વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • રાજદ્રોહ કાયદાની બંધારણીયતા અને ઉપયોગિતા

    નિસબત

    ચંદુ મહેરિયા

    પાકિસ્તાનની લાહોર હાઈકોર્ટે તાજેતરમાં રાજદ્રોહ કાયદાને ગેરબંધારણીય ઠેરવ્યો છે. જસ્ટિસ શાહિદ કરીમે તેમના ચુકાદામાં પીપીસી(પાકિસ્તાની પિનલ કોડ)ની રાજદ્રોહ સંબંધિત ધારા ૧૨૪-એને મનમાની અને રાજકીય ઉદ્દેશ ધરાવનારી દર્શાવી તેને અમાન્ય અને ગેરકાયદે ઠેરવી છે. ઓકટોબર ૨૦૨૨માં ભારતની સુપ્રીમ કોર્ટે પણ રાજદ્રોહને લગતી ઈન્ડિયન પિનલ કોડ(આઈપીસી)ની કલમો હેઠળ કોઈ ગુનો ન નોંધવા અને રાજદ્રોહ કાયદાની સમીક્ષા કરવા સરકારને આદેશ આપ્યો હતો. ભારતને રાજદ્રોહનો કાયદો જેની દેન છે તે  બ્રિટને ઈ.સ. ૨૦૦૯માં તેને રદ કર્યો હતો.. હવે પાકિસ્તાનમાં તે રદ થતાં ભારત સરકાર પર તેને રદ કરવાનું દબાણ વધશે.

    રાજદ્રોહના કાયદાનો આરંભ સાંસ્થાનિક કાળમાં થયો હતો. ભારતમાં જ્યારે બ્રિટિશ રાજવટ હતી ત્યારે તેમણે આ કાયદો ભારતના લોકો તેમની સામે અવાજ ના ઉઠાવે એટલે ઘડ્યો હતો. ૧૮૯૮માં લોકમાન્ય ટિળક અને ૧૯૨૨માં ગાંધીજી સામે રાજદ્રોહના કાયદા હેઠળ અંગ્રેજોએ ખટલો ચલાવી સજા સુણાવી હતી. ઈ.સ. ૧૮૬૦માં ઈન્ડિયન પિનલ કોડ આવ્યો ત્યારે તેમાં રાજદ્રોહની કલમ નહોતી. પરંતુ ૧૮૭૦માં સુધારો કરીને કલમ ૧૨૪-એ જોડી હતી. એટલે આ કાયદો દોઢસો વરસ જૂનો ગણાય પણ વાસ્તવમાં તો અંગ્રેજ કાયદામાં તે આઠસો પચાસ વરસ પહેલા, ઈ.સ. ૧૨૭૫માં,  દાખલ થયો હતો. તે સમયે રાજા સર્વેસવા હતા. રાજ અને તાજ સામે બોલનારને રાજદ્રોહી ગણવામાં આવતા હતા.

    અંગ્રેજો તરફથી વારસામાં મળેલો રાજદ્રોહ કાનૂન આઝાદ ભારતમાં પણ અમલમાં છે. ભારતીય ફોજદારી ધારાની કલમો ૧૨૧, ૧૨૧-એ, ૧૨૨,૧૨૩, ૧૨૪ અને ૧૨૪-એમાં રાજદ્રોહની જોગવાઈ છે. પરંતુ સૌથી આકરી જોગવાઈઓ કલમ ૧૨૪-એમાં છે. બોલાયેલા, લખાયેલા, ઈશારા કે પ્રદર્શનમાં વપરાયેલા શબ્દો દ્વારા સરકાર વિરુધ્ધ નફરત ફેલાવવી કે તે માટે ઉશ્કેરવા કે સરકારનું અપમાન કરવું  તે ૧૨૪-એ હેઠળ રાજદ્રોહ ગણાય છે. આ ગુનો બિનજામીનપાત્ર તો છે જ તેની સજા આજીવન કારાવાસ સુધીની છે. એટલે સરકાર ટીકાકારોને ચૂપ કરવા, પરેશાન કરવા અને ડરાવવા  રાજદ્રોહ કાયદાની  આ કલમોનો મનમાન્યો અર્થ કરીને વિપક્ષના નેતાઓ, પત્રકારો, કલાકારો, કર્મશીલો, વિધાર્થીઓ અને સરકાર સામે અસંમત એવા ઘણા બધા સામે ગુનો નોંધે છે. પોલીસ દ્વારા સરકારો રાજદ્રોહના કાયદાનો ઉપયોગ કે દુરપયોગ કરે છે અને જૂઠ્ઠા કેસ નોંધે છે.

    અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને અસંમતિનો અવાજ તો લોકતંત્રનું અનિવાર્ય અંગ છે. પરંતુ સરકારો તેમની એટલી જ આલોચના  સહન કરે છે જે તેના પ્રત્યે ઉગ્ર અંસંતોષ ના જન્માવે. સરકારને જે વ્યક્તિ કે વાત અસહજ હોય છે તેને દેશદ્રોહી અને ગુનેગાર ઠેરવવા આ કાયદાનો મોટાપાયે ઉપયોગ થાય છે. છેલ્લા દાયકામાં આ કાયદા હેઠળની ફરિયાદોમાં આશરે પચીસ ટકાની વૃધ્ધિ થઈ છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોની માહિતી પ્રમાણે ડિસેમ્બર ૨૦૧૯ થી માર્ચ ૨૦૨૦ના નાગરિકતા સંશોધન કાયદા વિરુધ્ધના આંદોલન દરમિયાન ૧૯૪ લોકો સામે રાજદ્રોહના કાયદા હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

    કાયદાનો દુરપયોગ થાય છે તે એ હકીકતથી પણ જણાય છે કે ૨૦૧૯માં રાજદ્રોહના કેસમાં ૯૬ ધરપકડો થઈ હતી.પરંતુ માત્ર બે જ દોષિત સિધ્ધ થઈ શક્યા હતા.  ૨૦૧૪ થી ૨૦૨૦માં રાજદ્રોહના માત્ર ચાર જ કેસ સાબિત થઈ શક્યા છે.એટલે સરકાર દંડિત કરવાના બદલે આલોચકો અને વિરોધીઓને વધુ તો પરેશાન કરવા  માંગતી હોવાનું જણાય છે.

    જે કાયદાનો ઉપયોગ બ્રિટિશરોએ ગાંધી અને ટિળક સામે કર્યો હોય તે સ્વતંત્ર ભારતમાં કઈ રીતે અસ્તિત્વમાં હોઈ શકે ? તેવો સવાલ થવો સહજ છે. પરંતુ નહેરુએ જેટલા જલદી આ કાયદાથી મુક્તિ મેળવીએ એટલું સારું છે એમ કહ્યા પછી પણ તેને દૂર કર્યો નહોતો. પંચોતેર વરસની આઝાદી અને ચૌદ વડાપ્રધાનો છતાં દરેક્ને જાણે કે આ કાયદાનો ઉપયોગ કે દુરપયોગ કરવાની સત્તા અને શક્તિ છોડવા નથી.એટલે રાજકીય ઈચ્છાશક્તિના અભાવે આ કાયદો આજે પણ કાયદાપોથીમાં છે.

    સર્વોચ્ચ અદાલતે ૧૯૬૨ અને ૧૯૯૫માં રાજદ્રોહ કાયદાની સમીક્ષા કરીને તેને ચાલુ રાખ્યો છે. પરંતુ હવે તેનું વલણ બદલાયેલું જણાય છે.  આ કાયદા હેઠળ પોલીસને નવી કોઈ એફઆઈઆર(ફર્ટ ઈન્ફરમેશન રિપોર્ટ) નોંધવા પર પ્રતિબંધ લાદીને તેણે તેનું વલણ જણાવી દીધું છે. જોકે સુનાવણી દરમિયાન એટર્ની જનરલની દલીલો મારફત કેન્દ્ર સરકાર કાયદો રદ કરવાના પક્ષમાં ના હોવાનું જણાયું હતું. લાહોર હાઈકોર્ટના ચુકાદા અને બ્રિટને સવા દાયકા પૂર્વે તેને રદ કર્યા પછી કે પત્રકારોના કિસ્સામાં તેમની સ્વતંત્રતા રક્ષિત હોવાના ચુકાદા પછી તો તેની કાયદેસરતા કે બંધારણીયતા ચકાસવાની રહેતી નથી.

    બીજા ઘણા કાયદાની જેમ રાજદ્રોહનો કાયદો પણ આપણને અંગ્રેજો તરફથી વારસામાં મળ્યો છે. એટલા માટે જ તે રદ ન કરાય એવી દલીલ સ્વીકારી એ તો અંગ્રેજોએ ભારતીયો પર દમન માટે ઘડેલા કાયદાની લોકતાંત્રિક દેશમાં હવે શું જરૂર ? શા માટે સરકારો પોતાના લોકોથી જ સલામતી ચાહે છે અને ડર અનુભવે છે ?  તેવો પ્રતિપ્રશ્ન થઈ શકે છે.

    ના માત્ર સરકાર લોકો પણ કેટલાક કાયદાઓનો ખોટો ઉપયોગ કે દુરપયોગ કરે જ છે. એટલે કાયદાનો દુરપયોગ તેની નાબૂદીનું કારણ બની શકે ખરું ? મીસા અને પોટા જેવા કાયદા તેના વ્યાપક દુરપયોગને કારણે જ સંસદે રદ કર્યા હતા. સેડિશન લૉ પણ એ જ શ્રેણીનો કાયદો છે એટલે દુરપયોગના કારણે પણ તે રદ થવો ઘટે. આ કાયદાના ઉપયોગ પાછળની સત્તાધીશોની માનસિકતા સાંસ્થાનિક છે. તે લોકોને રૈયત સમજે છે. તેથી પણ તે નાબૂદ થવા પાત્ર છે.

    કેન્દ્રના સત્તાપક્ષે અને કેન્દ્રના વિપક્ષ એવા કેટલાક રાજ્યોના સત્તાપક્ષોએ પણ આ કાયદાનો પોતાની સત્તાના લાભમાં ઉપયોગ કર્યો છે.એટલે રાજકીય પક્ષો કદાચ તેની નાબૂદીનું પગલું ભરશે નહીં. હાલના વડાપ્રધાન અને ઉત્તરપ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી વિરુધ્ધ અપમાનજનક કે ટીકાત્મક બાબતોને લઈને અનુક્રમે ૧૪૯ તથા ૧૪૪ રાજદ્રોહના કેસો નોંધાયા હોય ત્યારે સરાકારો રાજદ્રોહ કાયદો રદ કરે તે શક્ય નથી.

    અદાલતોએ સરકારની ટીકા તે દેશદ્રોહ નથી તેવું વારંવાર કહ્યા છતાં કોઈ સુધારો થતો નથી. વળી રાજદ્રોહ એ સરકારની ટીકા છે. સરકારની ટીકા કરવી કોઈ દેશ વિરુધ્ધનું કે દેશદ્રોહનું કૃત્ય નથી, તેમ સ્પષ્ટ હોવા છતાં રાષ્ટ્રદ્રોહ અને દેશદ્રોહને ઈરાદાપૂર્વક સમાનાર્થી કે પર્યાયવાચી શબ્દો ગણી લેવાયા છે. એટલે આ કાયદાના ભાવિ માટે હવે તો એક માત્ર આશરો ન્યાયતંત્ર જ છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ગુલઝારની ઉર્મિશીલ યાદોના પ્રવાહની સફર – રમત, રમતિયાળપણું અને સલીલદા!

    હરેશભાઈ ધોળકિયાએ રજૂ કરેલ ગુલઝારની યાદદાસ્તોનાં પુસ્તક ‘એક્ચ્યુઅલી.. આઇ મેટ ધેમ ….  મેમ્વાર’ નો પરિચય આપણે માણ્યો હતો.
    આ પુસ્તકમાંની યાદો બહુ બધાં લોકોને પોતાની અંગ્ત યાદો જેવી લાગી છે. શ્રી બીરેનભાઈ કોઠારીએ અંગતપણાના ભાવને વધારે નક્ક્રર શબ્દદેહ આપ્યો. જરૂર જણાઈ ત્યાં પૂરક માહિતીઓ  કે ટિપ્પ્ણીઓ ઉમેરીને એ પુસ્તકનાં કેટલાંક પ્રકરણોના તેઓએ મુક્તાનુવાદ કર્યા.
    વેબ ગુર્જરીના વાચકો સાથે એ મુક્તાનુવાદોની લ્હાણ વહેંચવા માટે બીરેનભાઈએ પોતાની એ તાસકને ખુલ્લી મુકી દીધી છે.
    તેમનો હાર્દિક આભાર માનીને આપણે પણ ગુલઝારની યાદોને મમળાવીએ.

    બીરેન કોઠારી

     

    એમની પાસેથી કામ લેવું બહુ અઘરું. બીજું બધું જ થાય, સિવાય કે મૂળ કામ. અમે કદીક એમને કોઈ ચોક્કસ ધૂન યાદ કરાવીએ કે તરત જ એ કહે, ‘કરી દઈશું.’ પછી કહે, ‘મેં હમણાં જ કાર ખરીદી છે, ચાલો, આપણે પવઈ ઉપડીએ. ટ્રાયલ રન પણ થઈ જશે અને ટ્રીપ પણ.’ અને અમે બહાર નીકળીએ કે ગીતની વાત હવામાં ઊડી જતી. એ વખતે અમે ‘કાબુલીવાલા’ શૂટ કરી રહ્યા હતા. કલકત્તાની ગલીઓ અને સડકોમાં ટાઈટલ શોટ્સનું ફિલ્માંકન કરીને હું હજી મુમ્બઈ આવ્યો જ હતો. બીમલદા (બીમલ રોય)એ જણાવ્યું કે બે ગીતો રેકોર્ડ થઈ ગયાં છે. તેમણે મને એ સાંભળી લેવા કહ્યું. મેં એ સાંભળ્યાં અને કહ્યું કે મને ભજન ખાસ પસંદ નથી. બીમલદાએ એમની લાક્ષણિક શૈલીમાં ‘હંમ’ કહ્યું અને પછી સલીલદા સાથે એની ધૂન ફાઈનલ કરી લેવા જણાવ્યું. પણ એ ગીત લખવાનું કોણ હતું? પ્રેમ ધવને બાકીનાં ગીતો લખેલાં, પણ હું અચાનક કેમનો વચ્ચે ઝંપલાવી દઉં?

    સલીલ ચોધરી અને ગુલઝારનાં ગીતોની સીડી “મૈને તેરે લિયે હી..” નું કવર – નેટ પરથી – સાંદર્ભિક

    બહુ અસ્વસ્થતા અનુભવતાં મેં સલીલદા (સલીલ ચૌધરી)ને આ મામલે ફેરવિચાર કરવા કહ્યું અને મેં એકરાર કર્યો કે મને એ યોગ્ય લાગતું નથી. સલીલદાએ મને જણાવ્યું કે ખુદ પ્રેમે જ તારું નામ સૂચવ્યું છે, કેમ કે, એનો ‘ઈપ્ટા’ની ટૂરનો કાર્યક્રમ ગોઠવાયેલો છે. બીમલદા એમને જતા રોકી શકે એમ ન હોવાથી, પ્રેમે સૂચવ્યું કે ગીત મારી પાસે લખાવવું. કંઈક રાહત અનુભવતાં હું સંમત થયો. એને ધૂનમાં બેસાડવાનું હતું. બીમલદાએ મને એ બાબતે વારંવાર કહ્યું ત્યારે છેવટે મારે એમને કહેવું પડ્યું કે સલીલદાને એ માટે સમય નથી મળતો. એ કશું ન કરે ત્યાં સુધી….

    એ સમયે રાજન તરફદારની (બંગાળી ફિલ્મ) ‘ગંગા’ રજૂઆત પામેલી અને તેના (સલીલદાએ સંગીતબદ્ધ કરેલા) ગીત ‘આમાય દુબાઈલી રે’ ગીતની મધુરતાથી હું રીતસર ખેંચાતો ગયેલો. થોડા દિવસ પછી હું સલીલદાને ઘેર ગયો. એમના ઘરમાં એક મ્યુઝીક રૂમ હતો. તેઓ નીચલા માળે ટેબલટેનિસ રમી રહ્યા હતા. મેં કહ્યું, ‘સલીલદા, ‘કાબુલીવાલા’ના આ ગીતમાં આપણે ‘આમાય દુબાઈલી રે’ની ધૂન ન વાપરી શકીએ?’ કામની વાત કરીને મેં એમની રમતમાં ભંગ પાડ્યો એટલે સહેજ અકળામણ અને ટાળવાના ભાવથી એમણે કહ્યું, ‘હા, હા. ઠીક છે. ઉપર જઈને કાનુ પાસેથી નોટ્સ લઈ લે.’ એ મુજબ, હું સલીલદાના સહાયક કાનુ ઘોષને મળવા ઉપર ગયો. અમે કામ માટે બેઠા કે થોડી જ વારમાં એક સ્ટેશન વેગન આવવાનો અવાજ સંભળાયો. સલીલદા કોઈ તોફાની છોકરાની જેમ ઉપરની તરફ દોડ્યા અને પિયાનો પર ગોઠવાઈ ગયા. તેઓ એટલી ગંભીરતાથી અને તન્મયપણે બેઠા કે જોનારને એમ જ લાગે કે તેઓ વરસોથી આવી સંગીતસાધના કરી રહ્યા હશે. તેમને બરાબર જાણ હતી કે બીમલદા ક્યારે ઉપર આવશે અને બારણે પહોંચશે. પોતે એ રીતે મગ્ન થઈ ગયા કે જાણે એમને આસપાસ કોણ છે, શું ચાલી રહ્યું છે એની સૂધ ન હોય. અચાનક જ બીમલદા પર નજર પડી હોય એમ એ બોલ્યા, ‘બીમલદા, મને એમ હતું કે આપણે ‘આમાય દુબાઈલી રે’ની ધૂન ‘કાબુલીવાલા’ના આ ગીત માટે વાપરીએ તો કેવું?’ આમ કહીને તેમણે આંખો મીંચી અને પિયાનો પર આંગળીઓ ફેરવવા લાગ્યા. પછી બોલ્યા, ‘હું આવું કંઈક વિચારતો હતો.’ બીમલદા બોલ્યા, ‘કોકને ડૂબાડવા માટે ખાસ પ્રયત્નો કરવા ન પડે, સલીલ! તારું કામ કર.’ આમ કહીને તેઓ ફર્યા અને અકળાઈને ચાલ્યા ગયા. એમની કાર દરવાજાની બહાર નીકળી એ સાથે જ સલીલદા ખુરશીમાંથી જાણે કે ઉછળ્યા, મારી તરફ ફર્યા અને એક કડક શિક્ષકની જેમ બોલ્યા, ‘ગુલઝાર, તારે કાનુ સાથે બેસવાનું છે અને તું જાય એ પહેલાં બધું પતાવી દેવાનું છે.’ કેમ જાણે, આટલા વિલંબ બદલ હું કારણભૂત ન હોઉં! જાણે કે કામને ઠેલવા માટે હું જવાબદાર ન હોઉં! આટલું કહ્યું ન કહ્યું અને તેઓ દાદર ઉતરીને પાછા ટેબલટેનિસ રમવામાં પરોવાઈ ગયા. હું શું બોલું? હું આમાં મૂક પ્રેક્ષક બની રહ્યો હતો. એ ગીત હતું, ‘ગંગા આયે કહાં સે….’


    – ગુલઝાર (ગુલઝાર લિખીત સંસ્મરણો ‘Actually…I met them’ પુસ્તકના એક અંશનો મુક્તાનુવાદ, 2021)


    નોંધ: રાજન તરફદાર નિર્દેશીત બંગાળી ફિલ્મ ‘ગંગા’ (1960) ના ગીત ‘આમાય દુબાઈલી રે’ની ધૂન સલીલદાની હતી, જે મન્નાડેએ ગાયું હતું. આ ગીત અહીં સાંભળી શકાશે.

    ૧૯૬૧માં રજૂઆત પામેલી ‘બિમલ રોય પ્રોડક્શન્સ’ની, હેમેન ગુપ્તા નિર્દેશીત ‘કાબુલીવાલા’નું ‘ગંગા આયે કહાં સે’ ગીત ગુલઝારે લખેલું, જેને સલીલ ચૌધરીએ સંગીતબદ્ધ કરેલું. આ ગીત હેમંતકુમારે ગાયેલું, અને એમાં અસલ બંગાળી છાંટ હતી.
    બન્ને ગીતો બે દિગ્ગજ ગાયકોએ ગાયાં છે, છતાં અંગતપણે એમ લાગ્યું છે કે હેમંતકુમારના સ્વરમાં ગવાયેલું ગીત કંઈક અજબ સ્પંદનો પેદા કરે છે.
    આ ગીતનું ફિલ્માંકન પણ ધ્યાનાકર્ષક બની રહે છે. ગીતનું ફિલ્માંકન એમ.વી.રાજન પર કરવામાં આવ્યું છે. આ ગીતમાં ‘કાબુલીવાલા’ની ભૂમિકામાં બલરાજ સાહની પણ દેખા દે છે.
    બંગાળી ગીતની ધૂન પર ગુલઝારે લખેલા શબ્દો આ મુજબ છે.

    गंगा आये कहाँ से, गंगा जाये कहाँ रे
    आये कहाँ से, जाये कहाँ रे
    लहराये पानी में जैसे धूप-छाँव रे
    गंगा आये कहाँ से, गंगा जाये कहाँ रे
    लहराये पानी में जैसे धूप-छाँव रे

    रात कारी, दिन उजियारा, मिल गये दोनों साये (2)
    साँझ ने देखो रंग रुप के कैसे भेद मिटाये रे
    लहराये पानी में जैसे धूप-छाँव रे …
    गंगा आये कहाँ से, गंगा जाये कहाँ रे
    लहराये पानी में जैसे धूप-छाँव रे

    काँच कोई, माटी कोई, रंग-बिरंगे प्याले
    प्यास लगे तो एक बराबर, जिस में पानी डाले
    लहराये पानी में जैसे धूप-छाँव रे …

    नाम कोई, बोली कोई, लाखों रूप और चेहरे
    घोल के देखो प्यार की आँखें, सब तेरे सब मेरे रे
    लहराये पानी में जैसे धूप-छाँव रे …
    गंगा आये कहाँ से, गंगा जाये कहाँ रे

    लहराये पानी में जैसे धूप-छाँव रे


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • શાશ્વત અગ્રેસરોના દેશમાં

    મોજ કર મનવા

    કિશોરચંદ્ર ઠાકર

    મારા એક પરીચિત વ્યક્તિ મને ઘણા સમયે મળ્યા. તેમની સાથે કેમ છો?, મજામાં જેવી થોડી ઔપચારિક વાતચીત થયાં પછી નીચે પ્રમાણે સંવાદ થયો

    તેમણે  મને પૂછ્યું “આજકાલ કેમ દેખાતા નથી?”

    “થોડા  દિવસથી  હું ઈડર હતો અને એક દિવસ ઈડરિયો ગઢ પણ ચડ્યો હતો.

    “ ખૂબ સરસ,  પણ ઈડરિયા  ગઢનું ચડાણ ખાસ આકરું નથી. હું તો  અઠવાડિયા પહેલા ગિરનાર ચડીને  છેક ગુરુ દતાત્રયના પગલાંના દર્શન કરી આવ્યો.”

    આ ભાઈ એવા લોકોમાંના એક છે જે પોતે કોઈપણ બાબતમાં આપણા કરતા હંમેશા આગળ ને આગળ જ છે એવી પ્રતીતિ આપણને સતત કરાવતા જ રહે છે. તેમની સાથે સ્પર્ધા કરવાનો વિચાર આપણે સ્વપ્નમાં પણ ન કરી શકીએ. આપણી કોઇ વાત કે સિદ્ધિનો પ્રભાવ પણ આપણે તેમના ઉપર કદી પાડી ન શકીએ. વાસ્તવિક્તા ગમે તે હોય તો પણ ઓછામાં ઓછું વાતચીતમાં તો તેઓ અપણાથી હંમેશા આગળ જ રહે છે.

    આ માહાનુભવોને જો તમે  અઠવાડિયા પહેલાં જોયેલા એક મોટા  સાપની વાત કરશો તો તેઓ હકીકતની પરવા કર્યા વિના તરત જ જણાવશે કે બે વર્ષ પહેલા તેમણે કેન્યાનાં જંગલમાં એક મોટા અજગરને પકડેલો. કોઈ ગુજરાતી છાપામાં કે સામાયિકમાં પ્રગટ થયેલા તમારા  લેખ વિશે તમે કશુંક કહેવા જાઓ તો તે તમારી વાત પૂરેપુરી સાંભળ્યા વિના તરત તેમના ‘ન્યુયોર્ક ટાઇમ્સમાં’ કે ‘ટાઇમ મેગેઝિન’માં પ્રગટ થયેલા લેખ વિશે વાત કરશે અને સાથે સાથે દુનિયા આખીમાંથી આવેલા તેમના લેખની પ્રશંસા કરતા પત્રોની વાત પણ કર્યા વિના નહિ રહે.

    હું જ્યારે પ્રાથમિક શાળામાં શિક્ષક હતો, ત્યારે એક એપ્રિલ માસમાં પરીક્ષાની ઉત્તરવહીનું બંડલ લઈને ઘેર જતો હતો. રસ્તામાં એક વડીલ મળ્યા. તેમણે  મારી પાસે શેનું બંડલ છે તેમ પૂછ્યું તો જવાબમાં  મેં પરીક્ષાનાં ઉત્તરપત્રો છે તેમ જણાવ્યું. આ સાંભળીને તેમણે તેમના પુરાણા દિવસો યાદ કર્યા અને  સહેજ પણ ખચકાટ અનુભવ્યા વિના કહ્યું “મારી પાસે કેમ્બ્રીજ યુનિવર્સિટિના પેપરો તપાસવાં માટે આવતાં હતાં”  પછી ઉમેર્યું કે હાવર્ડ યુનિવર્સિટિમાં તો મારી પાસે સમય નથી એમ કહીને મારે દિલગીરી સાથે ના પાડવી પડેલી!

    આ પ્રકારની વ્યક્તિઓ સ્થળ અને કાળથી પર હોય છે. થોડા વર્ષ પહેલા બીજા એક ભાઈ સાથેની વાતચીત દરમિયાન મેં ગ્રામરક્ષકદળમાં બજાવેલી ફરજ બાબતે ગૌરવભેર વાત કરી. પરંતુ મારાં ગૌરવના ચુરેચુરા કરતા તેમણે બીજા વિશ્વયુધ્ધમાં બર્મા મોરચે બ્રિટિશ લશ્કરમાં પોતે બજાવેલી ફરજની વિગતે વાત કરી. આ સાથે  તેમણે પોતાના પગે થયેલી ઇજાનું નિશાન મને બતાવ્યું જેને તેમણે  લડાઇ દરમિયાન પોતાને વાગેલી ગોળીના નિશાન તરીકે ઓળખાવ્યું!  ભાઇની ઉંમર અને બીજા વિશ્વયુદ્ધના સમયને કશો મેળ ખાતો ન હતો છતાં તેમણે એ રીતે બેધડક વાત કરી કે મારી પાસે નિરુત્તર રહેવા સિવાય કોઈ વિકલ્પ ન રહ્યો.

    આ  જ રીતે થોડા વર્ષો પહેલા હું મોરારીબાપુની કથા સાંભળવા ગયો હતો. કથા પુરી થયા પછી ઘરે જતી વખતે બસમાં એક ભાઈ મળ્યા. તેમનો મારે કોઈ પરિચય હતો નહિ. પરંતુ ભાઈ વાતોડિયા હતા આથી વાતની શરુઆત તેમણે મને ક્યાં જઈ આવ્યા એમ પૂછીને કરી. હું મોરારીબાપુની કથા સાંભળીને આવ્યો છું તે જાણીને આનંદ વ્યક્ત કર્યો. મેં પણ મોરારીબાપુની  કથાશૈલી અને રામાયણ વિષેના તેમનાં જ્ઞાનની પ્રશંસા કરી.. આ સાંભળીને ભાઈ મૂછમાં હસ્યા. આ રીતે તેમના હસવા બાબતે મેં જિજ્ઞાસા વ્યક્ત કરી તો તેમણે જણાવ્યું કે મોરારીબાપુને રામાયણમાં કશુંક ન સમજાય તેઓ મને ફોન કરીને પૂછી લે છે!

    આ લોકો સર્વજ્ઞ હોય છે. તેમને તમે દેશનાં રાજકારણ વિષે વાત કરશો તો તેઓ તમારી સાથે એ રીતે વાત કરશે કે પોતે માત્ર ચીન, રશિયા, અમેરિકા કે બ્રિટન અંગે જ નહિ પરંતુ ટ્યુનેશિયા, સ્પેન કે ન્યજીલે‌‌ન્ડનાં રાજકારણ વિષે પણ વાત કરવા સક્ષમ છે તેવું તમને લાગ્યા વિના નહિ રહે. આવું જ ક્રિકેટ કે નાટકસીનેમાનાં તેમનાં જ્ઞાન વિષે તમને લાગશે. તમે સલીમ દુરાનીને જોયાની વાત કરશો તો તેઓ પોતે ઈંગ્લે‌ન્ડમાં જામ રણજિતસિંહ સાથે રમેલા તેમ કહેશે. તમે ક્યારેક રાજકપુરને પ્રત્યક્ષ જોયા વિશે જણાવશો તો તેઓ દિલીપકુમાર અને પોતે એક જ દુકાને પાન ખાવા જતા અને ત્યાં તેમની  હવે પછીની ફિલ્મ વિશે ચર્ચા પણ કરતા એમ સહજ  રીતે કહેશે.  જૂની રંગભૂમિના માસ્ટર છનાલાલને મળ્યાની વાત કરશો તો તેઓ પોતે જયશંકર સુંદરી અંગે વિગતે વાત કરશે, જેમાં સુંદરીજી જે દુકાનેથી સાડી ખરીદતા તે દુકાનનો માલિક તેમનો જિગરજાન મિત્ર હતો તેમ કહ્યા વિના તો નહિ રહે, ઉપરાંત સાડીનો કલર પસંદ કરવામાં તેમણે જયશંકરજીને કરેલી મદદ વિશે પણ કદાચ કહે તો નવાઈ નહિ.

    તત્વજ્ઞાન બાબતે પણ તેઓ પાછા પડશે નહિ. આપણે આચાર્ય રજનીશ વિશે આપણું જ્ઞાન પ્રગટ કરીશું તો તેઓ અમેરિકામાં પોતે જે. કૃષ્ણમૂર્તિ સાથે કરેલી બેઠકોની વાત કરીને આપણને હતપ્રભ કરી શકે છે.

    ભગવાન વેદ વ્યાસ માટે કહેવાય છે કે व्यासोच्छिष्टं जगत्सर्वम् એટલે કે દરેક વિષય વ્યાસજીનો સ્પર્શે પામેલો છે. અપણા આ વ્યાસજીઓ પણ પોતાને દરેક વિષયનું જ્ઞાન કે માહિતી છે તેવી પ્રતિતી આપણને કરાવ્યા વિના નહિ રહે. ફરક માત્ર એટલો કે વ્યાસજીએ કલમ વડે કહ્યું છે જ્યારે આ મિત્રો તેમની જિહ્વાને કામે લગાડતા હોય છે.

    જો વાચક મિત્રોને આમાં અતિશયોક્તિ લાગતી હોય તો તેનો અર્થ એ થાય છે કે તમને આ પ્રકારના વ્યક્તિત્વનો ભેટો કે પરિચય નથી. પરંતુ નેહરુના સમયના ધર્મા તેજાથી શરુ કરીને હાલમાં કાશ્મીરમાં પોતાની ઓળખ એક સત્તાધારી વર્તુળની વ્યક્તિ તરીકેની આપીને કાશ્મીરમાં મહિનાઓ સુધી ઝેડ પ્લસ  સુરક્ષા  મેળવનારથી તો સૌ વાકેફ છીએ જ. આ કલાકારોનાં  પરાક્રમોનું રહસ્ય લોકોને પોતાંની વાણી દ્વરા આંજી નાખવામાં જ છે.

    પરંતુ મેં અગાઉ જે મિત્રોની વાત કરી તેમને ધર્મા તેજા કે અન્ય કોઇ ઠગ સાથે સરખાવવામાં ભારોભાર અન્યાય જ છે. બન્ને વચ્ચે ચમત્કાર કરતા પાખંડી બાબાઓ અને જાદુગરો વચ્ચે હોય છે તેવો તફાવત છે. આ મિત્રોને કોઈ સ્વાર્થ હોતો નથી, નથી તેમને કોઈ આર્થિક લાભ જોઈતો કે નથી કોઈ પદવી જોઈતી. માત્ર જાદુગરની જેમ કલા ખાતર કલાના ન્યાયે તેઓ આપણને અભિભૂત કરતા હોય છે. પોતાના લત્તાથી માંડીને સમગ્ર વિશ્વના પ્રવાહો કે જ્ઞાનથી તે વાકેફ રહેતા હોવા જોઈએ. આપણી વાતને અનુરુપ તેમનાં ભેજામાંથી શીઘ્રતાથી રચાઈને નીકળતી કથા તેમનો એક સર્જક તરીકે પરિચય આપણને કરાવે છે. મોટા સાહિત્યકારો દિવસો સુધી વિચાર કરીને કોઇ કૃતિનું સર્જન કરે છે, પરંતુ આપણા આ મિત્રો પલક માત્રમાં જ કથા રચી શકે છે. તેમની આ પ્રકારની ક્ષમતા અને તેનાથી આપણને મળતાં મનોરંજનને લીધે આપણને તેમનાં પ્રત્યે આદરભાવ જ થવો જોઈએ.


    શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • શબ્દોના સાહિર

    ભગવાન થાવરાણી

    ઉર્દૂમાં ‘ સાહિર ‘ શબ્દનો અર્થ ‘ જાદૂગર ‘ થાય. સાહિર લુધિયાનવી ખરા અર્થમાં શબ્દના, કવિતાના જાદૂગર હતા. એ માત્ર ફિલ્મી ગીતો કે ઉર્દૂ અદબના જ નહીં, વિશ્વ – કવિતાના પણ એક મહત્વના સર્જક હતા. એમના ધર્મનિરપેક્ષ અને મહેનતકશ – તરફી વિચારોના કારણે પણ એ મારા જેવા લાખો – કરોડો પ્રશંસકોના પ્રિયપાત્ર હતા. જેટલા એમની રચનાઓને કારણે ચર્ચામાં રહ્યા એટલા જ એમના પ્રેમ-પ્રકરણોને કારણે પણ, આજીવન કુંવારા રહ્યા હોવા છતાં ! એમના અમૃતા પ્રીતમ સાથેના સંબંધો વિષે રચાયેલું અને દીપ્તિ નવલ – શેખર સુમન અભિનીત નાટક ‘ એક મુલાકાત ‘ અદ્ભુત છે.
    સાઠ અને સિત્તેરના દાયકામાં હિંદી ભાષામાં ખિસ્સાને પરવડે એવા સાહિત્યના પુસ્તકો માટે હિંદ પોકેટ બુક્સનું નામ હતું. સોએક પાનાની પોકેટ બુક એક રૂપિયામાં મળતી. એમણે પ્રકાશિત કરેલ બે પુસ્તકો ‘ ગાતા જાએ બનજારા ‘ અને  ‘ મેરે ગીત તુમ્હારે હૈં ‘ થકી એમના ઘનિષ્ઠ પરિચયમાં આવ્યો. એ પછી એમનો ‘ તલ્ખિયાં ‘ સંગ્રહ પણ પોકેટ બુક સ્વરૂપે આવેલો.
    એમના યાદગાર ફિલ્મી ગીતોનો ઉલ્લેખ માત્ર કરીએ તો પણ આવા ઘણા પાનાઓની જરૂર પડે. સચિન દેવવર્મન, રવિ, મદન મોહન, ખૈયામ, એન. દત્તા અને રોશન જેવા અનેક ગુણી સંગીતકારોએ એમની અસંખ્ય રચનાઓને સુરે મઢી છે. એમની કેટલીય સુપ્રસિદ્ધ નઝ્મો – ગઝલોને એમના રચનાકાળ પછી ઘણા વર્ષે ફિલ્મોમાં લેવામાં આવી, એ રચનાઓની ઉર્દૂ – પ્રચૂરતાનું સરલીકરણ કર્યા પછી ( જેમ કે ‘ કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ ‘ ) . એમની ભાષા – સજ્જતાનો એક પુરાવો એ કે ઉર્દૂ જેટલી જ એ વિશુદ્ધ હિંદીમાં પણ અદ્ભુત કૃતિઓ સર્જી શકતા. ( ફિલ્મ ‘ ચિત્રલેખા ‘ ના બધા ગીતો ) ફિલ્મી ગીતોમાં ‘ જનતાની માંગ ‘ ના અંચળા હેઠળ એમણે ભાગ્યે જ સસ્તા અને બજારુ ગીતો લખ્યા. ફિલ્મી ગીતકારો માટે એમનું મોટું યોગદાન એ કે એમણે પોતાની જિદ્દ અને મક્કમતાથી એમને એમના હક્કનું સ્થાન અને મહેનતાણું અપાવ્યું અને સંગીતકાર સમકક્ષ લાવ્યા. સંગીતકાર કરતાં એક રુપિયો વધારે લેવાની એમની હઠ જાણીતી છે.
    આજે વાત કરવી છે ૧૯૬૩ ની ફિલ્મ ‘ તાજ મહલ ‘ ના સાહિર સાહેબે લખેલા અને રોશન દ્વારા તર્જબદ્ધ કરાયેલા એક સાવ ઉવેખાયેલા ગીતની. અલબત્ત, ફિલ્મી ગીતોના સાચા પારખુ શોખીનોએ આ ગીત અને વિશેષત: એના શબ્દોની નોંધ લીધી જ હશે. મિયા કી તોડી રાગમાં નિબદ્ધ, લતાજી દ્વારા ગવાયેલા અને અભિનેત્રી બીના રોય પર ફિલ્માવાયેલા અને એના ખાલિસ ઉર્દૂ શબ્દોના કારણે અઘરા ભાસતા આ ગીતના અર્થઘટન પર નજર નાખવી ઉચિત રહેશે. પહેલાં એ ગીતના શબ્દો યથાતથ :
    ખુદા – એ – બરતર તેરી ઝમીં પર ઝમીં કી ખાતિર યે જંગ ક્યોં હૈ
    હરેક ફત્તહ – ઓ- ઝફર કે દામન પે ખૂન-એ-ઈંસાં કા રંગ ક્યોં હૈ
    ઝમીં   ભી  તેરી  હૈં  હમ  ભી  તેરે, યે   મિલ્કીયત કા  સવાલ  ક્યા હૈ

     

    યે કત્લ-ઓ-ખૂં કા રિવાજ ક્યોં હૈ, યે રસ્મ-એ-જંગ-ઓ-જદાલ ક્યા હૈ
    જિન્હેં તલબ હૈ જહાન ભર કી ઉન્હીં કા દિલ ઈતના તંગ ક્યોં હૈ
    ગરીબ માંઓં, શરીફ બેહનોં કો અમ્ન-ઓ-ઈઝ્ઝત કી ઝિંદગી દે
    જિન્હેં  અતા  કી  હૈ  તૂને  તાકત,  ઉન્હેં  હિદાયત  કી  રોશની દે
    સરોં મેં કિબ્ર – ઓ- ગુરૂર ક્યોં હૈ, દિલોં કે શીશે પે જંગ ક્યોં હૈ
     
     
    કઝા  કે  રસ્તે  પે  જાને  વાલોં  કો  બચ કે આને કી રાહ દેના
    દિલોં  કે  ગુલશન  ઉજડ ન  જાએં, મુહબ્બતોં કો પનાહ દેના
    જહાં મેં જશ્ન-એ -વફા કે બદલે, યે જશ્ન-એ-તીર-ઓ-તફંગ ક્યોં હૈ..
    ખુદા – એ – બરતર ..
     
     
     
     
    સ્પષ્ટ છે કે આ એક પ્રાર્થના છે તેનો પ્રધાન સુર યુદ્ધનો વિરોધ છે. ધ્રુવ પંક્તિ સહિત ચાર બંધની આ રચનાના પ્રત્યેક બંધનો અર્થ જોઈએ :
    – હે સર્વશક્તિમાન ખુદા, તારી જ સર્જેલી જમીન પર જમીન ખાતર આ યુદ્ધ શાને ? દરેક જીત, દરેક ફતેહનો પાલવ મનુષ્યના રક્તથી રંજિત શાને ?
    – જમીન તારી, અમેય તારા તો પછી વ્યક્તિગત મિલકતનો સવાલ ક્યાં આવ્યો ? આ હત્યાઓ, આ ખુનામરકીની પ્રથાનો અર્થ શું ? આ યુદ્ધ અને આ વિખવાદો શા કારણે ? જેમને સમગ્ર જગત પર કબજો જમાવવાની લાલસા છે એમનું જ દિલ આવું સંકુચિત ?
    – પ્રભુ ! તું ગરીબડી માતાઓ, ભલી-ભોળી બહેનોને શાંતિ અને સ્વમાનનું જીવન આપજે. જેમને તેં સામર્થ્ય અને અપાર શક્તિ આપી છે એમને તું સન્માર્ગનો રસ્તો પણ અજવાળી આપજે. એ લોકોના દિમાગમાં આ ઘમંડ, આ ઉદ્દંડતા શા કારણે ? એમના હૃદયરૂપી આઈનાઓના કાચ ઉપર આ ધુંધળાશ શાને ?
    – જે લોકો વિનાશના માર્ગે છે એમને ત્યાંથી પાછા ફરવાની મોકળાશ આપજે. દિલમાં વસતા હર્યા – ભર્યા ઉપવન ઉજ્જડ ન બને એ માટે ત્યાં પ્રેમની વસાહત વસાવી આપજે. દુનિયામાં પ્રેમ અને ઈમાનદારીના ઉત્સવની ઉજવણીના બદલે આ બંદૂકો અને તીરોનું સામ્રાજ્ય શાને ?
    નોંધપાત્ર વાત એ કે ફિલ્મમાં પરદા ઉપર આ ગીત ખુદ બાદશાહ શાહજહાંની મલ્લિકા મુમતાઝ મહાલ ત્યારે ગાય છે જ્યારે એના ખાવિંદ દ્વારા આદરાયેલા યુદ્ધ અને માનવ- સંહાર જોઈ એનું હૈયું કકળી ઊઠે છે.
    આ ગીતના શબ્દોમાં જે વાત છે, અદ્દલ એ જ વાત સાહિરની સૌથી લોકપ્રિય પ્રાર્થના ‘ અલ્લાહ તેરો નામ ‘ ( હમ દોનોં ) માં પણ છે. એમાં પણ એમણે સેંથીનું સિંદૂર ન ભૂંસાવાની અને મા – બહેનોની આશાઓ અખંડ રહે એવી મુરાદ દર્શાવી છે. ત્યાં પણ એ ઈશ્વરને યાચે છે કે જેમને તેં શક્તિ આપી છે એમને જ્ઞાન પણ આપજે . નરી તાકાતથી કશું નહીં વળે !
    ફિલ્મ ‘ નયા રાસ્તા ‘ ( ૧૯૭૦ ) ના એમણે લખેલા અને મોહમ્મદ રફીએ ગાયેલા ‘ ઈશ્વર અલ્લાહ તેરે નામ ‘ ગીતમાં પણ આવી જ વાત છે.

    આજે વિશ્વમાં ફેલાયેલા યુદ્ધ, તંગદિલી અને ઉન્માદના વાતાવરણમાં આ અને આવા ગીતો સાંભળીને એક દિલાસો મળે છે કે બધું જીતવા નીકળેલા હુંકાર કરતા મનુષ્યને મોડું – વહેલું સત્ય સમજાશે .


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • આનંદોત્સવ

    આશા વીરેન્દ્ર

    દસમા ધોરણમાં ભણતી નેહા આમ તો વર્ષોથી સાઈકલ પર સ્કૂલે આવ-જા કરતી પણ તે દિવસે અચાનક જ આડું કૂતરું આવી ગયું ને એને બચાવવા જતાં એ ધડામ કરતી પડી. બંને કોણીઓ છોલાઈ ગઈ,

    લોહી નીકળવા લાગ્યું ને યુનિફોર્મ ધૂળ ધૂળ થઈ ગયો. એ જેમતેમ ઊભી થવા પ્રયત્ન કરતી હતી ત્યાં એની તરફ એક હાથ લંબાયો અને સાથે જ આવ્યો ઉષ્માસભર અવાજ—‘મે આય હેલ્પ યુ?’ નેહાએ જોયું તો એની જ શાળામાં ભણતો યુવક, ઘઉંવર્ણો વાન અને ભાવવાહી આંખો. એને સંકોચ થયો. આમ અજાણ્યાનો હાથ કેવી રીતે પકડાય? એણે કહ્યું, ‘નો, થેન્ક્સ. હું ધીમે ધીમે મારી જાતે ઊભી થઈ જઈશ.’

    બે-ત્રણ વખત પ્રયત્ન કર્યો છતાં ઊભા ન થવાયું ત્યારે ન છૂટકે એણે ધીમું ધીમું મલકી રહેલા યુવક તરફ હાથ લંબાવ્યો. એણે નેહાને ઊભી કરી, આમતેમ પડેલાં પુસ્તકો ભેગાં કરી આપ્યાં અને સાઈકલનું વાંકું વળી ગયેલું ગવર્નર સરખું કરી આપ્યું.

    ‘થેન્કયૂ વેરી મચ.’સંકોચ અને શરમથી ઝૂકેલી આંખે નેહાએ કહ્યું ત્યારે યુવક એકીટસે એના લજ્જાના ભારથી રતતુંમડા થઈ ગયેલા નમણા ચહેરાને જોઈ રહ્યો હતો.

    હવે તો એ વાતને પંદર-સત્તર વર્ષ થઈ ગયાં હશે. વચ્ચેના ગાળામાં કેટકેટલું બની ગયું? મિલિંદ એમ.બી.એ. થઈ ગયો. નેહાએ એમ.કોમ. કર્યું. જયારે પરણીને જીવનમાં ઠરીઠામ થવાનો વિચાર પાકો કર્યો ત્યારે મિલિંદે પ્રસ્તાવ મૂક્યો, ‘નેહા, મારી સાથે લગ્ન કરવાનું પસંદ કરીશ?’

    ‘મિલિંદ, સાચું કહું તો આ મારા મનની જ વાત છે પણ આજ સુધી હું તને જે કહી નથી શકી એ વાત કહી દઉં કે આપણા લગ્નમાં સૌથી મોટો અંતરાય મારી જ્ઞાતિનો આવે એમ છે. અમે ખ્રિસ્તી છીએ.’

    બધા અંતરાય પાર કરીને ભલે બંનેએ લગ્ન તો કર્યાં પણ મિલિંદની મમ્મી રોહિણીબહેનની સખત નારાજગી વચ્ચે. રમેશભાઈ થોડા ઉદારમતવાદી ખરા એટલે એમણે આ સંબંધનો ખાસ વિરોધ ન કર્યો. વળી એમણે પત્નીને સમજાવવાની પણ ભરપૂર કોશિશ કરી, ‘રોહિણી, આજે ન્યાત-જાતનાં બંધનો તૂટતાં જાય છે. દુનિયા વિશાળ બનતી જાય છે. આપણાં સંતાનો જેમાં રાજી એમાં આપણે પણ ખુશ રહેવું જોઈએ ને આપણે હરીફરીને મિલિંદ અને અભિજિત સિવાય બીજું કોણ છે? અભિને એની પત્ની તો છેક દિલ્હી છે. આપણે રહ્યાં અહીં પૂનામાં. અડધી રાત્રે જરૂર પડે તો મિલિંદ ને નેહા જ કામ આવવાનાં છે…’

    રોહિણીબહેન વચ્ચે જ તાડૂકી ઊઠતાં, ‘હવે તમે દીકરા-વહુની વકીલાત કરવાનું બંધ કરશો? તમે ગમે તેટલું કહેશો પણ આ ખ્રિસ્તીની દીકરી મારા ઘરમાં નહીં જોઈએ એટલે નહીં જોઈએ.’

    મિલિંદ અને નેહા ભલે આટલા મોટા બંગલાને બદલે નાનકડા ફ્લેટમાં રહેતા હોય પણ નેહા દૂર રહ્યે રહ્યે પણ સાસુ-સસરાની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખતી. રોહિણીબહેનની જાણ બહાર રમેશભાઈનો દીકરા-વહુ સાથે સંપર્ક ચાલુ જ હતો અને તેથી જ એક દિવસ સવારના પહોરમાં એમણે ફોન કરવો પડ્યો, ‘મિલિંદ, તારી મમ્મી કાલે દાદરા પરથી પડી ગઈ. હાથે પણ વાગ્યું છે અને પગે તો ફ્રેકચર થયું છે. બે મહિના પગ પ્લાસ્ટરમાં રાખવો પડશે. ત્યાં સુધી પથારીમાં જ રહેવાનું. તમે એમ કરો. ઘર બંધ કરીને રીંકી અને મોન્ટુને લઈને બંગલે જ આવી જાવ.

    ‘પણ પપ્પા, ત્યાં આવવાનું તો કેવી રીતે ફાવે? મારે જૉબ પર જવાનું. બાળકોને સ્કૂલ અહીંથી નજીક પડે અને અહીં નેહાના ટ્યૂશન કલાસિસ પણ ચાલે. આ બધું…’મિલિંદના હાથમાંથી રિસીવર લઈને નેહાએ કહ્યું, ‘પપ્પા, બધું થઈ જશે. તમે જરા ય ચિંતા ન કરશો. પણ હા, ઘર આટોપવા માટે મને અડધો દિવસ જોઈશે. સાંજ સુધીમાં અમે આવી જઈએ તો ચાલશે?’

    ‘હા, હા, બેટા, રસોઈ બનાવવા માટે બહેન તો આવે જ છે એટલે ઉતાવળ નથી.’ બીજા દિવસથી અત્યાર સુધી સૂનો લાગતો બંગલો રીંકી ને મોન્ટુની ધબાધબીથી ગાજવા માંડ્યો. રસોઈવાળી બહેન રસોઈ બનાવતી ને રોહિણીબહેન માટે રાખેલી બહેન એમને નવડાવવાં, કપડાં પહેરાવવાં એ બધું કરતી પણ એને રોહિણીબહેનને માથું ઓળી આપવું કેમે કરીને ફાવતું નહોતું. નેહાએ એ કામ તો પોતાના હાથમાં લીધું જ પણ એ સિવાય સાસુજીને સમયે સમયે દવા આપવી, જ્યૂસ આપવો એવી દરેક વાતનું ધ્યાન રાખતી. રોહિણીબહેનને બાળકોના કલબલાટથી ધમધમતું ઘર ગમતું પણ એમણે નેહાના હાથે બનેલી કોઈ ચીજનો સ્વીકાર નહોતો કર્યો. એમને પથારીવશ થયાને અઠવાડિયું થયું ન થયું ત્યાં રસોઈ બનાવનારી બહેનના પતિને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા.

    હવે ખરી કઠણાઈ શરૂ થઈ. સવારે ચા તો રમેશભાઈએ બનાવી આપી પણ એ આખો દિવસ રોહિણીબહેને ફળાહાર કરીને જ વીતાવ્યો. એક તો આટલી દવાઓ લેવાની ને વળી ભૂખ્યા રહેવાની જીદ. એમની ચિંતામાં સતત નીતરી રહેલી નેહાની આંખો રમેશભાઈના ધ્યાન બહાર નહોતી. રાત્રે સૂવા જતાં પહેલાં તેઓ પત્ની પાસે બેઠા. એમનો હાથ હાથમાં લઈને એમણે કહ્યું, “રોહિણી, આ કઈ જાતની હઠ? કોઈ સ્વાર્થ વિના જે દીકરી તારી મન મૂકીને સેવા કરે છે, એને જ હડધૂત કરવાની? આ જ સમય છે, વડીલ તરીકેની તારી સમજદારી બતાવવાનો. ધર્મ, જ્ઞાતિ ને આભડછેટનું ભૂત મગજમાંથી કાઢી નાંખ તો તું પણ સુખી થશે ને આપણું ઘર નંદનવન બની જશે.”

    આખી રાત રોહિણીબહેને પડખાં ઘસીને કાઢી. મનમાં વિચારોનું તુમુલ યુદ્ધ ચાલતું હતું. નેહાનો નિર્દોષ ચહેરો વારંવાર નજર સામે આવીને એમને પૂછતો હતો, ‘મારો શું વાંક છે? મને તમારી દીકરી નહીં બનાવો?’

    સવારે એમણે બૂમ પાડીને કહ્યું, ‘નેહા, આઠ વાગવા આવ્યા. મને ચા ક્યારે મળવાની છે? ને સાથે કંઈક નાસ્તો પણ લેતી આવજે.’

    ચા-નાસ્તાની ટ્રે લઈને ગયેલી નેહાની લાલ આંખો તરફ જોતાં એમણે કહ્યું, ‘ચાલ, હવે રડવાનું છોડીને મને તારે હાથે ચા પીવડાવ. ને હા, આજે તારાં મમ્મી-પપ્પા, ભાઈ-ભાભી બધાને જમવા બોલાવજે. કારણ પૂછે તો કહેજે કે, અમારે ઘરે આજે આનંદોત્સવ છે. બધાં ભેગાં મળીને ઊજવીશું.’

    નેહા રોહિણીબહેનને ગળે વળગી પડી.


    (રંજના કેલકરની મરાઠી વાર્તાને આધારે)


    સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • સૌભાગ્યનું વિસર્જન/ ભાગ ૨

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    આપણે ગયા અંકમાં જોયુ કે, અન્ય યુવતી સાથે પ્રભુતામાં પગલાં માંડતા કેશવના જીવનને આખરી અંજામ સુધી પહોંચાડવાનો નિર્ણય સુભદ્રા કરી ચૂકી છે. પણ એ કેવી રીતે? તો ચાલો આપણે જઈએ સુભદ્રાની સાથે મંદિરે જ્યાં કેશવ ઉર્મિલા સાથે લગ્નના ફેરા લઈ રહ્યો છે.

    સંધ્યા સમયે આર્ય મંદિરમાં સુભદ્રા પહોંચી. બરાબર ત્રણ વર્ષ પહેલાં એ અને કેશવ લગ્નવેદીની સામે બેઠાં હતાં, એમ એનો કેશવ, એનો પ્રાણવલ્લભ, એનું જીવનસર્વસ્વ ઉર્મિલાની સામે બેઠો હતો. કેશવને જોઈને એ સુધબુધ વિસરવા માંડી. કેટલા અપાર પ્રેમ, કેવી અભિલાષાથી જીવન-પ્રભાતનો ઉદય થઈ રહ્યો હતો! અનન્ય મધુર સંગીત જેવું બધું સુખદ ભાસતું હતું. આ એ કેશવ છે? આજ સુધી એના માટે કેશવ જેવો રૂપવાન, તેજસ્વી, સૌમ્ય, શીલવાન પુરુષ આખા સંસારમાં બીજો કોઈ હતો જ નહીં, પણ આજે એ અહીં બેઠેલા અન્ય પુરુષો જેવો સાવ સામાન્ય પુરુષ લાગ્યો. જેની પર એનો પૂર્ણ અધિકાર હોવો જોઈએ એના પર અન્યનો અધિકાર સ્થાપિત થવા જઈ રહ્યો હતો. એક થાંભલાની આડશે ઊભી એ સ્તબ્ધ બનીને જોઈ રહી.

    મંત્રોચ્ચાર સાથે વિવાહ સંપન્ન થયો. મિત્રોની વધાઈ, સહેલીઓના મંગલગાનની સાથે દાવત શરૂ થઈ. થાંભલાની આડશે ઊભેલી સુભદ્રાની દુનિયા ઉજડી ગઈ. જીવન-સંગીત બંધ થઈ ગયું. જીવન જ્યોતની જાણે રોશની બુઝાઈ ગઈ. સૌ મંદિરમાંથી બહાર નીકળ્યા. પાષાણવત એ પણ નીકળી. રાતનો અંધકાર ઘેરો થવા માંડ્યો, પણ જેનું જીવન અંધકારમય બન્યું હોય એને બહારનો અંધકાર ક્યાં નડે? ઘરનો અતોપતો ભૂલી ગઈ હોય એમ,ઘરની ગલીની બહાર મોડી રાત સુધી રસ્તા પર ભટકતી રહી.

    ******

    હજુ તો માંડ સવાર પડી હતી અને ઉર્મિલા આવી. કોઈ યુવતી એકાગ્ર થઈને શણગાર સજે એમ સુભદ્રા કપડાં સીવી રહી હતી. ઉર્મિલાનું રોમરોમ પ્રેમભાવથી છલકાતું હતું. એને જોઈને સુભદ્રાના હૃદયમાં અનન્ય ભાવ છલકાયા. નાની બહેનને જોઈને રાજી થાય એમ એ દોડીને ઉર્મિલાને ભેટી પડી.

    “કાલે મંદિર કેમ ન આવી?” કવિની કોમળ કલ્પના જેવી લાગતી ઉર્મિલાએ પૂછ્યું.

    “આવી હતી.”

    “કેશવને જોયા? કેવા લાગ્યા?”

    “તારા માટે જરાય યોગ્ય ન લાગ્યા. તું ઠગાઈ ગઈ છું” સ્નેહથી હસીને એણે જવાબ આપ્યો.

    “મને તો એવું લાગે છે કે, મેં એમને ઠગી લીધા છે.” ઉર્મિલા ખીલખીલાટ હસી પડી.

    “એક વાર વસ્ત્ર અને અલંકારથી સજીને આયનામાં તારી છબી જો. સમજાઈ જશે.”

    “ઠીક છે. પણ આભૂષણ હું ક્યાંથી લાઉં? તાત્કાલિક તો એ ના બની શકે ને?” ઉર્મિલા બાળકની જેમ બોલી.

    “હું તને મારા આભૂષણ પહેરાવીશ.” કહીને સુભદ્રા પોતાના અલંકાર લઈ આવી ને તમામ  ઉર્મિલાને પહેરાવી દીધા.

    ઉર્મિલા માટે આ નવો અનુભવ હતો. આયનામાં જોયું તો જાત પર એ મુગ્ધ થઈ ગઈ. એ આટલી સુંદર લાગશે એવી એને કલ્પના નહોતી.

    “કેશવ મને આ રીતે જોઈને મારી પર હસશે. પણ તમારી અનુમતિ હોય તો હું બે-ચાર દિવસ પહેરી શકું?”

    “બે-ચાર દિવસ નહીં  બે-ચાર મહીના માટે પહેરી રાખ.”

    “તમને મારી પર એટલો બધો વિશ્વાસ છે?”

    “હા,” સુભદ્રા બોલી. ઉર્મિલા અત્યંત આનંદપૂર્વક પોતાના ઘરનું સરનામું આપીને ચાલી ગઈ. સુભદ્રા બારી પાસે ઊભી ઊભી એને મોટી બહેન જેવા વહાલથી જોઈ રહી. એના મનમાં ક્યાંય ઈર્ષ્યા, દ્વેષ કે રોષનું નામ-નિશાન નહોતું.

    માંડ કલાક પસાર થયો અને ઉર્મિલા પાછી આવી.

    “માફ કરજો. હું તમારો બહુ સમય લઉં છું. પણ કેશવ તમને મળવા બહાર ઊભા છે.”

    એક ક્ષણ સુભદ્રા અચકાઈ. પછી સ્વસ્થ થઈને અંદર આવવાનો માર્ગ મોકળો કરી આપ્યો. અંદર પ્રવેશતાની સાથે સામે સુભદ્રાને જોઈને કેશવ ચમક્યો. પગમાં અંગારા ચંપાયા હોય એમ બે ડગલાં પાછો ખસ્યો. મ્હોંમાંથી ચીસ નીકળતાં પહેલાં ગળામાં અટવાઈ ગઈ.  શાંત, ગંભીર, નિશ્ચલ એવી સુભદ્રા કોઈ અપરિચિતને જોઈને આવકાર આપતી હોય એમ બોલી.

    “આવો મિસ્ટર કેશવ, ઉર્મિલા જેવી સુશીલ, સુંદર વિદુષી સ્ત્રીને પામવા માટે અભિનંદન. કેશવના ચહેરા પરથી રોનક ઊડી ગઈ. રસ્તો ભૂલેલા પથિકની જેમ ઊભો રહી ગયો. શરમ અને ગ્લાનિથી કેશવનો ચહેરો કાળો પડી ગયો. જ્યારે સુભદ્રા સાથે મુલાકાત થશે ત્યારે. એના આક્ષેપોના જવાબમાં શું કહેશે એ વિચારી લીધું હતું. પત્રમાં શું લખવું એ પણ વિચારી લીધું હતું. પણ સાવ આમ અચાનક મુલાકાત થશે એવું સપનામાંય વિચાર્યું નહોતું.

    સામે ઊભેલી સુભદ્રાની સ્વસ્થતા જોઈને એ વધુ અસ્વસ્થ બન્યો. સુભદ્રાના ચહેરા પર આશ્ચર્ય, દુઃખ કે આઘાતનું એક ચિહ્ન નહોતું. સુભદ્રા એને ધિક્કારશે. નિર્દય કે નિષ્ઠુર કહેશે. ઝેર ખાવાની ધમકી આપશે, એવી બધી આપત્તિને પહોંચી વળવા એણે પોતાની જાતને સજ્જ કરી હતી. પણ એવું કશું ન બન્યું. સુભદ્રાની ગર્વયુક્ત ઉપેક્ષા માટે એ તૈયાર નહોતો.

    અહીંયા ક્યારે અને કેવી રીતે આવી, એનું ગુજરાન કેવી રીતે કરતી હશે એવા અસંખ્ય સવાલોથી ચિત્ત ચંચળ બની ગયું, પણ એક સવાલ ન કરી શક્યો. સ્તબ્ધ બનીને ખુરશી પર ફસડાઈ પડ્યો.

    “એમના પતિ અત્યારે જર્મની છે. બિચારી સંગીત શીખવાડીને, કપડાં સીવીને પોતાનું ગુજરાન કરે છે. એ આવી જાય તો …”

    એનું વાક્ય પૂરું થાય એ પહેલાં સુભદ્રા બોલી,

    “નહીં આવે, એ મારાથી નારાજ છે.”

    “કેમ તું એમના પ્રેમ ખાતર, ઘરબાર છોડીને અહીં રહી છું. મહેનત-મજૂરી કરીને નિર્વાહ ચલાવે છે. છતાં તારાથી એ નારાજ છે? આશ્ચર્ય.” ઉર્મિલાના અવાજમાં સહાનુભૂતિ અને અકળામણ બંને હતાં.

    “પુરુષની પ્રકૃતિ હોય છે જ એવી. બરાબર ને મિસ્ટર કેશવ?”

    ઉપરાઉપરી આવતા આંચકાથી સન્ન કેશવ શું જવાબ આપે?

    “કેશવ સ્ત્રી અને પુરુષ, બંનેને સમાન અધિકાર આપવામાં માને છે.”

    “ડૂબતાને તરણું મળે એમ કેશવે એ તરણું પકડી લીધું.

    “વિવાહ સમજૂતી છે. બંને પક્ષને અધિકાર છે, જ્યારે ઇચ્છે ત્યારે તોડી શકે.”

    “હા હવે તો સભ્ય સમાજમાં પણ આ આંદોલન જોર પકડી રહ્યું છે.” ઉર્મિલાએ પતિદેવની વાતને ટેકો આપ્યો.

    “પણ સમજૂતિ તોડવાનું કોઈ કારણ તો હોવું જોઈએ ને” સુભદ્રાનો શાંત સ્વર પણ કેશવને તીરની જેમ વાગ્યો.

    “જ્યારે કોઈ એકનો અનુભવ એવો હોય કે આ બંધનથી મુક્ત થઈને વધુ સુખી થઈ શકાશે, તો એ કારણ છૂટા થવા માટે પૂરતું છે. જો સ્ત્રીને પણ એમ લાગે કે એ અન્ય પુરુષ સાથે……” કેશવ માંડ બોલવા ગયો અને એની વાત કાપીને સુભદ્રા બોલી,

    “માફ કરજો, મિસ્ટર કેશવ, મારામાં એટલી બુદ્ધિ નથી કે આ વિષય પર હું તમારી સાથે ચર્ચા કરી શકું. મારા મતે આદર્શ સમજૂતિ એ છે, જે જીવનપર્યંત ટકે. હું માત્ર ભારતની વાત નથી કરતી. ત્યાં તો સ્ત્રી પુરુષની દાસી છે. પણ  અહીં ઇંગ્લેન્ડમાં પણ અનેક સ્ત્રીઓ સાથે મારે વાત થઈ છે, એ લોકો પણ છૂટાછેડાના વધતા કેસોથી ખુશ નથી. વિવાહ એની પવિત્રતા અને સ્થિરતાના લીધે સૌથી ઊંચો આદર્શ સંબંધ ગણાય છે. પુરુષોને એ આદર્શ તોડવામાં કોઈ છોછ નહીં લાગતો હોય પણ સ્ત્રીઓ હંમેશા આ આદર્શ નિભાવે છે. હવે પુરુષોનો અન્યાય સ્ત્રીઓને કઈ દિશામાં લઈ જાય છે. એ કહેવાય નહીં.” સુભદ્રાએ ગંભીર અને સંયત શબ્દોમાં પોતાનો અભિપ્રાય આપીને ચર્ચાનો અંત આણ્યો અને ચા બનાવવા ઊભી થઈ.

    ઊભા થતાં કેશવથી પૂછાઈ ગયું, “ તમે અહીંયા ક્યાં સુધી છો?”

    “કહેવાય નહીં.” સુભદ્રાએ એના તરફથી નજર ફેરવીને જવાબ આપ્યો.

    “કોઈ જરૂર હોય તો મને કહી શકો છો.” કેશવે વિવેક કર્યો.

    “આ આશ્વાસન માટે આભાર.” બે હાથ જોડીને સુભદ્રા બોલી.

    એ પછીનો કેશવનો આખો દિવસ બેચેનીમાં પસાર થયો. સુભદ્રા પ્રેમવશ થઈને અહીં એના માટે આવી છે એ ખાતરી થઈ ગઈ. એના ત્યાગ અને વેઠવી પડેલાં કષ્ટનું અનુમાન એ કરી શકતો હતો. જો સુભદ્રા અહીં આવી છે એવી સહેજ પણ જાણ હોત તો એને ઉર્મિલા પ્રત્યે આટલું આકર્ષણ ન થાત. સુભદ્રાને જોઈને એની કર્તવ્યપરાયણતા જાગ્રત થઈ હોત. સુભદ્રાના પગ પકડીને એની માફી માંગવાનું મન અધીરું થઈ ગયું. જેમ તેમ દિવસ પસાર કર્યા પછી ન રહેવાયુ તો કોઈને મળવાના બહાને ઘરેથી નીકળ્યો.

    કેટલા વિચારો, તરંગોથી એનું મન ચંચળ થઈ ગયું. સુભદ્રાને આશ્વાસન આપવા પોતે કહી દેશે કે, એ ખૂબ બીમાર પડી ગયો હતો. બચવાની કોઈ આશા નહોતી, ત્યારે ઉર્મિલાએ જે સેવા-સુશ્રુષા કરી. પણ આ કથાથી સુભદ્રા એને માફ કરી દેશે? એ સાથે રહેવા તૈયાર થશે? પોતે બંનેને એક સમાન પ્રેમ કરી શકશે? જો કે આજે પણ પોતાના હૃદયમાં સુભદ્રાનું સ્થાન ખાલી છે. ઉર્મિલા એ સ્થાન પર આધિપત્ય જમાવી શકી નથી. ઉર્મિલા પ્રત્યેનો પ્રેમ તો એક એવી તૃષ્ણા છે, જે સ્વાદયુક્ત પદાર્થોને જોઈને થાય. એવું કહીને, સુભદ્રાના પગ પકડીને મનાવી લેશે એવા વિચારો સાથે એ પહોંચ્યો.

    પણ સુભદ્રા ન મળી. મકાન માલકણ મળી.

    “એ તો નથી. આજે જ અહીંથી ચાલી ગઈ.”

    “ક્યાં, ક્યારે?” આઘાતથી કેશવ એટલું પૂછી શક્યો.

    “બપોરે.”

    “એનો બધો અસબાબ લઈને ગઈ છે?”

    “અહીં એનું છે કોણ, તે એના માટે મૂકીને જાય? હા પણ, એક પેકેટ એની સાહેલી માટે મૂકીને ગઈ છે. એની પર મિસિસ કેશવ લખ્યું છે. એ આવે તો એને આપવા. નહીં તો એક સરનામું આપ્યું છે એના પર મોકલવા કહીને ગઈ છે.”

    કેશવનું હૃદય બેસી ગયું. એક ભારે શ્વાસ લઈને બોલ્યો.

    “મારું નામ કેશવ છે. મને આપી શકો છો.”

    “તમારા મિસિસ વાંધો લેશે .”

    “તમે કહો તો એને બોલાવી લાવું. પણ સમય ઘણો લાગશે.”

    “ઠીક છે. લઈ જાવ, પણ કાલે મને એક રસીદ મોકલી આપજો.”

    એ પેકેટ લઈને કોઈ ચોર ભાગે એમ કેશવ ભાગ્યો. એમાં શું હશે એ જાણવા વ્યાકુળ થઈ ઊઠ્યો. ઘરે જઈને જોવા જેટલો વિલંબ સહન કરી નહોતો શકતો. પાસેના એક પાર્કમાં જઈને, કાંપતા હાથે પેકેટ ખોલ્યું. પેકેટમાં એક પીળા રંગની સાડી, સિંદૂરની ડબ્બી, કેશવના ફોટા સાથે એક ચિઠ્ઠી હતી. જેમાં લખ્યું હતું,

    “બહેન હું જઉં છું. આ મારા સુહાગની જોડી છે. એનું થેમ્સ નદીમાં વિસર્જન કરી દેજો. તમારા હાથે એના સંસ્કાર થઈ જાય તો સારું. તમારી સુભદ્રા.”

    કેશવની આંખોમાં થેમ્સ નદીના પાણીનું પૂર ઉમટ્યું.


    પ્રેમચંદ મુનશી લિખીત વાર્તાને આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ફિલ્મી ગઝલો – ૩. શકીલ બદાયુની

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    વાત કરીએ જેમનું નામ હમેશા સંગીતકાર નૌશાદ સાથે લેવાય છે એવા ગીતકાર શકીલ બદાયુનીની.

    લોકપ્રિયતા અને ગુણવત્તામાં એ શરુઆતી બે દિગ્ગજો કરતાં સ્હેજેય ઉતરતા નહોતા અને સાહિરની તેમ શુદ્ધ હિંદીમાં પણ ચોટદાર લખી શકતા. હૃદયના ભાવોને બોલચાલની ભાષામાં ઢાળવામાં એમનો સાની શોધવો મુશ્કેલ !

    શકીલની અનેક ગૈરફિલ્મી ગઝલો બેગમ અખ્તર, મલ્લિકા પુખરાજ જેવી ગઝલ ગાયિકાઓએ ગાઈને અમર કરી દીધી છે. નૌશાદની મોટા ભાગની ફિલ્મોમાં એ ગીતકાર હતા જ, પણ રવિ, હેમંત કુમાર, સચિન દેવવર્મન અને વિશેષ તો ગુલામ મોહમ્મદ માટે પણ એમણે સેંકડોની સંખ્યામાં ગીતો લખ્યા. એમના શબ્દોની સાદગી અનુપમ હતી અને એ સરેરાશ ભાવકના મનની આરપાર જતા.

    ૧૯૫૪ની સંગીતકાર નૌશાદ સંગેની એમની ફિલ્મ અમરમાં દસ ગીતો હતા, ધુન અને શબ્દોની દ્રષ્ટિએ એક – એકથી ચડિયાતા. લગભગ બધા જ લતાજીએ ગાયેલા. શકીલ બદાયુનીના સર્જકત્વનો નિચોડ હતો બધા જ ગીતોમાં. એ ફિલ્મની બે ગઝલો પ્રસ્તૂત છે. ( એ જમાનાના અને વિશેષ કરીને નૌશાદના ઘણા ગીતોમાં ગીત શરુ થતાં પહેલાં કોઈ પણ વાદ્યવૃંદના ઉપયોગ વગર એક સાખી આવતી જેને મુખ્ય ગીતના ઢાળ કરતાં અલગ રીતે લખવામાં આવતી. અહીં પહેલી ગઝલમાં પ્રારંભિક બે પંક્તિઓ એવી સાખી છે. )

     

    તમન્ના લુટ ગઈ ફિર ભી તેરે દમ સે મુહબ્બત હૈ
    મુબારક ગૈર કો ખુશિયાં મુજે ગમ સે મુહબ્બત હૈ

     

    ન મિલતા ગમ તો બરબાદી કે અફસાને કહાં જાતે
    અગર દુનિયા ચમન હોતી તો વીરાને કહાં જાતે

     

    ચલો અચ્છા હુઆ અપનોં મેં કોઈ ગૈર તો નિકલા
    અગર હોતે સભી અપને તો બેગાને કહાં જાતે

     

    દુઆએં દો મુહબ્બત હમને મિટકર તુમકો સિખલા દી
    ન જલતી શમ્આ મહેફિલ મેં તો પરવાને કહાં જાતે

     

    તુમ્હીં ને ગમ કી દૌલત દી બડા એહસાન ફરમાયા
    ઝમાને ભર કે આગે હાથ ફૈલાને કહાં જાતે ..

    ફિલ્મ : અમર ૧૯૫૪

    ગાયિકા : લતા

    સંગીત : નૌશાદ

    મજાની વાત એ કે અન્ય એક મોટા ગજાના ઉર્દુ કવિ કતીલ શિફાઈ ( જેમણે હિંદી ફિલ્મો માટે પણ લખ્યું છે અને આ લેખમાળામાં આગળ ઉપર એમની રચનાઓ પણ જોઈશું ) આ જ બહર, કાફિયા અને રદીફમાં એક ગઝલ લખેલી જેને ફરીદા ખાનમ, ચિત્રા સિંગ, ઓસમાણ મીર અને મુન્ની બેગમ જેવા ગાયકોએ અલગ અલગ અંદાઝમાં ગાઈ છે. કોણે કોનામાંથી ‘ પ્રેરણા ‘ લીધી એ પંચાતમાં ગયા વગર સરખામણી માટે એ ગઝલના અલફાઝ પણ જોઈ લઈએ :

    તુમ્હારી અંજુમન સે ઉઠ કે દીવાને કહાં જાતે
    જો વાબસ્તા હુએ તુમ સે વો અફસાને કહાં જાતે

     

    નિકલ કર દૈર-ઓ-કાબા સે અગર મિલતા ન મયખાના
    તો ઠુકરાએ હુએ ઈંસાં ખુદા જાને કહાં જાતે

     

    તુમ્હારી બેરુખીને લાજ રખ લી બાદાખાને કી
    તુમ આંખો સે પિલા દેતે તો પૈમાને કહાં જાતે

     

    ચલો અચ્છા હુઆ કામ આ ગઈ દીવાનગી અપની
    વગર્ના હમ ઝમાને ભર કો સમજાને કહાં જાતે

     

    કતીલ અપના મુકદ્દર ગમ સે બેગાના અગર હોતા
    તો ફિર અપને પરાએ હમ સે પહચાને કહાં જાતે .

     

     

    હવે ‘ અમર ‘ ફિલ્મની બીજી ગઝલ :

    જાને  વાલે  સે  મુલાકાત  ન  હોને  પાઈ
    દિલ કી દિલ મેં હી રહી બાત ન હોને પાઈ

     

    ચાંદની ખિલ ન સકી ચાંદ ને મુંહ મોડ લિયા
    જિસકા અરમાન થા વો બાત ન હોને પાઈ

     

    દિલમેં તૂફાન ઊઠે ફિર ભી ઝુબાં ખુલ ન સકી
    બદલિયાં છા ગઈં બરસાત ન હોને પાઈ ..

     

    ફિલ્મ : અમર ૧૯૫૪

    ગાયિકા : લતા

    સંગીત : નૌશાદ


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • સુરાવલી, સિનેમા અને સ્મૃતિઓ : (૨૭) ગીત અને સિતારા

    {નલીન શાહના અંગ્રેજી પુસ્તક Melodies, Movies and Memories (૨૦૧૬)નો અનુવાદ}

    પિયૂષ એમ પંડ્યા

    ૧૯૩૫મા ન્યુ થીયેટર્સે પાર્શ્વગાનની શરૂઆત કરી તે પહેલાં ૧૯૩૦ના દાયકામાં મુખ્ય અદાકારોએ પોતાનાં ગીતો જાતે જ ગાવાં પડતાં હતાં. પાર્શ્વગાનની આ પ્રથાએ મૂળીયાં જમાવી દીધાં તે પછી ફરજીયાત ગાવું પડતું તેવા અદાકારોએ નિરાંતનો દમ લીધો. આજકાલ દરેક સ્ટાર પોતાના સ્વરને જાહેરમાં મૂકવાની  હિંમત કરી શકે છે, ભલે તેનું વજૂદ ગમે તેવું પણ કેમ ન હોય!

    સિતારાઓના વર્ચસ્વને લીધે સંગીતને ફાયદા કરતાં નૂકસાન વધુ થયું છે. તલત મહમૂદની શ્રદ્ધાંજલીસભામાં આ બાબતે પીઢ સંગીતકાર નૌશાદે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે અમુક અભિનેતાઓએ સંગીત બાબતે પોતાની મરજી ચલાવી ને મખમલી અવાજના એ

    નૌશાદ અને તલત મહમૂદ

    ગાયકનો ભોગ લીધો હતો. રાજેન્દ્રકુમારે નૌશાદ પાસે ફિલ્મ ‘પાલકી'(૧૯૬૭)નું ગીત કલ રાત જીંદગી સે મુલાકાત હો ગયી તલત મહમૂદની જગ્યાએ મહંમદ રફી પાસે ગવડાવવાનો આગ્રહ રાખ્યો હતો. તે જ રીતે મનોજકુમારે ૧૯૬૮ની ફિલ્મ ‘આદમી’નાા ગીત કૈસી હંસી આજ બહારોં કી રાત હૈ માં તલતને બદલે મહેન્દ્ર કપૂરનો અવાજ લેવાની જીદ પકડી હતી.

    જો સિતારાઓનો મૂડ ઠેકાણે રહેતો હોય તો નિર્માતાઓ નવેસરથી રેકોર્ડીંગનો ખર્ચ કરતાં ખચકાતા નહોતા. પરિસ્થીતિની વિષમતા એ હતી કે ત્રાજવું હંમેશાં પરદે ચમકતા કલાકારો બાજુ જ ઢળતું અને સંગીતકારો એ કલાકારોના હાથનું રમકડું બની રહેતા. અલબત્ત, ચંદુલાલ શાહ, વિજય ભટ્ટ, મહેબૂબ ખાન, બીમલ રોય, વી.શાંતારામ અને ગુરૂ દત્ત જેવા દિગ્ગજ નિર્માતાઓ પાસે સિતારાઓ કઠપૂતળી બની ને રહી જતા હતા. બીમલ રોયનો આગ્રહ ન હોત તો એસ.ડી. બર્મને જલતે હૈ જીસ કે લીયે (‘સુજાતા’, ૧૯૫૯) તલત પાસે ન ગવડાવ્યું હોત. એ જ રીતે ગુરૂ દત્તના આગ્રહથી ઓ.પી.નૈયરને ફિલ્મ ‘આરપાર’ (૧૯૫૪)નું ગીત કભી આર કભી પાર  આશા ભોંસલેની જગ્યાએ શમશાદ બેગમ પાસે ગવડાવવાની ફરજ પડી હતી. આ પરથી એવું હરગીઝ ન માની લેવાય કે પહેલાંના જમાનામાં આગળ પડતા કલાકારો પોતાને માટે કોણ પાર્શ્વગાન કરે તે માટે ચોક્કસ પસંદગી નહોતા ધરાવતા. જેમ કે શોભના સમર્થ (‘રામ રાજ્ય’, ૧૯૪૩) રાજકુમારીનો અવાજ પસંદ કરતાં હતાં પણ જો સંગીતકાર અલગ વિચારતા હોય તો તેમનું ચાલતું નહીં. તે સમયે સામાન્ય રીતે નિર્માતાઓ સંગીતની બાબતમાં માથું મારતા નહીં.

    ૧૯૫૦ની ફિલ્મ ‘જાન પહેચાન’માં રાજ કપૂર માટે સ્વર આપનાર શંકર દાસગુપ્તાના જણાવ્યા પ્રમાણે અભિનેતા હકીકતે મુકેશનો સ્વર ઈચ્છતા હતા પણ સંગીતકાર ખેમચંદ પ્રકાશ પાસે તેમનું કંઈ ચાલ્યું ન હતું. પાછળના અરસામાં મુકેશને પોતાનો સ્વર બનાવનાર રાજ કપૂરે ફિલ્મ ‘પ્યાર'(૧૯૫૦)માં કિશોરકુમારના અને ‘દાસ્તાન'(૧૯૫૦)માં મહંમદ રફીના પાર્શ્વગાનનો સહારો લીધો હતો. કારણ એ હતું કે તે સમયે અભિનેતાઓની દાદાગીરી નહોતી ચાલતી અને સંગીતકારો નિર્માલ્ય નહોતા બની ગયા.

    સામાન્ય રીતે સંગીતકાર જે તે ગીતને અનુરૂપ ગાયકને પસંદ કરતા હતા. એક જ પાત્ર માટે બે અલગઅલગ ગાયકોનો સ્વર હોય તેનો વાંધો નહોતો રહેતો. જેમ કે નૌશાદે ફિલ્મ ‘બાબુલ’ (૧૯૫૦)માં નરગીસ માટે અને ફિલ્મ ‘જાદુ’ (૧૯૫૧)માં નલીની જયવંત માટે અલગઅલગ ગીતોમાં લતા મંગેશકરના તેમ જ શમશાદ બેગમના સ્વરનો ઉપયોગ કર્યો હતો, ‘બાઝાર’ (૧૯૪૯) અને ‘મીના બાઝાર'(૧૯૫૦)માં અભિનેતા શ્યામને માટે સામાન્ય રીતે પાર્શ્વગાન માટે રફીનો અવાજ અનુરૂપ હતો. છતાં ફિલ્મ ‘દિલ્લગી'(૧૯૪૯)માં અભિનેતા શ્યામને માટે રફી અને ગાયક શ્યામ કુમારના સ્વરનો ઉપયોગ કરાયો છે. એક જ અભિનેતા માટે બે અલગઅલગ ગાયકોના સ્વરના ઉપયોગને નૌશાદ એ રીતે વાજબી ઠરાવતા હતા કે દર્શકો જાણતા જ હોય છે કે અભિનેતા માટે અન્ય કોઈ ગાઈ રહ્યું છે. આથી અવાજ જે તે ગીતની તરજને અનુરૂપ હોય તો એ બાબતે કશો ફેર ન પડે.

    નાયક દિલીપકુમારને ‘મેલા’ (૧૯૪૮). ‘અનોખા પ્યાર’ (૧૯૪૮) અને ‘અંદાઝ’ (૧૯૪૯) જેવી ફિલ્મોમાં મુકેશનાં ગાયેલાં ગીતો વડે ખાસ્સો ફાયદો થયો હતો. પણ તે પછીના સમયગાળામાં તેમને મહંમદ રફી અને તલત મહમૂદ માટે લગાવ થવા લાગ્યો. એવા સંજોગોમાં તેમને પોતાને માટે મુકેશના સ્વરનો ઉપયોગ કરવા બાબતે શંકા ઉઠવા લાગી.

    દિલીપ કુમાર, તલત મહમૂદ, મુકેશ

    ૧૯૫૩ની ફિલ્મ ‘માશૂકા’ કે જેમાં મુકેશે અભિનય કર્યો હતો, તે પીટાઈ જતાં તેમની ગાયક તરીકેની કારકીર્દિ જોખમમાં આવી ગઈ હતી. ફિલ્મ ‘યહૂદી’ (૧૯૫૮) વખતે મુકેશની લડખડી  ગયેલી કારકીર્દિની આકરી કસોટી સંગીતકારો શંકર-જયકિશન દ્વારા નહીં પણ અભિનેતા દિલીપકુમારની મંજૂરી થકી થવાની હતી. દિલીપકુમાર મુકેશના અવાજ બાબતે શંકાશીલ હતા. પણ તેમણે ગીત સાંભળતાં જ એને અનુમોદન આપી દીધું. તે ગીત યે મેરા દિવાનાપન હે ખૂબ લોકપ્રિય થયું અને મુકેશ ફરીથી ઉપર ઉઠી આવ્યા. વિધીની વક્ર્તા એ હતી કે આમ બનવા પાછળ મુકેશની કૂંડળીમાં બેઠેલા સિતારાઓની નહીં પણ તેમના અવાજને મંજૂર કરનાર ફિલ્મી સિતારાની કૃપાદૃષ્ટિ કારણભૂત હતી!

    ‘જંગલી’ના ગીત ચાહે કોઈ મુઝે જંગલી કહે ની સફળતા પછી મહંમદ રફીને શમ્મી કપૂરના અવાજ તરીકેની નવી ઓળખ મળી, જે જરાયે વાજબી નહોતી. જાણે કે રફીની છબી સિતારાની છબીમાં ભળી ગઈ હતી. એ જ રીતે મેરે સપનોં કી રાની કબ આયેગી તૂ (‘આરાધના’, ૧૯૬૯), યે શામ મસ્તાની (‘કટી પતંગ’, ૧૯૭૦) અને ચિનગારી કોઈ ભડકે (‘અમર પ્રેમ’, ૧૯૭૧) જેવાં ગીતોની સફળતાને કારણે કિશોર કુમાર રાજેશ ખન્નાના અવાજ તરીકે ઓળખાવા લાગ્યા, જાણે કે તે ગાયકની પોતાની કોઈ હસ્તિ જ ન હોય!

    પ્રવર્તમાન સ્થિતિ સિનેઉદ્યોગના પૂરેપૂરા બજારીકરણનું પરિણામ છે. અત્યારની ફિલ્મોનાં ગીતો  સાંભળવા કરતાં જોવાં સારાં.

    નોંધ :

    તસવીરો નેટ પરથી અને ગીતોની લિંક્સ યુ ટ્યુબ પરથી સાભાર લેવામાં આવી છે. તેનો કોઈ જ વ્યવસાયિક ઉપયોગ નહીં કરવામાં આવે.

    મૂલ્યવર્ધન …. બીરેન કોઠારી.


    શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com

  • બંદિશ એક, રૂપ અનેક (૧00): શ્રી વલ્લભાચાર્ય રચિત “મધુરાષ્ટક”

    નીતિન વ્યાસ

    શ્રી વલ્લભાચાર્યજીના પૂર્વજો આંધ્ર પ્રદેશના કાંકર પરગણામાં આવેલા વિષ્ણુસ્વામી સંપ્રદાયના કાકરપાઢુ ગામમાં રહેતા. તે કુટુંબોમાં  યજ્ઞયાગાદિક વૈદિક માર્ગ તરફ પૂરા આદરવાળી ગોપાલકૃષ્ણને ઇષ્ટદેવ માનતી વૈષ્ણવી પરંપરા હતી.

    લક્ષ્મણ ભટ્ટજીએ છેલ્લો ‘સોમયાગ’ પૂરો કર્યા પછી ત્રિવેણીમાં સ્નાન કવાનો તેમજ ત્યાં પ્રયાગમાં તથા કાશીમાં જઈ બ્રહ્મભોજન કરાવવાનો ભાવ હતો. જે, સપત્નીક જઈ પૂર્ણ કર્યો. ત્યારબાદ પ્રયાણ કર્યું  પ્રયાગ અને પછી કાશી પહોંચી ત્યાં વિરક્ત વૈષ્ણવ માધવેંદ્ર યતિની પાઠશાળામાં જ્યોતિષશાસ્ત્રનો અભ્યાસ સાધ્યો. દિલ્હીના સુલતાન  લોદી (ઈ. સ. ૧૪૫૦ – ૧૪૮૫)નાં લશ્કર આગળ વધતાં અને જોનપુરનો પ્રદેશ દબાવતાં કાશી નજીક આવેલાં સાંભળી કાશીવાસીઓ ત્યાંથી પોતપોતાના દેશ તરફ હિજરત કરવા લાગ્યા, ત્યારે લક્ષ્મણ ભટ્ટજી સહકુટુંબ કાશી છોડી આંધ્ર તરફ જવા નીકળ્યા અને કેટલાક દિવસો વટાવી આંધ્રના પ્રદેશની સરહદે આવી પહોંચ્યા, જ્યાં સં. ૧૫૨૯ ના ચૈત્ર વદિ ૧૧(અગિયારસ)  ને શનિવારે (તા. ૪ એપ્રીલ ૧૪૭૨ ) ભીમરથી નદીના કિનારે આવેલા ચંપારણ્ય નામના સ્થાનકે પ્રવાસના હડદોલાને કારણે શ્રી ઈલ્લમ્માગારુજી સગર્ભા હતાં એમણે રાત્રિ શરૂ થતાં ૯ ઘડી અને ૪૪ પળને સમયે બાળકને જન્મ આપ્યો. સાતમે અધૂરે મહિને પ્રસવ થવાથી ગર્ભને મૃતવત્ જોયો એટલે નજીકના ઝાડની બખોલમાં બાળક પર લૂગડું ઢાંકીને મૂક્યો અને શબને કોઈ વન્ય પશુ ઉપાડી ન જાય એ માટે ફરતે વીણી લાવેલાં લાકોટિયાં સળગાવી કુટુંબ આરામ કરવા સૂતું. સવાર થવા આવતાં અગ્નિના તાપથી પેલું બાળક ચીસ પાડવા લાગ્યું, જે સાંભળી સૌ ઊઠ્યાં અને બાળકને ખોળામાં લીધું. આ બાળક એ શ્રીવલ્લભાચાર્યજી.

    વલ્લભાચાર્યે યુવાવયે તીર્થયાત્રાઓ શરૂ કરી. વૈષ્ણવોને વિષ્ણુસ્વામીની પરંપરાની ભાગવતી દીક્ષા આપતાં આપતાં મારવાડની પૂર્વ સરહદ પરના ઝારખંડમાં આવ્યા. ત્યાં સમાચાર મળ્યા કે વ્રજમાં ગિરિ ગોવર્ધન ઉપરના મંદિરમાં પોતાના વિદ્યાગુરુ માધવેંદ્રયતિ શ્રીનાથજીની સેવામાં પોતાનું જીવન વ્યતીત કરતા હતા. તેઓશ્રી કેટલાંક વર્ષો ઉપર (ઈ. સ. 1483માં) સ્વધામ પહોંચી જતાં ગામડિયાઓ ત્યારથી શ્રીનાથજીની સેવા કરે છે. યાત્રા થંભાવી એઓશ્રીએ પહેલો મુકામ ગોકુલમાં શ્રીયમુનાજી ઉપરના ગોવિંદ ઘાટ ઉપર કર્યો, એ દિવસ સં. ૧૫૬૩ના શ્રાવણ ૧૧(અગિયારસ) અને ગુરુવાર નો હતો. सिद्धांतरहस्यમાં બતાવ્યા પ્રમાણે એઓશ્રીના હૃદયમાં નિ:સાધન શરણમાર્ગ‘પુષ્ટિમાર્ગ’ની સ્ફુરણા થયેલી.

    ગિરિગોવર્ધન ઉપર સં. ૧૫૫૬ના  વૈશાખ સુદિ 3, રવિવારે (તા. ૧૪ એપ્રિલ ૧૪૯૯) અંબાલાના પૂર્ણમલ્લ ઠાકુરે શ્રીનાથજીના મંદિરનું બાંધકામ શરૂ કરાવ્યું હતું અને ૨૦ વર્ષમાં એ તૈયાર થઈ જતાં સં. ૧૫૭૬ ના વૈશાખની સુદિ 3, અક્ષય તૃતીયાના દિવસે (તા. ૨ -૪-૧૫૧૯  અને શનિવારે) નવા મંદિરમાં પ્રભુપાટ પધાર્યા. આમ શ્રીનાથજીનો સેવાક્રમનો આરંભ થયો.

    ઈસવીસન ૧૫૩૧.જૂન મહિનાની ૨૬ મી તારીખે કાશીમાં તેમણે દેહ ત્યાગ કર્યો.

    શ્રીવલ્લભાચાર્યજી દ્વારા રચિત ૩૬ ગ્રંથો હાલ ઉપલબ્ધ છે. જેમાં ભાગવત મહાપુરાણની સુબોધિની,યમુનાષ્ટક, ગાયત્રી વ્યાખ્યા. ગાયત્રી ભાષ્ય.વગેરે પૈકીનું એક શ્રીનાથજીનાં ગુણગાન ગાતું  “મધુરાષ્ટક”.

    સાક્ષર શ્રી કે. કા. શાસ્ત્રી નાં લખેલા લેખ પરથી આ માહિતી લીધી છે. સ્ત્રોત: ગુજરાતી વિશ્વકોશ

    ॥ मधुराष्टक् ॥

    ભગવાનના  દર્શન થી  પ્રભાવિત થયેલા કવિ કહે છે

    તેમના હોઠ મધુર છે, મુખ મધુર છે, નયન મધુર છે, હાસ્ય મધુર છે, હૃદય મધુર છે, ગતિ મધુર છે મધુરાધિપતિ શ્રી ક્ર્ષ્ણનું સર્વસ્વ મધુર છે,

    अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरम् ।
    हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् ॥ १॥

     

    वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरम् ।
    चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् ॥ २॥

     

    वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ ।
    नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् ॥ ३॥

     

    गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरम् ।
    रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् ॥ ४॥

     

    करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं रमणं मधुरम् ।
    वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् ॥ ५॥

     

    गुञ्जा मधुरा माला मधुरा यमुना मधुरा वीची मधुरा ।
    सलिलं मधुरं कमलं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् ॥ ६॥

     

    गोपी मधुरा लीला मधुरा युक्तं मधुरं मुक्तं मधुरम् ।
    दृष्टं मधुरं शिष्टं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् ॥ ७॥

     

    गोपा मधुरा गावो मधुरा यष्टिर्मधुरा सृष्टिर्मधुरा ।
    दलितं मधुरं फलितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् ॥ ८॥

     

     ॥ इति श्रीमद्वल्लभाचार्यविरचितं मधुराष्टकं सम्पूर्णं ॥

    ભારતમાં સાલ ૧૯૫૪  માં “ભારત રત્ન” દ્વારા બહુમાન કરવાનો આરંભ કર્યો ત્યારે એ ખિતાબ ના પહેલા વિજેતા શ્રી એમ.એસ.સુબ્બુલક્ષ્મી (Madurai Shanmukhavadivu Subbulakshmi) . સાલ ૧૯૧૬માં મદુરાઈ, તમિલનાડુ માં જન્મેલા સુબ્બુલક્ષ્મી ને સંગીત શિક્ષા એમનાં માતુશ્રી  પાસેથી મળેલી. ત્યારબાદ પંડિત શ્રી નારાયણરાવ વ્યાસ પાસેથી સંગીત શીખ્યા. તેઓશ્રીએ ફક્ત ૧૩ વરસ ની ઉંમરે જાહેરમાં ગાવાનું શરૂ કર્યું. પ્રસ્તુત છબી તેમની ફિલ્મ “મીરા” માંથી લીધી છે. ૧૯૪૫માં ફિલ્મ તમિલ ભાષામાં બનેલી. પછી તેનું હિન્દી સંસ્કરણ રજુ થયેલું. સાલ  ૨૦૦૪ માં તેમનો સ્વર્ગવાસ ચેન્નાઇ ગામે  થયેલો.  શરૂઆત કરીએ શ્રીમતી  સુબ્બુલક્ષ્મી ના સુમધુર  સ્વરમાં “મધુરાષ્ટક” દ્વારા

    શ્રીમતી સુબ્બુલક્ષ્મી ની આ જ પ્રસુતિ સાથે ભરતનાટ્યમ, કલાકાર ચેન્નાઈની નૃત્યશાળા ની વિદ્યાર્થીનીઓ.

    ડો. સુભદ્રા દેસાઈ, NCPA મુંબઈ દ્વારા આયોજિત કાર્યક્રમનું  જીવંત પ્રસારણ

    મેવાતી ઘરાનાના મહાન ગાયક પદ્મ વિભૂષણ  સ્વ. શ્રી પંડિત જસરાજ

    સંગીતકાર અને ગાયક શ્રી શંકર મહાદેવન

    સુપ્રસિધ્ધ ગાયિકા શ્રેયા ઘોષાલ

    “મધુરાષ્ટક” ની કર્ણપ્રિય રજુઆત, સર્વ શ્રી આલાપ અને આશિત દેસાઈ નાં સ્વરમાં

    કલાકાર શ્રી સ્વાતિ મેહુલ જૈન ના સ્વરમાં આ પ્રસ્તુતિ સાંભળો,સંસ્કુત સાથે સ્વરિત હિન્દી ભાવાનુવાદ સાથે

    દક્ષિણ ભારત માં  ટોલીવુડ અને બાદમાં બોલીવુડ પણ સફળ ગાયીકા શ્રી સુપ્રભા કે.વી.

    ઈસ્કોન મંદિર નાં પ્રાંગણમાં કુ. ત્રિશા પારુલ

    દિલ્હીના કલા દર્શન નૃત્ય શાળાના સંચાલક અને પ્રસિદ્ધ કથ્થક નૃત્યાંગના શ્રી શ્રીવર્ણ રાવત

    મુંબઈની પ્રસિદ્ધ સંસ્થા નાટ્ય વિહાર કલાકેન્દ્ર ની રજુઆત

    સુરત સ્થિત રીતુ ડાન્સ સ્ટુડિયોની પ્રસ્તુતિ

    ચેન્નાઈની વિખ્યાત સંસ્થા કલાક્ષેત્ર સાથે સંકળાયેલા શ્રી અમરનાથ ઘોષ, ભરતનાટ્યમ અને કચ્ચીપૂડી નૃત્યકાર ની સુંદર પ્રસ્તુતિ

    કલકત્તાની નૃત્યાંગના શ્રી મોમિતા બિસ્વાસ

    કુચીપુડી નૃત્ય કલાકાર અવધ, અલીદા, અનજાન નરેન્દ્રન અને અહીર સુંદરન

    કલાકાર નિતા અંબાણી,  કુટુંબમાં વિવાહ પ્રસંગે:

    હેડફોન કાને લગાવી આ 8D Fuzion સાંભળો. કલાકાર છે શ્રી મહાલક્ષ્મી અય્યર

    શ્રી ચૈતન્ય મહાપ્રભુની પ્રેરણાથી શ્રી જયદેવે અષ્ટપદી માં ગીત ગોવિંદ રચ્યું. ત્યારબાદ સંસ્કૃતમાં ઘણી ભક્તિ રચના અષ્ટપદી માં રચાઈ છે..અષ્ટપદી વિવિધ રાગમાં વિલંબિત અને ઘૃત માં ગાવામાં આવેછે. સાથે ભરત નાટ્યમ, કુચીપુડી વગેરે નૃત્ય શૈલી સુંદર રીતે આ બંદિશો અનુરૂપ થાય છે.

    મથાળે મુકેલા ચિત્ર બાબત: દિલ્હીના સુલતાન સિકંદર લોદીએ શ્રી વલ્લભાચાર્યજી નું  ચિત્ર ચીતરવા પોતાના ચિત્રકારને આચાર્યશ્રીના નિવાસસ્થાને મોકલ્યો હતો, જે ચિત્રમાં પોતાની સામે પાટલા પર ભાગવતપુરાણની પોથી સામે એક શિષ્ય માધવ ભટ્ટ કાશ્મીરી શ્રીમહાપ્રભુજી લખાવતા જાય છે એ ‘સુબોધિની’ ટીકા ટપકાવી રહ્યા છે. કૃષ્ણદાસ મેઘન દંડવત્પ્રણામ કરી રહ્યા છે અને દામોદર હરસાણી બેઠા છે. આ ઐતિહાસિક ચિત્ર કિશનગઢ(રાજસ્થાનમાં અજમેરથી જયપુર જવાના માર્ગમાં આવતા નગર)ના રાજવીના સંગ્રહમાં સચવાઈ રહ્યું છે. હજારોની સંખ્યામાં આ ચિત્રની પ્રતિકૃતિઓ મંદિરો, ગ્રંથો તેમજ વૈષ્ણવોનાં મકાનોમાં સુલભ છે.

     જો કે મને ખાત્રી નથી કે એ આ જ ચિત્ર છે.  ચિત્ર ગૂગલ ઉપરથી લીધું છે.


    સાલ ૨૦૧૪ ના ઓક્ટોબર મહિનાથી અનાયાસે શરૂ થયેલી  આ શ્રેણી નો આ ૧૦૦ મો મણકો છે. શ્રીમતી કેસરબાઈ કેલકર ની ગાયેલી  ભૈરવી ઠૂમરી ‘બાબુલ મોરા નૈહર છૂટો જાય” નાં અનેકવિધ રૂપો ઉપર પહેલી વાર લખ્યું. . “વેબગુર્જરી” સંપાદન મંડળના સભ્યો તરફથી સારું પ્રોત્સાહન મળ્યું. અને આ શ્રેણી નિયમિત શરૂ થઇ. પ્રથમ તો શ્રી અશોકભાઈ વૈષ્ણવનો હું ઋણી છું,, જે મારું થીગડ થાગડ  લખાણ સારી રીતે કમ્પોઝ કરી, મઠારીને દર મહિને વેબસાઈટ પર મુકવા યોગ્ય બનાવતા રહ્યા. આ સંગીતમય શ્રેણીમાં ન હતી કોઈ સંગીત કે સાહિત્યની સેવા. પણ એક જિજ્ઞાસા હતી. અને તેના મૂળમાં હતું અમારું ભાવનગર નું ઘર, એ મહોલ્લો, ઘરમાં બાપુજી, કાકા અને તેમના મિત્રો નો  સંગીતનો શોખ..બાજુમાં સંગીતકાર જગદીપભાઈ વિરાણી રહે. વારે તહેવારે મહેફિલ જામે. ઓમકારનાથ, અબ્દુલ કરીમ, ફૈયાઝ ખાં. કેસરબાઈ જેવા દિગ્ગજ કલાકારો એ ગાયેલી બંદિશ, એક ચીઝ જયારે કાન  પર પડે ત્યારે ઘર યાદ આવે.
    આ સફર  ઘણા મિત્રોનો સહકાર મળ્યો. અને  તેમના જ સહારે અહીં સુધી ગાડી ચાલી. સર્વ શ્રી કનકભાઈ રાવળ , ભરતભાઈ પંડ્યા, જયંતભાઈ મેઘાણી, વિજયભાઈ શાહ – જેમણે માર્ગદર્શન આપ્યું, સૂચનો કર્યા. સર્વશ્રી  સરયુબેન  પરીખ, દેવિકાબેન ધ્રુવ, શૈલાબેન મુન્શા, સુરેશભાઈ બક્ષી  જેમણે સમય કાઢી કૃતિને અનુરૂપ રસદર્શન લખી આપ્યાં. ગાયક અને સંગીતકાર સર્વશ્રી  ભાવનાબેન દેસાઈ અને  દર્શનાબેન ભુતા જેમણે રાગ ઓળખવામાં ખૂબ સહકાર આપ્યો. સર્વ શ્રી અરુણાબેન જાડેજા, ગીતાબેન ભટ્ટ, વલીભાઈ મુસા, લતાબેન હિરાણી નો ખાસ આભાર માનવાનો. તેમણે લખેલા પુસ્તક અને વેબસાઈટ પર પ્રકાશિત થયેલ લખાણ, આસ્વાદ વગેરેનો ઉપયોગ કરવાની મંજૂરી આપી. આ યાદી ઘણી લાંબી છે.અને બધા સમાવેશ કરવો મુશ્કેલ છે. પણ તે દિગ્ગજ લેખકો ના પુસ્તકો, વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી, કવિતાકોષ, વિશ્વકોશ, ઈ-પુસ્તકો, વગેરેનો ખુબ સહારો લીધો છે.
    આ બધા સાથે સહુથી વધારે ઋણી છું  વેબગુર્જરીના વિશાળ વાચકોનો કે જેમણે આ કૉલમ વાંચી પોતાનો પ્રતિભાવ દર્શાવતા રહ્યા. આપ સર્વે નો ખરા દિલ થી આભાર.
    હા, જેનાં ઘરમાં હું રહું છું તેમની સહન શક્તિ ને વંદન સાથે સો સો સલામ. ચારુ વ્યાસ નો ૬૦ વરસ (પ૫ + ૫) નો સાથ છે. “તમારી આ “એક બંદિશ અનેક રૂપ” કોઈ વાંચતું નથી, કેટલો સમય બરબાદ કરો છો”… દર વખતે મને કહે અને છતાં મેં લખે રાખ્યું.
    કંઈ નવું સુઝશે અને આ વેબગુર્જરીના માનનીય સંચાલકો સંમત થશે તો ફરી મળીશું.
    સપ્રેમ પ્રણામ સાથે નીતિન વ્યાસ

    શ્રી નીતિન વ્યાસ નો સંપર્ક ndvyas2@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • ‘વિજ્ઞાન વિચાર’  પ્રાસ્તાવિક 

    આજ્થી લભગ ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન પર લખાયેલ એક પુસ્તકને દર મહિને એક એક પ્રકરણના હિસાબે વેબ ગુર્જરીના વાચકો સમક્ષ રજુ કરવાનો આ એક પ્રયોગ છે.
    આશા છે કે આજથી સો વર્ષ પહેલાં વિજ્ઞાન જેવા વિષય પર શું લખાયું હતું અને કેવી શૈલીનો પ્રયોગ થયો હતો તે જાણવા ઉપરાંત વિજ્ઞાનની ઘણી મૂળભુત બાબત વિશે પણ માહિતી મેળવવાનો આ પ્રયોગનો ઉદ્દેશ્ય છે.  અહીં મૂળ પુસ્તકનાં લખાણને તેનાં મૂળ સ્વરૂપે જ મુકવાનો પ્રયાસ કરેલ છે.
    ૧૯૨૬માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ આ પુસ્તકની પહેલી આવૃતિ પ્રકાશિત કરી હતી. તે પછી ૧૯૪૭માં ત્રીજી આવૃતિ  સમયે તેમાં નવી માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે અને જૂની માહિતી કાઢી નાંખી છે તેમ જ ધર્મ અને તત્વજ્ઞાનના પ્રશ્નોની નવેસરથી છણાવટ કરવા માટે તેવા પ્રકરણો પણ કાઢી નાખવામાં આવ્યાં અહીં જે આવૃતિમાંથી હપ્તાવાર પ્રકરણો રજૂ થશે તે ૧૯૪૮માં પ્રકાશિત થયેલ ચોથી આવૃતિમાંથી લીધેલ છે.
    સંપાદન મડળ – વેબ ગુર્જરી

    વિજ્ઞાન વિચાર – લેખક શ્રી પોપટલાલ ગોવિંદલાલ શાહ

    વૈજ્ઞાનિક વિચારનો અર્થ એમ નથી થતો કે લાબાં લાંબાં નામવાળાં વૈજ્ઞાનિક વિષષો સ’બ’ધી વિચાર. સ્વતંત્ર વૈજ્ઞાનિક વિષયો જ નહિ, મનુષ્યનુ વિશ્વ એ જ વિજ્ઞાનનો વિષય; એટલે મનુષ્યના ભૂતકાળ, સાંપ્રતકાળ અને ભવિષ્યકાળની બધી ધટનાઓનો તેમાં સમાવેશ થાય છે.

     – ક્લીફર્ડ


    શ્રી પોપટલાલ ગોવિંદલાલ શાહ  (૧૮૮૮-૧૯૬૯) – પરિચય

     ગુજરાતની બહુમુખી પણ અપ્રસિદ્ધ અને વિસ્મૃત પ્રતિભાઓમાંના તેઓ એક છે. વડોદરામાં જન્મેલા પોપટલાલને મહારાજા સયાજીરાવને હાથે શાળામાં ઇનામ મળેલું. મુંબઈની વિલ્સન કોલેજમાંથી રસાયણશાસ્ત્રની બી.એ. અને એમ. એસસી.ની ઉપાધિઓ મેળવી. નારાયણ વાસુદેવ સ્કોલરશીપ અને જેમ્સ ટેલર પ્રાઈઝથી નવાજિત પોપટલાલ રસાયણશાસ્ત્રના અધ્યાપક તરીકે ૧૯૧૦માં લાહોરની ફોરમેન ક્રિશ્ચિયન કોલેજમાં જોડાયા હતા.

    ૧૯૧૪માં ઇન્ડીયન ઓડીટ એન્ડ એકાઉન્ટ્સ સર્વિસમાં જોડાયા અને દ્વિભાષી મુંબઈ રાજ્યના એકાઉન્ટન્ટ જનરલ તરીકે ૧૯૪૩માં નિવૃત્ત થયા. ૧૯૩૬માં પોતે જ સ્થાપેલા ગુજરાત સંશોધન મંડળનું (ગુજરાત રિસર્ચ સોસાયટી) નિવૃત્તિના ૨૬ વર્ષમાં જતન કર્યું અને ગુજરાતની આદિવાસી જાતિઓ વિશે સંશોધન કર્યું. આ સંસ્થાના ત્રૈમાસિક સામયિકના (જર્નલ ઓફ ગુજરાત રિસર્ચ સોસાયટી) તેઓ ઘણાં વર્ષો સુધી તંત્રી રહ્યા હતા. તેઓ ૧૯૨૦થી ગુજરાતી સાહિત્ય પરિષદની સાથે જોડાયેલા રહ્યા હતા અને ૧૯૩૬માં વિજ્ઞાન વિભાગના અને ૧૯૬૫માં સમાજવિદ્યા વિભાગના અધ્યક્ષ રહ્યા હતા. ૧૯૩૩માં રવીન્દ્રનાથ ટાગોર મુંબઈ આવેલા ત્યારે તેમને મળીને વૈજ્ઞાનિક શબ્દસંગ્રહ અંગે ચર્ચા કરેલી.

    ગુજરાત, ગુજરાતીઓ, ગુજરાતી ભાષા, ગુજરાતના આદિવાસીઓના તેઓ હિતચિંતક હતા.

    તેઓ ગુજરાતી તેમ જ અંગ્રેજીમાં લખતા. તેમના પ્રકાશનોમાં વિજ્ઞાનવિચાર, વિજ્ઞાનવિનોદ, વિજ્ઞાનવિહાર, વૈજ્ઞાનિક શબ્દસંગ્રહ, ટ્રાઇબલ લાઈફ ઓફ ગુજરાત, એથનિક હિસ્ટરી ઓફ ગુજરાત, નાયકાસ-નાયકડાસ: એ ગુજરાત ટ્રાઇબ, વિમુક્ત જાતિઝ: ડીનોટીફાઈડ કમ્યુનીટીઝ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા મુખ્ય કહી શકાય.


    સ્રોત સંદર્ભ ઃ https://www.ekatrafoundation.org/p/vighan-vichar