-
ખેડૂતનું “ઢીલું મન”…. આફતોને ઉતરી પડવાની તક પૂરી પાડે છે
કૃષિ વિષયક અનુભવો
હીરજી ભીંગરાડિયા
એ વખતે હું મારા જૂના ગામ ચોસલામાં રહેતો હતો. એ અરસામાં માલપરામાં બાજરીનું બીજ ઉત્પન્ન કરવાનો પ્રોગ્રામ લેવાતો. અને એમની સાથે જોડાઇ મેં ચોસલામાં પણ આ બીજ ઉત્પાદન કાર્યક્રમ લીધેલો. કાર્યક્રમની શરૂઆત કરતાં પહેલાં ગામના બધા ખેડૂતોની એક મીટિંગ બોલાવી, કાર્યક્રમ અંગેની બધી સમજણ આપી રહ્યો હતો કે “ આ બિયારણ ઉત્પન્ન કરવાની ખેતીમાં બાજરાના બે જાતના બિયારણ આવશે. જેમાં ચાર ચાસ “નારી” બાજરીના અને બે ચાસ “નર” બાજરીના – એમ બન્નેનું ભેળું વાવેતર કરવાનું, બીજ ઊગીને છોડ મોટા થયા પછી તેમાં કોઇ ઓફ પ્રકારના છોડ ભળાય તો તેને ખેંચતા રહેવાના, અને બાજરી પાકી ગયે ખળું પણ બીજ નિગમના સુપરવાઇઝરોની હાજરીમાં જ લેવાનું, વળી બિયારણના તૈયાર થયેલ જથ્થામાંથી નમૂના લઈ પ્રયોગશાળામાં જશે, ત્યાં એના ઉગાવાના ટકાની તપાસ થયા પછી જેનું બીજ પાસ થશે એમને આપણા ચાલુ બાજરા કરતાં પાંચગણા વધારે ભાવ મળશે. બોલો ! આવી ખેતી કરવાની સૌની તૈયારી હોય તો આગળ વધીએ.”
બધા ખેડૂતો તૈયાર થયા. પણ મારા ખેતરનો આથમણો શેઢાપાડોશી પાણીમાં બેસી ગયો. એ કહે “ આવાં બધાં વાની વાનીનાં કામો મારાથી નૈ થાય ભૈ ! આવા ઉજરેલા પાજરેલા છોડવા ખેંહવામાં જેનું મન આંચકો નો ખાતું હોય એવા ન’દયા બધા તમતમારે ઉગાડો આવી બાજરી ! મારું મન ના પાડે છે.” કહી એતો ઊભો થઈ હાલતો થઈ ગયો. હવે ? પાછી આ બીજપ્લોટમાં એવી શરત હતી કે વચ્ચે તો નહીં, પણ બીજપ્લોટની આસપાસના ૧ ,૫૦૦ ફૂટની દૂરી સુધી કોઇ બીજો બાજરો વવાએલો ન હોવો જોઇએ. અમે તો મુંઝાયા. એ ભાઇને ઘણું સમજાવ્યો પણ એ એકનો બે ન થયો. અને પાછો “ખાવા માટે બાજરો તો મારા પડામાં મારે કરવાનો જ છે” એવો કક્કો ચાલુ રાખ્યો ! છેવટે અમે “નર” બાજરીનું બીજ એની વાડીમાં વાવવાની સગવડ કરી દીધી અને ઉપરિયામણમાં કેટલીક રકમ પણ ચૂકવી ત્યારે અમે બીજપ્લોટ કાર્યક્રમ આરંભી શક્યા.
પણ જ્યારે આખા ગામના ખેડૂતોની બીજપ્લોટની બાજરી પાકી, ખળાં લેવાયાં, નમૂના પાસ થયા અને સૌને ચાલુ બાજરાના ભાવ કરતા પાંચગણા ભાવ ચૂકવાયા ત્યારે તે ભાઇને ઘણો પસ્તાવો થયો, પણ હવે શું થાય ? કહો ! એના જ ઢીલા મને બાજરાની ખેતીમાં એને જ કેવી ખોટ ખવરાવી ?
સાધુ શ્રુતપ્રજ્ઞજીના લખાણમાં ઉદાહરણ વાંચેલું કે “ધરતીની ગોદમાં બે બીજ પડ્યાં હતાં. એકમાંથી અંકુર ફૂટ્યું અને તે ઉપર તરફ વધવા લાગ્યું. તો બીજું બીજ બોલ્યું “ ભાઇ ! ઉપર ના જઈશ, ત્યાં ભય છે. બીજા તને પગ નીચે કચડી નાખશે.” આ સાંભળીને પણ પેલું બીજ તો ભય પામ્યા વિના મલકાતું મલકાતું ઉપર તરફ વધવા લાગ્યું. સૂર્યનો પ્રકાશ, હવા અને ભેજ મેળવીને અંકુરે તો છોડનું રૂપ ધારણ કરી લીધું. અને ધીરે ધીરે વિકસતા વિકસતા તે પૂર્ણ વિકસિત બની મોટું વૃક્ષ બની ગયું અને અંત સમયે પોતાના જેવા અસંખ્ય બીજ છોડીને આત્મસંતોષ અનુભવી રહ્યું.” જ્યારે બીજું બીજ જ્યાંનું ત્યાં જ રહી ગયું. જીવનમાં પ્રગતિ એ જ કરી શકે છે, જે પડકારો સામે લડવાનો જુસ્સો રાખે છે.
આપણી જ વાત કરીએ : આપણા ખેડૂતોમાં પણ ઓલ્યા બીજા બીજની જેમ “ ખેતીમાં તો વરસાદનો કોઇ મેળ હોતો નથી. દુશ્કાળો પડ્યા કરે છે. મોલાતોમાં રોગ-જીવાતોના હુમલા આવ્યા કરે છે. અરે ! અધૂરામાં પૂરું રોઝ-ભૂંડ-હરણાં અને રઢિયાર ઢોરાના ટોળાં ઉજરેલ મોલાતને ખાઈ-ખુંદી દાળવાટો વાળી મૂકે છે. ક્યારેક કૂવા-બોરમાં થોડુંક પાણી હોય તો બહાર કાઢવા વિજળીના ધાંધિયા ચાલુ હોય ! અને કોઇ વરહે વળી માલ ઠીક પાક્યો હોય, ને વેચવા જઈએ ત્યાં પાણીના મૂલે મગાય છે. ખેડ્યમાં જ્યાં બાર સાંધીએ ત્યાં તેરની તૂટ્ય પડતી હોય ત્યાં ખાતર-બિયારણ અને દવા-દારૂનાં ખરચાય ન નીકળે એમ હોય ત્યાં પંડ્યની મજૂરી કોની પાંહે માગવી કહેશો ? વરા-ખરાને વિવા-વાજમ તો કોરાણે રહ્યા, રોટલા ખાવા માટે પણ માથે લેણું કરવાનો સંજોગ ઊભો થતો હોય એવી ખેતી કરવા કરતા તો દાડી-દપાડી કરવી સાતથોકે સારી, સાંજ પડ્યે મજૂરીનું મૂલ તો રોકડું હાથમાં આવે અને નિરાંતનો રોટલો તો ખાઇ હકાય !”
હું નથી કહેતો કે ખેતીમાં ગણાવાયેલી આ મુશ્કેલીઓની વાત ઉપજાવી કાઢેલી છે. વાત સાવ સાચી હોવા છતાં યે એનો અર્થ એવો પણ નથી કે, કામ શરૂ જ ન કર્યું હોય ત્યાં આપણે મુશ્કેલીઓની યાદી આગળ કરી, હરેરી જઈ, હેઠા બેહી પડવું, ને કામનો આરંભ જ ન કરવો. મુશ્કેલીઓની સંભાવનાઓથી અજાણ ન રહેવું જરૂરી છે, પરંતુ નવાં કામો તો હિંમત પૂર્વક નુકસાનીની તૈયારી સાથે કર્યા વિના નવું કશુ પ્રાપ્ત થતું નથી એ વાત પણ એટલી જ સાચી છે મિત્રો !
ખેતી વ્યવસાયમાં આવા ઓહાણિયા ખેડૂતોથી કશુ નથી થઈ શકવાનું મિત્રો ! કામ શરૂ કરતાં પહેલાં જ “ આ મારાથી નહીં થઈ શકે” , “આ કામ માટે મારું ગજું નહીં”, “અમે નાના પડીએ”. “આવા અખતરા અમને ન પોહાય”, “કાગડાની હાલ્ય છોડી હંસની હાલવા જતાં ક્યાંક ફસાઇ જ પડીએ ભૈલા !” આવી આવી મનઘડત કહેતીઓ રજુ કરી મુશ્કેલીઓના નિવારણો કે નવા નવા આયામોને પૂરા જાણ્યા-સમજ્યા વિના જ છેટેથી જ રામ રામ કરી દઈ, ઢુંકડા જ ન આવે એવું ઢીલું મન રાખ્યા કરશું તો પાછળથી પસ્તાવા સિવાય કશુ હાથમાં રહેવાનું નથી.
જે ખેડૂતને કાર્ય શરૂ કરતા પહેલાં જ નિષ્ફળતાનો ભય સતાવવા લાગે કે “ હું કૂવામાં ઉતરવાનું શરૂ તો કરું, પણ મારા હાથમાંથી દોરડું તો નહીં વછૂટી જાય ને ? હું ક્યાંક કૂવામાં તો નહીં પડી જાઉં ને ?” આવું મન જો પહેલેથી જ ઢીલું રહ્યું તો નક્કી દોરડું હાથમાંથી છૂટી જ જાય ! અને કૂવામાં ખાબકવાનું બને જ, એ વાત પણ એટલી જ પાક્કી છે હો ભાઇઓ !
મારું એક ઓળખીતું કુટુંબ હળિયાદમાં રહે છે. કુટુંબ ખેતી કરે છે. ઘેર મોટરસાયકલ રાખે છે. પણ પોતાને ચલાવવાની જીગર નથી. બહારગામ જવું હોય તો લાચારી ભોગવી કોઇ હાંકનારને શોધી, એની પાછળ બેસે. અરે ! એ તો ઠીક પણ એનો દીકરોયે થયો છે ત્રણ છોરુંનો બાપ ! એ પણ મોટરસાયકલ ચલાવતા બીવે બોલો ! હવે એ ખેડૂતને કૂવામાં ઉતરી ફૂટવાલ ચોખ્ખો કરવાનું થાય કે જૂતેલ ગાડે તલ-મગ-મગફળી-કે કડબ-સાંઠીનું ભરોટું ભરવાનું થયું હોય તો શું કરે, તમે જ કહો, તૈયાર થાય ખરો ?
બનેલો જ પ્રસંગ : ભાદરવી અમાસ વીત્યાને આઠેક દાડા થયેલા. ચોસલાની ખળાવાડમાં સૌ ખેડૂતોએ ખળાં ટોરી, માથે છાણનું લીંપણ કરી- કોઇ કોઇ લણેલાં બાજરાના ડુંડાં ભરેલો વિંટો ખળામાં ઠલવતા હતા તો કોઇ વળી ડૂડાને તપાવવા આગલા દિવસે કરેલ ઢગલાને વીંખી ખળામાં પાથરી રહ્યા હતા, તો કોઇ લાલ-ધોળી જુવારના લણેલાં કરહડાંના પગર પર ત્રણ-ચાર બળદિયાંનું હાલરું કરી મહળી રહ્યા હતા, કોઇ વળી મગફળીમાં નાખેલી મકાઇની છાંટમાંથી પાકી ગયેલા ડોડાને સૂર્યતાપમાં તપાવવા આખા ખળામાં વીંખી રહ્યા હતા- હું યે મારા બાજરાના પગરમાં ટ્રેક્ટર ચલાવી ડુંડાં મહળી રહ્યો હતો.-આમ સૌ પોતપોતાના ખળામાં મહેનતમાં લાગેલા હતાં. બરાબર એવે ટાણે ઓચિંતાનું આથમણેથી કાળું ડીબાંગ એક મોટું વાદળ ચડી આવ્યું, ને જોત જોતામાં વીજળીના લબકારા સાથે હરૂડાટ શરૂ થયો. હવે ? ન કરે નારાયણ ને આમાં વરસાદ વછૂટી પડ્યો હોય તો ?
ખળાવાડમાં તો દોડધામ મચી ગઈ ! સૌ માંડ્યા પહોળા કરેલાં ડુંડાં-કરહડાં ભેળાકરી ઢગલા બનાવવા-જેથી ઢાકવાનું સહેલું પડે. પણ એક આળસુનો પીર ખેડૂત-હરખો એવો નીકળ્યો કહે, “આખા ખળામાં પહોળા કરેલા ડુંડાં ક્યારે ભેળા કરી રહેવાય ? ઇ તો આ ચોમાહાની રત્ય છે તે વીજળીને હરૂડાટ તો થયા કરે. હરૂડ્યા ભેળો થોડો વરસી પડવાનો છે? આ ઘડીએ બધું શમી જશે-પગર કાંઇ ભેળો કરવો નથી” કહી એ તો નિરાંતે ચલમ પીવા બેસી ગયો.
બધા ખેડૂતોએ પગર ભેળા કરી-કોઇએ ઉપર કડબ ઢાંકી દીધી, કોઇએ ઢગલા ઉપર બે ત્રણ વડા સાદરા ને બુંગણ ઢાંકી દીધાં, મેં પણ મહળેલા પગરને ભેળો કરી ઉપર તાડપત્રી ઢાંકી દીધી. અને સૌ ભેળા થયા હરખાના ખળે. અને હરખાને કહ્યું, “હરખાભાઇ ! હાલ્ય, તું કહેતો હોય તો બધા થઈને તારા ડુંડાનોય ઢગલો કરી દેવામાં મદદ કરીએ” પણ ખાટલે મોટી ખોટ્ય કે પાયા જ નહીં ! હરખામાં જ હરખની ઉણપ એમાં બીજા શું કરે કહો ! ત્યાં તો રૂપિયા રૂપિયા જેવડા મોટાં ફોરે વાદળીએ એવી બઘડાટી બોલાવી કે ભેળા થઈ ઊભેલા અમે બધા દૂર ક્યાંય ઝાડવાના ઓથારેય ન પહોંચી શક્યા ને ઘડીકની વારમાં બધે પાણી…પાણી કરી મૂક્યું ! ઢાંકેલા ડુંડા-કરહડા-ડોડા સૌના કોરા રહ્યા અને હરખાના એના ઢીલા મનના ભોગ બનેલા બધા ડુંડાં પલળીને ટહા જેવા થઈ ગયા ! જેમ દૂબળાને બે જેઠ મહિના આવે એમ એની કઠણાઇ તો જુઓ ! બીજા દિવસે તડકો તો ન નીકળ્યો, ઉલટાના થોડા છાંટા થયા. હરખાના ડુંડા બે દિવસ સતત ભીના રહેવાથી ડુંડાંમાં કોંટા ફૂટી જઈ જુવારા બની ગયા તે નફામાં !
ખેતીનો વ્યવસાય જ કુદરતી પરિબળો પર આધારિત હોવાથી એમાં અનેક જાતનાં જોખમો આવ્યાં કરવાનાં. ક્યારેક પાસ થવાને બદલે નાપાસ પણ થઈ જવાય ભાઇ ! પણ પહેલેથી જ “નાપાસ થઈ જઈશું” એમ મોળું ઓહાણ દાખવ્યા કરી, આવું સાહસ કે નોખો કાર્યક્રમ નથી કરવો-એમ ધારી પાછા જ રહ્યા કરીએ તો ક્યારેય આગળ અવાતું જ નથી.
તમે જુઓ ! આજે ખેતીના નવા વિજ્ઞાને સમયાનુસાર જે જે નવી નવી ટેકનીકો, અલગ અલગ કાર્યક્રમો અને વિશિષ્ટ ખેતી પદ્ધતિઓની ભલામણ કરી છે તેવાં: ટપક પિયત પદ્ધતિ, નેટ અને ગ્રીનહાઉસ દ્વારા ખેતી, જાતજાતના ફૂલો, દાડમ, સરગવા, આમળા કે સુગંધી ઘાસ જેવા પાકોની વિશિષ્ટ ખેતીના કાર્યક્રમો, મધુમખ્ખી પાલન, અળસિયાં ઉછેર, ગાય પાલન, સજીવ ખેતી, જેવા નવા આયામોના અમલ થકી કેટલાય દ્રષ્ટિવંત અને મક્કમ મનવાળા ખેડૂતો નરવ્યું અને નમતું ઉત્પાદન આપણી નજર સામે જ મેળવી રહ્યા છે.
વિન્સટન ચર્ચિલની વાતમાં વાંચ્યું છે કે “નિરાશાવાદી માણસ દરેક તકમાં મુશ્કેલીઓ શોધે છે. જ્યારે આશાવાદી માણસ દરેક મુશ્કેલીમાં તકો શોધે છે.” તમે જૂઓ ! ઘણી વખત સામાજિક જીવનમાં પણ આપણે કામ શરૂ કરીએ એ પહેલાં જ નિષ્ફળતાનો ભય સતાવવા લાગે છે-“મારાથી ભૂલ તો નહીં થાય ને ?” “વાત કરું પણ એને ખોટું તો નહીં લાગેને ?” “ કામ ન થઈ શક્યું તો અપયશ તો નહીં મળેને?” “મંચ ઉપર બોલવા ઊભો થઇશ તો જીભ તો નહીં થોથરાયને ?” આ બધા ભયથી મુક્ત બની મક્કમ મન કેળવીએ તો જ આપણા માટેના હિતકારી કાર્યો કરી શકીએ છીએ. આપણે કેવું-ઢીલું મન રાખવું કે મનને મક્કમ રાખી આગળ વધવું એ આપણે પોતે જ નિશ્ચિત કરવું પડે, ભાઇઓ !
સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com
-
રાક્ષસી વૃત્તિનો પડછાયો હજી ખસ્યો નથી
મંજૂષા
વીનેશ અંતાણી
કોન્ગોના ડેનિસ મુકવેગે અને ઇરાકની નાદિયા મુરાદ દુનિયામાં સ્ત્રીઓ પર ગુજારવામાં આવતા બળાત્કારના અપરાધ સામે લડત ચલાવી છે
બે હજાર અઢારના વર્ષમાં શાંતિ માટેનું નોબલ પ્રાઇઝ કોન્ગોના ડેનિસ મુકવેગે અને ઇરાકની નાદિયા મુરાદને સંયુક્તપણે આપવામાં આવ્યું હતું. આ બંને વ્યક્તિએ દુનિયામાં સ્ત્રીઓ પર ગુજારવામાં આવતા બળાત્કારના અપરાધોની સામે લડત ચલાવી છે. ડૉ. મુકવેગે ગાયનોકોલોજિસ્ટ છે. એમણે યુદ્ધ દરમિયાન સ્ત્રીઓ પર કરવામાં આવેલા બળાત્કારોથી પીડિત એક હજારથી વધારે મહિલાઓની સારવાર કરી છે અને તેઓ આ પ્રકારના યૌનશોષણની વિરુદ્ધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અવાજ ઉઠાવતા રહ્યા. નાદિયા મુરાદ ખુદ ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓના બળાત્કારોની ભોગ બનેલી યુવતી છે. એણે એના પર ગુજારવામાં આવેલાં જઘન્ય કૃત્યોની વિગતો હિંમતભેર દુનિયા સામે જાહેર કરી છે. આ બંને મહાનુભાવોએ માનવજાતના અત્યંત વિદ્રુપ અને કાળા ચહેરાનો પર્દાફાશ કર્યો છે. આજનું વિશ્ર્વ સભ્યતાની ગમે તેટલી સુફિયાણી વાતો કરતું હોય, રાક્ષસી વૃત્તિનો કાળો પડછાયો હજી ખસ્યો નથી.
નાદિયા મુરાદ ઇરાકના કોજો ગામની લઘુમતિ કોમ યજીદીના ખેડૂત પરિવારની દીકરી. એ ઓગણીસ વર્ષની હતી ત્યારે ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓએ એમના સમુદાય પર હુમલો કર્યો. છસો જણને મારી નાખ્યા. એમાં નાદિયાના છ ભાઈઓનો પણ સમાવેશ થતો હતો. આતંકવાદીઓ નાદિયા જેવી છ હજાર સાતસોથી વધારે યુવતીઓને ઉપાડી ગયા, ગુલામ બનાવી અને એમના પર બળાત્કાર ગુજારવામાં આવ્યા.ત્યાર પછી એની સાથે બનેલી ઘટનાઓ વિશે એણે કહ્યું છે: ‘અમને બસમાં લઈ જવામાં આવી. રાતે યુવતીઓના વેચાણનું બજાર ખૂલ્યું. એ લોકો અમને ખરીદવા આવ્યા. બધી યુવતીઓ ચીસો પાડવા લાગી. ઘણી યુવતીઓ તો ઊલટી કરવા લાગી. આતંકવાદીઓ રૂમમાં ફરતા ફરતા દરેક યુવતીને ખરીદી માટે મુકાયેલી ચીજોની જેમ ‘તપાસવા’ લાગ્યા. અમારા કાલાવાલા કે રુદનની એમના પર કોઈ અસર થઈ નહીં. એમણે પહેલાં સૌથી રૂપાળી યુવતીઓને પસંદ કરી, એમનાં મોઢાં અને વાળ પર હાથ ફેરવતા એમની ઉંમર વિશે પ્રશ્ર્નો પૂછવા લાગ્યા. ગાર્ડને પૂછતા હતા: ‘આ હજી કુંવારી તો છેને?’ દુકાનદાર વેચવાના માલ વિશે જવાબ આપતો હોય એમ ગાર્ડ ગર્વભેર જવાબ આપતો હતો: ‘અલબત્ત.’ અમારી સાથે કસાઈવાડે આવેલાં પશુ જેવો વ્યવહાર કરવામાં આવતો હતો. અમે ચીસો પાડતી હતી, એમને ધક્કા મારતી હતી, અમારી તરફ લંબાયેલા હાથને ઝાટકો મારી બચવાની કોશિશ કરતી હતી.’
દૈત્ય જેવો એક આતંકવાદી નાદિયા પાસે આવ્યો. એને ઊભી કરવા લાત મારી. એને ગુલામડી તરીકે ખરીદીને ઉપાડી ગયો. ઘરમાં કેદ રાખી, એના પર વારંવાર બળાત્કાર કરવામાં આવ્યા. એ વિરોધ કરે કે નાસી જવાનો પ્રયત્ન કરે તો ઢોરમાર મારવામાં આવતો, સિગારેટના ડામ દેવામાં આવતા. એને બીજા આતંકવાદીઓને વેચવામાં આવી. એ લોકો પણ એના પર એવા જ અત્યાચાર કરતા હતા. એક દિવસ નસીબે યારી આપી. એનો ‘માલિક’ બહાર ગયો ત્યારે ઘરને તાળું મારવાનું ભૂલી ગયો. નાદિયા ભાગી છૂટી. યજીદી સમુદાય માટે સહાનુભૂતિ ધરાવતા લોકોએ એને ઇરાકના નિરાશ્રિતોના કેમ્પમાં પહોંચાડી. એણે ફેબ્રુઆરી ૨૦૧૫માં બેલ્જિયમના એક દૈનિક અખબારના પત્રકારોને પોતાની યાતના વિશે પહેલો ઇન્ટરવ્યૂ આપ્યો. નિરાક્ષિતોને આશ્રય આપવાના પ્રોગ્રામ હેઠળ એને જર્મનીમાં પ્રવેશ મળ્યો. ત્યારથી જર્મની એનું નવું ઘર બન્યું.
નાદિયા મુરાદે યુનાઈટેડ નેશન્સમાં પોતાની વાત રજૂ કરી. એ કહે છે: ‘હું પહેલી વાર એક વિશાળ ઓડિયન્સ સામે મારી વીતકકથા કહેવાની હતી. હું એમને આતંકવાદીઓએ કરેલા નરસંહાર, એમના જુલમોને લીધે માર્યાં ગયેલાં બાળકો, હજી પણ પહાડોમાં ફસાયેલાં પરિવારો, હજારો મહિલા અને બાળ કેદીઓની બધી વાત કહેવા માગતી હતી. હું તો યજીદી સમુદાયના લાખો લોકો સાથે થયેલા જઘન્ય અપરાધના શિકારની એક પ્રતિનિધિ હતી. અમારી સાથે જે બન્યું છે તેના વિશે દુનિયાએ ધ્યાન દઈને સાંભળવાની જરૂર હતી. મારે વિશ્ર્વના સત્તાધારીઓને કહેવાનું હતું કે એમણે શું કરવાની જરૂર છે. એમણે ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓના નેતાઓ અને એમના અમાનવીય, ઘાતકી, કાર્યોમાં સાથ આપનાર બધા લોકો સામે કડક હાથે પગલાં લેવાની જરૂર છે. મારા પર થયેલા જુલમો અને બળાત્કારો વિશે મારે કશું જ છુપાવ્યા વિના કહેવાનું હતું. એ વિશે પ્રામાણિકપણે બધું જ કહેવાનો નિર્ણય ઘણો કઠિન હતો, પરંતુ મારે એ કરવું જ પડે તેમ હતું.’
અને નાદિયા મુરાદ એના પર ગુજારવામાં આવેલા અત્યાચારોની વિગતો દુનિયાને બેધડક આપતી રહી. એ કહે છે: ‘મેં સહન કરેલી યાતનાઓની વાતો કરવી સહેલી નથી. હું એની વાત કરું છું ત્યારે એ બધી જ યાતનાઓને ફરી વાર જીવી રહી હોઉં છું, પરંતુ તે સિવાય મારી પાસે બીજું કોઈ શસ્ત્ર પણ નથી. હું એ નરાધમોને સજા થતી જોવા માગું છું. આશા રાખું છું કે આ પ્રકારની વાત કહેવી પડે એવી દુનિયાની હું સૌથી છેલ્લી યુવતી હોઉં.’ નાદિયા મુરાદ અને ડૉ. મુકવેગેને નોબેલ પ્રાઇઝનું સન્માન તો મળ્યું, પણ એમની વાત દુનિયાની કાને પડી છે ખરી?
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
જળાશયોની ગણતરી આવકાર્ય પગલું છે, પણ…
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
પીવા માટે આપણી પૃથ્વી પર કેવળ વરસાદી જળ જ ઉપલબ્ધ હોય એવા સંજોગોમાં વિવિધ નાનાંમોટાં જળાશયોનું ખૂબ જ મહત્ત્વ છે. આવાં જળાશયમાં સંઘરાયેલું પાણી અનેક ઉપયોગો ધરાવે છે, એમ તેની આસપાસ વિવિધ જીવસૃષ્ટિ પણ સંકળાયેલી હોય છે. કેન્દ્ર સરકાર દ્વારા આમ તો છેક ૧૯૮૬થી સિંચાઈ માટે વપરાતાં નાનાં જળાશયોની ગણતરી દર પાંચ વરસે કરવામાં આવે છે. પણ હવે જળશક્તિ મંત્રાલયે પહેલવહેલી વાર કુદરતી તેમજ કૃત્રિમ જળાશયોની ગણતરી કરીને તેના આંકડા બહાર પાડ્યા છે. આ આંકડા ઘણી વિગતોને ઉજાગર કરે છે.

તસવીર સૌજન્ય – ઇન્ડીયન એક્સપ્રેસ, ૨૫ – ૪ -૨૦૨૩નો શ્રી હરિકૃષ્ણ શુક્લનો લેખ સૌ પ્રથમ તો જળાશયની વ્યાખ્યા જાણી લેવા જેવી છે. એ મુજબ તમામ કુદરતી કે માનવસર્જિત એકમો, કે જેની ચારે તરફ થોડુંઘણું ચણતરકામ કરાયેલું હોય યા ન હોય, અને તે સિંચાઈ કે અન્ય હેતુ માટે પાણીનો સંચય કરવા માટે વપરાતું હોય તેને જળાશય ગણવામાં આવે છે. અન્ય હેતુમાં ઔદ્યોગિક, મત્સ્યઉછેર, ઘરેલુ કે પીવા માટે, મનોરંજન, ધાર્મિક કે ભૂગર્ભ જળના રિચાર્જ વગેરેનો સમાવેશ થાય છે. વિવિધ હેતુઓ અને કદ અનુસાર આ જળાશયોને તળાવ, તળાવડી, સરોવર જેવાં વિવિધ નામે ઓળખવામાં આવે છે.
જળાશયમાં શેની ગણતરી કરવામાં નથી આવતી એ પણ જાણવા જેવું છે. એમાં સમુદ્ર, ખારા પાણીનું સરોવર, નદી, ઝરણાં, ધોધ, નહેર એટલે કે પાણી વહેતું રહેતું હોય એનો સમાવેશ કરાતો નથી. આ ઉપરાંત સ્વીમિંગ પૂલ, પાણીની ટાંકી, ખનન યા ખોદકામ, ઈંટોની ભઠ્ઠી કે બાંધકામની પ્રવૃત્તિને કારણે બનેલું જળાશય તેમજ ઢોરઢાંખરને પાણી પીવા માટે બનાવેલા પાકા હોજને પણ આમાં ગણતરીમાં લેવામાં આવતા નથી.
ગણતરીમાં લેવાતા જળાશયમાં હિમ પીગળવાથી, ઝરણાં, જળપ્રવાહ કે વરસાદ દ્વારા અથવા નિવાસી યા અન્ય વિસ્તારોમાંથી નિકાલ પામવાથી પાણીની આવક થાય છે. તે કાં આવાં સ્થાને એકઠું થાય છે કે પછી તેને નાળું, નદી કે અન્ય પ્રવાહને વાળીને સંઘરવામાં આવે છે. આ પણ જળાશયની વ્યાખ્યામાં આવે છે.
બંગાળમાં દેશભરમાં સૌથી વધુ, લગભગ સાડા સાત લાખ જળાશયો આવેલાં છે. બીજા ક્રમે આવેલા, સૌથી ગીચ રાજ્ય ઉત્તર પ્રદેશમાં લગભગ અઢી લાખ જળાશયો છે. આમ, પહેલા અને બીજા ક્રમ વચ્ચે જ દેખીતું અંતર રહેલું છે. આંધ્ર પ્રદેશ, ઓડિસા, આસામ, ઝારખંડ અને તામિલનાડુ રાજ્યોમાં જળાશયોની સંખ્યા એક લાખથી વધુ છે. અરુણાચલ પ્રદેશ, દિલ્હી, ચંદીગઢ અને સિક્કિમમાં આ સંખ્યા એક હજારથી ઓછી છે. તમામ રાજ્યોમાં મહારાષ્ટ્ર જળસંચયમાં અગ્રતાક્રમે છે. શહેર અને નગરમાં કુલ જળાશયો પૈકીનાં માત્ર ત્રણ ટકા જળાશયો જ આવેલાં છે એ ગંભીર બાબત ગણાવી શકાય.
નગરો હવે વિકસી રહ્યાં છે અને શહેરો વધુ વિકસીત બની રહ્યાં છે. વસતિની ગીચતાને કારણે હવે શહેરોમાં જમીનની અછત પડી રહી છે. શહેરોમાં સતત થઈ રહેલા માળખાકીય ફેરફારને કારણે તેનું ભૂપૃષ્ઠ સદંતર બદલાઈ રહ્યું છે. આ સંજોગોમાં શહેરોમાં નાનાં યા મધ્યમ કદનાં ઘણાં ખરાં જળાશયો પાણી વિનાનાં રહે એમ બનતું હોય છે. તેની સામે હવે શહેરોના સૌંદર્યમાં વૃદ્ધિ કરવાના આશયથી કૃત્રિમ જળાશયોનું નિર્માણ થઈ રહ્યું છે. ઘણાખરા કિસ્સામાં અણઘડ આયોજનને કારણે આવાં કૃત્રિમ જળાશયો પણ પાણી વિનાનાં રહે છે. આસપાસના ભૂપૃષ્ઠ સાથે તે બંધબેસતાં નથી, અને છેવટે એ જળાશય સિવાયના વિસ્તારોમાં પાણી ભરાતું રહે છે.
વિવિધ જળાશયોનાં કદ, તેની પર થયેલાં દબાણ અને તેની સંગ્રહક્ષમતાને લગતી વિગતો આ અહેવાલમાં ઉલ્લેખાયેલી છે. આ વિગતો આગામી આયોજન માટે ઘણી મદદરૂપ બની શકે એમ છે. શહેરી આયોજન તેમજ ગ્રામ્ય રોજગારી નિર્માણની યોજનાઓ ઘડવામાં તેનો ઉપયોગ કરી શકાય. સ્થાનિક સ્તરે સંબંધિત એજન્સીઓને આ આયોજનની જવાબદારી સોંપી શકાય, જેનો અંતિમ હેતુ જળસંચયનો અને અન્ય હેતુઓ માટે જળને ઉપલબ્ધ કરાવવાનો હોય.
આ પ્રકારના અભ્યાસ ચોક્કસ પ્રકારની વિગતો અવશ્ય પૂરી પાડે છે, જેને પગલે અનેક સંબંધિત બાબતો ધ્યાનમાં આવે છે. જેમ કે, કયા વિસ્તારોમાં જળસંચયની આવશ્યકતા વધુ છે, તેને વધારવા માટે શું કરી શકાય, જળાશયોની સંખ્યા વધે એ માટેના ઉપાયો વગેરે…કેવળ અભ્યાસ કરવો પૂરતો નથી. એ અભ્યાસમાંથી નીકળતાં તારણ અને પરિણામનો ઉપયોગ સુયોગ્ય નીતિઘડતર માટે કરી શકાય. આ પ્રકારનો દેશવ્યાપી અભ્યાસ હજી પહેલવહેલી વાર થયો હોવાથી એવી આશા રાખવી અસ્થાને નહીં ગણાય. આ અભ્યાસ કેવળ ઉપલા સ્તર પૂરતો મર્યાદિત રહે તો એનો કશો અર્થ નથી. પંચાયત, નગર પંચાયત, નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની અન્ય સંસ્થાઓ આમાં સહભાગી બને અને પોતાના વિસ્તારની સમસ્યાની રજૂઆત કરે તથા તેના ઊકેલ માટે યોગ્ય પગલાં લે તો આખી કવાયત સફળ બની શકે. કેમ કે, આખરે તો જળસંકટનું નિવારણ જ તેનું અંતિમ લક્ષ્ય છે.
સાથે એ પણ સમજી લેવું જરૂરી છે કે જળસંકટને હળવું કરવાનું કામ કેવળ કોઈ સંસ્થા યા સરકારનું એકલાનું નથી. નાગરિકો પાણીનો વેડફાટ અને દુરુપયોગ અટકાવે એ બાબતે તેમને પ્રશિક્ષિત કરવા જરૂરી છે. કેમ કે, છેવટે તેના અંતિમ ઉપભોક્તા નાગરિકો છે. આથી તેઓ જેટલા સચેત અને સાવધ રહે તેટલા તેઓ પાણીના દુરુપયોગ અંગે સભાન બની શકશે. વ્યક્તિગતથી લઈને સામૂહિક સ્તર સુધી જળનો વેડફાટ અટકાવવો એ આ દિશામાં પહેલું પગલું છે, કેમ કે, તેને પ્રાપ્ત કરવાનો સ્રોત નૈસર્ગિક છે
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૮ – ૦૬ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
‘પારિજાત પૅલેસ’ વિષે અવલોકન.

દેવિકા રાહુલ ધ્રુવ
કવયિત્રી રક્ષાબહેન શુક્લ તરફથી ‘પારિજાત પૅલેસ’ની ‘પીડીએક’ ફાઈલ મળી. ૨૦૪ પાનાંમાં પથરાયેલ ૨૧ નિબંધોનો આ સંગ્રહ ગઈકાલે જ પૂરેપૂરો વંચાઈ ગયો. વાંચી લીધા પછીનો પ્રથમ પ્રતિભાવ મનમાંથી એ ઊઠ્યો કે, આહાહા… ૨૧ ઓરડાઓના આલિશાન રાજમહેલમાં નિરાંતે મ્હાલીને ખુશી ખુશી આ બેઠી. વિચાર આવ્યો કે, આ તે પારિજાતનો પૅલેસ હતો કે રક્ષાબહેનની પ્રકૃતિનો કુદરતી પૅલેસ!! વિગતે જવાબ મેળવવા કલમ હાથમાં લેવાઈ જ ગઈ.
સુગરીના માળાથી શરૂ થયેલ નિબંધમાળા પારિજાત પૅલેસ સુધી ફેલાઈ. વચમાં લેખિકાએ કુદરતના ગોખલે થતાં દીવડાઓની જેમ એક પછી એક ઘણાં તત્ત્વોને ઝગમગાવ્યાં. ફૂલો, પતંગિયા,વૃક્ષો,પાણી,પર્વત,પંખીઓ,સાંજ,આકાશ,ઋતુઓ,સઘળું મન મૂકીને સજાવ્યું. લગભગ દરેક નિબંધ સરેરાશ ૬ થી ૯ પાનાંનો છે પણ મારાં આશ્ચર્ય વચ્ચે સુગરીના માળા જેવા વિષયને લેખિકાએ ૧૧ પાનાંઓમાં ઠાલવ્યો; જાણે તેમણે પણ એક મઝાનો, સુગરીના માળા જેવો જ ખૂબીભર્યો શબ્દ-અર્થ-ભાવોનો માળો બનાવ્યો! એમાં ફરવાની સૌથી વધારે મઝા આવી તેમ કહું તો જરાયે અતિશયોક્તિ નથી. કદાચ એટલે જ આ નિબંધસંગ્રહમાં તેને પ્રથમ સ્થાને રાખ્યો હશે?! તે પછી પતંગિયા, ચકલી, સાંજ, વરસાદ,પાનખર અને પહાડ વગેરે નિબંધોમાં રહેલી વિગતો અને વર્ણનો કાબિલેદાદ છે. પારિજાતની સુગંધ તો ‘જીયો જીયો’ અને ‘ભયો ભયો’.
પારિજાતના મઝાના મુખપૃષ્ઠ સહિત દરેક નિબંધનાં ચિત્રો અને કાવ્યમય શિર્ષકો અતિ આકર્ષક. આમ તો બધા જ વિષયો જાણીતા અને અનુભૂત હોવા છતાં લખાણની એક આગવી રીત અને શૈલી સતત રસપ્રદ રહી. પ્રત્યેક નિબંધમાં સુંદર રીતે વિષયનો ઈતિહાસ, ક્રિયાઓ કે રીતભાત, કંઈક નવીનતા વગેરે, સંશોધન અને અનુભવને આધારે અને અદ્ભૂત રીતે આલેખ્યાં છે. તેમની વર્ણનશક્તિ પર આફરીન પોકારી જવાય. પૂર્વ અને પશ્ચિમનાં સર્જકોનાં અવતરણો, વિષયને સાંકળતી મઝાની અને યથોચિત કવિતાઓ અને બિલકુલ અનુરૂપ ચિત્રો આ પુસ્તકમાં ચાર ચાંદ લગાવી દે છે. તેમાં વળી લેખિકાએ અંગ્રેજી અને ગુજરાતી શબ્દોના વિનિયોગ કરીને પોતે કોતરેલા હળવા-મિજાજી, મસ્ત મઝાના શબ્દો મનભાવન બની ગયા. સાંજને કંપોઝ કરવાની કલ્પના કેટલી નવી અને મનોરમ્ય! તો વળી ઘણાં શબ્દો અને વાક્યો પણ મનમંદિરમાં ઘંટારવની જેમ રણકતાં અનુભવ્યાં જે ટાંકવાનું ગમે જ, ગમે. જોવેબલ,પીવેબલ,પથારીસ્થ, ચંપાચાલીસા,લવચીક્તા વગેરે શબ્દો ચિત્તમાં સ્મિત ફરકાવી જાય.
નીચેના વાક્યો મમળાવવાં જેવાં લાગ્યાંઃ
- ક્યારેક મને થાય છે કે મારામાં વૃક્ષ ઊગી ગયું છે,રુંવાડે રુંવાડે ઘાસ ઊગ્યું છે અને બેય હાથ ડાળીઓ બની ગયા છે.
- ગીતામાં કૃષ્ણ ભૂલી ગયા હશે કે બિલ્ડર્સમાં હું સુગરી છું!
- કોશેટાની ઈયળનો સંઘર્ષ પતંગિયાના જીવનનો અનિવાર્ય તબક્કો હોય છે.
- ચાર પાંખથી આઠ પ્રહરમાં ઊડતાં પતંગિયાને ૬૦૦૦ લેન્સવાળી આંખો હોય છે!
- વસંતમાં પથ્થર પણ અત્તર થઈ જાય છે.વસંતનું સરનામું વૃક્ષ છે તો ફૂલો એની નેઈમપ્લેટ છે.
- બે ડાળી વચ્ચેથી ચળાઈને આવતો તડકો ‘જોવેબલ’ અને તેની વચ્ચે રહેલી સુગંધ ‘પીવેબલ’ હોય છે.
- ચકલીનું ચી ચીં સાંભળી જો આભ ઈર્શાદ કરતું હોય તો આપણે પણ દાદનો દરબાર સજાવીએ.
- સાંજે કલમને પ્રસવ થાય છે.
- સાંજને ઘૂંટડે ઘૂંટડે ન પીવાય, એને ચગળવી પડે.
- આકાશ કદી ‘કાશ’ બની શકે નહિ.
- ટીપાંનું તોરણ બાંધેલું આકાશ.
- વાદળ ભારે પગલે થાય ત્યારે ચોમાસુ બેસે છે.
- દરિયાનાં મોજાં જાણે ગારનાં લીંપણમાં થતી ઓકળીની ભાત.
- આંસુ વહેવાની સાથે જાણે દર્દનો મોક્ષ થાય છે..
- પાણી વચ્ચે કોરું કોરું તરફડવું.
- સૂક્કાં પાંદડાંઓની તામ્રવર્ણી જાજમ.
- ‘ખરું ખરું’ થતાં પાંદડાં વચ્ચે ‘ફૂટું ફૂટું’ નો પ્રાસ સધાતો રહે છે.
- નદી એટલે પૃથ્વીની ધમની.
- વૃક્ષોનાં ઘોડિયાઘર જેવી નર્સરી.
- સ્મરણોની સેઈફ ડીપોઝીટમાં પડેલાં પારિજાત.
આવાં તો ઘણાં બધાં વાક્યો અને વર્ણનો છે જેની આ તો માત્ર ઝલક દર્શાવી છે. તેમણે પ્રયોજેલા શબ્દોની કૂંપળમાંથી અર્થોના ફણગા આપમેળે ફૂટે છે.
શ્રી કૃષ્ણકાંત ઉનડકટે લખ્યું છે તેમ,’ ફૂલોના નિબંધ વાંચો તો સુગંધ અને પાણીના નિબંધ વાંચો તો ભીનાશ અનુભવાય; પહાડના નિબંધોમાં ઊંચાઈ અને લીમડામાંથી મીઠાશ મળે.” ‘સુગરીનો સ્વયંવર’તો જાણે રોમાંચિત કરતું જતું ચલચિત્ર જ લાગે. રક્ષાબહેન ખુદ જે કહે છે તેય સાવ સાચું છે કે,પોતે પદ્યમાં ઉઘડે છે તો ગદ્યમાં વિસ્તરે છે. સુગંધિત અજવાળાં પથરાયેલ આ પુસ્તક વધારે ગમવાનું બીજું એક કારણ એ પણ ખરું કે મારા પ્રકૃતિપ્રેમી માંહ્યલાને એમાં સ્વાનુભૂતિનાં પ્રતિબિંબો સતત તરવરતાં દેખાતાં હતાં. વાંચતાં વાંચતાં ઝૂમી ઊઠાતું.
તટસ્થપણે લખવાનો મનસૂબો છતાં આમાં રહેલાં એકાદ-બે નીચેના દોષોને આંખતળે કાઢવા જ મન લલચાય છે!
-‘પાની રે પાની’નિબંધમાં પાણીની તરસના અનુસંધાનમાં,‘યુગોથી ધીંખેલા પ્રખર સહરાની તરસ’એ સુંદરમની પંક્તિઓ વિશે કવિ શ્રી સુરેશ દલાલનું નામ ભૂલથી છપાયું જણાય છે.
-‘ગરમાળો અને ગુલમહોરની ગ્રીષ્મગીતા’માં એક જ ફકરામાં ‘બફા સો નફા’નો બે વખત ઉલ્લેખ અને એ જ રીતે ‘ઉ.જો. પ્રવાસને એક પ્રકારની અંતરયાત્રા કહે છે’ તે વાક્ય પણ તરત જ બે લીટી પછી ફરી લખાયું છે.
-ફાગણનાં ફૂલોવાળા નિબંધને અંતે ફાગણની કવિતા પછી, વરસાદ અંગે મૂકાયેલ ગુણવંત શાહની કવિતા, એ સ્થાને અસંબંધિત જણાઈ.
અંતે,સમાપનમાં એટલું જરૂર કહેવાનું ગમશે કે,‘પ્રવૃત્તિના પાવરહાઉસ’તરીકે ઓળખાતાં રક્ષાબહેનની કલમ અહીં ‘પ્રકૃતિના સૂપ્રીમ પ્રેમી’તરીકેની ઉત્તમ છાપ ઉપસાવી શકી છે. ઇંદ્રધનુના સપ્તરંગી રથ પર સવાર થયેલ આ પ્રકૃતિલીલાનું પુસ્તક, વાચકનાં અંતરમાં એક ખુશ્બોદાર ખૂણો બનાવી મઘમઘી ઊઠશે.પારિજાતપ્લાવિત રક્ષાબહેનનાં સર્જનને વહાલપની સુગંધભર્યા અભિનંદન અને કલમને વંદન.
અસ્તુ.
દેવિકા રાહુલ ધ્રુવ, હ્યુસ્ટન,અમેરિકા | Ddhruva1948@yahoo.com
-
‘સહરાની ભવ્યતા’ : એક વિરલ ચરિત્ર કૃતિ
અમૃતાનુભવની ઉજાણી
દર્શના ધોળકિયા
આ કૃતિના પ્રાસ્તાવિકમાં એના લેખક શ્રી રઘુવીર ચૌધરીએ ઉચિત રીતે નોંધ્યું છે તેમ, આ માત્ર રેખાચિત્રો જ નથી, અભ્યાસલેખો પણ છે. એ સંદર્ભમાં આ ચરિત્રો માત્ર આસ્વાદ્ય જ નહીં, ઉપાસ્ય પણ બન્યાં છે. અહીં આલેખાયેલાં ચરિત્રો માત્ર સાહિત્યકારોનાં જ નથી; એ સૌ સાહિત્યના, જીવનના, પ્રજાના ઉપાસકો પણ છે ને એ પણ એટલી માત્રામાં કે તેમને પુણ્યશ્લોક વ્યક્તિત્વો કહેવામાં અત્યુક્તિ થતી નથી. આ સૌએ પોતપોતાના ક્ષેત્રની ઉપાસના કરતાં – કરતાં અનાયાસ શીખવ્યું છે – જીવન જીવવાનું, વિદ્યાની ઉપાસના કરવાનું, મનુષ્યત્વનું સંવર્ધન કરવાનું.

પ્રસ્તુત કૃતિમાં કેવા-કેવા લોકો ઝિલાયા છે ! – પંડિત સુખલાલજી, ઉમાશંકર, કિશનસિંહ, યશવંતભાઈ, મડિયા, જયંતિ દલાલ, બચુભાઈ રાવત, સુન્દરમ, સ્નેહરશ્મિ – એક જુઓ ને એક ભૂલો તેવા આ મહાનુભાવો સ્વાભાવિક રીતે જ આ કૃતિ લખાયાના સમયે મોટેરા છે. પોતપોતાના ક્ષેત્રમાં નીવડી ચૂકેલા છે. આ સંદર્ભમાં રઘુવીરે એ સૌનો જુદા જ અર્થમાં પ્રભાવ ઝીલ્યો છે. એ પ્રભાવ આ સૌના પદનો, કીર્તિનો નથી. એ છે એ સૌએ લોકહૃદયમાં જમાવેલાં સ્થાનનો, એમનાં વ્યક્તિત્વને એ સૌએ આપેલા ઘાટનો, પોતપોતાના સમય પર મેળવેલા વિજયનો, એમના અસ્તિત્વે ફેલાવેલી સુગંધનો. ઝડપથી કોઈની ઓઝડમાં ન આવનારા રઘુવીરના હૃદયમાં આ સૌ પ્રતિબિંબત થયા છે એમની ઉપસ્થિતિ માત્રથી પ્રતીત થતી નજાકતથી, એમનાં આંતરિક વીર્યથી.
એક એક ચરિત્રને પોતાની કલમની પીંછીથી આલેખતા રઘુવીરને પોતે જે નિહાળ્યું છે તે કહેવાની બિલકુલ ઉતાવળ નથી. સંગીતકારની ધીરજથી લેખક અહીં એક એક સપ્તક સર કરતા જાય છે. ક્યાંક તો અધૂરેથી વાત મંડાય છે-જાણે વિચાર કરતાં કરતાં કશુંક હાથમાં આવી ગયું હોય. ‘ઉમાશંકર’નો આરંભ આ અર્થમાં જોવા જેવો છે : ‘પ્રેમ પક્ષપાત બની ન જાય અને અસ્વીકાર પૂર્વગ્રહમાં ન પરિણમે એ અંગે ઉમાશંકર સતત કાળજી રાખતા લાગે. સ્નેહની તીવ્ર લાગણી અનુભવનાર સંબંધ પરત્વે તટસ્થ રહે ! (પૃ.૯)
ઉમાશંકર વિષે સહૃદયને જે આદર જાગે છે તે રઘુવીરનાં આ નિરીક્ષણથી : ‘એ દોરવાતા નથી, પોતાના અભિપ્રાયથી ચાલે છે. સામાન્ય રીતે અભિપ્રાયનો અમુક અંશ અપ્રગટ રાખે છે, જેથી ભૂલ સુધારવા વારો આવે નહિ, જેમ અભિભૂત ન થાય તેમ કોઈને વિશે આશા પણ છોડી ન દે. ગમે તેવાના સુધરવા વિશે એ આશાવાદી છે અને માને છે કે માણસ પોતાની ગરજે સુધરે છે.’(પૃ.૧૦)
ઢળ્યા કે જળ્યા વિના રઘુવીરે આલેખેલાં આ વ્યક્તિત્વો વિશે ક્યાંક જ અને ક્યારેક જ તેઓ અંજલિબદ્ધ બની બેઠા છે એવાં સ્થાનોમાં એક બાજુથી તીર્થનું પાવિત્ર્ય છે તો બીજી બાજુથી એ તીર્થયાત્રાએ નીકળેલા યાત્રીનું વૈષ્ણવત્વ પણ એટલું જ બળૂકુંપ્રમાણિત થાય છે. આવાં સ્થાનો ઓછાં ને ઓછાં હોવા છતાં સહૃદયને તરબતર કરી દે છે :’કિશનસિંહ યોગી નહોતા,ભક્ત હતા પણ એમને જોતાં જ હાથ અંજલિ બનીને પ્રણમી રહેતા. એમને બાથમાં સમાવી શકનાર એમના મિત્રો ધન્ય છે, કેમ કે એ એક એવા માણસને ભેટતા રહ્યા હતા જેણે પૃથ્વીલોક સાથેનો હર્યોભર્યો પ્રેમસંબંધ છોડ્યા વિના વિકાસ સાધ્યો હતો, કાયાક્લ્પની એક કલ્પના સાથે ભવિષ્યમાં પગ મૂક્યો હતો.’(પૃ.૩૧)
એવું જ આ બીજું દ્રષ્ટાંત :
‘મડિયા જેવા મુરબ્બી મિત્રો મળવાના હોય તો અજ્ઞેય અને નિષ્ઠુર નિયતિ પાસે મુક્તિના વિકલ્પે જીવન જ માગવાનું ગમે. જોકે જીવનના અંત પછી બીજા કોઈ આરંભની લેશમાત્ર આકાંક્ષા નથી. પણ મડિયા સાથે ચાલવા માટે ફરીથી ઊભા થવાની ઈચ્છા થાય ખરી.’ (પૃ.૩૩)
તો પંડિતજી વિશેનું આ વિધાન :
‘પંડિતજી જતાં જાણે કે સામેથી એક શિખર અદ્રશ્ય થઈ ગયું અને એના અંતસ્તલમાંથી વહેતું ઝરણું જુદી જુદી આંખોમાં ઠરી પાછું વહી ગયું.’(પૃ.૧૯૬)
એ જ રીતે નગીનદાસ પારેખને અપાયેલો આ અર્ધ્ય:
‘જ્યાં એમણે અભિપ્રાય આપવાનો હોય એનો પણ બાધ નથી. આગ્રહ છે સંપૂર્ણ સત્યનો. એની શક્તિના પ્રતાપે, આજે પણ એ ટટ્ટાર બેસીને જવાન લેખકોથી પણ વધુ કલાક કામ કરે છે. કરોડરજ્જુ સાથે પણ સમાધાન ન કરનાર આ લેખકને, એમના સમયમાં હોવાના અહોભાગ્ય અને એમનું વાત્સલ્ય પામ્યાના અભિમાન સાથે, ચોથી પચીસીના બાકી વંદન પણ અગાઉથી.’(પૃ.૭૦)
અહીં આલેખાયેલાં ચરિત્રોમાં જે-તે વ્યક્તિઓની પ્રશંસા કે નિંદા નથી. છે એ વ્યક્તિઓની વિલક્ષણતાનો આલેખ. નીચેના દ્રષ્ટાંતો એની પ્રતીતિ કરાવે છે :
‘જયંતિભાઈ સરલ ઉદાર હૃદયના સજ્જન હતા. સરલ એટલે બાળક જેવા સરળ અને તોય સંકુલતા સહિતના સરલ. સરલ થવું એ સરલ નથી. આથી જ જયંતિભાઈમાં સાહસ હતું પણ તે નિઃસ્વાર્થ સાહસ. નિર્દોષ સાહસ. અભયનું સાહસ. જે ભયો – આક્રમકતા, ક્રૂરતા,દ્વેષ, વેર, હિંસા આદિ – સર્જે છે એની પ્રત્યે પણ એમનામાં અભય હતું. અભયનું સાહસ હતું. એથી એ એક વીર્યવંત વીરપુરુષનું જીવન જીવી ગયા, પ્રતીતિનું જીવન જીવી ગયા. જીવવું તો પોતાની શરતે જીવવું. કોઈનીયે શેહશરમ વિના જીવવું. નિઃસંકોચ, નિશ્ચલ, નિર્ભય જીવવું. મરદાનગીથી જીવવું. મુક્તજીવવું. મૃત્યુમાં જીવવું, મરજીવવું.’ (પૃ.૪૯)
જયંતિ દલાલની આ વ્યક્તિગત વિલક્ષણતા એની સિદ્ધિ ઠરે છે એ જુદી વાત. દલાલ પ્રત્યેનાં લેખકના આદર મિશ્રિત પ્રેમને લઈને અહીં જાણે એક શ્વાસે, વણથંભી શૈલીમાં લેખક ઉદ્ગારી ઊઠ્યા છે દલાલની વ્યક્તિમત્તાની ખાસિયતો.
તો આ છે હરિવલ્લભ ભાયાણી સાહેબની ખાસિયત:
“જનારને આદર આપવો, જે છે એનો અનાદર ન થાય એ જોવું અને આંગણે લીલા કરતા શિશુલોકને વચ્ચે વચ્ચે પ્રેમથી જોઈ લઈને પોથી પંડિતો સાથે કામ પાડવું એ એમનો સ્વભાવ છે.’ (પૃ.૧૩૨)
અનેક સ્થાને ગદ્યનો લય ચરિત્રની ખૂબીઓની અભિવ્યક્તિ સાથે સંયોજાઈ ને શૈલીની મૌલિકતા સિદ્ધ કરે છે : ‘નગીનભાઈ સમજ્યા વિના એક શબ્દ પણ પાડે નહીં તેમ રાવળસાહેબ વાંચ્યા વિના બોલે નહીં. અતિશયોક્તિ કરે નહીં, અલંકારો વાપરે નહીં. કૃતિ વિષે કદાપિ વ્યંગ કરે નહીં, કૃતિ વિશે કદાપિ વ્યંગ કરે નહીં, ક્યારેક તો એક જ વાક્યમાં આખી વાત કહી દે. એમનું એક વાક્ય એક ફકરાનું પણ હોય. તેથી એ ફકરામાં એકવાક્યતાનો ગુણ તો હોય જ. એમાં વિશેષણો જ નહિ, ક્રિયાવિશેષણો પણ હોય તેથી ફકરો વજનદાર હોય. એમાં રહેલા રાવળ સાહેબનાં સહૃદયધર્મને કોઈ વિધર્મી એક ફૂંકે ઉડાડી દે એ વાતમાં માલ નહિ.’(પૃ.૧૬૭)
ભાષાનું પોત ને અલંકારો જે તે વ્યક્તિત્વો સાથે કેવાં તો વણાઈને આવે છે !
‘એમના વિનાના અમદાવાદના એ વિસ્તારમાં પગ મૂકવો. એટલે વાતશૂન્ય અવકાશમાં શ્વાસ લેવા પ્રયત્ન કરવો. (પૃ.૫૬) આમ કહીને થયેલા દલાલના વ્યક્તિત્વનો અનન્ય મહિમા સહૃદયના ચિત્તમાં કસક પેદા કરે છે.
વાતચીતની શૈલીમાં, કલમના એક લસરકે દલાલને કોનું ઉપમેય બનાવી દીધા એ તો જુઓ ! : ‘એ અમદાવાદના જાણકાર હતા, ચાહક હતા, એથેન્સમાં જેમ સોક્રેટિસ હતા.’(પૃ.૪૧)
તો ક્યાંક આલેખાતાં ચરિત્રની લગોલગ લેખકની લાક્ષણિકતા પણ છતી થઇ જાય છે :
‘એક દિવસ હું શહેરમાંથી આવું. બસમાં નિરંજન ચડ્યા. મેં ઊભા થઈને મારી બેઠક એમના માટે ખાલી કરી. એમણે ના પાડી. હું એમને આગ્રહ કરું ને એ મને સમજાવે. કોઈ પાછું ન પડ્યું. હું પણ ઊભો જ રહ્યો. મારી જગાએ કોઈક બીજું બેસી ગયું. નિરંજન અને અમદાવાદનો એક સાથે પરિચય થયો.’(પૃ.૭૧)
અહીં રઘુવીરની માર્મિક શૈલી એના નર્મને લઈને અણીયાળી ન બનવા છતાંચોટદાર સિદ્ધ થાય છે. અહીં વ્યક્તિત્વોના આલેખમાં નર્મ- મર્મ જરૂર છે પણ વ્યંગ ભાગ્યે જ આલેખાયો છે. ને જ્યાં આલેખાયો છે ત્યાં પણ આખરે તો નર્મમાં રૂપાંતરિત થઈ શક્યો છે. સુરેશ જોશીનાં ચરિત્રમાં આવાં ઘણાં સ્થાનો જડે. એકાદું ચાખતાં સાંપ્રત કાલસંદર્ભમાં એને માણીયે શકાય : ‘ટીકા એમનો સ્થાયી ભાવ હતો અને જ્યાં એ નાયક હોય ત્યાં વિરોધ નામનો રસ સર્જાતો.’.. ‘એ જ્યાં હોય ત્યાં નાયકથી સહેજ પણ ઊતરતા સ્થાને હોય નહીં. રહી શકે નહિ. ગમે તે ક્ષણે બધાં સૂત્રો એમના હાથમાં આવી જાય. એ કોઈ પણ લેખક પર કટાક્ષ કરી શકે અને એ પણ જનોઈવાઢ ! આ કામ લીલયા થયું હોય કે અહિંસક લાગે.’ (પૃ.૨૦૭-૨૦૮)
આ સૌ ચરિત્રો સાથે લેખકનો કેવો તો અંગત નાતો છે એનો પરિચય પણ અવારનવાર સાંપડે છે. રસિકલાલ પરીખની અવસાન વેળાએ લેખકની વેદના અધિકારનાં ભાવમાં આ રીતે પરિણમે છે :
‘પહેલી નવેમ્બર ૧૯૮૨ની સવારે એમણે વિદાય લીધી. જ્યોતિષની દ્રષ્ટિએ દિવસ ચોખ્ખો હતો. શરદપૂનમ હતી. એમની પૌત્રી ઈશિતા ગરબો કરવાની હતી. ચંદ્ર સોળે કળાએ ખીલવાનો હતો. આટલો ભાગ જરા બાકી રહી ગયો. એમની રસિકતા એવી હતી કે એ માટે પણ એમણે ફરી અવતરવું જોઈએ, મુક્તિનો હક જતો કરીને પણ.’(પૃ.૧૫૩)
ડૉ. પ્રબોધ પંડિત, હરિવલ્લભ ભાયાણી, નિરંજન ભગત, રાજેન્દ્ર શાહ, રાવજી વગેરે ચરિત્રો વિરલ અભ્યાસ લેખો તરીકે જોવા જેવા છે. બચુભાઈ રાવત વિશેનો લેખ વિશિષ્ટ શૈલીમાં લખાયો છે. સમગ્ર કૃતિમાં જયંતિ દલાલ ને મડિયા વિષયક ચરિત્રો શ્રેષ્ઠતમ કહેવાનું મન થાય એવા છે. અહીં એકેય નારીચરિત્ર મુકાયું નથી જેની ખોટ ‘તિલક કરે રઘુવીર’માં અલબત્ત, પુરાઈ છે.
મડિયા વિશેના ચરિત્રલેખમાં ઉમાશંકરનું અવતરણ ટાંકતા રઘુવીર નોંધે છે તેમ, ‘લેખક ઉમાશંકર હોય તોપણ વિષય તરીકે મડિયા જોઈએ.’- આ વિધાન આ સંગ્રહનાં તમામ ચરિત્રોના સંદર્ભમાં રઘુવીરને લાગુ પાડી શકાય તેવું છે. આ ચરિત્રોને આ રીતે રઘુવીર જ જોઈ – આલેખી શકે. વડેરા વિદ્વાન સમકાલીનોને એમના જ સમયમાં રહીને, એમની પ્રતિભાથી બિલકુલ અંજાયા – ઓઝપાયા વિના એમના પ્રકાશને પોતાની દ્રષ્ટિમાં ઝીલીને એમને સૌ માટે આ રીતે વેરવાનું – વહેંચવાનું વિરલ કર્મ આચરીને લેખકે આખરે તો પોતાની ક્ષમતા જ સિદ્ધ કરી છે.
‘સહરા માત્ર ભૂગોળમાં જ નહીં. દરેક માનવીને હૈયે છે’ તેમ જ ‘માણસોનાં હૈયારણોમાં સહરાની ભવ્યતા જોવા મળતી નથી.’એવા ઉમાશંકરનાં વિધાનના સંદર્ભમાં પૂરક અભિપ્રાય તરીકે લેખક નોંધે છે તેમ, એ ભવ્યતા એમને દ્લાલમાં દેખાયેલી. લેખકને વર્તાયુ છે તેમ ‘મને એમ છે કે સર્જકનું સંવેદન જગતાના ઉધાર પાસાને વધુ ત્વરાથી ઝીલે છે. પલાયાનવાદીઓ, સીનિકો, નખશિખ નાસ્તિકોને શોધવા જનારે પહેલાં કલાકારોની દુનિયામાં ડોકિયું કરવું. સમૃદ્ધિ નકારાત્મક પણ હોઈ શકે, ફકીરોમાં હોય તેવી. જેનો ખાલીપો વિશાળ હશે એણે આખા આકાશને ધાર્યું હશે. જ્યાં વિશ્વ સમગ્રની છાયા – છબિ ઝિલાય એ સહરાને હું ભવ્ય કહું છું.’ (પ્રસ્તાવના)
અહીં ‘સહરાની ભવ્યતા’ સર્જકની અંજલિમાં પૂરેપૂરી ઝિલાઈ છે. અહીં આલેખાયેલાં ચરિત્રનું બિંબ લેખકના હૃદયસરમાં જે રીતે પ્રતિબિંબાયું છે તે આ કૃતિને વિરલ ચરિત્ર કૃતિ સિદ્ધ કરે છે.
સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી કોલમ ‘વાચનથાળ’
ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
સિવિલ સોસાયટીની અપ્રસ્તુતતા લોકતંત્રના હિતમાં નથી.
નિસબત
ચંદુ મહેરિયા
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના વિજયમાં કેટલાક સિવિલ સોસાયટી જૂથોનું પણ અલ્પ યોગદાન છે. બે એક વરસ પહેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે ભારતની સિવિલ સોસાયટીને યુધ્ધનો નવો મોરચો ગણાવી હતી. રાષ્ટ્રીય પોલીસ અકાદમી, હૈદરાબાદમાં ઈન્ડિયન પોલીસ સર્વિસના નવનિયુક્ત પોલીસ અધિકારીઓની પાસિંગ આઉટ પરેડને સંબોધતા ડોભાલે નવાસવા પોલીસ અધિકારીઓને સિવિલ સોસાયટીથી સાવધાન કર્યા હતા. તેમના મતે દેશની સિવિલ સોસાયટીને ભારત વિરોધી દેશો પાસેથી નાણા મળે છે અને તે રાષ્ટ્રનિર્માણમાં બાધક છે. ડોભાલની ચેતવણીનું રહસ્ય કદાચ હાલના કર્ણાટકના પરિણામમાં રહેલું છે.
સમાજ(સોસાયટી) અસંગઠિત સમૂહ છે તો નાગરિક સમાજ ( સિવિલ સોસાયટી) સંગઠિત સમૂહ છે.બિનસરકારી સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, કામદાર મંડળો, વેપારી મહાજનો, નેટવર્ક, અભિયાનો, ખેડૂત, મહિલા, યુવા, અધ્યાપક, કર્મચારી અને અન્ય વ્યવસાયી સંગઠનો, ધાર્મિક અને ધર્માદા સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ ,નાગરિક આંદોલનો , બૌધ્ધિકો અને કર્મશીલોનો બનેલો નાગરિક સમાજ લોકતંત્રનો પ્રાણ છે. સરકાર કે સત્તાની ઉચિત બાબતનું સમર્થન અને અનુચિતનો વિરોધ કરતા નાગરિક સમાજની જરૂરિયાત સ્વયંસ્પષ્ટ છે.
ગાંધીજીના રચનાત્મક કામો સાથે સંકળાયેલી સંસ્થાઓ દેશી-વિદેશી સત્તાની અયોગ્ય બાબતોનો વિરોધ કરતાં અચકાતી નહોતી. દેશમાં એક તબક્કો વિદેશી સહાય પર નભતી એનજીઓનો આવ્યો હતો. સરકારો તેમના વિદેશી અનુદાન પર ચાંપતી નજર રાખતી હતી. ફોરેન કન્ટ્રીબ્યૂશન રેગ્યુલેશન એકટ (એફસીઆરએ)ની શરતો તેણે પાળવી પડે છે. કોંગ્રેસના નેત્રુત્વ હેઠળની યુપીએ સરકારે એફસીઆરએને કઠોર બનાવ્યો હતો.તે પછી ભાજપ સરકારે તેના આકરા નિયમો ઘડ્યા. અનેક એનજીઓની એફસીઆરએ હેઠળની મંજૂરી રદ થતાં દેશની અડધોઅડધ એનજીઓના વાવટા સંકેલાઈ ગયા છે. તેની અસર નાગરિક સમાજની ભૂમિકા પર પડી છે. જાણે કે સિવિલ સોસાયટી નામમાત્રની જ રહી છે. દિનપ્રતિદિન સંકોચાતી સંકોચાતી અપ્રસ્તુત બની ગઈ હોય તેમ લાગે છે. સિવિલ સોસાયટીનું આ સંકોચન અને અપ્રસ્તુતતા લોકતંત્રના હિતમાં નથી.
નાગરિક સમાજની ભૂમિકા સંઘર્ષની છે તો સેતુની પણ છે. તે સરકાર અને સત્તાને બેલગામ થવા દેતી નથી. લોકોને સરકારની કામગીરી અને યોજનાઓથી વાકેફ કરવાનું કામ અને લોકોની સમસ્યાથી સરકારને માહિતગાર રાખવાનું કામ તે કરતી હોય છે. સિવિલ સોસાયટીની ભૂમિકા સરકારી વહીવટમાં જનભાગીદારી વધારવાની છે. તે વંચિતો, ગરીબો અને અન્ય નબળાવર્ગોને સામાજિક-આર્થિક વિકાસ માટે સંગઠિત કરે છે અને જરૂર પડે સંઘર્ષ પણ કરે છે. વહીવટી તંત્રની મનમાની અને ભ્રષ્ટાચાર અટકાવવામાં, તંત્રને નિરંકુશ ના બનવા દેવામાં, જાહેર કલ્યાણના કામો સમાનતા પર આધારિત હોય તે જોવામાં નાગરિક સમાજની ભૂમિકા મહત્વની છે. પંચાયતી રાજ અને ગ્રામસભાઓને સક્ષમ બનાવીને તે લોકશાહીનો પાયો મજબૂત બનાવે છે.
સિવિલ સોસાયટી હંમેશ સરકારની સાથે ના હોઈ શકે તેમ કાયમ સરકારની સામે પણ ના હોઈ શકે. લોકોનું કલ્યાણ સમાનતા અને પારદર્શિતા ધરાવતા સુશાસનથી થાય તે માટેના તેના પ્રયાસો રહે છે. નાગરિકોના જીવનમાંથી રાજ્યનું આધિપત્ય ઘટાડી, રાજ્ય તથા સત્તાનો નાગરિક જીવનમાં બિનજરૂરી હસ્તક્ષેપ તે ઘટાડે છે. તે લોકોમાં ના માત્ર સામાજિક –આર્થિક, રાજકીય ચેતના પણ જગાડે છે. સ્વાયત્ત છતાં રાજ્ય આધીન નાગરિક સમાજથી સરકારો હંમેશા ડરતી હોય છે. ઈન્દિરા ગાંધીએ લાદેલી આંતરિક કટોકટી, અન્ના હજારેનું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન, નિર્ભયા બળાત્કાર કાંડ, વૃક્ષો અને પર્યાવરણ બચાવ માટેનું ચિપકો આંદોલન, પરમાણુ મથકો વિરોધી આંદોલન, શરાબબંધી માટેના આંદોલન, આતંકવાદની આડમાં કશ્મીર, પૂર્વોત્તર અને નકસલપ્રભાવિત વિસ્તારોમાં લોકદમન , મોટા બંધોના વિરોધથી માંડીને હજુ હમણાના કિસાન આંદોલનમાં નાગરિક સમાજની સક્રિયતા જોવા મળી હતી. નાગરિક અધિકારો, પર્યાવરણ, દલિત-આદિવાસી અધિકારો, મહિલાઓના હક , બાળ અને વેઠિયા મજૂરી, સામાજિક આર્થિક ભેદભાવ અને અસમાનતા જેવા મુદ્દા નાગરિક સમાજના વિશેષ છે.
વર્તમાન કેન્દ્ર સરકાર હોય કે રાજ્યોની કેન્દ્રના સત્તાપક્ષના વિરોધી પક્ષોની સરકારો હોય- કોઈને નાગરિક સમાજનો સત્તા વિરોધ ગમતો નથી. તેથી નાગરિક સમાજ-ખાસ કરીને તેના મુખ્ય ઘટક એવા બિનસરકારી સંગઠનોની –ભૂમિકા સીમિત કે તેના મુખ્ય લક્ષથી પીછેહઠની થઈ ગઈ છે. રાજ્ય, સત્તાપક્ષ કે મુખ્યધારાના નેરેટિવથી વિરુધ્ધની કોઈ વાત શાસકોને પચતી નથી. આમ કરનારાને રાષ્ટ્રવિરોધી માનવામાં આવે છે. તેને કારણે નાગરિક સમાજ વ્યાપક અર્થના રાજકીય કામો કરી શકતો નથી. બંધારણીય મૂલ્યો અને નાગરિક અધિકારોના સંરક્ષણનું કામ રાજસત્તાની પ્રાપ્તિ જેવું રાજકીય કામ નથી પણ સરકારોને તે રાજકીય લાગે છે તેથી તેના પર અંકુશ લાદીને અંતે સિવિલ સોસાયટીને અપ્રસ્તુત કે નબળી બનાવી દે છે.
તાનાશાહોને નમાવવાનું અને સત્તાને પડકારવાનું કામ સિવિલ સોસાયટીએ કરવાનું છે અને કર્યું પણ છે. લોકો શાસનથી કંટાળ્યા હોય, તેમની વાજબી માંગણીઓ ન સ્વીકારાતી હોય, તેમનો શ્વાસ રૂંધાતો હોય ત્યારે નાગરિક સમાજ ચૂપ ના રહેવો જોઈએ. બેજબાનોની જબાન તે નહીં બને તો કોણ બનશે ? પરંતુ તેના પર દેશદ્રોહ્નનો એવો તો થપ્પો લગાવી દેવાયો છે કે તે બોલી શકતો નથી. વળી જે વૈવિધ્ય, ભેદભાવ અને અસમાનતા સમાજમાં છે તે નાગરિક સમાજમાં પણ છે. ખુદ નાગરિક સમાજ પણ એકજૂથ નથી રહી શકતો. અનામત નીતિ અને બિનસાંપ્રદાયિકતાના મુદ્દે નાગરિક સમાજનું વિભાજના તુરત જણાઈ આવે છે. દલિત-આદિવાસી અત્યાચાર જેમ સરકારને તેમ નાગરિક સમાજને પણ કોઠે પડી ગયા છે. તેને કારણે તેની સર્વસ્વીકાર્યતા સામે પ્રશ્નચિહ્ન ઉઠે છે.
નાગરિક સમાજની અસરકારતા ઘટી છે તે માટે તે પોતે પણ મહદઅંશે જવાબદાર છે. તાકતવર સત્તાથી જાણે કે તે ડરે છે. અજિત ડોભાલને લોક્તંત્રમાં લોકો નહીં રાજ્યતંત્ર સર્વોપરિ લાગે કે લોકતંત્રનું હાર્દ મતપેટી ને બદલે તેના દ્વારા ચૂંટાયેલા લોકો દ્વારા ઘડાયેલા કાયદા લાગે ત્યારે તો તે અપ્રસ્તુત જ નહીં નામશેષ થઈ ગયો લાગે છે.
જે સાથે નહીં તે સામે છે અને સત્તા સાથેની અસહમતીને દુશ્મની માનવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના છઠ્ઠી માર્ચ ૨૦૨૦ના ચુકાદામાં ભારતના લોકતંત્રને પાંગરવામાં નાગરિક સમાજની કાયદેસરની અને આલોચનત્મક ભૂમિકા છે અને તેમાં રાજકીય કામગીરી પણ સામેલ છે તેમ રોકડું જણાવ્યા પછી પણ સરકારોનું વલણ બદલાયું નથી.
લોકતંત્રમાં નાગરિક સમાજનું હોવું પ્રખર ધખતી ધરામાં શીતળ સરોવર સમું છે. રાષ્ટ્રીય કે પ્રાદેશિક સત્તા જ્યારે લોકોનો શ્વાસ રૂંધે ત્યારે તેની વહાર કરતી સિવિલ સોસાયટી તાજી હવાની લહેરખી છે. સ્વસ્થ લોકશાહી માટે જીવંત નાગરિક સમાજ આવશ્યક જ નહીં અનિવાર્ય છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
આપણા રોજબરોજનાં જીવનનાં સુખની ખોજનું અર્થશાસ્ત્ર : પ્રકરણ # ૩ – અંશ : ૪
આપણાં જીવનનું પોતાનું અર્થશાસ્ત્ર
પણ સમજવું તો જોઇએ
પ્રકરણ # ૩ – અંશ : ૩ થી આગળ
દિવ્યભાષ સી. અંજારીઆ
આપણી પાસે કયાં અને કેવાં સંસાધનો છે?
આપણા અર્થશાસ્ત્રી મિત્રો કહેતા રહે છે તેમ નાણાં જરૂર બહુ મહત્ત્વનું સંસાધન છે. અર્થવ્યવસ્થાની ગોઠવણી જ એ રીતે કરવામાં આવેલી છે કે આપણાં જીવનનાં ઉદ્દેશ્યો સિદ્ધ કરવા આપણે નાણાનો જ ઉપયોગ કરતાં રહીએ.
પરંતુ જીવનના બધા જ વાંછિત ઉદ્દેશ્યોની સિદ્ધિ માટે નાણાં જ એક માત્ર સંસાધન છે એવું નથી. આપણી પાસે એક બીજું મોટું સાધન છે આપણો સમય. નાણાને કામે લગાડ્યા સિવાય આપણા સમયના યથોચિત ઉપયોગ વડે પણ આપણે આપણાં લક્ષ્યો સિદ્ધ કરી શકીએ છીએ.
આ ઉપરાંત, આપણી પાસે આપણી શારીરિક તાકાત, બૌદ્ધિક શક્તિ અને આપણી કળા કે હુન્નર જેવાં સંસાધનો પણ છે. આ સંસાધનોના ઉપયોગનું એક પરિમાણ સમયનું છે અને બીજું પરિમાણ આપણી તાકાત કે આવડત, અને તેને કામે લગાડી શકવાનું, છે.
અહીં મહત્ત્વની એ વાત યાદ રાખવાની છે કે આપણે માત્ર અને માત્ર પૈસા કમાવા કે વાપરવા માટે જ આપણું જીવન નથી જીવતાં. આપણે બીન-નાણાકીય પ્રકારની પ્રવૃત્તિઓમાં પણ આપણા સમયનું રોકાણ કરી શકીએ છીએ. આર્થિક લાભાલાભનો વિચાર કર્યા સિવાય આપણે કેટલીય શારિરીક, બૌદ્ધિક કે કળાત્મક પ્રવૃત્તિઓ કરતાં જ હોઈએ છીએ ને!
૨૧મી સદીએ આપણને (ડિજિટલ) ટેક્નોલોજિના રૂપમાં એક નવું, અને ઘણું સશક્ત, સાધન આપ્યું છે. ડિજિટલ ટેક્નોલોજિએ આપણા સમક્ષ અનેક નવાં ઉપકરણો મુકવાની સાથે ૨૦મી સદીના કેટલાંય ઉપરકરણોને વધારે સશક્ત અને વધારે સક્ષમ સ્વરૂપે મુકી દીધાં છે. આજે ઘરનો ઉંબર ઓળંગ્યા વિના જ વર્ચ્યુઅલ માર્ગો પર ભમી ભમીને તમે, ગણત્રીની મિનિટોમાં, આખી દુનિયાની સફર કરી આવી શકો છો. ડિજીટલ ટેક્નોલોજી તમને દુનિયાને બીજે છેડે ઉપલબ્ધ કૉલેજમાં ભણવા/ભણાવવાની પણ ક્ષમતા આપી શકે છે. તમને ખુબ ગમતું, પણ પરંપરાગત રીતોથી અપ્રાપ્ય એવું, સંગીત, ચિત્ર, ફિલ્મ કે પુસ્તક દુનિયાને કોઈ પણ ખૂણેથી તમે તમારા મોબાઈલ ફોન પર થોડાંક ક્લિક માત્ર કરીને મેળવી લઈ શકો છો.
નાણાના પ્રભાવને હાવી થવા દેવા સિવાય આપણી પાસેનાં દરેક પ્રકારનાં સંસાધનોને કામે લગાડીએ
આપણે જ્યારે આપણી પાસેનાં કોઈ પણ સાધનને કામે લગાડીએ છીએ ત્યારે તેની નાણાકીય કિંમત ગણી શકવી મુશ્કેલ નથી. પરંતુ, કેટલાંક લોકો જેમ પોતાની દરેક પ્રવૃતિનો હિસાબ નાણામાં કરવાનું પસંદ નથી કરતાં એમ સંસાધનોના વપરાશની પણ દરેક વખતે નાણામાં કિંમત ગણવી જરૂરી નથી. આપણી જિંદગી જીવવાની રીતની, અને જીવન દરમ્યાન કરવાની પ્રવૃત્તિઓની, પસંદ-નાપસંદ એ આપણી મનમરજીની બાબત છે. આપણા બધા નિર્ણયો નાણાને જ ધ્યાનમાં રાખીને આપણે નથી પણ કરતાં. આપણાં જીવનની બધી ખુશીઓનો હિસાબ પણ નાણામાં જ માંડવો જરૂરી નથી. આપણા જીવનના નાણા પથ અને બીન-નાણા પથના માર્ગો એક સાથે જ વહેતા રહે છે. જે સમયે જે યોગ્ય હોય તે પથ પર આપણે એટલી સફર કરી લેતાં હોઇએ છીએ. એ જ રીતે નાણા કેન્દ્રિત અર્થશાસ્ત્ર અને આપણી પોતાની અર્થવ્યવસ્થા એ બન્ને વ્યવસ્થાઓ હંમેંશાં આપણી સામે જ હોય છે. કયા સમયે કઈ વ્યવસ્થા વધારે પ્રસ્તુત છે તે આપણે નક્કી કરીએ છીએ.
જોકે, નાણા કેન્દ્રિત અર્થવ્યવસ્થાના પથ પર જ સફર કરવાના આગ્રહની મનોદશામાં કેળવાયેલા અર્થશાસ્ત્રીઓનો આગ્રહપૂર્વકનો મત રહ્યો છે કે આપણા સમય અને આપણી આવડત કે આપણા પ્રયત્નો કે આપણાં જ્ઞાનની કિંમત હંમેશાં નાણામાં આંકવી જ જોઈએ. તેમનું એ પણ માનવું છે કે, સંસાધનોના વપરાશની આ રીતે નાણામાં અંકાયેલી કિંમતને આપણે પરંપરાગત ખર્ચ અને લાભાલાભનાં વિશ્લેષણની ગણત્રીમાં લઈએ તો એ વિશ્લેષણ વધારે વાસ્તવિક અને વધારે પુરૂં બની રહેશે. દાખલા તરીકે, ગૃહિણી દ્વારા કરાતાં ગૃહજીવનનાં કામોની કિંમત નાણાના પરિપ્રેક્ષ્યમાં જ આંકવાનું તેઓ પસંદ કરે છે !
આપણી આસપાસના સમાજમાં એવા કેટલાય વ્યવસાયો છે જેને આપણે ‘અસામાન્ય’ કહીએ છીએ. જેમકે, દેહવિક્રયનો એક બહુ જ જુનો વ્યવસાય. તેમાં સક્રિય એવી દરેક સ્ત્રી પોતાના હુન્નર અને કળાને વેંચીને માત્ર નાણાં જ કમાવા માગતી હશે? પરંપરાગત અર્થશાત્રીઓ તો એમ જ માને છે. પોતાના પ્રયત્નો કે હુન્નરનાં પ્રોત્સાહક વળતરનાં અપેક્ષિત તેમ જ અન-અપેક્ષિત, આર્થિક તેમજ સામાજિક અને સાંસ્કૃતિક, પાસાંઓના અભ્યાસની અર્થશાસ્ત્રની ‘ફ્રીકોનોમિક્સ’ તરીકે જાણીતી એક શાખા છે. એ શાખાના સિદ્ધાંતોને અનુસરતા અર્થશાસ્ત્રીઓ દેહવિક્રયના વ્યવસાયને કાયદાની માન્યતા આપવાની તરફેણ કરતા રહ્યા છે. તેમનું માનવું છે કે જેમ ગર્ભપાતને કાનુની માન્યતા આપવાથી મહિલા સ્વાસ્થ્ય પર લાંબા ગાળાની સકારક અસરો થઈ એમ જ દેહવિક્રયને કાયદાની માન્યતા આપવાથી પણ થશે. સામાન્ય નાગરિકથી લઈને સમાજશાસ્ત્રીઓ અને ન્યાયવિદો આ બાબતે અનેક પક્ષમાં વહેંચાઈ ગયા છે.
તમાકુજન્ય ઉપાદનો, મદ્યજન્ય ઉત્પાદનો, લોટરી, બંદુકનાં ઉત્પાદન જેવા કેટલાય વ્યવસાયો માટે આર્થિક અને સામાજિક પરિપ્રેક્ષ્યોમાંના અનેક પક્ષોમાં વહેંચાઈ ગયેલી આવી ચર્ચાઓ સમયે સમયે આપણું ધ્યાન ખેંચતી જ રહી છે.
આપણે આપણા મુળ વિષય તરફ પાછાં ફરીએ.
અર્થશાસ્ત્રીઓની દૃષ્ટિએ તો કોઈ પણ વ્યવસાયમાં પોતાનાં જ્ઞાન અને આવડતનો વિનિમય મહત્તમ નાણાકીય વિનિમયમાં કરવો એ તો શુદ્ધ તર્ક છે. તેમનાં સન્નિષ્ઠ મંતવ્ય દરેક વ્યક્તિ પોતાની જે આવડત હતી તેનો ઉપયોગ વધારેમાં વધારે નાણાં કમાવામાં કરે છે. એમ પણ માનવામાં આવે છે કે ગાંઠમાં પુરતાં નાણાંનું હોવું જીવનનાં દરેક સુખની પ્રાપ્તિમાં બહુ ઉપયોગી નીવડી શકે છે.
આટલી ટુંકી ચર્ચામાંથી પણ, ફરી ફરીને, એટલું તારણ નીકળતું જણાય છે કે પરંપરાગત અર્થશાસ્ત્રીઓ હંમેશાં બીનનાણાકીય અર્થવ્યવસ્થાના અસ્વીકારની મનોદશામાં જ રહે છે. એ લોકો બીનનાણાકીય અર્થવ્યવસ્થાને, અને તેની સાથે સંકળાયેલ નિર્ણયકર્તાઓને, અવગણતા રહે છે. એ લોકો સંન્નિષ્ઠપણે માને છે કે બીન-નાણાકીય અર્થવ્યવસ્થાને અનુસરતાં લોકો બિન-તાર્કિક છે, અને તેથી નાણાકીય નફાનુકસાનની તેમને કોઈ ગણતરી જ નથી. પરંતુ જમીની હકીકત તો એ જ છે કે બીનનાણાકીય અર્થવ્યવસ્થાનાં અસ્તિત્વ વિશે કોઈ શંકાને સ્થાન નથી, તેમજ આપણા જેવાં તથાકથિત બિનતાર્કિક લોકો અવગણી ન શકાય એટલી બહુમતીમાં છે. એટલું જ નહીં પણ એ બિનતાર્કિક લોકોના નિર્ણયો તેમની પોતાની નાણાકીય તેમ બિણનાણાકીય અર્થવ્યવસ્થા મુજબના હોય છે. કુટુંબ માટે આપણે જે કંઈ કરીએ છીએ તેને નાણામાં મુલવવાનું, અને તેના નાણાકીય લાભાલાભ ગણવાનું, કહેવું એ આ બહુમતી નિર્ણયકારોની વિવેકબુદ્ધિનું અપમાન પણ છે અને નાણાકીય અર્થવ્યવસ્થાના નિયમોની બહાર પોતાની આગવી અર્થવ્યવસ્થામાં રહેવાની તેમની જીવનશૈલીનું અવમાન પણ છે. અર્થશાસ્ત્રીઓની દૃષ્ટિએ આપણી દરેક પ્રવૃત્તિનાં નાણાકીય મૂલ્યની ગણતરી કરવી જોઈએ એવી માન્યતા ભલે ‘તાર્કિક’ હશે, પણ નાણાકીય અર્થવ્યવસ્થાની બહાર થતા બીન-નાણાકીય નિયમો, અને એ નિયમોની નાણાકીય અર્થવ્યવસ્થા પર સામુહિક સ્તરે થતી અસરોની, સરાસર અવગણના જ છે.
આપણાં જીવનના અનેક તબક્કે, ઘણી વાર, આપણે પરંપરાગત નાણાકીય પ્રાધાન્ય ધરાવતી અર્થવ્યવ્સ્થાની બહાર ગણાય એવા નિર્ણયો લેવા પડતા હોય છે, લેતાં જ હોઈએ છીએ. જીવનને અમુક તબક્કે પોતાની મનપસંદ પ્રવૃત્તિઓ જ કરવા માટે ખુબ ઊંચા પગારોવાળી નોકરીઓ છોડી દેનારાં લોકોના કેટલાય દાખલાઓ આપણી સમક્ષ આવ્યા જ કરે છે. નાણાંથી મળતાં સુખ, સગવડો કે માન-અકરામો કરતાં સંગીત, કળા, સમાજ સેવા જેવી પોતાની મનપસંદ પ્રવૃતિ કરવાથી જે આનંદ, જે સુખ, જે સંતોષ તેમને અનુભવાય છે તેનું કોઈ નાણકીય મૂલ્ય આ લોકો માટે નથી. નાણાકીય વળતર સિવાયની અપેક્ષાથી કરાયેલ અન્ય વ્યવસાયની પસંદગી એ દરેક વ્યક્તિનાં પોતાનાં અંગત સ્વાતંત્ર્ય અને સમજ મુજબ લેવાયેલ, બિનઆર્થિક દેખાતો,વ્યક્તિગત, ‘આર્થિક’, નિર્ણય છે. પોતાનાં જીવનની સુખની એ કેડી પસંદ કરવાનો એ નિર્ણય દર્શાવે છે કે આપણાં સુખની દરેક વ્યાખ્યા નાણાનાં મૂલ્યમાં સીમિત નથી થતી. નાણા સિવાય પણ આપણે ખુશ રહી શકીએ છીએ !
આર્થિક અને બીનઆર્થિક એવાં દરેક શક્ય પરિમાણોના સંદર્ભમાં, ખર્ચાઓ અને તેમાંથી નીપજી શકતા લાભાલાભનાં ગણત્રીઓ
નાણાકીય અર્થવ્યવસ્થાના સંદર્ભમાં જે ખર્ચાઓ માટે સાચું છે તે તેમાંથી નીપજતા લાભાલાભો અને તેમનાં વિશ્લેષણો માટે પણ એટલું જ સાચું છે. અર્થશાસ્ત્રીઓ આપણને થતા દરેક લાભાલાભની ગણતરી નાણાકીય મૂલ્યમાં કરતા હોય છે. જ્યારે એ લાભાલાભોની ગણત્રી નાણામાં ન થાય એમ હોય, કે આપણા જે લાભાલાભો તેમનાં નાણાકીય મૂલ્યાંકન અભ્યાસોનાં માળખામાં બંધબેસતા ન હોય એવા લાભાલાભોને તેઓ ગણતરી ન લેવાનું પસંદ કરતા હોય છે. પોતાનાં કુટુંબમાં માટે કરાતી, કે સખાવતોની ભાવનાથી કરાતી, કે સામુહિક સમાજ સેવાની ભાવનાથી કરાતી દરેક પ્રવૃત્તિઓની નાણામાં કિમત ગણવાનો કોઈ અર્થ આપણને આપણાં વ્યક્તિગત સ્તરે સરતો હોય એવું આવશ્યક નથી.
જોકે સારી વાત એ છે કે, બહુધા, અર્થશાસ્ત્રીઓની નાણાપ્રાધાન્ય મનોદશા અને તેનાથી પ્રેરિત ખર્ચ-લાભાલાભ વિશ્લેષણોની અવગણના કરી લઇએ છીએ.
એ સમયે આપણા માટે બીન-નાણાકીય લાભાલાભ વધારે મહત્ત્વ ધરાવતા હોય છે.
અણીના સમયે આપણી જરૂરિયાત પુરી કરે એવી સેવા આપણા માટે વધારે મૂલ્યવાન હોઈ શકે છે. જેમને આપણે બહુ જ ઝંખતાં હોઈએ તેમને ગમે એટલા સમય અને ખર્ચના વ્યય પછી મળ્યા બાદ એ પળનાં સ્મિતની આપણે મન ઘણી વધારે કિંમત હોઈ શકે છે. આપણી મનપસંદ સામાજિક સેવા સંસ્થામાં સભ્ય તરીકે આપણી સ્વીકૃતિ આપણા માટે વધારે મહત્ત્વ ધરાવતી હોઈ શકે છે. આપણી આવી બધી અપેક્ષાઓ પુરી કરવામાં આપણે ઘણી વાર રૂપિયા પૈસા કે સમય કે મહેનત જેવી બાબતોનાં ખર્ચને ગૌણ ગણતાં હોઈએ છીએ એ સ્થિતિમાં આવી બધી બાબતોમાં આનંદની કે લાગણીનું જે અકથ્ય મૂલ્ય છે તેની સાથે નાણાંનો હિસાબ આપણને કે આપણાં આપ્તજનોને અપમાનજનક લાગી શકે છે.
આમ આપણા જીવનનાં સુખની ખોજ માટે આપણે ‘વૈજ્ઞાનિક’ અર્થશાસ્ત્ર તેમ આપણી અંગત અર્થવયવ્સ્થા એમ બન્ને પ્રકારનાં માળખામાંથી આપણે તે સમયે જે સૌથી વધારે – ઘણીવાર એક સાથે બન્ને પણ – યોગ્ય લાગે તે વિકલ્પની પસંદગી કરી લેતાં હોઈએ છીએ.
આપણી અંગત અર્થવ્યવસ્થાનાં માળખાં અને અંગત અર્થવ્ય્વસ્થામાં નાણાનાં સ્થાન વિશે પણ થોડી વાત કરી લઇએ.
હવે પછી આપણી અંગત અર્થવ્યવસ્થાનું માળખું અને અંગત અર્થવ્યવસ્થામાં નાણાનું સ્થાનની વાત કરીને આ પ્રકરણ પુરૂં કરીશું.
ક્રમશઃ
શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
કટાક્ષચિત્ર
બંસીલાલ વર્મા
કટાક્ષ કે ઉપહાસ દર્શાવતું ચિત્ર. આદિમાનવની પાસે ભાષા કે લિપિ પણ નહોતી ત્યારે ચિત્ર હતું અને એના દ્વારા તે પોતાના વિચારો વ્યક્ત કરતો. જાપાન અને ચીનની ચિત્રલિપિ પણ દર્શાવે છે કે ભાષા કે લિપિની પહેલાં માણસ ચિત્ર દ્વારા પોતાના ભાવો કે વિચારો પ્રગટ કરતો હશે. કદાચ બધી જ લિપિઓનાં મૂળ ચિત્રમાં જ હશે. પોતે જોયેલાં અવનવાં પશુઓ કે પંખીઓ તે બીજાની આગળ ચીતરીને બતાવતો. સત્તર હજાર વર્ષ પહેલાં ફ્રાસી ગુફામાં અને ઉત્ખનનશાસ્ત્રી શ્રીધર વિષ્ણુ વાકણકરના કહેવા પ્રમાણે ગુજરાતમાં એ પહેલાં દોરાયેલાં ચમારડીનાં ગુફાચિત્રો એ સિદ્ધ કરે છે.
પાંચથી છ હજાર વર્ષ પહેલાં રચાયેલી પિરામિડોની શબપેટીઓ પર દોરાયેલાં ચિત્રો અને ચિત્રકથાઓ બતાવે છે કે ત્યારે માણસે ચિત્ર દ્વારા પોતાના વિચારો જ નહિ પણ પોતાના ભાવો, લાગણીઓ, વાર્તાઓ અને મજાકો ચિત્ર દ્વારા રજૂ કરવાની કળામાં પ્રગતિ કરી હતી.
એક શબપેટી પર દોરેલા ચિત્રમાં એક ટેબલની સામસામેની ખુરશી પર એક સિંહ અને એક હરણ માનવીની જેમ બેસીને શેતરંજ ખેલે છે એમાં પંચતંત્ર જેવી કોઈ કથા છે. બીજા એક ચિત્રમાં કુસ્તીના એક દાવનો ગતિક્રમ દસેક ચિત્રણમાં દર્શાવ્યો છે. આજના ‘ઍનિમેશન’ ચિત્રને તે મળતું આવે છે. કુસ્તીના દાવમાં બે પહેલવાનો સામસામે ગોઠવાયા છે, ત્યાંથી માંડીને એક પહેલવાન બીજાને પછાડે છે ત્યાં સુધીનો ક્રમ છે.
બેથી સવાબે હજાર વર્ષ પહેલાં દોરાયેલાં અજંટાનાં ચિત્રોમાંયે મજાક, મશ્કરી કે રમૂજ માટે આલેખાયેલાં અને કંડારાયેલાં બાહુક પાત્રો દર્શાવે છે કે ભારતીયોમાં ચિત્ર કે શિલ્પ દ્વારા આનંદ મેળવવાની પ્રવૃત્તિ થયેલી.

રાષ્ટ્રપિતા ગાંધીજીનું કટાક્ષચિત્ર
(રેખાંકન : આર. કે. લક્ષ્મણ)પ્રાચીન કાળનાં નાટકોમાં વિદૂષકનું પાત્ર ઉમેરાયું એના ઘણા સમય પહેલાં માણસ ભાષા દ્વારા હાસ્ય નિપજાવતો હતો. ચિત્રમાં તો એનો ઉપયોગ થતો જ હતો.
ચિત્ર દ્વારા કટાક્ષનો ઇતિહાસમાં નોંધાયેલો પહેલવહેલો પ્રયોગ તે પ્રૉટેસ્ટન્ટ ધર્મના સ્થાપક માર્ટિન લ્યૂથર દ્વારા રોમન કૅથલિક ધર્મના વડા પોપનો ચિત્ર દ્વારા ઉપહાસ. તેનાથી સત્તરમી સદીના યુરોપના ખ્રિસ્તી સમાજમાં સનસનાટી વ્યાપી ગઈ હતી.
આ ચિત્રમાં માર્ટિન લ્યૂથરે પોપને ઊંધા માથે ભડભડતી નરકની ખીણમાં પડતા બતાવેલા, તેનાથી પોપની આભા તૂટી ગઈ.
આ વાત રોમમાં બની. ઇટાલિયન ભાષામાં આવાં મજાક-મશ્કરીભરેલાં ચિત્રોને ‘કૅરિકેચુરા’ કહેતા. આ ‘કૅરિકેચુરા’ ચિત્રો ફ્રાન્સ પહોંચ્યા; ફ્રેન્ચોએ એને ‘કૅરિકેચર’ નામ આપ્યું અને ત્યાંથી કૅરિકેચર ઇંગ્લૅન્ડ પહોંચ્યું અને એ ‘કાર્ટૂન’ બન્યું. અંગ્રેજીમાં કાર્ટૂન એટલે કાચું ચિત્ર (rough drawing) – ખસરો. આગળ જતાં કાર્ટૂન એટલે કટાક્ષચિત્ર એ અર્થ રૂઢ થયો. હવે કાર્ટૂન શબ્દ કેવળ રાજકીય કટાક્ષચિત્રો માટે જ વપરાય છે. અન્ય વિભાગો માટે અલગ શબ્દ વપરાય છે.

‘કોઈનું બૂરું જોવું નહિ, બૂરું સાંભળવું નહિ અને બૂરું બોલવું નહિ’
કટાક્ષચિત્ર દ્વારા શીખકટાક્ષચિત્રોના પ્રકારો :
(1) કાર્ટૂન : રાજકીય બનાવનો નર્મ-મર્મ, વ્યંગ કે કટાક્ષ વડે ઉપહાસ કરતું ચિત્ર;
(2) કૅરિકેચર : ઠઠ્ઠાચિત્ર. વ્યક્તિનાં ચહેરા-મહોરા અને લક્ષણો, આદતો, અવળચંડાઈઓ વ્યક્ત કરતું ચિત્ર;
(3) પૉકેટ કાર્ટૂન : વર્તમાનપત્રની અંદર એક કૉલમનું, એક કે બે પાત્ર દ્વારા કે વિશિષ્ટ પાત્ર વિના પણ વ્યંગોક્તિ દ્વારા રજૂ થતું ચિત્ર જેમ કે ‘અમદાવાદી’, ‘You Said it’ વગેરે;
(4) સ્ટ્રિપ કાર્ટૂન : ચિત્રપટ્ટી. એકથી વધુ બેત્રણ કે ચાર ચિત્રોમાં સંવાદો દ્વારા, અભિનય દ્વારા હાસ્ય નિષ્પન્ન કરતી ચિત્રપટ્ટી. આ ચિત્રપટ્ટીઓ 4 – 8 – 12 – 16 કે એથી વધુ ચિત્રોમાંયે તબક્કાવાર હોઈ શકે.
કૉમિક્સ : ચિત્રિત પાત્રો દ્વારા, ટચૂકડા સંવાદો સાથે ગમ્મત અને જ્ઞાન પીરસતી 24-32 કે એથી વધારે પાનાંની વાર્તાઓમાં ચિત્રો જ મુખ્ય અને ભાષા ગૌણ હોય છે.
ચિત્રકથા : અડધામાં રામ અને અડધામાં ગામ જેવી પાને-પાને રજૂ થતી વાર્તા અને એને અનુલક્ષીને દોરાતાં વાર્તાચિત્રો એ ચિત્રકથાનું માધ્યમ છે.
ઍનિમેટેડ કાર્ટૂન ફિલ્મ ચિત્ર : છેલ્લે આવે છે ચિત્રિત પાત્રો દ્વારા ઊપસતી, વિકસતી અને વિસ્તરતી ગતિશીલ ફિલ્મ ચિત્રણકથા. દા. ત., વૉલ્ટ ડિઝનીનાં ‘મિકી માઉસ’ કે ‘ડોનાલ્ડ ડક’. ડિઝનીએ આ ક્ષેત્રમાં અદભુત સિદ્ધિ હાંસલ કરી છે. એણે ‘સ્નોવ્હાઇટ ઍન્ડ સેવન ડવાફર્સ’, ‘સ્લીપિંગ બ્યૂટી’, ‘ફૅન્ટાસિયા’, ‘પિનોકિયો’ અને એવી ઘણી પૂર્ણ લંબાઈની ઍનિમેટેડ કાર્ટૂન ફિલ્મો આપી છે.
સ્રોત સંદર્ભ: કટાક્ષચિત્ર : ગુજરાતી વિશ્વકોશ
સંપાદકીય નોંધ:
૧. અહીં મૂકેલ તસવીર માત્ર સાંદર્ભિક પરિપ્રેક્ષ્ય માટે ઉમેરી છે.૨. ગુજરાતી વિશ્વકોશમાં આવરી લેવાયેલ ૧૬૯ વિષયોમાં વિસ્તરેલાં અધિકરણૉમાંથી ચૂંટેલાં અધિકરણો વેબ ગુર્જરી પર રજૂ કરવાના ઉપક્રમના ભાગ રૂપે આ લેખ ‘કલાતત્ત્વ’ વિષયમંથી પસંદ કરેલ છે.આ માહિતી અહીં માત્ર વાચકોની જાણ માટે જ છે તેનો આગળ ઉપયોગ કરતાં પહેલાં એ બાબતની ખાસ નોંધ લેવી ઘટે કે વિશ્વકોશનાં તમામ અધિકરણોના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે. એટલે એ લખાણો કે અધિકરણોનો ઉપયોગ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની પરવાનગી સહિત જ કરવો આવશ્યક છે. તે ઉપરાંત ‘આ લખાણ કે અધિકરણના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે’ તે મતલબનું લખાણ હોવું આવશ્યક છે. -
કાર્ટૂનકથા : [૪]
બીરેન કોઠારી
આ શ્રેણીમાં માત્ર ‘સાહિત્ય’ના વિષયને કેન્દ્રમાં રાખીને ચીતરેલાં કાર્ટૂન મૂકવામાં આવે છે, જે વાર્તા સામયિક ‘વારેવા’માં અગાઉ પ્રકાશિત થઈ ચૂક્યાં છે.
ઊધઈ ઊવાચ


વાર્તાવ્યંગ્ય


(વાર્તામાં, વાર્તાલેખનમાં રસ ધરાવનાર સૌ કોઈને આ વિશિષ્ટ સામયિકમાં રસ પડશે. તેના વિશે વધુ વિગતો તેની સાઈટ https://vareva.co.in/ પર જોઈ શકાશે.)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
કલા સર્કલ દ્વારા મહેંદ્ર શાહની કળા અને કટાક્ષ ચિત્રોની રજૂઆત
મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
