હરેશ ધોળકિયા

એક જગ્યાએ લખ્યું છે કે મોટા લોકો વિશે સાંભળવું પણ એક મહત્વની બાબત છે. પણ તેના સમયમાં જીવવું એ વધારે ઉતમ ઘટના છે. તેમાં પણ જો એ મોટા લોકો સાથે સંપર્ક થાય તો તો તેને અદભુત બાબત જ ગણી શકાય. જે લોકો આ મોટા લોકોના સમયમાં જીવ્યા હોય કે તેમના સાથે રહ્યા હોય, તેઓ ખરેખર સદભાગી હોય છે. કલ્પના કરો કે બુધ્ધ, મહાવીર, શંકર, ગાંધી, શ્રી અરવિંદ કે મહર્ષિ રમણ સાથે રહ્યા હશે તેઓ કેટલા સદભાગી હશે ! આ બધાનાં સુગંધી વ્યકિતત્વો તેમનાં વ્યકિતત્વને કેવા ઉચ્ચ સ્તરે લઈ ગયાં હશે ?
પણ જરુરી નથી કે માત્ર વિશ્વવિખ્યાત લોકો સાથે રહેવું જ નસીબવતું છે. આવા લોકો તો યુગોમાં કયારેક થતા હોય છે. પણ પ્રતિભાશાળી લોકો તો દરેક સમયમાં અને દરેક ક્ષેત્રમાં થતા હોય છે. આવા લોકો સાથે પણ સંપર્ક રહે તો પણ ધન્યતાનો અનુભવ થાય છે. આમ તો ઘણાને આવી ધન્યતાનો અનુભવ થતો હોય છે, પણ બહુ ઓછા તે વ્યકત કરતા હોય છે. પણ જયારે આ અભિવ્યકિત સાંભળવા કે વાંચવા મળે છે, ત્યારે વાચકને પણ, ભલે ઝાંખો, પણ એવો જ ધન્યતાનો અનુભવ થાય છે.
તાજેતરમાં આવું પ્રતિભાશાળી લોકો સાથેના સંસ્મરણોના અનુભવનું એક પુસ્તક હાથમાં આવ્યું. લખનાર પોતે પણ એક અત્યંત પ્રતિભાશાળી વ્યકિત છે. આજે પણ છે. આપણે તેને ઓળખીએ પણ છીએ. તે એક ઉતમ સાહિત્યકાર છે, કવિ છે, ફિલ્મ દિગ્દર્શક છે, ફિલ્મની વાર્તાઓ લખે છે. આજે તે નવમા દાયકામાં જીવે છે, છતાં એટલા જ સક્રિય છે. ખ્યાલ તો આવી ગયો હશે, છતાં કહું તો તેમનું નામ “ગુલઝાર” છે. કેટકેટલી ઉતમ ફિલ્મો તેમણે બનાવી છે ! આજે પણ બનાવે છે. ઉતમ સંવેદનશીલ કાવ્યો સાથે ” બીડી જલાઈકે” જેવાં ફિલ્મી ગીતો પણ આરામથી લખે છે. અનેક ભાષાઓમાં પણ લખે છે. તેમનાં અનેક પુસ્તકો છે. પણ હમણાં તેમનું એક નવું પુસ્તક પ્રકાશિત થયું છે. અંગ્રેજીમાં. નામ છે ‘ એકચ્યુઅલી…..આઈ મેટ ધૈમઃ એ મેમ્વાર.” એટલે કે ‘ હું તે બધાને ખરેખર મળ્યો છુંઃ સંસ્મરણો.” ફિલ્મ જગતમાં આવ્યા પછી જેમના જેમના સાથે તેમનો સંપર્ક થયો છે, તે બધામાંથી કેટલાક ઉતમ ફિલ્મકારો સાથેનાં સ્મરણો છે. આમ પણ આત્મકથા, ચરિત્ર કે સંસ્મરણો વાંચવાનો એક વિશિષ્ટ લહાવો છે. એવું જ એક વિશિષ્ટ સંસ્મરણોનું આ પુસ્તક છે.
પુસ્તકનો સ્થૂળ પરિચય કરીએ તો આ પુસ્તકમાં ગુલઝારના સંપર્કમાં રહેલી અઢાર વ્યકિતઓનાં સ્મરણો છે. અને આ વ્યકિતઓ કઈ છે ? બીમલ રોય, સલીલ ચૌધરી, હેમંતકુમાર, સત્યજીત રે, ઉતમ કુમાર, કિશોરકુમાર, આર.ડી.બર્મન, સંજીવકુમાર, ત્રદષિકેશ મુખર્જી, પંડિત રવિ શંકર, સમરેશ બસુ, બસુ ભટ્ટાચાર્ય, ત્રદત્વિક ઘટક, પંડિત ભીમસેન જોશી, ભહાશ્વેતાદેવી, સુચિત્રાસેન, તરુણ મજમુદાર અને શર્મીલા ટાગોર.
ઈર્ષ્યા નથી આવતી આ નામો વાંચીને ? બધી અલબત ફિલ્મની જ વ્યકિતઓ છે. એક માત્ર મહાશ્વેતાદેવી સર્જક છે, પણ  પણ ફિલ્મ સાથે સંકળાયેલા તો છે જ. આ દરેક સાથે ગુલઝારે કામ કયું છે. એમાંના કેટલાક તો તેમનાથી ઘણા સીનિયર છે. છતાં વિશ્વાસપૂર્વક તેમના સાથે કામ કર્યું છે. કેટલાક તો આજે પણ છે અને સાથે કામ પણ કરે છે.
સંભવ છે, ઘણાને કેટલાક અજાણ્યા લાગવાના. કારણ એ છે કે તેઓ બંગાળી ફિલ્મ જગતના છે. નવી પેઢીને તો ઘણા અજાણ્યા લાગવાના. છતાં પણ તેમના સાથેનાં સ્મરણો વાંચશે તો એ બધાની પ્રતિભાનો ખ્યાલ આવશે. આ પુસ્તક વાંચવાનો હેતુ જ એ છે કે આ બધા કેવા પ્રતિભાશાળી હતા તેનો ખ્યાલ આવે. અથવા તો ફિલ્મ જગતમાં પણ કેવા કેવા પ્રતિભાશાળી લોકો હતા અને આજે પણ છે. મોટા ભાગના માને છે કે ફિલ્મ જગત અટલે છીછરા લોકોનો સમુહ. પૈસા, નાચગાન, ગમે તેમ જીવવું, બેફામ જીવન વગેરે ! પણ ના, આ લોકો પણ બીજા ક્ષેત્રના પ્રતિભાશાળીઓ જેમ જ પ્રતિભાશાળી છે. માટે જ આપણને દરેક ભાષામાં જે અનેક ઉતમ ફિલ્મો જોવા મળે છે, તે આ પ્રતિભાશાળી લોકોની મહેનત અને પ્રતિભાનું પરિણામ છે.
પણ પુસ્તક વાંચવાની મજા એ છે કે આ લોકો વ્યકિતગત રીતે કેવા હતા તેનો તેમાંથી ખ્યાલ આવે છે. બધાની વાતો તો ન કરી શકાય, પણ થોડાનો પરિચય કરીએ.
સલીલ ચૌધરી વિશે લખે છે, ” તેમની નજીક આવ્યો ત્યારે મને ખબર પડી કે આ વ્યકિત કેવી પ્રમાદી હતી ! તેને કેરમ રમવું ખૂબ પસંદ હતું. હમેશાં પીંગપોંગની ટેબલ પાસે જ જોવા મળે. પોતાના કામ સિવાય ગમે તે કરવાની તેયારી હોય. પણ જેવા હારમોનીયમ કે પીયાનોને સ્પર્શ કરે, તો પળમાંથી તેમાંથી જાણે અમૃતમય સંગીત પ્રગટવા લાગે. તેમના પાસે અનંત પ્રતિભા હતી. તેમના વિચારો નદી જેમ ધસમસતા વહેતા હોય. પુષ્કળ જીજિવિષા !
ગુલઝાર શરુઆતમાં સંઘર્ષ કરતા ત્યારે તેમને ઘર લેવાની ઈચ્છા હતી, પણ તેમના પાસે પૈસા ન હતા. ગાયક હેમંતકુમારને આ ખબર પડી કે તરત તેમણે પોતાનો એક મિત્ર ઘર વેંચતો હતો તેને પૈસા ચૂકવી દીધા અને ગુલઝારને કહી દીધું કે તેના માટે ઘર ખરીદી લીધું હતું. ગુલઝાર મૂંઝાયા ત્યારે બોલ્યા, ” ચિંતા ન કર, તારા મહેનતાણામાંથી કાપી લઈશ.” પણ મૂળ વાત કે સાથે કામ કરનારાની ઝીણી ઝીણી ચિંતા !

ગુલઝાર ‘મીરા’ ફિલ્મ બનાવવા માગતા હતા. તેનાં ગીતો લતા ગાય તેમ ઈચ્છતા હતા. પણ લતાએ કહ્યું કે તેણે મીરાંનાં ભજનો તેમના ભાઈ હૃદયનાથ સાથે મળી તૈયાર કર્યાં હતાં. આ ભજનો ફરી બીજા રાગમાં ગાવા માગતાં ન હતાં. ગુલઝાર મૂંઝાયા. આર.ડી.બર્મને તેમને મદદ કરવાની તેયારી બતાવી, પણ પછી કહ્યું કે તે જો આશા ભોંસલે પાસે ગવડાવશે તો લતાના કુટુંબમાં વિખવાદ થશે. એટલે તે પણ ખસી ગયા. છેવટે પંડિત રવિશંકર તૈયાર થયા. તે પણ લતા પાસે જ ગવડાવવા ઈચ્છતા હતા, પણ તે પણ લતાની વાત સમજયા. છેવટે તેમણે વાણી જયરામ પાસે ગવડાવ્યું. દરેક જણાએ દરેક જણાની સંવેદનશીલતાને સમજી.

સત્યજીત રે તો વૈશ્વિક વ્યકિતત્વ. તેમનો પરિચય ગુલઝાર આ શબ્દોમાં આપે છે ઃ ‘ સત્યજીત રેમાં એક અવર્ણનીય અપીલ હતી જે તેમનાં સમગ્ર વ્યકિતત્વને આવરી લેતી હતી. સિનેમા વિશેની સુપરનેચરલ સેન્સ, ફિલ્મ બનાવવાની અદભુત આવડત, અદભુત વ્યકિતત્વ, પુષ્કળ પ્રસિધ્ધિ, આત્યંતિક જાગૃતિ, છતાં બાળસહજ, પૂર્ણ કેન્દ્રિત-આ બધાનું તે એક અદભુત મિશ્રણ હતા. તેમનામાં એવું કશુંક હતું જેને સામાન્ય વ્યકિત તો સમજી પણ ન શકે.”
કિશોરકુમારની છાપ તો હમેશ વિચિત્ર રહી છે. અને હતા પણ ખરા. આ વિશે ગુલઝાર શું કહે છે ? ” તેમનું આ પાગલપણું, બાળસહજ તોફાનો-કશું ખોટું ન હતું. તે એવા જ હતા. પણ તે એવા તો પ્રતિભાશાળી હતા કે તેમનાથી દૂર રહેવાની કલ્પના પણ અસહ્ય હતી. અને તેમનો અવાજ ! આહા, અપ્રતિમ દિવ્ય. પણ તેનાથી વધારે અદભુત હતું તેમનું મસ્તક, તેમની બુધ્ધિ. તે ગમે તેવું જીવન જીવતા હોય-રંગીન, પાગલપણાવાળું, પણ આ બધા વિશે તે પૂર્ણ સભાન હતા. તેમના પાગલપણામાં પણ તે સો ટકા સભાન હતા. લતા કહેતાં કે કિશોરકુમાર સાથે જુગલબંધી કરવી ડરામણી હતી, સંગીતકાર પણ ડરતા. પણ એક વાર તે માઈક પાસે ઊભે કે પળમાં તેમનું વ્યકિતત્વ બદલાઈ જાય.  ગુલઝાર કહે છે કે એમ કહેવું ખોટું છે કે કિશોરદા વાસ્તવથી દૂર હતા. હકીકત એ હતી કે આપણી વાસ્તવિકતાથી તેમની વાસ્તવિકતા અલગ હતી. આપણે તે સમજી શકતા ન હતા. તે પોતાની વાસ્તવિક પ્રતિભા છૂપાવી જીવતા હતા. એટલે જ કદાચ અજ્ઞાનમાં આપણને તે પાગલ લાગતા હતા.
આર.ડી. બર્મનની પ્રતિભાથી તો ગુલઝાર પોતે પણ પાગલ હતા. તેમની સંગીત પ્રત્યેની લગન, નાનામાં નાની વસ્તુનો સંગીતમાં અદભુત રીતે ઉપયોગ કરવો વગેરે તેમની વિશિષ્ટતા હતી. જરુર પડે તો સોડાની બાટલીમાંથી નીકળતો “છુ….” ઘ્વનિનો પણ તે સંગીતમાં ઉપયોગ કરતા. તે એટલા બધા સર્જનાત્મક હતા કે તેમના સંગીતને કોઈ બ્રાન્ડમાં ઢાળી નથી શકાતું. દર પળે તેમને નવું નવું સૂઝતું. તેમના સંગીતને પ્રયોગાત્મક સંગીત જ કહી શકાય.
ત્રષિકેશ મુખર્જીની રમુજવૃતિ વિશે નોંધે છે ઃ તેમને કૂતરા ખૂબ ગમતા. તે તેમને માણસ જેમ જ રાખતા. એક વાર કોઈ તેમને મળવા ગયું. ત્યારે મુખર્જીએ નોકરને ચા લાવવાનું કહ્યું. પેલી વ્યકિતએ ચાની ના પાડી. ત્રદ્ષિકેશે તરત જવાબ આપ્યો, ” વાંધો નહીં. તમારા માટે નથી કહી. મારા કૂતરાને ચાનું વ્યસન છે. તે આ સમયે ચા પીએ છે. “
પંડિત રવિશંકર અને ભીમસેન જોશી વિશે તો ગુલઝાર વિસ્તૃત રીતે લખે છે. બન્નેની પ્રતિભાને ઉતમ રીતે વ્યકત કરે છે. તે જ રીતે મહાશ્વેતાદેવીની સર્જકતાને પણ આદરપૂર્વક સલામ ભરે છે. આવાં મોટાં સર્જક પણ દિલીપકુમાર પાછળ એવાં તો પાગલ હતાં કે તેમની એક વાર્તા પરથી ફિલ્મ બનાવવાનું નકકી થયું અને તેમના પાસે રજા માગી ત્યારે તેમને ખબર પડી કે એ ફિલ્મમાં દિલીપકુમાર હતા, તો તેમણે કોઈ પણ શરત વિના રજા આપી દીધી.

દરેક વ્યકિતત્વને ગુલઝાર ખૂબ લાડથી યાદ કરે છે. મીઠાશથી પોતાનાં સ્મરણો રજૂ કરે છે. અને એવી તો કવિત્વ રીતે રજૂ કરે છે કે વાચક પણ અજાણતાં તેમાં જોડાઈને તલ્લીન થઈ જાય છે. જાણે તે પણ ત્યારે હાજર હોય તેવી અનુભૂતિ કરે છે. આમ પણ દરેક વ્યકિત આત્યંતિક પ્રતિભાશાળી. ગુલઝાર પોતે પણ એવા જ પ્રતિભાશાળી. તેમાં તેમની કવિત્વથી છલકાતી કલમ. આ ત્રિવેણી સંગમના પરિણામે આ પુસ્તક ખૂબ જ રસિક અને રોચક બન્યું છે. પાનેપાનું ફરી ફરી વાંચવાનું મન થાય તેવું બન્યું છે. વાંચતાં લાગે કે ગુલઝાર તો છેલ્લા પચાસ સાઠ વર્ષથી આ ફિલ્મ જગતમાં છે. તે સંદર્ભે તેમણે ઓછાં વ્યકિતત્વોનો પરિચય આપ્યો છે. પણ હકીકત એ છે કે એક બંગાળી છાપાએ તેમને લખવાનું આમંત્રણ આપ્યું હતું. એટલે તેમણે બંગાળી લોકો જ પસંદ કર્યા. એટલે આટલાં જ વ્યકિતત્વો પસંદ કરેલ છે. પણ આપણે ઈચ્છીએ કે ગુલઝાર હજી પણ આવાં જ બીજાં પ્રતિભાશાળી વ્યકિતત્વોના પરિચય આપણને આપે.


પુસ્તક વિશે

( Actually … I Met Them … A Memoir : ગુલઝાર : પ્રકાશક-પેન્ગ્વીન રેન્ડમ હાઉસ, ગુરુગ્રામ : કિંમત- રૂ ૪૯૯.)


શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો

નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com


સંપાદકીય નોંધ ઃ
પોતાને આ પુસ્તક ખુબ ગમ્યું એટલે શ્રી બીરેનભાઈ કોઠારીએ આ પુસ્તકના કેટલાંક પ્રકરણોના રસપ્રદ અંશોના મુક્તાનુવાદ કરેલ છે. જ્યાં જ્યાં જરૂર જણાઈ ત્યાં તેમને એ  સાથે પૂરક માહિતિઓ કે ટિપ્પ્ણીઓ પણ ઉમેરેલ છે.
આ મુક્તાનુવાદો વેબ ગુર્જરી પર હવે થી દર મહિને ક્રમશઃ મુકવાનું વિચારેલ છે.