमी खाई
गम ना कर जो तेरी मेंहनत तेरे काम न आई
अच्छा है कुछ ले जाने से देकर ही कुछ जानત્રીજી વાર આ ગીત આવે છે જ્યારે નંદા ઘર છોડીને જાય છે અને ત્યારે પણ આ ગીત પાર્શ્વગીત રૂપે મુકાયું છે
भूल जा अब मस्त हवा वो उड़ना डाली डाली
जग की आँख का काँटा बन गई चाल तेरी मस्तानी
कौन भला उस बाग़ को पूछे हो ना जिस का माली
तेरी किस्मत में लिखा है जीते जी मर जानारोते है वो पंख पंखेरू साथ तेरे जो खेले
जिन के साथ लगाये तूने अरमानो के मेले
भीगी अंखियो से ही उनकी आज दुआऐ ले ले
किस को पता अब इस नगरी में कब हो तेरा आनाhttps://youtu.be/XH_kWzpQ8E0
પહેલા ભાગમાં પંખીઓને ઉડતા દેખાડ્યા છે અને તેને ઉદ્દેશીને આ ગીત સર્જાયું હોય તેમ લાગે છે પણ પંખીના રૂપક દ્વારા કવિ આપણને સમજાવે છે કે હે મનુષ્ય તારો સમય હવે પૂરો થયો છે અને આજે આ દુનિયામાં તો હવે પછી બીજી દુનિયામાં તારો વાસ થશે. આ સંસારરૂપી જાગીર પર તારો કોઈ હક્ક નથી કારણ તે ચાર દિવસની ચાંદની હતી. તું એક જ આ દુનિયાનો વાસી નથી આ દુનિયામાં અન્યોનો પણ વાસ રહ્યો છે.તારા વસવાટ દરમિયાન મહેનત કરીને તે અહી ધીરે ધીરે બધું વસાવ્યું. ઠંડી, ગરમી, વરસાદ આ બધું તે સહ્યું પણ અંતે આ બધું તારે છોડવું જ રહ્યું. પણ તેનો શોક શા માટે? ભલે તું તેને બરાબર માણી ન શક્યો હોય પણ જે કાઈ તે સારૂ કર્યું છે તે તારા ગયા પછી અન્યોને કામ આવશે તેનો આનંદ લે. કારણ હવે તું આ જગતને યોગ્ય નથી રહ્યો. હવે બધું ભૂલી જા. હજી પણ આ જો નહિ સમજાય તો તું ભલે જીવતો હશે પણ મર્યા બરોબર છે.
તારા ગયા પછી તારા સાથીઓ અને સંબંધીઓ રોકકળ કરશે. તેમની અશ્રુભીની આંખ તારા માટે આશીર્વાદ રૂપ બની રહેશે કારણ હવે તું આ જગતમાં ફરી ક્યારે આવશે તેની કોઈ જાણ નથી.
આ ફિલ્મની વાર્તા એક સંયુક્ત કુટુંબ પર રચાઈ છે એટલે તેમાં ઘણા કલાકારો હોય તે સ્વાભાવિક છે. પણ મુખ્ય કલાકારો છે બલરાજ સહાની, પંઢરીબાઈ, દુર્ગા ખોટે, શ્યામા, નંદા, જગદીપ વગેરે.
ગીતકાર છે રાજીન્દર કૃષ્ણ, સંગીતકાર છે ચિત્રગુપ્ત અને સ્વર છે રફીસાહેબનો.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. 28339258/9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
વનવૃક્ષો : આમળી

એક હતું ઝાડ; એનું નામ પછી કહીશ. એ ઝાડ ઊંચું હતું; એનાં પાન ખીજડાનાં પાન જેવાં હતાં.

દિવાળી ગઈ ને કારતક મહિનો બેઠો. આમળી ઉપર નાનાં નાનાં આંબળાં આવ્યાં, ને થોડા દિવસમાં મોટાં થયાં.
ઝાડે ઝાડે આંબળાં વીણનાર પહોંચ્યા ને ટોપલેટોપલા ભરી આંબળાં બજારે લાવ્યા.
“લેવા છે કોઈને ધોળાં મોટાં આંબળાં ?”
એક જણ આવ્યો ને શેર આંબળાં લીધાં; બીજો જણ આવ્યો ને બશેર લીધાં; ગાડીમાંથી વાણિયો ઊતર્યો ને પાંચ શેર આંબળાં ખરીદ્યાં; મોટરમાંથી કોક મોટું માણસ ઉતર્યું ને બધાં ય આંબળાં ખરીદી લીધાં.
બેચાર પગે ચાલતા સાધારણ માણસો આવ્યા ને આંબળા માગ્યાં. આંબળાંવાળાએ કહ્યું : “ભાઈ ! આજ તો આંબળાં ખપી ગયાં; પેલા મોટરવાળાએ બધા લઈ લીધાં. કાલે આવજો; કાલે આવવાનો છું.
આંબળાં ખરીદાઈને કેટલે ય ઘરે પહોંચી ગયાં એક ઘરે એનું શાક કર્યું; કાચી કેરીનું શાક થાય એમ આંબળાંનું પણ શાક કર્યું. આંબળાને બાફવું પડ્યું, વઘારમાં વઘારાવું પડ્યું અને પછી મીઠું મરચું વગેરે મસાલાથી મશાલાવું પડ્યું. હોંશેહોંશે આંબળાંના શાકને ઘરના બધા લોકોએ ખાધું.
બીજા ઘરમાં આંબળાનો મુરબ્બો થવા લાગ્યો. ચાસણીમાં બાફેલાં આંબળાંને નાખ્યાં, ને ખાટાં આંબળાંને ગળ્યાં બનાવ્યાં. જરા જરા તાજા મુરબ્બાને ચાખી બાકીનો મુરબ્બો શેઠાણીએ કાચની બરણીમાં ભરાવ્યો. શેઠાણી કહે : “જરા ગળશે, એટલે પછી છોકરાઓ ને ખવરાવીશું.”
ત્રીજા ઘરમાં આંબળાંની ત્રીજી દશા થઈ. એ ઘર જીવન બનાવનારનું હતું. જાતજાતની દવાઓ સાથે આંબળાંને મેળવી તેનું ‘આંબળાંનું જીવન’ બનાવ્યું ને વેચવા માટે બાટલીઓમાં ભર્યું. બાટલીઓ ઉપર ચિઠ્ઠી મારી : “શુદ્ધ આંબળાંનું જીવન.”
એક જ જંગલનાં આંબળા અને ઝાડઝાડનાં આંબળાં ટોપલામાં ભેગાં થયાં હતાં ને ભેગાં બેઠાં આરામ કરતાં હતાં; ત્યાંથી તે છુટાં પડયાં ને જાતજાતની દશા પામ્યાં.
પણ હજી એની વાત અધૂરી છે. ચોથું ઘર વૈદનું હતું. વૈદે આંબળાંને સૂકવ્યાં. સૂકાં આંબળાંને ખાંડીને ભૂકો કર્યો ને ‘આંબળાનો અવલેહ’ બનાવ્યો.
પણ નાનાં નાનાં સૂકાં આંબળાંના તો માત્ર કટકા જ કર્યા ને ઘણા દિવસ સુધી તે વૈદનાં છોકરાંએ મુખવાસ તરીકે ખાધા.
લીલું આમળું કે સૂકું આંબળું ખાધા પછી પાણી પીવાની મજા પડે છે. પાણી મીઠું મીઠું ને ગળ્યું ગળ્યું લાગે છે. છોકરાંઓને તો આવું જ ગમે, એટલે આંબળાં ખાતાં જાય ને પાણી પીતાં જાય.
વૈદરાજે સૂકાં આંબળાંનો ભૂકો કરાવ્યો ને હરડાં ને બહેડાંના ભૂકા સાથે સરખે ભાગે મેળવીને ત્રિફળાં બનાવ્યા. ત્રિફળાં એટલે ત્રણ જાતનાં ફળ.
વૈદની દુકાને કોઈ આવ્યું ને ત્રિફળાં માગ્યાં. ત્રિફળાંને પાણીમાં પલાળી રાત આખી રાખી બીજે દિવસે ગળેલ પાણીને આંખ ઉપર છાટ્યું. એ બિચારાની આંખ નબળી હતી.
આંબળાનું ઝાડ હતું; આપણા દેશમાં થતું હતું. વરસે વરસે શિયાળો આવતો હતો; ઝાડે ઝાડે આંબળાં થતાં હતાં અને આંબળે આંબળે એનું નસીબ માંડ્યું હતું. એક ઉપર મુરબ્બો, બીજા ઉપર શાક, ત્રીજા ઉપર જીવન, ચોથા ઉપર આંખે છંટાવું, ને પાંચમાં ઉપર મુખવાસ.
માહિતી સ્રોત : વિકિસ્રોત
-
વૈયાના ઝુંડનું સુંદર આકાશી નૃત્ય તમે નથી જોયું?*
ફરી કુદરતને ખોળે
જગત કીનખાબવાલા
ચમકતું કાળું, અવ્યવસ્થિત ચોટલી વાળું માથું, રોઝ/ ગુલાબી કલરનું શરીર, ફીકા બદામી રંગના પગ અને ચાંચ ફીકી પીળાશ પડતી જોઈ તરતજ ઓળખી જવાય તે કાબરના કુળનું અને દેખાવે કાબરને મળતું આવતું પક્ષી એટલે વૈયું/ રોઝી સ્ટારલીંગ. તેની પાંખ અને પીંછા એકદમ ચળકતા કાળા રંગના હોય છે. શિયાળાના સમયમાં વૈયાનો રંગ એકદમ ચમકીલો થઇ જાય છે, બેઉ રંગ, ગુલાબી અને કાળો ચમકીલો થઇ જાય છે. તેની ઉપર પ્રકાશ પડવાથી તેની ચમકને કારણે જુદા જુદા રંગની સુંદર ઝાય દેખાય છે.

વૈયું/ Rosy Starling (Pastor roseus) / Rose-coloured starling* *૨૩ સેન્ટિમીટર, ૯ ઇંચ નું કદ* નર અને માદા વૈયા દેખાવમાં લગભગ સરખા હોય છે પરંતુ માદા વૈયાને ને કલગી થોડી નાની હોય છે અને બાંધો નર વૈયાથી થોડો નાજુક હોય છે અને તે કારણે તેના શરીરનો ગુલાબી અને કાળા રંગ વચ્ચેનો ભાગ ઓછો થઇ જતો હોઈ નર વૈયું અને માદા વૈયું સાથે હોય તો તેમને કદના શારીરિક તફાવતના કારણે નર અને નાજુક માદા તરીકે ઓળખી શકાય છે. છેલ્લા ઘણાં સમયથી બહુ ચર્ચામાં રહેતું આ પક્ષી આકાશમાં ખુબજ મોટા સમૂહમાં સુંદર રીતે સમી સાંજે એક લયમાં હવામાં લહેરાતા જોવા મળે છે, લોકો જતા હોય કે વાહન ચલાવતા હોય તો આ નજારો જોવા માટે ઉભા રહી જાય. લયમાં થતી આ પ્રક્રિયા મરમૂરેસન તરીકે ઓળખાય છે.

દુનિયાની જાણીતી અને વિશાળ કંપની ગુગલ, વૈયા પક્ષીના સામુહિક ઉડાનનો આર્ટીફીસીયલ ઇન્ટેલિજેન્સ માટે ખુબજ વૈજ્ઞાનિક અભ્યાસ કર્યો છે. તેમનો અભ્યાસનો હેતુ એ હતો કે હજારોની સંખ્યામાં વૈયા ખુબ લાંબા સમય સુધી લયમાં ઉંડાણ ભરે તેમ છતાં એકબીજા સાથે અથડાતા કેમ નથી? આ વૈજ્ઞાનિક અભ્યાસથી તેમનો જાણવાનો હેતુ એ હતો કે કારચાલક વગરની ઓટોમેટિક મોટરકાર ડિઝાઇન કરતી વખતે આ અભ્યાસ કામમાં આવે. સરળતાથી મોટર ચાલતી રહે તેમજ ઓચિંતી કોઈ પરિસ્થિતિ ઉભી થાય તો મોટર પોતાની જાતે વળી જાય અને બીજે અથડાય નહિ. આવીજ રીતે આકાશમાં એક સાથે એક કરતા વધારે જુદા જુદા પ્રકારના અને જુદી જુદી કંપનીના ડ્રોન ઉડે કે જેઓની ડિઝાઇન તેમજ રચના એકબીજાથી જુદી છે અને તેમ છતાં ત્યારે તે પણ એક બીજા સાથે અથડાય નહિ તેનો પણ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
એક પક્ષી કેટલું શીખવાડી જાય! દુનિયામાં આવા ઘણાં વિડિઓ છે કે તમે આ પક્ષીના ઝુંડને અચંબિત થઈને લયબદ્ધ રીતે ઉડતા જોઈ શકો છે. આવા ઉંડાણ પાછળના વિવિધ કારણો છે. એક કારણ એ છે કે તે આવી રીતે ઉડતા હોય ત્યારે શિકારી પક્ષી તેમની ઉડાનને સમજી નથી શકતા અને તેઓ શિકાર બનતા બચી જાય છે. બીજું એક કારણ છે કે સવારે ખોરાક માટે ઉડાન ભર્યા પછી સાંજે પાછા આવે ત્યારે તેઓ આવા ઉડાનથી તેમના જે સાથીદારો વિખુટા પડી ગયા હોય તેવા સાથીદારોને દિશાસૂચન કરે છે કે અમે બધા આ જગ્યાએ છીએ અને આપણાં ઉતારા તરફ જવા તમે આવી જાઓ. રાતવાસો માટે આવે ત્યારે તેમના એક ધારા કચકચાટથી તે આખો વિસ્તાર ગજાવી નાખે. આડા અવળા થયા વિના તેજ ઉંડાણ કરે અને પાંખો વીંઝતા સીધા ઉડે.
પરદેશથી ભારતમાં આવે અને સહુથી લાંબા સમય સુધી રહેનારું આ પક્ષી પહેલી વખત જુવે તો અચંબો થાય કે કાબર ગુલાબી રંગની કેમ છે! ઈંડા મુકવાની ઋતુમાં અને તે સિવાયની ઋતુમાં તેમનો રંગ સ્પષ્ટ જુદો અને બદલાયેલો દેખાય છે. આ પક્ષીનું એક નકારાત્મક પાસું છે કે આસપાસના સ્થાનિક પક્ષીઓને મારી નાખે છે અને તેમના માળા પણ બચ્ચા સાથે વેરવિખેર કરી નાખે છે.
પૂર્વ યુરોપ થી મધ્ય એશિયા અને ભારતમાં દર વર્ષે શિયાળાની ઋતુમાં લાખ્ખોની સંખ્યામાં ઝુંડના ઝુંડ ઠેર ઠેર ઉતરી આવે છે. પોતાના વિશાળ વૃંદમાં વસનારું પક્ષી છે. મુખ્યત્વે શાકાહારી પક્ષી છે પરંતુ મેં મહિનાથી જૂન મહિના સુધી તેમની ટૂંકી પ્રજનનની ઋતુમાં તીડ, તીતીઘોડા, ખડમાંક્ડી ખઈ જઈને તેમની સંખ્યા મર્યાદિત કરી ખેડૂતને મદદરૂપ બને છે. જ્યાં પણ કઠોળના મોટા ખેતર, જુવાર તેમજ બાજરીના ખેતર, બેરીઝ / રસ ઝરતાં ફળ, શેતુર, દ્રાક્ષ, ખારેક, ફળફળાદિના બગીચા જેવા વિસ્તારમાં વસવાનું પસંદ કરે છે અને અનાજ પાકે ત્યારે અનાજ સફાચટ કરી નાખે છે. ફૂલો ઉગતા હોય તેવા શીમળો,પંગારા, પલ્ટુફાર્મ જેવા વૃક્ષો ઉપરથી ફૂલ અને ફૂલોનો અમૃતરસ તેમને વધારે ભાવે છે.
માંદગી, બચ્ચા અને ઘરડાં વૈયા પોતાને વતન પાછા જઈ ન શકે તેમાંના બહુ સ્થાનિક વાતાવરણને અનુકૂળ થઈને જીવી લે છે અને તેમને જે બચ્ચા જન્મે તે સ્થાનિક બનીને રહે છે. આમતો પૂર્વ યુરોપથી લાખ્ખોની સંખ્યામાં શિયાળાની ઋતુમાં તેઓ યુરોપનો આકરો શિયાળો છોડી ભારત અને દક્ષિણ એશિયાના ઘણા દેશમાં પહોંચી જાય છે. ૧૯૮૦ ના ગાળાથી ક્ષીનજિઆંગ પ્રાંતમાં (ચાઈના) ખેડૂતો તેમને માટે માળા બનાવી આકર્ષે અને તેઓ ખેતરના તીડ અને તીતીઘોડા જેવા જીવડાં ખઈ જઈ ખેડૂતને ખુબ મદદરૂપ બની રહે છે અને ત્યારથી વૈયા, ક્ષીનજિઆંગ પ્રાંત, (ચાઈના) વધારે પસંદ કરે છે. આ કારણે ૨૦૦૦ની સાલથી ખેડૂતોનો ક્ષીનજિઆંગ પ્રાંતમાં (ચાઈના) કીટાણુનાશક/ પેસ્ટીસાઇડ દવાઓનો વપરાશ નહીંવત થઇ ગયો.
(ફોટોગ્રાફ્સ લેખકના ઘરનો છે અને વિડિઓ સોશ્યિલ મીડિયાનો છે.)
*આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.*
*સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*
*Love – Learn – Conserve*
લેખક:
જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
https://www.facebook.com/jagat.kinkhabwala
ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
Mob. No. +91 98250 51214 -
માનવને ‘જંગલી પશુ’ કહેવામાં જંગલી પશુનું અપમાન છે
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
આહાર સાથે અનેકવિધ માન્યતાઓ અને ગેરમાન્યતાઓ સંકળાયેલી હોય છે. ઘણા વખત સુધી લોકોનો આહાર મુખ્યત્વે પોતાના પ્રદેશની ભૌગોલિકતા અનુસાર રહેતો. હવે વાનગીઓ આંતરપ્રાંતીય તો ઠીક, આંતરદેશીય પ્રવાસ કરવા લાગી છે. અલબત્ત, કોઈ એક દેશની વાનગી અન્ય દેશમાં જાય અને અપનાવાય ત્યારે તે સ્થાનિક સ્વરૂપ ધારણ કરી લેતી હોય એમ બનતું હોય છે. સાવ આદિમ અવસ્થામાં મનુષ્ય શિકાર કરતો અને કાચું માંસ ખાતો. અગ્નિની શોધ પછી સમયાંતરે તે ખોરાક રાંધીને ખાતો થયો. દરમિયાન અનેક પશુપક્ષીની પ્રજાતિઓ એક યા બીજા કારણોસર લુપ્ત થતી ચાલી. આવું એક પ્રાણી એટલે ‘વુલી મેમથ’. પ્રાચીન કાળના કદાવર હાથીની પ્રજાતિ ‘મેમથ’ તરીકે ઓળખાય છે. ‘વુલી’ એટલે ‘ઉનવાળું’ એટલે કે ‘રુંછાં ધરાવતું’. ઉપલબ્ધ અવશેષોના આધારે મનાય છે કે આ પ્રજાતિ છેલ્લે છૂટીછવાઈ રીતે પાંચ-સાડા પાંચ હજાર વરસ પહેલાં જોવા મળી હતી. અલબત્ત, તેના દાંત વિવિધ હેતુઓ માટે ઉપયોગમાં લેવાતા રહ્યા છે. ડી.એન.એ.ના આધારે આ પ્રાણીને પુનર્જિવીત કરવાના પ્રયાસો થઈ રહ્યા હોવાની ચર્ચા હતી, પણ એ દિશામાં કશું નક્કર કામ થયું નથી. આમ છતાં, સમયાંતરે આ પ્રાણી એક યા બીજા કારણસર ચર્ચામાં આવતું રહ્યું છે. ખાસ કરીને પ્રચારના નુસખા લેખે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે.
અમેરિકન સાહસિક વેન્ડેલ ફિલિપ્સ ડોજે ૧૯૫૧માં ‘ધ એક્સપ્લોરર્સ ક્લબ’માં વાર્ષિક ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. દાવા અનુસાર આ ભોજન સમારંભમાં પીરસાયેલું માંસ ‘વુલી મેમથ’નું હતું. આ સમાચાર પ્રકાશિત થતાં જ ચર્ચા શરૂ થઈ ગઈ કે હજારો વર્ષ અગાઉ લુપ્ત થયેલા આ પ્રાણીનું માંસ ઉપલબ્ધ બન્યું શી રીતે? ઉપસ્થિત મહેમાનોએ પછી જણાવેલું કે તેમણે જે ખાધેલું એ કોઈક વિશાળ સ્લોથનું માંસ હતું. સ્લોથ પણ રુંછાદાર સસ્તન પ્રાણી છે. અલબત્ત, આ ભોજનના અવશેષો પર અમેરિકાની યેલ યુનિવર્સિટીએ સંશોધન કરીને જાહેર કરી દીધું કે પીરસાયેલું માંસ ‘વુલી મેમથ’નું નહીં, બલ્કે લીલા સમુદ્રી કાચબાનું હતું. વાનગી તરીકે એ દુર્લભ અવશ્ય કહી શકાય, છતાં દાવા મુજબની એ નહોતી. ટૂંકમાં, આખી કવાયત એક ‘પબ્લિસીટી સ્ટન્ટ’ હતી.
એ પછી આટલાં વરસે વધુ એક વાર ‘વુલી મેમથ’નું માંસ ચર્ચામાં આવ્યું છે. માર્ચ, ૨૦૨૩ના અંતિમ સપ્તાહમાં નેધરલેન્ડના આમ્સ્ટરડામમાં આવેલા ‘નીમો સાયન્સ મ્યુઝિયમ’માં ‘કલ્ચર્ડ’ એટલે કે કૃત્રિમ રીતે તૈયાર કરાયેલા માંસની વાનગીઓ માટે જાણીતી ઓસ્ટ્રેલિયન બ્રાન્ડ ‘વાઉ’ દ્વારા વૉલીબૉલના કદનો એક વિશાળ ‘મીટ બૉલ’ તૈયાર કરીને રાંધવામાં આવ્યો. જે તે પશુઓના કોષને ઉછેરીને માંસને કૃત્રિમ રીતે તૈયાર કરવામાં આવે છે. એનો અર્થ એ કે તેના માટે પશુની કતલ કરવાની જરૂર રહેતી નથી. ‘મીટ બૉલ’ને સાદી ભાષામાં ‘માંસનો લાડુ’ કહી શકાય. આ લાડુ માટેનું માંસ ‘વુલી મેમથ’નું હોવાનું જણાવાયું છે. અલબત્ત, તેમાં કયા કયા ઘટકો વપરાયેલા છે એની વિગત બહાર પાડવામાં આવી છે. એ મુજબ, ઘેટાના કોષમાં માયોગ્લોબિન ઉમેરાયું છે. માયોગ્લોબિન નામનું જનીન મેમથનું છે. આ ઉપરાંત ‘વુલી મેમથ’ પ્રજાતિના, તેની સૌથી નજીક એવા આફ્રિકન હાથીમાંથી પણ અમુક તત્ત્વ લેવામાં આવ્યાં છે. આ જાણીને પહેલો સવાલ એ થાય કે એ ‘મીટ બૉલ’ તેના દાવા અનુસાર ખરેખર ‘વુલી મેમથ’માંથી બનેલો કહેવાય ખરો?

the mammoth meatball to demonstrate the potential of meat grown from cells, without the slaughter of animals. Photograph: Aico Lind/Studio Aico આ સવાલની સાથોસાથ એ સવાલ પણ થાય કે આ ચોક્કસ પ્રકારના માંસને વાનગી તરીકે પ્રયોજવા માટે આટલી જહેમત શા માટે? તેના ઉત્પાદકોના જણાવ્યા અનુસાર આ આખી કવાયત એ હકીકતને સુદૃઢ કરવા માટેની છે કે પ્રવર્તમાન આહારપ્રણાલિ પૃથ્વીને શી રીતે વિપરીત અસર કરી રહી છે, અને ‘કલ્ચર્ડ’ એટલે કે ‘કૃત્રિમ’ માંસ તેને રોકવા માટે શી ભૂમિકા અદા કરી શકે એમ છે. ‘વાઉ’ દ્વારા બનાવાયેલો ‘મીટ બૉલ’ વ્યાપારી ઉપયોગ માટે નહોતો. તેને ચાખવામાં પણ નથી આવ્યો. એ કેવળ પ્રદર્શિત કરવા માટે તૈયાર કરાયો હતો. તેમાં ‘વુલી મેમથ’નું તત્ત્વ એટલા માટે સામેલ કરવામાં આવ્યું કે લોકોનું ધ્યાન તેનાથી આકર્ષિત થાય.
સવાલ એ છે કે આગામી સમયમાં આ પદ્ધતિએ માંસ તૈયાર કરવામાં આવે તો શું તેને લઈને આહાર માટે વપરાતાં પશુપક્ષીઓની કતલ અટકી જશે? આ સવાલનો સીધેસીધો ‘હા’ કે ‘ના’માં જવાબ આપી શકાય એમ નથી. કેમ કે, માનવીએ આ પૃથ્વી પર જે કંઈ વિનાશ સર્જ્યો છે એ શું કેવળ પોતાની જરૂરિયાત પૂરી કરવાની અનિવાર્યતાથી કર્યો છે? જરૂરિયાત પૂરતું લેવાનો સિદ્ધાંત તેણે અપનાવ્યો હોત તો આપણા ગ્રહની જે દશા આજે થઈ છે એ થઈ ન હોત. લાલચ, સ્વાર્થ, લોભ, અસંતોષ, સત્તાલાલસા જેવા અવગુણો માનવમાં એટલી પ્રચંડ માત્રામાં છે કે તે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. આ અવગુણોને સંતોષવા માટે તે બીજા માનવને ગમે એટલું નુકસાન પહોંચાડી શકે તો પૃથ્વીની શી વિસાત? અફસોસ એ છે કે પોતાનાં દુર્ગુણોનું આરોપણ તેણે પશુપક્ષીઓમાં કર્યું છે. ‘વુલી મેમથ’ તો હજારો વરસો પહેલાં લુપ્ત થઈ ગયું, પણ પોતાના સ્વાર્થ માટે માનવ તેને સમાચારોમાં પુનર્જીવિત કરતો રહ્યો છે. પોતાની જરૂરિયાતના નામે પહેલાં વસ્તુનો ઉપયોગ કરવો, એ પછી તેનો ખો કાઢી નાખવો અને પછી તેના સંવર્ધન માટેના પ્રયત્ન શરૂ કરવા- આવી વિચિત્ર કાર્યપ્રણાલિ સમગ્ર માનવજાતની રહી છે. ‘કલ્ચર્ડ’ માંસનો ઉપયોગ વધે અને એ રીતે પશુપક્ષીઓની કતલ અટકે એ શક્યતા ધારો કે પાર પડે તો પણ માનવપ્રકૃતિ બદલાવાની નથી એ હકીકત યાદ રાખવી ઘટે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૧ – ૦૬ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
કોઈનો લાડકવાયો (૨૫) : મંગલ પાંડે
દીપક ધોળકિયા
૧૮૫૭ના જાન્યુઆરીમાં બંગાળના ડમડમની સિપાઈ છાવણીમાં એક બ્રાહ્મણ સિપાઈ હાથમાં પાણીનો ભરેલો લોટો લઈને પોતાના અલગ રસોડા તરફ જતો હતો ત્યારે રસ્તામાં એને શસ્ત્રાગારનો સેવક – ‘ખલાસી’ – મળ્યો એ નીચી જાતનો હતો. એણે બ્રાહ્મણ પાસે પાણી માગ્યું, પણ બ્રાહ્મણે ના પાડી કે “મેં લોટો માંજીને તાજું પાણી ભર્યું છે, તું એને અભડાવી દઈશ.” ખલાસીએ રોકડું પરખાવ્યું: “ઊંચી જાતની બડાઈ ન હાંકો, મારા અડવાથી લોટો અભડાઈ જાય પણ ‘સાહેબલોક’ ગાય અને ડુક્કરની ચરબીવાળાં કારતૂસ દાંતેથી તોડાવશે ત્યારે શું કરશો?” બ્રાહ્મણ ડઘાઈ ગયો. ઍન્ફિલ્ડ રાઇફલનાં કારતૂસો ડમડમનાં શસ્ત્રોનાં કારખાનામાં જ બનતાં હતાં અને ખલાસી ત્યાં જ કામ કરતો હતો એટલે એની વાતમાં વજૂદ હોઈ જ શકે. બ્રાહ્મણ સિપાઈએ આ વાત પોતાના સાથીઓમાં ફેલાવી. ચારે બાજુ હાહાકાર થઈ ગયો. ખરેખર જ કારતૂસો પર ચરબી ચડાવેલી હતી. એમને માત્ર ધર્મભ્રષ્ટ થવાનો જ નહીં, નાતબહાર મુકાવાનો પણ ભય હતો. ડમડમથી આ વાત બરાકપુરની ૩૪મી નૅટિવ ઇન્ફન્ટ્રીની છાવણીમાં અને એના એક યૂનિટ રાનીગંજમાં પણ પહોંચી ગઈ. બરાકપુરમાં તો આક્રોશ વ્યાપી ગયો. સિપાઈઓએ મોટે પાયે તોડફોડ કરી અને અંગ્રેજ અફસરોનાં ઘરોને આગ લગાડી દીધી.
૧૮મી અને ૨૬મી ફેબ્રુઆરીએ ૩૪મી ઇન્ફન્ટ્રીની બે ટુકડીઓ બરહામપુર ગઈ. ત્યાં ૧૯મી ઇન્ફન્ટ્રી ગોઠવાયેલી હતી. એટલે વાત ત્યાં પણ પહોંચી. ૧૯મી ઇન્ફન્ટ્રીના સૈનિકોએ તે જ દિવસે સાંજે બીજા દિવસની સવારે પરેડમાં કૅપ ન પહેરવાનું નક્કી કરી લીધું. કર્નલ મિચેલે એમને ધમકાવ્યા પણ એ માન્યા નહીં. એ ફરી રાતે ગયો. એને કોઈકે સમજાવ્યું કે સિપાઈઓની વાત સમજવી જોઈએ, પણ એણે ફરી ધાકધમકીઓ આપી. જો કે બીજા દિવસની સવાર સુધીમાં સિપાઈઓએ શાંતિ રાખી અને પરેડડમાં ભાગ લીધો અને બધા હુકમોનું પાલન કર્યું.
સરકારે ‘કોર્ટ ઑફ ઇંક્વાયરી’ દ્વારા આખી ઘટનાની તપાસ કરાવી અને નક્કી કર્યું કે આને સ્થાનિકની ઘટના ગણી લેવી. કર્નલ મિચેલ પર આળ આવ્યું કે એણે સિપાઈઓ સાથે શાણપણથી વાત ન કરી એટલે વાત વણસી. કર્નલ મિચેલને કોઈ લશ્કરી ટુકડીની આગેવાની સંભાળવા માટે અયોગ્ય ઠરાવવામાં આવ્યો. આખી ઘટના પર પરદો પાડી દેવામાં આવ્યો પણ પછી ૧૯મી ઇન્ફન્ટ્રીને વીખેરી નાખવામાં આવી.
ઉલટું થયું. વાત ૩૪મી ઇન્ફન્ટ્રીમાંથી ૧૯મી ઇન્ફ્રન્ટ્રી સુધી પહોંચી હતી, પણ સજા ૩૪મી ઇન્ફન્ટ્રીને ન થઈ. એમને દાંતથી ખોલવાને બદલે હાથના નખથી ખોલવાની પણ છૂટ મળી, પણ સિપાઈઓ સમજી ગયા કે ગાય અને ડુક્કરની ચરબીવાળાં કારતૂસો તો રહેશે જ. એટલે એમણે કહ્યું કે એમને દાંતથી જ ખોલવાની ટેવ છે અને એમાં કંઈ ફેરફાર ન થઈ શકે. કર્નલ હીઅરસેએ એમને ખાતરી આપી કે એમને જે કરવું હોય તે કરે, સજા નહીં થાય; સજાને લાયક તો ૧૯મી ઇન્ફન્ટ્રી હતી. આ કારણે ૩૪મી ઇન્ફન્ટ્રીના સિપાઈઓને નામોશી જેવું લાગ્યું. એમની લાગણી એ હતી કે એમને આડકતરી રીતે કહે છે કે ૧૯મી ઇન્ફન્ટ્રી જેવું કરવામાં સાર નથી. આ માની લેવું એ એમની ભીરુતા જ ગણાય. આમ કંઈ સજા ન થવાથી ઊકળાટ વધ્યો.
મંગલ પાંડે
૨૯મી માર્ચે ૩૪મી બેંગાલ નૅટિવ ઇન્ફન્ટ્રીના એક સિપાઈ મંગલ પાંડેએ એકલા જ ખુલ્લો બળવો કર્યો. એ ક્વાર્ટર-ગાર્ડની સામે એકલા ફરતા હતા અને બીજા સિપાઈઓને પોતાનો ધર્મ બચાવવા માટે બહાર આવવા આહ્વાન કરતા હતા. એ ખુલ્લી જાહેરાત કરીને જે યુરોપિયન અફસર નજરે ચડે એને મારી નાખવાનું કહેતા હતા. ઍડજ્યુટન્ટ બૉગને આ સમાચાર મળતાં એ ધસી આવ્યો. મંગલ પાંડેએ એના પર ફાયરિંગ કર્યું પણ ગોળી એના ઘોડાને વાગી. બૉગ પણ ઘોડા સાથે જ નીચે પટકાયો. હવે મંગલ પાંડેએ તલવાર કાઢી અને બૉગ પર હુમલો કર્યો. તલવારના ઘા બૉગની ગરદન અને ડાબા હાથ પર પડ્યા. સાર્જન્ટ મેજર બૉગને બચાવવા દોડ્યો પણ મંગલે એને પણ પાડી દીધો. એ વખતે બીજો એક સિપાઈ શેખ પલટુ યુરોપિયનોને બચાવવા દોડ્યો અને મંગલ પાંડેને પકડી લીધા. બીજી બાજુ વીસેક સિપાઈઓ આ બધું જોતા રહ્યા. કર્નલ વ્હીલરે નાયક ‘જમાદાર’ ઈશ્વરી પ્રસાદને હુકમ કર્યો પણ ઈશ્વરી પ્રસાદે પરવા ન કરી. તે પછી એ સૌનો ઉપરી બ્રિગેડિયર ગ્રાન્ટ આવ્યો ત્યારે અંગ્રેજ અફસરોએ કહ્યું કે સિપાઈઓ હુકમ નથી માનતા. ગ્રાન્ટે પોતાની પિસ્તોલ તાકીને બીજા સિપાઈઓને મંગલ પાંડેને પકડવાનો હુકમ આપ્યો અને ચેતવણી આપી કે જે નહીં માને તેના પર એ તરત ગોળી છોડી દેશે. તે પછી સિપાઈઓએ મંગલને પકડી લીધા. મંગલે તરત પોતાની બંદૂકની નળી પોતાના લમણે લગાડી અને ગોળી છોડી. એ ઘાયલ થયા પણ મર્યા નહીં.
મંગલ પાંડે સામે કામ ચાલ્યું અને આઠમી ઍપ્રિલે એને ફાંસી આપી દેવાઈ. ઈશ્વરી પ્રસાદને પણ ૨૧મી ઍપ્રિલે ફાંસીએ લટકાવી દેવાયા. શેખ પલટુને પ્રમોશન આપીને હવાલદાર બનાવાયો પણ થોડા વખત પછી બરાકપુરમાં જ એક નિર્જન જગ્યાએ એનું ખૂન થઈ ગયું. વ્હીલરને પણ મિચેલની જેમ ગેરલાયક ઠરાવીને હટાવવામાં આવ્યો.
આ ઘટના પછી ૩૪મી ઇન્ફન્ટ્રીને પણ વીખેરી નાખવામાં આવી. એમાં મોટા ભાગના સિપાઈઓ અવધમાંથી આવ્યા હતા. બંગાળ છોડીને એ પાછા અવધ આવ્યા. ૧૮૫૬માં અવધના નવાબ વાજિદ અલી શાહની ગાદી ડલહૌઝીએ રાજ્યમાં અંધાધૂંધી હોવાના નામે ઝુંટવી લીધી હતી. આથી લોકોમાં રોષ અને કંપની રાજ તરફ નફરત તો હતી જ, તેમાં આ સિપાઈઓએ કારતૂસોની વાત કરતાં અજંપો વધ્યો. એટલું જ નહીં, ૩૪મી ઇન્ફન્ટ્રી વીખેરી નાખવાના નિર્ણયની અસર આખા બેંગાલ આર્મી પર પડી. એની ટુકડીઓ જ્યાં પણ ગોઠવાયેલી હતી ત્યાં એના છાંટા ઊડ્યા. અંબાલામાં પણ આવી જ ઘટનાઓનું પુનરાવર્તન થયું. ત્યાં પણ સિપાઈઓએ અંગ્રેજ અફસરોનાં ઘરોને બાળી નાખવાની યોજના બનાવી હતી. લખનઉમાં તો આખી રેજિમેન્ટે કારતૂસોને હાથ લગાડવાની ના પાડી દીધી. મે મહિનાની ત્રીજી તારીખે અંગ્રેજ અફસરો સુધી વાત પહોંચી કે બળવાખોરોએ અંગ્રેજોને મોતને ઘાટે ઉતારી દેવાનું નક્કી કર્યું છે. અવધના ચીફ કમિશનર હેનરી લૉરેન્સે તાબડતોબ પોતાની ટુકડી ઊભી કરી અને બળવાખોરોને દબાવી દીધા. ઘણાખરાએ પોતાનાં શસ્ત્રો હેઠાં મૂકી દીધાં.
આર. સી. મજૂમદાર ઇતિહાસકાર મેલસનને ટાંકે છે કે “ખલાસીએ બ્રાહ્મણ સિપાઈને કહ્યું તે પછી માત્ર ત્રણ મહિનામાં કારતૂસો સામે સિપાઈઓનો બળવો આખા દેશમાં ફેલાઈ ગયો.” બીજી એક અફવા એ પણ ફેલાઈ ગઈ કે ઑફિસરો લોટમાં ગાયના હાડકાનો ભૂકો મેળવે છે અને કૂવામાં નાખે છે. કાનપુરમાં આ અફવાએ એટલું જોર પકડ્યું કે સિપાઈઓએ સસ્તા ભાવે મેરઠની છાવણીમાંથી આવતો લોટ વાપરવાની ના પાડી દીધી. એ જ અરસામાં રોટી અને કમળ ફરતાં થયાં. એ ક્યાંથી આવ્યાં તે કોઈ જાણતું નહોતું.
એક વાત ખાસ યાદ રાખવી જોઈએ. ઇતિહાસકારો હકીકતોને સંપૂર્ણ માન આપે છે, હકીકત દલીલનો વિષય નથી બનતી. પરંતુ આમ છતાં દરેક ઇતિહાસકારનું આ હકીકતોનું અર્થઘટન જૂદું પડે છે. કોઈને અમુક ઘટનાઓમાં એક કડી દેખાય છે, તો બીજાની નજરે બે ઘટનાઓ સ્વતંત્ર હોય છે. મજૂમદાર માને છે કે સિપાઈઓનો બળવો અલગ ઘટના હતી, એમને કોઈએ ભડકાવ્યા નહોતા. એમણે પોતાના ધર્મને બચાવવાથી વધારે મોટા ધ્યેય માટે બળવો નહોતો કર્યો. બીજી બાજુ, સાવરકર માને છે કે સિપાઈઓના બળવા પાછળ કોઈ રાજકીય સંગઠન કામ કરતું હતું, જેની યોજના અંગ્રેજી હકુમતને પડકારવાની હતી. સાવરકર નાના સાહેબના સલાહકાર અઝીમુલ્લાહને આ યોજનાનો યશ આપે છે.
એ જે હોય તે, કદાચ સિપાઈઓનો બળવો જુદી ઘટના હોય કે નહીં, એમાંથી જ એક દિશા ભાવનાત્મક સ્તરે પ્રગટ થતી હતી; કદાચ સિપાઈઓનો બળવો એનું સંતાન હોય અથવા એ ભાવના સિપાઈઓના બળવાનું સંતાન હોય. આપણા માટે એમાં બહુ અંતર નથી. એટલે એટલું જ નોંધીએ કે ૧૮૫૭નો મે મહિનો શરૂ થયો ત્યારે સ્થિતિ બહુ વિસ્ફોટક હતી પણ એમાંથી મોટા પાયે વિદ્રોહ ફાટી નીકળશે એવા સંકેત નહોતા. આ બધા બળવા કારતૂસોને કારણે હતા, એને આખી અંગ્રેજ સલ્તનત સામેના વિદ્રોહનું રૂપ હજી નહોતું મળ્યું, પણ લખનઉમાં બળવાને દબાવી દેવાયો તે પછીના એક જ અઠવાડિયે સિપાઈઓના બળવાએ રાષ્ટ્રીય વિદ્રોહનું રૂપ ધારણ કરી લીધું. આના માટે આપણે આવતા અંકમાં મેરઠ જઈશું.
સંદર્ભઃ
(૧) The Sepoy Mutiny and The Revolt of 1857 આર. સી. મજૂમદાર, ૧૯૫૭
(૨) INDIAN WAR OF INDEPENDENCE 1857 વિ. દા. સાવરકર (http://savarkar.org_the_indian_war_of_independence_1857)
(૩) વિકીપીડિયા
(૪) અહીં પહેલાં પ્રકાશિત થયેલી શ્રેણી ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ પ્રકરણ ૨૨: ૧૮૫૭ – બળવાની શરૂઆત (૨) (આ લેખકની લેખમાળા)
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
-
પગદંડીનો પંથી – ભાગ ૧ – ૨૭ : ઉપસંહાર
એક અજાણ્યા સર્જનની જિંદગીની વાતો

ડૉ.પુરુષોત્તમ મેવાડા,
એમ. એસ.તૂટક તૂટક જો કહો તો વીતક સુણાવી દઉં,
મને એ રામકહાણી સળંગ યાદ નથી.− ઘાયલ
અહીં આપેલા પ્રસંગોમાં, એક ડૉક્ટર-સર્જન તરીકે મને જે કોઈ અનુભવો થયા છે તેનો સત્યથી નજીક રહીને આલેખ કરેલો છે. એનું સાહિત્યિક મૂલ્ય ન પણ હોય. છતાં સમાજમાં જે બની રહ્યું છે એનો સામાજિક સંદર્ભ જરૂર છે.
આ લખવાનો ઉદ્દેશ શું? કોઈને આવો પ્રશ્ન થાય, તો મારે કહેવું જોઈએ કે વાંચનારને આ બધા લેખોમાંથી કંઈક જાણવા-સમજવા જેવું મળશે જ! કોઈને ભલે કદાચ આત્મશ્લાઘા લાગે, પણ મારો આશય સત્યને રજૂ કરવાનો રહ્યો છે એ અંતે સમજાશે.
મુખ્ય વાતના સારનું મહત્ત્વ જળવાય એટલા ખાતર મેં ઘણું બધું છોડી દીધું છે. સ્થળ, વ્યક્તિ, દર્દી, ડૉક્ટરો, વગેરેનાં નામ અધ્યાહાર રહે એ જરૂરી છે. માણસ માત્ર ભૂલને પાત્ર! કોઈને નુકસાન થાય એવું કામ કોઈએ જાણી જોઈને ન કર્યું હોય, તો એ માફીને પાત્ર છે.
આડકતરી આંગળી ચીંધાય છે,
નામ તો ક્યાં કોઈનું લેવાય છે!−ખલીલ ધનતેજવી
વાંચનારે એટલું ખાસ યાદ રાખવું, કે અહીં જે પ્રસંગો-ઑપરેશનોનું વર્ણન કરવામાં આવ્યું છે તે ખૂબ જ ટૂંકમાં, રસ જળવાય એ રીતે લખાયું છે. બિનજરૂરી માહિતી આપી નથી. એક ઑપરેશન કરવામાં કેટકેટલી તૈયારી કરવી પડે! ઑપરેશન કરનાર ડૉક્ટર અને સ્ટાફની માનસિક સ્થિતિ દરેક વખતે કેવી હોય એ તો ફક્ત એમને જ ખબર હોય! ફિલ્મોમાં ઘણીવાર આ બધું થોડું નાટકીય રીતે બતાવાય છે. પરંતુ ડૉક્ટરો અને સ્ટાફ હંમેશા સતર્ક, તૈયાર છતાં હળવા મૂડમાં રહી શકે છે, તો અઘરા અને ગંભીર દર્દીના ઑપરેશન વખતે શાંતિ જાળવી, પોતાની પૂરી આવડત અને તાકાતથી છેલ્લી ઘડી સુધી પ્રયત્ન કરતા હોય છે.
હજી સુધી ભગવાનમાં માનતો ન હોય એવો કોઈ ડૉક્ટર મેં જોયો નથી! આખરે તો આ દુનિયાનું સંચાલન કોઈ અદૃશ્ય શક્તિ કરે છે. ડૉક્ટર તો નિમિત્ત માત્ર હોય છે એનો સ્વીકાર કરવો જ પડે! જે દિવસે ડૉક્ટર એમ માનવા લાગે કે પોતે જ સર્વસ્વ છે, તે દિવસથી એની પડતી શરૂ થઈ જાય છે. આજના જમાનામાં આ સત્ય ખૂબ જ વિચાર માગી લે એવું છે.
મને એક પ્રશ્ન કાયમ સતાવે છે.
દર્દી રોગ કે અકસ્માતને લીધે ગંભીર હોય, અને સારવાર દરમ્યાન મૃત્યુ પામે, તો તેનું મોત બિમારીને કારણે ગણાય કે સારવાર કરનાર ડૉક્ટરને કારણે?
♦ ♦
મીઠાઈ ખાતાં આનંદ આવે, ત્યારે તેમાં પેલા ખેડૂતનો, તેના પહેલાનાં અને પછીના માણસોનો પણ હાથ હોય છે એ કોઈને યાદ આવતું નથી! મારા પુરુષાર્થ અને પ્રારબ્ધ રૂપે જે જાણ્યા-અજાણ્યાનો સાથ મળ્યો છે એ કેમ ભૂલી શકું?
મને જે કંઈ સફળતા મળી છે તેમાં મારી સાથે કામ કરતા ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, વોર્ડબૉય અને સફાઈ કામદારો અને સીધા કે આડકતરી રીતે મદદ કરનારા સૌનો ખૂબ મોટો ફાળો છે. ખાસ કરીને સમય સમય પર બદલાતા રહેતા એનિસ્થેટિસ્ટ ડૉક્ટરોનો હું આભારી છું, એ પડદા પાછળના હીરો છે.
આ પુસ્તકને ખૂબ જ ઉમળકાથી આવકારી બધી જ જવાબદારી નિભાવી છાપવા સુધીની પ્રક્રિયામાં મને સલાહ-સૂચનો કરી મિત્રતા નિભાવી છે, એવાં ‘સાયુજ્ય પ્રકાશન’ના ચંદારાણા દંપતી શ્રી અશ્વિનભાઈ અને માનનીય મીનાક્ષીબેનનો હું આભારી છું. એમની સાથેની મિત્રતાનું મને પણ ગૌરવ છે.
ઘણા મિત્રો મળ્યા, જેઓ હજુ પણ એક સંબંધીની જેમ મને માન આપે છે, અને પોતાની ઘરની જ વ્યક્તિ માનીને પોતાના ઘરના બધા જ સારા-નરસા પ્રસંગે મને સાથે રાખે છે. બહારના લોકો તરફથી મને જે માન-મરતબો મળ્યાં છે તે કુટુંબ કે સમાજ તરફથી મળ્યા નથી. કારણ? કારણ એ જ કે હું તેમની સાથે ભળી શક્યો નહીં, મારા વ્યવસાયને કારણે! અને ઘણાએ મારા પગ ખેંચવાનું કામ પણ કર્યું છે. જો કે આ બાબતે વિચારું છું ત્યારે મને ખૂબ જ દુઃખ થાય છે. ઓળખીતા અને મિત્રો ઉપર વિશ્વાસ અને દયા રાખીને લીધેલા ખોટા નિર્ણયોથી મેં ખૂબ જ વેઠ્યું છે. પીઠ પર ખંજર મારનારા તો આપણા જ હોય છે!
મારી પત્ની સરોજ અને મારી વ્હાલી જોડિયા દીકરીઓ ચિ. કૃતિ અને કવિતાને હું પૂરતો સમય આપી શક્યો નથી. તેઓ મને માફ કરે છે, કરશે. પડદા પાછળ રહીને પણ મારા વિપરિત દિવસોમાં સાથે રહીને તેમણે મને સહકાર આપ્યો છે.
પ્રાઇવેટ પ્રૅક્ટિસ બંધ કરવાનાં કારણોમાં મુખ્યત્વે આર્થિક કારણ હતું, પણ ઊંડે-ઊંડે અંગત, સામાજિક, પ્રોફેશનલ અને વૈચારિક કારણો પણ હતાં, જેની ચર્ચા અત્યારે અસ્થાને છે.
કહેવાનું, લખવાનું ઘણું બધું બની ગયું છે મારા જીવનમાં. પણ એનાથી સમાજને શું ફાયદો? મારા અંગત સુખ કે દુઃખના પ્રસંગો, પ્રશ્નો ન લખવાનો મારો નિર્ણય મને યોગ્ય જ લાગ્યો છે. જેઓ મને અંગત રીતે જાણે છે, તેમને જણાવવાની જરૂર નથી, અને જેઓ મને જાણતા નથી, તેમને કહેવાનો કોઈ મતલબ નથી. એક પ્રસંગ જે જરૂરી હતો તે સમાવી લીધો છે.
જીવનનો જંગ હંમેશા તમે જીતી ગયા છો ‘સાજ’,
બધાયે મોરચે લડતાં ખુમારી સાચવી રાખી!બાકી શરૂઆતની પ્રસ્તાવનામાં જે કહેવાયું છે તે જ સત્ય છે.
વ્યક્તિની સફળતા એના એકલાની નથી હોતી. હા, નિષ્ફળતામાં મોટેભાગે પોતે જ જવાબદાર હોય છે.
અસ્તુ!
ક્રમશ: — ભાગ – ૨
ડૉ.પુરુષોત્તમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
